દયાપરના પટેલ રૈયા કરસન લીંબાણીના પરિવારમાં છ દિકરા અને દિકરીનો પરિવાર હતો. તેમાં સૌથી નાના દિકરા નારાણ રૈયાનો જન્મ ઈ.સ.૧૮૯૦માં દયાપર ખાતે થયો. નારાણ રૈયા બાળપણથી હોંશિયાર અને ઉદ્યમી હતા. તેમને સ્કુલમાં અભ્યાસ કરવાની તક નહોતી મળી. પણ, તેમના પિતા રૈયા કરસનની પાસે અક્ષર જ્ઞાન હતું. તેથી તેમની પાસેથી નારાણ રૈયાએ વાડીમાં કોશ ચલાવતા ચલાવતા અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરેલ.
ત્યારબાદ નાની ઉંમરથી કરાંચીમાં કામ કરવા જતા ત્યાં ઈ.સ.૧૯૨૦ સુધી રહ્યા અને રોડ કન્સ્ટ્રક્શનનું કામ કરતા. તેમના લગ્ન લખપત તાલુકાના ધારેશી ગામના પટેલ જેઠા રતનશી સાંખલાની દિકરી જાનબાઈ સાથે થયેલ અને ચાર દિકરા અને બે દિકરીનો પરિવાર હતો. નારાણ રૈયા ૧૯૨૦માં પહેલી પરિષદ કરાંચીમાં ભરાણી ત્યારથી નારાણ રામજી લીંબાણીના પરિચયમાં હતા અને પરિષદમાં ભાગ પણ લીધો ત્યારથી પીરાણા અને સનાતનનો ભેદભરમ જાણવા લાગ્યા.
ઈ.સ.૧૯૨૦ પછી કરાંચીને બદલે મુંબઈ કર્મભૂમિ બનાવી અને ઘાટકોપર વસવાટ કરતા અને મકાન બાંધકામના કોન્ટ્રાક્ટ રાખતા. ત્યારબાદ દાદર ખાતે પોતાની માલિકીની જગ્યામાં શ્રી સ્પ્રીંગ કોન્ક્રીટના નામે ઈ.સ. ૧૯૩૦માં ટાઈલ્સ તેમજ ઝાળી બનાવવાનું કામ ચાલુ કરેલ અને ટુંક સમયમાં સારી સફળતા મળેલ. પાછળથી તેમના દિકરા વિશ્રામ નારાણ, દામજી નારાણ અને નાનજી નારાણના બહુ સારા સહકારથી ધંધામાં સારી સફળતા મળેલ અને તે એરીયો પણ નારાણ પુરી તરીકે ઓળખાતો અને કચ્છમાંથી આવતા જતા આપણી સમાજના ભાઈઓ માટે એક આશ્રય સ્થાન બન્યું.
કરાંચી ખાતે બીજી પરિષદ પુરી થયા પછી નારાણ રૈયાએ નારાણ રામજીને કહ્યું કે અમારા દયાપર ગામમાંથી ૩૦૦ થી ૪૦૦ જણા સનાતનમાં આવવા તૈયાર છે. તો તમારી હાજરીમાં આ કામ કરવું છે. તો તમો ટાઈમ આપો. આવું સાંભળતા નારાણ રામજીનો ખુશીનો પાર ન રહ્યો. કારણ કે ૧૯૦૮થી અથાગ પ્રયત્નો કરવા છતાં મુંબઈ તેમજ કચ્છમાં કોઈ સારી સંખ્યામાં માણસ કે પરિવાર હિંમત ન કરી શક્યો અને એક સાથે આવડું મોટું જુથ અને તે પણ કચ્છમાં ગેઢેરા અને મુખીની સામે હિંમત કરવી કોઈ નાની વાત ન હતી.
નારાણ રૈયા કરાંચીથી દયાપર ગયા ત્યાં બધા મળતીયા મિત્રો, પરિવારને મળી ભેગા કરી સમજાવ્યા. ત્યારબાદ મુંબઈ આવી નારાણ બાપાને મળ્યા અને સમય આવે ઉનાળે બધા કચ્છમાં ગયા અને નારાણ રામજી અને તેમના મિત્રો દયાપર આવ્યા અને બધાને ભેગા કર્યા. ત્યારે નારાણ રામજીએ કહ્યું બરાબર વિચારી લેજો આ કામ સહેલું નથી. કારણ કે ભાઈ, બહેન, પરિવાર, સગા-સંબંધી સાથે સંબંધ પુરા કરવા પડશે. ત્યારે દયાપરની બહેનોએ બહુ જ હિંમત બતાવી અને નારાણ બાપાને કહ્યું. ભાઈ તમે હવે ઢીલી ઢીલી વાત ન કરો. અમો બધું સમજી ગયા છીએ. અમો એક પણ પળનો વિલંબ કરવા માંગતા નથી. પણ તમોએ નાસીક ખાતે જેઠ સુદ ૫ના દિવસે સનાતન ધર્મનો સ્વીકાર કરેલ તો અમો પણ તેજ દિવસે સનાતન ધર્મ સ્વીકારીશું. આજે જેઠ સુદ ૧ છે. તો તમારાથી ચાર દિવસ દયાપર ખાતે રોકાઈ શકાય તો રોકાવો નહી તો મોટી વિરાણી આંટો મારી આવો. બાકી અમો બધુ વિચારી બેઠા છીએ. ઘણા દિવસ અમી નુરની ગોળી ખાધી, સૈયદના એઠા ખાધા. હવે અમોને કઈપણ વિચારવું નથી. આમ જેઠ સુદ ૫ના દિવસે દયાપર ખાતે ભુજ રાજ્યની સહાયતાથી મડના રા.રા. જટાશંકર અને લખપતના સત્તાવાળા આપણી સાહયતા માટે હાજર હતા અને સામે પક્ષે ખાનાવાળાના ૭-૮ ગામના ગેઢેરા દયાપર ખાતે ભેગા થયા અને લાપસીના આંધણ મુકાણા અને ઘણી તડજોડ ચાલી અંતે ૧૬૧ જણે દયાપર ખાતે સનાતન ધર્મનો સ્વીકાર કર્યો. અને ગઢશીશાવાળા પરાશર શર્માના વરદ્ હસ્તે શુદ્ધિકરણ કરાવેલ.
આમ, કચ્છ રાજ્યમાં કડવા પાટીદારમાં શ્રી નારાણ રૈયા લીંબાણીના નેતૃત્વ નીચે દયાપરથી સનાતની સૂરજ ઉગ્યો અને ત્યારથી પ્રથમ સનાતની સમાજ શ્રી સત્ય નારાયણ સમાજની દયાપર ખાતે સ્થાપના થઈ. આ વાતની જાણ કચ્છ તેમજ કચ્છ બહાર આપણી સમાજમાં થઈ ત્યારે હાહાકાર મચી ગયો. કારણ કે ભલભલા માણસની કચ્છમાં પહેલ કરવાની હિંમત નહોતી ચાલતી. કારણ કે ૧૯૦૮ થી ૧૫ વર્ષ સુધી નારાણ રામજી લીંબાણી તેમજ તેમના મિત્રોએ ખૂબ પ્રયત્ન તેમજ સંઘર્ષ કર્યા પણ ધારી સફળતા મળી ન હતી. આ વાત મુંબઈ પહોંચી ત્યારે ત્યાંના ભાઈઓ ખુબ ખુશ થયા અને શરમથી માથા ઝુકી પણ ગયા કારણ કે કરાંચી અને મુંબઈ કચ્છથી ઘણા દૂર હોવા છતાં કોઈની કચ્છના ગેઢેરાના જુલ્મ સામે હિંમત ન ચાલી. આની અસર રૂપે ૧ મહિના પછી અષાઢ મહિનામાં શુધ્ધિકરણનો પ્રોગ્રામ મુંબઈ ખાતે રાખવામાં આવેલ, તેમાં મુંબઈના સ્થાનિક ભાઈઓ અને દયાપરથી મુંબઈ આવેલ ભાઈઓ શુધ્ધિકરણમાં જોડાયેલ.
તેઓએ કચ્છમાં પણ દયાપરના શુદ્ધિકરણની સીધી અસર થઈ તેના ભાગરૂપે આષો સુદ ૧૦ વિજયા દશમીના દિવસે દયાપરના બાજુમાં પાનેલી ખાતે ૧૬ પરિવાર શુદ્ધિકરણમાં જોડાયેલ, તે દયાપરના શાસ્ત્રી મણીનગર અંબાલાલ ત્રિપાઠીના વરદ્ હસ્તે શુદ્ધિ કરાવેલ. ત્યારબાદ શુદ્ધિકરણનો કાર્યક્રમ દિવાળી પછી ભાઈબીજના દિવસે રવાપર ખાતે થયો. ત્યારબાદ કરાંચી ખાતે થયો. આમ ૧૫-૧૫ વર્ષથી જે માણસો ગભરાઈને પોતાની ઈચ્છા વ્યક્ત ન કરી શક્યા તે દયાપરના સનાતની ધર્મના શુદ્ધિકરણના કાર્યક્રમ પછી દરેક પરિવારના એક-બે જણ પણ હિંમતમાં આવી ગયા અને શુદ્ધિકરણમાં જોડાતા ગયા. આમ, નારણ રૈયા અને તેઓના સથીઓની મહેનતના લીધે ૧ થી ૧.૫ વર્ષમાં ૪૬૧ જણાની સનાતનમાં ઘર વાપસી થઈ. તેવું નારાણ રામજી લીંબાણીએ પીરાણાની પોલમાં લખ્યું છે.
દયાપરના આજુબાજુના ગામમાં નારાણ રૈયા તેમજ તેમના મિત્રો મળતીયાના પ્રચારથી આજુબાજુના દરેક ગામમાં સારી અસર થઈ અને કચ્છમાં લખપત તાલુકાના પાટીદારના દરેક ગામ નારણ રૈયા લીંબાણીના પ્રયાસથી સનાતની બની ગયા. કરાંચી ખાતે પહેલી પરિષદ ૧૯૨૦, બીજી પરિષદ ૧૯૨૨માં ભાગ લેનાર સમાજના પ્રથમ હરોળના આગેવાનોમાં પણ દયાપરના શુદ્ધિકરણના પ્રોગ્રામ પછી જ હિંમત આવી અને શુદ્ધિકરણ માટે આગળ આવ્યા.
નારાણ રૈયાએ ૧૯૫૯માં બોર્ડીંગ માટે નખત્રાણા ખાતે રૂ. ૫૦૦૦/- અંકે પાંચ હજારનું દાન આપેલ તે નખત્રાણા ખાતે આરસની તકતીમાં કંડારેલ છે. ૧૯૬૦-૧૯૭૦ના સમય દરમ્યાન દવાખાનું અને દયાપર ખાતે સ્વ ખર્ચે બસ સ્ટેન્ડ બનાવી ગામને અર્પણ કરેલ અને દયાપર હાઈસ્કુલમાં પણ વિશેષ ફાળો આપી માતૃશ્રી જાનબાઈ નારાણ રૈયા હાઈસ્કુલ નામકરણ કરાવેલ. તેઓ દોલતપર ખાતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર જાતે હાજર રહી નિર્માણ કરાવેલ. તેઓએ દયાપર ખાતે પોલીસ પટેલ તરીકે અને કોઈ વાદવિવાદમાં પંચ તરીકે સારી સેવા આપતા.
વિક્રમ સંવત ૨૦૦૯ના એક કામ માટે વહીવંચા પાસે અમદાવાદ ગયા ત્યારે અમોને પુછવામાં આવ્યું તમો ક્યા ગામથી આવો છો? અમોએ કહ્યું દયાપરથી, તો વહીવંચાએ સીધું જ કહ્યું નારાણ રૈયાવાળું દયાપર. અમોએ કહ્યું તમો એમને કેમ ઓળખો છો? તેમણે કહ્યું અમારા બાપ દાદા એમ કહેતા હતા કે પિરાણાવાળાએ જ વહીવંચો બંધ કરાવેલ તે ચાલુ કરાવવા નારાણ રામજી લીંબાણી અને નારાણ રૈયા લીંબાણી અમારા વડીલોને શોધતા શોધતા ધોળકા આવેલ અને અમારો હક્ક પાછો આપવા અને ચોપડા ચાલુ કરવા સહયોગ કરેલ તેથી અમારા વડીલોએ કહ્યું આ વડીલને ભુલવા નહીં.
ઉપર મુજબના ધાર્મિક, સામાજિક, પારિવારીક, કામ કરતા કરતા આખરે તા.૨૮-૫-૧૯૭૦ વૈશાખ વદ-૮ના કોલ્હાપુર ખાતે અવસાન થયું. નારાયણ રૈયાનો પરિવાર અત્યારે કોલ્હાપુર અને હુબલીમાં રહે છે.