આમ તો જૂથમાં ચાલતા અને ઊભા થતાં, ધંધાકીય સંસ્થાનો નાણા ઉપાર્જન માટે અને વિશેષમાં આર્થિક રીતે ભિન્ન કક્ષાના ઉધોગપતિઓ માટે હોય છે. પરંતુ, G30 ઇન્ફ્રાનો આરંભ કંઇક વિશેષ હેતુથી થયો છે.
આ કંપનીની રચનાનાં પાયામાં સામાજિક સબંધો અને મિત્રતાએ મોટો ભાગ ભજવ્યો છે. દક્ષિણ ભારત રીજિયનનાં અગ્રેસર કાર્યકર્તાઓએ પોતાની ટર્મમાં ખૂબ સારા કાર્યો કર્યા અને તેથી અનેક મિત્રોનો ભેટો થયો. પરંતુ, જેમ જેમ વય વધતી ગઈ, રીજિયનનાં કાર્યભારમાંથી નિવૃત્ત થતાં ગયાં અને એ વારંવાર મળતા રહેતા મિત્રો ધીરે ધીરે વિખૂટા પડવા લાગ્યા. નિવૃત્ત થતા સૌ મિત્રોના મનમાં પ્રશ્ન એક જ હતો, “ફરી ક્યારે મળશું..?”
સૌના મુંઝવતા આ પ્રશ્નનો જવાબ એટલે G30 ઇન્ફ્રા.
૨૦૧૫માં આવા જ એવા એક ઉત્સાહી પોંડિચેરીના મિત્ર નરસિંહભાઈ જબવાણીની દીકરીના લગ્નનાં શુભ પ્રસંગે DBRના અમુક મિત્રો જેવા કે જીતેન્દ્ર જાદવાણી, કાંતિભાઈ જાદવાણી અને રમેશભાઈ છાભૈયા સાથે મળ્યા અને જૂની વાતોને યાદ કરતા સહેજે વાત વાતમાં G30 ઇન્ફ્રાનું બીજ રોપાઈ ગયું. મિત્રો તો અવારનવાર મળતા રહેવા જોઈએ એવો ભાવ એક બીજાએ દર્શાવ્યો. એ મિત્રો પણ કેવા !! શુદ્ધ સનાતની ડાયનેમિક ટીમ.
ત્યારબાદ, કોડાઈકેનાલ ખાતે યોજાનાર DBRના “એક દૂજે કે લિયે” કાર્યક્રમની ગોઠવણી અર્થે ડીંડીગલથી કાર દ્વારા અમુક મિત્રોનું કોડાઈકેનાલમાં જગ્યાનું નિરીક્ષણ કરવા જવાનું થયું.
ડુંગર ચડતી વખતે ફરી પાછી મિત્રોની ચર્ચાઓ શરૂ થઈ. જ્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરીને નીચે પરત ઉતરવાનું શરૂ કર્યું તેની સાથે એક વિચાર-એક આચારથી જેઓ સંગઠિત રહી શકે એવા સનાતની મિત્રોને ફોન પરથી આ વ્યવસાયિક સંગઠનમાં જોડાવા માટે ભાવ જગાડવામાં આવ્યો. આમ 30 સનાતની મિત્રોને ફોન દ્વારા સંગઠનમાં જોડવામાં સફળ રહ્યા. કોડાઈકેનાલનાં ડુંગરની નીચે પહોંચ્યા ત્યાં સુધીમાં તો સનાતની સંગઠન રૂપી કંપની ઊભી થઈ ગઈ.
આમ, એક વિચારધારા ધરાવતા મિત્રોના સંગઠનની પ્રથમ મિટિંગ માટે ચેન્નઈ નજીક ક્રોમ્પેટ (તામ્બરમ) સ્થળ નક્કી થયું. ક્રોમ્પેટની સરવના ભવન હોટેલ ખાતેની પ્રથમ મિટિંગમાં કંપનીનું નામકરણ કરવામાં આવ્યું, તેમાં ૩૦ મિત્રોનો ગ્રુપ હોવાથી “G30 ઇન્ફ્રા” નામ સૌની સહમતીથી નક્કી થયું. આ મિટિંગમાં વધુ પાંચ મિત્રો આ જૂથમાં જોડાવાના રહી ગયા હતા તેમને પણ સાથે લઈ કુલ ૩૫ જણાનું ગ્રુપ બન્યું. કંપનીનાં કાર્યો બાબતે ચર્ચા થઈ, તેમાં દરેક મિત્રોએ અમુક નિર્ધારિત રકમ કંપનીમાં જમાં કરાવવાની અને એ કુલ રકમ કંપનીનાં જ કોઈ એક અથવા બે જણાને વ્યાજ દરે આપવી, આવું કરવાથી દર છ મહિને એક બીજાને મળવાનો હેતુ પાર પડે એમ હતો.
સનાતની વિચારધારાને વળગેલા આ ૩૫ ધંધાર્થીઓનો એક મત એ પણ હતો કે સમાજમાં વિધર્મી પ્રભાવ વધે તો એકજૂટ થઈ આ સંગઠન સમાજના અન્ય સનાતની મિત્રોને સાથે રાખી સામનો કરશે. વ્યવસાયિક આ ગ્રુપનો આ એક મૂળભૂત એજન્ડા નોંધવામાં આવ્યો. સાથે સાથે સામાજિક કાર્યોમાં જ્યાં જ્યાં આર્થિક કે વ્યવહારિક જરૂર જણાય ત્યાં આ કંપની જરૂરી સહયોગ માટે ઊભી રહેશે એવો નિર્ધાર થયો. દક્ષિણ ભારત સમાજમાં ચાલી રહેલ આરોગ્ય નિધિ, શિક્ષણ નિધિ હોય કે સમૂહ લગ્ન હોય આ ગ્રુપના મેમ્બરનો ફાળો જરૂરથી હોય છે.
કંપનીની ઓફીસ ચેન્નાઇ ખાતે રાખવામાં આવી, સમય જતાં કડલુર નિવાસી રવાપર-નવાવાસ વાળા જીતેન્દ્ર જાદવાણીએ કંપનીને નાના પાયે રિયલ એસ્ટેટમાં ઉતારી, એક-બે-ત્રણ એમ નાના-નાના સાહસ સફળ થયા. મિત્રોનો ઉત્સાહ વધ્યો, મીટીંગોનો દોર શરૂ થયો. સાથે સાથે મિત્રો પોતાના ઘેર આવતા લગ્ન પ્રસંગો અને અન્ય શુભ પ્રસંગોએ કંપનીનાં સર્વે મિત્રોને આમંત્રિત કરવા લાગ્યા. મૂળભૂત કંપનીમાં અનૌપચારિક રીતે એક પરિવાર ભાવ જાગવા લાગ્યો. જેના થકી આ ગ્રુપના નેક્સ્ટ જનરેશનમાં પણ સામાજિક ભાવનાઓ વધારવામાં મદદ થઈ અને આ મિત્ર વર્તુળમાંથી ઘણા બધા નવા સંબંધો પણ જોડાયા. કંપનીના ભાગીદારની દીકરીનાં લગ્ન પ્રસંગે કંપની માંથી ભેંટ આપવાનું નક્કી થયું અને કંપનીનાં કોઈપણ સારા નરસા પ્રસંગે દરેક મિત્રોએ બનતા સુધી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપી.
કંપનીનાં નિર્ધારિત લક્ષ્યને પાર પાડવા બે મુખ્ય ટીમોની રચના થઈ, એક-જમીન ખરીદ વેચાણ નિર્ણાયક ટીમ અને બીજી-જરૂરી આર્થિક ફંડ ઉપાર્જન ટીમ. તેમની સાથે બેન્કિંગ અને એકાઉન્ટ ઓડિટ ટીમ પણ કાર્યરત થઈ. આ લખાય છે ત્યાં સુધી કંપની પોતાના નિર્ધારિત લક્ષ્યથી બે ડગલાં આગળ ચાલી રહી છે અને કંપનીના સંગઠનની સફળતામાં મિત્રોનો એક બીજા પર ભરપૂર વિશ્વાસ છે.
કેન્દ્રીય સમાજની કારોબારી મીટીંગ બેંગ્લોર મધ્યે મળેલ અને તેમાં સનાતની શતાબ્દી મહોત્સવના લોગોની ઉછામણી થઇ ત્યારે, 21 લાખ 15 હજારનો ફાળો આપીને આ ગ્રુપે શ્રી સમાજ માટેની ફરજ પણ અદા કરી અને ખરેખરા સનાતની સંગઠનની છાપ ઊભી કરી.