કેન્દ્રીય સમાજના ૨૦૧૦નાં પંચમ અધિવેશન બાદ જ્ઞાતિમાં ફરી એક વખત સનાતની જાગૃતિની ચળવળ જાગી હતી. આ અધિવેશનનાં ખર્ચને પહોચી વળવા નખત્રાણા ખાતેની કેન્દ્રીય સામાન્ય સભામાં દક્ષિણ ભારત સતપંથ સમાજનો ફાળો નોંધાયો અને જાહેર થયો, ત્યારે ત્યાં ઉપસ્થિત દક્ષિણ ભારત સમાજના સનાતની અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા.
વર્ષ ૨૦૧૧માં દક્ષિણ ભારત ઝોન સમાજના યુવાઓએ સનાતની ભેખ ધારણ કરી દરેક સમાજના યુવા મંડળ માંથી સતપંથ તરફી હોદેદારોને રાજીનામા અપાવાના પ્રયાસોમાં લાગ્યા હતા. પરંતુ, જ્યાં સુધી સમાજના વડીલો નક્કર પગલાં ન લે, ત્યાં સુધી કાર્ય મુશ્કેલ હતું.
ધીરે ધીરે સમાજના સનાતની વિચારધારા ધરાવતા વડીલોએ પણ જંપલાવ્યું. કારોબારી સભામાં ઘર્ષણ થયું, દક્ષિણ ભારત ઝોન અંતર્ગત ચાર ઝોન (મદુરાઇ ઝોન, ચિદમ્બરમ ઝોન, ચેન્નાઇ ઝોન અને નમક્કલ ઝોન)માં સનાતની ધ્વજ લહેરાતો દેખાયો.
ભારતની અન્ય ઝોન સમાજોમાં જે નવા નીતિ નિયમો બન્યા એ અનુરૂપ દક્ષિણ ભારત સમાજમાં પણ નવા નિયમો બનવા જોઈએ એવી માંગ ઉપડી. કચ્છના જે ગામના વતની હોય તે ગામના મંજૂરી પત્ર સાથે દક્ષિણ ભારત સમાજના નવા નિયમોનું “સમર્થન પત્ર” તૈયાર થયું અને કુંભકોણમ ખાતે યોજાયેલ ૨૦૧૨ની કારોબારીમાં રજુ થયું. જેનો તીવ્ર વિરોધ થયો, તે સમયના પ્રમુખ શ્રી ચુનીલાલ ચોપરા તેમજ અન્ય સનાતની સભ્યોએ સમજાવવા અથાગ પ્રયત્નો કર્યા. છતાં, દક્ષિણ ભારત સમાજના મહામંત્રી કરશનભાઈ રંગાણી સહિત સતપંથ સાથે જોડાયેલ ઉપસ્થિત સર્વે લોકો સભાનો બહિષ્કાર કરી ત્યાંથી નીકળી ગયા. તે વાર્ષિક સામાન્ય સભામાં સર્વાનુમતે દક્ષિણ ભારત સમાજનું નામ “શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ” રાખવામાં આવ્યું.
ભારતભરની કડવા પાટીદાર સમાજમાં દક્ષિણ ભારતનો આ પ્રથમ દાખલો હતો જ્યારે સતપંથ અને સનાતન એમ બે સમાજો બની. ત્યારબાદ, દક્ષિણ ભારત ઝોનમાં સભ્યો પાસેથી સનાતની હોવાનું સમર્થન પત્ર માંગવામાં આવ્યું. એમાં અમુક શંકાસ્પદ લોકોએ પણ સમર્થન પત્રો આપ્યા. ત્યારે એવા લોકો પાસેથી વધારામાં એમના ગામના દાખલાઓ માંગવામાં આવ્યા, જે જે લોકોએ આ બધી બાબતો પૂરી કરી એ લોકો દક્ષિણ ભારત સનાતન સમાજના સભ્ય તરીકે રહ્યા. અને બાકીના સૌ દક્ષિણ ભારતની સતપંથ સમાજમાં રહ્યા.
ત્યારબાદ, પારિવારિક અને સામાજિક પ્રસંગોમાં સતપંથી પરિવારોને આમંત્રણ ન આપવા તેમજ ધંધાકીય ભાગીદારીમાંથી છૂટા પાડવા જેવા નિયમો બન્યા. આવા નિયમો બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે, આવું કરવાથી આપણા જ ભાઈ ભાડું પાછા સનાતન પ્રવાહમાં ભળી જાય. પ્રસંગોપાત નાના નાના ઘર્ષણ થતાં રહ્યા. પણ, દિવસો વીતતા ગયા તેમ બધુ શાંત પડતું ગયું.
વર્ષ ૨૦૧૭થી અમુક પરિવારો સતપંથ સમાજ છોડી સનાતન સમાજમાં જોડાવા લાગ્યા. ધીમે-ધીમે આ પ્રવાહ વધવા લાગ્યો. સનાતન સમાજના મોવડી મંડળે સતપંથ સમાજના સર્વે સભ્યો એક સાથે સનાતન પ્રવાહમાં જોડાય એવી માંગ મૂકી. જેનો અમુક સનાતની સભ્યોએ મત આપ્યો કે જેઓ કટ્ટર સતપંથી છે એવા પરિવારો માટે થોડી રાહ જોવી જોઈએ. એ પ્રકારનો સુજાવ આપ્યો. પણ કોઈપણ કારણસર અગ્રણી ટીમને એ મંજૂર ન હતું. આ ઘર્ષણ ચરમસીમાએ પહોચ્યું. દક્ષિણ ભારતના કટ્ટર સનાતની વડીલોએ કેન્દ્રને આ બાબત મધ્યસ્થી કરવા જણાવ્યું. તે સમયના કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી અને યુવાસંઘ પ્રમુખ શ્રી સહિત કુલ પાંચ સભ્યો મધ્યસ્થી માટે આવ્યા. મામલાને શાંત પાડવા અને સનાતની સમાજમાં એકબીજા સામે બાંયો ન ચડાવવાની સમજાવટ ભરી વાતો થઈ. સતપંથ સમાજમાંથી સનાતન સમાજમાં જોડાવા માંગતા સભ્યોને રોકવા ન જોઈએ એવી રજૂઆત થઈ. સૌ સભ્યોએ એ વાતને વધાવી લીધી.
ત્યારબાદની કારોબારી સભામાં ૧૦૦ રૂપિયાનાં સ્ટેમ્પ પેપર સાથે સમર્થન પત્ર પર સહી અને કચ્છ સમાજનો દાખલો રજૂ કરે અને નિર્ધારિત ફી ભરે એ પરિવારોને ૨૦૨૦ની ચેન્નાઇ ખાતેની વાર્ષિક સભામાં ભેળવી લેવાનો આખરી નિર્ણય લેવાયો. તેમજ જે કોઈ પરિવાર સમર્થન પત્રમાં જણાવેલ કોઈપણ નિયમોનું ઉલંઘન કરશે તો તે પરિવારને કોઈપણ સંજોગે દક્ષિણ ભારત સમાજના સભ્યપદથી બરતરફ કરવામાં આવશે એવો નિર્ણય મંજૂર થયો. આ સમર્થન પત્ર સાથે એક અગત્યનો નિર્ણય એ લેવાયો હતો કે ૨૦૨૦થી આગામી ૬ વર્ષ સુધી નવા જોડાયેલા સભ્યો દક્ષિણ ભારત ઝોન, ઘટક સમાજ, દક્ષિણ ભારત યુવાસંઘ, યુવા મંડળ, મહિલા મંડળ વગેરે કોઈ પણ સામાજિક સંસ્થામાં કોઈપણ હોદ્દા પર રહી શકશે નહિ.
આ નિયમોનું પાલન કરવાની બાહેંધરી સાથે ૧૪-જાન્યુઆરી-૨૦૨૦માં ચેન્નાઇ ખાતે યોજાયેલ પોંગલની વાર્ષિક સામાન્ય સભામાં ૧૪૦ પરિવારો સનાતન સમાજમાં જોડાયા હતાં.
નિયમોનું કડક પાલન થાય એ હેતુથી ઘટક ઝોન સમાજમાંથી સભ્યોની નિમણુક કરવામાં આવી અને એક સમિતિની રચના થઈ, આ સમિતિના સભ્યો આગામી ૬ વર્ષ સુધી જેઓ પણ નિયમોનું ઉલંઘન કરે તેની જાણ પુરાવા સાથે દક્ષિણ ભારત સમાજને કરે અને એ ઉલંઘન કરનાર પરિવાર પર જરૂરી કાર્યવાહી દક્ષિણ ભારત ઝોન કરે એવો ઠરાવ પાસ થયો હતો.
આજે દક્ષિણ ભારત ઝોનમાં અંદાજે ૧૫ થી ૧૭ પરિવારોને બાદ કરતા બાકી બધાજ સતપંથ છોડી સનાતની બની ગયા છે.