Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
28. સાધનની જરૂરત: ઇસ્લામના પ્રચારકો પાસે “વિચારધારાનો વિનાશ”ની યુક્તિ તૈયાર હતી. પણ એને અમલમાં મૂકવા માટે કોઈ વ્યવસ્થા કે સાધનની જરૂરત હતી. આગાઉ જણાવેલ પોઈન્ટ (15.1) અને (15.2)માં જણાવ્યા પ્રમાણે ખુલ્લો ઇસ્લામનો પ્રચાર નિષ્ફળ ગયો હતો. એટલે પરોક્ષ રીતે ઇસ્લામનો પ્રચાર કરવા સિવાય એમના પાસે કોઈ બીજો રસ્તો નહોતો. માટે એમણે ઉપર જણાવ્યા પ્રમાણે “વિચારધારાનો વિનાશ”ની યુક્તિ અપનાવી હતી.
29. અલ-તાકીયા: કોઈ પણ ધર્મ, શાસ્ત્રો અને શ્રદ્ધા વગર ન ટકે. એટલે અહીં ઇસ્લામના અલ-તાકીયા હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો. આ હથિયાર પ્રમાણે, હિન્દુ શાસ્ત્રોને ભ્રષ્ટ કરી, પુનઃ લખવામાં આવ્યા. આ શાસ્ત્રોના નામો, એના અંદરના હિન્દુ દેવતાઓ, હિન્દુ ધાર્મિક નાયકો અને ખલનાયકો અને મુખ્ય હિન્દુ વાર્તાઓ પણ એ ને એ જ રાખવામાં આવી. ફરક માત્ર એટલો કરવામાં આવ્યો કે આ શાસ્ત્રોમાં હિન્દુ દેવોના મોઢે હિન્દુ ધર્મને પરોક્ષ રીતે ઉતારી પાડવામાં આવે અને ઇસ્લામ ધર્મને ઉચ્ચ અને સર્વમાન્ય બતાવવામાં આવે.
સામાન્ય રીતે ઇસ્લામ, અન્ય ધર્મોના દેવતાઓને કોઈ દિવસ પોતાના ધર્મમાં સહન ન કરે. પણ અહીં તો, હિન્દુ ધર્મના દેવતાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. આવું કરવાની અનુમતિ ઇસ્લામનો અલ-તાકીયા આપે છે.
અલ-તાકીયા (ટૂંકમાં તાકીયા)નો વપરાશ કરવાથી મૂર્તિ પૂજા કરવી, હિન્દુ સાધુ બનાવી, હિન્દુ ધર્મનો પ્રચાર કરવો, જેવા બધા જ કામો કરવાની અનુમતિ મળી જાય છે. તાકીયા વિષે વધુ જાણકારી માટે જુઓ સતપંથ છોડો [27] પેજ 321 થી 332 (ખાસ પેજ 328 થી 330 જોવા).
30. હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ: ઇસ્લામના પ્રચારકોએ હિંદુ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ઇસ્લામના બૌદ્ધિકો હિન્દુ ધર્મનો ગહન અભ્યાસ કરવા લાગ્યા તેમજ હિન્દુ શાસ્ત્રો, રીતરીવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેનો પણ ખૂબ અભ્યાસ કર્યો [156:Page 29].
31. હિન્દુ શાસ્ત્રોની રચનાની ખૂબીઓ: હિન્દુ ધર્મના મૂળભૂત શાસ્ત્રો, એટલે કે વેદો, ઉપનિષદો, પુરાણો, રામાયણ, મહાભારત, ગીતા, શ્રીમદ ભાગવદ વગેરેની બનાવટ પાછળની ખૂબીઓના અમુક મુખ્ય મુદ્દાઓ, જે શાસ્ત્રોને મજબૂતાઈ આપે છે અને ભ્રષ્ટ થવાથી બચાવે છે, એ આ પ્રમાણે છે.
31.1. સંસ્કૃત ભાષા: હિન્દુ ધર્મના મૂળ શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવું કંઈ સહેલું નથી. એમાંય અરબદેશ / વિદેશથી આવેલ મુસલમાન લોકો માટે સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ મેળવવું બહુ જ અઘરું હતું. માટે, સંસ્કૃત ભાષામાં બનાવટી ભ્રષ્ટ ગ્રંથ તૈયાર કરવો, એ એમની ક્ષમતાથી બહારની વાત હતી.
31.2. કાવ્યાત્મક રચના: મહાભારત દુનિયાની સૌથી મોટી કવિતા છે, એ આપણે સૌ જાણીએ છીએ. હિન્દુ ધર્મશાસ્ત્રોને મૂળમાં કાવ્યાત્મક ઢબે રચવામાં આવેલ છે. આ એક બહુજ જબરદસ્ત ટેકનિક (શૈલી) છે. ધર્મના મોટા-મોટા શાસ્ત્રોને કોઈ પ્રકારે ભેળસેળ કે ભ્રષ્ટ થયા વગર, જન-માનસના મગજમાં વાત કાયમ માટે ઉતારી દેવી હોય, તો કવિતા કે ગીતોનું માધ્યમ એ બહુ જ સરળ અને ઉત્તમ માધ્યમ છે. અને એ હિન્દુ ધર્મની વિશેષતા પણ છે. આગળ વધવા પહેલાં આના પાછળના કારણો જોવા જરૂરી છે.
એક સામાન્ય રીતે વિચારવા જેવી વાત છે કે, વર્ષો પહેલાં આપણને ગમતી કોઈ કથા કે પુસ્તક વાંચ્યું હોય અને આજે, વર્ષો બાદ આપણને કોઈ કહે કે એ પુસ્તકના અમુક વાક્યો ફરી બોલી બતાવો, ત્યારે અસલ વાક્ય અને શબ્દો યાદ કરતી વખતે એમાં ફેરફારો થઈ જશે. કોઈ પણ ભૂલ વગર આપણે એ વાક્યો નહીં બોલી શકીએ. પણ વર્ષો પહેલાં સાંભળેલ કોઈ જૂનું ગીત કે કવિતા આપણે બરાબર ગાયી અથવા બોલી જશું અને એ પણ ખૂબ ઓછી ભૂલો સાથે. તેમજ એ ગીતો અને કવિતાઓ સાંભળનાર માણસ પણ ગીતોના શબ્દોને ખૂબ સહેલાઈથી યાદ રાખી લે છે અને ખૂબ લાંબા સમય સુધી યાદ પણ રાખી શકે છે.
એટલુંજ નહીં કવિતા અને ગીતો એક પેઢીથી બીજી પેઢીને જ્ઞાન ટ્રાન્સફર (હસ્તાંતરણ) કરવાની એક પદ્ધતિ પણ છે. કોઈ અભણ/અશિક્ષિત માણસ પણ આ સિસ્ટમનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવી શકે છે અને આગળ ફેલાવી પણ શકે છે. માટે ભજન, દોહા, ચૌપાઈ વગેરે હિન્દુ ધર્મમાં ખૂબ પ્રચલિત છે. માટે આપણાં પૂર્વજો કદાચ અભણ હશે, પણ અબોધ તો જરાય નહોતા. એમનામાં વિવેક અને ધાર્મિક જ્ઞાન બહુ ઊંચા સ્તરનું હતું. આ સિસ્ટમ/વ્યવસ્થા પ્રમાણે પેઢી-દર-પેઢી ટ્રાન્સફર થયેલું કે ફેલાયેલું જ્ઞાન ભ્રષ્ટ કે ભેળસેળવાળું હોવાની શક્યતા ખૂબ ઓછી થઈ જાય છે.
ઉપર જણાવેલા કારણોસર હિન્દુ ધર્મના ભજનો, દોહાઓ, ચૌપાઈઓ વગેરે એટલા પ્રભાવશાળી હોય છે કે એક સામાન્ય હિન્દુ તો ઠીક, પણ અન્ય ધર્મના વ્યક્તિ પર પણ ખૂબ ઊંડી અસર છોડે છે. માણસ પોતાના સુષુપ્ત મગજમાં આવા ભજનો, ગીતો વગેરે વાગોળ્યા કરે અને હિન્દુ ધર્મનું ઉચ્ચ જ્ઞાન મનમાં ધીરે-ધીરે ક્યારે પેસી જતું હોય છે. હિન્દુઓના ભજનોની પહોંચ અને કારગરતા જોયા બાદ કટ્ટર ઇસ્લામમાં ગીતો પર બંધી હોવા છતાં પાછળથી ખાસ શિયા પંથમાં કવ્વાલી શરૂ થઈ. ભવાઈ અને નાટકો વગેરે, એ જમાનામાં મનોરંજનનું મુખ્ય સાધન હતું, જેમાં મનોરંજન સાથે ગૌરવવંત ઇતિહાસને વણી નાટકો રજૂ કરવામાં આવતા. મનોરંજન સાથે હિન્દુત્વનું ગૌરવ અને ધાર્મિક જ્ઞાન પણ આવરી લેવામાં આવતું. માટે હિન્દુઓના નાટકો, ભવાઈઓ, રામલીલા, આખ્યાનો વગેરે પણ હિન્દુત્વ ટકાવી રાખવામાં ખૂબ પ્રભાવી અને અસરકારક હતા. જાણકારો માને છે કે મુસલમાનોને, તેમાંય ખાસ કરીને હિન્દુથી મુસલમાન બનેલા લોકોને, હિન્દુ ધર્મના પ્રભાવથી દૂર રાખવા માટે જ ઇસ્લામ ધર્મમાં ગીત-સંગીત, નાટક, સિનેમા, ટીવી વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. |
નોંધ: ખાસ: અભણ લોકો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે. |
31.3. છંદ, લય, તાલમેલ, અક્ષરોની ગણના વગેરે: હિન્દુ શાસ્ત્રોને ભ્રષ્ટ અથવા ભેળસેળથી બચાવવા માટે, હજી એક ઉપાય શાસ્ત્રોની રચના વખતે જ એના ગળથૂથીમાં ઉમેરવામાં આવેલ હોય છે. જાણકારો કહે છે કે દરેક મૂળ શાસ્ત્રના શ્લોકો/ઋચાઓ ગાવામાં કોઈ નિશ્ચિત છંદ કે ઢબ હોય છે, જેનાથી જ એ ગવાય. એમાં મહર્ષિ પાણીની દ્વારા તૈયાર કરેલ વ્યાકરણના કડક નિયમો પણ લાગુ પડે.
તેમજ અક્ષરોની ખાસ ગણતરી પણ હોય છે. જેમ કે કોઈ શ્લોક કે ઋચામાં 32 અક્ષરો હોય છે (અડધા અક્ષરો ગણવા નહીં). આવી વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવાનો પ્રયત્ન કરે તો ગાવાનો છંદ, લય, તાલમેલ તૂટી જાય અથવા શબ્દોની ગણતરી તૂટી જાય. વિચાર તો કરો કેટલી જબરદસ્ત અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા શાસ્ત્રો માટે ગોઠવેલી છે, જે આજે હજારો વર્ષો પછી પણ ભેદી નથી શકાતી. માત્ર હિન્દુઓની અજ્ઞાનતા સિવાય.
હિન્દુ શાસ્ત્રોમાં અક્ષરોની ગણતરી તો હોય છે, પણ એનું પઠન કરવાની કાવ્યાત્મક પદ્ધતિ હોય છે. તેમજ પઠન કરતી વખતે છંદ, સ્વર, માત્રા, વ્યંજન, વાક્ય, પદ, કર્મ, જાત, માલા વગેરે આધારિત હાથ હલાવવાની પણ એક નિશ્ચિત પદ્ધતિ હોય છે.
એક પણ ખોટી માત્રા આવી જાય, તો પણ એક જ ઝાટકે ખબર પડી જાય કે અહીં કંઈ ફેરફાર કરવામાં આવ્યો છે.
દાxત: શ્રીમદ્ ભગવદ્ ગીતાના તમામ શ્લોકો 32 અક્ષરોના જ હોય છે, 18 એ 18 અધ્યાયના. એવીજ રીતે વિષ્ણુ સહસ્રનામના શ્લોકોના શ્લોકો પણ 32 અક્ષરોના જ હોય છે. |
શાસ્ત્રોને ભ્રષ્ટ થવાથી બચાવવાની એક જોરદાર પદ્ધતિ |
32. મૂળ શાસ્ત્રોને ભ્રષ્ટ કરવામાં અસમર્થતા: મૂળ હિન્દુ શાસ્ત્રોની બનાવટમાં સુરક્ષા હેતુથી જે ઉપાયો ગોઠવેલા છે, એ ઉપાયોના કારણે અને સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ ન હોવાના કારણે, ઇસ્લામના પ્રચારકો મૂળ શાસ્ત્રોને ભ્રષ્ટ કરી શકે એમ નહોતા. એમને કોઈ એવા ઉપાયની જરૂરત હતી, જેના માધ્યમથી તેઓ ભ્રષ્ટ સાહિત્ય તૈયાર કરી શકે. એટલે હવે એ લોકો કોઈ અન્ય રસ્તો શોધવા લાગ્યા.
33. બારમતી / મહાપંથ / માતા પંથ / બીજમાર્ગી સાહિત્યો7 : કચ્છ અને સૌરાષ્ટ્રના મેઘવાળ જેણે દલિત કે હરિજન સમાજ જેવા સન્માનનીય નામોથી સામાન્ય લોકો ઓળખે છે, એવા આ મેઘવાળ સમાજમાં એક “બારમતી સંપ્રદાય” જેણે “મહાપંથ” કે “બીજમાર્ગી પંથ” ચાલે છે. આ પંથની ઉપાસના પદ્ધતિ પર ઇસ્લામના પ્રચારકોની નજર પડી. બારમતી સંપ્રદાયની માન્યતાઓ, ભજનો, પરંપરાઓ વગેરે ઇસ્લામના પ્રચારકો માટે એકદમ યોગ્ય હતા. પહેલી નજરે એ યોગ્ય હોવા પાછળના મુખ્ય કારણ, જેણે સામાન્ય માણસ પણ સમજી શકે છે, એવા છે કે;
33.1. કંઠસ્થ પરંપરા: બારમતી સંપ્રદાયમાં જે કંઈ સાહિત્ય છે એ મોટે ભાગે કંઠસ્થ પરંપરાથી એમને મળેલ છે. એના શાસ્ત્રો છપાયેલા નથી / નહોતા. પરંપરાગત રીતે વડવાઓ પાસેથી મૌખિક રીતે આ જ્ઞાન મળતું આવ્યું છે. જેના કારણે સમયાંતરે, અને વિસ્તાર પ્રમાણે, આ જ્ઞાનમાં ફેરફારો થઈ ગયા છે. આવા ફેરફારોને લોકો સ્વીકારી પણ લે છે, એટલે ફેરફારો ઉપર કોઈ શંકા કુશંકા ન કરે.
33.2. કાવ્યાત્મક / દોહા રૂપે: એમના શાસ્ત્રો કાવ્યાત્મક રૂપે હોવાના કારણે, આગાઉ જણાવેલ પોઈન્ટ (31.2) પ્રમાણે એમને એ શાસ્ત્રોના લાભો મળતા હતા. [140:Page 91]
33.3. ભાષા: આ સાહિત્યોની ભાષા સંસ્કૃત નથી. એના બદલે ગામડાની સામાન્ય પ્રજા સમજી અને બોલી શકે એવી દેશી ભાષા છે. ગુજરાતી, કચ્છી, સિંધી ભાષાનું મિશ્રણ વાળું સાહિત્ય છે. સ્થાનિક ભાષા હોવાથી ઇસ્લામના પ્રચારકો માટે બહુજ સહુલિયત રહી.
33.4. નિયમોના બંધનનો અભાવ: બારમતી સંપ્રદાયના સાહિત્યમાં ભેળસેળ રોકવા માટે પોઈન્ટ (31.3)માં જણાવ્યા પ્રમાણે કોઈ સુરક્ષાના ઉપાયો ગોઠવેલ નહોતા. સાહિત્ય સ્થાનિક ભાષા સાથે 2 થી 3 અન્ય ભાષાનો સમાવેશ કરીને મિશ્ર ભાષામાં હોવાથી શબ્દોમાં હેરફેર કરવા પણ બહુ વધારે વિકલ્પો મળે એમ હતા. જેથી કરીને શાસ્ત્રોને ભ્રષ્ટ કરે તો કોઈ સહેલાઈથી પકડી ન શકે.
33.5. ગુપ્ત જ્ઞાન: બારમતી સંપ્રદાયનું ધાર્મિક જ્ઞાન ગુપ્ત રાખવામાં આવતું. વિશ્વાસુ લોકો સામે જ ધર્મની ગૂઢ વાતો કહેવામાં અને રહસ્યમય વિધિઓ કરવામાં આવતી. જેથી પૂરી વાત કે વિધિની સંપૂર્ણ અને ઠોસ જાણકારી સામાન્ય માણસ પાસે ન રહેતી. પૂરતી જાણકારી અને પુરાવાઓ ન હોવાથી જે વાત એમને કહેવામાં આવતી એ વાત સ્વીકારી લેવા સિવાય લોક પાસે કોઈ વિકલ્પ જ નહોતો.
બારમતી સંપ્રદાયના શાસ્ત્રોની જાણકારી ઇસ્લામના પ્રચારકોએ ગમેતેમ કરીને મેળવી લીધી. તે સમયે ભારતના ઘણા ક્ષેત્રોમાં અને ખાસ કરીને સિંધ પ્રાંતમાં મુસલમાનો પાસે સત્તા હોવાથી, એમના વિસ્તારમાં રહેતો મેઘવાળ સમાજ પર દબાણ લાવી આ માહિતી મેળવી લેવી કંઈ કઠિન કામ નહીં રહ્યું હોય.
34. સતપંથની સ્થાપના: શિયા-ઇસ્લામનો એક પંથ જેનું અરબી નામ “સિરાત અલ-મુસ્તકિમ”[27:Page 276 to 286] છે અને જેનો અર્થ “સીધો રસ્તો” કે “સાચો રસ્તો” થાય, એ પંથના મુખ્ય સિદ્ધાંતોને લઈને સતપંથ ધર્મ બનાવવામાં આવ્યો. જેમાં ઉપર જણાવ્યા પ્રમાણે બારમતી સંપ્રદાયના સાહિત્યોનો ઉપયોગ કરવામાં આવ્યો. “ઇસ્લામ” ધર્મની શાખા “શિયા”, તેની પેટા-શાખા “ઇસ્માઈલી” અને એમાં એક પંથ “નિઝારી”નો પેટા પંથ છે, “સતપંથ”.
અભ્યાસ કરવાથી ખબર પડે કે, સિરાત અલ-મુસ્તકિમ એટલે શિયા-ઇસ્લામના મુખ્ય સિદ્ધાંતો પ્રમાણે હિન્દુ ધર્મના મૂલ્યો અને આદર્શોને વણીને, બનાવટી શાસ્ત્રોને રચવામાં આવ્યા (વિગતે વાત આગળના પ્રકરણોમાં આવરી લેવામાં આવે છે). જેવા કે..
34.1. ઇસ્લામના આગમનથી પહેલાં ચાલતા તમામ ધર્મોને ભગવાને રદ્દ જાહેર કરી દીધા છે. અને હાલના સમયમાં એકજ સાચો ધર્મ છે અને એ છે ઇસ્લામ (એટલે અહીં સતપંથ).
34.2. કુરાન સિવાય બાકી બધા શાસ્ત્રોને પણ ભગવાને રદબાતલ જાહેર કર્યા છે. કુરાનને સતપંથમાં અથરવેદ (અથર્વવેદનું અપભ્રંશ) નામ આપવામાં આવ્યું છે.
34.3. કલિયુગમાં કેવળ એકજ ભગવાન છે અને એ મૂર્તઝા અલી8 તાલીબ છે કે જેને સતપંથમાં નિષ્કલંકી નારાયણ નામ આપવામાં આવ્યું છે.
34.4. કુરાનમાં જણાવેલ સિદ્ધાંત અનુરૂપ એકજ ભગવાન (અલ્લાહ)ને માને છે. પણ હિન્દુઓમાં તો અનેકો ભગવાન હોય છે. માટે સતપંથમાં “ચાર યુગના પૂજ્ય પાત્રોની યાદી”[27:Page 290] તૈયાર કરી, હિન્દુ ધર્મના દેવતાઓના અવતારોને સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગમાં વહેંચી દીધા. અને કલિયુગમાં માત્ર એકજ ઇસ્લામના દેવો એટલે કે મૂર્તઝા અલી ઉર્ફે નિષ્કલંકી નારાયણ છે. ઇસ્લામના રિવાજો જેવા કે દફન વિધિ, એકજ વેદ – અથરવેદ (કુરાન) ને ગોઠવી દીધા. આવા સિદ્ધાંતો હિન્દુ ધર્મમાં ક્યાંય નથી.
34.5. કલિયુગના ગુરુ એટલે સૈયદ ઇમામશાહ બાવા
34.6. ગુરુ મંત્ર એટલે “પીર શાહ”
34.7. આ દુનિયામાં હમેશાં દેવો અને દૈત્યો એમ બન્ને હોય છે. માટે દેવ હમેશા દૈત્યને મારવા આ પૃથ્વી પર એક યા બીજા રૂપે અવતરિત થતા હોય છે. અને એ એકજ કુળ (કલિયુગમાં સૈયદ કુળ – હિન્દુઓ માટે હરિવંશ નામ)માં [27:Page 294] જન્મ લેતા આવ્યા છે. આ પરંપરા નિરંતર સતયુગથી ચાલી આવે છે, જે આજે પણ નિરંતર રીતે ચાલ્યા કરે છે.
34.8. વગેરે વગેરે
35. બારમતી શાસ્ત્રોના આધારે સતપંથના શાસ્ત્રો રચવામાં આવ્યા: કચ્છ અને સૌરાષ્ટ્રના મેઘવાળ સમાજમાં ચાલતા બારમતી કે મહાપંથ કે બીજમાર્ગી સંપ્રદાયના સાહિત્યોને ભ્રષ્ટ કરી કે ભેળસેળ કરીને ઉપર જણાવ્યા પ્રમાણે (સિરાત અલ-મુસ્તકિમ) સતપંથના સિદ્ધાંતો આવરી લેતા સાહિત્યો તૈયાર કરવામાં આવ્યા.
આના માટે બારમતી સંપ્રદાયમાં પ્રચલિત મુખ્ય સાહિત્યો જેવા કે ..
35.1. સૃષ્ટિ તેમજ મહાપંથની ઉત્પત્તિ કથા
35.2. જ્યોત ઉપાસના
35.3. ઘટપાટ પૂજા
35.4. બારાઈ / વારી યજ્ઞ
35.5. પાવળનું પાણી પીવું
35.6. આગમવાણી – કલિયુગના અંતે થવાનો મહાયુદ્ધ
35.7. છત્રીસ ધ્રોક / 36 નિયમોની શિક્ષાપત્રી
35.8. બારમતી ભજનો,
35.9. વગેરે વગેરે.. શાસ્ત્રો છે.
સાહિત્યોનો મૂળભૂત ઢાંચો લઈને, જરૂરત પ્રમાણે યોગ્ય ફેરફારો કરી, અલગ-અલગ સમયે અને અમુક તો ઈમામશાહ પછી, સતપંથના ભ્રષ્ટ શાસ્ત્રો રચવામાં આવ્યા. બારમતી સંપ્રદાયના સંતો, જેવાકે દેવાયત પંડિત દ્વારા જ્ઞાન આપતા ભજનોમાં થોડા ફેરફારો કરીને “ગીનાન” (જ્ઞાન શબ્દનું અપભ્રંશ) શાસ્ત્રો તૈયાર કરવામાં આવ્યું, જેવા કે ગોરવાણીનું ગીનાન, અમૃતવાણીનું ગીનાન
તમે સમજી ગયા હશો કે આ બધા શાસ્ત્રો કાવ્યાત્મક રીતે દોહા9 પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ છે. આ બધા શાસ્ત્રોમાં સહુથી મહત્વનો ગ્રંથ જે તૈયાર કરવામાં આવ્યો, એ છે સતપંથ “દશાવતાર” ગ્રંથ. જેના વિષે વધુ જાણકારી આગળ જોઈશું.
36. સતપંથ સ્થાપક: ઉપર જણાવ્યા પ્રમાણે સતપંથના સાહિત્યો તૈયાર કરવામાં મુખ્ય બે વ્યક્તિઓની ભૂમિકા રહી છે.
36.1. પીર સદરૂદ્દીન: પીર સદરૂદ્દીનનો10 જન્મ: સબઝવાર ગામ, હાલના ઈરાન દેશમાં વર્ષ ઈ. સ. 1290માં11 થયો હતો. પીર સદરૂદ્દીનનું મૃત્ય ઈ. સ. 1380માં10 થયું અને એમના મૃત શરીર પાકિસ્તાનના ભાવલપૂર પ્રાંતના ઉચ ગામમાં દફનાવેલ છે. એમની દરગાહને “ઉચ શરીફ”ના12 નામથી ઓળખાય છે. ત્યાં એમના એક દીકરા પીર કબિરુદ્દીનની13 પણ દરગાહ છે.
36.2. સૈયદ ઈમામશાહ બાવા: પીર સદરૂદ્દીનના પોત્રા (Grandson) હતા સૈયદ ઈમામશાહ14 બાવા જેમનું પૂરું નામ સૈયદ ઈમામઉદ્દીન અબ્દુર રહીમ છે. એમના પિતાનું નામ પીર કબિરુદ્દીન છે [136:Page 65] [42]. ઈમામશાહનો જન્મ ઈ. સ. વર્ષ 1452માં થયો અને એમનું મૃત્ય ઈ. સ. 1513માં થયું. એમના મૃતક શરીરને પીરાણાની દરગાહમાં દફનાવેલ છે.
36.3. ગ્રંથોની રચના: સદરૂદ્દીન અને ઈમામશાહ દ્વારા રચવામાં આવેલ સતપંથના મુખ્ય ગ્રંથો છે;
1. ગાયત્રી
2. અથર વેદ
3. દુઆ / પૂજાના મંત્રો
4. બુધ અવતાર
5. દશાવતાર (નાનો)
6. દશાવતાર (મોટો)
7. ગીનાન
8. મોમિન ચેતામણી – તો મુનિવારભાઈ મોટી
9. ખટ નીરંજન અને ખટ દર્શન
10. ગિરભાવલી નાની અને મોટી
11. ભુજ નીરંજન
12. 52 બોધ, 100 ક્રિયા, સહીસ્મરણી
13. શ્લોકો નાના, વગેરે વગેરે
37. આગળ વધવાથી પહેલાં આપણે પહેલાં બ્રેનવોશિંગ શું છે, એ જોઈ લઈએ, આગલા પ્રકરણમાં.
7 સાહિત્યો – માટે જુઓ Bibliography / સંદર્ભ સૂચિમાં જણાવેલ ક્રમ [36] [88:Page 128] [90] [111:Page 5 and 6] [6:Page 25]
9 દોહા = ભજનોમાં તાલ/છંદ મેળવતા ૨ વાક્યોની કડી. દાખલા માટે..
लूट सके तो लूट ले, राम नाम की लूट ।
पाछे फिरे पछताओगे, प्राण जाहिं जब छूट ॥
10 સદરૂદ્દીન – https://abkkpsamaj.org/go/fn10
11 ઈ. સ. = ઈસવી સન = Gregorian Calendar = Present internationally followed calendar
12 પીર સદરૂદ્દીન અને કબિરુદ્દીનની કબરો – https://abkkpsamaj.org/go/fn12
13 પીર કબિરુદ્દીન – https://abkkpsamaj.org/go/fn13
14 સૈયદ ઈમામશાહ – https://abkkpsamaj.org/go/fn14