Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
196. ભારેલો અગ્નિ: પાછલા પ્રકરણમાં આપણે જોયું કે લોકોમાં સતપંથને લઈને ભારેલો અગ્નિ હતો. સનાતની સમાજ ઉપર સતપંથ તેમજ મવાળોનો એક રીતે કબજો હતો. વર્ષોથી સનાતનીઓ ઉપર સતપંથીઓ દ્વારા ખોટા કેસોના દાખલાઓ ગામેગામ હતા. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી રામજી કરમશીનું સતપંથના ખાનાના ઉદ્ઘાટનમાં શોભા વધારવા જવાના કામે આગમાં ધી નાખવાનું કામ કર્યું.
197. સનાતનીઓને ભોગે સતપંથીઓને છાવરવા સામે ફરિયાદ: CA રમેશભાઈ માવજીભાઈ વાગડિયા સામે ખોટા કેસ થયા બાદ (જુઓ પોઈન્ટ 193), ધીરે-ધીરે એમને ખબર પડી કે આવા ખોટા કેસો ના કિસ્સાઓ ગામેગામ અને કંપેકમ્પામાં છે. અને સનાતનીઓ આના કારણે પીડાઈ રહ્યા છે. દિનાંક 02‑Aug‑2009ના સંસ્કાર ધામ (દેસલપર-વાંઢાય) ખાતે, રાત્રે જમીને, અમુક ચિંતિત સનાતની ભાઈઓ અનાયાસે ભેગા થયા અને આ સતપંથીઓ દ્વારા કરવામાં આવતી કનડગત બાબતે તેમજ સનાતની સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવતી બેદરકારી વિષે, સારી ચર્ચા થઈ.
એટલે દિનાંક 03‑Aug‑2009ના રમેશભાઈ જેવા પીડિત અમુક સનાતની ભાઈઓ કેન્દ્રીય સમાજના વડીલો સાથે મુલાકાત કરી અને ત્યાર બાદ દિનાંક 04‑Aug‑2009નો કેન્દ્રીય સમાજને, અમુક ખોટા કેસોના વ્યવસ્થિત દાખલાઓ ટાંકીને, સનાતનીઓની વ્યથા અને દુઃખ વ્યક્ત કરતો એક ઐતિહાસિક પત્ર લખ્યો. આ પત્રનો હાર્દ એ હતો કે સતપંથીઓ દ્વારા સનાતનીઓ ઉપર થતા ખોટા કેસોના માધ્યમથી અત્યાચારો અને કેન્દ્ર સમાજ દ્વારા સનાતનીઓને ભોગે, સતપંથીઓને છાવરવામાં આવે છે. જેનું યોગ્ય નિરાકરણ કાઢવામાં આવે [27:Page 56]. આ વિષે વિસ્તૃત જાણકારી રમેશભાઈ વાગડિયાએ લખેલ પુસ્તક “સનાતની ચળવળની ૪થી ક્રાંતિના સંસ્મરણો”માં જણાવેલ છે [26].
198. સતપંથીઓની કાયમી છટકબારી125: એક વાત અહીં નોંધ લેવા જેવી છે કે સતપંથીઓ જ્યારે પણ સમાધાન પ્રક્રિયામાં ભાગ લે, ત્યારે જો નિર્ણય એમના પક્ષમાં આવે તો બધું બરાબર. પણ જો નિર્ણય એમના પક્ષમાં ન આવે, ત્યારે એમની કાયમી છટકબારી વાપરે કે “અમને પીરાણાને પૂછવું પડશે”. આ કાયમી છટકબારીથી પણ લોકો બહુજ કંટાળેલા હતા. કારણ કે આમ કરીને શુદ્ધ મનથી સમાધાન પ્રક્રિયામાં જોડાનાર લોકો અને પ્રક્રિયાને મજાકમાં ખપાવી દેવામાં આવતી. એવો ઘણા લોકોનો અનુભવ હતો.
199. હિંમતભાઈનું ઐતિહાસિક ભાષણ: શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણીએ કેન્દ્રીય સમાજની દિનાંક 07‑Aug‑2009ની સામાન્ય સભામાં એક ઐતિહાસિક ભાષણ આપ્યું, જેના પરિણામે સતપંથ સામે સમાજ સંગઠિત થયો અને મવાળોને એક બાજુ કિનારે કરી દેવામાં આવ્યા. હિંમતભાઈ પોતાના મંતવ્ય આપતા જે સ્પષ્ટ રજૂઆત કરી એવી રજૂઆત સમાજના છેલ્લા 50 વર્ષના ઈતિહાસમાં સતપંથ-સનાતનના મુદ્દે કોઈએ ભાગ્યેજ કરી હશે. હિંમતભાઈએ પોતાના મંતવ્યમાં જુસ્સાભેર જણાવ્યું હતું કે અત્યારના પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણીએ હોદ્દાની રુએ કોટડા જડોદર રસ્તા ઉપર આવેલું સતપંથના ભાઈઓનું મીની પીરાણામાં બાવા ઈમામશાહના કહેવાતા મંદિર (ખાનું) તેમજ નિષ્કલંકી નારાયણના કહેવાતા મંદિરના ઉદ્ઘાટનનમાં જઈને સમાજના રીતિરિવાજોની 18મી કલમનો [2:Page 11] ભંગ કર્યો છે. જુઓ પોઈન્ટ (169.1).
રામજીભાઈ સવાયા (વિશેષ) સનાતની છે. પણ ઉપર બેઠેલા ભવાઈયાઓએ ભવાઈ કરી તેમનું માથું ભ્રમિત કરી નાખ્યું. સતપંથ બાબતે અત્યારે જે ચાલી રહ્યું છે તે કેન્દ્રીય સમાજ અને તેના આગેવાનો માટે શોભાસ્પદ નથી. પણ કોઈ જ પૂછવાવાળું નથી. સમાજના રીતિરિવાજોની કલમ 18 અને 19નો ખુલ્લે આમ ભંગ થઈ રહ્યો છે.
તેમણે કટાક્ષ કર્યો કે આપણા પૂર્વજોએ આપણને સુધારીને ઘણી મોટી ભૂલ કરી છે. આપણને ન સુધાર્યા હોત તો આજે આપણે મુમના મુસલમાન બની ગયા હોત. ગાં* (ગુદા) વાંકી કરીને બાંગ પોકારતા થઇ ગયા હોત. સરકારી લાભો લેતા થઈ ગયા હોત. આપણા ડોહાઓએ (વડીલોએ) આપણને હેરાન કરી નાખ્યા (કટાક્ષમાં). કારણ કે આપણે એમના રાહે ચાલવું નથી.
આ ભાષણની ઓડીઓ કલીપે ભારતભરના લોકોના મનોને ધ્રૂજાવી નાખ્યા. ક્લિપ ખૂબ પ્રચલિત (વાયરલ) થઈ ગઈ. જેની સમાજના સનાતનીઓમાં ખૂબ અસરકારક રીતે વ્યાપક અસર થઈ. સંપૂર્ણ ભાષણ માટે સંદર્ભ સૂચિ જુઓ.. [119:Page 174] [27:Page 60].
એવું માનવામાં આવે છે કે સફાઇ અભિયાનના ચળવળની શરૂઆત હિંમતભાઈના આ ભાષણથી થઈ. |
200. “સનાતન ધર્મ જાગૃતિ સમિતિ”ની રચના: સમાજના આગેવાનોના વર્તનથી ચિંતિત થઈને હિંમતભાઈ અને રમેશભાઈ વાગડિયાને એવું લાગ્યું કે (જે બરાબર હતું) કે સામાન્ય જનતા પોતાની જ્ઞાતિ અને પોતાના સમાજના ઇતિહાસથી અજાણ છે. સામાન્ય જનતા જો જાગૃત હશે, તો સમાજના નેતા પણ જાગૃત રહેશે. તે માટે એમણે સમાજ જાગૃતિનું અભિયાન છેડ્યું. ત્યારે એમને ખબર પડી કે જાગૃતિની સાથે સાથે સમાજમાં ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી ગયેલા મવાળોથી પણ સમાજને બચાવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો સમાજને ચોખ્ખી રાખવી પડશે. એટલે સફાઇ અભિયાનના નામથી આ ચળવળ ઓળખાય છે. આ સફાઇ અભિયાનમાં ધીરે ધીરે ઘણા લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયા.
સફાઇ અભિયાન ચળવળની પહેલી “જાગૃતિ સભા” ધનસુરામાં દિનાંક 04‑Oct‑2009ના શરૂ થઈ. ધનસુરાની આ મુલાકાત વખતે, એજ દિવસે, “સનાતન ધર્મ જાગૃતિ સમિતિ”નું ગઠન [27:Page 62] કરવામાં આવ્યું. જેણે ભારતભરનો પ્રવાસ ખેડીને સનાતન ધર્મની જાગૃતિ માટે જ્ઞાતિ સુધારનું અભિયાન ચલાવ્યું.
ધનસુરા પછી ભારતભરની અલગ-અલગ સમાજોમાં, ઠેર-ઠેર લગભગ 65-70 સભાઓ થઈ. એમની છેલ્લી જાગૃતિ સભા (અભિયાન નહીં – અભિયાન તો આજે પણ ચાલુ જ છે) દિનાંક 05‑Apr‑2011ના દહેગામ ખાતે થઈ હતી. આ સભાઓ વિષે વિસ્તૃતમાં પ્રેરણા દાઈ જાણકારી આપતું એક પુસ્તક રમેશભાઈએ લખ્યું છે, જે છે “સનાતની ચળવળની ૪થી ક્રાંતિના સંસ્મરણો”ને [26] ખાસ વાંચવા વિનંતી.
સનાતન ધર્મ જાગૃતિ સમિતિની સભાઓને લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. સેંકડો કિલોમીટરનો પ્રવાસ ખેડીને લોકો હિંમતભાઈ, રમેશભાઈ અને તેમની ટીમના સભ્યોને સાંભળવા આવતા. સમાજના મવાળોને હવે એમનું સિંહાસન ડોલતું દેખાવવા લાગ્યું.
201. માન-અપમાનની ચિંતા ન કરી: જ્યારે એમણે અભિયાન શરૂ કર્યું ત્યારે એમની પરિસ્થિતિ એવી વિકટ હતી કે સમાજના આગેવાનો એમને સાંભળવા પણ તૈયાર નહોતા. આવી પરિસ્થતિમાં જો એ ચૂપ રહે, તો સતપંથ કાયમ માટે સનાતન સમાજમાં સ્વીકૃત થઈ જતું હતું, જે સનાતન સમાજ માટે આત્મહત્યા બરાબર હતું. એટલે ન છૂટકે એમને ઉગ્ર પદ્ધતિથી રજૂઆત કરવા પર મજબૂર થવું પડ્યું હતું. એમના માટે “કૂતરા ભસે છે” એવા અપમાનજનક શબ્દો વાપરવામાં આવતા હતા. તેમ છતાં, પોતાના માન-અપમાનની ચિંતા કર્યા વગર સમાજ માટે ઝઝૂમ્યા.
202. લોકોનો સાથ: આ સફાઇ અભિયાન નિષ્ફળ જાય એ હેતુથી સભા રદ્દ કરવા માટે, આયોજકો પાસે ફોન આવતા. પણ સામાન્ય જનતા એમની સાથે હતી. સાત-આઠ કલાક સતત એક ધારી સભા ચાલતી. લોકો પૂરા સંયમથી પૂરી સભા સાંભળતા અને છેલ્લે સભા પૂરી થાય ત્યારે સતપંથ સમસ્યાને ખતમ કરવાના દૃઢ નિશ્ચય લઈને છૂટા પડતા. આવો હતો એમનો પ્રભાવ અને એમની વાતની સચ્ચાઈ, જે લોકોના હૃદય સુધી પહોંચતી હતી.
203. સમાધાનની બેઠકમાં રમેશભાઈની ધરપકડ: સફાઇ અભિયાન જોરમાં ચાલુ થતું, એવા સમયમાં, CA રમેશભાઈ વાગડિયા ઉપર થયેલ ખોટા કેસની જે વાત અધૂરી રહેલી હતી, (જે પોઈન્ટ (193)માં બાકી રાખી છે), એ કિસ્સામાં નવો વળાંક આવ્યો.
203.1. ઉપરના પોઈન્ટ (197)માં જણાવેલ પત્ર, જે રમેશભાઈએ કેન્દ્રીય સમાજને આપેલ, એ પત્ર ઉપર કાર્યવાહીમાં એક સમાધાન સમિતિ બેસાડવામાં આવી. અને એ સમાધાન સમિતિ સામે, બંને પક્ષો (સનાતન અને સતપંથ પક્ષો) તરફથી જવાબદાર 5-5 આગેવાનોએ, કેસો બાબતે પોતાની વાત રજૂ કરવી, એ પ્રમાણે સમાધાન પ્રક્રિયા ચાલુ થઈ. આ સમાધાન પંચમાં પંચ તરીકે મોટે ભાગે મવાળો જ હતા.
203.2. સમાધાન પ્રક્રિયાના અનુસંધાને દિનાંક 27‑Feb‑2010ના એક સમાધાન મિટિંગ, કેન્દ્રીય સમાજની હેડઓફિસ એટલે નખત્રાણાના છાત્રાલયમાં રાખવામાં આવેલ હતી. તે સમયે સતપંથના આગેવાનોના 5ના બદલે 7 લોકો મિટિંગમાં આવ્યા અને તેમની સાથે બહાર લગભગ 150 સતપંથીઓ બીજા હતા. કોઈ પણ સમજી શકે કે સનાતનીઓ ઉપર માનસિક દબાણ લાવવા માટે આવું કર્યું હતું.
203.3. સમાધાનની મિટિંગ ચાલુ હતી ત્યારે વારાફરતી બંને પક્ષોને બોલાવવામાં આવતા હતા. ત્યારે, જ્યારે રમેશભાઈને બોલાવવામાં આવ્યા અને રમેશભાઈ પોતાના રૂમથી બહાર નીકળીને મિટિંગ રૂમમાં જતા હતા, ત્યારે સતપંથના આગેવાન રતનશી લાલજી વેલાણીએ સતપંથના 150 જણની ભીડ સામે, રમેશભાઈનો હાથ ઊંચો કરીને, બોલ્યા કે આ છે રમેશભાઈ વાગડિયા. કદાચ એ ભીડ વચ્ચે પોલીસ પણ હાજર હોય અને પોલીસને ઓળખ આપવા માટે આ એક ઈશારો હોય.
203.4. થોડી વારમાં સમાધાન મિટિંગ હોલની અંદર પોલીસ આવી ગઈ રમેશભાઈની ધરપકડ (arrest) કરવા. પોલીસ આવવાની જાણ સનાતનીઓને થઈ એટલે 5 જ મિનિટમાં લગભગ 200 થી 300 યુવાનો ત્યાં આવી પહોંચ્યા. સનાતની યુવાનોને જોઈ સતપંથીઓનું ટોળું ભાગી ગયું. સમાધાન પંચના સભ્યો પણ ધીરેથી સરકી ગયા. કેન્દ્ર સમાજના પ્રમુખ એકલા રહી ગયા.
203.5. આધાર ભૂત સૂત્રોથી એવું સાંભળવામાં આવતું કે રમેશભાઈની ધરપકડ કરવા અમદાવાદથી (અસલાલી) પોલીસ આગલા દિવસે જ નખત્રાણા પહોંચી આવી હતી. એમની ખાવાપીવા અને રહેવાની વ્યવસ્થા નખત્રાણાના નવા ખાનામાં કરવામાં આવી હતી. તો પ્રશ્ન એ થાય કે અમદાવાદ પોલીસે રમેશભાઈની ધરપકડ આગલા દિવસે કેમ ન કરી? સમાધાનની પ્રક્રિયા વચ્ચે જ આ તમાશો કેમ કર્યો? એનો જવાબ આગળ જોઈશું.
204. સમાધાન પ્રક્રિયાનો દુરુપયોગ: જ્યારે સમાધાન પ્રક્રિયા ચાલતી હોય, ત્યારે અપેક્ષા એ હોય કે બંને પક્ષોએ પોતાના મતભેદોની દૂરી ઓછી કરીને, એક બીજાને સમજીને નજીક આવવાની કોશિષ કરવી જોઈએ. પણ ઉપરની ઘટનાથી દેખાઈ આવ્યું કે સતપંથીઓએ સમાધાનનો માત્ર ડોળ126 કર્યો હતો. સમાધાન પ્રક્રિયાના બહાના હેઠળ એમને રમેશભાઈના ધરપકડના માધ્યમથી સનાતનીઓને ડરાવવાનો પેંતરો / નૌટંકી કરી હતી, એ જણાઈ આવ્યું.
205. કેન્દ્ર સમાજ સાથે દગો: જે લોકો સાથે સનાતનીઓની કેન્દ્રીય સમાજે, પોતાના ભૂલેલા ભાઈ, આજે નહીં તો કાલે, સાથે રાખીશું તો ધીરે-ધીરે પાછા સનાતનમાં આવશે, એવી ઉચ્ચ ભાવના રાખીને સતપંથીઓને સાથે રાખ્યા, પણ સતપંથીઓએ સનાતનીઓને પોતાના ગણ્યા નહીં. સનાતની સમાજમાં માત્ર પોતાની હિન્દુ ઓળખ ઊભી કરવા માટે આવ્યા અને સનાતની સમાજમાં મવાળોને દાખલ કરી લાંબે ગાળે નુકસાન કરવાની ભાવના રાખી, એવું લોકોને ચોખ્ખે ચોખ્ખું દેખાવવા લાગ્યું.
206. સતપંથ મુક્ત સનાતની સમાજ બનાવવા કટિબદ્ધ: રમેશભાઈની ધરપકડ પાછળની રમત, પોલીસ આવે ત્યારે મવાળોનું સમાજના પ્રમુખ અને ત્યાં ભેગા થયેલ સામાન્ય સમાજ જનોને એકલા મૂકીને ભાગી જવું, ઉપર જણાવ્યા પ્રમાણે સતપંથી સભ્યોની મેલી મુરાદ, વગેરે તમામ હકીકતો, છાત્રાલયમાં હાજર રહેલા 200 થી 300 સનાતની યુવાનોએ નજરો નજર જોઈ.
લોકો સમજી ગયા કે આ ધરપકડ રમેશભાઈની નહીં, પણ સનાતની ચળવળની ધરપકડ કરવાનો પ્રયત્ન હતો. સનાતની સમાજ ઉપર સતપંથી દ્વારા કબજો કરવાનો પ્રયત્ન હતો. આ વાત વાયુના વેગે ક. ક. પા. જ્ઞાતિમાં ફેલાઈ ગઈ. પરિણામે સનાતની યુવાનોનું લાહી ઉકળ્યું અને સનાતની જ્ઞાતિને સતપંથ મુક્ત કરવા માટે સર્વે મનોમન કટિબદ્ધ થયા.
207. સતપંથીઓને કેન્દ્રીય સમાજમાં કોઈ સ્થાન નથી -પુરવાર કર્યું: સતપંથીઓથી કેન્દ્ર સમાજને મુક્ત કરવા બાબતે, કેન્દ્રીય સમાજના હોદેદારોની દલીલ હતી કે સમાજના બંધારણમાં સનાતન ધર્મનો ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એટલે અમારા હાથ બંધાયેલા છે અને કેન્દ્રીય સમાજને અમે સનાતની સમાજ છે એમ ઘોષિત કરી શકતા નથી.
એટલે દિનાંક 13‑Feb‑2010ના કેન્દ્રીય સમાજના સર્વે ટ્રસ્ટીઓ અને હોદ્દેદારો સાથે “સનાતન ધર્મ જાગૃતિ સમિતિ”ની એક મિટિંગ લેવામાં આવી. આ સભા સનાતન ધર્મ જાગૃતિ સમિતિ માટે બહુજ અગત્યની હતી. કારણ કે જો કેન્દ્રીય સમાજના ટ્રસ્ટી–હોદ્દેદારોને સમજાવવામાં નિષ્ફળ થાત, તો સનાતન ધર્મ જાગૃતિ અભિયાન ખોરંભાઈ જાત. આ મિટિંગની સફળતા અને નિષ્ફળતા ઉપર સમાજની “સનાતની સમાજ” તરીકેની ઓળખનો પૂરેપૂરો મદાર હતો.
એ મિટિંગમાં કેન્દ્રીય સમાજના આગેવાનોની દલીલ હતી કે, આ સમાજનો કોઈજ ધર્મ નથી અને આ સમાજને ધર્મ સાથે કંઈજ લેવા દેવા નથી. આ એક ધર્મ નિરપેક્ષતાવાળો સમાજ છે. એટલે આ સમાજમાં જે વ્યક્તિ સનાતન ધર્મ પાળતો હોય તે પણ સભ્ય બની શકે છે અને સતપંથ ધર્મ પાળતો હોય તે પણ સભ્ય બની શકે છે. આ બાબતે એ લોકોનો તર્ક હતો કે; ના તો સમાજના નામમાં અને ના તો સમાજના બંધારણમાં સનાતન ધર્મ બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે અમારા હાથ બંધાયેલા છે અને સનાતન જાગૃતિ સમિતિની દલીલ કે કેન્દ્રીય સમાજ “સનાતની સમાજ છે” એ અમે માન્ય રાખી શકીએ એમ નથી.
પણ, સદભાગ્યે કેન્દ્રીય સમાજના આગેવનોની આ મજબૂત તર્ક આધારિત દલીલને તોડી પાડવામાં સનાતન ધર્મ જાગૃતિના બંને આગેવાનો, હિંમતભાઈ અને રમેશભાઈ સફળ રહ્યા. એ લોકોએ સફળતા પૂર્વક વડીલોને ગળે ઉતારી દીધું કે કેન્દ્રીય સમાજ “માત્ર” સનાતનીઓની જ સમાજ છે. એમાં સતપંથીઓને કોઈ સ્થાન નથી. આ વિષયને વિસ્તૃત જાણકારી સતપંથ છોડો પુસ્તકના પેજ 66માં બહુજ સુંદર રીતે આપેલ છે [27:Page 66].
208. Turning point / ક્રાંતિકારી પરિવર્તન: ઉપર જણાવેલ દિનાંક 13‑Feb‑2010ની મિટિંગની સફળતા આ સફાઇ અભિયાન માટે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી નીવડી. આ મિટિંગ પછી કેન્દ્રીય સમાજે સ્વીકારી લીધું કે એ માત્ર સનાતનીઓની જ સમાજ છે અને સતપંથીઓનું આ સમાજમાં કોઈ સ્થાન નથી. એટલે સનાતનીઓની માતૃ સંસ્થા, જે સફાઇ અભિયાનના વિરોધમાં ચાલતી હતી એ હવે સમર્થનમાં આવી ગઈ.
209. શ્વેત પત્ર: સનાતન ધર્મ જાગૃતિ સમિતિની મહેનત રંગ લાવી રહી હતી. ધીરે-ધીરે સ્થાનિક સમાજો અને ઝોન તરફથી પણ સહયોગ મળવા લાગ્યો. લોકો તરફથી કેન્દ્ર સમાજ પોતાની સનાતની ઓળખ સ્પષ્ટ કરે એવું દબાણ આવવા લાગ્યું. મુંબઈ ઝોને દિનાંક 19‑Mar‑2010ની એક સભામાં કેન્દ્રીય સમાજ પોતાની સનાતની ઓળખ જાહેર કરવા માટે એક ડ્રાફ્ટ (સૂચિત) “શ્વેત પત્ર” તૈયાર કરીને કેન્દ્ર સમાજને મોકલ્યું. અને કેન્દ્ર સમાજ એના પર કાર્યવાહી કરીને દિનાંક 25‑Mar‑2010ના “શ્વેત પત્ર” [27:Page 47] [4:Page 247] બહાર પાડ્યું,
જેમાં કેન્દ્ર સમાજ સનાતનીઓની છે અને તેનો ધર્મ સનાતન હિન્દુ ધર્મ છે, એવું જાહેર કરવામાં આવ્યું. શ્વેત પત્રમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય સમાજમાં તમામ સતપંથી સભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું અને બાકીના તમામ આજીવન સભ્યોને ફરીથી સભ્યપદ મેળવવું, એવો નિર્દેશ કરવામાં આવ્યો. અને સાથે જાહેર કરવામાં આવ્યું કે કેન્દ્રીય સમાજના સ્વર્ણિમ મહોત્સવમાં સતપંથીઓ ભાગ નહીં લઈ શકે.
210. શ્વેત પત્ર વિરોધ રેલી: આ શ્વેત પત્રના વિરોધમાં સતપંથીઓએ નખત્રાણામાં દિનાંક 01‑May‑2010ના એક રેલી કાઢી. આ રેલી માટે લોકો ભેગા કરવા ગુજરાતના કંપા વિસ્તારથી સતપંથીઓને લઈ આવવા માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ તેમની આ રેલી નિષ્ફળ થઈ ગઈ. રેલીને બોર્ડિંગની અંદર આવવા ન દેવામાં આવી. ગેટની બહારથી જ એમને પાછા રવાના કરી દેવામાં આવ્યા.
211. બંધારણ સુધાર: શ્વેત પત્ર પછી કેન્દ્રીય સમાજે પોતાનું બંધારણ પણ સુધાર્યું. સંસ્થા ચેરિટિ કમિશનર પાસે રજિસ્ટર્ડ હોવાના કારણે નામ બદલાવ્યું નહીં (કારણકે એ થોડી લાંબી પ્રક્રિયા છે). પણ ઉદ્દેશો, પ્રવૃત્તિઓ, સભ્ય પદ મેળવવા માટેની શરતો, સભ્ય પદ રદ્દ કરવાના નિયમો, વગેરેમાં સનાતન હિન્દુ ધર્મનો મુદ્દો સામેલ કરી, કેન્દ્રીય સમાજનું બંધારણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું.
212. સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમ: કેન્દ્રીય સમાજની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી નિમિત્તે સ્વર્ણિમ મહોત્સવ દિનાંક 09‑May‑2010 થી 11‑May‑2010 વચ્ચે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સતપંથીઓને ભાગ લેવા પર બંધી હોવાથી સનાતનીઓને પહેલી વખત એવું લાગ્યું કે આ સમાજ તેમની છે. છૂટથી જય લક્ષ્મીનારાયણ બોલવાનું અને છૂટથી સનાતન ધર્મની જય બોલવાનું ફરી શરૂ થયું. સનાતનીઓનો જુસ્સો અનેરો હતો.
213. સ્વર્ણિમને સથવારે ચાલ્યા.. સમર્થ પાટીદાર: કેન્દ્રીય સમાજના સ્વર્ણિમ મહોત્સવ કાર્યક્રમમાં ભારતભરના અનેક લોકોએ નાના-મોટા કાર્યક્રમો કરીને પોતાનો સાથસહકાર દર્શાવેલ હતો. એમાંનો એક કાર્યક્રમ “સ્વર્ણિમને સથવારે ચાલ્યા કડવા પાટીદાર… સમર્થ પાટીદાર..”127 [8] નામની એક નાટિકા હતી. જ્ઞાતિના સારસ્વત પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આ નાટીકા જ્ઞાતિના ધાર્મિક ઇતિહાસ ઉપર હતી. આ નાટીકાએ લોકોના હૃદયને એવી રીતે સ્પર્શી ગઈ કે 10,000થી પણ વધુ દર્શકોના મંડપમાં પિનડ્રોપ સાયલન્સ (pindrop silence) અને ઉત્કંઠા સાથે એકદમ જકડી રાખ્યા હતા. TV કેબલમાં પણ અનેક લોકોએ આ નાટીકા નિહાળી.
આ નાટિકાએ સનાતની ચળવળની ચેતના જન-જન સુધી પહોંચાડી. આ નાટીકાની 10,000 કરતાં વધુ CDનું વેચાણ થયું. આ નાટીકા પછી સમાજના બૌધિક વર્ગનો સાથ મળ્યો. નાટિકાથી સનાતની જુસ્સો બળવત્તર બનતાં સમયાંતરે મિક્સમાં ચાલતા સંગઠનોએ શુધ્ધિકરણ અપનાવી કેન્દ્રીય સમાજને મોટું બળ આપ્યું. ત્યારબાદ સનાતન એજ્યુકોઝ, સનાતન મેડીકોઝ, સનાતન એડવોકેટ્સ, સનાતન CA & CS જેવાં સંગઠનોએ કેન્દ્રીય સમાજની સનાતની વિચારધારાને વધુ વેગવંતી બનાવવાનું કાર્ય કર્યું. આ વિષય ઉપર વધુ માહિતી આપતો લેખ આ પુસ્તકમાં આગળ આપેલ છે.
214. પાંચમું જ્ઞાતિ અધિવેશન: દિનાંક 12‑May-2010ના 5મું જ્ઞાતિ અધિવેશન બોલાવવામાં આવેલ હતું. આ અધિવેશન સમસ્ત કચ્છ કડવા પાટીદારોનું હોવાથી સતપંથીઓ પણ હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં જ્ઞાતિના રીતરિવાજો પાસ કરવામાં આવી રહ્યા હતા. જ્યારે 18મી કલમ (હિન્દુ રીતરિવાજો પાળવા) અને 19મી કલમની (સામાજિક અને ધાર્મિક વિવાદ કોર્ટમાં લઈ જવા નહીં) વાતો આવી. ત્યારે સતપંથીઓએ વિરોધમાં ખુરશીઓ તોડી અને શિષ્ટાચારનો ભંગ કર્યો. આ વિષે પોલીસમાં ફરિયાદો પણ થઈ.
215. Real Patidar / રિયલ પાટીદાર: આ ચળવળમાં એક એવું પાત્ર છે કે ક્યાંય ન હોય, પણ હોય બધે. એક એવું પાત્ર જે દેખાય નહીં, પણ એનો આવાજ બધે પહોંચતો હોય. એક એવો વ્યક્તિ જે ક્યાંય નથી, પણ એના વિચારો દરેક વ્યક્તિ,જાણે-અજાણે વાગોળતો હોય છે. આ રિયલ પાટીદાર કોણ છે એ કોઈને ખબર નથી. એ માત્ર ઈમેલ દ્વારા જ લોકોના સંપર્કમાં રહે છે.
આ રિયલ પાટીદારે સનાતન ચળવળમાં બહુજ મોટું યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયાની હજી શરૂઆત થઈ રહી હતી. હિંમતભાઈ ખેતાણી અને રમેશભાઈ વાગડિયા ભારતભરમાં સભાઓ કરી લોકોને સતપંથની સચોટ જાણકારી આપતા હતા. એ સમયમાં રિયલ પાટીદારે સાવ નવતર પદ્ધતિ અપનાવી. એમને ઈમેલનો જબરદસ્ત ઉપયોગ કર્યો.
સતપંથના ઇસ્લામી મૂળથી લઈ ને બાહ્ય હિન્દુ દેખાવ પાછળની સતપંથની રણનીતિને વ્યવસ્થિત રીતે, એકદમ પદ્ધતિ સર, કોઈ પણ સામાન્ય માણસને સમજાય એવી રીતે, પુરાવાઓ સહિતના લેખો તૈયાર કરી ઈમેલના માધ્યમથી રિયલ પાટીદાર દ્વારા મોકલવામાં આવતા. આ ઈમેલની સનાતનીઓ, એમાંય ખાસ નવ યુવાનો, ખૂબ આતુરતાથી રાહ જોતા. આ ઈમેલના કારણે સનાતની ચળવળની વાતો, જે પહેલાં સભા પૂરતી રહી જતી એ હવે સતપંથીઓના ઘરની અંદર સુધી પહોંચી જવા લાગી. પરિણામે સતપંથી યુવાનો પણ જાગૃત થવા લાગ્યા. સામે સામે સવાલો જવાબો પણ થયા. સતપંથીઓ અને સનાતનીઓ વચ્ચે ઉત્તર અને પ્રતિ-ઉત્તરનો દોર ઈમેલના માધ્યમથી થવા લાગ્યો. જેથી એક પ્રકારનો ઈમેલ ઉપર ઇન્ફોર્મેશન-વોર (માહિતી આદાનપ્રદાનની લડાઈ) છેડાયો હતો.
ઘણા લોકો જોડાવાથી થોડા દિવસો પછી realpatidar.com નામથી એક વેબસાઇટ પણ ચાલુ કરી, જેમાં જાગૃતિ માટે મોકલાવેલ તમામ ઈમેલને અપલોડ કરવામાં આવેલ છે. સમય જતાં ધીરે ધીરે videoના માધ્યમથી પણ સતપંથની છૂપી સચ્ચાઈ website પર ચડાવેલ છે. જેના પરિણામે યુવાનો ખૂબ જાગૃત થયા અને એમની પાસે હવે દસ્તાવેજી પુરાવાઓ આવી ગયા હતા, જે પહેલાં એમની પાસે નહોતા. થોડા વર્ષોથી એમને whatsapp પર “ખાસ ખબર”ના નામથી પણ માહિતી મોકલવાનું શરૂ કર્યું છે.
રિયલ પાટીદારના યોગદાન વિષે ટૂંકમાં કહીએ તો એને “બૌદ્ધિક શક્તિ” આ મોહિમને આપી છે. એના યોગદાનના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે ;
1. તાકીયા: ઇસ્લામની એક ખતરનાક રણનીતિ, અલ-તાકીયા (AL–TAQIYYA)128નો સતપંથમાં થતા ઉપયોગની વાતને લોકો સામે ખુલ્લી કરી. સતપંથીઓની રમતો જે અગાઉ લોકોને સમજમાં નહોતી આવતી, એ હવે, તાકીયા જાણ્યા પછી પૂરી વાત બરાબર સમજમાં આવવા લાગી.
2. સત્ય પ્રકાશ: પીરાણા સતપંથનો પદ્ધતિસર ઇતિહાસ, અને એના જન્મ થી લઈને હમણાં સુધીનો સંપૂર્ણ ઇતિહાસ આવરી લેતું પુસ્તક “સત્ય પ્રકાશ” [119] આપ્યું. આ પુસ્તકમાં પીરાણા સતપંથ દ્વારા અપનાવવામાં આવતી રણનીતિને ખુલ્લી કરી લોકોને સમજાવવામાં આવ્યું છે. આ પુસ્તકને કંઠી વિભાગના આગેવાનો દ્વારા પ્રકાશિત પણ કરવામાં આવ્યું છે.
3. ઇસ્લામી બીજ: સતપંથમાં શું ખોટું છે? એના જવાબમાં લોકો પાસે દફન વિધિ, મધ્ય રાતની પૂજા, વગેરે બાહ્ય લક્ષણોના દાખલાઓ રહેતા. પણ નક્કર ખોટું શું છે એ સ્પષ્ટ રીતે જણાવી શકતા નહોતા. જ્યારે રિયલ પાટીદારે સતપંથમાં રહેલ “ઇસ્લામી” બીજને સ્પષ્ટ શબ્દોમાં દુનિયા સામે રજૂ કરીને લોકોને આ ખૂટતી સમજ આપી. એ ઇસ્લામી બીજ છે;
a. ઈમામશાહ
b. નિષ્કલંકી નારાયણ
c. સતપંથના શાસ્ત્રો, અને
d. પીરાણાની ઈમામશાહની કબર / દરગાહ
રિયલ પાટીદાર દ્વારા સતપંથના ઇસ્લામી બીજ પ્રત્યે જાગૃતતા લાવવાના કારણે, આગાઉ સતપંથીઓ બાહ્ય ફેરફારો કરીને સનાતનીઓને જે રીતે ભરમાવતા એ બધુ બંધ થઈ ગયું. અથવા થોડી વાતો સનાતનની સ્વીકારીને કહેતા, જુઓ અમે પણ સનાતની છીએ. પણ હવે ફેરફારોની વાત આવે, ત્યારે સનાતનીઓ ભરમાયા વગર બરાબર એ જોતાં થઈ ગયા કે શું ઉપર જણાવેલ ઇસ્લામી બીજ સતપંથમાંથી નીકળ્યું? જો ના, તો સતપંથ મુસલમાન ધર્મ છે, પછી ગમે એટલા હિન્દુ હોવાનો નાટક કરે, એનાથી કોઈ ફરક પડશે નહીં. આના કારણે સતપંથ સામે લડત આપવામાં સનાતનીઓના આત્માવિશ્વાસમાં ખૂબ જ વધારો થયો.
4. લાયબ્રેરી: રિયલ પાટીદારે પોતાના વેબસાઇટમાં બધા માટે ફ્રી ઓનલાઇન લાયબ્રેરી (https://www.realpatidar.com/library)129 ઉપલબ્ધ કરાવેલ છે. આ લાયબ્રેરીમાં સતપંથ વિષેના ખૂબ મહત્વના દસ્તાવેજો, પુસ્તકો, Research Thesis, કોર્ટના દસ્તાવેજો, સરકારી gazetteer, વિડીયો, ક. ક. પા. જ્ઞાતિના જૂના અને દુર્લભ દસ્તાવેજો, શંકરાચાર્યના પ્રમાણ પત્રો, વિશ્વકોષ (Encyclopedia), આંતરાષ્ટ્રીય લેખકોના લેખો અને પુસ્તકો, યુનિવર્સિટિના પુસ્તકો, વગેરે તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરેલ છે. આ પુસ્તકમાં પણ, સગવડ અને સહેલાઈને ધ્યાનમાં રાખીને, મોટેભાગે સંદર્ભોને રિયલ પાટીદાર લાયબ્રેરીના પુસ્તકો સાથે લિન્ક કરેલ છે.
5. લેખો: ઉપર જણાવેલ તમામ બાબતો અને ક. ક. પા. જ્ઞાતિમાં થતી ઘટનાઓ ઉપર ખૂબ ઊંડો અભ્યાસ કરીને, મહા મહેનતથી તૈયાર કરેલ, સરળ ભાષામાં બનાવેલ લેખો પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરેલ છે. એના લેખોમાં આપેલ જાણકારીની ગુણવત્તા અને સચોટતા એકદમ પ્રોફેશનલ લેવલની હોય છે. આવા લેખોના માધ્યમથી સતપંથની રણનીતિ અને એનો કેવો ઈરાદો છે, એના પર પુરાવા સાથે વાત રજૂ કરવામાં આવેલ છે. આ લેખોએ ચળવળને બળ આપવા, લોકોના મન, વિચાર અને બુદ્ધિ ઉપર ખૂબ ઊંડો સકારાત્મક પ્રભાવ નાખ્યો છે, એમાં કોઈ બેમત નથી.
રિયલ પાટીદાર વિષે એક વાત સ્પષ્ટ રીતે કહી શકીએ કે નારાયણ રામજી લીંબાણી પછી સતપંથના શાસ્ત્રો અને એની રણનીતિની પોલ ખોલવા માટે કોઈ કામ થયું હોય, તો સહુથી વધારે અને અસરકારક કામ રિયલ પાટીદારે કર્યું છે. રિયલ પાટીદારનો પ્રભાવ આ ચળવળના બધાજ તબક્કાઓમાં જોવા મળે છે. આ એવો નાયક કે પાત્ર છે, કે જેનું કામ જે એની ઓળખ છે.
216. ભારતભરની સમાજોનો સાથ: કેન્દ્રીય સમાજ પછી ભારતભરની સ્થાનિક સમાજો અને તમામ ઝોન સફાઇ અભિયાનમાં જોડાયા. ધીરે ધીરે સ્થાનિક સમાજો પણ સતપંથ મુક્ત જાહેર થવા લાગી. ઘણી સમાજોએ પોતાના બંધારણ અને નામો પણ સુધાર્યા. નામમાં “સનાતન” શબ્દ ઉમેર્યો. સંસ્થા માત્ર સનાતનીઓની છે એવી રીતે બંધારણો પણ સુધાર્યા. જ્ઞાતિ સુધારની ચળવળ અનુરૂપ દરેક સમાજોએ પોતપોતાનાં નવા નીતિ નિયમો ઘડયા અને ચળવળને મજબૂત કરી.
217. યુવાસંઘનું કેસરી પત્ર: કેન્દ્રીય સમાજના શ્વેત પત્ર બહાર પડયા પછી, દિનાંક 01-Jul‑2010ના બહાર પાડેલ આદેશ અનુસાર યુવાસંઘે પણ પોતાના સ્થાનિક યુવામંડળથી લઈને કેન્દ્રીય યુવામંડળ સુધી સંપૂર્ણ સંગઠનને સતપંથ મુક્ત કરવાનો દિનાંક 20‑Jul‑2010ના કેસરી પત્ર [27:Page 74] વડે આદેશ બહાર પાડ્યો. જેનાથી સમાજના યુવાઓ પણ જાગૃત થયા અને જ્ઞાતિ સુધારના અભિગમ સાથે જોડાઈ ગયા.
218. સંસ્કાર ધામનું ઉદ્ઘાટન: સનાતન સમાજે ગામેગામ ઊભા કરેલા, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરોને એક સૂત્રે બાંધવા, તેમનામાં એક વાયકતા લાવવા, અને સમાજમાં ધર્મનું મજબૂત સંગઠન ઊભું કરવા માટે દેસલપર-વાંઢાય ખાતે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું કેન્દ્ર સ્થાન એટલે કે સંસ્કાર ધામ ઊભું થવા જઈ રહ્યું હતું.
પણ લોકોમાં જોઈતા પ્રમાણમાં ઉત્સાહ જોવામાં આવતો નહોતો. સંસ્થા ઊભી કરવા માટે જરૂરી દાનનો પ્રવાહ પણ બહુ ઓછો હતો. કેટલા મંદિરો ઊભા કરશો? એ વાતને લઈને લોકોમાં સહજ નિરસતા હતી. લક્ષ્મીનારાયણ મંદિરોનું કેન્દ્ર સ્થાન તરીકે એમને સંસ્કાર ધામનું મહત્વ સમજાતું નહોતું. સનાતન ધર્મ જાગૃતિ જે સફાઇ અભિયાન ચલાવ્યું એમાં સંસ્કાર ધામ માટે ખૂબ જ પ્રચાર કર્યો. લોકોને ખાસ આહ્વાન કરવામાં આવતું કે સંસ્કાર ધામ સાથે જોડાઓ, એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપો.
પરિણામે દિનાંક 11‑May‑2011 થી 14‑May‑2011 સુધી યોજાયેલ સંસ્કાર ધામના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં લોકોની ખૂબ ઉત્સાહ અને મોટી હાજરી જોવા મળી.
219. નારાયણ કથા: સનાતની મોહિમને વેગ આપવા માટે એવું લાગ્યું કે જો સનાતની ઈતિહાસના નાના-નાના પ્રસંગો નાટ્ય સ્વરૂપે, તેમજ ચલચિત્રના માધ્યમથી રજુ થાય અને તેની સાથે કથાકારની જેમ વ્યાસપીઠ પર બિરાજમાન થઈ સંગીત સાથે સનાતની ગાથાને એક જ સેશનમાં રજુ કરવામાં આવે તો, સૌ યુવાઓ અને વડીલો તેને બહુ પસંદ કરશે અને ખબર ન પડતા પોતાના ઇતિહાસથી વાકેફ થઈ જશે. આ પદ્ધતિથી “શ્રી નારાયણ કથા”ઓ શરૂ કરવામાં આવી.
આ કામની જવાબદારી તલોદવાળા ડો. વસંત ધોળુ અને એમની ટીમે ખૂબ સારી રીતે નિભાવી. એમની ટીમે ભારતભરમાં પ્રવાસ ખેડીને 18 નારાયણ કથાઓ કરી.
એનું એટલું સુંદર પરિણામ આવ્યું કે આ “સનાતની નારાયણ કથા”એ સમાજના યુવાઓ અને જ્ઞાતિજનોમાં નવીન ઉર્જાનો સંચાર કર્યો અને સમાજની સનાતની ચળવળને ખુબ મોટો સહયોગ આપ્યો. કેટલાય ઢીલું વલણ ધરાવતા જ્ઞાતિજનોના દિલમાં આ કથાના માધ્યમથી સનાતની મજબૂતાઈ કાયમ કરવામાં સફળતા મળી. એ વખતના વડીલોના સમર્પણનું ચિત્ર આબેહુબ રજુ કરી હાલની સામાજિક યોજનાઓમાં પણ તેઓને મોટી સંખ્યામાં આસાનીથી જોડી શક્યા. આમ, “શ્રી નારાયણ કથા” એ સનાતની ચળવળમાં શ્રીસમાજ માટે મોરપીંછ સાબિત થઈ.
220. સફળતા – હજારો લોકોની ઘરવાપસી: ઉપર જણાવેલ મુખ્ય પ્રયાસો અને એની સાથે કેટલાક નામી અનામી સનાતનીઓના સતત પ્રયાસોથી હજારો સતપંથીઓને ઘરવાપસી કરાવવામાં સફળ થયા. ઉપર જણાવેલ વાતો તો દાખલા સ્વરૂપ છે. એનો મતલબ એમ નથી કે અન્ય આગેવાનોના કામનું મહત્વ ઓછું છે. બધાના સહિયારા પ્રયાસોથી મોહિમને સફળતા મળી. સમયની કમીના કારણે કદાચ કોઈના મહત્વના યોગદાનની નોંધ લેવાની રહી ગઈ હોય તો તેના બદલ ક્ષમા કરશો એવી નમ્ર વિનંતી છે.
કચ્છ, કંપા વિસ્તાર, અને બહારની અનેક સમાજો ધીરે ધીરે સનાતની જાહેર થવા લાગી. મોટે ભાગે સતપંથી સભ્યોને સમજાવી એમના દિલ જીતીને સનાતન સમાજમાં ભેળવી દેવામાં આવ્યા. અન્ય જે હઠ કરી ન માન્યા, એ લોકોને સનાતન સમાજમાંથી દૂર કરી દેવામાં આવ્યા.
221. દક્ષિણ ભારત ઝોનમાં એક સાથે સેંકડો લોકો સનાતનમાં આવ્યા: એવો જ એક દાખલો દક્ષિણ ભારત ઝોનનો છે. દિનાંક 14‑Jan‑2020ના એક સાથે 140 પરિવારોને, એટલે કે સેંકડો લોકો, સનાતનમાં આવ્યા.
222. માંડવી હોસ્ટેલ કાંડ: કહેવાય છે ને કે સારા કામોમાં વિઘ્નો ઘણા. સફાઇ અભિયાનને દિવસ રાત મળતી સફળતા સામે ઈર્ષા રાખનાર અમુક લોકોએ કેન્દ્રીય સમાજની માંડવી ખાતે આવેલી લખુ વિરજી ધોળુ કુમાર છાત્રાલયને (જુઓ પોઈન્ટ 165.8) કેન્દ્રીય સમાજને નુકસાન થાય એવી રીતે, સતપંથીઓને સાથે રાખીને, કાયદાકીય દાવ પેચ રમીને, પચાવી પાડવા માટે ષડયંત્ર કરેલ છે. જેની સામે કેન્દ્રીય સમાજ કાનૂની લડાઈ લડી રહી છે.
વિષયની ગંભીરતા સમજીને ઉમિયા માતાજી વાંઢાયએ આ બાબતે બંને પક્ષોને સાંભળી, પુરાવાઓનો ઊંડાણથી અભ્યાસ કરીને દિનાંક 22‑Aug‑2018ના લવાદપંચનો અહેવાલ [21] આપેલ છે, જેમાં માંડવી હોસ્ટેલ કેન્દ્રીય સમાજની છે એવું સ્પષ્ટ કહેલ છે.
માંડવી હોસ્ટેલ કાંડના દોષી લોકોએ જ્ઞાતિને અને સમાજને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇતિહાસ જણાવે છે કે સમાજ અને જ્ઞાતિને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ અને એમના પરિવારને બહુ ખરાબ રીતે ભોગવવાનો વારો આવે જ છે. ભાગ્યલક્ષ્મી માતાની કૃપા દૃષ્ટિ એમના પર નહીં જ રહે. એમના સારા દિવસોમાં એમને ખબર નહીં, પડે પણ ખરાબ દિવસો આવશે ત્યારે ભગવાન એમની સાથે નહીં હોય.
223. સનાતનીઓની મિલકત પચાવી જવાના દાખલાઓ – નવાવાસ-રવાપર અને વિરાણી-ગઢ: પ્રેમ-એકતા-સંપ-સંગઠન જેવા શબ્દોની માયાજાળમાં ફસાઈને સનાતનીઓ અને સતપંથીઓની સંયુક્ત મિલકતો ઉપર સતપંથીઓ દ્વારા ખોટા કોર્ટ અને પોલીસ કેસના માધ્યમથી જબરદસ્તી કબજો મેળવી લીધો અથવા વાપરવા ન દેવાના જીવંત દાખલાઓમાં ગામ નવાવાસ (રવાપર) અને વિરાણી (ગઢ)ના છે. આ બાબતની નોંધ લેવા જેવી છે [27:Page 39].
224. સતપંથી રતનશી લાલજી વેલાણીનો ખોટો દાવો કે એ કેન્દ્રીય સમાજના પ્રમુખ છે: જ્ઞાતિ સુધારના કામમાં સનાતનીઓ આગળ વધી રહ્યા હતા. તેવામાં સતપંથના એક અગ્રણી નેતા રતનશી લાલજી વેલાણીએ પોતાને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (કેન્દ્રીય સમાજનું નામ)ના પ્રમુખ છે એવી જાહેરાતો જાહેર પત્રોમાં આપી. જેવી કે કચ્છ મિત્રના ભુજ આવૃત્તિમાં દિનાંક 16-Oct-2014 – પેજ 15, દિનાંક 20-Oct-2014, દિનાંક 24-Sep-2014 – પેજ 11, દિનાંક 13-Aug-2017 – પેજ 13, દિનાંક 25-Aug-2017 – પેજ 15, દિનાંક 20-Aug-2021 – પેજ 17 વગેરે. જે દિવસે મૂળ કેન્દ્રીય સમાજની વાર્ષિક સભા હોય, બરાબર તેજ દિવસે એ પણ એવી જાહેરાત આપે. ફરક માત્ર એટલો હોય કે નખત્રાણાના છાત્રાલયના બદલે એમનું સ્થળ નખત્રાણાનું ખાનું ઉર્ફે નિષ્કલંકી મંદિર હોય. બીજા દિવસે, સમાચાર પત્રોમાં ફોટો સહિત સમાચારો પણ આવે કે રતનશી લાલજી વેલાણીની અધ્યક્ષ સ્થાને સમાજની સામાન્ય સભા મળી. આવું કાંડ થોડા વર્ષો સુધી ચાલ્યું. ચેરીટિ કમિશનર કચેરીમાં પણ પોતે કેન્દ્રીય સમાજના પ્રમુખ છે, એવો દાવો કર્યો.
પછી એક વખત રતનશી લાલજી, કેન્દ્રીય સમાજના જે બેન્કોમાં ખાતાં છે, તે બેન્કોમાં જઈને કહ્યું કે હું કેન્દ્રીય સમાજનો પ્રમુખ છું, માટે મારા સિવાય બીજાની સહીઓ ચાલવી ન જોઈએ. તેમની વાતમાં ફસાઈ એક-બે બેન્ક વાળાએ થોડી વાર માટે વાસ્તવમાં બેન્ક એકાઉન્ટ સ્થગિત કરી દીધા હતા.
આવા તો અનેક દાખલાઓ છે. પણ આ દાખલો અહીં એટલા માટે આપેલ છે કે લોકોને ખ્યાલ આવે કે સતપંથ સમાજના ટોચના આગેવાનો કેન્દ્રીય સમાજ અને સનાતનીઓને હેરાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
કેન્દ્રીય સમાજની દિનાંક 14 થી 16–Jan-2012 સુધી એક કારોબારી સભા સિંગોટા (Shenkottai, Tamilnadu) માં રાખવામાં આવેલ હતી. બહાર ગામથી સેંકડો લોકો મિટિંગમાં હાજર રહેવાના હતા. પણ કેન્દ્રીય સમાજના કારોબારી સભ્યોને તકલીફ થાય એ હેતુથી એ ગામની તમામ હોટેલો, હજામો, વગેરેને ખોટી રીતે બુક કરી એમને બ્લોક કરી રાખવામાં આવ્યા. કેન્દ્રીય સમાજના કારોબારી સભ્યોને ખૂબ અગવડ ભોગવી પડી હતી.
225. સમજાવવાનો છેલ્લો પ્રયત્ન – ઊંઝાનો ચુકાદો: જ્ઞાતિના આગેવાનોને એવું લાગ્યું કે આપણે સતપંથીઓને સમજાવવાનો એક છેલ્લો પ્રયત્ન કરવો જોઈએ. એટલે એમને ઉમિયા માતાજી ઊંઝાના વડીલોને પોતાની જ્ઞાતિની સમસ્યાની વાત કરી. ઊંઝાના આદરણીય વડીલ મણિભાઈ મમી, જે પોતે એક જ્ઞાતિ સુધારક છે અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ધાર્મિક ઇતિહાસથી ખૂબ સારી રીતે જાણકાર પણ છે, એમના અને અન્ય આગેવાનોના પ્રયાસોથી ઊંઝાની મધ્યસ્થીમાં ત્રણ વર્ષ સુધી બંને પક્ષોને સાંભળવામાં આવ્યા. બંને પક્ષો તરફથી પુરાવાઓ આપવામાં આવ્યા.
225.1. ચુકાદો: સતપંથ હિન્દુ ધર્મ છે, એવું સાબિત કરવામાં સતપંથીઓ નિષ્ફળ રહ્યા. સનાતનીઓ સાબિત કરી શક્યા કે સતપંથ મુસલમાન ધર્મ છે. છેલ્લે ત્રણ વર્ષના અંતે દિનાંક 08-Oct-2017ના દિવસે સનાતનીઓના પક્ષમાં ઊંઝા વાળાઓએ ચુકાદો આપ્યો [27:Page 128].
ચુકાદાનો મુખ્ય સાર હતો કે;
1. ઈમામશાહ મુસલમાન છે. સતપંથીઓએ ઇસ્લામ ધર્મના કોઈપણ ક્રિયાકર્મો અને વિધિઓ કરવી નહીં
2. સતપંથમાં માનવાવાળાઓએ સંપૂર્ણ પણે હિન્દુ ધર્મના ઈશ્વર તથા ઈશ્વર અવતારનું પૂજન કરવું.
3. સતપંથ સમાજવાળાઓએ હિન્દુ ધર્મના શાસ્ત્રોનું વાંચન કરવું.
4. એક બીજા ઉપર કરેલ કોર્ટ કેસ 60 દિવસમાં પાછા ખેંચી લેવાના. (કેસ તો માત્ર સતપંથીઓએ જ કરેલ છે.)
5. નિષ્કલંકી નારાયણ હિન્દુ ધર્મની માન્યતા વિરુદ્ધ છે.
225.2. ચુકાદાનું અમલીકરણ: ચુકાદો આપ્યા બાદ એના અમલીકરણ માટે પ્રયત્નો કરવામાં આવ્યા. પણ હર વખતની જેમ સતપંથ વાળાઓએ ચુકાદો પાળવાની માત્ર મોઢેથી વાતો કરી અને ચુકાદાનો અમલ ન થાય એ રીતે ખોટા બહાનાઓ જ કાઢ્યા.
225.3. સંપૂર્ણ વિગત: ઊંઝાના ચુકાદાની સંપૂર્ણ પ્રક્રિયાનું બારીકાઈથી વિવરણ CA ચંદ્રકાંત કાંતિલાલ પટેલ / છાભૈયા દ્વારા લિખિત “મા ઉમાનો આદેશ સતપંથ છોડો” [27] પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં દેશ વિદેશથી ભેગા કરેલા પુરાવાઓ, હિન્દુ ધર્મના મૂળ આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત 4 એ 4 પીઠો દ્વારા આપેલ પ્રમાણપત્રો, સરકારી દસ્તાવેજો, કોર્ટના ચૂકદાઓ, યુનિવર્સિટિના પુસ્તકો, Research Thesis, સરકારી gazetteer, ક. ક. પા. જ્ઞાતિના જૂના અને દુર્લભ દસ્તાવેજો, વિશ્વકોષ (Encyclopedia), આંતરાષ્ટ્રીય લેખકોના લેખો અને પુસ્તકો વગેરે પુરાવાઓ સામેલ છે, જે સતપંથ મુસલમાન ધર્મ હોવાનું છડે ચોક બતાવે છે. રસિક અને અભ્યાસુ મિત્રોએ આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ.
226. વાંઢાયમાં સતપંથીઓને સાથે રાખ્યા પણ છેલ્લે દગો જ મળ્યો: ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદા પછી, અમલીકરણ તરફ સતપંથી એક પણ પગલું આગળ ન વધ્યા હોવા છતાં, સનાતનીઓએ સદ્ભાવના નિર્માણ કરવા સતપંથીઓના 3 મોટા આગેવાનોને વર્ષ 2018માં ઉમિયા માતાજી વાંઢાયની કારોબારીમાં લીધા. એમને લેતી વખતે સતપંથીઓએ એવી બાંહેધરી આપી હતી કે અમે અને અમારી આખી જ્ઞાતિ સતપંથ છોડીને સુધરી જશું અને કટ્ટર હિન્દુ બનશુ. પરંતુ તેમાંથી એક પણ કામ ન કર્યું, એ તો ઠીક. ઊંઝાના ચુકાદાને જાહેરમાં વખોડતી જાહેરાતો આપી. [27:Page 191] એટલે છેવટે એમને વાંઢાયથી કાઢી નાખવામાં આવ્યા.
227. સતપંથીઓ સાથે છેડો ફાડવો: સતપંથીને સનાતન સમાજમાં ભળી જવા માટે અનેક લોકો દ્વારા કરવામાં આવેલ અનેક પ્રયાસો અને આપેલ તકોનો હંમેશા સનાતનના વિરુદ્ધ વાપરવામાં આવેલ હોવાથી હવે સનાતન સમાજના લોકોની ધીરજ ખૂટી ગઈ. હવે સનાતન સમાજને સતપંથીઓ સાથેના તમામ સંબંધોથી મુક્ત કરવાનો નિર્ણય લેવા સનાતનીઓ આગળ વધ્યા.
227.1. વિશેષ સભા: ઉમિયા માતાજી ઊંઝાના ઠરાવોનું પાલન સતપંથીઓ દ્વારા ન કરવામાં આવતું હોવાથી હવે આગળ કેવા પગલાં ભરવા જોઈએ એ વાતનો નિર્ણય લેવા માટે દિનાંક 26‑Aug‑2018ના નખત્રાણા છાત્રાલય ખાતે ક. ક. પા. જ્ઞાતિની ત્રણે મુખ્ય સંસ્થાઓ એટલે કે કેન્દ્રીય સમાજ, ઉમિયા માતાજી વાંઢાય અને સંસ્કાર ધામ સાથે મળીને એક સંયુક્ત વિશેષ સભા બોલાવવામાં આવી. જેમાં દેશભરના દરેક ઝોન, ઘટક (સ્થાનિક) સમાજો તેમજ અન્ય આગેવાનો અને બૌદ્ધિકોને બોલાવવામાં આવ્યા હતા.
એ સભામાં સર્વાનુમતે 8 ઠરાવો નક્કી કરવામાં આવ્યા. જેણે સતપંથ છોડો પુસ્તકના પેજ 188માં વાંચી શકો છો [27:Page 188]. આ ઠરાવોનો મુખ્ય સાર હતો કે;
1. સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો: સતપંથ જોડે કોઈ પણ સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમો કરવા નહીં. એમને સનાતનીઓના કાર્યક્રમોમાં બોલાવવા નહીં. તેમજ સતપંથના કાર્યક્રમોમાં સનાતનીઓએ હાજરી આપવી નહીં.
2. સંયુક્ત સમાજો અને સંસ્થાઓ: સતપંથીઓ સાથે ચાલતી કોઈ પણ સંયુક્ત સંસ્થા કે સમાજ હોય, તેને અનુકૂળતાએ સ્વતંત્ર કરી લેવી અને એ સંસ્થાઓ તેમજ સમાજોને ચોખ્ખી સનાતનીઓની બનાવી લેવી.
3. પારિવારિક તેમજ નિયાણીઓના કાર્યક્રમો: પારિવારિક (નુખ) તેમજ નિયાણીઓના નામે સતપંથીઓ સાથે કોઈ પણ સંયુક્ત કાર્યક્રમો કરવા નહીં.
સતપંથીઓ સાથે નવા સગપણો કરવા નહીં દિનાંક 21‑Jul‑2013 અમદાવાદ ખાતે ઝોનમાં આવતી ઘટક સમાજોએ પાળવાના નીતિ નિયમો ઘડવા માટેની એક મિટિંગમાં સતપંથીઓ સાથે નવા લગ્ન સંબંધો ન કરવા અને થયેલ જૂના સંબંધોને કેવી રીતે ચલાવવા એના વિષે નિયમો ઘડવામાં આવેલ છે, જે લાગુ છે. [5] | લગ્ન કે સગપણ બાબતે |
227.2. સમાજો અન્ય સંસ્થાઓને ચોખ્ખી કરવાની પ્રક્રિયાઓ ચાલુ છે જ. ક્યાંક વેગથી કામ થાય છે, તો ક્યાં હજી થોડી ઢીલાશ દેખાય છે. પણ એક વાતની ખાતરી છે કે આજે નહીં તો કાલે, બધી સંયુક્ત સંસ્થાઓ અને સમાજો ચોખ્ખી સનાતની થવાની જ છે.
228. સતપંથીઓ પોતાને બાહ્ય રીતે હિન્દુમાં ખપાવવાના (હિન્દુ બનવાના નહીં) પ્રયત્નો ચાલુ જ રાખ્યા:
228.1. મિશ્ર સંસ્કૃતિ: સતપંથ મિશ્ર સંસ્કૃતિના માહોલમાં જ ટકી શકે. શુદ્ધ હિન્દુ સંસ્કૃતિના માહોલમાં સતપંથ ટકી ન શકે. જ્ઞાતિનો બહુજ મોટો વર્ગ એટલે કે સનાતન સમાજવાળા કોઈ દિવસ સતપંથને સ્વીકારશે નહીં, એ વાત તો એકદમ સ્પષ્ટ છે. માટે મિશ્ર સંસ્કૃતિ ઊભી કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહેતા હોય છે.
હવે એમના પાસે એકજ રસ્તો બચે છે, જે છે કે હિન્દુ ધર્મની આડમાં, પ્રેમ-એકતા-સંપ-સંગઠનની આદર્શવાદી વાતોનો સહારો લઈને, સમાજમાં સતપંથની માન્યતાઓ અને સતપંથના શાસ્ત્રોને અનુસરી શકાય એવો માહોલ ઊભો કરવા માટે મિશ્ર સંસ્કૃતિ ઊભી કરવી. |
માટે, જ્યારે પ્રેમ-એકતા-સંપ-સંગઠન વગેરેની વાતો કરવામાં આવે ત્યારે એ વાતો ફક્ત પોતાના ફાયદા માટે જ હોય છે, ખરા અર્થમાં હોતી નથી. એ સમજી શકાય એવી વાત છે.. ખરા અર્થમાં જો હોત, તો સતપંથીઓ સનાતન હિન્દુ ધર્મમાં ભળીને પ્રેમ-એકતા-સંપ-સંગઠનનો સાચો પરિચય આપત.
આખરે પોતાને હિન્દુ કહેવડાવે છે, તો પછી સનાતન સમાજમાં ભળી જવામાં શું વાંધો છે. લાખો લોકો સતપંથને છોડી સનાતન સમાજમાં ભળી ગયા છે જ. કોઈને વાંધો આવ્યો નથી. પણ એવું ન થતું હોય તો સ્વાભાવિક છે કે એમની શ્રદ્ધા હિન્દુ ધર્મમાં નથી પણ કોઈ બીજા ધર્મમાં છે, એ કારણ દેખાય.
228.2. હિન્દુઓને છેતરીને એમને મુસલમાન બનાવવાનું કામ કરનાર એ હિન્દુઓ માટે ખલનાયક જ હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈ હિન્દુ સમાજ એ ખલનાયકને હીરો/નાયક તરીકે ન જ સ્વીકારે. જ્યારે કોઈ અન્ય સમાજ આ ખલનાયકને હીરો તરીકે માનતો હોય. તો પછી બંને સમાજો વચ્ચે ખરા અર્થમાં પ્રેમ-એકતા-સંપ-સંગઠન કેવી રીતે થઈ શકે? જ્યારે એક સમાજ એ ખલનાયકની જય બોલાવે, ત્યારે બીજા સમાજની લાગણી તો દુભાવવાની છે, એ સ્વાભાવિક છે.
આજના યુવાનોએ ખાસ વિચારવું જોઈએ કે શું તેમના ઇતિહાસના એ ખલનાયકને તેઓ પોતાનો હીરો તરીકે સ્વીકારવા તૈયાર છે? જો ના, તો પછી ખોટી વાતો કરીને એ ખલનાયકને હીરો તરીકે કોણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? હિન્દુઓ માટે આજના સાચા ખલનાયક તો એ છે.
229. સુધારાની આડમાં ઇસ્લામી બીજને મજબૂતીથી પકડી રાખે છે: પીરાણા સતપંથમાં ઇસ્લામી તત્વો ઉપર જ્યારે સવાલો ઉઠે, ત્યારે પોતાની હિન્દુ ઓળખ જાળવી રાખવા માટે એમાં સુધારો કરે. પણ એ સુધારો ઇસ્લામી બીજમાં કેમ નથી કરતા? જેવા કે;
229.1. પીરાણા સતપંથનું ઇસ્લામી બીજ: પીરાણા સતપંથનું ઇસ્લામી બીજ નીચે જણાવેલ 4 વસ્તુઓ માં છે, એને નથી કાઢતા?
1. ઈમામશાહ
2. નિષ્કલંકી નારાયણ (એટલે મૂર્તઝા અલી તાલીબનું હિન્દુ નામ)
3. સતપંથના શાસ્ત્રો
4. પીરાણાની ઈમામશાહ દરગાહ
229.2. પીરાણા સિવાય અન્ય સ્થળોમાં સુધારાઓ: પીરાણા સતપંથના લગભગ 100 જેટલા કહેવાતા મંદિરો છે. પીરાણામાં સૈયદો છે, માટે ત્યાંની વાત થોડી વાર માટે છોડી દઈએ. તો પીરાણા સિવાય બાકીના 100 જેટલા સતપંથના મંદિરોમાંથી ઇસ્લામી બીજ કાઢી શકાય છે ને. તો કેમ નથી કાઢતા?
ચાલો, બધા તૈયાર ન થાય. તો એમાંથી મોટે ભાગે તો તૈયાર થશે ને? તો ત્યાં કેમ ફેરફાર નથી કરવામાં આવતા? સમજવા જેવો સવાલ છે.
229.3. સતપંથના શાસ્ત્રો: સતપંથના શાસ્ત્રો બદલવામાં કોઈ રોકી નથી શકતું. કારણ કે કયા શાસ્ત્રો વેચવા અને વાંચવા એના પર કોર્ટ પણ રોક નથી લગાડી શકતી. તો પછી પીરાણા અને અન્ય સ્થળોમાં સતપંથના શાસ્ત્રોના બદલે હિન્દુ ધર્મના મૂળ શાસ્ત્રો વાંચવામાં નથી આવતા, તો સમજવાનું શું?
229.4. નિષ્કલંકી નારાયણ: નિષ્કલંકી નારાયણ તો અલીનું નામ છે, જે શિયા ઇસ્લામ ધર્મનો ઇષ્ટદેવ છે. એને જ પૂજવાની ફરજ કોઈ પાડી શકે નહીં. એની જગ્યાએ હિન્દુ ધર્મના કોઈ પણ દેવને પૂજવા થી કોણ રોકે છે?
આવા અનેક સવાલો અને મુદ્દાઓ છે. ધ્યાન કરશો તો ઘણું સમજાશે.
230. પીરાણાને હિન્દુમાં ખપાવવા માટે ઊંચી દીવાલ અને 54 કુંડી યજ્ઞ: ઉપર જણાવેલ પોઈન્ટ (225)માં જણાવ્યા પ્રમાણે ઊંઝાનો ચુકાદો આવ્યા બાદ અને સતપંથીઓ દ્વારા ચુકાદાનો અમલ ન કરવાની વાતની ખૂબ ટીકાઓ થઈ. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં લોકોનું સતપંથને છોડીને સનાતનમાં જવાનું ચાલુજ રહ્યું. એટલે એને રોકવા માટે કંઈક કરવાની સખત જરૂરત હતી.
230.1. ઈમામશાહ દરગાહની બાજુમાં 13 ફૂટ ઊંચી દીવાલ: દિનાંક 30‑Jan‑2022ના ઈમામશાહની દરગાહને આવરી લેતી લગભગ 13 ફૂટ ઊંચી દીવાલ, એકજ દિવસમાં ઊભી કરવામાં આવી. સામાન્ય પરિસ્થિતિમાં અંદાજે 15 થી 20 દિવસનું કામ એકજ દિવસમાં, રાતોરાત કરવા પાછળનું કારણ શું હોઈ શકે?
કદાચ તમે એવું સાંભળ્યું હોય કે દીવાલને રોકવા માટે મુસલમાનો કોર્ટનો રોક / stay ઓર્ડર લઈ ના શકે તે માટે, પૂરા પ્લાનિંગ સાથે આ કામ કરવામાં આવ્યું છે. પણ શું વાત આટલા પૂરતી મર્યાદિત છે?
એ દીવાલની બીજી બાજુ શું છે? અને એના વહીવટકર્તા કોણ છે? શું તમે જાણો છો કે દીવાલની એક બાજુ ઈમામશાહની દરગાહ છે, તો બીજી બાજુ મુસલમાનોનું કબ્રસ્તાન અને મસ્જિદ છે. અને એ કબ્રસ્તાન અને મસ્જિદનો વહીવટ કોણ કરે છે? તમને જાણતા આશ્ચર્ય થશે કે પીરાણાની એજ સંસ્થા, જે ઈમામશાહની દરગાહની દેખરેખ કરે છે, એજ સંસ્થા કબ્રસ્તાન અને મસ્જિદની દેખરેખ કરે છે.
તો પછી સવાલ એ થવો જોઈએ, કે દીવાલની બંને બાજુના માલિક/દેખરેખ-કરવાવાળા એકજ છે, તો પછી વચ્ચે અચાનક 13 ફૂટ ઊંચી દીવાલ બનાવવાની શું જરૂર પડી? 13 ફૂટ ઊંચી દીવાલ બનાવવાથી કોણ છેતરાઈ રહ્યું છે? સતપંથી કે મુસલમાન સૈયદો? સ્વાભાવિક છે સતપંથીઓ જ છેતરાશે. કારણ કે સતપંથીઓને (ખોટો) ભરોસો આપવા માટે કે ઈમામશાહની દરગાહ એ હિન્દુ ધર્મનું સ્થાનક છે. જેથી કરીને સતપંથીઓ પીરાણાને છોડે નહીં. તેમજ સમય જતાં અન્ય હિન્દુઓ પીરાણા સાથે જોડાય અને સતપંથી બને, એ સમજાય એવી સ્પષ્ટ વાત છે.
230.2. પીરાણામાં મૂર્તિઓ અને દીવાલ: દીવાલ બન્યા પછી, થોડા દિવસોમાં એટલે કે દિનાંક 11 થી 13‑Mar‑2022 વચ્ચે પીરાણામાં RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા રાખવામાં આવી હતી. તેમાં RSSના વડા મોહન ભાગવત આવવાના હતા. એમની સુરક્ષા વ્યવસ્થાની આડમાં, થોડા દિવસો માટે સામાન્ય લોકોને દરગાહમાં આવવા-જવા પર બંધી મૂકી દીધી અને રાતોરાત ઈમામશાહની દરગાહની બાજુમાં હિન્દુ ધર્મની અમુક મૂર્તિઓ બેસાડી દેવામાં આવી.
જેમાં વિષ્ણુના મુખ્ય 10 અવતારોમાંથી બુધ (બુદ્ધ) અવતાર સુધીના પહેલા 9 અવતારો અને શિયા ઇસ્લામ ધર્મ પ્રમાણે 10મો અવતાર મૂર્તઝા અલી130 તાલીબ એટલે કે નકલંકી / નિષ્કલંકી અવતારના હિન્દુ રૂપ વાળી મૂર્તિ છે. ઉમિયા માતાજીની મૂર્તિ છે, લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ છે, કરસન કાકાની મૂર્તિ છે, ઈમામશાહની પણ મૂર્તિ છે (પણ ઈમામશાહની ઓળખ છુપાવવા એ મૂર્તિ નીચે સદગુરુ મહારાજ નામ લખ્યું), વેદ વ્યાસ ઋષિની મૂર્તિ છે, વશિષ્ટ ઋષિની મૂર્તિ છે, અમરતેજ ઋષિની મૂર્તિ છે. અને સાથે છેલ્લે શિયા ઇસ્લામ ધર્મ પ્રમાણે આરાધ્ય દેવ એટલે મૂર્તઝા અલી તાલીબના હિન્દુ રૂપ એટલે કે નિષ્કલંકી નારાયણનું નાનું મંદિર છે.
તમે નોંધ લીધી હશે કે હિન્દુ દેવો સાથે મુસલમાન દેવ અને મુસલમાન ઈમામશાહના હિન્દુ રૂપની મૂર્તિઓ, પ્રેમ-એકતા-સંપ-સંગઠન વગેરે વાતોની આડમાં, ઘૂસાડી દેવામાં આવ્યા છે. આવું કરીને એવી છબી ઊભી કરવાનો પ્રયાસ છે કે પીરાણામાં બધું હિન્દુ વાદી કામ થઈ રહ્યું છે. આવું કરીને છેતરાય કોણ છે? હિન્દુ કે મુસલમાન? વિચારજો.. |
હવે પ્રશ્ન એ થવો જોઈએ કે જ્યારે સતપંથના ધર્મ શાસ્ત્રોમાં મૂર્તિ પૂજા ઉપર બંધી કે નિષેધ છે (જુઓ આગાઉ જણાવેલ પોઈન્ટ (56.1), (56.2.2.), (56.2.6.1.), (56.2.9), (57.1.29), (57.2.14,). તો પછી પીરાણામાં ઈમામશાહની દરગાહની બાજુમાં આ મૂર્તિઓ શા માટે?
અને મૂર્તિઓ બેસાડવી હતીજ તો પછી ઈમામશાહ દરગાહની કબ્રસ્તાનની બાજુમાં જ શા માટે? પીરાણામાં ઘણી જગ્યા પડી છે, દરગાહથી દૂર કોઈ પવિત્ર જગ્યામાં કેમ નહીં? દરગાહ કબ્રસ્તાનમાં આવેલ છે જે હિન્દુઓ માટે અપવિત્ર છે, તો એવા કબ્રસ્તાનમાં કેમ?
બીજો મુદ્દો અહીં એ છે કે વિવાદ એ નથી કે સતપંથ વાળા હિન્દુ દેવોને માને છે કે નહીં. વિવાદ એ છે કે સતપંથ વાળાઓએ ઈમામશાહ વગેરે ઇસ્લામી બીજને છોડ્યું કે નહીં? | વિવાદ |
ઈમામશાહની દરગાહ અને ઉપર જણાવેલ મૂર્તિઓના વિસ્તારનો આવવા-જવાનો રસ્તો એકજ કેમ? મૂર્તિ વિસ્તાર અને દરગાહ વિસ્તાર વચ્ચે કોઈ દીવાલ કેમ નથી?
મૂર્તિ વિસ્તારમાં આવનાર મોટે ભાગે સતપંથી હોય જેમાં હિન્દુ દીકરીઓ પણ હોય અને દરગાહ વિસ્તારમાં મુસલમાન છોકરાઓ હોય (મુસલમાન મહિલાઓ દરગાહમાં આવે નહીં). બંને વિસ્તારનો આવવા જવાનો રસ્તો એક જ છે. તો પછી, આજે ભારતભરમાં જ્યારે હિન્દુ સમાજ લવ જિહાદની સમસ્યાથી ઝૂઝમી રહ્યો છે, ત્યારે સામે ચાલીને હિન્દુ દીકરીઓ સાથે લવ જિહાદ થઈ શકે એવી જગ્યા કેમ ઊભી કરવામાં આવી? હિન્દુ દીકરીઓની સુરક્ષાનું શું?
જો સાચે પીરાણા મુસલમાનને પસંદ ન કરનાર અને હિન્દુ માટે હોય, તો સ્વાભાવિક છે કે વિવાદ ટાળવા અને શાંતિ જાળવવા પીરાણામાં ઈમામશાહ દરગાહ અને મૂર્તિ વિસ્તાર વચ્ચે ઊંચી દીવાલ ઊભી કરી હોત. બંને વિસ્તારનો રસ્તો પણ અલગ કરી શકત. પણ એમ ન કરવા પાછળનું કારણ શું? એ તમારે સમજવાનું છે.
આવા અનેક સવાલો છે. પણ તમે વાત સમજી ગયા હશો, માટે આગળ વધીએ.
230.3. પીરાણામાં 54 કુંડી યજ્ઞ – સામાન્ય હિન્દુને ગમે એવી વાત: આવા, પીરાણામાં થયેલ કહેવાતા ફેરફારોનો પ્રચાર થવો ખૂબ જરૂરી હોય છે, તો જ ફેરફારો પાછળની મહેનત વસૂલ થાય. એટલે સામાન્ય રીતે હિન્દુઓને ગમતો પ્રસંગ ગોઠવવામાં આવ્યો. યજ્ઞ કાર્યક્રમ. 54 કુંડી વિષ્ણુ “મહાયાગ”ના નામનો કાર્યક્રમ દિનાંક 17, 18 અને 19‑Oct-2022ના દિવસે.
પછી એજ પદ્ધતિ. અમુક હિન્દુ સાધુ સંતો અને હિન્દુ ધાર્મિક સંગઠનોનો સહારો લેવામાં આવ્યો. નિષ્કલંકી નારાયણની મૂર્તિની કહેવાતી પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી. પણ કોના હાથે? બ્રાહ્મણોના હાથે? એ બ્રાહ્મણો કે જેના પર, સતપંથના શાસ્ત્રો પ્રમાણે, બંધી કે નિષેધ લગાડવામાં આવેલ છે. સતપંથના શાસ્ત્રોમાં બ્રાહ્મણોનું હડાહડ અપમાન કરવામાં આવેલ છે. જુઓ અગાઉ જણાવેલ પોઈન્ટ (56.2.2.), (56.2.4.), (56.2.5.), (56.2.6.1.), (56.2.0)). સતપંથના શાસ્ત્રોમાં બ્રાહ્મણોને ભૂલેલા, ભટકેલા, કપટી, હલકા, ઉતરતા વગેરે બતાવ્યા છે. અને સતપંથીઓને કહ્યું છે કે બ્રાહ્મણનું કહ્યું કરશો તો નારાયણ નહીં મળે. અહીં તો બ્રાહ્મણના હાથે પ્રાણપ્રતિષ્ઠા થઈ રહી છે. તો સમજવાનું શું? કોણે છેતરવામાં આવી રહ્યું છે? એ તમારે સમજવાનું છે.
231. ઇસ્લામી વિચારધારા જીવિત છે: RSS, BJP, VHP, બજરંગ દળ, સાધુ સમાજ વગેરેના આગેવાનો જે પીરાણામાં કહેવાતા સુધારાઓ સાથે જોડાયલા છે, એમની સાથે વાત કરવાથી ખ્યાલ આવે છે કે એ લોકોને ખોટું ગુમાન/ગૌરવ છે કે અમે પીરાણાને હિન્દુ બનાવીએ છીએ. એ લોકોએ જરૂર પીરાણાનો બાહ્ય દેખાવ હિન્દુ વાદી કર્યો છે, પણ પીરાણા સતપંથના ઇસ્લામી વિચારધારાના બીજનો (Islamic Ideology) વિનાશ કરી શક્યા નથી. બીજ માટે જુઓ પોઈન્ટ (229). ભવિષ્યમાં એક દિવસ જ્યારે ઇસ્લામ માટે અનુકૂળ સમય આવશે, ત્યારે આ બીજ જરૂર ફૂટી નીકળશે અને RSS, સાધુ સંતો વગેરેની મહેનત એળે જશે એ સ્પષ્ટ દેખાય છે. | ઇસ્લામી વિચારધારા કાઢી નથી શક્યા |
232. અજાયબી કે ગંભીરતા: આ એક એવી સંસ્થા છે, જે પોતાને હિન્દુ કહેવડાવે છે, પણ સતપંથ છોડી હિન્દુ ધર્મમાં જતા લોકોને અટકાવવા માટે બનતા તમામ પ્રયત્નો કરે છે. સમજશો તો અજાયબી નહીં પણ આજાયબીની પાછળ છૂપી ગંભીર વાતો સમજાશે. એવું ઘણા માને છે. | ગંભીરતા |
233. સતપંથીઓની સમાધાન રણનીતિ: કોઈ પણ વિવાદ હોય કે સમસ્યા હોય, અને એના નિવારણ માટે સમાધાન કે સમજૂતીની બેઠક થતી હોય, ત્યારે સામાન્ય રીતે અપેક્ષા એ હોય કે વિવાદના બીજને કાયમ માટે કાઢી નાખવા માટે પ્રમાણિક કોશિષ થવી જોઈએ.
પણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનો ઇતિહાસ અને આજ સુધીનો અનુભવ રહ્યો છે કે જ્યારે પણ સતપંથીઓ સાથે સમાધાનની વાટાઘાટો ચાલે, ત્યારે એમના તરફથી નીચે જણાવેલ રણનીતિ જોવા મળે છે.
233.1. સતપંથીઓને હિન્દુ બનવા માટે “સમાધાન” નથી કરવું. એટલે સનાતનીઓ દ્વારા એમને શુદ્ધ હિન્દુ બનાવવા માટે આપવામાં આવેલ તમામ ઉપાયોમાં કોઈ ન કોઈ બહનાઓ કાઢીને પોતાને અલગ કરી રાખે.
233.2. એમની કોશિષ હોય કે યેનકેન પ્રકારે સતપંથ ધર્મને, હિન્દુ ધર્મનો ભાગ છે એવી સ્વીકૃતિ સનાતન સમાજ આપી દે. જેથી તેઓ હિન્દુ સમાજની અંદર રહી પોતાનો ઇસ્લામી ધર્મ છૂપી રીતે પાળી શકે.
233.3. ચર્ચા કે સમાધાન પ્રક્રિયાના નામે, ઉપર જણાવેલ 2જો (પોઈન્ટ 233.2) મુદ્દો પ્રમાણે, સતપંથને સ્વીકૃતિ આપી દેવા માટે સનાતનીઓને મનાવવાના તમામ પ્રયત્નો કરે. પણ 1લા (પોઈન્ટ 233.1) મુદ્દામાં ફસાય એટલે વાતચીતનો દોર ખોટે રસ્તે ચડાવી દેવામાં આવે.
234. ઉમિયા માતાજી વાંઢાયમાં સામૂહિક ઘરવાપસીનો છેલ્લો પ્રયાસ: સતપંથીઓ દ્વારા સનાતનીઓની થતી સતત કનડગત અને ખોટા કોર્ટ કેસોથી આખી જ્ઞાતિ કંટાળી છે. હવે સતપંથ સાથે છેડો ફાડીને આ સમસ્યાને કાયમી ઉકેલ લાવવાની માંગ પૂરા ભારતમાંથી જોરથી ઉઠવા લાગી છે. આવી માંગો તો ઘણા વર્ષોથી ઉઠતી હતી. ઉપરથી સંત ઓધવરામ મહારાજનો આદેશ હતો કે સતપંથીઓ સાથે કોઈ પણ પ્રકારના સંબંધો રાખવા નહીં. માટે જ્ઞાતિના આગેવાનોને પણ હવે એવું લાગી રહ્યું છે કે સતપંથ સમસ્યાને કાયમી રીતે બંધ કરવા માટે સતપંથીઓ માટે સનાતન સમાજના દરવાજા હવે બંધ કરવા જોઈએ. તે પ્રમાણે આગામી દિનાંક 14‑May‑2023ના, ઇતિહાસમાં પહેલી વાર, કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિનું પહેલું સનાતની અધિવેશન યોજાઈ રહ્યું છે. એ અધિવેશનમાં સતપંથીઓ માટે દરવાજા બંધ કરવા ઉપર નિર્ણય લેવામાં આવશે.
આ મિટિંગમાં, ઉપર જણાવેલ પોઈન્ટ (233)માં દર્શાવેલ રણનીતિ, અહીં જોવા મળી:
234.1. વાંઢાય ખાતે બેઠક: દરવાજા બંધ કરવાના નિર્ણયથી પહેલાં, સતપંથીઓ હિન્દુ ધર્મમાં આવી જાય અને જ્ઞાતિ તૂટે નહીં, તે માટે એમને હજી એક છેલ્લી તક આપવી જોઈએ, એવું સનાતનીઓને લાગ્યું. માટે ઉમિયા માતાજી વાંઢાયની આગેવાની હેઠળ દિનાંક 08‑Feb‑2023ના એક બેઠક યોજવામાં આવી હતી. ભારતભરમાંથી બૌદ્ધિક સનાતનીઓ અને સતપંથ સામે લડત આપનારા લોકોને ખાસ બોલાવવામાં આવ્યા હતા. એમને એમ કહેવામાં આવ્યું હતું કે કચ્છના તમામ સતપંથીઓ સતપંથ છોડીને સનાતનમાં ભળવાની ઈચ્છા ધરાવે છે, માટે આપણે ભેગા થવું છે.
234.2. બેઠકમાં નવો વળાંક: પણ, જ્યારે મિટિંગ થઈ, ત્યારે વાતમાં વળાંક આવ્યો. ત્યાં સતપંથીઓ દ્વારા એવી વાત રજૂ કરવામાં આવી કે અમે પીરાણામાં ઘણા ફેરફારો કર્યા છે. (ઉપર જણાવ્યા પ્રમાણે દીવાલ અને મૂર્તિઓ). અમને RSS, VHP, BJP, સાધુ સંગઠન વગેરે માન્યતા આપે છે. મુસલમાનોને અમે પીરાણાથી દૂર કરી નાખ્યા છે. આમે અમે હિન્દુ છીએ માટે અમને સનાતનમાં ભેળવી લો, એવી ગૂગલી131 નાખી.
234.3. સનાતનીઓ ફસાયા નહીં: સનાતનીઓ આ ગૂગલી માટે તૈયાર હતા એમની વાતમાં ફસાયા નહીં. એમને માત્ર એકજ સવાલ કર્યો કે શું તમે ઈમામશાહને છોડ્યો. જવાબ મળ્યો કે અમે ઈમામશાહનું નામ બદલ્યું છે અને સદગુરુ રાખ્યું છે. પણ અમે ઈમામશાહને છોડવાના નથી. અમારામાં અમુક સતપંથી કટ્ટર છે એટલે અમે ઈમામશાહને છોડી શકતા નથી. તો સનાતનીઓએ કહ્યું કે જેમ અમે છોડીને આવી ગયા, એમ તમે છોડીને આવી જાઓ. બીજાને છોડી દો એમના હાલ પર. પણ સતપંથીઓએ આ ઉકેલ સ્વીકારવાની ના પાડી દીધી અને કહ્યું કે અમે ઈમામશાહને છોડશું નહીં. આવું કહ્યું ત્યારે બધા જ સનાતની એક અવાજે બોલ્યા, તો પછી આજની મિટિંગનો કોઈ અર્થ નથી.
234.4. કોર્ટ કેસો કરવાની ધમકી: પછી વાતોવાતોમાં જ્યારે કોર્ટ કેસોની વાત નીકળી અને કોઈ વ્યવહારિક ઉકેલ નીકળે એટલા માટે સનાતનીઓએ કહ્યું કે પહેલાં વિશ્વાસનો માહોલ ઊભો થવો જોઈએ. માટે સતપંથીઓએ સનાતનીઓ ઉપર કરેલ કોર્ટ કેસો પહેલાં પાછા ખેચવા જોઈએ (યાદ રહે સનાતનીઓએ સતપંથીઓ ઉપર કોઈ કેસ કરેલ નથી). સનાતનીઓ તરફથી આવી નજીક આવવાની સારી વાતના જવાબમાં સતપંથીઓએ કહ્યું કે જો તમે અમને સનાતન સમાજમાં નહીં સામેલ કરો, તો અમે વધારાના કેસો કરીશું. આમ કહીને ધમકી આપીને બંને સમાજોને દૂર કરવાની વાતો કરી. સનાતનીઓએ તરતજ એમની હલકી વાતને વખોડી કાઢી.
234.5. સનાતન સમાજને તોડવાના પ્રયત્નો: ત્યાર પછી સતપંથીઓએ સનાતન સમાજને તોડવા માટે એક ચાલ રમ્યા. એમને ઉમિયા માતાજી વાંઢાય સંસ્થાને લાલચ આપી કે વાંઢાયના આગામી દિનાંક 27 થી 30‑Mar‑2023ના યોજાનાર અમૃત મહોત્સવ કાર્યક્રમમાં અમે 1 કરોડ રૂપિયા દાન આપવા તૈયાર છીએ. અમે વાંઢાયના સભ્ય છીએ. વાંઢાય બિન-સાંપ્રદાયિક છે (જે ખોટી વાત છે, વાંઢાય સનાતનીઓની સંસ્થા છે, જેની સ્થાપનાનો ઇતિહાસ આપણે આગાઉ પોઈન્ટ (150.24) માં જોયું). માટે કેન્દ્ર સમાજના નિયમો અહીં લાગુ ન પડે.
આપણે સૌ સાથે રહીને વિકાસ કરવાનો છે. રાજકીય ક્ષેત્રમાં આપણે સાથે રહીને આગળ વધીએ. ડો. સેંઘાણી અલગ ચૂંટણી લડ્યા એટલે હારી ગયા, એવો એમને બંધબેસતો (વાસ્તવનો નહીં) દાખલો આપ્યો.
ઉમિયા માતાજી વાંઢાયના આગેવાનો સતપંથીઓની આ ચાલ તરતજ સમજી ગયા અને એમની વાત જડમૂળથી ઉડાડી દીધી. ઉમિયા માતાજી વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ, સંસ્કારધામના પ્રમુખ ગંગારામભાઈએ અને અન્ય આગેવાનોએ જવાબ આપ્યો કે સનાતની વિચારધારા અને મોહિમ એકલા કેન્દ્ર સમાજની નથી, પણ સમસ્ત ક. ક. પા. જ્ઞાતિની છે. જ્ઞાતિના નીતિનિયમો જ્ઞાતિની તમામ સંસ્થાઓને લાગુ પડે એમ ઉમિયા માતાજી વાંઢાયને પણ લાગુ પડે. આ બાબતે ઉમિયા માતાજી વાંઢાયની મિનિટ બુકમાં નોંધ કરવામાં આવેલ છે, એવું જાણવા મળ્યું છે.
234.6. ઉમિયા માતાજી વાંઢાય – સનાતની મોહિમ સાથે મક્કમ: આ ઘડીએ નોંધ લેવા જેવી વાત એ છે કે ઉમિયા માતાજી વાંઢાયની કારોબારી સનાતની મોહિમ સાથે અડગ રહીને સતપંથીઓના દાન ન લેવાના એમના નિર્ણયનો સમસ્ત જ્ઞાતિ તરફથી આભાર માનવો રહ્યો.
235. સતપંથ સમસ્યાનો અંત લાવવા અંગે સનાતનીઓ વધુ મક્કમ: ઉમિયા માતાજી વાંઢાયમાં ઉપર જણાવ્યા પ્રમાણે ઘરવાપસીના છેલ્લા પ્રયાસનો પણ સતપંથીઓ દ્વારા ધમકી મારફતે આપેલ જવાબ સમસ્ત જ્ઞાતિમાં ચર્ચાનો વિષય બની ગયો. ત્યાર બાદ, સમસ્ત જ્ઞાતિમાં એક આવજે, માંગ ઉઠવા લાગી કે;
235.1. હવે કોઈ નહીં કહી શકે કે સનાતનીઓએ સતપંથીઓની ઘરવાપસી કરાવવાના પૂરતા પ્રયાસો નથી કર્યા.
235.2. હમેશાં સનાતનીઓ તરફથી સમસ્યાના ઉકેલના પ્રયાસો થતા રહ્યા છે. પણ સતપંથીઓ તરફથી સતપંથની સમસ્યા ચાલતી રહે એ માટે નવા-નવા રસ્તાઓ અને કાવતરાઓ (કાવતરા શબ્દ એટલા માટે કે, વાત જ્ઞાતિ કે સનાતન સમાજમાં ભળી જવાની કરશે, પણ હિન્દુ ધર્મના નામે સતપંથનું ઈસ્લામી બીજ પકડી રાખવા માટે નવા-નવા પ્રયોજનો ચલાવે છે) રોજે રોજ કરતા રહેશે.
235.3. છેલ્લા લગભગ 250 વર્ષોથી સનાતનીઓ સતપંથીઓને સમજાવતા આવ્યા છે. હવે સમય બદલાઈ રહ્યો છે. હજી કેટલા દિવસો સુધી માથાકૂટ કરીને એમના ષડયંત્રોને સતત શોધતા રહેવું અને બચતા રહેવું. આવા કામ કરનારને માન સન્માનના બદલે સમાજ તોડું, ઝઘડા કરાવનાર, વગેરે મેણાંટોણાં સાંભળવા પડે છે, જે બંધ થવા જોઈએ.
235.4. સતપંથીઓ જે રીતે ઉમિયા માતાજી વાંઢાયમાં વ્યવહાર કર્યો અને એમની રણનીતિ પ્રમાણે ચાલ્યા એના પરથી સ્પષ્ટ દેખાય છે કે એમની નિયત સનાતનમાં આવવાની નથી.
એટલે, સતપંથીઓ માટે સનાતન જ્ઞાતિના દરવાજા કાયમ માટે બંધ કરવા જોઈએ, એવી જે વાત હતી, એ વાતને વધુ મક્કમતાથી લોકો ઉપાડવા લાગ્યા.
125 છટકબારી = જવાબદારીથી છૂટી જવાનો રસ્તો. Loophole
126 ડોળ = ઢોંગ = pretend
127 નાટિકાનો વિડીયો – https://abkkpsamaj.org/go/fn126
129 Real Patidar Library – https://abkkpsamaj.org/go/fn129–link1 or https://abkkpsamaj.org/go/fn129-link2
130 અલી = See footnote no. 8
131 ગૂગલી = વિરોધીને ભરમાવી નાખવું. ક્રિકેટ રમતમાં ગૂગલી બોલ પરથી આ રૂપક (metaphor) શબ્દ લેવામાં આવ્યો છે.