ક.ક.પા. જ્ઞાતિને સૈયદ ઈમામશાહ બાવા અને સતપંથ ધર્મથી મુક્ત કર્યા બાદ, સંત ઓધવરામ મહારાજ સામે પ્રશ્ન હતો કે હવે જ્ઞાતિને હિન્દુ ધર્મની કઈ શાખા સાથે જોડવી?
જ્ઞાતિની પરિસ્થિતિ અને ઇતિહાસ એવો છે કે મોટે ભાગે જ્ઞાતિ અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, ભોળા, ચમત્કારોથી અંજાઈ જાય એવા લોકોની હતી. બાવો ગમે તે હોય પણ આપણને ફળે છે, આપણને મૃત્યુ પછી અમરાપુરી / ભેસ્ત મળશે વગેરે ખોટી લાલચોના કારણે જ્ઞાતિ એટલી હદ સુધી આંધળી થઈ ગઈ હતી કે પીરાણાના કાકા અને સૈયદોના હાથે સંપૂર્ણ લુંટાવવા તૈયાર થઈ જતી. એમના એજન્ટ એવા જુલ્મી ગેઢેરાઓ, મુખીઓ અને જ્ઞાતિ પટેલોની જોહુકમી નીચે રહેવાની આદત પડી ગઈ હતી. સ્વમાન ખોઈ બેઠી હતી અને પોતાના ધર્મના નિર્ણયો પોતે લઈ શકે એના માટે જરૂરી આત્મ-વિશ્વાસ પણ ખોઈ બેઠી હતી.
માટે જરૂરી હતું કે ઓધવરામ બાપા જે કોઈ ઉપાય સૂચવે એ ઉપાય આવી પરિસ્થિતીમાં જ્ઞાતિને બહાર તો કાઢે, પણ ભવિષ્યમાં ફરીથી આવા ખાડામાં ન પડી જાય, એવો ઉપાય જોવો જોઈએ. તે ઉપરાંત સિકરાના વિશ્રામબાપા નાકરાણીને જ્ઞાતિએ આપેલ કૃષ્ણ જન્માષ્ટમીના ગોકુળિયું મનાવવાના વચનના અનુરૂપ હોય, તો શ્રદ્ધાને બહુ ફેરવવી ન પડે, એવા ઉપાયની જરૂરત હતી.
માટે શોધ હતી સનાતન ધર્મની એવી શાખાની કે જેનો કોઈ માલિક ન હોય. જેનો કોઈ સ્થાપક ન હોય, જેનો કોઈ માણસ ગુરુ ન હોય. કારણ કે જો કોઈ સ્થાપક હશે અથવા તો ગુરુ હશે, તો એનું વચન-પાલન ચેલાઓની ફરજમાં આવશે. માંડમાંડ ઈમામશાહ જેવા ગુરુથી જ્ઞાતિને છોડાવી છે, તો પછી ફરીથી જ્ઞાતિને કોઈ બીજા ગુરુ ના રવાડે નથી ચડાવવી. જ્ઞાતિને સનાતન ધર્મના મૂળમાં જોડવી જરૂરી હતું કે અને પોતાના ધર્મની વ્યવસ્થા સંપૂર્ણ રીતે જ્ઞાતિના હાથમાં રહે.
સંત ઓધવરામ મહારાજ અગર ચાહત તો આ જ્ઞાતિને પોતાના હરિહર પરંપરામાં વાળી, સતપંથમાં જે ફરજિયાત દશોંદ અને ધાર્મિક કર આપવામાં આવતા, એ પૈસા પોતાના પાસે વાળી શકતા હતા. જ્ઞાતિતો ધાર્મિક રીતે આંધળી હતી, એના પડ્યા બોલ ઝીલતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાતિ એક રીતે એમના કબજામાં હતી. એ કોઈ ઢોંગી, સ્વાર્થી, પોતાના વંશજો કે વાંઢાયની ગાદી માટે કાયમી આવકનું સ્ત્રોત તરીકે જ્ઞાતિનો દુરોપયોગ કરવા વાળા લેભાગુ અને કહેવાતા સંત નહોતા. એ ખરા અર્થમાં સંત હતા. એમને તો મિલકતો ક. ક. પા. જ્ઞાતિને આપી છે. હરિદ્વારનો કચ્છ લાલરામેશ્વર આશ્રમ, બદ્રીનાથની ઓરડી, વાંઢાયનું ઉમિયા માતાજી મંદિર આપ્યા છે. એમને જ્ઞાતિ સુધાર માટે પોતાનું જીવન ખપાવી દીધું. આ પુસ્તકમાં વાંઢાય દ્વારાનું ઋણ નામના અલગ લેખમાં આ બાબતે જાણકારી આપેલ છે જ.
સતપંથથી જુદી પડ્યા બાદ ક. ક. પા. સનાતની જ્ઞાતિ પોતાના પગ ઉપર સ્વમાન ભેર ઊભી રહે એના માટે, આર્થિક શોષણથી મુક્ત કરી, જ્ઞાતિને સનાતન ધર્મ, શિક્ષણ અને સમાજ વ્યવસ્થાઓ વગેરેને નવેસરથી ઊભા કરવા માટે અમૂલ્ય માર્ગદર્શન કર્યું છે. સંત ઓધવરામ મહારાજ માંગવાવાળા સંત નહોતા, આપવા વાળા સંત હતા. કારણ કે આજે પણ એ આપણાં વચ્ચે સૂક્ષ્મરૂપે હાજર છે. એમની મીઠી નજર સદાય આપણાં પર છે, એવું હું માનું છું.
આવી રીતે બધી બાજુનો વિચાર કરીને સંત ઓધવરામ મહારાજે જ્ઞાતિને ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે સ્વીકારવાની સલાહ આપી. ભગવાન લક્ષ્મીનારાયણ એટલા માટે કે હિન્દુ ધર્મમાં, નિર્ગુણ નિરાકાર રૂપી પરમાત્માનો સગુણ-સાકર-સ્વરૂપ એટલે ભગવાન લક્ષ્મીનારાયણ છે. એટલે એ સનાતન છે. એટલે એનો કોઈ સ્થાપક પણ નથી અને એ પરંપરાને ચલાવવા એકાધિકાર રાખતો કોઈ વ્યક્તિ નથી. જ્ઞાતિ વર્ષોથી નારાયણ (કૃષ્ણ જન્માષ્ટમી)ની ઉપાસક હોવાના કારણે નારાયણના મૂળ સ્વરૂપની ઇષ્ટદેવ તરીકે પૂજા કરવાનું જ્ઞાતિને કહેવામાં આવ્યું.
આવી રીતે ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણની ઉપાસના કરવાનું કહી, ઓધવરામ બાપાએ જ્ઞાતિને એવો જબરદસ્ત ઉપાય આપ્યો કે જેના થકી ભવિષ્યમાં જ્ઞાતિ ધર્મના ખોટા વાડામાં ફસાય નહીં, કોઈ ખોટા ધર્મગુરુના રવાડે ચડી ન જાય. સનાતન ધર્મના મૂળ પાયામાં રહેશે, તો હિન્દુ ધર્મના વિશાળ વટવૃક્ષની છાયા સદાય એમના પર રહેશે.
|| જય લક્ષ્મીનારાયણ ||