બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨૨. ધર્મ પરિવર્તન – રતનશી ખીમજી ખેતાણીની ટીમની ચળવળ

149.        પૃષ્ઠભૂમિ: રતનશી ખીમજી ખેતાણીએ પોતાનું સામાજિક જીવન નારાયણ રામજી લીંબાણીના નેતૃત્વ હેઠળ, જ્ઞાતિના એક સુધારક તરીકે શરૂ કર્યું. સતપંથ વિષયનો નારાયણ રામજીએ ઊંડો અને બારીકાઈથી અભ્યાસ કરેલ હોવાથી સતપંથની ચાલો, રમતો, રણનીતિઓ અને પેંતરાઓથી ખૂબ સારી રીતે વાકેફ હતા. નારાયણ બાપા જ્ઞાતિ સુધારના કામ માટે દિશાસૂચન કરતા અને તે પ્રમાણે રતનશીભાઈ એનો અમલ કરતા અને કરાવતા. તેઓ નારાયણ રામજીનો “જમણો હાથ” (Right Hand) ગણાતા. ધંધાકીય રીતે તેમના ઉપર ભાગ્યલક્ષ્મીની સરસ કૃપા હતી. કર્મભૂમિ મુંબઈમાં તેઓ આર્થિક રીતે ખૂબ સાધન સંપન્ન થયા હતા.

તેઓ જબરદસ્ત વક્તા હતા. એમની વાણીમાં બહુ મોટો પ્રભાવ હતો. પીરાણાના કાકા અને સૈયદો તેમજ એમના એજન્ટ તરીકે કામ કરતા ગેઢેરાઓ, મુખીઓ અને પટેલોના અત્યાચારોની બીના જ્યારે લોકો સામે મૂકતા, ત્યારે લોકો મંત્રમુગ્ઘ થઈને સાંભળતા અને તેમનાં હૃદય પીગળી જતાં. સતપંથ એ હિન્દુ ધર્મ નથી પણ મુસલમાન ધર્મ છે એ વાતને દાખલાઓ આપીને સમજાવવાની એમની શૈલી બહુ પ્રભાવશાળી હતી. એ જમીની કાર્યકર્તાઓ સાથે સીધા જોડાયેલા હોવાના કારણે, તેમને મોહિમ સામે આવતી તકલીફો અને મુશ્કેલીઓની સચોટ જાણકારી રહેતી.

નારાયણ રામજીથી જુદા પડીને, સંત ઓધવરામ મહારાજના માર્ગદર્શનમાં એમણે જ્ઞાતિમાં ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણને પ્રસ્થાપિત કર્યા. સનાતન ધર્મની ઢીલી પડતી મોહિમને પુનર્જીવિત કરી. કચ્છ તેમજ ગુજરાતના કંપા110 વિસ્તારમાં ભગવાન લક્ષ્મીનારાયણનો ખૂબ પ્રચાર કર્યો. દિનાંક 01‑Oct‑1944ના પ્રકાશિત “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજનું જ્ઞાતિ બંધારણ અને અહેવાલ”ના પેજ 5 અને 6 માં કમ સે કમ 54 લક્ષ્મીનારાયણ મંદિરો બાંધવામાં આવેલ અથવા આવવાના છે એની યાદી છે. એ ઉપરાંત લગભગ 10 અન્ય મંદિરો પણ છે, એવું મોઢે સાંભળેલ છે. એટલે મોહિમની શરૂઆતના લગભગ 65 જેટલા મંદિરો ઊભા કરવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. મંદિરના ઉદ્ઘાટન પહેલાં માર્ગદર્શન આપવા અને કામ ઉપર નજર રાખવા, જરૂરિયાત પ્રમાણે, લાંબો સમય પણ ફાળવતા. પોતાની અંગત સ્થાવર મિલકતો વેચીને પણ મંદિરો માટે બહુ મોટું આર્થિક યોગદાન પૂરું પાડતા.

સંત ઓધવરામ મહારાજના માર્ગદર્શનમાં એમણે જે ધર્મ પરિવર્તનનો પાયો નાખ્યો એ દિવસોદિવસ મજબૂત થતો ગયો. આજે એક અંદાજ પ્રમાણે 95%થી વધારે જ્ઞાતિ જનો ધીરે ધીરે સતપંથના ચુંગાલથી નીકળી સનાતની બની ગયા છે.

પણ દુર્ભાગ્યે એમના જીવનના પાછળ દિવસોમાં એમની તબિયત બગડી. એમને સંધિવા111ની બીમારી હતી. જેનાથી એમના હલનચલન પર મોટી રોક લાગી ગઈ. સંત ઓધવરામ મહારાજ સ્વર્ગવાસી થયા બાદ, ધર્મ પરિવર્તન અને જ્ઞાતિ સુધારના કામમાં ભલે ઢીલાશ આવી ગઈ, પણ એમના દ્વારા રોપેલા ચળવળના બીજ એટલાં સજ્જડ હતા કે એમના પાછળ આવનાર વ્યક્તિઓ અને નેતાઓ આ ચળવળને સતત આગળ ધપાવતા ગયા અને આજે જ્ઞાતિમાં લગભગ 95% લોકો સનાતની બની ગયા છે.

વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીના જીવન અને કાર્યો ઉપર જાણકારી માટે નીચે જણાવેલ પુસ્તકો મહત્વના છે;

1)    કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ, 2010 [4:Page 101]

2)    લક્ષ્મીનારાયણ મંદિર (જૂનું) હીરક જયંતી, વિરાણી મોટી, 2004 [153:Page 8]

3)    લક્ષ્મીનારાયણ મંદિર (નુતન) રજત જયંતી, વિરાણી મોટી, 2014 [152:Page 7]

4)    રતનશીભાઈના જીવન અને કાર્ય ઉપર પુસ્તક, જે ટૂંક સમયમાં વિરાણી મોટી સમાજ બહાર પાડવા જઈ રહ્યો છે. – (સનતાની ક્રાંતિરત્ન – રતનશી ખીમજી ખેતાણી)

 

150.         અભિયાનની મહત્વપૂર્ણ ઘટનાઓ: રતનશી ખીમજીએ આગેવાની લીધેલ અભિયાનની મહત્વ પૂર્ણ ઘટનાઓ કઈ હતી, તે જોઈશું.

150.1.           યુવક મંડળથી શરૂઆત: નારાયણ બાપાની આગેવાની હેઠળ, સતપંથી યુવાનોને સનાતનની મોહિમમાં જોડવા વર્ષ 1918માં શરૂ થયેલ મુંબઈ-ઘાટકોપરમાં “કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ”ના તેઓ સ્થાપક મંત્રી હતા. જુઓ પોઈન્ટ (144.14). પીરાણા સતપંથ એક મુસલમાન ધર્મ છે એ બાબતની જાગૃતિ લાવવા માટે મુંબઈમાં દાણા બંદરમાં જ્ઞાતિની પહેલવહેલી “જાહેર સભા” એમના નેતૃત્વ અને પ્રમુખપદ હેઠળ ભરવામાં આવી હતી, જેનો અહેવાલ પ્રકાશિત થયેલ છે [111] [6:Page 19].

યુવક મંડળના આરંભ કાળથી જ ઘણી મહત્વની સેવા શ્રી રતનશીભાઈ ખીમજી ખેતાણીએ ભજવી. જેનાથી સતપંથના ભાઈઓને સમજાવી ધીરે ધીરે સુધારના માર્ગ ઉપર લાવી શકાયા  [88:Page 31]. પીરાણાની પોલમાં નારાયણ રામજી લીંબાણીએ રતનશીભાઈને એક “વીર જ્ઞાતિ સેવક” [88:Page 44] તરીકે સંબોધિત કરેલ છે.

150.2.           મહત્વની સેવાઓ: રતનશીભાઈએ એક ખરા જ્ઞાતિ સેવક તરીકે ખંતથી નારાયણ રામજીના નેતૃત્વમાં જ્ઞાતિ સેવાના કાર્યો કર્યા. તેમણે નીચે જણાવેલ સભાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ક્ર.

સભા / મિટિંગ

સંદર્ભ

1)     

દાણા બંદર જાહેર સભા, 1918

[111]

[6:Page 19]

2)     

કચ્છ દેશના પીરાણાપંથ કડવા કણબી – દાણા બંદર – જાહેર સભા – મુંબઈ, 1919

[113]

[6:Page 57]

3)     

ક. ક. પા જ્ઞાતિ જાહેર સભા – વિરાણી મોટી, 1920

[112]

[6:Page 68]

4)     

ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -1 લી -કરાચી, 08 to 11-Aug-1920

[130]

[6:Page 100]

5)     

ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -2 જી -કરાચી, 07 to 09-Oct-1922

[114]

[6:Page 153]

6)     

ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -3 જી -ઘાટકોપર, 18 to 22-Apr-1924

[86]

[6:Page 231]

 

150.3.           નારાયણ રામજીની મોહિમ નબળી પડવા લાગી: એક અંદાજ પ્રમાણે, નારાયણ રામજીની મોહિમમાં લગભગ 400 થી 500 સતપંથીઓની જ દેહશુદ્ધિ થઈ શકી હતી. તે ઉપરાંત એમને લગભગ 1,500 સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનો સાથ મળ્યો હતો. આવી રીતે લગભગ 2,000 લોકોને જ નારાયણ રામજી શરૂઆતમાં આકર્ષિત કરી શક્યા હતા.

નારાયણ રામજીની મોહિમની ખામીઓની ઊલટી અસર જાહેરમાં દેખાવા લાગી. નારાયણ રામજીના દોર વિષે આપેલ જાણકારીમાં આ ખામીઓ વિષે અગાઉ પોઈન્ટ (146) માં વિસ્તૃત જાણકારી આપેલ છે. એક વખત પાછું જોઈ લેવા વિનંતી.

નારાયણ રામજીના મોહિમના નિયમો જેવા કે;

1)      ફરજિયાત દેહશુદ્ધિ કરાવવી

2)      જાહેર સામાજિક કાર્યક્રમોમાં અલગ રસોડું

3)      જડ વલણ

4)      નિયમો અપનાવવામાં ઉતાવળ

આ નિયમો લોકો માટે વ્યવહારુ અને પાળવા લાયક ન નીવડ્યા. બીજી બાજુ, સતપંથના ગેઢેરાઓનો પણ ખૂબ અસહ્ય જુલમ હતો. જે લોકો દેહશુદ્ધિ કરાવતા, એ લોકો અને એમના પરિવારને તરતજ જ્ઞાતિ બહાર મૂકવામાં આવતા. સગપણો તોડાવી નાખતા, છૂટાછેડા કરાવી નાખતા. ગામમાં કોઈ પણ માણસ એમને સાથ આપે તો એને પણ જ્ઞાતિ બહાર મૂકવામાં આવતા. એટલે લોકો કાંટાળીને નારાયણ બાપાને છોડવા લાગ્યા. ઇતિહાસ કહે છે કે લગભગ બધાજ આર્ય સમાજીઓએ નારાયણ બાપાને છોડી દીધા હતા [99:Page 16]. લોકોને પોતાની મોહિમ સાથે કાયમી રીતે જોડી ન રાખી શક્યા.

150.4.           ઐતિહાસિક વળાંક – સંત ઓધવરામ મહારાજ સાથે ભેટો: ક. ક. પા. જ્ઞાતિ ઉદ્ધારક એવા પરમ પૂજ્ય સંત ઓધવરામ મહારાજે એમના ગુરુ સંત લાલરામ મહારાજને ક. ક. પા. જ્ઞાતિને પાછા સનાતન ધર્મના રાહ પર લાવવાનું વચન આપેલ હતું. એ વાત લગભગ સૌને ખ્યાલ હશે જ [4:Page 141], માટે અહીં એનું પુનરાવર્તન કરવામાં નથી આવતું. સંત લાલરામજી મહારાજ વિષે વધુ જાણકારી માટે વાંચો ઈશ્વર વિહારી વિલાસ પુસ્તક [121:Page 345].

ગુરુ લાલરામજી મહારાજના સ્વર્ગવાસ બાદ અમુક વર્ષો પછી, એટલે કે વિક્રમ સંવત 1977, વર્ષ 1920-21માં સંત ઓધવરામ મહારાજ ગાદી પર બેઠા. ત્યાર પછી પોતાના ગુરુને આપેલ વચનને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ થયા. અને એક દિવસ યોગાનુયોગ એમની મુલાકાત રતનશી ખીમજી સાથે થઈ.

આ મુલાકાતના ભાવાત્મક દૃશ્યો અને સંવાદો કઇંક આવા રહ્યાં હતાં:

રતનશીભાઈ  : હરિહર મહારાજ શ્રી…

ઓધવરામ     : હરિહર ભાઈ… સાભળ્યું છે કે તમો વિરાણીના યુવાનો સનાતન ધર્મ જાગૃતિ માટે બહુ સારું કાર્ય કરી રહ્યા છો… એ બાબતમાં થોડીક જાણકારી માટે આજે આવવાનું થયું છે.

 

(રતનશીભાઈનું ગુમાન: નારાયણ રામજીના માર્ગદર્શન પ્રમાણે ચાલીને રતનશીભાઈએ દેહશુદ્ધિ કરાવી હોવાનું તેમને વધુ પડતું ગુમાન હતું અને ખુમારીમાં હતા કે જાણે અમે કેટલા મહાન છીએ.)

રતનશીભાઈ  : હા, અમો સૌ નારણભાઈ સાથે રહી જ્ઞાતિમાં સનાતન ધર્મ જાગૃતિ માટેનું કાર્ય કરી રહ્યા છીએ. અમે, જ્ઞાતિ સુધારક મંડળ દ્વારા પીરાણાપંથ છોડીને.. દેહશુદ્ધિ કરી… પુનઃ સનાતન ધર્મનો અંગીકાર કરવા જ્ઞાતિજનોને સમજાવીએ છીએ.

ઓધવરામ     : ખૂબ સરસ કામ કરી રહ્યા છો. ખૂબ આનંદ થાય છે. ભગવાન તમને પૂરો યશ આપે.

ઓધવરામ     : સનાતન ધર્મમાં જ્ઞાતિને પાછી વાળવાનું કામ કેવી રીતે ચાલી રહ્યું છે? ખંતથી લાગેલા છો ને?

રતનશીભાઈ  : (વટ થી બોલે છે) – હા, મહારાજ. જ્યાં સુધી લોકો દેહશુદ્ધિ કરાવીને યજ્ઞોપવીત ધારણકરી લે, ત્યાં સુધી અમે એમની સાથે કોઈ પણ વ્યવહાર જેવા કે ખાવા પીવાના વ્યવહાર પણ નથી રાખતા.

ઓધવરામ     : .. !

ઓધવરામ     : રતનશી ભાઈ, બીજું કહો, તમારે ઘરે કોણ કોણ છે, બધુ કુશળ મંગળ તો છે ને?

રતનશીભાઈ  : હા, મહારાજ. હું અને મારા ધર્મ પત્ની, દેહશુદ્ધિ કરાવીને સુખેથી સારી રીતે રહીએ છીએ.

ઓધવરામ     : અને.. તમારા ભાઈ પરિવારજનો.. કોણ કોણ છે પરિવારમાં?

રતનશીભાઈ  : (ખુબજ અભિમાન અને ગુમાન સાથે બોલે છે.)ભાઈઓની તો વાત જકરો. એ લોકો ભલે સનાતની થઈ ગયા છે, પણ દેહશુદ્ધિ નથી કરાવી. એટલે અમે એમની સાથે પણ ખાવા પીવાના વ્યવહારો બંધ કરીને, હું અને મારા ધર્મ પત્ની અલગ થઈને જુદા ઘરમાં રહી છીએ. દેહશુદ્ધિકરાવનાર લોકોનો પડછાયો પણ અમે અમારા પર પડવા દઈએ, એવા ચુસ્ત છીએ.

ઓધવરામ     : તો તમે એમને સમજાવીને કેમ તમારી સાથે નથી રાખતા? એ લોકોને સમજાવોને..  કે એ લોકો પણ દેહશુદ્ધિ કરાવી લે.

રતનશીભાઈ : (ફરી વટથી) જવાદો ને મહારાજ એમને. એ લોકોને સમજાવ્યા પણ સમજવા તૈયાર નથી.

એ લોકોને સમજાવતા-સમજાવતા થાકી ગયા. એમને સમજણ હોવા છતાં, એ લોકો હિંમત નથી કરતા. કારણ કે જે જે લોકો નારાયણ રામજીની વાતો માનીને દેહશુદ્ધિ કરાવે છે, એ લોકોને, જ્ઞાતિના ગેઢેરાઓ દ્વારા તરતજ, જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે. એમની સાથે તમામ સંબંધો તોડી નાખવામાં આવે છે. બહેન – દીકરીના સંબંધો હોય, પતિ-પત્ની હોય, ભાઈ-ભાઈના સંબંધો હોય કે પછી બાપ-દીકરાના સંબંધો હોય. એ ઉપરાંત રોજ-બરોજના જીવનમાં ડગલે ને પગલે અનેકો જુલ્મો અને ત્રાસ આપવાનું કામ ચાલુ જ રાખતા હોય છે.

એ લોકો ભલે ડરતા હોય, પણ હું આ ગેઢેરાઓના જોર જુલ્મોથી જરાય ડરતો નથી. માટે જુઓ.. (ફરી વટથી) હું અને મારા પત્ની અલગ રહી છીએ. અમે મૂકી દીધા છે એમને એમના કર્મે.

ઓધવરામ     : (થોડી વાર માટે ચૂપ થઈ ગયા. ચિંતાની મુદ્રામાં, ગંભીરતા ચેહરા પર.. અને ગંભીર તેમજ સાવચેતી વાળા વાજમાં.. ધીમી ગતીએ .. રતનશીભાઈને કહે છે..)

રતનશી ભાઈ તમે આ બધુ કરો છો, એ તો બધુ બરાબર છે, પણ ખરાબલગાડોતો એક વાત કહું.

રતનશીભાઈ : જી, કહો મહારાજ.

ઓધવરામ     : મને વિચાર થાય છે કે, જો તમે તમારા ભાઈઓને સમજાવી નથી શકતા તો આખી જ્ઞાતિને કેવી રીતે સમજાવી શકશો..? આ રીતે.. આખી જ્ઞાતિને સનાતની બનાવવાનો તમારા ધ્યેયમાં, તમને સફળતા મળે એ બહુ કઠિન લાગી રહ્યું છે.

રતનશીભાઈ : (વિચારમાં.. એક સંત વ્યક્તિના મોઢેથી નીકળેલી વાતના પાછળના કારણ સમજી ગયા એટલે રતનશીભાઈનો બધો જ ખોટો વટ, ગુમાન કે અભિમાન એક જ ઝાટકે ઉતરી ગયો. વિચારમાં ગૂંચવાયેલા રતનશીભાઈ..)

મહારાજ.. આનો રસ્તો કયો? શું કરવું જોઈએ?

ઓધવરામ     : જુવો, રતનશીભાઈ તમે જે રસ્તો અપનાવ્યો છે, આપસમાં સનાતની-સનાતનીવચ્ચે ભેદભાવનો રસ્તો છે. દેહશુદ્ધિથી વધારે મહત્વનું એ છે કે શું એ લોકોએ પીરાણા સતપંથ ધર્મ છોડ્યો? શું એમને ઈમામશાહ બાવાને છોડ્યો? એને શું પાવળ પીવાનું બંધ કર્યું?

બાવાને મૂકીને જો એ માણસ સનાતની બની જતો હોય તો પછી દેહશુદ્ધિ કરવી કોઈ જરૂરી નથી. એમની સાથે છૂત-અછૂત જેવુ વર્તન કરશો તો તમારી સાથે કોણ આવશે? ઊલટું તમારી સાથે ઘૃણા રાખીને સતપંથીઓ સાથે ભળી જશે.

રતનશીભાઈ : તો પછી મારે શું કરવું?

ઓધવરામ     : જુવો રતનશીભાઈ તમે પહેલાં તો તમારા સનાતની બંને મોટા ભાઈઓ પાસે માફી માંગો. એમની સાથે ભળી જાઓ અને એમની સાથે ખાવા-પીવાના વ્યવહારો શરૂ કરો. જુવો સનાતની ભાઈ સાથે જ, સતપંથી ભાઈઓ સાથે નહીં. સતપંથી ભાઈઓ જો હોય, તો એમની સાથે કોઈ પણ વ્યવહાર રાખવાની વાત કરતો નથી, એ બરાબર સમજી લેજો.

રતનશીભાઈ : તો એના થી શું થશે? શું એ લોકો અમારી સાથે જોડાશે? શું એ લોકો સતપંથીઓ સાથે વ્યવહારો બંધ કરશે?

ઓધવરામ     : હા.. રતનશીભાઈ, તમે જોજો.. ભગવાન જરૂર સારું કરશે.

 

150.5.           નારાયણ રામજીને વિશ્વાસમાં લેવાના પ્રયત્નો: સંત ઓધવરામ મહારાજ સાથે થયેલ માર્મિક ચર્ચાએ રતનશીભાઈના મન પર ઊંડી અસર નાખી હતી. અને જ્ઞાતિ સુધારની ઢીલી પડતી મોહિમની ચિંતા સાથે રતનશીભાઈ પોતાના માર્ગદર્શક શ્રી નારાયણ રામજી લીંબાણીને મળે છે. નારાયણ બાપાને વિગતે બધી વાત કરે છે. વાત સાંભળ્યા બાદ ભાવાત્મક સંવાદો કઇંક આવા રહ્યા;

નારાયણભાઈ : રતનશીભાઈ, આ બધુ તમે શું બોલી રહ્યા છો. આવા તો કેટલાય સાધુઓ ફરતા હોય છે. એ લોકો ભલે બોલે. પણ આપણે તો આપણો રસ્તો છોડવો નથી.

રતનશીભાઈ  : નારાયણભાઈ, તમારી વાત બરાબર છે. આપણે જ્ઞાતિને સનાતની બનાવવાનો ધ્યેય કોઈ દિવસ છોડવો નથી. પણ આ કોઈ સાધારણ હરતાફરતા સાધુ નથી. આ કોઈ દૈવી પુરુષ હોય એમ મને લાગે છે. એમની વાતોમાં વજન છે. એમની વાતો ઉડાડી નાખવા જેવી નથી.

રતનશીભાઈ  : જુઓને આપણી મોહિમ ભલે ચાલુ થઈ છે, પણ એમાં આપણને હજી સુધી ધારી સફળતા મળી નથી. અને જે થોડી સફળતા મળી છે, એમાં પણ રોજ-રોજ કોઈ ને કોઈ વડીલ આવે છે અને જે રીતે તમારા ચરણોમાં પોતાની પાઘડી ઉતારીને કહે છે કે..

નારાયણ ભાઈ, તમારી બધી જ વાતો સાચી, પણ ગેઢેરાઓના જોર-જુલ્મો અને અમને જ્ઞાતિ બહાર કરી દેવાના કારણે અમે સનાતનમાં રહી નથી શકતા. અમેછૂટકે ફરીથી હવે સતપંથમાં જઈએ છીએ. આમ કહીને પોતાની પાગડી તમારા પગ પાસે મૂકે છે, ત્યારે આપણે કઈ કરી શકતા નથી.

આ સંત ઓધવરામ મહારાજ ખૂબ જ તેજસ્વી સંત દેખાય છે. તેમની સલાહ એકદમ વ્યવહારુ છે. એમનો ખૂબ સંયમ અને ધીર ગંભીર વ્યવહાર છે. આ કોઈ સામાન્ય સંતની નિશાની નથી. મને લાગે છે કે એમણે આપણને ખૂબ સાચો રસ્તો બતાવ્યો છે, આપણે જરૂર એમની વાત પર ધ્યાન દેવું જોઈએ.

નારાયણભાઈ : (ક્યાંક નારાયણ બાપાના અહમ (ઈગો)ને ઠેસ લાગી હોય એવું વર્તન કરીને બોલે છે કે..) આવી સલાહો આપવાવાળા તો ઘણાં આવે. કોની-કોની વાતો માનશો? ગેઢેરાઓ તો મોહિમ તોડવા જુલમ કરશે. એ લોકોએ આવું તો પહેલાં પણ કર્યું હતું. એનાથી ડરી જવાનું ન હોય.

રતનશીભાઈ  : નારાયણભાઈ, મને એક પ્રયત્ન તો કરવા દો. જો સફળ થઈસ તો પણ તમારી સાથે છું અને નિષ્ફળ થઇસ તો પણ ફરીથી દેહશુદ્ધિ કરાવીને તમારી સાથે જોડાઈ જઈશ.

નારાયણભાઈ : ગુસ્સામાં.. કડવાશથી.. રતનશીભાઈ ધર્મનું કામ કરવું એ કોઈ રમત વાત નથી. આજે દેહશુદ્ધિ કરાવી, કાલે બગાડવી અને ફરી મજા આવે ત્યારે કરાવી. ધર્મના કામ કરવા માટે અડગ મન અને દૃઢ નિશ્ચય જોઈએ.

 રતનશીભાઈ : નારાયણભાઈ.. હું વાતની ગંભીરતા સમજું છું. પણ ક્યાંક આપણું જડ વલણ આપણાં ધ્યેયને મારી તો નથી નાખતું ને, એ પણ જોવું જોઈએ. તમે અમારા માર્ગદર્શક છો અને રહેશો. આપણાં સામે રોજ-રોજ લોકો પોતાની પાઘડી ઉતારી આપણને છોડીને સતપંથમાં ભળી જાય છે, એ સમસ્યાનો પણ કોઈ ઉપાય આપણી પાસે હાલ નથી ને. કઇંક તો કરવું પડશે ને?

નારાયણભાઈ : ગુસ્સામાં.. તો તું પણ છોડી જા. કોઈ જબરદસ્તી નથી. તને જેમ ઠીક લાગે એમ કર. મારી પાસે ફરીથી બીજી વારઆવતો. તો પછી હવેથી આપણાં રસ્તા જુદા.

રતનશીભાઈ  : (એક બાજુ એક સાચા સંત એવા સંત ઓધવરામ મહારાજની ધીર-ગંભીરતા, ઊંડી સૂઝબૂવાળી ભલામણ અને બીજી બાજુ નારાયણ રામજી જેવા મહાન માર્ગદર્શકનો પ્રકોપના વચ્ચે ફસાઈ ગયા.)

ત્યારે, રતનશીભાઈ હાથ જોડીને નારાયણભાઈને કહે છે કે, હે નારાયણભાઈ, તમે જે કરો છો એ બરાબર છે, પણ મને મારી રીતે આ પ્રયત્ન કરવા આપો. તમે મારા માર્ગદર્શક છો અને હમેશા રહેશો.

 

પછી મતભેદો વધતા ગયા. બંને પક્ષો તરફથી આરોપ-પ્રત્યારોપ ચાલ્યાં. રતનશી ખીમજીની ટીમ તરફથી નારાયણ રામજી ટીમ પ્રત્યેના આરોપો માટે જુઓ દિનાંક 20‑May‑1937ના નખત્રાણા નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનો વર્ષ 1937માં પ્રકાશિત અહેવાલ [70] [6:Page 325] અને નારાયણ રામજીની ટીમ તરફથી કર્તવ્ય પંથે પુસ્તક [148] જોઈ શકો છે. મતભેદો હોવા છતાં બંને વડીલો જ્ઞાતિ માટે આદરણીય અને મહાન છે. માટે આજના સમયમાં આ વિષય ગૌણ હોવાથી એના પર વધારે લખવાની જરૂરત જણાતી નથી.

150.6.           સંત ઓધવરામ મહારાજનો ઉપાય કામ કરી ગયો: કાળચક્ર ભવિષ્યમાં કેવો વળાંક લેશે કોને ખબર હોય છે. બન્ને વડીલો છુટ્ટા પડ્યા. સંત ઓધવરામ મહારાજની દિશા સૂચન પ્રમાણે રતનશીબાપા પોતાના સનાતની બનેલા બે વડીલ બંધુ એટલે કે બે મોટા ભાઈભાભીઓને મળે છે અને પોતે કાપી નાખેલા વ્યવહારો ચાલુ કરે છે. જોત જોતાં માં ગણતરીના દિવસોમાં બન્ને ભાઈ ભાભીઓ અને તમામ પરિવારો અગાઉ જણાવ્યા પ્રમાણે, તા. 16Jul-1923ના દેહશુદ્ધિ કરાવે છે, જેની નોંધ પીરાણાની પોલના પેજ 536માં પ્રકાશિત નામાવલીમાં સામેલ છે [88:Page 536].

વર્ષોથી જે કામમાં (ભાઈઓને સમજાવવાના કામમાં) રતનશીભાઈને સફળતા નહોતી મળતી, એ કામ ગણતરીના માત્ર થોડાજ મહિનાઓમાં સફળતા મળેલી જોઈ, વડીલ રતનશી બાપાને સંત શ્રી ઓધવરામ મહારાજ ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ બેઠો. એમને પૂરે પૂરી ખાતરી થઈ ગઈ કે જો જ્ઞાતિ સુધારના કામને સફળ બનાવવું હશે, તો સંત ઓધવરામ મહારાજના બતાવેલ રસ્તા પર આગળ વધવું પડશે. વર્ષ 1925-26થી રતનશી ખીમજી અને નારાયણ રામજી વચ્ચે મતભેદો જાહેરમાં આવવા લાગ્યા. અને ધીરે-ધીરે રતનશીભાઈ પોતાના વિચારો સાથે સહમત લોકોની ટીમ બનાવતા ગયા.

150.7.           વ્યવહારુ ઉપાયની શોધ: એક બાજુ ગેઢેરાઓનો ત્રાસ. બીજી બાજુ દેહશુદ્ધિ અને હવન, યજ્ઞ, સંસ્કૃત મંત્રો, વેદોની ઋચાઓ વગેરે ધાર્મિક કર્મકાંડ જે સામાન્ય માણસ માટે અનુસરવું અશક્ય બની ગયું હતું. સેંકડો વર્ષોથી હિન્દુ ધર્મ ભૂલેલી અભણ જ્ઞાતિ જેને ઇસ્લામી કલમાઓ બોલવાની ટેવ પડેલી હોય, એવા લોકોને અચાનક સંસ્કૃતના કઠિન શ્લોકો અને ક્રિયાઓ કરવાનું કહો, તો એ શક્ય ન બને. આવી રીતે બંને બાજુથી ઘેરાયેલા લોકોને એક સરળ ઉપાય આપવાની જરૂરત હતી.

સંત ઓધવરામ મહારાજ સામે તલવારની ધાર ઉપર ચાલવા જેવું હતું. એને એવો ઉપાય શોધવો હતો કે લોકો હિન્દુ ધર્મ સાથે વળગી રહે અને એ પણ સુનિશ્ચિત કરવું હતું કે ભવિષ્યમાં વળી પછી કોઈ ધર્મગુરુ / બાવો ફરીને આ ભોળી જ્ઞાતિને અવળે રસ્તે લઈ ન જઈ શકે.

લોકોને એક વ્યવહારુ ઉપાય અને સહજ પદ્ધતિની જરૂરત હતી જે સામાન્ય, અજ્ઞાની, ઓછું ભણેલો, ખેતી કરતો પરિવાર સહેલાઈથી અનુસરી શકે. આવી પરિસ્થિતિમાં સંત ઓધવરામ મહારાજે બહુ સહેલો અને જ્ઞાતિનું કાયમી ધર્મ પરિવર્તન કરાવનારો ઉપાય આપ્યો.

150.8.           ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણ: વ્યવહારુ  ઉપાય તરીકે સંત ઓધવરામ મહારાજેરતનશીભાઈને ભગવાન લક્ષ્મીનારાયણને જ્ઞાતિના ઇષ્ટદેવ તરીકે અપનાવવાની સલાહ આપી. આ ઉપાય એટલો સચોટ હતો કે જ્ઞાતિનો સામાન્ય વર્ગ એને સહેલાઈથી અનુસરી શકતો હતો. એમાં કોઈ વિશેષ બંધનો કે જટિલ વિધિઓ નહોતી. પીરાણા સતપંથને સંપૂર્ણ રીતે ત્યાગી, મનથી ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે શુદ્ધ ભાવના હોવી જોઈએ એજ એક શરત હતી. આટલું કરવાથી માણસ સનાતની બની શકતો હતો.

આ ઉપાય થકી ભવિષ્યમાં આ જ્ઞાતિ ધર્મના ખોટા વાડામાં ફસાય નહીં, કોઈ ખોટા ધર્મગુરુના રવાડે ચડે નહીં અને સનાતન ધર્મના મૂળ પાયામાં રહીને સનાતન હિન્દુ ધર્મના વિશાળ વટવૃક્ષની છાયા સદાય એના પર રહે, એવો આ રસ્તો હતો.

આવા સરસ ઉપાય મળ્યા બાદ સંત ઓધવરામ મહારાજ અને વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણીની જોડીને ખૂબ સારા પરિણામ મળવા લાગ્યા. સંત ઓધવરામ મહારાજે ક. ક. પા. જ્ઞાતિના ઇષ્ટદેવ તરીકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને પ્રસ્થાપિત કરવાની સલાહ રતનશી બાપાને આપી. જેનો ધીમે-ધીમે સુવ્યવસ્થિત અમલ થયો.

150.9.           ભગવાન લક્ષ્મીનારાયણ શા માટે?: અમુક મિત્રોને, આ ઘડીએ, મનમાં પ્રશ્ન થતો હશે કે ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણ જ શા માટે? અન્ય ભગવાન હોઈ શકતા હતા. આના ઉત્તર માટે આ પુસ્તકમાં આગળ આ વિષય પર પ્રકાશિત લેખ વાંચવા વિનંતી.

150.10.         મંદિરો બંધાવવાના શરૂ થયાં: સંત ઓધવરામના માર્ગદર્શન પ્રમાણે ગામ વિરાણી મોટીના ખાનાના મુખ્ય હોલની અંદર મંદિર ઊભું કરવાનું નક્કી થયું. બધી તૈયારીઓ થઈ ગઈ. મુંબઈથી લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિઓ (છાયાચિત્ર / છબી / ફોટો) પણ તૈયાર થઈ ગયાં હતાં. પ્રતિષ્ઠાની તારીખ પણ નીકળી ગઈ હતી. પણ છેલ્લી ઘડીએ વિવાદ ઊભો થયો અને બાબત કોર્ટ સુધી ચડી ગઈ. માટે વિરાણી મોટીનું ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરના ઉદ્ઘાટનનું કામ ખોરંભે ચડી ગયું.

તે સમયે ગુજરાતના બોરડીટીંબા (કેશરપુરા)માં ઘણાં મૂળ વિરાણી વાસીઓ રહેતા હોવાથી, ત્યાંના ભાઈઓએ મંદિર બનાવવામાં ઉત્સાહ બતાડયો. એટલે વિરાણી માટે તૈયાર થયેલ ભગવાન લક્ષ્મીનારાયણની પાનમૂર્તિઓ બોરડીટીંબાના મંદિરમાં દિનાંક 26‑Aug‑1928ના પ્રાણપ્રતિષ્ઠિત કરવામાં આવી. વધુ માહિતી માટે જુઓ અભિલેખ 2023 પુસ્તક પેજ 321 [6:Page 321].

ત્યાર બાદ 2 વર્ષ પછી દિનાંક 15‑Aug‑1930ના ગામ વિરાણી મોટીમાં ભગવાન લક્ષ્મીનારાયણનું મૂળ મંદિર બંધાયું.

150.11.         વિરાણી મંદિર અને તેની સફળ રણનીતિ – ખાનાને મંદિરમાં ફેરવી નાખ્યું: વિરાણી મોટીનું ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર ઊભું થવું એ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ઇતિહાસનું એક ટર્નિંગ પોઈન્ટ (turning point) હતો, એટલે કે ઇતિહાસને એક નવો વળાંક આપનાર હતું. આ મંદિરની ખાસિયત એ છે કે એને સતપંથના ખાનાના મુખ્ય હોલની અંદર ઊભું કરવામાં આવ્યું છે. ખાનાનો મુખ્ય હોલ એટલે કે જાણે (દા.ત.) મસ્જિદના મુખ્ય હોલની અંદર. મંદિરનો પ્રત્યક્ષ આકર ભલે એક નાનું દેરું112 જેટલું છે, પણ એની પાછળનો સંદેશ જ્ઞાતિમાં મજબૂત પાયો નાખીને પ્રસરી ગયેલ ઇસ્લામી માન્યતા અને શ્રદ્ધાને જડમૂળથી ઉખાડી નાખવાનો છે. આ રણનીતિ સંત ઓધવરામ મહારાજે આપી હતી [72:Page 36] [6:Page 506]

પીરાણા સતપંથનો હાડ ગાળી નાખે એવો મજબૂત શિકંજો હતો તે વખતે. ત્યારે એમના ઘરમાં એટલે કે ખાનામાં એમના જાની દુશ્મન એવા વિધર્મીઓના ભગવાનનું સ્થાનક ઊભું કેમ થયું હશે, વિચાર તો કરો. એ હોલમાં એક બાજુ ઈમામશાહ બાવાનો પાટ રહેતો હતો અને બીજી બાજુ ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર. અને એમ નહીં કે ઈમામશાહ બાવાના ગુણગાન ગાઈને ભોળવી / ફોસલાવીને મંદિર ઊભું કરી દીધું હોય. બાવાનો વિરોધ કરી રીતસરના (કોર્ટ સુધી) ઝઘડાઓ કરીને લક્ષ્મીનારાયણ મંદિરને ખાનામાં ઘૂસાડી દીધું.

ખાનામાં મંદિર ઊભું થઈ જવાના કારણે અન્ય હિન્દુ જ્ઞાતિઓ પણ દેવદર્શન માટે આવવા લાગ્યા. ત્યારે ખાનાના મુખીઓ સામે વિકટ પરિસ્થિતિ નિર્માણ થઈ. મુખીઓ પોતાના ઇસ્લામી શાસ્ત્રોનું વાંચન કરે તો બધીજ અન્ય હિન્દુ જ્ઞાતિને ખબર પડી જાય કે સતપંથ મુસલમાન ધર્મ છે. અને જો આવું થાય તો બાહ્ય હિન્દુ ઓળખ અપનાવીને રહેવું એ અશક્ય બની જાય. સંપૂર્ણ મુસલમાન બનવું પડે. તેના કારણે સતપંથનો પ્રચાર કરવામાં તેઓ અસમર્થ થઈ ગયા અને એમની સાચી પોલ ખૂલી ગઈ. જેથી જ્ઞાતિ ઉપર સારી અસર પડી અને ઈમામશાહ બાવા ઉપર લોકોની શ્રદ્ધા તૂટવા લાગી [148:Page 125].

આજે એ ખાનામાં હવે ઈમામશાહ કે સતપંથનું કઈં રહ્યું નથી. ધીરે-ધીરે આખું ગામ સતપંથ છોડી સનાતની બની ગયું છે. સમસ્ત ગામે  મળીને ખાનાનું સંપૂર્ણ વિસર્જન કરી નાખ્યું છે. વિરાણી ગામનો ઇતિહાસ કહે છે કે આવું થવા પાછળ સતપંથને છાવરવાની રણનીતિ નહોતી અપનાવી. પણ કડક અને મક્કમતાથી ભરપૂર વિરોધની રણનીતિ અપનાવવામાં આવેલ હતી. એ ગામના એક મોટા સુધારક શ્રી કરસન શિવદાસ મુખીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી [152:Page 17]. આજે વિરાણી ગામમાં જડમૂળથી ખાનું અને પીરાણા સતપંથ ધર્મ નીકળી ગયો છે. 

અગર આ પવિત્ર સ્થળ જોવાનો અવસર મળે, તો જરૂર એક વખત જોજો. પહેલી નજરે એક સાધારણ દેરું દેખાશે, પણ ઉપર જણાવેલ ઐતિહાસિક પરિપેક્ષની નજરથી જોશો તો તમને આ મંદિરની આધ્યાત્મિક ભવ્યતાના સાચા દર્શન થશે. તમારા મનમાં જરૂર ગૌરવની લાગણી થશે. વિરાણી ગામને આગ્રહ ભરી વિનંતી છે કે વિકાસ/જીર્ણોદ્ધાર/નવીનીકરણ કે કોઈ પણ અન્ય કારણે આ મંદિર અને ખાનાના એ હોલને બદલાવજો નહીં. કારણ કે એ મંદિરનું ઐતિહાસિક મહત્વની સાથે આધ્યાત્મિક મહત્વ પણ છે. કેવી આધ્યાત્મિક શક્તિ હશે કે જેણે સતપંથ છોડવા માટે સમસ્ત જ્ઞાતિનું મન પરિવર્તિત કર્યું હશે? મંદિર સાચવીને એ શક્તિનું સન્માન અને સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે.

 

150.12.         સફળ રણનીતિની જ્ઞાતિ ઉપર અસર: આવી રીતે વિરાણી મોટીના લક્ષ્મીનારાયણ મંદિર ઊભું કરવા પાછળ સંત ઓધવરામ મહારાજે આપેલ રણનીતિની સફળતાની ખૂબ ઊંડી અને સારી અસર આ મોહિમ ઉપર પડી. આ રણનીતિ પ્રમાણે ગામેગામ ખાનાને લક્ષ્મીનારાયણ મંદિરમાં ફેરવવાના પ્રયાસો થવા લાગ્યા. જ્યાં શક્યતા ઓછી હતી, ત્યાં ખાનાની બાજુમાં અથવા તેની સામે ભગવાન લક્ષ્મીનારાયણની પાનમૂર્તિ રાખીને મંદિરો ઊભાં કર્યાં.

150.13.         રતનશી ખીમજી સામે સૌથી કઠિન કામ: રતનશી ખીમજીને જ્ઞાતિનું ધર્મ પરિવર્તન કરાવવાનો શ્રેય આપવા પાછળનું કારણ છે કે એમને ધર્મ પરિવર્તનના કાર્યનો સહુથી મુશ્કેલ પડાવ પાર કરાવ્યો હતો. સતપંથ ધર્મ છોડી દો કહેવું સહેલું છે, પણ વાસ્તવમાં ધર્મ છોડી દેવો એ એટલુંજ જટિલ છે. લોકો સમજી ગયા હતા કે પીરાણા સતપંથમાં તેઓ ફસાઈ ગયા છે, પણ પોતે છૂટી નથી શકતા. ઉપરથી ગેઢેરાઓ અને મુખીઓનું જ્ઞાતિ ઉપર સાણસા113 જેવી પકડ અને જબરદસ્ત દબાણ. એવી પરિસ્થિતિમાં લોકોને સતપંથ સામે ઊભાં કરવાં અને મુસલમાન સતપંથ ધર્મસ્થાનોને હિન્દુ મંદિરમાં ફેરવી નાખવાં માટે તૈયાર કરવાં, એવું અકલ્પનીય અને અશક્ય કામ કર્યું.

એમના આ મોહિમને સફળ બનાવવા માટે કેટકેટલા અને કેવા-કેવા પ્રકારના ભોગો આપવા પડ્યા હશે એની કલ્પના પણ આપણે આજે કરી શકતા નથી. પૈસા પણ પાણીના જેમ વહાવ્યા. આજના માપદંડ પ્રમાણે હજારો કરોડોની પોતાની અંગત મિલકત વેચીને જ્ઞાતિના મંદિરો માટે આર્થિક યોગદાન આપ્યું. પોતાનો ધીકતો114 ધંધો નોકરોને ભરોસે છોડી મહિનાઓ સુધી સતત કચ્છમાં અને ગુજરાતમાં રહી ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રચાર કર્યો. અનેકો અપમાનો, બદનામીઓ, સાચા-ખોટા આરોપો પણ સહ્યા હશે.

પ્રચાર કાર્યમાં જતા ત્યારે સતપંથીઓ પથ્થર મારતા. રાતના પણ આ ભય રહેતો. સુરક્ષા માટે રતનશી બાપા સાથે એક વોલંટિયરની ટીમ સતત રહેતી. અણધારી115 પરિસ્થિતિમાં હુમલો થવાની શક્યતાઓ ખૂબ હતી. આવી પરિસ્થિતિથી બચાવવા એમના અંગરક્ષક તરીકે ખાસ એવા વિરાણી મોટીના શિવગણ લાલજી પટેલ (નાકરાણી) એ ગજબની સેવા આપી છે. એ જમાનામાં ઘર નાના હતા અને ખુલ્લામાં ચાલી, આંગણું કે ઓસરીમાં સુવાની વ્યવસ્થા રહેતી. રતનશીભાઈના જીવ ઉપર એટલો ખતરો હતો કે રાત્રે સુરક્ષા માટે શિવગણ બાપા જાગીને સુરક્ષાનું ધ્યાન રાખે ત્યારે રતનશીભાઈ સૂઈ શકતા હતા. જ્ઞાતિ માટે રતનશી ખીમજીને આવો ભયંકર સમયનો સામનો કરવો પડ્યો છે.

આવી રીતે કોઈ પણ જ્ઞાતિ કે સમાજના ધર્મ પરિવર્તનનો સૌથી કઠિન દોર, જેની સામે કદાચ લોઢાના ચણા ચાવવા સહેલા હોય, એવા દોરથી મોહિમનું સુકાન સંભાળ્યું મોહિમ આગળ ધપાવી. ધર્મ પરિવર્તનના સંકટ રૂપી તુફાનમાંથી, ભોળી જ્ઞાતિ રૂપી હોડીને, સફળતા પૂર્વક બહાર કાઢી. ધર્મ પરિવર્તનના આ પ્રવાહમાં લોકો ધીરે ધીરે જોડાતા ગયા અને પીરાણા સતપંથને ત્યાગીને સનાતન ધર્મમાં પરિવર્તન થતું ગયું.

 

150.14.         સંતોનો સહયોગ: આ તમામ કામમાં સંત ઓધવરામ મહારાજનું માર્ગદર્શન, સાથ સહકાર અને આશીર્વાદ અત્યંત કારગર તેમજ સફળતાની કૂંચી (ચાવી) નિવડ્યાં. પ્રચાર પ્રસારના કાર્યોમાં સંત ઓધવરામ મહારાજનું તો મુખ્ય યોગદાન હતું જ, પણ તેમની સાથે એમના પટશિષ્ય સંત દયાલરામ મહારાજનું પણ ખૂબ જ મોટું યોગદાન હતું.

વડીલો પાસેથી સાંભળ્યું છે કે સંત ઓધવરામ મહારાજ જ્યારે પ્રચાર માટે નીકળતા ત્યારે ઘણી વાર સતપંથના છોકરાઓ પથરાવ કરતા. ભૂતકાળમાં આવા કિસ્સાઓ માનકુવા, ટોડીયા વગેરે ગામમાં થયેલા હોવાનું સાંભળવા મળેલ છે. આવા પથરાવથી સંત ઓધવરામ મહારાજના માથા ઉપર પથ્થર (પાણો) લાગી ગયો હતો અને લોહી નીકળતું હોવા છતાં સંત ઓધવરામ મહારાજે ધીરજ રાખીને લોકોને મનોબળ ટકાવી રાખવા ગામમાં પ્રચારનો એ દોર ચાલુ રાખતા. લાગી ગયું એટલે ડરીને પાછા ચાલ્યા ના જતા. આ મોહિમની શરૂઆતના દિવસોમાં જે સનાતની બનેલા વડીલો / પરિવારો પાસેથી આ વાત જાણવા મળેલ છે.

સંત ઓધવરામ મહારાજની આજ્ઞા પ્રમાણે રતનશી ખીમજીની ટીમ સાથે ખડેપગે સંત દયાલરામજી મહારાજે કચ્છના ગામેગામ અને ગુજરાતના કંપેકમ્પામાં જઈને ભગવાન લક્ષ્મીનારાયણનો પ્રચાર કર્યો. આગળ જતાં કચ્છના ગામેગામ અને ગુજરાતનાં કંપાઓમાં ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો બંધાયા અને જ્ઞાતિનું કાયમી રીતે સનાતન ધર્મમાં ધર્મ પરિવર્તન થયું.

150.15.         સનાતની જ્ઞાતિ સાથે ખાવાપીવાનો વ્યવહારની શરૂઆત અને તે અંગેનો ખુલાસો: રતનશી ખીમજીની ટીમની સફળતા પાછળનું મુખ્ય કારણ હતું કે તેઓએ સનાતની જ્ઞાતિ સાથે, એટલે કે જે લોકોએ દેહશુદ્ધિ વિધિ ન કરાવી હોય, એવા લોકો સાથે, આદર અને સન્માન ભર્યો વ્યવહાર કર્યો. અમે ઉચ્ચ છીએ, સુધરેલા છીએ, બીજા કરતાં શુદ્ધ છીએ, અમે તમારી સાથે બેસીને ખાઈ ન શકીએ, એવો વ્યવહાર ન અપનાવતા, એમની સાથે મિત્રતા અને પ્રેમનો વ્યવહાર અપનાવ્યો. આ લોકોએ પીરાણા સતપંથ ધર્મતો છોડી જ દીધો હતો એટલે એમની પ્રત્યે તુચ્છભાવ રાખવો એમને યોગ્ય લાગ્યું નહીં. (ખાસ નોંધ: સતપંથીઓ સાથે ખાવાપીવાનો વ્યવહાર કોઈ દિવસ નહોતો કર્યો)

ખાવા પીવાનો મુદ્દો ગંભીર કેમ હતો?

એ સમયમાં લોકો પોતાની ધાર્મિક શુદ્ધતા રાખવા માંસાહાર કરનાર લોકો સાથે ખાવાપીવાનો વ્યવહાર રાખવામાં બહુ સાવચેતી રાખતા. “અમુક” ધર્મ વાળા પોતાના ખાવામાં લોકોને “ભ્રષ્ટ” કરવા અમુક અશુદ્ધ પદાર્થો નાખતા, જે કોઈને ના ગમે. એવું વડીલો પાસે સાંભળેલું છે. આવું ભેળસેળવાળું ખાવાથી લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે, એવી માન્યતા પણ હતી [70:Page 22] [6:Page 347]. આવી માન્યતાઓ વચ્ચે, જો એકજ સનાતની જ્ઞાતિના લોકો આપસમાં ખાવાપીવા વિષે છૂત-અછૂત સમાન વ્યવહાર કરે, તો સ્વાભાવિક છે કે અંદરોઅંદર કુસંપ વધે, અને કડવાશ જન્મે.

જ્ઞાતિમાં ગંભીરતા

“ખાવા પીવા વગેરેના કારણોથી જ્ઞાતિમાં એક ભયંકર દીવાલ ઊભી કરી જ્ઞાતિ સુધારના ધર્મના કાર્યમાં સાથ ન આપવો એ સુધારો ન કહેવાય. તેથી તો જ્ઞાતિમાં વિરોધ વધે છે.” [70:Page 10] [6:Page 336]

ખાવા પીવાનો મુદ્દો ગંભીર શા માટે?

 

રતનશી ખીમજીની ટીમ દ્વારા ખાવાપીવાનો વ્યવહાર માત્ર સનાતની જ્ઞાતિ સાથે કરવામાં આવેલ હતો. (એટલે કે જેઓએ પીરાણા સતપંથ ધર્મનો સંપૂર્ણ રીતે ત્યાગી કરી દીધેલ હતો, પણ માત્ર દેહશુદ્ધિ વિધિ નહોતી કરાવી.)

સતપંથીઓ સાથે ખાવાપીવાનો વ્યવહાર ચાલુ કર્યો નહોતો, એની ખાસ નોંધ લેશો.

ખાસ નોંધ

કેવા સંજોગોમાં અને કઈ શરતોમાં સનાતનીઓ સાથે ખાવાપીવાનો વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો, એ અંગે વિસ્તૃત ખુલાસો રતનશી ખીમજીએ નખત્રાણા નવાવાસના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વખતે આપેલ ભાષણમાં કરેલ છે. આ મહોત્સવના અહેવાલની વિગત માટે Bibliography / સંદર્ભ સૂચિમાં આપેલ છે, જ્યાંથી આ અહેવાલ ઓનલાઇન પણ જોઈ શકો છો [70:Page 39 to 46] [6:Page 363 to 369].

વિરાણીમાં બંધાયેલ કચ્છ ખાતેનું પહેલું મંદિર પછી કચ્છ ખાતે બીજું અને જ્ઞાતિનું ત્રીજું લક્ષ્મીનારાયણ મંદિર [70:Page 10] [6:Page 336] ઊભું થતાં 7 વર્ષ લાગી ગયા. દિનાંક 20‑May‑1937ના નખત્રાણા ખાતે કચ્છનું બીજું લક્ષ્મીનારાયણ મંદિર ઊભું થયું. સ્વાભાવિક છે, કારણ કે મોહિમની શરૂઆત પછી, લોકોમાં વિશ્વાસ જન્મે, જેથી તેઓ સક્રિય બને, જેથી મોહિમ એક ચળવળના સ્વરૂપમાં બદલાય. એના માટે થોડો સમય લાગે એ સ્વાભાવિક છે. પણ ચળવળ ચાલુ જરૂર થઈ ચૂકી હતી.

સંત ઓધવરામ મહારાજના માર્ગદર્શન હેઠળ, આ સમયમાં, કચ્છ અને કંપાઓમાં, ઘણી જગ્યાએ ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો ઊભા થઈ રહ્યા હતા, એવો ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે.

150.16.        નથુ નાનજી કેશરાણી / છાભૈયાનો સાથ મળ્યો: ઉપર જણાવેલ નખત્રાણાના લક્ષ્મીનારાયણમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ વખતે સમાજમાં એક મહાન જ્ઞાતિ સેવકનું આગમન થયું, વડીલ નથુ નાનજીનું [70:Page 25] [6:Page 350].

એમના જીવનની શરૂઆતની કર્મભૂમિ,  ઓડીસામાં એક કાર્યક્રમ વખતે ખોજા મુસલમાને પીરાણા સતપંથ ધર્મને લઈને જે સત્ય હકીકત કહી, એનાથી નથુભાઈ નાનજીના મનમાં ડંખ રહી ગયો અને પોતાની જ્ઞાતિને સુધારવા માટે ઓડીસાની સારા પદની નોકરી છોડી, કચ્છમાં આવ્યા. એમના જીવન ઉપર સરસ લેખ કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ પુસ્તકના પેજ 103માં પ્રકાશિત કરેલ છે [4:Page 103].

કચ્છ આવીને નથુ નાનજી; રતનશી ખીમજીની ટીમ સાથે જોડાયા. તેઓ એક પ્રભાવશાળી વક્તા હતા અને પીરાણા સતપંથ છોડવા માટે લોકોને ખૂબ સારી રીતે પ્રેરિત કરી શકતા હતા.

તેઓ કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના સ્થાપક મહામંત્રી બન્યા અને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો ઊભા કરવાની મોહિમને અનેરો વેગ આપીની એક મુખ્ય ભૂમિકા ભજવી. જેટલી સહેલાઈથી આ વાક્ય બોલી શકાય, એમનું કામ એટલુંજ અઘરું અને ભોગ માંગી લે તેવું હતું. 

150.17.         વર્ષ 1938માં – કેન્દ્ર સમાજની સ્થાપના – કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ: નવા વિચારો આધારીત કોઈ તદ્દન નવું સંગઠન ઊભું થાય ત્યારે તેના ત્રણ મુખ્ય ચરણો હોય છે.

1)    મૌખિક સહમતી મેળવી અનૌપચારીક રીતે સંગઠિત થવું. (શરૂઆતમાં ચકાસવા માટે)

2)    સંગઠનનું વ્યવસ્થિત બંધારણ ઘડવું અને તે પ્રમાણે ચાલવું. (જ્યારે લોકોનો સાથ મળે ત્યારે)

3)    સંગઠનને સરકારમાં રજિસ્ટર કરવું. (મોટે પાયે કામ કરવા, મોટી મિલકતો વસાવવા વગેરે)

શરૂઆતના પહેલા ચરણમાં રતનશી ખીમજી અને નથુ નાનજીની આગેવાનીમાં ક. ક. પા. જ્ઞાતિના સનાતનીઓની પહેલી માતૃ સમાજ / કેન્દ્રીય સમાજ ઊભી થઈ. આ કોઈ એક ગામની સમાજ નહોતી, પણ ગામેગામના (તે વખતે લગભગ 60 ગામ [72:Page 16] [6:Page 487]) સનાતનીઓ ભેગા થઈને આ સમાજ ઊભી કરવામાં આવી. આ કેન્દ્રીય સમાજ એટલે કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના સ્થાપક પ્રમુખ શ્રી રતનશી ખીમજી ખેતાણી હતા અને સ્થાપક મહામંત્રી શ્રી નથુ નાનજી કેશરાણી/છાભૈયા હતા.

સમાજ સ્થાપનાની ચોક્કસ તારીખ નથી મળતી. પણ આપણી પાસે એવી 2 ઘટનાઓ છે, જેના પરથી અંદાજ થાય છે કે સમાજની સ્થાપના વર્ષ 1938માં થઈ હશે.

1)    વર્ષ 1937માં નથુ નાનજીનું ઉપર જણાવ્યા પ્રમાણે નખત્રાણાના લક્ષ્મીનારાયણ મંદિર કાર્યક્રમ વખતે જ્ઞાતિમાં આગમન [70:Page 25] [6:Page 350].

2)    વર્ષ 1939માં, આગાઉ જણાવેલ સંવત 1832ના કાળા ઠરાવથી જે વહીવંચાઓ અને બ્રાહ્મણો ઉપર બંધી મૂકવામાં આવી હતી, એ વહીવંચાઓની પુનઃ નિમણૂક સનાતની સમાજે કરી. જ્ઞાતિમાં ઘરોઘર જઈને વંશાવલી લખવાની અનુમતિ તેમજ જવાબદારી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ દ્વારા આપવામાં આવી. આ અંગે આ પુસ્તકમાં આગળ પ્રકાશિત લેખ જોવા વિનંતી.

ઉપર જણાવેલ બંને ઘટનાઓના સમયગાળા વચ્ચે સનાતની સમાજની સ્થાપના થઈ હશે, એ અંદાજ મળી જાય છે. જેના પરથી એવું અનુમાન કરી શકાય કે વર્ષ 1938માં સનાતની સમાજની સ્થાપના થઈ છે.

સમાજ સંગઠનના બીજા ચરણમાં, આ સમાજનું વ્યવસ્થિત બંધારણ પણ ઘડાયું છે જે દિનાંક 15‑Nov‑1945ના ઘડવામાં આવ્યું [72:Page 16] [6:Page 487] છે. અને ત્રીજા ચરણમાં વર્ષ 1965માં116 કેન્દ્રીય સમાજને સરકારમાં રજિસ્ટર કરવામાં આવી.

150.18.         ગામેગામ યુવક મંડળો અને સમાજોની સ્થાપના: નખત્રાણાના મંદિરની સ્થાપના પછી ગામેગામ યુવકમંડળો ઊભા કરવામાં આવ્યા. આવી પરિસ્થિતિમાં ધર્મનું કામ યુવાનો જ કરી શકે, માટે યુવક મંડળો ઊભા થાય એ જરૂરી હતું. આ માટે ગામેગામમાં સભાઓ ભરવામાં આવતી. તે માટે રતનશી ખીમજી, સંત ઓધવરામ મહારાજ અને સંત દયાલરામ મહારાજ યુવાનોમાં જોશ પૂરવા માટે હાજર રહેતા [59:Page 24].

150.19.         જ્ઞાતિના જુલ્મી ગેઢેરાઓની કમર તોડી: આ પુસ્તકમાં આગાઉ જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ ઉપર ગેઢેરાઓની જુલ્મી સત્તા ચાલતી હતી. લોકોને પોતાના સામાજિક અને પારિવારિક પ્રશ્નોનો ઉકેલ લાવવા ગેઢેરાઓ પાસે જવું પડતું હતું. એ સમયે ગેઢેરા મોકાનો લાભ લઈ અન્યાય, અત્યાચાર કરવા અથવા જૂના વેરઝેરનો બદલો વાળવા, જુલમ કરતા. યુવકમંડળો અને સમાજો બનવાથી હવે ગેઢેરાઓની સત્તા સામે સીધો પડકાર હતો. ગેઢેરાઓને જુલમ કરવાથી પહેલાં સો વખત વિચાર કરવા માટે મજબૂર કર્યા. કારણ કે લોકતાંત્રિક પદ્ધતિથી ઊભા થયેલ સમાજ વ્યવસ્થામાં હવે સામાન્ય માણસ પણ સંગઠિત અને શક્તિશાળી બની ચૂકતો હતો, તેમજ ગેઢેરાને દિવસે તારા બતાડી શકવાની પરિસ્થિતિમાં હતો.

150.20.         ગેઢેરાની કમર તૂટવાથી સતપંથની સત્તા પણ તૂટી: અગાઉ જણાવ્યા પ્રમાણે પીરાણા સતપંથ પોતાની ઓરંગઝેબી-સત્તા ગેઢેરાઓના માધ્યમથી ચલાવતું. પણ એક વખત ગેઢેરાઓ ગયા એટલે પીરાણા સતપંથની સત્તા પણ ગઈ.

150.21.         અલગ જ્ઞાતિની શરૂઆત – ચળવળનો એક મુખ્ય પડાવ: ધર્મ પરિવર્તનના આ દોરમાં કેન્દ્રીય સમાજની સ્થાપના થવી એ ચળવળનો એક મુખ્ય પડાવ સાબિત થયો. ગામેગામ છૂટાછવાયા અને લઘુમતીમાં રહેતા સનાતનીઓ ઉપર સતપંથના કાકા, મુખીઓ, ગેઢેરાઓ વગેરે દ્વારા કરવામાં આવતા અત્યાચારોનો સામનો કરનાર સનાતનીઓનું સંગઠન ઊભું થયું. સ્વાભાવિક છે કે આવા સંગઠનના કારણે એમને બળ મળ્યું, હિંમત મળી અને શક્તિ પણ મળી.

અહીંથી, સનાતનીઓની પોતાની અલગ જ્ઞાતિ શરૂ થઈ. પીરાણા સતપંથથી જુદા પડ્યા બાદ સનાતનીઓ હવે પોતાના નિર્ણયો પોતાના હિસાબે જાહેરમાં લેવા લાગ્યા. સામાજિક રીતે એમની સભાઓ પણ અલગ-અલગ થવા લાગી. પીરાણા સતપંથના નીતિનિયમો અને આદેશોનું પાલન કરવું એમના પર બંધનકર્તા ન રહ્યું. પીરાણા સતપંથવાળાઓએ પણ માની લીધું કે અમારો હુકમ હવે સનાતનીઓ ઉપર નહીં ચાલે, કારણ કે હવે સનાતનીઓની જ્ઞાતિ જુદી છે. અને સનાતનીઓની કેન્દ્ર સમાજની સ્થપના થવાથી સનાતનીઓની અલગ જ્ઞાતિનો જન્મ થયો.

સનાતન ધર્મનો પ્રચાર અને ગામેગામ ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો ઊભા કરવાની ચળવળ આ સંસ્થાએ સુપેરે ઉપાડી લીધી અને ખૂબ સારી રીતે આગળ પણ ધપાવી. કેન્દ્રીય સમાજ બનવાથી સનાતન ધર્મ પ્રચારના કામને જબરદસ્ત વેગ મળ્યો.

સનાતન સમાજની ટીમમાં ઘણાં મહાન સુધારકો પણ જોડાયા. બધાના નામો અહીં લઈ નહીં શકાય, પણ અમુક મહત્વના વડીલોના નામો નીચે આપેલ છે.

1)    ભીમજી કેશરા લીંબાણી                – કોટડા જડોદર

2)    પરબત લખુ પોકાર                       – મથલ

3)    રાજારામ શામજી ધોળુ                  – માનકુવા

4)    ખીમજી નાગજી લીંબાણી              – મથલ (માસ્તર)

5)    શિવદાસ કાનજી નાકરાણી           – વિરાણી મોટી

6)    કરસનભાઈ ઉકેડા રૂડાણી            – દેશલપર વાંઢાય

7)    માવજી પૂંજા જબુવાણી                 – નખત્રાણા

8)    નારાયણ શિવજી નાકરાણી           – વિરાણી મોટી

જે લોકોના નામો અહીં નથી લેવામાં આવ્યા એમનું યોગદાન જરા પણ ઓછું ગણશો નહીં. માત્ર જગ્યા અને સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ઉપરના નામો લેવામાં આવ્યા છે. ભૂલથી કદાચ કોઈ મહત્વના વડીલનું નામ છૂટી ગયું હોય, તો તેના માટે ક્ષમા કરશો, એવી નમ્ર વિનંતી.

150.22.         જ્ઞાતિ માટે નિયમો – સંત ઓધવરામ: સંત લાલરામજી મહારાજની ઈચ્છા હતી કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ પાળનારી અવશ્ય થવી જોઈએ. તે માટે ઉત્તમ માર્ગદર્શક કોઈ પણ એક ગ્રંથ અવશ્ય તૈયાર થવો જોઈએ.

પોતાના ગુરુની ઈચ્છા પૂર્ણ કરવા સંત ઓધવરામ મહારાજે દિનાંક 22‑Nov‑1942ના સ્વયં ઈશ્વર વિહારી વિલાસ ભાગ 2 પુસ્તકની રચના કરી [121:Page 341 onwards]. એ પુસ્તકના પેજ 355 માં Subsequently Added [121:Page 355] “કડવા પાટીદાર ભાઈઓને પાળવા યોગ્ય નિયમો” બતાવેલા છે. મુસલમાન આચરણો અને રીતરિવાજોથી જ્ઞાતિને મુક્ત કરવા આ નિયમો સંત ઓધવરામ મહારાજે જ્ઞાતિને આપેલા છે. એમાં ચોરી બાંધીને પરણવું, પાવળ ન પીવું, અગ્નિ સંસ્કાર કરવો, વગેરે કૂલ 23 નિયમો આપેલ છે.

આમાં છેલ્લો નિયમ કહે છે કે સતપંથીઓ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં અને તેઓનો ત્યાગ કરવો Subsequently Added [121:Page 362]. ત્યાર બાદ દૈનિક ક્રિયા (એક પ્રકારની શિક્ષા પત્રી) આપેલ છે. જેમાં 16 સંસ્કારોની વાત પણ લખેલ છે.

મુસલમાન આચરણોથી જ્ઞાતિને કેવી રીતે છોડાવવી એનો રસ્તો આ પુસ્તકમાં બતાવેલ છે.

150.23.         જ્ઞાતિના રીતરિવાજો – બોરડીટીંબા: જ્ઞાતિ સુધારનું કામ કંપા વિસ્તારમાં પણ જોરથી ચાલી રહ્યું હતું. બોરડીટીંબા, મોતીસરી (મોતિશ્રી) કંપા વગેરે ખૂબ જાગૃત થઈ ગયા હતા. સંત દયાલરામજી મહારાજ દ્વારા કંપા વિસ્તારમાં પ્રચારનું કામ ખૂબ જોરમાં ચાલી રહ્યું હતું. વિક્રમ સંવત (VSAK) 2000 માગસર વદ 5, દિનાંક 16-Dec-1943ના પ્રકાશિત “બોરડી ટીંબા વિજય મંડળ કડવા પાટીદાર જ્ઞાતિ સંમેલન અને બંધારણ” [83] [6:Page 413] નામનો અહેવાલ ખૂબ સારી જાણકારી આપે છે. ગામ રામપુરા કંપા મધ્યે દિનાંક 26‑Nov‑1943ના સુધારક ભાઈઓની જાહેર સભા ભરવામાં આવી હતી. એ સભામાં ધારાધોરણ અને જ્ઞાતિના રીતરિવાજો ઘડવામાં આવ્યા. અને આગળની કાર્યવાહી એમના કેંદ્રસ્થાન બોરડીટીંબામાં સભા બોલાવીને કરવી એવું નક્કી કરવામાં આવ્યું.

દિનાંક 15 થી 18‑Dec‑1943ના બોરડીટીંબા ખાતે બોલાવેલી સભામાં સર્વાનુમતે જ્ઞાતિના રીતરિવાજો પાસ કરવામાં આવ્યા (જુઓ રિપોર્ટનો પેજ 10). એ રિપોર્ટના પેજ 4માં જણાવેલ છે કે સંત ઓધવરામ મહારાજની ભલામણ પ્રમાણે સતપંથીઓ સાથે ખાવાપીવાનો વ્યવહાર સદંતર બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો (જુઓ રિપોર્ટ પેજ 13).

જ્ઞાતિ રીતરિવાજોના ઠરાવો સર્વાનુમતે પસાર થયા એ જોઈને મૂળ મથલ ગામના, મોતીસરી કંપાવાળા શ્રી હરિભાઇ કરમશી ભાવાણીનું હૃદય પ્રફુલ્લિત થયું. એમનો નિશ્ચય હતો કે જો આ બધું નિર્વિઘ્ને પાર પડે તો કચ્છમાં કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર બાંધવામાં આવે ત્યારે રૂ.1,001/- આપીશ. તેમનો આ નિશ્ચય, ઉમિયા માતાજી વાંઢાયનું મંદિર ઊભું કરવામાં, કારણભૂત બન્યો.

150.24.         વાંઢાય ખાતે ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ: ઉપર જણાવ્યા પ્રમાણે મોતીસરી કંપાના શ્રી હરિભાઇ કરમશી ભાવાણીના હૃદયની ઈચ્છા પ્રમાણે સંત ઓધવરામ મહારાજની આજ્ઞાથી ઓધવ આશ્રમની અંદર ઉમિયા માતાજીનું મંદિર બાંધવાનું નક્કી કરવામાં આવ્યું. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો વિસ્તૃત (પૂરો) અહેવાલ “શ્રી કડવા પાટીદાર કુળ વર્ધિની શ્રી ઉમિયા દેવીની પ્રતિષ્ઠા મહોત્સવનો ટૂંક અહેવાલ” [93] [6:Page 436] નામની વર્ષ 1945માં પ્રકાશિત કરવામાં આવેલ છે. આ પ્રસંગનો “ટૂંકો” અહેવાલ વર્ષ 2010માં પ્રકાશિત “ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય સ્મૃતિગ્રંથ” [145:Page 66] માં પણ આપેલ છે, પણ એ ટૂંકમાં છે. 

મંદિર ભલે આશ્રમમાં ઊભું થયું, પણ મહોત્સવમાં કંપા તેમજ કચ્છના તમામ વિસ્તારના લોકોનો ભરપૂર સહયોગ મળ્યો. કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજે આગળ પડતો ભાગ ભજવ્યો. અહેવાલના પેજ 6માં સભાનું વર્ણન કરતા જણાવ્યું છે કે તમામ જનસમુદાય “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ”ની સભા રૂપે એકત્ર થયો હતો.

આ મોહિમના દૃષ્ટિકોણથી અહીં જાણવા જેવું એ છે કે સનાતની સમાજના મુખ્ય આગેવાનોએ મહારાજ ઓધવરામના સાનિધ્યમાં મંદિરનું ખાત મુહૂર્ત કર્યું [93:Page 4] [6:Page 440]. મંદિરની ધ્વજા આરોપણ અને મૂર્તિ-પ્રાણપ્રતિષ્ઠા જેવી માંગલિક ક્રિયાઓ શ્રી રતનશી ખીમજીના હસ્તે થઈ [93:Page 14] [6:Page 447].

કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ [4] પુસ્તકના પેજ 198માં “ઉમિયા માતાજી મંદિર – વાંઢાય” નામનો લેખ છે. જેમાં પેજ 199માં જણાવેલ છે કે વાંઢાય મંદિરના ઉદ્ઘાટનના આગલા દિવસે કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની એક સભા શ્રી હરિભાઇ કરમશી ભાવાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી અને એનું સંચાલન સેક્રેટરી નથુભાઈ નાનજી કેશરાણીએ કર્યું હતું. એ પ્રસંગે યોજાયેલ સનાતની સમાજની બીજી સભાના અધ્યક્ષ સ્થાને પરબત લખુ પોકાર હતા. ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલ કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની સભાના પ્રમુખ શ્રી રતનશી ખીમજી ખેતાણી હતા. જેના પરથી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના યોગદાનનો ખ્યાલ આવે છે. 

આ કાર્યક્રમમાં પીરાણા સતપંથ ધર્મનો ત્યાગ કરી સનાતન ધર્મ અપનાવવા માટે ઘણા ઉપદેશો આપવામાં આવ્યા. તે ઉપરાંત શાળાઓ ઊભી કરવા પર પણ જોર દેવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સંત ઓધવરામ, સંત દયાલરામ, હરિભાઇ કરમશી, રતનશી ખીમજી, પરબત લખુ, નથુ નાનજી વગેરે સુધારકો હતા.

150.25.         વાંઢાય મંદિરની અસર: સેંકડો વર્ષોથી મુસલમાન ધર્મ પાળી જ્ઞાતિ પોતાનું મૂળ કુળ અને એની ઉત્પત્તિની કથા વગેરે બધુંજ ભૂલી ગઈ હતી. સદ્ભાગ્યે નારાયણ રામજીના દોરમાં ઉમિયા માતાજી ઊંઝા સંસ્થા સાથે જોડાયેલા પુરુષોત્તમ લલ્લુભાઈ પરીખ દ્વારા લેખિત “કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ” [106] [105] પુસ્તકમાં પ્રમાણ સાથે જણાવવામાં આવ્યું કે છે કણબીઓ “ક્ષત્રિય” કુળના છે અને એમની મૂળ જ્ઞાતિ કડવા પાટીદાર જ્ઞાતિ છે. આ વિષેનો સાર આ પુસ્તકના “મૂળ – ઊંઝા અને ગુજરાત વિસ્તાર” પ્રકરણ પણ જોઈ શકો છો.

વાંઢાયનું મંદિર ઊભું થવાથી મુમનાની ઓળખ ભૂસવવામાં બહુ મદદ મળી. અન્ય હિન્દુ જ્ઞાતિઓ કણબીઓને હિન્દુ તરીકે ઓળખવા લાગ્યા તેમજ સામાજિક અને ધાર્મિક રીતે ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સાથે જોડાણ થયું.

150.26.         વાંઢાય મંદિરનો વહીવટ, કચ્છ કડવા પાટીદાર સમાજ કરે, એવી સંત ઓધવરામ મહારાજની ઈચ્છા: દિનાંક 05Jul1947ના સંત ઓધવરામ મહારાજના આમંત્રણથી ઉમિયા માતાજીના કમ્પાઉન્ડમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની એક મિટિંગ બોલાવવામાં આવી હતી. એ સભાના પ્રમુખ રાજારામ શામજી ધોળુ માનકુવા વાળા હતા.

સંત ઓધવરામ મહારાજે રજૂઆત કરી હતી કે વાંઢાયમાં ચાલતી સંસ્થા શ્રી કચ્છ કડવા પાટીદારની સત્તા હેઠળ ચાલે. આ વિષય ઉપર બહુજ લાંબી ચર્ચા થઈ. છેલ્લે સુધારક વડીલ શ્રી માવજી ધનજીએ ઠરાવ રજૂ કર્યો, જે પાસ કરવામાં આવ્યો કે;

“આજ રોજે મળેલ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ઠરાવે છે કે શ્રી કચ્છ વાંઢાય ઈશ્વર નગર ખાતે શરૂ કરેલ બોર્ડિંગના મકાનો, તેમજ માતાજીના મંદિરના તમામ કમ્પાઉન્ડ પાટીદાર સમાજને પૂજ્ય મહારાજશ્રી ઓધવરામજી સોંપે છે. અને તેનું ટ્રસ્ટ ડીડ કરી રજિસ્ટર કરી આપવા તૈયાર છે. તે રીતે આ બોર્ડિંગ તથા માતાજીના મંદિરને નિભાવવા પાટીદાર સમાજે કબજો લેવા આજની સભા ઠરાવે છે. અને તે એ રીતે કે આ વાત ભાદરવા સુદ 9 ને મંગળવાર 23‑Sep‑1947ના રોજે, તારીખ નીમી, પ્રચાર કરી, જનરલ મિટિંગ આખા કચ્છના તમામ ગામોથી તથા પરદેશથી બોલાવી, તેમાં નક્કી થતાં સુધી, હાલે જે રીતે ચાલે છે, તે રીતે વ્યવસ્થા ચલાવવી. અને સંપૂર્ણ પણે સ્વીકાર, તે વખતે કરવો એવું ઠરાવે છે. અને એ દરમિયાન 2.5 માસ સુધી પ્રચાર કાર્ય માટે નીચે મુજબની યોજના ઘડવામાં આવી છે. જે નીચે લખ્યા તાલુકાવાર પ્રચારકોએ, આવતા નક્કી કરેલ, સંમેલનમાં હાજરી આપવા તથા તેમનો દરેક ગામવાળા ભાઈઓનો સહકાર છે જેની યોજના ઘડવા નીચે જણાવેલ ભાઈઓની એક કાર્ય વાહક કમિટી નીમવામાં આવે છે.”

ત્યાર બાદ, તે પ્રમાણે, ખેડોઈ, દેશલપર, કંઠી, નખત્રાણા, લખપત અને ગુજરાત વિસ્તારના ભાઈઓની નામાવલી છે અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની હેડઓફિસ વતીથી પણ અમુક વિશેષ નામોનો પણ સમાવેશ છે.

પણ, આપણે સમજી શકીએ છીએ કે આ ઠરાવ પછી ભારત દેશ સ્વતંત્ર થયો એટલે દેશના ભાગલા થવાના કારણે, કરાચીમાં વસતા ભાઈઓનું ભારતમાં સ્થળાંતર થવાથી જ્ઞાતિ થોડા દિવસો માટે અસ્તવ્યસ્ત થઈ ગઈ હશે. એટલે ઉપરોક્ત કાર્યવાહી તે સમયે પૂરી થઈ ન શકી.

ત્યાર બાદ દિનાંક 15‑Apr‑1962ના કેન્દ્રીય સમાજની કારોબારી સભામાં મોતીસરી કંપા તથા ડાયાભાઈ હરિભાઇ (મથલ) તથા બદામકંપાના વેલજીભાઈ વાલજીભાઈ (વિરાણી) વાળાએ રજૂઆત કરી, જેના વિષે મિનિટ્સમાં આ પ્રમાણે નોંધ દેખાય છે, કે;

“વાંઢાયમાં શ્રી ઉમિયા માતાજીના મંદિરની વ્યવસ્થા માટે તથા ટ્રસ્ટ એક્ટ ધારામાં રજિસ્ટર કરાવવું કે નહીં, અને તેથી વ્યવસ્થા માટે ટ્રસ્ટ તથા કારોબારી વગેરે નિમવા બાબત ચર્ચા વિચારણા કરવા બાબત રજૂઆત થઈ. તો આ બાબતની ચર્ચા સામાન્ય સભામાં રજૂઆત કરવી એવું સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ”

ત્યાર બાદ, ઓધવરામ બાપાની અધૂરી રહેલી ઈચ્છા વર્ષ 1964માં સંત શાંતિરામજી મહારાજે પૂરી કરી. જેના વિષે આ પુસ્તકમાં આગળ જણાવેલ લેખમાં વધુ માહિતી આપેલ છે.

150.27.         જ્ઞાતિના રીતરિવાજો: સેંકડો વર્ષોથી જ્ઞાતિ મુસલમાન રીત-રિવાજો અને પરંપરાઓ પાળતી આવતી હતી. સનાતનમાં આવ્યા બાદ કયા રીતરિવાજો અને પરંપરાઓ પાળવી? એ એક મોટો પ્રશ્ન હતો. જ્ઞાતિમાં સમાન રીતરિવાજો અને પરંપરાઓ હોવી ખૂબ જરૂરી હતું, જેથી કરીને જ્ઞાતિ એક તાંતણે બંધાય તેમજ જ્ઞાતિમાં એકવાયકતા આવે. જેનાથી જ્ઞાતિ અકબંધ રહે અને તૂટે નહીં.

અગાઉ પોઈન્ટ (150.23)માં જણાવ્યા પ્રમાણે બોરડીટીંબામાં પસાર થયેલ જ્ઞાતિ રીતરિવાજો જેવાજ રીતરિવાજો કચ્છમાં પસાર થયા. આ માટે વાંઢાય ખાતે દિનાંક 01‑Oct‑1944ના કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ દ્વારા એક વિશેષ સભા બોલાવવામાં આવી હતી, જેમાં આ રીતરિવાજો પસાર કરવામાં આવ્યા.

અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજ, કુપ્રથા, ધર્માંધતાને જ્ઞાતિમાંથી સદાય માટે દૂર કરવા તેમજ જ્ઞાતિ સદાય સનાતન ધર્મ સાથે વળગી રહે, તે માટે જ્ઞાતિ રીતરિવાજો ખૂબ મહત્વના નીવડ્યા.

150.28.         ગામેગામ પ્રચારના અમુક દાખલાઓ: જ્ઞાતિના રીતરિવાજો તૈયાર કરીને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના આગેવાનોએ કચ્છના દરેક પાંચાડાના મુખ્ય ગામોમાં જઈને ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. આ પ્રવાસનો સવિસ્તાર અહેવાલ તમે “કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ – જ્ઞાતિના ધારાધોરણ અને રિપોર્ટ”ના [72:Page 20 to 30] પેજ 20 થી 30 સુધીમાં અને અભિલેખ 2023ના [6:Page 491 to 500]પેજ 491 થી 500 સુધીમાં વાંચી શકો છો. આ તો પ્રકાશિત અહેવાલ છે, પણ આવા કેટલાય અપ્રકાશિત પ્રવાસો સનાતની વડીલોએ કર્યા હશે, જેની આજે આપણી પાસે નોંધ નથી. વડીલોએ કેવી તકલીફો જોઈ છે એનો અંદાજ લેવા માટે આ રિપોર્ટ જરૂર એક વખત વાંચજો.

150.29.         લક્ષ્મીનારાયણ મંદિરનો પ્રચાર: આવીજ રીતે વડીલો લક્ષ્મીનારાયણ મંદિરના પ્રચાર માટે પણ ખૂબ પ્રવાસ ખેડતા. જે ગામમાં જતા, ત્યાં સભાઓ કરતા અને લોકોને પ્રોત્સાહિત કરતા. એ સભાઓમાં સતપંથીઓ દ્વારા મંદિરોને રોકવા માટે કેવા-કેવા પ્રયત્નો થતા, તેમ છતાં દુનિયા ભરના દબાણો અને અત્યાચારો સહન કરીને પણ સનાતનીઓ અડીખમ રહ્યા અને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો ઊભા કરતા રહ્યા એનો ખૂબ ગૌરવવંતો ઇતિહાસ છે. અમુક ગામોમાં આવા પ્રચાર કાર્યના પ્રવાસના અહેવાલો વાંચવા જેવા છે. જે “અભિલેખ 2023” [6] પુસ્તકમાં સામેલ કરવામાં આવેલ છે. જેવા કે;

ક્ર.

સભા / મિટિંગ

સંદર્ભ

દિનાંક

1)     

બોરડીટીંબા લક્ષ્મીનારાયણ મંદિર

[6:Page 321]દી. 26-Aug-1928

2)     

નખત્રાણા નવાવાસ લક્ષ્મીનારાયણ મંદિર

[70]  [6:Page 325]દી. 20-May-1937

3)     

ખેડોઈ લક્ષ્મીનારાયણ મંદિર[65] [6:Page 543]દી. 18-Dec-1945

4)     

ખોંભડી લક્ષ્મીનારાયણ મંદિર[66] [6:Page 553]દી. 16-May-1946

5)     

ઉખેડા લક્ષ્મીનારાયણ મંદિર [67] [6:Page 571]દી. 23-May-1946

  

150.30.         કોર્ટ કેસો: જે-જે ગામમાં લક્ષ્મીનારાયણ મંદિર ઊભા થતા, એ ગામમાં તો ખાસ, પણ જે-જે ગામમાં સનાતની ચળવળ ચાલતી એ ગામમાં પણ, વ્યક્તિગત કે અન્ય કોઈ રીતે સનાતની ચળવળને નબળી પાડવા અનેક કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદો કરવામાં આવતી હતી. દરેક ગામના વડીલો પાસે કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદોના માધ્યમથી કરવામાં આવતી કનડગતના અનેકો કિસ્સાઓ તમને જરૂર જાણવા મળશે. આવા કેસોથી નાસીપાસ ન થઈ, સનાતનીઓએ પોતાનો વિજય ડંકો વગાડ્યો છે.

150.31.         સગપણો તોડવાના કિસ્સાઓ ફરીથી શરૂ થયા: સતપંથીઓ અને સનાતનીઓ વચ્ચે સગપણ બાબતે કોઈએ અટકાવવું નહીં એવો દિનાંક 27‑Jun‑1912ના કરાર થયેલ હતો. વધુ જાણકારી માટે જુઓ પોઈન્ટ (144.10). આ કરારનો પહેલો ભંગ સતપંથીઓ એ કરેલ અને તે અંગે વિગતવાર ચર્ચા દિનાંક 19-Nov-1945ના કચ્છ કડવા પાટીદાર સમાજની કારોબારી સભાની મિનિટ્સમાં જોવા મળે છે. રસલિયાના સનાતની છોકરાંના સગપણ તોડવાની પહેલ સતપંથીઓએ કરેલ હોવાથી લાંબી ચર્ચાઓના અંતે સમાજ રસલિયાના ભાઈઓના પડખે ઊભો રહ્યો.

150.32.         વર્ષ 1947માં નવા પ્રમુખ: ભારત દેશ સ્વતંત્ર બન્યો એનાથી થોડાજ દિવસો પહેલાં સમાજના રેકોર્ડ બતાવે છે કે દિનાંક 05‑Jul‑1947ના કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજના પ્રમુખ તરીકે ભીમજી કેશરા લીંબાણી – કોટડા જડોદર વાળાએ જવાબદારી સંભાળી અને મંત્રી તરીકે નથુ નાનજી કેશરાણી હોદ્દા પર ચાલુ રહ્યા.

સ્વતંત્રતા પછી પ્રચાર કામ થોડું ઢીલું પડ્યું હોય એવું દેખાય છે. 1947 પછી સીધું 1951ની નોંધ દેખાય છે. એનું સ્વાભાવિક કારણ એ હોઈ શકે કે, કરાચીમાં જ્ઞાતિનો જે બહુ મોટો વર્ગ રહેતો હતો, તે વર્ગને દેશના વિભાજન પછી ભારતના અન્ય પ્રાંતોમાં સ્થાઈ થવા માટે સમય લાગ્યો હશે..

સનાતન સમાજના આ બધા રેકોર્ડ ભીમજી કેશરાના ઘરમાંથી મળી આવેલા હોવાથી ખ્યાલ આવે છે કે સમાજની ઓફિસ નખત્રાણાથી બદલીને ભીમજી કેશરાના ઘરે આવી ગઈ હશે. હાલ જે કંઈ દસ્તાવેજો ઉપલબ્ધ છે, એ દસ્તાવેજોને કોટડા જડોદર સમાજે વ્યવસ્થિત રીતે સાચવી રાખેલ છે, જે આનંદની વાત છે.

150.33.        વાંઢાયમાં પહેલી નાની બોર્ડિંગ: વાંઢાયમાં ક. ક. પા. જ્ઞાતિના બાળકો માટે અતિ નાના પાયા પર, પરંતુ સર્વ પ્રથમ એવી બોર્ડિંગની સ્થાપના કરી. ત્યાર બાદ ગુજરાતમાં વસતા જ્ઞાતિના ભાઈઓએ ધનસુરા મુકામે મોટા પાયા ઉપર બોર્ડિંગની સ્થાપના કરી [71:Page 21].

150.34.         હીરાપુર કંપા અધિવેશન અને ધનસુરામાં પહેલી મોટી બોર્ડિંગ (હોસ્ટલ): દિનાંક 15‑Apr‑1954ના હીરાપુર કંપામાં એક અધિવેશન [60] [6:Page 592] ભરવામાં આવ્યું. એ અધિવેશનમાં સંત ઓધવરામ મહારાજ, રતનશી ખીમજી, શિવદાસ કાનજી, નથુ નાનજી જેવા જ્ઞાતિ સુધારકો પણ હજાર રહ્યા હતા.

આ આધિવેશનમાં 2 મુખ્ય બાબતો પર નિર્ણય લેવામાં આવ્યો;

1.     ગુજરાતમાં કોઈ મધ્ય સ્થાને પાટીદાર સમાજની બોર્ડિંગ (હોસ્ટેલ) બનાવવી.

2.     કચ્છમાં સમસ્ત જ્ઞાતિનું અધિવેશન ભરવું.

આ અધિવેશનમાં સ્વયં હાજર રહેલ વડીલ શ્રી બેચરભાઈ મૂળજીભાઈ ભાવાણી (મોતીસરી કંપાવાળા, ધનસુરા સમાજના 27 વર્ષ સુધી પૂર્વ મંત્રી અને 3 વર્ષ માટે પ્રમુખ) એ અધિવેશન વિષે એક સરસ જાણકારી આપી, જે પ્રકાશિત અહેવાલમાં નથી. એમણે જણાવ્યું કે; અધિવેશનમાં ચર્ચા થઈ કે.. બાળકોને ભણવા માટે શાળાઓ તો છે, પણ રહેવા માટે વ્યવસ્થા નથી. તેથી વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ (હોસ્ટેલ)ની જરૂરત છે. માટે નક્કી થયું કે બોર્ડિંગ બનાવવી. એટલે સંત ઓધવરામ મહારાજ એક પગે ઊભા રહ્યા અને કહ્યું જ્યાં સુધી ઓછામાં ઓછા રૂ. 60,000/- જેટલા ભેગા નહીં થાય, ત્યાં સુધી હું બેસવાનો નથી. લોકોએ પોતપોતાની શક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો. અને જોત જોતાંમાં રૂ.60,175/- જેટલો ફાળો નોંધાઈ ગયો.

 

151.         ધર્મ પરિવર્તન અભિયાનની સફળતાના મુખ્ય મુદ્દાઓ:

151.1.           સકારાત્મક કાર્યશૈલી: રતનશી ખીમજીની ટીમે સકારાત્મક કાર્યશૈલી અપનાવી. આ ટીમને ઉતારી પાડવા અથવા મોહિમને બદનામ કરતા, નકારાત્મક પ્રચારો થયા, પણ તેમ છતાં આ ટીમે આવી નકારાત્મક વાતોનો જવાબ પોતાના સકારાત્મક કાર્યોથી આપ્યો છે. આના કારણે આ મોહિમ ખોટા-બિનજરૂરી વિવાદમાં પડ્યા વગર પોતાના કામમાં લાગી રહી, જેથી એને સફળતા મળી.

151.2.           કઠોર મહેનત: જ્ઞાતિ સુધારનું કામ કરવું કાંઈ સહેલું નથી. સુઝાવો કોઈ પણ આપી શકે છે. પણ એ સુઝાવોનો અમલ કરવો એ વિશાળ હિમાલય પર્વત સમાન, દુનિયા ભરની મુશ્કેલીઓનો સામનો કરવા જેવું છે. કેટલાય માન-અપમાન સહન કરવા પડે. મોટું આર્થિક યોગદાન પણ આપવું પડે. ટૂંકમાં ખૂબ જ કઠિન અને લાંબા ગાળાની મહેનત કરવી પડે. આ મોહિમના આગેવાનોએ મોહિમને સફળ બનાવવા માટે કઠિન મહેનત કરી છે, એ સ્પષ્ટ છે.

151.3.           સુધારાની મશાલ જલતી રાખી: નારાયણ રામજીની મોહિમ ઢીલી પડી ગયા પછી, ડર હતો કે હવે લોકો પાસે પીરાણા સતપંથમાં પાછા વળવા સિવાય કોઈ રસ્તો નથી. તે સમયે સંત ઓધવરામ મહારાજ અને રતનશી ખીમજીની જોડી એ કમાલ કરીને જ્ઞાતિને, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ઇષ્ટદેવ તરીકે આપીને, સનાતન ચળવળ આગળ ધપાવી.

151.4.           ટીમ વર્ક: ભલે શરૂઆતમાં રતનશી ખીમજી અને સંત ઓધવરામ મહારાજ એકલા હતા. પણ એમણે ધીરે ધીરે પોતાની ટીમ ઊભી કરી. એમાં બધાજ પ્રકારના લોકો સામેલ હતા. નથુ નાનજી, રાજારામ શામજી, પરબત લખુ, ખીમજી માસ્તર, ભીમજી કેશરા, શિવદાસ કાનજી, માવજી ધનજી વગેરે ખૂબ બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વો જોડાવાથી આ મોહિમ દીપી ઉઠી.

151.5.           જટિલ શરતો નહોતી: જે સતપંથીઓને સનાતની બનવું હોય, એમને આ મોહિમ વખતે કોઈ જટિલ ક્રિયાઓ કે વિધિઓ કરવાની જરૂરત નહોતી. કોઈ વિશેષ શરત નહોતી. શરત માત્ર એટલી હતી કે સતપંથને સંપૂર્ણ રીતે તિલાંજલી આપીને શુદ્ધ નિષ્ઠા સાથે સાચા હૃદયથી સનાતન ધર્મને સ્વીકારો.

151.6.           વ્યવહારુ ધર્મ-પદ્ધતિ: જ્ઞાતિને ઇષ્ટદેવ તરીકે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આપીને ધર્મની એક એવી પદ્ધતિ આપી કે જે લોકો સમજી શકે અને સહેલાઈથી પાળી પણ શકે. ધર્મ અને આધ્યાત્મના માર્ગ ઉપર પહેલું પગથિયું ભરનાર માણસથી લઈને છેલ્લે પરમાત્મા સુધીની યાત્રામાં બધાજ પ્રકારના લોકો માટે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પરંપરામાં જોઈતું બધુંજ છે.

જો તમને સંસ્કૃતના કઠિન શ્લોકો આવડે તોય ભલે અને ન આવડે તોય ભલે. બધાનું સ્વાગત છે. યજ્ઞ અને કર્મકાંડ કરવો હોય તો પણ અવકાશ છે અને સવાર સાંજ દીવા બત્તી કરવી પણ સર્વોત્તમ છે.

વિધર્મના રાહે ચડી ગયેલી જ્ઞાતિ જ્યારે પાછી સનાતન ધર્મના રાહ પર આવી, ત્યારે તેમની મુશ્કેલીઓ અને જરૂરતોનો બરાબર અભ્યાસ કરીને તેમના આધ્યાત્મિક, સામાજિક, ધાર્મિક એમ સર્વાંગી ઉદ્ધારનો માર્ગ અપનાવ્યો, જેથી જોડાયલા લોકોને આ પરંપરામાં પોતીકું લાગ્યું.

151.7.           ખોટા અભિમાનથી દૂર રહેવું: સુધારક વડીલો હમેશાં એક ભલામણ કરતા કે તમે મિથ્યાભિમાનથી દૂર રહેજો. અમે સુધરેલા છીએ, અમે કહીએ એજ બરાબર, એજ સાચું, અમે તમારાથી ઉચ્ચ (superior) છીએ, તમે નીચલા (inferior) માણસો, આવો ભાવ પોતાની વાણી અને વર્તનમાં ન આવે, એનું ખાસ ધ્યાન રાખજો. ખોટા અભિમાનથી દૂર રહેવાના કારણે સુધારક ભાઈઓ પ્રત્યે લોકોમાં દ્વેષ નિર્માણ ન થયો અને ઊલટો એમને આદર ભાવ નિર્માણ થયો.

151.8.           ઢીલાશની સાથે મક્કમતા: જરૂરિયાત પ્રમાણે, સંજોગો અને પરિસ્થિતિ અનુસાર લચીલા117 નિયમો અપનાવેલ હતા. પણ તેની સાથે મક્કમતા પણ અપનાવેલ હતી. અમુક બાબતોમાં કોઈ ઢીલાશ નહોતી. જેમ કે સતપંથીઓ સાથે કોઈ પણ વ્યવહાર રાખવા પર (ખાવાપીવા સહિત) મનાઈ હતી.

151.9.           જ્ઞાતિના અસ્તિત્વના પાયામાં સર્વાંગી બાબતો: કોઈ પણ નવી જ્ઞાતિ ઊભી થતી હોય, ત્યારે એને ઘણી બધી બાબતોમાં નવેસરથી જ્ઞાતિના અસ્તિત્વનો પાયો નાખવો પડતો હોય છે. જેમ કે સમાજ, ધર્મ, શિક્ષણ, પારિવારિક સહયોગ, આર્થિક મદદ વગેરે. આ મોહિમના આગેવાનોએ જ્ઞાતિ મજબૂત પાયે ઊભી થાય એ માટે સર્વાંગી બાબતોનું ધ્યાન રાખીને મોહિમ ચલાવી હતી.

151.10.         લોકોને જોડવામાં સફળતા: લોકોને મોહિમ સાથે જોડી રાખવામાં સુધારકો સફળ રહ્યા. એના માટે ગામેગામમાં સભાઓ ભરતા, લીધેલ નિર્ણયોની જાહેરમાં ચર્ચા કરતા, કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરતા, સુઝાવો લેતા અને એનો અમલ કરતા. ટૂંકમાં નિર્ણય પ્રક્રિયામાં લોકોને જોડી રાખતા, જેથી નિર્ણયનો સારી રીતે અમલ થતો.

151.11.         આર્થિક પીઠબળ: કોઈ પણ મોહિમ પૈસા વગર ન ચાલે. રતનશી ખીમજી પૈસાવાળા હતા. સાથે-સાથે મોટા મનના પણ હતા. ખૂબ દાન આપતા. મુંબઈમાં એમનો ધિકતા118 ધંધાને, સાવ નોકરોના ભરોસે મૂકી, જ્ઞાતિ સેવાના કામ માટે કચ્છમાં વધારે રહેતા. કચ્છમાં ગામેગામ મંદિરો ઊભાં થાય તે માટે જરૂરત હતી ત્યારે મુંબઈની તેમની સ્થાવર મિલકતો વેચીને (ઘાટકોપર પાટીદાર વાડી પાસે 1 મોટો પ્લોટ, માટુંગામાં મેઇન રોડ એક બંગલો અને ખાલસા કોલેજની બરાબર સામે કોર્નર વાળો બંગલો) પણ જ્ઞાતિને આર્થિક બળ પૂરું પાડ્યું. આજે એ મિલકતોની કિંમત હજારો કરોડો રૂપિયામાં થાત. આવી જ રીતે બીજા દાનવીર હતા ભીમજી કેશરા. કલકત્તાના એ બહુ મોટા આસામી કહેવાતા. એમણે પણ ખૂબ આર્થિક મદદ કરી હતી.

151.12.         સનાતન બાબતે મક્કમ શ્રદ્ધા: લોકોમાં સનાતન ધર્મ ઉપર મક્કમ શ્રદ્ધા બેસાડવામાં સફળ થયા. એવી મક્કમ શ્રદ્ધા કે જેને કોઈ હલાવી ન શકે. વિચાર તો કરો કે આજે પીરાણા સતપંથ વાળા પોતાનો સતપંથ ધર્મ સાચો છે એવું પ્રસ્થાપિત કરવા એડીચોટીનું જોર લગાડી રહ્યા હોવા છતાં, સતપંથીઓ સતપંથ ધર્મને છોડીને સનાતનમાં ભળી રહ્યા છે. સનાતન ધર્મ ઉપર શ્રદ્ધા એટલી મક્કમ છે, કે સતપંથ ધર્મ વાળાઓ પણ પોતાને, માત્ર સતપંથી કરતાં, સનાતન-સતપંથી કહેડાવવામાં વધારે ગૌરવ અનુભવે છે. સતપંથીઓના મનમાંથી સનાતન પ્રત્યેનો પ્રેમ, સતપંથના પ્રચારકો કાઢી શકતા નથી, એ મક્કમ સનાતની મોહિમની જ એક અસર કહેવાય.  

151.13.         અત્યાચારો સામે નીડરતા: આ મોહિમની સફળતા પાછળ એક મુખ્ય કારણ એ છે કે સનાતનીઓને નીડર બનાવી દીધા. પીરાણા સતપંથીઓ એમના ઉપર ગમે તેટલા અત્યાચારો કરે તો પણ સનાતનને કોઈ દિવસ છોડવા તૈયાર થાય નહીં. નહિવત અપવાદના રૂપે અગર કોઈ સતપંથમાં ગયો પણ હોય, તો થોડા જ દિવસોમાં જ્યાં સુધી એ પાછો સનાતનમાં ન આવે ત્યાં સુધી એને શાંતિ મળે નહીં. વડીલો પાસેથી સાંભળવામાં આવ્યું અને જૂના દસ્તાવેજોમાં પણ જોવા મળ્યું છે કે સનાતન ધર્મને દબાવવા અનેક પ્રયત્નો થતા, તેમાંથી અમુક સાદા અને સરળ દાખલાઓ છે;

1)    સનાતનના બંધાતા મંદિરોને રોકવા માટે હેરાનગતિ કરતા. પાયાના ખાડાઓ પૂરી નાખતા, બાંધકામ તોડી નાખતા, હાડકાં-માંસ જેવા અશુદ્ધ પદાર્થો નાખતા, વગેરે [96].

2)    થયેલાં સગપણો અને લગ્નો તોડી નાખતા [85:Page 6].

3)    ગામના કૂવા કે તળાવમાંથી પાણી ભરવા આપતા નહીં.

4)    સનાતનીઓના ઘરે કોઈનું મૃત્યુ થાય, ત્યારે લાશ ઉપાડવા સતપંથી પરિવારજનો સહયોગ આપતા નહીં, એકલો સનાતની શું કરી શકે.

5)    વાડીમાં મજૂરી કામ આપતા નહીં.

6)    જ્ઞાતિ બહાર કરી દેતા.

7)    ચૂલામાં રસોઈ કરતા ત્યારે ચૂલો લગાડવા જરૂર પડે ત્યારે કોલસાના દેવતા પણ આપતા નહીં.

8)    ગામના મોચી, વાળંદ, સુથાર વગેરે ઈતર જ્ઞાતિને પણ સહયોગ ન આપવાનું કહેવામાં આવતું.

9)    નબળા સનાતની પરિવારને દૂધ, છાસ ન આપતા.

10)  લગ્ન કે મરણ જેવા પ્રસંગો વખતે સમાજના સહિયારા વાસણો અને ગાદલાં-ગોદડાં ન આપતા.

11)  સતપંથી બાળકોને સનાતની બાળકો સાથે રમવા ન આપતા. સનાતનીઓને અડવાની (સ્પર્શ કરવાની) મનાઈ હતી.

12)  સનાતનીઓના મેળાવડાઓ કે જાહેર કાર્યક્રમો થાય તેમાં રસોઈ બગાડવાના પ્રયત્નો થતા. ખાવામાં મીઠું નાખી દે, ભાતમાં રેતી નાખી દે, પાણી બંધ કરી નાખે, વીજળી બંધ કરાવી નાખે, વગેરે. આને પહોંચીવળવા, સનાતની વોલંટિયરની ખાસ ટુકડી રાખવામાં આવતી જે ધ્યાન રાખે કે કોઈ કાર્યક્રમ બગાડી શકે નહીં.

ગમે તેવી તકલીફો કે અડચણો પડે, આપણે સનાતન ધર્મ છોડવાના નથી એ વાત લોકોના મનમાં એવી રીત ઘર કરી દેવામાં સફળતા મળી, કે એ મોહિમની સફળતાનું એક મુખ્ય કારણ બન્યું.

152.         કમીઓ અને ખામીઓ:

152.1.           શિક્ષણ: આ મોહિમે શિક્ષણનું કામ હાથમાં લીધું હતું. જ્ઞાતિમાં શિક્ષણનો પાયો સારી રીતે નાખ્યો, પણ આ મુદ્દા ઉપર હજુ ઘણું કામ કરવાનું બાકી રહી ગયું. કચ્છમાં છાત્રાલયોનું પ્લાનિંગ થયું, થોડા પૈસા ભેગા પણ થયા, પણ એ કામ અમલમાં ન લાવી શક્યા.

152.2.           રતનશી ખીમજીની તબિયત બગડી: લગભગ વર્ષ 1955ના અરસામાં રતનશી ખીમજીની શારીરિક તબિયત બગડી. તેમને સંધિવા (arthritis) થવાથી એમની હિલચાલ ઉપર બહુ મોટી રોક લાગી ગઈ. પછી કાયમ માટે પોતાના મુંબઈ ઘરે રહેવા લાગ્યા અને જ્ઞાતિ સેવાના કામમાં નીરસ થઈ ગયા.

152.3.           સંત ઓધવરામ મહારાજનો સ્વર્ગવાસ: સંત ઓધવરામ મહારાજનો દિનાંક 13‑Jan‑1957ના સ્વર્ગવાસ થયો. ત્યાર પછી સંત દયાલદાસ ગાદી પર હતા, પણ જોઈતો પ્રભાવ પાડી ન શક્યા. સંતોનો પ્રભાવ ઓછો થવાના કારણે લોકોમાં જોશ ઓછો થવા લાગ્યો.

સંત ઓધવરામ મહારાજે દિનાંક 22‑Oct‑1956ના વિલ બનાવીને, સરકારમાં રજિસ્ટર કરીને, પોતાની હયાતીમાં જ હરિદ્વાર ખાતે એમણે ઊભો કરેલ કચ્છી લાલરામેશ્વર આશ્રમનો સંપૂર્ણ માલિકી હક્ક ક. ક. પા. જ્ઞાતિના 6 સનાતની આગેવાનોને આપી દીધેલ હતો [92]. પણ કોઈ કારણ સર એ મિલકત સનાતનીઓ સાચવી ન શક્યા. એવીજ રીતે બદ્રીનાથમાં પણ ઓધવરામ મહારાજની “ઓરડી”, મુખ્ય મંદિરના બરાબર સામે છે, જે ધનસુરાના સનાતની આગેવાનોને સુપરત કરી ગયા હતા. એ ઓરડી પણ સનાતનીઓ સાચવી ન શક્યા. જેનું દુઃખ સમસ્ત જ્ઞાતિ જનોને છે.

152.4.           ધાર્મિક કેન્દ્ર: લોકો સનાતની બન્યા પણ ધર્મની બાબતે એક અવાજ થાય, એક સૂત્રે ધર્મના આદેશો નીકળે. ધર્મની બાબતે સતપંથીઓના અત્યાચારોથી સનાતનીઓની રક્ષા કરવા માટે, એના પડખે ઊભા રહી આર્થિક, કાયદાકીય, સરકારી એમ પૂરી મદદ કરવા માટે કાયમી વ્યવસ્થા ઊભી નહોતી કરી શક્યા.

152.5.           સંયુક્ત સમાજો અને સંસ્થાઓ: ગામેગામ સનાતનીઓને સંગઠિત કરવા યુવકમંડળો અને સમાજો ઊભા થયા. પણ એ સંસ્થાઓમાં સતપંથીઓને કોઈ કારણસર, ક્યાંક ક્યાંક રાખવામાં આવ્યા. જે આગળ જતાં કર્તાહર્તાઓ માટે માથાંનો દુઃખાવો બન્યા.

152.6.           નિયમિત દાન આપવાની પ્રથા ન નાખી: મોહિમના આગેવાનોએ પોતે અને એમના દાનવીર મિત્ર વર્તુળથી ઘણા પૈસાઓ અપાવ્યા. પણ સનાતનીઓમાં એવી પ્રથા ન દાખલ કરી શક્યા કે દરેક ઘર-ઘરથી લોકો દર વર્ષે નિયમિત રીતે, પોતાની અંગત જવાબદારી સમજીને, યથા શક્તિ દાન આપતા રહે. સનાતન સમાજમાં એટલી છૂટ થઈ ગઈ કે લોકો દાન આપવાની પોતાની ફરજ પણ ભૂલવા લાગ્યા.

152.7.           છૂટનો ગેરલાભ: સનાતનીઓ (જેઓએ દેહ-શુદ્ધિ ન કરાવી હોય) એમની સાથે ખાવા પીવાની છૂટનો ગલત મતલબ કાઢી સતપંથીઓ સાથે ખાવા પીવાની છૂટ છે એવું લોકોએ માની લીધું. જેની મોહિમ પર થોડી ખોટી અસર પણ થઈ.

152.8.           વધુ પડતી છૂટછાટ: પીરાણા સતપંથના દમનકારી અને અત્યાચારી નિયમો અને કાયદાઓથી ત્રાસેલી અને આઝાદી મેળવવા માટે તડપતી જ્ઞાતિને, સનાતન સમાજમાં ખુલ્લી છૂટ મળી અને તેઓ ખૂબ ખુશ થયા. પણ આ આઝાદીએ લોકોને વધુ પડતી છૂટ આપી દીધી. ધર્મ પ્રત્યે લોકો ઉદાસીન થવા લાગ્યા. ધર્મ બાબતે કોઈની પકડ હોવી જરૂરી હોય.

153.         ઉપસંહાર / Conclusion: રતનશી ખીમજી અને સંત ઓધવરામ મહારાજની જોડીએ અકલ્પનીય કામ કર્યું. જ્ઞાતિની અંદર રહીને જ્ઞાતિનું ધર્મ પરિવર્તન કર્યું, જ્ઞાતિને પીરાણા સતપંથથી છોડાવીને સનાતની હિન્દુ બનાવી. એમને કરેલ કાર્યોને ટૂંકમાં જોઈએ તો;

1)    ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણ: ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને ઇષ્ટદેવ આપીને હિન્દુ ધર્મના મૂળ સાથે જ્ઞાતિને જોડી.

2)    સમાજ વ્યવસ્થા: એટલુંજ નહીં સનાતનીઓને સંગઠિત કરવા માટે સમાજ વ્યવસ્થા ઊભી કરી. સનાતનીઓની કેન્દ્રીય સમાજ ઊભી કરી.

3)    પીરાણાની સત્તા તોડી: સમાજ અને યુવકમંડળ વ્યવસ્થા ઊભી કરીને ગેઢેરાઓની જુલ્મી સત્તા પર અંકુશ લાવ્યા. જેના પરિણામે પીરાણા સતપંથની સત્તા પણ ગઈ.

4)    ક્ષત્રિય કુળની ઓળખ: ઉમિયા માતાજી વાંઢાયનું મંદિર ઊભું કરાવીને જ્ઞાતિનો ઊંઝાના કડવા પાટીદારો સાથે કાયમી સંપર્ક સેતુ બાંધ્યો. અને પોતાના ક્ષત્રિય કુળની ઓળખ કરાવી. જેથી અન્ય હિન્દુ જ્ઞાતિ એને સહેલાઈથી સ્વીકારી શકે.

5)    શિક્ષણ: શિક્ષણ ક્ષેત્રે પણ બોર્ડિંગ (હોસ્ટેલ)ની શરૂઆત વાંઢાય અને ધનસુરામાં કરાવી.

6)    આર્થિક ઉન્નતિ: દશોંદ જેવા ફરજિયાત ધાર્મિક કરો અને લાગાઓથી પાયમાલ જ્ઞાતિને આર્થિક શોષણથી મુક્ત કરાવીને જ્ઞાતિની આર્થિક ઉન્નતિનો રસ્તો મોકળો કર્યો.

7)    જ્ઞાતિ ગૌરવ: જ્ઞાતિના રીત-રિવાજો લાવીને, લોકોને એક તાંતણે બાંધ્યા. સમાજ વ્યવસ્થા અને પરિવાર, કુટુંબ વ્યવસ્થા મજબૂત કરી. અસ્તવ્યસ્ત રીત-રિવાજોના કારણે, જ્ઞાતિ તૂટીને જ્યાં-ત્યાં ભટકી ન જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. લોકોમાં જ્ઞાતિ ગૌરવ ઊભું કર્યું.

8)    કાયમી ધર્મ પરિવર્તન: ધર્મ પરિવર્તન ટકી રહે એવી વ્યવસ્થા ગોઠવી.

154.         વિચારધારાના વિનાશના” ક્ષેત્રોમાં ક્યાં ક્યાં સુધારાઓ થયા એ જોઈશું (ટૂંકમાં):

154.1.         ધર્મ: જ્ઞાતિનું ધર્મ પરિવર્તન કરાવી પાછા સનાતન હિન્દુ ધર્મ સાથે જ્ઞાતિને જોડવામાં સફળતા મળી. ભલે બધા લોકોએ સતપંથ છોડ્યો નહીં, પણ જે પ્રવાહ શરૂ થયો એ એટલો જબરદસ્ત હતો કે બાકીના લોકોને પણ એક દિવસ જોડાવવું જ પડે એવું થયું.

154.2.         શિક્ષા: શિક્ષણ ઉપર સારી એવી પ્રગતિ કરવામાં આવી. બોર્ડિંગ (હોસ્ટેલ) શરૂ થઈ અને જ્ઞાતિમાં એવું વાતાવરણ ઊભું થઈ ગયું કે બાળકોને ગમેતેમ કરીને ભણાવો, એના વગર નહીં ચાલે.

154.3.         સામાજિક જીવન: ધર્મ પરિવર્તન થવાથી સામાજિક જીવનમાં બહુ મોટી અસર દેખાવવા લાગી. ઈમામશાહ અને સતપંથના શાસ્ત્રોને કાઢી નાખવાથી જ્ઞાતિ જનોના સામાજિક વ્યવહારો હિન્દુ જેવા થવા લાગ્યા અને તેમાં ગૌરવ પણ અનુભવવા લાગ્યા. અન્ય હિન્દુ સમાજો પણ કણબીઓને હિન્દુ તરીકે જોવા અને સ્વીકારવા લાગ્યા.

154.4.         સત્તાનું માળખું: લોકતાંત્રિક પદ્ધતિ યુક્ત સમાજ વ્યવસ્થા દાખલ થવાથી ગેઢેરાઓની કમર તૂટી. જેથી કરીને જ્ઞાતિમાં ગેઢેરાઓની લગભગ સંપૂર્ણ સત્તા જતી રહી. અને લોકોના હાથમાં સત્તા આવી ગઈ.

154.5.         કાયદો અને વ્યવસ્થા: જેમ ગેઢેરાઓની સત્તા ગઈ, તેમ સમાજના આંતરિક કાયદા અને વ્યવસ્થા પણ સમાજના હાથમાં આવી ગઈ. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે સત્તાનો દુરુપયોગ કરી શકતો નહોતો.

154.6.         નેતૃત્વ: શરૂઆતમાં જ્ઞાતિ સુધારકોના હાથમાં નેતૃત્વ હતું. ધીરે ધીરે નેતૃત્વ સમાજ વ્યવસ્થાના કારણે લોકતાંત્રિક પદ્ધતિથી લોકો પસંદ કરે એવા વ્યક્તિઓના હાથમાં આવ્યું.

154.7.         આર્થિક: દર વર્ષે પીરાણા મોકલવામાં આવતા દશોંદ અને લાગાઓના પૈસા ઉપર રોક લાગી ગઈ. એટલે સનાતન સમાજનું આર્થિક શોષણ બંધ થઈ ગયું. હવે લોકો પોતાની મરજીથી ફાળાઓ અને દાન ભેગું કરીને સ્વઉન્નતિ માટે એ રકમ વાપરવા લાગ્યા.

154.8.         મીડિયા: સમાજના આંતરિક મીડિયા આ તબક્કે ખાસ ઊભો થયો નહતો. પણ સંદેશની આપલે અને સમાજના સમાચારોની આપલે સારી પેઠે થવા લાગી હતી. પણ આ ક્ષેત્રે હજી ઘણું કામ બાકી છે.

154.9.         કહેવાતા ઉદ્ધારકો: સંવત 1832ના ઠરાવોના માધ્યમથી જ્ઞાતિમાં ઉદ્ધારક પ્રસ્થાપિત થયેલ પીરાણાના ગાદીપતિ કાકા અને સૈયદોને સનાતની સમાજમાં સંપૂર્ણ રીતે બહાર કાઢી નાખવામાં આવ્યા હતા.

154.10.       સુધારાઓના ક્ષેત્રો: રતનશી ખીમજી ખેતાણીની મોહિની સતપંથના પ્રચારકોની “વિચારધારાના વિનાશ”ની મેલી મુરાદ ઉપર કેવી વિપરીત અસર પડી, એ નીચે જણાવેલ ટેબલમાં જોઈશું.

ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ

Ideological Subversion / વિચારધારા વિનાશ

સુધારો*

કેશરા

સુધારો*

NRL

સુધારો*

RKK

 

1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો

પ્રગતિમાં

પ્રગતિમાં

પૂર્ણ

 
 

1.1. Religion / ધર્મ

વિદ્રોહ

જાગૃતિ

ધર્મ પરિવર્તન

 
 

1.2. Education / શિક્ષાકેળવણી

શરૂ

ઘણું

 
 

1.3. Social Life / સામાજિક જીવન

થોડું

શરૂ

પૂર્ણ

 
 

1.4. Power Structure / સત્તાનું માળખું

થોડું

શરૂ

પૂર્ણ

 
 

1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા

થોડું

શરૂ

ઘણું

 
 

1.6. Leadership / નેતૃત્વ

ઘણું

પૂર્ણ

 

2. Destabilisation / અસ્થિરતા લાવતી

પ્રગતિમાં

પ્રગતિમાં

 
 

2.1. Finance / આર્થિક

સારા પ્રમાણમાં

પૂર્ણ

 
 

2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા

થોડું

શરૂ

ઘણું

 
 

2.3. Media / મીડિયા

ઠંડુ

શરૂ

 

3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું 

 
 

3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો

સુધારો

ઘણું

પૂર્ણ

 
 

 • અંદરની વ્યક્તિ

 

 

 

 
 

 • બહારની વ્યક્તિ

 

 

 

 

4.  Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી

બાકી

બાકી

મામૂલી શરૂઆત

 
 

4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં

બાકી

બાકી

મામૂલી શરૂઆત

 

 

 

 

 

 

 

* થયેલ સુધારાઓનું સ્તર

કેશરા = કેશરા પરમેશ્વરાનો દોર

NRL = નારાયણ રામજી લીંબાણીનો દોર

RKK = રતનશી ખીમજી ખેતાણીનો દોર

 

“ મોટા ભાગે ઘરવાપસી થઈ ”

|| જય લક્ષ્મીનારાયણ ||

 


110 કંપા = અંગ્રેજી શબ્દ કેમ્પ (Camp)નું અપભ્રંશ.

111 સંધિવા = Arthritis

112 દેરું = દેવગૃહ, દેવમંદિર, દેવાલય

113 સાણસા = Plier, મુશ્કેલીમાં ભિડાયલું.

114 ધીકતો ધંધો = સારી પેઠે ચાલતો-આબાદ ધંધો

115 અણધારી = અનપેક્ષિત = ધારેલ ના હોય = unfactored

116 રજિસ્ટર – વર્ષ 1960માં નખત્રાણાનું છાત્રાલય બન્યું, પણ સમાજને 1965માં ટ્રસ્ટ કાયદા હેઠળ રજિસ્ટર કરવામાં આવી.

117 લચીલા = flexible

118 ધિકતા = flourishing

Leave a Reply

Share this:

Like this: