૫૫. કંઠી વિસ્તારના સનાતની શિલ્પકાર : શ્રી વિશ્રામ મેઘજી રામજીયાણી
– મોહનભાઈ રતનશી રામજીયાણી ઘટકોપર, મુંબઈ
વિશ્રામ મેઘજી રામજીયાણી તે વખતે દેશલપર ગામથી ભારાપર અને ભારાપર થી કોડાય ગામમાં આવી વસવાટ કરેલ. કોડાય ગામની વસ્તી પંચરંગી હતી. આપણા તમામ વડીલો તે વખતે સતપંથ પાળતા હતા. એક વખત વિશ્રામ બાપાને કહેવામાં આવ્યું કે આ તમારો આ કેવો હિન્દુ ધર્મ છે જેમાં, બધી કાર્યપદ્ધતિ મુસલમાનની છે છતાં, તમે તેને હિન્દુ તરીકે માનો છો? આવો શેરીમાં ઠપકો મળતા વિશ્રામ બાપાએ મનોમન તે જ વખતે નિર્ણય કરી લીધો કે આ સતપંથને છોડીને મૂળ સનાતન ધર્મ અંગીકાર કરીશ.
પરંતુ, આ કાર્ય એટલું સરળ ન હતું. તે વખતે સમાજ સુધારક તરીકે વિશ્રામ બાપાને સતપંથ સમાજ તરફથી બહુ મોટા વિરોધનો સામનો કરવો પડ્યો. પરંતુ, બાપાએ એકદમ અડગ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો અને કંઠી વિભાગના 21 ગામમાં ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો બનાવીને સતપંથમાંથી નાતને છોડાવવાનું નક્કી કર્યું. તે વખતે વિશ્રામ બાપાએ મદનપુરા ગામમાં પહેલું મંદિર બાંધવાની જવાબદારી લીધી અને સંવત 1994 (ઇસ. 1938)માં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું.
તે વખતે દુર્ગાપુર ગામમાં જ્યારે મંદિર બનાવવાની ચળવળ ચાલુ હતી ત્યારે, જૂના ધર્મના ભાઈઓ તરફથી ગણી તકલીફ ઊભી કરવામાં આવતી. તે વખતે ત્યાંનાં પૂ. શ્રી અરજણ ગોપાલ વેલાણી સાથ સહકાર માટે કોડાય મદનપુરા પૂ. વિશ્રામ બાપા પાસે આવ્યા અને બધી જ હકીકત જણાવી. ત્યારે, વિશ્રામ બાપાએ કહ્યું કે આ લોકો કામમાં અડચણ ઊભી કરવાના જ છે પરંતુ, આપણે ખૂબ હિંમતથી કામ લેવું પડશે. તમે દુર્ગાપુર નવાવાસ જઈ આપણા ભાઈઓ જે તમારી સાથે જોડાયેલા છે તેમણે હિંમત આપો અને ભગવાનનું નામ લઈને આડું અવળું જોયા વગર કામમાં લાગી જાઓ. કદાચ મારી જરૂર પડે તો ખબર મોકલાવજો હું અને મારા સાથી મિત્રો પૂરી પલટન સાથે નવાવાસ આવી જઈશું. જોઉં છું કે આપણી સામે કોણ આવે છે. આપણને જેવા પડશે એનાથી ડબલ દેવાશે માટે હિંમત રાખીને કામ આગળ વધારજો.
પૂ. વિશ્રામ બાપા મદનપુરા ગામના મુખી હતા. સામાજિક, પારિવારિક, સરકારી, પોલીસ તંત્ર વગેરેમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હતા. કોઈપણ જાતની મુશ્કેલી આવે તો તેમાંથી માર્ગ કાઢવાની હિંમતવાળા હતા. તેમને પૂછ્યા વગર મદનપુરા-કોડાઈ ગામમાં પોલીસ તંત્ર પગ મુકવાની હિંમત કરી શકતું નહોતું. એવી તેમની છાપ હતી. તેઓ અને અરજણ બાપા ખાસ મિત્ર હતા. બંને મિત્રો સામાજિક કાર્યો સાથે રહીને કરતા. મદનપુરા ગામમાં બધા જ પરિવારો પૂજ્ય વિશ્રમ બાપાની આમન્યા રાખતા. તેઓએ નિર્ધારિત સામે પહેલા મદનપુરા મંદિર તૈયાર કરીને સમાજને સંચાલન સોંપ્યું.
આમ, હિંમતવાન, બુદ્ધિવાન અને સામાજિક કાર્યમાં સેવાના ભેખધારીના હસ્તે બંધાયેલ મદનપુરા ગામના લક્ષ્મીનારાયણ મંદિરને 75 વર્ષ પૂરા થવાની સાથે આખાય વિસ્તારમાં ભગવાન લક્ષ્મીનારાયણની સનાતની ધજા લહેરાવનાર આ સમુદ્ર તટના કંઠી વિસ્તારના ભેખધારીઓ એવા શ્રી વિશ્રામ મેઘજી રામજીયાણી (મદનપુરા-કોડાય), શ્રી અરજણ ગોપાલ વેલાણી અને શ્રી ભાણજી નાનજી વેલાણી (દુર્ગાપુર-નવાવાસ) તેમજ શ્રી રત્નાબાપા (છકોશીવાડી-તલવાડા, રામનગર) આ ચારેય વડીલોએ સાથે મળીને કંઠી વિસ્તારના 21 ગામોને સતપંથ મુક્ત કરી સનાતન ધર્મની ધજા લહેરાવતા શ્રી લક્ષ્મીનારાયણ મંદિરો ગામે-ગામ બંધાવી સનાતન ધર્મની સ્થાપનામાં પાયાનું કાર્ય કરેલ છે. આ ચારેય વડીલો અને આ કાર્યમાં સહકાર આપનાર તે વખતના સૌ વડીલોને જેટલા વંદન કરીએતેટલાઓછાછે.