બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૩૭. પાટીદાર યુવા ક્રાંતિ દળ

– ડો. શાંતિલાલ મેઘજી સેંઘાણી
નખત્રાણા

સમાજની મિટિંગોમાં આપણે સમાજના વિકાસમાં ઘણી બધી ચર્ચાઓ કરતા. પરંતુ સમાજના રક્ષણ માટે પૂરતી ચિંતા નહોતી. ઈ.સ. ૧૯૮૫માં મેં મારું ક્લિનિક નખત્રાણા ખાતે શરૂ કર્યું. એ અરસામાં કચ્છમાં આપણા ભાઈઓની પરિસ્થિતિ ખુબ જ દયાજનક હતી. મોટાભાગના લોકો કચ્છ છોડી બહાર ચાલ્યા ગયા હતા. પાછળ જે ભાઈઓ હતા તેઓને બીજી જ્ઞાતિના ચીટર લોકો દ્વારા ખોટા કેસો ઊભા કરી ફસાવી પૈસાનો તોડ કરી લુંટવામાં આવતા હતા. એ વખતે આપણે રાજકીય રીતે સક્ષમ ન હતા અને આ લોકો સામે બાથ ભીડે તેવો કોઈ લીડર પણ ન હતો. પોલીસ અને અધિકારીઓનો આપણને ખુબ ડર લાગતો. એટલે અમુક રાજકીય માણસો પોલીસ અને અધિકારીઓ હાથમાં રાખી આપણા લોકો ઉપર એટ્રોસીટી જેવા અનેક ખોટા કેસો ઊભા કરી જેલમાં જવાની બીક બતાવી કેસનો નિકાલ કરવા પૈસા પડાવતા. આપણી બહેન-દીકરીઓ ઉપર કોઈ અત્યાચાર કરે તો તેની સામે લડવાની હિંમત આપણી પાસે ન હતી. પોલીસ, તલાટી કે રેવન્યુ જેવા કોઈ સરકારી ડીપાર્ટમેન્ટ તરફથી કોઈ ખોટી કનડગત થાય તો તે અટકાવવાની વગ કે હિંમત આપણામાં ન હતી.

આપણે એ સમયે એટલી હદે ગરીબડા અને બીચારા હતા કે કોઈ બે કોમના લોકો ઝઘડતાં હોય તો કચ્છી ભાષામાં એમ કહેતા કે, “તુ મુકે કણબી સમજે તો કુરો ?” (અર્થ: શું તું મને કણબી સમજે છે?) સમાજની આવી લાચાર પરિસ્થિતિ વચ્ચે એક બે બનાવો એવા બન્યા કે યુવાઓને આ બધા લુખ્ખાઓ સાથે લડવા અને સંગઠીત થવાની ફરજ પડી.

એક બનાવમાં બીજી જ્ઞાતિના અમુક રાજકીય અગ્રણીએ સી.બી.આઈ. ઓફિસર બની સુખપર (વિરાણી)ના એક વડિલનું મોટી રકમમાં ચીટિંગ કર્યું. તેમના દીકરાએ પરદેશથી આવી એ લોકો સાથે આ બાબતે બેઠક કરી. તે બેઠકમાં એનું શંકાસ્પદ મૃત્યુ નીપજાવવામાં આવ્યું. બીજા એક કેસમાં આપણા ભાઈઓની તૈયાર ભુતડીના પાક ઉપર કોર્ટમાંથી સ્ટે લઈને લોકો એ કબજો લઈ લીધો. આ દરમિયાન આપણા છોકરાઓએ ભેગા થઈ એક જ રાતાના પાક ઉખેડી આપણા ભાઈઓને સુપરત કર્યો.

આવા રોજ બનતા બનાવો વિરૂદ્ધ લડવા માટે અમે ઘણા યુવાનોએ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું જેનું નામ આપવામાં આવ્યું “પાટીદાર યુવા ક્રાંતિ દળ”. આગળ જતાં આ સંગઠનમાં ગામે ગામથી આપણા હજારો યુવાનો જોડાયા. પાટીદાર યુવા ક્રાંતિ દળનું કોઈ બંધારણ કે હોદેદારો નહોતા. ફક્ત એક પ્રમુખની વરણી કરવામાં આળતી. જેની મુદત ફક્ત એક જ વર્ષની રહેતી. મોટા ભાગના નિર્ણયો એક સલાહકાર સમિતિ લેતી. દળના પ્રથમ પ્રમુખ રમેશભાઈ કાનજીયાણી વીરાણી વાળા હતા. આ રોજબરોજની માથાકૂટોમાં કોર્ટ, કચેરીઓના ધક્કા અમારી બધી બાબતો સંભાળે એવા એક બાહોશ, વકીલ સંજયભાઈ ત્રિકમભાઈ પટેલ અમારી ટીમમાં સ્થાપક સભ્ય તરીકે સામેલ હતા.

દળના કોઈ સભ્યોને પ્રસિદ્ધિ કે હોદ્દાઓનો કોઈ મોહ ન હતો. કાર્ય કોઈ પણ સભ્ય કરે, પણ તેનો યશ ક્રાંતિ દળના નામે ચડતો. અમારી કાર્ય કરવાની પદ્ધતિ એવી હતી કે કોઈ એક કામ હાથમાં લેતા પહેલાં તેની ગહન ચર્ચા અમારી એક થિક ટેન્ક કરતી. તેમણે બનાવેલી સ્ટ્ર્‌ટેજી મુજબ બીજી એક ટીમ એટેક કરતી. ત્રીજી એક ટીમ કોર્ટ કચેરી કે વિપરિત પરિણામો સંભાળતી. તો વળી ચોથી ટીમ જ્યારે શક્તિ પ્રદર્શન કરવાની જરૂર પડે ત્યારે મોટું ટોળું ભેગું કરવાનું કામ કરતી.

ક્રાંતિદળ બનાવવાનો મુખ્ય હેતુ આપણા યુવાનોને જાગૃત કરી, એમનો ઈન્ફીરીયાલીટી કોમ્પ્લેક્ષ (લઘુતા ગ્રંથિ) દુર કરી, પોલીસ, લુખ્ખા તત્ત્વો, રાજકારણીઓ, તલાટી, અધિકારીઓનો જે ખોટો હાઉ તેમનામાં ઘર કરી ગયો હતો તે દુર કરવાનો હતો. તે વખતે અમે બધા આર્થિક રીતે નબળા હતા. કોઈની પાસે દાદાગીરી કરવા ગાડી પણ ન હતી. અમારી કોઈ રાજકીય વગ નહોતી કે સમાજના મોટા અગ્રણીઓનો સાથ-સહકાર પણ ન હતો. પરંતુ શિવસેનાની માફક “ધોકાના મારથી ખોટા લોકો ડરે” એ સિદ્ધાંત ઉપર અમે અમારું કાર્ય શરૂ કર્યું.

આપણા યુવાનોમાં આ બધા સામે લડવાની હિંમત વધવા માંડી અને સામે લુખ્ખા તત્ત્વોમાં પણ ભય ફેલાવા માંડયો. ક્રાંતિ દળે સમાજ વિરૂદ્ધના તત્ત્વો સામે ઘણી બધી લડાઈઓ લડી અને મા ઉમિયાની કૃપાથી બધી જ લડાઈઓમાં સફળતા મળી. કારણ કે મૂળમાં સાચા હતા. એ બધી લડાઈઓની વાતો લખવા બેસીએ તો એક અલગ પુસ્તક બને એટલે અહીં ક્રાંતિ દળના કાર્યોની ઝલક રૂપે અમુક કિસ્સાઓમાં ટૂંકમાં જણાવું.

·        પટેલોને લુંટતી એક ચીટર ટોળકી વિશે “પાટીદાર સૌરભ”ના તંત્રી શ્રી સી. કે. પટેલ દ્વારા “મારતીમાર ટોળકી” એ શીર્ષક હેઠળ કચ્છ મિત્ર દૈનિકમાં એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો. જેના કારણે તેમને આ લોકો દ્વારા ખુબ હેરાન કરવામાં આવ્યો. પરંતુ ક્રાંતિ દળે તેમના પડખે રહી ફાઇટ આપી.

·         મારી પણ એક પત્રકાર સાથે લડાઈ થઈ અને અમને પંદર મિત્રોને જેલવાસ થયો. અમોને જેલમાં નાખનાર પોલીસ અધિકારી આપણા ખેડૂતોના ટ્રેક્ટરો ડીટેન કરી મોટી રકમ પડાવતો તે બાબતે અમે ત્રણ ખેડૂતોના સોગંદનામા રેવન્યુ મિનિસ્ટર પાસે રજૂ કરી તેમને સસ્પેન્ડ કરાવ્યા.

·         બે ખોટા પોલિસ કેસમાં પોલીસ દ્વારા આપણા ભાઈઓને ધોકાનો માર મારતાં બે પોલીસ રાઈટર સામે ખાતાકીય તપાસ ઊભી કરાવી સસ્પેન્ડ કરાવ્યા.

·         દેવપર ખાતે આપણી બેન-દીકરીને હેરાન કરતાં એક શખ્સને મેથીપાક દઈને અને બીજાને ઝાડ સાથે બાંધી સજા કરી. તેજ રીતે ઐયર ખાતે બહેન દીકરીઓને હેરાન કરતા એક શખ્સને ટકો મુંડો કરી ગધેડા પર સરઘસ કાઢ્યું.

·         ધાવડાના આપણા ભાઈ પર એટ્રોસીટી કેસ કરી એના લગ્નમાં આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. તેમાં ક્રાંતિ દળની ટીમે જઈને મળી, એજ દિવસે કેસ પૂરો કર્યો.

·         તાલુકા પંચાયતના માજી પ્રમુખ રવજીભાઈના ઘરે પોલીસ દ્વારા ખોટો દરોડો પડાતા, નખત્રાણા બંધનું એલાન કરી તેમને છોડાવ્યા.

·         દેશલપર રેલવે ટ્રેક ઉથલાવવાના ટાડા કેસમાં ધરપકડ થયેલ કિશાન અગ્રણીઓને ત્યારના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની નખત્રાણા ખાતે એક જાહેર સભા ભરી, રજુઆત કરી નિર્દોષ છોડાવ્યા.

·         કેટલાક અસામાજીક તત્ત્વોને આપણા યુવાનોએ બાઈક રેલી કરી નખત્રાણા છોડાવ્યું.

·         સ્કૂલમાં દીકરીઓની છેડતી કરતાં એક શિક્ષકની આપણા છોકરાઓએ પાંસળીઓ ભાંગી નાખવાનો કેસ સમ્મરી ભરાવ્યો.

·         કોટડા ખાતે ટ્રેકટર ટેપ ચોરી કરનારને પોલીસમાં સોંપતા પોલીસે ઉલટો આપણા ભાઈ ઉપર કરેલ કેસ પતાવ્યો.

·         કોટડા ખાતે મુસલમાનના કબજામાં રહેલ વાડો ખાલી કરાવી મંગળભાઈ ખેતાણીને સુપરત કર્યો.

·         ઉખેડામાં પુનાવાળાનો બુટલેગર દ્વારા કબજો કરેલ પ્લોટ છોડાવ્યો.

·         ભાગેડુ લગ્નના ઘણા કિસ્સાઓમાં નાગલપરની એક દીકરીને ભુજના રાજગોર સમાજના ગુંડાઓ પાસેથી છોડાવી. મેઘપરની એક દીકરીને પંચમહાલના જંગલોમાંથી પાછી લઈ આવ્યા. નખત્રાણાની એક પંજાબી સાથે ભાગી ગયેલ દીકરીને છોડાવી. તે સિવાય સાંયરા-રામપર વગેરેના ઘણા કિસ્સાઓમાં મારકૂટ કરી દીકરીઓને પાછી લઈ આવતા. ક્રાતિ દળની એવી ધાક બેસી ગઈ કે ભાગેડુ લગ્નના લગભગ કિસ્સાઓ બનતા બંધ થઈ ગયા.

સમાજનું ન માનતા કેટલાક છુટાછેડાના કેસોનો નિકાલ કર્યો. સમાજના પૂર્વ પ્રમુખ સ્વ. ખીમજી લખમશીના કહેવાથી એક કેસ પતાવ્યો. બીજા એક કેસમાં સમાજના જ્ઞાતિ અધિવેશનમાં એક બાપ-દીકરી સમાજના સ્ટેજ ઉપર આવી ન્યાય મોટે અપીલ કરી. અમે ચાલુ અધિવેશને વચન આપી એક જ મહિનામાં કેસ પતાવ્યો.

અમારી આ બધી પ્રવૃત્તિઓની કદર રૂપે તે સમયે સમાજના અધિવેશનમાં સમાજે ક્રાંતિદળને સ્ટેજ ઉપર બે કલાકનો સમય ફાળવ્યો અને ક્રાંતિ દળને સમાજની ચોથી પાંખ ગણાવી કદર કરી. આ બધી પ્રવૃત્તિઓ સાથે રાજકારણમાં બંને પક્ષમાં સક્રિય થઈ કેટલાક સમાજ વિરોધી રાજકારણીઓને હરાવી તેમને ટુંકા કર્યાં. પટેલોને કોઈ રાજકીય પક્ષ વિધાનસભાની ટીકીટ આપતા નહોતા. એટલે અમે અબડાસા અને માંડવીમાં અપક્ષ લડયા. જેના પરિણામે આજ પર્યત કચ્છમાં આપણા કોઈને કોઈ ભાઈ વિધાનસભા લડતો આવ્યો છે.

આ દરમિયાન અમારી રાજકીય પહોંચ એટલી વધી હતી કે નખત્રાણા ખાતે અમે આપણી પસંદગીના ડેપ્યુટી ક્લેક્ટર, મામલતદાર કે ડી.વાય.એસ.પી. જેવા પોલીસ અધિકારીઓ લઈ આવતા જેના કારણે આપણા ભાઈઓ જાતે આ અધિકારીઓ પાસે જતા આવતા થયા. અમારી વગથી ઘણા ભાઈઓને સરકારી નોકરીઓ અપાવી, વિથોણ સમાજવાડીની જમીન અપાવી. આ બધી પ્રવૃત્તિઓમાં અમને આપણા ઘણા અધિકારીઓએ મદદ કરી હુંફ આપી.

હવે ક્રાંતિદળના કારણે પાછળની યુવા પેઢી તૈયાર થઈ ગઈ હતી. અમારું સમાજને જાગૃત કરી નીડર બનાવવાનું મિશન પૂરું થઈ ગયું હતું. વળી આવી બધી પ્રવૃત્તિઓ સમાજના લોકોને પસંદ ન પણ હોય એટલે અમારી પ્રતિષ્ઠા થોડી વિવાદાસ્પદ ગણાતી. આ બધું ભવિષ્યમાં વેવાઈ વેલા બનવામાં નડે અને અમારે બધાની આર્થિક સ્થિતિનું પણ વિચારવાનું હતું. એટલે અમે બધા મિત્રોએ પાટીદાર યુવા દળને સુષુપ્ત કરી નાખ્યું.

દળ ભલે સુષુપ્ત હોય, પરંતુ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે અમો સૌ સક્રિય થઈ સમાજના પડખે ઊભા રહેવા તૈયાર છીએ. જે થોડા વર્ષો પહેલાં રમેશભાઈ વાઘડીયાની ધરપકડ અને ત્યાર પછીના દરેક ઘટનાક્રમમાં આપે જોયું હશે. ભવિષ્યમાં નવું ક્રાંતિદળ, યુવાસંઘ અને નવચેતન ગ્રુપ સાથે મળી સમાજની અંડરમાં રહી સમાજની સુરક્ષા માટે વિચારે એવી આશા સાથે.

Leave a Reply

Share this:

Like this: