Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– CA ચંદુભાઈ ભાણજી નાકરાણી
થાણા
સનાતન ધર્મની જ્યોત જગાવી તેને સદા જલતી રાખવામાં અમુક ગામોનો ફાળો નોંધપાત્ર છે. રવાપર ગામની ગણના એવા સનાતની ગામ તરીકે કરી શકાય. શરૂઆતમાં ફક્ત બે કુટુંબો સનાતની થયા એટલે તેમનો સામાજિક બહિષ્કાર થવા લાગ્યો. એની પરવાહ કર્યા વગર સનાતની વિચારધારાવાળાઓની વસ્તી વધવા લાગી. જ્યોતિષધામના બે મેડામાંથી એક મેડો મેળવી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૪૯ (સંવત ૨૦૦૫)માં કરવામાં આવી. તે વખત એ વિસ્તારમાં શ્રી લક્ષ્મીનારાણય ભગવાનનું મંદિર ક્યાંય ન હતું. એ રીતે લક્ષ્મીનારાયણ સનાતન સમાજની શરૂઆત થઈ. તેનો પ્રભાવ આજુબાજુના ગામોમાં પણ પડવા લાગ્યો અને સનાતન ધર્મનો પ્રસાર થવા લાગ્યો.
મંદિરની સ્થાપના તો થઈ, પણ પ્રશ્ન આવ્યો સમાજના વાસણોના વપરાશનો. લગ્ન પ્રસંગે તથા ઈત્તર પ્રસંગોએ સનાતનીઓને વાસણો તથા રસોઈનો સામાન વાપરવા ન આપવાનો નિર્ણય લેવાયો. વાસણોના રૂમ પર તાળું હતું. તેના પર સનાતન સમાજના ભાઈઓએ પોતાનું તાળું માર્યુ. ઝઘડો વધતાં કોર્ટ દ્વારા સીલ મારવામાં આવ્યું. કેસ રાજકોટ કોર્ટ સુધી પહોંચ્યો. છેવટે બંને પક્ષો દ્વારા સમજુતી થઈ કે જ્યાં સુધી તે વખતના મુખી જીવતા હોય ત્યાં સુધી તેનો વહીવટ તે કરશે અને ત્યારબાદ બંને સમાજની સહમતિથી વહીવટ કરવો. વાસણો વગેરે બંને સમાજના સભ્યો વાપરી શકશે.
સમય જતાં સનાતની કુટુંબોની વસ્તી વધવા માંડી. યુવક મંડળની સ્થાપના થઈ. વિવિધ ધાર્મિક તથા સામાજિક ઉત્સવો થવા લાગ્યા અને લાયબ્રેરીની સ્થાપના થઈ. આને કારણે યુવકોમાં આકર્ષણ થવા લાગ્યું. એકબીજાને મળતા થયા અને સનાતની વિચારોને પ્રોત્સાહન મળવા લાગ્યું. બહુમતિ થતાં મુખી તથા તેમના બીજા કાર્યકર્તાઓને મળવા ગયા. સનાતની પ્રસાદથી અવગત કરાવ્યા. ત્યારે મુખીએ જણાવેલ “છોકરાઓ તો તમારા જ છે અમને રહેવા દો. અમે હવે નવું કેમ શીખીએ.” તે વડીલોની ભાવનાને અનુલક્ષી તેમના પર દબાણ ન કર્યું. બંને સમાજો પોતપોતાના પંથે ચાલતી રહી.
વસ્તી વધવાને કારણે મંદિર નાનું પડવા લાગ્યું. નવા મંદિરની રચના કરવામાં આવી. ઉદ્ઘાટન પહેલાં એટલે કે ઈ.સ.૧૯૭૪માં ફરી મુખીને મળવા ગયા ત્યારે મુખીએ પ્રેમથી કહ્યું “હવે તમને જેમ ઠીક લાગે તેમ કરો.” સહમતિ મળતાં ધાર્મિક વિધિથી પાટનું નદીમાં વિસર્જન કર્યુ. બે સમાજ હતી તેમાંથી એક સમાજ થઈ. બધુ સંપ સુલેહથી થયું તેથી બંને પક્ષના ભાઈઓમાં બિલકુલ કડવાશ ન રહી. દબાણ કર્યુ હોય તો તે કામ કદાચ વહેલું થઈ શક્યું હોત, પણ લોકો વચ્ચે ખટાશ તો રહી ગઈ હોત. નવા મંદિરનું ઉદ્ઘાટન રંગેચંગે થયું. મુખીને ઉદ્ઘાટન વખતે મંચ પર યોગ્ય સ્થાન અપાયું હતું. આ રીતે એક કઠીન કામ સંપ અને પ્રેમથી પાર પડ્યું અને ઈ.સ.૧૯૭૪થી રવાપરમાં સતપંથ સમાજનું સનાતન સમાજમાં એકીકરણ થઈ ગયું. સનાતન સમાજના વડીલોનો ખાસ આગ્રહ હતો આ પૂરી પ્રક્રિયામાં ક્યાંય હલકી ભાષા વાપરવી નહિ. તેથી જ સમાજમાં પ્રેમ જળવાઈ રહ્યો છે. આ પ્રયોગનું અનુકરણ આજુબાજુના બીજા ગામોમાં પણ થયું.
યુવકોમાં એવી જાગૃતિ થઈ હતી કે તેઓ કાકાની વેલ આવતી ત્યારે ગામના પ્રવેશદ્વાર અને રસ્તા પર ગોઠવાઈ જઈ વેલને ગામમાં દાખલ થવા દેતા નહીં.
એ સમય એવો હતો કે છોકરા-છોકરીઓને વધારે ભણાવવા ન જોઈએ એવું ઠસાવવામાં આવ્યું હતું. પરંતુ રવાપરના વડીલો તેથી અલગ વિચારના હતા. તેઓ વિદ્યાર્થીઓને આગળ ભણવાનું પ્રોત્સાહન આપતા. એટલું જ નહિ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ બાબત વ્યક્તિગત રીતે રસ લેતા અને તેમને જોઈતી મદદ પણ કરતા. તેથી રવાપરમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું રહેતું. ખૂબ જ ગર્વની વાત છે કે આપણી સમસ્ત સમાજમાં મેટ્રીકમાં પ્રથમ પાસ થયેલ યુવક અને યુવતી બંને રવાપરના છે. (સ્વ.શ્રી દાનાભાઈ અરજણ જાદવાણી અને શ્રીમતી લક્ષ્મીબેન પોકાર (ભાદાણી).
સમાજના ધારા ધોરણોની વાત કરીએ તો કહી શકાય કે તે ચુસ્ત રીતે પાળતા. રવાપરમાં છેલ્લાં લગભગ ૭૦ વર્ષોમાં મૃત્યુબાદ કોઈને દાટવાનો પ્રસંગ બનેલ નથી. મુખી અને તેમના પત્નીને પણ અગ્નિદાહ આપવામાં આવેલ.
રવાપરમાં અત્યારે શ્રી લક્ષ્મીનારાયણ સમાજ અને શ્રી સ્વામીનારાયણ સત્સંગ સમાજ એમ બે સનાતની સમાજો છે. બંને સમાજો સંપથી હળીમળીને પોતાની પ્રવૃત્તિઓ કરે છે. એકબીજાના ઉત્સવોમાં સહભાગી થતા હોય છે.
રવાપરમાં સનાતન ધર્મનો પ્રસાર થયો તે સમાજના વડીલોના અથાગ પ્રયત્નોને આભારી છે. પણ અપૂરતી માહિતીને કારણે કોઈ વડીલનું નામ લખવાનું રહી જાય તો તેમને અન્યાય થઈ શકે, તેથી કોઈપણ વડીલોના નામોનો અહીં ઉલ્લેખ કરેલ નથી અને અહીં ફક્ત સનાતનને સ્પર્શતા વિષયોનો જ ઉલ્લેખ કરેલ છે.
પૂ. સ્વ. શ્રી લાલજી સોમજી નાકરાણી અને સનાતની ચળવળ
રવાપર નિવાસી સ્વ.શ્રી લાલજીભાઈ નાકરાણી કરાંચીમાં રહી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા હતા. કરાંચીમાં જે સનાતની ચળવળો થઈ, તેમાં ખંતપૂર્વક ભાગ લેતા. તેમણે કરાંચીમાં થયેલ અધિવેશનોમાં ભાગ લીધેલ હતો. પોતે ચુસ્ત સનાતની હતા. સૌ સમાજના ભાઈઓને સનાતન ધર્મમાં આવી જવા સમજાવતા અને મુશ્કેલીમાં તેમને મદદ કરતા. તે વખતના ગેઢેરાઓ એ કેમ સહન કરી શકે? તેથી તેમના અને રવાપરના જ શ્રી રતનશી શીવજી નાકરાણી (પાટીદાર ઉદયના તંત્રી)ના પરિવારોને નાત બહાર કરી બંનેના કુટુંબોનો બહિષ્કાર કરવામાં આવેલ. તેમને કૂવામાંથી પાણી ભરવા ન આપવું, તેમનું ઘર કોઈએ ન બતાવવું, લગ્ન કે બીજા પ્રસંગો માટે સમાજના ગાદલાં, ગોદડાં વાપરવા ન આપવાં, પરિવારના છોકરાં સાથે સગપણ ન કરવા વગેરે રીતે હેરાનગતિ કરવામાં આવતી. તેના ઉપાય રૂપે પૂ. બાપાએ રસ્તા શોધવા પ્રયત્નો કર્યા હતા. જેમકે, પાણી માટે આંગણામાં જ કૂવો ખોદાવ્યો. તેમના ભાણેજ સ્વ. શ્રી દાનાભાઈ, જે સારા ચિત્રકાર હતા તેમણે ઘરની બહાર કરા પર તેમનું નામ મોટા અક્ષરે ચિત્રિત કરી આપેલ. વાસણો તથા ગાદલા વગેરે પોતાના જ વસાવી લીધેલ. સગપણો દૂર રહેતા સનાતનીઓ સાથે કરવાની શરૂઆત કરી. લગ્ન પ્રસંગોએ આપણા સમાજ સુધારકો સ્વ. શ્રી નારાયણભાઈ રામજી તથા સ્વ. શ્રી નારાયણભાઈ શીવજી વગેરેની ટીમ હાજરી આપતી.
તે દરમ્યાન એક કિસ્સો એવો બન્યો, જે તેમની મક્કમતાનો પરિચય આપે છે. પ્રસંગ હતો તેમની બે ભત્રીજીઓના લગ્નનો. બંને જાનો આવી ગઈ. પણ વિગોડી ગામના સ્વ. શ્રી મુળજી ખીમજી ગોરાણીની જાનના વડીલોએ હઠ પકડી કે લગ્ન તો મુખીથી થવાં જોઈએ. પૂ. લાલજીબાપાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ કે તેમ નહીં બની શકે. લગ્ન ચોરીમાં વેદમંત્રોથી જ થશે. એક બહેનના લગ્ન થયાં. બીજી બહેનના લગ્ન અટકી પડ્યાં. મોડી રાતે વેવાણ આવ્યા. કરગરવા લાગ્યા કે લીલા તોરણે આવેલી જાન પાછી કેમ જાય? પણ પૂ. બાપા પોતાના નિર્ણયમાં મક્કમ હતા. છેવટે વેવાણ તૈયાર થયાં. બ્રાહ્મણોએ મુહુર્ત કાઢ્યાં અને બીજે દિવસે બપોરે લગ્ન થયાં. તે સમયમાં દીકરાવાળા તરફથી આવી હિંમત તો ભાગ્યે જ કોઈ કરી શકે.
ઈ.સ.૧૯૪૯માં રવાપરમાં લક્ષ્મીનારાયણ સમાજની રચના થઈ અને મંદિરની શરૂઆત થઈ. તેમાં સમાજના પ્રથમ પ્રમુખ તરીકે તેમની નિમણુંક થઈ. મંદિરમાં ધાર્મિક અને સામાજિક પ્રસંગોની ઉજવણી થવા લાગી. આજુબાજુના ગામોને પણ લક્ષ્મીનારાયણ મંદિર નિર્માણ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપતા અને કોઈ પ્રશ્નો ઉભા થાય તો તેનું નિરાકરણ પણ કરી આપતાં. તેમના માર્ગદર્શન હેઠળ કેટલાંય ગામોમાં મંદિરોના નિર્માણ થયાં હતા.
એક વખત તેમને પૂછવામાં આવ્યું હતું કે સમાજના વાસણ વાપરવા બાબતના કેસમાં રાજકોટ સુધી લડી ખર્ચ કર્યો તેના બદલે નવા વાસણો લઈ લીધાં હોત તો કદાચ સસ્તું પડ્યું હોત. ત્યારે તેમણે જવાબ આપેલ કે “સવાલ પૈસાનો નથી, પણ સિદ્ધાંતનો છે. આપણે આજુબાજુના ગામોના લીડર કહેવાઈએ અને આપણે જતુ કર્યુ હોત તો બાકીના ગામોને પણ તેમનો હક્ક ન મળ્યો હોત. કોર્ટનો ચુકાદો આપણી તરફેણમાં આવવાથી બધા ગામોને યોગ્ય લાભ મળી શક્યો.”
ભારતના ભાગલા થયા બાદ કરાંચી છોડી આવ્યા પછી રવાપરમાં જ સ્થાયી થયા હતા. એ કહેતા “અમે પણ કમાવા માટે કચ્છ બહાર જઈ શક્યા હોત પણ સનાતન સમાજમાં આવેલ લોકો હજી મક્કમ નથી. તેમને કોઈ ભોળવી ન જાય તે માટે સતત ઘસારાની જરૂર છે. તેથી તેમને સતત ઘસારાથી મક્કમ કરવાના મિશનથી કચ્છમાં બેઠા છીએ.” તેથી લોકોને મળતા ટુચકા અને ધાર્મિક દૃષ્ટાંતો આપી તેમને મક્કમ કરતા હતા. રવાપરમાં ઈ.સ.૧૯૭૪માં નવા લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ થયું ત્યારે મંદિરના શિખરનો કળશની સ્થાપના તેમના હાથે થઈ હતી.
પૂ. બાપા ભણેલ ન હતા, પણ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરિત કરતા. પ્રોત્સાહન થયેલા વિદ્યાર્થીઓ આજે પણ તેમને યાદ કરે છે. છેલ્લે પાટીદાર વિદ્યાર્થી ભવન, નખત્રાણાની બાંધકામ સમિતિના એક સભ્ય તરીકે સેવા આપેલ.
કહેવાય છે કે એક ગામમાં વિદ્યાર્થીઓએ સનાતન ભાઈઓની જનોઈઓ તોડી નાખી. પૂ. બાપાને જાણ થતાં તે તુરંત કરાંચીથી કચ્છમાં આવ્યા. દેવીસર જઈ રતુ મહારાજ (જે આપણી સનાતન ચળવળ સાથે સંકળાયેલ હતા.)ને લઈ તે ગામે પહોંચીએ ભાઈઓને જનોઈ ફરીથી પહેરાવી હતી. કરાંચીમાં પણ જ્યારે કોઈની તબિયત બગડતી કે મુશ્કેલી આવતી તો તેમને લઈ કચ્છમાં જઈ બનતી આર્થિક મદદ કરી તેમને ઘરે પહોંચાડતા.
