Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
142. ભૂમિકા: કેશરા બાપા પછી સનાતન ધર્મની મોહિમ સ્થગિત થઈ ગઈ હતી. નારાયણ રામજી લીંબાણી100 (નારાયણ બાપા) એ એમની ભરયુવાનીના દિવસોમાં સનાતન ધર્મ જાગૃતિની મશાલ નવેસરથી જગાડી અને જ્ઞાતિના જન-મન સુધી સનાતન ધર્મ જાગૃતિના અજવાળાં પહોંચાડ્યાં.
માત્ર 19 વર્ષની કાચી ઉમરે વર્ષ 1902માં માયાનગરી મુંબઈમાં પોતાનું ભાગ્ય અજમાવવા માટે આવ્યા. ત્યાં નારાયણ બાપા સાથે બનેલ એક ઘટનાથી એમના જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું. વિદ્વાન પંડિતોના હાથે પહેલાં પોતાની દેહશુદ્ધિ કરાવીને પછી અધોગતિમાં પડેલી મા સમાન જ્ઞાતિને દુઃખ અને પીડાઓથી મુક્ત કરવા, પીરાણા સતપંથ સામે રણશિંગું ફૂંક્યું. માત્ર ધોરણ પાંચ101 સુધી ભણેલા હોવા છતાં, એમને જાગૃતિનું એવું જોરદાર વાવાઝોડું ચલાવ્યું કે, એમના પ્રયત્નોની કદર રૂપે એમને “જ્ઞાતિના આધ્ય સુધારક” કહેવામાં આવ્યા.
આ લેખમાં આપણે નારાયણ બાપાનું વ્યક્તિત્વ, એમને ઉપાડેલ અભિયાન, કરેલ મુશ્કેલીઓનો સામનો, મળેલ સફળતા અને એમના જીવનના ઉતાર ચડાવ ઉપર નજર નાખીશું. અને સાથે-સાથે એમના નેતૃત્વમાં ચાલેલ અભિયાનનો સતપંથના પ્રચારકોની “વિચારધારાના વિનાશ”ની રણનીતિ ઉપર કેવી અસર પડી, એનું અવલોકન પણ કરતા રહીશું.
143. સ્ત્રોત: નારાયણ બાપાના કાર્યો વિષે ઘણા દસ્તાવેજો જોવા મળે છે. જેમ કે પરિષદોના અહેવાલો, જાહેર મિટિંગના રિપોર્ટસ્, પૅમ્ફલેટસ્, નાની મોટી પુસ્તિકાઓ વગેરે, જેમાં એ અડગ મનનાં માનવીના વ્યક્તિત્વના દર્શન થાય છે. તેમના જન્મથી લઈને સ્વર્ગવાસ સુધીની નાની-મોટી માહિતીઓ ઘણા પુસ્તકોમાં છે. રસિક વાચકો એને મેળવી શકે છે. જ્ઞાતિ સુધારના ભગીરથ કામમાં નારાયણ રામજીનું કેવું યોગદાન હતું એ આપણે જોઈશું. એના માટે, આ દસ્તાવેજો ઉપરાંત, નીચે જણાવેલ પુસ્તકોનો મુખ્ય આધાર લેવામાં આવ્યો છે.
1. પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ [88]
2. કર્તવ્ય પંથે [148]
3. કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ [4:Page 85 to 100]
આ લેખમાં નારાયણ બાપાના જીવનના માત્ર મહત્વના પ્રસંગો અને એનું ટૂંકમાં અવલોકન કરવામાં આવ્યું છે. વિસ્તૃત જાણકારી માટે મૂળ દસ્તાવેજો વાંચવા વિનંતી. એમાંથી ઘણા દસ્તાવેજોની ઓનલાઈન લિન્ક આ પુસ્તકના અંતિમ ભાગમાં જણાવેલ “Bibliography / સંદર્ભ સૂચિ” પ્રકરણમાં આપેલ છે. |
144. અભિયાનની મહત્વપૂર્ણ ઘટનાઓ: નારાયણ બાપાએ ઉપાડેલ સનાતન ધર્મ જાગૃતિની મોહિમમાં તેમની સાથે થયેલ મહત્વની ઘટનાઓને વિષે ટૂંકમાં આપણે નીચે જોઈશું.
144.1. નારાયણ બાપાને મનમાં લાગી આવ્યું: મુંબઈ-વડગાદીમાં એક ભાઈ, શેઠ કેશવજી દામજીના મકાનના કામ માટે નારાયણ બાપાની ભલામણ કરવા કચ્છી ભાઈ શ્રીયુત ગોપાલભાઈએ હસીમજાકમાં કહેલ શબ્દો નારાયણ બાપાને હાડોહાડ102 લાગી ગયાં. એ શબ્દો હતા (કચ્છી ભાષામાં);
“ઈ ડીસાજેતા હિન્દુ જેડા, પણ ધરમમેં તાં ઈ વડા કાફર આઈ – ન ઈ હિન્દુ ને ન ઈ મુસલમાન. ઈનીજેમેં મરે તડેં દટજે, અને પઈણે તડેં ધુવા પેન !”
ગુજરાતી ભાષાંતર: “એ દેખાય છે હિન્દુ જેવા પણ ધર્મમાં તો એ બહુ કાફર છે – ન એ હિન્દુ ને ન એ મુસલમાન. એ લોકોમાં મરે ત્યારે દફનાવે અને પરણે ત્યારે દુઆ પઢે.“
આ સાંભળીને નારાયણ બાપાને થયું કે.. “અમે કડવા પાટીદાર કણબીઓ શ્રી રામચંદ્રજીના પ્રતાપી વંશના ક્ષત્રિઓ છીએ. છતાં આ લોકો અમારી આટલી બધી નિંદા તે શા માટે કરતા હશે?” એ દિવસથી નારાયણ બાપાને સત્ય શોધવાની બહુજ ચપટી લાગી [88:Page 16].
144.2. રામેશ્વર મહારાજનું માર્ગદર્શન: રાજકોટ નજીક ઢોલરા ગામના મૂળ વતની શ્રી રામેશ્વર મોરારજીના સહવાસથી વૈદિક સંસ્કારો મળ્યા. સતપંથના ગુપ્ત ભેદ ભરમોની જાણ પણ, પૂજ્ય રામેશ્વરજીના માધ્યમથી થઈ [88:Nivedan].
