૪૬. કર્તાહર્તા પાકા મુખીના દીકરા એવા - કરમશીભાઈ કાનજી વાસાણી - વિરાણી નાની - માંડવી કચ્છની આપ બિતી
– કરમશીભાઈ કાનજી વાસાણી વિરાણી નાની – માંડવી
એક સમયે અમે પાકા સતપંથી હતા. હું શ્રધ્ધા અને વિશ્વાસની સાથેએ પંથને માનતો હતો. કારણ કે દાદા પરદાદાના વખતથીએ પંથને માનતા હતા એટલે ચીલાચાલુ ઘરમાં ચાલતી રીતથી પંથમાં રંગાઈ ગયેલ હતો. સતપંથનું ધર્મસ્થાન ગામમાં આવેલ. તે સમયમાં તેને “જગ્યા” નામથી ઓળખવામાં આવતું હતું. તે જગ્યામાં પુજા વિધી અને દર્શન સેવામાં જે જે ક્રિયાઓ થતી હતી તે અને વ્યાખ્યાન આખ્યાન જે વંચાતા બોલાતા તે મુસ્લિમ ધર્મ લાગે વળગે તેવા હતા. એ મુસ્લિમ દુવા કલમાઓ બોલાતા એમાં હોશે હોંશે હું પણ ભાગ લેતો અને સહયોગી થઈને રહેતો હતો.
ધીમેધીમે સમજણ આવતાં મારા મનમાં એક ચળવળનું તુફાન ઉઠ્યું. દિલમાં બહુ દુવિધા થવા લાગી. વિચારોમાં ઉફાણા ઉઠવા લાગ્યા. આ શું છે? અમે હિન્દુ છીએને આ તો ઈસ્લામની જેમ દુવા-કલમા પઢાય છે. બધી વિધીઓ હિન્દુધર્મ સાથે ભળે તેવી નહોતી. મનમાં મુંઝવણ થવા લાગી. હવે શું કરવું. એટલે પહેલું તો મે કર્યું જગ્યામાં જવાનું બંધ. જગ્યામાં દર્શને જવાનું બંધ કર્યું એટલે મારા બાપુજીને (બાપુજી જગ્યાના પાકા કર્તાહર્તા મુખી હતા) ખોટું લાગવા માંડ્યું તો બાપુજીએ મને એમ કહ્યું કે તું જગ્યામાં દર્શન કરવા કેમ નથી જતો? અને આ ગામના માણસો ટોણાં મારીને કહે છે કે તમારો દિકરો પાકો મુખી જેવો હતો ને જગ્યામાં દર્શન કરવા કેમ નથી આવતો? તમે આવા પાકા મુખીને વળી એ વંઠી ગયો લાગે છે. મને સાંભળવું પડે છે.
જવાબમાં મને એમ જ કહેવું પડ્યું કે બાપા મને આ બધું મુસ્લીમ જેવું લાગે છે. એટલે બાપાએ કહ્યું કે તું જે શાસ્ત્ર જગ્યામાં બોલે છે તેમાં એક શાસ્ત્રમાં ગાય છે કે ભાઈ ત્યારે યુગમાંથી અંધારું ટાળશે અને હોંશે તે એક જ વેણ, અથરવેદમાં એમ ભાંખીયા સબ હિન્દુ હોંશે મુસલમાન. (ગોરવાણીનું ગીનાન ૬ઠ્ઠું). આવું સાંભળતા મારા મનમાં ઓર ઉદ્યાપો ઉઠ્યોને કહેવાઈ ગયું કે બાપા આવું છે તો બીજા હિન્દુ મુસલમાન બને તેનાથી પહેલા આપણે સતપંથીઓએ મુસલમાન થઈ જવું જોઈએ. આ સાંભળીને બાપા ગુસ્સે થયા. લાલ આંખો કરીને કહે કે ઉઠ ભાગ અહીંયાંથી. હું તારો બાપ છું કે તું મારો બાપ છે? આવો ગુસ્સો જોઈને તે વખતે ભાગી જવું પડ્યું. અને પછી તો આવાને આવા વિચારોની ઉથલપાથલમાં મન ચકડોળે ચડ્યું.
આવામાં મનને આશ્વાસન મળી ગયું. તે એવી રીતે કે એક ઈતિહાસીક પુસ્તક મળ્યું. જેના લેખક નારાયણજી રામજી લીંબાણી ગામ મોટી વિરાણીવાળા. જે પુસ્તકનું નામ સતપંથ પીરાણાની પોલ. વાંચ્યું ખૂબ વાંચ્યું. મનની દુવિધાઓ પુરેપુરી મટી ગઈ. સનાતન ધર્મના શાસ્ત્રો અને વેદોનો ખાસ અભ્યાસ કર્યો અને ઘણા શ્લોકો/ઋચાઓ કંઠસ્થ પણ કરી. એના પરથી ખાતરી થઈ ગઈ કે મનમાં જે શંકા થતી હતી એ શંકા ખોટી ન હતી.સાચી જ હતી કે પીરાણા સતપંથ હિન્દુ ધર્મ નથી જ. અને હવે તો એજ આભાર માનવો રહ્યો એ બાપાનો જેને તે વખતના કપરાકાળમાં આવડી મહેનત કરીને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ઢંઢોળીને જગાડવાનું કામ કર્યું. ધર્મના નામે અંધ બનેલ પાટીદારને જગાડ્યા. આપણે તો એ વિચારીએ કે એ વડીલ તે વખતેના ગુમાની ગેઢેરા રીઢા સતપંથીઓએ બાપાને ત્રાસ દેવામાં ઓછું નહી કર્યું હોય. વાહરે બાપા વાહ તમારી આ ક્રાંતિકારી મહેનત. બાપા તમને આ કચ્છ કડવા પાટીદાર હજુ પણ કેટલાય એવા છે કે તમને ન ઓળખી શક્યા, ન જાણી શક્યા, ન તમારા વિચારો પચાવી શક્યા અને હજી સનાતન સમાજના મુખ્ય પ્રવાહમાં ભળ્યા નથી.
હું તો એ જ કહીશ કે સતપંથનો એ માર્ગ કલીયુગના વારા પ્રમાણે અથર્વવેદી ધર્મ છે તે ખોટું છે. તે પંથ હિન્દુ સનાતન ધર્મનું હળાહળ અપમાન, હડહડતી નિંદા, ટીકા અને એટલી હદે સનાતન શાસ્ત્રોને ગંદી રીતે ચીતર્યાં છે. વેદ-ઉપનિષદો, દર્શન શાસ્ત્રો અને મહાપુરાણોને ગલત ચિત્રીને પોતાની મગજરૂપી ખોપરીના કારખાનામાંથી ઉપજ કાઢીને, હાથે લખેલ થોથા બનાવીને હિન્દુઓને ઉલ્લુ બનાવી, આ કલીયુગના વારા પ્રમાણે અથર્વવેદ છે, આવી કપોળ કલ્પીત કપટી જાળમાં પાટીદારોને ઉંધે પાટે ચડાવી દીધા. તેથી સૈયદ ઈમામશાહ બાવા સ્થાપિત સતપંથ છોડ્યો છે. સનાતન ધર્મનો અંગીકાર કર્યો છે.