પૂ. બાપા હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને સામાજિક ધારા ધોરણોનું ચુસ્તપણે પાલન કરતા. જ્યારે સમાજના નેતાઓ જ સામાજિક નિયમો ઉલ્લંઘન કરતા, ત્યારે તેમને ખૂબ જ દુઃખ થતું અને સ્પષ્ટ વક્તા હોવાને નાતે કહેતા કે જો તેમનું ઘરમાં ન ચાલતું હોય તો પહેલાં ઘરે પૂછીને પછી જ સમાજના ધારા ધોરણો બનાવો. તેમની કથની અને કરણીમાં બિલકુલ ફરક ન હતો.
પૂ. બાપા વિષે બનેલ બીજી એક ઘટના જાણવા જેવી છે. ભુજની એક ધર્મશાળામાં ઉતર્યા હતા (ત્યારે આપણી વાડી ન હતી) ત્યાં એક બ્રાહ્મણ પરિવાર પણ આવ્યું હતું. બોલવામાં ચતુર એવા તેમણે તેમની સાથે દોસ્તી કેળવી અને જાણી લીધું કે તે પરિવાર હાજીપીરની યાત્રા કરીને આવ્યું હતું. જમવા સમયે એ પરિવારે પૂ.બાપાને જમવાનું આપવા લાગ્યા. તેનો પૂ. બાપાએ અસ્વીકાર કર્યો અને કહ્યું “તમારું જમવાનું અમને ન ચાલે.” પેલા બ્રાહ્મણ ભાઈને ખૂબ આશ્ચર્ય થયું અને કહ્યું કે “અમે તો ઉચ્ચ કોટીના બ્રાહ્મણ છીએ તો તમને કેમ ન ચાલે” ત્યારે બાપાએ જવાબ આપ્યો “જે બ્રાહ્મણ હોઈ હાજીપીરની યાત્રાએ જાય, એવા બ્રાહ્મણનું જમવાનું અમને ન ચાલે.” બ્રાહ્મણ ભાઈ એકદમ સમજી ગયા અને કહ્યું, “પટેલ, મારી ભૂલ થઈ. તમે મારી આંખો ઊઘાડી દીધી. હવે પછી હું ક્યારેય હાજીપીર જેવાં સ્થળોએ નહીં જાઉં.” પોતે તો હિન્દુ ધર્મ ચુસ્તપણે પાળતા, પણ સામેવાળાને પણ ચતુરાઈથી તેનો ધર્મ બતાવી દીધો.
સનાતની ક્રાંતિમાં આપણી બહેનો અને માતાઓએ પણ યોગ્ય સહકાર આપેલ. પૂ. લાલજીબાપાના ધર્મપત્ની માતાજી વાલબાઈ પણ પિયર જતાં ત્યારે પોતાનું જમવાનું પોતે જ અલગ બનાવતાં.
પૂ.બાપા પોતે કરાંચીમાં હતા ત્યારે તેમના બાળકનું મૃત્યુ થયું. તે વખતની સમાજે તેમનો બહિષ્કાર કર્યો હોવાથી એ મૃત બાળકને અંતિમ ક્રિયા માટે કોણ લઈ જાય? તેથી માતાજીએ હિંમત દાખવી, મૃત બાળકને ઘરે છોડી, ઘરને તાળુ મારી વાડીઓમાં પોતે જઈને સ્વામીનારાયણ સંપ્રદાયના પરિવારના ભાઈઓને જાણ કરેલ.
આવા કેટલાંય નામી, અનામી વીર અને વીરાંગનાઓએ આપેલ ભોગને પરિણામે આપણો સનાતન સમાજ આજના સ્તરે પહોંચ્યો છે. સૌને કોટી કોટી વંદન. જય સનાતન.