144.3. હિન્દુ ધર્મનું જ્ઞાન લીધું: પીરાણા સતપંથને જાણવા માટે તેનું સાહિત્ય બારીકાઈથી વાંચવા લાગ્યા. ફુરસદ મેળવી માધવબાગ, આર્યસમાજ મંદિર તેમજ હીરાબાગ જેવાં મુંબઈનાં જાહેર સભાસ્થળોમાં, જ્યાં-જ્યાં ધાર્મિક વ્યાખ્યાનો થતાં હોય, તેમજ જ્યાં-જ્યાં પ્રખ્યાત વક્તાઓના ધર્મવિચારો જાણવાના પ્રસંગ મળતા હોય, ત્યાં-ત્યાં નારાયણ બાપા તેનો નિયમિત લાભ લેતા [88:Page 17].
કચ્છમાં આવી હિન્દુ ધર્મસભાનો લાભ લેવો અશક્ય હતું કારણ કે આવું કરનારને દંડ પડતો. જુઓ ફૂટનોટ (Footnote) ક્રમ 68. |
144.4. દેહશુદ્ધિ: નાશિકની બાજુમાં આવેલ ત્રયંબકેશ્વરના તીર્થ સ્થાને, ગોદાવરી નદીના કિનારે, વિક્રમ સંવત (VSAK) 1964 જેઠ સુદ 5, ગુરુવાર, દિનાંક 04‑Jun‑1908ના દિને, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી નારાયણ બાપા અને એમના બીજા 6 મિત્રો (એમ કૂલ 7 મિત્રો)એ, દેહશુદ્ધિ-પ્રાયશ્ચિત કરાવીને જનોઈ ધારણ કરી [88:Page 21].
144.5. સ્વધર્મવર્ધક અને જ્ઞાતિ હિતચિંતક મંડળ: નાશિકથી દેહશુદ્ધિ કરાવ્યા પછી તરતજ “સ્વધર્મવર્ધક અને જ્ઞાતિહિતચિંતક મંડળ103”ની સ્થાપના કરવામાં આવી, જેમાં ફક્ત દેહશુદ્ધિ કરાવનાર વ્યક્તિ જ સભ્ય બની શકે [88:Page 21].
144.6. સગાં-સંબંધી-મિત્રોને જ્ઞાતિ બહાર મૂક્યા: દેહશુદ્ધિ કરાવી એટલે જ્યાં-જ્યાં નારાયણ બાપા અને એમના મિત્રોના સગાંસંબંધીઓ હતાં, ત્યાં-ત્યાં ફરમાનો મોકલી, એમના બધા પરિવાર – કુટુંબીઓ – પિતૃપક્ષી – માતૃપક્ષી, બંધુવર્ગ, સ્નેહીવર્ગ અને એમની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ-સંસર્ગ રાખનારા સહુ કોઈને, એક સપાટે જ્ઞાતિ બહાર કરી દેવાનો હુકુમ પીરાણા સતપંથના એજંટો એવા ગેઢેરાઓએ બહાર પાડ્યો [88:Page 22].
144.7. ત્રાસ આપવામાં આવ્યા: તેના કારણે તેમના ઉપર અણધારી આફતનો પહાડ તૂટી પડ્યો. તેમણે અસહ્ય ત્રાસ આપવા અને સતાવવામાં કશી પણ બાકી રાખી નહીં. તેમની સાથેનો સઘળો સંબંધ વ્યવહાર આખી જ્ઞાતિમાં બંધ કરાવ્યો. માંદે-સાજે, મરણ-પરણમાં, કોઈ પણ સારે-માઠે પ્રસંગે, કોઈ જ્ઞાતિભાઈ સગાં-કુટુંબીઓને ત્યાં આવી ન શકે, તેમને પોતાને ત્યાં બોલાવી ન શકે. એટલે સુધી કે એક-બીજાનાં પાણીનો છાંટો પણ બંને પક્ષને હરામ થઈ ગયો [88:Page 22].
144.8. સંબંધો તોડાવ્યા: મા-બાપ પોતાના સંતાનો સાથે કશો સંબંધ રાખી ન શકે. પત્ની પોતાના પતિ સાથે રહી ન શકે. કાકા, મામા, સાળા-બનેવીઓના પણ સંબંધો તોડાવ્યા. બધાજ પ્રકારના જ્ઞાતિ સાથે સંબંધો તોડી નાખી અલગ થવાનો સમય આવી ગયો. સગપણ – વિવાહ જેવા ગંભીર સંબંધો તોડી નાખવાના ભયંકર પ્રસંગો બનવા લાગ્યા. છતાં આ લોકો પોતાના મકસદમાં અચલ રહ્યા [88:Page 22].
144.9. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાથ મળ્યો: વિક્રમ સંવત (VSAK) 1967ના ફાગણ વદ 5, દિનાંક 19‑Mar‑1911ના દિને ક. ક. પા. જ્ઞાતિના બધાજ સ્વામિનારાયણ સંપ્રદાય વાળાઓએ દેહશુદ્ધિ કરાવી. તેમની સંખ્યા 1000 થી 1200 જેટલી હતી [88:Page 26].
144.10. સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર દબાણ – સગપણ અને સંબંધો અટકાવ્યા: પીરાણા સતપંથના ભાઈઓએ આખી જ્ઞાતિના આગેવાનો ભેગા કર્યા અને સત્સંગી104 સમુદાયના બધા સંબંધો અટકાવવાનો ઠરાવ કર્યો. કારણ કે તેઓએ શુદ્ધિવાળા105 ભાઈઓ સાથે ભળ્યા હતા. તે ગુના માટે દરેક સગપણો અને સંબંધો અટકાવીને તેઓને હેરાન કરવા લાગ્યા [148:Page 35]. વિવાદ વધ્યો ત્યારે વિક્રમ સંવત (VSK) 1968 પ્રથમ અષાઢ સુદ 13 અને ગુરુવાર, દિનાંક 27‑Jun‑1912ના બંને જ્ઞાતિ106 વચ્ચે સમાધાન કરાર કરવામાં આવ્યો. તે કરાર પ્રમાણે દીકરીઓ પોતપોતાના સાસરે જવાનું રહેશે અને દીકરીઓને પોતાના માવતરે ખવાપીવાની છૂટ રહેશે. બીજા ઉપર ખાવાપીવાનો વ્યવહાર રાખવાનો દબાણ રાખવું નહીં [148:Page 36 to 48].
144.11. પોતે કોણ છે? એની શોધ: પોતાના પૂર્વજો કોણ હતા અને કઈ જ્ઞાતિના હતા, તેની શોધખોળ કરી. મહા મહેનતે અમદાવાદ બારોટ-વહીવંચાનો પત્તો લગાડ્યો. અને બારોટ રામસંગ ડોલજી સાથે મુલાકાત થઈ અને એમના પાસે સંવત 1832ના ઠરાવની નકલ મળી આવી. તેથી પૂરે પૂરી ખાતરી થઈ કે અસલમાં પોતાની જ્ઞાતિ કડવા પાટીદાર છે. ત્યાર પછી ગુજરાતના સમસ્ત કડવા પાટીદારો સાથે સંબંધ જોડવાના પ્રયત્નો કરવા લાગ્યા [148:Page 50].
144.12. ગુજરાતના કડવા પાટીદાર ભાઈઓનો સાથ: નારાયણ બાપાને ગુજરાતના કડવા પાટીદાર ભાઈઓના મોટા નેતાઓનો પણ સાથ મળ્યો [88:Page 28]. તેમાં ઊંઝાના સુપ્રસિદ્ધ જ્ઞાતિના આગેવાન શ્રી પુરષોત્તમ લલ્લુભાઈ પરીખનું નામ મોખરે છે, જેમની સાથે તેમનો અંગત પરિચય થયો.
144.13. ગુજરાતના કડવા પાટીદાર પરિષદની દરેક બેઠકમાં હાજરી: ગુજરાતની સમસ્ત જ્ઞાતિમાં સામાજિક સુધારાનું કામ કરનારા, સંસ્કારી, ઉચ્ચ કોટિના વિદ્વાન સાથે મુલાકાત થવા લાગી. તેમનો પરિચય કડવા પાટીદાર પરિષદના આગેવાનો સાથે થયો. ગુજરાતની કડવા પાટીદાર પરિષદની તમામ બેઠકોમાં હાજરી આપી. વર્ષ 1911 માં વડોદરા ખાતે ભરાયેલી 2જી પરિષદ થી લઈને વર્ષ 1925માં કડીમાં ભરાયેલી 11મી પરિષદ સુધી તમામ પરિષદોમાં તેમણે, વ્યવથાપક મંડળના મેમ્બર થઈને આગળ પડતો ભાગ લીધો. હાલના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ નીમાળ માળવામાં, કૂવા નામના ગામે યોજાયેલ વર્ષ 1917ના પેટા વિભાગ પરિષદના તેઓ પ્રમુખ બન્યા હતા [148:Page 51 to 53].
144.14. કચ્છ કડવા પાટીદાર યુવક મંડળની સ્થાપના: સતપંથના ભાઈઓ સાથે ઉઠવા-બેસવા, ચર્ચા કરવા એક ઉપાયના રૂપે “કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ” (યુવક મંડળ)ની સ્થાપના વર્ષ 1918માં કરવામાં આવી. આમાં કોઈ પણ ક. ક. પા. જ્ઞાતિનો વ્યક્તિ, પછી ભલે દેહશુદ્ધિ ન પણ કરાવી હોય તો પણ સભ્ય બની શકતો હતો [88:Page 30].
144.15. રતનશી ખીમજી ખેતાણીનો સાથ: યુવક મંડળના આરંભ કાળથી જ ઘણી સંગીન સેવા, નારાયણ રામજીનો જમણો હાથ ગણાતા શ્રી રતનશીભાઈ ખીમજી ખેતાણીએ ભજવી. જેના થકી સતપંથના ભાઈઓને સમજાવી ધીરે ધીરે સુધારના માર્ગ ઉપર લઈ આવી શકાય [88:Page 31]. રતનશીભાઈ એક “વીર જ્ઞાતિ સેવક” હતા [88:Page 44]. એ વિષે આગળના પ્રકરણમાં વધુ જાણકારી આપેલ છે.
144.16. કરાચી, વિરાણી મોટી અને નખત્રાણામાં યુવક મંડળોની સ્થાપના: મુંબઈ યુવક મંડળના પગલે-પગલે કરાચી, વિરાણી મોટી અને નખત્રાણામાં પણ યુવક મંડળોની સ્થાપના થઈ [88:Page 32,33]. આ યુવક મંડળોએ જ્ઞાતિ સુધારની જબરદસ્ત મોહિમ ચલાવી. જેથી સતપંથ ધર્મ બાબતે આખી જ્ઞાતિ જાગૃત થઈ ગઈ.
144.17. પ્રથમ જ્ઞાતિ પરિષદ: સતપંથમાંથી જ્ઞાતિને છોડાવવા માટે, કરાચી ખાતે દિનાંક 08 થી 11‑Aug‑1920 સુધી પહેલી જ્ઞાતિ પરિષદ ભરવામાં આવી. જેમાં જ્ઞાતિ સુધારનું કામ થોડા પ્રમાણમાં આગળ વધ્યું [88:Page 34].
નારી શક્તિનો ખરો પરિચય પહેલાં જ્ઞાતિ પરિષદના પ્રમુખ કોને બનાવવા એનો મોટો પ્રશ્ન ઊભો થયો. ત્યારે નારાયણ રામજીનું ધ્યાન રાજારામ શામજી ધોળુ ઉપર ગયું. પણ રાજારામ બાપાએ ઘસીને ના પાડી દીધી. રાજારામ બાપાની આર્થિક સ્થિતિ ખૂબજ મજબૂત હતી. જુલ્મી ગેઢેરાઓ પણ એમનું કંઈ ખાસ બગાડી શકવાની પરિસ્થિતિમાં નહોતા. માટે જ્ઞાતિજનો ઉપર પ્રભાવ પાડવા માટે એમનું પ્રમુખપદ લેવું જરૂરી હતું. પણ એમને પ્રમુખ બનવાની ઘસીને ના પાડી દીધી એટલે સમસ્ત ટીમ બહુજ નિરાશ અને નારાજ થઈ. ત્યારે નારાયણ રામજીએ એક સરસ યુક્તિ શોધી કાઢી. છેલ્લી કોશિષના ભાગરૂપે રાજારામભાઈના ધર્મપત્ની ધનલક્ષ્મીબેનને મળ્યા અને જ્ઞાતિ સુધારની એમની લાગણી સમજાવી અને લાયક પ્રમુખના અભાવે આવું રૂડું કામ અટકી રહ્યું છે, એ જણાવ્યું. ત્યાર બાદ ધનલક્ષ્મીબેનનો અને રાજારામભાઈનો સંવાદ બહુજ મહત્વનો છે. ધનલક્ષ્મીબ્હેનને સ્મરણાંજલિ [82:Page 38 onwards] નામના પુસ્તકના પેજ 38થી આગળ, લેખક નારાયણ રામજી લીંબાણીએ આ સંવાદને ખૂબ સારી રીતે વર્ણવેલ છે. જ્ઞાતિ સેવાનું કામ કરનાર કાર્યકર્તાને મુંઝવતા તમામ મુદ્દાઓના ઉકેલો ધનલક્ષ્મીબેન આપે છે. એટલુંજ નહીં મવાળોના કામો માટે “દૂધ -દહીં”ની ઉપમા વાપરીને મવાળવાદી વિચારોથી પરે થઈને જ્ઞાતિ સેવાના ભગીરથ કાર્યમાં ઝંપલાવવું જોઈએ એવી મક્કમ વાતો કરી રાજારામભાઈને જ્ઞાતિ સેવા માટે જે રીતે તૈયાર કરે છે, એ ખૂબજ પ્રેરણાદાયી છે અને જ્ઞાતિની નારી શક્તિ ઉપર ગૌરવ થાય એવી આ ઘટના છે. જુઓ એ પુસ્તકનું પેજ 44. ધનલક્ષ્મીબેનની માર્મિક વાતો અને જબરદસ્ત તર્કોનો જવાબ રાજારામભાઈ પાસે નહોતો. તેઓ માની ગયા જેથી રાજારામભાઈના પ્રમુખ પદે ઇતિહાસમાં જ્ઞાતિ સુધારની પહેલી પરિષદ ભરાણી. |
144.18. વૈદિક વિધિથી લગ્નો શરૂ થયાં: વર્ષ 1921માં જ્ઞાતિમાં પ્રથમ વખત સંવત 1832ના ઠરાવ પછી, ઇસ્લામી દુઆઓના બદલે, વૈદિક વિધિથી લગભગ 1200 લગ્નો કરવામાં આવ્યા [88:Page 41]. સંવત 1832ના ઠરાવ પછી બંધ પડેલા હિન્દુ વૈદિક વિધિ પ્રમાણેના લગ્નો ફરીથી શરૂ થયાં.
144.19. બીજી જ્ઞાતિ પરિષદ: જ્ઞાતિની બીજી પરિષદ, પણ કરાચી ખાતે દિનાંક 07 થી 09‑Oct‑1922 સુધી ભરવામાં આવી. એ પરિષદમાં પીરાણા સતપંથનું કાળું કલંક ધોઈ નાખવા માટે, ગેઢેરાઓની ગુલામીમાંથી મુક્ત થવા માટે, હૃદયભેદક ગગનધેરા ગંભીર ઘોષણા કરી. અને એ બાબતે ઠરાવો કર્યા [88:Page 43]. આ પરિષદમાં નારાયણ રામજીએ સતપંથના દશાવતાર ગ્રંથના ગપગોળાઓ અને બનાવટ ઉપર બહુજ અસરદાર ભાષણ કર્યું [114:Page 58] [6:Page 207]. જેની જનતા પર ખૂબ સારી અને કાયમી અસર પડી કે લોકોને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે સતપંથ મુસલમાન ધર્મ છે અને ખાસ હિન્દુઓને વટલાવવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
144.20. ત્રીજી જ્ઞાતિ પરિષદ: બીજી બેઠકની સફળતા બાદ, પીરાણા સતપંથ થી જ્ઞાતિને મુક્ત કરવા માટે, દિનાંક 18 થી 21‑Apr‑1924 સુધી ઘાટકોપર – મુંબઈ ખાતે ત્રીજી પરિષદ ભરવામાં આવી. આ પરિષદમાં, સનાતનીઓ સાથે બેઠેલા મવાળો, દ્વારા, પીરાણા સતપંથના વિરોધનો મુખ્ય ઠરાવને નિષ્ફળ બનાવવાના માટે ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા. પણ ઘણા આગેવાનો અને અન્ય જ્ઞાતિથી આવેલા મહેમાનોના અસરકારક પ્રવચનો થકી પરિષદને સફળ બનાવી [88:Page 53].
144.21. જાગૃતિ: કચ્છ દયાપર ગામના લોકોએ દેહશુદ્ધિ કરાવીને નારાયણ બાપાને સાથ આપ્યો [88:Page 45 to 49]. તેવીજ રીતે કચ્છ પાનેલી ગામની બહેનોએ પણ ખાસ આગેવાની લઈને નારાયણ બાપા સાથે જોડાયા. તેમાંય ખાસ કંકુબાઈનો કિસ્સો ખુબજ પ્રેરણાદાયી અને ગૌરવ આપનારો રહ્યો [88:Page 51]. તેવીજ રીતે મુંબઈ-ઘાટકોપરમાં પણ અનેક લોકોએ દેહશુદ્ધિ કરાવી [88:Page 50]. થોડા સમયમાં કરાચી અને રવાપર ગામના લોકો પણ જોડાયા [148:Page 74, 98]. આવી રીતે સેંકડો લોકોએ દેહશુદ્ધિ કરાવી [85:Page 22] [99:Page 15].
144.22. સભાઓ અને મિટિંગો: નારાયણ રામજીના નેતૃત્વ હેઠળ સનાતન ધર્મ જાગૃતિ મોહિમ માટે ઘણી સભાઓ અને મિટિંગો થઈ. તેમાંથી અમુક સભાઓ અને મિટિંગોના અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય છે;
ક્ર. | સભા / મિટિંગ | સંદર્ભ | |
1) | ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -1લી -કરાચી, 08 to 11-Aug-1920 | ||
2) | ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -2જી -કરાચી, 07 to 09-Oct-1922 | ||
3) | ક. ક. પા. જ્ઞાતિ પરિષદ -3જી -ઘાટકોપર, 18 to 22-Apr-1924 | ||
4) | દાણા બંદર જાહેર સભા, 1918 | ||
5) | કચ્છ દેશના પીરાણાપંથ કડવા કણબી – દાણાબંદર -જાહેર સભા, મુંબઈ – 1919 | ||
6) | ક. ક. પા જ્ઞાતિ જાહેર સભા – વિરાણી મોટી, 1920 | ||
7) | ક. ક. પા. જ્ઞાતિ સુધારક યુવક મંડળ રિપોર્ટ, 1926 |
| |
8) | ક. ક. પા. જ્ઞાતિ સુધારક યુવક મંડળ રિપોર્ટ, 1932 |
|
144.23. જાગૃતિ માટે અનેક સાહિત્યો છપાવ્યા: “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” [88] પુસ્તક સિવાય સનાતન ધર્મ જાગૃતિનો પ્રચાર પ્રસાર થાય એ માટે, તેમણે અને તેમની ટીમે અનેક હેંડબીલ, પેમફલેટ, નાની-નાની પુસ્તિકાઓ વગેરે છપાવ્યા. જેમાં મુખ્ય છે;
ક્ર. | સાહિત્ય | સંદર્ભ |
1) | પીરાણા સતપંથ પાટીદાર ભાઈઓને વિનંતી પત્ર | |
2) | પટેલ ફકીરદાસ ગોપાલદાસને જવાબ | |
3) | ખુલ્લા પત્રોનું અવલોકન – ભાગ 1 | |
4) | દેશ પરદેશમાં સ્થપાયેલ યુવક મંડળોનું અવલોકન | |
5) | ખુલ્લા પત્રોનું અવલોકન – ભાગ 2 | |
6) | સતપંથીઓના સધીયારાને સપાટો | |
7) | ધનલક્ષ્મીબેનને સ્મરણાંજલિ | |
8) | પવિત્ર વેદધર્મનો પ્રકાશ અને પીરાણા સતપંથના પાખંડ | |
9) | એક પ્રાસ્તાવિક નિબંધ | |
10) | સૈયદ અહમદ અલી ખાકીને જવાબ | |
11) | મુબારકબાદી | |
12) | શું પીરાણા સતપંથ હિન્દુ ધર્મ ઠરશે | |
13) | પીરાણાપંથી પાટીદાર ભાઈઓને જાણવાજોગ | |
14) | પાટીદાર ઉદય માસિક પત્રિકા | |
15) | ઓશાણીનું ઓશડ અથવા ભક્તની ભડવાઈ | |
16) | કુટીલોની કુટિલતા ઉપર સર્ચ લાઇટ | |
17) | કાકા રાવજી લક્ષ્મણને ખાસ ચેતવણી | |
18) | શું સદગોર નહીં જાગે | |
19) | વિનંતી પત્ર – કરાચી (કરાચી) પેમ્પલેટ | |
20) | સતપંથીઓના સધીયારાને સપાટો |
144.24. સતપંથની પોલ પુસ્તકની રચના: સતપંથના છુપા હસ્તલેખિત તેમજ છાપેલાં સાહિત્યોને પાણીની પેઠે પૈસા વેરીને 20 વર્ષથી ભેગા કરી [88:Page 7] અને 6 વર્ષથી લખવાના[88:Nivedan] પ્રયત્નો થકી, “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” [88] પુસ્તક પ્રકાશિત કર્યું છે. જેને ટૂંકમાં “પીરાણાની પોલ” કહેવામાં આવે છે. આ પુસ્તકમાં;
1) અજ્ઞાની અને ભોળા હિન્દુઓને વટલાવીને,
2) ધર્મ અને કર્મથી ભ્રષ્ટ કરીને,
3) હિન્દુ જ્ઞાતિઓથી વિમુખ બનાવીને,
4) વેદો, શાસ્ત્રો અને પુરાણોથી વિશ્વાસ ઉઠાડીને,
5) ગાય, બ્રાહ્મણ, જોગી, સન્યાસીઓને ન માનવા માટે,
6) સતપંથને ચલાવનારાઓએ કરેલી અનેક યુક્તિઓ અને તેમાં રચેલાં અલેલટપ્પુ107 શાસ્ત્રો,
7) અને, એ પંથના ક્રિયાઓથી કેવી રીતે જકડી રખાય છે.
.. વગેરે બાબતો જણાવેલ છે [88:Nivedan].
પીરાણાની પોલ પુસ્તકમાં સતપંથના તમામ મૂળ શાસ્ત્રો પ્રકાશિત કરેલ છે અને તેવીજ રીતે સતપંથની તમામ ક્રિયાઓ અને પૂજાઓને પણ તેમાં આવરી લીધી છે [88:Chapter 5 to 11].
આ ગ્રંથમાં સતપંથની સ્થાપના (વર્ષ 1419ના અરસામાં) [88:Page 132], તેમજ ઈમામશાહ દ્વારા પીરાણા સતપંથની સ્થાપના [88:Page 136] વિષે, સંપૂર્ણ અને જીણવટ ભરી જાણકારી આપી છે.
આ પુસ્તકને જપ્ત કરવા (Ban કરવા) સતપંથીઓએ ઘણી દોડધામ કરી. આખરે અમદાવાદ કલેકટર સાહેબની ઓફિસથી મળેલ નકારથી પાછા પડ્યા [148:Page 97].
144.25. પીરાણાની પોલને માન્યતા: સતપંથના છુપા ભેદોને સવિસ્તાર, મુદ્દાસર હકીકત, ગુજરાતી ભાષામાં દુનિયા સામે લાવનાર આ પહેલું પુસ્તક છે [88:Page 3]. આ પુસ્તકને વિશ્વના પ્રખ્યાત સંશોધનકારો અને પી.એચ.ડી. ડૉક્ટર ડિગ્રી આપતી દેશ-વિદેશની વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) પણ આ પુસ્તકને આધારભૂત માને છે. [156:Page 22] [33:Page 85] [158:Page 214] [22:Page 269] [23:Page 154].
144.26. કાકાને અને સૈયદોને ખુલ્લો પડકાર: પીરાણાના ગાદીપતિ લક્ષ્મણ કાકાને પત્ર દ્વારા પડકાર નાખ્યો કે પીરાણા સતપંથ ધર્મ હિન્દુ ધર્મ નથી. અને જો એ સાબિત કરી આપો તો નારાયણ રામજી રૂ.10,000/- આપવા તૈયાર હતા [148:Page 71]. તેવીજ રીતે સતપંથના બચાવમાં સીધા ઉતરેલા સૈયદ બાવાસાહેબ અહમદ અલી ખાકી સામે સતપંથની સચ્ચાઈ રજૂ કરતાં અનેક સાહિત્યો બહાર પાડયાં [148:Page 98-99].
144.27. રામજી કાકાનો નિમણૂક કરાર: પીરાણાની કાકાની ગાદી પર રામજી લક્ષ્મણ કાકા અને સૈયદો વચ્ચે નિમણૂક કરાર, પૂનામાં રજિસ્ટર થવા ગયેલ હતો, તે મેળવીને તેની હકીકત છપાવી સમસ્ત જ્ઞાતિ જનોને વાકેફ કર્યા [148:Page 102].
144.28. કાયદો અને વ્યવસ્થા પર નજર: આ વિષયમાં ખાસ નારાયણ રામજીએ લખેલ “એક પ્રાસ્તાવિક નિબંધ” [85] પર ધ્યાન કરવા જેવું છે. જેના પરથી ખ્યાલ આવે છે એ નારાયણ રામજીની જીણવટ ભરી નજર સતપંથના કોર્ટ કેસ અને અન્ય કાયદાકીય બાબતો પર હતી.
144.29. શિક્ષણ: શિક્ષણમાં જ્ઞાતિ ખૂબ જ પાછળ હતી, એ પરિસ્થિતિને સુધારવા નારાયણ રામજીની ટીમે સહુથી પહેલા કરાચીમાં લાયબ્રેરી108 શરૂ કરી હતી. ત્યાર બાદ છેલ્લે-છેલ્લે દિનાંક 01‑Oct‑1938ના કરાચીમાં રાત્રિ શાળા [73] પણ શરૂ કરવામાં આવી હતી. રાત્રિ શાળાના રિપોર્ટમાં, જ્ઞાન મેળવવા માટે જ્ઞાતિ કેવી રીતે તડપતી હતી, એનો ચિતાર તમને દેખાશે. જ્ઞાતિ પાસે પૈસા નહોતા, તો પણ ગમે તેમ કરીને પૈસા ભેગા કર્યા, બાળકોને મફત શિક્ષણ આપ્યું અને પાસ થનારને પ્રોત્સાહન રૂપે ઇનામો પણ આપ્યા. જ્ઞાતિ લેવલ પર ભલે આ નાનું પગલું હતું, પણ એ પગલું જ્ઞાતિને આગળ લઈ જનારું જરૂર હતું.
145. અભિયાનની જ્ઞાતિ ઉપર અસર:
145.1. જબરદસ્ત મોટી જાગૃતિ: નારાયણ રામજીએ સતપંથની પોલ ખોલીને જ્ઞાતિમાં ખૂબજ મોટી જાગૃતિ લાવ્યા. મુસલમાન ધર્મ હોવા છતાં છેતરામણીના કારણે સતપંથને સાચો હિન્દુ ધર્મ માનનારા લોકોની આંખો ખોલવામાં તેઓ સફળ રહ્યા. જેનાથી જ્ઞાતિમાં સતપંથ વિરુદ્ધ એક જબરદસ્ત જાગૃતિ અને સુધારાની લહેર ઉપડી. એના ખૂબ સારાં પરિણામો આગળ આવ્યાં. |
145.2. મૂંઝવણ દૂર કરીને મક્કમતા આપી: સામાન્ય હિન્દુઓની નજરથી જોઈએ તો લાગે કે ધર્મમાં મૂંઝવણ ઊભી કરી એના ઉપર સતપંથનો આધાર સ્થંભ રાખવામાં આવેલ છે. માટે સતપંથની સચ્ચાઈને સમજવી હોય તો આ મૂંઝવણને દૂર કરવી પડે. સામાન્ય અનુયાયી અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ધર્માંધતાના કારણે ચમત્કારોની માયાજાળથી ઉત્પન્ન મૂંઝવણમાં ફસાઈ જાય અને કોઈ દિવસ છૂટી ન શકે. નારાયણ રામજી આ મૂંઝવણને દૂર કરવામાં ખુબજ સફળ રહ્યા. જેની જ્ઞાતિ ઉપર ખૂબ સારી અસર પડી અને મોહિમને મક્કમતા મળી.
145.3. પીરાણાના કાકા અને સૈયદોનો ડર ભગાડયો: સતપંથના વિરુદ્ધ કોઈ જરાપણ ઘસાતું બોલે અથવા સનાતન તરફી કોઈ વાત કરે તો તેને દબાવવા તેને દંડ ફટકારવામાં આવતો અને જ્ઞાતિ બહાર મૂકી દેવામાં આવતું. એ વ્યક્તિના સગાં વહાલાં, પરિવારજનો, કુટુંબીઓ વગેરેને પણ અસહ્ય ત્રાસ ભોગવવો પડતો. આવા પ્રહારોના કારણે લોકો સતપંથની સામે કે સનાતનની તરફેણમાં કઈં કરી શકતા નહીં.
નારાયણ રામજી અને એમની ટીમે જ્ઞાતિ બહાર રહીને જે દાખલો આપ્યો એના કારણે ડરનો માહોલ ઘણો હળવો થઈ ગયો. જેના કારણે સતપંથના સામે અવાજ ઉપાડવાની લોકોમાં હિંમત આવી.
145.4. લોકો મોહિમમાં જોડાવા લાગ્યા: નારાયણ રામજી અને તેમની ટીમના પ્રયત્નોના કારણે જે એક સકારાત્મક સનાતની માહોલ બન્યો, એનાથી પ્રેરાઈને લોકો જોડાવા લાગ્યા. જે લોકોને મનોમન સતપંથ ગમતો નહોતો, એ લોકો જાહેરમાં આગળ આવી સનાતની બન્યા. જે મોહિમનું એક બહુ મોટું માઇલસ્ટોન109 ગણાય.
145.5. સનાતનીઓએ અવાજ બુલંદ કર્યો: નારાયણ રામજીએ યુવકમંડળોની રચના કરી અને જાહેર સભાઓ તેમજ પરિષદો ભરીને સનાતની અવાજને તાકાત આપી. કરાચીમાં લાયબ્રેરી સ્થાપીને લોકોના મનમાં એવો સનાતની વિશ્વાસ ભરી દીધો કે સતપંથના ખોટા બચાવ કરવા વાળાઓની બનાવટી વાતો સામે પુરાવાઓ વાળી સજ્જડ માહિતીઓની ઢાલ બનાવી દીધી.
146.1. ફરજિયાત દેહશુદ્ધિ: નારાયણ રામજી અને એમની ટીમનો એક ફરજિયાત નિયમ હતો કે જે કોઈ સનાતની બને એને ફરજિયાત દેહશુદ્ધિ કરાવવાની રહેશે. ફરજિયાત જનોઈ ધારણ કરવી પડે. દેહશુદ્ધિ તેમજ જનોઈ વિનાના બીજા ભાઈઓ સાથે ખાવા પીવાના વ્યવહાર બંધ રાખવા પડે [99:Page 50]. આવા નિયમોથી પોતે ઉચ્ચ છે એવું બતાવીને પોતાનું મનોબળ ટકાવી રાખવામાં એમને મદદ મળી, પણ એ નિયમના કારણે ધારેલી સંખ્યામાં લોકો જોડાઈ ન શક્યા.
ઘણા લોકો સનાતની હતા, પણ દેહ-શુદ્ધિ કરાવી નહોતી. એવા લોકો સાથે પણ નારાયણ રામજી અને એમની ટીમ ખાવા-પીવાનો વ્યવહાર રાખતી નહીં. નારાયણ રામજી પોતે પીરાણાની પોલના પેજ 545માં લખી ગયા છે કે પીરાણા સતપંથને ન માનનારો એક ભાગ છે જેની સંખ્યા લગભગ 3000 લોકોની છે [88:Page 545]. એમના નિયમોની જડતા એટલે સુધી હતી કે નારાયણ રામજીની ટીમ એમની સાથે પણ અછૂત જેવો વ્યવહાર રાખતી.
146.2. જાહેર સામાજિક કાર્યક્રમોમાં અલગ રસોડું: નારાયણ રામજી અને એમની દેહશુદ્ધિ કરેલ આગેવાનોની ટીમ જ્ઞાતિ (સનાતનીઓ જેને દેહશુદ્ધિ કરી ન હોય અને જનોઈ ધારણ ન કરી હોય) એવા લોકો સાથે પણ ખાવા પીવાના વ્યવહાર રાખતા નહીં. સમાજિક કાર્યક્રમોમાં પોતાનું જાહેરમાં અલગ રસોડું રાખવાની શરત રાખતા. અછૂત જેવો વ્યવહાર હોવાના કારણે લોકોના મનમાં એમના માટે દ્વેષ ભાવ ઉત્પન્ન થયો અને લોકો ધીરે-ધીરે એમને છોડવા લાગ્યા [148:Page 129].
146.3. વ્યવહારુ ઉપાયની ખામી: જ્યારે મોટી સંખ્યામાં લોકો નારાયણ રામજીની મોહિમ છોડવા લાગ્યા, ત્યારે તેઓ વ્યવહારુ ઉપાય લાવી ન શક્યા. પાછળથી થોડા નિયમોમાં ઢીલાશ લાવવાનો એક અધૂરો-પ્રયાસ થયો [148:Page 129] અને જ્ઞાતિ સાથે ખાવા પીવાના નિયમોમાં ઢીલા કરવાનો ઠરાવ દિનાંક 08‑Jul‑1929ના કર્યો. પણ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું.
146.4. જડ વલણ: કોઈ પણ બાબતે મક્કમતા જરૂરી હોય છે. પણ મક્કમતાની સાથે પરિસ્થિતિ પ્રમાણે નરમાઈ પણ જોઈએ. નારાયણ રામજીની જે અડગ મક્કમતાથી પ્રેરાઇને લોકો જોડાયા, તેજ મક્કમતા આગળ જતાં અડચણ રૂપ થઈ. નિયમોમાં જરૂરી ફેરફારો ન લાવવાના જડ વલણથી ઊભી થતી મુસીબતોના કારણે, લોકો ન છૂટકે નારાયણ રામજીને છોડવા લાગ્યા.
146.5. સુધારકો વચ્ચે મતભેદો: સુધારક આગેવાનો વચ્ચે પડેલ મતભેદોનો સમય પર ઉકેલ લાવી ન શકાયો અને કલેશ વધતો ગયો. કર્તવ્ય પંથે [148] પુસ્તક વાંચીએ તો મોહિમ ધીમી પડવા પાછળ એમના પ્રતિપક્ષ જ્ઞાતિ સુધારક ટીમ ઉપર આક્ષેપ નાખેલ છે. જ્યારે નખત્રાણા ખાતે બંધાયેલ લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અહેવાલ [70] [6:Page 325] જે દિનાંક 20‑May‑1937ના પ્રકાશિત થયેલ છે, એમાં નારાયણ રામજીની ટીમ ઉપર આક્ષેપો મૂકવામાં આવેલ છે. આવી રીતે બંને સુધારક ટીમોના આપસના મતભેદોનો ઉકેલ લાવી શકાયો નહીં. આપસમાં મતભેદો હોવા છતાં બંને પક્ષો જ્ઞાતિ માટે આદરણીય અને મહાન છે. માટે આજના સમયમાં આ વિષય ગૌણ હોવાથી એના પર વધારે લખવાની જરૂર જણાતી નથી.
146.6. નિયમો અપનાવવામાં ઉતાવળ: હમેશાં લઘુમતી પક્ષ બહુમતી પક્ષ ઉપર પોતાના નિયમો થોપી ન શકે. ફરજિયાત દેહશુદ્ધિ, જનોઈ, અલગ રસોડું, ખાવા-પીવાના કડક નિયમો, કઠોર વલણ વગેરે નિયમોને દરેક માણસ તે સમયે પાળી શકવાની પરિસ્થિતિમાં નહોતો. જે નિયમો બહુમતી મળ્યા બાદ કરવાના હોય, એ નિયમો અપનાવવામાં ઘણી ઉતાવળ થઈ ગઈ.
146.7. લોકોને જોડી ન રાખી શક્યા: ઇતિહાસ કહે છે કે લગભગ બધાજ આર્ય સમાજીઓએ નારાયણ બાપાને છોડી દીધા હતા [99:Page 16]. નારાયણ બાપા, લોકોને પોતાની મોહિમ સાથે કાયમી રીતે જોડી ન રાખી શક્યા.
147. ઉપસંહાર / Conclusion: કોઈ માણસ ગમે તેટલો મોટો કેમ ન હોય, એ ભગવાન નથી. બધા માણસોમાં કોઈ ને કોઈ કમીઓ અને ખામીઓ તો રહેવાની જ. મહત્વ એ વાતનું નથી કે કોણ ખોટું કે કોણ સાચું. મહત્વનું એ છે કે નારાયણ બાપા પોતાની સામે આવેલ પરિસ્થિતિઓનો કેવી રીતે સામનો કરીને જ્ઞાતિ સુધારનું ભગીરથ કામ કરવામાં સફળ રહ્યા.
એમાં કોઈ બે મત નથી કે, સેંકડો વર્ષોથી સતપંથ બાબતે સૂતેલી જ્ઞાતિને જાગૃત કરવામાં નારાયણ રામજી ગજબના સફળ રહ્યા. લોકોના મનમાં પેસેલી અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ધર્માંધતાને દૂર કરી ચમત્કારોની માયાજાળને તોડવામાં ખુબજ સફળ રહ્યા. જેથી જાહેરમાં સતપંથ સામે બોલવાની લોકોમાં હિંમત આવી.
એમના જીવનના અંતિમ સંદેશમાં, અંગત વેરઝેરથી પર થઈને, એમના પ્રતિપક્ષ ટીમ માટે ઉચ્ચારેલા શબ્દો “છતાં ઉદ્દેશ સાચો છે, માટે તેનો આખરી વિજય છે” થી નારાયણ બાપાએ પોતાની એક સાચા મહાન વ્યક્તિ તરીકેની ઓળખ આપી.
ટૂંકમાં કહીએ તો, જ્ઞાતિ જે ગતિથી અધોગતિ તરફ ખાઈમાં ઊંડે ધસતી જતી હતી, એ ગતિ ઉપર બ્રેક લગાડવામાં નારાયણ બાપાને બહુ મોટી સફળતા મળી.
વિચારધારાના વિનાશના ક્ષેત્રોમાં ક્યાં ક્યાં સુધારાઓ થયા એ જોઈશું (ટૂંકમાં):
147.1. ધર્મ: ધર્મ બાબતે જબરદસ્ત જાગૃતિ લાવ્યા, જેનો તોડ સતપંથના કુટિલ પ્રચારકો પાસે નહોતો.
147.2. શિક્ષા: નારાયણ રામજી લાયબ્રેરી ઉપર જોર આપતા. પુસ્તકનું વાંચન કરશે તો લોકોને સાચું ખોટું સમજાશે. જેથી કરીને સનાતન ધર્મનો સાચો રસ્તો ઓળખી શકશે.
147.3. સામાજિક જીવન: ધર્મ બાબતે જાગૃતિ ફેલાવીને અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ધર્માંધતા દૂર કરીને, લોકોમાં સતપંથ સામે અવાજ ઉઠાવવાની હિંમત ભરી દીધી. જેનાથી લોકો સતપંથ ધર્મની જીવન શૈલીને ત્યાગી સનાતન હિન્દુ ધર્મ પ્રમાણેનું જીવન અપનાવવા લાગ્યા.
147.4. સત્તાનું માળખું: જ્ઞાતિની અંદરના સત્તાના માળખાને મોટો પડકાર આપ્યો. લોકોમાં ગેઢેરા અને ક્રૂર આગેવાનોનો ડર ઓછો કરી શક્યા.
147.5. કાયદો અને વ્યવસ્થા: સતપંથને લઈને થતા કોર્ટ કેસો ઉપર નારાયણ બાપાની ટીમની સારી એવી નજર રહેતી હતી. જરૂર જણાય ત્યારે કોર્ટમાં કેસ પણ લડતા.
147.6. નેતૃત્વ: જ્ઞાતિ ઉપર જેમનું નેતૃત્વ હતું એવા ગેઢેરાઓની પીછેહઠ કરાવી શક્યા. ખુલ્લેઆમ અન્યાય કરનારા ગેઢેરાઓની સંખ્યા અને શક્તિઓ ધીરે ધીરે ઘટતી ગઈ. મૂળ કડવા પાટીદાર જ્ઞાતિના ગુજરાતના આગેવાનોને સભાઓમાં મહત્વનું સ્થાન આપી, નવું નેતૃત્વ આપવા તરફ આગળ વધ્યા.
147.7. આર્થિક: દર વર્ષે પીરાણા મોકલવામાં આવતા દશોંદ અને લાગાઓના પૈસા ઉપર રોક લગાડી એ રકમ ધીમે ધીમે ઓછી કરવામાં પણ તેઓએ ઉઠાવેલ જહેમત ખૂબ કારગર રહી. આના કારણે થતી જ્ઞાતિની આર્થિક પાયમાલીમાં સુધારની પરિસ્થિતિ નિર્માણ થઈ.
147.8. મીડિયા: મુંબઈ, ગુજરાત અને કરાચીનાં વર્તમાન પત્રોમાં લેખો પ્રકાશિત થતા. તેવીજ રીતે પેમ્પલેટ, હેન્ડબિલ, નાની-નાની પુસ્તિકાઓ પ્રકાશિત કરી જાહેર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો.
147.9. કહેવાતા ઉદ્ધારકો: સંવત 1832ના ઠરાવોના માધ્યમથી જ્ઞાતિમાં ઉદ્ધારક તરીકે પ્રસ્થાપિત થયેલ પીરાણાના ગાદીપતિ કાકા અને સૈયદોની કાળી સત્તાને નબળી કરવામાં મોટે ભાગે સફળતા મળી.
148. સુધારાઓના ક્ષેત્રો: નારાયણ રામજી લીંબાણીની મોહિની સતપંથના પ્રચારકોની “વિચારધારાના વિનાશ”ની મેલી મુરાદ ઉપર કેવી વિપરીત અસર પડી, એ નીચે જણાવેલ ટેબલમાં જોઈશું.
ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ | ||||
Ideological Subversion / વિચારધારા વિનાશ | વિનાશ વિગત | સુધારો કેશરા* | સુધારો* NRL | |
1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો | 19 | પ્રગતિમાં | પ્રગતિમાં | |
1.1. Religion / ધર્મ | 20.1 | વિદ્રોહ | જાગૃતિ | |
1.2. Education / શિક્ષા – કેળવણી | 20.2 | — | શરૂ | |
1.3. Social Life / સામાજિક જીવન | 20.3 | થોડું | શરૂ | |
1.4. Power Structure / સત્તાનું માળખું | 20.4 | થોડું | શરૂ | |
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 20.5 | થોડું | શરૂ | |
1.6. Leadership / નેતૃત્વ | 20.6 | — | ઘણું | |
2. Destabilisation / અસ્થિરતા લાવવી | 21 | — | પ્રગતિમાં | |
2.1. Finance / આર્થિક | 21.1 | — | સારા પ્રમાણમાં | |
2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 21.2 | થોડું | શરૂ | |
2.3. Media / મીડિયા | 21.3 | — | ઠંડુ | |
3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું | 23 | — | — | |
3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો | 23.3 | સુધારો | ઘણું | |
• અંદરની વ્યક્તિ |
|
|
| |
• બહારની વ્યક્તિ |
|
|
| |
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી | 24 | બાકી | બાકી | |
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
| બાકી | બાકી | |
|
|
|
|
|
* થયેલ સુધારાઓનું સ્તર કેશરા = કેશરા પરમેશ્વરાનો દોર NRL = નારાયણ રામજી લીંબાણીનો દોર |
“અંતિમ વિજય સનાતનનોજ છે”
|| સનાતન ધર્મની જય ||
100 નારાયણ રામજી લીંબાણી – એમને નારાયણ રામજી કોન્ટ્રાકટરના નામથી પણ ઓળખાતા હતા.
101 ધોરણ પાંચ – [88:Page 14]
102 હાડોહાડ = એકે એક હાડકામાં. શરીરનાં સર્વે અંગોમાં, હાડેહાડ.
103 મંડળને – “શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ” પણ કહેવામાં આવતું.
104 સત્સંગી = સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી
105 શુદ્ધિવાળા = દેહશુદ્ધિ કરાવીને જનોઈ ધારણ કરનાર નારાયણ રામજી અને તેમની ટીમ
106 બંને જ્ઞાતિ = સતપંથની જ્ઞાતિ અને સનાતનની જ્ઞાતિ (તે સમયે સ્વામિનારાયણ)
107 અલેલટપ્પુ = છોકરમતિયું, રેઢિયાળ, ગપ્પીદાસ, ગપોડિયું, ગપાટિયું (Source: https://abkkpsamaj.org/go/fn107)
108 કરાચી લાયબ્રેરી – ભારત સ્વતંત્ર થયું ત્યારે આ લાયબ્રેરીના પુસ્તકો વગેરે કોટડા જડોદર ગામમાં લાવવામાં આવ્યા. ત્યાં એ લાયબ્રેરી આજે પણ જોવા મળે છે. કચ્છ રાજાની લાયબ્રેરી પછી જૂનામાં જૂની સરકારી રજિસ્ટર્ડ લાયબ્રેરી કોઈ હોય તો એ કોટડા જડોદરની લાયબ્રેરી છે. ઘાસલેટ (Kerosene) ની કમી રહેતી ત્યારે રાત્રિ સમયે લાયબ્રેરીમાં કંડીલ લગાડવા માટે સરકાર પાસેથી લાયબ્રેરી માટે સ્પેશિયલ કોટા (quota) ફાળવવામાં આવતા.
109 માઈલસ્ટોન = મહત્વનો પડાવ