Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
બોરડી ટીમ્બા વિજય મંડળના
સંમેલનનો અહેવાલ
हरि ॐ
वन्दे देव उमापतिं सुरगुरुं वन्दे जगतकारणं |
वन्दे पन्नग भूषनमृगधरं वन्दे पशुनां पतिम् ||
वन्दे सूर्य शशांक वहिनयनं वन्दे मुकुंदं प्रियम् |
वन्दे भक्तजनाभयं चः वरदं वन्दे शिवं शंकरम् ||
શ્રી પરમકૃપાળુ પરમાત્માની પૂર્ણ કૃપાથી અને શ્રી કુળદેવી ઉમિયા માતાજીની અમીદ્રષ્ટિથી, આપણી જ્ઞાતિની દિવસે દિવસ ઉન્નતિ થઈ રહી છે અને પ્રગતિના પંથે પ્રયાણ કરી રહી છે.
આ જાગૃતિના જમાનામાં દરેક જ્ઞાતિ, પોતાની ઉન્નતિ કેમ થાય, તેના પ્રયત્નો કરી રહી છે અને દેશકાળ તથા સમય અનુસાર, પોતાની જ્ઞાતિના બંધારણોમાં ઘટતા સુધારા—વધારા કરે જાય છે. તેવી જ રીતે આપણી જ્ઞાતિમાં પણ દેશકાળને અનુસરી, રૂઢિ રિવાજોમાં ઘટતા સુધારા વધારા કરવાની આવશ્યક્તા હતી, પરંતુ આ કાર્યની પ્રથમ શરૂઆત કરનાર ઉત્સાહી અને સેવાભાવી, કાર્યકરની જરૂરિયાત હતી. અને તે આપણી જ્ઞાતિના પૂણ્ય પ્રતાપે તેવા ઉત્સાહી અને સેવા ભાવની ધગશવાળા શ્રીયુત હરીભાઈ કરમશીભાઈ પટેલ, રહીશ ગામ મોતેસરીના હૃદયમાં પ્રભુએ પ્રેરણા કરી અને તેઓશ્રીએ ભગીરથ પ્રયાસ આદરી, આપણી જ્ઞાતિના દરેક કંપે ફરી, સુધારા વધારાના ઠરાવો ઘડવા પર સહાનુભૂતિની સહીઓ એકત્ર કરી. તે જ અરસામાં પૂજ્ય મહારાજશ્રી દયાળદાસજીનું શુભ આગમન ગુજરાતમાં થયું જાણી, શ્રી હરીભાઈ કરમશીભાઈ પટેલ મહારાજશ્રીને મળ્યા અને તેમની સમક્ષ જ્ઞાતિ સુધારા કરવા બાબતની પોતાના હૃદયની શુદ્ધ ભાવના પ્રદર્શિત કરી. જેને મહારાજશ્રીએ અનુમોદન આપ્યું. આથી હરીભાઈ તથા મહારાજશ્રી બંને ગામ શ્રી રામપુર (તાબે માલપુર)માં ગયા અને ત્યાંના સર્વ ભાઈઓને એકત્રિત કરી સદરહુ વિષય પર જ્ઞાતિની જનરલ મિટિંગ ભરવાનું બ્યાન કર્યું. તે ગામના શ્રી પા.હંસરાજભાઈ નારણભાઈ તથા પા. નથુભાઈ લધાભાઈ તથા પા. વાલજીભાઈ પ્રેમજીભાઈ અને અન્ય ભાઈઓ સહમત થયા અને જનરલ મિટિંગ કયે સ્થળે ભરવી, તેની ચર્ચા ચાલી. અંતમાં તે જ ગામના ઉત્સાહી ભાઈઓએ માંગણી કરી, કે જો જ્ઞાતિ ગંગા અમારા આંગણે પધારી અમને પાવન કરવાની કૃપા કરે તો અમો પૂજ્ય જ્ઞાતિ માતાની સેવા ઉઠાવવા તન, મન અને ધનથી તૈયાર છીએ.
છેવટે તે જ ગામે એટલે રામપુરા મધ્યે જનરલ મિટિંગ ભરવાનો નિર્ણય થયો અને સંવત ૨૦૦૦ના કારતક વદ ૧૪, શુક્રવાર {VSAK: 26-Nov-1943} ના રોજની મીતિ નક્કી કરી. દરેક ગામે આપણા ભાઈઓને રામપુરા કંપે ઉપરની મીતિએ પધારવાની આમંત્રણ પત્રીકાઓ મોકલવામાં આવી. તે અરસાની અંદર એક મહાન દુઃખદ પ્રસંગ ઉપસ્થિત થયો. જેનું વર્ણન કરતાં પણ આઘાત થાય. અને તે એ કે ભાઈશ્રી હંસરાજભાઈ નારણભાઈની પુત્રી નામે બાઈ મોંગીબાઈ ફક્ત ૧૨ વર્ષની નાની ઉંમરે સ્વર્ગવાસ પામી.
આવા અણધાર્યા દુઃખદ પ્રસંગે, સભા મુલતવી રાખવાનો વિચાર થયો, પરંતુ ધર્મની સાચી ધગશવાળો જ્ઞાતિ ઉન્નતિના સાચા હીમાયતી ભાઈશ્રી હંસરાજભાઈએ પોતાને ત્યાં બનેલ મહાન દુઃખદ પ્રસંગનો શોક સમાવી, સભા ભરવાનો આગ્રહ કર્યો અને સભા ભરવાનું કાયમ રાખવામાં આવ્યું. ધન્ય છે આવા ધર્મવીરોને.
નક્કી કરેલી તિથીએ, દરેક ગામના સુધારક બંધુઓ પધાર્યા અને તેમનો ભાવભીનો સત્કાર કરવામાં આવ્યો અને તે જ રાત્રે જનરલ સભાનું કામ ઉત્સાહપૂર્વક ચાલુ કરવામાં આવ્યું હતું.
શરૂઆતમાં પ્રભુ પ્રાર્થના બાદ આજની સભાના પ્રમુખ તથા સેક્રેટરીની ચુંટણીની દરખાસ્ત રજૂ થઈ હતી. જેમાં સર્વાનુમતે રા. રા. ભાઈશ્રી હંસરાજભાઈ નારણભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. જેનો આભાર સાથે સ્વીકાર કરી, પ્રમુખ સાહેબે પોતાનું સ્થાન તાલીઓના હર્ષનાદ સાથે શોભાવ્યું હતું. અને સેક્રેટરી તરીકે મી. કરસનભાઈ પંચાણભાઈ પટેલ ગામ બોરડી—ટીમ્બાવાળાને સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓશ્રીએ પણ આભાર સાથે પોતાનું સ્થાન લીધું હતું. ત્યાર બાદ —
પ્રમુખ સાહેબનું ભાષણ
પૂજ્ય મહારાજશ્રી, તથા સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ,
આપે મારા પ્રત્યે અપાર લાગણી બતાવી, આજની સભાના પ્રમુખ તરીકે ચુંટણી કરી, મને કૃતાર્થ કર્યો છે. જોકે આ સ્થાનને શોભાવે તેવા મારા કરતાં પણ લાયક ભાઈઓ છે. છતાં પણ આપ સર્વની, મારા પ્રત્યે પસંદગી ઉતરી, તો જ્ઞાતિ સેવા ખાતર આપની આજ્ઞા શીરોમાન્ય કરી આપના આપેલા સ્થાને બિરાજું છું.
મહારાજશ્રી દયાળદાસજીનું ભાષણ
સજ્જનો ! આ સભામાં આજે કચ્છ—કડવા પાટીદાર ભાઈઓની વધુ પ્રમાણમાં હાજરી જોઈ, મને ઘણો જ આનંદ થાય છે. સ્વધર્મ ઉપર આટલા મજબુત થયા છો, અને હંમેશા પ્રભુ આપને આત્મબળ આપે એમ ઇચ્છું છું કારણ કે :
॥ સ્વઃ ધર્મે નીઃધનંશ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥
ભાવાર્થ : પોતાના ધર્મમાં રહીને નિર્ધન હોવા છતાં, પણ શ્રેષ્ઠકારક છે અને પરધર્મ ભયને આપવાવાળો છે. માટે પોતાના ધર્મમાં અડગ નિષ્ઠા રાખીને, પ્રાણાંત સુધી પણ ચલાયમાન થવું નહિ. એજ મનુષ્ય જન્મની સાફલ્યતા છે. અને આજની સભામાં ધર્મના દૃઢ સિદ્ધાંતોને પ્રગતિમાં લાવવાનું અત્રે એકત્ર મળેલા ભાઈઓને પરમ કૃપાળુ પરમાત્મા આત્મબળ આપે, એવી પ્રભુ પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના કરી, અત્રે હું વિરમું છું.
વાલજીભાઈ પ્રેમજીભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા બંધુઓ, માતાઓ અને બહેનો,
પૂજ્ય મહારાજશ્રીએ આપણને સ્વધર્મના સિદ્ધાંતો સમજાવ્યા છે. આદી અનાદીથી આપણો સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને તે પ્રમાણે પૂર્ણ શ્રદ્ધા અને અડગ ટેકથી, પાલન કરતાં આવ્યા છીએ. પરંતુ તેની સાથે આપણા આચાર—વિચારો પણ શુદ્ધ રાખવા જોઈએ. આપણો કુળાચાર ઉત્તમ હોવો જોઈએ. આપણે ખેડૂત વર્ગના માણસો છીએ, તેથી કામને લીધે આપણાથી વધારે ન બની શકે, તો પણ સ્નાન કરી, પછીથી કામકાજ કરવું. તેમાં કાંઈ વધારે ટાઇમ લાગતો નથી અને તે આપણે દરેકથી બની શકે છે. માટે આચાર—વિચાર ઉચ્ચ કોટીના હોવા જોઈએ અને તેના માટે દરેક સજ્જનો કોશિષ રાખશે, તેવી મારી નમ્ર વિનંતી છે.
પા. નારણભાઈ રતનશીભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા અત્રે પધોરેલા ભાઇઓ તથા બહેનો,
ભાઈશ્રી વાલજીભાઈએ જે ભાષણ આપ્યું, તેને હું હાર્દિક ટેકો આપું છું. તેવી જ રીતે દેશકાળને અનુસરી આપણા ચાલતા આવતા, રીતરિવાજોમાં પણ ઘટતા સુધારા વધારા કરવાની જરૂર છે, માટે એ બાબતોમાં આપે સર્વ ભાઈઓએ મળીને એકમત થઈ ઠરાવો પસાર કરવા એવી વિનંતિ છે.
પૂજયપાદ મહારજશ્રી ઓધ્ધવરામજીનું લેખિત નિવેદન વાંચી સંભળાવવામાં આવ્યું હતું તે નીચે મુજબ —
સ્વસ્તિ શ્રી અણીયોર ઉર્ફે રામપુરા શુભ સ્થાને શિષ્ય દયાળદાસ તથા પાટીદાર ભાઈઓ સમસ્તની દીર્ધાયુષ.
ઈશ્વરનગરથી લી. ભિક્ષુક ઓદ્ધવદાસજીના શુભાશિષ, સાથે લખવાનું કે, ગામ રામપુરા સ્થાને સમસ્ત ભાઈઓ ભેગા મળીને ધારાધોરણો નક્કી કરવાના છો, તે સાંભળી મને ઘણો જ આનંદ થયો છે. પણ બંધારણો એવાં કરો, કે સર્વ ભાઈઓથી નભી શકે અને તે ધારાધોરણ પ્રમાણે વર્તે નહિ તેની સાથે ખાવા પીવાનો વહેવાર બંધ કરવો. સભાની અંદર મને તેડાવો છો, હું પણ આવું, પરંતુ મારું કામ મારો શિષ્ય દયાળદાસજી કરી શકે તેમ છે. બનતાં સુધી મને તકલીફ આપશો નહિ. ધર્મ માટે ચક્રવર્તિ રાજાઓએ પ્રાણ અર્પણ કરેલાં છે. એમ સમજી ધર્મમાં અડગ શ્રદ્ધા રાખશો, એવો મારો સર્વ ભાઈઓને શુભ આશીર્વાદ છે.
ત્યારબાદ કેટલીક ચર્ચાઓ ચાલી, અંતે ધારાધોરણ તથા રીતરિવાજોના ઠરાવો નક્કી કરવામાં આવ્યા હતા. ત્યાર પછી સર્વાનુમતે એવો મત થયો કે, આપણું કેન્દ્રસ્થાન શ્રી બોરડી ટીમ્બા છે, તો ત્યાં પણ તાજેતરમાં એક મિટિંગ ભરાય તો ઘણું જ સારું. આ વાત સર્વ ભાઈઓએ મંજૂર કરતાં, બાકીનું કામ મુલતવી રાખી સભા વિસર્જન કરવામાં આવી હતી.
બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મકી જય ॥
શાન્તિ શાન્તિ શાન્તિ
ૐ તત્સત્ પરમાત્માજારૂ નમ : |
બ્રહ્માનંદં પરંમ સુખદં કેવલંજ્ઞાન મૂર્તિમ્ |
દ્વંદ્વાતિતં ત્રિગુણ રહિતં તત્વમસ્યાદિ લક્ષ્યમ્ |
રૂકમ નિત્યં વિમલ મચલં સર્વધિ શાક્ષિ ભૂતમ્ |
ભાષાતિતં ગગન સદ્દશં સદગુરું ત્વાં નમામિ |
ગામ શ્રી બોરડી ટીમ્બા સંવત ૨૦૦૦ના માગશર વદ ૪ વાર બુધવાર તા. ૧૫મી ડિસેમ્બર સને ૧૯૪૩ના રોજે ગ્રામ્યવાસીઓની કાર્યવાહક કમિટીની મિટિંગ ભરવામાં આવી હતી. જેના પ્રમુખસ્થાને ભાઈશ્રી પા. વેલજીભાઈ ભાણજીભાઈ તથા સેક્રેટરીના સ્થાને, મી. ખીમજીભાઈ શવગણભાઈની નિમણૂક કરવામાં આવી હતી. મિટિંગ બોલાવવાનો ઉદ્દેશ એજ હતો, કે આવતી કાલે આપણે આંગણે પતિત પાવની જ્ઞાતિ માતાના સુપુત્રો પધારશે, તો તેમનું સ્વાગત કેવી રીતે કરવું અને સભાનું કામકાજ પદ્ધતિસર અને શાંતિપૂર્વક ચાલે તે માટે લાયક, નિડર અને ઉત્સાહી, કેપ્ટનો (૨) તથા વોલન્ટીયરો (૨૮)ની ચુંટણીઓ કરી,મુકરર કરવામાં આવ્યા હતા અને તેઓને કેવી રીતે કામકાજ કરવું, તેની પદ્ધતિની સુચનાઓ કરવામાં આવી હતી. તે કાર્યને ઉત્સાહપૂર્વક બજાવવા, તેઓએ તત્પરતા બતાવી હતી. ત્યારબાદ સભાનું કાર્ય તા. ૧૬—૧૨—૧૯૪૩ ના દિને મુલતવી રાખી, સભા વિસર્જન કરવામાં આવી હતી.
બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મકી જય ॥
શાન્તિ શાન્તિ શાન્તિ
૧૬મી ડિસેમ્બર અને ૧૯૪૩ સાંજે પાંચ વાગ્યાના સુમારથી આમંત્રિત મહેમાનો પધારવા લાગ્યા. તેમનું ગામના આગેવાન ભાઈઓ, તથા કેપ્ટનો, તથા વોલિન્ટીયરો વગેરે ભાઈઓએ સુંદર સ્વાગત કર્યું હતું.
સાંજના ભોજન થયા બાદ રાત્રે નવ વાગે સભા ભરવામાં આવી હતી. મંગલાચરણ થયા બાદ પ્રમુખ સાહેબ પા. હંસરાજભાઈ નારણભાઈ તથા સેક્રેટરી મી.કરશનભાઈ પંચાણભાઈએ પોતાનું સ્થાન લીધું હતું. ઉપપ્રમુખના સ્થાને ભાઈશ્રી નારણભાઈ રતનશીભાઇ શાંતીપુરા કંપાવાળાની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી અને તાળીઓના હર્ષનાદ વચ્ચે તેઓએ પોતાનું સ્થાન લીધું હતું. ત્યાર પછી સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સેક્રેટરી પા. કરશનભાઈ પંચાણભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા ઉપપ્રમુખ સાહેબ તથા પૂજ્ય મહારાજ શ્રી તથા પધારેલા સભાસદ બંધુઓ, માતાઓ અને બહેનો.
આપ સર્વ સજ્જનોએ પધારી અમોને કૃતાર્થ કર્યાં છે તે બદલ અમો આપના અત્યંત આભારી છીએ. આપની સેવા ઉઠાવવામાં અમારાથી, કાંઈ પણ ન્યૂનતા રહી જાય, તો આપ સર્વ દરગુજર કરશો. આજની સભા બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ એજ છે કે ગામ શ્રી રામપુરા કમ્પે આપણી મિટિંગ ભરાયેલી અને તેમાં આપણી જ્ઞાતિના રીત રિવાજોના ઠરાવો ઘડાયેલા, તે આજની સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવનાર છે. તો તે ઠરાવોમાં આપને કાંઈપણ અપૂર્ણતા જણાય, તો પોતપોતાની બુદ્ધિ અનુસાર સુધારો વધારો સૂચવશો અને તે વિષય ઉપર ચર્ચાઓ ચલાવી તેનું સમર્થન કરી, સર્વાનુમતે પસાર કરશો, એવી આશા રાખું છું.
ત્યાર બાદ પ્રમુખ સાહેબ તથા મહારાજશ્રીને ફુલહાર કરવામાં આવ્યા હતા.
પ્રમુખ સાહેબનું ભાષણ
પૂજ્ય મહારાજશ્રી, જ્ઞાતિ બંધુઓ, તથા બહેનો,
તાજેતરમાં જ ગામ રામપુરા મધ્યે આપણી જનરલ મિટિંગ ભરાઈ હતી અને તેમાં જ્ઞાતિ બંધારણો, તથા રીતરિવાજો ઘડ્યાં હતાં. તે આપને વિદીત છે. પરંતુ ઘણા ભાઈઓએ મને જણાવ્યું, કે આપણું કેન્દ્રસ્થાન બોરડી ટીમ્બામાં, કે જેની અંદર બીજી મિટિંગ ભરાય તો ઘણું જ સારું છે. તો તે ઉપરથી બોરડી—ટીમ્બાવાળા ભાઈઓની મેં સંમતિ મેળવી, તો તેઓએ જણાવ્યું કે જો જ્ઞાતિ ગંગા અમારે આંગણે પધારશે, તો અમો સેવા ઉઠાવવા તૈયાર છીએ. તેઓની સહાનુભૂતિ મળતાં જ આમંત્રણ પત્રિકાઓ મોકલી અને તે પ્રમાણે અત્રે એકત્રીત થવા ભાગ્યશાળી થયા છીએ. આગામી સભામાં આપણે સર્વ ભાઈઓએ મળી, જે ઠરાવો ઘડેલા તે અત્રે રજૂ કરવામાં આવે છે. તેના પર વિચારણા ચલાવી, એકમતથી પસાર કરશો, તેમ હું ઇચ્છું છું. વિશેષમાં બોરડી—ટીમ્બાવાળા ભાઈઓએ જે આપણો સત્કાર કર્યો છે, તે બદલ તેઓને ધન્યવાદ છે.
ઉપપ્રમુખ નારણભાઈ રતનશીભાઈનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા મહારાજશ્રી તથા માતાઓ અને બહેનો,
આજની સભામાં ઉપપ્રમુખ તરીકે આપ સર્વ ભાઈઓએ મળી, મને પસંદ કર્યો. તે આપની લાગણીની હું કદર કરું છું. પરંતુ મારાથી મોટા વડીલો નીચે બેઠેલા હોય અને હું ઊંચે આસને બેસું તે મને યોગ્ય નથી. પરંતુ આપ વડીલોની જ્યારે આજ્ઞા છે, તો આપના માનની ખાતર જ્ઞાતિ સેવા બજાવવા હું તૈયાર છું.
. બંધુઓ આજે આપણે આપણા ધારાધોરણો નક્કી કરવા એકઠાં થયા છીએ. તો જેમ આપણે આગળ વધી શકીએ તે પ્રમાણે વિચાર કરીને ઠરાવ પસાર કરવાના છે અને તેની ખાસ જરૂર છે. જો બંધારણો નહિ રાખીએ, તો જ્ઞાતિ દિવસાનુદિવસ નિરકુંશ થઈ જશે. માટે સમય અને સંજોગોને અનુસરી સુધારા કરશો, એમ હું આશા રાખું છું.
ત્યાર બાદ ઠરાવો પર ભાઈ શ્રી વેલજીભાઈ ભાણજીભાઈ બોરડી ટીમ્બાવાળા તથા ભાઈ શ્રી વાલજીભાઈ પ્રેમજીભાઈ રામપુરાવાળા, તથા પા. શીવજીભાઈ સોમજીભાઈ એદલપુરવાળા, વગેરે વક્તાઓએ ચર્ચાઓ કરી હતી અને રાત્રે બાર વાગે બીજા દિવસ ઉપર સભાનું કામકાજ મુલતવી રાખી, જયનાદ વચ્ચે સભા વિસર્જન કરવામાં આવી હતી.
બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મ કી જય ॥
તા. ૧૭—૧૨—૧૯૪૩ની કાર્યવાહી
આજે દશ વાગે સભા ભરવામાં આવી હતી. ભાઈ શ્રી વેલજીભાઈ ભાણજીભાઈએ મે. પ્રમુખ સાહેબ તથા ઉપપ્રમુખ સાહેબ, સેક્રેટરી સાહેબ વગેરે પોતપોતાના આસને બિરાજી સભાનો કાર્યક્રમ શરૂ કરવાની વિનંતી કરી હતી. પ્રભુ પ્રાર્થના થયા બાદ, સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ધર્મ વિશે કેટલીક ચર્ચાઓ ચાલી હતી.
મહારાજશ્રી દયાળદાસજીનું ભાષણ
સજ્જનો, આપ પાટીદાર જ્ઞાતિની સનાતન ધર્મ પ્રત્યેની અપ્રતિમ ભાવના જોઈ, મને અત્યંત હર્ષ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે, કે ધર્મને હણવાથી તે આપણને હણે છે અને ધર્મનું રક્ષણ કરવાથી, ધર્મ આપણું રક્ષણ કરે છે. માટે કદાપી ધર્મનો પ્રાણાંતે પણ ત્યાગ કરવો નહિ. દયા ન્યાય, નીતિનું પાલન કરવું, તેનું નામ ધર્મ. દયા એ તો આપ પાટીદારોના વારસામાં જ ઉતરેલ છે. બંધુઓ, આ મનુષ્ય જન્મ ફરી ફરી મળતો નથી. તો તેમાં પ્રભુ ભજન કરી, આ ભવસાગર પાર ઉતરવો જોઈએ. આપ બંધુઓએ ઘણે ઠેકાણે શ્રી ભગવાનનાં મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી છે. તે પ્રશંસનીય છે. વળી ગામેગામ ગ્રામ્ય શાળાઓ બંધાવી કેળવણીમાં પણ ધ્યાન આપી રહ્યા છો, તે આદરણીય છે. તેથી પણ વિશેષ ધ્યાન કેળવણી તરફ આપતાં રહેશો, એવી મારી ભલામણ છે. આપ પાટીદાર જ્ઞાતિનું પરમાત્મા સદા કલ્યાણ કરે, તેવા મારા શુભ આશિર્વાદ છે.
માસ્તર નાનજી કરશન નેત્રાવાળાનું ભાષણ
મે. સભાપતિ સાહેબ, તથા પૂજ્ય જ્ઞાતિ બંધુઓ,
પૂજ્ય મહારાજશ્રીએ કેળવણી વિશે જણાવ્યું, તેને હું મારો હાર્દિક ટેકો આપું છું. કેળવણી બાબતમાં આપણી જ્ઞાતિને પ્રયત્ન કરવાની ઘણી જ જરૂર છે. હજુ આપણા બાળકોને પૂરતું શિક્ષણ આપી શકાતું નથી. કારણ કે આપણી ગ્રામ્ય શાળાઓમાં ગુજરાતી જ શિક્ષણ અપાય છે. તે પણ પૂરતું નહિ. વળી તેમાં આપણે કામના લોભથી બાળકો, બાર કે તેર વર્ષની ઉંમરના થાય, એટલે તેનો વિદ્યાભ્યાસ બંધ કરાવી, કામમાં લગાડી દઈએ છીએ. તેમ ન થતાં તેને પૂરતો ગુજરાતી અભ્યાસ તો કરાવવો જ જોઇએ. તેની સાથે અંગ્રેજી અભ્યાસ પણ થાય તો ઘણું જ સારું છે. તે જો આપણી જ્ઞાતિની એકાદ બોર્ડિંગ હોય, તો આપણા બાળકો તે લાભ મેળવી શકે. માટે તે બાબતની કાંઈ તજવીજ થાય, તેમ હું ઇચ્છું છું. વિદ્યા એ મનુષ્યનું રૂપ તથા ધન છે. શાસ્ત્રમાં કહ્યું છે કે : વિદ્યા વિહિનમ્ નર પશુ. એટલે વિદ્યા વગર મનુષ્ય પશુ સમાન છે. માટે વિદ્યા અવશ્ય આપવી જ જોઈએ અને તેમાં જ આપણી જ્ઞાતિનો ખરો ઉદ્ધાર છે. માટે મારી વિનંતિ તરફ આપ સર્વ બંધુઓ, ખચીત લક્ષ આપો, તેવી હું આશા રાખું છું. (તાળીઓ).
ત્યારબાદ ભાઇ શ્રી ખીમજી શવગણભાઇ — બોરડીટીંબાવાળા તથા પટેલ હરીભાઇ કરમશીભાઇ — મોતેસરીવાળા તથા પટેલ વશરામભાઇ મેઘજીભાઇ — રાયણનો માળવાળા તથા પટેલ શવગણભાઇ વીરજીભાઇ — મોડાસાવાળા તથા પટેલ કરસનભાઇ ખેતાભાઇ — દેરોલવાળા વગેરે વક્તાઓએ કેળવણી તથા ધાર્મિક વિવેચનો કર્યા હતાં અને બાકીનું કાર્ય તા. ૧૮—૧૨—૧૯૪૩ ને દિવસે મુલતવી રાખી, સભા વિસર્જન કરવામાં આવી હતી.
બોલો ॥ શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મ કી જય
તા. ૧૮—૧૨—૧૯૪૩નો કાર્યક્રમ
મે. પ્રમુખ સાહેબ તથા ઉપ—પ્રમુખ સાહેબ તથા સેક્રેટરી સાહેબ પોતાને આસને બિરાજતાં મંગલાચરણ થયા બાદ સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
મહારાજશ્રીનું ભાષણ
સુજ્ઞ મહાશયો, શ્રી ગીતામાં ભગવાને કહ્યું છે, કે મહાન પુરૂષો જે જે આચરણો કરે છે, તે જોઈને બીજા સાધારણ મનુષ્ય, પણ તેજ પ્રમાણે આચરે છે. આપણે જેવા સંસ્કારો રાખીશું, તેવા જ સંસ્કારો આપણા બાળકોમાં પણ આવશે. આપણા બાળકોને જો રામ બનાવવા માંગતા હશું તો આપણે રાજા દશરથ જેવા બનવું પડશે. આપણા મહાન ધર્મગ્રંથો જેવાં કે રામાયણ, મહાભારત કે જેની અંદર આપણી શું શું ફરજો છે, તે આપ વાંચી જુઓ. કે જેથી આપણને ખ્યાલ આવે. વિશેષમાં યુવાન ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે, આપણાં પોતાના માતા—પિતાઓની પૂર્ણ ભાવથી સેવા કરવી, કારણ કે સઘળાં તીર્થો તેમનાં ચરણોમાં વસી રહેલા છે. એક ભજનમાં કહ્યું છે કે, ધિક્કાર એવા પુત્રને, સેવા જો ના કરે, તેનો અર્થ એવો થાય છે કે જે પુત્ર, માતા—પિતાઓની સેવા કરતો નથી, તેને ફીટકાર છે. સર્વાનુમતે જે ઠરાવો નક્કી કર્યાં છે તે જોઈ હું ઘણો જ આનંદ પામ્યો છું. તેનું યથાર્થ પાલન કરવા, પ્રભુ સર્વને આત્મબળ આપો, એવી મારી પ્રભુ પ્રત્યે વંદના છે.
ઉપપ્રમુખ સાહેબનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સભાસદ ભાઈઓ
આપણી જ્ઞાતિમાં કન્યા વિક્રય બિલકુલ હતો નહિ. પરંતુ હાલમાં કેટલેક ઠેકાણે ખાનગીમાં કન્યા વિક્રય થવા લાગ્યો છે. તો તે અનિષ્ટ કર્મ સદંતર બંધ થાય તેનો બંદોબસ્ત થવા માટે ખાસ જરૂરીયાત છે. કારણ કે કન્યા વિક્રય એ મહાન પાપ છે. તે જો આ અનિષ્ટ પ્રથા આપણી જ્ઞાતિમાં જડ ઘાલી બેસશે તો આપણે અધોગતિમાં રહીશું. તેના માટે તેનો પૂર્ણ વિચાર કરી એ ઠરાવનું બંધારણ કરી પસાર કરવો એવી મારી દરેક પ્રત્યે નમ્ર વિનંતી છે. ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી રીતરિવાજ તથા બંધારણોના ઠરાવો સર્વાનુમતે મુકરર કરી સેક્રેટરીએ રજૂ કર્યાં પછી વાંચી સંભળાવવામાં આવ્યા હતા. તે નીચે મુજબ છે.
ઠરાવ—૧ (પીન્ડનું સુતક)
૧ | બાળકના જન્મ પછી વૃદ્ધિના દિવસો પૂરા થયે મંદિરે દર્શન કરવા જવું. પુત્રનો જન્મ હોય તો રૂ. ૦॥ યા પુત્રીનો જન્મ હોય તો રૂા. ૦। પ્રભુને ભેટ ધરી તેમનું ચરણામૃત લઈ પવિત્ર થવું. |
૨ | જન્મનાર બાળકનું પૂરેપૂરું નામ, ગામ, અટક તથા જન્મતિથી ચોપડે નોંધાવવી. |
૩ | કુટુંબીઓને દિવસ ૧૦ (દસ) સુધી સુતક લાગે છે. |
ઠરાવ—૨ (સગપણ)
૧ | પુત્રની ઉંમર પ (પાંચ) તથા પુત્રીની ઉંમર ૩ (ત્રણ) વર્ષની વીત્યા બાદ સગપણ મુકરર કરવું અને તે અરસામાં દાગીનાઓ પીન્ના ઘાટે આપવા. |
૨ | સગપણ નક્કી થયા પછી વર પક્ષે કન્યા પક્ષને કાંચલા નંગ ૨ (બે) ગોળ શેર ૧। ત્યાં રૂ. ૦॥ રોકડો આપવો. |
૩ | સગપણ મુકરર કર્યાં પછી એટલે લગ્ન થયાં પહેલાં કરેલ સગપણનાં છોકરામાં કોઈ કુદરતી ખોટ રહી જાય અને તેનો છેડો છુટ કરવો હોય તો પાંચ ગામનાં પંચોએ મળી કરવો પરંતુ ગ્રામ્ય પંચાયતથી તેનો નિકાલ કરવો નહિ. |
૪ | દુધ પીયણામાં ઓઢણી વાર બે ત્યાં રૂ. ૧। રોકડો મુકવો. અને જો કન્યા પક્ષ જમણ જમાડે તો રૂ. ૧। ને બદલ રૂ. ૪। રોકડાં વરપક્ષે આપવા. |
૫ | સગપણ થઈ ગયા બાદ પહેલી દિવાળીએ રૂ. ૦। અને પછીની દરેક દિવાળીએ રૂ. ૦। આપી કંઈ વળતર લેવી દેવી નહિ. |
૬ | પહેલી હુતાશનીમાં રૂ. ૦॥। અને પછીની દરેક હુતાશનીએ રૂ. ૦॥ રોકડો આપી કંઈ વળતર લેવી દેવી નહિ. |
૭ | પહેલી જન્માષ્ટમીએ રૂ. ૦। અને પછીની દરેક જન્માષ્ટમીએ રૂ. ૦ (શૂન્ય) રોકડા આપી કાંઈ વળતર લેવી—દેવી નહિ. |
ઠરાવ—૩ (લગ્ન વિધિ)
૧ | લગ્ન લખતી વખતે લગ્ન પડામાં કન્યા પક્ષે રૂ.૦॥ રોકડો મુકવો અને વર પક્ષે રૂા.૦॥ આપી લગ્ન વધાવવું. |
૨ | જાનમાં (વર તથા અણવર સિવાય) માણસોની સંખ્યા ૨૦ તથા ગાડાં ૨ જઈ શકે. તે ઉપરાંત માણસોની સંખ્યા વિશેષ હોય તો માણસ દીઠ રૂ. ૧ (એક) વરપક્ષે કન્યા પક્ષવાળાને આપવા. અને ગાડાંની સંખ્યા વધારે લાવવી હોય તો પોતાને ખર્ચે લાવે. |
૩ | વાયણાના રૂ. ૧૨॥ આપવા તથા પરચુરણ લાગાના રૂ. ૩॥ કુલે દેવા. તેમાંથી રૂ. ૧। ધર્માદામાં મૂકી બાકી રૂ. ૨। કન્યાના બાપે લેવા. આથી અગાઉ દરેક માણસ દીઠ આઠ આના લેવામાં આવતા હતા તે સદરહુ તારીખથી બંધ કર્યાં છે. |
૪ | ચોરીમાં વાસણો માટે પ્રજાપતિનો જે લાગો થાય તે બંને વેવાઈઓએ અડધોઅડધ આપવો અને ચોરીનાં વાસણો પણ અડધોઅડધ લઈ લેવાં. લગ્ન વિધિ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવી અને તેની દક્ષિણા બંને વેવાઈઓએ અડધોઅડધ દેવી. |
૫ | પરણતી વખતનું પડલું કન્યાના માપસર તેમ સુતરાઉ આપવું અને તેની વળતરમાં વરને જોડી બદલ તેના માપસર સુતરાઉ લુગડાંઓની પૂરેપૂરી પહેરામણી કરવી. |
૬ | પડલાની છાબમાં પતાસા શેર ૨॥ વરપક્ષે આપવાં અને તેની બદલ કન્યાપક્ષે થાળી ૧ (એક) વાડકો ૧ (એક) પિત્તળના આપવાં. |
૭ | સદરહુ તારીખથી છ, છ વર્ષના અંતરે લગ્ન કરવાં અને લગ્નના સમયથી છ માસ અગાઉ જ્ઞાતિની જનરલ સભા બોલાવી સર્વાનુમતે લગ્નતિથિ નક્કી કરવી. કદાચ તે સમયની અંદર કોઈ વર—કન્યા ઉપર કુદરતનો કોપ થાય તો તેવાંઓને છુટાં લગ્ન કરવાની છુટ છે. |
૮ | કન્યા પરણીને ઘેર ગયા પછી પરણેતર વાયણું ન લઈ જતાં એક જ માણસે જઈને કન્યાને તેડી લાવવી. |
૯ | કન્યા પરણીને જ્યારે જાનીવાસે જાય ત્યારે રૂ. ૧ (એક) રોકડો વરપક્ષે કન્યાને નમસ્કારનો આપવો. |
ઠરાવ—૪ (આણેલાં સંબંધી)
૧ | કન્યાની ઉંમર ચૌદ વર્ષની થાય ત્યારે સુતરાઉ પડલું મોકલવું અને પહેલું આણેલું કરવું, તેમાં આવનાર માણસની સંખ્યા ૧૦ (દસ)થી વધુ ન હોવી જોઈએ. વરપક્ષે કન્યા પક્ષવાળાને રૂ. ચાર (૪) ચાર રોકડા દલદાર આપવા. |
૨ | કન્યાની ઉંમર ૧૫ (પંદર) વર્ષની થાય ત્યારે બીજું આણેલું કરવું. તેમાં આવનાર માણસની સંખ્યા ૩થી વધુ ન હોવી જોઈએ. |
૩ | કન્યાની ઉંમર ૧૬ (સોળ) વર્ષની થાય ત્યારે જન્માષ્ટમી વિત્યા બાદ સાસરે મોકલવી. તેડવા આવનાર માણસ બે હોવાં જોઈએ. |
ઠરાવ—૫ (ઝીયારૂં)
૧ | આપણી બહેન દીકરીને જીયારું આપવા આપણે પોતાને ઘેર બોલાવી પોતાની યથાશક્તિ પહેરામણી આપી તેમને ઘેર મોકલવાં. તેવી જ રીતે જીયારા સંબંધમાં પોતાના અંગત સગાંઓએ પણ પોતાને ઘેર બોલાવી પહેરામણી આપવી. |
૨ | બાળકના બાપના મોસાળ પક્ષને સાડલા પહેરાવવાનો રિવાજ સદરહુ તારીખથી બંધ કરવામાં આવે છે. |
ઠરાવ—૦૬ (પુનર્લગ્ન)
૧ | પુનર્લગ્નનો રિવાજ છે તે કાયમ રાખવામાં આવે છે. |
૨ | આપણી જ્ઞાતિમાં કોઈપણ સંજોગોમાં કોઈએ કન્યાવિક્રય બિલકુલ કરવો નહિ. જો કોઈ આ ઠરાવનો ભંગ કરશે અથવા કરાવશે તો તે આ સંસ્થાનો ગુનેગાર ગણાશે. |
ઠરાવ—૦૭ (કારજ)
૧ | ૪૦ વર્ષ પછીની ઉંમરમાં અવસાન પામેલ વ્યક્તિનું પરોજણ પોતાના સગાસંબંધીઓને તેડી કરવું હોય તો તેને છુટ છે. |
૨ | ૪૦ વર્ષની અંદરની ઉંમરમાં થયેલ અવસાનનું કારજ કરવું નહિ. અને કદાચ કારણોવશાત્ તે કરવું હોય તો ગામના ભાઈઓ તથા છોકરાંઓ જમી શકશે. |
ઠરાવ—૦૮ (ધર્માદા ગ્રામ્ય બંધારણ)
૧ | ખેતી કરનાર દરેક વ્યક્તિએ પોતાની ઉપજ જેવી કે અનાજ, કપાસ, તેલીબીયાં વગેરેમાંથી દર વર્ષે દર મણે શેર ૧/— ધર્માદામાં આપવું. તથા મજૂર વર્ગમાં સારી સ્થિતિની વ્યક્તિઓએ દર વર્ષે રૂ. ૫/— અને સાધારણ સ્થિતિની વ્યક્તિઓએ રૂ. ૧।/— ધર્માદામાં આપવો. |
ઠરાવ—૦૯ (જ્ઞાતિ સ્થાપનાના ફંડ વિશે)
૧ | આપણી જ્ઞાતિ સંસ્થાના ફંડમાં દર વર્ષે હળ દીઠ રૂ. ૫/— દરેક ગામના આગેવાનોએ સીઝનમાં ભેગા કરી પોતાના ગામમાં સંસ્થાની કમિટીના સભ્યોને સોંપવા, તેનો હિસાબ સંસ્થા જ્યારે માંગે ત્યારે સભ્યે આપવો. આ ફંડનો ઉપયોગ સંસ્થાને અનુકૂળ લાગે ત્યાં કરી શકશે અને તેનો હિસાબ સભ્યોએ સંસ્થામાંથી નોંધ લઈ પોતાના ગામના ભાઈઓને સમજાવવા. |
ઠરાવ—૧૦ (વૃદ્ધ તથા અશક્ત જાનવરો માટે)
૧ | આપણે ઘેર રાખેલી ચોપગાં પ્રાણીઓ જેવાં કે બળદ, ગાય, વાછરડાં, ભેંસ, પાડાં વગેરે વૃદ્ધ તથા આપણાં કામમાં ન આવે તેવા પ્રાણીઓને પૈસાના લોભથી વધસ્થાને લઈ જાય એવી વ્યક્તિને આપવા નહિ. |
ઠરાવ—૧૧ (જન્માષ્ટમીના તહેવારો વિષે)
૧ | જન્માષ્ટમીના તહેવારોમાં રાંધણછઠ, શીતળા સાતમ એ બે દિવસોમાં દિવસના ભાગમાં બાઈઓએ રાસ વગેરે ગાવાં અને જન્માષ્ટમીના દિવસે રાસ ગાવાં. તથા રાત્રે મધ્ય રાત્રિ સુધી (ભગવાનના જન્મોત્સવ) સુધી જાગરણ કરવું. અષ્ટમીની રાત્રિ સિવાય આ તહેવારોમાં રાત્રિએ જાગરણ કરવું નહિ. |
ઠરાવ—૧૨ (નવરાત્રિ ઉત્સવ)
૧ | નવરાત્રીના ઉત્સવમાં ચોક વચ્ચે ગરબી પૂજન આરતી કરી ઉત્સાહપૂર્વક માતાજીના ગરબા ગાવા, તે સિવાય સ્વાંગ બદલી નાટક કે ભવાઈ કરવી નહિ. |
ઉપર લખ્યા ઠરાવોનું ઉલ્લંઘન કરનાર દરેક વ્યક્તિ આ સંસ્થાની ગુનેગાર ગણાશે અને તેની સાથે આ સંસ્થાનો કોઈ પણ સભ્ય ખાવા—પીવાનો વહેવાર રાખશે તો તે પણ આ સંસ્થાનો ગુનેગાર ગણાશે, સદરહુ તારીખથી આ સંસ્થામાં આવનાર વ્યક્તિએ સંતપંથી સાથેનો ખાવા—પીવાનો વહેવાર સદંતર બંધ કરવો પડશે. ઉપરના ઠરાવો અમો નીચે સહીઓ કરનાર સર્વ ભાઈઓએ હળીમળીને એકસંપ થઈ પસાર કરેલા છે. તે ઠરાવોને શુદ્ધ હૃદયથી અને દૃઢ મનથી પાળવા અમો તથા અમારા વંશવારસ બંધાયેલાં છીએ, તે બદલ અમોએ આ નીચે સહીઓ કરી છે.
પા. હરીભાઈ કરમશીભાઇનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા ઉપ—પ્રમુખ સાહેબ તથા પૂજ્ય જ્ઞાતિ બંધુઓ,
આજે આપ સર્વ બંધુઓએ જે સુધારા—વધારાના ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા છે. તે જોઈ મારું હૃદય પ્રફુલ્લિત થયું છે. શ્રી માતાજી ઉમિયા દેવીની પૂર્ણ કૃપાથી મારો પરિશ્રમ સફળ થયો છે અને તે આપ સર્વ બંધુઓની ધગશને આભારી છે. મેં નિશ્ચય કર્યો હતો કે આ કાર્ય નિર્વિઘ્ને પસાર થાય તો શ્રી કુળદેવી ઉમિયાજીનું મંદિર (કચ્છ) બાંધવામાં આવે તો તેની અંદર રૂ. ૧૦૦૧/— આપીશ, તે આજે આ સભામાં હું જાહેર કરું છું કે કચ્છમાં આપણી કુળદેવીના મંદિરની ખાસ જરૂર છે. જેના માટે બીજા ભાઈઓ પણ યથાશક્તિ મદદ કરશે તેવી હું આશા રાખું છું.
ત્યાર બાદ કચ્છમાં ઈશ્વરનગર (વાંઢાય)માં કુળદેવીની સ્થાપના મુકરર કરવામાં આવી અને તેના રૂ. ખરડામાં થયા હતાં. તથા અંધશાળા ફંડના રૂ. તથા રિપોર્ટ છપામણી રૂ. ખરડાઓમાં આવ્યા હતા.
પા. ખીમજીભાઈ શવગણભાઈનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો,
આપ સર્વ બંધુઓના પધારવાથી અમોને દર્શનનો લાભ થયો છે. આપની સેવા ઉઠાવવામાં કાંઈ પણ ખામી હોય તો ક્ષમા કરશો. આપશ્રીએ જે તકલીફ ઉઠાવી છે તે બદલ અમો આપનો આભાર માનીએ છીએ.
પા. શીવજીભાઈ સોમજીભાઈ અદલપુરાવાળાનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો,
અત્રેની સભાનું પદ્ધતિસર અને નીખાલસ હૃદયથી જે કામકાજ થયું છે, તે જોઈ મને ઘણો જ આનંદ થયો છે. અત્રેના ભાઈઓ એ ચાર—ચાર દિવસથી જ્ઞાતિસેવા બજાવવા તત્પર થયા છે, તેમને હું ઘણો જ ધન્યવાદ આપું છું. વિશેષમાં કેપ્ટનો તથા વોલીંટીયરોએ રાત્રિ દિવસ તનતોડ મહેનતે ખડે પગે સેવા બજાવી તે બદલ તેમને હજારો વાર ધન્યવાદ છે. તેવી જ રીતે દરેક યુવાનોએ જ્ઞાતિ સેવામાં મગ્ન રહેવું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું.
કેપ્ટન નં. ૨ પા. માવજીભાઈ લાલજીભાઈનું ભાષણ
પૂજ્ય મુરબ્બીઓ, અમો વોલીંટીયરો તરફથી આપની સેવામાં કોઈ પણ જાતની ખામી આવી હોય તો તે બદલ અમારી પાર્ટી તરફથી હું આપની પાસે ક્ષમા યાચું છું.
પા. વાલજીભાઈ શવગણભાઈનું ભાષણ
ગદ્ગદ્ કંઠે બોલતાં જણાવ્યું કે, પૂજ્ય મુરબ્બીઓ, હું વોલીંટીયર નં. ૨માં નીમાયો હતો. પરંતુ મારા કમભાગ્યે એક જ દિવસ આપની સેવાનો લાભ ઉઠાવી શક્યો અને બીજે દિવસે તાવ આવવાથી હું આપની સેવા બજાવવા નિષ્ફળ નીવડ્યો. મારે ઘણી જ ઉમેદ હતી કે હું મારાથી બનતી સેવા ખરા અંતઃકરણથી બજાવીશ પણ લાચાર કે તે બાબતનો લાભ મેળવી શકાયો નહિ.વિશેષમાં મારી તબીયત નરમ હોવાને લીધે વધારે વિવેચન કરવા લાચાર છું માટે આપ સર્વ ક્ષમા કરશો.
પા. ભાણજીભાઈ કરસનભાઈ—ગામ રામપુરાવાળાનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો,
ભાઈશ્રી વાલજીભાઈએ જે ભાષણ આપેલ તેને હું અનુમોદન આપતાં કહું છું કે આપે જે જ્ઞાતિ સેવા કરવાની સાચા હૃદયની ધગશ બતાવી છે તે માટે તમોને ધન્યવાદ આપું છું. વિશેષમાં બીજા વોલીંટીયરોએ જે સેવા બજાવી છે તે તમોએ જ બજાવી છે. ઈશ્વર આપની તબીયત તાત્કાલિક ક્ષેમકુશળતામાં રાખે એવી મારી અંતરની પ્રાર્થના છે.
પા. કરસનભાઈ ખેતાભાઈ દેરોલવાળાનું ભાષણ
પૂ. જ્ઞાતિબંધુઓ, માતાઓ તથા બહેનો,
આપણા આચાર—વિચારમાં પણ ઘણી જ ખામી જણાય છે. તો દરેક ભાઈઓએ પ્રથમ પોતાના ઘરમાં આચાર—વિચાર શુદ્ધ રાખી પછી આપણા બીજા ભાઈઓને પણ તેનું રહસ્ય સમજાવવું, કારણ કે આચારો પ્રથમો ધર્મ એટલે પહેલો ધર્મ આચારો શુદ્ધ રાખવાં. વિશેષમાં આપણે ઘેર બ્રાહ્મણ, સાધુ, સંત આવે તો તેને આપણી યથાશક્તિથી પુણ્યદાન કરવું એ ગૃહસ્થાશ્રમનો ધર્મ છે. માટે મારા બે બોલ ઉપર આપ સર્વ લક્ષ્ય આપશો એવી હું આશા રાખું છું.
પા. રામજીભાઈ વાલજીભાઈનું ભાષણ
પૂજ્ય જ્ઞાતિબંધુઓ, માતાઓ તથા બહેનો, આજ અમારા ધન્યભાગ્ય કે આપ જ્ઞાતિગંગા અમારે આંગણે પધારી અમોને પાવન કર્યાં છે. આપનાં પવિત્ર દર્શનથી અમારા હૃદય સાગરમાં હર્ષનાં મોજાંઓ ઉછળી રહ્યાં છે. વિશેષમાં આપની સેવા કરવા સંબંધમાં કાંઈ ખામી હોય તો તે બાબતોની અમો ક્ષમા માંગીએ છીએ. મારા ભાઈઓ વોલીંટીયરોએ જે તન—મનથી સેવાઓ બજાવી છે, તેમનો હું મોટો આભાર માનું છું.
પા. ગંગદાસભાઈ નાનજીભાઈનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સભાસદો, આપણી જ્ઞાતિ ગંગા અમારે આંગણે પધારી જેમ સોનાનો સૂર્ય ઉદય થાય. તેવી જ રીતે અમારા ગામનો ઉદય થયો છે. આપણી જ્ઞાતિ ઉન્નતિના શીખરે પહોંચી સનાતન ધર્મનો વિજય ધ્વજ ફરકી રહ્યો છે, તે શ્રી લક્ષ્મીનારાયણના પ્રતાપથી, વિશેષમાં પૂજ્ય મહાત્મા શ્રી ઓધ્ધવરામજીની અમી દૃષ્ટિથી આપણી જ્ઞાતિમાં દિન—પ્રતિદિન ઉન્નતિ થતી જાય એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના છે.
ઉપસંહાર
સજ્જનો, આપણે જે કાર્ય માટે એકત્ર થયા હતા તે ઈશ્વરની કૃપાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થયું છે. જે નિખાલસ હૃદયથી આપે સહકાર આપ્યો છે તેવી રીતે હરહંમેશ સહકાર આપતા રહેશો. આપણે પસાર કરેલા ઠરાવોનું શિસ્તપૂર્વક પાલન કરશો. વિશેષમાં આપણા જે ભાઈઓ અત્રે હાજર ન હોય તેને વાંચી—વંચાવી—સમજાવી આપણું સંઘબળ વધારવાની કોશિષો કરતા રહો એવી હું આશા રાખું છું.
પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજી અત્યંત પરિશ્રમ વેઠી આપણી જ્ઞાતિ ઉન્નતિ માટે અથાગ લાગણી ધરાવી રહ્યા છે તે બદલ આપણી જ્ઞાતિ સદાને માટે ઋણી છે અને તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. બોરડી ટીમ્બાવાળા ભાઈઓએ પણ જે જ્ઞાતિસેવા તન, મન, ધનથી બજાવી છે તેઓને માટે પણ ધન્યવાદ છે. અત્રેનું તમામ ખર્ચ જ્ઞાતિ ફંડમાંથી ન લેતાં બોરડી ટીમ્બાવાળા ભાઈઓએ શીર ઉપર લીધેલ છે, તો તેઓને પણ હજારોવાર ધન્યવાદ છે. કેપ્ટનો તથા વોલીંટીયરોએ જે અપાર સેવા બજાવી છે તે સંબંધમાં જેટલો ધન્યવાદ આપી શકાય તેટલો ઓછો છે. દરેક પધારેલા ભાઈઓનો અમો હાર્દિક આભાર માનીએ છીએ. પરમકૃપાળુ પરમાત્મા આપણને સદ્બુદ્ધિ આપે અને આપણી જ્ઞાતિનો ઉદ્ધાર થાય તેવી પ્રાર્થના છે. આપણી મિટિંગોનો અહેવાલ છપાઈ બહાર પડે તો સુંદર પ્રચારકાર્ય થાય તેવી દરેક ભાઈઓની માંગણી છે અને તેનું ફંડ પણ એકઠું થઈ ગયું છે. તો આ સભાનો અહેવાલ છપાવવાની મંજૂરી આપે છે.
આજની સભાનો કાર્યક્રમ સંપૂર્ણ થયેલો છે તો સભા વિસર્જન કરવામાં આવે છે. ત્યારબાદ સ્તુતિ થયા પછી શ્રી લક્ષ્મીનારાયણ તથા કુળદેવી ઉમિયાજી માતાના જયના હર્ષનાદો સાથે સભા વિસર્જન કરવામાં આવી હતી.
બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય ॥ સનાતન ધર્મ કી જય ॥
શાન્તિ શાન્તિ શાન્તિ
॥ ૐ ॥
શ્રી બોરડી ટીમ્બાગ્રામ્ય સભાનો અહેવાલ
તા. ૧૯—૧૨—૧૯૪૩ ની રાત્રે નવ વાગે સભા ભરવામાં આવી હતી. જેમાં ગામવાસી ભાઈઓ તથા બહેનોએ સારા પ્રમાણમાં હાજરી આપી હતી. રહી ગયેલા મહેમાનો પણ સભામાં પધાર્યા હતા. શરૂઆતમાં પ્રભુ પ્રાર્થના બાદ ભાઈશ્રી કરસન પંચાણે ગ્રામ્ય સભાના પ્રમુખ વેલજીભાઈ ભાણજીભાઈ તથા સેક્રેટરી ખીમજીભાઈ શવગણભાઈને પોતાના આસને બિરાજવાની દરખાસ્ત મૂકી હતી. જેને પ્રેક્ષકવર્ગે સહર્ષ વધાવી લીધી હતી. અને તાળીઓના હર્ષનાદ સાથે પ્રમુખ તથા સેક્રેટરીએ પોતાનાં આસન શોભાવ્યાં હતાં.
પ્રમુખ સાહેબ વેલજીભાઈનું ભાષણ
બંધુઓ, માતાઓ તથા બહેનો, આજની સભા યોજવાનો મુખ્ય ઉદ્દેશ એજ કે આપણા ગામના યુવક બંધુઓએ વોલીંટીયર તરીકેની પોતાની ફરજો સંપૂર્ણપણે બજાવી અને જ્ઞાતિ બંધુઓનો સત્કાર કરવામાં વિનય અને વિવેકથી સંપૂર્ણ યશ મેળવ્યો છે, તેઓને ધન્યવાદ છે. રાત્રિ દિવસ પરિશ્રમ વેઠી અથાગ જહેમત ઉઠાવી આપણા ગામને જે માન અને યશ આપ્યાં છે, તે બદલ તેમની કદર કરી ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપ અલ્પ ભેટ ગામ તરફથી દરેક વોલિટિંયર બંધુઓને એક એક રૂપીયો ભેટ આપવામાં આવે છે. મને આશા છે કે દરેક વોલીંટીયર બંધુઓ તેનો સહર્ષ સ્વીકાર કરશે.
ત્યારબાદ દરેક વોલીંટીયર બંધુઓને મળીને કુલે રૂપીયા ૩૪/—ની અલ્પ ભેટની બાટણી કરવામાં આવી હતી.
કેપ્ટન માવજી લાલજીનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા વડીલ બંધુઓ, માતાઓ તથા બહેનો, આપ વડીલોએ અમારી સેવાની કદર કરી જે ભેટ આપી છે તે બદલ દરેક વોલીટીંયર બંધુઓ તરફથી હું આપનો આભાર માનું છું. વિશેષમાં અમોએ અમારી ફરજથી કાંઈ પણ વિશેષ કર્યું નથી. દરેક યુવકની ફરજ છે કે પોતાના વડીલોની સેવા કરવી. તો આ તો જ્ઞાતિ ગંગા આપણે આંગણે પધારી તેની સેવા ન કરીએ તો અમારા હતભાગ્ય ગણાય, આપ વડીલોની આજ્ઞા શીરોમાન્ય કરવી તે અમારી પ્રથમ ફરજ છે. આ જગતમાં જન્મ લઈ જેણે પોતાના દેશની કે જ્ઞાતિની સેવા નથી કરી તેવા અભાગીઓને ધિક્કાર છે. અમોને આપેલ ભેટ લેવા અમોને અધિકાર નથી, છતાં આપ વડીલોના માનની ખાતર તેનો આભાર સાથે સ્વીકાર કરીએ છીએ અને જ્યારે જ્યારે તે જ્યાં જ્યાં અમારી સેવાની જરૂર પડે ત્યારે આપ વડીલોની આજ્ઞા પાળવા સર્વ તૈયાર છીએ.
સેક્રેટરી મી. ખીમજીભાઇ શવગણભાઇનું ભાષણ
આપણા ગામના માસ્તર સાહેબ નાનજીભાઇ કરશનદાસ પટેલ રહીશ કચ્છ નેત્રાવાળા એ જે દિવસ રાત્રી મહેનત ઉઠાવી જનરલ મીટીંગનો કાર્યક્રમ લખવામાં તથા રિવાજોના બંધારણોમાં જે અથાગ બુદ્ધિનો સંપૂર્ણ રીતે ભોગ આપેલ છે, તે બદલ તેમની કદર કરી રૂા. ૩) ગામ તરફથી ન્યૂનતમ ભેટ આપવામાં આવે છે. જેનો તેઓશ્રી સ્વીકાર કરે એવી હું એમના પ્રત્યે આશા રાખું છું.
માસ્તર સાહેબ નાનજીભાઈ કરશનદાસનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ ત્યાં માનદ મંત્રી સાહેબ ત્યાં પૂજ્ય મહારાજશ્રી તથા વડીલ બંધુઓ, માતાઓ તથા બહેનો, આપશ્રીએ મારી અલ્પબુદ્ધિની કદર કરી મને જે માન આપ્યું તે બદલ હું આપનો મારા ખરા અંતઃકરણપૂર્વકથી આભાર માનું છું. મહાશયો, હું પણ આપનો જ જ્ઞાતિબંધુ છું. જે આપની જ્ઞાતિ છે તે જ મારી પણ પૂજ્ય જ્ઞાતિ માતા છે. જેટલો આપને સેવાનો હક્ક તેટલો જ મને પણ છે. તો મેં જે સેવા બજાવી તેમાં કાંઈ નવીનતા કરી નથી. જ્ઞાતિની સેવા કરવી એ મહાન ફરજ છે. કોઈ તનથી કરે, કોઈ મનથી કરે, કોઈ ધનથી પણ કરે છે, એ વાક્યોના અનુસારે આપ તરફથી જે ભેટ આપવામાં આવે છે તે લેવાને હું યોગ્ય નથી. પરંતુ આપ મારા વડિલ છો એટલે આપની આજ્ઞાને માન આપી આપની અલ્પ ભેટનો સ્વીકાર કરું છું.
ત્યારબાદ સેક્રેટરી સાહેબે જણાવ્યું હતું કે દેરોલ કંપાના માસ્તર સાહેબ નાથાલાલભાઈએ પણ પોતાનો કીંમતી વખતનો ભોગ આપી જનરલ મિટિંગનો અહેવાલ લખવામાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે બદલ તેમને રૂ. ૬/— ભેટ આપવામાં આવે છે.
માસ્તર સાહેબ નાથાલાલભાઈનું ભાષણ
મે. પ્રમુખ સાહેબ તથા સજ્જનો અને માતાઓ આપની મિટિંગમાં હાજર રહેવા બદલ મારા ભાગ્યને ધન્ય માનું છું. આપ પાટીદાર જ્ઞાતિનો ભાગ્યોદય જોઈ મને અત્યંત હર્ષ થયો છે. આપને ઉન્નતિના શિખરે પહોંચેલો જોઈ મારું હૃદય પ્રફુલ્લિત થયું છે. આપની જ્ઞાતિનો સોનેરી સૂર્ય સંપૂર્ણ કળાએ પ્રકાશિત થઈ અઘોર અજ્ઞાનરૂપી તિમિર નષ્ટ કરે એવો મારો શુભ આશીર્વાદ છે. વિશેષમાં સનાતન ધર્મની સિંહ ગર્જનાથી વિજયવાવટો ચારે બાજુએ ફરકી આપની જ્ઞાતિની ઉન્નતિ દિન—પ્રતિદિન ચઢતીમાં જાય એવી મારી પરમાત્મા પાસે વારંવાર પ્રાર્થના છે.
પા. શામજીભાઈ હરજીભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા સજ્જનો,
આપના પ્રિય યુવક બંધુઓએ વડીલોની આજ્ઞા ઉઠાવી જ્ઞાતિ સેવા બજાવી છે. તે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. હું અપીલ કરું છું કે જેમ મિલીટરી સિપાઈઓ પોતાના સરદારને વફાદાર રહી હુકમ ઉઠાવે છે તેમ તમો પણ મિલીટરી માફક પોતાના ઉપરીનો હુકમ બજાવશો તો તમારો સદાને માટે વિજય છે એમ ખાતરીથી માનજો. વિશેષમાં તમોએ ઉઠાવેલ અજોડ સેવા બદલ હું આપને મારા હૃદયની લાગણી ધરાવી વારંવાર ધન્યવાદ આપું છું.
પા. શીવજીભાઈ પ્રેમજીભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા સર્વ સભાસદો,
અમારા યુવક મંડળને અમારા વડીલશ્રી શામજીભાઈ હરજીભાઈએ જે મિલીટરી તરીકેની ઉપમા આપી છે, તેનો અર્થ એ થાય છે કે, યુવાન વર્ગોએ સંગઠનમાં રહેવું અને વડીલોની આજ્ઞા પાળવા તત્પર રહેવું. તો તે સંબંધમાં મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે તેવી પ્રેરણાઓ અમારા હૃદયની અંદરમાં વાસ કરતી જ રહે.
પા. રાજારામભાઈ ડાહ્યાભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા બંધુઓ,
જેવી રીતે આપણા ગામની આજની સભા ભરાઇ છે તેવી જ રીતે મહીને યા છ મહિને જો સભા ભરાતી રહેશે તો ધર્મનો ઘણો પ્રચાર થાય અને દરેકને કેળવણી મળી શકે.
કરશનભાઇ પચાણભાઇનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા સર્વ સભાસદો,
ભાઈશ્રી રાજારામે જે દરખાસ્ત મૂકી તેને હું ટેકો આપું છું. જો દરેક મહીને આપણા ગામની સભા ભરાય તો દરેક પોતાના ધાર્મિક વિચારો જણાવી શકે અને તેમાં માતાઓ તથા બહેનો પણ હાજરી આપે તો આપણા આચાર વિચારમાં પણ કંઈ ખામી હોય તો તે સુધરી શકે છે. અને ગામમાં કુસંપ જેવું જણાય તો પણ દૂર થાય છે. માટે દરેક વ્યક્તિએ પોતાના હૃદયની અંદર વેરઝેર કાઢી શુદ્ધ વાક્યોથી એક બીજાના ગુણદોષ જાહેર કરે અને તેનું નિવારણ થાય માટે દરેક માસે સભા ભરવી. ત્યાર બાદ સર્વાનુમતે પ્રમુખ સ્થાનેથી દરેક માસની વદ ૧૪ની રાત્રે સભા ભરવી એવું જાહેર કરવામાં આવ્યું હતું.
પા. નારણભાઈ રતનશીભાઈ શાન્તીપુરાવાળાનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા જ્ઞાતિબંધુઓ !
આપના ગામના સદ્વિચારો જાણી મને ઘણો જ આનંદ થયો છે. માતાઓ પણ ધાર્મિક વિષયમાં ઠીક ભાગ લઈ રહ્યાં છે તે વખાણવા યોગ્ય છે. ખરેખર બાળકોને કેળવવામાં માતાનો પહેલો હિસ્સો છે. જેની માતા સદગુણી હોય છે તેના બાળકો પણ સદગુણી નીવડે છે. આપના ધાર્મિક રીતરિવાજો ધન્યવાદને પાત્ર છે.
પા. કરશનભાઈ કાનજીભાઈનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા સભાસદો,
આપણા ગામની અંદર એક નાની લાયબ્રેરી થાય એવી મારી પ્રમુખ સાહેબ પાસે માંગણી છે. કારણ કે ગરીબ નાનાં બાળકો તથા યુવાન વર્ગ, પુસ્તકો વાંચી તેનો લાભ મેળવી આગળ વધી શકે છે.
પ્રમુખ સાહેબ વેલજીભાઈ ભાણજીભાઈનું ભાષણ
સર્વ બંધુઓ, માતાઓ તથા બહેનો, કરશનભાઈએ લાઇબ્રેરી બાબતની માંગણી કરી તે સંબંધમાં હું તેમને પૂરતો ટેકો આપું છું અને તે માટે તેના ફંડમાં રૂ. ૨૫/— આપું છું. ત્યારબાદ રાજારામભાઈએ રૂ. ૫/— તથા શામજીભાઈએ રૂ. ૫/— પંચાણભાઈએ રૂ. ૨૫/— વગેરે કુલ રૂ. ૬૦/—નો ખરડો થયો હતો. વિશેષમાં યુવાનવર્ગો પાસે મારી વિનંતી છે કે લાઇબ્રેરીની વ્યવસ્થા તમારે કરવી અને તેની અંદર પુસ્તકોની માવજત તથા સારું વાંચન વાંચી તેનો સદુપયોગ કરવો યા કરાવવો અને સારું શિક્ષણ મેળવીને યશસ્વી બનો એવી મારી દરેક પ્રત્યે સ્નેહભાવની લાગણી છે. વિશેષમાં આ બાબત ઉપર આપણા ગામના આગેવાન સર્વ ભાઈઓ તરફથી પણ સારો ટેકો મળશે. આજની સભાનો ટાઇમ વિશેષ થયો હોવાને લીધે બાકીનો કાર્યક્રમ આવતા માસની વદ ૧૪ની રાત્રે મુલતવી રાખી આજની સભા વિસર્જન કરવામાં આવે છે.
બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય
॥ શ્રી ૐ ॥
પૂ. પા. શ્રી દયાળદાસજી તા. ૨૨—૧૨—૧૯૪૨
સ્થળ : માધવપુરા (મંદિર)
સજ્જનો, પાટીદાર જ્ઞાતિની દિવસાનુંદિવસ ઉન્નતિ થતી જોઈ હું ઘણો જ પ્રસન્ન થયો છું. ચાલુ માસમાં આપણી જ્ઞાતિની બે મિટિંગો થઈ હતી. તેમાં આપણી જ્ઞાતિના જે ઠરાવો ઘડાયા છે તે આજે વાંચી સંભળાવવામાં આવશે. બોરડી ટીમ્બાની સભામાં અત્રેના શ્રી પા. વાલજીભાઈ ભાણજીભાઈ આવેલ અને ત્યાંની સભાનું કામકાજ જોઈ તેઓને ઘણો આનંદ થયેલો તેથી તેઓએ બોરડી ટીમ્બા વિજય મંડળને પોતાને ત્યાં પધારવા આમંત્રણ આપ્યું હતું. તેથી ઉપર જણાવેલ તારીખે આમંત્રિત ભાઈઓ આવ્યા. તેમનું ગામ તરફથી સુંદર સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ અત્રે એક નાની મીટીંગ થાય એવી દરેક ભાઇઓની તથા ગામનીઇચ્છા હોવાથી મીટીંગ ભરવામાં આવનાર છે તો તેના પ્રમુખશ્રી તથા સેક્રેટરીની નિમણુક કરવી જોઇએ.
ખીમજીભાઇ શવગણભાઇ બોરડીટીંબા
આજની નાની મીટીંગના પ્રમુખ તરીકે શ્રી પા. વાલજીભાઇ ભાણજીભાઇ તથા સેક્રેટરી તરીકે શ્રી પા. વશરામભાઇ શીવજીભાઇની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવે છે અને પ્રભુ પ્રાર્થના થયા બાદ તેઓશ્રી પોતાનું સ્થાન લે એવી હું તેમને વિનંતિ કરું છું
ત્યારબાદ પ્રમુખશ્રી તથા સેક્રેટરી શ્રી પોતાના સ્થાને બિરાજ્યા ત્યારે પુષ્પ તથા તાળીઓના અવાજથી તેઓને સહર્ષથી વધાવવામાં આવ્યા અને પ્રભુ પ્રાર્થના થયા બાદ સભાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રમુશ્રી વાલજીભાઇ ભાણજીભાઇ
અત્રે પધારેલા સર્વ ભાઇઓએ જે પદને હું લાયક નથી છતાં તે પદે મારી નિમણુક કરી તે બદલ તેમનો હું આભાર માનુ છું.
પૂ. પા.શ્રી દયાળદાસજી
ગામશ્રી બોરડીટીંબામાં જનરલ મીટીંગ ભરાઇ ને સર્વાનુમતે ઠરાવો પસાર કરેલા છે. તે વાંચી સંભળાવવામાં આવશે તેમા કોઇને કોઇ પણ પ્રકારનો સંશય હોય તો પ્રમુખશ્રી આગળ આવી સંશય જાહેર કરવો જેથી તેનો ખુલાસો કરવામાં આવશે. વિશેષમાં પ્રમુખશ્રીને ઇશ્વર તુલ્ય સમજી તેમની આજ્ઞાનું પાલન કરવું એ દરેક ભાઇઓની ફરજ છે. તે અદા કરશો.
સેક્રેટરી વશરામભાઇ
આપણી જ્ઞાતિમાં ગામશ્રી બોરડીટીંબામાં સભા ભરવામાં આવી તેમા હું આવી ન શકયો કારણ કે તે દિવસે મારે અણચંતવ્યું કામ આવી પડયું હતું. હું એમ ધારતો હતો કે સભા બીજે દિવસે વિસર્જન થશે,એમ ધારી ત્રણ ચાર દિવસ સભા રહી છતાં મારાં કમભાગ્યે તેનો લાભ મેળવી શકયો નહિ તે બદલ હું દિલગીર છું
પા. શવગણભાઇ વાલજીભાઇ
ભાઇશ્રી વશરામભાઇની વાતને અનુમોદન આપતાં જણાવું છું કે બોરડીટીંબામાં સભા ભરાઇ તે દિવસે તેમને ઘણું જ અગત્યનું કામ આવ્યું હતું જેથી તેમનાથી હાજરી આપી શકાઇ નહિ.
ત્યારબાદ ઠરાવોની નકલ તથા સુધારા વધારા જે કરેલા હતા તે ચોખવટથી વાંચી સંભળાવવામાં આવ્યા તથા પ્રમુખશ્રી તરફથી ગામના ભાઇઓ તથા બહેનો દરેકે ઠરાવોનું પાલન કરવું પડશે તેવી કડક સુચના અપાઇ હતી.
શ્રી પા. કરશનભાઇ વાલજીભાઇ
આપ સર્વે ભાઇઓએ અત્રે પધારી અમોને ઘણાજ આભારી કર્યા છે અને અમોને જનરલ મીટીંગમાં થયેલા ઠરાવો સંપૂર્ણ વિવેચન સાથે વાંચી સંભળાવ્યા છે. વિશેષમાં ધાર્મિક ચર્ચાઓ કરી તથા તેમનું કેવી રીતે પાલન કરવું તે સંબંધમાં જે જે ખુલાસા કર્યા અને અમો દરેક ભાઇઓ તથા બહેનો વગેરેને સંપૂર્ણ વાંચી સંભળાવ્યા તે બદલ અમો આપનો ઘણો જ પાડ માનીએ છીએ.
શ્રી પા. રામજી વાલજી ગઢશીશા(કચ્છ)
આજથી અગાઉ કોઇપણ સભાની અંદર હું બોલેલ નથી જેથી મારા બોલવામાં ફેરફાર થાય અગર ખામી જણાય તો દરેક ભાઇઓ દરગુજર કરશો. આજે માધવપુરામાં આપણી જ્ઞાતિની ઉન્નતિ જોઇ રહ્યો છું, તેથી મને ઘણો જ આનંદ થાય છે. અમારે ગઢશીશામાં કડવા પાટીદાર મંડળ પાંચ સાત વર્ષથી નિઃસહાય, અસહ્ય સંકટો જ્ઞાતિ સુધારા માટે વેઠી રહ્યા છે માટે જ્ઞાતિ હીત માટે અનેક સંકટો પડે પરંતુ પગભર રહેશો તો જરૂર તેનું સારૂં પરિણામ આવશે એવી પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે.
પ્રમુખ સાહેબનું ભાષણ
આજની સભાનો ટાઇમ ઘણો જ વ્યતિત થયો હોવાથી બાકીનું કામકાજ આવતી કાલ માટે મુલતવી રાખી આજની સભા વિસર્જન કરવામાં આવે છે.
બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવકી જય
તા. ૨૩—૧૨—૧૯૪૩
ઇશ્વર પ્રાર્થના
ગામ માધવ—સ્થળ મંદિર
સવારના નવેક વાગે સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. શ્રી પ્રમુખ સાહેબ તથા સેક્રેટરી સાહેબે દરખાસ્ત મુકતાં પોતાને સ્થાને બિરાજ્યા. ત્યાર બાદ કેટલાક ભાઈઓની સંમતિથી શ્રી પા. ધનજીભાઈ ખીમજીભાઈની ઉપ—પ્રમુખપદે સર્વાનુમતે ચુંટણી કરવામાં આવતાં તેઓએ પોતાનું સ્થાન સ્વીકારી લીધું ત્યાર પછી બોરડીટીમ્બા વિજય મંડળના યુવકો તરફથી સારું મંગળાચરણ ગાવામાં આવ્યું હતું.
શ્રી પા. વશરામભાઈનું ભાષણ
જ્ઞાતિ ઉન્નતિના જે માર્ગો સુચવવામાં આવે તેનો સ્વીકાર દરેકે કરવો જોઈએ અને તેનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ, તથા આપણા ગામના યુવક મંડળ કહેવામાં આવે છે કે બોરડી ટીમ્બા વિજય મંડળના યુવકો જ્ઞાતિ હિતના માટે કેટલી પ્રવૃતિ કરી રહ્યા છે. તે પ્રમાણે આપણે પણ કરવું જોઈએ. જ્ઞાતિ સેવાઓ કેવી રીતે બજાવવી તે ખાસ તેઓની પાસેથી સુચનાઓ મેળવવી જોઈએ. અમો વિજય મંડળ દરેક સુધારા તેમજ મંડળને સાનુકૂળ છીએ. તે બદલ હું જનરલ મિટિંગમાં જે પ્રમાણે સહીઓ થઈ છે તે પ્રમાણે હું આજની સભાની અંદર મારી તેમની અંદર સહી કરી આપું છું. તેમજ બીજા મંડળ બહારના ભાઈઓને સમજાવી સંગઠન વધારવાની આશા રાખું છું. તે આશા જરૂર પરમાત્મા પૂરી કરશે.
પા. વાલજીભાઈ શવગણનું ભાષણ
મોટી સભાના કાયદા તથા ધારાધોરણો સમજાવી તેનાં કડક પાલનની હકીકત અમોને તથા અમારા કુટુંબીઓને સમજાવવામાં આવતાં અમો આ મંડળના ઠરાવોનું અમારા ઇષ્ટદેવ તથા અમારા ઉમિયા માતાજી તથા આપણું ધર્મ પુસ્તક શ્રીમદ્ ભાગવત ગીતા સમક્ષ પાલન કરવા બંધાઈએ છીએ અને અમો પાળીશું. તેમજ બીજા પાસે પળાવીશું તે બદલ અમો નીચે સહીઓ આપીએ છીએ.
પા. કેશરા વાલજી વાડીયા
અત્રે પધારેલા ગામે બોરડી ટીમ્બાના તથા બીજા અન્ય ગામના ભાઈઓ અને બહેનો તથા માતાઓ બેઠેલાં છે તેનો અમો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. કારણ કે સ્વજ્ઞાતિ ભાઈઓના ઉદ્ધાર માટે પોતાનાં ઘરકામ છોડી જે તકલીફ ઉઠાવી છે, તે બદલ અમો આભાર માનીએ છીએ.
શ્રી પા. શામજી નાનજી વાડીયાનું ભાષણ
શ્રી પૂજ્ય મહાત્માજી તથા ગંગા સ્વરૂપ જ્ઞાતિ બંધુઓ તથા બહેનો,
. આજ અમારા ગામમાં પધારી અમોને પાવન કર્યા તે બદલ અમો આપનો આભાર માનીએ છીએ. વિશેષમાં અમારા યુવક મંડળની કાંઈ ભૂલ થઈ હોય તો જેમ, માતા પિતા પોતાના બાળકોના દોષો ન જોતાં ક્ષમા કરે છે. તેવી જ રીતે અમોને આપ સર્વે મળી દરગુજર કરવા કૃપા કરશોજી.
શ્રી પા. વશરામભાઈ શીવજીભાઈનું ભાષણ
અમારા વડીલ શ્રી વાલજીભાઈ ભાણજીભાઈએ બોરડી ટીમ્બા વિજય મંડળને અને ભજન કીર્તન કરવા બોલાવ્યા હતા. તેમાં પેટા કમીટી ભરી જ્ઞાતિ સુધારા વિશે ચર્ચાઓ કરી તથા કરાવી તે બદલ હું તેમનો આભાર માનું છું.
બોરડી ટીમ્બા વિજય મંડળ તરફથી
ભાઈ શ્રી વસરામભાઈએ જે આભારદર્શન કહ્યું તેને વિજય યુવક મંડળ તરફથી પા. ગંગદાસભાઈ નાનજીભાઈએ ટેકો આપ્યો હતો અને વિશેષમાં અમારા યુવક મંડળની જ્ઞાતિ સેવા માટે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમો તન, મનથી તેમ સંપૂર્ણ ઉત્સાહથી સેવા કરીશું અને તે લાભ અપાવી અમારા મંડળને આભારી કરશોજી.
ઉપસંહાર
આજની સભામાં શુભ હાજરી આપનાર સર્વ સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ગામ શ્રી બોરડી ટીમ્બાથી પધારેલા બંધુઓ તથા માતાઓ અમારા પ્રત્યે સ્નેહની લાગણી ધરાવી આપના ઘરકામ છોડી અત્રે પધાર્યા તે આપનો હું મોટો આભાર માનું છું. વિશેષમાં સભાનો ટાઇમ ઘણો થયો એટલે વિસર્જન કરવામાં આવે છે. અમારા તરફથી આપનું સ્વાગત કરવામાં ન્યુનતા આવી હોય, તેની ક્ષમા કરશો, એવી હું આપની પાસે આશા રાખું છું.
બોલો શ્રી. લક્ષ્મીનારાયણ દેવકી જય
સંવત ૨૦૦૦ માસ માગશર વદ ૫ વાર ગુરૂવાર તા. ૧૬મી ડિસેમ્બર, સને ૧૯૪૩ની રાત્રે નવ વાગે આશરે ગામ શ્રી બોરડી ટીમ્બા તાબે આંબલીયારા (ભાથીજી) શુભસ્થળ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં આપણી જ્ઞાતિની જનરલ મિટિંગ રા. રા. ભાઈશ્રી હંસરાજભાઈ નારણભાઈ પટેલ ગામ શ્રી રામપુરા (તાબે માલપુર) વાળાના પ્રમુખપદે ભરવામાં આવી હતી. જેમાં સેક્રેટરી મી. કરશનભાઈ પચાણભાઈ પટેલ ગામ શ્રી બોરડી ટીમ્બાવાળા તથા જનરલ કમિટીના નીચે લખ્યા સભાસદો તથા જ્ઞાતિના સર્વ સભ્યોની શુભ હાજરીમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગામ શ્રી રામપુરા કંપે જનરલ મિટિંગ ભરાયેલી અને ઠરાવો ઘડાયેલા. તેમાં સુધારા—વધારા કરી સર્વાનુમતે પસાર કરવામાં આવેલ તેના નામો નીચે મુજબ છે :
પ્રમુખ : શ્રી રા. રા. હંસરાજભાઈ નારણભાઈ —રામપુરા, કમ્પા.
મંત્રી : શ્રી રા.રા. નારણભાઈ રતનશીભાઈ —શાંતીપુરા, કમ્પા.
સેક્રેટરી : મી. કરશનભાઈ પચાણભાઈ —બોરડી ટીમ્બા.
સરપંચના નામો
૦૧. પા. નથુભાઈ લધાભાઈ રામપુરા |
૦૨. પા. વેલજીભાઈ ભાણજીભાઈ — બોરડી ટીમ્બા |
૦૩. પા. શીવજીભાઈ સોમજીભાઈ — એદલપુરા |
૦૪. પા. ધનજીભાઈ રાજારામભાઈ — સલદારપુરા |
૦૫. પા. મણીભાઈ જેઠાભાઈ — મોતેશરી |
૦૬. પા. દેવજીભાઈ નથુભાઈ — રણજીતપુરા |
૦૭. પા. કરસનદાસ ખેતાભાઈ — દેરોલ |
૦૮. પા. જેઠાભાઈ હરીભાઈ રામશી કંપા વતીથી પા. શીવજીભાઈ પાચાભાઈ |
૦૯. પા. ગોવિંદભાઈ કરશનદાસ — હડમતીયા વતીથી પા. શામજીભાઈ અરજણભાઈ |
કાર્યવાહક સભાસદો
૦૧. પા. રામજીભાઈ નાનજીભાઈ — હડમતીયા |
૦૨. પા. વશરામભાઈ વાલજીભાઈ — હડમતીયા |
૦૩. પા. વાલજીભાઈ પ્રેમજીભાઈ — રામપુરા |
૦૪. પા. દેવજીભાઈ મનજીભાઈ — રાજપુરા વતીથી પા. માવજીભાઈ જીવરાજભાઈ |
૦૫. પા. શામજીભાઈ હરજીભાઈ — બોરડી ટીમ્બા |
૦૬. પા. દાનાભાઈ માધવજીભાઈ — રણજીતપુરા વતીથી પા. કાનજીભાઈ માધવજીભાઈ |
૦૭. પા. વીરમભાઈ પરબતભાઈ — મોતેશરી વતીથી સૂત મુલજીભાઈ |
૦૮. પા. હરીભાઈ કરમશીભાઈ — મોતેશરી |
૦૯. પા. રામજીભાઈ શીવદાસભાઈ — ટીમ્બા તળાવ |
૧૦. પા. માનાભાઈ દેવજીભાઈ — સાબેડી |
૧૧. પા. મનજીભાઈ વસ્તાભાઈ — હરીપુરા, મોડાસા |
૧૨. પા. શવગણભાઈ વીરજીભાઈ — મોડાસા |
૧૩. પા. કરશનભાઈ દેવશીજીભાઈ — ડુગરવાડા, મોડાસાા |
૧૪. પા. ખેતશીભાઇ લખમશીભાઇ — સયડી વતીથી સૂત જેઠાલાલભાઈ |
૧૫. પા. રતનશીભાઈ માંડણભાઈ — સયડી |
૧૬. પા. ખીમજીભાઇ માવજી ભાઇ — ટીંબા તળાવ વતીથી પા. ખેતશીભઅઇ કરશનભાઇ |
૧૭. પા. શીવદાસભાઇ ભાણજીભાઇ — ઉમેદપુરા (હરસોલ) |
૧૮. પા. વશરામભાઇ માવજીભાઈ — વાવકંપા (હરસોલ) |
૧૯. પા. હરજીભાઇ નાથાભાઈ — ખાંડીવાવ |
૨૦. પા. રાજારા માવજીભાઈ — સેલરી |
૨૧. પા. વશરામભાઇ મેઘજીભાઇ ભગત — રાયણનોમાળ |
૨૨. પા. વશરામભાઇ કરમશીભાઈ — હરિપુરા (આંબલીયારા) |
૨૩. પા. શવગણભાઈ વાલજીભાઈ — માધવ |
૨૪. પા. વશરામભાઇ શવિજીભાઈ — માધવ |
સ્થળ : બોરડી ટીમ્બા
સંવત ૨૦૦૦ માસ માગશર વદ ૭ વાર શની {VSAK: 18-Dec-1943}
અહેવાલો બહાર પાડનાર માટે આવેલ
ફંડની નોંધ
રૂ. | નામ |
૧૫) | બોરડી ટીમ્બા સમસ્ત હા. કરસનભાઈ |
૨૫) | રામપુરા સમસ્ત હા. નથુભાઈ |
૨૫) | માધવપુરા પા. વાલજીભાઈ ભાણજીભાઈ |
૧૦) | રામશી સમસ્ત હા. શીવજીભાઈ |
૧૦) | રણજીતપુરા સમસ્ત હા. કાનજીભાઈ |
૫) | મોતેશરી સમસ્ત હા. મુળજીભાઈ |
૫) | સાબેડી સમસ્ત હા. નાનજીભાઈ |
૫) | નવાનગર સમસ્ત હા. કરસનભાઈ |
૫) | હરિપુરા સમસ્ત હા. મનજીભાઈ |
૫) | શાન્તીપુરા સમસ્ત હા. નારાયણભાઈ |
૫) | સલદારપુરા સમસ્ત હા. વેલજી |
૫) | હડમતીયા સમસ્ત સુધારક ભાઈઓ તરફથી હા. રામજીભાઈ |
૫) | સયડી સમસ્ત હા. હરજીભાઈ |
૧) | ખાંડીવાવ સમસ્ત હા. હરજીભાઈ |
૧) | સેમરી સમસ્ત હા. રામજીભાઈ |
૧) | કરસનભાઈ દેવશીભાઈ — ડુગરવાડા, મોડાસા |
૫) | વિષ્ણુપુરા સમસ્ત હરસોલ હા. અરજણભાઈ |
૫) | ટીમ્બા તળાવ સમસ્ત હા. ખેતાભાઈ |
૫) | રાજપુરા સમસ્ત હા. માવજીભાઈ |
૧) | પા. દેવશીભાઈ ખેતાભાઈ — શેરપુરા (ધોળકા) |
૨) | પા. હીરજીભાઈ કાનજીભાઈ મોતીપુરા – હા. નારાયણભાઈ |
૧) | પા. ખેતાભાઈ માવજીભાઈ — વાવકંપા, હરસોલ |
૨) | પા. મેઘજીભાઈ પેથાભાઈ — રામપુરા, માલપુર |
૫। | મોડાસા સમસ્ત હા. માવજીભાઈ |
૫) | પા. વાલજીભાઈ દેવશીભાઈ વાડીયા — માધવપુરા |
૫) | પા. નાનજીભાઈ ભાણજીભાઈ વાડીયા — માધવપુરા |
૧) | પા. વશરામભાઈ શીવજીભાઈ — માધવપુરા |
૧) | પા. રામજીભાઈ લધાભાઈ — માધવપુરા |
૧) | પા. અબજીભાઈ તેજાભાઈ — માધવપુરા |
૧) | પા. શીવજીભાઇ ખીમજીભાઇ — માધવપુરા |
૫) | પા. વેલજીભાઈ પુંજાભાઈ — રામપુરા |
૧) | પા. દેવજીભાઈ રામજીભાઈ — રામપુરા |
રૂા.૧૭૪। |
|