બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨૪. વર્ષ 1985નું તાકીયા – હિન્દુ દેખાવ પણ અંદરથી ઇસ્લામ

184.         સતપંથ છોડતા લોકોનો પ્રવાહ: સનાતની કેન્દ્ર સમાજની જબરદસ્ત સફળતાના કારણે સતપંથ છોડતા લોકોનો પ્રવાહ પ્રબળ બન્યો. જે સંખ્યામાં લોકો સતપંથ છોડવા લાગ્યા, એ પીરાણાના સુત્રધારો માટે બહું જ મોટી ચિંતાનો વિષય બની ગયો. ધીરે-ધીરે વર્ષ 1985 સુધી પીરાણાની હાલત ખૂબ બગડીને ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ગઈ.

પીરાણા સતપંથની ગબડતી પરિસ્થિતિને સુધારવા વર્ષ 1985ની આજબાજુ નિર્ણયો લેવામાં આવ્યા અને તે પ્રમાણે 1990ના દાયકામાં મોટા ફેરફારો જાહેરમાં જોવામાં આવ્યા. આ ફેરફારો એટલા ઘાતક હતા કે આગામી લગભગ 20 વર્ષ સુધી એ ફેરફારો પાછળની રમતને સનાતન સમાજ સમજી ન શક્યો [69] [46:3rd Page of Prakashakna Be Bol section] [123] [11].

પીરાણા સતપંથનું અસ્તિત્વ ટકાવવા માટે, અનુયાયીઓની ઘટતી સંખ્યા અને ઘટતી આવકને અટકવવાની તાતી જરૂર હતી. પીરાણાની આવક વધારવા માટે જરૂરી હતું કે અનુયાયીઓ વધે. પણ વર્ષ 1985ના અરસા સુધી સતપંથના અસલ ઈસ્લામી સ્વરૂપની જાણ કચ્છ કડવા પાટીદાર (ક.ક.પા.) જ્ઞાતિના ઘરો ઘર સુધી પહોંચી ગઈ હતી. ઈસ્લામ ધર્મ સાથે જોડાવવામાં ક.ક.પા. જ્ઞાતિના લોકો હવે શરમની લાગણી અનુભવતા હતા. એટલે એક એવા ઉપાયની જરૂરત હતી, કે જેના થકી લોકો મોટી સંખ્યામાં પીરાણા સતપંથ સાથે જોડાય અને તેમાં ગૌરવની લાગણી અનુભવે. [27:Page 33 and 355]

 

185.         તાકિયાના પુનઃ પ્રયોગથી બાહ્ય બદલાવ: આ ઉપાયને અમલમાં લાવવા માટે ફરીથી એક વખત ઈસ્લામનું મહત્ત્વનું હથિયાર “અલ-તાકિયા” ટૂંકમાં “તાકિયા”નો પ્રયોગ કરવામાં આવ્યો.

સતપંથનું અસ્તિત્વ ખતરામાં જોઈને, સતપંથના “ગુપ્તી” સમુદાયના નેતા એટલે કે ગાદીપતિ મુખ્ય કાકાએ પીરઝાદા શમસુદ્દીન બાવા ખાકીના માર્ગદર્શન હેઠળ, સતપંથમાં બાહ્ય હિન્દુવાદી સુધારા કરવાનું શરૂ કર્યું.

આનો હેતુ એટલો જ હતો કે સતપંથના અનુયાયીઓને સનાતની ભાઈઓની નિંદા સહેવી ન પડે અને સતપંથને મુસ્લિમ ધર્મ સમજીને છોડીને ગયેલા અનુયાયીઓ પાછા સતપંથમાં વળી શકે. આના કારણે સતપંથીઓ પોતાની ઓળખ, એક રૂઢીવાદી હિંદુ તરીકે હોવાનો મજબુત દાવો કરી શકે અને ઇસ્લામનો કોઈ પ્રભાવ ન હોવાનું પણ કહી શકે. [27:Page 356 to 359] [138:Page 150].

186.         ત્રણ પ્રકારના ફેરફારો થયા: તાકીયાનો ઉપયોગ કરીને પીરાણા સતપંથમાં મુખ્ય ત્રણ પ્રકારના ફેરફારો કરવામાં આવ્યા.

186.1.           સતપંથના શાસ્ત્રોનું ભાષાંતર: સતપંથ ઇસ્લામી ધર્મ હોવાના કારણે એમાંના અસલ શાસ્ત્રોમાં ઘણા બધા ઇસ્લામી શબ્દો હતા. એ ઇસ્લામી શબ્દોનું ભાષાંતર કરીને તેની જગ્યાએ હિન્દુ શબ્દો મૂકવામાં આવ્યા. જેવી રીતે બાઇબલ કે કુરાનનું ભાષાંતર “હિન્દુ” ભાષામાં તૈયાર કરેલ હોય. આવા ભાષાંતર કરેલ શાસ્ત્રોને હિન્દુ ધર્મના શાસ્ત્રો છે એવી રીતે રજૂ કરવામાં આવ્યા. પહેલી નજરે લોકોને કંઈ ઇસ્લામી શબ્દો દેખાયા નહીં એટલે એમને સાચું લાગ્યું [50:Page 220 to 227].

પણ, એ શાસ્ત્રોમાં સતપંથના ઇષ્ટદેવ મૂર્તઝા અલી તાલીબ (હિન્દુ નામ – નિષ્કલંકી નારાયણ) અને આદ્ય ગુરુ સૈયદ ઈમામશાહ બાવાનું પૂજન ચાલુ રાખ્યું. માત્ર પૂજા કરવાની ભાષા બદલી. હિન્દુઓને ભ્રષ્ટ કરનાર સતપંથ-દશાવતાર ગ્રંથને રદ્દ ન કર્યો. એમના ભગવાન અને ગુરુને ક્યારેય ન બદલ્યા. એ મુસલમાન જ રહ્યા [27:Page 357] [50:Page 216] [140:Page 105, 106, 108, 110, 111, 112] [158:Page 231 to 233].

આવી રીતે ભાષાંતર કરેલ પહેલું શાસ્ત્ર દિનાંક 02-Sep-1990ના  લક્ષ્મીપુર કંપા (ખેડબ્રહ્મા, સાબરકાંઠા) ના મંદિરમાં બોલાવેલ સભામાં માન્યતા આપવામાં આવી. ત્યાર બાદ દિનાંક 26-Jan-1994ના સતપંથ યજ્ઞવિધિ નામથી એ શાસ્ત્રને પ્રકાશિત કરવામાં આવ્યું. જુઓ [46:3rd Page of Prakashakna Be Bol section]. (Added on 10-Jul-2024)

186.2.           હિન્દુ સાધુ સંતોનો દુરુપયોગ: હિન્દુ સાધુ સંતોનો વિશ્વાસ જીતવા માટેના પ્રયત્નો થયા. બંધ બારણે સાધુઓ પાસેથી સાંભળવામાં આવ્યા પ્રમાણે, હિન્દુ સાધુ સંતોને એવું કહેવામાં આવેલ હતું, કે સતપંથીઓ મુસલમાન ન બની જાય, એટલા માટે અમને સહયોગ કરો. અમે લોકોને હિન્દુ બનાવવા માંગીએ છીએ. જુઓ આ અમારાં ધાર્મિક પુસ્તકો જેમાંથી અમે ઈસ્લામના તત્ત્વો કાઢી નાખ્યા છે અને એમાં હવે માત્ર હિન્દુ તત્ત્વો જ છે.

કોઈએ સતપંથના શાસ્ત્રોનો ગહન અભ્યાસ ના કર્યો. તાકીયા વિષે કોઈ જાણતું નહોતું. હિન્દુ સાધુ સંતોને આ ઊંડા ષડયંત્રની કલ્પના જ નહોતી. એમને એમ લાગ્યું કે કોઈ મુસલમાનમાંથી હિન્દુ બને છે, તો જાજો વિચાર કરવાની જરૂર નથી, સારું જ થાય છે. કોઈએ સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ પાસેથી અભિપ્રાય લીધો નહીં.

માટે, હિન્દુ સાધુ સંતો, જે ખૂબ સારી રીતે જાણે છે કે સતપંથ મુસલમાન ધર્મ છે, છતાં માત્ર એવી આશામાં કે સતપંથીઓ હિન્દુ બની રહ્યા છે અને પોતાના હાથે ધર્મનું બહુ મોટું કામ થઇ રહ્યું છે, એવા ભ્રમમાં આવીને સતપંથને સહયોગ આપવા તૈયાર થઇ ગયા. પીરાણા તરફથી સાધુઓને અપાતા દાન-દક્ષિણા પણ થોડોઘણો ભાગ ભજવતા હોય છે.

પીરાણામાં હિન્દુ સાધુ સંતોના સમ્મેલનો સમય સમય પર બોલાવવામાં આવે છે. આ સમ્મેલનોમાં મંચ ઉપરથી સતપંથ હિન્દુ ધર્મનો ભાગ છે, એવી રજૂઆત હિન્દુ સંતોના મોઢે કરવામાં આવે છે. [50:Page 216] [27:Page 36] [69] [11] [123] [163] [158:Page 231 to 233].

186.3.           હિન્દુ સંગઠનોનો દુરુપયોગ: હિન્દુ સાધુ સંતોને જેવી વાત કહી એવી વાત હિન્દુ સંગઠનો જેવા કે RSS, VHP, બજરંગ દળ વગેરેને કહી. હિન્દુ સંગઠનો પણ ખુશ થયા કે મુસલમાનના ધર્મ સ્થાનને હિન્દુ ધર્મમાં ફેરવી નાખવામાં આવી રહ્યું છે [27:Page 205] [158:Page 231 to 233] [138:Page 148 and 149].

એ પ્રમાણે શરૂઆતમાં હિન્દુ સંગઠનોના કાર્યક્રમો થવા લાગ્યા. એમના કાર્યક્રતાઓની શિબિરો યોજવવાનું શરૂ થયું. સાંભળવા મળેલ વાત પ્રમાણે તેમના કાર્યક્રમોનો ખર્ચ પણ પીરાણા સંસ્થા ઉપાડવા લાગી [27:Page 242] [27:Page 153] [27:Page 968] [158:Page 232].

આ સંગઠનોના માર્ગદર્શન હેઠળ પીરાણામાં હિન્દુ દેખાવ વધારવામાં આવ્યો. અને આ સંગઠનોના કાર્યકર્તાઓ ગૌરવ કરવા લાગ્યા કે એમણે એક મુસલમાન ધર્મ સ્થાનક ઉપર હિન્દુનો કબજો કરાવીને બહુ મોટું કામ કર્યું છે [50:Page 230].

187.         સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ પૂરો વિચાર ન કર્યો: હિન્દુ સાધુ સંતો અને હિન્દુ સંગઠનોએ જ્યારે પીરાણા સતપંથને સાથ આપ્યો ત્યારે એમણે કલ્પના પણ નહીં કરી હોય કે તેમના સાથ-સહકારનો દૂર-ઉપયોગ કરવામાં આવશે. એમણે કોઈ દિવસ, સતપંથ છોડીને હિન્દુ બનેલા લોકોની સમાજ, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, સાથે વાતચીત ન કરી, એમને વિશ્વાસમાં ન લીધા. [27:Page 39].

188.         તાકીયાથી અજાણ: હિન્દુ સાધુ સંતો કે હિન્દુ સંગઠનો મોટે ભાગે તાકીયાથી અજાણ હતા. એટલે એમની રમત એમના જ (હિન્દુના) વિરુદ્ધ વાપરવામાં આવી શકે, એ એમની કલ્પનામાં જ નહોતી.

189.         ઇસ્લામી બીજથી અજાણ: હિન્દુ સાધુ સંતો અને સંગઠનોએ માત્ર સતપંથના બાહ્ય આચરણો ઉપર કામ કર્યું. સતપંથના ઇસ્લામી બીજને કાઢવા ઉપર કોઈએ કામ ન કર્યું. જો ઇસ્લામી બીજ સુરક્ષિત રહેશે, તો ભવિષ્યમાં કોઈ ને કોઈ દિવસ, સતપંથ પાછો ઇસ્લામી ધર્મનો સાચું રૂપ અપનાવશે, એમાં બે મત નથી.

190.         ફેરફારોની અસર: ઉપર જણાવેલ ત્રણ પ્રકારમાં ફેરફારોથી પીરાણાને જે જોઈતું હતું એ મળી ગયું. સતપંથ હિન્દુ ધર્મનો ભાગ છે એવું લોકોમાં પ્રસ્થાપિત કરવામાં તેઓ મહદ અંશે સફળ થયા. આ છબીના કારણે પીરાણા છોડનાર સતપંથીઓને ભરમાવવામાં તેઓ સફળ રહ્યા. ભરમાવવા શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કારણ કે સતપંથ ઇસ્લામ ધર્મ હોવા છતાં, હિન્દુ ધર્મ છે એવું કહીને લોકોને છેતર્યા. પરિણામે સતપંથ હિન્દુ ધર્મ હોય તો સતપંથને છોડી જવાની જરૂર નથી, એવું લોકો સમજવા લાગ્યા.

આવી છેતરામણીથી કોને  નુકસાન થયું? હિન્દુ કે મુસલમાનોને? મુસલમાનો તો કોઈ સતપંથ તરફ આકર્ષાયા નહીં. ઊલટું હિન્દુ સતપંથ તરફ આકર્ષાયા અને અડધા હિન્દુ અને અડધા મુસલમાન બન્યા. સવાલ એ છે કે શું હિન્દુ સાધુ સંતો અને હિન્દુ સંગઠનો હિન્દુઓને સતપંથ તરફ આકર્ષિત કરવા માંગતા હતા? જો ના, તો હવે પછી જે આગળ (નીચે) જણાવેલ છે, જે બન્યું એનું જવાબદાર કોણ?

સનાતની સમાજમાંથી લોકો સતપંથ ધર્મ તરફ પાછા કેમ જવા લાગ્યા? [27:Page 171]

191.         ફેરફારોથી પીરાણાને લાભ: હિન્દુ છબી/ઓળખને સતપંથીઓએ હિન્દુઓના વિરુદ્ધ જ કેવી રીતે વાપરી, એ હવે જોઈશું [27:Page 39].

191.1.           સતપંથ છોડવાનો પ્રવાહ અટક્યો: ભ્રમણામાં પડેલા હોવાના કારણે, સતપંથને છોડી દેનાર લોકોનો પ્રવાહ ધીમો પડ્યો અથવા તો અટકયો.

191.2.           હિન્દુ છબીના કારણે સનાતન સમાજમાં ઘૂસી અને ટકી શક્યા: સતપંથ હિન્દુ ધર્મ છે, એવી છબીના કારણે, ક. ક. પા. જ્ઞાતિના સતપંથીઓને અન્ય જ્ઞાતિઓમાં પોતાને હિન્દુમાં ખપાવવા માટે સનાતન સમાજમાં સહેલાઈથી ઘૂસવા અને અંદર ટકી રહેવા માટે અનુકૂળ વાતાવરણ મળી ગયું.

191.3.           સનાતન સમાજને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા: પીરાણા સતપંથ ધર્મને ત્યાગનાર લોકો દ્વારા ઊભી કરેલ સનાતન સમાજને તોડવાના પ્રયાસો સતપંથીઓ કરવા લાગ્યા. સનાતનીઓ સામે ખોટા પોલીસ અને કોર્ટ કેસો કરી, એમને દબાવવાના પ્રયત્નો થવા લાગ્યા. સનાતની સમાજ ચલાવવામાં અડચણો ઊભી કરવા લાગ્યા.

એટલે જ્યારે એમને રોક્યા અને કહ્યું કે જો આવું કરશો, તો આપણે સાથે નહીં રહી શકીએ. માટે હવે તમે તમારા સતપંથ સમાજમાં રહો, એ સારું છે, આ સમાજ સનાતનીઓની જ સમાજ છે. ત્યારે જવાબ મળવા લાગ્યો કે અમે પણ હિન્દુ છીએ, સનાતની છીએ. જુઓ અમારા ધાર્મિક પુસ્તકો, જુઓ હિન્દુ સાધુ સંતોના પ્રવચનો, જુઓ હિન્દુ સંગઠનોનો સહયોગ. એમની વાતને મનાવવા માટે  કોર્ટ કેસો અને સરકારી તંત્રોનો દુરુપયોગ પણ કરવા લાગ્યા. સનાતની સમાજ બધી બાજુથી સંકટ રૂપી કાળા વાદળો વચ્ચે ફસાઈ ગયો [27:Page 36].

192.         મવાળો124 સક્રિય થયા: સનાતન સમાજમાં સતપંથના એજન્ટ બનીને બેઠેલા મવાળોએ પણ સમાજને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું. મવાળો કોને કહેવાય, મવાળોની કાર્યપદ્ધતિ વગેરે વિષે વધુ જાણકારી માટે જુઓ પુસ્તક સતપંથ છોડોમાં [27:Page 195] અને આ પુસ્તકમાં જણાવેલ પોઈન્ટ (22.2).

સતપંથીઓ અને મવાળો મળીને સનાતન સમાજમાં એવો માહોલ (narrative) ઊભો કર્યો કે સમાજમાં સતપંથીઓ સાથે પ્રેમ-એકતા-સંપ-સંગઠન વગેરે રાખવું એજ સર્વોપરી છે. અને એની જવાબદારી સનાતનીઓ ઉપર છે (સતપંથીઓ ઉપર નહીં). સદ્ભાવ અને ધર્મ નિરપેક્ષતાની વાતો કરવામાં આવે. સતપંથવાળાને ખોટું કરતા અટકાવવામાં આવે ત્યારે પ્રેમ-એકતા-સંપ-સંગઠન તૂટી જવાનો ભય બતાવવામાં આવે. ઉપરથી ખોટા કોર્ટ કેસમાં ફસાવવાનો ભય પણ બતાવવામાં આવે. આવી રીતે સનાતની નેતાઓ/વડીલોને ચૂપ કરાવી દેવામાં આવે.

મવાળો હવે સનાતની વિચારધારાને નુકસાન કરવા લાગ્યા. જેમ કે પુસ્તકો પ્રકાશિત કરવા લાગ્યા. “સમાજ ભક્તિની ત્સુનામી” [44], “સમાજ ભક્તિની સચ્ચાઈ” [29], “વૈદિક અથરવવેદ સતપંથ એક ઇતિહાસ” [154], પેમફલેટો [75] [150], વગેરે પ્રકાશિત કર્યા અને “એકતા મંચ વાંઢાય” [162], “પાટીદાર સર્વોદય ટ્રસ્ટ” [7]જેવા સંગઠનો પણ ઊભા કર્યા.

ધીરે-ધીરે એમની લોબી એટલી મજબૂત થઈ ગઈ કે નેતાઓ પોતાની સીટ ટકાવવા માટે મવાળો અને સતપંથીઓને છાવરવાની નીતિ અપનાવવા લાગ્યા. એના બે મુખ્ય દાખલાઓ અહીં નીચે આપેલ છે.

1.     સનાતન શબ્દનો વિરોધ: ધનસુરા ઝોનની એક મિટિંગ મોડાસા ખાતે રાખવામાં આવી હતી. એ સભામાં, મવાળોએ એવી રજૂઆત કરી કે અમારી માટે “સનાતન” શબ્દનો વિવાદ છે, માટે ધનસુરા સનાતન સમાજના નામમાં “સનાતન” શબ્દ કાઢી નાખવો જોઈએ, એ પ્રકારની વાત થઈ. એજ સભામાં મંચ ઉપરથી, ધનસુરા સનાતન સમાજના તત્કાલીન મંત્રી શ્રી અમૃતભાઈ રામાણી, સંચાલક અશોકભાઈ ભાવાણી અને તેમની સાથે ધનસુરાથી આવેલ અન્ય ભાઈઓએ સંત શ્રી ઓધવરામ મહારાજના અભિગમ અને સંઘર્ષનો ઉલ્લેખ કરીને એ વાતનો જબરદસ્ત વિરોધ કર્યો. તેથી સનાતન શબ્દને કોઈ વાંધો આવવા દીધો નહીં (આજે પણ ધનસુરા સમાજના નામામાં ગૌરવ સાથે સનાતન શબ્દ જોડાયલો છે). – સૌજન્ય: અમૃતભાઈ રામાણી, ધનસુરા અને અશોકભાઈ ભાવાણી, ધનસુરા.

2.    રામજી કરમશી નાકરાણી: કેન્દ્રીય સમાજનો ઇતિહાસ રહ્યો હતો કે એના પ્રમુખ કોઈ દિવસ સતપંથના કાર્યક્રમમાં હાજરી આપી નહોતી. બધાજ પ્રમુખોએ સનાતન સમાજની ગરિમા સાચવી હતી. પણ રામજીભાઈ, એક કટ્ટર સનાતની હોવા છતાં, Nov2008માં નખત્રાણામાં ઊભા થયેલ નવા ખાના (નિષ્કલંકી નારાયણનું કહેવાતું મંદિર)ના ઉદ્ઘાટન પ્રસંગે શોભામાં અભિવૃદ્ધિ કરવા ગયા. જેનાથી સંદેશ ગયો કે જાણે સતપંથને એક રીતે સનાતન સમાજે સ્વીકૃતિ આપેલ છે.

આજે અફસોસ સાથે એ વાતને યાદ કરતાં રામજી કરમશી માને છે કે એ એમની ભૂલ હતી. એમને સમાજના ઘણા લોકોએ આ કાર્યક્રમમાં જવાની ન પાડી હતી, તેમ છતાં એમની આસપાસના મવાળોએ એવો માહોલ ઊભો કરી નાખ્યો હતો કે એમની બુદ્ધિ થોડા દિવસો માટે ભ્રષ્ટ થઈ ગઈ અને એમનાથી આ ભૂલ થઈ ગઈ. – સૌજન્ય રામજી કરમશી નાકરણી અને [27:Page 64].

193.      રમેશ વાગડિયા સામે ખોટો કેસ: CA રમેશભાઈ વાગડીયાએ, એમના ગામ ખોંભડીના યુવાનોને સનાતની ઇતિહાસ બાબતે જાગૃત કરવા દિનાંક 13‑Oct‑2005ના એક પેમ્ફલેટ છપાવીને વિતરીત કર્યું હતું. સ્વાભાવિક છે કે સતપંથીઓ અને એમના એજન્ટ મવાળોને આ વાત ગમી નહીં. સીધી રીતે રમેશભાઈનો વિરોધ કરી શકે તેમ નહોતા. એટલે વર્ષ 2006માં એમણે એક ફરિયાદ કરી કે રમેશભાઈ, એમના પિતાશ્રી અને એમના નવ્વાણું વર્ષના દાદાશ્રી, પીરાણા આવ્યા હતા અને ત્યાં ઝઘડો કર્યો. અન્ય લોકો પણ ભેગા થયા અને એ ત્રણ જણાએ મારામારી કરીને ગાડીમાં બેસી નીકળી ગયા.

વાસ્તવમાં રમેશભાઈ અને એમના પરિવારના કોઈ પણ વ્યક્તિ કોઈ દિવસ પીરાણા ગયા જ નથી. જે દિવસે, ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, આ કથાકથીત ઘટના ઘટી, એ દિવસે એ લોકો કોઈ લગ્નના કાર્યક્રમમાં અન્ય જગ્યાએ હાજર હતા. પુરાવા માટે એ પ્રસંગના એના ફોટો પણ છે. પણ વાસ્તવમાં રમેશભાઈ અને એમના પરિવારને દહેશતમાં રાખવા માટે કેસ કર્યો હોય, એવું દેખાય છે. એમાં પણ એમના નવ્વાણું વર્ષના દાદાએ મારકૂટ કરી? આ આરોપ સાબિત કરે છે કે આ ફરિયાદ તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલ છે.

આ વાતમાં આગળ હજી એક વળાંક આવે છે. રમેશભાઈના મોટા ભાઈ મોહનભાઇના દીકરાનું મામેરું ભરાતું હોય, ત્યારે અચાનક રમેશભાઈની ધરપકડ કરવા અમદાવાદથી ચાલુ પ્રસંગમાં પોલીસ આવે છે. આવેલ મહેમાનો વચ્ચે ભયનો માહોલ ઊભો કરવા અને લોકોમાં ડર ફેલાવવા માટે જ કરવામાં આવ્યું હોય, એ સ્વાભાવિક છે. આ બધું સૂચવે છે કે રમેશભાઈનો દાખલો ઊભો કરીને સનાતનીઓને સંદેશ આપવાનો પ્રયાસ હતો કે સતપંથ સામે બોલશો તો તમારા ભૂંડા હાલ થશે. – સૌજન્ય રમેશભાઈ વાગડિયા.

આ વાતના ઘટના ક્રમને અત્યારે વિરામ આપી છીએ. આ પુસ્તકના આગળના પ્રકરણના પોઈન્ટ (203)માં  આપણે જોઈશું કે આ વાતમાં નવો વળાંક કેવો આવે છે.

194.      સનાતનીઓના વિરુદ્ધનો માહોલ: સનાતન સમાજમાં જ, એટલે કે પોતાના ઘરમાં જ, પોતાના વિરુદ્ધનો માહોલ કેવો ઊભો થયો હતો, એની મુદ્દાસર વાત CA રમેશભાઈ વાગડિયાએ સારો લેખ તૈયાર કરેલ છે, જે સતપંથ છોડો પુસ્તકના પેજ 51માં પ્રકાશિત કરેલ છે [27:Page 51].

195.      વિકટ પરિસ્થિતિ: સનાતની વડીલો સામે વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. [27:Page 30 to 41]

સનાતન સમાજની અંદર રહેલા સતપંથીઓ, જે હવે ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી ગયા હતા, એ સમાજના ધાર્મિક કાર્યક્રમોમાં અવરોધ નાખવા લાગ્યા. સમાજમાં હિન્દુ સાધુને બોલાવશો, તો સતપંથના સાધુને પણ બોલાવો, એવી શરતો રાખવા લાગ્યા. સમાજના સનાતન ધર્મની જય, લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલી શકાતી નહોતી. કારણ કે તે જય સામે સતપંથની જય, ઈમામશાહની જય બોલાવવામાં આવતી.

સનાતન સમાજની અંદર, સતપંથની જય કોઈ દિવસ સનાતનીઓ સહન ન કરે એમ હતું. જો સનાતનીઓ સતપંથની જય બોલાવવા સતપંથીઓને રોકે, તો સતપંથીઓ સમાજ ચલાવવા ન આપે અને ખોટા કેસો કરીને દોડતા કરી દે. માટે, સનાતની વડીલો સામે બે વિકલ્પો હતા.

1.     સતપંથ ધર્મને સ્વીકૃતિ આપી દે.

2.     સતપંથીઓને સમાજમાંથી બહાર કાઢી દે.

આ વિટંબણા વચ્ચે ફસાયેલા સમાજના હોદેદારો બધું સમજતા હોવા છતાં કોઈ નિર્ણય લેતા નહોતા. પણ સતપંથ તરફ કૂણું વલણ અપનાવતા હતા. જેથી સમાજના લોકોમાં અંદરોઅંદર ભારે રોષ ભરાતો હતો.

જન આક્રોશ: કટોકટીની આ પરિસ્થિતિમાંથી જ્ઞાતિને ઉગારવા સફાઇ અભિયાન શરૂ થયું [27:Page 53]. જેના વિષે આગળના પ્રકરણમાં જોઈશું.


124 મવાળ = સનાતન સમાજમાં રહી સનાતન સમાજને નુકસાન કરે અને સતપંથ સમાજને ફાયદો થાય એવું કામ કરે. એક પ્રકારના સ્લીપર સેલ (sleeper cell) કહી શકાય.

Leave a Reply

Share this:

Like this: