Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– કિશોર હરીશ નાકરાણી
નાગપુર
મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા અને પારિવારિક સુથારના કુશળ હુનરના લીધે વ્યવસાયિક રીતે સ્વતંત્ર અને આત્મનિર્ભર એવા ભાઈશ્રી રતનશીભાઈ શિવજીભાઈ નાકરાણીનો જન્મ ઈ.સ.1896ની આસપાસ કચ્છમાં રવાપર ગામે થયેલ. સમયના હિસાબે સારા એવા વિદ્યાભ્યાસી તથા વાંચન લેખનની વિશેષ રૂચિના લીધે કરાચીમાં આપડા સમુદાયમાં આગળ પડતા અને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત હતી. કરાચી યુવક મંડળની સ્થાપના અને કરાચીમાં યોજાયેલી આપણી જ્ઞાતિની પરિષદો યોજવામાં સિંહ ફાળો આ રતનશીભાઈના નામે છે. જ્ઞાતિની જનજાગૃતિ માટે છપાયેલ “પાટીદાર ઉદય” જેવા આપણી જ્ઞાતિના સૌથી પહેલા મુખપત્ર અને જ્ઞાતિની કેળવણી માટે શુરૂ કરાયેલી શાયદ પહેલી કહી શકાય એવી આપણી કરાચીની રાત્રી શાળાના શિલ્પીકાર પણ આ ભાઈને કહી શકાય.
જ્ઞાતિના અંધકારમય કાળમાં કચ્છમાં વસતા આપડા ગેઢેરાઓને પોતાની સતાને પડકારાય એવો એક પણ અવસર સ્વીકાર્ય નહોતો. જ્ઞાતિમાં શિક્ષા અને કેળવણીની વાત તેઓના માટે એક અપરાધ સમાન હતી. જેનો એક અનુભવ વર્ષોથી કરાચી જેવા મોટા શહેરમાં રહેતા આપણા આ ભાઈશ્રી રતનશીને પણ થયેલ. શિક્ષા અને દિક્ષામાં નિપુણ એવા લેખન પ્રવુતિના વિદ્વાન ભાઈને પહેલા ક્યારેય આ ગેઢેરાઓનો વિશેષ અનુભવ થયો ન હતો. એ દિવસોમાં ગેઢેરાઓને આદર્શ અને હિતરક્ષક માનનારા આ રતનશીભાઈને ભાન ત્યારે થયું જ્યારે એમણે આપણી જ્ઞાતિ કેળવણી અને આચાર વિચારથી ખુબજ પછાત છે એમ વિચારીને અજાણપણે સમુદાયની જાગૃતિ વિશે એક પુસ્તક છપાવવા માટે લખાણ તૈયાર કરેલ. જયારે આ વાતની જાણ કચ્છમાં રહેતા આપણા આગેવાનોને થઈ ત્યારે ઉશ્કેરાઈને તેમને રતનશીભાઈના પિતાશ્રી શિવજીભાઈને બોલાવેલા અને આપણા સમુદાયની જાગૃતિ માટે લખેલા આ પુસ્તકમાં કાંઈ જ ખોટું નથી એ સારી રીતે જાણતા હોવા છતાં એમને 25 કોરીનો દંડ કરેલ અને આજ પછી આવું લખાણ કરવા બદલ ભારે પરિણામ ભોગવવાની ચીમકી આપેલ. જ્યારે રતનશીભાઈએ આ ઘટના વિશે અધ્યયન કરેલ ત્યારે જણાયું કે એ જે આગેવાનોને એ જ્ઞાતિના શુભચિંતક માને છે એતો નાતના કલ્યાણને નામે કેટકેટલીય કોરિયું ઉગારવીને સત્તાના નશા અને ભોગમાં ડૂબ્યા અને રચ્યા પડ્યા છે. આ ઘટના થકી અપમાનિત થયેલા રતનશીભાઈએ જ્ઞાતિના સંગઠન અને સાક્ષરતા માટે કંઈ કરી છૂટવા માટેની મનમાં ગાંઠ બાંધેલ. (સ્ત્રોત: કચ્છ દેશના પીરાણાપંથી કડવા કણબીની મુંબઈમાં મળેલી જાહેર સભાનો રિપોર્ટ પાના નં 23)
ગેઢેરેઓથી શોષિત અને ગુલામો જેવી જીંદગી જીવનારા આપણા દયનીય સમુદાયને નિડર અને નિસ્વાર્થપણે આ કચ્છના આગેવાનોની પરવા કર્યા વગર એકઠા કરીને, ધર્મજાગૃતિ અને કેળવણીના માર્ગે લઈ જઈ શકે એવા સાચા સુધારકવાદી આગેવાનોની તથા સમુદાયની એકી થાય એવા મંચોની કરાચીમાં રહેતા આપણા જ્ઞાતિસમુદાયને તાતી જરૂરિયાત જણાતી હતી. એમાંય ઘાટકોપર અને કચ્છના સુધારાવાદી ભાઈઓ પહેલથી જે યુવક મંડળો સ્થપાયા અને સભાઓ ભરાવાની શરૂઆત થઈ એનાથી ઉત્સાહિત થઈને કરાચી જેવા બહોળી જનસંખ્યા ધરાવતા આપડા સમુદાયમાં પણ આવી ભાવનાઓ પ્રબળ થવા લાગી. આ પરિસ્થિતિ રતનશીભાઈ માટે માનો ઉડવાને પંખ સમાન સિદ્ધ થઈ.
