Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
155. સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી – શરૂઆત: આ પુસ્તકની શરૂઆતમાં આપણે જોયું કે “વિચારધારાના વિનાશ” પદ્ધતિનો છેલ્લો તબક્કો નવી સમાજ ઊભી કરી, તેમાં સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી. ક. ક. પા. ઇતિહાસના પરિપેક્ષમાં જોઈએ તો સનાતની સમાજ ઊભો તો થઈ ચૂક્યો હતો, પણ હવે એમાં સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવાનો તબક્કો (2 ચરણમાં) શરૂ કરવા દોર શરૂ થઈ રહ્યો છે. આ તબક્કાનું પહેલું ચરણ અહીંથી શરૂ થાય છે. જેના વિષે નીચે બતાવેલ ટેબલ પરથી વિગત સમજી શકો છો.
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી | વિનાશ વિગત | સુધારો |
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
|
|
ચરણ 1: સનાતની સંગઠનને મજબૂત કરવું: જ્ઞાતિ આત્મનિર્ભર બને તે માટે જરૂરી સંસ્થાઓ અને સંગઠનો ઊભા કરવા. પોતાના નવા રીતરિવાજો આંતરિક નિયમો વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવા કે જૂની પરંપરા / ધર્મ તરફ જોવાનું બંધ થઈ જાય. |
24 |
પૂર્ણ (આ લેખમાં જણાવેલ મુદ્દાઓ પછી) |
156. સનાતની સંગઠનને મજબૂત કરવું: આ તબક્કામાં આપણે જોઈશું કે કેવી રીતે જ્ઞાતિનું ધર્મ પરિવર્તન થયા બાદ, સનાતનીઓએ પોતાની ઘરવાપસી ટકાવી રાખવા જ્ઞાતિ અને સમાજના વિકાસ માટે સમય-સમય પર અનેકો આયામમાં (multi–dimension) કામ કર્યું. અને પોતાનું સનાતની ઘર મજબૂત કર્યું.
157. ઘરવાપસી પછી પોતાનું ઘર ઊભું કરવું: સનાતન ધર્મમાં જ્ઞાતિની ઘરવાપસી તો થઈ. પણ તેનાથી કામ પૂરું નથી થતું. ઘરવાપસી પછી પોતાનું ઘર ઊભું કરવું પડે. નહીં તો ઘરવાપસી લાંબા સમય સુધી ન ચાલે. વ્યક્તિને જીવનનો આનંદ માણવા માટે સારો સમાજ જોઈએ. સારો અને મજબૂત સમાજ એની સંસ્થાઓથી નિર્માણ થાય છે. એવો સમાજ જ્યાં કમ સે કમ ;
1) સનાતન ધર્મના પાયા પર સમાજ ઊભો હોય,
2) સુંદર પરિવાર વ્યવસ્થા (લગ્ન જેવા જ્ઞાતિ રીતરિવાજો) હોય,
3) સંગઠિત થવા માટે સમાજ વ્યવસ્થા હોય,
4) રોટી-બેટીનો વ્યવહાર નિ:સંકોચ પણે કરી શકતો હોય,
5) સુરક્ષા અને સમૃદ્ધિ હોય,
6) જરૂરી સુવિધાઓ અને જરૂરત પડે ત્યારે પૂરતી મદદ પણ મળે, એવી વ્યવસ્થા હોય,
7) જેવી અન્ય તમામ બાબતો હોય.
માટે, આ તબક્કો એટલે કે “Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી” તબક્કાના પહેલા ચરણમાં, ઉપર જણાવ્યા પ્રમાણે, સામાજિક સંસ્થાઓ અને સગવડો ઊભી કેવી રીતે કરવામાં આવી એ હવે જોઈશું. આ તમામ પ્રક્રિયાને આ પુસ્તકમાં પોતાનું “ઘર ઊભું કરવું” એમ કહેલ છે.
158. એડહોક સમિતિની રચના: નખત્રાણામાં હાઈસ્કૂલ ચાલુ થવાની છે, એ સમાચાર વહેતા થયા, એ અરસામાં પરમ પૂજ્ય સંત ઓધવરામ મહારાજના સ્વર્ગવાસ પછી જે કાર્યક્રમ વાંઢાયમાં થયો હતો, તેમાં ઉપસ્થિત જ્ઞાતિના, અગાઉ પ્રકરણમાં જણાવેલ આગેવાનોએ, પૂજ્ય મહારાજશ્રીએ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય હોવાની સેવેલી આકાંક્ષાને મૂર્તસ્વરૂપ આપવા નિર્ણય કર્યો.
આ નિર્ણયને પરિપૂર્ણ કરવા “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ”ની દિનાંક 22‑May‑1957ના એક મિટિંગ બોલાવવામાં આવી હતી. મિનિટ બુકની નોંધ પ્રમાણે, આ સભા કોટડા-જ. મુકામે ભીમજી કેશરાના નિવાસ સ્થાને મળી હતી અને તેમાં કચ્છના ગામેગામના આગેવાનો ભેગા થયા હતા. જેમાં 3 નિર્ણયો લેવામાં આવ્યા.
1) નખત્રાણામાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે એક છાત્રાલય119 બનાવવું.
2) ભુજ ખાતે એક વાડી120 બનાવવી.
3) માંડવી ખાતે પણ એક વાડી120 બનાવવી.
આ કામ ઉપાડી લેવા માટે એક એડહોક સમિતિ બનાવવામાં આવી. આ અંગે વિસ્તતુ અહેવાલ “પાટીદાર વિદ્યાર્થી ભવન (નખત્રાણા) ઉદ્ઘાટન સમારોહ તથા પરિષદની કાર્યવાહીનો અહેવાલ” [71] નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. એમાં આપેલ માહિતીનું પુનરાવર્તન અહીં કરવામાં નથી આવી રહ્યું. ઇચ્છુક વ્યક્તિએ એ અહેવાલ વાંચી લેવા વિનંતી. ટૂંકમાં વાંચવું હોય તો કચ્છ કડવા પાટીદારોનો ઇતિહાસ [4] પુસ્તકમાં વાંચી શકાશે.
159. ભુજ અને માંડવી સમાજ વાડીઓ: થોડા સમયમાં ભુજ ખાતે શેઠ તુલસીદાસનો બંગલો ખરીદી લીધો અને ત્યાં સમાજ વાડી ચાલુ કરવામાં આવી. અને વધુમાં વાડીની બાજુમાં આવેલ ખુલ્લી જમીનનો પ્લોટ પણ ખરીદી લીધો. એવી રીતે માંડવીમાં પણ વાડી માટે મિલકત ખરીદવામાં આવી [71].
160. નખત્રાણા છાત્રાલય: નખત્રાણા છાત્રાલય માટે જમીન ખરીદીને ત્યાં એક મોટું ભવ્ય સંકૂલ બનાવવામાં આવ્યું. તે માટે ભારતભરમાં પથરાયેલા સનાતન સમાજના લોકો પાસે પ્રવાસ ખેડીને ફાળો ભેગો કરવામાં આવ્યો હતો. એમાં ખાસ કલકતા, નાગપુર અને મુંબઈની મુખ્ય ભૂમિકા હતી. નખત્રાણામાં આ વિશાળ છાત્રાલયનું ઉદ્ઘાટન દિનાંક 11‑May‑1960ના દિવસે થયું [71].
161. નખત્રાણાનું છાત્રાલય અને સનાતનીઓનું કેન્દ્ર સ્થાન: ધર્મ પરિવર્તનના દોરમાં આપણે જોયું કે સનાતની સમાજની પોતાની કોઈ જગ્યા નહોતી. શરૂઆતમાં નથુ નાનજીના મકાનમાં સમાજની ઓફિસ હતી અને છેલ્લે ભીમજી કેશરાના ઘરેથી કામ ચાલતું. પણ છાત્રાલય ઊભું થવાથી સનાતનીઓને એક કેન્દ્ર સ્થાન મળી ગયું. જેણે હેડ ઓફિસ કે મથક પણ કહી શકાય. સનાતનીઓની જે સમાજ ચાલતી હતી એનું ફરીથી બંધારણ ઘડી એને પસાર કરવામાં આવ્યું. જ્ઞાતિ પાસે પોતાનું સામાજિક માળખું હોવાથી સ્વયંસેવકો, બૌદ્ધિકો, દાનવીરો અને સમજુ લોકોને ભેગા થવાની એક જગ્યા અને કારણ મળી ગયું. કેન્દ્ર સ્થાન ઊભું થવાથી સનાતની સમાજની ગતિવિધિઓએ હરણફાળ ગતિ પકડી. એના માટે આ એક ઐતિહાસિક ઘટના છે, જેની ખાસ નોંધ લેવા વિનંતી [71].
162. શિક્ષણ ઉપર ફોકસ121: છેલ્લા ઘણા વર્ષોથી જ્ઞાતિનું લક્ષ્ય, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરો ઊભા કરી ધાર્મિક માળખું (infrastructure) નિર્માણ કરવામાં હતું. આ ઘટના પછી જ્ઞાતિનું મુખ્ય લક્ષ્ય શિક્ષણ લક્ષી સંસ્થાઓ ઉપર કેન્દ્રિત થયું. જેની પણ ખાસ નોંધ લેવા વિનંતી [71].
163. સનાતન ધર્મને સાથે રાખવાનો અભિગમ: એક વાત અહીં ધ્યાનમાં રાખવા જેવી એ છે કે શિક્ષણ કે કેળવણી ઉપર જ્યારે જ્ઞાતિએ ફોકસ કર્યું, ત્યારે એના પાયામાં સનાતન ધર્મ તો હતો જ. યાદ રહે સંત ઓધવરામ મહારાજની ઈચ્છાના કારણે આ પરિયોજના ઘડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઠેર-ઠેર સંત ઓધવરામ મહારાજને યાદ કરવામાં આવેલ હતા. કાર્યક્રમના સ્વાગત પ્રમુખનું ભાષણ ઓધવરામ મહારાજને યાદ કરીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્ટેજમાં “લક્ષ્મીનારાયણ ભગવાનકી જય”, “કુળદેવી ઉમિયા માતકી જય” [4:Photo after page 28] એવા મોટા બેનર લગાડવામાં આવ્યા હતા [71]. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ધર્મનું શિક્ષણ મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી [4:Page 149].
164. સમાજનું પહેલું જ્ઞાતિ અધિવેશન: નારાયણ રામજીના દોરમાં જ્ઞાતિના ત્રણ પરિષદો (અધિવેશન) ભરાણા હતા. પણ એ એમના આગેવાનીમાં હતા, સામાજિક ધોરણે નહોતા. સામાજિક ધોરણે પહેલું જ્ઞાતિ અધિવેશન છાત્રાલય ઉદ્ઘાટનના આગલા દિવસે એટલે કે દિનાંક 10‑May‑1960ના રોજે, એજ સ્થળે ભરવામાં આવ્યું હતું. આ પરિષદમાં સંત ઓધવરામ મહારાજ, નારાયણ રામજી, રતનશી ખીમજી અને નથુ નાનજીના જ્ઞાતિ સુધારના કાર્યો વિષે ઋણભાવ વ્યક્ત કરવામાં આવ્યો [71:Page 65]. અને એમણે બતાવેલ રસ્તા ઉપર આગળ વધવાની વાતો કરવામાં આવી. અને આ અધિવેશનમાં જેને જ્ઞાતિનું બંધારણ કહેવાય એવા “જ્ઞાતિના રીતરિવાજો” પસાર કરવામાં આવ્યા [71:Page 55].
165. શૈક્ષણિક માળખું (Educational Infrastructure): શિક્ષણના પ્રયાસો નારાયણ રામજીના દોરના સમયથી જ શરૂ થયા. એમને લાયબ્રેરી (library) ઉપર જોર આપ્યું. કરાચીમાં પહેલી લાયબ્રેરી ઊભી કરી. તે વખતે સતપંથીઓમાં આ લાયબ્રેરીની એવી દહેશત હતી (કે ચીડ હતી) કે સુધારકોને “લેબરિયા”122 નું ઉપનામ આપીને ગૌણ ભાવથી બોલાવવામાં આવતા. ત્યાર બાદ કરાચીમાં ટૂંક સમય માટે રાત્રિ શાળા ચાલી. વાંઢાય ખાતે નાના પાયા પર બોર્ડિંગ ચાલુ થઈ. પણ પદ્ધતિ સર કામ કરવા માટે મોટા પાયા પર ગુજરાતમાં ધનસુરા ખાતે જ્ઞાતિની પહેલી બોર્ડિંગ ઊભી થઈ. ત્યાર બાદ આ તબક્કામાં નખત્રાણા ખાતે બોર્ડિંગ / છાત્રાલય શરૂ થઈ.
165.1. વિદ્યાર્થી પારિતોષિક / ઈનામ વિતરણ: કોઈ પણ સંસ્થા કે સંગઠનનો પાયો સંસ્કારો ઉપર હોય છે. એવી રીતે શિક્ષણના સંસ્કારો જ્ઞાતિમાં નાખવા માટે વિદ્યાર્થી પારિતોષિકો એટલે કે ઈનામ વિતરણની પ્રથા શરૂ થઈ. દરેક સંસ્થાઓ, સમાજો અને સંગઠનો દ્વારા અચૂક ઈનામ વિતરણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. એવી રીતે શિક્ષણ ક્ષેત્રે નામના કરનાર વ્યક્તિનું પણ બહુમાન કરીને એને સમાજમાં યોગ્ય સ્થાન આપવામાં આવે છે.
165.2. ગામેગામ બાલમંદિર: આગાઉ વિરાણી મોટી જેવા ગામોમાં રતનશી ખીમજી જેવા વડીલોના પ્રયાસોથી પદ્ધતિ સરના બાલમંદિરો ચાલી રહ્યા હતા, પણ નખત્રાણા ખાતે બોર્ડિંગની શરૂઆતથી ગામેગામમાં શિક્ષણ માટે બાલમંદિરો અને પ્રાથમિક શાળાઓ ઊભા કરવાના કાર્યને વેગ મળ્યો. જ્ઞાતિના વડીલોએ ગામના અન્ય જ્ઞાતિઓનો સહયોગ લીધો હતો. વડીલો પાસેથી સાંભળવા મળતું કે.. વિરોધીઓ દેશી ભાષામાં કહેતા કે.. “એક મંદિરતો આમે પહેલાં લોહી પીએ રું (છે), વળી આ નવું મંદિર કેવું લોહી પીસે?.” આવું નીચું આ હતું શિક્ષણનું સ્તર અને વિરોધીઓની નબળી માનસિકતા.
165.3. પાટીદાર સ્ટુડન્ટ્સ હોસ્ટેલ – ભુજ: વર્ષ 1967-68માં ભુજ સમાજવાડીના 4 રૂમ હોસ્ટેલ માટે ફાળવીને ત્યાં હોસ્ટેલ ચાલુ કરવામાં આવી. ત્યાર બાદ હોસ્ટેલ માટે અલગથી પ્લોટ ખરીદવામાં આવ્યો અને તેના ઉપર વર્ષ 1987-88માં મકાન બાંધવામાં આવ્યું [4:Page 73].
165.4. કન્યા છાત્રાલય – ભુજ: વર્ષ 1981માં ભુજ ખાતે કન્યા કેળવણી માટે સમાજવાડીની અંદર જ વ્યવસ્થા શરૂ કરવામાં આવી. શરૂઆતમાં કન્યાઓ પાસેથી કોઈ ફી લેવામાં આવતી નહોતી. ધીરે ધીરે કન્યાઓની સંખ્યા વધવા લાગી. વર્ષ 2002માં કન્યા છાત્રાલયને નવા મકાનમાં શરૂ કરવામાં આવ્યું [4:Page 74].
165.5. કન્યા વિદ્યાલય – ભુજ: વર્ષ 2002માં કન્યા છાત્રાલયની અંદર રહતી દીકરીઓ માટે ઇન-હાઉસ (અંદર જ) ધોરણ 8, 9 અને 10 માટે, ઉચ્ચ વિદ્યાલય શરૂ કરવામાં આવી. ત્યાર બાદ કોલેજના ધોરણ 11 અને 12 આર્ટસ અને કોમર્સ કોર્સ ચાલુ કરવામાં આવ્યા [4:Page 74].
165.6. કન્યા છાત્રાલય – નખત્રાણા: દિનાંક 28‑Apr‑1993ના સમાજના ચતુર્થ અધિવેશન વખતે નખત્રાણા ખાતે કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવ્યું [4:Page 76].
165.7. માંડવી કન્યા છાત્રાલય: માંડવીમાં ઉચ્ચ શિક્ષણની સારી સુવિધા હોવાના કારણે જ્ઞાતિના વિદ્યાર્થીઓ સમાજવાડીના રૂમોનો ઉપયોગ કરતા હતા. દિનાંક 17‑Apr‑1994ના “નાનજી વિરજી ધોળુ વિદ્યાર્થી છાત્રાલય” નામથી છાત્રાલય શરૂ કરવામાં આવ્યું. ત્યાં શરૂઆતમાં કુમાર છાત્રાલય હતું, પણ આજે ત્યાં જ્ઞાતિની કન્યાઓ એનો લાભ લઈ રહી છે [4:Page 75].
165.8. માંડવી કુમાર છાત્રાલય: ઉપર જણાવેલ નાનજી વિરજી ધોળુ છાત્રાલય બાંધતી વખતે, એકત્ર થયેલ ફાળાની રકમની બચતમાંથી માંડવીમાં બીજી મોટી જગ્યા લેવા માટે શરૂઆતની રકમ આપવામાં આવી. આ નવી જગ્યા પર દિનાંક 02‑May‑2007ના લખુ વિરજી ધોળુવિદ્યાર્થી હોસ્ટેલ – માંડવી, છાત્રાલય શરૂ કરવામાં આવી. ત્યાં કુમારો (દીકરાઓ) માટે છાત્રાલય શરૂ કરવામાં આવ્યું [4:Page 75].
165.9. વલ્લભ વિદ્યાનગર: ગુજરાતમાં આણંદ શહેરની બાજુમાં શિક્ષણની ખૂબ સારી સગવડો વાળું આ શહેર છે. વર્ષ 1988માં ભાડાના મકાનમાં પ્રાયોગિક ધોરણે હોસ્ટેલ ચાલુ કરવામાં આવી. ત્યાર બાદ દિનાંક 29‑Jan‑1995ના પોતાની માલિકીના મકાનમાં હોસ્ટેલ શરૂ થઈ. ત્યાર બાદ વર્ષ 04‑May‑2015ના નવું મકાન બનાવી SUV પેટા સંસ્થા મારફતે તેનો વહીવટ ચાલે છે [4:Page 77].
165.10. SUV સ્કૂલ સુરત: વૈશ્વિક સ્પર્ધાના યુગમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપવા જૂન 2007ના વલથાણ, સુરત ખાતે સ્કૂલ ચાલુ કરવામાં આવી [4:Page 79].
165.11. નખત્રાણા કોલેજ: કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા નખત્રાણામાં GMDC કોલેજ ચલાવવામાં આવતી હતી. એ કોલેજને દિનાંક 07‑Aug‑2009થી સમાજે પોતાના નિયંત્રણમાં લીધી ત્યારથી સમાજ એ કોલેજ ચલાવી રહી છે.
166. વૈધકીય પ્રવૃત્તિ:
166.1. દેવાશિષ હોસ્પિટલ: વર્ષ 2005થી નખત્રાણા ખાતે એક હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે [4:Page 205]. વર્ષ 1977માં જ્ઞાતિનું બીજું અધિવેશન નખત્રાણા ખાતે યોજાયેલ હતું. કેન્દ્રીય સમાજ દ્વારા આફતમાં ઉપયોગી અને આરોગ્ય માટે સર્જીકલ હોસ્પિટલ નખત્રાણામાં બને એ માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જ્ઞાતિ પાસેથી બંધારણ પાસ કરવા તેમજ અન્ય બાબતે સહમતીઓ લેવાના કામો માટે કચ્છ, ભુજ, પુના, નાસિક, અમદાવાદ, મુંબઈ જેવા સ્થળોએ તે સમયના સમાજના આગેવાનોએ મિટિંગ કરી સહુનો સહયોગ મેળવ્યો. લાંબા સમય બાદ નખત્રાણા ખાતે હોસ્પિટલ બની. જે પશ્ચિમ કચ્છ માટે આશીર્વાદ રૂપ છે.
167. સામાજિક મિલકતો: સમાજનો વ્યાપ વધે અને સમાજના સભ્યોને સુવિધા મળે તે માટે કેન્દ્રીય સમાજે નીચે જણાવ્યા પ્રમાણે મિલકતો વસાવેલ છે.
167.1. ભુજ સમાજવાડી – વર્ષ 1957
167.2. માંડવી સમાજવાડી – વર્ષ 1958
167.3. ગાંધીધામ સમાજવાડી – વર્ષ 1980
167.4. સુવિધા કેન્દ્ર – સમાજનો સૂચારુ વહીવટ માટે અમદાવાદ ખાતે સુવિધા કેન્દ્રની મિલકત દિનાંક 28‑May‑2019ના ખરીદી.
167.5. ભુજ જમીન – ભવિષ્યના પ્રકલ્પો માટે, ભુજ ખાતે સમાજે દિનાંક 18-Jun-2021ના નવી જમીન ખરીદી.
167.6. કચ્છ, કંપા અને ભારત ભરમાં જ્યાં જ્યાં જ્ઞાતિ વસે છે, ત્યાં ત્યાં સમાજો ઊભી થઈ છે અને તેમાં મોટે ભાગે સમાજવાડીઓ પણ ઊભી કરવામાં આવી છે. આજે લગભગ 450 જેટલી સમાજો કેન્દ્રીય સમાજ સાથે રજિસ્ટર્ડ છે. તે ઉપરાંત નાની-નાની સમાજો પણ ચાલે છે.
ક. ક. પા. સનાતન જ્ઞાતિ માટે સમાજવાડીઓ સમાજની કરોડરજજુ છે. સમાજવાડી ઉપર સમાજના સંગઠનનો આધાર હોય છે. ભારતભરમાં સમાજો અને સમાજવાડીઓનું નેટવર્ક એટલું જબરદસ્ત ઊભું થયું છે કે કોઈ પણ માણસને જ્યારે જરૂર પડે, ત્યારે નજીકની સમાજમાંથી કોઈ ને કોઈ વ્યક્તિ સહાયતા માટે પળભરમાં પહોંચી આવે છે. આ ક. ક. પા. સનાતન જ્ઞાતિની તાકાત છે.
168. મંદિરો: ધાર્મિક ક્ષેત્રે જ્ઞાતિમાં પ્રગતિ થાય એ માટે;
168.1. ઉમિયા માતાજી વાંઢાય: દિનાંક 02-Apr-1944ના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી. જેના વિષે આગાઉ પોઈન્ટ (150.24)માં વિસ્તૃત જાકારી આપેલ છે જ.
168.2. સંસ્કાર ધામ દેશલપર: સતપંથીઓનો ત્રાસ ખુબજ વધતો જતો હતો. ગામેગામ રોજ સનાતનીઓને હેરાન કરવા માટે સતપંથીઓ દ્વારા ખોટા કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદો કરવામાં આવતી હતી. એમની પાછળ પીરાણા સંસ્થાનું પીઠબળ હતું. સનાતનીઓ પાસે કોઈ સંસ્થાકીય પીઠબળ નહોતું. કેન્દ્ર સમાજમાં સતપંથીઓ ઘૂસી ગયા હોવાના કારણે કેન્દ્ર સમાજમાં સતપંથ બાબતે કોઈ સહયોગ મળતો નહોતો. સનાતની સંગઠન ટકાવી રાખવા કઇંક ખાસ કરવાની સખત જરૂરત હતી. માટે વર્ષ 1995માં જોરાવરનગરના ભાઈઓએ મુખ્ય આગવાની લીધી.
ત્યાં એ લોકોએ નક્કી કર્યું કે આપણે સનાતનીઓનું એક એવું સંગઠન ઊભું કરીએ કે જે સતપંથીઓ દ્વારા કરવામાં આવતા ખોટા કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદોના માધ્યમથી સનાતનીઓ ઉપર કરવામાં અત્યાચાર અને જુલ્મોનો સામનો કરે અને સનાતનીઓને આ લડાઈમાં પીઠબળ પૂરું પાડે. એના માટે ધર્મનું એક કેન્દ્ર સ્થાન ઊભું કરવાની વાત આવી. જેમાં ગામેગામના લક્ષ્મીનારાયણ મંદિરોને એકસૂત્રે બાંધવામાં આવે જેથી સંસ્થાનું વજન વધે.
તે વખતે સમાજના વડીલ શ્રી પ્રેમજીભાઈ પૂંજા વાસાણીને આ ભાઈઓએ રજૂઆત કરી. એટલે પ્રેમજી પૂંજા આ મિત્રોને સાથે લઈને જેઠા લાલજી ચોપડા, તત્કાલીન ઉમિયા માતાજી વાંઢાયના પ્રમુખ અને અન્ય અમુક આગેવાનોને મળ્યા. બધાને આ વાત ગમી. અહીંથી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિ ઊભી થઈ. જેના પહેલા પ્રમુખ શ્રી પ્રેમજી પૂંજા વાસાણી હતા અને પહેલા મહામંત્રી હતા શ્રી અખઈ પ્રેમજી માનાણી, વિથોણ.
પરિણામે ઉમિયા માતાજી વાંઢાયમાં સૌ ભેગા થયા અને ત્યાંથી સનાતન ધર્મની જાગૃતિ લાવવનાર નારાયણ રામજી લીંબાણીનું ગામ વિરાણી-મોટી સુધી ધર્મ-યાત્રાનું દિનાંક 04 Feb 1996ના આયોજન કરવામાં આવ્યું. વિરાણી મોટીમાં પહેલી સભા કરવામાં આવી. ત્યાર બાદ બીજી સભાનું, ભીમજી કેશરા લીંબાણીનું ગામ, કોટડા-જડોદરમાં દિનાંક 12-Feb-1996ના આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામેગામ આવી સભાઓ થઈ.
આ લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિના બીજા પ્રમુખ બન્યા જેઠા લાલજી ચોપડા, જેના નેતૃત્વમાં દેશલપર વાંઢાય મુકામે સંસ્કાર ધામ ઊભું થયું, જેનું નામ અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ છે. સનાતની જ્ઞાતિના તમામ લક્ષ્મીનારાયણ મંદિરોને એક સૂત્રે બાંધવા દિનાંક 11-May-2011ના સંસ્કાર ધામ ઊભું કરવામાં આવ્યું. – સૌજન્ય: શ્રી કરસનભાઈ પ્રેમજી મેઘાણી, નાના-અંગિયા, ગાંધીધામ અને શ્રી રામજી ભીમજી ડાયાણી, ધાવડા, જોરાવરનગર.
168.3. કચ્છના તમામ ગામોમાં સ્થાનિક સમાજો દ્વારા, સમય-સમય પર, લક્ષ્મીનારાયણ મંદિરો અને ઉમિયા માતાજીના મંદિરો ઊભા કરવામાં આવ્યાં.
168.4. તેમજ, કચ્છ બહારના શહેરોમાં અને ગુજરાતના કંપાઓમાં પણ, સનાતની જ્ઞાતિએ, ભગવાન લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો ઊભા કર્યાં. એક અંદાજ પ્રમાણે ભારત ભરમાં લગભગ 250 જેટલા લક્ષ્મીનારાયણ અને ઉમિયા માતાજીના મંદિરો સનાતની જ્ઞાતિ ચલાવી રહી છે.
169. જ્ઞાતિ અધિવેશન અને જ્ઞાતિ રીતરિવાજો: કેન્દ્રીય સમાજે આજ સુધી 5 જ્ઞાતિ અધિવેશનો યોજેલ છે. (નારાયણ રામજીના દોરમાં યોજાયેલ 3 જ્ઞાતિ પરિષદો ઉપરાંત).
1. વર્ષ 1960માં પહેલું અધિવેશન [71]
2. વર્ષ 1977માં બીજું અધિવેશન [1]
3. વર્ષ 1985માં ત્રીજું અધિવેશન [1]
4. વર્ષ 1993માં ચોથું અધિવેશન [1]
5. વર્ષ 2010માં પાંચમું અધિવેશન [10]
ઉપર જણાવેલ તમામ અધિવેશનોમાં જ્ઞાતિના રીતરિવાજો પસાર કરવામાં આવ્યા. તે ઉપરાંત વચ્ચે 2 વખત પણ જ્ઞાતિના રીતરિવાજો પસાર કરવામાં આવ્યા હતા. એક વખત દિનાંક 24‑May‑1971ના [62] અને બીજી વખત દિનાંક 12‑Aug‑2006ના [2].
169.1. કલમ 18 અને 19: કોઈ પણ જ્ઞાતિનું બંધારણ એના રીતરિવાજો હોય છે. સનાતનીઓએ સમય-સમય પર પોતાના રીતરિવાજોમાં ફેરફાર કરીને જ્ઞાતિને પ્રગતિના પંથે અગ્રેસર રાખી છે. એમાં નોંધ પાત્ર ફેરફરોમાં રીતરિવાજોના કલમ 18 અને 19 છે.
કલમ 18 બાહ્ય આચરણ અંગે હતી. જેનો ઉદ્દેશ જન્મથી મરણોત્તર સુધી હિન્દુ રીતરિવાજો પાળવા. એટલે કે મૃત્યુ પછી મૃતકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો, દફનાવવું નહીં. (બીજું અધિવેશન) [63].
કલમ 19 હતી કે સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું સમાજ લેવલે, ન્યાય સમિતિ મારફતે નિવારણ લાવવું. કોર્ટનો આસરો લેવો નહીં. આ કલમથી સતપંથીઓ વારેઘડીએ સનાતનીઓ પર ખોટા કોર્ટ કેસો કરીને હેરાન કરતા હતા, એના પર રોક લગાડવા માટે હતી. (ત્રીજું અધિવેશન) [64].
આ બે કલમો ક્રાંતિકારી હતી. કારણ કે આ કલમોથી જ્ઞાતિમાં સતપંથ બાબતે લોકોમાં ખૂબ જાગૃતિ આવી.
170. ધાર્મિક પ્રવૃત્તિ: આમતો જ્ઞાતિને ઘણા સાધુ સંતોનું યોગદાન સમય-સમય પર મળતું રહ્યું છે. પણ તેમાંથી મુખ્ય નોંધપાત્ર યોગદાન નીચે જણાવેલ સંતોનું હતું.
170.1. સંત દયાલરામજી: સંત ઓધવરામ મહારાજ પછી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની કોઈ સંતે સહુથી વધારે સેવા કરી હોય તો એ હતા સંત દયાલરામજી. સંત ઓધવરામ મહારાજના પટશિષ્ય હતા અને સંત ઓધવરામ મહારાજના સ્વર્ગવાસ પછી, વાંઢાય આશ્રમના હરિહર સંપ્રદાયની એમની ગાદી પર સંત દયાલરામજી છઠ્ઠા ગાદીપતિ તરીકે બેઠા. સંત ઓધવરામ મહારાજના આદેશ પ્રમાણે મહા મહેનતે, કચ્છના ગામેગામ અને ગુજરાતના કંપેકંપામાં પ્રચાર કરવા સંત દયાલરામ મહારાજ ગયા હતા [28:Page 149].
170.2. સંત શાંતિરામજી: સંત દયાલરામ પછી ગાદી પર સંત શાંતિરામજી બેઠા. એમનું શરીર ક. ક. પા. જ્ઞાતિનું હતું. તેઓ અરલ ગામના હતા. જ્ઞાતિ સંગઠિત થાય અને ધાર્મિક રીતે ચુસ્ત થાય એ હેતુથી એમને ઉમિયા માતાજી વાંઢાયનું મંદિર ક. ક. પા. સનાતન જ્ઞાતિને કોઈ પણ આશ રાખ્યા વગર કૃષ્ણાર્પણ કરી દીધું [28:Page 159]. આ અંગે વિસ્તૃત લેખ આ પુસ્તકમાં આગળ આપવામાં આવ્યો છે.
170.3. સંત વાલરામજી: હરિદ્વાર ખાતે સંત ઓધવરામ મહારાજે જે કચ્છ લાલરામેશ્વર આશ્રમ ઊભો કર્યો હતો એ આશ્રમની વહીવટીય જવાબદારી કોને સોંપવી એ બાબતે સતત ચિંતિત રહેતા. એ આશ્રમનો વહીવટ સંત વાલદાસજી મહારાજને સોંપવામાં આવ્યો. સંત ઓધવરામ મહારાજના સ્વર્ગવાસ પછી, ત્યાગ અને તપસ્યાથી કચ્છી લાલરામેશ્વર આશ્રમનો ખૂબ વિકાસ કર્યો [4:Page 146].
170.4. સ્વાધ્યાય: પાંડુરંગ શાસ્ત્રીજી દ્વારા ચલાવવામાં આવેલ “સ્વાધ્યાય” પ્રવૃત્તિનો પણ ખૂબ મોટો પ્રભાવ સમાજના લોકો પર રહ્યો. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટેની એમની પ્રવૃત્તિ હતી, જેનો લાભ સમાજ જનોને મળ્યો [27:Page 48]. આ અંગે વિસ્તૃત લેખ આ પુસ્તકમાં આગળ આપવામાં આવ્યો છે.
171. સમૂહ લગ્નની શરૂઆત: લગ્ન પ્રસંગ વખતે દેખાદેખીથી થતા ખોટા ખર્ચાઓમાંથી બચાવવા અને એ રીતે સમાજને આર્થિક બોજામાંથી રાહત આપવા માટે સમૂહ લગ્નોનું આયોજન શરૂ કરવાનો નિર્ણય વર્ષ 1977 1960 (Rectified on 08-Jul-2024)ના જ્ઞાતિ અધિવેશનમાં લેવામાં આવ્યો અને એ બાબત ઉપર વિશેષ ભાર પણ મૂક્યો હતો. સમાજના આ અભિગમને મૂર્ત સ્વરૂપ આપવાનો ઉમિયા માતાજી વાંઢાયની કારોબારીએ દિનાંક 02‑Nov‑1980ના નિર્ણય કર્યો. રૂપિયા 251ની રકમ આપીને કોઈપણ વિસ્તારના જ્ઞાતિજન સમૂહલગ્નમાં જોડાઈ શકશે એવો નિર્ણય કર્યો. તે પ્રમાણે વર્ષ 1981થી ઉમિયા માતાજી વાંઢાયમાં સમૂહ લગ્નો શરૂ થયા [4:Page 200]. સ્થાનિક વિસ્તાર પ્રમાણે, કચ્છ ખાતે વર્ષ 1982માં દયાપર મુકામે સમૂહ લગ્નોની શરૂઆત સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવી [133:Page 22]. અને કચ્છથી બહાર ગામમાં નાગપુર ખાતે દિનાંક 25‑Nov‑1987 થી શરૂઆત થઈ. ત્યાર બાદ અન્ય સ્થળોમાં પણ સમૂહ લગ્નો શરૂ કરવામાં આવ્યા.
172. ન્યાય સમિતિ: આગાઉ જણાવ્યા પ્રમાણે રતનશી ખીમજીના દોર વખતે, સમાજ વ્યવસ્થાઓ ઊભી કરીને ગેઢેરાઓનું રાજ મોટે ભાગે ખતમ કરી નાખ્યું હતું. જુઓ પોઈન્ટ (150.20). છેલ્લે એક બાબત હજી બચી હતી એ હતી છૂટાછેડા બાબતની બાબત. આ અંગે પણ એમની સત્તાને ખતમ કરી સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિ અનુસાર, સમાજે લેખિત નિયમો સાથેની ન્યાય સમિતિની રચના દિનાંક 15‑Sep‑1985ના કરી [3:Page 1]. જેથી જુલ્મી ગેઢેરાઓની સત્તાનો અંત લાવવામાં આવ્યો.
173. જ્ઞાતિના સમાચાર પત્રો: જ્ઞાતિમાં સમય સમય પર સમાચાર પત્રો પ્રકાશિત કરવામાં આવતા [4:Page 207]. જેની નામાવલી નીચે પ્રમાણે છે.
1. પાટીદાર ઉદય – કરાચી – વર્ષ 1924 થી 1925
2. જાગૃતિ – ધનસુરા – વર્ષ 1965 થી 1983
3. આઝાદ કલમ – ભુજ – વર્ષ 1971 થી 1980
4. પાટીદાર સંદેશ – અમદાવાદ – વર્ષ 1981 થી અવિરત ચાલુ
5. પાટીદાર સૌરભ – નખત્રાણા – વર્ષ 1993 થી અવિરત ચાલુ
6. ઉમા દર્પણ – ભુજ – વર્ષ 1996 થી અવિરત ચાલુ
7. લક્ષ્મીનારાયણ દર્શન – દેશલપર – વર્ષ 2011 થી અવિરત ચાલુ
8. પાટીદાર બંધુ – પાટણ – વર્ષ 2008 થી 2014
9. સનાતન ધર્મ પત્રિકા – નખત્રાણા – વર્ષ 2014 થી અવિરત ચાલુ
આ ઉપરાંત મોટી સ્થાનિક સમાજો પણ પોતપોતાના સમાચાર પત્રો બહાર પાડતી (યાદી માટે જુઓ જાગૃતિ સપ્ટેમ્બર 1972નો અંક, પેજ 1 [56:Sep-1972 Edition-Page 1 (375 of 522)]). જેમ કે નાગપુરથી “પાટીદાર પત્રિકા”, હિંમતનગરથી “શોભા”, મુંબઈથી “પાટીદાર પ્રગતિ”, દક્ષિણ ભારતથી “આપણી સમાજનું વર્તમાન”, વગેરે. સમય અને માંગ પ્રમાણે આવા પત્રો ચાલુ-બંધ થતા હોય છે, પણ મહત્વની વાત એ છે કે જ્ઞાતિ આ બાબતે જાગૃત છે, જે જ્ઞાતિની બૌદ્ધિક પ્રગતિનું સૂચક છે.
174. કલ્યાણકારી યોજનાઓ:
174.1. નિરાધાર સહાય યોજના: નિરાધાર પરિવારોને દર મહિને આર્થિક મદદ આપવામાં આવે છે.
174.2. વિદ્યાર્થી સહાય યોજના: શિક્ષણ માટે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને લોન સહાય આપવામાં આવે છે.
174.3. પ્રમુખશ્રી રાહત નિધિ: સમાજના સભ્યોના ધંધા કે ઘર પર આવી પડેલ કુદરતી આફત, અતિવૃષ્ટિ, આગ વગેરે પરિસ્થિતિમાં થયેલ આર્થિક નુકસાનથી પાછા બેઠા થવા લોન સહાય આપવામાં આવે છે.
174.4. યુવા સુરક્ષા કવચ (YSK): પરિવારનો યુવા કમાઉ દીકરો/દીકરીનો સ્વર્ગવાસ થાય ત્યારે પરિવારને માતબર આર્થિક મદદ આપવાની યોજના, યુવસંઘના માધ્યમથી ચલાવવામાં આવે છે.
175. યુવાસંઘ: કેન્દ્ર સમાજની સ્થાપના પછી યુવાઓનું સંગઠન ઊભું થવું એ સૌથી મહત્વનું પગલું હતું. આ બાબતે કોલકાતાના યુવાનોએ આગેવાની લીધી. વર્ષ 1972થી સંગઠન બનાવવાની ગતિવિધિ શરૂ થઈ અને વર્ષ 1977માં સંગઠન અમલમાં આવ્યું. આ બાબતે અલગ લેખ આ પુસ્તકમાં આગળ આપવામાં આવ્યો છે.
176. ક્રાંતિ દળ: સમાજના ભોળા અને નબળા લોકો ઉપર અન્ય જ્ઞાતિઓ અને મેલી મુરાદ વાળા સરકારી અધિકારીઓ દ્વારા થતી કનડગતનો સામનો કરવા, યુવાનો સંગઠિત થઈ, આવા અત્યાચારોનો યોગ્ય સામનો કરવા અને સમાજ વિરોધી પરિબળોને એમની યોગ્ય જગ્યા બતાવવા માટે વર્ષ 1991માં આ સંગઠન ઊભું થયું. આ બાબતે અલગથી વિશેષ નોંધ આ પુસ્તકમાં આગળ આપેલ છે.
177. મહિલા સંઘ: વર્ષ 1997માં મહિલા સંઘની રચના કરવામાં આવી. આ સંગઠનની રચનાથી સમાજ સંગઠનના ત્રણે પાસાંઓની સંરચનાનું કામ પૂરું થયું. સમાજના બે હાથ, એક યુવાઓ અને બીજો મહિલાઓ સમાજ સાથે સંગઠિત રીતે જોડાયા. જેથી સમાજની શક્તિ અનેક ઘણી વધી ગઈ. આ બાબતે પણ અલગથી લેખ આ પુસ્તકમાં આગળ આપવામાં આવ્યો છે.
178. 52 ગોત્રીય પરિવારો: જ્ઞાતિના 52 ગોત્રીય પરિવારોને સનાતની મોહિમ સાથે જોડવા હેતુ, નખત્રાણા ખાતે, તમામ 52 ગોત્રીય ઋષિ મંદિરનું ભવ્ય સંકૂલ ઊભું કરવાની યોજના ઘડવામાં આવી રહી છે. આ બાબતે તમામ સનાતની ગોત્રીય પરિવારોને વિશ્વાસમાં લઈને યોગ્ય સંકલન કરી આગળ વધવામાં આવશે.
179. ઝોન વ્યવસ્થા: ભારતભરના વિવિધ સ્થળોમાં ધંધાર્થે પથરાયેલી જ્ઞાતિનું એક જગ્યાથી સંચાલન કરવું બહુ મુશ્કેલ ભર્યું થવા લાગ્યું. જેટલા ગામો, એટલી સમાજો કહીએ તો પણ ચાલે. સમાજનો વહીવટ સારી ઢબે ચાલે એટલા માટે વહીવટીય તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા. કેન્દ્ર સમાજ સાથે ભારતભરના સ્થાનિક સમાજોને જોડવા માટે, વર્ષ 2005થી ધીરે ધીરે, સ્થાનિક સમાજ અને કેન્દ્રીય સમાજ વચ્ચે, સૂચારું વ્યવસ્થા માટે ઝોન સ્તર દાખલ કરવામાં આવ્યું. આજે ભારતભરમાં દરેક સ્થાનિક સમાજોને વિસ્તાર પ્રમાણે 25 ઝોનમાં વિભાજિત કરેલ છે અને એ 25 ઝોનોને 6 ખંડમાં સમાવેશ કરેલ છે.
180. સફળતા: વર્ષ 1938માં જ્યારે સનાતની સમાજ ઊભી થઈ ત્યારે એના પાસે કાંઈ નહોતું. માત્ર એક નવી જ્ઞાતિ, એક નવા સમાજનો જન્મ થયો હતો. પોતાની ઓફિસ પણ નહોતી. જ્ઞાતિની આર્થિક પરિસ્થિતિ પાયમાલ હતી. તેમ છતાં ધીરે ધીરે આટલા ટૂંક સમયમાં જ્ઞાતિએ સુવિકાસ અને સુપ્રગતિની જે હરણ ફાળ ભરી છે, એ કદાચ અન્ય જ્ઞાતિઓની સરખામણીમાં બેજોડ હશે.
જ્યારે તમારા કામોનો વિરોધ કરનારા વિરોધીઓ, એજ કામોમાં પોતાની સમાજમાં, તમારી સફળતાની નકલ કરવા લાગે, ત્યારે એમ સમજી શકાય કે તમારી સફળતા સાચી છે. સનાતનીઓના વિરોધીઓ પણ હવે સનાતનીઓની નકલ કરવા લાગ્યા. જે જે બાબતોમાં કટ્ટર વિરોધ કરતા, મરી જશું પણ તમારું કામ નહીં થવા દઈએ એવો ભાવ રાખનારા હવે નકલ કરવા લાગ્યા. સનાતની સમાજની ગુડવિલ / નામનાનો લાભ લેવા માટે સતપંથ સમાજ વાળા પણ પોતાને સનાતની કહેડાવવા લાગ્યા. એમના સમાજના નામોમાં પણ સનાતન શબ્દ જોડવા લાગ્યા. આ વાત ઉપરથી સનાતની સમાજની સફળતા કેટલી મોટી છે, એ સમજી શકો એટલા માટે અહીં લખી છે.
181. કમીઓ અને ખામીઓ: કહેવાય છે ને સારા કામમાં અડચણો હજાર. કેન્દ્ર સમાજની સફળતા અને વિકાસમાં પણ અમુક કમીઓ અને ખામીઓ રહી ગઈ અથવા નાખવામાં આવી. જ્યારે અવલોકન કરવા બેઠા છીએ ત્યારે નબળી વાતો અને કમીઓની વાત ન કરીએ તો અવલોકન અધૂરું કહેવાય.
181.1. શિક્ષણ ઉપર વધુ પડતો ફોકસ: શિક્ષણ જરૂરી હોય છે. પણ માત્ર શિક્ષણ પૂરતું નથી હોતું. સમાજ એવી ભૂલ કરી બેઠો કે શિક્ષણ આવશે તો જ્ઞાતિના બધાજ પ્રશ્નોનો આપમેળે ઉકેલ આવી જશે. સમાજ અને ધર્મ એક જ સિક્કાની બે બાજુઓ છે. જો ધર્મ નહીં હોય તો સમાજ નહીં હોય. માટે સમાજના બાળકોને ધર્મ અને સમાજના ઇતિહાસનું પણ જ્ઞાન આપવું જરૂરી છે. આ સિદ્ધાંત એક બાજુ રહી ગયો. બીજી બાજુ સતપંથીઓ શું કરી રહ્યા છે? એના પર પણ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં. સનાતનીઓની સફળતાને પછાડવા માટે સતપંથીઓ કેવી રમત રમી રહ્યા છે, અને એની દૂરગામી અસર જ્ઞાતિ ઉપર કેવી પડશે, એના તરફ કોઈએ ધ્યાન આપ્યું નહીં [71:Page 5].
181.2. ખોટો આત્મવિશ્વાસ (Overconfidence): સતપંથ વાળા હવે લઘુમતીમાં આવી ગયા છે, કેટલા દિવસ ટકશે. માટે એમને એમના હાલ ઉપર છોડી દો. આપણે આપણી લીટી લાંબી કરો. એ લોકો ધીરે ધીરે સનાતનમાં આવી જ જશે. એક વખત કેળવણી આવશે તો કુરિવાજો અને અંધશ્રદ્ધા એની મેળે અલોપ થઈ જશે, એવું (ખોટું) વાતાવરણ નિર્માણ થયું [71:Page 91].
એવું નથી કે રાતોરાત સતપંથમાં ફેરફારો થવા લાગ્યા હતા અને કોઈએ સનાતનીઓને ચેતાવ્યા નહોતા. જ્યારે ફેરફારોની શરૂઆત થવા લાગી, ત્યારે જાગૃતિ માસિક પત્રિકાના April 1972ના અંકના પેજ 7માં “સનાતની ભાઈઓને” નામથી એક લેખ પ્રકાશિત કરેલ છે, જેમાં આ બાહ્ય ફેરફારો વિષે લેખક કહે છે કે આ ફેરફારો બાહ્ય છે, અંદર ખાને તો બધું એનું એ જ છે [56:Apr 1972, Page 7 (151 of 522)].
આવો બીજો પણ દાખલો છે. જાગૃતિ માસિક પત્રિકાના September 1972ના અંકના પેજ 15માં “સમાજ દર્પણ” નામથી લેખ પ્રકાશિત કરેલ છે. જેમાં સતપંથમાં થતા બદલાવો અને સતપંથીઓ સાથે રોટીબેટીના સંબંધો રાખવાના કારણે ઊભી થતી સમસ્યાઓ ઉપર ધ્યાન દોરવામાં આવ્યું હતું [56:Sept 1972, Page 15 (389 of 522)].
પણ, સનાતનીઓ ખોટા આત્મ-વિશ્વાસ (Overconfidence)ના શિકાર બની, સતપંથ ઉપર નજર રાખવાનું છોડી દીધું હતું [27:Page 33].
181.3. ખોટા કોર્ટ કેસો ચાલુ રહ્યા: સતપંથીઓ દ્વારા સનાતનીઓને હેરાન કરવા હેતુ એમના પર, ગામેગામ ખોટા કેસો કરવાનું કામ ચાલુ જ રહ્યું. સનાતનીઓ દ્વારા સતપંથીઓ સાથે સંપ જાળવી રાખવાના એમના પ્રયત્નોને એમની કમજોરી ગણવામાં આવી [27:Page 36].
કેન્દ્ર સમાજના વડીલો ઉપર ખોટા કેસનો એક દાખલો મૂળ કોટડા (જ.) નો કિસ્સો છે. ગામના સમસ્ત પાટીદારો એક થઈ સનાતન સમાજમાં ભળી ગયા હતા. એટલે ગામે નક્કી કર્યા પ્રમાણે જૂની સતપંથવાળી પ્રોપર્ટીને ગામના લક્ષ્મીનારાયણ સમાજમાં ભેળવી દીધેલ હતી. તે પ્રમાણે બધા હળીમળીને રહેતા હતા. પણ અમુક સતપંથીઓ અને તેમના ટેકેદારોને આ વાત ગમી નહીં. એટલે કોટડા (જ.) ના આગેવાનો ઉપર અનેક ખોટો કેસો કર્યા. આ બાબતે કેન્દ્રીય સમાજમાં વારંવાર રજૂઆત કોટડા (જ.) ના આગેવાનો કરતા હતા. તે સમયે ખીમજી લખમશી લીંબાણી કેન્દ્ર સમાજના પ્રમુખ હતા. વર્ષ 2001ની એક મિટિંગમાં આવી ચર્ચા વચ્ચે સતપંથી અરજણ ભગત – આણંદસર વાળા – ચાલુ મિટિંગમાં વારેઘડીએ વિક્ષેપો નાખતા હતા. એટલે છેવટે એમને રોકવા માટે ખીમજીભાઈએ અરજણભાઇને સભામાંથી નીકળી જવાનો આદેશ આપ્યો. ત્યાંથી આ મુદ્દો શરૂ થયો. એટલે કેન્દ્ર સમાજના પ્રમુખ ખીમજીભાઈ લખમશી લીંબાણી, શિવદાસ ગોવિંદ, વેલુભાઈ સલાટ, ઈશ્વર ભગત અને અન્ય વડીલો ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. આ વડીલો દિનાંક 24‑Oct‑2001ના પીરાણા આવીને મારા-મારી કરી / તોડફોડ કરી નુકસાન કર્યું છે, એવા પ્રકારનો ખોટો આરોપ નાખવામાં આવ્યો હતો. જ્યારે આ બધા વડીલો અમદાવાદ કોર્ટ સામે હાજર થયા, ત્યારે જજને પણ એવું લાગ્યું કે આવા “ભાભા” શું મારા મારી કરે.. એટલે કહ્યું કે તમારામાં નાનામાં નાનો જે હોય, એને આવવાનું રહેશે. એમાં ઇશ્વરભાઇ ભગતના નામનો ઉલ્લેખ કરી બાકી બધાને રૂબરૂ હાજરી આપવાથી મુક્તિ આપી દીધી. અને સમયાંતરે આ ખોટા કેસમાંથી બધા નિર્દોષ છૂટી ગયા. | ખોટા કેસનો દાખલો |
સમજવાની વાત એ છે કે જો કેન્દ્ર સમાજના વડીલો ઉપર આવા તદ્દન ખોટા કેસ કરતા હોય તો સામાન્ય લોકોને કેવી રીતે ધામકાવતા હશે કે ડરાવતા હશે, દબાવતા હશે, એ તમારે વિચારવાનું છે. કારણ કે આવા અનેકો ખોટા કેસો સનાતનીઓ ઉપર થયેલા છે. |
181.4. ઇતિહાસ ભૂલી ગયા: માત્ર શિક્ષણ ઉપર એકધારો ફોકસ રાખવાથી જ્ઞાતિના લોકો, સતપંથ અને તેની સામેની લડતનો ઇતિહાસ મોટે ભાગે ભૂલવા લાગ્યા. નવી પેઢી તો ઇતિહાસથી સાવ અજાણ જ રહી ગઈ. આપણે બધા હળીમળીને, એક થઈને સાથે રહેવું જોઈએ. ધર્મના ઝઘડાઓ ન કરવા જોઈએ, ભારત દેશ જેમ ધર્મ નિરપેક્ષ છે, એમ સમાજમાં પણ જેણે જે ધર્મ પાળવો હોય એ પાળે – એમાં કોઈએ વાંધો ન લેવો જોઈએ. સતપંથ પણ સનાતન ધર્મ જ છે. ધર્મ અંગત વસ્તુ છે. સમાજ અને ધર્મ એક બીજાથી જુદા છે, માટે સમાજમાં જેણે જે ધર્મ પાળવો હોય એ પાળી શકે છે. સનાતન સમાજની અંદર રહી સતપંથ પાળી શકાય, એવી મેલી મુરાદ સાથે આવા પ્રકારની વાતોના માધ્યમથી, ખોટો માહોલ ઊભો કરવામાં આવ્યો. ઇતિહાસ ભુલાઈ ગયો હોવાથી આ કામમાં તેમને સફળતા મળી [27:Page 66] [27:Page 237].
181.5. કેન્દ્રીય સમાજનું કામ માત્ર કેળવણીનું છે: જ્ઞાતિમાં એવો માહોલ ઊભો કરવામાં થયો કે કેન્દ્ર સમાજનું કામ માત્ર કેળવણીનું છે. ધર્મ બાબતે એનું કામ નથી. દાખલો (ખોટો) આપતા કહેવામાં આવતું કે જુઓ નખત્રાણાના છાત્રાલયમાં ભગવાનનું મંદિર નથી. માટે ત્યાં માત્ર કેળવણીનું જ કામ કરાય.
ઇતિહાસ ભૂલી ગયેલા હોવાના કારણે કોઈનું ધ્યાન એ બાબતમાં ન ગયું કે છાત્રાલયના ઉદ્ઘાટનના અહેવાલમાંજ જણાવેલ છે કે એ કાર્યક્રમ વખતે કેન્દ્રીય સમાજનું નવું બંધારણ પણ પાસ કરેલ છે. અને એજ કાર્યક્રમમાં જ્ઞાતિના નવા રીતરિવાજો પણ પાસ કરેલ છે. એ કાર્યક્રમમાં પીરાણા સતપંથને છોડવા ઉપર ભાર આપતા ભાષાણો પણ છે. સંત ઓધવરામ મહારાજના અધૂરા રહેલા કામોને પૂરા કરવાના અભિગમ રૂપે આ છાત્રાલય છે એવા ભાષણો પણ છે. સતપંથ સામે લડાઈમાં પોતાનું જીવન હોમી નાખનાર વડીલો દ્વારા ઊભી કરેલ કેન્દ્ર સમાજ કોઈ દિવસ સતપંથને પ્રોત્સાહન આપવા માટે નથી જ, એ વાત ધીરે-ધીરે ભુલાઈ ગઈ. છાત્રાલયનો ફાળો ભેગો કરવા માટે સભાઓમાં એવું કહેવામાં આવેલ કે ભવિષ્યમાં છાત્રાલયના માધ્યમથી ધાર્મિક કામ કરવામાં આવશે (દિનાંક 10-Aug-1959ની મિનિટ્સ), એ પણ લોકો ભૂલી ગયા [71].
ઘણા સમય સુધી આવું વાતાવરણ ચાલ્યું. જેના કારણે નવા અજાણ કાર્યકર્તાઓએ સહજ સ્વીકારી લીધું કે કેન્દ્રીય સમાજનું કામ ધર્મ બાબતનું નથી.
181.6. સતપંથીઓ ઘૂસી ગયા: સનાતનીઓ (દેહશુદ્ધિ કરાવી હોય કે ન હોય) આપસમાં ભળીને રહે એટલા માટે દેહશુદ્ધિ કરાવેલ અને ના કરાવેલ લોકો વચ્ચે આપસમાં ખવાપીવાની છૂટની વાત હતી. સતપંથીઓ સાથે કોઈ પણ પ્રકારના વ્યવહાર રાખવા પર બંધી હતી. પણ સમય જતાં, મૂળ હેતુ ભુલાઈ જવાથી, આ સવલત વધુપડતી છૂટછાટમાં ફેરવાઈ ગઈ.
સતપંથીઓ સાથે રહેશે તો સુધરશે, એવી સારી ભાવનાથી, ઘણી જગ્યાએ સતપંથીઓને સનાતની સંસ્થાઓમાં સામેલ કરવામાં આવ્યા. એના સારાં પરિણામો પણ આવ્યા. કોઈ પણ કપટ ન રાખનારા, ઘણા સતપંથીઓ પૂરી નિષ્ઠાથી સનાતની બની ગયા. પણ સનાતનીઓની આ ભાવનાનો દુરુપયોગ પણ થયો [27:Page 51].
અમુક સતપંથીઓ, મેલી મુરાદ રાખી, સનાતની સમાજમાં ભળી ગયા. તે સમયે વડીલોએ એમના પર શંકા કુશંકા ન રાખી કારણ કે વડીલોનું લક્ષ્ય માત્ર શિક્ષણ ઉપર કેન્દ્રિત રહી ગયું હતું [27:Page 48].
181.7. સતપંથીઓનો સનાતની સમાજ ઉપર કબજાનો પ્રયાસ: આપણો ભાઈ છે, સાથે રાખશું તો ધીરે ધીરે સુધરી જશે, એમ સનાતનીઓ સમજતા હતા. પણ સતપંથીઓ સનાતની સમાજમાં ઘૂસી, ધીરે ધીરે સનાતન સમાજના ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચી ગયા અને સનાતન સમાજની બાગડોર પોતાના નિયંત્રણમાં લાવવા લાગ્યા [27:Page 64].
ધીરે ધીરે સનાતન સમાજમાં એવો માહોલ (narrative) ઊભો કર્યો કે આ સમાજતો સનાતની-સતપંથી એમ બન્ને પેટા-જ્ઞાતિની સંયુક્ત છે. હાલની કેન્દ્ર સમાજ તો માત્ર શિક્ષણની સંસ્થા છે. જુઓ અહીં છાત્રાલય સિવાય કંઈ નથી. કોઈ મંદિર નથી. આ માત્ર સનાતનીઓની સંસ્થા નથી. આ સંસ્થા તો માત્ર શિક્ષણ માટે છે. આ સંસ્થા સમાજ નથી, એવું ખોટું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું [27:Page 67].
181.8. મીડિયા પોતાનો રોલ ભજવી ન શકી: જ્યારે આગેવાનો કઇંક ખોટું કરતા હોય અથવા તો ભૂલ કરતા હોય, ત્યારે જાગૃત મીડિયાનું કામ છે કે એ ભૂલ લોકો સામે મૂકે. પણ આ સમય ગાળામાં મોટે ભાગે મીડિયા પોતાનો સકારાત્મક રોલ ભજવી ન શકી [27:Page 37].
181.9. ધર્મ બાબતે ઉદાસીનતા: સનાતની સમાજમાં ધર્મનો પ્રચાર ધીરે-ધીરે બંધ થઈ ગયો. સનાતનનો પ્રચાર કરશું, તો બાજુમાં બેઠેલા સતપંથીને ખરાબ લાગશે. એની લાગણી દૂભાશે, માટે આપણે ધર્મનો પ્રચાર ન કરવો જોઈએ. એવો માહોલ ઊભો થયો.
ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી ગઈ કે સમાજમાં સનાતન ધર્મની જય, લક્ષ્મીનારાયણ ભગવાનની જય, વગેરે બોલવાનું બંધ થઈ ગયું. કારણ કે આ જય બોલાય એટલે સતપંથીઓ સતપંથ ધર્મની જય બોલે, ઈમામશાહની જય, વગેરે બોલે. જે સનાતનીઓ કોઈ કાળે ચલાવી લે એમ નહોતા [27:Page 52].
સમાજના કાર્યક્રમોમાં સનાતની સાધુઓને પણ બોલાવવાનું બંધ થઈ ગયું. કારણ કે સનાતની સાધુઓને બોલવવાની વાત આવે, ત્યારે સતપંથીઓ પણ સતપંથના સાધુઓને બોલાવવા માટે શરત રાખવા લાગ્યા.
એટલે “તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ” નો રસ્તો અપનાવ્યો, જે મોટી ભૂલ હતી. સનાતન સમાજમાં સતપંથીઓની દખલગીરી/દાદાગીરી ચલાવી નહોતી લેવી જોઈતી [27:Page 51].
181.10. સ્વાધ્યાય અને આર્ય સમાજનો દુરુપયોગ: અમુક સતપંથીઓને સનાતની લેબલ જોઈતું હતું, પણ સનાતનીઓની પકડથી દૂર રહેવું હતું. બહારથી સનાતની દેખાવ અપનાવવો હતો, પણ અંદર ખાને સતપંથ પાળવો હતો, આવા લોકોએ સમાજમાં ચાલતા સ્વાધ્યાય પ્રવાહ અને એની ઉદારતાનો દુરુપયોગ કર્યો. તેવીજ રીતે આર્ય સમાજનો પણ દુરુપયોગ કર્યો. ખાસ કરીને કંપા વિસ્તારમાં આવું બહુ જોવા મળ્યું. આવી રીતે પાછલા બારણેથી સતપંથીઓ સનાતન સમાજમાં ઘૂસ્યા. અહીં એક વાત સ્પષ્ટ રીતે સમજવા જેવી છે કે બધાજ સ્વાધ્યાયીઓ અને આર્ય સમાજીઓ આવા છે, એવું કહેવાનો કોઈ જ ઉદ્દેશ નથી. જેવી રીતે કેન્દ્ર સમાજનો દુરુપયોગ થયો, એવી રીતે સ્વાધ્યાય અને આર્ય સમાજનો દુરુપયોગ પણ થયો.
181.11. પૂજ્ય સંત વાલરામ મહારાજ સાથે છેતરામણી: સતપંથીઓ એવો ખોટો પ્રચાર કરવા લાગ્યા કે સંત વાલદાસજી123 મહારાજ સતપંથને આવકારે છે અને સતપંથના ગાદીપતિ કરસન કાકા સાથે સહકારમાં કચ્છમાં ફરે છે, એમની સાથે હળે મળે છે, વગેરે. જ્યારે હકીકત આ પ્રમાણે છે કે;
સાબરકાંઠાના કેટલાક ભાઈઓની વિનંતીથી ખેડબ્રહ્મામાં કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન વાલરામજી મહારાજના હાથે કરાવ્યું. ત્યાર બાદ ત્યાંના અમુક ભાઈઓએ આગ્રહ કર્યો કે તેઓ જાતે જઈ પીરાણા જોવું જોઈએ. તે મુજબ ફોનથી સંપર્ક ગોઠવી એ પ્રમાણે પીરાણા ગયા.
ત્યાર બાદ Mar 1989ના કરસન કાકા કચ્છમાં, દેશલપર-વાંઢાય આવ્યા હતા. ત્યારે એમના થોડા અનુયાયીઓ એમ કહીને વાલરામ મહારાજને લેવા આવ્યા કે કરસનદાસ મહારાજ એમને યાદ કરે છે. સામાન્ય સૌજન્ય પ્રમાણે અને ભોળપણના લીધે કરસન કાકાને મળવા ગયા. ત્યાં એમની જાણ બહાર એમનો ફોટો કરસન કાકા સાથે લીધો અને એવો પ્રચાર કરવા લાગ્યા કે વાલદાસજી મહારાજ પણ સતપંથ ધર્મને માન્ય રાખે છે.
આ બાબતે સંત વાલરામ મહારાજે દિનાંક 02-Jul-1989ના લેખિત ખુલાઓ બહાર પાડ્યો છે [147]. એમાં એમને કહ્યું કે “અમારા મત પ્રમાણે પીરાણા પંથ પછી ગમે તેવા નામ કે લેબાસમાં હોય પણ તે સો એ સો ટકા ઇસ્લામી ધર્મ છે. એને સનાતન કે વૈદિક કે હિન્દુ ધર્મની સાથે કશું પણ લાગતું નથી.” |
તેમ છતાં પીરાણાની સંસ્થાએ દિનાંક 03‑May‑1997ના બહાર પાડેલ દશાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથના પેજ 98માં વાલદાસ મહારાજનો કરસન કાકા સાથેનો દેશલપર-વાંઢાયમાં પાડેલ ફોટો પ્રકાશિત કર્યો અને નીચે લખ્યું કે “પ. પૂ. વાલદાસજી મહારાજે હર્ષભેર સાથે કેટલાક ગામડાઓમાં પ. પૂ. કરસનદાસજી મહારાજ સાથે રહીને શાંતિનો સંદેશો તેમજ ધાર્મિક એકતાના ઉદ્દેશને અસરકારક બનાવવા માટે યથાર્થ પ્રયત્ન કરેલ.” [123:Page 98]
આપણે એ સમજવાનું છે કે જો સંતો સાથે છેતરામણીનો આવો વ્યવહાર કરવામાં આવતો હોય જેમાં પીરાણાની માતૃ સંસ્થા સીધી રીતે સંકળાયેલી હોય, તો સામાન્ય સનાતનીઓ અને લોકો સાથે કેવો વ્યવહાર થતો હશે? એ દરેકે વિચારવાનું છે. આ તો માત્ર એક દાખલો જ હતો. |
182. સનાતની સમાજ તોડવાના પ્રયત્નો અને એનો બચાવ: આ સમયગાળામાં જ સનાતનીઓની સમાજ અને સંગઠન તોડવા માટે થયેલ પ્રયત્નો અને એનો કેવી રીતે બચાવ કરવામાં આવ્યો, એ અંગે, સુગમતાને ધ્યાનમાં રાખીને, અલગથી હવે પછી “વર્ષ 1985નું તાકીયા – હિન્દુ દેખાવ પણ અંદરથી ઇસ્લામ” અને “સફાઇ અભિયાન – સનાતન ધર્મ જાગૃતિ સમિતિની ચળવળ” પ્રકરણોમાં જણાવેલ છે.
183. ઉપસંહાર: ઉપર જણાવેલ ખામીઓ હોવા છતાં, સનાતની કેન્દ્રીય સમાજ જબરદસ્ત સફળ રહ્યો, એમાં બે મત નથી. વિચાર તો કરો કે સનાતનીઓની સફળતાએ વિરોધીઓના મનમાં કેટલી દહેશત ભરી દીધી હશે કે એ લોકોને સનાતની સમાજમાં પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ઘૂસવું પડ્યું. ભલે અંદર ઘૂસીને થોડું નુકસાન પહોંચાડ્યું હશે, સનાતની મોહિમની ગતિ ધીમી પણ કરી હશે, તેમ છતાં સનાતની મોહિમ અત્યંત સફળ રહી.
જેમ-જેમ લોકોને ખબર પડતી ગઈ કે સતપંથ વાસ્તવમાં હિન્દુ ધર્મ નથી પણ મુસલમાન ધર્મ છે, અને સનાતની સમાજ એકદમ વ્યવસ્થિત છે, ધર્મના રીતે સચોટ હિન્દુ છે, સંસ્કારોના રીતે ઉચ્ચ છે અને બધીજ સારી બાબતોમાં બહુ ચડિયાતો છે, તેમજ ખરેખર ખૂબ જ સારું કામ કરી રહ્યો છે, તેમ લોકો સતપંથ છોડતા ગયા. આવી રીતે સતપંથ છોડી સનાતનમાં ભળવા વાળા લોકોનો પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો.
આનું પરિણામ જ્ઞાતિના મૂળ મોહિમ પર કેવું આવ્યું એ નીચે જણાવેલ છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે સનાતન સમાજને મજબૂત બનાવવા અને પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે જરૂરી સંસ્થાઓ, સગવડો, વાતાવરણ વગેરે ઊભું કરવામાં મોટે ભાગે સફળ રહ્યા છે.
119 છાત્રાલય = બોર્ડિંગ = હોસ્ટેલ
120 વાડી – જુઓ ટૂંકાક્ષર / સંક્ષિપ્ત શબ્દો / વિશેષ શબ્દોના અર્થ વિભાગ
121 ફોકસ = ધ્યાન કેન્દ્રિત કરવું.
122 લેબરિયા = લાયબ્રેરી જવા વાળા, લાયબ્રેરીનું અપભ્રંશ
123 વાલદાસજી = વાલરામજી. હરિહર પરંપરામાં સાધુ જીવિત હોય ત્યારે એમના નામ પાછળ “દાસ” જોડવામાં આવે છે અને એમના સ્વર્ગવાસ પછી “રામ” જોડવામાં આવે છે.