શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘનું સાબર રીજીયન એટલે આપણી સમાજની કચ્છ પછી સૌથી વધુ વસ્તી ધરાવતો પદેશ. જેને બીજા કચ્છ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાબર રીજીયનમાં સંપૂર્ણ સાબરકાંઠા, અરવલ્લી જીલ્લો અને બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર જીલ્લાના મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલ પ્રદેશો એમ સાત જીલ્લાના 350 ઉપરાંત કંપા/ગામો કે ફાર્મ અને 8 વિભાગીય સમાજોનો સમાવેશ થાય છે. ટૂંકમાં કહીએ તો કપડવંજથી અમીરગઢ અને વિજયનગર થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં સનાતની સંગઠનની મિશાલ કાયમ કરતુ રીજીયન એટલે સાબર. અતિતની અટારીએથી જોઈએ તો સનાતન ધર્મ માટે આ વિસ્તારના વડીલો અને યુવાઓનું અનેરું પદાર્પણ રહેલ છે.
પૂ. નારાયણ રામજી લીંબાણીની ૧૩૦મી જન્મ જયંતીને આપણી કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી ગંગારામભાઈ સાંખલા અને ટીમે નખત્રાણા ખાતે મોટાપાયે ઉજવવાનું નક્કી કર્યું. તે માટે કંઈક નવીન પ્રોગ્રામ કરવાની જવાબદારી વસંતભાઈને સોપી.
ડો. વસંત ધોળુ કોલેજમાં વનસ્પતિ શાસ્ત્રના પ્રોફેસર ઉપરાંત તલોદમાં ટ્રીનીટી સ્કૂલના સંચાલનમાં પણ સંકળાયેલ. જ્યાં વિદ્યાર્થીઓને ઈતિહાસ જેવો વિષય વિડીઓ અને ઓડીઓ દ્વારા શીખવવામાં આવતો અને આ અગરા વિષયમાં તેઓને રૂચી પડતી, જે તેઓના ધ્યાનમાં આવી. તેના પરથી એક નવો વિચાર આવ્યો કે સમાજના સનાતની ઈતિહાસના નાના-નાના પ્રસંગો નાટ્ય સ્વરૂપે ભજવવા, બીજી કેટલીક બાબતોને ચલચિત્રના માધ્યમથી રજુ કરવી અને બાકી કથાકારની જેમ વ્યાસપીઠ પર બિરાજમાન થઇ સંગીત સાથે સનાતની ગાથા એક જ સેશનમાં રજુ કરવામાં આવે તો સૌ યુવાઓ અને વડીલો તેને પસંદ કરશે અને ખબર ના પડતાં પોતાના ઇતિહાસથી વાકેફ થશે. આ માટે ગીત –સંગીત, વિડીઓ – ઓડીઓ અને કથા સ્વરૂપે “શ્રી નારાયણ કથા” કરવાનું નક્કી કરી વડીલોને જાણ કરવામાં આવી. તેઓએ આ પ્રયોગ માટેની મંજુરી આપી.
પ્રો. આશિષ ઠાકર (વિસનગર)એ ૭ થી ૮ જેટલા સનાતની પસંગોને નાટ્ય રૂપાંતરમાં ભજવવા સ્ક્રીપ્ટ તૈયાર કરી આપી. જેમાં કલાકાર તરીકે ભૂમિકા માટે રૂશાત કંપાના રૂશાત પરિવારના યુવાઓ રોનક, જીગર, મધુસુદન, ભાર્ગવ, જયદીપ અને રોઝડના સંજય રવાણીએ ભજવી. તખતગઢના મહેન્દ્રભાઈ ધોળુએ વાયોલીન વાદકની સેવા આપી. શ્રી નારાયણ કથાને સૌ પ્રથમ પ્રાયોગિક રીતે રૂશાતકંપામાં રજુ કરી.
શ્રીસમાજના દ્વારે નખત્રાણા ખાતે તા. 25.05.2013 ના રોજ “શ્રી નારાયણ કથા” સાંભળવા અને નિહાળવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો બોર્ડીગના પટાંગણમાં ગોઠવાઈ ગયેલ. નારાયણ બાપાના જીવન પ્રસંગો નાટ્ય અને કથા સ્વરૂપે એક પછી એક ભજવાતા ગયા અને જ્ઞાતિજનોની આંખોમાં ક્યારેક સનાતની જુસ્સો, તો કેટલાક દર્દનાક પ્રસંગોએ અશ્રુધારા વહેતી જોવા મળી. સતત તાળીઓ અને તેઓના હાકોટા સાથેના જુસ્સાએ અમારી ટીમનું મનોબળ વધાર્યું. બે કલાક બાદ “શ્રી નારાયણ કથા”નો પ્રથમ પ્રયાસ પૂર્ણ થયો. આમ, કથા સ્વરૂપે એક નવીન સનાતની પ્રયોગના બીજ રોપાયા અને ડો. વસંત ધોળુ યુવાસંઘના હોદ્દેદાર ઉપરાંત કથાકારના નવા સ્વરૂપે કાર્ય કરતાં જોવા મળ્યા.
આ સભામાં સમાજના પ્રમુખ ગંગારામભાઈ સાંખલા, પૂર્વ પ્રમુખ રામજીભાઈ નાકરાણી, યુવાસંઘ પૂર્વ પ્રમુખ જયંતીભાઈ રામાણી, હિમતભાઈ ખેતાણી, અબજીભાઈ કાનાણી, ડો. શાંતિલાલ સેંઘાણી, યુવાસંઘ-મહિલાસંઘના કાર્યકર્તાઓ અને સૌ સમાજપ્રેમી યુવાઓ, બહેનો, વડીલો 4000 કરતાં વધુ સંખ્યામાં હાજર હતા. આમ, આ નાટ્ય-ગીત-વિડીઓ-કથાના પ્રથમ પ્રયોગથી જ સર્વે જ્ઞાતિજનોના દિલમાં સનાતની ઈતિહાસ કંડારાતો જોવા મળ્યો.
ત્યારબાદ કથામાં પૂ. નારાયણ રામજી લીંબાણી સાથે નરવીર પૂ. કેશરા પરમેશ્વરા, સંતશ્રી પૂ. લાલરામ મહારાજ, સંત શ્રી પૂ. ઓધવરામ મહારાજ, પૂ. રતનશી ખેતાણી, પૂ. નારણ રૈયાએ કરેલ સનાતની કાર્યોને વણી લઈને “શ્રી નારાયણ કથા” ને “સનાતન ગાથા” તરીકે રજુ કરવાનાં ભારતભરમાંથી આમંત્રણ મળવા લાગ્યા. બીજી કથા મુંબઈ (કાલિદાસ નાટ્ય ગૃહ, મુલુંડ), ત્રીજી અંકલેશ્વર યોજાઈ.
હિમતનગર (નલીનકાંત ગાંધી હોલ)ખાતે “સનાતન ગાથા”ના આયોજન પીરાણાપંથીઓ સ્વીકારી શક્યા નહિ અને તેઓએ કલેકટરમાં તેને રોકવા અરજી કરી. મોડી રાત્રીએ પોલીસ વડાએ આ કથા બાબતમાં ત્રણ મીનીટમાં જણાવવા કહેતાં ડો. વસંત ધોળુએ તેઓને જણાવ્યું કે “જેમ ભારતમાં સૌ બાળકોને સરદાર પટેલ, ગાંધીજી, સુભાષચંદ્ર એમ અનેક સ્વાતંત્ર્ય સેનાનીના કાર્ય ભણાવવામાં આવે છે તેમ મારી સનાતની જ્ઞાતિને બચાવવા માટે અમારા વડીલોએ કરેલ સંઘર્ષની વાત આજે સૌને કહેવાનું આયોજન છે. આપના ડીપાર્ટમેન્ટના કોઈપણ ઓફિસરને ત્યાં હાજર રાખશો અને જો પીરાણાપંથીઓએ આપ સમક્ષ રજુ કરેલ જુઠ્ઠી વાતો મુજબ આપને યોગ્ય ના લાગે તો જેલમાં પૂરી દેશો.” ત્યારબાદ સૌ સનાતાનીઓના સહિયારા પ્રયાસથી મંજુરી મળતાં 102 ડીગ્રી તાવમાં પણ 750ની કેપીસીટી વાળા નલીનકાંત ગાંધી હોલમાં 1200 જ્ઞાતિજનોની હાજરીમાં “નારાયણ કથા” કરી અને હાજર પોલીસ તંત્રે કીહ્યું કે આપના સમાજના આ ઇતિહાસની અને તમારા વડીલોએ કરેલ સંઘર્ષની અમોને જાણ નહોતી. સતપંથીઓએ અમારી સમક્ષ ખોટું ચિત્ર ઉભું કરેલ. પરંતુ, આજે આ કથા માણ્યા પછી આપને આ બાબતે કોઈ કનડગત નહિ થાય તેવી જાહેરમાં ખાતરી આપી.
આ “સનાતની નારાયણ કથા”એ સમાજના યુવાઓ અને જ્ઞાતિજનોમાં નવીન ઉર્જાનો સંચાર કર્યો અને સમાજની સનાતની ચળવળને ખુબ મોટો સહયોગ મળ્યો. કેટલાય ઢીલું વલણ ધરાવતા જ્ઞાતિજનોના દિલમાં આ કથાના માધ્યમથી સનાતની મજબૂતાઈ કાયમ કરવામાં સફળતા મળી. એ વખતના વડીલોના સમર્પણનું ચિત્ર આબેહુબ રજુ કરી હાલની સામાજિક યોજનાઓમાં પણ તેઓને મોટી સંખ્યામાં આસાનીથી જોડી શક્યા. આમ, “શ્રી નારાયણ કથા” એ સનાતની ચળવળમાં શ્રીસમાજ માટે મોરપીંછ સાબિત થઈ.
ડો. વસંત ધોળુ યુવાસંઘ સાબર રીજીયનના ચેરમેન ત્યારબાદ કેન્દ્રીય યુવાસંઘના મહામંત્રી, ઉપપ્રમુખ અને પ્રમુખ બન્યા બાદ પણ તેઓએ આ કાર્ય “જય સનાતન… છે ટનાટન… દે ધનાધન…” નારા સાથે અવિરત રાખ્યું. ક્રમશઃ અંકલેશ્વર, હિમતનગર, ખીરસરા (રોહા-કચ્છ), દિલ્હી, નેત્રા, ઔરંગાબાદ, દયાપર, નરોડા-અમદાવાદ, નાગપુર, હૈદરાબાદ, સુરત, વિરાણી મોટી, પોંડીચેરી એમ કુલ ૧૮ સ્થળોએ “શ્રી નારાયણ કથા” કે “સનાતન ગાથા” ને રજુ કરવાનું ડો. વસંત ધોળુ અને યુવાસંઘ ટીમ સાબરને સનાતની સૌભાગ્ય મળ્યું.