કરાચી યુવક મંડળની સ્થાપના
ઈ.સ.1918માં નખત્રાણાના ભાઈશ્રી નાનજી પચાણભાઈ નાકરાણી, શ્રી શિવાજી કાનજીભાઈ પારસીયા અને શ્રી ખેતા ડોસાભાઈ પોકાર જેવા મિત્રોની સાથે રતનશી શિવજીભાઈ નાકરાણીએ કરાચી મુકામે આપણા સમુદાયના સર્વે ઉત્સાહી ભાઈઓની લાગણી અને જોશથી શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિસુધારક યુવક મંડળનો વિધિવત પાયો રાખેલ. યોગ્યતાને આધારે આ નવા બનેલા મંડળમાં રતનશીભાઈને સયુંકત રીતે મંત્રીપદ જેવો જવાબદારી ભર્યો હોદ્દો સોંપવામાં આવેલ.
આજથી સો એક વર્ષ પહેલા વીસમી સદીની શરૂઆતમાં આપણા સમુદાયનો કચ્છ પછી સૌથી વધારે વસવાટ અગર ક્યાંય હતો તો એ કરાચીની આસપાસ સિંધ પ્રાંતમાં હતો. લગભગ મુંબઈ કરતાં પણ ચાર ગણા વધારે આપણા સમુદાયમાં આર્થિક રીતે કમજોર અને અજ્ઞાની લોકો જ ખાલી ગેઢેરાઓના જુલ્મના શિકાર હતા એવું નહોતું. કરાચી જેવા શહેરમાં રહી આર્થિક રીતે સક્ષમ અને ઉદ્યોગ ધંધા કરનારા વર્ગના લોકો પણ આ જાલીમોના સિતમથી અછૂતા નહોતા. અનીતિની આ જ્વાલામાં જુલસવું તો એમને પણ પડતું. જ્યારે એ લોકો પોતાની સ્ત્રીઓને દાગીના અને છોકરાને સારા વસ્ત્રો પહેરાવીને પોતાના વતન કચ્છમાં જતા ત્યારે માંડવી બંદરે ઉતારતા જ એ બધું ઉતારી નાખવામાં આવતું કારણ કે કચ્છમાં રહેતા ગેઢરાઓનો ડર એના મનમાં સમાયેલો રહેતો હતો. જો કોઈ સારા દાગીના અને ઠીકઠાક વસ્ત્રો પહેરીને કચ્છના ગેઢરાઓની સામે ઉભા રહેતા તો એ પણ એમનાથી બરદાસ્તના થતું અને એમને વિશેષ રંજામણીથી બધુંયે પડાવી લેવા માટે નાત બહારની ધમકીઓનો પણ સામનો કરવાનો રહેતો. કુલ મળીને સરવાળે આર્થિક રીતે પછાત અને મજદુરી કરનારો આપનો કમજોર વર્ગ હોય કે સાધનસંપન્ન અને આત્મનિર્ભર, સહેવું બધાએ પડતું. (સ્ત્રોત: કચ્છ દેશના પીરાણાપંથી કડવા કણબીની મુંબઈમાં મળેલી જાહેર સભાનો રિપોર્ટ પાના નં 11)
યુવક મંડળની સ્થાપના સાથે સમુદાયના આ રોષ અને અપેક્ષાને અનુરૂપ કરાચી યુવક મંડળના હોદ્દેદારોને માથે જવાબદારીનો ભાર પણ કંઈક વધારે જ હતો. માટે લેખક પ્રવૃત્તિના અને ભણેલા ગણેલા એવા રતનશીભાઈ અને એમની ટીમ દ્વારા ધર્મ જાગૃતિ માટે પેમ્પલેટ અને કેળવણી માટે સાહિત્ય છપાવીને જ્ઞાતિમાં વહેંચવાની અને નાનીમોટી સભાઓના આયોજનો કરીને જનજાગૃતિની શુરુઆત કરવામાં આવેલ. ટૂંક સમયમાંજ સ્વામી શ્રી રેવાનંદજીના કહેવાથી મંડળના ધારાધોરણ અને નિયમોના માર્ગદર્શન માટે મુંબઈથી આપણી સમાજના આદ્યસુધારક ભાઈશ્રી નારાયણજીભાઈ રામજીભાઈ તથા ઘાટકોપર યુવક મંડળના મંત્રીશ્રી રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણીને આમંત્રિત કરવામાં આવેલ. એ વખતે નારાયણજીભાઈ દ્વારા નિખાલસ મને એક અભિપ્રાય આપવામાં આવેલ કે આવી છૂટીછવાઈ પ્રવૃત્તિથી આપણે સારું કામ કરી શકીશું પણ આપણી કામગીરીને વિશેષ અસરકારક બનાવી હશે તો આપણી સમસ્ત કચ્છી કડવા પાટીદાર ભાઈઓની એક વિશેષ મહાસભા બોલાવીને આ સભામાં આપણી જ્ઞાતિના હિત અને સ્વધર્મ વિષે ચર્ચા કરીને સર્વ સહમતીથી ધારાધોરણ અને મજબૂત ઠરાવો કરવા ખુબજ જરૂરી છે. નારાયણજીભાઈની આ સલાહથી સહમત થઈને કરાચીના ઉત્સાહી યુવક મંડળે આપણી જ્ઞાતિની પહેલી પરિષદને કરાચીમાં જ આયોજીત કરવાની જવાબદારી સ્વીકારેલ.
જ્ઞાતિની પહેલી પરિષદ – કરાચી
એકાદ દોઢ વર્ષમાં જ તૈયારી ઓ કરીને માનનીય રાજારામભાઈ શામજીભાઈ ધોળુ (માનકુવા)ના અધ્યક્ષ સ્થાને તા. 08‑Aug‑1920ના વિશેષ આમંત્રિત સંતો અને ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિ અને હર્ષ ઉલ્લાસ સાથે આપણી કચ્છી પાટીદારોની પ્રથમ પરિષદનું આયોજન થયેલ. આ પરિષદના વિવિધ ઠરાવો પૈકી એક સંતાનોની વિદ્યા અને કેળવણી બાબતના ઠરાવ વિશે બોલતા મહામંત્રી રતનશીભાઈ નાકરાણીએ જણાવેલ કે આપણી સ્થિતિ હાલમાં દયાજનક છે અને આ દયાજનક સ્થિતિ લાવનારા પણ આપણે પોતેજ છીએ. જયારે આપણે અજ્ઞાન અને અવિદ્યાના ભારથી દબાયેલા હતા અને જયારે સ્વાર્થી લોકો આપણા પર જુલમ ગુજારતા હતા ત્યારે આપણે દબાઈ ગયા પણ હવે આ કેળવણીના જમાનામાં આ જુલમગારોનો જુલ્મ કોઈ હિસાબે ચાલી શકે નહિ. તમે બધા ખેડૂત છો માટે એટલુંતો જાણતાજ હશો કે તમે કેટકેટલા દુઃખ વેઠી મોલ ઉછેરીને અનાજ પેદા કરો છો અને છતાં પણ તમારા પરિવારને પોતાને ખાવા પૂરતું અનાજ કે શરીર ઢાંકવા પૂરતા વસ્તો પણ નથી હોતા. આ બધું જાણવા છતાં એ આપણે ક્યારેય પ્રયત્ન કરેલ નથી. આ સ્થિતિ ક્યારે સુધરશે? અંધકાર આપની દ્રષ્ટિ પર છવાઈ ગયેલ છે તેથી આપણે સારું કે નરસું કાંઈ જોઈ શકતા નથી. જો અંધારાનો આ પડદો આપણી દ્રષ્ટિથી ઉપડી જાય અને વિદ્યા, વિવેક અને ખંત આપણા મનમાં પેદા થાય તો આપણે કંઈક સુધરી શકીએ. આજના જમાનામાં વિદ્યાનો અભાવ અને મૂર્ખાઈએ ગરીબી પણાનું સાધન ગણાય. આપણે અભણ છીએ એટલેજ વેપારી આપણી મૂર્ખતાનો લાભ લે છે. તમે ભલે ના ભણી શક્યા પણ તમારા સંતાનોને ભણાવો અને સારી વેપારી લાઈનનો મહાવરો કરાવો. જેથી આપણી દશા સુધરે.. (સ્ત્રોત: કચ્છ દેશના કડવા પાટીદાર જ્ઞાતિની કરાંચીમાં મળેલી પ્રથમ પરિષદ નો રિપોર્ટ પાના નં 28)
યુવક મંડળોની સ્થાપના અને આ પ્રથમ પરિષદની તૈયારીઓ ચાલી રહ્યી હતી એ અરસામાં જ કંઈક એવું બન્યું કે આ ચળવળને શુરુઆતે જે હોંશેહોંશે સમર્થન મળેલ એ ધીરે ધીરે ઓસરવા લાગ્યું હતું. કારણ કે પૂર્ણ રીતે સતપંથને તજીને સનાતની બનનારા આપણા ગણ્યા ગાંઠ્યા ભાઈઓ પાધરા થઈને ગેઢરાઓ અને કચ્છ આગેવાનોની નજરમાં કાંકરાની જેમ ખૂંચવા લાગતા હતા અને દેશમાં (કચ્છમાં) રહેતા એમના નિર્દોષ સગા સંબંધીને સહેવું પડતું હતું. આ કારણથી મોટા ભાગના લોકો દેહશુદ્ધિ અને જનોઈ ધારણ કર્યા વગરના ભાઈઓને સુધારક મંડળોમાં ન લેવાના સુધારાવાદી ભાઈઓના હઠાગ્રહથી પરે ગેઢરાઓના જુલ્મને સહેતા હોવા છતાં પણ પારિવારિક મજબૂરીવશ હાલમાં પીરાણાના જુના પંથે જ રહીને સનાતની કર્મકાંડ અને રીતભાતને અપનાવાનું પસંદ કરવા લાગ્યા હતા. આમ જન જાગૃતિ એક જ દિશાએ રેલવેના પાટા સમાન અલગ અલગ બે પદ્ધતિઓથી ચાલવા લાગ્યા હતી. આથી પીરાણાના પાપ અને આગેવાનોના જુલ્મ વિશે આપની આ પરિષદમાં ઉદગાર તો જોરશોરથી થયા પરંતુ પ્રથમ જ પરિષદ હોવાથી ઉપરોક્ત હકીકતને જાણનારા આયોજકોને નાતની એકતા ખાતર ધાર્મિક કટ્ટરતાને લગતા આ બંને નિર્ણયોથી સમય પર સમજોતાઓ કરવા પડ્યા હતા. આવા અનેક કારણોથી મોકો હોવા છતાં પણ મનમાં ફૂટી–ફૂટીને કંઈક કરી છૂટવાની ભાવના અને જોશ ભર્યું હોવા છતાં પણ રતનશીભાઈ જેવા બાહોશ વ્યક્તિએ પારિવારિક દબાવથી આ પરિષદમાં પડદા પાછળજ કાર્ય કરવા મજબૂર થવું પડ્યું હતું. એની એ મજબૂરીનું કારણ તેમણે જ્ઞાતિની બે વર્ષ પછી યોજાયેલ બીજી પરિષદમાં ખુલ્લા મનથી સ્વીકારેલ.
પહેલી પરિષદ આપણી જ્ઞાતિ માટે એકડે એક તથા કઠિન પરીક્ષા સમાન હતી. પરંતુ જ્ઞાતિ હિત સાધવા માટે એકત્ર થઈને આગળ કેમ વધાય એનો સારો એવો અનુભવ એણે યુવક મંડળના હોદેદારોને કરાવી દીધેલ. આપસી વિશ્વાસ અને સમન્વયનું જ્ઞાન આપણી જ્ઞાતિને આ પરિષદથી જ પ્રાપ્ત થયેલ. પ્રતિકૂળ સંજોગો અને ગેઢેરેઓનો આવડો મોટો ડર હોવા છતાં પણ જે એકતા અને એર્નજી પ્રથમ પરિષદથી સાંપડેલ એ અભૂતપૂર્વ હતી. એનાથી ઉત્સાહિત અને પ્રથમ પરિષદની ભૂલોથી સબક લઈને બે વર્ષના ટૂંકા ગાળામાંજ ફરીથી જ્ઞાતિની બીજી પરિષદને કરાચી મુકામે જ આયોજિત કરવા માટે યુવક મંડળના ઉત્સાહી કાર્યકર્તાઓએ ભેખ લીધો. (સ્ત્રોત: પીરાણા સતપંથ ની પોલ ભાગ 1 માંથી)
જ્ઞાતિની બીજી પરિષદ – કરાચી
ઓછા સમયગાળામાં જ ફરી એક વાર કરાચી યુવક મંડળે તા. 07‑Oct‑1922ના શ્રીમાન માવજીભાઈ પુંજાભાઈ જબુઆણીના અધ્યક્ષ સ્થાને અને રતનશીભાઈ શિવજીભાઈ નાકરાણીને પરિષદના મહામંત્રી બનાવી સન્માનીય સંતો તથા મોંઘેરા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશાળ જન સમુદાય સાથે આપણી જ્ઞાતિની બીજી પરિષદની ખરાબ પરિસ્થિતિની વિવેચના કરેલ. વરસોથી ગેઢેરાઓના ગુલામો સહી રહેલી આપણી પારેવા જેવી માસુમ જ્ઞાતિમાં પ્રથમ પરિષદ પછી જે આત્મબળ અને વિશ્વાસ પેદા થયો હતો એ સભા મંડપમાં ઉપસ્થિત જનસંખ્યાથી આ વખતે સાફ નજર આવતો હતો.
આ પરિષદમાં અતિ મહત્વપૂર્ણ ગેઢેરાઓના જુલ્મ વિશેના ઐતિહાસિક ઠરાવને પ્રસ્તુત કરતા પરિષદના મહામંત્રી શ્રી રતનશી શિવજી નાકરાણીએ જણાવેલ કે દેશમાં રહેતા આપણા ગેઢેરા અને આગેવાનો પોતેજ નાતના આગેવાન છે એવું ખોટી રીતે માની આપણા જે ભાઈઓ હિન્દૂ રીત રિવાજના રસ્તે ચાલવાની કોશિશ કરે છે એમને પીરાણાના અધર્મ યુક્ત પંથમાં જ જકડી રાખવા અને સમગ્ર જ્ઞાતિને તેમાંજ ડુબતી રાખવા પ્રયત્નો કરે છે. અને તેમની ઈચ્છા વિરુદ્ધ જનારને તેઓ જ્ઞાતિ બહાર કરીને એમના પરિવારને રંજાડવાની કોશિશ કરે છે. દશોંદ જેવા લાગા ઉગરાવીને જ્ઞાતિ પંચના પૈસાનો હિન્દૂ ધર્મને ના છાજે એવા અવળે માર્ગે વ્યય કરે છે. તેમજ હિસાબ આપતા નથી. માટે અગાઉના બીજા નંબરના ઠરાવમાં જે આગેવાનોના નામ છે એમને ઉદેશીને આ ઠરાવ કરવામાં આવે છે કે “પોતે જ્ઞાતિના આગેવાન કે ગેઢેરા છે અને પોતાને ન્યાય અને ફેસલાઓ કરવાની એમને જ સતા છે એમ માનીને જ્ઞાતિ પંચનું કોઈ કાર્ય એમને આજ પછી કરવું નહિ. વળી એવો ઠરાવ પણ કરવામાં આવે છે કે આ ઠરાવને જાણ્યા પછી પણ જો તેઓ આપણા અજ્ઞાન અને ભોળા ભાઈઓની ઉપર જુલમ ગુજારતા કે નાત બહારના ફેંસલા કરતા બંધ ન થાય અને ગેઢેરાપણું કરતા જણાય તો આ પરિષદ જ્ઞાતિના દરેક મંડળોના મેમ્બરને કાયદેસર રીતે એને અટકાવાની આગ્રહ પૂર્વક ભલામણ કરે છે”
ગેઢેરાઓના જુલ્મ વિશે ઉલ્લેખ કહેતા રતનશીભાઈએ આપવીતી કરતા લેખની શરુઆતમાં જણાવેલ ઘટના સાથે નાતની પ્રથમ પરિષદનો ઉલ્લેખ કરતા કહેલ કે નાતની આ પરિષદ વખતે મારા પિતાશ્રીના કહેવાથી કે “આપણે આગળ પણ નાતમાં પાધરા છીએ અને વળી પણ તું જો પરિષદમાં આગળ પડીને ભાગ લઈશ અને કમીટીમાં નામ નોધાવીશતો નાતીલા આપણા જેવા સામાન્ય પરિવારને વધારે હેરાન અને પરેશાન કરીને આર્થિક રીતે પાયમાલ કરવાની કોશિશ કરશે” આ કારણે હું મારી લાગણીઓ વિરુદ્ધ પ્રથમ પરિષદમાં સક્રિયતાથી આપની સેવા કરવાથી હીન ભાગ્ય રહ્યો હતો. છતાં પણ એ નીચ આગેવાનો એ હું અને મારા પિતાશ્રી હજી કરાચીમાંજ હતાને દેશમાં મારા દાદી અને મારી માતાશ્રીને નાત બહાર કરેલ અને એ બંને અબળાઓને રંજાડવાની કોશિશ કરેલ. થોડા વખત પછી અમે વિવાહ અર્થે જયારે દેશમાં ગયા ત્યારે અમારા ગામના ગેઢેરાની સલાહે અમે નેત્રાના કરમશી ગેઢેરા પાસે ગયા અને આ વિશે ખુલાસો માંગેલ તો તેમણે નફટાઈથી કહેલ કે જો તમે પીરાણા ધર્મને માનશો, સૈયદોને ગુરુ માનીને ઘરે જમાડશો અને ગેઢેરા જેમ કહે એમ સ્ટેમ્પના પાના ઉપર લખી આપશો તો જ નાતમાં ભેળવશું અન્યથા નહિ. આ સાંભળીને મારા પિતાશ્રીને ખુબજ ગુસ્સો આવેલ અને કહેલ કે મારાથી સૈયદોને મનાશે નહિ અને હું કે મારા કોઈ સંતાન સૈયદોને ગુરુ કરશું નહિ અને હવે અમે ઝાઝા દિવસ બહાર પણ રહીશું નહિ. આ ઘટનાઓ પછી મારા મન મસ્તિષ્કમાં આ ગેઢેરા અને આગેવાનો પ્રત્યેની તિરસ્કારની ભાવના સીમા ઓળંગી ગઈ અને જ્ઞાતિને આ દહનકારી જુલ્મોથી આઝાદ કરવાની તમ્મનાઓ વેગ પકડાતી થઈ.
રતનશી શિવજીના ઉપરોક્ત ગેઢેરાના જુલ્મ વિશેના ઐતિહાસિક ઠરાવ પછી અનુમોદન માટે ઉભા થયેલ ઘાટકોપર યુવક મંડળના મંત્રીશ્રી રતનશીભાઈ ખીમજીભાઈ ખેતાણી દ્વારા પણ જે હિસાબે જ્ઞાતિના એકએક ગેઢેરાઓના નામ અને કુકર્મ વિશે બેબાકપણે ઘટનાઓ સાથે વર્ણન કરેલ એ પછી માનો કે સભામંડપમાં ઉપસ્થિત જનમાનસની લાગણીઓ અને હિમ્મતને પંખ લાગી ગયેલ. આમ કરાચી અને ઘાટકોપરના બંને રતનની સિંહ જેવી દહાડથી ગેઢેરાઓ અને કચ્છના આગોવાનો વિરુદ્ધ જે ઠરાવ મુકવામાં આવ્યો એ સાંભળીને જોશનો એવો પ્રાણવાયુ ફુંકાયો કે વરસોથી દબાવી રાખેલો આગેવાનોનો ડર માનો બાષ્પીભવન થઈને જ્વાલા રૂપે ઉડવા લાગ્યો અને શરમ શરમના પોકારો ચારે ઓર ગુંજવા લાગ્યા. વરસોથી સંતાપ સહેનારા અને આવેશને દબાવી રાખનારા એક પછી એક વક્તાઓએ આ ઠરાવના અનુમોદનમાં પોતપોતાની આપવીતીઓને વર્ણવી મનને હલકું કરેલ. આ રીતે જ્ઞાતિની આ બીજી પરિષદ આપણી નાતના જુલમ સહેનારા સામાન્ય થી સામાન્ય માનવીના મસ્તિષ્કમાં આત્મવિશ્વાસ અને ઉમ્મીદની એક કિરણ જગાવનારી સાબિત થઈ હતી. (સ્ત્રોત: કચ્છ દેશના કડવા પાટીદાર જ્ઞાતિની કરાંચીમાં મળેલી બીજી પરિષદના રિપોર્ટ માંથી)
પાટીદાર ઉદય માસિકની શુરુઆત – રણછોડ લાઈન, કરાચી
બીજી પરિષદની કામયાબીથી આગબબુલા થયેલ કચ્છના આગોવાનોએ રતનશીભાઈને પરેશાન કરવા માટે એમના સુપુત્રના જે નાગવીરીમાં સગપણ થયેલ હતા એ તોડાવવા જેવા પ્રયાસો આદરેલ. પણ રતનશીભાઈ હવે કોઈ તિકડમથી રોકાય શેનાં. એમણેતો બમણાં જોશથી ગેઢેરાઓને લલકારવા ઈ.સ.1924ના જુલાઈ માસમાં આપણી કચ્છ કડવા પાટીદાર સમાજનું કરાચીથી પહેલું મુખપત્ર છાપવાની શરૂઆત કરેલ. આ મુખપત્ર છાપવાનો ઉદેશ સમજાવતા એમને લખેલ કે ઘણા લાંબા સમયથી કેટલાંક લુચ્ચા અને સ્વાર્થી લોકોના મોહથી આપણો સમાજ ખરો રસ્તો છોડી અવળે માર્ગે દોરાઈ ગયેલ છે. તેમાંથી બચાવવા યાની પીરાણા પંથ રૂપી મુસલમાની ધર્મમાંથી થઇ ખરા હિન્દુપણાનું ભાન કરવાની પ્રથમ જરૂર છે. એ સિવાય જુના રિત રિવાજો જે સમાજને અધોગતિએ મૂકી દે છે તેમાંથી પણ બહાર આવી નીતિ અને ન્યાય પારાયણ રસ્તે ચાલવાની આપણને ખાસ જરૂર છે. આવા મુખ્ય સુધારા માટે આપણી સમાજમાં કોઈપણ માધ્યમ હજી સુધી હતું નહિ અને એની ખોટ ઘણા લાંબા સમયથી દરેક સુધારક જ્ઞાતિબંધુને જણાતી હતી. પણ સંજોગો જ્યારે અનુકૂળ થાય ત્યારેજ આવી ખામી દૂર થાય એમ હોવાથી એ કાર્ય હજી સુધી થઇ શક્યું ન હતું. હાલમાં અમોએ એ ખોટ દૂર કરીને આ પાટીદાર ઉદય નામનું પરીપત્ર શરૂ કરેલ છે. રતનશીભાઈના આ મુખપત્રને મંગાવાણાવાળા ખીમજીભાઈ શીવજીભાઈ અને નખત્રાણાવાળા ખેતાભાઈ ડોસાભાઈ પોકારનો ભરપૂર આર્થિક તેમજ અન્ય સહયોગ પ્રાપ્ત થયેલ. જ્ઞાતિ સુધારક શ્રી નારાયણ રામજીભાઈ દ્વારા પાટીદાર ઉદયના મહત્વ વિશે જણાવેલ કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાવિ ઉદયનો પડઘો પાડનારું ભાઈશ્રી રતનશી શીવજી દ્વારા શુરૂ કરાયેલું આ પત્રક જુદા જુદા સ્થળે રહેતા આપણા જ્ઞાતિના ભાઈબહેનોને સત્ય વસ્તુ સમજાય અને જુલ્મી આગેવાનોના ત્રાસમાંથી મુક્ત થાય તેના માટે આવા જ્ઞાતિ હિતના માસિકની ગણી જરૂર હતી અને એ ખોટ ભાઈશ્રી રતનશીએ પુરી પાડી છે. પરમ કૃપાળુ ઉમિયામાતાની કૃપાથી માસિકના તંત્રી અને પ્રકાશક એવા ભાઈશ્રી રતનશી શીવજીને જે જ્ઞાતિ સેવાનું આ સ્ફુરણ સ્ફુરાવેલું અને એમને તન, મન અને ધનના ભોગે આને અમલમાં મુકવાનો શ્રમ સેવી અંતરની લાગણીઓથી પ્રદર્શિત કરેલ છે એ ખરેખર સ્તુતિ પાત્ર છે.
આ માસિક પત્રકમાં આપણી જ્ઞાતિના સુધારકભાઈઓના અભિપ્રાયો અને વિચારો, મંડળોના આદેશ, પરિષદ તથા સભાઓની વિસ્તારથી માહિતી, સમાજ કેળવણી, જન જાગૃતિ, અજ્ઞાનતા, કુરિવાજો, કર્મકાંડ, બાળલગ્ન, સ્વાસ્થ્ય અને ઉપચાર જેવા સમાજ ઉપયોગી વિષયોને લગતા સંતો અને વક્તાઓના અહેવાલો હર માહ પ્રકાશિત કરવામાં આવતા. સાથે સાથે વ્યવસાય અને વ્યાપારને લગતી જાણકારીઓ અને સ્વરચિત કાવ્યોને પણ આમાં છાપવામાં આવતા. પત્રકને હર પોસ્ટ દ્વારા જ્યાં જ્યાં આપણો સમુદાય રહેતો હતો ત્યાં સુધી પહોંચાડવામાં આવતું. એ સમયે ટેલિવિઝન કે ફોન જેવા સાધનો ન હોવાથી રતનશીભાઈનું આ પત્રક જ્ઞાતિ સંપર્ક માટે એક સશક્ત માધ્યમ સાબિત થયેલ. ત્રીજી પરિષદની રજેરજ માહિતી અને પરિષદના ઠરાવોની જાણકારીને આપણા પુરા જ્ઞાતિ સમુદાય સુધી પહોંચાડવાનો શ્રેય રતનશીભાઈના આ પાટીદાર ઉદયને આપી શકાય. પાટીદાર ઉદયના સુધારા વાદી ધર્મ જાગૃતિના લેખોથી ગિન્નાયેલા મુસ્લિમ પીરાણા પંથના કહેવાતા ધર્મગુરુઓ દ્વારા એમને કોર્ટ કચેરીથી પરેશાન કરવાનો પ્રયાસ પણ આદરેલ પણ એમાં પણ એમને માત મળેલ.
ઈ.સ. 1924માં આપણી જ્ઞાતિની ઘાટકોપર મુકામે જે ત્રીજી પરિષદ ભરાઈ હતી એની રજેરજની માહિતી સાથેની જાણકારી આપણા પુરા જ્ઞાતિ સમુદાય સુઘી પહોંચાડવાનો શ્રેય આ રતનશીભાઈના પાટીદાર ઉદયને આપી શકાય. જ્ઞાતિના ત્રીજા પરિષદમાં કરાચીના અન્ય ભાઈઓ સાથે ભાગ લેવા આવેલ આ પરિષદની સબ્જેક્ટ કમિટીના કોર મેમ્બર એવા રતનશીભાઈએ ઉભા થઈને પ્રતિજ્ઞા લીધેલ કે હવે એક દિવસ પણ પીરાણા પાપી પંથનું કલંક માથે રાખી શકાય નહિ. આજની આપણી પરિષદમાં વિદ્વાન ભાઈઓ અને પંડિતોએ જે ર્હદય ભેદક ચિતાર ખડો કર્યો છે. તે સાંભળી મારુ હૃદય ચિરાઈ જાય છે. આ સભાને હું ખાતરી આપું છું કે મારુ કુટુંબ હાલમાં દેશમાં છે તેને ખૂબજ જલ્દી બોલાવીને સહકુટુંબ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત લેવાની હું પ્રતિજ્ઞા કરું છું. આ ત્રીજી પરિષદમાં ઠરાવો, અનુમોદનો પર પોતાના મહત્વપૂર્ણ વિચારો રાખીને જયારેએ મંડળના અન્ય સાથીઓ સાથે કરાચી પાછા આવ્યા ત્યારે એમણે અને એમના હર સુખ દુઃખના સાથી એવા એમના પ્રેરણાસ્ત્રોત અને ભાઈ સમાન એવા લાલજીભાઈ સોમજીભાઈ નાકરાણી, રવાપરવાળાએ સાથે મળીને વૈશાખ મહિને બ્રાહ્મણોની હાજરીમાં સહપરિવાર મંડળના એમના અન્ય મિત્રો સાથે દેહ શુદ્ધિ કરાવેલ. (સ્ત્રોત: પાટીદાર ઉદય ના માસિક અંક માંથી)
જ્ઞાતિની બબ્બે શુરૂઆતી પરિષદો અને કેટકેટલા જનજાગૃતિના કાર્યોની આગેવાની કરનારા કરાચીના આ મંડળને માનો કે કોઈની નજર લાગી હોય એમ એક પછી એક એવી ઘટનાઓ ઘટી કે રતનશીભાઈ અને શિવજીભાઈ જેવા મંડળના ઉત્સાહી યુવાનોને પણ થોડા સમય માટે હતોત્સાહના અંધારામાં રહેવું પડ્યું. કરાચી યુવક મંડળના પાયાના ચાર સ્તંભ પૈકીનાં એક એવા ભાઈશ્રી ખેતા ડોસા બીજી પરિષદ પછી અને ભાઈશ્રી નાનજી પચાણ ત્રીજી પરિષદ પછી સ્વર્ગવાસી બની પ્રભુ શરણે પ્રસ્થાન કરી ગયા. આવા આત્મીય ટેકો ગુમાવવાનો ગમ મંડળ તથા એમના બંને ઉત્સાહી મંત્રીઓને ઓસરાવી ગયો. ગતિ મંદ થયેલા આ મંડળ વચ્ચે હજી એકાદ એવી ઘટનાઓ ઘટી કે એમને મંડળના આપસી ભાઈચારાને પુરી રીતે છિન્નભિન્ન કરી નાખ્યો. આ રીતેથી પાંચ વર્ષ સુધી ઘાયલ અવસ્થામાં ચાલી ગયેલા મંડળને પાછું ગતિમાન કરવા માટે રતનશીભાઈએ અન્ય સાથી મિત્રો સાથે ફરીથી પ્રયાસ આદરેલ. સંજોગોવસાત કરાચી આવેલા આપણા આદ્યસુધારક ભાઈશ્રી નારયણજીભાઈની હાજરીએ મંડળના અમુક ભાઈઓના મનમાં વરસોથી જે મનમુટાવ થયેલ એમને શાંતિ સુલેહ કરાવી અધૂરાં પડેલાં સુધારાના કાર્યોને શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક મંડળને નામે નવા ધારાધોરણ સાથે ફરીથી નવા જોશ અને ઉમંગથી શુરૂઆત કરાવેલ.
રાત્રી શાળાની શુરૂઆત – કરાચી
વિદ્યાનો પ્રચાર કરવાનો કાયદોતો આપણા જ્ઞાતિમંડળોમાં ઘણા દિવસોથી ઘડાઈ ગયો હતો. પણ આજ દિવસ સુધી કોઈપણ જ્ઞાતિ મંડળે એને યોગ્ય રીતે અમલમાં મુક્યો નહોતો. કેળવણી અને શિક્ષા આમેય રતનશીભાઈનો સૌથી મનપસંદ વિષય હતો. એમના સમકક્ષ કેળવણી પ્રાપ્ત કરેલ ભાઈઓ આપણાં સમુદાયોમાંએ વખતે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ રહેતા. રતનશીભાઈ સારી રીતે જાણતા હતા કે આપણી જ્ઞાતિનું પાયમાલીનું મુળ કારણ શિક્ષા અને અજ્ઞાનતા જ છે. અને જો નાતનું સાચું ઉસ્થાન કરવું હશે તો એમને વધારેમાં વધારે જ્ઞાતિની સાક્ષરતા પર જોર આપવું પડશે. પણ એ સમયે એમના મંડળની સ્થિતિ એવી નહોતી કે એ સ્કૂલ જેવા કોઈ ખર્ચને નિભાવી શકે. આમેય એ વખતે મોટા ભાગની આપણી જ્ઞાતિની સ્થિતિ પણ કમજોર જ હતી. કરાચી યુવક મંડળની જ્ઞાતિ સેવાની ધગશ અને અભિલાસાને જોઈને નાતના જ એક ભાઈ શ્રી લાલજીભાઈ પેથાભાઈ પોકારે વગર પગારે શિક્ષક તરીકે સેવા બજાવવાની સામેથી ઈચ્છા જાહેર કરેલ. આથી ઈ.સ.1938ના ઓક્ટોબર માહે આપણી જ્ઞાતિની કદાચ પહેલી કહી શકાય એવી રાત્રી શાળાનું શુભારંભ કરવાનું સૌભાગ્ય પણ કરાચીના આ ઉત્સાહી યુવક મંડળના ભાગે જાય છે. આ શાળામાં ફક્ત બાળકો નહિ, દિવસના કામે જતા આપણા કોઈપણ ભાઈ પણ રાતના અક્ષરજ્ઞાન લઈ શકતા. મુફ્ત શુરૂ કરેલ શાળામાં વિધાર્થીઓની સંખ્યામાં ધીમેધીમે વધારો થતાં, વ્યવસ્થા માટે ચાર આનાની નહિવત ફીસ લેવાનું નક્કી થયેલ. ઠંડીના દિવસોમાં ટાઢના લીધે સંખ્યા ઓછી ન થાય અને અભ્યાસમાં ખલેલ ન પડે એટલા માટે મંડળ દ્વારા દાતાઓથી ફંડફાળા કરીને વિધાર્થીઓ માટે ગંજી ફડાક અને માસ્તરો માટે સાલની વ્યવસ્થા કરવામાં આવતી. દિન પ્રતિદિન વિધાર્થીઓની સંખ્યા વધવાથી હજી એક માસ્તરની જરૂર જણાયેલ. આથી ફરી પાછા હાલના શાળા માસ્તરની સેવા આપતા ભાઈશ્રી લાલજીભાઈના નાના ભાઈ શ્રી નારાયણજી પેથાભાઈએ પણ માસ્તર તરીકે યોગદાન આપવાની ઈચ્છા જાહેર કરેલ. આથી એક માંથી વધારે વર્ગો કરી શકાયા. પરીક્ષામાં પાસ થનારા વિધાર્થીઓને વાર્ષિક સભા બોલાવી વિશેષ અતિથિઓના હાથે મંચથી ઇનામમાં આગલાં ધોરણની એક ચોપડી અને મેવાનું એક પડીકું આપવામાં આવતું. માસ્તરોને કાંડા ઘડિયાળ તથા સાલ અને ધોતિયા જેવી ભેટ સોગાદો આપવામાં આવતી. આવીજ એક વાર્ષિક સભામાં અતિથિ તરીકે આવેલા સજ્જન શ્રીમાન ડૉ. પોપટલાલની હાજરીએ ભાઈશ્રી રતનશી શિવજીએ જયારે શાળાના હિસાબો વાંચી સંભળાવ્યા ત્યારે આશ્ચર્ય સાથે એમને કહેલુ કે મેં પણ બે ત્રણ રાત્રિ શાળાઓ ચલાવી છે તેથી મને પુરતો અનુભવ છે કે આટલા ટુંકા ખર્ચમાં કોઈપણ સંસ્થા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે નહિ. આના માટે શાળા સંચાલકો ધન્યવાદને પાત્ર છે.
આ રાત્રી શાળાના એક રિપોર્ટમાં લાચારી સાથે રતનશીભાઈએ લખેલ છે કે આપણી જ્ઞાતિના ભાઈઓ સનાતન ધર્મ ભૂલી અવળે માર્ગે ચડી ધર્માદાના નામે પોતાના નાણાં વેડફી રહ્યા છે. બીજી કેળવાળેલી કોમોને જોતા આપણી કોમે કેટલાયે નાણાં અન્ય કોમોના ભોગ વિલાસ પાછળ જ બર્બાદ કરી નાખેલ છે. એક કહેવત મુજબ “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો” આપણી જ્ઞાતિના ભાઈઓ જેટલા નાણાં ધર્માદાને નામે બહાર વેડફે છે તેના અડધા નાણાં પણ જો તેઓ પોતાની જ્ઞાતિના બાળકોને આગળ વધારવા માટે ખર્ચે તો જે આપણે પરાઈ આશા પર રહેવું પડે છે એ ના રહેવું પડે. (સ્ત્રોત: કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની રાત્રી શાળાના રિપોર્ટ માંથી)
આમ, એ વખત સમુદાયના સૌથી મોટા મંડળ તથા ઐતિહાસિક બીજી પરિષદના મહામંત્રી અને કરાચીની આસપાસ વસવાટ કરતી આપણી રંક અને અજ્ઞાની જ્ઞાતિના ઉત્થાન માટે થયેલી હર નાનીમોટી સુધારક પહેલના કેન્દ્ર સ્થાને રહેલા આ પ્રતિભાશાળી યુવા ભાઈને આજના આપણા જ્ઞાતિ ઇતિહાસના પુસ્તકમાં એક નાનકડું સ્થાન આપી તેઓના કાર્યને સનાતની અંજલિ આપવાનો સ્તુત્ય પ્રયાસ કરેલ છે. (આ લેખના બધા સ્ત્રોત રિયલ પાટીદાર લાયબ્રેરીની અત્રે આપેલ લિંકના આધારે પ્રાપ્ત થયેલ છે. જેના માટે એમની પુરી ટીમનો ખુબ ખુબ આભાર. લિંક: www.realpatidar.com/library)