વિક્રમ સંવત ૧૯૭૨ (ઇ. સ. 1916)થી અગાઉ લોકોમાં પીરાણા સતપંથ પ્રત્યેની અંધશ્રદ્ધાથી વટાળવૃત્તિનો સૂરજ તપતો હતો. તે દરમ્યાન અમારા ગામમાં પીરાણાથી ધર્મગુરૂ તે વર્ષે આવ્યા હતા. તે દરમ્યાન ગામમાં પરજ્ઞાતિના તેમના અનુયાયીઓના ઘરે નિરામીષ ભોજન આરોગેલ અને તેમણે તે ભોજનની ખુલ્લેઆમ પ્રશંસા કરી. તેથી અમારા વડીલો (૧) મુખી ગોપાલ રતના (૨) પટેલ રાજા કરસન (૩) દીવાણી મૂળજી કેશરા તેમજ ગામના અગ્રેસર ભાઈઓએ નારાજગી વ્યક્ત કરી. તે આપણી જ્ઞાતિના રચાયેલ સિદ્ધાંતની વિરુદ્ધ હોવાથી આવા ધર્મગુરૂઓની નાગચૂડમાંથી આપણા ભાઈઓને મુક્ત કરવા ગામમાં આવવા પર તેમની ઉપર પ્રતિબંધ મૂકવો. જેથી આપણા ભોળા અજાણ ભાઈઓ તેમના ગેરમાર્ગે દોરવણીથી મુક્ત થાય.
વિક્રમ સંવત ૧૯૭૨ શ્રાવણ માસના જન્માષ્ટમીના તહેવારના દિવસો (Aug 1916) દરમ્યાન રાંધણછઠ્ઠના દિવસે લિહાણી કરવા કાકાશ્રી રામજી વેરસલપુર ગામે પધાર્યા. લિહાણીનું કામકાજ પત્યા બાદ સમાજના વપરાશ માટે મજુસની ખરીદી બાબતમાં વિખવાદ થતાં રામજી કાકાશ્રી ગામ છોડી ચાલ્યા ગયા. ત્યારબાદ ભડલી ગામથી માજીમાંનું વેરસલપુર ગામે આવવાનું થતાં ગામના વડીલોએ તેમનો બહિષ્કાર કરી ઊતરવા આપેલ નહીં.
વિક્રમ સંવત ૧૯૭૯માં કાકાશ્રી રામજી પીરાણા ગાદીપતિ થતાં કચ્છમાં આગમન થયું. સમાજની જોહુકમીથી અમારા ગામના આગેવાનો એ આમંત્રણથી બોલાવ્યા તે દરમ્યાન સમાજના લાગા-લગમ જેવા કે (૧) દશોંદ – કુટુંબમાં કમાતી વ્યક્તિ દીઠ ચાર કોરી. (૨) સરબંધી – ચુલાદીઠ સવાકોરી મુજબ વસુલ કરતા. હિસાબ બાબત વિખવાદ થતાં કાકાશ્રી વહેલી સવારના કોઈને જાણ કર્યા વિના ગામ છોડી ચાલ્યા ગયા.
ત્યારબાદ અમારા ગામે સતપંથ સમાજના કોઈ ફંડફાળાઓ ચુકવ્યા નહિ. તેમજ ધર્મગુરૂઓ તથા કાકાશ્રીઓનું પણ આગમન થયું નથી. તે રીતે બહુ વહેલાસર ગામશ્રી વેરસલપુર સતપંથના નાદથી મુક્ત થઈ ગયું.
વર્ષો વીતતાં વિદેશમાં વસતા યુવાન ભાઈઓમાં શહેરના વાતાવરણથી જાગૃતિ આવતાં દેશમાં વસતા વડીલોના મનનું સમાધાન કરી વિક્રમ સંવત ૧૯૯૪ના આષાઢ સુદ-૨ બીજ એટલે 29-Jun-1938ના દિવસે સતપંથના પાટનું ઉત્થાપન કરી સનાતન સમાજની સ્થાપના કરી. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિનું સ્થાપન કર્યું. ધજાના બદલે પવન પાવડીથી ધજાગરો ચડાવ્યો.
વિક્રમ સંવત ૧૯૯૫માં ગામમાં બાળકો માટે ગામઠી સ્કૂલની સ્થાપના કરી. બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી. સંચાલન ગામ તરફથી થતું, મંદિર શિખરબંધ બનાવવાના આયોજનમાં ત્રણેક વર્ષ વીતી ગયાં. વિક્રમ સંવત ૧૯૯૭ના અખાત્રીજના દિવસે નીજ મંદિરના પાયા મુહુર્ત કરી તેનું આયોજન કર્યું. નીજ મંદિર સફેદ પથ્થરમાંથી શિખરબંધ બનાવવામાં આવ્યું. ગામમાં વસતા દરેક નાના મોટા સર્વે ભાઈઓએ ખભેખભા મિલાવી કાર્ય પરિપૂર્ણ કર્યું.
વિક્રમ સંવત ૧૯૯૮ના શ્રાવણ સુદ-૧૩ એટલે 24-Aug-1942ના શુભ દિવસે મંદિરમાં પાનમૂર્તિની પ્રતિષ્ઠા દેશલપર વાંઢાયના મહારાજશ્રી ઓધવરામજી ગુરૂ લાલદાસજીના વરદ હસ્તે કરવામાં આવી. મંદિરને પચાસ વર્ષ થતાં મંદિરની સુવર્ણ જયંતિ ઉજવવાની ચર્ચાઓ થઈ. જેમાં દેશમાં તેમજ વિદેશમાં વસતા ભાઈઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે જુના મંદિરની જગ્યાએ નવા નકશા મુજબ મંદિર બનાવી આરસ પહાણાની મૂર્તિઓ પધરાવવી તેવું આયોજન કરવામાં આવ્યું.
જુના મંદિરની ઉત્થાપન વિધિ તેમજ નવા મંદિરના પાયા મુહુર્ત વિ.સંવત ૨૦૪૭ના શ્રાવણ સુદ-૧૨ ગુરુવારના તા.૨૨-૮-૯૧ના રોજ હરિદ્વાર વસતા મહારાજશ્રી વાલદાસજી ગુરૂશ્રી ઓધવરામજીના હસ્તે કરવામાં આવ્યું.
મુંબઈ વસતા ભાઈઓ (૧) દિવાણી નરસિંહ કાનજી (૨) લીંબાણી હીરજી કરમશી (૩) દિવાણી ખીમજી જેઠા. જેમણે તન-મન-ધન અને સમયનો ભોગ આપી કામ કર્યું છે. તેમનું કાર્ય જોઈ ગામના દરેક ભાઈઓએ તેમના કાર્યને બિરદાવવું જોઈએ.
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત ૨૦૪૮ શ્રાવણ સુદ-૧૩ મંગળવાર તા.11-Aug-1992ના રોજ બ્રહ્મકાંડી જ્યોતિષી મોટી વિરાણીવાળા આચાર્યશ્રી રેવાશંકર રતિલાલ રાવળના હસ્તે કરવામાં આવી.