કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણીના પ્રમુખ પદે નખત્રાણા ખાતે મળેલ અભૂતપૂર્વ અસાધારણ સભામાં સમાજે “શ્વેતપત્ર” જાહેર કરી જ્ઞાતિની સનાતની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. ૧૯૬૦માં બંધારણીય રીતે થયેલ સમાજ રચાનાના ૫૦ વર્ષની ઉજવણી “સુવર્ણ જયંતી મહોત્સવ” તરીકે અને સાથે જ્ઞાતિનું પંચમ અધિવેશન” નખત્રાણા ખાતે તા. ૧૦ થી ૧૩ મે -૨૦૧૦ના યોજવાનું નક્કી કરવામાં આવ્યું. શ્રી ગંગારામભાઈ સાંખલાને સુવર્ણ જયંતિ મહોત્સવના કન્વીનરની જવાબદારી આપવામાં આવી.
તે સમયે સમાજના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ ભાઈઓ-બહેનોનું સંગઠન – શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સારસ્વત પરિવારની સુરેન્દ્રનગર ખાતે અલ્ટ્રાવિઝન સ્કૂલમાં આયોજિત કારોબારી સભામાં તે વખતના યુવાસંઘના પૂર્વ પ્રમુખ એવા ભરતભાઈ પોકાર દ્વારા એક સામાજિક નાટિકા સુવર્ણ જયંતી મહોત્સવમાં રજુ કરવાનું સુચન કરવામાં આવ્યું. જેનો સહર્ષ સ્વીકાર કરવામાં આવેલ અને આ કાર્યક્રમની જવાબદારી સારસ્વત પરિવારના મહામંત્રી ડો. વસંત ધોળુને સોપવામાં આવી. માર્ગદર્શક તરીકે શિક્ષણવિદ અને કેન્દ્રીય સમાજ સાથે વર્ષોથી સંકળાયેલ કારોબારી સભ્ય અને કેન્દ્રીય યુવાસંઘના પ્રથમ ઉપપ્રમુખ એવા તલોદ સાયંસ કોલેજના પ્રિન્સીપાલ રતિભાઈ છાભૈયાને જવાબદારી આપવામાં આવી.
સમાજ ઇતિહાસના જુના સંદર્ભ પુસ્તકો મેળવીને એક નાટીકા તૈયાર કરવા માટેનું કામ નાટ્ય લેખક શ્રી આશિષ ઠાકર, પાલનપુરને અને દિગ્દર્શનનું કામ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડો. દીપુભાઈ પબ્રેજાને સોપવામાં આવેલ. તલોદ સાયન્સ કોલેજમાં ફરજ નિભાવતા આપણા સમાજના પ્રોફેસર ડો. વસંત ધોળુના નેતૃત્વમાં સાયન્સ – આર્ટસ અને કોમર્સ કોલેજ, તલોદમાં અભ્યાસ કરતા અને સમાજના અન્ય મળીને કુલ ૫૫ યુવાઓએ “સ્વર્ણિમને સથવારે ચાલ્યા કડવા પાટીદાર… સમર્થ પાટીદાર” નાટીકામાં અભિનયના ઓજસ પાથર્યા. બે માસ સુધી ઉનાળાની ધોમ ધખતી ૪૮ ડીગ્રી ગરમીમાં આ કલાકારો અને સહાયકોએ ટ્રીનીટી સ્કૂલ, તલોદ ખાતે સખત પ્રેકટીસ કરેલ અને સ્વયં નાટકની પ્રોપર્ટી તૈયાર કરેલ. આ નાટીકામાં કેશરા પરમેશ્વરાના પાત્રમાં ડો. વસંત ધોળુ, નારાયણ રામજી લીંબાણીના પાત્રમાં પ્રતિક લીંબાણી(બાણી કંપા), તેઓના માતા રાજબાઈની ભૂમિકા શિલ્પા ધોળુએ, બાળ કલાકાર તરીકે ધૈર્ય ધોળુ, અન્ય મુખ્ય પાત્રમાં નિરલ ભાદાણી(અલવા કંપા), સુત્રધારની છટાદાર ભૂમિકામાં ભાવિકા નાકરાણી (રખિયાલ) અને નમ્રતા ભાવાણી (મોતેસરી), દિવ્યા, પાર્થ અને નિલમ ભગત (તલોદ), નિકેશ ભોજાણી (ગણેશપુરા), પાયલ પોકાર (જગતપુરા કંપા), શ્રદ્ધા, પાર્થ અને ઓમ ભાવાણી (હીરાપુર કંપા), મયુર (ધનપુરાકંપા), ડ્રેસ અને પ્રોપર્ટી માટે મયંક પ્રજાપતિ (તલોદ), વડીલ પ્રિ. વિઠ્ઠલભાઈ છાભૈયા (તખતગઢ)એ મુખ્ય ભૂમિકા અદા કરેલ.
આ નાટીકામાં આપણા સમાજના વડીલોને ઊંઝા પ્રદેશ છોડી, પોતાના જ ભાઈઓથી હડધૂત થઇ કેવા સંજોગોમાં કચ્છ પ્રદેશમાં વસવાટ કરવો પડ્યો, પીરાણા પંથ સ્વીકાર કર્યા બાદ કરવામાં આવતી મુસ્લિમ છાંટ વાળી ધાર્મિક વિધિઓ, જ્ઞાતિને અંધકારમાં ધકેલતો ગેઢેરાઓએ સંવત ૧૮૩૨માં કરેલ કાળો ઠરાવ, પુનઃ સનાતન ધર્મ અંગીકાર કરવા માટે નેત્રાવાસી નરવીર પૂ. કેશરા પરમેશ્વરાના સંઘર્ષ બાદ જ્ઞાતિમાં આવેલ પરિવર્તન અને ત્યાર બાદ પૂ. નારાયણ રામજી લીંબાણી દ્વારા સનાતન ધર્મ અંગીકાર માટે યુવાઓ દ્વારા કરવામાં આવેલ દેહશુદ્ધિ માટેના ક્રાંતિકારી નિર્ણયો અને ગેઢેરાઓ સાથેનો સંઘર્ષ, સનાતની કાર્ય માટેના મુંબઈના પ્રસંગો, ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના સાથે વહીવંચાઓ અને હાલરડા ગાવાની પધ્ધતિ જેવા અનેક બાબતોનો સમાવિષ્ટ કરતી આ નાટીકાએ ૧૦,૦૦૦ ઉપરાંત દર્શકોને પિનડ્રોપ સાયલન્સ અને ઉત્કંઠા સાથે ઝકડી રાખ્યા હતા. નાટક નિહાળી રહેલ બૌધિક સતપંથી મિત્રો હકીકત સહન ના થતાં અધવચ્ચેથી ઉભા થઇ ચાલ્યા ગયા. આ નાટીકાનું લાઇવ પ્રસારણ પણ થઇ રહ્યું હતું. નાટીકામાં રજુ થઇ રહેલ ઈતિહાસની સચ્ચાઈ સાંખી ના શકનાર પીરાણાપંથીઓએ લાઈવ પ્રસારણના કેબલો કાપીને તેને રોકવાનો નિરર્થક પ્રયાસ કરેલ.
આમ, આ “સ્વર્ણિમને સથવારે ચાલ્યા કડવા પાટીદાર… સમર્થ પાટીદાર” નાટીકાએ સનાતની ચળવળને જબ્બર ટેકો આપેલ. આ નાટીકાની ૧૦,૦૦૦ કરતાં વધુ CD નું વેચાણ થયેલ. તેનું કર્ણપ્રિય સંગીત આજે પણ સમાજના દરેક કાર્યક્રમોમાં વાગી રહ્યું છે. લેખન, દિગ્દર્શન, ડ્રેસિંગ, અભિનય, સંગીત, ડાયલોગ્સ, અદ્દલ જુના સમયની જ લાગતી પ્રોપર્ટી વાળા સેટ વગેરે ઈશ્વરીય ચમત્કારથી ઓછું નહોતું. આ નાટીકા પછી સમાજના બૌધિક વર્ગનો સનાતની જુસ્સો બળવત્તર બનતાં સમયાંતરે મિક્સમાં ચાલતા સંગઠનોએ શુધ્ધિકરણ અપનાવી કેન્દ્રીય સમાજને મોટું બળ આપ્યું. ત્યારબાદ સનાતન એજ્યુકોઝ, સનાતન મેડીકોઝ, સનાતન એડ્વોકેટ્સ, સનાતન CA & CS જેવાં સંગઠનોએ કેન્દ્રીય સમાજની સનાતની વિચારધારાને વધુ વેગવંતી બનાવવાનું કાર્ય કર્યું. વિશેષમાં આ નાટીકાની જવાબદારી લેનાર અને પૂ. કેશરા પરમેશ્વરાની ભૂમિકા અદા કરનાર અને યુવાસંઘમાં વિવિધ જવાબદારી સ્વીકારી અનોખા કાર્યો થકી ભારતભરના યુવાઓ, મહિલાઓ અને વડીલોમાં નવી ચેતના જગાવનાર પ્રો. ડો. વસંત ધોળુ અને નાટકમાં ભૂમિકા ભજવનાર કલાકારોમાંથી સમાજને સનાતની લડવૈયા પ્રાપ્ત થયા.