– શ્રી રામજી કરમશી નાકરાણી રાયપુર, છત્તીસગઢ (પૂર્વ પ્રમુખ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ)
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં આધ્યાત્મિક પ્રચાર-પ્રસાર કરવા આપણા વડીલોએ પરમ પૂજ્ય પાડુરંગ શાસ્ત્રીજી (દાદાજી)ને મળ્યા. ૧૯૭૭માં તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠમાં ૧૨૦૦ જેટલા ભાઈઓ-બહેનોને દાદાજીએ પાટીદાર શીબીર આપેલ. પછી, ૧૯૭૯માં લક્ષ્મીનારાયણ શીબીર આપી જેમાં ૨૦૦૦ લોકો ભેગા થયા. ભારત ભરમાં ૧૯૮૦થી પાટીદાર મિલનો કરવાની શરૂઆત થઈ જેમાં ૬૦ જેટલા મિલન થયેલ. ૧૯૮૬માં તીર્થરાજ મીલન થયું જેમાં ગંગા કિનારે ત્રિવેણી સંગમમાં અઢી લાખ લોકો ભેગા થયેલ. ત્રણ દિવસના આ મિલનમાં આપણા ઘણા ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યમાં આપણા વડીલોએ જાતે ફરીને ગામ-શહેર અને પ્રાંતમાં સ્વાધ્યાય પ્રવૃતિને વેગ આપેલ.
જેમાં મુખ્ય વડીલો :
(૧) મનજી વાલજી સાંખલા ઉખેડા: મુંબઈ
(૨) ખીમજી નાગજી માસ્તર લીંબાણી મથલ: મુંબઈ
(૩) પ્રેમજી પુંજા વાસાણી: વિથોણ
(૪) ખીમજી કચરા રવાપર: મુંબઈ
(૫) વિરજી કરસન જંજાય: મુંબઈ
(૬) જેઠાભાઈ મનજી સાંખલા ઉખેડા: મુંબઈ
(૭) પુંજાભાઈ ખેતસી સાંખલા ઉખેડા: મુંબઈ
(૮) નાનજીભાઈ સાંયરા: અમદાવાદ
(૯) લાલજી ભાણજી પોકાર: પુના
આ વડીલોએ ભક્તિફેરી અને મિલનો દ્વારા ખૂબ મહેનત કરી સમાજમાં આધ્યાત્મિકતાનું પગથિયું સ્થાપિત કરેલ. સ્વાધ્યાય પ્રવૃતિના માધ્યમથી પૂ. દાદાએ સમાજને પ્રાતઃ પ્રાર્થના, જમતાં પહેલાંની અને રાત્રે સૂતા પહેલાંની પ્રાર્થના એમ “ત્રિકાળ સંધ્યા” આપીને ભગવાનને ત્રણ ટાઇમ યાદ કરવાનો અને એક જ સમયે એક સમાન સાયં પ્રાર્થનાનો આધ્યાત્મિક વારસો આપ્યો. હાલના સંજોગોમાં પરિવાર-સમાજ અને દેશને આધ્યાત્મ જ બચાવી શકશે. તેથી આપણા સમાજમાં સ્વાધ્યાયના વિચારો ઘર-ઘરમાં, ઝોપડી-ઝોપડીમાં અને ખોપડી-ખોપડીમાં પહોંચવા જોઈએ.
આ સીલસીલો સન ૨૦૦૦ સુધી જોરશોરથી ચાલ્યો. સતપંથીઓ પણ સ્વાધ્યાયમાં જોડાયા જેથી લક્ષ્મીનારાયણમાં ન જવું પડે, અમે સ્વાધ્યાય તો કરીએ છીએ કહી સનાતનમાં જોડાતા નહીં. તેઓને સ્વાધ્યાય એક બહાનું મળી ગયું એટલે લક્ષ્મીનારાયણમાં વેગ ધીમો થયો છતાં હજી પરિવર્તનનો વેગ ચાલુ છે.