બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૩૩. લક્ષ્મીનારાયણ સંસ્કાર ધર્મનું યોગદાન

– ડો. વસંત અરજણ ધોળુ
તલોદ

સૌજન્ય: કરસનભાઈ પ્રેમજી મેઘાણી,નાના-અંગિયા, ગાંધીધામ અને રામજી ભીમજી ડાયાણી, ધાવડા, જોરાવરનગર

 

સતપંથીઓનો ત્રાસ ખુબજ વધતો જતો હતો. ગામેગામ રોજ સનાતનીઓને હેરાન કરવા માટે સતપંથીઓ દ્વારા ખોટા કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદો કરવામાં આવતી હતી. એમની પાછળ પીરાણા સંસ્થાનું પીઠબળ હતું. સનાતનીઓ પાસે કોઈ સંસ્થાકીય પીઠબળ નહોતું. કેન્દ્રીય સમાજમાં સતપંથીઓ ઘૂસી ગયા હોવાના કારણે કેન્દ્રીય સમાજમાં સતપંથ બાબતે ખૂલીને કોઈ સહયોગ નહોતો મળતો. સનાતની સંગઠન ટકાવી રાખવા કંઈ કરવાની સખત જરૂરત હતી.

તે માટે વર્ષ 1995માં જોરાવરનગરના ભાઈઓએ મુખ્ય આગેવાની લીધી અને જોરાવરનગરમાં (સુરેન્દ્રનગર) બધા ભેગા થયા. ત્યાં એ લોકોએ નક્કી કર્યું કે આપણે સનાતનીઓનું એક એવું સંગઠન ઊભું કરીએ કે જે સતપંથીઓ દ્વારા કરવામાં આવતા ખોટા કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદોના માધ્યમથી સનાતનીઓ ઉપર કરવામાં અત્યાચાર અને જુલ્મોનો સામનો કરે અને સનાતનીઓને આ લડાઈમાં પીઠબળ પૂરું પાડે. એના માટે સનાતન ધર્મનું એક કેન્દ્ર સ્થાન કરવાની વાત આવી. જેમાં ગામેગામના લક્ષ્મીનારાયણ મંદિરોને એકસૂત્રે બાંધવામાં આવે જેથી સનાતની સંગઠનને મજબૂતાઈ મળે અને સંસ્થા દ્વારા ધર્મ પ્રચાર-પ્રસારનું કાર્ય થાય.

આ કાર્યને બર લાવવા માટે મહેનત કરવી પડે. તે માટે અસલ કોલકાતાવાળાઓ અને તત્કાલીન જોરાવરનગરમાં સ્થાયી ભાઈઓની ટીમે જવાબદારી સ્વીકારવાનું નક્કી કર્યું. આમાં પંચામૃત સમાન મુખ્ય પાંચ ભાઈઓમાં કરસનભાઈ પ્રેમજી મેઘાણી – અંગિયા નાના, રામજી ભીમજી ડાયાણી – ધાવડા, અખઈ વાલજી પારસિયા – અંગિયા, વિશ્રામ હંસરાજ ધોળુ – કોટડા (જ.), વાલજી કેસરા નાકરાણી સાયરાં શરૂઆતમાં હતા.

તે વખતે સમાજના વડીલ શ્રી પ્રેમજીભાઈ પૂંજા વાસાણીને આ ભાઈઓએ રજૂઆત કરી. એટલે પ્રેમજી પૂંજા આ મિત્રોને સાથે લઈને જેઠા લાલજી ચોપડા, તત્કાલીન ઉમિયા માતાજી વાંઢાયના પ્રમુખ અને અન્ય અમુક આગેવાનોને મળ્યા. શિવદાસ ગોવિંદ છાભૈયાએ કહ્યું કે અમે આ બાબતે ઘણી મહેનત કરી છે, પણ અમને સફળતા મળી નથી. ત્યારે કરસનભાઈ અને રામજીભાઇએ કહ્યું કે ગમે તે થાય આપણે આ કામ કરવું જ છે. સતપંથવાળા દબાવી જાય એ ચાલે નહીં. બધાને આ વાત ગમી. જોરાવરનગરના ભાઈઓએ ફરી પોતાની કટિબદ્ધતા દર્શવાતા કહ્યું કે અમે ભેગા છીએ જે કહેશો એ બધુંજ કરીશું. પણ આપણે સંગઠન બનાવીએ.

કચ્છના 140 ગામના પ્રતિનિધિઓ વાંઢાય ખાતે ભેગા થયા અને લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિ ઊભી થઈ. જેના પહેલા પ્રમુખ શ્રી પ્રેમજી પૂંજા વાસાણી હતા અને પહેલા મહામંત્રી હતા શ્રી અખઈ પ્રેમજી માનાણી, વિથોણ.

કરસનભાઈ અને રામજીભાઈએ નક્કી કર્યુ કે કચ્છના છેવાડે ભલે 2 ઘરનું ગામ કેમ ના હોય, તોય આપણે ત્યાં જવું અને આપણો પ્રચાર કરવો. શરૂઆતમાં એમને ઘણી તકલીફો પડી. ગામોમાં જઈને કોઈને કહે કે ગામના આગેવાન કોણ છે, એમની સાથે અમારી મુલાકાત કરાવી આપો, તો એ માણસ પાછો પણ ના આવતો. તેમ છતાં લાગ્યા રહ્યા. આવી રીતે કચ્છના ગામેગામ આ વડીલોએ પ્રચાર કર્યો. પછી ગુજરાતના કંપાઓમાં પણ આ બે વડીલો ફર્યા. બીજા લોકો પોતાની સગવડ પ્રમાણે એકાદ બે સભામાં જોડાય અને પાછા નીકળી જાય. પણ આ બે વડીલો બધે જ સાથે હતા. આ બે વડીલોએ ધર્મ પ્રચાર કરવાનો મુખ્ય સનાતની ઝંડો ઉપાડ્યો હતો.

ધર્મનો પ્રચાર કરવા માટે સંત જોઈએ. એના માટે વિરાણી-મોટીના શાંતિદાસ મહારાજ તૈયાર થયા. અન્ય સાધુ-સંતોએ પણ સહયોગ આપ્યો. પ્રચાર કામને વેગ આપવા ઉમિયા માતાજી વાંઢાયમાં ભેગા થયા અને ત્યાંથી સનાતન ધર્મની જાગૃતિ લાવવનાર નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી-મોટી સુધી ધર્મ-યાત્રાનું દિનાંક 04‑Feb‑1996ના આયોજન કરવામાં આવ્યું. વિરાણી મોટીમાં પહેલી સભા કરવામાં આવી. ત્યાર બાદ બીજી સભાનું ભીમજી કેશરા લીંબાણીના ગામ કોટડા-જડોદરમાં દિનાંક 12-Feb-1996ના રોજ આયોજન કરવામાં આવ્યું.

અહીંથી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિના પ્રચાર કામે વેગ પકડ્યો. પછી 19‑Feb1996 ઉખેડા, 20Feb1996 નારાણપર રોહા, 21Feb1996 સાંગનારા, 23-Feb-1996 મથલ, 24-Feb-1996 રસલિયા, 25-Feb-1996 સુખપર (વિરાણી), 26-Feb-1996 આણંદસર (વિથોણ), 27-Feb-1996 જતાવીરા ગામોથી શરૂઆની સભાઓ યોજવામાં આવી.

મહિનાઓ સુધી આ બંને ભેખધારી વડીલો ઉમિયા માતાજી – વાંઢાય ખાતે જ રહેતા હતા. ઘરે જતા નહીં. એક જ હેતુ, ગમે તેમ કરીને સનાતન ધર્મનું કામ થવું જોઈએ અને સનાતનીઓનું કેન્દ્ર સ્થાન બનવું જોઈએ. ધીમે ધીમે લોકો જોડાતા ગયા અને સારો પ્રતિસાદ મળતો ગયો. તેમની સાથે નારાયણ હીરા ધોળુ – નાગલપર અને નારાયણ પૂંજા નાકરાણી – વિરાણી મોટી પણ જોડાયા અને એમની જીપ (કાર)માં આ લોકો પ્રચાર કરવા જતા.

આ લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિના બીજા પ્રમુખ બન્યા જેઠા લાલજી ચોપડા. જેના નેતૃત્વમાં દેશલપર-વાંઢાય મુકામે લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સમુ “સંસ્કાર ધામ” ઊભું થયું, આપણા સનાતન ધર્મ માટેની કેન્દ્રીય સંસ્થા “શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ”નું નિર્માણ થયું. જ્યાં ભગવાન લક્ષ્મીનારાયણનું ભવ્ય મંદિર નિર્માણ અને નવી પેઢીને અહી આવવા માટેનો ભાવ પ્રગટે અને આસ્થાથી જોડાય તેવું પર્યટન સ્થળ સમું આધ્યાત્મ કેન્દ્ર, સાહિત્ય કેન્દ્ર, આપણા બાળકોમાં બાળપણથી જ શિક્ષણ સાથે સનાતની સંસ્કારોનું સંસ્કરણ થાય તે હેતુ વિદ્યા મંદિરનું નિર્માણ, વેદ શાળા વગરેના નિર્માણ માટેનું કાર્યનો આરંભ થયો.

2010માં કેન્દ્રીય સમાજ દ્વારા શ્વેત પત્ર જાહેર થયા બાદ સનાતની ચળવળ પૂરા ભારતમાં ચરમ સીમાએ પહોંચેલ હોઈ આ સનાતન જાગૃતિ અને સનતાનીઓના રખોપા કરનાર સંસ્થાનના નિર્માણ કાર્યમાં સહુનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો. કેન્દ્રીય સમાજ, ઉમિયા માતાજી સંસ્થાન, યુવાસંઘ, મહિલાસંઘ પણ સાથે જોડાયા. અને ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સનતાનીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને સનાતની ગૌરવની લાગણી સાથે સૌએ તન-મન-ધન થી સહકાર આપ્યો.

હાલમાં શ્રી ગંગારામભાઈ રામાણીના નેતૃત્વમાં આપણા સંસ્કાર ધામમાં અનેક વિધ પ્રવૃતિઓ થઈ રહેલ છે. જેમાં સાહિત્ય કેન્દ્ર, સત્સંગ સભાઓ, ધાર્મિક વ્યાખ્યાનો, સંતવાણી જેવા કાર્યો માટે સત્સંગ હૉલ, વેદ મંદિર, CBSC સ્કૂલ નિર્માણ સાથે, વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે યુવાસંઘ અને મહિલા સંઘના સથવારે ભારતભરમાં બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોને સનાતન ધર્મ, કુળદેવી મા ઉમિયા અને ઇષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણ અને આપણા સંતો અને જ્ઞાતિવીરોના કાર્યથી જોડવામાં આવી રહ્યા છે. હાલ, વલ્લભભાઈ કરસન મૈયાતને મુખ્ય પ્રચારક સંત તરીકે નીમવામાં આવેલ છે. 

Leave a Reply

Share this:

Like this: