બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૬૨. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર તથા ઘાવડા મોટા ગામનો ઇતિહાસ

– પરસોત્તમ જી. ડાયાણી
મહામંત્રી

આજથી ૩૬૦ વર્ષ પહેલાં આપણી જ્ઞાતિમાં શીરવી પરિવારનાં ડાહ્યા બાપા તથા પોકાર પરિવારનાં  વિભા બાપા તથા ઘોળુ પરિવારનાં વડીલો એ સાથે મળીને વિ.સંવત ૧૭૧૯ માગશર સુદ ૫ અને તા. ૧૬-૧૧-૧૬૬૨ના રોજ મોટા ધાવડા ગામનું તોરણ બંધાવેલ અને ગામ વસાવેલ. ગામમાં અત્યારે જે શીવ મંદિર છે, તેમની બાજુમાં ઘબડા નામનું ઝરણું વહેતું હતું તો તેમના નામ પરથી ઘાવડા ગામનું નામ પડેલ છે. શિરવી શાખાના ડાહ્યા બાપાના નામ પરથી તેમના વંશજો ડાયાણી કહેવાયા, જે અહીં રહે છે. તેમજ પોકાર પરિવારના ભાણેજ એવા પારસીયા પરિવારનાં વડીલો અંગીયા ગામથી આવીને ઘાવડા ગામે વસ્યા.

ગામની સ્થાપના થયા બાદ જેમ આપણો પાટીદાર સમાજ સતપંથ સમાજને અનુસરતો હતો, એજ રીતે ઘાવડા ગામ પણ આજ ધર્મને અનુસરતો હતો. સમય જતાં આપણા સમાજ સુધારક વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીની પ્રેરણાથી ગામે ગામ લક્ષ્મીનારાયણ મંદિરો બનાવવાની ચળવળ ચાલુ હતી. તે દરમિયાન વિ. સંવત ૨૦૩૦માં શ્રી નારાયણ સરોવર જાગીર ટ્રસ્ટનાં અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી મધુસુદન લાલજી મહારાજનું વડીલોની પ્રેરણાથી ગામમાં આગમન થતાં, મહારાજશ્રી એ પુછેલ કે આ ગામમાં લક્ષ્મીનારાયણનું મંદિર છે કે નહિ. ત્યારે અમારા વડીલોએ જણાવેલ કે અમારા ગામમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર નથી. ત્યારે મહારાજશ્રીએ અમારા વડીલોની કડક શબ્દોમાં ઝાટકણી કાઢેલ તથા અમારી સમાજનાં દરેક પરિવારના આગેવાનોને સાથે રાખીને સંકલ્પ લેવડાવેલ કે કોઈ પણ સંજોગોમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની સ્થાપના કરજો, અને તેવો આદેશ પણ કરેલ.

જેથી અમારા ગામના વડીલોએ આપસમાં સલાહ સુચન કરીને સર્વ સંમતિથી મહારાજશ્રીના સુચનને વધાવી લીધેલ. ત્યારે પૂજ્ય મહારાજશ્રીએ સૌ પ્રથમ રૂપિયા ૧,૫૫૧નો પોતાનો અમુલ્ય ફાળો લખાવેલ અને મંદિરનું જેમ બને તેમ જલદીથી જલદી બાંધકામ કરવાનું જણાવેલ. મહારાજશ્રીએ આર્શીવાદ આપેલ કે તમારા મંદિરના કામમાં કોઈ પણ જાતનું વિઘ્ન નહિ આવે અને કામ સારી રીતે પૂર્ણ થઈ જશે. મહારાજશ્રીના આદેશથી અમારા ગામનાં વડીલો આ કાર્યર્માં તે દિવસથી જ કામે લાગી ગયેલ. ગામની આર્થિક પરિસ્થતિ સારી નહોતાં રૂપિયાને પહોંચી વળવા માટે અમારા વડીલોએ દેશ-પરદેશમાં ફરીને ફંડ ફાળો એકત્ર કરેલ. મંદિરનું બાંધકામ પૂરું થઈ જતાં વિક્રમ સંવત ૨૦૩૩ શ્રાવણ સુદ ૧૦ને તા. ૨૪-૦૮-૧૯૭૭ને બુધવારનાં રોજ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યારથી દર વર્ષે શ્રાવણ સુદ ૧૦ના રોજ પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થતાં સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ ૧૦ને તા ૧૭-૦૮-૨૦૦૨નાં રોજ રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવેલ તથા અમારા ગામમાં આજથી ૬૦ વર્ષ પહેલાથી ચાલી આવતી પરંપરાગત મુજબ દર સોમવારે રાત્રે ભજન સંતવાણી સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવે  છે. જે પરંપરા આજે પણ ચાલુ છે અને લક્ષ્મીનારાયણ મંદિરમાં વર્ષ દરમિયાન આવતા દરેક હિન્દુ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. અગાઉ અમારા ગામનો વહીવટ દરેક સમજદાર વડીલો દ્વારા કરવામાં આવતો હતો. જેમાં સમય જતાં વહીવટમાં માળખાકીય સુધારાની  જરૂરીયાત જણાતાં પ્રમુખ તથા કારોબારીની રચના સન ૧૯૯૮નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ.

Leave a Reply

Share this:

Like this: