બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૪૪. ક્રાંતિકારી સાહિત્ય રસિક પ્રથમ મેટ્રિક્યુલેટ - સનાતની લડવૈયા શ્રી દાનાભાઈ અરજણ જાદવાણી

– CA ચંદુભાઈ ભાણજી નાકરાણી
થાણા 

વર્ષો પહેલા જ્યારે આપણી જ્ઞાતિ પીરાણાના અર્ધદગ્ધ પંથમાં સપડાયેલી હતી અને સૈયદો તેમજ કાકાઓના જુલમી વહીવટની એડી નીચે સપડાયેલી હતી, ત્યારે કચ્છ રવાપરના જાદવાણી પરિવારના દાનાભાઈ નામના યુવાને કરાંચીમાં સૌ પ્રથમ મેટીક્યુલેટની પરીક્ષા પાસ કરી, કેળવણી ક્ષેત્રે તો ક્રાંતિના મંડાણ કર્યા. સાથોસાથ સાહિત્ય ક્ષેત્રે ડગ માંડી ધાર્મિક અને સામાજિક બદી સામે બંડ પોકારતા કાવ્યો રચી જ્ઞાતિને જાગૃત કરવાનું બ્યૂગલ ફૂંકનાર યુવા દાના અરજણના સનાતની યોગદાનના નીડર કિસ્સાઓને જાણીએ.

સંવત 1965 ના વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા (અખાત્રીજ) દિનાંક 23-Apr-1909ના કરાચીમાં જન્મેલ દાનાભાઈ નાનપણથી જ શાંત, મૃદુતા, સત્ય, વિનયશીલતા તેમજ પરોપકાર વૃતિના ગુણ ધરાવતા હતા. અભ્યાસ દરમ્યાન ખૂબ હોશિયાર વિધ્યાર્થી હોઈ શિક્ષકોનો પ્રેમ મેળવ્યો હતો. એકવાર દાનાભાઈએ તેની મિસનરી સ્કૂલના પ્રિન્સિપાલને નમ્રતાથી કહ્યું કે અહીં અમને ખ્રિસ્તી ધર્મ વિશે ભણાવાય છે, જે અમારા માટે નકામો છે. જેથી અમને અમારા ધર્મનું શિક્ષણ મળવું જોઈએ. સ્કૂલના પ્રિન્સિપાલે પોતાના કાયદા બતાવતા તેઓએ નીડરપણે પાંચ થી છ મિત્રો સાથે એ શાળા છોડી દીધી. આમ, પોતાના હિન્દુ ધર્મ પ્રત્યેના પ્રેમના દર્શન થાય છે.

તેઓએ મિશન સ્કૂલમાં પણ ઈંગ્લીશ સાથે સંસ્કૃત વિષય લીધો હતો અને તેમના મિત્રોએ ભેગા મળી “ગુજરાત કુમાર સંઘ” સ્થાપી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રહિત માટે ઉચ્ચ વિચારો કેળવવા શરૂ કર્યા હતા. જૈન મિત્ર મંડળ લયબ્રેરીના પણ મેમ્બર હોઈ તેઓનો સંપર્ક મોટા વિદ્વાનો સાથે થતાં અને મહાકવિ કરસનદાસ માણેક જેવાનું માર્ગદર્શન મળતાં સમાજના પ્રથમ મેટ્રિક્યુલેટ એવા દાનાભાઈએ 17 વર્ષની નાની ઉંમરથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી દીધેલ. તેમના પ્રકાશિત અને અપ્રકાશિત કાવ્યોમાં આપણી જ્ઞાતિની તે વખતની ગુલામીની મનોદશા અને ધાર્મિક અધોગતિનું પ્રતિબિંબ સચોટ ઝીલાયું છે. તેઓએ લખેલ કાવ્યો અને તેઓનું જીવન કવન શ્રી પૂંજા ખેતસીએ “યુવકના ઉદગાર અને ભાતૃભાવ” માં પ્રગટ કરેલ છે.

દાનાભાઈમાં સ્કૂલના વખતથી જ સનાતન ધર્મ પ્રત્યેનો પ્રેમ હતો. આપણા એક જ્ઞાતિ ભાઈએ રવાપરમાં પોતાની વાડીએ દાનાને કહ્યું કે “તું પીરાણાપંથને માનતો નથી જેથી બહુ ભણ્યો પણ બરાબર લેને ન ચડ્યો”. ત્યારે દાનાએ ખૂબ શાંતિથી તે ભાઈને વાત સમજાવી અને કહ્યું કે “મને તમે ઠીક અથવા અઠીક કહેશો પણ, હું તો સત્યના સિદ્ધાંતોને બુદ્ધિપૂર્વક માનું છું. હવે હું મારા જીવનમાં એ પાખંડોને ગ્રહણ ન જ કરી શકું.” આવી વીરતાથી તેમજ ધીરતાથી પોતાના અંતરથી ધારેલા કાર્યના અડગપણાનો પૂછનાર ભાઈને સરળ જવાબ આપ્યો.

ખીરસરાના ભાવાણી પરિવારની ગોમતીબેન સાથે દાના ભાઈના બાળલગ્ન થયેલ. એક નાની આઠ માસની દીકરીનું અકાળે અવસાન થયા બાદ, તુરંત તે જ સમયગાળામાં, દુર્ભાગ્યે માત્ર 20 વર્ષની નાની ઉમરે, દાના ભાઇનું ટૂંકી બીમારીમાં મૃત્યુ થયેલ. એમનામાં ઉચ્ચ પ્રતિભા હતી કે એમની તબિયત બાબતે અંગત પૂછા કરવા મહાકવિ શ્રી કરસનદાસ માણેક જેવી વ્યક્તિઓ આવતી. પરંતુ, દાના ભાઈના બીજા કોઈ ભાઈઓ ના હોઈ તેમના પત્નીએ પુનઃ લગ્ન કરવાને બદલે તેમના માતા પિતાની સેવા ચાકરી કરેલ. છેલ્લે 79 વર્ષની વયે તેઓનું અવસાન થયું ત્યારે તેમની બચત 33,333/- રૂ. કન્યા છાત્રાલયમાં અને પોતાનું ઘર લક્ષ્મીનારાયણ સમાજને અર્પણ કરેલ.  

જ્ઞાતિનો આવો પ્રતિભા સંપન્ન તેજસ્વી તારલો નાની ઉંમરે અચાનક ખરી પડતા જે શૂન્યાવકાશ સર્જાયો તે આજ દિન સુધી પૂરો થઈ શક્યો નથી. કવિ કલાપીની જેમ કવિ દાનાભાઈનું નામ પણ સમાજમાં અમર થઈ ગયુ. આમ, ખમીરવંતા પરિવારે સનાતન ધર્મ માટે પોતાનું સર્વસ્વ આપીને છેલ્લે દાનવીરની પણ ભૂમિકા અદા કરી આપણે સૌને પ્રેરણા આપેલ છે. 

Leave a Reply

Share this:

Like this: