બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૩. જ્ઞાતિની નબળાઈ અને ઇસ્લામનું આગમન

12.      ઉચ્ચ જીવન શૈલી: આજથી લગભગ 550 વર્ષ પહેલાં હાલની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ઊંઝા, અમદાવાદ, વીરમગામ, આણંદ વગેરે વિસ્તારોમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ યુક્ત જીવન જીવતી હતી. 

એમનું સામાજિક, પારિવારિક, ધાર્મિક અને અધ્યાત્મિક જીવન એટલું ઉચ્ચ અને શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી ગયું હતું કે એમના જીવનમાં જૂઠ, કપટ, ષડયંત્ર, દગાખોરી, છેતરપિંડી વગેરે દુર્ગુણોને કોઈ સ્થાન નહોતું.

પણ કહેવાય છે ને કે કોઈ ખૂબીની સાથે ખામી પણ આવતી હોય છે. જીવનના વિકાસ ક્રમમાં એ લોકો એટલું ઉચ્ચ આદર્શ જીવન જીવતા હતા, કે તેઓ જૂઠ, કપટ, ષડયંત્ર, દગાખોરી, છેતરપિંડી વગેરે અવગુણોને ઓળખવાની શક્તિ પણ ખોઈ બેઠા. મૂળ સનાતન હિન્દુ ધર્મ આધારિત એમનું જીવન ખૂબ શ્રેષ્ઠ હતું. સમાજ વ્યવસ્થા પણ એટલી જ સરસ હતી કે આવું ખોટું કરનાર વ્યક્તિ, સમાજમાં કોઈ દિવસ માથું ઊંચું કરીને સ્વમાનભેર જીવી ન શકે, જેના કારણે લોકો ખોટું કરવાથી બચતા. તેઓ ખૂબ સરળ અને સ્વચ્છ જીવન જીવતા હતા.

13.    નબળા પડવા પાછળનું મુખ્ય કારણ: એમનું જીવન વધુ પડતું સરળ અને સ્વચ્છ બની ગયું. વધુ પડતું મીઠું ખાવાથી પણ શરીરને નુકસાન થાય છે. એવી રીતે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ પણ એક પ્રકારનું ઝેર છે. બધી વસ્તુઓ પ્રમાણમાં હોય તો જ એ શરીર માટે હિતકારક હોય છે. એમની સરળતા પ્રમાણમાં વધુ પડતી હતી જેના કારણે એમની સરળતા જ એમના માટે ઘાતક બની ગઈ. પરિણામે જ્ઞાતિ એકદમ ભોળી અને ભલી બની ગઈ. 

એ એટલા હદ સુધી ભોળા બની ગયા કે એમણે ધર્મની બાબતે વિવેકથી વિચારવાનું પણ બંધ કરી દીધું. ધર્મના નામે કોઈ બનાવટી બાવો એમને કાંઈ કહી જાય, તો એ એને સત્ય માની લેતા [88:Page 17]. 

ભોળપણની પરાકાષ્ઠા એટલે હદ સુધી પહોંચી ગઈ કે એવા સિદ્ધાંતને માનવા લાગી ગયા કે, અગર આપણે કોઈનું ખરાબ નથી કર્યું, તો કોઈ આપણું ખરાબ નહીં કરે”. આ વાત વડીલોના મોઢે ઘણાં લોકોએ સાંભળી હશે જ. હતાશાના સમયે મનોબળ ટકાવવા પૂરતો આ સિદ્ધાંત બરાબર છે, પણ અન્ય પરિસ્થિતિ માટે નથી. આ બાબતે ભારત દેશનો એક ખૂબ સુંદર દાખલો છે.. કે તે સમયના આપણા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ પણ આ સિદ્ધાંતની વાતોમાં ફસાઈ ગયા. જેના કારણેહિન્દી ચીની ભાઈ ભાઈના ચીનીઓના નારા પાછળની તેમની કુટીલ મંશા નેહરુ ઓળખી ન શક્યા અને એટલે જ ભારત વર્ષ 1962ની ચીન સામેની લડાઈ હારી ગયું. 

જે વિષયમાં સમજણ શક્તિ ખોઈ બેસે ત્યારે એ વિષય પર નિર્ણય સમજણથી ન લેવાતો હોય. આવામાં સમજાવટ કામ ન આવે. ત્યારે પ્રભાવ કામ કરતો હોય છે.  પ્રભાવ પાડવા માટે ચમત્કારનો ઉપયોગ સહુ થી સરળ રસ્તો બની જાય છે.

ચમત્કારિક વાતો સફળ થવાના કારણો – સમજ અને પ્રભાવ:

જ્યારે કોઈ વ્યક્તિ એટલી ભોળી હોય કે સાચું શું ખોટું શું એ “સમજ” એનામાં ન હોય, ત્યારે એ માણસ “પ્રભાવ”ના આધારે ચાલતો હોય છે.

સમાજમાં આગેવાનો, પૈસા અને પાવરવાળા લોકોનું અનુકરણ કરવું એજ એમના માટે સાચો નિર્ણય હોય છે.

એટલે એવું કહી શકીએ કે..

જ્યાં સાચી “સમજ”નો અભાવ હોય, ત્યાં “પ્રભાવ” કામ કરે છે. અને પ્રભાવ પાડવા માટે “ચમત્કાર” ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે.  ચમત્કાર પાછળની સચ્ચાઈ ઓળખી શકવાની સમજ ન હોવાના કારણે, આવા લોકો ચમત્કારની વાતો સહજ સ્વીકારી લેતા હોય છે.

ચમત્કારિક વાતો ક્યારે સફળ થાય?

 

14.    ઇસ્લામનું ભારતમાં આગમન: ભારતનું જ્ઞાન, એની સમૃદ્ધિ અને વૈભવની કીર્તિ આખા વિશ્વમાં ફેલાઈ ગઈ હતી. ભારતનેસોને કી ચિડિયાકહેવામાં આવતું. ભારતના જ્ઞાન અને તેની સમૃદ્ધિ તેમજ વૈભવને લૂંટવા વિદેશીઓ આક્રમણ કરવા લાગ્યા. સહુથી પહેલાં વર્ષ 712માં મહમદ બીન કાસીમ આવ્યો અને પછી વર્ષ 997માં મુહમ્મદ ગઝની ભારતને લૂંટીને પાછા પોતાના દેશ જતો રહ્યો. આ લોકોએ ઇસ્લામ ધર્મનો ફેલાવો કરવા માટે કોઈ ખાસ પ્રયત્ન નહોતા કર્યા.

પણ વર્ષ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી મોહમ્મદ ઘોરીએ ભારતમાં ઈસ્લામી રાજ્યની સ્થાપના કરી હતી. ગુજરાતમાં ઇસ્લામનું રાજ્ય વર્ષ 1297માં સ્થપાયું. ભારતીય લોકો એટલે કે હિન્દુઓ પાસેથી લુંટેલી સમૃદ્ધિ અને વૈભવને પોતાના દેશમાં લઈ જવા કરતાં અહીં જ એ લુંટને માણવાનું વધારે પસંદ કરવા લાગ્યા. એટલે આ મુસલમાન રાજાઓ ભારતમાં જ રહેવા લાગ્યા.

પોતાનાથી સંખ્યા બળમાં અનેક ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુઓ પર ઇસ્લામની સત્તા કાયમ માટે ચલાવી એ અશક્ય હતું, એ મુસલમાન રાજાઓ ખૂબ સારી રીતે જાણતા હતા. કાયમી રીતે હિન્દુઓને ગુલામ બનાવી અને તેમની સમૃદ્ધિ અને વૈભવ લૂંટી જલસા  કરવા માટે જરૂરી હતું કે એક એવો પાયો નાખવો કે જેના ઉપર ઇસ્લામી રાજાઓ નિર્ભર રહી શકે. પોતાનું ભાવિ સુરક્ષિત રાખવા માટે તેઓ માટે એવા લોકોની જરૂરત હતી કે જેઓ પોતાના મુસલમાન રાજા સાથે એકદમ વફાદાર રહે. માટે હિન્દુઓને મુસલમાન બનાવવાનું ખૂબ જ જરૂરી હતું,

બીજી બાજુ ઇસ્લામના પ્રચારકો માટે ગઝવા-એ-હિંદ5નું મિશન હતું. જેને હિન્દુઓને જબરદસ્તી મુસલમાન બનાવવાના અનૈતિક કાર્યને ધાર્મિક દૃષ્ટિએ નૈતિકતાનું લેબલ આપી દીધું. આવા બધા કારણોને લઈને ગમે તે કિંમતે હિન્દુઓને મુસલમાન બનાવવાનું કામ શરૂ થયું. 

ઇસ્લામ બે પદ્ધતિથી મુખ્ય રીતે ફેલાયો

14.1.   તલવારના માધ્યમથી (સુન્ની મુસલમાન): આમાં હિન્દુઓ ઉપર જોર જબરદસ્તી કરી, મારી નાખવાની ધમકીઓ આપી, ભય બતાવી, લોકોને બળજબરીથી મુસલમાન બનાવવામાં આવતા. ઇતિહાસમાં આના અસંખ્ય દાખલાઓ જોવા મળે છે. આ વિષયનો વિસ્તૃત ઇતિહાસ લગભગ બધાજ જાણે છે, જેની ચર્ચા અહીં આપણે કરવાના નથી.

14.2.   યુક્તિ-પ્રયુક્તિ એટલે અલ-તાકીયાના માધ્યમથી (શિયા મુસલમાન): આ માધ્યમ બહુ જ ખતરનાક છે. આ માધ્યમથી લોકોને એવી રીતે છેતરવામાં આવે કે લોકોને ખબર જ ન પડે કે એમનું ધર્મ પરિવર્તન થઈ ગયું. વિરોધના બદલે લોકો સામેથી પોતાનો ધર્મ પરિવર્તન કરવા તૈયાર થઈ જાય. આ પદ્ધતિ આજે પણ ઘણા ઈસાઈઓ અને મુસલમાન ધર્મ પ્રચારકો હિન્દુઓને વટલાવવા માટે અપનાવી રહ્યા છે. ષડયંત્ર એટલું ઊંડું હોય છે કે બધુ દેખાતા હોવા છતાં, સરકાર અને કોર્ટ પણ આને જલ્દીથી પકડી નથી શકતી.

 

દુર્ભાગ્યવશ યુક્તિ-પ્રયુક્તિ પદ્ધતિથી થતા ધર્મ પરિવર્તનનો શિકાર ક. ક. પા. જ્ઞાતિ બની. અગાઉ જણાવ્યા પ્રમાણે, જ્ઞાતિના લોકો એટલા હદ સુધી ભોળા અને ભલા થઈ ગયા હતા કે આવા ઊંડા ષડયંત્રને ઓળખી ન શક્યા. આ ષડયંત્ર શું છે, તે કેવી રીતે કામ કરે છે અને જ્ઞાતિનું કેવી રીતે ધર્મ પરિવર્તન થયું, એની વાત આગળ જણાવેલ છે. 

 

આ પુસ્તકનો મુખ્ય વિષય આ યુક્તિ-પ્રયુક્તિની જાણકારી લોકોને આપવી. કચ્છ કડવા પાટીદાર (ક.ક.પા.) જ્ઞાતિ કેવી રીતે આ ષડયંત્રની શિકાર બની અને ત્યાર બાદ કેવી રીતે આની સામે ક. ક. પા. જ્ઞાતિ 550 વર્ષો સુધી ઝઝૂમી તેમજ લડી અને આખરે આજે 95%થી વધારે જ્ઞાતિના લોકોએ મૂળ સનાતન હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરી લીધી છે.

15.      ઇસ્લામ સામે સમસ્યાઓ: યુક્તિ-પ્રયુક્તિના માધ્યમથી ઇસ્લામના પ્રચારકોમાંસૂફી6 સંતોએ મુખ્ય ભૂમિકા  ભજવી છે. આ લોકો ભારતમાં આવ્યા અને ઇસ્લામનો પ્રચાર કરવા માટે, પ્રેમ-એકતા-સંપ-સંગઠન, ઉપરવાળો તો એકજ છે, ગમે તે નામથી ભગવાનને બોલાવો, ફરક તો માત્ર ભાષાનો છે બાકી બધું તો એક જ છે, આવી ડાહી-ડાહી વાતોનો ઉપયોગ કરવામાં આવ્યો. હિન્દુઓ વાતની પાછળનો મકસદ સમજ્યા વગર એમની વાતો સાંભળતા. અને હિન્દુ મુસલમાન ભાઈ-ભાઈ, લોહી એક જ છે, વગેરે વાતોની આડમાં સૂફીઓ પોતાનો ઇસ્લામ ધર્મનો પ્રચાર કરતા. પણ જોઈએ એટલા સફળ નહોતા થતા. [32]

ઈતિહાસકારો જણાવે છે કે બધાજ પ્રયત્નો કરી છૂટવા છતાં, હિન્દુઓ મુસલમાન બનતા નહોતા. ઇસ્લામની બધીજ સારી-સારી આદર્શવાદી લોભામણી વાતો નિષ્ફળ થવા લાગી. ધર્મ પરિવર્તન કરવા માટે લોભ-લાલચો પણ નાકામ થવા લાગ્યા. સામાન્ય રીતે અપનાવવામાં આવેલ સામ-દામ-દંડ-ભેદમાં પણ નિષ્ફળતા સિવાય કઈં હાથ લાગ્યું નહીં. 

બધાજ પ્રકારના પ્રયત્નોની નિષ્ફળતા બાદ, વાત એમના બૌદ્ધિક વર્ગ પાસે પહોંચી. બૌદ્ધિકોએ હિન્દુઓની જીવન શૈલીનો અભ્યાસ કર્યો. બૌદ્ધિકોએ જોયું કે હિન્દુઓ ઇસ્લામના પ્રચારની બધી જ સારી-સારી વાતો સાંભળે છે, પણ પોતાના ઘરે ગયા પછી એ લોકો હિન્દુના હિન્દુ જ રહે છે, વટલાતા નથી એટલે કે મુસલમાન બનતા નથી. આવું થવા પાછળના કારણોમાં ઊંડા ઊતર્યા, ત્યારે ઇસ્લામના બૌદ્ધિકોને મુખ્ય બે કારણો જોવા મળ્યા [27:Page 282 to 284].

હિન્દુઓનું ધર્મ પરિવર્તનમાં અવરોધ રૂપે સમસ્યાઓ

15.1.   સનાતન ધર્મના મૂલ્યો અને આદર્શો બહુજ ઊંચા હતા: ઇસ્લામના પ્રચારકોએ જોયું કે હિન્દુ ધર્મના મૂલ્યો અને આદર્શો એટલા બધા ઊંચા છે કે ઈસ્લામ એની બરાબરી કરી શકતો નથી. (આજે પણ, ઘણા વિદ્વાનો માને છે કે સનાતન ધર્મના મૂલ્યો અને આદર્શોની બરાબરી કોઈ અન્ય ધર્મ કરી શકતો નથી.) બીજા શબ્દોમાં કહીએ તો જે કોઈ ઉપદેશો ઇસ્લામના પ્રચારકો આપતા હતા એ વાત હિન્દુઓ આગાઉથી જ જાણતા અથવા પાળતા હતા જ. હિન્દુઓ માટે કોઈ નવી ચીજ ઇસ્લામ લાવી શકતો નહોતો. એટલે ઇસ્લામ હિન્દુઓને પોતાના તરફ આકર્ષિત કરી શકતો નહોતો.

15.2.   હિન્દુઓનું રક્ષણ કરતી સજ્જડ સમાજ વ્યવસ્થાનું કવચ: બીજું મુખ્ય કારણ, જે એમને જોવા મળ્યું, એ હતું હિન્દુ સમાજ વ્યવસ્થાનું રક્ષણ કવચ. આ કવચ શું છે એ સમજવા માટે આજથી લગભગ 600 થી 700 વર્ષ જૂની પરિસ્થિતિની કલ્પના કરવી પડે.

આજથી 600 વર્ષ પહેલાંની કલ્પના કરવાથી ખ્યાલ આવશે કે મોટાભાગે બધા ગામડામાં રહેતા, ખેતી કરતા, સાધારણ લોકો હતા. તે સમયે દરેક ગામમાં સામાન્ય રીતે આવી જ વ્યવસ્થા હતી.

તે સમયે ખેતી મુખ્ય વ્યવસાય હતો. લોકો એકબીજાની ખેતીમાં જરૂરિયાત પ્રમાણે મદદ માટે  એકબીજાની ખેતીમાં કામ કરવા જતા. જેણે કચ્છી ભાષામાં “વેરી” કહેવામાં આવે છે. એવીજ રીતે લગ્ન અને મરણ પ્રસંગમાં પણ આવેલ મહેમાનોની ઉતારાની વ્યવસ્થા હોય કે રસોઈ બનાવવાની વ્યવસ્થા હોય, એવી તમામ સગવડો પરિવાર અને સમાજના સભ્યો સાથે મળીને કરતા. આજના આધુનિક યુગમાં પૈસા ખર્ચીને મજૂર/લેબર મળી જાય, પૈસા ખર્ચીને જરૂરી સગવડો ઊભી કરી શકાય, એવી આર્થિક પરિસ્થિતિ અને અન્ય સગવડો એ જમાનામાં નહોતી. લોકો પોતાની આજીવિકા માટે તેમજ  પારિવારિક જીવન માટે એક બીજા ઉપર ખૂબ નિર્ભર હતા. 

આવી પરિસ્થિતિમાં અગર કોઈ હિન્દુ ઇસ્લામ તરફ આકર્ષાઈને ઇસ્લામ ધર્મ કબૂલ કરે, તો તરતજ એની સમાજના લોકો એને બહિષ્કૃત કરી દેતા. જેનાથી પરિવાર અને સમાજ તરફથી મળતા તમામ સહયોગ પહેલાં બંધ થતા અને પછી તેને પાછા હિન્દુ ધર્મમાં લાવા માટે એની સાથે અસહયોગ પણ કરવામાં આવતો. 

પરિણામે એ માણસ પાસે છેલ્લે હિન્દુ ધર્મમાં પાછા વળવા સિવાય કોઈ બીજો વિકલ્પ ન બચતો. આવી રીતે સમાજ વ્યવસ્થા હિન્દુ સમાજનું કવચ બનીને એનું રક્ષણ કરતી હતી. 

ઇસ્લામના પ્રચારકો માટે આ કવચ તોડવાની કોઈક રણનીતિની સખત જરૂરત જણાવા લાગી. 

નોંધ: ઇસ્લામ ધર્મના પ્રચારકો ભારતમાં મોટે ભાગે સફળ ન થવા પાછળનું મુખ્ય કારણ છે હિન્દુ ધર્મનું “સમાજ-વ્યવસ્થાનું-કવચ”. ઇસ્લામનો ઇતિહાસ કહે છે કે ભૂતકાળમાં જે-જે દેશ ઉપર ઇસ્લામે આક્રમણ કર્યું, એ દેશ માત્ર થોડા જ વર્ષોમાં મુસલમાન બની ગયો. સૌથી વધારે 18 વર્ષ ઈરાન દેશને મુસલમાન બનતા લાગ્યાં.

પણ ભારત ઉપર સેંકડો વર્ષો સુધી રાજ કર્યા બાદ પણ ભારત ઉપર જીત નથી મેળવી શક્યા એની પાછળનું મુખ્ય કારણ છે હિન્દુ સમાજ વ્યવસ્થાનું રક્ષા કવચ.

ઉદારતા, આઝાદી, છૂટ વગેરેના આદર્શવાદી સિદ્ધાંતોમાં ફસાઈને અગર હિન્દુ સમાજ કોઈને વિધર્મ સ્વીકારવાની છૂટ આપે, તો પછી હિન્દુ ધર્મ છોડી, ધર્મ પરિવર્તન કરનાર લોકોને કોઈનો ડર જ નહીં રહે. હિન્દુ ધર્મ છોડનાર લોકોનો પ્રવાહ કોઈ દિવસ રોકી શકાશે નહીં. આવું ન થાય એના માટે સમાજ વ્યવસ્થાના કવચે હિન્દુઓની ખૂબ રક્ષા કરી છે.

આપ નોંધ કરજો કે આજે પણ હિન્દુ વિરોધી તત્વોનો પહેલો પ્રહાર હિન્દુ સમાજ વ્યવસ્થા પર જ હોય છે. પ્રચાર એવો કરે કે જાણે પહેલાં પોતાનું જોવું જોઈએ.  સમાજ શું કહેશે એનું આપણે વિચારવું ન જોઈએ. આવી ડાહી-ડાહી અને ભ્રામક વાતો કરીને લોકોને પોતાના રક્ષા કવચ ઉતારી પાડવા માટે પ્રેરણા આપવામાં આવે છે. આવી વાતો સિનેમા અને ટી. વી. સિરિયલ કાર્યક્રમોમાં ખાસ જોવા મળે છે. આનાથી બચવું જોઈએ અને ભાવિ પેઢીને યોગ્ય સમજ આપવી જોઈએ. 

સમાજ વ્યવસ્થા કવચ

માટે, આપણે બધાએ સમાજ વ્યવસ્થાને મજબૂત કરવા પાછળ ધ્યાન આપવું જોઈએ અને ભાવિ પેઢીને સમાજનું મહત્વ સમજાવવું જોઈએ.

 

16.      ઇસ્લામના પ્રચારકોની યુક્તિ/રણનીતિ –વિચારધારાનો વિનાશ”: ઇસ્લામના પ્રચારકોને એવી યુક્તિ કે રણનીતિની જરૂરત હતી કે જેના થકી ઉપર જણાવેલ મુખ્ય બે સમસ્યાઓ દૂર કરી શકે. તેમની આ રણનીતિ એવી છૂપી રીતે કામ કરે કે સામાન્ય વ્યક્તિને ખબર જ ન પડે. કારણ કે તેમની રણનીતિની પોલ જો ખુલી પડી જાય તો કોઈ હિન્દુ એમની રણનીતિનો શિકાર ન બને.

જ્યારે દુશ્મન આપણાંથી બહુ મોટી સંખ્યામાં હોય અને તેના કારણે એની સામે આર-પાર વાળી સીધી લડાઈ લડવી યોગ્ય ન હોય, ત્યારે આક્રમણકારીઓ દ્વારા જે રણનીતિનો ઉપયોગ કરવામાં  આવે છે, એ રણનીતિનો ઉપયોગ ઇસ્લામના પ્રચારકો દ્વારા કરવામાં આવ્યો. આ રણનીતિનું નામ છે વિચારધારાનો વિનાશ જેણે અંગ્રેજીમાં Ideological Subversion કહેવામાં આવે છે

આ રણનીતિ ઇસ્લામના પ્રચારકો માટે એકદમ યુક્ત હતી. કારણ કે હિન્દુ સમાજ પોતાની ઉચ્ચ જીવન શૈલીના કારણે ખૂબ ભોળો અને ભલોબની ગયો હતો. તદુપરાંત સેંકડો વર્ષોની ઇસ્લામી લુંટથી ત્રસ્ત, ઘણા સમયથી સત્તા અને શાસનથી વિમુખ અથવા ઇસ્લામી રાજા ઉપર અવલંબિત હોવાના કારણે હિન્દુ સમાજ દબાયેલો અને શોષિત બની ગયો હતો. આવી પરિસ્થિતિમાં પોતાના સાથે રમાતી રમતને ઓળખવાની શક્તિ ખોઈ બેઠો હતો. અને જો ક્યાંક કોઈ સમજતું હતું તો આવી રમતો સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ તેમનામાં નહોતી (સત્તાથી વિમુખ અને અવલંબિત હોવાના કારણે). 

 


5 ગઝવા-એ-હિંદ – https://abkkpsamaj.org/go/fn5

6 સૂફી = Sufihttps://abkkpsamaj.org/go/fn6

Leave a Reply

Share this:

Like this: