વર્ષ 2010માં સનાતની ઝુંબેશને પ્રોત્સાહન આપવા અને મવાળવાદી પ્રવૃત્તિઓને દુર કરવા શ્રી સમાજ દ્વારા બહાર પાડવામાં આવેલ શ્વેતપત્રના આધારે દક્ષિણ ભારતના સ્થાનિક યુવા મંડળો દ્વારા પ્રથમ પ્રયાસ રૂપે કારોબારીમાંથી સતપંથીઓને બહાર કાઢવાનો નિર્ણય લીધેલ.
પરંતુ, તે સમયે દક્ષિણ ભારત રીજિયનનાં મહામંત્રી તરીકે રમેશભાઈ રામાણી જેઓ (તે સમયે, આજે નહીં) એક સતપંથી હતા. ઉચ્ચ હોદ્દા પર હોવાથી તેમનું વર્ચસ્વ વધુ હતું. તે સમયે તિરપુર ખાતે જનરલ સભાનું આયોજન હતું. તેમાં ચુંટણી પણ સામેલ હતી. પણ, માહોલ સનાતન અને સતપંથનાં વિચારોનાં ઘર્ષણથી ભર્યો હતો. તેથી, ચુંટણી મુલતવી રાખવી પડી અને ત્રણેક મહિના બાદ ચેન્નાઈ ખાતે યોજવાનું નક્કી કરવામાં આવેલ.
આ ત્રણ મહિનાના સમય દરમ્યાન દક્ષિણ ભારત રીજિયનનાં સનાતની મિત્રોએ કેન્દ્રીય યુવાસંઘ પાસે રજુઆત કરી કે, અમારા યુવાનોનું કહેવું છે કે શ્વેતપત્ર તો શ્રી સમાજે બહાર પાડેલ છે, આપણને તો યુવાસંઘ તરફથી કોઈ જ સૂચન નથી. તો આપણે શા માટે ઉતાવળ કરવી જોઇએ? આ પ્રશ્નના નિરાકારણ માટે કેશરીપત્રનો જન્મ થયો, અને 20‑Jul‑2010ના રોજ પૂરા ભારતમાં કેશરીપત્ર પ્રસારીત થયો.
ચેન્નાઈ ખાતે મિટીંગનો સમય થાય તે દરમ્યાન સનાતની મિત્રો સતત યુવાસંઘના સંપર્કમાં રહ્યા હતા, પરિણામે ચેન્નાઈનીએ મિટીંગમાં તે વખતના પ્રમુખ શ્રી જયંતિભાઇ રામાણી અને પૂર્વ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ કેશરાણીને બોલાવવામાં સફળ રહ્યા હતા. અને એક દિવસ અગાઉ અજ્ઞાત જગ્યાએ તે લોકો સાથે આગામી રણનીતિની ચર્ચા વિચારણા કરી શક્યા હતા.
મિટીંગના દિવસેજ પહેલું સત્ર કારોબારી સભાનું હતું. તેમાં તે સમયના મહામંત્રી શ્રી રમેશભાઈ રામાણીએ એક પત્ર રજુ કર્યો અને કહ્યું કે આપણે આનું વાંચન કરીએ. તો જવાબમાં તે સમયના સનાતની પ્રમુખ શ્રી રમણિકભાઈ એ કહ્યું કે રહેવા દો વાંચવાની જરૂર નથી. તો રમેશભાઈએ જણાવેલ કે મંડળના નામ ઉપર આવ્યો છે તો વાંચવો તો પડે ને, તો જવાબમાં પ્રમુખ શ્રીએ જણાવેલ કે એ પત્ર વાંચવો હોય તો આ પત્ર પણ વાંચો, કહીને કેશરીપત્ર હાથમાં આપવામાં આવેલ.
તે લોકોના પત્રનો ભાવાર્થ એવો હતો કે આપણે આપણું કરીએ, આપણી એકતામાં વિખવાદ થતો હોય તો આપણને શ્રી સમાજ કે યુવાસંઘની કોઈ જરૂર નથી વગેરે વગેરે… એટલે કે એકતા-સંપ-સંગઠનના ઓથા હેઠળ આપણી માતૃ સમાજ અને યુવાસંઘને તોડવાનું પ્રપંચ દેખાતું હતું. આવી રીતે લખાયેલ પત્રમાં તિરૃપુર, કાંચીપુરમ, શેગોટ્ટા અને કેરલા ઝોનના હોદ્દેદારોએ સાઈન કરેલ હતી. પણ કેશરીપત્રની સામે આ પત્ર ટકી શક્યો નહીં અને ધરાશયી થયો. સનાતની ડંકો કાયમ રહ્યો.
તે વખતે સનાતનીઓનો જનઆક્રોષ ચરમસીમાએ હતો, તેથી સામે પક્ષે વગર લડયે હથિયારો હેઠે મુકવાં પડયાં હતાં. આમ, કેસરી પત્રનું અમલીકરણ ભારતભરમાં સર્વપ્રથમ દક્ષિણ ભારતમાં થયું.