Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– જયશ્રીબેન પ્રકાશભાઈ છાભૈયા
બલ્લારશાહ
જગતની સ્ત્રીઓમાં સનાતન હિંદુ સ્ત્રી(આર્યા)નું સ્થાન અનોખું છે. વિશ્વનારીઓમાં આર્યરમણી જુદી ભાત પાડે છે. સુંદર ગૃહવ્યવસ્થા અને પતિ સેવાના આજસુધીના ઇતિહાસની નજરે આર્યા એકજ અને અજોડ છે. આપણી જ્ઞાતિ જ્યારે સતપંથના કપરા આતંકમાં ફસાયેલી હતી ત્યારે, તેમાંથી નીકળવા સમાજના બહુજ ઓછા પુરુષો તેના વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહ્યા હતા અને સમાજને જાગૃત કરી રહ્યા હતા. આ કાર્યમાં સમાજની મહિલાઓનો ફાળો પણ અનન્ય હતો. તેઓએ સમાજને મુમનાના કલંકમાંથી ઉગારવા કરેલ પ્રેરણાદાયી કાર્યની નોંધ ભાવિ પેઢી માટે અત્રે શબ્દ સ્વરૂપે રજૂ કરેલ છે.
ધનલક્ષ્મીબેન રાજારામ ધોળુ:
એક સન્નારી જેનો પવિત્ર જીવન સમાજ અને ધર્મ પ્રત્યેની પોતાની નિષ્ઠા બતાવી અને આપણા સમાજ માટે એક મિશાલ કાયમ કરી અને સમાજની બીજી મહિલાઓને ઉદાહરણરૂપ બન્યા એવા ધનલક્ષ્મીબેન.
જ્યારે સતપંથની પાપલીલા અને પ્રપંચ લીલાની વિરુદ્ધ આપણો સમાજ જાગૃત થયો, તેમાં પણ આપણા સમાજની મહિલાઓનો મૂળભૂત સહયોગ હતો. તેમાં પણ પહેલી કચ્છ કડવા પાટીદાર પરિષદની શુભ શરૂઆતમાં સૌ ધનલક્ષ્મીબેનની અપૂર્વ સહાયની સહકારિતા હતી. આપણે ક્ષત્રીય વીરો કેમ મૂંગા બેસી રહી પ્રપંચીઓના જોર જુલમ સહતા રહીએ? આ પ્રચંડ ચળવળમાં મુંબઈ અને ઘાટકોપર ખાતે વસતા પાટીદાર ભાઈઓના યુવક વર્ગે સવંત ૧૯૬૪થી સ્થાપેલું “સ્વધર્મવર્ધક અને જ્ઞાતિહિત ચિંતક મંડળ” આગેવાની ભર્યો ભાગ લેતું હતું અને તેને કરાચી માં તેમ જ પરદેશોમાં વસતા જ્ઞાતિ ભાઈઓને સારી રીતે જાગ્રત કર્યા હતા. કરાચીના વીરોએ પોતાને આંગણે પરિષદ ભરવાનું ભાવભીનું આમંત્રણ મોકલ્યું અને મુંબઈના મંડળને લાયક પ્રમુખ ચુંટી કાઢવાની માંગણી કરી.
એ સમયે ધંધા રોજગાર તેમજ નાતમાં આગળ પડતા મુંબઈના રાજારામભાઈની એક મતે પસંદગી કરવામાં આવી. મંડળના નક્કી કરેલા સભ્યોનું એક ડેપ્યુટેશન રાજારામ ભાઈની મુલાકાતે આવ્યું અને પોતાની ઈચ્છા તેમને વિનયપૂર્વક નિવેદન કરી, ત્યારે આવા જોખમદારી ભરેલા કાર્યમાં આગેવાની કરવાની તેમને ચોખ્ખી ના કહી સંભળાવી. એથી બધા ભાઈઓ બહુજ નિરાશ અને નારાજ થયા છેવટે છેલ્લી આશા લઈ તેઓ રાજારામ ભાઈના ઘરે તેમના ધર્મપત્ની ધનલક્ષ્મીબેનને મળ્યા. તેમને વસ્તુ સ્થિતિ સમજાવીને કહ્યું કે લાયક પ્રમુખના અભાવે આવું રૂડું કાર્ય અટકી રહ્યું છે.
આવી વાત સાંભળીને ધનલક્ષ્મી બહેને કહ્યું કે ભાઈ–ભાઈઓનું કામ કરે અને આમાં પાંચ પૈસાનો પણ ખર્ચ થાય તો તે કરવો જ જોઈએ. તમે પણ મારા પતિદેવને કહો અને હું પણ તેમને સમજાવીશ. ત્યારે ભાઈઓએ ખુલાસો કર્યો કે અમોએ સમજાવવાની બનતી મહેનત કરી પણ નાતના માણસો સાથે વિરોધ થાય અને નાત બહાર મૂકે તે સારું ન લાગે. પણ તમારા ઉપર અમને પાકો વિશ્વાસ છે. ધનલક્ષ્મી બહેને ખાતરી આપીને જણાવ્યું કે જો તમે આટલા દુઃખો વેઠી નાત માટે મહેનત કરી રહ્યા છો તો તેમાં અમારે પણ મદદ કરવી જોઈએ, તમે પણ અમારા જ છો, જેવી દશા તમારી થશે તેવી અમારી થશે. હું તમારા બાપાને ભલામણ કરીશ. તમે તમારા કામમાં આગળ વધો.
શ્રીમતી ધનલક્ષ્મી બહેને પોતાનું આપેલું વચન પાળવા માટે જ્યારે શ્રી રાજારામ ભાઈ પાસે પરિષદની વાત કહી. ત્યારે રાજારામ ભાઈએ કહ્યું કે મારી પાસે પણ ભાઈઓ આવ્યા હતા અને મને પ્રમુખનું સ્થાન લેવાનો આગ્રહ કર્યો હતો પણ મેં ના પાડી દીધી કારણ કે, આખી નાતથી વિરોધ થાય, કુટુંબમાં કલેશ થાય અને આપણે એકલા થઈ જઈએ.
રાજારામ ભાઈ ધનલક્ષ્મીબેનને સમજાવતા કહ્યું કે આ કામ બહુ કપરું છે, પીરાણા પંથ આપણી જ્ઞાતિમાં ખૂબ ઊંડે પહોંચી ગયો છે. આપના સગા વાલા પણ આ જ પંથમાં છે તો આ બધાનો ત્યાગ કરવો પડશે. દ્રઢ વિચારના ધનલક્ષ્મીબેન, પોતાના આપેલ વચનને પાળવા દલીલથી ન દબાણા અને સામે દલીલ કરી કે ધર્મની મોટી વાતો કરી પીરાણા પંથને તજવાની વાતો કરો છો. જાહેરમાં પણ હિંમત બતાવી જોઈએ નહિતર આપણે જગતને, આપણને પોતાને અને પરમાત્માને પણ ઠગીએ છીએ. “પીરાણા પંથ” એ પાપ છે એ જાણ્યા પછી જાહેર હિંમતથી તેની વિરુદ્ધમાં કામ કરતી વખતે છાતી મજબૂત રાખી કામ લેવું જોઈએ. તમારા પ્રમુખ પદ નીચે તમામ કામ તો જ્ઞાતિને લગતા જ થાશે. રાજારામ ભાઈ પ્રમુખ પદ સ્વીકારવા તૈયાર ન થયા. જાહેર રીતે આખી નાતનો વિરોધ કરી પ્રમુખ પદે રહેવાનું સાહસ થઈ શકે તેમ નથી. ધનલક્ષ્મી બહેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે આપણે દૂધમાં અને દહીંમાં પગ રાખી બંને બાજુ ઢોલકી વગાડવી એ તો ઠગાઈ છે. તમે સુધારક અને ખરા ધર્માત્માનો દેખાવ કરો અને અંદર ખાનેથી પીરાણા પંથીઓ સાથેનો સહેજ પણ સંબંધ ઓછો કરવા રાજી નથી. આ વાતની જાણ હું બધાને કરીશ નહિતર, આપણા સુધારક ભાઈઓને સાથે મળી જાવ. આવી સચોટ દલીલો, સમજાવટ અને સુશીલ બહેનના દ્રઢ આગ્રહ આગળ રાજારામ ભાઈ જેવા વ્યવહાર કુશલ અને દૃઢ વિચારવાદી પુરુષને પણ નમી જવું પડ્યું. ઉદારચિત ધર્મિષ્ઠ બહેનના પ્રયાસે કરાચીમાં પરિષદ સફળ થઈ હતી. સમાજમાં જ્યાં પુરુષોનું વર્ચસ્વ હતું ત્યાં આવી સાહસી અને હિંમતવાન, ઉદાર અને વિવેકી સૌ. ધનલક્ષ્મી બહેનના કારણે આવી ઐતિહાસિક બેઠક પાર પડી.
દયાપરની વીરાંગનાઓ:
એક નાનું ગામ હતું “દયાપર” જેમાં પુરુષવર્ગ કરતા પણ ગામની બહેનોએ ધર્મ તરફ પોતાની ભક્તિ અને દ્ર્ઢતા વિશેષ બતાવી. બહેનોની હિંમત અને હૃદય શક્તિના પ્રભાવ આગળ ધીરતા અને સહનશીલતા માટે વીર નરોના ગુમાન પણ ગળી જાય તેમ હતું. બહેનોમાં દ્રઢ હિંમત હતી તેમને પોતાના સતપંથ પાળનારા માવિત્રો, કુટુંબીઓ અને સગા સંબંધીઓને છેલ્લી વાર મળીને તેમની સાથેના સંબંધો કાપી નાખવા તૈયાર હતી અને બીજા કોઈપણ જાતના સંબંધ ન રાખવા તૈયાર હતી. બહેનો પોતાના શુદ્ધિકરણ માટે ખૂબ જ તત્પર હતી. એક પણ દિવસ તેમના માટે પસાર કરવા માન્ય ન હતો. જેઠ સુદ પાંચમને દિવસે પ્રાયશ્ચિત કરી પાવન થયા અને પીરાણા સતપંથને તિલાંજલિ આપી. આવી ઉદાર, પ્રેમાળ અને પવિત્ર છતાં એ દ્રઢતા ભર્યા ઉદગારોને પણ આવી ભોળી અશિક્ષિત ક્ષત્રિય બહેનોના હતા. પોતાના અંતરમનની પ્રેરણાથી પવિત્રવેદ ધર્મને માટે એ મોટા મનની બહેનોએ પોતાના મા–બાપ, સગા ભાઈ બહેનો, પોતાના પેટની સગી પુત્રીઓએ માતાઓનો પણ સદા ને માટે ત્યાગ કરી દીધો. આવી જ મહિલાઓના શ્રદ્ધાને પવિત્ર વિચારોથી દયાપર ગામના વિક્રમ સવંત ૧૯૭૯ ના પ્રથમ જેઠ સુદ પાંચમના માંગલિક દિવસે યજ્ઞ-હોમ-દેવપૂજન પૂર્વક વેદવિધીએ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવીને એક જ મુહુર્તે ૧૬૩ ભાઈ બહેનોએ પરમ પવિત્ર સનાતની વેદ ધર્મ નો અંગીકાર કર્યો.
કંકુબાઇ – પાનેલી:
કંકુબાઈ ઉપર આજ પુસ્તકમાં અલગથી વિસ્તૃત લેખ આપેલ છે, એટલે એનું પુનરાવર્તન અહીં કરવામાં નથી આવતું.
જ્ઞાતિના અધિવેશનો
સાલ ૧૯૬૦ માં પ્રથમ અધિવેશન ભરાયું ત્યારે હજારોની સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર હતા. આપની જ્ઞાતિમાં પ્રથમ મેટ્રિક પાસ થનાર સૌ. લક્ષ્મીબેન ભાદાણીના શુભ મંગળ ગીત દ્વારા અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી. અધિવેશનમાં લક્ષ્મીબેનને પોતાના વિચારો વ્યક્ત કરવાનો મોક્કો મળ્યો. તેમને જણાવ્યુ કે કેળવણી માત્ર છોકરાઓની નહી પણ, કન્યા કેળવણીનો પ્રશ્ન પણ એટલો જ મહત્વ નો છે. સ્ત્રી અને પુરુષ રથના ચક્ર સમાન છે, બન્ને ને સાથે ગતિ કરવી પડશે.
૧૯૭૭ માં આપણી જ્ઞાતિનું બીજું અધિવેશન નખત્રાણા ખાતે થયેલ. બહેનોએ બહોળા પ્રમાણમાં હાજરી આપી. બહેનોને પોતાના વિચાર પ્રગટ કરવા માટે અલગ સમય ફાળવવામાં આવ્યો જેમાં મહિલાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યાર બાદ ભારતભરમાં મહિલા જાગૃતિથી મહિલા મંડળો સક્રિય બન્યા.
સાલ ૧૯૮૫માં જ્ઞાતિના ત્રીજા અધિવેશનમાં સામાજિક પરિવર્તનની આ નિશાની સમાન વિવિધ ઠરાવો લગ્ન પ્રસંગે સાસરા પક્ષ તરફથી ઘરચોળું આપવું તથા મામાએ મોસાળામાં પાનેતર જ આપવું, ઘુંઘટ પ્રથા, અંધશ્રદ્ધા, કન્યા કેળવણી, સમાજમાં પ્રવર્તતા કુરીવાજો, દીકરી અને દીકરામાં સમાનતા વગેરે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા.
સન ૧૯૯૩માં શ્રી સમાજનું ચોથું ખુલ્લુ અધિવેશન રાખવામાં આવ્યું. અધિવેશનમાં મહિલા શક્તિનો અહેસાસ મહિલાઓએ કરાવ્યો. સામાજિક ઠરાવોની સાથે બહેનોને લગતા વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથે મહિલા સંઘની સ્થાપના માટે પણ ચર્ચા કરવામાં આવી અને તારીખ ૨૧/૫/૯૭ રોજ કેન્દ્રિય મહિલા મંડળની વિધિસર સ્થાપના કરવામાં આવી અને તેનું સુકાન લક્ષ્મીબેન ભાદાણી અને મહામંત્રી પદે રતનબેન ભગતને સોંપવામાં આવ્યું.
આમ, આપણા સમાજની મહિલાઓએ દરેક કાર્યમાં પોતાના પુરુષોને સાથ આપ્યો છે. વિધર્મીઓ સામેની ઝુંબેશમાં પણ મહિલાઓએ વિરાંગના બની પુરુષોને સાથ આપ્યો હતો. મહિલા અશિક્ષિત હતી પણ સમય પસાર થતા તેમને ભણવાનુ મહત્વ સમજાયું. દિકરીઓને ઘરકામની સાથે શિક્ષણ આપવાનુ શુરુ કર્યુ. આજે આપણા સમાજની દિકરીઓ ભણી ગણી આગળ વધી રહી છે અને દરેક ક્ષેત્રમાં આપણી જ્ઞાતિનુ નામ આગળ વધારી રહી છે.