સૌ પ્રથમ સનાતની સમાજ અને છાત્રાલયનું ધનસુરા ખાતે નિર્માણ
આજીવિકા રળવા માટે માદરે વતન કચ્છને અલવિદા કરીને કચ્છના પાટીદારોએ વિશ્વની વાટ પકડી. જેમાં એક મોટો વર્ગ ખેતીનો વ્યવસાય સ્વીકારી સાબરકાંઠા, ખેડા પંથકમાં સ્થાયી થયો. જેમાં સંતોએ આપેલ સનાતન સંસ્કૃતિને સ્વીકારનાર વર્ગ અલાયદુ સનાતની સંગઠન બનાવી કાર્ય કરતો હતો. જે ઈશ્વર આશ્રમ વાંઢાયની ગુરૂગાદી સાથે જોડાયેલ હતો. દેશની આઝાદીના અંતિમ પડાવ સમયે સન ૧૯૪૩માં રામપુરા કંપા (અણીયોર કંપા) ખાતે આ વિસ્તારના જાગૃત ભાઈઓએ એક સંમેલન બોલાવી ચર્ચા-વિચારણાના અંતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (ગુજરાત), ધનસુરાની રચના કરી. જેના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી હંસરાજભાઈ નારણ પોકાર અને મંત્રી તરીકે કરશનભાઇ પચાણ દીવાણીની નિમણુંક થઈ.
આ સમાજમાં રહેલ પરંતુ દિલથી સતપંથી એવા સભ્યોએ ૧૯૭૭-૭૮માં વડાલી અને અન્ય વિસ્તારના પીરાણાપંથીઓને મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો બનાવવાની ઝુંબેશ ચલાવી અને સમાજના નામમાંથી સનાતન શબ્દ દુર કરવા માટે તોફાન મચાવ્યું. આ બાબતમાં મોડાસા કોર્ટ કેશ દાખલ થયો અને ૧૭ જેટલી મુદતો પડી. જયારે કોર્ટનો ચુકાદો સનાતન તરફી આવવાનો છે, તેવું લાગતાં પીરાણાપંથીની આદત મુજબ સમાધાન માટેનો રસ્તો અપનાવવા માટે મીઠી-મીઠી અને આદર્શવાદી વાતોના દમ પર બેઠક કરવા આગેવાનોને વિનંતી કરી. મુંબઈના તે વખતના પ્રખર સનાતની આગેવાનો સાથે બેઠકને અંતે નક્કી થયું કે સમાજના નામમાં કોઈ જ ફેરફાર થશે નહિ. આમ, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ (ગુજરાત), ધનસુરા સમાજરૂપી સનાતની વિજય સ્તંભ આ કંપા વિસ્તારમાં આજ પર્યન્ત લહેરાઈ રહ્યો છે.
સંતશ્રી દયાલ દાસજી મહારાજના ધાર્મિક જાગૃતિ માટેના દાયકાના વિચરણથી આવેલ જાગૃતિના ભાગરૂપે તા. ૧૫ થી ૧૭ એપ્રિલ-૧૯૫૪ દરમ્યાન હીરાપુર કંપા ખાતે પૂ. સંતશ્રી ઓધવરામ મહારાજના સાનિધ્યમાં જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં ત્રણ દિવસીય અધિવેશન યોજાયેલ. જેમાં ગુજરાત બહારના સનાતન ધર્મ જાગૃતિના કાર્ય સાથે સંકળાયેલ રતનસી ખીમજી ખેતાણી, રાજારામ ધોળુ જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહેલ. મહારાજશ્રીના સમાજની ઉન્નતિના મૂળ પાયારૂપ કેળવણી પર ભાર મૂકતાં કંપા પ્રદેશના મધ્યવર્તી સ્થાને જ્ઞાતિની બોર્ડીંગ બનાવવાની પ્રેરણા આપી અને તે માટે જરૂરી રકમ રૂ. ૬૦,૧૭૫/- જેટલી માતબર રકમ સભામાંજ એકત્રિત કરી આપી (સંપાદકીય નોંધ: આ ઘટનાના સ્વયં સાક્ષી એવા ધનસુરા સમાજના પૂર્વ મહામંત્રી વડીલ શ્રી બેચરભાઈ ભાવાણી, મોતીસરી કંપાવાળાએ સંત ઓધવરામ મહારાજ દ્વારા એક પગે ઊભા રહી ફાળાઓ કરી આપવાની વાત આ પુસ્તકના ખંડ 1ના પોઈન્ટ 150.34માં જણાવેલ છે, જે પ્રકાશિત અહેવાલમાં નથી). સમાજને પ્રથમ કેળવણી ધામ(કુમાર છાત્રાલય)ની ભેટ આપેલ. ત્યારબાદ ૧૯૬૮માં જ્ઞાતિનું પ્રથમ કન્યા છાત્રાલય ધનસુરા ખાતે નિર્મિત થયું.
આમ, સંતો દ્વારા મળેલ આશિર્વાદથી સમાજમાં આવેલ શિક્ષણની જાગૃતિના લીધે તખતગઢ, રણજીતપુરા, મોતેસરી, અમલાઈ, રામાપીર કંપા, વજેપુરા કંપા જેવા અનેક કંપાઓમાં હાઈસ્કુલની સ્થાપના થઈ. ધનસુરા ખાતે પૂ. ઓધવરામ મહારાજની સ્મૃતિમાં સન ૨૦૦૧માં શ્રી ઓધવ વિદ્યા મંદિર શરુ કરવામાં આવી.
ધનસુરા સમાજની યુવા પાંખ દ્વારા પ્રતિ વર્ષ વસંત પંચમીના ઉજવાતા સનાતની સમૂહ લગ્નોત્સવના ૨૫ વર્ષ (૨૦૨૪) પૂર્ણ થવા જઈ રહ્યા છે.
આમ, કંપા વિસ્તારે દેશમાં સૌ પ્રથમ સનાતની સમાજ અને બોર્ડીંગના નિર્માણ થકી સનાતની સંગઠન અને કેળવણી ધામના શ્રી ગણેશ કર્યાં. આગળ જતાં સમગ્ર દેશમાં કેશરિયો લહેરાવવાની શરૂઆત થઇ.
જાગૃતિ માસિક મુખપત્ર
કેળવણી માટે સંસ્થાનું નિર્માણ થતાં સમાજના વડીલો તથા યુવક મિત્રોની સૂઝબૂઝથી સમાજમાં ક્રાંતિકારી વિચારો દ્વારા જાગૃતિ આવે તેવા શુભઆશયથી સને ૧૯૬૫માં “જાગૃતિ” માસિક પ્રસિધ્ધ કરવાનું નક્કી કર્યું. જેના પ્રથમ તંત્રી તરીકે શ્રી શામજીભાઈ નારણભાઈ ધોળુ (તલોદ-હાલ ગોવા)ની નિમણુંક કરવામાં આવી. જાગૃતિ માસિકનો પ્રચાર અને પ્રસાર સાબરકાંઠા પૂરતો ન રહેતા ભારતભરમાં તેના વાચકો અને ગ્રાહકો નોંધાયા હતા. ત્યાર પછી ટીંબા કંપા-હરસોલના શ્રી કાંતિભાઈ ખીમજીભાઈ પટેલે પણ તંત્રી તરીકે ખૂબ લાંબો સમય સુંદર કામગીરી કરી હતી. છેલ્લે જાગૃતિ માસિક સને 1983 સુધી સારી રીતે ચલાવવામાં આવ્યું. છેલ્લા બે-ત્રણ વર્ષમાં શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવકસંઘે પણ જાગૃતિ માસિક પ્રકાશિત થતું રહે તે માટે પ્રયત્ન કર્યા હતા. તેમ છતાં જે તે સમયે આર્થિક સંકડામણને કારણે તેને બંધ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું.
આમ, આ જાગૃતિ માસિક અંકમાં સનાતના ધર્મ જાગૃતિના કાર્યો અને લેખો સતત પ્રસિધ્ધ થતાં રહેતા હોઈ આજે તે ઐતિહાસિક ઘટનાઓનું પુરાવા સહિતનું સાક્ષી બનીને ઉપયોગી થઈ રહ્યું છે.
સનાતન ધર્મ જાગૃતિ પ્રથમ ચિંતન સભા – ધનસુરા
મોડાસા ખાતે ઉમિયા માતાજી મંદિર નિર્માણને લઈને ટ્રસ્ટ રચના બાબતમાં ઉપસ્થિત થયેલ સનાતન – સતપંથ વચ્ચેનો વિવાદ પરાકાષ્ઠાએ પહોચતાં સનાતન ધર્મીઓને જાગૃત અને સંગઠિત કરવાના હેતુસર મોડાસા વિભાગના સનાતની ભાઈઓની રજુઆતના પગલે ધનસુરા ખાતે “સફાઇ અભિયાન” અંતર્ગત સનાતન ધર્મ જાગૃતિની પ્રથમ ચિંતન સભા ધનસુરા સનાતન સમાજના પ્રમુખ શ્રી શિવદાસ રત્ના માવાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી. આ સભામાં હિમંતભાઈ ખેતાણી, રમેશભાઈ વાઘડીયા અને પ્રેમજીભાઈ કેશરાણીની ત્રિપુટીની જુસ્સાદાર વાણીએ સૌ સભ્યોમાં સનાતની જુસ્સાને બળવત્તર કરેલ.
આમ, ધનસુરા પંથક પુનઃ સનાતની ચેતનાની મશાલ બન્યો. ત્યારબાદ આ લાલ,બાલ અને પાલ જેવી સનાતની ત્રિપુટીએ ભારતભરમાં ૬૬ જેટલી સનાતન ધર્મ જાગૃતિની સભાઓ દ્વારા સમગ્ર જ્ઞાતિમાં સનાતની અજવાળા પાથર્યા.