પૂજ્ય વડીલશ્રી નારાણ રામજી લીંબાણી તથા એમના ૬ મિત્રોએ ઈ.સ.૧૯૦૮માં નાશિક ખાતે ગોદાવરી નદીના કિનારે દેહશુદ્ધિ કરાવી. ખીચડીયા સતપંથનો ત્યાગ કરી શુદ્ધ વૈદિક સનાતન ધર્મ અંગીકાર કર્યો અને સતપંથ વિરુદ્ધ સનાતન ધર્મની ઝુંબેશ ચાલુ કરી.
સંવત ૧૯૭૯, જેઠ સુદ-૫ તા.૨૦-૫-૧૯૨૩ના દયાપર ગામના કુલ્લ ૧૬૧ જણાએ નારાણ રામજીની હાજરીમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવીને, જુલ્મી ગેઢેરાઓના ત્રાસને નાબૂદ કરી, ખીચડીયા પીરાણા સતપંથને તિલાંજલી આપી શુદ્ધ વૈદિક ધર્મની દીક્ષા લીધી. દયાપર ગામમાં સનાતની જાગૃતિનો અભૂતપૂર્વક પ્રસંગ થવાથી આજુબાજુના ગામોમાં પણ સતપંથ વિરુદ્ધ અસાધારણ ખળભળાટ શરૂ થયો. આ લડતમાં યુવાનો અને બહેનો પણ જોડાવા લાગ્યા. અનેક સમજુ બહેનોએ પોતાના સાસરીયા અને પિયરીયામાં પણ ધર્મ જાગૃતિની ચળવળ શરૂ કરી દીધી.
આ સનાતની ચળવળના પ્રથમ પડઘા પાનેલી ગામે પડ્યા. દયાપરના ભાઈ-બહેનોએ દેહશુદ્ધિ કરાવેલ હોવાથી પાનેલી ગામના ભાઈ-બહેનો વહેલી તકે સતપંથને છોડી શુદ્ધ વૈદિક ધર્મ અપનાવવા તલપાપડ થઈ રહ્યા હતા. હવે વધારે સમય રાહ જોવાય એમ ન હતું. એમની ધીરજનો અંત આવી ગયો હતો. અંતે સંવત ૧૯૭૯, આસો સુદ-૧૦ (વિજયા દસમી)ને તા.૧૮-૧૦-૧૯૨૩ના પવિત્ર દિવસે પાનેલી ગામના ૧૬ પરિવારો અને ૬૭ જણાએ દયાપરના મહારાજશ્રી મણીશંકર અંબાલાલ ત્રિપાઠીના હસ્તે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી શુદ્ધ વૈદિક સનાતન ધર્મનો અંગીકાર કર્યો.
પાનેલી ગામના ૬૭ જણાએ દેહશુદ્ધિ કરાવવાથી આજુબાજુના ગામોમાં અને સતપંથી ગેઢેરાઓમાં હાહાકાર મચી ગયો. તેઓ બમણા જોરથી વળતો પ્રહાર કરવા તૈયાર થયા. એકબાજુ પુરો સતપંથી સમાજ અને બીજી બાજુ મુઠ્ઠીભર સનાતની ભાઈઓ. પછી કહેવાનું શું હોય? સતપંથના અત્યાચારીઓ અને ખટપટીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું. નાત બહાર કરવાની અને હેરાન કરવાની ધમકીઓ મળવા લાગી. પરંતુ આ ૬૭ જણાને સનાતન ધર્મનો એવો તો નશો ચડ્યો હતો કે તેઓએ ગેઢેરાઓને સ્પષ્ટ કહી દીધું કે તમે ગમે એટલો ત્રાસ આપો પણ અમો સનાતન ધર્મને છોડશું નહીં.
પાનેલી ગામના આ બનાવથી બાજુના ગામ વાલકા મોટામાં ખળભળાટ મચી ગયો. વાલકા ગામના (જગ્યા) ખાનાના મુખી ખેતાભાઈ જીવરાજ પોકાર હતા. એ ખેતા મુખીની દીકરી કંકુબાઈના લગ્ન ગામ પાનેલીના પટેલ રામજી રાજા નાથાણી સાથે થયા હતા. કંકુબાઈના પિતા ગામના મુખી હતા. કંકુબાઈ મુખીની દીકરી હોવા છતાં પોતાના પતિ સાથે રહી, પાખંડી પીરાણા સતપંથનો ત્યાગ કરી શુદ્ધ વૈદિક ધર્મનો અંગીકાર કર્યો હોવાથી ખેતા મુખીના મળતીયાઓએ ખેતા મુખીને શુરાતન ચડાવ્યું. ખાનાના મુખીની દીકરી જો સુધારાવાળાઓ સાથે મળી જાય તો એની એકવીસ પેઢીઓ દોઝખ (નરક)માં જાય. એમ સમજાવીને ખેતા મુખીને દીકરીને સમજાવવા સલાહ આપી અને આ કામમાં ખાનાની જેટલી રકમ વાપરવી પડે તો વાપરો એમાં અમો પણ તમને મદદ કરવાનું કહ્યું.
આવી વાતો સાંભળીને ખેતા મુખીને ધર્મ ઝનૂનનો વધારે નશો ચડી ગયો. તેઓએ કંકુબાઈને બોલાવીને સમજાવી. ખૂબ સમજાવવા છતાં પણ કંકુબાઈ એકના બે ન થયા. આખરે કંકુબાઈને ડરાવવાનું, ધમકાવવાનું અને ત્રાસ આપવાનું શરૂ કર્યું. પણ, કંકુબાઈ જેનું નામ ! તેમણે પિતા ખેતા મુખીને સ્પષ્ટ કહી દીધું કે હું મારા પતિ સાથે જ શુદ્ધ સનાતન ધર્મમાં રહીશ. તમે મને ગમે એટલો ત્રાસ આપો કે મારા શરીરના ટુકડે ટુકડા કરી નાંખો તો પણ હું તમારા પાપી પંથમાં પરત આવવાની નથી. ભલે આકાશ-પાતાળ એક થાય પણ મારો નિશ્ચય અડગ છે. આવી પ્રતાપી, દૃઢ નિશ્ચયવાળી વિરાંગના કંકુબાઈ આગળ પાપી પીરાણા પંથની તાકાત કેટલો વખત ટકી શકે?
અંતે કંકુબાઈના પિતા ખેતા મુખીએ લાચાર બનીને દીકરી અને જમાઈને મરેલા જણાવી, એમની રૂબરૂમાં એમના નામનું સ્નાન કરી નાંખ્યું અને એમના દ્વારા આપેલ દરદાગીના કંકુબાઈ પાસેથી પાછા લઈ લીધા. કંકુબાઈએ ત્યારે કહ્યું કે ફક્ત દરદાગીના નહીં પણ તમોએ મને આપેલ કપડાં પણ પાછાં આપી દઉં છું અને એનાથી તમને સંતોષ ન થતો હોય તો મેં અત્યારે કપડાં પહેર્યાં છે એ પણ તમોએ જ મને આપ્યાં છે તે પણ હું અત્યારે જ ઉતારીને તમને પાછા આપું છું. કંકુબાઈએ પહેરેલ કપડાં તરત જ ફેંકી દીધા અને કહ્યું કે મારા માટે આજથી તમારા ઘરનું પાણી હરામ છે. આમ કહીને પોતાના પિયરીયાં સાથેનો સઘળો સંબંધ વહેતાં આંસુઓ સાથે પવિત્ર વૈદિક સનાતન ધર્મ માટે તોડી નાખ્યો. ધન્ય છે પવિત્ર કંકુબાઈના ક્રાંતિકારી વિચારોને જેમણે કરૂણાજનક પ્રસંગે દૃઢતા અને વિરતા બતાવી. વૈદિક ધર્મ માટે આ સન્નારીઓએ પોતાનો ભોગ આપ્યો છે એનું વર્ણન કોઈક કવિની કલમ જ કરી શકે.
આવી અનેક ક્રાંતિકારી વિરાંગના સન્નારીઓએ પૂજ્ય નારાણ રામજી લીંબાણીની સનાતની ચળવળમાં પોતાનું જીવન અર્પણ કરેલ છે. તેમાંથી આજની પેઢીએ સમજણ લેવાની જરૂર છે.
પાનેલી ગામના આ પ્રસંગ બાદ બરાબર ૧૦ વર્ષ પછી સંવત ૧૯૯૦, ઈ.સ.૧૯૩૪માં મેઘપર (તા.લખપત) ગામની સ્થાપના થઈ ત્યારથી આ રામજી રાજા નાથાણી પરિવાર મેઘપર ગામમાં રહે છે. આ પરિવારના વારસદારો હાલમાં કોસંબા (ગુજરાત) ખાતે રહે છે અને આજે પણ આ પરિવારના વારસદારોમાં સનાતન ધર્મનું એટલું જ ઝનુન છે.
સંદર્ભ : પીરાણાની પોલ