Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– ડો. વસંત અરજણ ધોળુ
તલોદ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું ઉત્તર અને દક્ષિણ સાબરકાંઠા ઝોન સમાજ અને યુવાસંઘનું સાબર રીજીયન એટલે આપણી સમાજની કચ્છ પછી સૌથી વધુ વસ્તી ધરાવતો પદેશ. જેને બીજા કચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી સંપૂર્ણ સાબરકાંઠા, અરવલ્લી જીલ્લો અને બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર જીલ્લાના મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલ પ્રદેશો એમ સાત જીલ્લાના 350 ઉપરાંત કંપા/ગામો કે ફાર્મ અને 8 વિભાગીય સમાજોનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો કપડવંજથી અમીરગઢ અને વિજયનગર થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં સનાતની સંગઠનની મિશાલ કાયમ કરતો વિસ્તાર એટલે સાબર. અતિતની અટારીએથી જોઈએતો સનાતન ધર્મ માટે આ વિસ્તારના વડીલો અને યુવાઓનું પદાર્પણ અનોખું અને સવિશેષ રહેલ છે.
સાબરકાંઠાના વડીલોએ કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર, વાંઢાય નિર્માણનો વિચાર અને પાયો નાખ્યો
વિક્રમ સંવત ૨૦૦૦ના કારતક વદ ૧૪ના દિવસે રામપુરા કંપા (હાલનું અણીયોર કંપા)માં વડીલ હંસરાજ નારણ પોકારના અધ્યક્ષ સ્થાને આયોજિત “શ્રી વિજય મંડળ સંસ્થાની જનરલ સભામાં કચ્છ વાંઢાયના સંત શ્રી સાધુ દયાળદાસ (શિષ્ય ગુરુ પૂ. ઓધવરામ શિષ્ય ગુરુ પૂ. લાલરામ મહારાજ)ના સનાતન ધર્મ અંગેના પ્રવચનથી પ્રેરાઈને સાબરકાંઠાના મોતેસરી કંપાના વડીલ હરિભાઈ કરમશીભાઈ ભાવાણીએ આપણા કેન્દ્રસ્થાન અને માતૃભૂમિ એવા કચ્છ – ઈશ્વર નગર વાંઢાય ખાતે કુળદેવી ઉમિયા માતાજીના મંદિર નિર્માણનો પ્રસ્તાવ મુકેલ. જેને આઠ દિવસ બાદ બોરડીટીંબા કંપા ખાતે યોજાયેલ ત્રિ દિવસીય સામાજિક સભા જે આ વિસ્તારના સનાતાનીઓ માટેના અધિવેશન સમાન હતી. જેમાં સૌ પ્રથમ જ્ઞાતિના રીતરીવાજો બનાવવામાં આવ્યા. આ સભામાં વાંઢાય ખાતે ઉમિયા માતાજી મંદિર નિર્માણના પ્રસ્તાવને સૌએ સ્વીકાર્યો. જેથી અંતરની લાગણીને સૌએ વધાવતાં દાનવીર હરિભાઈએ સ્વેચ્છાએ રૂ.૧૦૦૧ અર્પણ કરી સનાતની દાયિત્વ અદા કરેલ. આ સભામાં ઉપસ્થિત અન્ય સમાજજનોએ પણ દાન નોધાવતાં કુલ રૂ. ૧૪૮૯નું દાન મળેલ. વધારાની માહિતી આ પુસ્તકના ખંડ 1ના પોઈન્ટ 150.23 અને 150.24માં આપેલ છે.
આમ, સાબરકાંઠા વિસ્તારના ભાઈઓ દ્વારા ૧૯૩૮માં સ્થપાયેલ સનાતની કેન્દ્રીય સમાજ રચનાને શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના વિચાર અને આર્થિક અનુદાન દ્વારા બળ પૂરું પાડી સનાતની વિચારધારાના અમલીકરણ માટે અન્ય વિસ્તાર માટે પ્રેરણાદાયી કાર્ય કરેલ.
જ્ઞાતિનું સૌ પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાનમૂર્તિ મંદિર સ્થાપના
જ્ઞાતિને પુનઃ સનાતન ધર્મમાં પરત લાવવા માટે ચાલી રહેલ સનાતન ધર્મ જાગૃતિ ચળવળમાં સાબરકાંઠા વિસ્તારની ભૂમિકા પણ અગ્રેસર રહેલ છે. તે સમયે પૂ. સંતશ્રી ઓધવરામ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી મુંબઈ સ્થિત પૂ. રતનશી ખીમજી ખેતાણી, નારાયણ શિવજી નાકરાણી, શિવદાસ કાનજી નાકરાણી (વિરાણી મોટી) અને રાજારામભાઈ શામજી ધોળુ(માનકુઆ)ના પ્રયત્નોથી જ્ઞાતિનું સૌ પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પાનમૂર્તિ મંદિરની સ્થાપના સંવત ૧૯૮૪ના બીજા શ્રાવણ સુદ-૧૧ને શનિવાર તા.૨૬.૦૮.૧૯૨૮ અત્રેના બોરડીટીંબા કંપા ખાતે થયેલ. ત્યાર બાદ તખતગઢ, રામસી કંપા, મગનપુરા કંપા, હીરાપુર કંપા, માધવ કંપા, અમીનપુરા લાટ, ગોટાડી લાટ, મગનપુરા લાટ, મોતેસરી, ખરોડ કંપા (રણજીતપુરા), નવાનગર વગરે સ્થળે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પાનમૂર્તિ અને મૂર્તિ પ્રતિષ્ઠા મંદિર સ્થાપિત કરીને સનાતની ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરેલ છે.
યુવાસંઘ સાબર રીજીયનનો સનાતની ટંકાર…
કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર અને યુવાસંઘના સનાતની અભિગમ પછી નખત્રાણા ખાતે સાબરના યુવાઓ દ્વારા રજુ થયેલ સ્વર્ણિમને સથવારે… નાટ્ય કૃતિ તેમજ સમજે પાટીદાર, સનાતન ધર્મ જાગૃતિ સભાઓ વગેરેમાં યુવાઓની સક્રિય સામેલગીરીના લીધે યુવાસંઘ સાબર રીજીયનને અનેક આક્રમક વલણ ધરાવતા યુવાઓની સનાતની બ્રિગેડ પ્રાપ્ત થઇ.
સમજે પાટીદાર
કેન્દ્રીય સમાજ દ્વારા શ્વેત પત્ર પ્રસિધ્ધ થયા સાબરકાંઠા વિસ્તારના જ્ઞાતિજનોમાં સનાતની જુસ્સાને વધુ બળવત્તર બનાવવા કેન્દ્રીય સમાજના ઉત્તર (નરસિંહભાઈ રામાણી-પ્રમુખ) અને દક્ષિણ સાબરકાંઠા(પૂનમભાઈ ધોળુ-પ્રમુખ) ઝોન અને યુવાસંઘ સાબર રીજીયન(સૌરભ રામાણી-ચેરમેન)ના સંયુક્ત ઉપક્રમે હિમતનગર મુકામે ૮૦૦૦કરતાં વધુ જ્ઞાતિજનોની વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં “સમજે પાટીદાર તો વિકસે પાટીદાર” ના બેનર તળે યોજાઈ. જેમાં કેન્દ્રીય સમાજ પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણી અને શિર્ષ નેતૃત્વ, ઊંજા ઉમિયા માતાજી સંસ્થાનથી કેશવલાલ શેઠ અને મણીભાઈ મમી, તેમજ હિમંતભાઈ ખેતાણી, રમેશભાઈ વાઘડીયા અને પ્રેમજીભાઈ કેશરાણી જેવા અનેક પ્રખર સનાતની વક્તાઓની તેજાબી વાણીએ કંપા વિસ્તારના સનાતનીઓના દિલ જીતી લીધા હતા. આ સભામાં ૫૫ જેટલા ટોચના સમાજ અગ્રણીઓની સૂચક હાજરીએ પીરાણાપંથીઓમાં ફફડાટ ઉભો કરી દીધેલ. સાથે સાથે માનવતા વાદી અને સમરસતાની ઢીલી વિચારધારા વાળા સમાજજનોમાં સનાતની મજબૂતાઈ બળવત્તર બનવાની સાથે કેન્દ્રીય સમાજના અભિગમ સાથે દિલથી જોડાણ થયું.
આમ, સાબરકાંઠા કેન્દ્રીય સમાજના શ્વેતપત્રના ચુસ્ત અમલીકરણ માટેના ઠરાવો પસાર કરનાર ભારતનો પ્રથમ વિસ્તાર બન્યો. આ સભાથી મવાળોમાં ફફડાટ ફેલાઈ ગયેલ અને સાબરકાંઠાના યુવાઓમાં નવી સનાતની ક્રાંતિના બીજ રોપાયાં.
કર્તવ્ય દર્શન
યુવાસંઘ ટીમ સાબર રીજીયન દ્વારા સનાતની કાર્યો ફૂલ સ્પીડમાં ચાલી રહ્યા હતા, તેમાં ક્યાંક ક્યાંક પીરાણા પંથીઓ કરતાં મવાળવાદી વિચારધારા ધરાવતા મૂળ સનાતનની વડીલો સ્પીડ બ્રેકર બની વધુ મુશ્કેલી ઉભી કરતા હતા. તેઓની પીરાણાપંથીઓ તરફની કુણી લાગણી કે જાહેરમાં ખુલ્લા ન પડવું કે કોઈ રાજકીય લાભ માટે કે પછી પોતાની સીટ ટકાવી રાખવા ઢીલું વલણ અખત્યાર કરતા હતા. આ વડીલોમાં સનાતનની વિચારધારાને પુનઃ જાગૃત કરી તેઓનું સનાતની સત્વ સમાજ માટે ઉપયોગી થાય તે હેતુસર અયોધ્યા ધામ – સુંદરપુરા ખાતે યુવાસંઘના “શરમાળ સસલાને સાહસિક સિંહ બનાવીએ અને મવાળને મર્દ બનાવીએ”ના સ્લોગન હેઠળ “કર્તવ્ય દર્શન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. ગામે ગામની દરેક સમાજના પ્રમુખ-મંત્રીઓ, વિભાગીય સમાજોના સૌ હોદ્દેદારોને આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહે તે મુજબનું આયોજન કરેલ. જેમાં કેન્દ્રીય યુવાસંઘ અને કેન્દ્રીય સમાજના નેતૃત્વએ માર્ગદર્શન પૂરું આપેલ.
આમ, આ કર્તવ્ય દર્શન કાર્યક્રમથી સાબરના સૌ વડીલોમાં પુનઃ સનાતની ચેતનાનો સંચાર કરી કેન્દ્રીય સમાજ સાથે એકરૂપ થઈ આ વિસ્તારને સંતશ્રી દયાલ દાસજી અને પૂ. ઓધવરામજી મહારાજે કંડારેલ સનાતની કેડી પર પથ સંચલન કરી કર્તવ્ય દર્શન દ્વારા મવાળવાદી વલણ ત્યજી પુનઃ કટ્ટર સનાતનની વિચારધારામાં પરિવર્તિત કરવામાં સફળતા મળેલ.
મોદ પરિષદ – સંપર્ક યાત્રાઓ : જન જનમાં સમાજ ભાવના પ્રગટાવી
2012માં ટીમ સાબર દ્વારા ડો. વસંત ધોળુના નેતૃત્વમાં મિશન ચેરમેન ભરત સુરાણી અને ચીફ સેક્રેટરી જીતેન્દ્ર દિવાણીના કર્મઠતાથી કેન્દ્રીય સમાજ, યુવાસંઘ દ્વારા થઇ રહેલ સંગઠન અને વિકાસ કાર્યોની જાણકારી તેમજ સનાતન જાગૃતિ માટે તમામ કંપા અને શહેરમાં વસતા પ્રત્યેક યુવાઓ, વડીલો, મહિલાઓ સુધી પહોચાવનું નક્કી કર્યું.
આ માટે કોઈપણ જગ્યાએ ખોટો ખર્ચ ના થાય, વધુ સમય ના બગડે, સ્વાગત-સન્માનને ટાળવું અને ફક્ત પ્રકાશ-પાણી અને પાથરણું જ જોઈએ તેવા આત્મીય ભાવ સાથે એક નવતર પ્રયોગ કર્યો. જેમાં “ના માળા, ના માઈક, ના મંચ” સાથેની સનાતની દિલ જીતવા માટેની સભાઓ યોજવામાં આવી. જેમાં મોટાભાગે પાથરણા તરીકે ખાતરની ખાલી થેલીઓથી ખેડૂતોએ બનાવેલ મોદ (ચટ્ટાઈ) વાપરવામાં આવતી. જેના પર બેસીને સૌ સાથે રયાણના સ્વરૂપમાં વાતો કરી. તેથી આ સભાઓને “મોદ પરિષદ” તરીકે ઓળખવામાં આવી. લોકો સાથે બેસવાથી જે પરિણામ મળ્યું તેના માટે કોઈ શબ્દો નથી. આમ, સાબરની મોદ પરિષદ પુરા ભારતમાં પ્રચલિત થઈ અને એક પ્રકારે સનાતની સંપર્ક યાત્રા સાબિત થઇ.
પ્રથમ સનાતની ક્રિકેટ –વોલીબોલ મહોત્સવ
સમાજના યુવાનોમાં ક્રિકેટ રમત પ્રત્યેનો લગાવ જોતા તેઓ પીરાણાપંથીઓ દ્વારા સમાજને પડતી મુશ્કેલીઓ બાજુમાં મુકીને રમતમાં કણબી તરીકે સતપંથ – સનાતનનો ભેદ ભૂલી ઉનાળામાં લાંબા સમયના નાઈટ ક્રિકેટના મિક્સ આયોજન થતાં. યુવાસંઘ સાબર રીજીયન દ્વારા સનાતન મોહિમને ધ્યાનમાં રાખી આવા આયોજનો ફક્ત સનાતાનીઓ માટે થાય તેવું આયોજન વિચાર્યું.
ટીમે આ ક્રિકેટ રસિયા યુવાનોને પ્લેટફોર્મ આપવાનું કાર્ય કર્યું. જેની શરૂઆતમાં તખતગઢ અને ખેરોજ કંપાએ સહકાર આપી નક્કી થયેલ કે મિક્સમાં શરુ થઇ ગયેલ આયોજન બંધ રાખી અને ફક્ત સનાતન સમાજ સાથે સંકળાયેલ અને યુવાસંઘ ફેમિલી આઈડી ધરાવતા મિત્રો માટેના પુનઃ આયોજન કરી યુવાસંઘ ટીમનો જુસ્સો વધાર્યો. ત્યાર બાદ યુવાસંઘ સાબર રીજીયન દ્વારા દરેક વિસ્તારમાં એક સાથે અસંખ્ય ક્રિકેટ મહોત્સવનું આયોજન કર્યું, જેમાં પીરાણાપંથી યુવાઓને દૂર રાખ્યા.
આજ પ્રકારે સનાતની રાત્રી વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ ઈશ્વરપુરા કંપાથી કરવામાં આવેલ. રમશે સનાતની… જીતશે સનાતની… બંધુત્વની સાંકળથી બંધાશે સનાતની… ના નારા સાથે દરેક રમતો દ્વારા યુવાઓ સાથે દાતાઓમાં પણ સનાતની સંસ્કરણ થવા લાગ્યું.
આમ, રમત-રમતમાં યુવાનોમાં સનાતની ચેતનાના દીપ પ્રચલિત થવા લાગ્યા અને ધીમે ધીમે ફક્ત સનાતાનીઓ માટેના વિવિધ કાર્યક્રમોથી દરેક યુવાઓમાં સનાતનની કટ્ટરતા આત્મસાત થઈ.
સ્નેહ ગાંઠ : વિદ્યાર્થીઓમાં સનાતની સંસ્કરણ
ધોરણ 12 કે કોલેજમાં અભ્યાસ કરતા સનાતની વિદ્યાર્થીઓનો યુવા મેળો એટલે “સ્નેહગાંઠ”. આવતીકાલે સમાજનું સુકાન સંભાળવાના છે અને જેઓ પોતીકા સનાતન ધર્મ માટે પીરાણાપંથીઓ સાથે વડીલોના સંઘર્ષની ગાથાથી અજાણ છે, તેઓમાં સનાતનની ચેતના જગાવવા માટે દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે સર્વ સનાતની દીકરા-દીકરીઓના મિલનને સ્નેહગાંઠ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને મિક્સમાં યોજાતી કેકેપી પિકનિકને બંધ કરાવી.
આ કાર્યક્રમમાંથી પણ પીરાણાપંથી કોલેજીયન દુર રાખવા દરેક શાળા-કોલેજોમાં “સનાતન વિદ્યાર્થી સંઘ”નું સનાતની સંગઠન ઉભું કરી તેને યુવાસંઘની ૧૪મી થીમ તરીકે માળખામાં સામેલ કર્યું. આમ કોલેજમાં ભણતા યુવાઓને યુવાસંઘ દ્વારા સ્ટેજ અને કાર્યક્રમની મુક્તતા આપવામાં આવતા તેઓ અભ્યાસ સાથે સાબરની ટીમમાં લીડર તરીકે જોડાવા લાગ્યા.
આમ, આ સ્નેહગાંઠથી કેન્દ્રીય સમાજ અને અને યુવાસંઘની સનાતનની વિચારધારાને જબરદસ્ત વેગ મળ્યો. વિશેષમાં આ કાર્યક્રમથી ઉંમરલાયક સનાતની દીકરા-દીકરીઓ સાથે કાર્યક્રમ કરતા હોઈ કેટલેક અંશે સગપણની સમસ્યાનો પણ ઉકેલ જાણવા મળ્યો અને પીરાણાપંથમાં વેવિશાળ થતાં અટક્યાં.
દાંડિયા કાર્નિવલ : યુવાઓ બન્યા સનાતની ખેલૈયા
આપણી સમાજના યુવાઓમાં નવરાત્રી મહોત્સવનો અનેરો ઉત્સાહ હોય છે. જેને પારખીને ટીમ યુવાસંઘે વેબકોમ, યુવા ઉત્કર્ષ, સામાજિક આધ્યાત્મિક અને મેટ્રીમોનીયલ સમિતિ દ્વારા નવરાત્રી બાદ આખા રીજીયનના સનાતની યુવા દીકરા-દીકરીઓ માટે અલાયદો દાંડિયા કાર્નિવલ યોજીને સનાતનની વિચારધારાને કાયમ કરવાનો અને સંગઠન મજબુત બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરેલ. સમય જતાં આ આયોજનો વિભાગ પ્રમાણે પણ થવા લાગ્યાં. આ આયોજનથી પીરાણાપંથી કંપાઓ કે જ્યાં માતાજીનું નામ કે સેવા ફક્ત બાહ્ય દેખાવ પુરતી કરતા તેઓએ પણ હિંદુ શાખ જાળવવા ગામમાં નવરાત્રીના આયોજનો શરુ કર્યા.
પંચામૃત : બાળકોમાં પ્રવૃત્તિ સાથેનું સનાતની રસપાન
સમાજના ૧૮ વર્ષ સુધીના બાળકોમાં પણ સનાતની વિચારધારાના બીજ રોપાય અને બીજા સનાતની બાળકો સાથે દોસ્તી નિર્મિત થાય અને તેઓમાં સાહસ, સૌમ્યતા, સાહસિકતા, સંસ્કારીતા અને સંગઠિતતાના ગુણો પ્રજવલિત કરવાનો પ્રયાસ એટલે “પંચામૃત”. આ પાંચ દિવસીય કાર્યક્રમો વિવિધતા ભર્યા કાર્ય કરાવવામાં આવતા અને અહી પણ ફક્ત સનાતનનીઓને જ પ્રવેશ આપવામાં આવતો હોઈ પીરાણાપંથી પરિવારના નાના બાળકો આવા અદભુત કાર્યક્રમથી વંચિત રહેતા તેઓ પોતાના વડીલોની વિચારધારા સામે પ્રશ્નાર્થ ચિન્હો ઊભા કરતા થઇ ગયેલ અને તેઓના માનસ પટમાં “સનાતન વિચારધારા” માટેની નાનકડી તિરાડ દ્વારા પુનઃ સનાતન જાગૃતિના આશાવાદનું વાવેતર થયું.
YSK (યુવા સુરક્ષા કવચ) : સાબરે આ યોજનાને આપ્યું જીવતદાન
શ્રી સમાજના આશીર્વાદથી કેન્દ્રીય યુવાસંઘ દ્વારા ચાલી રહેલ યુવા સુરક્ષા કવચ યોજના 900 આસપાસ સભ્ય સંખ્યાએ થોભી ગયેલ. ત્યારે 2012માં ટીમ સાબરે આ યોજનાને ઘર-ઘર સુધી પહોંચાડવાની નેમ લીધી. પરંતુ, તે વખતની કેન્દ્રીય ટીમ દ્વારા નાશિક ખાતે યોજાયેલ મીટીંગમાં આ યોજનાને બંધ કરવા માટેની ગતિવિધિ આરંભાઈ અને આ યોજનાની પુનઃ સમીક્ષા માટે એક ટીમની રચના કરવામાં આવી. ટીમ સાબર અને કચ્છે કેન્દ્રીય નેતૃત્વને ત્યાં સુધી કહી દીધેલું કે આ યોજના સાબર અને કચ્છ અલાયદી રીતે ચલાવશે બંધ કરવાની કોઈ જરૂર નથી. તેમાં દક્ષિણ મહારાષ્ટ્ર ગોવા રીજીયનની ટીમે પણ ખુબ મોટો સહકાર આપ્યો અને જોત જોતામાં આ યોજનાનો પ્રથમ પડાવ 2500 સભ્ય સંખ્યાનો પૂર્ણ કર્યો. આમ, ડો. વસંત ધોળુ(સાબર), પ્રવિણ ધોળુ(કચ્છ) અને રવિ ધોળુ (ડીએમજી)ની ત્રિપુટીએ ભારતભરમાં આ યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાના અદભુત કાર્યમાં અન્ય રીજીયન પણ જોડાયા અને યોજના પુરપાટ ઝડપે ચાલવા લાગી. આખરે સમિક્ષા માટેની સમિતિએ પણ યોજનાને ચાલુ રાખવા માટેનો રિપોર્ટ આપ્યો.
આમ, “અપને લીએ નહિ… લેકિન અપનો કેલીએ” ની YSK યોજના સમાજ માટે આદર્શ બની ગઈ. સમય જતાં યોજનાને રીજીયન લેવલે વેગ આપનાર મિત્રોએ કેન્દ્રીય નેતૃત્વની જવાબદારીમાં આવતાં ભારતભરના તમામ જ્ઞાતિજનોનો અદભુત સહકાર મળ્યો અને આ યોજના અત્યારે 43,000+ સભ્ય સંખ્યાએ પહોંચી ગઈ છે અને રૂ. 40 કરોડ ઉપરાંતની સહયોગનિધિ દિવંગત સભ્યોના પરિવારજનોને આપીને કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો છે.
વિશેષમાં યોજના અન્ય સમાજઓએ પણ સ્વીકારી અને તેઓના સમાજમાં શરૂ કરી. કડવા પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પણ “ઉમાછત્ર”ના નામથી આ યોજના સમગ્ર પાટીદારો માટે શરૂ કરી યોજનાની મહત્તા સાબિત કરી છે. આમ, આપણી યુવા સુરક્ષા કવચ YSK યોજના પુનઃ ધબકતી કરવામાં સાબર ટીમે પાયાના પથ્થરની ભૂમિકા ભજવી છે
અમીરગઢ : સનાતની સમાજ નિર્માણ
કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર બાદ સાબર રીજીયનના યુવાનો દ્વારા અમીરગઢ વિસ્તારમાં રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના યુવા મિત્રોનો સંપર્ક સાધવામાં આવેલ અને તેઓ સાથે આ બાબતની વિગતે ચર્ચાઓ કરી. ત્યાંના વડીલો અને યુવાઓએ કેન્દ્રીય સમાજના આદેશ અનુસાર કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ અમીરગઢ વિભાગની સ્થાપના કરવા માટેનું મન બનાવ્યું. યુવા ટીમે રાત્રિ બેઠક યોજી અમીરગઢ યુવા મંડળના પીરાણાપંથી સભ્યોનું સંયુક્ત ભંડોળ અને અન્ય બાબતોની સભ્ય સંખ્યા મુજબ વહેંચણી કરવામાં સહકાર આપી, સનાતની સૂરજના અજવાળા પાથરવાનો પ્રયાસ કરેલ. શ્વેતપત્ર પછી ભારતમાં સૌ પ્રથમ તા. ૧૫.૦૨.૨૦૧૧માં અમીરગઢ પીરાણાપંથીઓથી એક જ બેઠકમાં જુદી પડી શુધ્ધ સનાતની સમાજ બની.
આમ, આ આંતરિયાળ વિસ્તારમાં રહેતા ૭૦૦ જેટલા સભ્યોની સનાતન સમાજ અને સનાતન યુવા મંડળની રચના થઈ. આ વિસ્તારની આ સનાતની સમાજના દરેક સભ્યો કેન્દ્રીય સમાજના આજીવન સભ્યો છે જે કદાચ ભારતમાં પ્રથમ ઘટના હશે. સાથે સાથે કેન્દ્રીય સમાજની દિવાળી બોણી સહિતની દરેક યોજનાઓમાં ૧૦૦% સાથ સહકાર આપી રહ્યો છે. સાબર ઝોન અને રીજીયનમાં આ વિસ્તાર દાનમાં પણ હમેશા મોખરે હોય છે.
સનાતન મેડીકોઝની રચના
કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર અને પંચમ અધિવેશન બાદ સમાજના સૌ બૌધીકોને ઝોન અને રીજીયન દ્વારા સનાતની મોહિમમાં સહકાર આપવા અપીલ કરતાં સૌ સનાતની ડોક્ટર મિત્રો તલોદની ટ્રીનીટી સ્કૂલ ખાતે પ્રિ. આર.એલ. પટેલ અને ડો. વસંતભાઈ ધોળુ (તલોદ), વસંતભાઈ લીંબાણી (મોડાસા) અને ઝોનના હોદ્દેદાર મિત્રોની હાજરીમાં એક મિટિંગ બોલાવવામાં આવી. ચર્ચા વિચારણામાં સૌ ડોકટર મિત્રોને સનાતની કર્તવ્ય નિભાવવા અને કેન્દ્રીય સમાજની વિચારધારાને ટેકો આપવા માટે આહવાન કરવામાં આવ્યું. સૌ સનાતની ડોક્ટર મિત્રો વતી ડો. અમૃતભાઈ ધોળુ અને ડો. સી. ડી. પટેલ (હિંમતનગર), ડો. હરિભાઈ પટેલ અને ડો. ગોવિંદભાઈ રંગાણી (મોડાસા), ડો. શાંતિલાલ પટેલ (ધનસુરા), ડો. અનિલભાઈ અને જીતુભાઈ (તલોદ), ડો. વિઠ્ઠલ ભાવાણી (નરોડા) અને બીજા અનેક યુવા ડોક્ટર મિત્રોએ “સનાતન મેડીકોઝ”ની સ્થાપના કરવાનું અને યોજાનાર મેડિકોઝ મિલન જે સતપંથ – સનાતનના વિવાદ વગર વર્ષોથી દર બે વર્ષે ઉજવાતું હતું તે બંધ કરીને ફક્ત સનાતન મેડિકોઝના બેનર હેઠળ યોજવાનું નક્કી કર્યું. તે માટે યુવાસંઘનો સહયોગ પણ માંગ્યો અને યુવાસંઘની હેલ્થ સમિતિ સાથે રહી કાર્યમાં સહકાર આપવાનું પણ નક્કી કર્યું.
આ રીતે “સનાતન મેડિકોઝ”નું પ્રથમ સ્નેહ મિલન “સ્પંદન-૧”ના નામે સુરત કેન્દ્રીય સમાજની સતરાવાળા ઉમા વિદ્યાપીઠ ખાતે યોજાયુ. ત્યારબાદ બીજું મિલન મુંબઈના ડોમ્બીવલી ખાતે, ત્રીજું વડતાલ ખાતે, ચોથું ભુજ ખાતે અને પાંચમું મિલન ગીયોડ- સાબરકાંઠા ખાતે યોજાયું.
છેલ્લા દાયકાથી સનાતન મેડીકોઝના ડોક્ટર મિત્રોએ સેવા સાથે યુવાસંઘમાં હોદ્દેદાર તરીકે પણ ભૂમિકા નિભાવી કેન્દ્રીય સમાજને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. તેઓએ જ્ઞાતિજનો માટે કેટલાય કેમ્પોનું પણ આયોજન કરેલ છે. આ તબક્કે સૌ બૌદ્ધિક ડોક્ટર મિત્રોને વંદન સહ અભિનંદન કરીએ છીએ.
સનાતન મેડીકોઝ રચાયા બાદ યુવાસંઘની સક્રિયતાથી સનાતન એજ્યુકોઝ, સનાતન CA/CS, સનાતન એડ્વોકેટ્સ જેવા વિવિધ સંગઠનો સમાજના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી રહ્યા છે.
ઊંઝા પીળી પત્રિકા : આપ્યો સનાતની લડતનો અણસાર
ઊંઝા ખાતે ભારતના તમામ ઉમિયા માતાજી મંદિરના સંચાલકોની એક મિટિંગમાં યોજાયેલ. જેમાં પીરાણાપંથીઓ પણ આવેલ હતા. જેઓ દેખાવ પૂરતા જ માં ઉમિયામાં આસ્થા ધરાવતા હોવાનો ડોળ કરતા હતા જે જગજાહેર થઈ ગયું હતું છતાં પણ, ઊંઝાના મોવડીઓ સમક્ષ વારંવાર રજૂઆત છતાં પણ સતપંથ તરફ તેમનું વલણ કુણું રહેતું. જે સનાતન મુવમેન્ટને અસર કરતું હતું. આ બાબતને પારખીને એ મિટિંગમાં મુંબઈથી હિંમતભાઈ ખેતાણી, પ્રેમજીભાઈ કેસરાણી અને ચંદ્રકાંતભાઈ છાભૈયાની ટીમે કેટલાક મિત્રોને ઊંઝા આવવાનું જણાવતાં બીજા દિવસે ટીમ સાબર સાથે દરેક વિભાગના યુવાઓ અને વડીલો એમ 50 જેટલા સનાતની મિત્રો પહોચી ગયા. પીરાણાપંથીઓ ખરેખર ઉમિયા માતાજી પ્રત્યે કેવા શબ્દો વાપરે છે અને કઈ રીતે તેને માની રહ્યા છે તેનો પર્દાફાસ કરતી એક પીળા રંગના કાગળમાં છપાયેલ “પીળી પત્રિકા”ને આ સભા શરૂ થાય તેના પહેલા દરેક મિત્રોના હાથમાં ફટાફટ પકડાવી દીધી. જેથી ભારતભરના મંદિર સંચાલકોમાં પીરાણાપંથી તરફ ઉંઝાના મિત્રોનું વલણ સૌના આક્રોશનું કેન્દ્ર બન્યું.
જેથી સભાના પૂર્ણ થયા બાદ સનાતની મિત્રો સાથે અલાયદી મીટીંગ કરી તેઓની વાતને સમજી અને અનુમોદન આપી તેઓ સામેની કાર્યવાહી માટે સહમત થયા. સમય જતાં ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાએ બંને સમાજ વચ્ચે મધ્યસ્થી કરી પીરાણા બાબતે ચુકાદો આપી સતપંથ સમાજને મોટા સમુદાયમાં ભળી જવા આદેશ કર્યો. જેની સવિસ્તર વિગત સતપંથ છોડો પુસ્તકમાં આપેલ છે.
અતિથી દેવો ભવઃ કચ્છ – કંપા વચ્ચેની આત્મીયતાનો સેતુ
ભારતભરમાં કેન્દ્રીય યુવાસંઘ દ્વારા પુના, ગાંધીનગર, સુરત અને હૈદરાબાદ ખાતે યોજાયેલ યુવા ઓલિમ્પિક રમતોત્સવ બાદ પંચમ યુવા ઓલિમ્પિક્સ સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે ખાતે યોજવાનું નક્કી થયું.
ખેતી સાથે સંકળાયેલ કંપા વિસ્તાર કચ્છ સાથે સંકળાયેલ ભારતભરમાં રહેતા અન્ય મિત્રોથી ક્યાંક જુદો પડતો હતો. કારણ કે, તેઓનું કચ્છ ખાતે હાલ કોઈ રહેઠાણ કે સગા સંબંધીઓ ઓછી માત્રામાં હતા. જેથી કચ્છ સાથેનો લગાવ ફક્ત કેન્દ્રીય સમાજ કે યુવાસંઘની મિટિંગ પૂરતો સીમિત થઈ ગયેલ. આ બાબતને વર્ષોથી બારીકાઈથી ઓબ્ઝર્વ કરી “અતિથી દેવો ભવ:” નો એક નવો વિચાર આપ્યો. ભારતભરમાંથી આ રમતોત્સવમાં આવતા ખેલાડીઓ અને મહેમાનો તેમજ જ્ઞાતિજનોને હોટેલ કે વાડીઓમાં ઉતારા આપવાના બદલે દરેક કંપાના પરિવારમાં ઉતારા આપવા. જેથી ત્રણ-ચાર દિવસ તેઓ આ વિસ્તારમાં રહે અને અહીની રહેણીકરણી જાણે, એકબીજા સાથે ઓળખાણ થાય, આત્મીય ભાવ બંધાય પરિણામે જ્ઞાતિનું સંગઠન વધુ મજબૂત થાય.
આ “અતિથી દેવો ભવ:” યોજના હેઠળ હિંમતનગર આસપાસના 40 કંપામાં અને હિંમતનગર તેમજ તલોદ શહેરમાં 5,000 કરતાં વધુ ખેલાડીઓ, મહેમાનો અને જ્ઞાતિજનોને ઘરે-ઘરે ઉતારા આપવામાં આવ્યા. ટીમોનું ગામમાં ભવ્ય સ્વાગત થયું, રાત્રે રયાણ થઈ, ખેતરમાં ફર્યા, ધીંગા મસ્તી કરી અને ઓલિમ્પિક પૂરો થતા-થતા ખેલાડીઓ આત્મીયતાથી દરેક ગામ અને પ્રત્યેક પરિવાર સાથે જોડાયા. ગામ સાથે નવો નાતો બંધાયો. તેઓ પરત થયા ત્યારે પોતાની ઓળખમાં કંપાનું નામ ઉમેરતા ગયા. હવે એમની ઓળખમાં હાલનું ગામ, કચ્છનું ગામ અને કંપો કે જ્યાં તેઓએ આ ત્રણ દિવસ આતિથ્ય માણ્યું હતું તેનો ઉમેરો થયો. આમ, બેંગ્લોરવાસીઓનો કંપો એટલે તખતગઢ, નાગપુરવાસીઓનો કંપો એટલે નવાનગર, દક્ષિણ ભારતવાસીઓનો કંપો એટલે ગાંધીપુરા કંપા, દિલ્હી-રાજસ્થાનવાસીઓનો કંપો એટલે હરીપુરા કંપા, મુંબઈવાસીઓનો કંપો એટલે બિલપણ કંપા, હૈદરાબાદવાસીનો કંપો એટલે કાશીપુરા કંપા, કોલકત્તાવાસીનો કંપો એટલે નિકોડા કંપા, ઓડિશાવાસીઓનો કંપો એટલે ચંદ્રપુરા કંપા, કચ્છવાસીઓનો કંપો એટલે પીપળી કંપા, મધ્ય મહારાષ્ટ્રવાસીઓનો કંપો એટલે રૂપાલ કંપા.
આમ, ભારતભરના મિત્રો ખૂબ દિલથી આ “અતિથી દેવો ભવ:” થી જોડાયા. આ ઓલિમ્પિક રમતોત્સવ ફક્ત 72 લાખ રૂપિયાના ખર્ચમાં પૂરો થયો. જે અત્યાર સુધીમાં કેન્દ્રીય યુવાસંઘ દ્વારા યોજાયેલ તમામ કાર્યક્રમો પૈકીનો સૌથી વધુમાં વધુ આત્મીયભાવ જગાવનાર અને સૌથી ઓછા બજેટમાં પૂર્ણ થનાર તેમજ આજીવન યાદ રહે તે પ્રકારે પૂર્ણ થયો. આમ, “અતિથી દેવો ભવ:” સનાતનની સંગઠન માટેનું મોરપીંછ સાબિત થયું. સાથે સાથે “વિદ્યા લક્ષ્મી અમૃત કુંભ” દ્વારા શ્રી સમાજને 1 કરોડ 35 લાખ રૂપિયાનું અનુદાન “વિદ્યા સેતુ” યોજના માટે યુવાસંઘે આપ્યું.
લક્ષ્મીનારાયણ મંદિર પ્રતિષ્ઠા કે સમાજ ભવન ઉદઘાટનમાં કનડગતનો સામનો –
સૌ પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર સાબર કાંઠામાં બંધાયા બાદ પુ. સંતશ્રી ઓધવરામજી અને પુ. સંતશ્રી દયાલદાસજી અને પુ. રતનશીભાઈ ખેતાણીની પ્રેરણાથી સનાતન ધર્મ જાગૃતિ આવતાં અનેક કંપાઓમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના નિર્માણ થયા.
છેલ્લે કેન્દ્રીય સમાજ દ્વારા શ્વેતપત્ર બહાર પડ્યા બાદ સાબરકાંઠા વિસ્તારમાં કેટલીક જગ્યાએ મંદિરોની પુનઃ પ્રતિષ્ઠા કે નવા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાવવાના શરુ થયા. જેમાં સનાતન ધર્મ જાગરણ સમિતિની ત્રિપુટી અને કેન્દ્રીય નેતૃત્વની ઉપસ્થિતિ આસપાસના પીરાણાપંથીઓને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગેલ. જેથી તેઓએ આ પ્રસંગે યોજાતી સામાજિક સભાઓમાં વિક્ષેપ પડે તેવા કાર્યો આરંભ્યા. જેના લીધે સનાતન-સતપંથ વચ્ચેનું ઘર્ષણ વધુ આક્રમક બન્યું.
ધનપુરા કંપામાં મંદિરની પ્રતિષ્ઠા દરમ્યાન પોલીસ પહેરા વચ્ચે સામાજિક સભા યોજાઈ અને તે રાત્રે વિધર્મીઓએ રસ્તા ઉપર નાની ખીલીઓ નાંખીને ટાયરમાં પંક્ચર પડે, રસ્તાઓ જામ થાય તેવા પ્રયાસ કર્યા. એજ રીતે ચામું કંપામાં પણ મંદિર પ્રતિષ્ઠામાં પીરાણાપંથીઓને પત્રિકા આપેલ નહોતી તેથી તેઓ મોટી સંખ્યામાં ગામમાં આવ્યા અને કેન્દ્રીય સમાજને ના બોલાવો અને અમોને પત્રિકા આપો કહીને બખેડો ઉભો કરેલ. ત્યાં પણ પોલીસને બોલાવવી પડેલ.
દહેગામ ખાતે સનાતન સમાજ વાડીના નિર્માણ સમયે પણ ખાનાપંથીઓની વકીલાત કરનાર સમાજના કેટલાક મવાળ મિત્રોએ સ્વ. પ્રેમજીભાઇ કેશરાણીના સનાતની વક્તવ્ય વખતે માઈક બંધ કરવાનો પ્રયાસ કરેલ. જેથી તેઓએ સભામાં હાજર સનાતાનીઓના આક્રોશનો ભોગ બનવું પડેલ.
આમ, વિધર્મીઓની અકળામણથી સનાતની સંગઠન વધુ મજબુત થયું અને તેઓના શાસ્ત્રોમાં વધુ ફેરફાર કરવાની નોબત આવી.
વડાલી વિસ્તારમાં સનાતની જાગૃતિ…
સાબરકાંઠાના છેવાડે આંતરિયાળ જંગલ વિસ્તારમાં જેતે સમયે સમાજના વડીલોએ ખેતી માટે જમીનો ખરીદ કરી વસવાટ કરેલ. આ વિસ્તારમાં જુજ કંપાઓને બાદ કરતાં પીરાણાપંથીઓ ખુબમોટી સંખ્યામાં વસવાટ કરે છે. મોટાભાગના કંપાઓમાં સનાતન-સતપંથ મિક્સમાં રહેતા હોઈ અહી સનાતની કાર્યો કરવા બહુ મુશ્કેલ હતું. છતાંય પૂ. પાંડુરંગ દાદાના સહવાસથી અને ઈશ્વર આશ્રમ-વાંઢાય દ્વારાના સંતોના સતત વિચરણથી આ વિસ્તારમાં સનાતની મજબૂતાઈ આવેલ છે. આ વિસ્તારના દેરોલ, ચોટાસણ, ચામુંકંપા, કુબાધરોલ કંપામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો પણ બંધાયેલ છે.
આ વિસ્તારના વડીલોએ નાની સંખ્યામાં સનાતાનીઓ હોવા છતાંય વર્ષો પહેલા વડાલી-ખેડબ્રહ્મા-ઇડર-વિજયનગર-તારંગા વિભાગીય સનાતન સમાજની રચના કરેલ અને સમય જતાં ખેડબ્રહ્મા ખાતે સનાતન સમાજવાડી માટે જમીનની ખરીદી પણ કરેલ.
કેન્દ્રીય સમાજના શ્વેતપત્ર બાદ આ વિસ્તારમાં સનાતની ગતિવિધિ તેજ થઇ અને ૪૩૦ પરિવારો અને ૨૫૦૦ જેટલી સનાતની વસ્તી ધરાવતો આ વિસ્તાર સાબરકાંઠા ઝોન કે રીજીયન અને કેન્દ્રીય સમાજમાં દાનમાં પણ મોખરે રહે છે. ઝોન આયોજીત સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરેલ અને હાલમાં જ ૩.૫ એકર જેટલી જમીનની ખરીદી કરેલ છે. આ વિસ્તારમાં સમાજની કોઈ પણ મિલકતમાં સતપંથીઓ સાથે નથી. સંપૂર્ણ સ્વતંત્ર સનાતનીઓની છે.
આમ, સનાતની ખુદ્દારી ધરાવતા આ પ્રદેશે કેન્દ્રીય સમાજ અને યુવાસંઘમાં પ્રખર કાર્યકર્તાઓ આપ્યા છે અને મવાળવાદી વિચારધારા વાળા અને કેન્દ્રીય સમાજની અવગણના કરનાર જ્ઞાતિજનો કે હોદ્દેદારો આ વિસ્તારનું કાર્ય જોઇને કેન્દ્રીય સમાજ સાથેના જોડાણની પ્રેરણા મેળવે છે.
તખતગઢ : સનાતની ટંકાર
સંવત ૧૯૮૧માં ફાગણ વદ ૧૪ને સોમવાર તારીખ ૦૯‑માર્ચ‑૧૯૨૫ના રોજ તખતગઢ (જૂનું નામ હડમતીયા કંપા) ગામનું તોરણ વડીલ પ્રેમજી પુંજાએ બાંધ્યું હતું. જે પીરાણાપંથી હતા, પરંતુ તેમના વચટ પુત્ર વેલજી બાપા વેદાંત આશ્રમ – વલાદના સંત મધવાતીર્થના સંપર્કમાં આવ્યા અને તેઓ સતપંથ ત્યજીને પ્રખર સનાતન ધર્મ વાહક બન્યા. તખતગઢ ખાતે તેઓએ આશ્રમ – માધવ કુટીરનું નિર્માણ કર્યું. તેઓને ગામના જ પ્રખર અને આક્રમક સનાતની સામજી મતાદારનો સહકાર મળ્યો. જેઓએ રાતોરાત ગામનું ખાનું તોડીને ત્યાં શિવાલયની સ્થાપના કરી આખાય વિસ્તારમાં સનાતની ટંકાર કર્યો અને તખતગઢ ગામને ખાના મુક્ત કર્યું. તા. ૨૭.૦૧.૧૯૩૯ના રોજ ગામમાં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના મંદિરની સ્થાપના થઈ. તે વખતે ઈશ્વર આશ્રમ- વાંઢાયના સંતો અને રતનશીભાઈ ખેતાણીની ટીમ હાજર રહેલ.
થોડા સમય પછી સતપંથઓ ફરીથી ખાનું બનાવવા આડકતરા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે ફરીથી ગામના વડીલો અને યુવાઓ સૌ મળીને ૧૯૭૫માં રાતોરાત ખાનાના પાટ અને અન્ય સામગ્રી ગામની બહાર ફેકીને તેને નાબુદ કર્યું. ત્યાર પછીતો, પીરાણાના કોઈ નાના મુખી કે મોટા કાકા આજ દિન સુધી ગામમાં પ્રવેશ કરી શક્યા નથી. જે આ ગામનું સનાતની ખમીર બતાવે છે.
સનાતની સમૂહ લગ્નોત્સવ
સાબર કાંઠા ઝોન સમાજ દ્વારા સૌ સનાતની પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ તુલસી વિવાહના દિવસે આ પ્રસંગ ઉજવાઈ રહેલ છે. જેમાં અત્યાર સુધી ૬ જેટલા લગ્નોત્સવ પૂર્ણ થયા છે. જેમાં ૧૪૫ સનાતની દીકરા-દીકરીઓ લગ્ન ગ્રંથીથી જોડાયા છે. હિમતનગર, વડાલી એમ અલગ અલગ વિસ્તારમાં યોજાતા આ લગ્નોત્સવમાં કેન્દ્રીય સમાજના મોવડીઓનું પ્રતિનિધિત્વ અચૂક રહે છે. જેથી આ સમૂહ લગ્નોત્સવ કેન્દ્રીય સમાજ સાથે કંપા વિસ્તારને જોડવામાં મહત્વનો રહેલ છે.