Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૮. નખત્રાણા લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા - દી. 20-May-1937

નિવેદન

          પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અમારા ગામ નખત્રાણાના નવાવાસમાં મંદિર બંધાવ્યું અને તેમાં ભગવાન  શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવવાનો અલભ્ય અવસર અમોને પ્રાપ્ત થયો છે. એ આપણા સુધારકોના વીસવીસ વરસોના તનતોડ પ્રયત્નોને આભારી છે.

          સૈકાઓ થયા પીરાણા પંથના પડેલા સંસ્કારોમાંથી મુક્ત થયા અને હિન્દુ સનાતન ધર્મમય વિચારોનો વિકાસ થયો છે એ યશ જ્ઞાતિ સુધારકો કે જેઓએ જ્ઞાતિ આગેવાનોના અનેક પ્રકારના જુલ્મો સામે ટકી રહી આવતી વિપત્તીઓ સહન કરી ધાર્મિક વિચારોમાં પરીવર્તન કરાવવાના અનુકુળ સંજોગો પ્રાપ્ત કરાવી આપ્યા બલ્કે સુધારાનો માર્ગ મોકળો કરી આપ્યો તેવા વિરો ને હોઇ શકે.

          આ શુભ સમારંભમાં ત્રણે પાંચાડામાંથી વ્હાલા જ્ઞાતિભાઇઓ પધાર્યા હતા તેમાં પણ ખાસ વિશેષ કરીને વચલા અને ઉગમણા અને પાચાડાના જ્ઞાતિભાઇઓએ બહુ જ સારી જેવી સંખ્યામાં હાજરી આપી હતી અને ધાર્મિક વિચારોમાં થાતા પરીવર્તન પ્રત્યે ઉત્સાહ પૂર્વક સહાનુભૂતી બતાવી સાથ આપ્યો એ દૃશ્ય ખરેખર આનંદજનક હતું અને એ બાબત ભગવાનને ધરાવેલ ભેટના લિસ્ટ જોવાથી જાણી શકાય છે કે દૂરદૂરથી આ સમારંભમાં ઉત્સાહભેર પધારી પોતપોતાનો સદ્દભાવ વ્યકત કર્યો હતો.

          પરંતુ કહેતા દુઃખ થાય છે કે આપણી કચ્છની જ્ઞાતિમાં ગણાતા આદ્ય સુધારક ભાઇ શ્રી નારાયણજી રામજી વિરાણીવાળા આવા શુભ સમારંભથી છેવટ સુધી અળગા રહ્યા. એટલું જ નહી પરંતુ તેઓશ્રી જાણતા છતાં મુંબઈ તરફ જતા રહ્યા અને પ્રતિષ્ઠાની પુર્ણાહુતી બાદ થોડાક દિવસોમાં તરત જ પાછા આવી ગયા. તે ભાઈશ્રીને આ ઉત્સવ પ્રત્યે અણગમો હોય અને કાર્યમાં સાથ ન આપ્યો  હોત તો કાંઈ હરકત નહીં પરંતુ પ્રેક્ષક તરીકે તો હાજર રહેવું જરૂરી હતું. એ વાત ઘડીભર જતી કરી દઈએ તોપણ બીજું એક દ્રશ્ય ખડું થાય છે કે તેઓશ્રીએ મુંબઈ જતાં જતાં પણ અમારા મુરબ્બિ શ્રીયુત શીવજી જેઠા પટેલને લગભગ પંદરેક વરસ ઉપરે જ્ઞાતિ સુધારક મંડળ તરફથી મળેલી પરિષદ કે જેમાં સુધારા સંબંધી થયેલા ભાષણો તેમજ જ્ઞાતિના આગેવાન ગેઢેરાઓએ જ્ઞાતિભાઈઓ  ઉપર વરસાવેલા સીતમ સંબંધી હકીકતો રજુ થયેલી અને તેનો રીપોર્ટ બહાર પડેલો તેવા રીપોર્ટની ચોપડી મોકલાવી અને એ ચોપડી જાણે થોડાક દિવસો ઉપર છપાયેલ હોય એ પ્રમાણે ચેતવવામાં આવ્યા અને તેમાં તેઓશ્રી સંબંધી થયેલ ભાષણમાં લાલ પેન્સીલના નિશાન  કરી ભાઈશ્રી રતનસી ખીમજી વિરૂદ્ધ ઉશ્કેરણી  કરવામાં આવી.  પરંતુ સારા નસીબે અમો કાર્યવાહકોને એ બાબતની  જાણ થતાં સવેળા પટેલ શીવજી જેઠા પાસે પહોંચી ગયા અને ત્યાં થયેલી કેટલીક  વાતચીતને અંતે ભાઈશ્રી નારાયણજીનો  પ્રપંચ ઉઘાડો પડી ગયો. જેથી શીવજી પટેલ પણ સમજી ગયા અને સમારંભમાં ઉત્સાહભેર સાથ આપ્યો.

          એવા પ્રપંચો કરવાનું સુધારક ભાઈઓને જરા પણ શોભતુ નથી. કદાચ પોતામાં અંગત વેર હોય તો પણ આવા સમારંભમાં તેઓશ્રી (નારાયણજીભાઈ) એ આડકતરી રીતે અડચણ ઉભી કરવી જોઈતી ન હોતી. પોતે પણ  હાજર રહ્યા નહિ અને ગામમાં પણ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઉભુ કરવાની નિષ્ફળ કોશીષો કરી. એ કૃત્ય ખરેખર નિંદવા યુક્ત કહેવાય. ભવિષ્યમાં એવી નિતી અખત્યાર ન કરે એવી પરમકૃપાળુ પરમાત્મા તેઓશ્રીને સદ્‌બુદ્ધિ અર્પે.

          સનાતન ધર્મ અને  જ્ઞાતિહિત હૈયે ધરીને થતા સુધારાને ઉત્તેજન આપવું એ દરેકે દરેક જ્ઞાતિ બંધુ તેમજ સુધારકોએ પોતાની ફરજ સમજવી જોઈએ અને તેવી ફરજ અદા કરવા બનતા દરેક પ્રયત્નો કરવા જોઈએ એવી અમારી નમ્ર પ્રાર્થના છે.

          ઈશ્વર નગર (વાંઢાય) ગુરૂકુળના અધિષ્ઠાતા બ્રહ્મનિષ્ઠ પુજ્યપાદ મહાત્મા ઓધવરામજી મહારાજ તેમજ સારસ્વત કુળ ભુષણ પ્રેમજી મહારાજ આસંબીયાવાળા વિગેરે મહાનુભાવી વિદ્વાનોએ પધારી થતા ધાર્મિક વિચારોમાં પ્રેરણા બળ આપી બોધદાયક ઉપદેશ આપ્યો છે જેથી તેઓશ્રીનો ઉપકાર માનીએ છીએ અને સાથે સાથે તેઓશ્રી તેમજ હિન્દુ સનાતન ધર્માવલંબી મહાનુભાવો અને શુભ હિતચિંતકોને વિનંતીપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે અમારી જ્ઞાતિમાં હિન્દુ સનાતન ધર્મના માર્ગદર્શક બની પોતાની અનુપમ જ્ઞાન શક્તિનો લાભ આપી સાથ આપતા રહેશે  એવી આશા રાખીએ છીએ.

          આ શુભ સમારંભમાં થયેલા કામકાજનો અહેવાલ રીપોર્ટ દ્વારા પ્રસિદ્ધ કરવા ભાઈશ્રી રતનશી ખીમજી તેમજ મુરબ્બી શ્રી રાજારામ શામજીએ પોતાના કીંમતી વખતનો ભોગ આપી તકલીફ સહન કરી જહેમત ઉઠાવી છે તે બદલ અમો તેઓશ્રીનો ઉપકાર માનીએ છીએ અને આશા રાખીયે છીએ કે જેમ આ સમારંભમાં છેવટ સુધી સાથ આપી કાર્ય દિપાવ્યું છે તેવી જ રીતે જ્ઞાતિ અભ્યુદયના થતા ઉત્તમ કાર્યમાં હરહમેશાં સહાનુભુતી દાખવી ઉત્સાહભેર સાથ આપતા રહેશે.

          અમારું આ કાર્ય બીન આવડતનો તેમજ નવીન હોવાથી ઘણીક દોષ દ્રષ્ટી તેમજ આતિથ્યમાં ખામી હોવાનો સંભવ છે. જેથી અમારા ઉદારચીત  જ્ઞાતિ બંધુઓ ક્ષમા કરશે એવી આશા રાખીયે છીએ. તેમજ સાથે સાથે પુજ્ય જ્ઞાતિ ભાઈઓને પુનઃ પુનઃ પ્રાર્થના કરીએ છીએ કે આપણામાં રહેલા મતભેદો અને કુસંપી ભાવોને દુર કરી એક દિલે આવા સુધારક પ્રવૃત્તિમાં સાથ આપી ગામેગામ ધર્મની જગ્યાઓને મંદિરના સ્વરૂપમાં ફેરવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરાવી હિન્દુ સનાતન ધર્મના શુદ્ધ આચાર વિચારોને અપનાવી પીરાણા પંથરૂપી કલંકને સદાને માટે તિલાંજલી આપે, એ જ અભ્યર્થના.

લી. પ્રસિદ્ધ કર્તા

 

 

ૐ  તત્સત પરમાત્મને નમઃ

કચ્છ નખત્રાણામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના

પ્રતિષ્ઠા સમારંભના કાર્યક્રમનો રીપોર્ટ.

 

સંવત ૧૯૯૩ ના વૈશાખ સુદી ૪ ને વાર શુક્ર {VSAK: 14-May-1937}ની કાર્યવાહી.

 

          એ શુભ દિવસે સ્થાનીક કાર્યવાહકો તથા જ્ઞાતિબંધુઓ એક સભા રાત્રીના નવ વાગે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં બોલાવવામાં આવી હતી. તે વખતે સ્થાનીક ભાઈઓ બહુજ સારી જેવી સંખ્યામાં ભેગા થઈ જ્ઞાતિ અને ધર્મ પ્રત્યે સારો સદ્‌ભાવ બતાવ્યો હતો.

          સભાની શરૂઆત પ્રભુ પ્રાર્થના અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદોથી ચાલુ કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકેની દરખાસ્ત પટેલ માવજી પુંજા જબુવાણીએ મુરબ્બિ શ્રી નાનજી પુંજા કેશરાણીની મુકી હતી જેને ભાઈ રામજી ધનજી નાકરાણીએ અનુમોદન આપવાથી પ્રમુખશ્રીએ પોતાનું સ્થાન સ્વીકાર્યું હતું. જેને સર્વ ભાઈઓએ તાળીઓના અવાજથી વધાવી લીધા બાદ પ્રમુખશ્રીએ  પોતાની ગંભીર શૈલીથી સભાસ્થાનને ઉદ્દેશીને કહ્યું હતું કે :—

પુજ્ય ભાઈઓ અને બહેનો,

          આજનો સમારંભ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં મુર્તી પ્રતિષ્ઠા તથા મંદિરનું વાસ્તુ કરવાનું છે અને તે પ્રસંગનો લાભ લેવા આવનાર આપણા જ્ઞાતિભાઈઓનો યોગ્ય સત્કાર વિગેરે કેવી રીતે કરવો અને એ નિમિત્તે આપણને કેવી રીતે કામ કરવાથી સુગમતા થાય તે બાબતમાં આપણા મુંબઈ નિવાસી ભાઈઓમાંના ભાઈશ્રી રતનશી ખીમજી તથા મુરબ્બી રાજારામભાઈ શામજી આપણા આમંત્રણને માન આપી પોતાના કામધંધાની દરકાર કર્યા વિના પોતાના ખર્ચે અમુલ્ય સમયના ભોગે પધાર્યા છે તેના વાસ્તે હું આપ સર્વે ભાઈઓ અને બહેનો તરફથી ઉપકાર માનું છું. સાથે ભાઈશ્રી  રતનશી ખીમજીને પ્રાર્થના કરું છું કે ઉપરોક્ત વ્યવસ્થા સંબંધી અને જ્ઞાતિ ઉપયોગી બાબતોનો અલભ્ય લાભ આપશે એવી મને આશા છે.

          ત્યારબાદ પ્રમુખશ્રીની સુચનાથી ભાઈ શ્રી રતનસી ખીમજીએ ઉભા થઈ જણાવ્યું હતું કેઃ—

મહેરબાન પ્રમુખ સાહેબ તથા વ્હાલા ભાઈઓ અને પુજ્ય માતાઓ તેમજ બહેનો !

          અમે જે અત્રે આપના આમંત્રણથી આવેલા છીએ તેમાં કંઈ વધુ કર્યું હોય એવું કોઈએ સમજવાનું નથી.  અમે તો પરમકૃપાળુ પરમાત્માનો તથા આપ પુજ્ય જ્ઞાતિબંધુઓ તેમજ બહેનોનો ખાસ ઉપકાર માનીએ છીએ કે આપની આવી અમુલ્ય યોજનાનો લાભ લેવાનો સદ્‌ભાગ્ય અમોને મળી શક્યો છે આપ ભાઈઓએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાનમુર્તી પધરાવવાના આવા સુંદર કામનો આરંભ કર્યો છે, જેનો અમર ઈતિહાસ સુવર્ણાક્ષરે કોતરાશે એવી મારી મજબુત માન્યતા છે.

          ભાઈઓ ! તમારા અત્યારના પુરૂષાર્થનો બદલો પરમકૃપાળુ પરમાત્મા વ્યાજ સહીત વાળી આપે એમ હું ઈચ્છું છું અને આપણા મહાન ધાર્મિક કાર્યને માટે આપના ગામ નખત્રાણાવાળા સર્વે વડીલો, બંધુઓ, માતાઓ અને બ્હેનોને ખાસ ધન્યવાદ આપું છું. (તાળીઓ)

          જગતમાં આપણી જ્ઞાતિ બીજી કોમો કરતાં નીચી નથી, એ બાબતમાં આપણી સમસ્ત જ્ઞાતિના આદ્ય સુધારક વીરરત્ન પુરૂષોત્તમદાસ લલ્લુભાઈએ લખેલા કણબી ક્ષત્રિય ઉત્પતિ નામનો ઈતિહાસ સાક્ષી પુરી રહ્યો છે, જે વાંચવાની આપને ખાસ ભલામણ કરૂં છું.

.         સેંકડો વર્ષથી આપણા પૂર્વજોએ અજ્ઞાનતાથી કરેલી ભુલનું પરીણામ આપણને ભોગવવું પડ્યું છે અને તે ભુલ સુધારવા માટેનો જ આપણો હાલનો આ કાર્યક્રમ યોજાઈ રહેલો છે તે કાર્ય આપણી ઐક્યતા અને સંપથી નિર્વિઘ્ને પૂર્ણ થાઓ એવી મારી પ્રુભ પ્રત્યે પ્રાર્થના છે.

          મારા યુવક બંધુઓ ! કેટલેક અંશે આપણા પુર્વજોએ કરેલી ભુલ વિદ્યમાન વડીલોની મીઠી નજર અને સહાનુભૂતિથી સુધારી શકવાને ફળીભુત થયા છીએ તે તમો જોઈ શકો છો મારું માનવું છે કે ધાર્મિક અને સામાજીક પ્રગતિ જો આપણને કરવી હોય તો વિનય વિવેક સંપ અને સ્નેહથી જે કાર્ય કરી શકીશું તે કાર્ય વિતળાંવાદ કે વિખવાદ અથવા અપમાનીત શબ્દો કે અભાવથી નહી થઈ શકે એમ આપણ દરેકે સમજવું જોઈએ. તમે જાણી શકો છો કે બીજી જ્ઞાતિનો કોઈ ભાઈ આપણામાંના પીરાણા સતપંથી ભાઈને પુછે છે કે તમે કોને માનો  છો અને તમારો શું ધર્મ છે ત્યારે ખરી હકીકત જાહેર નહી કરતાં પુછનાર ભાઈને આડું અવળુ સમજાવી જલ્દી ત્યાંથી ગચ્છંતી ભણી જાય છે અને સત્ય હકીકત કહેતાં  શરમાય છે. જેથી આપણને ચોક્કસ માની લેવાનું કે એ અર્ધદગ્ધ પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને જરા  પણ શોભતો નથી. એટલું જ  નહી પણ એ પંથ આપણને શરમ તેમજ કલંકરૂપ છે એમ કહેવું જરા પણ ખોટું નથી. જેથી એ પંથ આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરવા અત્રે આપણે એકત્ર થયા છીએ અને તેનો પ્રત્યક્ષ પુરાવો આપણી સમક્ષ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું શીખરબંધી મંદિર મોજુદ છે અને આવા મંદિરો આપણી જ્ઞાતિમાં ગામડે ગામડે બની જાય એવી સ્તુત્ય ભાવના દરેકમાં હોવી જોઈએ. તેમજ તેવો પ્રચાર સંપ અને સલાહથી કરવાની આપણને આવશ્યકતા છે. જેમ શ્રીરામ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ને ભ્રાતૃભાવનાનો ઈતિહાસીક પ્રમાણ આપ્યું છે તેવી રીતે આપણે પણ કુસંપને ત્યજી નીતિ યુક્ત જીવન અને વિવેક વિધીથી વર્તન કરશું ત્યારે આપણી જ્ઞાતિ ઉપરે ચોંટેલું પીરાણા પંથ રૂપી કાળુ કલંક ભુંસી શકીશું અને તે કલંકમાંથી મુક્ત થવાનો યશ પરમેશ્વરે આપ નખત્રાણાવાળા ભાઈઓને આપ્યો છે. અને  તેનો વિગતવાર ખુલાસો આપણા હવે પછીના કાર્યક્રમથી જણાઈ આવશે.

          જેમ પ્રથમ ખાનામાં પીરાણાના શાસ્ત્રો વંચાતાં તેમ રાત્રીના સમયમાં આપણા આ મંદિરોમાં શ્રી રામાયણ અને મહાભારત વિગેરે ગ્રંથોનું ધાર્મિક વાંચન રાખવું જોઈએ. રાત્રીએ વાંચન રાખવાનું કારણ દિવસની આપણને ફુરસદ ન મળે જેથી રાત્રીના સમયે કથાઓ વાંચવાથી પુજ્ય માતાઓ અને બહેનો તથા વડીલો સત્‌સમાગમનો લાભ લઈ શાસ્ત્રોની દિવ્ય વાણીથી અંતરાત્માને પવિત્ર કરી સાર ગ્રહણ કરી શકે. કારણ કે રામાયણની કથા સાંભળવાથી પિતા પુત્રનો ધર્મ, ભાઈ—ભાઈ તરફની ફરજ, પતિપત્નિનું કર્તવ્ય તેમજ વચનની મહતા સત્ય, ધર્મ અને નિતી વિગેરેનું વર્ણન બહુ સારી રીતે થયેલું છે અને  તે સમજવાથી આપણે આપણી ઉન્નતી અને ફરજને સારી રીતે જાણી  શકીશું એમ મારૂં માનવું છે. હું એ સંબંધમાં એક ઉદાહરણ આપી મારૂં વિવેચન પુરું કરીશ.

          જ્યારે શ્રી રામચંદ્રજી પિતાના વચનને માન્ય કરી વનવાસ જવાને તૈયાર થયા તે સમયે શ્રી સીતાજીએ આવી વિનયથી શ્રી રામચંદ્રજીના ચરણકમળમાં મસ્તક નમાવી પ્રાર્થના કરીને કહ્યું છે કે મારા આરાધ્ય દેવ ! આપ વનમાં  પધારો છો તો મને પણ આપની સાથે ચાલવાની આજ્ઞા આપો, કારણ કે હું પણ વનમાં આપની સાથે રહી, મારા પતિવ્રત ધર્મ પ્રમાણે સેવા કરી મારી ફરજ બજાવી શકું. તે ઉપરથી શ્રી રામચંદ્રજીએ કહ્યું કે દેવી ! વનમાં જવું એ બહુ વિકટ છે તમો રાજમહેલમાં રહેનાર કોમળ કાયા અને નાજુક શરીરથી કાંટાકાંકરાવાળા ભયંકર માર્ગોમાં ઉઘાડા પગે ચાલવું એ બહુજ મુશ્કેલ છે. એટલુંજ નહી પણ જંગલના હિંસક પ્રાણીઓ તથા ઘોર નીશાચરોના ભયથી તમારાથી વનમાં બિલકુલ ચાલી શકાશે નહિ. માટે તમો અહીં રહી મારા માતાપિતાની સેવા કરજો, અને હું પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે ચૌદ વરસ વનવાસ ભોગવી  પાછો આવું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરજો. તે વખતે સતી સીતાજીના નેત્રોમાં જળના અશ્રુઓ આવવા લાગ્યા. અને ગદ્‌ગદ્‌ કંઠે પ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે પ્રભુ સતી સ્ત્રીઓને સુખ અને દુઃખ સ્વામીને સાથે છે તે આપ કેમ ભુલો છો કે ગઈકાલે લગ્ન સમયે દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીએ  માતાપિતાની સામે સપ્તપદીથી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લઈ વચન આપ્યું છે કે ગમે તેવા સુખદુઃખમાં પણ ઉભય દંપતીઓ સાથે રહી આ સંસાર વહેવાર નિતીમય ચલાવીશું. જેમ દેહની છાયા દેહથી જુદી  ન હોય તેમ સતી સ્ત્રી પતિથી જુદી  રહી ન શકે. સ્ત્રી એ પતિની અર્ધાંગના છે તો પછી પતિના સુખ અને દુઃખ ભોગવવાનું પતિપ્રાણ પત્નિની જરૂર ફરજ છે. એટલું નહી પણ જેમ આપ આપના માતાપિતાના વચન પૂર્ણ કરવા બંધાયેલા છો તેવી જ રીતે મારા માતા પિતાએ પણ લગ્ન સમયે  ફરજ નાખી છે કે પુત્રી ! ગમે તેવા સુખદુઃખમાં સ્વામીની સાથે રહી આપણા કુળની ઉજ્જવળ કિર્તી દિપાવજે માટે હે પ્રભુ ! હું પણ વનમાં સાથે ચાલી આપની સેવા કરી જીવન સાફલ્ય બનાવીશ.

          પુજ્ય માતાઓ અને બહેનો ! આ કેવો વિશુદ્ધ સ્નેહ ! પત્નીની શું ફરજ છે તે આ જગત જનની  માતાશ્રી સીતાજીના શબ્દોથી તમો જાણી શક્યા હશો. જેમણે  પતિવ્રત ધર્મ સારુ રાજમહેલોના વૈભવોનો પરીત્યાગ કરી પતિના દુઃખ સાથીદાર થયાં તેમ દરેક સાધ્વી બહેનોએ પતિના કાર્યને ઉમંગથી વધાવી સાથ  આપવો જોઈએ. કહેતાં મને  ખેદ થાય છે કે જે ભાઈ હિન્દુ સનાતન  ધર્મનો અંગીકાર કરે છે તેવા પવિત્ર કાર્યમાં સહમત ન થતાં બીજાઓના ભરમાવ્યાથી કેટલીક બહેનો ઘરમાં કલેશ કરી માવિત્રોનાં ઘરે ચાલી જાય છે એ આપણને જરા પણ શોભતું નથી. કદાચ એકબીજાના વિચારો પોતપોતાને અનુકુળ ન આવે તો પણ કલેશ ન કરતાં શાંતિ અને ધીરજથી સમજાવી કામ લેવું જોઈએ. જેથી ગૃહસંસાર સુખરૂપ થતાં આપણે ધર્મ પ્રત્યે વધુ ઉપયોગી થઈ શકીશું.

          જેમ આજે ભાઈઓ અને બહેનોએ પધારી ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તેવી  જ રીતે આવતી કાલે પણ વધારે સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોને સાથે લઈ પધારવા કૃપા કરશો એવી મારી આપ પધારેલા સર્વે પ્રત્યે પ્રાર્થના છે.

          ત્યારબાદ પ્રમુખ સાહેબની સુચનાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જયનાદ વચ્ચે સભા વિસર્જન કરવામાં આવી હતી.

          સભા વિસર્જન થયા પછી કાર્યવાહકોના ઉમંગી હૃદયો રાત્રી જાગરણની દરકાર કર્યા વિના જરૂરી યોગ્ય  યોજનાઓ યોજવામાં ઘણો સમય પસાર કર્યો હતો. બાદ મોડી રાત્રે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય બોલાવી કાર્યવાહકો વિખરાયા હતા.

 

સંવત ૧૯૯૩ ના વૈશાખ સુદી ૫ ને શનિવાર {VSAK: 15-May-1937}ની કાર્યવાહી.

          આજના દિવસનો આનંદ અનેરો હતો પ્રાતઃકાલ થતાં જ્ઞાતિ બંધુઓ અત્યંત ઉત્સાહથી મંદિરના ચોગાનમાં આવવા લાગ્યા અને ઉત્સવ નિમિત્તે જે જે કાર્ય કરવાનું હતું તે કાર્ય કરવા તૈયાર થઈ ગયા કોઈ મંડપ બાંધવા લાગ્યા ત્યારે કેટલા એક ભાઈઓ રસ્તાઓ સ્વચ્છ કરવા લાગ્યા વિગેરે કામમાં એટલા બધા તલ્લીન થઈ ગયા  કે  જેને જોઈને બીજાઓ મુગ્ધ કંઠે પ્રશંસા કરવા લાગ્યા અને વેદવિદ્ય વિદ્યવાન બ્રાહ્મણો શ્રી વાસ્તુ વિધીની તૈયારી કરવા લાગ્યા. દિવસ સમગ્ર ભારે કામમાં રોકાયા છતાં પણ રાત્રીની સભામાં નિયત સમયે જ્ઞાતિ બંધુઓ બહુજ સારી સંખ્યામાં હાજર થયા હતા.

          સભાની શરૂઆતમાં પ્રભુ પ્રાર્થના કર્યા બાદ ભાઈ રામજી ઘનજીએ ઉભા થઈને જણાવ્યું કે  :—

          પુજ્ય ભાઈઓ અને બહેનો આજની સભામાં આપ સર્વે  સારી સંખ્યામાં પધાર્યા છો તે જોઈ હું ઘણો જ ખુશી થઈ આપ સર્વેનો આભાર માનું છું અને ઈચ્છું છું કે, સનાતન ધર્મ અને જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ આ ગામમાં આપ ભાઈઓમાં છે તેવો પ્રેમ આપણી જ્ઞાતિના દરેક ભાઈઓમાં થાઓ એવી મારી આંતરીક શુભેચ્છા છે. આજની સભાના પ્રમુખ તરીકે આપણી જ્ઞાતિના સુધારક તેમજ ઉત્સાહી ભાઈશ્રી કાનજી અબજી  નાથાણીની દરખાસ્ત મુકુ છું. આશા છે કે આપ સર્વે ભાઈઓ સહમત થાશો.

          તેને  ભાઈ શ્રી નથુ નાનજીએ અનુમોદન આપવાથી તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રમુખશ્રીએ પોતાનું આસન લીધા બાદ સભાને ઉદ્દેશી જણાવ્યુ  કેઃ—

          પ્રિય જ્ઞાતિ બંધુઓ અને પુજ્ય માતાઓ આજની સભામાં મ્હારાથી વિશેષ વિદ્યવાન ભાઈઓની હાજરી હોવા છતાં જે માન આપે મને આપ્યું છે તેથી હું આપ સર્વેનો ઉપકાર માનું છું. અને મારું લેખિત ભાષણ રજુ કરું છું તે ભાઈશ્રી રામજી ધનજી નાકરાણી કોટડાવાળા વાંચી સંભળાવશે.

          વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ, વડીલો,, પૂજ્ય માતાઓ અને બહેનો !

          આપણા પૂર્વજોએ પાંચસો વરસોથી પીરાણા પંથ સ્વીકાર્યા છતાં પણ આપણા રીવાજો હિન્દુ સનાતન ધર્મને લગતા કાયમ રહ્યા હતા. પરંતુ સંવત ૧૮૩૨ {Year: 1775-76}ની સાલમાં કાકા પ્રાગજી તથા સૈયદ વલીમીયાંએ આપણા ગોર અને ભાટને રજા અપાવી અને તે દિવસથી લગ્નમાં ચોરી અને મરણ સમયે અગ્નિ સંસ્કાર વિગેરે બંધ કરાવ્યા. તે સંબંધી તે સમયે  જે ઠરાવ થયેલો તે આપણા જુના ચોપડાના આધારથી આપણે જાણી શકીએ છીએ એ હીન્દુ ધર્મ વિરુધ્ધી ઠરાવ બિલકુલ અયોગ્ય છે જાહેર કરવા માનકુવાના પટેલ જીવરાજ વસ્તાએ લગભગ  પાંત્રીસ આગેવાન ગઢેરાઓની સહીઓથી ઈ.સ.૧૯૨૬ માં છપાવી. એ નીંદ્ય ઠરાવ રદ થયેલો જાહેર કરેલો છે જે આપ સર્વે ભાઈઓ જાણતા  હશો.

          આજે એ જ નખત્રાણા ગામમાં એ કલંક ટાળવાનું ભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે જે આપણે સર્વે ભાઈઓ એકત્ર થઈ સલાહ અને સંપથી ભગવાનની પ્રતિષ્ઠા કરવા નીમીત ભેગા થયા છીએ એ વધારે ખુશી થવા જેવું છે. કારણ કે અત્રેના આપણા જ્ઞાતિ બંધુઓ જે જુના વિચારના છે તેમણે જરાપણ વિરોધ કર્યા વિના સ્થાવર જંગમ તેમજ  જે  કંઈ ધર્માદા મિલ્કત છે તેની અંદર સમાન ભાગ આપી ભાઈઓ તરીકે ઉત્તમ દૃષ્ટાંત આપ્યું છે એટલું જ નહી પણ આ પવિત્ર મંદિરના દરેક કાર્યમાં સાથ અને સહાયતા આપી ધર્મ પ્રત્યે સારો સદ્‌ભાવ બતાવી આપણી જ્ઞાતિને ઉત્તમ  બોધપાઠ આપ્યો છે કે ધર્માદા મિલ્કત અમુક વ્યક્તિની માલિકીની નથી.  પણ તેની અંદર ધર્માદા તરીકે અથવા કોઈપણ  પ્રકારે એક યા બીજી રીતે કંઈપણ નાની અથવા મોટી રકમ આપેલી હોય અથવા આપતા  હોય તે સર્વે ભાઈઓનો સમાન હક્ક છે.  એવું આપણા ભાઈઓએ બતાવી આપ્યું છે.

          વધુમાં પોતાના કિંમતી સમયનો ભોગ આપી મુંબઈથી પધારેલા ભાઈ રાજારામ શામજી માનકુવાવાળા તથા ભાઈશ્રી રતનશી ખીમજીનો આપણા ગામની વતીથી આભાર માનું છું કે તે ભાઈઓ જ્ઞાતી અને ધર્મ પ્રત્યે અપાર ઉત્સાહ ધરાવી આ પવિત્ર પ્રતિષ્ઠાના કાર્યમાં જાતિભોગ અને બુદ્ધિબળથી સાથ આપી જ્ઞાતિ ઉન્નતિના વિચારોનો અલભ્ય લાભ આપી રહ્યા છે.

          હું  મુરબ્બી શ્રી રાજારામભાઈને પોતાના વિચારો સભા  સમક્ષ રજુ કરવા પ્રાર્થના કરું છું. આશા છે કે તેઓશ્રી પોતાના અનુભવો અને વિચારો પ્રગટ કરી અનુપમ લાભ આપશે. ત્યારબાદ ભાઈ રાજારામભાઈએ ઉભા થઈ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ, વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિભાઈઓ, પુજ્ય માતાઓ અને બહેનો !

          આપ સર્વે ગઈ કાલની સભા કરતાં આજે સારી જેવી સંખ્યામાં પધાર્યાં છો તે જોઈ મને ઘણો જ આનંદ થાય છે. આવી શુભ ભાવના આપણામાં દિનપ્રતીદિન વિશેષ થાઓ એમ હું ઈચ્છું છું. પ્રમુખ સાહેબના આદેશને માન આપી આ પ્રસંગ નીમિત્તે મારી હૃદયની ભાવના વ્યક્ત કરવી એ મારી ફરજ સમજી બે શબ્દો બોલું છું તેમાં અવિનય ક્ષમા કરશો.

          કહેતાં હર્ષ થાય છે કે અહીંના ભાઈઓએ આ ધર્મકાર્યોમાં સાથ આપી ધર્માદા મિલ્કતમાં જે સમાન હક્ક  આપવાની સૌજન્ય નિતી અખત્યાર કરી છે તેવું માનવંતા પ્રમુખ સાહેબના ભાષણમાંથી સાંભળી હું અત્યાનંદથી એ ભાઈઓને ધન્યવાદ આપું છું અને સાથે બીજા ગામના ભાઈઓ નખત્રાણાની પરિસ્થિતિનું અનુકરણ કરી સુધારક ભાઈઓને સાથ આપી ભાઈ ભાઈ તરીકેની ફરજ બજાવતા રહેશે એવી પ્રાર્થના કરૂં છું. કારણ કે ધર્માદા મિલ્કત એક ભાગની નહીં પણ સમાન ભાગની છે એમ માનવું એ આપણી પ્રમાણીકતા અથવા મનુષ્ય તરીકેની મહત્તા છે. કોઈને ગેરઈન્સાફ આપવો અથવા બીજાના હક્કનો અધિકાર ભોગવવો એ ઈચ્છવા યોગ્ય નથી. સુધારક ભાઈઓ પણ આપણી જ જ્ઞાતિના છે અને જે કંઈ પણ કરી રહેલા છે તે માત્ર આપણા પરમ પવિત્ર હિન્દુ સનાતન ધર્મમય ભાવથી આપણી જ્ઞાતિને પીરાણા પંથના પ્રપંચમાંથી બચાવી જ્ઞાતિના ગૌરવને વધારવા સારૂ પરીશ્રમ કરી રહેલા છે તો પછી તેનો વિરોધ કરવો એ આપણી કેટલી ભુલ કહેવાય ?

          નખત્રાણાના મંદિર સંબંધી સામગ્રી  અને સાધનોની ખરીદી કરવા આપના પ્રતિનીધી તરીકે ભાઈશ્રી રામજી જેઠા સેંગાણી અને ભાઈ હરજી પુંજા નાથાણી મુંબઈ—ઘાટકોપર પધાર્યા હતા, ત્યાં તે ભાઈઓએ ઘાટકોપરમાં આપણા જ્ઞાતિભાઈઓ સર્વેને એકત્ર કરી નખત્રાણાની વિગતવાર પરિસ્થિતિથી વાકેફ કર્યા અને વધારામાં અત્રેના ઘાટકોપરના આગેવાનોમાંથી ચાર પાંચ ભાઈઓ પ્રતિષ્ઠા પ્રસંગથી પહેલાં સાત—આઠ દિવસ અગાઉ આવે એવી ઈચ્છા પ્રદર્શીત કરી. કારણ કે તમારા આવવાથી કેટલાક કામો કરવાની અમને સુગમતા થશે. તેમજ  વ્યવસ્થિત પધ્ધતિનો અનુભવ આપના આવવાથી અમને મળી શકશે અને કેટલીક શંકાઓ તેમજ મનફેરનું નિવારણ પણ થઈ શકશે વિગેરે સુચનાઓ કરવાથી અમો એ પ્રસંગ ઉપર આઠ દિવસ વહેલા આવશું એવી ખાત્રી આપી હતી અને તે અનુસાર એ હાજર થઈ જ્ઞાતીની જે કંઈ બની શકે તે સેવા કરવાને તૈયાર થયા છીએ જેથી અમો અમારા અહો ભાગ્ય માનીએ છીએ. મંડપ તૈયાર કરવાનું કામ મને સુપરદ કરવામાં આવ્યું છે તે લગભગ આવતીકાલે પુર્ણ થઈ રહેશે અને મારા ધારવા મુજબ આવતી કાલની સભા આપણે મંડપમાં ભરી  શકીશું. તે સિવાય રસ્તાઓ શણગારવાનું તથા પ્રવેશદ્વારો તૈયાર કરવાનું આવતીકાલથી આરંભ થઈ જશે. તેના માટે આપણી જ્ઞાતિના યુવકોને આ કામમાં સામેલ થવા સારૂં સ્વયંસેવક એટલે વોલન્ટીયર બની જ્ઞાતી સેવામાં ભાગ લેવાની ભલામણ કરું છું. સ્વયંસેવક એટલે મરજીથી સેવા કરવાને તૈયાર થયેલો ઉત્સાહી યુવક. ફરજના ચિન્હ  ધારણ કરી વ્યવસ્થિત કાર્યોમાં ભાગ લેવાથી સુગમતા અને સરળતાથી સાથ આપવા પોતાના નામો નોંધાવશે એવી આશા રાખું છું અને વોલીન્ટીઅરની  ફરજ સંબંધી રતનસીભાઈ પોતાના વિચારોથી સમજાવશે એવી પ્રાર્થના કરું છું. મારું બોલવું પુરું કરી સર્વ સભાનો  ઉપકાર માની મારા સ્થાનકે બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ ભાઈશ્રી રતનશી ખીમજી ઉભા થઈ કહેવા લાગ્યા કે માન્યવર સભાપતિ સાહેબ તથા વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ બંધુઓ, પૂજ્ય માતાઓ તથા બહેનો !

          મને મુરબ્બી શ્રી રાજારામ ભાઈએ સ્વયંસેવકની ફરજ બાબતનું કહ્યું છે તેમાં કહેવાનું એ છે કે સ્વયંસેવકે જરાપણ બદલાની આશા રાખ્યા વિના જ્ઞાતિ ઉપયોગી કાર્યોમાં ભાગ લઈ શાંતિ ધીરજ  તેમજ સહનશીલતાથી વ્યવસ્થિત પદ્ધતિથી સેવા કરી દરેક કામગીરીમાં તનમનથી કામ કરવું જોઈએ. કારણ કે આવો અલભ્ય અવસર ઈશ્વરે આપણને આપ્યો છે તેનો સદ્‌ઉપયોગ કરવો એ આપણી ફરજ છે.

          સ્વયંસેવક તરીકે આપણે કામ કરવા માગતા હોઈએ તો જ્યાં સુધી  સમારંભ ચાલે ત્યાં સુધી તમારા અંગત ગમે તેવા કામો હોય તોપણ દરકાર નહી કરવાની તમારી ફરજ છે. વોલન્ટીઅરના ચીન્હ તરીકે ચાંદ અને પટા ધારણ કરી સભાની વ્યવસ્થામાં પુરતો કાબુ શાંતિથી જાળવવો જોઈએ. તેમ સમારંભની કોઈપણ સામગ્રી ગેરવલ્લે ન થાય એ જોવાની પણ તમારી  ફરજ છે. તેમજ આવનાર આપણા જ્ઞાતિ ભાઈઓને અંગત તકલીફ ન થાય એ તરફ પણ ખાસ ધ્યાન આપવું. એ બધા કાર્યોની દોરવણી કરનાર તરીકે તમારામાંથી જ કેપ્ટનની ચુંટણી કરવામાં આવશે. અને નીયુક્ત કરેલા કેપ્ટનની આજ્ઞાનુકુળ દરેક વોલન્ટીઅરે વર્તવાનું છે એટલું જાણ્યા પછી જે ભાઈઓની ઈચ્છા થતી હોય તેમણે પોતાના વોલન્ટીઅર તરીકે નામો નોંધાવવાં. આ સુચનાથી હાજર રહેલા ભાઈઓએ પોતાના નામો સ્વયંસેવક તરીકે ઉત્સાહથી લખાવ્યાં હતા. બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.

 

સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ સુદી ૬ ને રવિવાર {VSAK: 16-May-1937} ની કાર્યવાહી

          ભગવાન શ્રી  સૂર્યનારાયણના ઉદયથી  જ્ઞાતિબંધુઓ તથા સ્વયંસેવકો મંદિરના ચોગાનમાં મંડપારોપણની ચાલતી તૈયારીમાં આનંદથી ભાગ લેવા આવવા લાગ્યા. સ્વયંસેવકના શરીર ઉપર ફરજના ચિન્હ તરીકે પટા અને ચાંદ ધારણ કરવામાં આવ્યાં અને તેઓમાંથી યોગ્ય બંધુઓની કેપ્ટન તરીકેની ચુંટણી કરવામાં આવી. તેમાંની સંખ્યા વોલન્ટીઅરોની ૪૬ અને ૪ કેપ્ટન પોતાની ફરજ બજાવવાને તૈયાર થયા. ઘણું ખુશી થવા જેવું છે કે મોટી વીરાણીથી ભાઈ શ્રી સવગણ લાલજી નાકરાણીની સરદારી નીચે દશ વોલન્ટીઅર ભાઈઓની એક ટુકડી જ્ઞાતિ સેવામાં ભાગ લેવા આવી  હતી, તેઓને મંડપના ઉત્તર તરફના દ્વાર પાસે વ્યવસ્થા જાળવવાનું કામ સોંપાયું હતું જે કાર્યનો તે ભાઈઓએ હર્ષથી  સ્વીકાર કર્યો હતો.

          સાંજની મોટરમાં મુંબઈ—ઘાટકોપરથી શ્રીયુત મેગજીભાઈ લખમશી, તથા શ્રીયુત કરસનભાઈ ઉકેડા દેશલપરવાળા (ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ) તથા ભાઈશ્રી શીવજી મેઘજી ખેતાણી વીરાણીવાળા તથા રામજીભાઈ કાનજીભાઈ પોકાર મઉવાળા તથા ભાઈ દેવજી મુળજી દેશલપરવાળા આવી પહોંચ્યા હતા. તેમને માન સહીત મંદિરમાં તેડી લાવ્યા હતા.

          રાત્રીના નિયત સમયે મંદિરના ચોગાનમાં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં સભાની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આજની સભામાં ભાઈઓ અને બહેનો બહુજ મોટી સંખ્યામાં આવવાથી સભાસ્થાન ભરપુર થઈ ગયો હતો. વોલન્ટીઅરો સભાના નિયમાનુસાર પોતાની ફરજ બજાવી રહ્યા હતા.

          ભાઈશ્રી હરજી પુંજા નાથાણીની દરખાસ્તથી તથા ભાઈ શ્રી ભાણજી જેઠાના અનુમોદનથી પ્રમુખસ્થાને શ્રીયુત ભાઈશ્રી વાલજીભાઈ સવદાસ ડોશાણી બીરાજ્યા હતા.

          પ્રમુખશ્રીનું લેખિત ભાષણ વાંચવામાં આવ્યું હતું જે નીચે પ્રમાણે છે :—

          વ્હાલા જ્ઞાતિ ભાઈઓ, પુજ્ય  માતાઓ અને બહેનો તથા પધારેલા અન્ય સદ્‌ગૃહસ્થો.

          આજથી પહેલાં બે સભાઓ ભરાયેલી અને આ ત્રીજી સભામાં પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી છે  તે બદલ આપ સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. દરેક સભાઓમાં તેમજ આપની ચાલુ કામગીરીમાં ભાગ લેનાર મુંબઈથી પધારેલા ભાઈશ્રી રાજારામ શામજી તથા ભાઈશ્રી રતનશી ખીમજીએ વિવેચન કરી આપણને સમજાવવાનો પરીશ્રમ લીધો છે અને તન—મન—ધનથી જ્ઞાતિ સેવા કરી રહેલા છે જેથી તેમને ધન્યવાદ આપવો ઘટે છે. એ પ્રમાણે સેવા કરવાને પ્રત્યેક ભાઈઓ આગળ આવે અને જેમ આપણા ગામમાં મંદિર થયું છે તેવા મંદિરો કચ્છમાં આપણી જ્ઞાતી તરફથી થાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. પણ  એ બધું ક્યારે થાશે કે આપણામાં સંપ તેમજ સંગઠન હશે તો. સંપના વાસ્તે ભાઈશ્રી રતનશીએ શુધ્ધી કરાવી છે છતાં પણ સમયને અનુસરી સંપ તેમજ સ્નેહ  જળવાઈ રહે અને જ્ઞાતી ભેગા રહી સુધારા થઈ શકે એ માન્યતાઓ જ્ઞાતિ સાથે જમવા વિગેરેનો વહેવાર ચાલુ કર્યો છે તે પ્રશંસનીય છે. કારણ કે પતીત પાવની પવિત્ર ગંગાસ્વરૂપ જ્ઞાતિ સાથે રહી જે સુધારા આપણે કરી શકીશું તે બીજી રીતે નહી થઈ શકે. કારણ કે જેનું જમવાનું જુદુ તેના મન જુદા અને જેમના મન જુદા તેના વિચારો જુદા, જેના વિચારો જુદા તેના વર્તન જુદા એ રીતે જેના મન વિચાર અને વર્તન જુદા છે તે જ્ઞાતિ સાથે શું સંબંધ ધરાવી શકે. સહવાસ કર્યા વિના અથવા સાથે રહ્યા વિના જ્ઞાતિ ઉન્નતિની આશા રાખવી એ વ્યર્થ છે  તેમ ચોક્કસ માનજો કે જે પદ્ધતિથી આપણે કામ કરી રહ્યા છીએ એજ રીતે જો આપણે સલાહ અને સંપથી વડીલોની મર્યાદા જાળવી અંગત  વેર ઝેર કે  કોઈની લાગણી દુભાવ્યા વિના વિવેક અને વિનયથી જ્ઞાતિ સુધારક એટલે સેવક થઈ કામ કરશું ત્યારે જ આપણી પુજ્ય જ્ઞાતિ પીરાણા પંથના પ્રપંચમાંથી મુક્ત થઈ શુદ્ધ હીન્દુ સનાતન ધર્મના વિચારોને  અંગીકાર કરશે એવી મારી માન્યતા છે જેથી મારા દરેક ભાઈઓને ભલામણ કરું  છું કે પ્રિય જ્ઞાતિ ભાઈઓ સાથે ખાવા પીવાનો વહેવાર ચાલુ રાખી આપણામાં જે ભુલ હોય તેને શાંતિ અને સહનશીલતાથી જ્ઞાતિના નમ્ર સેવક બની સુધારવાની કોશીષ કરશું તો તેમાં જ આપણું અને જ્ઞાતિનું હીત સમાયેલું છે.  ધાર્મિક વિચારોનું  પરીવર્તન કરાવવાની જે ભાઈને જરૂર જણાતી હોય તે ભાઈએ હું જ્ઞાતિનો શીરતાજ એટલે મ્હોટો સત્તાવાન વિગેરે અહંકારી ભાવના ભુલીને હું જ્ઞાતિનો દાસ અથવા સેવક અથવા નમ્ર સુધારક છું. જ્ઞાતિ મારી અને હું જ્ઞાતિનો છું એમ સમજી જો આપણે કામ કરશું તો ભવિષ્યમાં આપણી જ્ઞાતિને લાગેલુ કલંક જરૂર ભુંસાવી શકીશું, વિશેષમાં આપણા મુંબઈથી પધારેલા ભાઈઓ કિંમતી વિચારોના લાભ આપશે એવી આશા  રાખી મારુ બોલવું પુરું કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ મુરબ્બી શ્રી રાજારામભાઈ શામજી ઉભા થઈ કહેવા લાગ્યા કે મહેરબાન પ્રમુખ સાહેબ પુજ્ય જ્ઞાતિ બંધુઓ, તથા પધારેલા સદ્‌ગૃહસ્થો પુજ્ય માતાઓ અને બહેનો !

          ભવિષ્યમાં ઉજળું ભાવી બનાવવામાં આ પવિત્ર અને જ્ઞાતિ ઉપયોગી કાર્યમાં આપ ભાઈઓ અને બહેનો સાથ આપી પ્રેમથી સહમત થઈ જે સહકાર બતાવી રહ્યા છો એ જોઈ હું અનહદ ખુશી થાઉં છું અને ઈચ્છું છું કે આવા સદ્‌ભાવ જ્ઞાતિ અને ધર્મ પ્રત્યે આપણો અવીચળ રહો એવી મ્હારી શુભેચ્છા છે.

ભાઈઓ !

          આપણી કચ્છની જ્ઞાતિમાં આથી પહેલાં મંદિર આથમણાં પાંચાડાના આપણા ભાઈઓએ ભગવાન શ્રી સત્યનારાયણના બંધાવ્યા છે. તે પછી વિરાણી મોટીમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર થયું છે અને ત્યારબાદ આપણું આ મંદિર આજે તૈયાર થયેલું છે. જેમ માણસ માણસના વિચારો  જુદા હોય તેમ ભગવાનના  વિચારો પણ  જુદા  થતા હશે કે કેમ ? તે મારાથી સમજી શકાતું નથીકારણ કે શ્રી સત્યનારાયણ ભગવાનને માનનારાઓ જ્ઞાતિનો તીરસ્કાર કરી ઉંચ હોવાની અભીલાષા રાખી જ્ઞાતિ સાથે ખાવા—પીવામાં શરમાય છે. ત્યારે  ભગવાન શ્રી  લક્ષ્મીનારાયણનને માનનારાઓએ તો પ્રતિષ્ઠા સમયે ત્રણે પાંચાડાના ભાઈઓને એકત્ર કરી  ખાવા પીવાનું સાથે રાખી એક થવાનો સદ્‌બોધ ગ્રહણ કર્યો છે તેમાં ખુશી થવાનું તો એ છે કે જે ઐતિહાસીક ભુમી હિન્દુ ધર્મના વિચારો કેટલેક અંશે લઈ લીધા હતા. ગોર અને ભાટને રજા અપાવી આપણે કોણ છીએ એ વાતને વિસરાવી દીધી  હતી તેજ ભુમી ભગવાનની કૃપાથી શુદ્ધ હિન્દુ છીએ એ સિદ્ધ  કરી બતાવ્યું છે. તે પ્રસંગે આવેલા ભાઈઓ ધર્મ અને વિચારોથી જુદા હોવા છતાં પણ જ્ઞાતીએ અધમ—ઉદ્ધારણ પતીત પાવની પવિત્ર ગંગા છે અને તેમાં સ્નાન કરવાથી કાહીકવાચીક અને માનસીક પાપો ભસ્મ થતાં આત્મા પવિત્ર થાય છે. એવો ધન્ય દિવસ અને ધન્ય સમય લાવી આપનાર નખત્રાણાની ભુમીનો અમર ઈતિહાસ સુર્વણા અક્ષરે લખાશે એ વિચારતા મારુ હૃદય હર્ષથી ઉભરાય છે.

          હું માનું છું કે જ્ઞાતિ સાથે એકત્ર રહી જ્ઞાતિનું ગૌરવ સાચવી સરળતા અને શુદ્ધતાથી ધાર્મિક તેમજ સામાજીક વિચારોમાં પરીવર્તન કરીશું ત્યારે જ ઉન્નતિના શિખરે પહોંચી શકીશું. જેટલા આપણે ખાવા પીવામાં નિકટ રહીશું તેટલા એક બીજાના વિચારોમાં પરિવર્તન કરવા સારું અનુકૂળતા પ્રાપ્ત કરી શકીશું. પરંતુ કહેતાં  ખેદ થાય છે કે સુધારામાં આગેવાન ગણાતા ભાઈ શ્રી  નારાયણજી રામજી અને તેમના સાથીદારો આવા જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં  ભાગ નહિ લેવાનું  સંભળાય છે. તેમના એવા વિચારો સુધારકોના ધ્યેયથી વિરૂદ્ધ હોય એમ મારું માનવું છે.

          ગુજરાત કેશરપુરા (બોરડી ટીંબા) માં પણ આપણા જ્ઞાતિ ભાઈઓએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી.  તે પ્રસંગેનો લાભ  લેવાનો મોકો  મને મળ્યો હતો. ગુજરાતમાં આપણા ભાઈઓ ગયેલ છે  તેઓમાંથી પહેલ વહેલું બોરડી ટીંબામાં જ મંદિર બંધાવ્યું. ત્યારબાદ કોઈપણ ગામમાં મંદિર નથી થયા. મારા જાણવામાં આવ્યું છે કે મગનપુરા કંપામાં મંદિર બધાણું છે અને તેઓ ત્યાં પ્રતિષ્ઠા પણ કરાવવાના છે અને માધવ કંપામાં જ્યાં પીરાણા પંથને અનુસરતી ધર્મની જગ્યા કે જેને ‘ખાના’ કહેવાય છે તે  જ હોલમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરાવેલી છે તે પ્રશંસનીય છે.

આવા શુભ  અવસરે  તો  બનતા સુધી સુધારકોએ તો જરૂરથી આવવું  જ જોઈએ કહેવાનો આશય એ  છે કે ખાવા પીવા  વિગેરેના કારણથી આપણી જ્ઞાતિમાં એક ભયંકર દિવાલ ઉભી કરી જ્ઞાતિ સુધારાના ધર્મના કાર્યમાં સાથ ન આપવો એ સુધારો ન કહેવાય તેથી  તો જ્ઞાતિમાં વિરોધ વધે છે. હાલના સંજોગો  જોતાં ખાવાપીવાના સવાલ ને વેગળો મુકી સંપથી સંગઠન કરી રચનાત્મક કાર્યક્રમ ઘડી  સુધારાના કામમાં યાહોમ ઝંપલાવવું જોઈએ.

અસ્તુઃ—

          હવે અત્રે પધારેલા જ્ઞાતિબંધુઓને પ્રાર્થના કરૂં છું કે આપણે મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરી ભગવાનના દર્શન કરી ક્રત્‌ કૃત્ય થયા એમ માની હવે આપણને બીજુ કરવાનું કંઈ નથી એમ કોઈ સમજશો નહિ. મુર્તીને પધરાવ્યા  પછી તેમાં ભાવ અને ભક્તિ વધારવા સારૂ તેમજ આપણા આચાર અને વિચારો શુદ્ધ કરવા સારૂ આપણા હીન્દુ ધર્મના રહસ્યો સમજવા સારૂૃ સારા સુપાત્ર અને વિદ્યવાન બ્રાહ્મણ અથવા નીષ્પ્રહી મહાત્મા કે જે આપણા અંતઃકરણના આવરણોને મટાવી શકે અને સદ્‌જ્ઞાન વધારી આપણી ફરજો આપણને સમજાવી શકે. કારણ કે “ગુરૂ બીન મળે ન જ્ઞાન” એ કહેવત  પ્રમાણે આપણને સારા સદ્‌ગુરૂને શોધવા પડશે અને પ્રભુ કૃપાએ પ્રાપ્ત પણ થઈ શકશે. તે દરમ્યાન દેવદર્શન અને ધ્યાનથી આપણા અંતરાત્મા શુદ્ધ રાખી જ્ઞાતિ ઉન્નતિના  વિચારોના વધુ વિકાસ કરશો એવી મારી પ્રાર્થના છે ચાલુ  કાર્યક્રમ તરીકે કેશરપુરા (બોરડી ટીંબા) માં પ્રતિષ્ઠા સમયે ત્યાંના  ભાઈઓએ કહ્યું હતું કે અમે પીરાણાના થોથાં તો મુક્યાં પણ પરમાત્માની ભક્તી, પ્રાર્થના પુજન સ્તુતિ વિગેરે કેવી રીતે કરી તેમના યશોગાન ગાવા તે અમારે સમજવું જોઈએ. તે સમયે રતનશીભાઈએ તેમને બહુજ સારી રીતે સમજાવ્યું હતું અને અહીંયા  પણ એ વિષય હાથમાં લઈ આપણ બધાને સમજાવશે એવી આશા રાખી હું મારા સ્થાનકે બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ પ્રમુખ સાહેબની આજ્ઞાથી ભાઈ શ્રી માવજી પુંજા જબુવાણી ઉભા થઈ સભાને ઉદ્દેશી જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ જ્ઞાતિ બંધુઓ, માતાઓ અને બહેનો ભાઈ શ્રી  રાજારામ શામજીએ ધાર્મિક કર્મ કેમ કરવું તે સંબંધે જે પ્રણાલીકા બતાવી છે તે પ્રમાણે વર્તવાથી બાળકોયુવકો, માતાઓ અને બહેનો તેમજ પુજ્ય વડીલો વિગેરે સારી રીતે લાભ લઈ શકશે. રામાયણ મહાભારતાદી ગ્રંથોના પ્રવચનથી આપણા  વિચારો ઉપર બહુજ સારી અસર થાશે. આપણે ધર્મના નામે જે પૈસા કુપાત્રે દાન આપતા હતા તેને  બદલે આવા સુમાર્ગે અને સુપાત્રે દાન કરવાથી આપણે જ્ઞાતિનો ઉધ્ધાર કરી શકીશું. દુધ અને દહીંમાં બેઉ ઠેકાણે પગ રાખવાથી લપસી જવાય છે અને ધાર્યા ઠેકાણે પહોંચી શકાતું નથી જેથી આપણે હિન્દુ છીએ  અને હિન્દુઓને છાજતા મંદિરો બંધાવીએ અને સનાતન ધર્મના શાસ્ત્રોના કહેવા પ્રમાણે ચાલીએ એ આપણી ફરજ છે. આ મંદિર તો થયું પણ નખત્રાણાના જુના વાસમાં જે આપણી જ્ઞાતિના જુના સ્થાનો છે તે દેવ મંદિરના રૂપે ફેરવાઈ નિજ મંદિરની સ્થાપના થાય એવી  આશા રાખી મારા સ્થાને બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ શ્રી રતનસી ખીમજી ઉભા થઈ જણાવ્યું કે :— માન્યવર  સભાપતી, પુજ્ય ગંગાસ્વરૂપ જ્ઞાતિબંધુઓ, પુજ્ય માતાઓ અને બહેનો તેમજ પધારેલા સદ્‌ગૃહસ્થો :—

          પ્રમુખ સાહેબે પોતાના પ્રવચનમાં કહ્યું છે કે રતનશીભાઈએ જ્ઞાતિસેવા તન, મન અને ધનથી  કરવા માટે વચન આપ્યું છે. એ વાત કાંઈ નવિનતા ભરેલી નથી. જ્ઞાતિસેવાનો સિદ્ધાંત અમારો પ્રથમથી જ છે અને  તે પરમકૃપાળુ પરમાત્મા નિભાવી આપે. આ જન્મ તો શું પણ જન્મો જન્મ મારી પુજ્ય જ્ઞાતિની સેવા કરવાની સદ્‌બુદ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે. પ્રિય જ્ઞાતિ બંધુઓ ! જ્ઞાતિની સેવા કરવી એ દરેક સમજુ  અને બુદ્ધિવાન મનુષ્યોનો મુખ્ય કર્તવ્ય અથવા ફરજ છે. તેની અંદર એ સેવા કરનાર ભાઈની આપણે તો પ્રશંસા એટલે વખાણ કરીએ તેથી સેવા કરનારા ભાઈની સેવામાં હરકત અથવા અડચણ આવે. કારણ કે વખાણના મોહથી અભીમાન ઉત્પન્ન થતાં પોતાની પવિત્ર ફરજ બજાવવવા નિષ્ફળ થાય. માટે મારા ભાઈઓને પ્રાર્થના છે કે સેવા કરનાર જ્ઞાતિ ભાઈ પોતાની ફરજ બજાવે તેમાં અતિશયોક્તિ  ભર્યા વખાણોની આવશ્યકતા ન હોય તો વધારે સારું.

          પૂજ્ય બંધુઓ, સભાની અંદર પધારેલા કેટલાક ભાઈઓની ઈચ્છા મારા તરફથી ધાર્મિક ઉપદેશો સાંભળવાની છે એ જાણી હું ઘણો જ ખુશી થાઉ છું. પણ હું વિદ્યવાન કે શાસ્ત્રોનો પુરતો અભ્યાસી કે જાણકાર નથી.  મારો અભ્યાસ ગુજરાતી માત્ર ત્રણ ચોપડીનો છે, આપણી જ્ઞાતિમાં વિદ્યાનો અભાવ એજ આપણી પડતીનું કારણ છે. પોતાનું નામ પણ માંડ વાંચી  શકીએ એ પુરતી જ આપણામાં વિદ્વતા છે. તો પણ મારા અનુભવ તેમજ અલ્પ બુદ્ધી અનુસાર જે કંઈ હું સમજી શકું છું તે સાદી ભાષામાં હું આપને ઠીક સમજાવી શકીશ.

          પુજ્ય ભાઈઓ ! આપણી ઉન્નતિનો આધાર આપણી માતાઓના શિક્ષણમાં સમાયેલો છે. માતાઓ જેવું ધારશે તેવું પોતાના બાળકને બનાવી શકશે. માતાના સહવાસમાં રહેલો બાળક માતાને આધીન છે માતા બીકણના સંસ્કારો નાંખશે તો બાળક બીકણ થશે. માતાઓ મુર્ખતાના કાર્યો કરશે તો તે જોઈ બાળક પણ મુર્ખ થશે. માતા સમજુ અને બુદ્ધીવાન હશે અને બાળકમાં પણ તેવા સંસ્કારો નાખશે  તો બાળક પણ તેવો  બુદ્ધીવાન થાશે. કૌશલ્યાના પ્રતાપે શ્રીરામ વિશ્વવંદનીય ભગવાન થયા, યશોદાના કારણે  શ્રી કૃષ્ણ ત્રીલોકીના નાથ થયા. અહો ! જુઓ તો ખરા શું પ્રતાપ છે માતાઓની શક્તિનો જેમ માતાઓ સાચુ  શિક્ષણ અને સારા વિચારોથી બાળકોનું પોષણ કરે તો આજે પણ આપણામાં ભીમ અને અર્જુન જેવા ભડવીર યોદ્ધાઓ પણ જોઈ શકીએ ખરા.

          પુજ્ય માતાઓ અને બહેનો ! તમો અમારા ભાગ્યની વિધાતાઓ છો સાચે સાચી શક્તિઓ અને  દિવ્યતેજો મય જ્યોતિઓ છો તમો જો ધારશો તો નાત જાત અંગે સુધારકોને ઉચ્ચ શ્રેણીમાં લઈ શકશો પણ એ બધુ ક્યારે થાશે કે જ્યારે તમારામાં શિક્ષણ અને સતીત્વના સદ્‌ગુણો અને પતિ એ પરમેશ્વર છે એવી શુભ ભાવનાઓ તમારામાં આવશે ત્યારે, કારણ કે સતી સ્ત્રી પતિની અર્ધાંગના છે પતિના સુખદુઃખની સહચારિણી અર્ધા અંગની માલીક છે છતાં પણ કહેતા દુઃખ થાય છે કે પતિઓ પોતાના અર્ધા અંગને દાસ ચાકર કે નોકર માની સ્વાર્થ પૂરતો જ સ્નેહ ધરાવે છે. જ્યારે સ્ત્રીઓ પોતાના સ્વામીને પ્રભુ તુલ્ય નહિ સમજતાં  પેટ ભરવા પુરતીજ જવાબદારી સમજે છે, અરસ—પરસ અજ્ઞાનતાના કારણથી  જે ગૃહ અને ગૃહસંસાર અમૃત તેમજ સ્વર્ગમય હોવો જોઈએ તેના બદલે ઝેરથી પણ વિશેષ અપ્રીય કરતા લાગે છે. હું ઇચ્છુ છું કે આપણામાં પતિ પત્ની વિગેરેની ફરજ પુરેપુરી સમજી સંસાર ચલાવવાની આવશ્યકતા કોઈએ ભુલી જવી ન જોઈએ.

          આપણી જ્ઞાતિની આવી પરિસ્થિતિ તેમજ આટલી અધોગતી કેમ થઈ તે બાબતનો વિચાર કરવા બેસુ છું ત્યારે મારા સમજવા પ્રમાણે આપણા હાથથી થતા અનાચારો તેમજ નિર્દોષ આત્માઓના નિશાસાઓ આપણી અવનતીનું કારણ છે એમ મારું માનવું છે વિચારો કે આપણામાં પુનર્લગ્નનો રિવાજ છે. જે બહેનના પતિના સ્વર્ગવાસ પછી પોતાની રાજીખુશીથી પુનર્લગ્ન કરે તેમાં કાંઈ હરકત નથી પણ પતિ—પત્ની આનંદમય જીવન વ્યતિત કરતાં હોય, માલમિલ્કત  અને પુત્ર પુત્રાદીકો ઉપર સમાન ભાવ અને હક ધરાવતા હોય તેમ બંનેની ઘરમાં સરખે સરખી પ્રીતિ અને લાગણી હોય પરંતુ દૈવ યોગે  પતિ જો સ્વર્ગસ્થ થાય તો ગઈ કાલની જે ઘરની માલિક અને હકદાર અથવા તો ભવિષ્યની વારસદાર બહેન એક ઘડીમા નીરાધાર અને  લાચાર તેમજ એ ઘરથી રહીત થઈ દુઃખ દશામાં આવી પડે છે અરે એટલું નહી પરંતુ એની મરજી પુનર્લગ્ન કરવાની નહી હોવા છતાં તેનો ન્યાય પરાણે થઈ બેઠેલા ન્યાયધીશો કરે છે અને વડીલો ઉઠી પોતે જ પોતાના હાથે બળાત્કારે ઘરથી બહાર કાઢી નિરાધાર બનાવે છે. ભલે એને પોતાના વ્હાલા સંતાનો પ્રિય હોય, ગમે એટલી ઘર પ્રત્યે મોહ અને મમતા હોય ચાહે તેટલી  શીતળ અને સંયમ જાળવવાની શક્તિ હોય તેમજ એક ઘડીભર પણ એ ઘરમાંથી બીજે જવાની ઈચ્છા ન હોય. સખ્ત મજુરી કરી પોતાના વ્હાલા બાળકોના પેટ ભરવા તેમજ ઘરની સેવા કરવા તૈયાર હોય તો પણ તેને પોતાના ઘરમાં રહેવાનો હક્ક મળતો નથી. જે ઘરમાં જેની માલિકી કબજો અને ભોગવટો છે તેમાંથી ત્રણ લુગડાં શરીર પર પહેરેલા હોય  એવી દયાજનક સ્થિતિમાં રડતા હૃદયે અને કચવાતા અંતરે વરસોથી માની લીધેલ પોતાના ઘરમાંથી બહાર નીકળવું પડે છે.  બિચારી બાઈ પોતાના વ્હાલા સંતાનો સામુ જોવાનો પ્રયત્ન કરે અથવા વ્હાલથી પોતાના બાળકો મીઠડાં આપવાની કોશીષ કરે તો એ નીર્દયો પોતાના છોકરાઓને દુર કરી દિવાલની માફક આડા ઉભા  રહે છે અને એ દુર્ભાગી બહેન પર એટલી પણ દયા ન લાવે એ કેટલી ક્રુરતા. લગભગ એવા પ્રકારનો  દાખલો અમારા ગામ વિરાણીમાં બનેલો છે તે આપું છું.

          એક દંપતીના જોડલાને બે દિકરા અને એક દિકરી એમ ત્રણ સંતાન હતાં તેમાં એક બાળક  ચાર  મહીનાનું હતું. પતિ ગુજરી ગયા બાદ મરનારના વડીલોએ વહુને ઘરથી બહાર કાઢીને કહ્યું કે અમારો દીકરો હયાત હતો ત્યાં સુધી તમારો ઘરમાં રહેવાનો હક્ક હતો. બીચારી બાઈ તો નિરાધાર સ્થિતિમાં આવી પડેલી  તે શું બોલે ? બાઈએ પોતાના બાળકોના મ્હોડાં જોવા તેમજ મીઠ્‌ડાં દેવાની માંગણી કરી કહ્યું  કે  ભલે બધુંએ તમે તમારું ગણો પણ મારાં છોકરાંઓનું મ્હોડું જોવા અને મીઠડાં દેવા જેટલી દયા કરો. પરંતુ તેટલી ઉદારતા દર્શાવવાની દયા પણ તેઓએ ન બતાવી. ત્યારે મારા નાના બાળકને છેલ્લી વખતે ધવડાવવાનું આપો કે  જેથી મારા ઉપર કુદરતે ઉભા કરેલ  દુઃખના ડુંગર અને તમોએ દાખવેલી નિર્દયતાને ઘડીભર ભુલી શકું.

          અહાહા ! કેટલું કરૂણ દ્રશ્ય ! અને એ પાષાણ હૃદયના માનવીનું કેટલી હદ સુધીનું  દયાવિહુણું હૃદય ! એક કઠોર  હૃદયને પણ કંપાવી દે એવા આ કલ્પાંતની પણ અસર તેઓને તે સમયે તો નજ થઈ અને નીરાશ હૃદયે પોતાના માવિત્રોને ઘરે ગઈ ત્યાં કેટલાક સમય રહ્યા પછી પુત્ર વીરહથી વ્યાકુળ થયેલી માતા ફરીથી એકવાર સાસરાના ઘરે આવી બાળકના ઘોડીયા(પારણા) પાસે ચોધાર અશ્રુઓ વરસાવતી બેસી રહી. દરમ્યાન ગામના સમજુ વર્ગમાંના ભાઈઓએ બાઈના સાસરા પક્ષના કુટુંબીઓને સમજાવવાથી એ બાઈને પોતાના ઘરમાં સ્થાન મળ્યું. ભાઈઓ ! આવી કરૂણ કહાણી આપણામાં બધે ઠેકાણે થતી હશે. એમ હું માનતો નથી પરંતુ એવા બનાવો બનવા ન પામે એવી દરેકે દરેક ભાઈઓએ કાળજી રાખવી જોઈએ કારણ કે “તુલસી હાય ગરીબકી કબહુ ખાલી ન જાય, મુવા ઢોરકે ચામસે લોહા ભસ્મ હો જાય” તે પ્રમાણે મુવેલા ઢોરના ચામડાથી લોઢું ગળી જાય છે તેવી રીતે આવી નીરાધાર બાઈઓના અંતરાત્માની ઉંડી હાયથી આપણા સર્વસ્વનો નાશ થઈ જાય છે.

          ભાઈઓ ! વર્તમાન સમયમાં આપણી જ્ઞાતિમાં અનેક પ્રકારના સુધારા કરવાની જરૂર છે. જો  દાખલારૂપે એક  દરિદ્ર  બ્રાહ્મણ પોતાનું દારીદ્ર દુર કરવા સારુ જંગલમાં એક દેવીના મંદિરમાં ધ્યાનસ્થ થઈ આરાધના કરવા લાગ્યો. તેમ કરતાં કેટલાંક દિવસે દેવીએ દર્શન આપી  તેની શું ઈચ્છા છે તે માગવા કહ્યું. બ્રાહ્મણે પોતાની દરીદ્રતાનું વર્ણન કરી અખુટ અન્ન મળતું રહે એવી પ્રાર્થના કરી. દેવીએ તેને અનાજની એક પોટલી આપી. તેને ખભા ઉપર રાખી બ્રાહ્મણ પોતાના ઘર  તરફ વિદાય થયો. જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે ગોરાણી પતિ સન્માન કરવા સામા આવ્યાં અને પતિના ખભેથી ગોરાણીએ પોટલી ઉંચકી ઘરમાં રાખી. પાછા આવીને જુએ છે તો પતિના ખભા ઉપર અનાજની બીજી પોટલી  દીઠી  તે પણ ઉંચકી ઘરમાં રાખી એમ એક પછી એક અનાજની પોટલી પતીદેવના ખભા ઉપરથી ઉપાડતા જાય ત્યાં દેવીના વરદાનથી બીજી પોટલી બ્રાહ્મણના ખભા ઉપર થતી જાય. ભાઈઓ ! કહેવાનો તાત્પર્ય એ છે કે આપણી જ્ઞાતિમાં એક પછી એક બાબતના સુધારા કરતા જઈશું તેમ તેમ બીજા પણ કેટલાક સુધારાઓ કરવાની જરૂરત પડતી રહેશે. એથી આપણને કંટાળી જવાનું નથી. દરેક સુધારા ક્રમે ક્રમે અમલમાં મુક્તા જઈશું અને જ્યાં સુધી  હયાત છીએ ત્યાં સુધી પરમકૃપાળુ પરમાત્મા આપણને બુદ્ધિ અને  શક્તિનો ઉપયોગ જ્ઞાતિ સેવા  અર્થે કરાવે. એવી દરેક બંધુઓની ભાવના હોવી જોઈએ. આપણી પુજ્ય જ્ઞાતિમાં યોગ્ય સુધારા કરી શકીયે અને તેવા યોગ્ય સુધારા કરવામાં હું મારી પુજ્ય માતાઓ અને બહેનોને પ્રાર્થના કરૂં છુ કે માતાઓ ! તમો જગત જનની છો તમારી જ સહાયતાથી આ દુનીયાનો દેશનો અને જ્ઞાતિનો ઉધ્ધાર થઈ શકશે. આપણને ધાર્મિક તેમજ સામાજીક પરીવર્તનો એટલે ફેરફારો કરવાના છે તે તમારી સંમતીથી જ થઈ શકશે એ ચોક્કસ ખાત્રીપુર્વક માનજો. અહીંયા આપણે એકત્ર થઈ સર્વની સંમતીથી ઠરાવો ઘડી પાસ કરીએ તેવા ઠરાવોમાં તમો બહેનો રાજી ખુશીથી સાથ આપશો  ત્યારે જ એ ઠરાવો સંપૂર્ણ રીતે પાળી શકાશે માટે મ્હારી પુજ્ય માતાઓ અને બહેનોને ખાસ નમ્રતાપૂર્વક અરજ કરું છું કે જે જે ઠરાવો સભામાં વંચાય તેમાં ફેરફાર કરવા જેવું જણાય તો ખુશીથી  તેજ વખતે જણાવી દેશો તો તમારા કહેવા અનુસાર યોગ્ય ફેરફારો કરી શકીશું અને ઠરાવો પાસ થઈ ગયા બાદ અમલ કરવાની ફરજ આપણા સર્વની ઉપર રહેશે અને તે તમો બહેનો વર્તવાની કીંવા પાળવાની હીંમત  દર્શાવશો તો પુરૂષ વર્ગ પણ ઘણી ખુશીથી તેમજ સરળતાપૂર્વક પાળી શકશે એવી મ્હારી દ્રઢ માન્યતા છે.

          ભાઈઓ ! પીરાણા પંથ હિન્દુ ધર્મ હોવાનો દાવો કેટલાક ભાઈઓ ઘરાવે છે પરંતુ તેવા ભાઈઓને એ પીરાણા “સતપંથ” હિન્દુ ધર્મ  નથી એવું સૈયદોએ પણ જાહેર કરેલું છે અને વધુમાં  પડકાર કરે છે કે પીરાણા—સતપંથ હિન્દુ ધર્મ છે એવું સાબિત કરી આપનાર ને રૂપીયા પાંચ હજાર એક આપવાની ચેલેન્જ કરી  છે. તો પછી પીરાણા—“સતપંથ” હિન્દુ ધર્મ હોવાનો હઠ પકડી માનીએ તો આપણી કેટલી ભુલ કહેવાય ? આપણી કડવા પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિને એ પંથ જરા પણ શોભતો નથી. માત્ર સૈયદોની આજીવિકા પુરતો જ દશોંદ વિશોંદ જેવા જબર લાગા વસુલ કરવામાં જ એ પંથનો પ્રચાર છે. આપણે જો એવા દરેક પ્રકારના લાગા બંધ કરી પીરાણે હુંડી ન મોકલાવીએ તો તેમની ખબર પડે કે અર્ધદગ્ધ ખીચડીઆ પંથનું કેટલું ગૌરવ રહી શકે છે હાલમાં આપણા કચ્છમાંથી કેટલાંક ગામોમાંથી પીરાણે હુંડી નથી જતી તેમાં પણ કેટલો બધો ફેર પડી ગયો છે તે તમો બધા ભાઈઓ પણ જાણી શકતા હશો. કહેતાં ઘણું દુઃખ થાય છે કે આપણે લાખો કોરીઓ પીરાણે મોકલાવી અને ત્યાં તેનો દુરઉપયોગ થઈ ગયો તે આપ ભાઈઓથી અજાણ્યું નહીં જ હોય.

          વિચારો કે  આપણા ધર્માદાના નાણામાંથી આપણી જ્ઞાતિના ઉધ્ધાર માટે કંઈ પણ વાપરી શક્યા નહિ. કોઈપણ ગરીબ  બંધુઓને મદદગાર થઈ શક્યા નહી તેમજ આપણા સંતાનો સારૂ નિશાળો, દવાખાનાઓ, તેમજ ધર્મશાળાઓ  પણ કરી શક્યા નહિ. એટલુ નહી પણ નાનામાં નાની બાબત કે સખ્ત ગરમીમાં પાણીના પરબો બેસાડવા જેટલું પુણ્ય પણ કરી શક્યા નહિ. એ વિચારતાં રોમાંચ ખડા થાય છે, અંતર અફસોસથી અકળાય છે પણ થાય શું. ગઈ ગુજરી ભુલી જઈને ભુલ્યા ત્યાંથી ફરી ગણીને ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે ભેગા થયા છીએ અને તેમાં ધાર્મિક તેમજ સામાજીક ફેરફારો કરી  ધર્માદા નાણાનો સદ્‌ઉપયોગ કરવો કે જેથી આપણી જ્ઞાતિની દરેક પ્રકારે સગવડ સચવાય.

          પીરાણા પંથથી આપણી જ્ઞાતિ ઉપર અસર થઈ છે તેનો એકજ દાખલો એવો છે કે આપણે હિન્દુ હોવા છતાં આપણા હિન્દુ દેવોની આરાધના તેમજ ઉપાસના કેવી રીતે કરવી. તે સદંતર ભુલી ગયા છીએ. જેથી મુરબ્બી શ્રી રાજારામભાઈએ ભગવાનની પ્રાર્થના પુજન વિગેરે કેવી રીતે કરવા જોઈએ  તે સંબંધે આપ ભાઈઓને સમજાવવા વિષે મને સુચના કરી  છે. પરંતુ એ વિષય તો વિદ્યવાન બ્રાહ્મણો તેમજ પંડીતોનો છે તો પણ મને જે અનુભવ છે તે પ્રમાણે આપને કહીશ.

          પીરાણા પંથના  પ્રતાપે આપણે આપણા હિન્દુ દેવદેવીઓની પ્રાર્થના ઉપાસના કરતાં ભુલી ગયા છીએ. પણ સદ્‌ભાગ્યે કેટલાક સમયથી આપણા સુધારક  ભાઈઓ પ્રાર્થના, વંદન નમસ્કારની વિધી વિગેરે કરી રહેલા છે અને જ્યોતીધામમાં પણ પલાંઠી (બેસીને પાલખી) વાળીને  દર્શન કરી નમસ્કાર કરવાની પ્રથા પ્રચલીત છે. તે  સિવાય સંધ્યા, રામરક્ષાનો પાઠ તેમજ ગીતાજીની ચોપડીઓ મુંબઈથી લઈ આવ્યા છીએ અને તે સર્વે પુસ્તકો કીંમત લીધા વગર મફત વહેંચી આપવામાં આવશે અને તેનો દરેક જીજ્ઞાસુ બંધુઓ સદ્‌ઉપયોગ કરશે અને તેમાંથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના વિગેરે શીખીને કરી શકાશે. આપણે દ્વીજ (ઉત્તમ વર્ણ) છીએ જેથી ઉપવીત (જનોઈ) ધારણ કરવાનો અધીકાર છે. પણ આપણી જ્ઞાતિ ખેતી પ્રાધાન્ય વર્ગ હોવાથી ખેતીનો ધંધો અનીયમીત હોવાના કારણે જે ભાઈઓ સ્નાનાદિ નિત્ય નિયમ સંધ્યા આદિ કર્મ કરી શકે તેવા ભાઈઓએ વિધીપુર્વક જનોઈ  ધારણ કરવી. પરંતુ જે  ભાઈઓ ખાસ નિત્ય કર્મ ન કરી શકે તેવા ભાઈઓએ ઉપવીત (જનોઈ) ધારણ ન થઈ શકે તો હરકત નહિ. પરંતુ બની શકે તો દરરોજ મંદિરમાં સાયંકાળે જઈ “ૐ  નમો ભગવતે વાસુદેવાય નમઃ” એ મંત્રના જાપથી જેટલી માળાઓ બની શકે તેટલી કરવી જોઈએ અને હંમેશાં પ્રાતઃકાળમાં સ્નાન કર્યા પછી સુર્યની સામે ઉભા રહી સ્તુતિ કરવી જોઈએ કે હે દેવાધીદેવ ત્હારા કિરણથી સૃષ્ટીને જેમ પ્રકાશ આપે છે તેમ અમારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ આપ. તે સિવાય હંમેશાં મંદિરમાં આવી મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજીના ચરિત્રનું શ્રવણ કરી સારાંશ ગ્રહણ કરવો જોઈએ. શ્રી રામચંદ્રજીએ પિતાના વચનની ખાતર રાજતિલકનો ત્યાગ કરી વનમાં ગયા એ ભાવ આપણને વડીલોના માન તેમજ મર્યાદા રાખવાનું સૂચવે છે. લક્ષ્મણજીએ રાજવૈભવ વિલાસ છોડી જ્યેષ્ઠ ભ્રાતા સાથે વનમાં સીધાવી નૈષ્ટિક બ્રહ્મચર્ય પાળી સેવક તરીકે સાથે રહ્યા એ આપણને ભ્રાતૃભાવ બતાવે છે. ભરતજીએ પોતાને મળતી રાજગાદીનો લોભ છોડી એ રાજ્યના હકદાર શ્રીરામચંદ્રજીની પાદુકા કહેતાં પગે પહેરવાની ચાખડીને રાજ  સીંહાસન ઉપર સ્થાપી પોતે જ્યાં સુધી શ્રીરામચંદ્રજી વનમાંથી પાછા ન આવે ત્યાં સુધી નંદિ ગ્રામમાં ઉગ્ર  તપશ્ચર્યા કરવા લાગ્યા એ ભાવ આપણને બીજાના હક્કનો અધિકાર ન ભોગવવાનો પ્રમાણીકપણે ચાલવાનો બોધ આપે છે. કૈકેયી શ્રીરામની અપર (મૈત્રી) માતા હતા તેના કહેવાથી શ્રીરામ વનમાં જાય છે તેમ જાણ્યા છતાં પણ માતુશ્રી કૌશલ્યાજીએ તેમાં અંતરાય ન નાખતાં શ્રીરામચંદ્રજીને રજા આપી, એ ભાવ ઘરમાં સંપ રાખવાનું અને પતિની ઈચ્છા ગમે તેવી પોતાને  પસંદ ન હોય તો પણ તેને આધીન રહેવાનું સ્ત્રીઓને  શીખવે છે. શ્રીરામ પ્રત્યેના પ્રેમથી દશરથ રાજાએ અનુચીત આજ્ઞા આપવાથી પસ્તાઈ પોતાના દેહનો ત્યાગ કરે છે એ આપણા વડીલોએ પ્રિય સંતાનો ઉપર આપખુદી તથા જુલ્મી વિચારો ન નાખવાનું સુચવે છે. પતિ સેવાથી  સીતાજી મન, વચન, અને કર્મથી સ્વામી સાથે વનમાં જાય છે એ ભાવ પતિના સુખે સુખી અને પતિના દુઃખે  દુઃખી રહેવાનું બહેનોને શીખવે છે.

          ભાઈઓ આપણા ધર્મશાસ્ત્રોમાં આવો અમુલ્ય ઉપદેશ રહેલો છે તેનું યથાર્થ પાલન આપણાથી બની શકે તેટલું જરૂરથી કરવું જ જોઈએ. હું તો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના  કરૂ છું કે અમારી જ્ઞાતિમાં વડીલો દશરથ જેવા, ભાઈઓ લક્ષ્મણ જેવા, માતાઓ કૌશલ્યા જેવી, પત્નિ સીતા જેવી અને પ્રમાણીક ભરત જેવા થાય એમ ઈચ્છું છું.

          આજે આપ ભાઈઓ તેમજ બહેનો પધાર્યા છો તેવી જ રીતે આવતીકાલેની સભામાં ઉત્સાહપૂર્વક પધારી આ પવિત્ર કાર્યમાં સહાનુભુતી આપશો એવી હું આશા રાખું છું કે આજની સભામાં કેટલા જરૂરી સવાલોનો નિર્ણય થઈ ગયો છે. આજની સભાનો સમય વધારે વ્યતિત થવાથી મારૂં  બોલવાનુંં પુરૂં કરૂં તે પહેલાં આજે મારાથી અનુચીત એટલે વધારે પડતું બોલાયુ હોય તો મને ક્ષમા કરશો એવી  પ્રાર્થના કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ આજની સભાના કામકાજ પ્રત્યે સંતોષ જાહેર કરી પ્રમુખશ્રીએ સભા વિસર્જન કરી હતી.

          સભા પુર્ણ થયા બાદ બહેનોએ મધુર સ્વરે રાસ રમી પ્રભુ ગુણોનું વર્ણન કર્યું હતું અને પુર્ણ થયા પછી યુવક ભાઈઓએ પણ રાસ મંડળ રચી પ્રભુ પ્રત્યે સદ્‌ભાવના બતાવી હતી.

 

          ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદોથી સર્વ કોઈ વિખરાયા હતા માત્ર ભવ્ય વિશાળ સભાસ્થાનમાં ફરજ ઉપર રહેલા વોલન્ટીઅરો પોતાની ડ્યુટી બજાવી  રહેલા હતા.

સંવત ૧૯૯૩ માસ વૈશાખ સુદ ૮ ને સોમવાર {VSAK: 17-May-1937} ના દિવસની કાર્યવાહી

          આ ઉત્સવની તૈયારી બહુ જ મોટા પાયા પર થઈ રહેલી હતી. કાર્યવાહકો તથા જ્ઞાતિબંધુઓ એકત્ર થઈ કામગીરી બાબતના વિચારોની આપલે કરી રહ્યા હતા. સુધારકો તરીકે થયેલી મતફેરી બાબત ઘણા ભાઈઓને લાગી આવતું હતું. શુદ્ધિને માનનારા ભાઈઓ અને તેમના ગણાતા અગ્રેસર નારાયણજીભાઈ રામજી જેવા મહાન સુધારકો આ સમયે હાજર ન હોય એ ઘણું જ સોચનીય ગણાય તે સંબંધમાં ખુલાસો કરતાં એક ભાઈએ કહ્યું કે અત્યારનો પ્રસંગ ઉજવવા માટે પ્રથમ અમે નારાયણજીભાઈ પાસે ગયા હતા અને આ કાર્યમાં સહાયતા અને સાથ આપવાની માગણી કરી હતી. જેના પ્રત્યુતરમાં ભાઈ નારાયણજીએ કહ્યું હતું કે આ કામમાં  હું આગેવાની ભર્યો ભાગ લઈશ તો તમારું કામ સુધારવાના બદલે ઉલટું  બગડશે, માટે તમો ભાઈશ્રી રતનશી ખીમજી પાસે જાઓ તો એમની આગેવાનીથી આ કામ પુરું થશે અને એમની પાછળ રહી એટલે રતનશીભાઈની સાથે રહી મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠાના કામકાજમાં ભાગ લઈશ. એ પ્રમાણે પોતાની ઈચ્છા જણાવી.

          તે ઉપરથી ચર્ચામાં ભાગ લેનારા ભાઈઓએ કહ્યું કે નારાયણજીભાઈ  આ કામકાજમાં આગળ પડતો ભાગ  લેવાને ખુશી ન હોય તો શ્રી રતનશી ખીમજી સાથે રહીને કામ કરવાનું કહ્યું હોય તો પ્રસંગે તેમની હાજરી જરૂર હોવી જોઈએ. રતનશીભાઈ તો આજ પાંચ પાંચ દિવસથી હાજરી આપી રહ્યા છે પરંતુ નારાયણજીભાઈ તો દેખાતા જ નથી તેનું કેમ ? નખત્રાણા અને વિરાણી એક  ગામ તરીકે નીકટ છે તેમ સુધારક તરીકે તો આપણે તમામ ભાઈઓએ નીકટ રહેવું જોઈએ. તેમ છતાં તેમના જ કહેવા પ્રમાણે આપણે રતનશીભાઈની સલાહ લીધી  ત્યારે રતનશીભાઈએ કહ્યું કે નારાયણભાઈ પ્રભુની પવિત્ર પ્રતિષ્ઠામાં અગ્રેસર થઈને કામ કરે કે સાથે રહી કામ કરે એ તો એમની મરજી હું તો મ્હારી ફરજ પ્રમાણે વર્તવા મારાથી બનતી સેવા કરવા તૈયાર રહીશ.

          ત્યારે બીજા ભાઈઓ કહેવા લાગ્યા કે અમારા મહાન સુધારક તરીકે ગણાતા જ્ઞાતિ અને ધર્મના નામે દેહ પણ અર્પણ કરી દેવાની વાતો કરતા શુદ્ધિ સંસ્થાપક ભાઈ નારાયણજી આ પ્રસંગને જાણતાં છતાં પણ મુંબઈ ચાલ્યા ગયા ત્યારે મુંબઈ તેમજ અન્ય સ્થળેથી આ પ્રસંગ ઉજવવા હિન્દુ ધર્મ પ્રેમી જ્ઞાતિ ભાઈઓ પોતાના ખર્ચના ભોગે આ સમયે આવી હાજર થયા. પણ નારાયણજી ભાઈ તો મુંબઈમાં રહી આવી અનુકુળ પરીસ્થિતિ પ્રત્યે બેદરકાર રહ્યા એ કેટલું દુઃખ ભરેલું કહેવાય. જેમ નારાયણજીભાઈ આવ્યા નથી તેમજ કરાંચીમાંના તેમજ આથમણા પાંચાડામાં રહેતા શુદ્ધીવાળા ભાઈઓ પણ આવ્યા નથી. અને આવે પણ કેમ ? કારણ કે તેઓને જ્ઞાતિમાં એક સંપ થાય તેની તેઓને દરકાર નથી, જ્ઞાતિ કે ધર્મના નામે ભોગ આપવાની તેમની ઈચ્છા નથી. મતભેદ અને કુસંપને છોડવાની તેમની મરજી નથી એ તો આપખુદી અને હઠના બળે અભિમાનથી સુધારામાં  દુરાગ્રહથી જ્ઞાતિ સેવા કરવાના બહાને જ્ઞાતિમાં વિષરૂપી ઝેર વાવી રહેલા છે. સદ્‌ભાગ્ય માનો આ સમયનાં કે આપણે ધર્મના વિચારોથી જુદા હોવા છતાં એક બીજાના હાથમાં હાથ મિલાવી ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના પવિત્ર ચોગાનમાં એકત્ર થઈ બનતા સુધારા કરવા તૈયાર થયા છીએ જેમાં બીજી જ્ઞાતિઓ પણ સહકાર આપી  ધર્મ પ્રત્યે માન બતાવી રહ્યા  છે. પણ ખુદ આપણી જ્ઞાતિના તેમાં પણ ખાસ સુધારક તરીકે પંકાએલા આપણા શુધ્ધીવાળા ભાઈઓ આપણાથી વિમુખ રહેવા માગતા હોય તો પછી અમે જ્ઞાતિ શુભેચ્છક  અને સંપ ચાહતા સુધારકો છીએ એ શબ્દો સદાને માટે તેઓએ ભુલી જવા જોઈએ. “મેં મરૂ પણ તુલા રાંડ કરૂન” એ મરાઠી કહેવત પ્રમાણે નાતનું ગમે તેમ થાઓ પણ અમારૂં કહેવું જરા ન જાઓ એ રીતે એ સુધારાનો સિદ્ધાંત જગતમાં હાંસી કરાવી રહ્યો છે. આપણો હિન્દુ ધર્મ તો સમય વરતે સાવધાન રહેવાનું સુચવે  છે સ્મૃતિઓ યુગ ધર્મ પ્રમાણે વર્તવાને આદેશ આપે છે પણ આપણા ધર્મધુરંધર સુધારકોને તો પ્રતાપે અને શક્તિસિંહ જેવું સમરાંગણ ખેલવું છે. પૃથ્વીરાજ અને જયચંદ જેવા જીવને રહેવાનું છે અને જ્ઞાતિના કુસંપરૂપી પોલાણમાંથી કંઈક ગુપ્ત હેતુ પાર પાડવાનો હશે જેથી સંપ અને એકત્રપણામાંથી અળગા રહેવામાં જ આનંદ અનુભવે છે.

          તે સમયની ચાલતી ચર્ચામાં ભાઈશ્રી ભાણજી જેઠા પોકાર નખત્રાણાવાળાએ જણાવ્યું કે મ્હેં પણ કરાંચીમાં શુદ્ધિવાળામાંના મુળજીભાઈ ડોશા પોકારને કાગળ લખીને જણાવ્યું હતું કે તમોને મોકલવામાં આવેલી આમંત્રણ પત્રિકાની પુઠમાં આપણી જ્ઞાતિનો જમવાનો  રસોડો એક હોવાનું લખેલું છે પણ તે બાબતમાં આપ ભાઈઓ કોઈ મનમાં માઠું લગાડશો નહી તમો સંપીને જેમ બને તેમ વધારે સંખ્યામાં વેળાસર ભગવાનની પ્રતિષ્ઠામાં પધારશો. પછી આપણે સર્વ ભાઈઓ ભેગા બેસી આપસમાં ચર્ચા કરશું અને એક બીજાના વિચારો દર્શાવશું અને તેમાં એક બીજાની ગેરસમજુતી ફેલાયલી હશે તેના યોગ્ય ખુલાસાઓ કરી આપ લે કરશું.. સાથે બેસીને વાટાઘાટ કરવાથી આપસમાં ઉભી થયેલી ગેરસમજુતી સમજી શકાય તેમજ મનની શંકાનું સમાધાન પણ થઈ શકે. માટે આપ જરૂરથી પધારજો. પરંતુ આવા સમયે આપ માંહેથી ભાઈઓ નહી આવો તો બહુ જ ખોટુ દેખાશે અને વધારામાં નાત તમારા માટે કેવા અભિપ્રાય બાંધશે તે પણ એક પ્રશ્ન છે. તમારા માટે ખોટા ખ્યાલ ન બંધાય તે માટે મહેરબાની કરી ભગવાનની પ્રતિષ્ઠા સમયે જરૂર આવજો છતાં તે ભાઈઓ આવ્યા નહી ત્યારે આપણને સમજવું શું ?

          ત્યારે કેટલાક ભાઈઓ કહેવા લાગ્યા કે એ શુદ્ધીવાળા ભાઈઓ ન આવ્યા એટલે એમને નાનકડી પણ જુદી નાત રાખવી હશે એટલે જ ન આવ્યા. પવિત્ર ગંગા સમાન નાત સાથે જમવામાં એ વટલાય છે જેથી પોતા માટે એમને રસોડો જુદો જોઈતો હશે અને આપણે તો આપણા જ્ઞાતિભાઈઓ માટે રસોડો એક રાખ્યો છે અને આમંત્રણ પત્રિકાની પુંઠમાં પણ એ જ પ્રમાણે લખ્યું હતું. જેથી એ  ભાઈઓ  આવ્યા નહીં.

          પરંતુ શુદ્ધિવાળા ભાઈઓએ યાદ કરવું જોઈતું હતું કે ભાંગેતુટે સગપણો આ નાત સાથે કરવામાં વટલાતા નથી. દીકરાની વહુને તેડવા જતાં સામા પક્ષવાળા વેવાઈ કે જે શુદ્ધિવાળા પક્ષના નથી તેમને ત્યાં ખાવાપીવા વખતે પણ લેશ માત્ર પણ સંકોચ રાખતા નથી અને  આજ તો  ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા જેવા પવિત્ર સમયે પાપી પણ પાવન થઈ  શકે છે એવા ઉત્તમ અવસરે ગંગા જેવી પવિત્ર અને સાગર જેવી મહાન જ્ઞાતિ સાથે ભોજન કરતાં અચકાય છે. ધન્ય છે તેઓની બુદ્ધિ તેમજ શિક્ષણને. ત્યારબાદ સાંજે મોટરમાં મુંબઈ—ઘાટકોપરથી ખાસ કારણસર રોકાય ગયેલા ભાઈશ્રી સીવદાસ કાનજી વિરાણીવાળા આવી પહોંચ્યા હતા તેવણને માન સહીત મંદિરમાં લઈ આવ્યા હતા.

          ત્યારબાદ રાત્રીના હંમેશના નિયમ મુજબ સભા ગોઠવવામાં આવી. સભાના પ્રમુખ તરીકે પટેલ દેવજીભાઈ કચરાભાઈની દરખાસ્ત ભાણજીભાઈ જેઠાભાઈએ મુકી હતી જેને પટેલ હરજી પુંજા નાથાણીએ અનુમોદન  આપતાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદ વચ્ચે પટેલ દેવજીભાઈએ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું. પ્રમુખશ્રીએ સર્વનો ઉપકાર માન્યા બાદ પોતાનું લેખીત ભાષણ ભાઈ રામજી ધનજીને વાંચી સંભળાવવાનું કહ્યું હતું. જે નીચે પ્રમાણે છે :—

          વ્હાલા ગંગા સ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ, પુજ્ય  માતાઓ અને બહેનો તેમજ અમારી જ્ઞાતિ પ્રત્યે લાગણી ધરાવનાર પધારેલા સદ્‌ગૃહસ્થો.

          મારી યોગ્યતા ઉપરાંત  પ્રમુખસ્થાનનું માન મને આપ્યું છે તેના વાસ્તે હું આપ સર્વનો ઉપકાર માનું છું અને મારા  તરફથી બે શબ્દો રજુ કરું છું. તેમાં અવિનય જણાય તો  ક્ષમા કરશો.

          આપણી જ્ઞાતિમાં સુધારક ભાઈઓ વીસ વીસ વરસોથી પીરાણા—સતપંથમાંથી આપણને મુક્ત કરવા પ્રયાસો કરી રહેલા છે જેના પરીણામે આપણી જ્ઞાતિમાં દિનપ્રતિદિન સારી જાગૃતિ આવવા લાગી તે સમયમાં પ્રથમ  નારાયણજીભાઈ વિગેરે આપણને કહેતા હતા કે તમે લગ્ન વિધીમાં હિન્દુ સનાતન રીવાજ પ્રમાણે ચોરી ફેરા ફેરવો અને મરણ સમયે અગ્નિ સંસ્કારની પ્રથા ચાલુ કરો અને પીરાણા પંથને માનવાનું મુકી દ્યો એટલે આપણા ઉપર ચોંટેલુ કલંક ઉતરી જાશે એટલે તમારા અને અમારા વચ્ચે ધાર્મિક મતભેદ નહી રહેતાં ખાવાપીવા વિગેરેમાં જે અંતરાય છે તે નીકળી જતાં આપણે એક થઈ રહીશું.

          ભાઈઓ ! એ પ્રમાણે આપણે કર્યા છતાં પણ એ શુદ્ધિવાળા ભાઈઓને સંતોષ ન થયો અને આવા ભગવાનને મંદિરમાં પધરાવવાની પ્રતિષ્ઠા સમયે પણ હાજર રહ્યા નહિ. બલ્કે દયાપર પાનેલી અકરી વિગેરે શુદ્ધિવાળાએ પોતા તરફથી ભગવાન શ્રી  લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા સમયે હાજર ન રહી શકવાનું કારણ પોસ્ટ મારફત પત્ર દ્વારા એવું જણાવે છે કે અમારાથી તમોએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા ઉપર પધારવાની કંકોત્રી મોકલાવેલ છે તે પ્રસંગે ઉપર આવી શકાશે નહિ. કારણ કે  ત્યાં આવીએ તો તમારા ભેગા બેસી જમવું પડે અને તેમ કરીએ તો શાસ્ત્રનો ગુન્હો કર્યો કહેવાય માટે અમારાથી આવી શકાશે નહિં. એવા મતલબનું લખી જણાવ્યું છે.

          ભાઈઓ ! શુધ્ધિવાળા ભાઈઓ શાસ્ત્રોનો કેવી રીતે ઉપયોગ કરી રહેલ છે એ આપણે જાણી શકીએ છીએ એવું ચોખ્ખું દીવા જેવું જણાઈ આવે છે. શાસ્ત્રોના જાણકારોના મોઢેથી સાંભળ્યું છે કે દેવ, યજ્ઞ, બ્રાહ્મણ અને ગુરૂના આમંત્રણને નહિ માનનાર નરકનો અધિકારી થાય છે. અહીં આ દેવ કહેતાં ભગવાનના નામની પ્રતિષ્ઠાનાં નીમંત્રણ તેના અંગે તથા યજ્ઞ અને પુજ્ય બ્રાહ્મણોના વેદ મંત્રોના વીધીથી થતા ધર્મ ઉત્સવમાં આવતા શાસ્ત્રોનો ગુનો કર્યો કહેવાય એમ  આપણામાંના કહેવાતા શુદ્ધિવાળા ભાઈઓ માનતા હોય ત્યારે તેમને તો મનુષ્યથી પર એવા દેવતા જ કહેવાય !

          બંધુઓ કહેતાં ખેદ થાય છે કે આપણા શુદ્ધિવાળા ભાઈઓ હાથે કરી કુસંપ રૂપી દાવાનળ ધર્મના નામે આપણી જ્ઞાતિમાં જગાવી રહ્યા છે. પરમાત્મા તેમને કુટુંબ, ભાઈઓ ધર્મ અને દેવને નામે પ્રેમ રાખતાં સદ્‌બુદ્ધિ  આપે એમ હું ઈચ્છું છું. તે સાથે મારા જ્ઞાતિભાઈઓને વિનંતી કરૂં છું કે શુદ્ધિવાળા ભાઈઓના કામમાં આપણને હરકત ન કરવી અને તેમાંથી જે કોઈપણ ભાઈ  આપણી સાથે આવવા માગતો હોય તેને આપણા ભેગો લેવાનો સ્વીકાર કરવો. પરંતુ આવનાર ભાઈની વૃત્તિ સ્વાર્થ પુરતી જ હોય તો આપણે તેનાથી સાવધાન  રહેવું.

          હવે આપણા મુંબઈથી પધારેલા ભાઈઓ જે તન મન અને ધનથી જ્ઞાતિસેવા કરવા માટે પરિશ્રમ કરી રહેલા છે તેની કદર કરી આપણા  તરફથી માનપત્ર આપવાનું છે. પરંતુ કહેતા દીલગીરી થાય છે કે સારા કામમાં સો વિઘ્ન એ રીતે મુરબ્બિ શ્રી રાજારામ શામજીની  આજે હાજરી નથી કારણ કે તેમના મોટાભાઈ રતનશીભાઈના પુત્રવધૂના અવસાનનો પત્ર આવવાથી તેઓશ્રી આજ સાંજે માનકુવા ઉપડી ગયા છે તેઓ હાજર ન હોવાના કારણે તેમની ખામી દેખાઈ આવે છે. હવે એ આપવાનું માનપત્ર ભાઈશ્રી નથુ નાનજી વાંચી સંભળાવશે. તે લક્ષમાં રાખવાની પ્રાર્થના કરૂ છું.

          બાદ પ્રમુખ સાહેબની સુચનાથી ભાઈશ્રી નથુ નાનજીએ નીચે પ્રમાણેનું માનપત્ર વાંચી સંભળાવ્યું હતું.

          શ્રીમાન ધર્મ સુધારક જ્ઞાતિહીત શુભેચ્છક માન્યવર મુરબ્બિ શ્રી રાજારામ શામજી માનકુવાવાળા તથા ભાઈશ્રી રતનશી ખીમજી વીરાણીવાળા તેમજ મુંબઈ ઘાટકોપર મંડળના પ્રમુખ શ્રીયુત ભાઈ શ્રી કરસનભાઈ ઉકેડા દેશલપરવાળા તથા શ્રીમાન મેઘજીભાઈ લખમશી વીરાણીવાળા તથા શ્રીયુત ભાઈશ્રી સવદાસ કાનજી વિરાણીવાળાની પવિત્ર સેવામાં અમો નખત્રાણા ગામના ત્રણે વાસવાળા એકમતથી સંપસલાહથી શીખરબંધ મંદિર અત્રે પુર્વનિવાસ (નવાવાસ) માં બાંધવામાં આવ્યું છે. તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રાણમુર્તીની પ્રતિષ્ઠા કરવાના શુભ અવસરે તમોએ અમારા આમંત્રણને માન આપી કામ ધંધા પડતા મુકી સેંકડો રૂપીયા ખર્ચી આપના અમુલ્ય તેમજ કીંમતી વખતનો ભોગ આપી પોતાની ફરજ  સમજી અહીં પધાર્યા છો તેથી અમો નખત્રાણાવાસી ભાઈઓ આપનો ખરા અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.

          આપ ભાઈઓએ શુદ્ધિવાળા ભાઈઓ કે જેઓનો આપણી જ્ઞાતિ સાથે ખાવાપીવાનો વહેવાર બંધ છે તેઓની પરવા ન કરતાં તેમજ તેમની શેહમાં પણ ન દબાઈ જતાં નાત સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ  રાખી જ્ઞાતિ સુધારાનું કામ હિંમતભેર ખરી લાગણી તેમજ ઉચ્ચ ભાવનાથી ચાલુ રાખ્યું છે અને આ ઉત્સવમાં અમારા તરફથી ત્યાં (મુંબઈ) મોકલેલ પ્રતિનિધિઓને આપેલ વચન અનુસાર એક અઠવાડીઉં વહેલા પધારી રચનાત્મક કાર્યક્રમ ગોઠવી યોગ્ય સુચનાઓ આપી જાતે ભેગા રહીને કામકાજ કરવામાં આગળ  પડતો ભાગ લ્યો છો જે આપની જ્ઞાતિ સેવાની ધગશ જણાઈ આવે છે.

          આપ સુધારકોએ લગભગ વીસવીસ વરસોથી અનેક કષ્ટ સહન કરી આગેવાન ગેઢેરાઓના આપખુદી સત્તાની પરવા ન કરતાં જાનના જોખમે સુધારાનું કામ જારી રાખ્યું તેમજ સૈયદો અને કાકાઓના છળપ્રપંચ કે કાવાદાવામાં ફસાઈ કે ભોળવાઈ ન જતાં પરીણામનો  વિચાર કર્યા વગર યાહોમ ઝંપલાવી જ્ઞાતિને અધોગતીની ઉંડી ઉંડી ખીણમાં જતાં બચાવી સન્માર્ગે દોરી છે જેથી આપ જેવા જ્ઞાતિ સુધારક ભાઈઓની આપણી જ્ઞાતિ સદાને માટે ઋણી રહેશે.

          ભગવાનની પ્રતિષ્ઠાને અંગે મંડપ બાંધવાનું મંદિર તેમજ રસ્તાઓ શણગારવાનું મહેમાનો તેમજ અતિથીઓને સત્કારવાનું તે સીવાય વોલન્ટીઅર ટીમ ગોઠવવા વિગેરે કામકાજમાં આપ વેળાસર પધારી શુભ અવસરના પ્રસંગને દીપાવી શોભામાં વૃધ્ધિ કરી છે ને આપની જ્ઞાતિ સેવા પ્રત્યેની ખરી લાગણી તેમજ ભાવના વ્યક્ત કરી છે જેથી  અમો અમારી ફરજ સમજી આપ પધારેલા ભાઈઓ પ્રત્યે ફુલ નહિ પણ ફુલની પાંખડી માનપત્ર રૂપી માનપુર્વક વિવેક કર્યો છે તે સ્વીકારી ઉપકૃત કરશો.

          વિશેષમાં આપ પધારેલા ભાઈઓનો પુનઃ ખરા અંતઃકરણથી આભાર માનીએ છીએ.

લી. અમો છીએ,

 

નખત્રાણા ગામના ત્રણે વાસવાળા આપના જ્ઞાતિભાઈઓ.

          માનપત્ર વંચાઈ રહ્યા બાદ સભાસ્થાને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદોથી વધાવી લીધું હતું.

          બાદ રતનશીભાઈ ખીમજીએ પોતા તરફથી માનપત્રનો વળતો જવાબ આપતાં કહ્યું કે ભાઈઓ ! નખત્રાણા ગામ સમસ્તના જ્ઞાતિભાઈઓએ અમારા કિંચીત કાર્યની લાગણી વશ થઈને જે માન આપ્યું છે તેમાં ભુતકાળ તેમજ વર્તમાન સમયમાં અમારી નાની સેવાઓની યાદદાસ્ત આપી મહાન સ્વરૂપ અપાયું છે. તેનું કારણ આપ પોતે જ મહાન છો. જે પોતે પુર્ણ છે તે બધાઓને પુર્ણ દેખે છે. પણ આપે ધારેલી તેમજ વર્ણવેલી સેવાક્ષેત્રમાં અમારાથી જે કંઈ થઈ શક્યું છે તે કુદરતે આપેલ બક્ષીસ છે. તે ઉપરાંત જઈ મ્હે કર્યું છે એવું મીથ્યાભીમાન કરનાર વ્યક્તિનું અભિમાન વધારે ન ટકી  શકે એ આપ ચોક્કસ માનજો.

          આવા મોટાં માન આપી અમારામાં એ માનથી મોહ તેમજ તેમાંથી ઉત્પન્ન થતો અભિમાન પ્રદીપ્ત ન થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના  છે. વાસ્તવીક રીતે જોતાં જ્ઞાતિ તેમજ ધર્મની સેવા કરવી એ દરેકની પવિત્ર ફરજ છે અને તેનું પ્રતીપાલન યથા શક્ય કરવાની સદ્‌બુદ્ધિ અમારામાં કાયમ રહે એવી જગત નિયંતા પાસે અમારી માંગણી છે.  અમે  જે કંઈ કરી રહ્યા છીએ તે જ્ઞાતિ ઉન્નતિ અર્થે જ અમો અમારી ફરજ સમજીને જ કારણ કે કર્મ કરવાને મનુષ્ય માત્ર બંધાયેલા છે. પછી તે નિષ્કામ વૃત્તિથી હોય કે સ્વાર્થ વૃત્તિથી પરંતુ આપણી ધાર્મિક તેમજ સામાજીક પ્રવૃતીમાં સ્વાર્થ સાથે પરમાર્થ બન્ને સમાયેલા છે સ્વાર્થ માત્ર એજ કે જ્ઞાતિનું શ્રેય થાઓ અને પીરાણા સતપંથમાંથી જ્ઞાતિ સદાના માટે સત્વર મુક્ત થાય. પરંતુ વ્યક્તિગત અંગત સ્વાર્થ તો હોઈ શકે જ નહિ. પરમાર્થ એજ કે આપણા ધર્માદાના નાંણા જ્ઞાતિ અભ્યુદયમાં ખર્ચાય તો આપણે શીક્ષણ, ધર્મ અને જ્ઞાતિમાં પ્રેમનો વિકાસ કરી  શકીયે એવી મારી ભાવના છે.

          હું ઈચ્છું છું  કે પરમકૃપાળુ પરમાત્માએ પેદા કરેલ આ સ્થુલ દેહ કહેતાં શરીર જ્યાં  સુધી અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી યત્‌કીંચીત જ્ઞાતિ સેવા કરવાનો મારો મુદ્રાલેખ અથવા ટેક છે અને તેવી ટેક જળવાઈ રહે એવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ બુદ્ધિબળ તેમજ શક્તિ આપે એવી મારી નમ્ર પ્રાર્થના છે. અમે ફુલ નહીં પણ ફુલની કળી જેટલુ એ કાર્ય  કરી શક્યા નથી છતાં પણ ચાલતી પ્રણાલીકા પ્રમાણે આપે, અમોને માન આપ્યું છે તે શીરસાવંદ ગણી  આપ સર્વ જ્ઞાતિ ભાઈઓનો ઉપકાર માનું છું.

          બંધુઓ સુધારાની ચળવળ શરૂ થયા બાદ આપણા વચલા પાંચાડાના ગામોમાંથી ધર્માદાના નાણાં પીરાણે બહુ જ ઓછા પ્રમાણમાં જાય છે તેમાં કેટલાક ગામમાંથી તો મુદલે જતાં નથી. તેમજ નુર કે અમીની ગોળી  પણ વાપરતા નથી એ પ્રશંસનીય છે. ગોળી ન પીવાથી એકાદ વરસમાં મનુષ્યની બુદ્ધીનો સન્માર્ગે વિકાસ થતાં પીરાણા પંથ તરફ સ્વાભાવિક અણગમો ઉત્પન્ન થાય છે. એટલું જ નહી પરંતુ એ અર્ધદગ્ધ પંથમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે એ ચોક્કસ અનુભવ સિદ્ધ  છે અને એટલા માટે જ પીરાણા પંથના સંચાલકો નુરની ગોળી  પીવડાવવાનો  ખાસ આગ્રહ અને દબાણ  કરે છે  અને તેથી નાનપણથી  બાળકોને  પીવડાવીને પીરાણા પંથના અનુયાયીઓ  હોવાના સંસ્કારો નાખે છે.

          બાળક સ્વાભાવિક પ્રભુનો સ્વરૂપ કહેવાય છે કારણે એનામાં રહેલા નિર્દોષ આનંદ અને પ્રેમ એ પ્રભુના લક્ષણ છે. એના નિર્વિકાર શરીર અને બુદ્ધિ એટલા સ્ટફીક હોય છે કે તેનામાં જેવા સંસ્કારો નાંખવામાં આવે તેવા સંસ્કારો ઉદ્‌ભવે. બાળકને નાનપણથી જ સ્વધર્મના સંસ્કારો નીતિ અને ફરજોનો અનુભવ અને યોગ્ય મનુષ્ય બનાવવવાની લાયકાત નાનપણથી જ બાળકને શીખવાડો કે જેથી એ બાળક  ભવિષ્યમાં માતાપિતા, ધર્મ જ્ઞાતિ, કુટુંબ નીતી વિગેરેની ફરજ જાણી યોગ્ય પાલન કરી શકે. એ બાબતની કાળજી ખાસ કરીને માતા પીતાએ  રાખવી જરૂરની છે. તે ભુલી જવું ન જોઈએ.

          બાળક પ્રભુને એટલું પ્રિય હોય છે કે જ્યાં સુધી સ્વરક્ષણ કરવાની બાળકમાં શક્તિ ન આવે ત્યાં સુધી તેનું રક્ષણ કરવાનું પ્રભુ પોતે જ સ્વીકારી લે છે. આપણા મોટાઓને સાપ વીંછી વીગેરે ઝેરી જંતુઓના ડંસ દેવાના દાખલાઓ બને છે પરતું બાળકોને માટે તેવા દાખલા બનતા નથી એ વાત સૌ કોઈને વિદિત હશે. (વાત સાચી હોવાના સભામાં અવાજો) વિચારો કે એવા પ્રભુ પ્રિય બાળકને આપણે કુસંસ્કારે કરી અધોગતી કરીએ તો આપણે પ્રભુના કેવા ગુનેગાર ગણાઈએ છીએ !

          કહેવાનો તાત્પર્ય એજ કે આપણી ઉન્નતિનો આધાર આપણા નાનપણના સંસ્કારોમાં સમાયેલો છે અને તેની જવાબદારી વડીલો કહેતાં માતાપિતાની છે. મારા બોલવામાં કંઈ વધારે પડતુ બોલાયું હોય તો કૃપા કરી મને સુચના કરતા રહેશો એટલે મારી ભુલ સુધારી  શકું અને આપનો આભાર માનીશ. આટલું બોલી મારું બોલવું સમાપ્ત કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ  ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ શ્રીયુત ભાઈશ્રી કરસનભાઈ ઉકેડા ઉગમણા દેશલપરવાળાએ માનપત્રના જવાબમાં જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ, વ્હાલા જ્ઞાતિ બંધુઓ, ઉત્સાહી યુવાનો, પુજ્ય માતાઓ અને બહેનો તેમજ પધારેલા  સદ્‌ગૃહસ્થો.

          વર્તમાન સમયને અનુકુળ રહી આપશ્રીઓએ અમને માન આપવા વિવેક કર્યો છે તે બદલ ઘાટકોપર યુવક મંડળ તરફથી હું આપનો આભાર માનું છું.

          ખરી રીતે તો સેવકને માટે માન કે અપમાન જેવો કંઈ સવાલ જ નથી એ તો પોતાના ઉદ્દેશ પ્રમાણે આપ જેવા જ્ઞાતિ પ્રત્યે દાઝ ધરાવનાર બંધુઓની  સલાહથી જ્ઞાતિ સુધારાનું રચનાત્મક કાર્ય કર્યે જાય અને તેમાં આપનો સક્રીય હીસ્સો હોવો જોઈએ. તેમજ દરેકે દરેક  ભાઈઓએ  પોતપોતાની ફરજ સમજી જ્ઞાતિ સેવાના કાર્યમાં સામેલ થવું જોઈએ. અર્થાત્‌ સાથ આપવો જોઈએ.

          ઘાટકોપર મંડળ છેલ્લાં કેટલાંક વરસોથી અસ્તિત્વમાં નહોતું બલ્કે તેમની હસ્તી જ મટી ગઈ હતી તેમજ સંગઠન પણ સર્વથા તુટી ગયું હતું. ત્યારબાદ આપના ગામ તરફથી મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા નિમિત્તે જોઈતી સામગ્રી તેમજ ચીજવસ્તુઓ લેવા સારું પ્રતિનીધી તરીકે બે ભાઈઓ અમારે ત્યાં ઘાટકોપર આવ્યા હતા અને ઇશ્વર કૃપાએ અમોને એ ભાઇઓના આવવાથી ભેગા થઈ વાટાઘાટ ચલાવવાનો પ્રસંગ મળ્યો આવનાર ભાઈઓએ મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા સમયે પધારવાનું આમંત્રણ આપવા માટે અમો સર્વે ભાઈઓને બોલાવેલા, દરમ્યાન કેટલાક યુવાનોના મન ઉપર ચાલતા વાતાવરણની સારી જેવી અસર થઈ. પરીણામે વ્યવસ્થીત રીતે યુવક મંડળની સ્થાપના થઈ અને તે યશ આપ નખત્રાણાવાળા ભાઈઓને જ આપવો ઘટે છે.

          ભાઈઓ ! પીરાણા—“સતપથ” સંબંધે કેટલાક વરસોથી બહુ જ કહેવાય છે તે વિષય પરત્વે કંઈ પણ બોલવા જેવું બાકી રહ્યું નથી. તો પણ એટલું જરૂરથી કહેવું જ પડશે કે પીરાણા—સતપંથ આપણને મુસલમાની રાહત પર લઈ જનારો છે અને તેમાં ધર્માદા તરીકે નાણાં આપવાથી પુણ્યને બદલે પાપ તેમજ લાભને બદલે હાનિ (નુકસાન) થાય છે. તેમજ બીજી હિન્દુ જ્ઞાતિના કરતાં ધાર્મિક દ્રષ્ટિએ હલકા ગણાઈએ જેથી આપણી કડવા પાટીદાર જ્ઞાતિને પંથ શોભતો નથી અર્થાત્‌ કલંક રૂપ છે. એ કલંક ઉતારવા માટે કચ્છમાં આપણા મતને મળતા વિરાણી મોટીમાં પણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું શીખર બંધ મંદિર બંધાયું અને નાત સાથે ખાવાપીવાનો વહેવાર પણ તોડ્યો નથી એ પ્રશંસનીય છે. પરંતુ સાંભળવા પ્રમાણે વિરાણી સિવાય બીજા ગામવાળા કે જેઓ સુધારાથી વિરુદ્ધ છે તેવા વિરોધી જ્ઞાતિભાઈઓના ભરમાવ્યા કે બહેકાવ્યાથી ગામમાં ફુટ પડી પરીણામે કોર્ટોમાં કેસ લડવા પડ્યા  અને હજારો કોરીઓનો નીરર્થક ખર્ચો કરી પાયમાલ થઈ ગયા. પરંતુ ગામ શ્રી વિરાણીના ઉભય પક્ષોને વિનંતીપૂર્વક કહું છું કે નાણાંનો એવી રીતે વ્યય ન કરતાં પોતામાં સમજી જાઓ અથવા તટસ્થ લવાદ નીમો કે જેથી પૈસાનો ખોટી રીતે વ્યય થતાં બચે અને ગામ વિરાણીમાં જે સંપ પ્રથમ હતો તેવો જ કાયમ રહે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું બીજું મંદિર આપણી કચ્છની નાતને માટે નખત્રાણા ગામ સ્થંભ રૂપ છે તેમાં શુભ શરૂઆત  કરી છે અને તે પણ નાત સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખીને કે જેથી પીરાણા પંથને માનનારા ભાઈઓને આપણા તરફ અણગમો ઉત્પન્ન ન થાય અને આપણને જ્ઞાતીભાઈઓ તેમજ સુધારકો જાણીને આપણી શીખામણ પ્રેમ તેમજ આનંદથી હોંશે હોંશે સાંભળે અને પ્રેમથી વચનો સાંભળે એટલે પોતાની ભુલ હોય તે પણ જરૂરથી સમજાય અને ભુલ જણાય એટલે સુધારવાના બનતા દરેક પ્રયત્નો પણ કરે. એવી માર્મીક તેમજ ઉંચ શ્રેણીથી આપે આ  શુભ કામની શરૂઆત કરી છે અર્થાત્‌ એવી દીર્ઘદૃષ્ટિ વાપરી કામનો આરંભ કર્યો છે જેની નોંધ જ્ઞાતિ બંધુઓ જરૂરથી લેશે અને તે બદલ હું આપ ભાઈઓનો ખરા અંતઃકરણપુર્વક આભાર માનું છું. અને મારૂં બોલવું પુરું કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ ઘાટકોપર યુવક મંડળના સલાહકાર ભાઈશ્રી સીવદાસ કાનજી નાકરાણી વિરાણીવાળાએ ઉભા થઈ માનપત્રનો જવાબ વાળતાં જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ, વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ, પુજ્ય વડીલો, માતાઓ અને બહેનો તેમજ પધારેલા ગામના નાગરીક સદ્‌ગૃહસ્થો.

          આપ નખત્રાણા નિવાસી જ્ઞાતિ સમસ્ત ભાઈઓ મળી સંપ સલાહથી અમો મુંબઈથી પધારેલા ભાઈઓને માનપત્ર આપી માનથી વિવેક કર્યો છે જેથી મારે મારા અંતરની લાગણી તેમજ ભાવના વ્યક્ત કરવા બે શબ્દો વિવેકપુર્વક બોલવાની મારી ફરજ સમજુ છું તેમાં અવિનય જેવું જણાય તો ક્ષમા કરશો.

          અમોને જ્ઞાતિ સેવાની ખાસ લાગણી કેટલાએ વરસોથી એટલે કરાંચીમાં જ્ઞાતિ સુધારાની ચળવળ શરૂ થઈ ત્યારથી  થઈ છે. સુધારક ભાઈઓએ વાવેલ બીજને જ્ઞાતિ સુધારક યુવક મંડળોએ પરિષદોરૂપી પાણી સીંચવાથી સુધારારૂપી મોટું ઝાડ બન્યું. અને તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરરૂપી અમૃતમય ફળ આવ્યા. જે ફળ મેળવવાની આશા રાખતા હતા તેવા અમૃતમય ફળ લેવાનું આમંત્રણ આપના પ્રતિનીધી તરીકે ભાઈશ્રી રામજીભાઈ જેઠા સેંગાણી તથા ભાઈશ્રી હરજીભાઈ પુંજા નાથાણી મુંબઈ—ઘાટકોપર આવેલા તેમના તરફથી મળ્યું. જે વસ્તુની અમોને રાત—દિવસ ઝંખના હતી. બલ્કે તૃષ્ણા હતી તેને જ માટે પ્રભુ કૃપાએ અમોને આમંત્રણ મળ્યું. તો એવો કોણ કમભાગ્ય કરમ ફુટો હશે કે આવા અનુકુળ સંજોગો છતાં દ્વેશીલા બની આવેલ આમંત્રણનો અસ્વીકાર કરે ! અત્યારનો આ સમય ઈતિહાસીક છે. જેથી કહું છું કે વર્ષોના મહાન પુરૂષાર્થ તેમજ આપેલ મહાન ભોગથી મેળવેલ અમૃતમય ફળના ઉપયોગ કરવાના આમંત્રણનો અસ્વીકાર કરનારનું દીનમાનજ ઠેકાણે નહીં હોય. એવી મારી માન્યતા છે.

          આપ ભાઈઓએ અમારી મતને મળતા થઈ નાત સાથે ખાવા પીવાનો વહેવાર ચાલુ રાખીને જ્ઞાતિ ઉન્નતીના કાર્યની શુભ શરૂઆત કરી છે તેજ પ્રમાણે ઘાટકોપર—યુવક મંડળના એક નીયમમાં પણ નાત સાથે ખાવા પીવાનો વહેવાર ચાલુ હશે તે આ મંડળનો મેમ્બર (સભ્ય) થઈ શકવાનું જણાવેલ છે. એટલે મુંબઈ—ઘાટકોપર યુવક મંડળનો ધ્યેય પણ આપને મળતો છે જેથી હું ચોક્કસ માનું છું કે જ્ઞાતિ સુધારાના કાર્ય કરવામાં મતભેદ રહેશે નહિ.

          ઘાટકોપર—યુવક મંડળના ચાર સલાહકારો નીમેલા છે તે માહેનો એક આ સેવક છે એટલે હું મારી ખાસ ફરજ સમજી તેમજ લાગણી ધરાવીને ઘણા વર્ષોના પરીશ્રમે પરમકૃપાળુ પરમાત્માએ આપેલ ફળ મેળવવાની આશાએ આવ્યો છું.  આવા પ્રકારના જ્ઞાતિ સુધારા તેમજ અભ્યુદયના કાર્યમાં જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે ત્યારે હાજર થઈ મારાથી બનતી દરેક પ્રકારની મદદ કરતો રહીશ કારણ કે મારી જવાબદારી શું છે તે હું સારી રીતે જાણી તેમજ સમજી શકું છું અને આપણા એક મતવાળા છીએ તેઓએ તો પ્રેમ, સંપ, અને વિનયથી જ્ઞાતિ ઉન્નતી તેમજ દરેક પ્રકારના સુધારા કરવા બનતું કરવું જોઈએ. જરા જેટલો મતભેદ થયો માલમ પડે કે તરત જ ભેગા થઈ નીવેડો લાવી થયેલ મતભેદ દુર કરવો જોઈએ. તેમ નહી કરતાં કોઈપણ બહારની વ્યક્તિ કે જેઓ આપણા મતને મળતા ન હોય તેવાઓના ભરમાવ્યાથી તેમજ તેઓની નીચ સ્વાર્થાંધ સલાહથી ભોળવાઈ જશો તો યાદ રાખજો કે વિરાણીના જેવા બેહાલ બની જશો. માટે મારા વ્હાલા ભાઈઓ ! તમોએ સંપથી જ આદરેલ કામ અત્યારે દીપી નીકળે છે તેવી જ રીતે સંપ અવીચળ રહો અને સંપમાં જ સર્વસ્વસુખ સમાયેલું છે. અને સંપથી જ અમોને માનપત્ર આપ્યું છે. જેથી આપ ગામવાસી જ્ઞાતિભાઈઓ સર્વેનો અંતઃકરણપુર્વક આભાર માનું છું અને મારું બોલવું સમાપ્ત કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ ઉત્સાહી યુવક ભાઈશ્રી નથુ નાનજી કેશરાણી નખત્રાણાવાળાએ ઉભા થઈ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ, વ્હાલા જ્ઞાતિભાઈઓ, પુજ્ય વડીલો, માતાઓ અને બહેનો તેમજ પધારેલા પ્રતિષ્ઠીત સદ્‌ગૃહસ્થો.

          મેં કોઈ સમયે સભાઓમાં ભાષણો કર્યાં નથી તેમજ સભાઓ જોઈ પણ નથી  એટલે મારું લેખીત ભાષણ આપ સમક્ષ વાંચીને મારા હૃદયના ઉદ્‌ગારો તેમજ વિચારો જણાવીશ જેમાં ભુલચુક હોય તો ક્ષમા કરશો.

          અમારા ગામના વડીલોએ પોતાના ઝનુની વિચારોમાં પરીવર્તન એટલે ફેરફારો કર્યા જેના પરીણામે આ ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું શિખરબંધ મંદિર બંધાયું એથી અમો યુવાનોનું ભવિષ્ય સુધારી આપ્યું તેમજ સુધારાનો માર્ગ ખુલ્લો કરી  આપ્યો છે. હવે જ્ઞાતિ સુધારા તેમજ સેવા અર્થે છુટછાટ  તેમજ જરૂરીયાતો  પુરી પાડી આપવાની તજવીજ કરી આપે કે જેથી જ્ઞાતિ ઉન્નતિનું કામ ઘણી જ સરળતાપૂર્વક આગળ વધારી  શકાય. તેમજ જુના વિચારવાળા મુરબ્બી—વડીલો લાગણીપૂર્વક ખરા હૃદયથી જોઈતી દરેક પ્રકારની મદદ આપે તેમજ સહાનુભુતી દર્શાવશે એવી આશા અમો યુવાનો રાખીએ છીએ.

          સાંભળવા પ્રમાણે કરાંચીથી દસ ભાઈઓ કે જેઓ સિંધ બદીના થઈ રણ રસ્તેથી આવવાનો તાર આવ્યો છે. આપણા આમંત્રણને માન આપી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા ઉપરે રણ રસ્તેથી તકલીફ વેઠીને કામધંધા પડતા મુકી પૈસા ખરચી જ્ઞાતિ ઉન્નતિના કામમાં ભાગ લેવા આવે છે. તે ઉપરથી આપણને સમજવાનું  છે કે પરદેશમાં વસતા ભાઈઓ તન, મન અને ધનનો ભોગ આપણાથી વધારે આપે છે. અને તેમની મહેનત સફળ થઈ ત્યારે જ માની  શકાય કે આપણે તેમના મતને મળતા થઈને આપણા ગામના બાકીના બે વાસ છે તેમાં નિજ મંદિરની સ્થાન કરીએ  ત્યારે જ. પરદેશથી પધારેલા ભાઈઓ આપણને શાંતિ ધીરજ અને લાગણીથી સમજાવે તેમજ જે કંઈ સુચના કરે છે અને તેથી વસ્તુસ્થિતી આપણે સમજી શકીએ છીએ અને જે  રસ્તે જવાનું છે તે માર્ગ સ્વચ્છ તેમજ ખુલો થતાં સરળતાપૂર્વક આપણાથી જઈ શકાય તેમ છે અને તેવો દાખલો બતાવવા માટે આપણા ગામના બાકીના બે વાસમાં નિજ મંદિરની સ્થાપના કરી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કરીએ અને આપણાથી તેમ થઈ શકે છે અને તેમ કરવાને આપણે સ્વતંત્ર છીએ. અને ધાર્મિક દૃષ્ટિએ આપણા ગામમાં સંપુર્ણ સુધારો થયો છે એમ ત્યારે જ ચોક્કસ માની  શકાશે.

          માટે મારા પુજ્ય વડીલો, માતાઓ તમારા સાથની જ જરૂરત છે અને આગળ પડતો ભાગ લઈ ચળવળ શરૂ કરી નિજ મંદિરની સ્થાપના કરાવો અને અમો યુવાનો દરેક કામકાજમાં સંપૂર્ણ સાથ આપીશું અને તે નજીકના જ ભવિષ્યમાં બની જાય એવી અમો યુવાનોની શુભેચ્છા છે અને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એવા શુભ દિવસો અમને નજીકમાં જ  બતાવે તેમજ અત્યારનો ઉત્સવ નીર્વીઘ્ને પુર્ણ થાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના છે આટલું કહી મારુ બોલવું પુરુ કરી બેસી જવાની રજા લઉં છું.

ત્યારબાદ બહારગામ તેમજ પરદેશથી આવેલા સંદેશા ભાઈશ્રી રતનસી ખીમજીએ વાંચી સંભળાવ્યા હતા.

          કલકત્તાથી પટેલ મુળજી સીવદાસની ઓયડી તરફથી મંદિરમાં ભગવાનને ભેટની કોરી ૧૦૧) એકસો એક ધરવી એવો તાર આવ્યો છે.

          ખડગપુરથી  પટેલ કાનજી વીરજી સેંગાણી લખે છે કે પોતાની ઓયડી તરફથી કોરી ૧૦૦) એકસો મંદિરમાં ભગવાનને ભેટ ધરવી.

          કરાંચીથી ભાઈશ્રી ખીમજી કચરા તારથી જણાવે છે કે બદીની થઈ રણરસ્તેથી ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લેવા દસ જણા રવાના થઇ ગયા છે.

          ભુજ વરિષ્ટ કોર્ટના આસીસ્ટન્ટ જજ રા. રા. શ્રીયુત મહેરબાન પોપટલાલભાઈ આપેલ વચન અનુસાર દશમના બપોર સુધી લગભગ બે વાગ્યાની અંદર અહીં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા નીમીત્તે આવવાના સમાચાર મહેરબાન થાણદાર સાહેબ તરફથી મળ્યો છે.

          ઈશ્વરનગર (વાંઢાય) ગુરૂકુળ તરફથી મહારાજ શ્રી ઓઘવદાસજીના ભલામણ પત્રથી એક ભજન મંડળી આવતી કાલે સવારમાં અહીં પહોંચી આવવાના ચોક્કસ ખબર મળ્યા છે.

          તે સિવાય મહારાજ શ્રી ઓઘવદાસજીએ મુંબઈમાં આપેલ વચન અનુસાર દસમના લગભગ બપોરે બે વાગ્યાના સુમારે પહોંચી આવવાનો પત્ર છે..

          તે સર્વે બાબતોને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદોથી વધાવી લેવામાં આવી હતી.

          ત્યારબાદ પ્રમુખશ્રીની વતીથી ભાઈશ્રી રતનશી ખીમજીએ આજની સભામાં પધારેલા સર્વેનો ઉપકાર માની કામકાજમાં સંતોષ થયેલો જાહેર કરી સભા બરખાસ્ત કરી હતી.

          બાદ રાસમંડળની શરૂઆત કરી હતી જેની આવા શુભ પ્રસંગે પણ જરૂરત જણાતી હતી.

 

સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ સુદી ૯ ને મંગળવાર {VSAK: 18-May-1937} ની કાર્યવાહી

          ભગવાન શ્રી ભાનુદેવ પોતાના બાલ કીરણો જેમ જેમ પ્રસરાવા લાગ્યા તેમ તેમ જ્ઞાતિ ભાઈઓ તથા જાહેર જનતા મંદિરના ચોગાન તરફ આવવા લાગ્યા. આજે મંડપ ધ્વજા પતાકા તેમજ આમ્ર પલ્લવોથી સુશોભીત દેખાવા લાગ્યો. રંગબેરંગી કાગળોના તોરણોના શણગાર આજની શોભામાં વધારો કરી રહ્યા હતાં. આ સમયે પુજય વેદશાસ્ત્ર પરાયણ શ્રી સારસ્વત કુલ ભુષણ મહારાજ શ્રી પ્રેમજી મહારાજ આસંબીઆવાળા તથા પુજ્ય પ્રભુ ભક્ત કાવ્યપ્રિય પ્રજ્ઞાચક્ષુ શ્રી અમલદાસજી મહારાજ પોતાની ભજન મંડળી સહીત પધાર્યા હતા તેઓને બહુજ સારા સન્માનથી નિયત કરેલા સ્થાને તેડી લાવ્યા અને તેઓના ઉતારામાં જરૂરીયાત યોગ્ય પ્રબંધ કરી બે વોલીન્ટીઅરો તેઓશ્રીની સેવા સારૂ રોકવામાં આવ્યા.

          આજનો દિવસ સમારંભમાં ભાગ લેવા આવનાર મેજબાનોની દરેક સગવડ સચવાય તેના બંદોબસ્તમાં નિવૃૃત થયો.

          રાત્રીના નિયમાનુસાર સભા ભરવામાં આવી હતી અને એ સભામાં ભાઈશ્રી ભાણજીભાઈ જેઠા એ પ્રમુખ તરીકેની દરખાસ્ત પુજ્ય મુરબ્બી શ્રી ભાણજીભાઈ લાલજી કેશરાણીની મુકી હતી. જેને સભાવતીથી ભાઈશ્રી કાનજી અબજી નાથાણીએ અનુમોદન આપવાથી હર્ષના અવાજો અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણના જયનાદ વચ્ચે પ્રમુખશ્રી પોતાનું સ્થાન લીધું હતું.

          પ્રમુખશ્રીએ આવનાર મેજબાનો પુજ્ય પ્રેમજી મહારાજ તથા પુજ્ય અચલદાસજી તથા દયાલદાસજી વિગેરેને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયગર્જના વચ્ચે પુષ્પહાર પહેરાવ્યા  હતા.

          શ્રીયુત રતનશીભાઈ ખીમજીએ ઉભા થઈ કહ્યું કે આવતીકાલે આપણે મોકલેલ આમંત્રણને માન આપનારા તેમજ સનાતન ધાર્માવલંબી મહેમાનો આવશે તેઓના સત્કાર માટે યોગ્ય સાધનોનો બંદોબસ્ત આપણને અત્યારથી જ કરવાનો છે. તેમજ મહારાજશ્રી ઓધવદાસજી પણ આવતીકાલે મિસ્ત્રી જ્ઞાતિના કેટલાક પ્રતિષ્ઠીત મહાશયો સાથે આવવાના સમાચાર મળ્યા છે તેમના સત્કાર કરવા વિગેરેના ખાસ પ્રબંધ કરવો જરૂરી છે. સિવાય ઉત્સવમાં ભાગ લેવા આવનાર આપણા જ્ઞાતિ બંધુઓ મોટી સંખ્યામાં હાજરી આપશે તેઓની સગવડ સાચવવાની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે અને આપણા શ્રીયુત મુરબ્બી શ્રી પોપટલાલભાઈ પણ આવતીકાલે પધારવાના છે તેઓ સર્વેનો યોગ્ય સન્માન તેમજ સરભરા કરવાની આપણી જવાબદારી હોવાથી આજની સભાનું કામ વધારે વખત લંબાય તેવા સંજોગો નથી તોપણ જ્ઞાનવેતા પુજ્યશ્રી પ્રેમજી મહારાજ આપણી પરિસ્થિતિ તથા પ્રવૃતિ  સંબંધે પ્રવચન કરી પોતાનો અતિ ઉપયોગી અભિપ્રાય વ્યક્ત કરશે એવી મારી તેઓશ્રીને પ્રાર્થના છે.

          પ્રિય ભાઈઓ આપણે ઉચ્ચ હિન્દુ જ્ઞાતિને શોભે તેવા પંદર ઠરાવો ઘડી તૈયાર કર્યા છે જે આજે દિવસના ભાગમાં આપણા ગામના તથા વિરાણીથી પધારેલા આગેવાન મુરબ્બીઓ સમક્ષ વાંચી પાસ કરાવ્યા. જે આપને વાંચી સંભળાવું છું અને તેમાં ફેરફાર કરવા જેવું જણાય તો સુચના કરશો એટલે યોગ્ય ફેરફારો કરી શકીશું. બાદ ઠરાવો વિવેચન પુરસર વાંચી સંભળાવ્યા હતા તેમાં બે ઠરાવોમાં સુધારો કરવાની સભામાં બેઠેલા ભાઈઓ તરફથી સુચના કરવામાં આવી હતી જેની નોંધ લીધા બાદ સભાએ હર્ષનાદ તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય ગર્જનાથી ઠરાવો પાસ કરી વધાવી લીધા હતા. (ઠરાવો અન્યત્ર આગળ આપવામાં આવ્યા છે.)

          બાદ મહારાજશ્રી પ્રેમજી મહારાજએ ઉભા થઈ વિવેચન કર્યું હતું. સભાપતી  મહોદય, સૌજન્ય સદ્‌ગ્રહસ્થો અને ભાગ્યવાન ભગીનીઓ !

          આજનો આપણો આ અવર્ણનીય પ્રસંગ જોઈ અત્યંત આનંદીત થયો છું આપ સર્વેની ધર્મ પ્રત્યે આવી ઉંચ અભિલાષાઓ જોઈ અભિનંદન આપું છું. પરમકૃપાળુ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન આપની શ્રદ્ધા, ભાવઅને ભક્તિમાં વધારો કરે એવી મારી શુભેચ્છા છે. તમારા ધાર્મીક તેમજ સામાજીક પરીવર્તનો જોઈ મને પુર્ણ સંતોષ થયો છે. ભાઈશ્રી રતનશીભાઈએ પંદર ઠરાવો વાંચી સંભળાવ્યા અને તે એક એક ઠરાવો ઉપર પુરેપુરૂ વિવેચન કરી ખુલાસાવાર સમજાવ્યું છે તે આપ સર્વેને ઠીક પ્રમાણમાં અસરકર્તા જણાયા છે. જેનો ભાસ આપના ઉત્સાહપૂર્વક ભગવાનની જય ગર્જના તેમજ  તાળીઓના અવાજથી સમજાઈ આવે છે. જે ભાવ ઠરાવોમાં તમોએ બતાવ્યો છે. તે ઠરાવો તમારા હૃદયમાં ધરી ઘર અને વહેવારમાં તેનું પ્રતિપાલન કરી બતાવજો.  કેવળ કાગળ ઉપર લખાઈ ગયા એટલે  અમોએ સુધારા કર્યા એવું કોઈએ માની લેવાનું નથી એ તો જ્યારે તમો વહેવારમાં મુકી અમલ કરશો ત્યારે જ  તમારા વિચારોનું પરીવર્તન થતાં ધાર્મિક તેમજ સામાજીક સુધારા થઈ શકશે. એ ઠરાવો પાળવાની  ફરજ કચ્છમાંના તમારા તમામ જ્ઞાતિભાઈઓની છે. તો પણ નખત્રાણા વાળા ભાઈઓ ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા કરવાના છો અને તે કામમાં દરેક પ્રકારની સહાયતા આપનાર ત્રણે વાસવાળાને માટે આ ઠરાવો કે જે ઉંચ આદર્શયુક્ત છે તેને પ્રથમ પાળવાની ખાસ આવશ્યકતા  છે. કારણ કે એ સુધારો તમોએ તમારા ઘરને આંગણેથી જ કરવાનો  પ્રયત્ન કર્યો છે જેથી તેને સફળ બનાવવાને ભગવાન તમોને બુદ્ધિબળ અને શક્તિ આપે એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.

          આજે જે કંઈ કામ થઈ રહ્યું છે તે પ્રશંસનીય છે રતનશીભાઈના કહેવા પ્રમાણે આજની સભા વહેલી બરખાસ્ત કરવાની હતી પરંતુ ઠરાવો વાંચવા અને તેમનું સ્પષ્ટીકરણ કરવું તેમાં તો વખત જોઈએ જ ને ? આવા ધાર્મીક કાર્યમાં ધારવા કરતાં વધારે ટાઈમ તો થઈ જ  જાય. આજે તમોને તમારા ઠરાવોનું યથાર્થ પાલન કરવા જેટલી જ ભલામણ આપી શક્યો છુ કારણ કે સમયનો અભાવ છે. ચારે તરફ નજર રાખવી જ જોઈએ. આવતીકાલના પ્રોગ્રામ મુજબ પણ અત્યારથી જ ખુબ તૈયારી કરી રાખવાની ખાસ જરૂર છે અને તેમાં તમો સર્વે રોકાવાના છો જેથી મારું વિવેચન આવતીકાલે કરીશ અને ઈશ્વરે આપેલ બુદ્ધિ અનુસાર કહી સમજાવીશ.         ૐ શાંતિઃ

          ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જય નાદોથી પ્રમુખ સાહેબે સભા વિસર્જન કરી હતી. તે પછી સર્વે ભાઈઓને યોગ્યતા પ્રમાણે કામકાજ સોંપવામાં આવ્યા હતા અને ઉત્સાહથી પોતપોતાની ફરજ સમજી કામકાજ કરવા લાગ્યા.

 

સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ સુદી ૧૦ ને બુધવાર {VSAK: 19-May-1937} ની કાર્યવાહી

          આજનો દિવસ અવર્ણનીય હતો, જ્ઞાતિ અને સનાતન ધર્મપ્રિય ભાઈઓમાં આનંદ અપાર હતો. કારણ કે ધર્મ અને જ્ઞાતિ  પ્રિય ભાવનાને માન આપી કચ્છના ગામેગામથી આપણા જ્ઞાતિભાઈઓ સારી જેવી સંખ્યામાં આવવા લાગ્યા. આવનારના હૃદયો હર્ષથી ઉભરાઈ રહ્યાં હતાં, તેમનું સન્માન સામૈયાં કરી આપણા કાર્યવાહકો અને જ્ઞાતિભાઈઓ ઉત્સાહપૂર્વક સત્કાર કરી રહ્યા હતા. સામૈયામાં બહેનોનાં સુંદર ગીતોથી વાતાવરણ વધારે આનંદમય બની રહ્યું હતું. વાજીંત્રોના મધુર નાદોથી સામૈયાના દ્રષ્યમાં શોભાનો વધારો ઠીક થઈ રહ્યો  હતો.  ભ્રાતૃ મીલનનું દ્રશ્ય અલૌકીક જણાતું હતું, વિખુટા પડેલા હૃદયો પરસ્પર ભેટી મેજબાનોને મંદિરના ભવ્ય મંડપમાં માન સહીત લાવવામાં આવ્યા હતા. મધ્યાન્હ પછી બે વાગે આપણા જ્ઞાતિ  કુળભુષણ માનનીય રા.રા. મહેરબાન મુરબ્બીશ્રી પોપટલાલભાઈ (ભુજ વરિષ્ઠ કોર્ટના આસીસટન્ટ જજ) તથા તેઓશ્રીના લઘુ બંધુ કાશીરામભાઈ તથા તેમાં ચી.ભાઈશ્રી વિગેરે પધાર્યા અને ઈશ્વરનગર (વાંઢાય) ગુરૂકુળના સંસ્થાપક મહારાજશ્રી ઓધવદાસજી તથા તેઓશ્રીના સાથે મીસ્ત્રી જ્ઞાતિના સન્માનનીય પાંચ સદગ્રહસ્થો પણ પધાર્યા હતા. તેઓ બધાઓને ઉપરોક્ત સામૈયાની રીતે સહર્ષથી સત્કાર કરી મંડપમાં સભાસ્થાને તેડી લાવ્યા. સભાસ્થાન ત્રણે પાંચાડાના પધારેલા આપણા જ્ઞાતિભાઈઓ તથા સનાતન  ધર્મને ચાહનારા અન્ય સદ્‌ગ્રહસ્થોથી ઉભરાઈ રહ્યો. માનવ સાગરનું અલૌકીક દ્રશ્ય જોનારને અનંત આનંદ આપી રહ્યું હતું. સભાસ્થાનના આજુબાજુના રસ્તાઓ માનવ સમુહથી  ભરપુર થઈ ગયા હતા. ગામના પ્રતિષ્ઠિત સદગ્રહસ્થો તેમજ નખત્રાણાના મહેરબાન  થાણદાર સાહેબ તથા અન્ય અધીકારી વર્ગ પધાર્યા હતા.

          આજના દિવસની સભા ત્રણ વાગે ભરવામાં આવી હતી તે સમયે ભાઈશ્રી રતનશી ખીમજીએ  ઉભા થઈ જણાવ્યું કે :—

          ગંગાસ્વરૂપ વ્હાલા જ્ઞાતિભાઈઓ, પુજ્ય માતાઓ અને બહેનો તેમજ સભાસ્થાને પધારેલા સદ્‌ગ્રહસ્થો.

          આજના ઉત્સવ પ્રસંગે પધારેલા આપણા મુરબ્બી શ્રીયુત મહેરબાન પોપટલાલભાઈ પધાર્યા છે તેઓશ્રી પાસે હું શિયાળામાં કચ્છથી મુંબઈ જતાં ભુજ ગયો હતો જે સમયે ભગવાનની પ્રતિષ્ઠાની ચોક્કસ તીથી નક્કી  થઈ નહોતી, તો પણ તેઓ મુરબ્બીશ્રીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પધારવા મેં વિનંતી કરી હતી. જેનો મુરબ્બીશ્રીએ સ્વીકાર કરી પ્રતિષ્ઠા પ્રસંગે હાજરી આપવા વચન આપ્યું હતું. ત્યારબાદ હાલમાં મુંબઈથી આવી પત્ર લખી આપેલ વચનની યાદ દેવડાવી દશમના પધારવા નખત્રાણાથી પત્ર લખ્યો હતો. જેના પ્રત્યુતરમાં દશમના લગભગ બે વાગ્યાના સુમારે પહોંચી આવવાના ખબર આપ્યા હતા અને તે પ્રમાણે તેઓ શ્રી પધાર્યા છે જેથી તેઓશ્રીનો આપણી જ્ઞાતિ બંધુઓ તરફથી ખરા અંતઃકરણપુર્વક આભાર માનું છું.

          તે સિવાય મહારાજ શ્રી ઓઘવદાસજી મુંબઈમાં ઈશ્વરનગર(વાંઢાય) ગુરૂકુળને માટે ફંડ ઉઘરાવતા હતા. તેવી જાણ થતાં મુરબ્બીશ્રી રાજારામભાઈ  અને  હું એમ બંને જણા તેઓશ્રી વડગાદી લોખંડવાળાના માળમાં કથા પ્રવચન કરતા હતા ત્યાં ગયા  અને પ્રવચન સમાપ્ત થયા બાદ મહારાજશ્રીએ અમોને આવવાનું કારણ પુછતાં. અમોએ કચ્છ—નખત્રાણાના નવાવાસમાં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવ્યું છે તેમાં પ્રાણમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે આપની હાજરીની આવશ્યકતા છે અને મોડામાં મોડા દશમના નખત્રાણે પધારવાનું નખત્રાણાવાસી ભાઈઓ તરફથી આપને અમો આમંત્રણ આપીએ છીએ.

          એ સાંભળી મહારાજશ્રી બોલ્યા કે ઘણું ખુશી થવા જેવું છે કે કણબીઓ નખત્રાણામાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બંધાવી મૂર્તીની પ્રતિષ્ઠા કરાવે છે અને તેવા પ્રસંગ ઉપરે પધારવા મને આમંત્રણ મળે છે એ જાણી હું તમારી જ્ઞાતિનાં અહોભાગ્ય માનું છું અને તેવા પ્રસંગ ઉપર મારી હાજરીની જરૂરત હોવાનું જણાવો છો જેથી આપની ઈચ્છાને આધીન થઈ વૈશાખ સુદી ૧૦ {VSAK: 19-May-1937} નખત્રાણે પહોંચી આવવાનું વચન આપું છું અને અહીં ગુરૂકુળના માટે ફંડ ઉઘરાવવાનું અધુરૂ રહેલું કામ મારા અહીંના ગ્રહસ્થોને સોંપીને જરૂરથી ત્યાં  પહોંચી આવીશ. વિશેષમાં કહ્યું કે તમારી જ્ઞાતિ માટે જ્યારે કહેશો ત્યારે હાજર રહીશ. એ વચનાનુસાર મહારાજશ્રી પધાર્યા છે. જેથી આપણા ભાગ્યને ધન્યવાદ માનીએ છીએ. તે સિવાય આપણી આજની કાર્યવાહી તરીકેની આજની સભામાં પ્રમુખ તરીકેની દરખાસ્ત શ્રીયુત મુરબ્બી શ્રી શીવજીભાઈ જેઠા પટેલની  મુકું છું, આશા છે કે આપ સર્વે ભાઈઓ સહમત થાશો એ દરખાસ્તને શીવજીભાઈ કાનજી પારસીઆએ અનુમોદન આપતાં મુરબ્બીશ્રી શીવજીભાઈએ તાળીઓના ગડગડાટ વચ્ચે તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદ વચ્ચે પોતાનું આસન લીધું હતું.

          એક તરફ વિદ્વાન બ્રાહ્મણો  પવિત્ર વેદોચ્ચારથી ધર્મ વિધી કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ પ્રભુ પ્રાર્થના થયા બાદ સભાનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

          પ્રથમ ભાઈશ્રી રતનસી ખીમજીએ માનનીય જ્ઞાતિ શુભેચ્છક મુરબ્બી શ્રી પોપટલાલભાઈને અપાયેલ માનપત્ર વાંચી સંભળાવ્યું હતું.

માનપત્ર

શ્રીયુત સદગુણાલંક્રત સૌજન્ય સાગર શ્રીમાન માન્યવર મુરબ્બિ શ્રી પોપટલાલભાઈ તથા

સુજ્ઞ બંધુ શ્રી કાશીરામભાઈ શીવલાલભાઈની પવિત્ર સેવામાં વિનંતી.

          આપશ્રીએ અમારા આમંત્રણને માન આપી આપના અમુલ્ય અને કીંમતી વખતનો ભોગ આપી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તીની પ્રતિષ્ઠા પ્રસંગે જ્ઞાતિની ઉજ્જવળ કીર્તી નીહાળવા તેમજ આ શુભ કાર્ય પ્રત્યે આપની ભાવના વ્યક્ત કરવા પધાર્યા છો  તે માટે અમો આપનો ખરા અંતઃકરણપુર્વક ઉપકાર માનીએ છીએ.

          આજથી લગભગ વીસ વર્ષ ઉપર મુંબઈ મધ્યે વડગાદી લોખંડવાળાના માળામાં સમગ્ર કડવા પાટીદાર જ્ઞાતિભાઈઓની પરિષદ મળેલી હતી, તેમાં કચ્છ, કાઠીયાવાડ,નીમાડ, માળવા, ગુજરાત, ખાનદેશ વિગેરે સ્થળેથી જ્ઞાતિભાઈઓ પધાર્યા હતા અને તે પરિષદમાં આપશ્રીએ પ્રમુખપદનું સ્થાન સ્વીકારી આરંભેલા કામને દિપાવ્યું હતું. એજ પ્રમાણે આજના માંગલીક ઉત્સવમાં આપ પધાર્યા છો  તે જોઈ અમોને અત્યંત આનંદ થાય છે.

          અમો ધાર્મિક રસ્તો ભુલેલા કે જેને આજ લગભગ પાંચપાંચ સદીઓના વહાણા વાઈ ગયાં છે. અમો ભુલેલાને કચ્છ સિવાયના પ્રદેશમાં વસતા જ્ઞાતિભાઈઓના સદ્‌બોધ અને ઉપદેશથી તેમજ પુર્વે ભરાયેલી અખીલ હિન્દ કડવા પાટીદાર પરિષદના સ્તુત્ય પ્રયાસોથી આત્મભાન થતાં અમોએ અમારી ભુલ સુધારી ખરે રસ્તે ચડ્યા. જેનો દાખલો આપ મુરબ્બી સમક્ષ પ્રત્યક્ષ મોજુદ છે. જેના માટે આપશ્રીને અમોએ તકલીફ આપી છે.

          અમોને  કહેતાં અત્યંત આનંદ થાય છે કે અહીંયા ગામ નખત્રાણામાં જ સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની સાલમાં ગોર તથા ભાટને રજા આપી પીરાણાપંથી હોવાનો નીંદ્ય ઠરાવ કચ્છના જ્ઞાતિભાઈઓએ ભેગા બેસી નક્કી કરેલો હતો. તે જ ગામના પુર્વનિવાસ નામે (નવાવાસ)માં સમગ્ર ભાઈઓની સંમતી અને મદદથી આપણી કડવા પાટીદાર જ્ઞાતિને શોભે તેવો તેમજ હિન્દુ જ્ઞાતિઓમાં દરેક રીતે ભળતા રહી  શકીએ તે પ્રમાણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું શીખરબંધ મંદિર બાંધીને મુર્તીની પ્રતિષ્ઠા કરવાનો શુભ અવસર પ્રાપ્ત કરી શક્યા છીએ. તેવા શુભ અવસર ઉપર આપ પધારી અમોને આભારી કર્યા છે તે માટે પુનઃ આપનો આભાર માનીએ છીએ અને એવા શુભ પ્રસંગ ઉપર ભવિષ્યમાં પણ આપણી જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં પધારી ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હૃદયની ખરી ભાવનાના ઝરણામાંથી અમૃતધારા વરસાવતા રહેશો.

નખત્રાણા

 

મીતી વૈશાખ સુદ ૧૦ બુધવાર ૧૯૯૩

{VSAK: 19-May-1937}

એ જ ઈચ્છતા અમો છીએ

 

ગામ શ્રી નખત્રાણાના ત્રણે વાસવાળાઓ આપના જ્ઞાતિબંધુઓ

 

ઉપરોક્ત માનપત્રને સભાએ હર્ષનાદથી વધાવી લીધું હતું.

 

          તે પછી રતનશીભાઈએ મુરબ્બીશ્રી પોપટલાલભાઈને આજની રાત્રી રોકાઈ જવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં તથા માનપત્રના પ્રત્યુત્તરમાં તેઓશ્રીએ જણાવ્યું કે :—

          બંધુઓ ! આથી પહેલાં મને માનપત્ર મળ્યાં હશે પરંતુ આજનું માન વિશેષ છે. જો હું કચ્છ રાજ્યનો ઓફીસર થઈ ન આવ્યો હોત તો વધારે સારું હતું.

          સવંત ૧૯૭૨ {Year: 1915-16} માં હું મુંબઈ હતો તે સમયે જ્ઞાતિ પરિષદ મળી હતી એ સભામાં બેઠેલા ભાઈઓને તે વખતના શબ્દો યાદ હશે તેના પરીણામે અત્યારની પ્રવૃતિ તેમજ આ કામ થયું છે તે જોઈ હું ખુશી થાઉં છું.

          મને રાત્રી રોકાવાનો આગ્રહ થાય છે આપને  જોઈને જવાનું મન થાતું નથી, પણ ચાલી શકે તેમ નથી. વધારે વખત રોકાવાનું પ્રથમથી જ કહેવામાં આવ્યું હોત તો વધુ સમયનો ભોગ આપી શકતે જેથી રાત્રી ન રોકાઈ શકવા માટે દિલગીર છું.

          રાત્રીની સભામાં હાજર છું એમ માની લેજો અને વીસ વરસની મહેનતને સફળ કરજો. એમ કહી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને કોરી ૧૦૦ ભેટ ધરી હતી જે ભગવાનશ્રી લક્ષ્મી નારાયણના જયનાદથી સ્વીકારવામાં આવી હતી.

          બાદ પ્રમુખ સાહેબની વતીથી તેમની સુચના અને કહેવા પ્રમાણે ભાઈશ્રી રતનશીભાઈ બોલ્યા હતા કેઃ—

          વ્હાલા ગંગા સ્વરૂપ જ્ઞાતિ  ભાઈઓ પુજ્ય માતાઓ અને બહેનો પુજનીય મહાત્માશ્રી તથા  પધારેલા નાગરીક સદગ્રહસ્થો.

          આજે પ્રમુખ સાહેબે પોતા તરફથી મને સભા સમક્ષ બોલવાનું કહ્યું છે અને મને સમજાવેલ તે પ્રમાણે હું બોલીશ અને તે બોલેલું પ્રમુખ સાહેબનું છે અથવા  પ્રમુખ સાહેબ બોલે છે એમ માની લેજો.

          અમારા આમંત્રણને માન આપી આપણી જ્ઞાતિના કે જેઓ ગુજરાતના વતની છે અને હાલમાં ભુજની વરિષ્ઠ કોર્ટના આસીસ્ટન્ટ જજ છે. તેઓ શ્રી આપણી તરફ ભાવ બતાવીને પધાર્યા છે તેમજ પુજનીય મહાત્માશ્રી ઓઘવદાસજી તથા ગામમાંથી મહેરબાન થાણદાર સાહેબ તથા સ્થાનીક અધિકારી વર્ગ અને પ્રતિષ્ઠીત નાગરીક સદગ્રહસ્થોએ પધારી સભાસ્થાનને  શોભાવ્યું છે માટે હું આપ સર્વેનો ખરા અંતઃકરણપુર્વક આભાર માનું છું.

          અમારા ગામશ્રી નખત્રાણાના આમંત્રણને માન આપી આપ જ્ઞાતિ ભાઈઓ ગામે ગામથી તથા મુંબઈ તેમજ કરાંચીથી પધાર્યા છો અને તે પણ શીખરબંધ નિજ મંદિરમાં ભગવાનશ્રી લક્ષ્મી નારાયણની મૂર્તીની પ્રતિષ્ઠા થાય છે તે પ્રસંગે મારી વ્હાલી જ્ઞાતિના ધાર્મિક વિચારોમાં ફેરફાર થયા છે તે જાણી હું બહુ જ ખુશી થાઉં છું.

          ભાઈઓ ! મારા પોતાના વિચારો પણ એક સમયે સુધારાવાળાથી જુદા હતા અને તેઓને મહાત કરવાના બનતા દરેક પ્રયત્નો સીધી કે આડકતરી રીતે કરી રહેલા હતા. પરંતુ પરમકૃપાળુ પરમાત્માએ આપણને સદ્‌બુદ્ધિ આપી કે જેથી આપણા વિચારો સુધારાવાળા ભાઈઓને મળતા થયા અને તેનુ શુભ પરીણામ. આપણી સામે મોજુદ છે. જે માટે આપ સર્વે ભાઈઓ  દુર દુરથી તકલીફ વેઠી પધાર્યા છો.

          આ શુભ પ્રસંગમાં પણ એક વાતનો ખેદ થાય છે કે આપણા સુધારકોમાં બે પક્ષ પડી ગયા એ બહુ ખોટું ગણાય. આજથી પહેલાં હું એમ જાણતો હતો કે અમુક અંશે થોડો ઘણો મતભેદ હશે તે ટાળી શકાશે પણ મતભેદે તો એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે આપણામાંનો એક પક્ષ જેઓએ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી નાત સાથે ખાવા પીવાનો વહેવાર તોડી નાખ્યો છે તે પક્ષ અહીંયા જણાતો નથી. તે જોતાં દુઃખ થાય છે કે તે ભાઈઓને આમ રીસાઈને બેસી રહેવું નહોતું. આપણે ત્યાં આજ ધર્મના સ્થંભરૂપ મહાત્માઓ છે તેમજ પુજ્ય મુરબ્બીશ્રી પોપટલાલભાઈ જેવા પ્રખર નેતા તેમજ ન્યાય અન્યાય સમજીને ઈન્સાફ આપે તેવા કાબેલ ગુણગ્રાહી વિદ્યવાનો છે તેવાઓ આગળ આપણા મતભેદ સંબંધી હકીકત રજુ કરી તોડ કહાડવાનું કહીએ તો અવશ્ય બેઉ પક્ષને સંતોષકારક ફેંસલો આપી શકતે.

          પરંતુ મતભેદનો દાવાનળ સળગી ઉઠે અને વાતાવરણ ઉગ્ર બને એ હેતુથી વરસોથી ભરાયેલ પરિષદોના રીપોર્ટની ચોપડીમાં મારા સંબંધમાં બોલાયેલ ભાષણોના પાનામાં લાલ પેન્સિલનાં નિશાન કરી નારાયણજી—રામજીભાઈ વિરાણીવાળાએ મને મોકલાવેલ કે તમારા માટે આવું આવું બોલનાર ભાઈને તમો મંદિરમાં મુર્તીની  પ્રતિષ્ઠામાં અગ્રેસર બનાવી તેડાવો છો તે તમારું ભલું શું કરશે અને એ ચોપડી જાણે હાલમાં થોડાક દીવસો ઉપર છપાયેલ હોય તે પ્રમાણે મને ચેતાવવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની પ્રતિષ્ઠાના અંગે, કામકાજ કરવાવાળા મુખ્ય કાર્યવાહક ભાઈઓને એ વાતની જાણ થઈ અને તરત જ મારી પાસે આવીને એ ચોપડી જોવા માંગી અને તે મેં આપી ત્યારે તે ભાઈઓએ રીપોર્ટ જોઈને મેં કહ્યું કે એ તો પંદર વરસની વાત છે કે જે સમયે આપણે સુધારકોને હેરાન પરેશાન કરવાની પેરવીઓ કરતા હતા. જેથી તે બાબતો પરીષદોમાં ચર્ચાયેલી અને તેનો રીપોર્ટ બહાર પડ્યો તે આ ચોપડી છે ત્યારે મને વિચાર થયો કે તે સમયે તો અમો આગેવાન ગેઢેરાઓ સુધારકો ઉપર જુલમ ગુજારતા અને તેઓએ લખ્યું છે તે કંઈ ખોટું નથી. એમ સમજી નારાયણભાઈની મોકલાવેલ ચોપડીને એક બાજુએ મુકી દીધી અને સુધારકો તરફ ઘડીભર અણગમો ઉત્પન્ન થયો હતો તેનું વિસ્મરણ થઈ માન ઉપજ્યું. અને નારાયણભાઈ પ્રત્યે મને તિરસ્કાર આવ્યો કે એ ચોપડી મોકલાવીને તેઓ જાણી જોઈને આવા શુભ  પ્રસંગમાં વિઘ્ન નાંખવાની બાજી રચી છે. તેમજ  તેઓ આવા જ્ઞાતિ અભ્યુદયના કામમાં હાજર ન રહેતાં મુંબઈ જતા રહ્યા અને તેઓ (શુદ્ધિવાળા)માંથી પણ કોઈ ભાઈ આવ્યા નહીં.

          ભાઈઓ ! કહેવાનો તાત્પર્ય એજ કે આવા શુભ કામમાં કોઈપણ ઉપાયે વિઘ્ન ઉભુ થાય અને કામ નિર્વિઘ્ને સમાપ્ત ન થાય એ હેતુથી કદાચ રીપોર્ટની ચોપડી મોકલાવી હશે, પરંતુ આ કામ તમારું કે મારુ અંગત નથી પરંતુ ભગવાનનું છે. જેથી આવા ભગવાનના કામમાં તો કોઈ પણ દ્વેશીલી વ્યક્તિની સીધી કે આડકતરી રીતે ડખલગીરી ચાલી શકે નહી. કોઈપણ જ્ઞાતિ બંધુને એવો દ્વેશ ભાવ રાખવો ઘટે નહી અને આપ પધારેલા જ્ઞાતિ ભાઈઓ સર્વને ભલામણ કરું છું કે અદેખાઈ તમો કોઈ રાખશો નહી અને ઉત્સાહભેર જ્ઞાતિ સુધારાના કામને સાથ આપજો અને આજથી અગાઉ પાંચ સભાઓ મળેલી છે તેમાં ભાષણો થયા છે તે પ્રમાણે જે સુધારો કરો તે નાત સાથે ખાવાપીવાનો વહેવાર રાખીને કરજો અને તેથી જ આપણને જે ધાર્મિક તેમજ સામાજીક સુધારા કરવા છે તેમાં ફળીભુત થઈ શકીશું અને સભામાં ભગવાનના કામ નિમિત્તે જે જે ભાઈઓ માતાઓ અને બહેનો પધાર્યા છો તે માટે ફરીથી આપ સર્વેનો ઉપકાર માનું છુ અને મારું બોલવું પુરું કરું છું.

          “ઉપર પ્રમાણે પ્રમુખ શ્રીયુત પટેલ શીવજીભાઈ જેઠાના કહેવાથી ભાઈશ્રી રતનશી ખીમજી સભામાં બોલ્યા હતા.”

          ત્યારબાદ મહારાજશ્રી ઓઘવદાસજીએ ઉભા થઈ જણાવ્યું કે :— તમારી જ્ઞાતિમાં ભણેલાનો દાખલો મોજુદ છે, આજે જે કંઈ જાગૃતિ જોઈએ છીએ તે ભણતરથી જ થઈ છે, પરદેશ ફર્યા અને ભણ્યા તેમજ હીન્દુ ધર્મનાં શાસ્ત્રો સાંભળ્યાં. અભ્યાસ પણ કર્યો પરીણામે પોતાની ભુલ સમજાણી અને સુધારી, તે સર્વે જોઈ શકો છો. મને બધી જ્ઞાતિ પ્રત્યે સરખું માન અને પ્રેમ છે. મારા ગુરુ તમારી જ્ઞાતિના વેલાણી સાંખના હતા જેથી એમ સમજું છું કે હું પણ આ જ્ઞાતિમાં જન્મેલો છું. તમારી જ્ઞાતિ ચોખી છે રસોડો ચોખો છે આહાર શુદ્ધ અને સાત્વિક છે એટલે એકંદરે પવિત્ર છે. મોટો ભાગ ખાદી પહેરે છે, ખર્ચા પણ ટુંકા છે, કેટલીક બાબતમાં કઢંગા ખર્ચા છે તે કહાડવા જોઈએ તે રાત્રિની સભામાં સમજાવીશ.

          પીરાણા પંથ રૂપી વાડામાંથી નીકળી તમોને સોનાની બેડીઓ પહેરાવવામાં આવી છે. આજે લક્ષ્મીનારાયણનું મંદિર સ્થપાયું છે તે તમારા ઉદ્ધાર માટે છે, નહિ કે સ્વાર્થાંર્ધ બ્રાહ્મણો કે બાવાઓ માટે. તમે જે  કંઈ રકમ એકઠી કરી શકો તે બ્રહ્મચારીઓને વિદ્યા ભણાવવામાં વાપરજો વિદ્યા એજ ખરુ ધન છે અને તે પ્રમાણે તમે કરી પણ શકશો. આજે તમારી નાતની આર્થિક સ્થિતિ સારી છે રાજામહારાજા  કે શાહુકારોથી ન થઈ શકે તે તમારા સંપ અને સંગઠનથી કરી શકશો. બાળકોને વિદ્યા ભણાવવામાં દ્રવ્ય ખરચજો. વિદ્યા આજકાલ કોલેજોમાં અપાય છે તેવી તમોને નહિ જોઈએ એવી વિદ્યાથી દુર રહેજો એથી તમારું શ્રેય નહિ થાય. ડીગ્રી મેળવેલા કેટલાએ નોકરી ન મળવાને કારણે ભટકતા જોવામાં આવે છે પરીણામે કંટાળીને આપઘાત કરવાના દાખલાઓ બનતા હોવાનું પણ સાંભળવામાં આવે છે.

          ખેતી ઉત્તમ છે. ખેતીના ઉદ્યોગથી જ સર્વસ્વ થાય છે અર્થાત્‌ મુખ્ય ખેતી ઉપર જ મનુષ્ય માત્રનો આધાર છે. વિદ્યા ભણીને પણ ખેતી મુકતા નહી ખેતીમાં સુધારો કરજો અને ખેતી વિકાસ પામે તેવા બનતા દરેક પ્રયત્નો કરતા રહેજો. ખેતીનું શિક્ષણ વિદ્યાભ્યાસ દરમ્યાન મળી શકે અને ખેતી સારી હાલતમાં વિકાસ પામે તેવી યોજના થઈ શકે  તેવી સ્કુલોની આપણને જરૂરત છે તે તમો ધારો તો કરી શકો તેમ  છે. તમારા બાળકોને વિદ્યાભ્યાસ કરવા માટે ગુરૂકુળ ઈશ્વરનગર (વાંઢાય)માં હજારો રૂપીયાના ખર્ચે મકાનો બંધાવી તૈયાર કરેલ છે ત્યાં મોકલજો. વધારે વિવેચન રાત્રિની સભામાં થાશે.

શીવજીભાઈ કાનજીભાઈ પારસીઆએ ઉભા થઈ જણાવ્યું કે :—

મહેરબાન  પ્રમુખ સાહેબ, વ્હાલા  જ્ઞાતિભાઈઓ, માતાઓ અને  બહેનો તથા પધારેલા સદ્‌ગૃહસ્થો.

          આજની સભાનું કામકાજ જોતાં મને બહુજ આનંદ થાય છે અમો કરાંચીથી રણ રસ્તે  થઈને આ સમારંભમાં ભાગ લેવા આવ્યા છીએ જે તકલીફ આજ હજારો ભાઈ બહેનો એકત્ર થયેલા જોઈ વિસરી જાય છે અને રા.રા.મહેરબાન શ્રીયુત મુરબ્બી શ્રી પોપટલાલભાઈ આમંત્રણને માન આપી પધારી આપણને અલભ્ય લાભ  આપ્યો છે તે જોઈ મારું હૃદય પ્રફુલ્લીત થાય છે તેમજ પુજ્ય મહાત્મા શ્રી ઓઘવદાસજીના વચનો સાંભળી આનંદ થાય છે. વિદ્યા અને ખેતીનાં શિક્ષણ ઉપર ભારપુર્વક  જણાવ્યું છે. જે આપણે કરી શકીએ તેમ છે અને તે માટે લાખો રૂપીયાના ખર્ચે મકાને બંધાવ્યાં છે જેમાં ધાર્મિક શિક્ષણ પ્રાધાન્યપદ આપવામાં આવ્યું છે માટે આપણને ગુરુકુળમાં વિદ્યાભ્યાસ અર્થે બાળકોને મોકલવા જોઈએ.

          અમો અજ્ઞાન અને ભોળી જ્ઞાતિને દિન પર દિન આપ મહાત્માઓ અમૃતમય વચનોથી ઉપદેશ આપી સન્માર્ગે  દોરશો એજ અભિલાષા.

          ત્યારબાદ ભાઈ શ્રી રતનશી ખીમજીએ જણાવ્યું કે આજે રાત્રીની સભા છે આજથી પહેલાં પાંચ સભાઓ ભરાઈ ગઈ છે. તેમાં જે ભાઈઓ તથા બહેનોએ નિયમીત પધારી ઉજાગરો સહન કરી લાભ લીધો છે તેને ધન્યવાદ આપવો ઘટે છે સાથે સાથે બે દીવસ વધારે ઉજાગરો તેમજ તકલીફ સહન કરજો. કારણ કે ખરા મુદ્દાનું કામ પણ હવેથી થવાનું છે આથી અગાઉ સમજાવવામાં હું એકલો હતો હવે ઓથ મળ્યો છે. ઉપદેશ કરવાવાળા ધર્મ સ્થંભો આવી ઉભા છે તેઓશ્રીની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે નામના લખેલ કાગળને માન આપી પોતાના કીંમતી વખતનો ભોગ આપી શ્રીયુત મુરબ્બી શ્રી પોપટલાલભાઈ પધારી આપણને લાભ આપી શ્રમ ઉઠાવ્યો છે તે માટે સમગ્ર જ્ઞાતિ તરફથી તેઓશ્રીનો ઉપકાર માનું છું જ્ઞાતિ સેવા કરનારા મારા ભાઈઓએ યાદ રાખવાનું છે કે જ્ઞાતિ સેવા કરવામાં તન, મન અને ધનનો ભોગ આપી કર્તવ્ય પરાયણ થવું જોઈએ.

          શ્રીયુત મુરબ્બી શ્રી શીવજીભાઈ પટેલે આજની સભાનું પ્રમુખસ્થાન લીધું છે અને આ કામમાં સાથ આપ્યો છે અને હવે પછી પણ આવા સમારંભો ગોઠવાય તેમાં આગળ પડતો ભાગ લે અને એવા પ્રસંગો લાવવાના બનતા દરેક પ્રયત્નો કરે એમ હું ઈચ્છું છું.

          આવા જ્ઞાતિ અભ્યુદયના કામોમાં કોઈ ઈર્ષાળુ વ્યક્તિ એક યા બીજી રીતે અંતરાય નાખે તેવાઓથી ખાસ સાવચેત રહી ચેતી  ચાલવાની જરૂર છે. આવા શુભ કામોમાં ઉત્સાહભેર ભાગ લેનારાના નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. જેથી આવા શુભ કામોમાંથી છટકવું જોઈએ નહી અને છટકેલા રહી જશે.

          દરમ્યાન રતનશીભાઈ ડુંગરશી તેરાવાળા આવેલા જાણીને તેમને માન સહીત મંડપમાં લાવવામાં આવ્યા હતા.

          તે પછી વકીલ રામજીભાઈ વાલજીભાઈ દાવડા બોલવા ઉભા થયા હતા તેમણે જે સ્થળે પોલીસ સીપાઈઓ ગોળીબારની પ્રેકટીસ કરતા હતા તે સ્થળે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણદેવનું મંદિર જોઈ અંતઃકરણની સહાનુભુતી દર્શાવી હતી. વધારામાં જણાવ્યું કે નખત્રાણાના કડવા પાટીદારો પીરાણા પંથથી મુક્ત થઈ આર્ય સનાતન ધર્મમાં દાખલ થતા જોઈ પ્રત્યેક હીન્દુ તેમને  સાથ આપી સત્કારશે એવી ઈચ્છા પ્રદર્શીત કરી હતી.

          ત્યારબાદ રા.રા.મહેરબાન શ્રીયુત મુરબ્બી શ્રી પોપટલાલભાઈએ ભુજ જવાની ઈચ્છા પ્રદર્શીત કરી જેથી રતનશીભાઈએ સભા સમક્ષ જણાવ્યું કે શ્રીયુત પોપટલાલભાઈની છત્રછાયા નીચે આજ રાત્રિની સભા છે, એમ આપણે માનશું.

 

          બાદ પ્રમુખશ્રીની આજ્ઞાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદથી તેમજ નામદાર મહારાજાઓશ્રી ખેંગારજીની જય બોલાવ્યા બાદ સભા વિસર્જન કરી માનનીય મુરબ્બી શ્રી પોપટલાલભાઈને માન સહીત વિદાયગીરી આપવામાં આવી હતી.

સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ સુદી ૧૦ {VSAK: 19-May-1937} ની રાત્રિની સભા

          હંમેશના નિયમ પ્રમાણે આજની સભામાં પ્રભુપ્રાર્થના થયા બાદ ભાઈશ્રી હરજી પુંજા નાથાણીએ ઉભા થઈ સભાને ઉદ્દેશી જણાવ્યું કે :— આજે બે દિવસ થયા ભાઈશ્રી રાજારામ શામજી કારણ વસાત માનકુવા ગયા હતા તેઓશ્રી આજે દિવસના બીજા ભાઈઓ ભેગા પુનઃ આવેલા છે તેમનો જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે, આજે વીસ વરસોથી જ્ઞાતિહીતના કાર્યોમાં નીડરપણે નીઃસ્વાર્થ ભાવે સેવા કરી રહેલા છે એટલું જ નહિ પણ કરાચીમાં આપણી જ્ઞાતિની ભરાયેલી પહેલી પરિષદમાં પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું અને તે કાર્યને દિપાવ્યું હતું જેથી આજની સભાના પ્રમુખસ્થાન સ્વીકારવાની શ્રીમાન ભાઈશ્રી રાજારામ શામજીને વિનંતી કરૂં છું આશા છે કે તે પદ સ્વીકારી આજની સભાનું કાર્ય પોતાની બુદ્ધિ તેમજ કાર્યકુશળતાથી પાર ઉતારશે.

          ઉપરોક્ત દરખાસ્તને ભાઈશ્રી ભાણજી જેઠાએ અનુમોદન આપવાથી તાળીઓના ગડગડાટ તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદથી પ્રમુખશ્રીએ પોતાનું સ્થાન સ્વીકાર્યું હતું.

          પ્રમુખશ્રીએ ઉભા થઈ સભાને ઉદ્દેશીને જણાવ્યું કે :—

          પ્રિય જ્ઞાતિબંધુઓ, બ્રહ્મનિષ્ઠ મહાત્માશ્રી, શ્રી પુજ્ય માતાઓ અને પવિત્ર બહેનો અને પધારેલા સદગ્રહસ્થો :

          આજની જવાબદારી ભરેલા પ્રમુખનું સ્થાન મને આપવામાં જે માયા અને મમતા બતાવી છે તે ખાતર હું આપ સર્વનો ઉપકાર માનું છું. મારાથી વિશેષ લાયકાત ધરાવનારા બંધુઓ વિદ્યમાન હોવા છતાં એક સેવક તરીકે મારી ફરજમાં જે વધારો કર્યો છે તે આપ સર્વે ભાઈઓના સહકાર તેમજ સહાનુભૂતીથી આજનું કાર્ય નીર્વિઘ્ને પુર્ણ થાઓ એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.

          આટલા દિવસના કાર્યોમાં ભાઈશ્રી રતનશીભાઈએ ધાર્મીક તેમજ સામાજીક બાબતોમાં બહુ જ સારી રીતે સમજાવ્યું છે તે બદલ તેમની જ્ઞાતિ  પ્રત્યે વિશાળ ભાવનાને ધન્યવાદ આપું છું અને કરાંચીથી આપણા ધર્મ અને જ્ઞાતિ માટે રણ રસ્તા જેવું વિકટ પરિશ્રમને સહન કરી જે અત્રે આવેલા છે તેવી તેમની ધર્મ ભાવનાને જોઈ ખુશી થાઉ છું. એવી ભાવના આપણી જ્ઞાતિના દરેક ભાઈઓમાં ઉદ્‌ભવે એવી પ્રભુનને પ્રાર્થના કરૂં છું.

          ધાર્મિક તેમજ સામાજીક બાબતોમાં પુજ્ય મહાત્માશ્રી ઓઘવદાસજી પોતાની અનુપમ જ્ઞાન શક્તિથી આપણને સમજાવી અલભ્ય લાભ આપશે છતાં પણ મારે કંઈ બે શબ્દો બોલવા જોઈએ એમ સમજી મારો આંતરીક ભાવ રજુ કરું છું.

          ભાઈઓ ! આપણે જ્યારથી વિધર્મી કહેતાં પીરાણા પંથનું અનુકરણ કર્યું ત્યારથી આપણી ધાર્મિક, સામાજીક અને વહેવારીક વૃતિ લગભગ નષ્ટપ્રાય થઈ ગઈ એમ કહીએ તો કાંઈ ખોટું નથી. કારણ કે અસંખ્ય વરસોથી આપણા પસીનાની કમાઈના પૈસા પીરાણે મોકલી મહા પુણ્ય  કર્યું હોય એમ માનતા આવ્યા છીએ. અને એ પુણ્યમાંથી કાકા અને સૈયદોને ખુબ આનંદ કરાવ્યો  પરંતુ આપણી જ્ઞાતિના નીરાધાર અને નીસહાય બંધુઓને  અણુ માત્ર પણ ઉપયોગી ન થઈ શક્યા એજ દિલગીરી ભરેલી બીના  છે. શું ? આપણી જ્ઞાતિ બધી શ્રીમંત અને સુખી છે ? જરાએ નહી. હજી આપણી જ્ઞાતિમાં ઘણા એવા ગરીબ કુટુંબો છે કે જે કરજના ભારથી રીબાતા હશે તેઓને લાખોના નાણામાંથી કીંચીત પણ સહાયતા કરી શકીએ તેનો વિચાર આપણા પુજ્ય અગ્રેસરો અને વડીલો એક ક્ષણ પણ કરતા નથી. એ કેટલું શોચનીય કહેવાય ! આપણા અગ્રેસરો જ્ઞાતિ ભોજનો વીગેરે કરાવવામાં બહુજ ધ્યાન  રાખે છે. પણ તેવું ધ્યાન રાખવા કરતાં આપણી જ્ઞાતિમાં ઘણી એવી બહેનો છે કે જે અપંગ અવસ્થા ભોગવતી હોય, પોતાના ગુજરાન સારૂં અસહ્ય યાતનાઓ સહન કરતી હોય તે વિધવા બહેનો અને ભાઈઓને વીણી વીણી જ્ઞાતિ તરફથી મદદ આપવી એ આપણો ધર્મ કહેતાં ફરજ છે.

          આપણી જ્ઞાતિના બાળકો સારૂ શિક્ષણનું સ્થાન એકે નથી તે શું આપણા બાળકોને વિદ્યાની જરૂરત નહીં હોય ? વેપારીઓ સાથે લેવડદેવડના હીસાબો તથા આપણે ઉપજાવેલ અનાજ વેચાણ વિગેરે કેટલીક વહેવારીક બાબતો સમજવા સારુ અને આપણા જીવનમાં ધાર્મિક જ્ઞાન સંપાદન થઈ શકે એ હેતુથી સાચી કેળવણીનો અનુભવ લેવો જોઈએ અને આપણી જ્ઞાતિ તરફથી એક પણ દવાખાનું નથી તે શું આપણી જ્ઞાતિ બધી નીરોગી છે ? પણ તેમ નથી. આપણા ઘણા ભાઈઓ દવાના અભાવથી અનેક રોગોથી પીડાતા હશે અને જ્યાં ત્યાંથી દવા લઈ જેમ તેમ ચલાવતા હશે. એવી એવી બાબતોમાં લક્ષ રાખી આપણા પુજ્ય અગ્રેસરો ધર્માદા નાણાંનો સદ્‌વ્યય કરે તો કોઈને કહેવાપણું રહે નહી અને જ્ઞાતિ ઉન્નતિ પણ થઈ શકે.

          તે સિવાય હિન્દુસ્તાનમાં પશુ ઉછેર સંબંધી જોશભેર ચળવળ ચાલી રહેલી છે અને વાત પણ સાચી છે. પશુ એ આપણું ખરૂં ધન છે, તેમાં પણ ખાસ આપણે ખેતી પ્રાધાન્ય કોમ છીએ. ગાયો, ભેંસો અને ઘોરી કહેતાં બળદોને જેટલા આપણે વધુ સુખી રાખીશું. એટલા આપણે વધુ સુખી રહી શકશું. કારણ કે ગાય અને ભેંસના દુધ અને ઘૃત (ઘી) થી આપણું પોષણ થાય છે એટલું નહી પણ કેટલુંક ઉપલક ખર્ચ પણ આપણે એની આવકમાંથી કમાઈ શકીએ છીએ. ત્યારે એને સુખી રાખી પુરતી રીતે પાલન પોષણ કરવું એ આપણી ફરજ છે. બળદ તો આપણા સુખ દુઃખના સાથી છે આપણી કમાઈના અરધે અરધા માલીક છે કારણ કે દીવસ અને રાત્રીની દરકાર કર્યા વિના વરસાદ કે પવનની પરવા રાખ્યા વિના, ટાઢ કે તડકાની ચીંતા ભોગવ્યા વીના આપણા ભેગા ખરી મજુરી કરનારને તો આપણાથી ભુલાય જ કેમ ? એની તો પુરેપુરી માવજત કરવાને આપણે બંધાયેલ છીએ. સમયસર એ વૃધ્ધ કે અશક્ત થાય ત્યારે એના કરેલા ગુણોને યાદ કરી એની સારી રીતે સેવા ચાકરી કરવી એ આપણો ધર્મ છે.

          વિશેષમાં આપણા જ્ઞાતિના ત્રણે પાંચાડામાંથી પધારેલા ભાઈઓનો ઉપકાર માની પ્રાર્થના કરૂં છું કે પીરાણાના પ્રપંચોથી ઘણાક વર્ષો થયાં આપણો પવિત્ર હિન્દુ ધર્મ ભુલી ગયા છીએ તેમાં આપણા સુધારક ભાઈઓ કે જે પાંચસો વરસ પહેલાં આપણો હીન્દુ ધર્મ હતો તેજ ધર્મને ફરીથી અંગીકાર કરવાનું કહે છે એ કંઈ ખોટુ અથવા ખરાબ નથી. મમતાથી આપણે અરસપરસ વિરોધ કરીએ એથી આપણી જ્ઞાતિની દુર્દશા થાય છે એવું દરેક ભાઈઓએ સમજવું જોઈએ.

          જેમ આપણી જ્ઞાતિએ પીરાણા પંથના અનુયાયીઓ થઈ ખાનાની સ્થાપના કરી સતપંથી બન્યા તેવી રીતે કેટલીક જગ્યાએ બીજી જ્ઞાતિઓમાં પણ તેવીજ રીતે પ્રચાર કાર્ય થઈ રહેલું હતું. જેમાંના કેટલાકો આજે હીન્દુ મટી મુસલમાન થઈ ગયા છે તે આપ ભાઈઓ પણ જાણતા હશો.

          શરૂઆતમાં આપણા વડીલોએ બાવાનો પંથ એટલે પીરાણા—સતપંથ લીધો ત્યારે લગ્નપ્રસંગે ચોરી તથા મરણ વખતે અગ્નિસંસ્કાર કાયમ હતા પણ પાછળથી આ ગામમાં એ રીવાજો બંધ કરવામાં આવતાં આસ્તે આસ્તે આપણા બીજા આચાર વિચાર ધર્મના નામે બદલી જાય તો ઘણું ખોટું કહેવાય. એમ સમજી સુધારકોએ આપણો પુર્વે જે ધર્મ હતો અને તેના આચાર વિચારો બંધબેસતા હિન્દુ ધર્મના છે તે તેમણે ગ્રહણ કર્યા છે. એથી કાંઈ આપણી જ્ઞાતિનું અકલ્યાણ થવાનું નથી.

          સતપંથ એ સાચો પંથ છે એમ કહેનાર સૈયદો કેવળ પોતાના પેટ ભરવા સારૂ એ વેદ માર્ગ અને અથર્વવેદના નામથી આપણને ભરમાવી રહેલા છે. વેદ માર્ગ અથવા અથર્વવેદનો એ પંથમાં જરા પણ અંશ નથી એ આજના અનુભવોએ આપણને બતાવી આપ્યું છે ત્યારે તેમાં દુરાગ્રહ કરી આપણી જ્ઞાતિની દુર્દશા ન કરવી એ દરેક સમજુ ભાઈઓની મુખ્ય ફરજ છે.

          તે સિવાય કહેતાં મને બહુ ખેદ થાય છે કે આપણા શુદ્ધિવાળા ભાઈઓ તરફથી ભગવાનના નામની પ્રતિષ્ઠાના કાર્યમાં વિઘ્ન ઉભું કરવાને આજ દિવસની સભાના પ્રમુખ શ્રીયુત શીવજીભાઈ જેઠાભાઈ પટેલને વરસોના જુના રીપોર્ટ  બતાવી જે ખોટી રીતે દોરવણી કરવામાં આવી હતી તેવું કૃત્ય કોઈપણ સુધારકના નામને છાજે તેવું હું માનતો નથી.

          એક જ્ઞાતિભાઈ તરીકે અથવા સાચા સુધારક તરીકે આ એક શુદ્ધ હિન્દુ ધર્મી તરીકે પણ ભગવાનની મુર્તીની પવિત્ર પ્રતિષ્ઠાના કાર્યમાં અડચણ ઉભી કરવી તે બિલકુલ ઈચ્છવા યોગ્ય નથી. કારણ કે અન્ય જ્ઞાતિ હિન્દુઓ પણ આવા પવિત્ર કાર્યોમાં સંપુર્ણ ભાવ ધરાવી સાથ આપી રહેલા છે ત્યારે સ્વજ્ઞાતિ તરીકે કોઈપણ ભાઈ આવા ઉત્તમ કાર્યમાં હરકત ઉભી કરી અભાવ ધરાવે એ બીલકુલ યોગ્ય નથી. હું ખાસ ભારપુર્વક કહું છું કે ઈર્ષા રાગ અને દ્વેષ એક સજ્જન તરીકે વહેવારીક કાર્યોમાં પણ ઉપયોગ ન કરવા જોઈએ તેના બદલે જ્ઞાતિ ધર્મ અને ભગવાનના કાર્યમાં પણ આપણી પ્રકૃતી અનુસાર ઈર્ષાનો ઉપયોગ કરી કુસંપ વધારવાના કારણભુત થઈએ એ સ્થિતિ એક સુધારક અથવા જ્ઞાતિ સેવક તરીકે શરમાવનારી છે એમ કહેવાની આ દુઃખ ભરેલી પરિસ્થિતિ ઉભી થઈ છે. એથી મારા શુદ્ધિવાળા ભાઈઓને વિનંતીપૂર્વક ભલામણ કરું છું કે તમે તમારી વહાલી જ્ઞાતિ સારુ જરાપણ લાગણી કે માન હોય તો અંગત રાગદ્વેષો તથા વેર વિખવાદો ભુલી દાવપેચ કે પ્રપંચથી દૂર રહેજો અને તેમાંજ બધાઓનું હીત સમાયેલું છે કારણ કે તમારા વિચારોથી વિખુટા પડેલા ભાઈઓ કંઈ તમારા દુશ્મન નથી પણ જેમ હિન્દુ ધર્મે શુદ્ધિ સંગઠનની આવશ્યકતા સ્વીકારી સમય ધર્મને માન આપ્યું છે તેવી જ રીતે જે ભાઈઓને જ્ઞાતિ સાથે રહી જ્ઞાતિની ઉન્નતિની વધારે અગત્ય સમજાઈ હશે તેમાં આડકતરી રીતે અડચણ ઉભી કરવી એ સુધારક તરીકે જરા પણ શોભતું નથી.

          અંતમાં અમારી કાર્યનીતિની વખતો વખત પ્રશંસા કરવામાં આવે છે તે બાબતમાં અમે અમારી નજીવીમાં નજીવી સેવાની ફરજથી વિશેષ અમારાથી કાંઈ પણ થઈ શક્યું નથી. હું ઈચ્છુ છું કે મારી વ્હાલી જ્ઞાતિ સારુ સર્વસ્વ રીતે સેવા કરવાનો શુસમય પરમાત્મા આપે એવી અભિલાષા છે.

          આજની સભામાં અન્ય વકતાઓના વિવેચન થવાના હોવાથી હું મારા પૂજ્ય જ્ઞાતિ ભાઈઓને ફરીથી અપીલ કરું છું કે આપણામાં થયેલા કુસંપને મુકી પવિત્ર હિન્દુ ધર્મમાં શ્રદ્ધા રાખી જ્ઞાતિ ઉન્નતિના કાર્યને સફળ બનાવશો એવી આશા રાખી મારું બોલવું પુરું કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ ભાઈશ્રી રતનશી ખીમજીએ ઉભા થઈ સભાને ઉદ્દેશી જણાવ્યું કે આપણા અત્યારના કાર્યક્રમ પ્રત્યે અન્ય જ્ઞાતિ ભાઈઓને પ્રેમની લાગણી ઉદ્‌ભવે છે એ જાણી મને અત્યંત આનંદ થાય છે.

          પીરાણા પંથ આપણા માટે લાયક નથી એમ સમજી ગયા છીએ. એક વસ્તુ આપણી દૃષ્ટિએ અળખામણી થઈ પડી છે તે ઘડી ઘડી ચુંથણા ચુંથવા ઠીક નથી. આપણે અહીંયા જે પ્રતિજ્ઞા લઈએ તે સંપુર્ણ રીતે પાળીએ છીએ એવું જનતાને બતાવી આપવું જોઈએ. આપણું મસ્તક ધાર્મિક દૃષ્ટિએ મુસલમાન કે યવનને નજ નમાવવું એવું મન સાથે ચોક્કસ કરી લેવું જોઈએ. પીરાણા પંથના નીભાવ અર્થે તેમજ સૈયદોના પોષણ માટે ગાદીના મુજાવર એજંટ તરીકે કાકાઓને નીમવામાં આવ્યા. એ કાકાઓ મારફતે આપણી પાસેથી મોટી મોટી રકમો ઉઘરાવવામાં આવે છે. તેમાંથી અમુક હીસ્સો સૈયદોને આપવામાં આવે છે. એ વાતની તો આપ સર્વેને જાણ હશે અને એ સંબંધે જાહેર હેન્ડબીલો દ્વારા તેમજ પરીષદોમાં ચર્ચાઓ થઈ ગઈ છે. પીરાણાની ગાદીના મુંજાવર કાકા તે બાપના ભાઈ કાકા જેવા નહિ પણ આપણે  માટે તો રસ્તામાં ચોર લુટારા મળે તે માંહેના કાકા થયા, કારણકે આપણને લુટ્યા, લુટાવ્યા, તેમજ ગાયને દોહીને કુતરાને પીવડાવ્યા બરોબર કર્યું છે. માટે પીરાણાપંથ, કાકા અને સૈયદો આપણે માટે લાયક નથી તેમજ તેઓની આપણને કોઈ પણ સંજોગોમાં જરૂરત પણ નથી. અસ્તુઃ

          હવે હું શુદ્ધિબાબતની વાત ઉપર આવીશ, જે વાત સભામાં બે—ત્રણ દિવસ થયા ચોળાય છે જે બાબત હું મૌન સેવી રહ્યો હતો, તે એટલા માટે જ કે દશમને દિવસે આમંત્રણ મોકલેલા બધા ભાઈઓ આવી જશે તે સમયે તે બાબતનો ખુલાસો કરવો યોગ્ય જણાશે એમ ધારી આજ ખુલાસો કરવો ઉચીત ધારૂ છું.

          ભાઈઓ ! “છઠની સભામાં પ્રમુખ સાહેબના ભાષણમાં બોલાયું હતું કે રતનશી ભાઈએ પણ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી દશ વરસ સુધી નાત સાથે ખાવાપીવાનો વહેવાર બંધ  કર્યો હતો” તે વાત સાચી છે. તે પ્રમાણે મ્હેં કર્યું હતું પરંતુ સમયના રંગ બદલતાં જણાયું કે નાત સાથે ખાવા પીવાનો વહેવાર બંધ રાખતાં સુધારાની ચળવળ બિલકુલ પડી ભાંગી, તે અરસામાં નાતમાં જાગૃતી સારી જેવી થઈ ગઈ હતી. અને તેઓને કહેવા જતાં કાંઈ સાંભળે નહિ તેમ છતાં ઉપદેશ આપવાનું બ્હાનું રહ્યું નહિ તેમજ જ્ઞાતિ ભાઈઓને પણ શુદ્ધિવાળા ભાઈઓ પ્રત્યે સ્વાભાવીક અણગમો ઉત્પન્ન થયો કે અમારી સાથે ખાઓ પીઓ નહિ એટલે તમે અમારા ભાઈ શેના !  તમારેને અમારે કાંઈ નહિ એ વાત પણ ખરી હતી કે “અન્ન જુદાં ત્યાં મન જુદાં” એ કહેવત પ્રમાણે તે ભાઈઓના શબ્દોની મુક્ત કંઠે પ્રશંસા કરવી પડી. તે સિવાય બીજી બાબત એ છે કે જ્ઞાતિ અભક્ષા ભક્ષ કરતી નથી. એટલે ખોરાક સાત્વીક છે. ત્રીજી બાબત એ છે કે  જગતમાં આજ શું ચાલી રહેલું છે તે તરફ નજર કરતાં મહાત્મા ગાંધી, પંડીત મદનમોહન માલવીઆજી, પંડીત જવાહરલાલ નેહરૂ આદી દેશ નેતાઓએ છુતાછુત દુર કરવામાં પોતાની શક્તિનો વ્યય કરી રહ્યા છે. તેમં તેઓ કેટલેક અંશે સફળ થયા છે અને અછુતો કે જેને અડકીને નાહવાની ઘેલછા હતી તેઓની સાથે પ્રતિષ્ઠીત નાગરીકો ઉંચ વર્ણના કેટલાક હિન્દુ ભાઈ બહેનો પંગતમાં સાથે બેસી જમે છે, સહર્ષથી ભેટે છે અને તેમ કરવાનું દેશનેં આહ્‌વાન આપી રહ્યા છે જે પ્રમાણે દેશના સમજુ વર્ગના તમામ હિન્દુ ભાઈઓ વર્તણુક કરી રહ્યા છે. એ બધુ સમય કરાવે છે. સમય બદલે છે ત્યાં મનુષ્યોના વિચારોમાં પણ પરીવર્તન થવાની આવશ્યકતા જણાય છે. આટ આટલી બાબતો દેશમાં બને છે અને નજરોનજર નીહાળીએ છીએ તો પછી આપણો ખાવા પીવાનો સવાલ તો પોતાની નાત સાથેનો છે. જે બાબત મેં વિચાર્યું કે જ્ઞાતિ ભોળી અને અજ્ઞાન છે, તેમાંનો લગભગ ૧/૩ એટલે ત્રીજો ભાગ ઠીક પ્રમાણમાં સમજી ગયેલ છે. અને તેનો પીરાણાપંથ પ્રત્યે સદંતર અભાવ થઈ ગયો છે તેમાંના અપવાદ રૂપે જ પીરાણાની ક્રીયામાં ભાગ લેતા હશે અગર ક્રિયા કરાવતા હશે. એ બધી બાબતોને ધ્યાનમાં લેતાં તેમજ શુદ્ધી કરાવીને  કાંઈપણ ધાર્મિક ચળવળ ન કરીએ તો પછી શુદ્ધિ અર્થ વગરની કહેવાય.

          ચોથી બાબત એ છે કે ભાંગ્યા તુટ્યા સગપણો સાંધવા હોય અર્થાત (પુનઃ લગ્ન કરવાં હોય) ત્યારે પણ શુધ્ધિ કરાવી ખાવાપીવાનો વહેવાર નાત સાથે રાખ્યો ન હોય તો પણ પોતાની સગવડને ખાતર નાતમાંથી સગપણ કરી રીતસર ખાઈપીને પુનઃ લગ્ન કરી આવે છે તે વખતે અભડાઈ જવાતું નથી. પરંતુ જ્યાં શુદ્ધિવાળાને પોતાની સગવડ હોય ત્યાં કહે છે કે અમારો તમારી સાથે ખાવાનો વહેવાર નથી અને અગવડ થાય અથવા સ્વાર્થ સાધવો હોય એટલે બધી વાત ભુલાઈ જવાય છે જેથી શુદ્ધિવાળો સગવડીઓ પંથ છે. એમ ચોક્કસ ખાતરી થયા પછી અને જ્ઞાતિ સુધારાનું કામ આગળ ધપે એ હેતુથી મેં મારા વિચારોમાં પરીવર્તન કર્યું અને તે પણ કેવા સંજોગોમાં ખાવાપીવાનો વહેવાર નાત સાથે શરૂ કર્યો તે હવે પછી જણાવીશ અને જ્યાં પીરાણા—સતપંથની ક્રિયા કર્મ ન થતાં હોય તેમજ અમી કે નુરની ગોળીનો વપરાશ ન થતો હોય તેવે ઠેકાણે સમુહ એકઠો મળે ત્યાં જ્ઞાતિ ગંગાસ્વરૂપ માની હું તેઓની સાથે જમવાનું ઉચીત ધારૂં છું.

          આજથી લગભગ સાત વરસ ઉપરે અમારા ગામ વિરાણીમાં આપણા જ્યોતીધામની અંદર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ગામના સુધારક ભાઈઓની સંમતીથી થયેલી હતી તે વખતે આમંત્રણને માન આપી મુંબઈ—ઘાટકોપરથી વિરાણી ગામના સુધારાવાળામાંના પાંચ જણા વિરાણીના મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે આવ્યા હતા. તેમાં એક હું તથા ભાઈશ્રી મેઘજી લખમશી નાકરાણી, તથા સવદાસભાઈ કાનજી તથા શીવજીભાઈ મેઘજી તથા કરસનભાઈ માના ખેતાણી એમ જણા પાંચ આવ્યા હતા. તે સમયે હું તથા ભાઈ સવદાસ કાનજી શુદ્ધિવાળા પક્ષ માહેના હતા જેથી નાત સાથે અમારો ખાવાપીવાનો વહેવાર નહોતો તો પણ ત્યાં અમે પ્રતિષ્ઠાની મુકરર કરેલી તિથીથી પાંચ સાત દહાડા અગાઉ પ્રચાર કાર્ય કરવા આવ્યા હતા અને પાંચ સભાઓ ભરાયેલી હતી. જેમાં અમારી બુદ્ધિ અનુસાર આપણા ભાઈઓને સમજાવ્યા અને  ત્યાં નીમેલી કાર્યવાહક કમીટીમાં  ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિને મંદિરમાં પધરાવ્યા પછી તેમને માનનારા ભાઈ તથા  બહેનોએ કેવી રીતે આચારવિચાર પાળવા તથા ધાર્મિક ક્રિયા કર્મ કરવાં તે સંબંધમાં અગિયાર ઠરાવ ઘડી પાસ કરાવીને જાહેર સભામાં વાંચી સંભળાવ્યા અને તેના ઉપર વિવેચન કરી સભામાં પધારેલા સર્વે જ્ઞાતિભાઈઓ, માતાઓ અને બહેનોને સમજાવ્યા જેની સારી જેવી અસર તેઓ ઉપર થઈ જેથી તાળીઓના અવાજો તેમજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય ગર્જનાથી ઠરાવોને વધાવવી લીધા અને પાળવાની કબુલાત આપી.

          જે દિવસે મંદિરની પ્રતિષ્ઠાની પુર્ણાહુતી હતી તે જ દિવસે સવારના લગભગ છ વાગ્યાના સુમારે ચુંટાયેલા કાર્યવાહકોમાંના મુખ્ય મુખ્ય ભાઈઓ મારે ઘેર આવી મને કહેવા લાગ્યા કે તમો ઘાટકોપરથી આવ્યા બાદ ચાર પાંચ સભાઓ ભરી અમોને ધાર્મીક તેમજ સામાજીક પધ્ધતિમાં ફેરફાર કરવા ખુલ્લુ સમજાવી તકલીફ સહન કરી છે તેના માટે અમો આપને ધન્યવાદ આપીએ છીએ. તમારા  કહેવા પ્રમાણે અમો વર્તવાનું ચાલુ કર્યું અને અગિયાર ઠરાવો સંપૂર્ણ રીતે પાળવાની કબુલાત આપી માન્ય રાખ્યા પછી હજુ અમારામાં સુધરવા બાબતનું એવું શું બાકી રહી જાય છે કે જેથી તમારો ખાવા પીવાનો  વહેવાર અમારી સાથે એક થયો નહી તેમજ તે સંબંધે કંઈ ચોખવટ પણ કરી નહિ માટે હજુ પણ એવી કોઈ બાબત આપના મનમાં રહી જતી હોય કે જેથી અમારા સુધરવામાં કચાસ રહેતી હોય અને તમારી ટેકને બાધ આવે તેમ હોય તો કહી દયો કે જેથી તેમનો પણ નીવેડો આવી જાય. ત્યારે મેં તેઓ આવેલા વડીલોને કહ્યું કે આ બાબત તમને આજે ઠીક સુજી છે અને આવા પ્રકારનો ખુલાસો તમો મારી પાસે માગો એમ હું પણ ઈચ્છતો હતો પરંતુ મારા મોઢેથી તમને ન કહેવાય એટલા માટે જ આ વસ્તુ મારા હૃદયની અંદર ખટક્યા જ કરતી હતી પરંતુ હવે છેલ્લો બારમો ઠરાવ લખી તમને વાંચી સંભળાવું તે ઠરાવ તમો પાસ કરી પાળવાની કબુલાત આપ તો મારે આપ જ્ઞાતિ ભાઈઓની સાથે ખાવાપીવામાં કોઈપણ જાતનો વાંધો રહેશે નહિં.

          મારાથી જ્ઞાતિની જે સેવા થાય છે અથવા કરૂ છું તે મારા ખરા અંતઃકરણથી જ્ઞાતિને ગંગાસ્વરૂપ અને પતીત પાવની માનીને. પરંતુ સમયને લઈને શરૂઆતમાં જ્ઞાતિ સેવાના કાર્યમાં ઝંપલાવ્યા વખતે પીરાણાની ગોળી ન પીવી અને પીરાણા પંથના અંગે થતા ક્રીયાકર્મ કરવા—કરાવવા નહિ એવી મેં પ્રતીજ્ઞા લીધેલી જેના કારણથી આટલા દિવસો સુધી મારે ખાવા પીવામાં આપની સાથે અંતરો રાખવો પડ્યો.

          હવેથી પીરાણાની અમી કે નુરની ગોળી તો આપણે મંદિર કર્યું એટલે નહીં જ વપરાય એટલે અહીંયા પીવાશે પણ નહિ એ વાત તો ચોક્કસ છે. પરંતુ જ્ઞાતિ સાથેનો વહેવાર ચાલુ હોવાથી બહારગામ કે કોઈ પણ ઠેકાણે પીરાણા પંથના ક્રિયા કર્મ થતાં હોય અને ગોળી વપરાતી હોય તેવે ઠેકાણે અમુક સંજોગોવશાત્‌ જવું પડે અને ગોળીનો ભેળવેલો પદાર્થ ધર્મ સંકટને લઈ ખવાઈ જાય તો તેવી વ્યક્તિએ ઘરે આવી સ્નાન કરી મંદિરમાં જઈ ભગવાનનું ચરણામૃત—ગંગાજળ લઈ પવિત્ર થઈ ઘેર જઈને જમવું. આવા મતલબનો ઠરાવ બારમો ઘડી તૈયાર કરી મંદિરમાં બપોરની છેલ્લી સભામાં સંભળાવ્યો અને સભામાં હાજર રહેલા દરેક ભાઈઓ તથા બહેનોએ તે ઠરાવ પાળવાની કબુલાત આપી. એટલે તે દિવસે બાર વાગે મંદિરમાં ભગવાનની મુર્તીની પ્રતિષ્ઠા કરાવ્યા પછી હું તથા ભાઈ સવદાસ કાનજી નાકરાણી જ્ઞાતિ ભાઈઓ સાથે બેસી આનંદથી જમ્યા.

          હવે શુદ્ધિવાળા ભાઈઓ કે જેઓનો નાત સાથે ખાવા પીવાનો વહેવાર નથી તેવાઓને બે શબ્દો મારે કહેવાની ઇચ્છા થાય છે તે ભાઈઓમાંથી કોઈક ભાઈ અહીં હાજર હોત તો વધારે સારૂ હતું. પરંતુ તેમનામાંથી કોઈની હાજરી નથી એ જાણી હું દિલગીર છું હાલમાં તમો નારાયણજીભાઈની વાકચાતુર્યતાથી ભોળવાઈ અંધશ્રધ્ધા રાખી તેમના દોરવ્યા દોરવાઓ છો પરંતુ તેમનું હૃદય જીણવટથી તપાસીને તેઓશ્રીની જ્ઞાતિ પ્રત્યે ભાવના કેવી છે તે પુરતી રીતે જાણ્યા સિવાય અંધશ્રધ્ધા રાખી જે ભાઈઓ ખોટી રીતે હઠાગ્રહ પકડી બેસી રહ્યા છે તેમને મારે એટલું જ કહેવાનું છે કે જે શ્રધ્ધા અને લાગણી તમોને હાલમાં ભાઈશ્રી નારાયણજીમાં છે અથવા હશે તેના કરતાં પણ હું તેમના તરફ વધારે લાગણી તેમજ વિશ્વાસ ધરાવતો હતો મારો તેમના ઉપર એટલો  બધો  પુજ્યભાવ હતો કે તેમનો પડ્યો બોલ જીલતો અને તેમના વાક્યોને હું વેદ વાક્યો તરીકે માનતો હતો. પરંતુ અમારામાં જ્યારે સાધારણ બાબતમાં મતભેદ ઉભો થયો અને કેટલાંક કાર્યોમાં ખોટી જડતા અને ચાલબાજી જોઈ ત્યારે મેં તેમને ખરી બાબત કહી કે આ કાર્ય જ્ઞાતિ સુધારકનું ન હોઈ શકે. કારણ કે જ્ઞાતિ સુધારકનો ધર્મ તો બાપ દીકરાનો સંબંધ ધરાવતા હોય તોપણ પક્ષપાત ન કરતાં ન્યાયની તરફેણમાં ઉભા રહેવું જોઈએ પરંતુ તે ભાઈની જ્ઞાતિ તરફની લાગણી માત્ર  પોતાના શોખની ખાતર પારકે પૈસેથી મોટાઈ મેળવવાની અને કેટલાક મારા જેવા તેમના હૃદયને  જાણ્યા સિવાયના અંધશ્રધ્ધાળુઓને હડધુત કરાવ્યાની તેમની મનોવૃત્તિ જાણી ત્યારે મેં તેમની સાથે એક ઠેકાણે બેસી લગભગ ત્રણ કલાક સુધી તે ભાઈશ્રીના છેવટના વિચારો જાણવા વાટાઘાટ ચલાવી. જ્ઞાતિ સુધારાના કેટલીક બાબતના ખુલાસા કર્યા તો તેમણે મને પોતાના છેવટના વિચારો  સ્પષ્ટ શબ્દોમાં કહી દીધા કે આ નાત ગમે તો સુધરે અથવા મુસલમાન થઈ જાય અગર આ નાતનું ગમે તે થાઓ તેની સાથે મારે કાંઈપણ લેવા દેવા નથી. પૈસા પરબારા મળે છે તેમજ થોડા ગણા જ્ઞાતિ ભાઈઓ મારામાં વિશ્વાસ રાખીને ઢેડાય છે અને મને આ બાબતનો શોખ છે ત્યાં સુધી ભાગ લઉં છું બાકી તો તારી માફક જ્યારે મારા પછવાડે રખડનારાઓ મારી મનોવૃત્તિ સમજી જાશે ત્યારે પણ મારે કયાં છોકરાંના સગપણ કરી પરણાવવાં છે કે તેઓની સાથે મારા કામ પડે.

          જ્ઞાતિ પ્રત્યેના આવા તેઓશ્રીના ઉદ્‌ગારો સાંભળ્યા પછી મેં ભાઈશ્રી નારાયણજીને ખુલે ખુલ્લું ત્યાંને ત્યાંજ કહી દીધું કે આજથી આપણા બન્નેના રસ્તા જુદા છે. તમને જ્ઞાતિ તરફ લાગણી હોય તો તમને તમારી મેળે જે કંઈ કરવું હોય તે કરજો. અને મને જે કંઈ મારા હૃદયથી અંદર જ્ઞાતિ સેવાની ધગશ હશે તે હું મારી મેળે તમારી સલાહ લીધા વિના કાર્ય કરીશ. પરંતુ શરૂઆતથી તમારા આવા દાંભીક વિચારોની ખબર પડી હોત તો આટલા વર્ષો ફોગટમાં વ્યર્થ ગુમાવી ભોળા તેમજ અજ્ઞાન તેમજ અંધશ્રદ્ધાળુ ભાઈઓને મા—બાપ તેમજ સગાં સંબંધીઓથી વિરોધ કરાવી પાયમાલ કરાવવાનું કૃત્ય તો નજ કરત. પરંતુ જ્ઞાતિ સુધારાનું કામ જુદીજ ઢબથી કરત.

          મારા શુદ્ધિવાળા ભાઈઓ !

          જેમ હું અંધશ્રદ્ધાથી નારાયણભાઈની વાકચતુરાઈથી જાળમાં ફસાઈ પડ્યો  હતો તેવીજ રીતે તમો પણ હાલમાં તેમના વચન ઉપર વિશ્વાસ રાખી તેમની નાખેલી જાળમાં પડ્યા છો તો તમને પણ હમણાં નહિ તો ભવિષ્યમાં જ્યારે તેમના આખરી વિચારો જાણવા સમજવાની આવશ્યકતા  જણાશે ત્યારે જેમ મને રોકડુ પરખાયું તેમ તમારા માટે પણ એજ પ્રમાણેનું જ જજમેન્ટ લખેલું તૈયાર જ હશે.

          મારા પરદેશ વસતા શુદ્ધિવાળા ભાઈઓ કે જેઓએ જ્ઞાતિ સુધારાના કાર્યમાં ઠીક ઠીક પ્રવૃતિ કરી છે બલ્કે આગળ  પડતો ભાગ  લીધો છે તેઓને વિનંતીપુર્વક જણાવું છું કે મારી માફક તમોએ પણ નારાયણજીભાઈ સાથે આજ દિવસ સુધી થયેલા સહવાસ દરમ્યાન બારીકાઈથી નિષ્પક્ષપાતપણે તેમના વિચારોનું અવલોકન કર્યું હોત તો જરૂરથી તેમની ભાવના કેવી છે તે સમજી શકાત. હજુ પણ સમય છે, પરંતુ જ્યાં સુધી સ્વતંત્રપણે વિચાર ન કરાય ત્યાં સુધી ખરી વસ્તુ સ્થિતિનું ભાન થઈ શકે નહિ.

          એક સમયે મુંબઈથી હું કચ્છમાં આવ્યો હતો અને અમારા ગામ વિરાણીમાં રહેવાનું  અમારૂ મકાન નવેસરથી બાંધવાનો મારો વિચાર થયો  તેના બાંધકામ બાબતનની સલાહ લેવા માટે ભાઈશ્રી વિશ્રામ પાંચા ગાંગાણી તથા પેથા ડોસા પોકારને  મારે ઘેર  બોલાવેલા તે પ્રસંગે ભાઈશ્રી વીશ્રામ પાંચાએ મને પુછયું કે નારાયણભાઈ અને તમારા વચ્ચે શા કારણથી મતભેદ ઉભો થયો છે કે જેથી જ્ઞાતિ સુધારાની કાર્ય પ્રણાલીકાની જુદી જુદી રીત અખત્યાર કરી છે ? તેના જવાબમાં મેં તેઓશ્રીને જણાવ્યું કે અમારા મતભેદની બાબત આપણામાંથી જે કોઈ ભાઈ સ્વતંત્ર થઈ પુછનાર હશે અને એ વાત જાણ્યા પછી ઈશ્વરની સાક્ષીએ નિષ્પક્ષપાતપણે સ્વતંત્ર રીતે ન્યાય આપી શકે તેનેજ અમારા વચ્ચે થયેલ મતભેદની બાબતનું વર્ણન પહેલેથી છેલ્લે સુધી કહી સંભળાવીશ. જ્યાં સુધી કોઈ ભાઈ સ્વતંત્ર વિચારના ન જણાય અને સામા માણસમાં અંધશ્રદ્ધા રાખી પક્ષાપક્ષ કરે તેવા ભાઈઓ પાસે વિસ્તારથી વાત કરી ટાઈમ ખોવાની જરૂરત નથી. તમો તેટલા સ્વતંત્ર હો તો હું તમને અમારા બંને વચ્ચે થયેલી વાત કહી સંભળાવું. ત્યારે ભાઈશ્રી વિશ્રામ પાંચાએ કહ્યું કે હાલમાં તો નારાયણભાઈના વિચારોથી જુદો મત આપી શકીએ નહિ તેમજ તેવણને અમો કાંઈપણ કહી શકીએ તેમ પણ નથી અગર તેમનાથી વિરોધ પણ દર્શાવી શકીએ નહિ ત્યારે મેં તેઓને કહ્યું કે એ તો એક જાતની ગુલામી જેવું છે અને એવા પ્રકારની અંધશ્રદ્ધાથી ગુલામીમાં જકડાઈ રહેનાર માણસને સ્વતંત્રતાની વાત સંભળાવાનો અધિકાર હોય તેવુ જણાતું નથી જેથી આ બાબત છેડવાની હાલમાં જરૂરત હું જોતો નથી અસ્તુઃ—

          ભાઈશ્રી નારાયણજી જ્ઞાતિ પ્રત્યે કેવી ભાવના છે તે તો હાલમાં અત્યારના જ પ્રસંગ ઉપરથી પણ સાફ સાફ  જણાઈ આવે છે, અહીં મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે પણ વિઘ્ન ઉભુ કરવા માટે એમનાથી બનતું કરી છુટયા છે પરંતુ ફાવી શક્યા નથી.

          સાંભળવા પ્રમાણે આથમણા પાંચાડાવાળા શુદ્ધિવાળા ભાઈઓ અહીંયા મંદિરના હાલના સમારંભમાં ભાગ ન લઈ શકે માટે ખાસ એજન્ટ તરીકે અહીંથી એક ભાઈને ભલામણ કરી પોતે મુંબઈ જતા રહ્યા અને કામ સોંપેલ ભાઈ પોતાની ફરજ બજાવવા આથમણા પાંચાડાના શુધ્ધિવાળા ભાઈઓના અમુક ગામોમાં ફર્યા અને મુરબ્બીશ્રીનો મોકલેલ સંદેશો કહી સંભળાવ્યો અને નખત્રાણા મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રતિષ્ઠાના સમારંભ પ્રસંગે હાજર ન રહેવા ભલામણ કરી. ઉંટના પ્રવાસેથી મુસાફરી કરી પોતાને સોંપેલ કાર્યનું યથેચ્છા પાલન કર્યું.

          તે ભાઈશ્રી હાથીના દાંતની માફકનું દ્રષ્ટાંત પોતાના માટે જ આપે છે એવું તેઓની ચાલચલગત અને વર્તણુક ઉપરથી જણાઈ આવે છે અત્રે તેનો એક દાખલો આપીશ જેના ઉપરથી આપ સર્વે સારી રીતે સમજી શકશો.

          હાલના પ્રસંગને ઉજવવા માટે નખત્રાણા નિવાસી ભાઈઓમાંના અમુક ભાઈઓ વિરાણી નારાયણભાઈ પાસે ગયા અને કહ્યું કે મંદિર નવા પરામાં બાંધ્યુ છે તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કરવાની છે તો તે શુભ પ્રસંગમાં આપ આગળ પડતો ભાગ લઈ દિપાવો એવી અમારી આપ પ્રત્યે ભાવના છે. ત્યારે નારાણજીભાઈએ કહ્યું કે એ કામ મારાથી બની શકે તેમ નથી, તમો રતનશીભાઈ પાસે જાઓ એ કામ એમનું છે અને એ કરી શકશે. હું આગળ પડતો ભાગ લઈ કામ કરીશ તો તમારું કામ સુધરવાને બદલે ઉલ્ટુ બગડશે અને હું તેમની પાછળ રહીને કામ કરીશ એટલે તે ભાઈઓ હું મુંબઈથી વિરાણી અનાયાસે કારણ વસાત્‌ આવેલો હતો તે તકનો લાભ લઈ ભાઈશ્રી નારાયણજી સાથે થયેલી વાતચીતથી મને વાકેફ કરી કહ્યું કે નારાયણભાઈએ તમારા ઉપર ઢોળી દીધુ છે અને તેઓ સાથે અથવા પાછળ રહીને એ ઉત્સવમાં ભાગ લેવાના છે માટે તમો અમારા ગામના મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગમાં આગળ પડતો ભાગ લઈ કામને દિપાવો. ત્યારે મેં આવેલા ભાઈઓને કહ્યું કે હું પરદેશ રહેનાર છું કામ ધંધા પણ ત્યાં રહ્યા અને કદાચ ત્યાંથી વખતસર કારણો વસાત્‌ ન આવી શકાય તો જે કામ  મારા ભરોસે રાખેલ હોય તેમાં તમોને તકલીફ પડે, માટે નારાયણભાઈ હાલમાં કાયમ દેશમાં જ રહે છે જેથી તેમણે આ કામ હાથમાં લીધુ હોત તો વધારે સારૂ ગણાત. પરંતુ તમારા કહેવા પ્રમાણે તે ભાઈ શ્રી આગળ પડતો ભાગ લેતો કાર્ય સુધારવાને બદલે ઉલટુ બગડે. તો પછી સમજવું શું ? પોતે કામમાં આગળ પડતો ભાગ ન લેતાં પરભાર્યું મારુ નામ સુચવી ટકોર કરે છે કે તેમના હાથથી  તમારુ કામ પાર પડશે તે બીના જાણ્યા પછી તમારી ભાવના પણ એ પ્રસંગને મારા હાથથી ઉજવવાની થઈ છે અને ભારપુર્વક જણાવો છો તો પછી મુહુર્ત જોવરાવી પ્રતિષ્ઠાની તિથિ નક્કી કરી તમારામાંથી એકાદ—બે જણ મુંબઈ આવજો અને ત્યાં પુજા તેમજ મૂર્તિ અને મંદિરને લગતું સાહીત્ય વિગેરે જે જોઈશે તે  હું તથા ઘાટકોપરમાં રહેનારા આપણા ભાઈઓમાંથી સાથે રહી લઈ આપશું. અને પ્રતિષ્ઠાની જે  તિથિ નક્કી  થાશે તેની પણ ત્યાં ભાઈઓને જાણ કરશું અને એ ઉત્સવને ઉજવવા માટે વહેલા પહોંચી આવવા બનતું  કરશું.

          કહેવાનો તાત્પર્ય એજ કે આવા જ્ઞાતિ અભ્યુદયના કામમાં પ્રથમથી જ નારાયણભાઈ અલગ રહ્યા એ જાણી મને તેમજ આપ સર્વ ભાઈઓને પણ સહેજે તર્ક ઉદ્‌ભવે કે શું આ કામમાં એક યા બીજા પ્રકારે વિઘ્ન ઉભું કરવા માટે કદાચ આ શુભ સમારંભથી અલગ રહ્યા નહી હોય ! એમના મનની એ જાણે પરંતુ વર્તણુકથી તો જણાયા વગર રહેતું નથી.

          જ્ઞાતિ સાથે ખાવાપીવાનો વહેવાર ન રાખે તેજ ખરો સુધારક અથવા સનાતન ધર્મી કહેવાય. એવો  જે તેઓનો મત છે અને તે પ્રમાણે  નહી વર્તનાર એટલે નાત સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખી જ્ઞાતિ સુધારાના કાર્યમાં ખરા અંતઃકરણ તેમજ લાગણીપૂર્વક તન, મન અને ધનનો ભોગ આપી સાથ આપે તેવા સુધારક ભાઈઓને પીરાણાપંથી—ખાનાઈત વિગેરે વિશેષણોથી નારાયણભાઈ તેમજ તેઓના સ્વભાવને ન ઓળખનારા કેટલાક શુદ્ધિવાળા ભાઈઓ સંબોધે છે. તેવી બાબતોના રૂબરૂ ખુલાસા કરવા માટે આપણો હાલનો સમારંભ પ્રસંગ યોગ્ય હતો, પરંતુ દિલગીર છું કે તેઓમાંના ભાઈઓ તેમજ નારાયણભાઈ કોઈ હાજર નથી. મારા હૃદયમાં એ ભાવના હતી કે નખત્રાણાના મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મિનારાયણની મુર્તીની પ્રતિષ્ઠા પ્રસંગે બધા હાજર રહીશું અને આપણામાં પડેલા મતભેદ તેમજ ખરી ખોટી કેટલીક બાબતોની ચોખવટ કરીશું. પરંતુ થાય શું ! તેઓ જાણીજોઈને હાજર રહ્યા જ નહિ. પરંતુ પરમકૃપાળુ પરમાત્મા ફરી કોઈ વખત એવો મોકો આપે કે જ્યાં મારા હાલના ભાષણના તેમજ બીજી કેટલીએ બાબતોની રૂબરૂમાં ચોખવટ  કરી  શકીએ કે જેથી આપ ભાઈઓને પણ સમજણ પડે કે આટલા દિવસ જેને મહાન સુધારક અને અગ્રેસર તરીકે ઘણી માન જાળવતા હતા તેઓનો મત અને હૃદયની ભાવના હાથીના દાંતના દ્રષ્ટાંત જેવી છે કે નહિં ?

          અગ્રેસર કેવા હોવો જોઈએ ?

          તે સંબંધમાં મારી માન્યતા પ્રમાણે હૈય હોઠે અને સર્વસ્વ કાર્યોમાં જ્ઞાતિ સુધારાની ઝંખના હોય સ્વભાવના સાદા અને સરળ, જ્ઞાતિની પ્રત્યેક વ્યક્તિમાં પ્રેમ ધરાવનાર જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં જરૂર પડ્યે પોતાના આત્માનો ભોગ આપવાની ખરી ભાવનાવાળો, જ્ઞાતિ મ્હારે આધીન નહી પરંતુ હું મારી જ્ઞાતિને આધીન અથવા તો સાચે સાચો સેવક છું એવા  ભાવ જેનામાં હોય તેને જ સાચો અગ્રેસર કહી શકાય. નહી કે ! પ્રપંચ, છળભેદ કે કપટ, જ્ઞાતિનું ગમે તેમ થાઓ પણ હું કહું તેમજ કરો અને તેના ઉપર કોઈને પોતાનો મત આપી સુધારો કરવા દેવાનો અધિકાર પણ નહી. એવો દુરાગ્રહ અને પડદા પાછળ ઉભા રહી દોરી સંચાલન કરવાની પદ્ધતી, મનમાં એક  શબ્દોમાં બીજુ અને કામ કરવામાં ત્રીજુ. એવી કુટીલ નિતી અગ્રેસર વ્યક્તિને જરાપણ શોભે નહી. એમ હું ખાસ માનું છું. જેને અગ્રેસરમાં ખપવું હોય તેમણે મનમાંથી વિખવાદો, પ્રપંચના કાર્યો, નાતની અવનતી થવાના વિચારો અને સાચા ખોટા ખેલ ખેલવાના એ બધા પ્રયાસો જરૂર મુકી દેવા જોઈએ. એમ નહી થાય તો નતો પોતાની ઉન્નતિ થઈ શકશે અને નતો જ્ઞાતિનું શ્રેય સાધી શકશે.  હું મારા દરેક ભાઈઓને પ્રેમપુર્વક પ્રાર્થના કરું છું કે સાચા અગ્રેસર બનો અને સાચા અગ્રેસરને માનો. તેમાં જ આપણ સર્વનું હીત સમાયેલું છે. પોતાના અંગત અને માની લીધેલ મનોવૃતિ ખાતર જ્ઞાતિ કે જ્ઞાતિની કોઈ વ્યક્તિને ધુતકારી, તીરસ્કારી અપમાનો કે દ્વેશથી વિરોધ કરાવે તેવાઓને કેવી રીતે અગ્રેસર કહી શકાય ? આપણે તેમજ આપણા  ભુલેલા ભાઈઓને સાથે રહી સગા ભાઈઓ જેવો સ્નેહ બતાવી પ્રેમ અને વિનયથી સનાતન ધર્મના સંસ્કારો બુદ્ધિ તેમજ શક્તિ પ્રમાણે સમજાવે અને ખરા અંતઃકરણથી જ્ઞાતિ સેવા કરે અને જરૂર સમયે બનતા દરેક પ્રયત્નો કાળજી રાખી કરે એનેજ સાચો અગ્રેસર કહી શકાય. એવા અગ્રેસરો આપણી જ્ઞાતિમાં થાઓ એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.

          ભાઈશ્રી નારાયણજી તથા તેમના મતને મળતા શુદ્ધિવાળા ભાઈઓ સાથે મારે અંગત રાગ દ્વેશ કે વેર  જરાએ નથી. પરંતુ વર્ષો થયાં જે વાતને મેં દબાવી દીધી હતી અને આ પ્રસંગે જ્ઞાતિ ભાઈઓના હીત તેમજ ભલાની ખાતર એ બાબત જાહેર કરવાની આવશ્યકતા જણાતા સભામાં ચર્ચી છે અને તે ઉપરથી મારા વ્હાલા જ્ઞાતિ ભાઈઓ પણ સમજી શક્યા હશે  કે માત્ર મનફેરી  એટલી જ કે જ્ઞાતિ કે જ્ઞાતિ ભાઈઓને હડધુત કરી, દબાવીફોસલાવી અથવા તો પ્રપંચ  કરી તેમના દિલ દુભાવી જ્ઞાતિ સુધારાનું કામ થઈ  શકે નહીં. અને એવા પ્રકારનું વર્તન જ્ઞાતિ ભાઈઓ સાથે ન થાય એવી મારી અંતઃકરણપુર્વકના અભિપ્રાય સાથેની માન્યતા છે. અસ્તુઃ

          સદ્‌ગ્રહસ્થ મિસ્ત્રી જ્ઞાતિના ભાઈઓ જે મહાત્માશ્રી ઓઘવદાસજી ભેગા આપણી જ્ઞાતિની પરીસ્થિતી અનુભવવા તેમજ આપણા જ્ઞાતિ સુધારાના કાર્યમાં અને ધર્મની પ્રવૃતિમાં ભાગ લેવા પધાર્યા છે તે માટે તેઓશ્રીનો અંતઃકરણપુર્વક આભાર માનું છું અને સાથે સાથે મારા હિન્દુ ભાઈઓને પ્રાર્થના કરું છું કે અમારી જ્ઞાતિ કેળવણી અને હિન્દુ ધર્મના સંસ્કારોથી પછાત છે અને સનાતન ધર્મની રીતીથી અજાણ છે, પ્રભુ પ્રત્યે પ્રેમભાવ પુરેપુરો હોવા છતાં પણ અમારા બીન અનુભવે જે કાંઈ ખામી કે ખોટ અથવા ભુલચુક જણાય તો સુધારો વધારો કરવા  સુચવી અમારી જ્ઞાતિના ધાર્મિક તેમજ સામાજીક કાર્યમાં હરહંમેશાં સાથ આપતા રહે અને અમારા હાલના ઉત્સાહીત વાતાવરણમાં વધારો કરતા રહે. એવી મારી આપ ભાઈઓ પ્રત્યે પ્રાર્થના છે.

          તે  સિવાય પધારેલા પુજનીય બ્રહ્મનીષ્ઠ મહાત્માશ્રી ઓઘવદાસજી આજે પોતાના અત્યુતમ જ્ઞાન શક્તિથી કચ્છની ભુમીને પાવન કરી રહેલા છે. એમની બહુ વિદ્યાવિશાળ પ્રવૃતિ હોવા છતાં આપણી જ્ઞાતિ તરફથી ઉપકાર માનું છું અને પ્રાર્થના કરું છું કે પોતાની દિવ્ય વાણીથી અમારામાં રહેલા ધાર્મિક સામાજીક તેમજ વહેવારીક જે કંઈ ખામીઓ હોય તે દરેક પોતાની અનુપમ જ્ઞાન શક્તી તેમજ અનુભવથી સમજાવવા પરમકૃપા કરશે એવી આશા રાખી મારુ બોલવું પુરું કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ મહારાજશ્રી ઓઘવદાસજી ઈશ્વરનગર (વાંઢાય) ગુરૂકુળના અધીષ્ઠાતા એ ઉપદેશ આપતાં જણાવ્યું કે :—

          સજ્જનો, માતાઓ, વ્હાલી બહેનો ! મારી આપ પ્રત્યે સેવા કરવાની ભાવના છે તે શરીરથી તો નહિ પરંતુ વાણીથી સેવા કરીશ.

          આજ મોટામાં મોટો આશીર્વાદ વીર સુધારકોને હોઈ શકે કારણ કે યુવક મંડળોના યુવાનો જ્ઞાતિ સેવા કરવાને તૈયાર ન હોત તો મંદિર તો એક બાજુએ રહે પણ ખાનામાં જાવસા કુટાત. સ્વાર્થી લોકોએ તમોને અર્ધ ખાડામાં નાખી દીધા હતા, પરંતુ જુવાનો સેવા કરવાને તૈયાર છે તેમજ વીસ વીસ વરસથી મહેનત કરે છે તેનું આ ફળ છે જે તમો સર્વે જોઈ શકો છો.

          ગઈકાલની સભામાં પંદર નિયમો બાંધેલા છે તે રતનશીભાઈ આવતી કાલે સભામાં વાંચી સંભળાવશે. એટલું જ નહિં પરંતુ એક એક ઠરાવ ઉપર વિવેચન કરી ખુલાસાવાર સમજાવશે. આજ સનાતન ધર્મનું સંગઠન થયું છે સનાતન ધર્મનો ધ્યેય સંગઠન માટે છે હિન્દુ ધર્મનો ધ્યેય જાણવા માટે ભેગા થયા છો તે જોઈ આનંદ થાય છે.

          માતાઓએ સભામાં સારી જેવી હાજરી આપી છે તે માટે તેઓને ધન્યવાદ છે, પ્રજાને ઉત્પન્ન કરનાર જગત જનની માતાઓ છે, માતાઓ ઉપદેશ સાંભળી તૈયાર થાશે ત્યારે હિન્દુઓનો ઉદ્ધાર થાશે. જગતમાં મહાન પુરૂષો માતાઓના સંસ્કારોથી જ થયા હતા તેઓમાં સનાતન ધર્મના સંસ્કારો રેડી વિદ્યાવાન બનાવ્યા હતા. ભગવાનના મંદિરની સામે તમો બેઠેલાં છો અને મન સાથે પ્રતિજ્ઞા કરો કે અમારા સંતાનમાં હિન્દુ સનાતન ધર્મના બીજ રોપીશું. અને તે મહાન પુરૂષ થાય એવી ભાવનાથી પ્રભુને પ્રાર્થના કરજો. જ્યાં જોઈએ ત્યાં માતાઓનું નામ પ્રથમ આવે છે રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણએ ભગવાનના નામો સામે માતાઓના નામ પહેલાં આવે છે. જેથી તમોને જગત જનની કહી વર્ણન કરે છે. તમારા જેવા અંકુરો હશે તેવા  પુત્રમાં થાશે. તમારાં બચ્ચાને  શિવાજી, રાણાપ્રતાપ આદી  જેવા શુરવીર નિતીમય બનાવવા માટે માસિક (રજસ્વલા) ધર્મ ઓછામાં ઓછા ત્રણ દિવસ તો જરૂર પાળજો. તે પ્રમાણે નહિ પાળનારના સંતાન કૃતઘ્ની (કર્તવ્યહીન) થાય છે. રજસ્વલા સમયે તમો વાડીમાં કામ કરી શકશો ઘરની અંદરનું કામકાજ નહિ કરી શકાય.

          બીજી એક વાતની માતાઓને ચેતવણી આપું છું કે તમે તમારી પુત્રીને જાડીવાણીમાં કેટલીક બાબતમાં બેસ “રાંડ” એવું કહો છો. અરરર ! માતા દીકરીને રાંડ થવાનો આશીર્વાદ આપે એ બહુજ નિંદવા યુક્ત વાણી છે. હું ધારૂ છું કે તમારામાં દીકરીને એવી ગાળ આપવામાં માતાઓ ટેવાઈ ગયેલી હશે ભલે ગમે તેમ હોય પણ એવી ટેવને મુકી દેજો. દીકરી કે દીકરાએ ગુનો કર્યો હોય તો તેમને મીઠો ઠપકો આપવો, પરંતુ શ્રાપ આપવા જેવા સ્વરૂપમાં કહેશો નહિ.

          મને અનુભવ છે કે તમારામાંના પીરાણા પંથને માનનારા કેટલાક ભાઈઓ સવારમાં ઉઠીને કે રાત્રે સુતી વખતે અલ્લા કહે છે. તે નામ પણ ઈશ્વરનું છે પરંતુ આપણને તે શોભે નહિ, બાપનું નામ હોય તેજ બોલવું જોઈએ. તમો રામ, કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, પરમેશ્વર, ઈશ્વર, વિગેરે અનેક નામો ભગવાનનાં છે તે માંહેના નામ લેજો મુસલમાન, હીન્દુના દેવસ્થાને નાળીયેર લઈને આવતા નથી તેમ તમો પણ મુસલમાની  પંથને મુકી દેજો.

          પ્રસન્નતાની વાત કહું છુ કે રતનશીભાઈ, રાજારામભાઈ તેમજ કરાંચીથી આવેલ શીવજીભાઈએ જે શ્રમ લીધો છે  તેથી મને પણ થાય  છે કે જરૂરથી એ કામ પાર પડશે તેમજ એને એક કામ બહુજ સારૂ કર્યું છે દાખલા તરીકે બ્રાહ્મણોમાં પાલીવાળ, ઝંખરાંવાડ (હસાહસ) વિગેરે નાતોમાં ચોકો વાળી આપસમાં ખાવું પીવું નહિ તેવું છે તે પ્રમાણે રતનશીભાઈએ પણ  દશ વરસ સુધી અને શીવજીભાઈએ પણ કેટલાંક વરસો સુધી ચોકો વાળ્યો હતો. જેથી જ્ઞાતિભાઈઓનું કહેવાનું થયું કે તમો કહેશો તે પ્રમાણે કરશું પણ અમારી સાથે ખાશોપીશો નહિ તો તમે તમારે રસ્તે અને અમે અમારે  રસ્તે. ભાઈઓનું કહેવું સાચું છે એમ માની ચોકો માંડી વાળ્યો.

          ભાઈઓ ! જ્ઞાતિની સાથે સંગઠન કરો ત્યારે જ તમારું પ્રાયશ્ચિત થયું કહેવાય તમારી જ્ઞાતિનો આહાર સાત્ત્વિક છે અને ખરી કમાણીનો છે જેથી તમારી જ્ઞાતિનો રોટલો ખાતાં મને ઠીક લાગે છે. મુંબઈ દોઢ મહીનો હતો ત્યાં પેટ દુખતું અને  અહીંયા આવ્યા તો બધુ મટી ગયું. જ્ઞાતિ સાથે ખાવાની ના પાડનાર માણસ નથી એવી મારી માન્યતા છે. મહાત્માજી તેમજ પંડીત નહેરૂના ઉપદેશથી હિન્દુઓમાં ખાવાપીવાનો અંતરાય હતો તે મીટાવ્યો બલ્કે મટી રહ્યો છે.

          બ્રાહ્મણ  કે સાધુઓએ ગુરૂ બોધ આપી કંઠી  બાંધી વાડા કરી દ્વેશભાવ ઉત્પન્ન થાય એવા પ્રકારનું વાતાવરણ ફેલાવવું ન જોઈએ.  એવાં ઝેરીલા વાતાવરણમાં તમારી જ્ઞાતિ  ન સંડોવાય એમ હું ઈચ્છું  છું અને હિન્દુ સનાતન ધર્મ જ્ઞાતિથી નહી અભડાઓ ત્યારે જ વધશે.

          જે ગામમાં મંદિર નથી તે ગામમાં મંદિર સ્થાપવાના છે ખાના છે તેને ઘડીભર મંદિર માની લઈએ તો પણ તમે સિંહ છો અને બકરીનાં બચ્ચા જેવા બની ગયા છો તે મટી ખરા સિંહના સ્વરૂપમાં આવી જાઓ. એટલે ખાના છે ત્યાં મંદિર બની જશે. બ્રહ્માના પાટ તેમજ જોત (જ્યોત) ને માનવાનો દાવો કરો છો, તે બધાંએ માને  છે. પરંતુ તમારી બોલી ચાલીથી તો ખાનાને બદલે તમો જગ્યા કહો છો એટલે ખાનું મટી જગ્યા બની તેમ જગ્યા મટાડી મંદિર કહો અને તે પ્રમાણે આચરણ કરો. ખાનામાં મુસલમાની પ્રયોગ સમાયેલો છે મુસલમાનીને બદલે હિંન્દુઓના ચિન્હો ધારણ કરો. જગ્યામાં બ્રહ્માની ગાદી છે ત્યાં શિખર કે દેરી થાય તેમાં નુકશાન શું છે ? નુકશાન કે હાની નથી તો મંદિર કરવું જ જોઈએ, મંદિર હોય ત્યાં દરેક કોમ આવી શકે છે ત્યાં રાંધેલા પ્રસાદને બદલે કોરી પ્રસાદી લઈ જવાય તેમ તેના અંગે આચરણ હિન્દુઓના જેવા શુદ્ધ હોવા જોઈએ, કરોડો હિન્દુઓ જે તિથીઓ માને છે તે માનવી અને શુક્રવાર કે શુક્રવારી બીજને પાળવી નહીં.

          સબરીએ ભગવાનની સેવા કરી હતી તમો પણ ભગવાનની સેવા પુજા કરી શકો છો તમો સંસ્કારી થઈ સેવા પુજાના કર્મકાંડ જાણ્યા પછી મંદિરમાં ભગવાનની પુજા કરી શકશો. ભગવાન કોઈની પાસે વેચાતા નથી તેમ ભગવાનને કોઈ  વેંચી શકે નહી. ભગવાનને શ્રદ્ધાથી ભજે તેના ભગવાન છે. માટે  તમો પણ ભગવાનની પુજા કરી  શકો છો. તે પ્રમાણે કરવા પુરતા જીજ્ઞાસુ તેમજ અધિકારી બનજો, તમારું ભલું કરે તેવા સાધુસંતને માનજો અને તેને તમારા પ્રાણ આપજો.

          બહેનો ! તમારા હાથથી જીણું જીણું દાન હંમેશાં થયા કરે છે તે તમો પાત્ર ઓળખીને આપજો, કુપાત્રે દાન આપવાથી નુકશાન થાય છે. પુણ્યને બદલે પાપ થાય છે. તમારી પાસેથી ખાવાનું લઈને કુપાત્ર હોય  તે જંગલમાં જઈ શિકાર કરે તેવાઓને આપતા નહિ. દીકરો  કે દીકરી ખાવાનો પદાર્થ માગે તો આપતાં અચકાઓ છો અને હરામખાઉ કે જેનું મોઢું જોવાનું ધરમ નથી તેવાઓને આપવા વખતે કાંઈ પણ વિચાર કરતાં નથી અથવા વગર સમજણે આપી દ્યો છો.

          ભાઈઓ ! બળદ તેમજ ગાય માતાને પાળજો કારણ કે ગાય માતાના દુધથી મનુષ્ય માત્રનું પોષણ થાય છે અને તેનાથી જ ધોરી કહેતાં બળદ પેદા થાય છે જે આપણને ખેતી ઉપયોગી છે ખેતીનો મુખ્ય આધાર બળદ ઉપર છે, બળદ ન હોય તો આપણાથી ખેતી થઈ શકે નહિ, ગાય, બળદ અને મનુષ્યોનું જીવન  દુનિયાની જરૂરીયાતોમાં એકબીજા પ્રત્યે  ઓતપ્રોત સંકળાએલું છે એટલે કે ખેતી માટે અને દુધ માટે ગાય—બળદની મનુષ્યમાત્રને જરૂરત છે પરંતુ મારો કહેવાનો આશય એ છે કે ખેડુતો એ બળદને યુવાનીમાં ખેડીને વૃદ્ધ કહેતાં ઘરડો થાય અને કામ આપી શકે નહિ ત્યારે તેના ઉપરથી માયા ન ઉતારતાં વાડીમાંજ તમારી પાસે રાખી નિયમીત ખોરાક આપી પાણી પાવું કે જેથી તેમનો આત્મા આપણને આશીર્વાદ આપે. બિચારો મુંગો પ્રાણી ગમે તેટલો થાકી ગયો હોય તો પણ કહી  શકતો નથી અને થાક ચડેલો હોય તેવી હાલતમાં પણ તેને ખેડીએ છીએ. એવી સખત મજુરી આપનાર બળદ ઘરડો થાય ઝુંસરીમાં ચાલી શકે નહિ ત્યારે તેને બાપ સમાન ગણી ચાકરી કરવી. યાદ રાખજો કે ખેડુત નીર્દય થઈ મુંગા પ્રાણી કે જેની સાથે ગમે તેવા ટાઈમમાં કામ લઈએ છીએ અથવા લીધેલું હોય તેવા બળદને દુઃખ આપશે તેનો નાશ વહેલો થાશે અને તેવા દુઃખી પ્રાણીની આંતરડી કકળે છે ત્યાં આપણને પાપ લાગે છે અને એ પાપનું ફળ વિનાશના રૂપમાં પ્રત્યક્ષ વા પરોક્ષ રીતે ભોગવવું પડે  છે. નીચ, સ્વાર્થી, દગાખોર તેમજ હરામખાઉને આપી પાપ વહોરી લેવા કરતાં બળદ તેમજ ગાયનું યથાર્થ પાલન કરજો.

          તમે એ ધર્માદાની જે રકમ આજ સુધી પીરાણે મોકલી છે તે તમારી જ્ઞાતિમાં સુમાર્ગે વાપરી હોત તો પ્રમુખ સાહેબે સુચના કરી તે પ્રમાણે સ્કુલો, દવાખાનાઓ ધર્મશાળાઓ વિગેરે જરૂરીયાતો સારી હાલતમાં બનાવી નિભાવ થઈ શકત તેમજ આજ થોડી ઘણી દરિદ્રતા જોવામાં આવે છે તે પણ ન રહેત. બાપદાદા કરી ગયા તેમ આપણને કરવું એવી નબળાઈ નહિ બતાવતાં હવેથી તમારા ધર્માદાના નાણાં કચ્છમાંજ જ્ઞાતિ ઉપયોગી કામમાં વાપરજો.

          તમારી જ્ઞાતિમાં ચાલુ જમાનાને અનુસરીને સુધારાને નામે કેટલીક બાબતોમાં કુધારો ઘુસી ગયો છે તેથી પણ મારે તમોને ચેતાવવાની ફરજ સમજી એ બદી દુર કરવાનું કહીશ.

          તમારા બાપદાદા જાડા કપડાં પહેરતા હતા, બીડી કે ચા જેવી વસ્તુથી અળગા રહેતા હતા બલ્કે તેની કાંઈ જરૂરત પણ જણાતી નહોતી. અને તેવી વર્તણુક કરનારે વખોડી કાઢતા અને નાતના ઠરાવ પ્રમાણે સજા પણ કરતા અને તે સમયે જીંદગીની જરૂરીયાતો બહુજ ઓછી હતી.

          આજ તો ઘરેઘર ચા દેવી દેખાય છે, હોમ હવનને ઠેકાણે જ્યાં જુઓ ત્યાં બીડીઓના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડે છે બીચારા ખેડુતોને પણ એ રોગ લાગુ પડી ગયો છે તે જોઈ મને બહુ દુઃખ થાય છે. સજ્જનો ! ચા અને બીડી પીવાથી શરીરને નુકશાન પહોંચે છે અને સાથે સાથે પૈસાની પણ બરબાદી થાય છે. એવું બાપદાદા કરતા નહોતા. તમોએ સુધારાને નામે કુધારો ઘાલીને બાપદાદામાં એવા ઉત્તમ ગુણો હતા તેને છોડીને પાયમાલીને રસ્તે જઈ રહ્યા છો તેનો દરેક ભાઈ ખ્યાલ  કરીને એ નાશવંત આ અને બીડી નહિ પીવાનો નિશ્ચય કરી પ્રતિજ્ઞાઓ કરો.

          તે સિવાય તમારા બાપદાદા ખાદીના જાડા લુગડાં પહેરતા હતા અને હજી પણ તમારી નાતમાં જાડાં લુગડાં પહેરવાનો  રીવાજ છે તે જોઈ હું ખુશી થાઉ છું. જીણાં લુગડાં પહેરવાની પ્રથા પણ તમારામાં દાખલ થઈ ગયેલી જોવામાં આવે છે. તેવાં જીણાં લુગડાં પરદેશ ફરે છે તેઓમાં વધારે પહેરાય  છે તેને દેખીને દેશમાં જેઓ ખેતી કરે છે તેઓને જેમ ચા અને બીડીનો ચેપી રોગ લાગુ પડ્યો છે તેવીજ રીતે કૃત્રિમ ચમક અને ભભકાદાર જીણાં લુગડાનો મોહરૂપી ચેપી રોગ લાગુ પડયો છે. ખોટો ચળકાટ કેટલીવાર ટકે ? એક વખત ધોયું એટલે લુગડાનો તેમજ સાથે સાથે પહેરનાર એમ બન્નેનું ચમક અને તેજ ઉડી જાય છે. તમો વાડીમાં સખ્ત મજુરી કરવાવાળાને તેવાં જીણાં અને બનાવટી ચમકદાર લુગડાં પહેરવાં પોષાય નહિ. તેમજ પરદેશ વીચરતા ભાઈઓને પણ મર્યાદાની દ્રષ્ટીએ જીણાં બદલે જાડા લુગડાં પહેરવા જોઈએ. જીણાં લુગડાંથી મર્યાદા સચવાતી નથી જો કે એટલી હદ સુધીના જીણાં લુગડાં તમારામાં નહી પહેરાતાં હોય પણ આસ્તે આસ્તે તેવું પણ અનુકરણ ન થઈ જાય તે માટે કાળજી રાખજો અને બનતાં સુધી ખાદીનાં જ  જાડા કપડાં પહેરજો તેમાંજ આપણું સૌનું ભલુ  તેમજ હીત સમાયેલું છે.

          બાપે ખારા કુવાનું પાણી પીધુ હોય તો દીકરાએ પણ ખારૂ પાણી પીવુ એવું કોઈએ સમજવાનું નથી. અનુકુળ સુધારો કરવામાં હરકત નથી પરંતુ સુધારાને નામે કુધારો પેસી ન જાય એ માટે વર્તમાન સમયમાં બહુજ  સાવચેતી રાખવાની જરૂરત છે.

          તમે પરદેશ ફર્યા પૈસા કમાણા બાપદાદાની અભણતા તેમજ અજ્ઞાનતાથી થયેલ કરજ(દેવુ)થી મુક્ત થયા અને કેટલેક ઠેકાણે વેપારી વર્ગ તમારી અજ્ઞાનતા તેમજ ભોલપણનો લાભ લઈ તાગડધીન્ના કરતા હતા તેવાઓને પરદેશના ઝાડ જોવાં પડ્યાં છે. પરદેશમાં કેળવાયેલી બીજી જ્ઞાતિઓના સંસર્ગથી તમોને પોતાના ખરા સ્વરૂપનું ભાન થયું. વિદ્યા ભણ્યા,, કાંઈક અનુભવ્યુ જેથી તમારામાં જાગૃતિ આવી કષ્ટ સહન તો કરવાં પડ્યાં હશે પણ તેથી બહુ લાભ થયો છે.

          પોતાના બાળકોને ભણાવવાં—કેળવણી આપવી જોઈએ મહીનાની કોરી કે સવાકોરી ફી વધારે કહેવાય નહીં. કોરી બે કોરી તો કોઈ લુચ્ચાઓ તમારી પાસેથી દોરા ધાગા કરી ઠગી જાય છે તેવાઓથી ભોળવાઈ ન જતાં તમે બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં દ્રવ્યનો સદ્‌પયોગ કરજો. પાંત્રીસ કરોડ ઉપર થોડાક લાખ માનવીઓ રાજ્ય કરે છે તે કેળવાયેલા છે ત્યારેજ. માટે કેળવણીથી વંચિત કોઈ પણ ભાઈ પોતાના બાળકો રાખે નહિં. આવી મારી તમારા પ્રત્યે ખાસ ભલામણ છે.

          લગ્નમાં સનાતન ધર્મ પ્રમાણે ચોરી ફેરાની પ્રથા દાખલ થઈ છે તે બહુ જ ઉત્તમ છે અને બ્રાહ્મણો ને  તેવા પ્રસંગે અમુક જ આપવું, વધારે પડતી રકમ આપવી નહિ તેવો નિયમ જાળવી રાખવો એ પણ ઠીક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે દેખાદેખી લગ્નમાં વધારે ખર્ચ કરવું  નહિ. ખરચાળુ વિવાહ કરવો ઠીક નથી. તેમ તમારાથી હદ પણ બાંધી શકાય તેમ છે કારણ કે તમારી નાતમાં ખાવાપીવાનો ચેરો નથી તેથી જેમ ધારો તેમ કરી શકો છો. દેખાદેખી વધારે ખર્ચ કરવાથી આર્થીક સ્થિતી સારી રહેશે નહિં માટે જીંદગીની જરૂરીયાતો ઓછી કરજો. તેમ નહિ વર્તો તો યાદ રાખજો કે જમાનો એવો બારીક છે કે બેહાલ થઈ જાશે.

          મરણ સમયે દાટવાને બદલે અગ્નિસંસ્કાર કરવાનો રીવાજ ચાલુ કર્યો છે તે પ્રશંસનીય છે. પરંતુ તેવા વખતે લાકડાં ન મળવાથી તમારા માંહેના કેટલાક ભાઈઓ શંકા ધરાવે છે. તે બાબતમાં તમોને સુચના કરૂં છું કે લાકડા મળી શકશે તે વિષે તમારે  જરાએ ચિંતા કરવી નહિ. તમારે ગામેગામ લાકડાનો જથ્થો રાખવો અને એ સંગ્રહ કરેલં લાકડાં તમોને સમયસર કામ આવે અને રખડપટી કરવી મટી જાય. તમારી નાતમાં સંપ અને સંગઠન છે તેથી તમે ધારો તે કરી શકો તેમ છે.

          રતનશીભાઈએ કહ્યું કે કાકા એજન્ટ છે તે થકી પીરાણા પંથનો નિભાવ થઈ શકે છે તે વાત ખરી છે. પરંતુ કાકાએ પણ તમારી નાતમાં ધાર્મિક દ્રષ્ટિએ મુખીઓને હેડ કલાર્ક નીમ્યા છે જે મોઢુ બાંધીને ખાનામાં અર્ધી રાત્રિએ પુજા કરે છે તે તથા ગામના કેટલાક મોઢે ચડેલા આગેવાનનોને કાકા સાહેબ આવે ત્યારે ખીસામાં રૂપીયા કે કોરીઓ નાખે અને તેઓના ભેગુ ઠેકઠેકાણે સારુ સારુ ખાવાનું મળે એટલે કાકાના થઈ જાય અને ગામમાંથી ધરમના નામે હજારો કોરીઓ વ્યવસ્થિત રીતે ઉગરાવવામાં આવે પછી ભલે ગરીબ હોય કે તવંગર હોય પણ બધાઓને એક લાકડીએ ઉઠ બેસ કરાવે, બીચારાના ઘરમાં ન હોય તો કોઈને ત્યાંથી લઈને પણ આપવી પડે. તેવા મુખી અને પટેલોને કહું છું કે જ્ઞાતિ ભાઈઓ પાસેથી ધરમના નામે ધતીંગ ચલાવી હજારો બલ્કે લાખો કોરીઓ ઉઘરાવીને નીચોવી નાખવાની નીચ પ્રથા પોતાના પાપી પેટ ભરવા ખાતર પોષી રહ્યા છો એજ તમોને વિનાશના માર્ગે દોરી જવાનું કૃત્ય છે એવું જ્ઞાતિ દ્રોહી કૃત્ય ન કરતાં પેટ ભરાતાં ન હોય તો એવા પેટને ફોડી નાખવાં કે જેથી એવા જુલ્મી કરવેરામાંથી જ્ઞાતિ જલ્દી મુક્ત થાય.

          રતનશીભાઈ કહેવા પ્રમાણે લગભગ ત્રીજો ભાગ તો પીરાણા પંથમાંથી મુક્ત થયો છે અને સુધારકોની વ્યવસ્થિત કાર્યવાહીથી બાકી રહેલાઓ પણ મુક્ત થઈ જશે એવું અત્યારના વાતાવરણ ઉપરથી જણાઈ આવે છે. હું કહીશ કે સુધારકો એટલે વહેલા સમજ્યા છે અને નાતની આપખુદી સત્તાને તોડવામાં કટીબદ્ધ થયા તે એકલાજ નહી પણ હાલમાં પીરાણા પંથને જેઓ નથી માનતા તેમજ પીરાણાના લાગાલગમ આપતા નથી તેમજ સુધારા તરફ માનની નજરથી જુએ છે અને મંદિરોના ઉત્સવમાં ભાગ લે છે તે બધાએ સુધારકો છે અને એવા સુધારક ભાઈઓ તો ત્રીજા ભાગ કરતાં પણ વિશેષ છે. તે બધાએ ખંતથી સુધારવાનું કામ ઉપાડી લેતો  હું ધારૂં છું કે પીરાણાપંથ તમારી જ્ઞાતિમાંથી નજીકના જ ભવિષ્યમાં દુર થઈ જાય.

          રતનશીભાઈ કે રાજારામભાઈ વિગેરે કે જેઓ સુધારકોમાં પ્રખર નેતા છે તેઓનું માન જાળવવાની તમો પોતાની ફરજ સમજતા હશો. પરંતુ સુધારકો તો પોતાની ફરજ સમજી જ્ઞાતિ સેવાનું કામ કરતા જાય છે તેઓ તો જ્ઞાતિના સેવક છે આનંદના ઉદ્‌ગારો તો આપણે ભોગવીએ છીએ. તેઓએ તો નાત આગળ નમવું જોઈએ, નમે છે. અને આપ સર્વે વડીલો તેમજ યુવાનોએ તેઓને જ્ઞાતિ સુધારાના કામમાં પુરતો સાથે  આપવો જોઈએ. તમારા પ્રાણ એ કામને માટે હોવા જોઈએ એથી વિશેષ સેવા બીજી કોઈ પણ હોઈ શકે નહિ.

          મેં મિસ્ત્રી જ્ઞાતિના ભાઈઓને સાથે આવવા કહ્યું હતું જેથી તેઓ તમારી નાતનું કેટલીક બાબતોનું નિરક્ષણ કરવા આવ્યા છે અને હાલના વાતાવરણ ઉપરથી તેઓ પણ સમજી શક્યા હશે કે મુમનાનું આવરણ આ જ્ઞાતિ ઉપરે કહેવાય છે. એવી આ જ્ઞાતિ નથી એમ માનશે અને બીજી જગ્યાએ બોલશે.

          મારે કરાંચી જાવું છે ત્યાં શીવજીભાઈના ઉદ્‌ગારો સાંભળવા છે તેમજ કચ્છની અંદર પણ ગામે ગામ ફરી બોધ કરવો છે. કોઈક ગામમાં કદાચ ઉતારો નહી આપે તો ચોટા(ચોક)માં ઉતારો કરીને પણ ઉપદેશ આપીશ તમારી જ્ઞાતિના વેલાણી સાંખના મ્હારા ગુરૂ હતા. વાંઢાયદ્વારાને દિપાવ્યા હોય તો તમારી જ્ઞાતિમાં જન્મેલા એ મહાપુરૂષે જ.

          ભાષણો થાય ઠીક લાગે ત્યારે તાળીઓ વગાડીએ અને પાળતા હશું તો પાળશું. રતનસીભાઈ વિગેરે ભાઈઓ વિદાય થાય અને પાળવાનું મુકી દયો એવું કરતા નહી. પરંતુ જે ધારાધોરણ કે ઠરાવો ઘડાય તે તમારે પાળવાની ફરજ છે અને તે પ્રમાણે વરતશો ત્યારે જ સેંકડો રૂપીયા ખર્ચી પરદેશથી આવેલા ભાઈઓ અને હજારો કોરીઓ ખર્ચી બંધાવેલ મંદિર તેમજ અત્યારે ભેગા થયા છો તે નિમિત્તે થયેલુ ખર્ચ વસુલ ત્યારે જ થયું ગણાશે. માટે હું તમોને વિનંતીપુર્વક કહું છું કે હાલની પ્રવૃત્તીને અંગે જે કાંઈ સુધારા વધારા સાથે ઠરાવો પાસ થાય તે પ્રમાણે વર્તજો કે જેથી તમારી નાતની પાછળ પીરાણા પંથરૂપી પુછડું લટકેલું છે તે નીકળી જાય.

          બ્રહ્મચારીને વિદ્યા ભણાવવી એ વૈદિક સનાતન ધર્મનો સિધ્ધાંત છે પણ ગામડાની નિશાળોમાં ગોંધી રાખી અપાય છે તે પ્રમાણેની વિદ્યા ન હોઈ શકે. પણ તમારા માટે વાંઢાય ગુરૂકુળ તૈયાર છે. ધાર્મિક—સંસ્કૃત ભણાવાય છે તેમજ વર્તમાન સમય અનુસાર મેટ્રીક સુધી પણ ભણાવવામાં આવશે. તમારી જ્ઞાતિના બે છોકરા ગુરૂકુળમાં ભણે છે બે મહીના થવા આવ્યા છે વેદના મંત્રો શુદ્ધ ઉચ્ચારથી બોલે છે, મારી ભુલ થઈ કે તેમને અહીં લાવ્યો નહી. પવિત્ર વેદિ પર બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી હવન કરી રહેલા છે તે પ્રમાણે એ વિદ્યાર્થીઓ પણ શુદ્ધ ઉચ્ચારથી વેદ મંત્રો બોલી શકે છે જે સાંભળી તમોને પણ માનની લાગણી પેદા થાય.

          ખેડુત ભાઈઓને કહું છું કે એક વિખેડો ગુરૂકુળના નામનો વાવજો. તમારૂ ઉગી નીકળે. ધારો તો તમો એક કલાકમાં એવી સંસ્થા ઉભી કરી શકો તેમ છે. તમારામાં સંગઠન થાશે અને તેમ બની શકશે. છેલ્લાં દશ વરસથી તમારી જ્ઞાતિ ખુબ જાગૃતીમાં આવી છે કાળી ટીલી કાઢી નાખજો અને સનાતન ધર્મી બનજો. મુસલમાનોમાં સંગઠન છે તેમ સાવધાન પણ છે. તેવીજ રીતે આપણે પણ આપણા હિન્દુ સનાતન ધર્મમાં સાવધાન રહેવું. પોતામાં સંગઠન કરી હિન્દુ સનાતન ધર્મનું અભિમાન જરૂરથી રાખજો. મારું ભાષણ પુરું કરીશ અને હવેથી બીજા ભાઈઓ આપને કહી સમજાવશે.

          ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ મહારાજશ્રી અચલદાસજી બોલ્યા કે :—

          મહારાજશ્રી આજે સાંજના તેમજ અત્યારે જુદી જુદી દિશાએ પોતે બોલી ગયા છે મારા વિચારો ટુંક સમયમાં કહેવા છે.

          જન્મથી મનુષ્ય શ્રેષ્ઠ માની  શકાતો નથી, માનવ જન્મના વિકાસ માટે એક વસ્તુની જરૂરત છે, દરેક મનુષ્ય વહેવાર કરે છે તેને પ્રકાશની જરૂરત છે અને તે પ્રકાશ સુર્યથી થાય છે.

          આપણને પ્રકાશની જરૂર છે સનાતન ધર્મ મહાન પ્રકાશ છે તેનો  વિકાસ કરવાથી ઈશ્વરને પહોંચી શકાય છે, પરંતુ સનાતન ધર્મનું રહસ્ય વિદ્યાથી સમજી  શકાય છે, મહાત્મા મહાનુભાવી પણ વિદ્યાર્થી થઈ શક્યા છે.

          કડવા પાટીદારો કહે છે કે ભુલ થઈ છે. તે પણ વિદ્યાના અભાવે જ. લુચ્ચા સ્વાર્થીઓએ તમોને ફસાવ્યા છે. તમારા ભાવિનો ઉદય થયો અને મનુષ્ય જાગૃત થયા. તેમજ સનાતન ધર્મના પાયારૂપ શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર થયું તેથી તમારી જ્ઞાતિમાં સનાતમ ધર્મનો ઉદય થયો.

          મતભેદના પરીણામે સફળતા મળી શકે નહિ, કલાકોના કલાકો સુધી મહાપુરુષો ઉપદેશ આપી રહ્યા છે તે પ્રમાણે ધર્મના આચરણ કરવા જીજ્ઞાસુ બનો. ધર્મનું આચરણ કરે છે તે મનુષ્ય શ્રેષ્ઠ થઈ શકે છે, કુંભકરણની નિદ્રામાં, ક્યાં સુધી ઉંઘશો ! હવે આપણને જાગૃત થવાની જરૂરત છે. જગત વિકાસના માર્ગે જઈ રહ્યું છે માટે મહાપુરૂષોના વિચારોમાં વિશ્વાસ રાખો, મતભેદ દુર કરો, જ્ઞાતિમાં પ્રેમ રાખો કે જેથી ઇંદ્રના જેવું સ્વર્ગ બનાવી શકશો. સર્વ પ્રાણી માત્રમાં એકજ પરમાત્મા છે પરંતુ પ્રકૃતી અનુસાર ગુણદોષો જુદા જુદા હોય છે. આપણે તો એજ માર્ગ લેવાનો છે કે મહાપુરૂષોએ સનાતન ધર્મના દાખલા કહ્યા છે તે પ્રમાણે ગ્રહણ કરવાનો.

          ગુરૂકુળમાં અંધશાળા પણ ખોલાવી છે અંધભાઈઓને માટે મફત ભણાવાય છે. મહારાજશ્રીનો પ્રેમ વિદ્યાર્થીઓ ઉપર અનહદ છે મહારાજશ્રીનું આગમન થાય કે વિદ્યાર્થીઓ મહારાજશ્રીનો ઉચ્ચાર કરે છે. ત્યાં મહારાજશ્રી વાત્સલ્યભાવ યુક્ત વિદ્યાર્થીઓને સંબોધન કરી ગોદમાં લે છે. માટે સનાતન ધર્માવલંબીઓ ! આળસ તજો કટીબદ્ધ થાઓ સત્ય તેમજ સાચી વસ્તુ ગ્રહણ કરવામાં લેશમાત્ર પણ વિલંબ ન કરો ૐ શાંતિ :

          ત્યારબાદ સારસ્વત કુળભુષણ પ્રેમજી મહારાજ આસંબીઆવાળાએ પોતાની જ્ઞાન શક્તિથી પ્રવચન શરૂ કરતાં જણાવ્યું કે :—

          ત્રિવેણી સંગમ રૂપે ત્રણ પાંચાડા ભેગા થયા છે, ગંગા યમુના સરસ્વતી, નખત્રાણામાં ભેગી મળી છે તેમાં અતિશયોક્તિ નથી. ગંગા લ્હેરીના પવિત્ર ઝરણાં વહી રહ્યાં છે, તે લક્ષ્મીનારાયણ  ભગવાનના મંદિરમાં  વહન કરી રહી છે.

          ત્રિવેણી ગંગામાં સ્નાન કરવા આવ્યા છીએ  પણ હાથીની પેઠે નાહવા નથી આવ્યા પરંતુ ત્રણ પાંચાડા રૂપી ત્રિવેણી ગંગામાં વચનામૃત રૂપી ઝરણાં વહે છે તેમાં શુદ્ધ તેમજ નિર્મળ અંતઃકરણરૂપી સ્નાન કરી પવિત્ર થવા માટે આવ્યા છીએ.

          યજ્ઞ, ભુમી, પ્રતિષ્ઠા, ત્રિવેણીગંગા, લક્ષ્મીનારાયણ અને મહાપુરૂષો  એવી રીતે  છ ગંગા ભેગી થઈ છે તેમાં પવિત્ર થવું છે. ધન્ય છે આજની ઘડી કે જ્યાં આવો અલૌકીક અવસર પ્રાપ્ત થયો છે, કે જેનો ખરો લાભ લેવા ચુકશો નહિ અને થયેલી ભુલનો પશ્ચાતાપ કરવાનો શુભ અવસર છે.

          તમોએ ધર્મના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચયા પણ કુપાત્રે દાન દેવાયું જે તમારા ભલાને માટે કાંઈજ  ઉપયોગમાં આવ્યું નહીં.    યજ્ઞમાં જ્વ તલ ઘૃત આદી પદાર્થોનો હોમ કરવા પુરતું જ નથી પણ યજ્ઞનો ઉદ્દેશ પ્રાણી માત્રના ભલા માટે છે.

          ગઈ કાલે ઠરાવો વાંચી સંભળાવ્યા હતા તે ઠરાવનો અર્થ હાથીના દાંત ચાવવાના એક અને બતાવવાના બીજા એવો થવો જોઈએ  નહિ. તમોએ તે ઠરાવ પાળવાનું કબુલ કરેલું છે અને આજ ત્રણે પાંચાડામાંથી આવેલા સનાતન ધર્મી ભાઈઓને આવતી કાલની  સભામાં પુરતા વિવેચન સાથે વાંચી સંભળાવવામાં આવશે. પરંતુ તેની  યાદગીરી એવી રહેશે કે નખત્રાણાના પુર્વનિવાસ નામે નવાવાસમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે ત્રણ પાંચાડારૂપે ત્રિવેણીગંગાનો મેળાપ થયો ત્યારે ઠરાવો પાસ કર્યા હતા. જેથી ભગવાન પણ લક્ષ્મીને કહેશે કે મારા ભગતો કુર્મી ક્ષત્રિય છે તેને ઘરે વાસ કરો.

          તમો એ ભગવાનના મંદિરમાં ઠરાવો ઘડયા, પાસ કર્યા, જેથી ભગવાનના હુકમથી લક્ષ્મીજીએ તમારે ઘરે વાસ કર્યો  પણ એક દૃષ્ટાંત આપું તે પ્રમાણે કરતા નહિ. “એક બાઈ એકલી જ કોઈ એક ગામથી બીજે ગામ જતી  હતી તેને રસ્તામાં ચોર મળ્યા તે સમયે તે બાઈએ પીરની માનતા માની કે હે પીરબાવા તમો મને આ ચોરથી બચાવો તો હું તમારી અમુક માનતા ઉતારીશ, સારા નસીબે ચોર ભાગી ગયા પછી બાઈ પીર પાસે આવીને કહેવા લાગી કે તમે ક્યાં માનતાના ભુખ્યા છો હું તો અમસ્થી ખાલી ખાલી કહેતી હતી.” તે પ્રમાણે કદાચ તમે પણ ભગવાન પાસે ખાલી ખાલી કહેતા નહીં. માટે જે કરો તે મન મજબુત રાખીને કરજો. કે જેથી ભગવાનને ફોસલાવા જેવું ન થાય.

          તમારી ભુલ સાધારણ છે પણ પરિણામ ઘણું જ ખરાબ છે. હવેથી એવી ભુલ બીજીવાર ન થાય તેની ખાસ કાળજી રાખજો અને થયેલી ભુલ રૂપી ગુમડાંને પશ્ચાતાપ રૂપી ઓપરેશન કરાવી જ્ઞાતિ સેવાનું કાર્ય કરો અને પ્રભુ પાસે માફી માગી તેત્રીસ કરોડ દેવી દેવતામાં સંતોષ માની સનાતન ધર્માવલંબી બનો અને મનુષ્ય જન્મનું સાર્થક સફળ કરો.

          જ્ઞાતિ ગંગા ભેગી કરીને લક્ષ્મીનારાયણના મંદિર ઉપર શુભ ધજા ફરકાવવાના ઉત્તમ કામનો આરંભ કર્યો છે તે માટે આપ ભાઈઓને ધન્યવાદ અને હાજર રહેલા દરેક ભાઈઓ મન સાથે દ્રઢ સંકલ્પ કરો કે અમો પોતપોતાના ગામમાં ભગવાન શ્રી  લક્ષ્મીનારાયણના મંદિર બનાવવાની સફળ કોશીષ કરીશું.

          તે પછી ભાઈશ્રી શીવજી કાનજી પારસીઆએ ઉભા થઈ જણાવ્યું કે :—

          માન્યવર પ્રમુખ સાહેબ, વ્હાલા જ્ઞાતિ  ભાઈઓ, પધારેલા સદ્‌ગ્રહસ્થો, માતાઓ અને બહનો.

          આપણી જ્ઞાતિ અધોગતીની ખીણમાં પડી ગયેલી તેની ઉન્નતી કેમ થાય તે માટે આપણે એકત્ર થયા છીએ. આપણી ખરી ભાવનાથી મંદિરમાં ભગવાનની મુર્તીની પ્રતિષ્ઠા કરવાનું ચાન્સ મળ્યું છે તેમાં આપણે જુદે જુદે સ્થળેથી આવી ભેગા મળ્યા છીએ અને તે સંબંધે પાંચ છ દીવસ થયા વાટાઘાટ ચાલે છે પરીણામે પંદર ઠરાવો ઘડાયા. જે સંજોગોવશાત્‌ અતિ મહત્ત્વના છે. આજની સભાનો કાર્યક્રમ લાંબો વખત ચાલવાની ધારણા હોતાં તે ઠરાવો આવતી કાલની સભામાં વાંચી સંભળાવવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે તે ઠીક છે.

          ઉપદેશ તો મહાનુભાવી મહાત્માઓએ ખુબ કર્યો છે અને તેઓના શબ્દે શબ્દ કીંમતી તેમજ અતી ઉપયોગી છે અને તે પ્રમાણે આપ પધારેલા સર્વ ભાઈઓ, માતાઓ અને બહેનો વર્તશો એવી આશા રાખું છું.

          મારા સંબંધી શુદ્ધિ બાબતની વાત મહાત્મા ઓઘવદાસજીએ પોતાના વ્યાખ્યાનમાં કરી છે તે સંબંધે મારે ખુલાસો કરવાની ફરજ છે. મેં  દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવેલ અને સાથે સાથે જ્ઞાતિથી ખાવા પીવાનો વહેવાર તોડ્યો હતો. તે રાજી ખુશીથી નહી પણ લાગતા વળગતા કેટલાક મિત્રોની શેહમાં તણાઈને જ. કરાંચીમાં મારા પ્રમાણે ખાવાપીવાનો વહેવાર તોડનાર ભાઈઓની સંખ્યા અધિક હતી. અમોને વસ્તુ સ્થિતિનું ભાન થતાં નાત સાથે નહી જમવાની ઘેલછાને મુકી દીધી. પરંતુ તેવી બાબતને નહી સમજનાર કે પોતાની લીધેલી વાતને નહી મુકવાની હઠ તેમજ નાત સાથે ન ખાવાપીવાની ઘેલછા ભરેલી નીતીને ગણ્યા ગાંઠ્યા ભાઈઓ વળગી રહ્યા છે.

          પશ્ચાત્તાપ ખરા હૃદયની શુદ્ધિ વગર બધું નકામું જ છે એવો મને પુરતો અનુભવ થયો છે. કરાંચીમાં શુદ્ધિશાળી ભાઈઓ કે જેઓનો નાત સાથે ખાવાપીવાનો વહેવાર નહી હોવાનો ડોળ કરી રહેલા છે તેઓનો ધ્યેય કોણ જાણે શું છે ? તે સમજી શકાતું નથી. આપણી જ્ઞાતિમાં ધર્મની જગ્યા “ખાના” નામથી ઓળખાય છે તેના બદલે મંદિરો બંધાય અથવા મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ જાય એ મહાન સુધારો થયો કહેવાય એવી મારી માન્યતા છે અને તે પ્રમાણે આપ ભાઈઓ પણ માનતા હશો.

          અહીંયા નખત્રાણામાં મંદિર તૈયાર થયું, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તીની  પ્રતિષ્ઠા  કરવાનો દીવસ નીર્ધાર્યો અને તે પ્રમાણે જ્ઞાતિ ભાઈઓ તેમજ અન્ય જ્ઞાતિઓમાં આમંત્રણ પત્રિકાઓ મોકલી સાથે સાથે જ્ઞાતિ ભાઈઓનો રસોડો એક હોવાનું પણ જણાવ્યું. જેથી કરાંચીમાં ગણ્યા ગાંઠ્યા શુદ્ધિશાળી ભાઈઓ રહેલા છે તેને માઠું લાગવાથી ઉશ્કેરાઈ ગયા જેથી હાલના શુભ સમારંભમાં જ્ઞાતિ ભાઈઓ ભાગ ન લઈ શકે એવા હેતુથી લાગતા વળગતા ઉપર એક યા બીજા પ્રકારે દબાણ કરવા લાગ્યા. તે માંહેનો એક દાખલો આપીશ જેથી આપ ભાઈઓ સોળ આના સમજી જાશો કે કરાંચીમાં રહેતા  શુદ્ધિશાળી ભાઈઓને શ્રીયુત પ્રેમજી મહારાજના શબ્દોમાં કહું તો “પતીત પાવન થઈ શકે એવી ત્રિવેણી ગંગા” ના શુભ સમારંભ પ્રત્યે કેટલો અભાવ, ઈર્ષા અને તીરસ્કાર છે.

          આ ગામ નવાપરામાં રહેતા ભાઈશ્રી ખીમજી ગોપાલ કેશરાણીને કરાંચીમાં રહેતા તેમના મામાઈ ભાઈ વિશ્રામ પાંચા ગાંગાંણી વિરાણીવાળાએ કહ્યું કે તારે નખત્રાણે મંદિરની પ્રતિષ્ઠામાં જવું નહિ અને મારું કહ્યું નહિ માનતા જોઈશ તો તને ભાઈ તરીકે નહિ ગણીએ એવી ધમકી આપી. ત્યારે ભાઈશ્રી ખીમજીએ કહ્યું કે જ્યાં મંદિર બંધાયું છે તેજ ગામમાં હું રહું છું તેમાં મારો પણ હીસ્સો છે. તેમ છતાં આપણા સુધારકોનો ધ્યેય પણ ખાનાને બદલે મંદિરો કરવાનો છે અને થયું પણ એમજ. જેથી મારી ફરજ સમજી એવા શુભ સમારંભ ઉપર તો જરૂરથી જવું જોઈએ એમ હું માનું છું. બની શકે તો આવા સુધારાના કામમાં ભાગ લેવા આપણ સુધારકોનું મુખ્ય કર્તવ્ય છે અને ત્યાં જવાથી “એક પથ દો કાજ” પ્રમાણે મારા અંગત કામ છે તે પણ કરતો આવીશ. તે સાંભળી મી.ગાંગાણી આવેશમાં આવી સત્તાવાહી સ્વરે બોલ્યા કે બીજા અંગત કામ હોય તો પ્રતિષ્ઠાની પુર્ણાહુતી બાદ જજે અને અત્યારે મારું કહ્યું નહિ માનતાં જેઠા નથુ અને શીવજી પારસીઆનું કહ્યું માની નખત્રાણે પ્રતિષ્ઠા પ્રસંગે જઈશ તો તું ચોક્કસ માનજે કે ભાઈચારાનો સંબંધ છે તે તોડી નાખશું અને કામધંધે પણ નહિ રાખીએ. એવા પ્રકારની ધમકીથી ભાઈશ્રી ખીમજી ગોપાલ ન ડરતાં અમો કરાંચીથી દસ જણા આવ્યા છીએ તેના ભેગા આવા જ્ઞાતિ અભ્યુદયના શુભ સમારંભમાં ભાગ લેવા આવ્યા. અસ્તુઃ

          ભાઈઓ ! આ બનાવથી તો આપ સર્વ કોઈ સમજી શક્યા હશો કે શુદ્ધિશાળી ભાઈઓ કે જેઓ મહાન સુધારક હોવાનો ડોળ કરી જ્ઞાતિમાં વેર, વિખવાદ અને દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાની મનોવૃત્તિ પોષી રહ્યા છે. એ ભાઈઓએ સમજવું જોઈતું હતું કે આ કામ કાંઈ એકાદ મનુષ્યનું અંગત નથી. પરંતુ ભગવાનનું છે. તેમાં ઈર્ષા કે દ્વેષભાવે કોઈ વ્યિક્તિ ગમે તેટલા વિઘ્ન કે અંતરાયો નાખવાની કોશીષ કરે તો પણ એ કાર્યને આંચ આવતી નથી. બલ્કે સૂર્યની સામે ધુળ ઉડાળનાર પોતાના જ મહોડાં ઉપર આવી પડે છે. મંદિરના ઉત્સવ પ્રસંગમાં ભાગ લેવા આવનાર જ્ઞાતિભાઈઓને ધમકી આપી અટકાવવાનું ધૃણાજનક કૃત્ય કરે છે ત્યારે શું શુદ્ધિવાળા ભાઈઓ મસ્જિદમાં મોકલવા માટેના સુધારાની રીત અખત્યાર કરી હિત શત્રુ બનનારા હશે ?

          કરાંચીમાં કહેવાતા શુદ્ધિશાળી ભાઈઓની મનોવૃત્તિ તો ઉપરોક્ત બાબતથી જણાઈ આવે છે કે નાતનું ગમે તે થાઓ તેની એને લેશમાત્ર પણ ચીંતા નથી, ખાના રહો કે મંદિર બનો તેની એને પરવા નથી, જ્ઞાતિ હિન્દુ રહે કે મુસલમાન બની જાય એની તેઓને દરકાર નથી. એને તો સગવડ જોઈએ છીએ અર્થાત્‌ સગવડીઓ પંથ બનાવવાની ભાવના હશે. એવું તેઓની વર્તણુક ઉપરથી જણાય છે. પોતાને પુરતી રીતે સગવડ હોય અને અમુક અંશે પોતાની સત્તા ચાલી શકે તેમ હોય તો તરત જ રૂવાબથી કહી દેશે કે અમે શુદ્ધિ કરાવી છે જેથી તમારૂં રાંધેલું અન્ન અમો જમતા નથી અને અગવડ હોય તેમજ સ્વાર્થ સાધવો હોય ત્યાં એવાજ જ્ઞાતિભાઈઓનું રાંધેલુ ભેગા બેસી જમે છે અને ફરીથી દેહશુદ્ધિ કરાવે છે. એમ ઉત્તરોત્તર કેટલાએ ભાઈઓએ બહુ વખત શુદ્ધિ કરાવેલ છે જેથી માનવાને કારણો મળે છે કે એ ભાઈઓની શુદ્ધિ સ્વાર્થ તેમજ સગવડ પુરતી જ છે એટલે જ મારે “સગવડીઓ પંથ” વિશેષણ લગાડવું પડ્યું છે.

          સાંભળવા  પ્રમાણે કરાંચીના શુદ્ધિશાળી ભાઈઓએ પોતામાં સ્ત્રી વર્ણને તેમના પિયર (માવતર) ને ત્યાં જમવાની છુટ આપ્યાનો ઠરાવ કર્યો છે. કદાચ આ વાત સાચી હોય તો બાકી રહ્યા પુરુષ વર્ગ તેમને પણ પોતાના કુટુંબ તેમજ સાસરીઓમાં જમવાની છુટ આપ્યા જેટલો ઠરાવમાં સુધારો દાખવે અને તે પ્રમાણે કરવાની પરમકૃપાળુ પરમાત્મા અમારા એ શુદ્ધિશાળી ભાઈઓને સદ્‌બુદ્ધિ આપે એજ પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરી બેસી જવાની રજા લઉં છું.

          ત્યારબાદ પ્રમુખ સાહેબે વક્તાઓનો તેમજ કરાંચીથી રણ રસ્તે થઈને આવનારા ભાઈશ્રી જેઠા નથુ નાકરાણી દેવીસરવાળા તથા શીવજીભાઈ કાનજી પારસીઆ તથા ખીમજીભાઈ ગોપાલ કેશરાણી નખત્રાણાવાલા તથા પચાણભાઈ પરબત કોટડા (જડોદર) વાળા તથા મુખી કાનજીભાઈ વીરજી તથા ભીમજીભાઈ હંસરાજ લુડવાવાળા તથા દેવશીભાઈ સામજી તથા શીવજીભાઈ કોટડા (ખેડોઈ) વાળા તથા ભાઈશ્રી જેઠા મેઘજી લુડવાવાળા તથા ખીમજી શીવજી મંગવાણાવાળા તેમજ કરાંચી માંહેનાજ કે જેઓ કચ્છમાં થોડાક દીવસ અગાઉ આવેલા ભાઈશ્રી જીવરાજ હીરજી ઉકાણી તથા ભાઈશ્રી હરજી લાલજી ઉકાણી માનકુવાવાળા તેમજ ત્રણે પાંચાડાથી આવેલા જ્ઞાતિ ભાઈઓ સનાતન ધર્મ જ્ઞાતિમાં તેમજ જ્ઞાતિમાં થતા ધાર્મિક તેમજ સામાજીક સુધારા પ્રત્યે માનની લાગણી તેમજ સહાનુભુતી દાખવી પધારેલા તેમનો તેમજ સ્થાનિક રાજના અધિકારી વર્ગ તેમજ ગામના ગ્રહસ્થોએ થતા સુધારા તરફ ભાવ બતાવી પધાર્યા છે તેઓ સર્વેનો ખરા અંતઃકરણપુર્વક આભાર માની, વોલન્ટીઅરો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે તેમને તથા માતાઓ તથા બહેનોએ શાંતિથી ઉપદેશ સાંભળી શ્રમ ઉઠાવ્યો તે બદલ ધન્યવાદ આપી આજની સભાના કામકાજમાં સંતોષ જાહેર કરી આવતી કાલે સવારમાં બરાબર આઠ વાગે સભાનું કામકાજ શરૂ થવાથી વહેલા પધારવાની સુચના આપી ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના ગગન ભેદી અવાજો વચ્ચે સભા વિસર્જન કરી હતી.

 

સંવત ૧૯૯૩ માસ વૈશાખ સુદી ૧૧ ગુરૂવાર {VSAK: 20-May-1937}ના

દિવસની કાર્યવાહી

          ગઈ કાલની સુચના અનુસાર સભા સ્થાને મંડપમાં સહુ કોઈ સવારમાં આઠ વાગે આવી ગયાં હતાં. સભાસ્થાન જ્ઞાતિ ભાઈઓ અને બહેનોથી ખુબ ભરચક થઈ ગયો હતો. મંડપની પુર્વ તેમજ ઉત્તર દિશા તરફના રસ્તાઓ પણ ચીકાર ભરાઈ ગયા હતા. ઉગમણી તરફનો રસ્તો બહેનોથી ચીકાર હતો. ધીમે ધીમે સુર્યનારાયણ પોતાની ગતિ અનુસાર ઉપર આવવા લાગ્યા તેમ તેમ રસ્તામાં બેઠેલી બહેનો ઉપર તડકાનો પ્રભાવ પડતો ગયો પરંતુ ઉત્સાહ આગળ એ તાપ કાંઈ વિસાતમાં નહોતો બહેનોએ જરાપણ અકળાયા વગર તેમજ તડકાની પરવા કર્યા વિના શાંત ચીતે ઉત્સાહીત હૃદયે સભામાં થતા કામકાજ પ્રત્યે ધ્યાન આપી સાંભળ્યા રાખ્યું  હતું. વોલન્ટીઅરો પણ તેઓને સમજાવ્યા પ્રમાણે ફરજનું સારી રીતે પ્રતીપાલન કરી રહ્યા હતા. લગભગ પાંચથી સાડા પાંચ હજાર જ્ઞાતિ બંધુઓ એ સભામાં હાજરી આપી હતી. બરાબર નવ વાગે સભાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રમુખ તરીકે રાત્રીની સભામાં મુરબ્બીશ્રી રાજારામ શામજી માનકુવાવાળા હતા તેઓશ્રીને જ આજની સભાના પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. દરમ્યાન મહેરબાન થાણદાર સાહેબ તેમજ અધિકારી વર્ગ તથા ગામના પ્રતિષ્ઠીત નાગરીક ગૃહસ્થો ગઈ કાલની માફક ઉત્સાહથી ધાર્મિક કામમાં ભાગ લેવા પધાર્યા હતા. તેઓને યોગ્યતા પ્રમાણે માનસહીત સભાસ્થાને બેસાડ્યા હતા.

          પ્રમુખ સ્થાનેથી મુરબ્બીશ્રી રાજારામભાઈએ સભામાં પધારેલા જ્ઞાતિ ભાઈઓ, બહેનો તેમજ સદ્‌ગ્રહસ્થોએ પધારી આ ધાર્મિક કાર્ય પ્રત્યે ઉત્સાહ બતાવ્યો છે  તે બદલ સર્વેનો ઉપકાર માન્યો હતો.

          વિશેષમાં જણાવ્યું કે રાત્રીની સભામાં મહાત્માશ્રીઓના તેમજ વક્તાઓના વિવેચન તેમજ ભાષણો આપે સાંભળ્યા હતાં. સમયના અભાવે ઠરાવો વાંચી સંભળાવવામાં આવ્યા નહોતા જેથી આજની સભામાં ભાઈશ્રી રતનશી ખીમજી આપ સમક્ષ એ ઠરાવો પુરતા વિવેચન તેમજ ખુલાસાવાર સંભળાવશે અને તેમાં સુધારો વધારો કરવા જેવું જણાય તો તે વખતે સુચના કરવી કે જેથી તેના ઉપર આપ સર્વે સમક્ષ વિચાર ચલાવવામાં આવે. તેમજ યોગ્ય સુધારો કરી શકાય.

 

          “ગામશ્રી નખત્રાણાના પુર્વનિવાસ નામે (નવાવાસમાં બંધાયેલ મંદિરમાં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણની પ્રાણમુર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે જ્ઞાતિ પાછળ લટકેલું પીરાણાપંથ રૂપી પુછડુ દુર કરવા માટે તેમજ જ્ઞાતિ ઉન્નતિ અર્થે ગામના સમસ્ત ભાઈઓ તેમજ બહેનોની સંમતિથી ઘડાયેલા અને વૈશાખ સુદી ૯ {VSAK: 18-May-1937} ની સભામાં વડીલો, ભાઈઓ, માતાઓ તેમજ બહેનો સમક્ષ વાંચી સંભળાવ્યા હતા. તે સમયે એકાદ બે ઠરાવમાં સુચવેલા સુધારાની નોંધ લેવામાં આવી હતી  તે પ્રમાણે સુધારો કરી નીચે પ્રમાણેના ઠરાવો મહેરબાન પ્રમુખ સાહેબની આજ્ઞાથી ભાઈશ્રી રતનશી ખીમજીએ વાંચી સંભળાવ્યા હતા. એક એક ઠરાવ વાંચતા જાય અને તેના ઉપર પુરતા ખુલાસાવાર સમજાવી વિવેચન કરતા જાય અને વચવચમાં મહારાજશ્રી ઓઘવદાસજી શંકાનું સમાધાન કરતા જાય. એ રીતે બહુજ અસરકારક રીતે વિવેચન કરી ઠરાવો વાંચી સંભળાવવામાં આવ્યા હતા જેને પધારેલા સર્વ જ્ઞાતિબંધુઓ તેમજ માતાઓ અને બહેનોએ સહર્ષથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જય ગર્જનાથી વધાવી લીધા હતા. તેમજ ગામમાંથી પધારેલા ગ્રહસ્થોએ પણ એ ઠરાવો પ્રત્યે પોતપોતાની સહાનુભુતી દર્શાવી કહ્યું હતું કે એ ઠરાવોની તમારી  જ્ઞાતિ માટે અનિવાર્ય આવશ્યકતા હતી અને છે.”

ઠરાવો

          સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ સુદી ૧૧ {VSAK: 20-May-1937} શુભ દિવસે ગામ શ્રી નખત્રાણાના પુર્વનિવાસ (નામે નવાવાસ)માં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણની પ્રાણમુર્તિની પ્રતિષ્ઠા કરી મંદિરમાં બિરાજમાન કર્યા પછી આપણી સમાજે કયા કયા નિયમો પાળવા જેના માટે પ્રતિષ્ઠાની પુર્ણાહુતી અગાઉ આપણા જ્ઞાતિભાઈઓએ ભેગા મળી નીચે જણાવેલા ઠરાવો કાર્યવાહક કમિટીમાં ઘડી તૈયાર કરી જાહેર સભામાં પાસ કરાવી નક્કી કર્યા છે અને તે પ્રમાણે વર્તવા માટે પ્રતિજ્ઞાઓ કરીને આ સંસ્થામાં જોડાયા છીએ. જેની વિગત નીચે પ્રમાણે :—

          (૧) આથી અગાઉ પીરાણા પંથના રીવાજ પ્રમાણે બાળક જનમ્યા પછી એકવીસ દિવસે ખાનામાં નમાવતા હતા. અને તે દિવસે બાળકના મા—બાપો અને કુટુંબીઓ ખાનામાં જઈ અમી કે નુરની ગોળીનું પાવળ પી પવિત્ર થવાનું માનતા હતા. તે બાબત હિન્દુ સનાતન ધર્મથી વિરૂદ્ધ હોવાનું માની આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે બાળક  જન્મયા પછી ૩૫ દિવસ પછી બાળકના માતાપિતા તથા ૧૦ દિવસ પછી કુટુંબીઓ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં આવી ભગવાનને પ્રસાદી ધરવી અને ચરણામૃત—ગંગાજળ લઈ પીંડરૂના સુતકથી પવિત્ર થવું. તે વખતે પુત્રનો જન્મ હોય તો કોરી ૧ અને પુત્રીનો જન્મ થયો હોય તો કોરી ૦॥ ભગવાનને ભેટ ધરી ચોપડામાં નામ લખાવવું. બાળકની માતાપિતાએ ૩૫ દિવસ અને  કુટુંબીઓએ ૧૦ દિવસ સુધી  મંદિરની અંદર જવું નહિ પરંતુ બહાર ઉભા રહી  દર્શન કરવા.

          (૨) આથી અગાઉ આપણી જ્ઞાતિમાં લગ્ન વિધી મુખીઓના હાથે પીરાણા—સતપંથના શાસ્ત્ર અનુસાર કરાવતા હતા. તે રીવાજ હિન્દુ સનાતન ધર્મ વિરુદ્ધ હોવાથી આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે વેદ વિધી અનુસાર હિન્દુ રીવાજ પ્રમાણે બ્રાહ્મણોના હાથે  ચોરી બાંધી લગ્ન કરાવવાં અને લગ્ન કરાવનાર  બ્રાહ્મણને વર તરફથી કોરી ૨॥ તથા કન્યા તરફથી કોરી ૧। દક્ષિણા આપવી તથા મંદીરમાં ભગવાનને ભેટ તરીકે વર તરફથી કોરી ૧ તથા કન્યા તરફથી કોરી ૦॥ આપવી.

          કોઈ ભાઈને લગ્ન છુટક કરવાં હશે તો તેને તેમ કરવાની છુટ છે પરંતુ બ્રાહ્મણને દક્ષિણા તરીકે ઠરાવવામાં આવેલી રકમનો નિયમ તેમને લાગુ પડી  શકશે નહી.

          (૩) આપણી જ્ઞાતિમાં કોઈપણ વ્યક્તીનું અવસાન થાતુ તો તેને પીરાણા પંથની માન્યતા પ્રમાણે ભુમીદાહ એટલે દાટવાનો રીવાજ હતો તે બાબત હિન્દુ સનાતન ધર્મ  વિરુદ્ધ હોવાથી આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે આપણી જ્ઞાતીમાં કોઈપણ વ્યક્તીનું અવસાન થાય ત્યારે તેને હિન્દુ સનાતન રીવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરવો અને મરણ  બાદ દસાવ એકાદસી તથા બારમાની ક્રિયા હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે બ્રાહ્મણોને હાથે કરાવવી અને તેવી સંપુર્ણ ક્રિયા બદલ બ્રાહ્મણને દક્ષિણા કોરી પ। સવાપાંચ આપવી અને મરનારના ઉદ્ધાર અર્થે મંદીરમાં કોરી  ૫ પાંચ આપવી. અને ૩ ત્રણ વરસથી નાની ઉમરના બાળકના દેહને દાટવાનો રીવાજ હિન્દુઓની ઉચ્ચ જ્ઞાતિમાં છે તે પ્રમાણે કરવો.

          (૪) આ સંસ્થાને માનનારા જ્ઞાતિના દરેક ભાઈઓ તેમજ બહેનોએ પીરાણાની અમી કે નુરની ગોળીનું પાવળ પીવું નહિ. પરંતુ કોઈ ઠેકાણે  પોતાના સગાવહાલાને  ત્યાં આપત્‌કાળે  સંજોગોવશાત્‌ જાણે કે અજાણે પીવાઈ જાય તો ઘરે  આવી સ્નાન કરી મંદિરના સેવકને બનેલી  બાબત જાહેર કરી તેમના હાથથી ગંગાજળ પીને પવિત્ર થઈ પછી ઘેર જઈને જમવું.

          (૫) આ સંસ્થાને માનનારા ખેતી તેમજ મજુરી કરનારા ભાઈઓએ ધર્માદાના લાગા નીચે પ્રમાણે આપવાઃ—

મજુરીએ ચુલા દીઠ કોરી ૦॥ તથા પાઘડી દીઠ કોરી ૪ આપવી અને ખેડુતોએ ઉપજમાંથી જે પ્રમાણે પહેલાં આપે છે તે પ્રમાણે આપવું તેમજ ગામની સંમતિથી ઓછું વધતું કરવું હોય તો કરી શકશો અને શ્રાવણ મહીનામાં (અનુકુળ હોય એ તિથિએ) ઉજવણી કરવી અને તે દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનને માનનારા ભાઈઓએ ભેગા બેસી પ્રીતી ભોજન કરવું.

          (૬) પુનઃ લગ્નનો રીવાજ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગેરવ્યાજબી ગણાય પરંતુ વર્તમાન સમય તેમજ જમાના ને અનુસરી તેમ કરવાની ફરજ પડે છે અને તેવો પુનર્લગ્નનો રિવાજ આપણી જ્ઞાતિમાં કેટલાક સમયથી ચાલ્યા કરે છે. પરંતુ પુનર્લગ્ન આપણામાં પીરાણા—સતપંથના રિવાજ પ્રમાણે મુખીઓના હાથે કરાવવાનો રિવાજ હતો તેના બદલે આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે પુનર્લગ્ન બ્રાહ્મણોના હાથે વિધીપુર્વક કરાવવાં અને તે બદલ બ્રાહ્મણને કોરી ૨॥ દક્ષિણાની આપવી અને મંદિરમાં લાગાની કોરી પ। સવાપાંચ આવનાર વર પક્ષે આપવી.

(૭)     કેટલાંક વરસો પહેલાં પુનઃ લગ્નના સગપણ વખતે વર પક્ષ પાસેથી રોકડ રકમ લેવાતી નહી પરંતુ હાલમાં કેટલાંક વરસોથી વરપક્ષ પાસેથી છોકરીના મા—બાપો સેંકડો બલ્કે હજારો કોરીઓ ખાનગી તેમજ જાહેરાતમાં લે છે. જેથી આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે આ સંસ્થાને માનનારાં કોઇએ પોતાની દિકરીના સગપણ કરતી વખતે તેમજ તે પહેલા કે પછી ખાનગી તેમજ જાહેરમાં કોઈમાં કાંઈપણ રકમ લેવી નહિ પરંતુ સગપણ કરતી વખતે પાંચ કોરી એટલે પાંચીઓ ફેરવવામાં આવે છે તે તથા વરપક્ષના આવનાર માણસોની ખાધા ખોરાકી બદલ ફક્ત કોરી ૧૦૦ એક્સો  લેવી તેમાં  વરપક્ષ તરફથી વર તથા અણવર સિવાય માણસો ૧૫ પંદરથી વધારે જઈ શકશે નહી અથવા જવું નહી અને સાંજના પુનઃ લગ્નની વિધી બ્રાહ્મણના હાથે કરાવી રાત્રે એક ટંક (ટાણું) જમાડી સવારમાં વહેલા પરોઢીએ વિદાય કરવાં અને આવેલા વરપક્ષવાળાનું ગામ  પાંચ ગાઉથી દુર હોય તો દિકરીના માબાપે એક ટંકનું ભાથુ સાથે આપવું.

          (૮) આ સંસ્થાને માનનારા દરેક શ્રાધની ક્રિયા હિન્દુ શાસ્ત્રોના નિયમ તેમજ રીવાજ પ્રમાણે અવસાનની તિથિ એ દિવસના ચડતા પહોરે કરવું અને તેમાં શક્તી પ્રમાણે બ્રાહ્મણો અતિતો તેમજ પોતાના કુટુંબીની નીયાંણીઓને જમાડવી. પરંતુ તેટલી કરવાની  શક્તી ન હોય  તો માત્ર પોતાના કુટુંબની ઓછામાં ઓછી બે દિકરીઓને તો જરૂર જમાડવી. અને તે દિવસે સાંજના ભગવાનના મંદિરમાં છુટા ત્રણ તથા દીવેલ આપવું.

          (૯) આ સંસ્થાને માનનારા દરેક બહેનોએ હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રોના નિયમને અનુસરી રજસ્વલા ધર્મ ચાર દિવસ સુધી પાળવો જોઈએ પરંતુ આપણી જ્ઞાતિ મહેનતુ તેમજ ખેતી કરનાર હોવાથી ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી તો જરૂર પાળવો અને તેવી બહેનોએ સાત દિવસ સુધી મંદિરમાં દાખલ થવું નહી.

          (૧૦) મરણ પાછળ પ્રેત ભોજન કે જેને આપણે ખર્ચ કે દાડો કહીએ છીએ તે હિન્દુ શાસ્ત્રો વિરુદ્ધ છે અને મરણ પાછળ જમણ કરવાનો રીવાજ આપણી જ્ઞાતિમાં ઘણાક વરસોથી ચાલ્યો આવે છે તે ખર્ચાળ તેમજ અયુક્ત છે જેથી આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે ઓછામાં ઓછા ૫૦ વરસની ઉંમર સુધીની મરનાર વ્યક્તિ પાછળ પ્રેતભોજન એટલે ખર્ચ કે દાડો બિલકુલ કરવો નહી અને તે ઠરાવથી વિરુદ્ધ વર્તન કરનાર વ્યક્તિ આ સંસ્થાના ગુનેગાર ગણાશે. અગર આપ ખુદી સત્તાથી કોઈપણ જ્ઞાતિભાઈ તેમ કરે તો આ સંસ્થાને માનનારા કોઈએ જમવા જવું નહીં.

          (૧૧) આપણી જ્ઞાતિમાં દીકરી અથવા બહેને ત્યાં વિઆતરનો અવસર આપવા માવિત્રો તેમને ઘરે વિઆતર આપવા જાય છે અને વિઆતરમાં જે કંઈ અપાય છે તેના કરતાં ચારગણું ખર્ચ દીકરીને ત્યાં થઈ જાય છે. જેથી આ સંસ્થા એવો ઠરાવ કરે છે કે દીકરી તેમજ બહેનને પોતાના ઘરે બોલાવી શક્તિ પ્રમાણે વિઆતરમાં જે કંઈ આપવાની શ્રધ્ધા હોય  તે બાઈ તેમજ ભાણેજને આપી તેમને ઘેર વિદાય કરવાં અથવા પહોંચાડી આવવાં.

          (૧૨) આ સંસ્થાને માનનારા દરેક ભાઈઓ તથા બહેનોએ દર મહીનાની સુદી ૧૧ એકાદશીએ બનતા સુધી વ્રત પાળવું—રાખવું અને દર મહિનાની અમાસ હંમેશાં જેમ પાળીએ છીએ તે પ્રમાણે પાળતા જવું અને તે દીવસે (અમાસ)લીલું ઝાડ કાપવું નહિ તેમજ બળદ પાસેથી પણ કામ લેવું નહિ તેથી વિરૂદ્ધ વર્તન કરનાર આ સંસ્થાનો ગુનેગાર ગણાશે.

          (૧૩) આ સંસ્થાના વહીવટદાર તરીકે (ગામને અનુકુળ આવે તેટલા) સંસ્થા પૈકીના લાયક નિઃસ્વાર્થી તેમજ નીખાલસ હૃદયના ન્યાયી તેમજ પ્રમાણીક ભાઈઓની નિમણૂક કરવી. તેમજ આવક અને ખર્ચનો હિસાબ ચોક્ખો—ચોક્કસ રાખે અને તે હિસાબ દર વરસના શ્રાવણ માસની (ગામને અનુકૂળ) તિથિ કે જે દીવસે ગામની ઉજવણી હોય તે દીવસે જમા ખર્ચનો હિસાબ હાજર રહેલા દરેક ભાઈઓને સંભળાવી પુરતી રીતે સમજાવવો. તેમાં કોઈ પણ ભાઈને  શંકા થાય અથવા યોગ્ય સવાલો પુછે તો તેમના મનની  પુરતી સમાધાની વહીવટદારોએ કરવી. પરંતુ  આ સંસ્થાને માનનારા કોઈ ભાઈને ઉપરની તિથિ સિવાય વરસના કોઈપણ દિવસે હિસાબ તપાસવાની મરજી થાય તો દર મહીનામાં આવતી અમાસને દિવસે હિસાબ તપાસી શકશે અને કમિટી તેમને હિસાબ બતાવવા તથા સમજાવવા બંધાયેલ રહેશે. નીમાયલા વહીવટદારો પૈકી  કોઈપણ ભાઈ ઘડેલા ઠરાવ વિરુદ્ધ તેમજ સંસ્થાને હરકત કે નુકશાની પહોંચે તેવું કૃત્ય કરશે અથવા તેમ કરવાની તજવીજ, કોશીષ કે ચળવળ કરવાનું જાણવામાં આવશે તો બાકીના વહીવટદારોએ તેવા ભાઈને કાર્યવાહક કમિટીમાંથી વહીવટદાર તરીકેનના હોદ્દા ઉપરથી કમી કરી શકશે તેવી બાબતમાં તે ભાઈ કોઈપણ બાબતની આનાકાની કરી શકશે  નહી.

          (૧૪) આ સંસ્થાને માનનારા ભાઈઓ સંસ્થાના બાંધેલા ઠરાવો પ્રમાણે વર્તવા જતાં જ્ઞાતિ તરફથી તથા તેમના સગા—સંબંધીઓ તરફથી કાંઈપણ અડચણ ઉભી થાય તો તે ભાઈને દરેક પ્રકારે મદદ કરવા માટે સંસ્થાના આગેવાન વહીવટદારો તથા સંસ્થાને માનનારા દરેક બંધાયેલ રહેશે અથવા તૈયાર રહેશે.

          (૧૫) આ સંસ્થાને માનનારા દરેક ભાઈઓ તથા બહેનોએ આ સંસ્થાએ પસાર કરેલા ઠરાવો પાળવાને બંધાયેલ રહેશે અને તેથી વિરૂદ્ધ વર્તન કરનાર વ્યક્તિ આ સંસ્થાનો ગુનેગાર ગણાશે. અને તેનો ન્યાય આપણા નીમેલા વહીવટદારો સમય તેમજ સંજોગોને અનુસરી કરી શકશે અને તેમાં પક્ષપાત અથવા મતભેદ થવાનું જણાશે તો  ગામ  સર્વેના ભાઈઓ મળી નિકાલ કરશે  તે છેવટનો ફેંસલો ગણાશે.

          ઉપર પ્રમાણેના ઠરાવો વાંચી સંભળાવતા હતા દરમ્યયાન ઠરાવ ૭ અને ૧૧ મા ઉપર ગામ શ્રી નખત્રાણાના પટેલ કચરાએ ભારપુર્વક જણાવ્યું હતું કે આર્થીક દૃષ્ટિએ એ ઠરાવો અતિ ઉપયોગી છે અને તેનો અમલ બીજા ઠરાવોની સાથે કરવો જરૂરી છે ઘરઘેણા (પુનઃ લગ્ન)માં હજારો કોરીઓ લેવાની પ્રથા દાખલ થઈ ગઈ છે તે તરફ તેઓશ્રીને સખ્ત અણગમો બતાવી કહ્યું હતું કે દિકરીના સગપણ કરતી વખતે  આપણી નાતમાં આગળ કોરીઓ લેવાતી નહી પણ કેટલાક વરસ પછી એ નીચ પ્રથા દાખલ થઈ ગઈ છે દીકરી ઉપર પૈસો લેવો એ દિકરીને વેચ્યા બરાબર છે એ પૈસો દિકરીના લોહી  જેવો છે માટે એ દિકરીના લોહી જેવા પૈસા જે માબાપો કે લાગતાવળગતાઓ  લેશે તે દિકરીના લોહી બરાબર છે માટે એવા સગપણ વખતે દિકરી ઉપર પૈસા ન લેતાં આગળ આપણામાં જે પ્રમાણે વગર પૈસે કુળ અને વર જોઈને સગપણ કરતાં હતાં તે પ્રમાણે કરવાનો જ્ઞાતિભાઈઓને ઉપદેશ આપ્યો હતો અને ઠરાવ ૧૧ મા ઉપર પણ દિકરીને ઘરે વીઆતર લઈ જવામાં આવે છે તેમાં પણ દિકરીને એ બાબત બહુજ ખર્ચ આવે છે દીકરીને લુગડાં કે ભાણેજા ને આપેલ નહી જેવો દાગીનો  વધે છે અને વેપારીને ત્યાં નામું થાય તે રોકડી કોરીઓ ચુકાવવી પડે છે અને તેને અંગે બીજું પણ કેટલુંક કઢંગુ ખર્ચ પણ થાય છે જેથી એ પ્રથાને બંધ કરી જે  કાંઈ પોતાની સંમતી પ્રમાણે દિકરીને વિઆતરના અવસરે આપવાનું હોય તે પોતાને ઘેર બોલાવી ભાવ અને શ્રધ્ધાપુર્વક આપવાનું કહ્યું હતું અને બહેનોને પણ એ વાતમાં સંમતી આપવા જણાવ્યું હતું જેનો પ્રત્યુતર સ્ત્રી વર્ગમાંથી સંતોષકારક મળ્યો હતો.

ઠરાવો વંચાઈ રહ્યા બાદ મહારાજશ્રી ઓઘવદાસજીએ જણાવ્યું કે :—

          પંદર ઠરાવો સમસ્ત જ્ઞાતિ માટે છે તેમ પાળવા માટે તમો તમારા  પ્રાણની આહુતી આપજો. એક ભાઈ ઉપર   એ બાબત મુશ્કેલી આવી  પડે તો આખું ગામ તેમની મદદમાં થઈ જાજો. એ ઠરાવો તમારાથી પાળી શકાય તેવા છે અને એથી તમારી જ્ઞાતિને મોટો લાભ  થશે. એ ઠરાવો ઉપર રતનશીભાઈએ ખુબ ખુલાસાવાર વિવેચન કરી સમજાવ્યા છે જે તમોએ તાળીઓના અવાજો અને લક્ષ્મીનારાયણ દેવની જય પોકારી એ ઠરાવો માન્ય રાખ્યા છે જેથી વધારે વિવેચન કરવાની  જરૂરત રહેતી નથી.

          રતનશીભાઈ કે રાજારામભાઈ વિગેરે સુધારકોએ વીસ વીસ વરસથી જ્ઞાતિ સુધારવાના પ્રયત્ન કરી રહેલા છે. તેઓની બાવાના જેવી ભાવના નથી કે લોટ મળશે અને પેટ ભરશું.  તેઓ તો પોતાને પરમકૃપાળુ પરમાત્માએ આપેલ  બુધ્ધિબળ તેમજ લક્ષ્મીનો સદ્‌પયોગ જ્ઞાતિના ભલા માટે કરે છે. માટે તેઓ તો જ્ઞાતિના નમ્ર સેવક થઈને કામ કરે છે. તેઓની મહેનતને સફળ બનાવવી તમો પધારેલા સર્વેની ફરજ છે.

          રાત્રીની સભામાં પણ કહ્યું હતું અને અત્યારે પણ કહીશ કે ચા અને બીડીનો રીવાજ નહોતો તે તમે  અનુકરણ કરો છો તે  ઠીક નથી. ચા, બીડી મનુષ્યનને ગુલામ બનાવે છે, આજકાલના  સુધારામાં સવારના પહોરમાં ચા, બીડી, શીરામણને ઠેકાણે વપરાય છે. સજ્જનો ! જે શક્તિ આપણી કચ્છની ધણીઆણી રાબડીમાં છે તે ચા માં નથી, જે ઠંડક રાબડીમાં છે  તે ચા માં નથી, જે ગુણ રાબડીમાં છે તે ગુણચામાં નથી. ભવિષ્યની પ્રજાને હિંમતવાન કે જ્ઞાનવાન બનાવવી હોય તો ચા, બીડીનો ત્યાગ કરજો. બલ્કે ચા, બીડીને સદાને માટે તિલાંજલી આપી દેજો.

          (દરમ્યાન ચા, બીડી નહી પીવાની ભાઈશ્રી કાનજી અબજી નાથાણી કે જેઓ હાલના સમારંભના પાંચમની સભાના પ્રમુખ હતા તથા ભાઈશ્રી ભાણજી પચાંણ કેશરાણી એમ બન્નેએ પ્રતિજ્ઞા લીધી હતી.)

          સત્યને માટે રાજા હરિશ્ચંદ્ર તેમજ મયુરધ્વજની માફક સલ્તનત તેમજ પ્રાણની પણ પરવા કરવી નહિં.  લીધેલી ટેક તોડશો નહિ. પાંચ સાત મહીના બાદ તપાસ કરીશ, ટેક તોડેલી હશે તેને જાહેરમાં મુકીશ.

          રજસ્વલા ધર્મ, પાળવા સંબંધમાં બહેનોએ તાળીઓ વગાડી ઠરાવ પાળવાની સંમતી આપી પાસ કર્યો છે તે પ્રમાણે તમો ઓછામાં ઓછા ત્રણ દિવસો  જરૂર પાળજો.

          હવે હું ઉગમણા પાચાડો કે જે અમારો પાંચાડો છે તે સંબંધમાં કહીશ.

          ભાઈઓ ! તમારી જ્ઞાતિમાં આટઆટલી સુધારાની ચળવળ વરસોથી થાય છે  તો પણ તમો કેમ સુતા છો ? તમો મને એ (ઉગમણા) પાચાડામાં આવો વખત બતાવો એવી હું આપની પાસે ભીખ માગું છું.. બીજી ભીખ એ માગું છું કે હિન્દુત્વમાંથી વટલાએલા ભાઈને અપનાવવો (ભેગો લેવો) એ ગાયને કસાઈવાડેથી છોડાવવા જેટલું પુણ્ય છે.

          તમો અહીંયા જે કાંઈ  સાંભળી જાઓ તે ત્યાં જઈ નથી આવેલા  તેવા ભાઈ બહેનોને સમજાવજો અને  નહી કહે તેને નારાયણ ભગવાનના સોગન છે. તમે સિંહ છો અને સિંહના રૂવાબમાં રહો. તમારી જ્ઞાતિ શુદ્ધ સાત્વિક  તેમજ સાચી કમાણી કરવાવાળી છે. એવી પવિત્ર જ્ઞાતિને આ કલંક ક્યાંથી આવ્યું !  તેને દરીયામાં  ફેંકી દેજો. તમારે માટે એ લાયક નથી.

          “દરમ્યાન પ્રમુખ સાહેબે ઉભા થઈ જણાવ્યું  કે જ્ઞાતિનું ભાવિ ઘડાય છે તેમાં પુજનીય મહારાજશ્રીના અમુલ્ય ઉપદેશ સાંભળી રહેલી બહેનો છોકરાં લઈને તડકો આવ્યો છે અને સખત તાપ પડે છે તે સહન કરી શાંતિપુર્વક સાંભળી રહેલ છે તે દ્રષ્ય ખરેખર જ્ઞાતિ ઉન્નતિ થવાનું સુચવે છે. આપણી નાતમાં બહેનોનો આટલો ઉત્સાહ પહેલાં જ્ઞાતિ સુધારાના કામમાં કદી  પણ મારા જોવા કે જાણવામાં આવ્યો નહોતો  જેથી તેઓને ધન્યવાદ આપુ છું.”

          “છેવટમાં મહારાજશ્રીએ આપણી જ્ઞાતિ માટે ભુજમાં ધર્મશાળા હોવાથી અપીલ કરી હતી. પરદેશ જતા આવતા ભાઈઓને ધર્મશાળા નહિ હોવાના કારણે મુશ્કેલી ઉઠાવવી પડે  છે તેનો આબેહુબ વર્ણન કર્યું હતું. જે બાબત કોટડા જડોદરવાળામાં ધર્મવરો થયો હતો તે સમયે દસ હજાર  મનુષ્યોની વિશાળ મેદની સમક્ષ વ્યાખ્યાન કરતી વખતે પણ ભુજમાં ધર્મશાળાની જરૂર હોવાનું જણાવ્યું હતું. અને આજ પ્રસંગ મળતાં અહીંયા પણ ભુજમાં આપણી જ્ઞાતિ માટે ધર્મશાળાની જરૂરત છે એવું તેઓશ્રીએ ભારપુર્વક વિવેચન કરી કહ્યું હતું. તેમાં કોરી ૧૦૦૧ મહારાજશ્રી ઓઘવદાસજીએ પોતે આપવાનું કહ્યું હતું  તે પછી ભાઈશ્રી રતનશી ખીમજીએ પણ ધર્મશાળા સર્વ જ્ઞાતિભાઈઓ બંધાવવાને  તૈયાર હોય તો કોરી ૧૦૦૧ પોતાની માતુશ્રીના નામથી આપવાની ઈચ્છા જણાવી હતી. ત્યારબાદ સભાના પ્રમુખ મુરબ્બીશ્રી રાજારામભાઈ સામજી માનકુવાવાળાએ  પણ ૫૦૧ કોરી આપવા જણાવ્યું હતું.”

          વધુમાં મહારાજશ્રીએ જણાવ્યું કે એ  વિચારો  કોટડામાં જણાવ્યા ત્યારે ૮૦ ગામના ભાઈઓ હાજર હતા. પરંતુ તે વાતને ત્યાં પુષ્ટિ મળી નહોતી,આજ અહીં આ એ બાબત તરફ ધ્યાન અપાય છે અને એ કામ આગળ ધપે એમ હું ઇચ્છું છું તમો એક વરસ પીરાણે ધર્માદાના નાણાં ન મોકલો એટલે ધર્મશાળા બની જાય તેમ છે  તમારા ધર્માદાના નાણાં તમારા હિતાર્થે જ વપરાય તેમાં કાંઈ ખોટુ નથી અને તે ધર્મશાળા તમારી જ્ઞાતિને માટે જ બને એટલે તેમાં તમારો જ હક્ક રહે. તમો પણ બીજાઓએ બંધાવેલ ધર્મશાળામાં ઉતરો છો તેમ તમારી જ્ઞાતિએ પણ બીજાઓને એ ધર્મશાળામાં  ઉતરવા  દેવા જેટલી ઉદારતા  દયા દાખવવી જોઈએ એ પુણ્ય પણ બહુ જ વધારે છે.

          ત્યારબાદ વેરસલપર ગામવાળા પધારેલા ભાઈઓએ મહેરબાન પ્રમુખ સાહેબ ઉપર પત્ર લખી જણાવ્યું કે અમો થોડાક સમયમાં ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિર અમારા ગામમાં  બાંધશુ અને મુર્તીની પ્રતિષ્ઠા કરાવશું.

          તે ઉત્સાહ ધરાવતા આનંદના ખબર પ્રમુખ સાહેબે  સભામાં સર્વ ભાઈઓને જણાવ્યા અને વધુમાં  કહ્યું કે આ ત્રિવેણી ગંગાનું અમૃતમય નીર વહે છે તેમાં ભાવરૂપી સ્નાન કરવાથી તે ભાઈઓને પોતાના ગામમાં મંદિર બંધાવવા હૃદયની ઉર્મી થઈ છે તેથી તે ભાઈઓને હાર્દિક ધન્યવાદ આપું છું. “અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય બોલાવી હતી. તેમજ ભાઈશ્રી માવજી પુંજા જંબુવાણીએ તુલસીક્રત રામાયણનો પહેલો, બીજો ભાગ મંદીરમાં અર્પણ કર્યો હતો જેથી તે ભાઈશ્રીનો ધન્યવાદ માન્યો  હતો અને સહર્ષથી તે ભેટ સ્વીકારી હતી.”

 

સ્વાગત મંડળના પ્રમુખ શ્રીયુત રામજીભાઈ જેઠાભાઈ સેંગાણીનું ભાષણ.

          વ્હાલા ગંગા સ્વરૂપ જ્ઞાતિભાઈઓપુજ્ય માતાઓ, વ્હાલી બહેનો, પધારેલા મહાત્માઓ તેમજ નાગરીક સદ્‌ગ્રહસ્થો.

પરમપ્રિય વ્હાલા જ્ઞાતિ બંધુઓ ?

          આજનો દિવસ આપણી જ્ઞાતિ માટે અનેરો છે જે અત્યારની કારકીર્દી જોતાં ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ રહેશે. મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે અમારા ગામ નખત્રાણાના જ્ઞાતિભાઈઓ સમસ્તની સંમતી તેમજ મદદથી અત્રે પુર્વનિવાસ (નવાવાસ) માં શીખર બંધ નિજ મંદિર બંધાણું અને તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રાણમુર્તિની પ્રતિષ્ઠા કરાવવા ભાગ્યશાળી બન્યા છીએ.

          નખત્રાણા ગામમાંથી અમોએ અહીંયા નવાવાસ વસાવ્યો તેઓને મંદિર બંધાવવા સારૂં ત્યાંના જુના જ્યોતિ ધામમાંથી રોકડ કોરી ૫૩૫૯ અંકે પાંચ હજાર ત્રણસો ઓગસ સાઠ આપી તેમજ વાસણ, ગોદડાં, ગાદલા વિગેરેમાંથી પણ ભાગ વહેંચી આપ્યો જેની નોંધ ભવિષ્યની પ્રજાની જાણ માટે અહીં મંદિરના ચોપડામાં રાખવામાં આવી છે. એટલું જ નહિ પણ આ શુભ સમારંભમાં બેઉ વાસવાળા ભાઈઓએ ખરા અંતઃકરણથી સહાનુભૂતી દાખવી દરેક કામમાં જાતે મહેનત કરી મદદ આપી રહ્યા છે જેથી તેઓશ્રીઓનો હું અમારા ગામ (નવાવાસ) તરફથી આભાર માનું છું.

          તે સિવાય પુજ્ય મુરબ્બી શ્રી પોપટલાલભાઈ શીવલાલભાઈ પોતાના લઘુ બંધુ તેમજ ચીરંજીવી સહીત પધારી આપણને દર્શનનો અલભ્ય લાભ આપ્યો તે માટે તેઓશ્રીનો ઉપકાર માનુ છું.

          પુજ્ય મહારાજશ્રી  ઓધવદાસજી તથા સારસ્વત કુળ ભુષણ પ્રેમજી મહારાજ આસંબીઆવાળા ત્યાં ઈશ્વર નગર (વાંઢાય) દ્વારામાંથી પ્રજ્ઞાચક્ષુ  મહારાજશ્રી અચલદાસજી વિગેરે પધારી જ્ઞાનમય  ઉપદેશ આપી ધાર્મિક, સામાજીક તેમજ વહેવારીક બાબતો ખુલ્લા  શબ્દો તેમજ સાદી ભાષામાં સમજાવી ખરી વસ્તુ સ્થિતિનુ ભાન કરાવ્યું છે તે બદલ આપ પધારેલા મહાત્માઓનો આભાર માનું છું અને આશા રાખુ છું કે અમારી જ્ઞાતિમાં ગામેગામ ફરી આપની અમૃતમય વાણીથી આવી જ રીતે ઉપદેશ આપી કૃતાર્થ કરશો અને અમારી જ્ઞાતિને પીરાણા પંથ રૂપી કલંકથી મુક્ત કરશો એવી મારી અંતઃકરણ પુર્વકની ભાવના સાથે પ્રાર્થના કરું છું.

          મુંબઈથી પધારેલા ભાઈઓમાના ભાઈશ્રી રતનશી ખીમજી વિરાણીવાળા તેમજ મુરબ્બી શ્રી રાજારામ શામજી માનકુવાવાળાએ આ શુભ સમારંભને ઉજવવા પોતે આપેલા વચન અનુસાર એકાદ અઠવાડીઉં વહેલા પધારી કાર્ય કુશળતાથી છ દિવસ સુધી નિયમીત સભાઓ ભરી અસરકારક વિવેચન કરી ફેલાએ લીગેર સમજુતી દુર કરી અમો સર્વને સંતોષ કરાવ્યો છે એટલુ જ નહિ પણ મંડપ બાંધવાનું, વોલન્ટીઅર કોર ગોઠવવાનું તેમજ રસ્તાઓ શણગારવાનું તેમજ આવનારા જ્ઞાતિ બંધુઓના સ્વાગત કરવા વિગેરેમાં પહેલેથી છેવટ સુધી તન તોડ મહેનત કરી સાથ આપ્યો છે જે તેમની જ્ઞાતિ સુધારા પ્રત્યેની લાગણીનું પ્રત્યક્ષ પ્રમાણ જણાઈ આવે છે જેથી તેઓના હાર્દિક ધન્યવાદ આપુ છું અને વિનંતી કરુ છું કે આવી જ રીતે જ્ઞાતિ સુધારાના કામમાં હરહંમેશાં સાથ આપતા રહેશો અને જ્ઞાતિ ઉપર ચોટેલું કલંક મટાડવાની સફળ કોશીષ કરશો.

          તેમજ મુંબઈથી પધારેલા ભાઈશ્રી મેઘજી લખમશી, સવદાસ કાનજી નાકરાણી વિરાણીવાળા, તેમજ ઘાટકોપર યુવક મંડળના પ્રમુખ શ્રીયુત ભાઈશ્રી કરસનભાઈ ઉકેડા દેશલપરવાળા અને શીવજી મેઘજી ખેતાણી ત્યાં રામજી કાનજી પોકાર એ પધારી રતનશીભાઈના કાર્યને પુષ્ટિ આપી જ્ઞાતિ સુધારા પ્રત્યે ભાવ  બતાવી જ્ઞાતિની ઉજ્જવળ કીર્તિ નીહાળવા પધારી જ્ઞાતિ પ્રત્યે પ્રેમ પ્રદર્શીત કર્યો છે જેથી આપ સર્વેનો આભાર માનું છું.

          તેમજ કરાંચીથી જ્ઞાતિ સુધારક ભાઈઓએ સ્ટીમરનો વહેવાર બંધ થઈ ગયેલો હોવાથી જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં બદિના (સિંધ) થઈ રણ રસ્તેથી આવી સાથ આપ્યો છે અને સુધારકના ધ્યેય જાળવી રાખવાનો દાખલો બતાવી આપ્યો છે કે ગમે તેટલી મુશ્કેલી છતાં સખ્ત ગરમી તેમજ વાયરાના દિવસોમાં પણ રણ રસ્તેથી તકલીફ સહન કરી પધાર્યા છે તેથી તેઓને અંતઃકરણથી ધન્યવાદ આપી આભાર માનું છું અને સાથે પ્રાર્થના કરું છું કે ભવિષ્યમાં પણ જ્ઞાતિ અભ્યુદયના તેમજ સુધારાના કાર્યમાં આવીજ રીતે તન,મન અને ધનથી સાથ આપી બનતું કરશો એવી આશા રાખું છું.

          ત્રણે પાંચાડામાંથી જ્ઞાતિ ભાઈઓ જ્ઞાતિમાં થતા ધાર્મીક પરીવર્તનો પ્રત્યે માનની લાગણી ધરાવી આ શુભ સમારંભમાં પધારી ગંગા, યમુનાસરસ્વતીના સંગમરૂપે ત્રીવેણી ગંગાનું ઉત્તમ દૃષ્ટાંત આપી જ્ઞાતિ સુધારાના થતા કાર્યમાં સાથ આપી પધાર્યા છો. જેથી આપ ગંગાસ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ સમસ્તનો અમારા ગામ વતીથી ઉપકાર માનું છું અને આશા રાખું છું કે જ્ઞાતિ સુધારાના કામમાં હરહંમેશાં સાથ આપી જ્ઞાતિની ઉજ્જવળ કીર્તિ નિહાળવાનો સદ્‌ભાગ્ય બતાવવાની સફળ કોશીષો કરતા રહેશો.

          કુકમાવાળા મિસ્ત્રી જ્ઞાતિના ગ્રહસ્થોએ મહારાજશ્રી ઓધવદાસજી સાથે પધારી આપણી જ્ઞાતિની ઉજ્જવળ કીર્તિ નિહાળવા તેમજ આપણા ધાર્મિક વિચારો અને તેમાં થતા પરીવર્તનોનું નિરક્ષણ કરવા આવ્યા છે જેથી તેઓશ્રીનો આભાર માનું છું અને તેઓએ પણ જણાવ્યું છે કે તમારી જ્ઞાતિ પ્રત્યે જેવું અમે સાંભળીએ છીએ તેવું તો તમારામાં નથી અને મહારાજશ્રીના ઉપદેશથી પણ જાણ્યું  છે અને તેટલો સુધારો કરશો એટલે તમારી જ્ઞાતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાશે. જેથી પધારેલા મહાનુભાવોને કહું છું કે અમારા ધાર્મિક કે સામાજીક વિચારો પ્રત્યે ફેલાયેલી ગેરસમજુતી કે અતિશયોક્તિ ભરેલું વાતાવરણ પ્રસરેલું હોય તો તેવે ઠેકાણે અહીં સમારંભમાં જાણ્યા અને અનુભવ્યા પછી તમારા ટુંકા અનુભવ પ્રમાણે અમારી જ્ઞાતિ માટે યોગ અભિપ્રાય આપશો.

          વોલન્ટીઅર તરીકે જે જે યુવાન બંધુઓએ નામ નોંધાવી સેવક તરીકે જ્ઞાતિની સેવા કરવા વોલીન્ટીઅર કોરમાં જોડાયા છે અને રતનશીભાઈના સમજાવ્યા પ્રમાણે પોતાની ફરજનું યથાર્થ પાલન કર્યું છે અર્થાત્‌ તે પ્રમાણે ખડે પગે ઉભા રહી જ્ઞાતિ સેવાની ફરજ બજાવી રહ્યા છે અને તેઓમાંના કેપ્ટનોએ પોતાની જવાબદારી સમજી કુશળતા તેમજ ચતુરાઈથી શાંત વૃત્તિ તેમજ નમ્રતાથી પોતપોતાની ટુકડી સાથ સોંપવામાં આવેલ કાર્યને દિપાવ્યું છે જેથી તેઓ સર્વેને ધન્યવાદ આપું છું અને જ્ઞાતિ સેવા સેવક તરીકે આ રીતે થઈ શકે તેનો ઉત્તમ બોધપાઠ આપી દાખલો બેસાડ્યો છે.

          આ સ્થળે એક વાત ભુલી જવી ન જોઈએ કે ગામ શ્રી વિરાણીથી ભાઈશ્રી સગવણ લાલજી નાકરાણીની સરદારી નીચે નવ વોલન્ટીઅરની એક ટુકડી જ્ઞાતિ સેવા કરવા પોતાની ફરજ  સમજી આવેલ છે. એ તેઓની જ્ઞાતિ સેવા કરવાની ધગશ જણાઈ આવે છે જેથી જ્ઞાતિના દરેક યુવાન બંધુઓને વિનંતીપુર્વક  ભલામણ  કરું છું કે ભવિષ્યમાં આપણી જ્ઞાતિમાં આવા જ્ઞાતિ અભ્યુદયના મહાન શુભ સમારંભ થાય ત્યાં વોલન્ટીઅર તરીકે  આવી જ રીતે જ્ઞાતિ સેવા બજાવવા તૈયાર થાશો એવી મ્હારી આપ યુવાનો પ્રત્યે ભાવના છે. વિરાણીથી આવેલ વોલન્ટીઅર ટુકડીનો ધન્યવાદ સાથ આભાર માનું છું.

          ગામમાંથી અન્ય જ્ઞાતિના ગ્રહસ્થો તેમજ મહાજનવર્ગ અમારા જ્ઞાતિ ઉન્નતિના થતાં સમારંભ તરફ ભાવપૂર્વક પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી આભારી કર્યા છે. તેઓનો તથા મહેરબાન થાણદાર સાહેબ તેમજ આ સમારંભ પ્રત્યે ઉત્સાહથી પધારેલા રાજયના અધિકારી વર્ગનો આભાર માનું છું.

          તે સિવાય ગામના ત્રણે વાસવાળા જ્ઞાતિભાઈઓએ બહારગામથી તેમજ પરદેશથી પધારેલા ભાઈઓના સ્વાગત કરવામાં તેમજ રસોડાના કામમાં ખરી ખંતથી ઉત્સાહપુર્વક ભાગ લઈ ઝહેમત ઉઠાવી છે તે માટે આપ સર્વેને અંતઃકરણપુર્વક ધન્યવાદ આપુ છું. તેમજ અમો દંપતીને મંદિરના વાસ્તુ અને હવન તેમજ મુર્તિની પ્રતિષ્ઠા વિગેરેની ધાર્મિક ક્રિયા કરાવવાનું સદ્‌ભાગ્ય અમોને આપ ભાઈઓએ આપેલ જેથી અમારું અહોભાગ્ય માની આપ ભાઈઓનો ઉપકાર માનું છું.

          અંતમાં આપ પધારેલા જ્ઞાતિભાઈઓ સર્વેને વિનંતી કરું છું કે જેમ  અમારા ગામમાંથી પીરાણા— સતપંથ રૂપી પુછડાંને દુર કરી, આપણને કલંક રૂપ “ખાના” છે તે ને બદલે હિન્દુ જ્ઞાતિને શોભે તેવું ઉજ્જવળ હિન્દુ સનાતન ધર્મના સ્થંભરૂપ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવી મુર્તિની પ્રતિષ્ઠા કરાવી શિખરબંધ નિજ મંદિરમાં બિરાજમાન કરાવ્યા. તે પ્રમાણે આપ સર્વ ભાઈઓ પોતપોતાના ગામમાં હિન્દુ સનાતન ધર્મ પ્રમાણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવી અથવા ખાનાને મંદિરના સ્વરૂપમાં ફેરવી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા કરાવશો અને એવા  શુભ સમારંભ નજીકના ભવિષ્યમાં લાવવા પરમકૃપાળુ પરમાત્મા અમારા જ્ઞાતિભાઈઓને સદ્‌બુદ્ધિ આપે.

          આપના સ્વાગતમાં કંઈપણ ઉણપ કે ખામી આવી હોય તો આપ સાગર જેવું મોટું મન રાખી ક્ષમા કરશો.

ત્યારબાદ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના પ્રાણમુર્તિને મંદિરમાં પધરાવવાનુ મુહુર્તનો સમય થાતાં મંદિરના શિખર ઉપર ઈંડુ ચડાવવા, મંદિર ઉપર ધ્વજા ફરકાવવા, ત્રણ વખત આરતી ઉતરાવવા, લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણમુર્તિને નિજ મંદિરમાં પધરાવવા ચમર ઢળાવવા, છડી ઉપાડવા તેમજ ભગવાનને પ્રસાદ ધરાવવા વિગેર જુદી જુદી  ક્રિયા કરવા ઉપર જ્ઞાતિભાઈઓ પોત પોતાની ઈચ્છાનુસાર એક બીજાની બોલી ઉપર ચડાવા નાંખી નીચે પ્રમાણે ભાઈઓએ જુદી જુદી ક્રિયા પોતાના હસ્તથી કરાવી ભગવાનને ભેટ ધરી હતી.

૮૫૧)

કોરી પટેલ રામજી જેઠા સેંગાણી એજ નવાવાસવાળાએ મંદિર ઉપર ધ્વજા ચડાવવાની ક્રીયા પોતા તરફથી કરાવવા નિમિત્તે ભગવાનને ભેટ ધરી હતી.

૧૫૦૧)

કોરી પટેલ વેલજી ખીમજી દિવાણી (ખેતાણી) ગામશ્રી વિરાણીવાળાએ મંદિરના  શીખર ઉપર ઈંડુ ચડાવવાની ક્રીયા કરાવવા નિમિત્તે ભગવાનને ભેટ ધરી હતી હસ્તે ભાઈશ્રી રતનજી ખીમજી ખેતાણી.

૬૨૫)

કોરી પટેલ મનજી શીવજી કેશરાણી નખત્રાણાવાળાએ ભગવાનની મુર્તિને મંદિરમાં પધરાવવાની ક્રિયા પોતા તરફથી કરાવવવા નિમિત્તેભગવાનને ભેટ ધરી હતી. હસ્તે ભાઈશ્રી ભાણજી પચાંણ.

૧૦૦૧)

કોરી પટેલ હરજી પુંજા નાથાણી નખત્રાણાવાળા તથા તેમના ભાઈઓ ભેગા રહીને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પહેલી આરતી ઉતરાવવાની ક્રિયા પોતાના તરફથી કરવા નિમીત્તે ભેટ ધરી હતી.

૫૦૧)

કોરી ભાઈ શ્રી અબજી તથા મનજી પચાણ નાથાણી તરફથી.

૫૦૦)

કોરી ભાઈ શ્રી હરજી પુંજા નાથાણી તરફથી.  તે સિવાય મંદિરમાં ભગવાનની સેવા—પુજા કરનાર બ્રાહ્મણનો પગાર વરસ એકનો તથા સેવાને જે કંઈ ખર્ચ થાશે તે પટેલ હરજી પુંજા પોતા તરફથી અંગત આપવાનું કબુલ કરેલ છે.

૫૨૫)

કોરી પટેલ ગોપાલ લાલજી ભગત નખત્રાણાવાળાએ બીજી આરતી ઉતરાવવાની ક્રિયા પોતા તરફથી કરાવવા નિમિત્તે ભેટ ધરી હતી.

૫૦૧)

કોરી પટેલ કાનજી વીરજી સોમજીઆણી વિરાણીવાળાએ ત્રીજી આરતી ઉતરાવવાની ક્રિયા પોતા તરફથી કરાવવા નિમિત્તે ભેટ ધરી હતી. હા.ચી.ભાઈશ્રી સવદાસ કાનજી.

૬૦)

કોરી પટેલ રામજી કેશરા કમાણીએ જ નવાવાસવાળાએ ભગવાનને ચામર ઢળાવવાની ક્રીયા પોતાના તરફથી કરાવવા નિમિત્તે ભેટ ધરી હતી.

૨૫)

કોરી પટેલ સવદાસ ખેતા કેશરાણી નખત્રાણાવાળાએ ભગવાનની છડી ઉપાડવાની ક્રિયા પોતા તરફથી કરાવવા નિમિત્તે ભેટ ધરી હતી.

૧૦૧)

કોરી પટેલ ભાણજી જેઠા પોકાર નખત્રાણાવાળાએ ભગવાનને પોતાના તરફથી પ્રસાદ ધરાવવા નિમિત્તે ભેટ ધરી.

૧૦૦)

કોરી પટેલ રામજી કેશરા કમાણી તરફથી ભેટ બાબત જે પટેલ મનજી પચાણ કેશરાણીની ધર્મપત્નિ સૌભાગ્યવંતી બહેન રામબાઈએ હેમના વેડલા નંગ ૨ ભગવાનને ભેટ ધર્યા હતા તેના કોરી ૨૫૦) બસો પચાસમાં ચડાવો નાખી પોતે (ભાઈ રામજી કેશરા) રાખેલ તેની કીંમત આશરે કોરી ૧૫૦) એકસો પચાસ આંકવામાં આવી. જેથી એ વેડલા ભેટ ધરનાર બહેને રાખીને કોરી ૧૫૦) આપી અને વધારાની કોરી ૧૦૦ એકસો ભાઈ શ્રી રામજી કેશરાએ આપી તે.

૧૫૦)

કોરી પટેલ મનજી પચાણ નાથાણીની ધર્મપત્નિ બહેન રામભાઈએ હેમના વેડલા નંગ ૨ ભગવાનને ભેટ ધર્યા તેની કિંમત કોરી ૧૫૦ એકસો પચાસ આંકવામાં આવી તે કોરી આપીને વેડલા પોતે રાખ્યા તે ભેટ. વધુ વિગત ઉપર પ્રમાણે.

          તે સિવાય ગામ શ્રી નખત્રાણા બે વાસ માંહેના ઉગમણા જ્યોતિધામમાંથી આ મંદિરને જે રકમ આપવામાં આવી છે તે તથા આથમણાવાસવાળાઓ અને બહારગામથી જુદે જુદે સ્થળેથી પધારેલા જ્ઞાતિભાઈઓ તેમજ ગામના અન્ય જ્ઞાતિના ગ્રહસ્થો તરફથી ભગવાનને ધરેલી ભેટ સોગાદની નોંધ નીચે પ્રમાણે :—

 

{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}

કોરીઓ

ભેટ આપનારના નામ

નુખ

ગામ

૫૩૫૯

ગામશ્રી નખત્રાણાના જુના ઉગમણા જ્યોતિધામમાંથી ભાઈઓ સર્વેની સંમતિથી પુર્વ નિવાસમાં  લક્ષ્મીનારાયણનું મંદીર બાધવા માટે ભાગમાં હિસાબે આપી તે.

 

નખત્રાણા

૪૦૦

શ્રી નખત્રાણાના આથમણા વાસવાળા જ્યોતિધામમાંથીભેટ આપી તે.

   

૧૦૦

શ્રીયુત મુરબ્બિ શ્રી પોપટલાલભાઈ  શીવલાલભાઈ વરિષ્ઠ કોર્ટના આસિસ્ટન્ટ (જજ્જ)

 

ભુજ

૧૨૫

પટેલ રાજા સામજી

ધોળુ

માનકુવા

૨૫

મહારાજશ્રી ઓધવદાસજી તરફથી

 

ઈશ્વરનગર (વાંઢાય)

૫૦

પટેલ દેવજી લાલજી

ધનાણી

નખત્રાણા

૧૦

પટેલ વસરામ પુજા

જબુવાણી

નખત્રાણા

૧૫

સોની પ્રધાન લધા તથા ઓઘવજી મુળજી તથા વેલજી જેરામ તરફથી ચાંદીનો છત્ર તથા ગીતાજી

 

નખત્રાણા

૧૦૦

પટેલ વાલજી સવદાસ ભાયાત તરફથી

ડોસાણી

નખત્રાણા

૨૫

પટેલ પ્રેમજી ખીમજી

જબુવાણી

નખત્રાણા

૨૫।

પટેલ કાનજી રામજી

પારસીઆ

નખત્રાણા

પટેલ રતનશી લધા

રવાણી

નખત્રાણા

૨પ।

પટેલ પચાણ તથા કરસન પરબત

પારસીઆ

નખત્રાણા

૧૨૫

શ્રી નખત્રાણા કેશરાણી ભાયાતો તરફથી હા. ભાણજી પચાણ

કેસરાણી

નખત્રાણા

૧૦૦

ભાણજી પેથા સેંઘાણીના ધર્મપત્નિ વિધવા

સેંઘાણી

નખત્રાણા

૧૦૦

પટેલ કાનજી વીરજી

સેંઘાણી

નખત્રાણા

લુવાર રાધવજી ખીમજી

 

નખત્રાણા

પટેલ વાલજી ભાણજી

મેપાણી

નખત્રાણા

પટેલ કરસન મેઘજીના ધર્મપત્નિ તરફથી

સુરાણી

નખત્રાણા

૧૨૫

પટેલ ખીમજી શીવજી

રામાણી

નખત્રાણા

૫।

પટેલ નાનજી પચાણ

નાકરાણી

નખત્રાણા

પટેલ જસા ડોસાના ધર્મપત્નિ તરફથી

પોકાર

નખત્રાણા

૧૦।

પટેલ વેલજી રૂડા

દાનાણી

નખત્રાણા

૧।

પટેલ ભાણજી જીવરાજના ધર્મપત્નિ તરફથી

સેંઘાણી

નખત્રાણા

૧।

પટેલ ભાણજી જીવરાજના માતુશ્રી તરફથી

સેંઘાણી

નખત્રાણા

વકીલ વાલજીભાઈ ગોકુલદાસ

દાવડા

નખત્રાણા

ભાણજી જેઠા કલ્યાણપુરવાળા

 

નખત્રાણા

૨૫।

મનજી મુલજી

પોકાર

નખત્રાણા

૨૦૦

વાલજી સવદાસ

ડોસાણી

નખત્રાણા

૧૨૫

નાનજી પુજા

કેસરાણી

નખત્રાણા

૧૦

લધા વીરજી

સેંઘાણી

નખત્રાણા

૧૦૧

રતનશી તથા ખેતા ગોપાલ તથા ધનજી પેથા

કેસરાણી

નખત્રાણા

ઠા. નારાણ રતનશી

 

નખત્રાણા

મહેતા વીરજી જેતશી

 

નખત્રાણા

મહેતા ટોકરશી તેજશી

 

નખત્રાણા

૨૨૫।

પટેલ રામજી કેસરા

કમાણી

નખત્રાણા

૨૫

પટેલ નાનજી કેસરા

કમાણી

નખત્રાણા

૧૦

પટેલ મુળજી જીવરાજ

નાકરાણી

નખત્રાણા

સોની માવજી વેલજી

 

નખત્રાણા

૧૦

વસરામ  પુજા

જબુવાણી

નખત્રાણા

૧૦૦

પટેલ રામજી કેસરા અંગત

કમાણી

નખત્રાણા

૨૫

પટેલ વીરજી ખેતા

કમાણી

નખત્રાણા

૨૫

પટેલ ધનજી રતના

મેપાણી

નખત્રાણા

૨૫

પટેલ દાયા રતના

મેપાણી

નખત્રાણા

પટેલ પરબત કરસનની માતાજી કુંવરબાઈ

કમાણી

નખત્રાણા

૧૨૫

પટેલ પુજા ધનજી

નાકરાણી

નખત્રાણા

૧૦

પટેલ પચાણ ખેતા

કમાણી

નખત્રાણા

પટેલ કાનજી ઉકેડા

કમાણી

નખત્રાણા

૨૦૦

પટેલ વીસરામ તથા જેઠા તથા સવદાસ તથા નાનજી અરજણ ભાદાણી

ભાદાણી

નખત્રાણા

૧૦૧

પટેલ જેઠા અરજણ ભાદાણીની કુાં.

ભાદાણી

નખત્રાણા

૪૮

પટેલ મુખી વાલજી વસરામની કા.

ભાદાણી

નખત્રાણા

૧૧।

પટેલ ભીમજી કરસન

પાચાણી

નખત્રાણા

પટેલ કરસન માંનણ

વાસાણી

નખત્રાણા

પટેલ વાલજી માંનણ

વાસાણી

નખત્રાણા

પટેલ હંસરાજ કાનજી

વાસાણી

નખત્રાણા

૨૫

પટેલ રામજી હંસરાજ હા. સોની માવજી વેલજી

મેપાણી

નખત્રાણા

સુતાર વાલજી રણછોડ

 

નખત્રાણા

૧૦

પટેલ માવજી પુજા તથા રામાયાણ ભાગ ૧—૨

જબુવાણી

નખત્રાણા

૨૫

પટેલ મુલજી મેઘજી ભગત

 

નખત્રાણા

૫)૧॥

અબજી મનજી

સેંઘાણી

નખત્રાણા

૧૦।

ભાણજી જીવરાજ

સેંઘાણી

નખત્રાણા

લધા ઉકેડા

કેસરાણી

નખત્રાણા

૦॥

વીધવા બહેન જસુભાઈ

 

નખત્રાણા

૨૫

પટેલ  સીવજી વીસરામ તથા કરમસી કચરા તથા હંસરાજ તથા કાનજી લધા તથા દેવસી વાલજી

 

નખત્રાણા

રામજી જસા

વાલજીઆણી

નખત્રાણા

ચવાણ પેથુ દેસુજી

 

નખત્રાણા

૧૫

રબાવી ગગુ સીવજી તથા તેઓના ભાઈઓ સર્વે મળીને

 

નખત્રાણા

પટેલ પુંજા માના

 

નખત્રાણા

પટેલ હંસરાજ લખુ

રૂડાણી

નખત્રાણા

પટેલ પરબત કરસન

કમાણી

નખત્રાણા

પટેલ મનજી વીસરામ

નાકરાણી

નખત્રાણા

પટેલ વીરજી સોમજી

નાકરાણી

નખત્રાણા

પટેલ નથુ નાનજી

ગોગારી

નખત્રાણા

૧૦

પટેલ ધનજી વીસરામ

નાકરાણી

નખત્રાણા

પટેલ  ગોપાળ દેવજી

કેસરાણી

નખત્રાણા

૧૩

પટેલ ઉકેડા નાથા

રવાણી

નખત્રાણા

પટેલ દેવસી સોમજી

દાનાણી

નખત્રાણા

દરજી નથુ હધુ

 

નખત્રાણા

પટેલ સીવજી ખીમજી

પાંચાણી

નખત્રાણા

૨૦।

પટેલ ખેતા વાલજી

ધનાણી

નખત્રાણા

ઠા. ચત્રભુજ ભાગચંદ

 

નખત્રાણા

ઠા. કરસનદાસ ખીમજી

 

નખત્રાણા

પટેલ કાનજી પચાણ

જબુવાણી

નખત્રાણા

ગોપાલ દેવજી

કેસરાણી

નખત્રાણા

ઠા. હંસરાજ ટોપણ

 

નખત્રાણા

ઠા. કરસનદાસ રતનશી

 

નખત્રાણા

રબારી મુરા નાના

 

નખત્રાણા

રબારી કરણા જીવણ

 

નખત્રાણા

શેઠ પરસોત્તમ શામજી

 

નખત્રાણા

૨૫

રા. વીસરામભાઈ જાદવજી

 

નખત્રાણા

રા.રા.ભવાનજીભાઈ ધ્રુ

 

નખત્રાણા

રા. ભવાનજી કારકુન

 

નખત્રાણા

૨૫।

પટેલ વસ્તા જેઠા

સેંઘાણી

નખત્રાણા

રબારી ખેતા નથુ

 

નખત્રાણા

૧૦

પટેલ કરસન ખેતા

પોકાર

નખત્રાણા

બાઈ  રામબાઈ  મેપાણીવાળા

મેપાણી

નખત્રાણા

રતના કરસન

ચૌધરી

નખત્રાણા

મેઘજી રામજી

ચૌધરી

નખત્રાણા

૫૦

ગામશ્રી વિથોણની નાત તરફથી હ.મેઘજી લખુ

 

વિથોણ

૧।

પટેલ જેઠા નાનજી

 

વિથોણ

કેસરા ભીમજી

પદમાણી

વિથોણ

કેસરા સામજી અખઇ

ભોજાણી

વિથોણ

કેસરા ખેતાભાઈ વિશ્રામ

રૂડાણી

વિથોણ

કેસરા રામજી નાઈઆ

 

ઉખેડા

૧૦

કેસરા રામજી લાલજી

 

ગઢશીસા

કેસરા ભીમજી ગોપાલ

 

આણંદસર

૫૨

ગામશ્રી લુડવાવાળા ભાઈઓ તરફથી  હા. પટેલ રવજી લાલજી

 

લુડવા

૨૫।

મુખી કાનજી વીરજી

 

લુડવા

પટેલ જેઠા મેઘજી

સેંઘાણી

લુડવા

૧૦

ગામ શ્રી સાંગનારા તરફથી હ. દેવસી શીવજી

 

સાંગનારા

૨૫।

ગામ શ્રી વેરસલપર તરફથી હ. કાનજી નથુ

 

વેરસલપર

૨૫।

પટેલ કાનજી નથુ અંગત

 

વેરસલપર

૨૫

પટેલ કરસન ઉકેડા

 

દેશલપર

બાઈ ગંગાબાઈ

 

દેશલપર

૩૨૫

પટેલ મેઘજી લખમશી

પાંચાણી

વીરાણી

પટેલ રામજી દેવશી

અખિયાણી

વીરાણી

૨૫।

પટેલ ગોવા  મનજી

પોકાર

વીરાણી

૫।

પટેલ રઈયા લાલજી

કાનાણી

વીરાણી

૫।

પટેલ શીવગણ પુંજા

પોકાર

વીરાણી

૨૮

ગામ શ્રી વીરાણી જ્યોતિધામ મંદિરના ઉત્સાહી યુવકો તરફથી પટેલ જેઠા વાલજી હસ્તક

 

વીરાણી

૧૦

પચાણ પ્રેમજી

ધનાણી

વીરાણી

૧૦૧

પટેલ મુળજી સવદાસની કા. તરફથી કલકત્તાથી

 

વીરાણી

પટેલ પચાણ કરમશી

સોમજીઆણી

વીરાણી

૧૫

પટેલ ભીમજી પ્રેમજી

સોમજીઆણી

વીરાણી

બહેન ભચીબાઈ

ભાદાણી

વીરાણી

પટેલ દેવશી જેઠા

ભાદાણી

વીરાણી

૦॥

બહેન ભચીભાઈ

 

વીરાણી

પટેલ નારાણ વીરજી

છાભૈયા

વીરાણી

૦॥

બહેન રતનબાઈ

 

વીરાણી

૨૫

પટેલ માવજી  પચાણ

બાથાણી

વીરાણી

૧૦

પટેલ પચાણ રૂડા

માનાણી

વીરાણી

પટેલ વીરજી રૂડા

માનાણી

વીરાણી

પટેલ કરસન દેવશી

બાથાણી

વીરાણી

પટેલ પાંચા શીવજી

બાથાણી

વિરાણી

પટેલ ખીમજી હીરજી

માનાણી

વિરાણી

પટેલ નાનજી લખમશી

નાકરાણી

વિરાણી

પટેલ દેવશી ડાયા હા. તેમના માતુશ્રી કાનબાઈ

 

વિરાણી

પટેલ ખેતા રામજી

બાથાણી

વિરાણી

પટેલ ગોપાળ રામજી

બાથાણી

વિરાણી

પટેલ જેઠા રામજી

બાથાણી

વિરાણી

પટેલ હીરજી રૂડાના ધર્મપત્નિ તરફથી

સોમજીઆણી

વિરાણી

૧૦

પટેલ કચરા કેસરા

ગોગારી

વિરાણી

પટેલ મેઘજી રામજી

સોમજીઆણી

વિરાણી

૧૦

પટેલ રઈયા નારણ

નાયાણી

વિરાણી

પટેલ  ગોપાલ માવજી

બાથાણી

વિરાણી

પટેલ રામજી હરજી

બાથાણી

વિરાણી

પટેલ પચાણ દેવશી

ધનાણી

વિરાણી

પટેલ હંસરાજ કાનજી

માનાણી

વિરાણી

પટેલ લધા નાનજી

નાકરાણી

વિરાણી

પટેલ કરસન માના

ખેતાણી

વિરાણી

૧૦૫

ગામ શ્રી  વીરાણીના લક્ષ્મીનારાયણના મંદિર તરફથી

 

વિરાણી

પટેલ વિશ્રામ રાજા

નાકરાણી

વિરાણી

પટેલ  લાલજી શીવજી

નાકરાણી

વિરાણી

૨॥

પટેલ વીસરામ શીવજી

નાકરાણી

વિરાણી

પટેલ વાલજી શવદાસ

 

વિરાણી

૨।

પટેલ કાનજી ભાણજી

 

વિરાણી

પટેલ વાલજી હરભમ

 

વિરાણી

પટેલ અબજી કરમશી

 

વિરાણી

પટેલ મેઘજી માવજી તથા મનજી જેઠા

 

વિરાણી

પટેલ રામજી સોમજી

 

વિરાણી

૧૦

પટેલ ભીમજી પ્રેમજી

 

વિરાણી

પટેલ અરજણ પબા

 

વિરાણી

પટેલ નાનજી રામજી

 

વિરાણી

પટેલ નારાણ સીવજી

 

વિરાણી

પટેલ મેગજી રામજી

 

વિરાણી

પટેલ સીવજી રામજી

 

વિરાણી

પટેલ શીવગણ ખીમા

 

વિરાણી

પટેલ કરસન ખેતા

 

વિરાણી

પટેલ પેથા ખીમા

 

વિરાણી

પટેલ લધા કાનજી

 

વિરાણી

પટેલ કરમશી માવજી

 

વિરાણી

પટેલ લાલજી અરજણ

 

વિરાણી

૨।

પટેલ વેલજી મનજી

 

વિરાણી

પટેલ વેલજી જીવા

 

વિરાણી

૨।

પટેલ પ્રેમજી હરજી

 

વિરાણી

પટેલ મેઘજી કચરા

 

વિરાણી

પટેલ દેવશી નાંઈયા

 

વિરાણી

પટેલ શીવજી અખઈ

 

વિરાણી

પટેલ દેવશી  તથા દાના શીવદાસ

 

વિરાણી

પટેલ પચાણ કાનજી

અખિયાણી

વિરાણી

પટેલ ખેતા પ્રેમજી

 

વિરાણી

પટેલ કરસન કાનજી

 

વિરાણી

૫।

પટેલ ખેતા ગોપાળ

 

વિરાણી

પટેલ કરસન રામજી

 

વિરાણી

૫।

પટેલ મેઘજી લખુ

ખેતાણી

વિરાણી

૧૫।

પટેલ  પચાણ લધા

નાયાણી

વિરાણી

૧૦

પટેલ મુળજી કરમશી

 

વિરાણી

પટેલ દેવશી રામજી

 

વિરાણી

પટેલ વીરજી કરસન

 

વિરાણી

૭।

પટેલ જેઠા પાંચા

 

વિરાણી

૧૦।

પટેલ પ્રેમજી મનજી

 

વિરાણી

૧૨।

પટેલ માવજી પરબત

 

વિરાણી

૫।

પટેલ પચાણ લધા

વાગાણી

વિરાણી

૫।

પટેલ રતના હીરજી  મુખી

 

વિરાણી

૩૫।

પટેલ કચરા મનજી

ચોપડા

અંગીઆ

૨॥

સથવાળા પ્રેમજી ભીમજી

 

અંગીઆ

સોની વેલજી હરીરામ

 

અંગીઆ

પટેલ કાનજી ભીમજી

ચોપડા

અંગીઆ

પટેલ સવજી અરજણ

શીવજીઆણી

અંગીઆ

૪૦

પટેલ  હીરજી ભીમજી કેસરાણી અંગીઆથી આવેલા ભાઈઓ તરફથી

 

અંગીઆ

પટેલ લાલજી નારાણ

ડાયાણી

 

પટેલ રતના  વીરજી

સેંઘાણી

કોટડા જડોદર

બાઈ મગબાઈ રતનસી

 

કોટડા જડોદર

૧૮૧।

ગામ શ્રી કોટડા જડોદરવાળા તથા ખાનપુરના ભાઈઓ તરફથી આવેલ ભેટ

 

કોટડા જડોદર

૧૦૧

પટેલ કેસરા હંસરાજ

લીંબાણી

કોટડા જડોદર

૧૦।

પટેલ રામજી ધનજી

નાકરાણી

કોટડા જડોદર

પટેલ કાનજી મેઘજી

વેલાણી

કોટડા જડોદર

માતૃશ્રી કાનબાઈ

 

કોટડા જડોદર

માતૃશ્રી લાલબાઈ

 

કોટડા જડોદર

મુખી  નાથા પુંજા

 

કોટડા જડોદર

પટેલ જેઠા પરબત

છાભૈયા

કોટડા જડોદર

પટેલ  પેથાભાઈ (પ્રભુદાસ) લાલજી

પોકાર

કોટડા જડોદર

પટેલ રામજી કાનજી

નાકરાણી

કોટડા જડોદર

પટેલ વિશ્રામ નાનજી

ચૌધરી

મથલ

પટેલ  ધનજી પેથા

 

ખીરસરા

પટેલ શીવજી પેથા

 

દરશડી

૧૦

પટેલ ગોપાલ કચરા

છભાણી

મઉવાલા

૧૦

પટેલ રામજી કાનજી

પોકાર

મઉવાલા

પટેલ લાલજી ભીમજી

 

કલ્યાણપર

પટેલ કાનજી ખીમજી

વેલાણી

ભારાપર

૧।

પટેલ કેસરા ખીમા

સેંઘાણી

ભારાપર—દખણાદી

૨૦

પટેલ માવજી નાનજી તથા સગવણ રામજી તથા હીરજી મનજી તથા કરમશી કરસન

 

નાગલપર

૧૩

ગામ શ્રી નાગલપરના  ચાર સુધારક ભાઈઓ  તરફથી

 

નાગલપર

૨૫।

પટેલ જેઠા નથુ

નાકરાણી

દેવીસર

પટેલ હરજી નથુ

છાભૈયા

દેવીસર

૧૧૦

ગામ શ્રી દેવીસર  તરફથી હા માવજી વીરજી

 

દેવીસર

૫૦

પટેલ માવજી વીરજી એન્ડ કા. તરફથી

 

દેવીસર

પટેલ શીવગણ ગોપાળ

 

દેવીસર

૦।

રબારી હીરા  ભારા

 

દેવીસર

પટેલ ખેતા દાના

છાભૈયા

દેવીસર

૨૫।

પટેલ જીવરાજ હીરજી

ઉકાણી

માનકુવા

૨૧।

પટેલ જીવરાજ વસ્તા

લીંબાણી

માનકુવા

૧૦

પટેલ વસ્તા પુજા

વાડીઆ

માનકુવા

૨૫

મિસ્ત્રી ઘેલા પ્રેમજી

 

કુકમા

૨૫

મિસ્ત્રી પ્રેમજી પાંચા

 

કુકમા

૨૫

મિસ્ત્રી મેઘજી વીરા

 

કુકમા

૨૫

મિસ્ત્રી  રૂપા વીરા

 

કુકમા

૫।

પટેલ રતના કાનજી

 

તલવાણા

૧૫

પટેલ રતનસી ડુંગરશી

 

તેરાવાલા

૫૧।

શ્રી ગામ કોડાય તરફથી હા. મુખી વિશ્રામ મેઘજી

 

કોડાય

૨૫।

પટેલ અરજણ ગોપાળ

 

દુર્ગાપુરાવાળા

૧૫૧

ગામ શ્રી રામપુર  (રોહાવાળી) તરફથી

 

રામપુર

૫।

પટેલ માવજી  જેઠા

ધોળુ

સુખપર

પટેલ લધા જેઠા

છાભૈયા

ભડલી

પટેલ કરસન હંસરાજ તથા લધા વસ્તા

ભાદાણી

મંગવાણા

૨॥।

પટેલ રામજી વાલજી

નાકરાણી

સાંયરા

પટેલ હંસરાજ ખીમજી

હળપાણી

સાંયરા

પટેલ દેવજી ખીમજી

નાકરાણી

સાંયરા

૧।

પટેલ સામજી વીરજી

લીંબાણી

દેવપર

પટેલ કરસન ખેતા

નાયાણી

દેવપર

પટેલ પેથા નાનજી જણ ૩)

રૂડાણી

પલીવાડ

૨૫॥

ગામ શ્રી દેશલપર ઉગમણીમાંથી આવેલા ભાઈઓ તરફથી હા. પટેલ મનજી પેથા

માકાણી

દેશલપર ઉગમણા

પટેલ કરસન નથુ

લીંબાણી

પટેલ ખેતા અબજી

દાનાણી

વિભાપર

૧૫

ગામ શ્રી કોટડા (રેહા)વાળા ભાઈઓ તરફથી હા. મુખી વીરજી તથા જીવરાજ નાગજી

 

કોટડા (રેહા)

પટેલ માવજી લાલજી

ધોળુ

ખેડોઈ

પટેલ હરજી શીવજી

વાસાણી

ખોંભડી

૨૫

ગામ શ્રી જતાવીરા  તરફથી હા.પરબત કરમસી

 

જતાવીરા

પટેલ ઉકેડા ડાયા મુખી

 

અરલ

પટેલ લાલજી રામજી

 

આંબાળા

પટેલ શીવજી મનજી ભગત

 

આણંદપર

પટેલ ભીમજી લધા ભગત

 

ખોંભડી

પટેલ રામજી લધા                                     

 છાભૈયા

થરાવડા(ઉગમણા)

પટેલ મનજી મેઘજી

 

લક્ષ્મીપર

૧૦

લુવાર દેવજી સુરજી

 

નેત્રા

૨૦

ગામ  શ્રી નારાણપર તરફથી હા. ધનજી માના તથા વાલજી સોમજી

 

નારાણપર

૨૫।

કરાંચી કચ્છ કડવા પાટીદાર સેવા મંડળ તરફથી હા. દેવશી રામજી કોટડા (રેહા)

 

કરાંચી

બાઈ ભચીભાઈ હંસરાજ

મેપાણી

કરાંચી

૨૫।

ગામ શ્રી  તળાવ  ટીંબા તરફથી હા. નથુભાઈ નાગજી (ગુજરાત)

 

તળાવટીમ્બા

૫૧

ગામ શ્રી કેશરપુરા (બોયડી ટીંબા) તરફથી  (ગુજરાત)

 

કેશરપુરા

એક ગૃહસ્થ તરફથી

   

૨૫

એક ગૃહસ્થ તરફથી

   

 

રૂપીયા

ભેટ આપનારના નામ

નુખ

ગામ

૩૮

નાગપુરવાળા જ્ઞાતિ ભાઈઓ તરફથી

 

નાગપુર

૨૫

બલારાવાળા જ્ઞાતિ ભાઈઓ તરફથી  હા. માવજીભાઈ

   

પટેલ રામજીભાઈ ધનજીભાઈ

રંગાણી

કલ્યાણપર

પટેલ વીસરામ મેઘજી

ભગત

નખત્રાણા

પટેલ વાલજી કેશરા—મીરપુરખાસથી (સીંધ)

 

વિથોણ

પટેલ વિસરામ  કેશરાએ કંપા તરફથી મોકલાવેલ.

 

વિજયનગર (ખડોલ) કંપા

પટેલ લાલજી ભાણજીએ કરાંચીથી મોકલાવેલ

બાથાણી

વિરાણી

૫।

ગુજરાત—અદલપુરા કંપા તરફથી હસ્તે મુલજી મેઘજી ભગત

 

અદલપુરાકંપા (તા.મોડાસા)

૧।

ગુજરાત—સાબેડી કંપા તરફથી

 

સાબેડી કંપા

૧।

ગુજરાત—રામસી કંપા તરફથી

     

રામસીકંપા —બાયડ

૧।

ગુજરાત—સયડીકંપા તરફથી

    

સયડીકંપા—બાયડ

 

          એવી રીતે નખત્રાણા ગામના જુના જ્યોતિધામ  મંદિરમાંથી કોરી ૫૩૫૯ અને પૃષ્ઠ ૬૮ માં લખ્યા પ્રમાણે મુર્તીની પ્રાણ  પ્રતિષ્ઠા સમયે મંદિર ઉપર ધ્વજા, કળશ ચડાવવા વિગેરે ની જુદી જુદી ક્રીયા કરાવવા નિમિત્તે અપાયેલ ભેટની કોરી ૫૪૪૦ અને તે સિવાય નખત્રાણા તેમજ સ્થાનિક ભાઈઓ અને બહારગામ તેમજ પરદેશથી આવનાર જ્ઞાતિભાઈઓ તેમજ કલકત્તા વિગેરે સ્થળથી તાર મારફત ખબર આપનાર ભાઈઓ તેમજ ગામના અન્ય જ્ઞાતિના ગ્રહસ્થો તેમજ મહાશયોએ ભગવાનને ભેટ ધરેલી કોરી ૫૬૭૮) ૧॥ અને બાકી રૂા.૯૦ પરદેશથી જુદેજુદે ઠેકાણેથી આવેલા તેની રૂપિયા એકની કોરી ૪॥। લેખે કોરી ૪૨૭॥ થઈ તે સર્વે મળી કુલ કોરી ૧૬૯૦૪॥ ૧॥ અંકે કોરી સોળ હજાર નવસો સાડીચાર અને છુટો દોઢ મંદિરમાં ભગવાનને ભેટ સોગાદ ધરી  હતી  જેનો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયધ્વની સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

          ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રાણમૂર્તિને મંદિરમાં પધરાવવા સમયે બહેનોનાં સુંદર ગીત અને પુરૂષ વર્ગના ભજન કીર્તન  તેમજ ઢોલ નગારા ઝાલર શરણાઈના  સુંદર નાદથી દ્રશ્યમાં ઓર વધારો થઈ રહ્યો હતો.

          મૂર્તિને મંદિરમાં બિરાજમાન કર્યા પછી પધારેલા સર્વ કોઈ જ્ઞાતિભાઈઓ બહેનો તેમજ સજ્જનોએ ભાવભીના હૃદયે દર્શન કર્યા અને પ્રદક્ષીણા ફરી પોતાને કૃતાર્થ થયેલા માનતા હતા કે ધન્ય આજનો દિવસ અને ધન્ય જ્ઞાતિના ભાગ્ય કે ધાર્મિક વિચારોમાં જ્ઞાતિ સાથે ખાવાપીવાનો વહેવાર રાખી પરીવર્તન કર્યું અને  સનાતન ધર્મના સિદ્ધાંતાનુસાર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બંધાવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી. ત્રણ પાચાડા રૂપી ત્રિવેણીગંગાના સંગમ કરાવ્યાનું ભાગ્ય પ્રાપ્ત થયું અને પીરાણા પંથ રૂપી કલંકને પોતાના ગામમાંથી સદાને માટે તિલાંજલી આપી દીધી અને ભવિષ્યમાં જ્ઞાતિમાંથી એ કલંક નાબુદ થઈ જાય એમ સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા. એ રીતે એ શુભ સમારંભમાં જ્ઞાતિભાઈઓએ એક રસોડે ભેગા બેસી જમવાનો ધ્યેય જાળવી રાખ્યો હતો અને ત્રણ પાંચડારૂપી ત્રિવેણી ગંગાનાં વચનામૃત જેવાં વહેતાં ઝરણામાં શુદ્ધ તેમજ નિર્મળ અંતઃકરણથી શ્રવણ કરી પવિત્ર થયા અને પોતપોતાના ગામમાં આવી રીતે ધાર્મિક સુધારો દાખલ કરવાનો ઉત્સાહ બતાવ્યા બાદ સૌ કોઈ વિખરાયા હતા. પરમકૃપાળુ પરમાત્મા અમારા જ્ઞાતિભાઈઓ તેમજ બહેનોને પોતપોતાના ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિર બંધાવવાની સદ્‌બુદ્ધિ અર્પે એજ અમારી આંતરીક ભાવના છે.

 

          કચ્છ—નખત્રાણા ના પૂર્વનિવાસમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભમાં જ્ઞાતિ સેવા કરવા માટે ઉત્સાહી યુવાનોએ વ્યવસ્થીત રીતે બંધારણપૂર્વક વોલીન્ટીઅર કોરમાં જોડાયા હતા તેઓના નામવારની સંખ્યા.                   

         

કેપ્ટન

૧  નથુ નાનજી કેશરાણી  નખત્રાણા 

૨  ગોપાલ લાલજી ભગત — નખત્રાણા 

૩  શવગણ લાલજી નાકરાણી — વિરાણી 

૪  શીવજી મેઘજી  ખેતાણી — વિરાણી 

૫  રામજી કાનજી — ઘાટકોપર 

૬  દેવજી મુળજી દેશલપરવાળા 

 

વોલન્ટીઅર

૧  અબજી રામજી સેંગાણી 

૨  મનજી મુળજી પોકાર 

૩  પરબત ભાણજી સેંગાણી 

૪  ગોવિંદ અબજી નાથાણી 

૫  નારાણ પરબત મેપાણી 

૬  માવજી મનજી કેશરાણી 

૭  નારાણ કાનજી કેશરાણી 

૮  ડાયા રતના ધનાણી 

૯  રૂડા મનજી નાથાણી 

૧૦  પચાણ દેવશી સેંગાણી   ગામ શ્રી વિરાણી મોટીવાળા

૧૧  પચાણ દેવશી નાકરાણી 

૧૨  લઘા પરબત જબુવાણી 

૧૩  ગોપાલ કચરા ધનાણી 

૧૪  માવજી ઉકેડા રવાણી 

૧૫  કરમશી મનજી નાકરાણી 

૧૬  રૈયા રામજી કમાણી 

૧૭  દેવશી રામજી કમાણી 

૧૮  રૈયા રત્ના પટેલ 

૧૯  હંસરાજ મુળજી કેશરાણી 

૨૦  માવજી અખઈ કેશરાણી

૨૧  પ્રેમજી પરબત વાસાણી

૨૨ પ્રેમજી દેવશી નાકરાણી

૨૩  કાનજી રત્ના ભગત

૨૪  હીરજી મેઘજી ભગત

૨૫  કરસન પચાણ નાથાણી

૨૬  શીવજી હંસરાજ સેંગાણી

૨૭  ખીમજી ભીમજી પાંચાણી

૨૮  અબજી ભાણજી પાંચાણી

૨૯  નારાણ ડાયાણી

૩૦  દેવશી જેઠા સેંગાણી

૩૧  પુંજા શીવજી પાંચાણી

૩૨  રતના શીવજી સાંખલા

૩૩ પ્રેમજી રતના કેશરાણી

૩૪ લાલજી કચરા ગઢશીશા

૩૫  પેથા (પ્રભુદાસ) લાલજી પોકાર

૩૬  ખીમજી દેવશી નાકરાણી

૩૭  રામજી ભીમજી નાકરાણી

૩૮  કરસન માના નાકરાણી

૩૯  કરસન અરજણ  ભાણજીઆણી

૪૦  જેઠા દેવશી તેજાણી

૪૧  હરજી મેઘજી અખિયાણી

૪૨ લઘા હરજી નાકરાણી

૪૩ માવજી લાલજી ખેતાણી

૪૪  માવજી જેઠા વાઘાણી

           સંવત ૧૯૯૩ના માસ વૈશાખી સુદી ૧૧ {VSAK: 05-Jun-1937} ની રાત્રે અગ્નિ સંસ્કાર માટે જોઇતા લાકડા સારૂ ફંડ એકઠું કરવામાં આવ્યું હતું જેમાં કોરી ૪૭૧॥। અંકે ચારસો પોણા બોતેર કોરી થઇ હતી

          એ રીતે અગ્નિસંસ્કારના રિવાજ ચાલુ કરવા માટે વ્યવસ્થિત ફંડમાં બહારગામથી આવેલા મહેમાનો વિખેરાઇ ગયા બાદ ગામના ભાઇઓ તેમજ મુંબઇ કરાંચીથી આવેલમાના કેટલાક ભાઇઓ હાજર હતા તેઓએ ફંડમાં પોતાની ઇચ્છાનુકુળ રકમ ભરી હતી.

પ્રસિદ્ધ કર્તા 

ગુજરાત—મગનપુરા કંપામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની

ઉદ્‌ઘાટન ક્રિયાના કામકાજની આછી રૂપરેખા

          પ્રભુ પ્રભુના કામો કર્યે જાય છે મનુષ્ય માત્ર નિમિત છે જ્યારથી આપણામાં સુધારક પ્રવૃત્તી શરૂ થઈ ત્યારથી કુદરતે અનુકરણ વાતાવરણ ઉત્પન્ન કર્યું. સુધારાની ચળવળ શરૂ થતાં કેટલાંક વરસો પછી ગુજરાત—કેશરપુરા (બોયડી ટીમ્બા)માં શા. ૧૯૮૪ ના માસ શ્રાવણ સુદી ૧૧ {VSK: 26-Aug-1928} ના શુભ દિવસે બંધાવેલ મંદિરમાં ભગવાનશ્રી લક્ષ્મીનારાયણની મુર્તિની પ્રતિષ્ઠા ત્યાંના સ્થાનિક ભાઈઓની સંપસલાહથી કરાવેલી. ત્યારબાદ ચાલુ સાલમાં માધવ કંપામાં વીર સુધારકોએ અનેક વિઘ્નો સહન કરી ધર્મની જગ્યામાં શ્રી ભગવાનની સ્થાપના કરી.

          દરમ્યાન વડાગામ તાબે મગનપુરા કંપામાં મંદિરનો હોલ તૈયાર કરી રાખેલ તેમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તીની પ્રતિષ્ઠા કરાવવાની ઈચ્છા થઈ. પરીણામે ત્યાંના સ્થાનીક ભાઈઓની સંપસલાહથી વિક્રમ સંવત ૧૯૯૩ ના માસ વૈશાખ વદી ૧૧ {VSAK: 05-Jun-1937} નો પ્રતિષ્ઠા કરાવવાનો દીવસ નક્કી કર્યો  અને આમંત્રણ પત્રીકા જ્ઞાતિભાઈઓને  ઠેકઠેકાણે પહોંચાડવામાં આવી.

          શ્રીયુત મુરબ્બી શ્રી રાજારામ સામજી કે જેઓ તે અરસામાં માનકુવા હતા ત્યાં તેઓશ્રીને તારથી ખબર આપવામાં આવી જેથી તેઓશ્રી સહકુટુંબ વૈશાખ વદી ૯ {VSAK: 03-Jun-1937} ના બપોરે પહોંચી આવ્યા અને શ્રીયુત ભાઈશ્રી રતનશી ખીમજી જેઓ નખત્રાણા મિંદરની ઉદ્‌ઘાટન ક્રિયાની પૂર્ણાહુતી બાદ મુંબઈ—ઘાટકોપર ગયેલા તેઓશ્રીને ત્યાં તારથી ખબર આપી અને ઉત્સવમાં પધારવા વિનંતી કરવામાં આવી હતી. તેઓશ્રી તો એવા શુભ આમંત્રણની રાહ જોઈને જ બેઠા હોય છે અને એવા જ્ઞાતિ અભ્યુદયના કાર્યમાં સાથ આપવાનો તેમજ ભાગ લેવાનો મનોભાવ છે જ. જેથી તેઓશ્રી તેમજ ઘાટકોપર મંડળના જોઈન્ટ સેક્રેટરી શ્રીયુત ભાઈશ્રી મુળજીભાઈ શીવજીભાઈ ખોંભડીવાળા તથા મજકુર મંડળના કાર્યવાહક ભાઈશ્રી મુળજીભાઈ નથુભાઈ દેશલપરવાળા સંગાથે વૈશાખ વદ ૧૦ {VSAK: 04-Jun-1937} ના બપોરે મગનપુરા પહોંચી આવેલા. તે જ દિવસે કરાંચીથી દેશલપરના ભાઈશ્રી પુંજાભાઈ માધવજીભાઈ પણ એ શુભ સમારંભમાં ભાગ લેવા આવેલા તેઓ સર્વેને સામૈયા કરી માન સહિત મિંદરના ચોગાનમાં મંડપ બાંધેલો હતો ત્યાં લઈ જવામાં આવેલા અને તે જ દિવસે  બપોર પછી દરેક કંપામાંથી જ્ઞાતિ ભાઈઓ ઉત્સાહભેર એ શુભ સમારંભમાં આમંત્રણ પત્રિકાને માન આપી ભાગ લેવા આવવા લાગ્યા તેઓ સર્વેને પણ સામૈયા કરી સન્માનથી મંદિરના ચોગાનમાં લઈ જવામાં આવતા હતા.

          પધારેલા સર્વ ભાઈઓના સન્માનીય સત્કાર કરવા સારૂ સ્થાનીક નવ ભાઈઓની કાર્યવાહક કમિટી નીમવામાં આવી હતી. જેનાં નામો નીચે પ્રમાણે :— (૧) કરસનભાઈ સોમજીભાઈ (૨) સવદાસભાઈ પેથાભાઈ (૩) શીવજીભાઈ પેથાભાઈ (૪) રામજીભાઈ ગોપાલભાઈ (૫) જીવરાજભાઈ માવજીભાઈ (૬) કરસનભાઈ દાનાભાઈ (૭) કરસનભાઈ મેઘજીભાઈ (૮) ખેતાભાઈ મનજીભાઈ (૯) રામજીભાઈ રવજીભાઈ એવી રીતે નવ ભાઈઓની કમિટીએ આવનારા મહેમાનોના સ્વાગત કરવામાં ભારે પરીશ્રમ લીધો હતો.

          તેમજ એક વોલીન્ટીઅર ટીમ પણ ગોઠવેલી હતી જેમાં બે કેપ્ટનો સહીત ચૌદની ટુકડી હતી જેઓનાં નામો નીચે પ્રમાણે છે :—

 

                   કેપ્ટન

૧  પા. વીશ્રામભાઈ મેઘજીભાઈ ભગત – વ્રજપુરા કંપાવાળા

૨  પા. કરમસીભાઈ વીરજીભાઈ – હીરાપુર કંપાવાળા

 

વોલીન્ટીઅરો

 મગનપુરા કંપાના

૧ પા.  કરસનભાઈ રવજીભાઈ

૨  પા. નાનજીભાઈ ખેતાભાઈ

૩  પા. નારાણભાઈ કરસનભાઈ

૪  પા. હીરજીભાઈ શવજીભાઈ

૫  પા. સામજીભાઈ કરસનભાઈ

૬  પા. કચરાભાઈ માવજીભાઈ

૭  પા. ધનજીભાઈ માધાભાઈ

 હીરાપુર કંપાના

૮  પા. રતનાભાઈ અરજણભાઈ

૯  પા. મનજીભાઈ  વાલજીભાઈ

 નાથા ગીરધરના કંપા

૧૦ પા. દેવજીભાઈ વિશ્રામભાઈ

૧૧ પા. અરજણભાઈ વિશ્રામભાઈ

૧૨  કાનજીભાઈ હંસરાજભાઈ

 

          સ્થાનીક કાર્યકર્તાઓએ વોલીન્ટીઅરના ફરજના ચિન્હ તરીકે બ્લુ રંગના પટા તૈયાર કરાવ્યા હતા અને “શ્રી કડવા પાટીદારપરિષદ વોલીન્ટીઅર”  એ પ્રમાણે પટા ઉપર નામ લખાવેલા હતાં. એ પ્રમાણે વ્યવસ્થિત કાર્ય કરવાની પદ્ધતિ કરી હતી.

          મંદિરની વાસ્તુ વિધી તેમજ મૂર્તિની પ્રતિષ્ઠા નિમિત્તે થતી ધાર્મિક વિધિ શ્રીયુત ભાઈશ્રી કરસનભાઈ સોમજીભાઈ અને તેમના ધર્મપત્નિ સહ વર્તમાન ભક્તિ ભાવથી કરાવી હતી.

          દશમની રાત્રે સભા ભરવામાં આવી હતી. જેમાં આશરે લગભગ હજારથી ઉપર જ્ઞાતિ બંધુઓ તેમજ બહેનો અને અન્ય જ્ઞાતિના ગૃહસ્થોએ હાજરી આપી હતી.

          સભાના પ્રમુખ આપણી જ્ઞાતિના સુધારક તરીકે ગણાતા અને જ્ઞાતિ સુધારામાં તનતોડ મહેનત કરનારા તેમજ અનહદ ઉત્સાહ ધરાવનાર શ્રીયુત મુરબ્બી શ્રી વાલજીભાઈ ભાણજીભાઈ વાડીઆ માધવ કંપાવાળાને સર્વાનુ મતે ચુંટી કાઢવામાં આવ્યા હતા.

          સભામાં શ્રીયુત ભાઈશ્રી રતનશી ખીમજી તથા મુરબ્બી શ્રી રાજારામ શામજી તથા ભાઈશ્રી જેઠાલાલ હરિભાઈ (રામસી કંપાવાળા) તથા ભાગ્યોદય સભાના પ્રમુખ શ્રીયુત ભાઈશ્રી રામજીભાઈ વિશ્રામ તથા શ્રીયુત કાનજીભાઈ દેવશીભાઈ ખોખાણી રાયણના માળ કંપાવાળા તથા વાલજીભાઈ પ્રેમજીભાઈ અદલપુરા કંપાવાળા તથા ભાઈશ્રી મેઘજીભાઈ હીરજીભાઈ ધનસુરાવાળા વિગેરે વક્તાઓએ અસરકારક વિવેચન કર્યા હતા. જેની પધારેલા જ્ઞાતિ ભાઈઓ ઉપર સારી જેવી અસર થઈ હતી.

          રતનશીભાઈએ પીરાણાની અમી કે નુરની ગોળી જેને પીરાણાની ક્રિયા કરતી વખતે મુખી ગાળી (ઓગાળી)ને પીવડાવે છે કે જેને પાવળ કહેવાય છે તે મસાણી માટીની હોવાથી અશુદ્ધ છે એટલું જ નહી પરંતુ એ પીવાથી પીનાર માણસની બુદ્ધિ નષ્ટ થાય છે અને એ પંથના ગુલામ બની જવાય છે વિગેરે ઠીક સ્પષ્ટીકરણ કર્યું હતું અને એ ગોળી (પાવળ) છ મહીના નહીં પીવાથી સ્વાભાવીક એ અર્ધદગ્ધ ખીચડીઆ પીરાણા પંથ કે જે મુસલમાની રાહત પર લઈ જનારો છે તે તરફ અણગમો ઉત્પન્ન થાય છે અર્થાત્‌ એ પીરાણ પંથ ઉપરથી શ્રદ્ધા ઓછી થઈ જાય છે એ અનુભવ સિદ્ધ છે. વિગેરે વિવેચન કરી એવી મસાણી માટીની ગોળી નહી પીવાની જ્ઞાતિ ભાઈઓેને અસરકારક શબ્દોમાં વિનંતીપૂર્વક  પ્રાર્થના કરી હતી. જેની સારી જેવી અસર થઈ હતી અને પ્રમુખ સાહેબ પાસે ટેબલની બાજુમાં આવી ગીતાજીનું પુસ્તક હાથમાં લઈ સોગન ખાઈ  પ્રતિજ્ઞાઓ કરવા લાગ્યા તે સભાનો દેખાવ ખરેખર ધર્મ સભા જેવોજ દેખાવા લાગ્યો અને એ દ્રષ્ય જોતાં જણાઈ આવતું હતું કે જ્ઞાતિમાં ખરેખર જાગૃતી આવી છે અને પીરાણા પંથ રૂપી કલંકમાંથી જ્ઞાતિ જલદી મુક્ત થઈ જશે. રાત્રીની  સભા તેમજ બીજા દિવસ એટલે અગીયારસની સવારની સભામાં પીરાણા પંથની અમી કે નુરની ગોળી કે જેને પાવળ કહેવામાં આવે છે તે નહીં પીવાની પ્રતિજ્ઞાઓ લેનારા ભાઈઓના નામ નીચે મુજબઃ—

         

પટેલ હીરજીભાઈ વાલજીભાઈ

નવટાંકી કંપા

પટેલ રામજીભાઈ વીશ્રામભાઈ

અમીનપુરા કંપા

પટેલ મેઘજીભાઈ  હીરજીભાઈ

ધનસુરા

પટેલ વીશ્રામભાઈ શીવજીભાઈ

માધવ કંપા

પટેલ વાલજીભાઈ ભાણજીભાઈ

માધવ કંપા

પટેલ વાલજીભાઈ પ્રેમજીભાઈ

અદલપુરા કંપા

પટેલ મનજીભાઈ શીવજીભાઈ

ગામ વિથોણવાળા

પટેલ અરજણભાઈ વાલજીભાઈ

હડમતીયા

પટેલ દેવજીભાઈ શીવજીભાઈ

ધનવતપુરા

૧૦

પટેલ લધાભાઈ માધવજી

આણંદસર—મંજલવાળી

૧૧

પટેલ કાનજીભાઈ માધવજી

ખરોડ કંપાવાળા

૧૨

પટેલ હરજીભાઈ સગવણભાઈ

ભામણીયા કંપા

૧૩

પટેલ  હીરજીભાઈ મનજીભાઈ

હીરાખાડીવાળા

૧૪

પટેલ વીશ્રામભાઈ કેશરાભાઈ

ખરોડ કંપા

૧૫

પટેલ વાલજીભાઈ નથુભાઈ

હડમતીયા

૧૬

પટેલ પુંજાભાઈ રામજીભાઈ

સોનીપુરા કંપા

૧૭

પટેલ ભાણજીભાઈ માવજીભાઈ

સોનીપુરા કંપા

૧૮

પટેલ ધનજીભાઈ પરબતભાઈ

સોનીપુરા કંપા

૧૯

પટેલ પ્રેમજીભાઈ  હરજીભાઈ

સોનીપુરા કંપા

૨૦

પટેલ કાનજીભાઈ હરજીભાઈ

સોનીપુરા કંપા

૨૧

પટેલ રામજીભાઈ ભાણજીભાઈ

સોનીપુરા કંપા

૨૨

પટેલ રતનાભાઈ શીવજીભાઈ

સોનીપુરા કંપા

૨૩

પટેલ મેઘજીભાઈ શીવજીભાઈ

સોનીપુરા કંપા

૨૪

પટેલ રતનશીભાઈ વીશ્રામભાઈ

આકરોણ કંપા

૨૫

પટેલ કાનજીભાઈ હંસરાજભાઈ

આકરોણ કંપા

૨૬

પટેલ  અરજણ વિશ્રામ

આકરોણ કંપા

૨૭

પટેલ કરસનન હીરજી

અમીનપરા કંપા

૨૮

પટેલ નથુ મનજી

ઓઠવાડ કંપા

૨૯

પટેલ સીવજી વિશ્રામ

હીરાપુર કંપા

૩૦

પટેલ કરમશી વીરજી

હીરાપુર કંપા

૩૧

પટેલ શીવજી કરમસી

નવટાંકી કંપા

૩૨

પટેલ હીરજી કરસન

વિષ્ણુપુરા કંપા

૩૩

પટેલ જેઠાલાલ હરીભાઈ

રામસી કંપા

૩૪

પટેલ મણીભાઈ કાનજી

રામસી કંપા

૩૫

પટેલ નથુભાઈ લધા

ટીમ્બા  તળાવ

૩૬

પટેલ ખેતાભાઈ કાનજી

વિષ્ણુપુરા

૩૭

પટેલ વિશ્રામભાઈ મેઘજી

વૃજપુરા કંપા

૩૮

પટેલ  દેવજી મનજી

રાજપુરા કંપા

૩૯

પટેલ માવજી જીવરાજ

રાજપુરા કંપા

૪૦

પટેલ કરસન સોમજી મુખી

મગનપુરા કંપા

૪૧

પટેલ ખેતાભાઈ પુંજા

ડેમાઈ કંપા સમસ્ત

૪૨

પટેલ હરજી કરસન

રાયણનો માળ

૪૩

પટેલ કરસન માના

ફીરોજપુરા કંપા

૪૪

પટેલ ગોવિંદ કરસન – હા. શા. નેમીચંદ વેણીચંદ

હડમતીયા કંપા

૪૫

પટેલ દેવશી વાલજી

ફીરોજપુરા  કંપા

૪૬

પટેલ ધનજી રાજા

સરદારપુરા કંપા

૪૭

પટેલ  દાનાભાઈ માધવજી

સરદારપુરા કંપા

૪૮

પટેલ હંસરાજ હરજી – પાંચ ભાઈઓની વતીથી

મોતીવેણી કંપા

૪૯

પટેલ રામજી વીરજી 

હીરાપુર કંપા

૫૦

પટેલ કરમશી સવદાસ

આકરોણ કંપા

૫૧

પટેલ કાનજી દેવશી

રાયણનોમાળ

૫૨

પટેલ મનજી પુંજા

રાયણનોમાળ

૫૩

પટેલ દેવશી માવજી – પાંચ ભાઈઓ સમસ્તની વતીથી

મોતીવેણી કંપા

૫૪

પટેલ મનજી કાનજી

મોતીવેણી કંપા

૫૫

પટેલ દાના પ્રેમજી

સેમડી કંપા

૫૬

પટેલ ભાણજી ખેતા

અમોદરા (ડેરોલી)

૫૭

પટેલ નાનજી અબજી

ખરોડ કંપા

૫૮

પટેલ અબજી હીરજી

હડમતીયા કંપા

૫૯

પટેલ જશા જેઠા

રાજપુર કંપા

૬૦

પટેલ નારાણ માધવજી

રાજપુર કંપા

૬૧

પટેલ  કરસન નારણ

રાજપુર કંપા

૬૨

પટેલ સોમજી નાનજી

માધવ કંપા

૬૩

પટેલ માવજી વાલજી

રામસી કંપા

૬૪

પટેલ પ્રેમજી ભીમજી

સાખેડી કંપા

૬૫

પટેલ લાલજી લધા

ટીમ્બાતળાવ

૬૬

પટેલ સીવગણ પચાંણ

મોતીવેણી કંપા

૬૭

પટેલ વીરમ પરબત

મોતીસરી કંપા

૬૮

પટેલ છગન ખેતસી

ધનસુરા

૬૯

પટેલ લાલજી રામજી

હીરાપુર કંપા

૭૦

પટેલ વાલજી વીરજી

હીરાપુર કંપા

૭૧

પટેલ પચાંણ રામજી

હડમતીયા કંપા

૭૨

પટેલ અરજણ કરસન

મોતીસરી કંપા

૭૩

પટેલ લાલજી વીશ્રામ

હડમતીયા

૭૪

પટેલ ધનજી નાનજી

હીરાપુર કંપા

૭૫

પટેલ દેવશી પુંજા

સોની કંપા

૭૬

પટેલ રામજી લાલજી

હડમતીયા

૭૭

પટેલ મનજી હીરજી

હીરાપુર કંપા

૭૮

પટેલ રતના અરજણ

હીરાપુર કંપા

૭૯

પટેલ ખેતા મનજી

મગનપુરા કંપા

૮૦

પટેલ કાનજી કચરા

હીરાપુર કંપા

૮૧

પટેલ નાનજી ખેતા

મગનપુરા કંપા

૮૨

પટેલ અબજી સીવજી

હડમતીયા

૮૩

પટેલ વેલજી હીરજી

મોતીસરી કંપા

૮૪

પટેલ હરજી ધનજી

સેમડી કંપા

૮૫

પટેલ મેઘજી  હીરજી

મોતીસરી

૮૬

પટેલ હરજી માધવજી

અદલપુરા કંપા

૮૭

પટેલ કચરા માવજી

મગનપુરા

૮૮

પટેલ રામજી મેગજી

ગોટાડી

૮૯

પટેલ શીવજી નાનજી

હડમતીયા

૯૦

પટેલ હંસરાજ રામજી

વૃજપુરા કંપા

૯૧

પટેલ પ્રેમજી ભીમજી

રામશી કંપા

૯૨

પટેલ સવગણ માનણ

વિજાપુરા કંપા

૯૩

પટેલ વાલજી ભાણજી

વિજાપુરા કંપા

૯૪

પટેલ હંસરાજ સોમજી હ. હીરજી વાલજી

વિજાપુરા કંપા

૯૫

પટેલ વિશ્રામ સવદાસ

મગનપુરા કંપા

૯૬

પટેલ કરસન રવજી

મગનપુરા કંપા

૯૭

પટેલ વીશ્રામ જીવરાજ

ટીમ્બા તળાવ

૯૮

પટેલ શામજી હીરજી

ટીમ્બા તળાવ

૯૯

પટેલ કાનજી રામજી

ટીમ્બા તળાવ

૧૦૦

પટેલ વીસરામ કરસન

અદલપુરા  કંપા

૧૦૧

પટેલ શીવજી પેથા

મગનપુરા કંપા

૧૦૨

પટેલ શીવજી વીરજી

અદલપુરા કંપા

૧૦૩

પટેલ ખેતા મનજી

મગનપુરા કંપા

૧૦૪

પટેલ રતના મુળજી

અદલપુરા કંપા

૧૦૫

પટેલ શીવજી ધનજી

અદલપુરા કંપા

૧૦૬

પટેલ માધવજી ખીમજી

આબેડી કંપા

૧૦૭

પટેલ દેવજી મુળજી

સાયડી કંપા

૧૦૮

પટેલ કાનજી માવજી

હીરાપુર કંપા

૧૦૯

પટેલ નથુ હરજી

વ્રજપુરા કંપા

૧૧૦

પટેલ ભાણજી ખીમજી

રામસી કંપા

૧૧૧

પટેલ કરસન ખેતા

દેરોલ કંપા

૧૧૨

પટેલ મુળજી ધનજી

નાથાગીરધર કંપા

૧૧૩

પટેલ શીવજી સોમજી

અદલપુરા કંપા

૧૧૪

પટેલ ડાયાભાઈ રામજી

વૃજપુરા કંપા

૧૧૫

પટેલ કેશરા હીરજી

મોટીવાય કંપા

૧૧૬

પટેલ ગોવિંદ લધા

મગનપુરા કંપા

૧૧૭

પટેલ લાલજી ભાણજી

હીરાખાડી

૧૧૮

પટેલ ધનજી માધવજી

મગનપુરા કંપા

૧૧૯

પટેલ હરજી હીરજી

મોટીવાય

૧૨૦

પટેલ  રામજી રણમલ

મગનપુરા કંપા

૧૨૧

પટેલ જીવરાજ હીરજી

સયડી કંપા

૧૨૨

પટેલ નારાણ જીવરાજ

સયડી  કંપા

૧૨૩

પટેલ નથુભાઈ ગંગદાસ

વિઠલપુરા કંપા

૧૨૪

પટેલ પચાણ નથુ

વિઠલપુરા કંપા

૧૨૫

પટેલ રતના નથુ

વિઠલપુરા  કંપા

૧૨૬

પટેલ વિશ્રામ ભાણજી

હીરાખાડી

૧૨૭

પટેલ પુંજા નાનજી

મોતીસરી કંપા

૧૨૮

પટેલ દેવજી ભાણજી

હીરાપર કંપા

૧૨૯

પટેલ હંસરાજ ભાણજી

હીરાખાડી

૧૩૦

પટેલ કેશવલાલ ભાણજી

હીરાખાડી

૧૩૧

પટેલ રામજી જીવરાજ

વીસરપુરા

૧૩૨

પટેલ વિસરામ સવગણ

નાથાગીરધર કંપો

૧૩૩

પટેલ વાલજી કાનજી

રાયણનો માળ

૧૩૪

પટેલ લધા ધનજી

હીરપર  કંપા

૧૩૫

પટેલ ભાણજી કચરા

આકરોણ કંપા

૧૩૬

પટેલ વેલજી કેશરા

સરદારપુરા કંપા

૧૩૭

પટેલ મનજી હંસરાજ

હીરાપર કંપા

૧૩૮

 પટેલ કરમશી વીસરામ

હીરાપર કંપા

 

            ત્યારબાદ કચ્છ—નખત્રાણાના પુર્વનિવાસ (નવાવાસ)માં જ્ઞાતિ હિતાર્થે ઘડાયેલા પંદર ઠરાવો જે પાસ થયેલા હતા તે ઠરાવો આ સભામાં વાંચી સંભળાવવામાં આવ્યા હતા. તે ઠરાવો ઉપર શ્રીયુત ભાઈશ્રી રતનશી ખીમજીએ વિવેચન કર્યું હતું અને એ ઠરાવો સભામાં પધારેલા જ્ઞાતિ ભાઈઓ સર્વે તથા બહેનોએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદથી વધાવી લીધા  હતા.

          ભાઈશ્રી કાનજી દેવશી લુડવાવાળા કે જેઓ હાલ ગુજરાત—રાયણના માળ રહે છે તેઓશ્રીએ એ સભાના કામકાજ પ્રત્યે સંતોષ વ્યકત કરતાં જણાવ્યું  હતું કે  આપણા કંપાઓમાં સભાઓ ભરાયેલી હશે પરંતુ આવા ભાષણો કોઈ દિવસ થયા નહોતાં. અને આવા પ્રેમમય ભાવથી આપણી જ્ઞાતિમાં ઉપદેશ થતો રહેશે તો પીરાણા પંથમાંથી જલ્દી મુક્ત થવાશે વિશેષમાં તેઓશ્રીએ સુચના આપેલી  કે પીરાણા પંથના  શાસ્ત્રમાં મુસલમાની  શબ્દો  તેમજ મુસલમાની નામો છે તે  કહાડી નાખીને શાસ્ત્રોમાં સુધારો વધારો કરવો અને હિન્દુ દેવદેવતાના નામો અને હિન્દુ શાસ્ત્રોના શબ્દો લખવા. એવા પ્રકારનો શાસ્ત્રોમાં સુધારો કરવા સુચવ્યું હતું.

          ગોળી નહિ પીવા માટે જ્ઞાતિ ભાઈએ પોતપોતાની ઈચ્છાનુકુળ પ્રમુખ સાહેબ પાસે આવી પવિત્ર ગીતાજીનું પુસ્તક હાથમાં લઈ  શુદ્ધ તેમજ નિર્મળ ભાવથી પ્રતિજ્ઞાઓ લેતા હતા, દરમ્યાન દુધાતડ કંપાવાળા ભાઈઓ તરફ અમુક ભાઈઓની દૃષ્ટિ ગઈ અને તેઓને ગુપચુપ બેસી રહેવાના કારણ પુછતાં તે ભાઈએ જણાવ્યું કે અમારા  ભાઈઓનું જુથ બહુ જ મોટું છે જેથી પોતામાં સલાહ કરીને દશ દિવસમાં તમોને ખબર આપશું એ પ્રમાણે તે ભાઈશ્રીની વાત સાંભળી ભાગ્યોદય સભાના પ્રમુખ શ્રીયુત રામજીભાઈએ સવાલ કર્યો કે કદાચ દશ દિવસમાં જવાબ નહિ મળે  તો પછી તમોને જાહેરમાં મુકશું. ત્યારે દુધાતડવાળા ત્યાં બેઠેલા ભાઈએ છ મહીનાની લાંબી મુદત માગી અને જણાવ્યું કે તે દરમ્યાન ધર્મની જગ્યામાં પણ  ફેરફાર કરી નાખવાનું અને ગોળીનો પણ સદંતર બહિષ્કાર કરવાનું ભર સભામાં કહ્યું હતું.

          ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મુર્તિને મંદિરમાં બિરાજમાન કરાવવા નિમિત્તે ત્રણ આરતીઓ ઉતરાવવાની ક્રિયા કરવા માટે પધારેલા જ્ઞાતિ ભાઈઓએ પોતપોતાની ઈચ્છાનુકુળ એક બીજાની બોલી ઉપર ચડાવા નાખવા લાગ્યા. તેમાં પહેલી અને બીજી એમ બે આરતીનો લાભ શ્રીયુત મુરબ્બિશ્રી વાલજીભાઈ ભાણજીભાઈ માધવકંપાવાળાને મળ્યો જેમાં પહેલી આરતી રૂા.૧૦૫ અને બીજી આરતી રૂા.૧૫૧ માં પોતે ઉતરાવી હતી અને ત્રીજી આરતી હીરાપુર કંપાના સુધારક પક્ષ તરફથી રૂા.૧૩૦ માં ઉતરાવવામાં આવી હતી અને શ્રીયુત ભાઈશ્રી રતનશી ખીમજીએ રૂા.૬૨॥ અને મુરબ્બી શ્રી રાજારામ શામજીએ રૂા.૬૨॥ આપ્યા હતા. ત્યારબાદ પધારેલા સર્વ કોઈ જ્ઞાતિબંધુઓએ પોતપોતાની શ્રદ્ધા તેમજ શક્તિ પ્રમાણે ભગવાનને ભેટ ધરી હતી. તે તથા આરતી ઉતરાવવાની રકમ મળી કુલ રૂપિયા ૮૭૦॥। અંકે આઠસો સીત્તેર અને બાર આના થયા હતા જેનો ભગવાન  શ્રી લક્ષ્મીનારાયણના જયધ્વની સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

          ત્યારબાદ સ્વાગત મંડળના પ્રમુખ શ્રીયુત કરસનભાઈ સોમજીભાઈએ પધારેલા સર્વ જ્ઞાતિ ભાઈઓ તેમજ મુંબઈ ઘાટકોપરથી  કામ ધંધા મુકી રસ્તામાં ખર્ચા કરી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની દિવ્ય પ્રતિમાને મંદિરમાં બિરાજમાન કરાવવા નિમિત્તે થતા જ્ઞાતિ સુધારા પ્રત્યે સદ્‌ભાવ બતાવી શ્રીયુત ભાઈશ્રી રતનશી ખીમજી તથા કચ્છમાં ગામ શ્રી ખોંભડીના ઉત્સાહી યુવક ઘાટકોપર યુવક મંડળના જોઈન્ટ સેક્રેટરી ભાઈશ્રી મુળજી શીવજી તથા કચ્છમાં ગામ શ્રી દેશલપરના વીર બંધુ ઘાટકોપર યુવક મંડળના કાર્યવાહકોમાંના એક ભાઈશ્રી મુળજી નથુએ પધારી શુભ સમારંભમાં સાથ આપ્યો છે તે બદલ તેઓશ્રીનો આભાર માન્યો હતો તેમજ કચ્છ માનકુવાથી મુરબ્બી શ્રી રાજારામ શામજી સહકુટુંબ પધારી જ્ઞાતિ અભ્યુદયના કાર્યમાં સહાનુભુતી બતાવી સાથ આપ્યો તે બદલ તેઓશ્રીનો અને કરાંચીથી ભાઈ શ્રી પુંજાભાઈ માધવજી ઉત્સવમાં ભાગ લેવા પધારેલા તેઓ સર્વેનો ઉપકાર માનવામાં આવ્યો હતો. તેમજ સભા મંડપમાં વ્યવસ્થા જાળવવા બદલ વોલન્ટીયર કોરનો ધન્યવાદ માન્યો હતો તેમજ જ્ઞાતિભાઈઓએ પધારી જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં સહાનુભુતી દાખવી ખરા હૃદયથી સાથ આપી પધાર્યા  તે બદલ જ્ઞાતિભાઈઓ સમસ્તનો ઉપકાર માન્યો હતો, તેમજ પધારેલા અન્ય જ્ઞાતિના સદ્‌ગ્રહસ્થોએ આ શુભ સમારંભમાં પધારી શોભામાં વૃદ્ધિ  કરી આભારી કર્યા તે બદલ તેઓ સર્વેનો ખરા અંતઃકરણથી આભાર માન્યો હતો.

          ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની દિવ્ય પ્રતિમાની મંદિરમાં બિરાજમાન કર્યા પછી જ્ઞાતિભાઈઓ સાથે બેસી આનંદથી જમ્યા બાદ સાંજે  સૌ  કોઈ  પોતપોતાના ગામ જવા માટે રવાના થયા એ રીતે મગનપુરા કંપામાં મંદિરની પ્રતિષ્ઠાનો પ્રસંગ ઉજવાયો ૐ  શાંતિ.

 

હાલ — મું. રતનપુરા કંપા

તાલુકે ગાબટ

લી. પટેલ રામજી ધનજી નાકરાણી

          

<<

>>

Leave a Reply

Share this:

Like this: