ગામ વિરાણી–નાની શરૂઆતમાં સૌ કોઈ પીરાણાપંથી જ હતા. લગ્ન અને મરણોત્તર વિધિ પણ પીરાણા સતપંથના ધર્મ મુજબ જ થતી હતી. ગામમાં સૌ પ્રથમ સતપંથનો ત્યાગ કરનાર સુરાણી (ભગત) પરિવાર હતો. તેઓના વડીલશ્રી મુળજી કેશરા સુરાણી (ભગત)ના સૌ પ્રથમ અગ્નિસંસ્કાર કરવામાં આવેલ. ધીમે ધીમે બીજા પરિવારોએ પણ, પીરાણા સતપંથનો ત્યાગ કરી ગામના અન્ય જ્ઞાતિના સમાજજનોને સાથે રાખી ઈ.સ.૧૯૬૩માં નવરાત્રી ગરબીની સ્થાપના કરવામાં આવી હતી. કેટલાક વર્ષો બાદ ગામમાં શંકર ભગવાનનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું.
ગામની સ્થાવર મિલકત જેમ કે જગ્યા, સમાજવાડી, વરંડો વગેરે સમસ્ત કડવા પાટીદાર સમાજે સાથે મળીને વસાવી. જેનું રજીસ્ટ્રેશન ઈ.સ. ૧૯૬૨માં “કડવા પાટીદાર સમાજ – ગામ વિરાણી નાની” નામાભિધાન કરવામાં આવ્યું હતું. તે સમયમાં સૌ સાથે મળીને જ રહેતા. અમુક વર્ષો બાદ ઈ.સ.૧૯૯૮માં “શ્રી લક્ષ્મીનારાયણ સનાતની સમાજ”ની રચના કરવામાં આવી અને પીરાણાને માનવાવાળાએ બીજી સતપંથ સમાજની રચના કરી.
1994માં કડવા પાટીદાર સમાજની મિલકતને પીરાણાપંથીઓએ સતપંથ જ્યોતિધામ મંદિર એવા નામે નાયબ ચેરીટી ઓફીસ ભુજમાં ચૂપચાપ ફેરબદલી કરાવી નાખી. આનાથી ગામમાં કુસંપના બીજ રોપાણા. ધીમે ધીમે સતપંથી ભાઈઓના વાણી-વર્તન અને વહેવારમાં બદલાવ જોવા મળતાં સનાતની ભાઈઓને શંકા થવા લાગી કે આમાં કાંઈક કાળું છે. જેથી 1998માં મળેલ એક મિટિંગમાં સનાતનીભાઈઓએ એવી માંગણી મુકી કે આ મિલકતની રજીસ્ટ્રેશન કોપી બતાવો. તે વખતે મગન દાના ભગત કોપી લેવા ગયા અને મિટિંગમાં આવ્યા ત્યારે અસલ કોપીના બદલે ફાલતુ કાગળ બતાવ્યા. ગરમા ગરમી થઈ અને સનાતની ભાઈઓ નાયબ ચેરીટી ભુજથી નકલ કોપી કઢાવી ત્યારે સતપંથીઓના અસલી કરતૂતની ખબર પાડી. આગાઉ જણાવ્યા પ્રમાણે જે કુસંપના બીજ રોપાણા હતા એ હવે ઝઘડાનું રૂપ લેવા લાગ્યા.
આ મુદ્દે ચર્ચાઓ અને સમાધાન માટે મિટિંગની તારીખ નક્કી થાય પણ, તેમના પક્ષે કોઈ હાજરી જ ના આપે. સનાતની ભાઈઓએ આખરે ન્યાય માટે 1999માં રાજકોટ ચેરેટી કમિશનરમાં કેસ દાખલ કર્યો અને તારીખ ૨૦‑૦૨‑૨૦૦૨ના રોજે માનનીય ચેરીટી કમિશ્નર અધ્યક્ષ સાહેબે 1994માં ફેરફાર થયેલ મિલકતને પુનઃ ૧૯૬૨ના બનેલ ટ્રસ્ટ “કડવા પાટીદાર સમાજ”ના નામે કરવાનો હુકુમ આપ્યો. આ હુકમને સતપંથીઓએ માન્ય ના રાખ્યો અને ભુજ જીલ્લા કોર્ટમાં અપીલમાં ગયા. આ રીતે કોર્ટ કચેરીના કેસ ચાલતા રહ્યા.
સતપંથીઓના આવા વર્તનથી નારાજ થયેલ સનાતની ભાઈઓએ તેજ વર્ષે ઓગસ્ટ માસે વિરાણી નાની ના કોટેશ્વર મહાદેવ મંદિરનો ૨૫ વર્ષની રજત જયંતિનો ઉત્સવ સતપંથીઓને દૂર રાખી માત્ર સનાતન સમાજે ધામધૂમથી ઉજવ્યો. તેના પ્રત્યાઘાતમાં સતપંથીઓએ સનાતન સમાજના પ્રમુખ નારાણ નાનજી વાસાણી અને કોટેશ્વર મંદિર સમિતિના પ્રમુખ કરસન કાનજી વાસાણી સામે માંડવી તાલુકા કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડીને કેસ કર્યો. અન્ય સાત સતપંથીઓએ પણ અલગ અલગ તાલુકા કોર્ટમાં જઈને બીજા સનતાનીઓ પર પણ ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કર્યું. આમ, કુલ 12 સનતાનીઓ પર સાવ ખોટે ખોટા કેસ કરી હેરાનગતિ ચાલુ રાખી.
થોડા વર્ષ પહેલાં સતપંથીઓએ ગ્રામ પંચાયતમાંથી ખોટો ઠરાવ લઈને પાટીદાર સમાજવાડીમાં સુધારો કરવા લાગ્યા. નળીયા કાઢીને પતરા ચડાવ્યા. તે કામ કરતી વખતે સનાતન સમાજવાળા વિરોધ ના કરે અને બિકમાં રહે તે માટે દલિત સમાજના ભાઈઓને કાન ભંભેરણી કરી ચોકીદાર તરીકે રાખ્યા. સમાજ વાડીના એક રૂમમાં સનાતન યુવક મિત્ર મંડળનો નવરાત્રિનો સામાન હતો તે બહાર રસ્તા પર ફેંકી દીધો. દલિત સમાજના ભાઈ-બહેનો ચોકીદાર હતા એટલે આ લોકો ઉલટા સુલટા દાવા કરશે તેવી બીકમાં કોઈએ વિરોધ કરવાની હિંમત ના દાખવી. નવરાત્રી મંડળનો સમાન એક સતપંથી ભાઈના ઘરેથી ચુપચાપ યુવક મંડળ સામાન પરત લઈ આવ્યા.
હાલમાં સનતાનીઓએ પણ વળતા સામા કેસ કરેલ છે. આમ, કડવા પાટીદાર સમાજની મિલકત બાબતે ઘર્ષણ ચાલુ જ છે. ક્યાંક સામો પક્ષ આપણા યુવા ભાઈઓને ભોળવીને સનાતની એકતા તોડવામાં સફળ તો ક્યારેક નિષ્ફળ રહે છે. સારા અને સાચા પરિણામની અપેક્ષાએ કાર્ય કરી રહ્યા છીએ. તેમ છતાં સનાતનીઓની એકતા ખૂબ સારી છે.