બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૫૪. ખોંભડી ગામનો સનાતની ઈતિહાસ

– સનાતની ભાઈ રમેશભાઈ માવજી વાગડિયા
બેંગલોર 

સંવત ૨૦૦૨ ના વૈશાખ સુદ પૂનમ દિનાંક 16May-1946ના પવિત્ર દિવસે આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું ખોંભડી ગામમાં પાન મૂર્તિ સ્વરૂપે આગમન થયું. ત્યારની પરિસ્થિતિનું આકલન કરશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા જ્ઞાતિ સુધારક વડીલો સતપંથ સામે કેટલા જજૂમ્યા હશે. સતપંથના પુર વેગે વહેતા પ્રવાહની વિરુધ્ધમાં સામે પ્રવાહે આપણા મૂળ સનાતન હિંદુ ધર્મની કેડી જ્ઞાતિમાં પુન: કંડારવી એ નાની સુની વાત નોહતી. એ કાર્ય કયા સુધારક વડીલોએ કર્યું એ મહત્વનું નથી પણ તે કાર્ય થયું તે અતિ મહત્વ નું છે. ગામમાં પાન મૂર્તિ વાળા મંદિરની (જુના મંદિરની) સ્થાપના થયાને ઠીક ૨૫ વરસ પુરા થયા પછી આપણે અત્યારે મોજુદ ભગવાન શ્રી લક્ષમીનારાયણનું પાકી મૂર્તિઓ વાળું મદિર આપણા વડીલોએ બનાવ્યું તે પણ નાની સુની વાત તો નથીજ.

ખોંભડી ગામના સુધારક વડીલ શ્રી નારાયણ શિવજી વાગડિયા આપણી જ્ઞાતિના આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીના અને શ્રી રતનશી ખીમજી ખેતાણીના સંસર્ગમાં આવ્યા હોવાથી આપણી જ્ઞાતિને હિન્દુપણાથી વિમુખ કરવા માટે થઈને જવાબદાર એવા ઈમામશાહ બાવા દ્વારા ઉભો કરવામાં આવેલ પીરાણા સતપંથ ધર્મને સદાયને માટે તિલાંજલિ આપી હતી. મુંબઈમાં સનાતની ચળવળ વખતે અનેક સભાઓમાં વડીલ શ્રી નારાયણ શિવજી વગાડીયાની મુલાકાતો એ બંને વડીલો સાથે થઇ હતી. ખોંભડી ગામમાં પીરાણા સતપંથ વિચારધારાને પડકાર આપીને સનાતની વિચારધારાને સુદ્રઢ બનાવવા માટે ભગીરથ પ્રયત્નો શ્રી નારાયણ શિવજી વગાડીયાએ કર્યા હતા. તેમની અને ખોંભડીના બીજા એવા સનાતની વડીલ શ્રી માધવજી ભીમજી ભગતની સનાતની વિચારધારા એટલી બધી દૃઢ અને પ્રબળ હતી કે તે બંને વડીલો સન ૧૯૪૪ માં વાંઢાય સ્થિત કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના વખતેની કેન્દ્રીય સનાતની સમાજની પહેલી કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તે કાળે અને તે સમયે ખોંભડી ગામમાં આ બંને વડીલોએ ખાના પંથીઓ સામે સતપંથી વિચારધારા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

તે સમયે સતપંથ વિરુધ્ધ આવો અવાજ ઉઠાવવો એ એક લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી. છતાં પણ ખાના પંથીઓ તરફથી નાત બહાર કરી નાખવા જેવી, સંબંધો અને સગપણ સાંતરાં કપાઈ જવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ખોંભડી ગામમાં સનાતની વિચારધારાને પ્રસ્થાપિત કરવામાં તેઓ સફળ થયા હતા. અઢાર–અઢાર વરસો સુધી નાત બાહર રહીને પણ તેઓ હિંમત હાર્યા નહોતા. ઢીલા પોચા હૃદયના કમજોર માણસો આવી જ્ઞાતિ તરફથી યાતનાઓ આવી પડે તો શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. તે સમયે આખા ખોંભડી ગામ માંથી સનાતની વિચારધારા બાબતે સાથ હતો ફક્ત અન્ય ત્રણ પરિવારોનો. તેમાંનો એક પરિવાર હતો માધવજી ભીમજી ભગતનો પરિવાર, બીજો પરિવાર હતો જેઠા બાપા ઉકાણીનો પરિવાર એટલે ડો. ગંગદાસ બાપા ઉકાણીનો પરિવાર અને ત્રીજો પરિવાર હતો મુળજીભાઈ શિવજી વાસાણીનો પરિવાર. આ પરિવારોએ ૧૮-૧૮ વર્ષ લગી સતપંથ સમાજના નાત બહાર જેવા ફતવાઓની હાડમારી ભોગવી હતી.

શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજ દ્વારા સ્થાપના પામેલ સમાજનું જુનું પાન મૂર્તિઓ વાળા મંદિરના ઉદ્ઘાટનના બીજા દિવસે જ ૮૦-૯૦ ઘર ખાના પંથીઓથી છુટા પડીને આપણી શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજમાં ભળી ગયા હતા. તેનો મુખ્ય શ્રેય વિરાણી વાળા વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણી અને ખોંભડી ગામના વડીલ શ્રી લધારામ બાપા રવાણી (હાટ વાળાને) જાય છે. વિરાણી વાળા રતનશી ખીમજી ખેતાણી તે વખતની આપણી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના (કેન્દ્રીય સમાજના) સ્થાપક પ્રમુખ હતા અને લધારામ બાપા હાટ વાળા ખોંભડી ગામના એક સાહુકાર ગ્રહસ્થ હતા, જેમનો દિલ્હીમાં મોટો કારભાર હતો. ત્યાર પછી કાળ ક્રમે લગભગ બધાય ભાઈઓ (અમુક ભાઈઓને મુકીને) ખોંભડીની સતપંથ સમાજથી છુટા પડીને, પીરાણા સતપંથ ધર્મને સદાયને માટે તિલાંજલી આપીને આપણો મૂળ સનાતન હિંદુ ધર્મનો પુન: અંગીકાર કરીને સનાતન સમાજમાં ભળી ગયા હતા. હવે આજે અમુક જ પરિવારો સતપંથ સમાજમાં રહ્યા છે. પણ ગામના સનાતની ભાઈઓને મનમાં એક નિશ્ચયની સાથે વિશ્વાસ પણ છે કે ખોંભડી ગામના ખાના વાળા સર્વે ભાઈઓ સનાતન સમાજમાં ભળી જશે અને ખાનાની જે કાંઈ મિલકત જે મૂળ આખા ગામની હતી તો ભવિષ્યમાં એક દિવસ શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજની થઈ ને રહેશે. સત્ય આખરે સત્ય થઈને જ રહે છે.

ગામના પ્રથમ સનાતની વડીલ શ્રી નારાયણ શિવજી વગાડીયનું એક સપનું હતું કે ખોંભડી ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ નું મંદિર બને અને તેમાં ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાન મૂર્તિ ની સ્થાપના થાય. પણ એમની એ  ઈચ્છા તેમની હયાતીમાં પૂર્ણ થઈ શકી નહિ એ વાતનો અફસોસ તે વખતના સનાતની ભાઈઓને ખુબ જ થયો. પણ વિધિનું વિધાન સ્વીકારે જ છૂટકો. ત્યાર પછી તેમનું અધૂરું મુકાયેલું કાર્ય વડીલ શ્રી માધવજી ભીમજીએ, વડીલ શ્રી મુળજી શિવજી વાસાણીએ, ડો. ગંગદાસ ઉકાણીએ, વડીલ શ્રી જેઠા બાપા ઉકાણીએ, વડીલ શ્રી મેઘજી શિવજી વાગડીયાએ અને વડીલ શ્રી રતનશી નારણ વગાડીયાએ પરી પૂર્ણ કર્યું. મંદિરની સ્થાપના સંવત ૨૦૦૨ ની તા.૧૬.૦૫.૧૯૪૬ ના થઈ ત્યારે શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજના સ્થાપક પ્રમુખ શ્રી નારણ શિવજી વાગડિયા નો દેહ પંચ મહાભૂત માં વિલીન થઈ ચુક્યો હતો.

નવા મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઈ.સ.૧૯૭૦ વી.સ. ૨૦૨૬:

વી.સ. ૨૦૨૬  ચૈત્ર સુદ ૧૩ દિનાંક 19-Apr-1970ના શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજે ખોંભડી ગામમાં નવા મંદીરનું ઉદ્ઘાટન કર્યું અને ધામ ધૂમથી આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા જુના મંદિર (પાન મૂર્તિ વાળા મંદિર)ની સ્થાપના ને બરાબર ૨૫ વરસ પછી કરવામાં આવી હતી. તેથી જુના મંદિરની અને શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજની હીરક જયંતી અને નવા મંદિરની સુવર્ણ જયંતી મહોત્સવ ખોંભડી ગામના સૌ સનાતની ભાઈઓ દિનાંક 01 થી 04‑May‑2023 ઉજવવાના છે.

Leave a Reply

Share this:

Like this: