Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– ડો. વસંત અરજણ ધોળુ
તલોદ
ઈતિહાસ સાક્ષી છે કે વિશ્વમાં જ્યાં જ્યાં ક્રાંતિ થઇ છે ત્યાં યુવાઓની ભૂમિકા જ મહત્વની રહેલ છે. સામાજિક પરિપેક્ષ્યમાં યુવાઓએ સમાજનું રક્ષા કવચ છે. તેઓની શક્તિઓને પારખીને યોગ્ય અને સમયોચિત પ્લેટફોર્મ આપવામાં આવે તો સમાજની તાસીર બદલવાનું કાર્ય હાથવેંતમાં હોય છે. જયારે આપણી સમાજના ગેઢેરાઓ ધાર્મિક અંધશ્રધ્ધામાં ફસાયા અને તેઓને ગુજરાતના ઊંજા વિસ્તારના પોતીકા પાણીદાર પ્રદેશ છોડીને કચ્છના સુકાભઠ્ઠ વેરાન પ્રદેશમાં વસવાટ કરવો પડ્યો અને મુમના પાટીદાર તરીકેની અસહ્ય ઓળખથી અન્ય જ્ઞાતિઓમાં નીચાજોવાપણું થયું ત્યારે ક્રાંતિના બીજ યુવાઓએ જ રોપેલા.
અખિલ ભારતીય લેવલે સમાજની વિધિવત રચના થયા બાદ યુવાનોના દિલમાં પણ એવી ભાવના અને લાગણી થવા લાગી કે અખિલ ભારતીય લેવલે યુવક મંડળની પણ વિધિવત રચના થવી જોઈએ. તે માટે કલકત્તાના યુવાન ભાઈઓએ જે નવચેતન યુવક મંડળ સાથે સંકળાયેલા હતા તેમને બીડું ઝડપ્યુ અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી સમાજના યુવાઓને તારીખ 24–25–26, ડિસેમ્બર-1972માં કલકત્તા ખાતે “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવકસંઘ”ની સ્થાપના કરી.
યુવાસંઘની રચના માટે કોલકાતા ખાતે હાજર રહેલ સમાજના યુવાનો
યુવાનોની આ સભામાં નીચે મુજબના પાંચ ઉદેશ્યો/ઠરાવો સર્વાનુમતે મતે પસાર કરવામાં આવેલ. તેમનો પાંચમો ઉદ્દેશ હતો;
સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાઓને નાબૂદ કરવા યુવકસંઘે સનાતન ધર્મનો પ્રચાર કરવો અને યુવકોએ ધાર્મિક ભાવના કેળવાય તે માટે ધાર્મિક સભાઓ તેમજ સંમેલનોમાં ભાગ લેવો અખિલ ભારતીય લેવલે ધાર્મિક સંસ્થાની સ્થાપના ના પ્રયાસો કરવા માટે સમાજને યુવકસંઘ વતી વિનંતી કરવી.
તારીખ 23.05.1977ના બપોર પછી પાટીદાર વિદ્યાર્થી ભવન-નખત્રાણાના પ્રાંગણમાં દેશભરમાંથી પધારેલ હજારો યુવક યુવતીઓની વિશાળ ઉપસ્થિતિમાં યુવકસંઘના પ્રથમ અધિવેશનમાં યુવક કાર્યકર્તા શ્રી ખીમજી લખમશી લીંબાણીના પ્રમુખપણા હેઠળ યુવક સંઘનું બંધારણ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ અને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવક સંઘને વિધિવત બંધારણીય સંસ્થા તરીકે જાહેર કરવામાં આવેલ.
ભારતભરમાં તમામ યુવક મંડળોને એકસૂત્રે બાંધી યુવકસંઘે કેન્દ્રીય સમાજને મોટું પીઠબળ પૂરું પાડ્યું. જ્ઞાતિના 1977ના અધિવેશનને સફળ બનાવવા અને તેમાંય બંધારણની 18મી કલમ(દફનને બદલે અગ્નિ સંસ્કાર કરવા)ના અમલીકરણમાં યુવકસંઘે પાયાની ભૂમિકા ભજવેલ અને જ્યાં જ્યાં સમાજના કાર્યોમાં યુવાનોની જરૂરત પડતી તેમાં યુવકસંઘે સમાજ સાથે રહી કામ કરેલ છે.
યુવાસંઘ સમય-સમય પર, પૂના, ગાંધીનગર, હૈદરાબાદ, સુરત, હિંમતનગર, ચેન્નઈ વગેરે સ્થળોએ રમતોત્સવોના માધ્યમથી યુવાઓને સંગઠિત કરવાનું કામ કરે છે.
ભારતભરનો પ્રવાસ ખેડીને ઝોન રચનાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરી યુવકસંઘની કાર્ય ગતિને અતિ વેગવાન બનાવી. જેમાં પ્રેમજી કેશરાણીની હનુમાનરુપી ભૂમિકા વિસરી શકાય તેમ નથી. આમ, ઝોન રચનાને લીધે સમગ્ર ભારતમાં સામજિક કામગીરીમાં ખૂબ જ વેગ મળેલ.
સગપણની સમસ્યાના નિવારણ માટે “જીવનસાથી પરિચય મેળા” જેવા આયોજનોની શરૂઆત થઈ. તેમજ 26-જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં આવેલ ભૂકંપમાં સેવા કરવા યુવક સંઘના દરેક ઝોનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ કેન્દ્રીય હોદ્દેદારોએ કચ્છમાં આવી તન, મન, ધનથી રાત દિવસ સેવા આપેલ જે અવિસ્મરણીય છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ યુવાસંઘે સારું કામ કરેલ છે. વલ્લભ વિદ્યાનગર ખાતે ભાડાના મકાનમાં ચાલતી હોસ્ટેલ માટે મકાન ખરીદી કરી કેન્દ્રીય સમાજના નામે દસ્તાવેજ કરવામાં આવેલ. ટર્નીંગ પોઈન્ટ સમાન યુવકસંઘની ટીમ દ્વારા આગામી સુવર્ણ સમય માટેના માર્ગ નિર્માણનો પાયો નંખાયો. પ્રો. ભરતભાઈની ટીમે ચાણક્યના “શિક્ષક કભી સાધારણ નહિ હોતા… પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ” ને સાર્થક કરી બતાવ્યું.
સૌ પ્રથમ વખત કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવા તિથલ ખાતે “અમૃત મંથન કાર્યશાળા”નું આયોજન થયું. નવા બંધારણમાં સામેલ “આકસ્મિક સંજોગોમાં સભ્યોના પરિવારને યુવાઓને આર્થિક સુરક્ષા પૂરી પાડવી”ને ધ્યાને લઇ “યુવા સુરક્ષા કવચ (YSK) યોજના”નો પ્રારંભ થયો.
2010માં કેન્દ્રીય સમાજની બંધારણીય રચનાના 50 વર્ષની ઉજવણીનો “સુવર્ણ જયંતી મહોત્સવ” અને પાંચમા અધિવેશનની તૈયારીઓમાં ટીમ ઉત્સાહથી માત્ર વિકાસની થીમ પર કામ કરી રહેલ હતી. ત્યાં પુનઃ સનાતન ધર્મ જાગૃતિના કાર્યે વેગ પકડ્યો. કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણી દ્વારા આ સમાજ સનાતાનીઓની બનેલ છે તેવું શ્વેતપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યું. પછી તો, સમગ્ર ભારત શ્વેતપત્રના રંગે રંગાઈ ગયું. કેન્દ્રીય યુવાસંઘે હોસુર ખાતે કારોબારી મિટિંગ બોલાવી અને યુવાસંઘ સ્થાપનાના હેતુને ધ્યાને લઇ “કેશરિયો પત્ર” બહાર પાડી “સનાતન પરમો ધર્મ”નો શંખનાદ કર્યો. સભાઓમાં કુળદેવી મા ઉમિયા, ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ અને સનાતન ધર્મનો જયઘોષ થવાનો શરુ થયો. પીરાણા સતપંથ સામેની લડાઈમાં યુવાસંઘના સંગઠને અર્જુનની ભૂમિકા અદા કરી શ્રી સમાજના સનાતની અભિગમને સાર્થક કર્યો.
ઓક્ટોબર-2015માં બિઝનેસ ટીમ સાથે રહી મહાત્મા મંદિર – ગાંધીનગર ખાતે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 6000 જેટલા યુવા બિઝનેસ મિત્રોએ ભાગ લીધો. આ સ્થળે આ પ્રકારનું આયોજન કરનાર પ્રથમ સમાજ બનવાનું ગૌરવ કેન્દ્રીય સમાજને અપાવ્યું. જેની બચતમાંથી અમદાવાદ ખાતે સુવિધા કેન્દ્ર ખરીદ કરવા માટે શ્રી સમાજને મોટું ફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
સમિતિના વિવિધ કાર્યક્રમો, મહામંત્રી ડો. વસંત ધોળુ દ્વારા સનાતની “નારાયણ કથા”ના અનેક આયોજનો સાથે મધ્ય અને પૂર્વોત્તર પ્રદેશમાં દરેક યુવા મંડળોમાં “મોદ પરિષદરૂપી સંપર્ક યાત્રા” યોજીને પુનઃ જાગૃતિનું કાર્ય થયું. સનાતની ચેતના ઉજાગર કરવા પૂ. કેશરા પરમેશ્વરા અને પૂ. નારાયણ રામજી લીંબાણીની સ્મૃતિમાં ભારતભરમાં મે – માસમાં મેઘા બ્લડ ડોનેશન કેમ્પના સફળ આયોજનો થયા.
2016-18ના કાર્યકાળમાં આપણા ઉમા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સતરાવાળા ઉમા વિદ્યાપીઠ (SUV), સુરતના દશાબ્દી મહોત્સવ પ્રસંગે યુવાસંઘે “SUV Knowledge Carnival”નું ભવ્ય આયોજન સાથે “Broom Dance” માં ગ્રીનીસ બુકમાં વિશ્વ વિક્રમ અંકિત કરી સમાજનું નામ રોશન કરેલ.
“વિદ્યા લક્ષ્મી અમૃત કુંભ” જેવી નવતર યોજનાએ સંગઠનને મજબૂતાઈ આપી. દરેક ઝોન-રીજીયનને પણ સામાજિક કાર્ય માટે અનુદાન મળવાની સાથે ફક્ત 72 લાખમાં હિમતનગર ખાતે પંચમ યુવા ઓલિમ્પિયાડનું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની વિજય રૂપાણીની હાજરીમાં સાબર સ્ટેડીયમમાં અત્યંત સફળ અને કરકસર યુક્ત આયોજન કરી બચતની માતબર રકમ શ્રીસમાજને “વિદ્યાસેતુ” યોજના માટે અર્પણ થઇ. આ રમતોત્સવ દરમ્યાન “અતિથિ દેવો ભવ:” યોજના બનાવી અને તમામ ખેલાડીઓ અને મહેમાનોના ઉતારા હિમતનગર શહેર અને આસપાસના કંપામાં આપ્યા. જ્યાં સૌએ દિલથી મહેમાનગતિ કરાવી અને કચ્છ અને કંપા કાયમ માટે એકરસ થઈ ગયા. આ મહોત્સવ થકી સાબરકાંઠા – અરવલ્લી વિસ્તારમાં કેન્દ્રીય સમાજના સનાતની અભિગમ અને વિવિધ યોજનાઓને બળ મળ્યું..
સામાજિક – આધ્યાત્મિક સમિતિ દ્વારા બાળકોને આધ્યાત્મિક કાર્યમાં જોડવા માટે મહિલા સંઘ અને સંસ્કારધામને સાથે રાખી મિશન અભિમન્યુ રૂપી બાલ સંસ્કાર કેન્દ્રો શરુ થયા. કોરોના મહામારી આવતાં લોકડાઉનમાં ઓનલાઈન “રામાયણ-મહાભારત ક્વિઝ” જેમાં 1 લાખ 56 જેટલા મિત્રો જોડાયા. વકતૃત્વ, ગીત, નિબંધ, નૃત્ય અને ક્વિઝ સાથેની આ પંચામૃત સ્પર્ધા દ્વારા કાર્યક્રમોની વણઝાર લાવી સૌને કપરા સમયમાં સમાજ-યુવાસંઘ સાથે જોડી રાખ્યા.
આમ, આ એક સૈકામાં સમાજીક કાર્ય શીખાવની કાર્યશાળા સમા યુવાસંઘે કેન્દ્રીય સમાજના સનાતની અભિગમને જન-જન સુધી પહોચાડવામાં અને જ્ઞાતિના સંગઠનને મજબૂતાઈ આપવામાં દીકરા તરીકે હનુમાનજીની ભૂમિકા ભજવી દીવાદાંડી સમાન કાર્ય કરેલ છે.