બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨૯. વાંઢાય દ્વારાનું ઋણ

– CA પટેલ ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા
મુંબઈ

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો ઇતિહાસ વાંઢાયના દ્વારા વગર અધૂરો છે. ઈશ્વર આશ્રમ, વાંઢાયનો આ દ્વારાના એટલા બધા ઉપકારો આ જ્ઞાતિ ઉપર છે કે જ્ઞાતિ ચાહે તો પણ એનું ઋણ કોઈ દિવસ ઉતારી નહીં શકે. વિક્રમ સંવત 1755 (ઈ. સ. 1698) માં સંત વિહારી મહારાજે હમલાથી વાંઢાય આવીને હરિહર પરંપરાથી શરૂઆત કરી. ત્યાર બાદ એમના પછી બીજા સંતો આવ્યા. એ વિષે જાણવા માટે ઈશ્વર વિહારી વિલાસ પુસ્તક વાંચવું જોઈએ. આ કોઈ દૈવી યોગ હશે અને જ્ઞાતિના પૂર્વજન્મોના સત્કર્મો હશે કે “ઈશ્વર આશ્રમ”ના નામથી ઓળખાતો આ ગુરુદ્વારાના સંસર્ગમાં આપણી જ્ઞાતિ આવી.

આપણે અહીં વાત શરૂ કરીશું સંત લાલરામજી મહારાજ થી. સંત લાલરામજી મહારાજનું શરીર પાટીદાર જ્ઞાતિનું હોવાથી એ જાણતા હતા કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સનાતન ધર્મથી ભટકીને ઇસ્લામ ધર્મના એક ફાંટા ગણાતા સતપંથ ધર્મમાં ફસાઈ ગઈ છે. જેનું એમને પારાવાર દુઃખ હતું. પણ એમનો કાર્યકાળ ટૂંકો હોવાથી આ અંગે પ્રત્યક્ષ રીતે કોઈ વિશેષ સિદ્ધિ ન મેળવી શક્યા. એમના અંતિમ દિવસોમાં એમના અધૂરા રહેલા કાર્યને પૂર્ણ કરવાનું વચન એમના પટશિષ્ય સંત ઓધવરામ મહારાજે પોતાના ગુરુને આપ્યું. ભલે સંત લાલરામજી મહારાજને જ્ઞાતિ માટે વધારે કાર્ય કરવાનો સમય ના મળ્યો, પણ જતાં-જતાં એમના મુખમાંથી નીકળેલી વાણીમાં પરમાત્માની વાણી છુપાયેલી હતી. સંત લાલરામજી મહારાજ ઉપર વિસ્તૃત જાણકારી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રકાશિત પુસ્તક “કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ”ના પેજ 141માં જોવા મળશે. 

સંત ઓધવરામ મહારાજે પોતાના ગુરુને આપેલ વચનની પૂરતી કરવા એમનું આખું જીવન ક. ક. પા. જ્ઞાતિ માટે ખપાવી નાખ્યું. સંત ઓધવરામ મહારાજના શિષ્યો ઘણી જ્ઞાતિઓમાંથી આવતા હતા. એમના પૂર્વાશ્રમની ભાનુશાલી જ્ઞાતિના પણ ઘણા શિષ્યો હતા. પણ આ બધા વચ્ચે હમેશાં એમણે ક. ક. પા. જ્ઞાતિને પ્રાથમિકતા આપી છે. કદાચ અન્ય શિષ્યોને એક બાજુ કરીને ક. ક. પા. જ્ઞાતિને આગળ રાખી છે. એમના માટે નિયમો અને બંધનોમાં પણ વિશેષ છૂટ આપેલ હતી. જેવી કે વાંઢાયમાં ભણતા છોકરાઓ કુંવારા હોવા જોઈએ એવો નિયમ હતો, પણ આ નિયમ ક. ક. પા. જ્ઞાતિના છોકરાઓને લાગુ ન પડતો. ક. ક. પા. જ્ઞાતિના ઉદ્ધાર માટે પરણેલા છોકરા પણ વાંઢાય પાઠશાળા/છાત્રાલયમાં રહી ભણી શકતા હતા. સંત ઓધવરામ મહારાજે પોતાના ઉપર ભેદભાવનો આક્ષેપ લાગવાની ચિંતા રાખ્યા વગર ક. ક. પા. જ્ઞાતિની સેવા કરી છે. ખરેખર જ્ઞાતિના દરેક વ્યક્તિનું રોમેરોમ સંત ઓધવરામ મહારાજનું ઋણી છે.

સંત ઓધવરામ મહારાજે જ્ઞાતિને સતપંથમાંથી છોડાવી અસલ સનાતન ધર્મમાં યશસ્વી ઘરવાપસી કેવી રીતે કરાવી એના વિષે આ પુસ્તકના ખંડ 1માં જણાવેલ પોઈન્ટ 150.4થી શરૂ થાય છે. જેમાં ભગવાન લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ તરીકે જ્ઞાતિને આપવા થકી જ્ઞાતિન સનાતન ધર્મમાં ધર્મ પરિવર્તન થઈ, એ ખાસ વિશિષ્ટતા છે. ભગવાન લક્ષ્મીનારાયણ જ શા માટે? આ અંગે એક અલગ લેખ આ પુસ્તકમાં પ્રકાશિત કરેલ છે, જેણે વાંચવાથી ખ્યાલ આવશે કે સંત ઓધવરામ મહારાજ કેવા દૂરંદેશી હતા અને પોતાનો સ્વાર્થ જોયા વગર જ્ઞાતિનું હિત શામાં છે, એ જોયું. આ બધી બાબતોને લઈને, સંત ઓધવરામ મહારાજના જીવન ઉપર ટૂંકમાં સારો લેખ “કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ”ને પેજ 142માં જોવા મળશે. વિસ્તૃત જાણકારી “સંત ઓધવદાસ” નામના પુસ્તકમાં જોવા મળશે.

સંત ઓધવરામ મહારાજે હરિદ્વારમાં કચ્છી લાલરામેશ્વર આશ્રમ અને બદ્રીનાથમાં ઓરડી પણ જ્ઞાતિને આપી. વધુ જાણકારી માટે આ પુસ્તકના પોઈન્ટ 152.3 જોવા વિનંતી.

સંત ઓધવરામ મહારાજ વખતે અને એમના પછી એમના પટ શિષ્ય સંત દયાલરામ મહારાજે પણ તનતોડ મહેનત કરી જ્ઞાતિની સેવા કરી છે. કચ્છના ગામેગામ અને ગુજરાતના કંપેકમ્પામાં સંત દયાલરામ મહારાજે સનાતન ધર્મનો પ્રચાર કર્યો. જ્ઞાતિ સુધારના કામમાં વડીલ રતનશી ખીમજી અને એમની ટીમ સાથે સંત દયાલરામ મહારાજ પગલેપગલે સાથે હતા.

ત્યાર બાદ, CA પટેલ ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા દ્વારા લિખિત “વાંઢાય દ્વારાનો – અકથિત ઇતિહાસ” નામનો લેખ જે પાટીદાર સંદેશ, પાટીદાર સૌરભ અને સનાતન ધર્મ પત્રિકાના Nov-2021 મહિનાના અંકમાં પ્રકાશિત થયેલ છે, અને “ઉમિયા માતાજી વાંઢાય – અકથિત ઇતિહાસ ભાગ – ૨” જે અને સનાતન ધર્મ પત્રિકાના Dec-2021ના અંકમાં તેમજ  પાટીદાર સંદેશ અને પાટીદાર સૌરભ Jan-2022ના અંકમાં પ્રકાશિત થયેલ છે. આ બંને લેખો પરથી અમુક વાતો સંક્ષિપ્તમાં હવે પછી લેવામાં આવેલ છે.

ક. ક. પા. જ્ઞાતિમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે મોટાપાયે કચ્છ અને ગુજરાતના કંપાઓમાં ઠેર ઠેર સનાતની ચળવળની સભાઓ થતી હતી. આવી જાગૃતિના કાળમાં મોતિસરી કંપાના શ્રી હરિભાઈ કરમશીભાઈના મનમંદિરમાં થયેલ અલૌકિક પ્રેરણાને મૂર્તિમંત કરવા સંત ઓધવરામ મહારાજના માર્ગદર્શન હેઠળ, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના આગેવાનોએ ઉમિયા માતાજીની પાનમૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા તા. 02‑Apr‑1944ના શુભદિવસે કરી. આ અંગે પ્રકાશિત મૂળ (original) અહેવાલ શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ, હેડ ઓફિસ નખત્રાણા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેણે “અભિલેખ 2023” નામના પુસ્તકમાં પેજ 436માં જોઈ શકો છો.

માતાજીના મંદિરની સ્થાપનાથી પહેલાંની આ વાત છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને ધાર્મિક અધોગતિથી મુક્ત કરવાના હેતુથી, પીરાણા સતપંથ ધર્મથી છોડાવ્યા બાદ, સનાતનીઓએ કયા-કયા નિયમો પાળવા જોઈએ એનું માર્ગદર્શન આપવા માટે સંત ઓધવરામ મહારાજે “કડવા પાટીદાર જ્ઞાતિની ઉત્પત્તિ”, “કડવા પાટીદાર ભાઈઓને પાળવા યોગ્ય નિયમો” તેમજ “કડવા પાટીદાર ભાઈઓને કરવા યોગ્ય દૈનિકક્રિયા” જેવા નામો હેઠળ અમુક પ્રકરણો (chapter) વર્ષ 1943માં પ્રકાશિત “ઈશ્વર વિહારી વિલાસ – ભાગ 1 અને 2” પુસ્તકની બીજી આવૃત્તિના પાના ક્ર. 351 થી 364માં પ્રકાશિત કરેલ છે.

વર્ષ 1944માં મંદિરની સ્થાપના થઈ, ત્યારે મંદિરનું સ્વરૂપ એક નાના દેરાનું હતું. કાયમી પૂજારી કે કોઈ પણ કર્મચારી પણ નહોતા. આ મંદિર ઠાકર દ્વારો/ઉદ્ધવ  આશ્રમની અંદર ઊભું કરવામાં આવ્યું હતું. આ સમય હતો સંત ઓધવરામ મહારાજ અને તેમના પછી એમના ગાદીના વારસદાર સંત દયાલદાસજી મહારાજના કાર્યકાળનો. મંદિર પ્રત્યે જાગૃતિ લાવવા પાછળ સંત દયાલદાસજીએ કરેલ અથાક મહેનતનું ઋણ આપણે સ્વીકારવુંજ રહ્યું. જ્ઞાતિના ઇતિહાસમાં સંત દયાલદાસજી પણ એક એવા ઐતિહાસિક સનાતની અકથીત નાયક છે કે જેમના યોગદાનનું યશોગાન આપણે જોઈએ એટલા પ્રમાણમાં નથી ગાઈ રહ્યા. વાંઢાયનો ગુરુદ્વારા એટલે કે “ઈશ્વર આશ્રમ (ગુરુદ્વારા) વાંઢાય (ટ્રસ્ટ રજી A-217 કચ્છ)” જે મૂળ વાંઢાયની સંત પરંપરા દ્વારા સંતોના સમાધિ સ્થાનકની અંદર રહીને વહીવટ કરે છે.

ઉમિયા માતાજી વાંઢાયનું મંદિર જે ઊભું થયું, એ સંત ઓધવરામ મહારાજ જેના ગાદીપતિ હતા એવા દ્વારાની અંદર ઊભું થયું. એ દ્વારો હાલ ઈશ્વર રામજી દ્વારાથી અલગ હતો. ત્યારે એ દ્વારાનું નામ હતું “ઉદ્ધવ આશ્રમ/ઠાકર ગુરુદ્વારો”. સંત ઈશ્વરરામજીની તપોભૂમિમાં આ આશ્રમ હતો. સંત વિહારી સાહેબે જે ગુફા/ભોંયરાંમાં બેસીને તપ કર્યું હતું, બરાબર એ ગુફાની ઉપર ઉમિયા માતાજીનું જૂનું મંદિર બાંધવામાં આવ્યું હતું. મૂળ મંદિર એવી આધ્યાત્મિક તેમજ પુણ્યશાળી જગ્યા ઉપર ઊભું થયું હતું. પણ વર્ષ 2009 જૂના મંદિરની જગ્યા ઉપર હવન કક્ષ બનાવવામાં આવેલ છે અને મંદિર સામેની ખૂલી જગ્યામાં ખસેડી દેવામાં આવેલ છે. જેના વિષે વિસ્તૃત જાણકારી સ્મૃતિ ગ્રંથમાં આપેલ છે જ.

તા. 02-Apr-1944ના માતાજીના પહેલાં પાનમૂર્તિ (છબી/ફોટો)ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યાર બાદ ત્રણ વર્ષ પછી માતાજીની પાકી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. ત્યારે એ સંપૂર્ણ જગ્યા ઠાકર દ્વારાની હતી અને ઠાકર દ્વારો ત્યાં કાર્યરત હતો. અમુક સાધુ સંતો ત્યાં રહેતા હતા. મુખ્યતઃ સંત ઓધવરામ અને સંત દયાલરામજીની અહીં બેઠક હતી. હાલ જ્યાં ઈશ્વર આશ્રમ ગુરુદ્વારો ચાલી રહ્યો છે, ત્યાં ઈશ્વરરામજીની સમાધિ હતી અને ત્યાં સંત ઓધવરામજી મહારાજે વિક્રમ સંવત 1993ની વસંત પંચમી (15-Feb-1937)ના ગુરુકુળ શરૂ કરેલ. શોષિત, પછાત અને ગરીબીથી રિબાતી ક. ક. પા જ્ઞાતિ શિક્ષણમાં ખૂબ પાછળ હોવાના કારણે આ ગુરુકુળમાં ક. ક. પા. જ્ઞાતિના છોકરાઓ માટે વિશેષ છૂટછાટો આપવામાં આવેલ હતી, જે અન્ય જ્ઞાતિ માટે નહોતી. આના સિવાય ત્યાં કંઈ નહોતું.

માતાજીની સેવા અર્થે પહેલી વ્યવસ્થાના ભાગ રૂપે શરૂઆતના ૨૦ વર્ષ જેવા લાંબા સમય ગાળા સુધી માતાજીના મંદિરની સેવા ચાકરી વાંઢાયના ગુરુદ્વારાએ (ઉપર જણાવેલ) કરી. રોજ સવાર અને સાંજે ગુરુદ્વારાથી અચૂક નિયમિત રીતે એક સાધુ મોકલવામાં આવતા. માતાજીના મંદિરની દીવા-બત્તી, પૂજા અર્ચના, વગેરે તમામ સેવાઓ કરવામાં આવતી. ભલે ક. ક. પા. જ્ઞાતિમાં માતાજી પ્રત્યે જાગૃતિ વધી રહી હતી, પણ ધાર્મિક અધોગતિથી સંપૂર્ણ રીતે જ્ઞાતિ છૂટી નહોતી શકી. એ સમયે, જોઈતી જાગૃતિની કમીના કારણે ભાગ્યેજ કોઈ માતાજીના દર્શને આવતું. મંદિરની આવક નહીવત હતી. આવા કઠિન સમયને પસાર કરવાનું બીડું ઈશ્વર આશ્રમે ઉપાડેલ હતું, તે માટે ક. ક. પા. જ્ઞાતિ ઈશ્વર આશ્રમ (ગુરુદ્વારા)ની ઋણી છે.

પણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ધાર્મિક રીતે એક જગ્યાએ સંગઠિત થાય અને ધર્મ બાબતે સ્વતંત્ર રહે એવો આશય સંત ઓધવરામ મહારાજનો હતો. એના માટે સંત ઓધવરામ મહારાજે વાંઢાયનું મંદિર “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ”ને સંપૂર્ણ રીતે સોંપી દેવા માટે કેન્દ્ર સમાજની દિનાંક 05-Jul-1947ની મિટિંગમાં રજૂઆત કરી હતી. જેના વિષે વધુ જાણકારી આ પુસ્તકના પોઈન્ટ 150.26 જોવા વિનંતી.

ઓધવરામ મહારાજના છેલ્લા દિવસોમાં મહારાજશ્રીની ઈચ્છા હતી કે તેમને ઈશ્વરરામજી મહારાજની સમાધિ નજીક રહેવું છે. એટલે ઓધવરામ મહારાજના રહેવા માટે પહેલાં ત્યાં મકાન બનાવવામાં આવ્યું. જે આજે પણ છે. શ્રદ્ધાળુઓ ઓધવરામ મહારાજનો ઢોલિયો એજ મકાનના પહેલા માળા પર જોઈ શકે છે.

પાછળથી જ્યારે સંત દયાલરામજી મહારાજને ગાદીપતિ બનાવ્યા ત્યારે તેમણે હાલના ઈશ્વર આશ્રમનો વિકાસ કર્યો. ઓધવરામ મહારાજે સમાધિ લીધી પછી દયાલરામજી મહારાજ ધીરે-ધીરે ઈશ્વર આશ્રમનો વિકાસ કરતા ગયા. અને ત્યાર બાદ ધીરે ધીરે વહીવટી વ્યવસ્થાઓ પણ ઈશ્વર આશ્રમમાં ગોઠવતા ગયા.

સંત શાંતિરામજી મહારાજ જ્યારે ગાદી પર આવ્યા, ત્યારે એમને ઈશ્વર આશ્રમનો વિશેષ વિકાસ કર્યો. સંત શાંતિરામજી મહારાજનું પૂર્વાશ્રમ એટલે મૂળમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના છે. તેઓ ગામ નાની અરલના છાભૈયા પરિવારના છે. ઈશ્વર આશ્રમના વિકાસના કાર્યો કરતા હતા તે સમયમાં શાંતિરામજી મહારાજે દિનાંક 14-May-1964ના ધમધમતો એ ઠાકર દ્વારા આશ્રમને કેન્દ્રીય સમાજના આગેવાનો અને સનાતની ક. ક. પા. જ્ઞાતિના આગેવાનો એમ કુલ 6 ભાઈઓની સમિતિને સ્વતંત્ર રીતે “કૃષ્ણાર્પણ” કરી દીધો. સરળ ભાષામાં કહીએ તો આખા આશ્રમને કોઈ આર્થિક અપેક્ષા રાખ્યા વગર અર્પણ/દાન કરી દીધો.

સમિતિના સભ્યોના નામો

1)

પટેલ ડાયાભાઈ હરિલાલ

– મોતીસરી કંપા – મૂળ ગામ મથલ

2)

પટેલ પરબત લખુભાઈ પોકાર

– મથલ (કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ)

3)

પટેલ ખીમજી નાગજી લીંબાણી

– મથલ (કેન્દ્રીય સમાજના પૂર્વ પ્રમુખ)

4)

પટેલ કરસન ઉકેડા 

– દેસલપર

5)

પટેલ કાનજી ગોપાલ

– દેસલપર

6)

પટેલ રવજી વેલાણી

– લુડવા

આ ઠાકર દ્વારા આશ્રમ સનાતની ક. ક. પા. જ્ઞાતિને અર્પણ કરી દીધો હોવા છતાં, એક વર્ષ સુધી ઈશ્વર આશ્રમથી રોજ સાધુ નિયમિત રીતે માતાજીની સેવા કરવા માટે મોકલવામાં આવતા.

સંત ઓધવરામ મહારાજની આંતરિક ઈચ્છા પૂરતી અને સંત શાંતિરામજી મહારાજનો ભાવ એવો હતો કે જે પરંપરા એટલે કે હરિહર પરંપરાના એ સાધુ છે, એ પરંપરામાં બધીજ 18 વર્ણના લોકો આવે છે. પણ ઉમિયા માતાજી તો કડવા પાટીદારોના કુળદેવી છે. મંદિર સ્થાપનાની પાછળ ઓધવરામ બાપાનો એ આશય હતો કે સતપંથ ધર્મ છોડનાર કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓ એક તાંતણે બંધાઈ રહે, એ આશયને ચરિતાર્થ કરવા માટે જરૂરી હતું કે માતાજીના મંદિરનો વહીવટ સનાતની ક. ક. પા. સમાજના ભાઈઓ કરે. માટે એમને પોતાની માલિકીનો ઠાકર દ્વારો આજની સનાતની કેન્દ્રીય સમાજ/જ્ઞાતિના આગેવાનોની દેખરેખમાં સાવ અર્પણ/દાન કરી દીધો. કોઈ પણ વળતર લીધા વગર.

ત્યાર બાદ વર્ષ 1973ના અરસામાં ત્રીજી વખત વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. માતાજીનું મંદિર જાગૃત થાય, દર્શન કરવા આવનાર લોકોને પૂરતી સગવડો મળે, તેમજ અન્ય વ્યવસ્થાઓ ઊભી થાય એ માટે સંત વાલદાસજીની પ્રેરણાથી એક નવી કમિટી બનાવવામાં આવી.

કચ્છ કડવા પાટીદાર સમાજના મુંબઈ વસતા અગ્રણી ભાઈઓએ આ બાબતનું બીડું ઝડપ્યું હતું. અને પૂજ્ય વાલદાસજી મહારાજે આ કામ માટે વર્ષમાં બે મહિના વાંઢાયમાં રહેવા સહમતી દર્શાવીને કાર્યકરોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો. મૂળ ગામ કોટડા (જ)ના અને થાણા નિવાસી શ્રી સામજી જીવરાજ લીંબાણી પોતે વર્ષમાં 6 મહિના વાંઢાય રહેતા અને તેમની સાથે શ્રી ધનજી પૂંજા જેવા અન્ય વડીલોએ આ કામ ઉપાડી લીધેલ હતું. અન્ય વડીલોએ જે જવાબદારી ઉપાડી હતી એ છે;

1.     મણિલાલ વાલજી (પટેલ એન્ડ કું., મુંબઈ)

2.     શ્રી શિવગણ રાજા

1.     શ્રી કરસન મૂળજી

2.     શ્રી પ્રેમજી પૂંજા (કેન્દ્ર સમાજના પૂર્વ પ્રમુખ અને સ્થાપક સહમંત્રી)

રૂ. 1,001/- ભરીને લગભગ 80 લોકો આજીવન સભ્ય બન્યા હતા. અને વિશેષમાં શંકર વિજય સો મીલ, મુંબઈવાળા, મૂળ ગામ ઉખેડાના વડીલ શ્રી મનજી વાલજી સાંખલાએ રૂ. 10.000/- આપવાનું વચન આપેલ હતું. આ અંગે વિસ્તૃત જાણકારી Mar-1973ના જાગૃતિ માસિક પાત્રના પેજ 11 માં જોવા મળે છે.

વર્ષ 1977માં ફરીથી મંદિરના વહીવટીય વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો. વર્ષ1977માં સંત શ્રી વાલદાસજી મહારાજની પ્રેરણાથી એક નવું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, “શ્રી ઉમાદેવી તથા ઈશ્વર રામજી અન્નક્ષેત્ર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ”, જેના પહેલા પ્રમુખ શ્રી પ્રેમજી રામજી, કલ્યાણપરવાળા હતા. આ ટ્રસ્ટમાં પણ કેન્દ્રીય સમાજના દિગ્ગજ નેતાઓએ ટ્રસ્ટી, મંત્રી, કારોબારી સભ્ય વગેરે હોદ્દાઓમાં રહીને મહત્વની સેવાઓ આપી. આ ટ્રસ્ટના હોદેદારોની યાદી વર્ષ 2010માં પ્રકાશિત સ્મૃતિગ્રંથના પાના ક્ર. 108થી શરૂ થાય છે. અને ત્યાર બાદનો વ્યવસ્થા અંગેનો ઇતિહાસ પણ એમાં છે.

આ દ્વારાના ઋણની વાત તો શું કરીએ. આ દ્વારાના માર્ગદર્શનમાં સતપંથ ધર્મના વિરુદ્ધ જે મોહિમ ચાલી, એના અનુયાયીઓ પણ આજે પોતાને સતપંથી કરતાં સનાતન-સતપંથી કહેડાવવામાં ગૌરવ અનુભવે છે, એના સાધુઓ પણ આ પ્રકારનો પ્રચાર કરે છે, એ વાંઢાય દ્વારાનો જ પ્રભાવ છે, એનુંજ ઋણ છે.

ક. ક. પા. જ્ઞાતિના રોમેરોમમાં  વાંઢાયના દ્વારાનું ઋણ ભારોભાર છે, જે કોઈ દિવસ ઉતરી શકે એમ નથી.

|| હરિહર ||

|| જય લક્ષ્મીનારાયણ ||      || જય ઉમિયા મા ||    || જય સનાતન ||

Leave a Reply

Share this:

Like this: