રામસીંગ દોલજીના ત્યાં સાત બહેનો પછી મા ખોડિયારની બાધાથી દીકરાનો જન્મ થયો. તેથી મા ખોડિયારના નામ ઉપરથી ખંડુભાઈ નામ પાડવામાં આવ્યું અને બ્રિટીશ શાસનમાં રાવનો ઈલકાબ મળેલ તેથી ખંડેરાવ તરીકે ઓળખાયા.
ખંડેરાવજી બાળપણથી જ ધાર્મિક હતા. એ વખતે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરેલ અને તે વખતે બ્રિટીશ સરકારમાં તેમને જમાદાર તરીકેની નોકરી મળેલ. તેમના કામથી પ્રભાવિત થઈને બ્રિટીશ શાસનમાં અનેક વખત પુરસ્કાર પ્રાપ્ત કરેલ. પરંતુ ચુસ્ત હિન્દુ ધર્મમાં માનતા હોવાથી એક અંગ્રેજ અધિકારીએ માંસાહારને લગતી વસ્તુઓ લાવી આપવાનું કીધું. એમાં વાંધો પડતા તકરાર થઈ અને તાત્કાલિક ધોરણે નોકરી છોડી દીધી.
ત્યારબાદ ખંડેરાવજી ધર્મમાં ખૂબ ઉંડા ઉતરતા ગયા. શંકરાચાર્ય મહારાજને ગુરુ બનાવેલ. કાંચી પીઠમાં વારંવાર મુલાકાત લેતા અને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા અને એમની સાથે સત્સંગ કરતા. ખંડેરાવજી એ વખતે ગીતાનો ૧૫મો અધ્યાય અંગ્રેજીમાં ગાઈને અનુવાદ સાથે કહેતા. ગીતાનું અધ્યયન રોજ કરતા અને પ્રખર શિવ ભક્ત હતા.
મોટાભાગના કચ્છ કડવા પાટીદાર ભાઈઓએ વિ.સં.૧૬મી સદીમાં ધીમે ધીમે ઈમામશાહ બાવા પીરનો ધર્મ સ્વીકારેલ અને ત્યારબાદ સૈયદોના કહેવાથી બ્રાહ્મણ, ભાટ (બારોટજી વહીવંચા)ને સંવત 1832ના ઠરાવ કરીને બંધ કરવામાં આવ્યા. કેમકે બ્રાહ્મણ અને વહીવંચા ચાલુ રહે તો આપણે કોણ છીએ, ક્યો ધર્મ છે એનું જ્ઞાન જીવતું રહે, તે કારણથી બંધ કરવામાં આવ્યા. વિ.સં.૧૯૬૭ (ઈ. સ, 1911) થી ૧૯૯૫ (ઈ. સ. 1939) સુધી ઘણીવાર રજુઆતો કરવા છતાં તે સમયના સંતો મહંતો અને સ્વામીનારાયણ સંપ્રદાયના મહંતોએ જ્યારે દિક્ષા ન આપી ત્યારે જ્ઞાન થયું કે ભાટના ચોપડે જે આપણો ઈતિહાસ છે તેજ આપણે મુમના નહી હિન્દુ છીએ તેમ સાબિત થાય છે. એટલે તે સમયે ઈ.સ.૧૯૩૯માં સમસ્ત કડવા પાટીદાર સમાજની સભા કરી વહીવંચાને બોલાવાનો નિર્ણય કરવામાં આવ્યો.
ઈ.સ. ૧૯૨૦ થી ૩૦ દરમિયાન વારંવાર રજુઆત કર્યા પછી ઈ.સ. ૧૯૩૯માં કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજે વહીવંચાને બોલાવવાનું નક્કી કરેલ. ઈ.સ.૧૯૩૯ પછી જ્યારે ખંડેરાવજીને બોલાવવામાં આવ્યા. ત્યારે તેમને આપણા સમાજને ૫૨ (બાવન) શાખા અને પર (બાવન) ગોત્ર આપેલા અને આપણે હિન્દુ જ છીએ અને ઉત્પત્તિ હિન્દુ ધર્મથી છે. એવું સમગ્ર સમાજે સ્વીકારેલ.
તે વખતે પણ સૈયદોએ વટહુકમ બહાર પાડેલ. સાધુ કે પાર્ષદનો રાંધેલો પ્રસાદ લેવો નહીં. જે લેશે તો નાતના ગુનેગાર ગણાશે અને ગુના બદલ ૫૧ કોરી દંડ લેવામાં આવશે.
ત્યારે ફરીથી કડવા પાટીદાર સમાજે નક્કી કર્યું કે હવે આખી નાતે આપણા વહીવંચાને કર આપવો અને કાગળ લખી વહીવંચાને બોલાવ્યા. એમાં નાથા સોમજી પટેલ, નાગજી સોમજી પટેલ, પટેલ જેઠા ભીમજી, પટેલ નારણ ડોસા વડીલોની સહીઓ લીધેલ છે.
આઝાદીના વર્ષ પછી જ્યારે ખંડેરાવજીએ વહીવંચા તરીકે સમાજનું કાર્ય શરૂ કરેલ, ત્યારે ખૂબ જ કઠીન પરિસ્થિતિનો સામનો કરેલ. અનેકવાર એમનો તિરસ્કાર કરેલ, હડહડતું અપમાન કરવામાં આવતું, એમના પુસ્તકોની પેટીને ફેકી દેવામાં આવતી, પરંતુ તે હિંમત ન હાર્યા અને આખા સમાજને સાચો રસ્તો બતાવવામાં સફળ થયા. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સનાતન ધર્મના મૂળિયાં સાથે પાછા જોડવામાં ખાંડેરાવનું બહુજ મોટું યોગદાન છે, જેની જ્ઞાતિ સદાય ઋણી રહેશે.