Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી ગણેશાય નમઃ
શ્રી સારસ્વતે નમઃ
શ્રી બોરડીટીંબા લક્ષ્મીનારાયણ મંદિરનો ઇતિહાસ
હાલમાં બોરડીટીંબા ઉર્ફે કેશરપુરાકંપા તરીકે જણાતું ગામ ધનસુરા તાલુકા જી. અરવલ્લીમાં આવેલું છે.
આપણો કચ્છ કડવા પાટીદાર સમાજ અંદાજે છેલ્લાં પાંચસો વર્ષથી ગુજરાતથી ઊંઝાના આસપાસના ગામમાંથી જઈ કચ્છમાં વસ્યો હતો. તે સમયે આપણા સમાજનો મૂળ વ્યવસાય ફક્ત ખેતી બાંધકામ અને વહાણ કામનો હતો એટલે કચ્છમાં ખેતી જ (કાળી મજૂરી જ) કરતા હતા. કાળી મજૂરીના અંતે ખેતરમાંથી જે પાકતું તે ત્યાંના જાગીદાર ખળવાડમાંથી જ લઈ જતાં અને છેવટે ઘરનાં છોકરાં ઘંટી ચાટે એટલે કે ઘરનાં છોકરાંને ખાવા માટે અનાજ પણ બચતું ન હતું. પરિસ્થિતિ તદન નાજુક થતી જતી હતી.
આ ઉપરાંત પીરાણા સતપંથના સૈયદો અને કાકાઓ મારફતે દશોંદ અને વિશોંદના દલાલો દ્વારા મારછલાં જેવી ઉઘરાણી. આમ હાશકારા સિવાય કંઈ જ પ્રાપ્ત થતું ન હતું. શરૂઆતમાં કચ્છના પાણી મીઠાં હતાં પણ કાળાંતરે તેમાં ફેરફાર થઈ દુવાસોનાં પાણી ખારાં થયાં અને ઘણી જગ્યાએ ખેતી થતી બંધ થઈ અથવા ખૂબ મુશ્કેલીઓ વધી ગઈ જેના કારણે નબળી પરિસ્થિતિનું નિર્માણ થયું.
આમ તો ત્યાં વિધર્મીઓના પંજામાં સપડાયા હતા અને વિધર્મીઓએ આપણને સંપૂર્ણ મુસ્લીમ ધર્મમાં પરિવર્તિત કરવા માટે સૈયદો અને કાકાઓ મારફતે જોરદાર પ્રચાર શરૂ કર્યો હતો. હિન્દુઓ એટલે કે સનાતન ધર્મીઓને ક્રમશઃ અર્ધદગ્ધ પીરાણા ધર્મમાં (મુસ્લીમ) દાખલ કરવાની જોરશોરથી ચાલ ચલાવી. આપણા નિરક્ષર અને નિર્દોષ ગેઢેરાઓને તેમાં ફસાવ્યા અને કલિયુગના સાચા સનાતન ધર્મના સ્વાંગ હેઠળ સતપંથના નામનો ઇસ્લામી સંપ્રદાય જ્ઞાતિમાં ઉભો કર્યો. પણ સદભાગ્યે તે આજથી લગભગ ૨૨૫ વર્ષો પહેલાં કેસરા પરમેશ્વરા નામની આપણા સમાજની વિચારશીલ વ્યક્તિને સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓનો સત્સંગ સાંપડ્યો અને તેમણે અને તેમના સાથીઓને અને પરિવારોને પીરાણા પંથી—સતપંથીમાંથી સમજાવીને પરત વાળ્યા અને તેઓ સત્સંગી બન્યા. તે આપણી સમાજ માટે સુધારાનું પ્રથમ પગથીયું હતું. ત્યાર બાદ સંતશ્રી ઓધવરામજી મહારાજ, શ્રી નારાયણ રામજી લીંબાણી, રતનશી ખીમજી દિવાણી અને રાજારામ શામજી ધોળુ એ અને બીજાઓએ પણ પીરાણા પંથ — સતપંથમાંથી મુક્ત કરવા પ્રતિજ્ઞાઓ લીધી. આ સખત ચળવળમાં મોટી વિરાણી, માનકૂવા, દેવીસર, વિથોણ નખત્રાણા અને તેના આસપાસનાં ગામોમાં ઉપરોક્ત વ્યક્તિઓના કહેવાનો પ્રભાવ પડ્યો અને તેથી કચ્છને છોડવાની નેમ લીધી.
જ્ઞાતિ સુધારાની ચળવળ ચાલતી હતી, પણ કચ્છ પ્રદેશમાં ખેતીનો વ્યવસાય કરવો મહા કઠિન બનતું ગયું. લાગલગાટ ચારથી પાંચ વર્ષ સુધી કચ્છ પ્રદેશમાં વરસાદ નામે કારમા દુષ્કાળ પડવા માંડ્યા. હવે શું કરવું, તે પ્રશ્ન આપણા વડીલો સામે હતો. માટે કચ્છ છોડીને જવું ક્યાં ? પણ વડીલોએ હિંમત દાખવી અને કચ્છની ધીંગીધરા અને માતૃભૂમિને ભારે હૈયે છોડી, પાછાં ગુજરાત તરફ ખેતીની શોધમાં પ્રયાણ કર્યું.
સૌપ્રથમ કચ્છ મોટી વિરાણીના રહીશો નાકરાણી, દિવાણી ભાઈઓ, ગામ દેવીસરના છાભૈયા, રૂડાણી, દિવાણી વગેરે નારાયણ રામજી લીંબાણી, રતનશી ખીમજી ખેતાણી, પૂ. શ્રી ઓધવરામજી મહારાજની પ્રેરણાદાયી વાતો અને પ્રયત્નોને સાકાર આપવા સતપંથનો ત્યાગ કર્યો. અને ત્યાર બાદ કચ્છ છોડી ગુજરાત જમીનની શોધમાં આંબલીયારા સ્ટેટના ઠાકોર સાહેબના કબજાવાળા પ્રદેશમાં આવી પહોંચ્યા અને ઠાકોર સાહેબ પાસે ખેડવા માટે જમીનની માંગણી કરી. ઠાકોર સાહેબ ખુશ થયા કે મારા વિસ્તારમાં મહેનતુ ખેડૂતો કચ્છથી આવી અત્રે વસતા હોય તો ઘણું સારું. આંબલીયારા સ્ટેટના ઠાકોર સાહેબ કેશરીસિંહજી સાથે જમીન ખરીદીના ઠરાવ અને કરારો થયા. એક વીઘાના વીઘોટીનો ભાવ ફક્ત એક રૂ.૧/— ના ભાવે જમીન મળી. આ સમયે જ્યાં જમીનો પસંદ કરી ત્યાં અડાબીડ જંગલો હતા, જેમાં જંગલી પ્રાણીઓ રહેતા હતાં. ભય પણ લાગે છતાં સાથે મળી પાંચ જણા ભેગા થઈ શ્રીફળ વધેરી જંગલ સાફ કરવાની શરૂઆત કરી. દિવસે જંગલો સાફ કરે અને રાત્રે કોઈ એક સાત કિ.મી. દૂર ગામમાં સૂવા માટે જતા અને જમવાનું જાતે બનાવતા હતા. હવે જ્યારે જ્યાં શ્રીફળ ફોડી શરૂઆત કરી છે ત્યાં પાછા બીજા દિવસે ફરવું હોય તો તે જગ્યા કઈ રીતે મળે? કારણ કે બધે જ જંગલ હતું. એટલે ત્યાં એક ઊંચા પીપળાના ઝાડ ઉપર લાલ ધજા ફરકાવી રાખતા કે જેથી તે સ્થળે પહોંચાય. આ કામ વડીલો માટે કેટલું કઠીન હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. પણ “હિંમતે મર્દા તો મદદે કાન્હા” તેથી કઠીન કામ પાર પડતું ગયું, તેમાં ઘણો સમય થયો.
હવે પરિવાર (કુટુંબ) પણ સાથે જોઈશે કારણ કે, પાણી લાવવું, અનાજ શોધવું વગેરે રસોઈ બનાવવા માટે જરૂરી હતું. એટલે કચ્છથી બાકી રહેલા પરિવારને કુટુંબ સહિત બોલાવવાનું નક્કી થયું. તે પ્રમાણે સંદેશો ગયો એટલે કેટલાક પરિવાર ગાડા—બળદ સાથે આવ્યા અને બરોબર ૧૩ દિવસ બાદ અત્યંત મુશ્કેલી વેઠતાં વેઠતાં સ્થળ પર પહોંચ્યા. પરિવાર સ્થિર થયા અને જંગલ કાઢવામાં, સાફસૂફ કરવામાં મદદરૂપ થવા લાગ્યા. મહિલાઓ સવારે વહેલાં ૩થી ૪ કિમી દૂર પાણી ભરવાં જતાં. અંધારામાં રસ્તા વિના અથડાવું પડતું હતું. પડોશમાં ક્ષત્રિયોનું ગામ શોધી કાઢયું જેનું નામ આંબલીયારા સ્ટેટના ઠાકોર સાહેબ કેશવસિંહજીના નામ પરથી કેશવપુરા હતું. ત્યાંથી વર્ષોથી સંઘરી રાખેલા કોદરા નામનું અનાજ ખાવા માટે મળતું તે સમયે બાજરી તો વાવવામાં નહોતી આવતી. કોઈ જાણતું ન હતું. આમને આમ મહિનાઓના મહિનાઓ કાઢ્યાં. થોડાં જંગલ મહા પરિશ્રમ, મહેનત કરી સાફ કર્યાં. જેમાં કોદરા અને જંગલી અનાજનું વાવેતર કરવા માંડ્યું. કપાસ વાવવાની પણ શરૂઆત કરી.
આમ સ્થળ નક્કી થતાં કચ્છમાંથી બાકી પરિવારો કચ્છ મોટી વિરાણી, દેવીસર, ખેડોઈ વગેરેથી આવવા લાગ્યા. તેમાં સંપૂર્ણ યશ જો આપવો હોય તો નારાયણ રામજી લીંબાણી, રતનશી ખીમજી ખેતાણી, પૂજનીય સંતશ્રી ઓધવરામજી મહારાજ શ્રીને ફાળે જાય છે. અત્રે આવનારા બધા જ સતપંથનો સંપૂર્ણપણે ત્યાગ કરીને આવનારા જ હતા.
આમ બોરડીટીંબા ગામમાં એક પણ પીરાણાપંથી કે સતપંથી શરૂઆતથી જ ન હતા, અને આજે આખા ગામમાં એક પણ સતપંથીનું ઘર નથી. તે સદ્ભાગ્ય છે.
આ સમયે ભગવાનશ્રી લક્ષ્મીનારાયણનું મંદિર કચ્છ મોટી વિરાણી ખાતે બનાવવાનું નક્કી કર્યું હતું. પણ તે સમયે મોટી વિરાણીમાં ગામમાં મતભેદો ઉભા થયા. મંદિર માટે પાનમૂર્તિ (ફોટો) મુંબઈ તૈયાર થઈ ગયેલી હોવા છતાં મંદિર બાંધવાનું કામ ખોરંભે પડ્યું. પણ હવે શું કરવું ? ત્યારે, વડીલ શ્રી રતનશી ખીમજી ખેતાણી, પૂ. ઓધવરામજી મહારાજ અને રાજારામ શામજી ધોળુને વિચાર આવ્યો કે બોરડીટીંબાવાળા મોટા ભાગના મોટી વિરાણીના છે અને બાકીના બીજા બધા એક બીજાના સગાવહાલા અને નજીકના ગામોના એક વિચારવાળા લક્ષ્મીનારાયણ ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા છે. આથી તે ગામમાં (બોરડી—ટીંબામાં) મંદિર બનાવડાવી, હાલ મુંબઈ ખાતે તૈયાર થયેલ લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિને, ત્યાં પ્રસ્થાપિત કરી, વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધીથી ભગવાન લક્ષ્મીનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીએ. આ અતિ ઉમદા વિચાર બોરડીટીંબાના સર્વે ગ્રામજનો એ હોંશભેર ઉપાડી લીધો.
લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવી ઉત્સાહમાં આવી ગયેલા ગ્રામજનોએ મંદિર બાંધવાની તૈયારી આરંભી. આ માટે જરૂરી ઈંટો ગામના ભાઈઓ બહેનોએ જાતે બનાવી અને મંદિર બાંધ્યું. મંદિરને હવા ઉજાસ માટે બારી બારણાં, મંદિરનું સરસ મજાનું શોભતું સિંહાસન બનાવડાવ્યુ. મંદિર માટે જરૂરી તમામ વસ્તુઓ હરસોલથી ખરીદી લાવ્યા. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિ મુંબઈથી શ્રી રતનશી ખીમજી ખેતાણી (મોટી વિરાણી વાળા) અને રાજારામ શામજી ધોળું (માનકુવાવાળા), વરસતા વરસાદમાં ગાડા ઉપર ૧૦ કિ.મી. દૂરથી લાવ્યા.
પ્રતિષ્ઠાનો દિવસ સંવત ૧૯૮૪ બીજા શ્રાવણ સુદ ૧૧ તા. ૨૬—ઓગસ્ટ—૧૯૨૮ નક્કી થયો. વાંઢાયના પૂ. ઓધવરામ મહારાજના પટશિષ્ય સંત દયાલદાસજી મહારાજ પણ હાજર રહ્યા. પ્રતિષ્ઠા શાસ્ત્રોક્ત વિધિ કરાવનાર મહારાજ નાથાલાલ ઉપાધ્યાય અને તેમના સાથી પંડિતો દ્વારા થયો. આખા ગામમાં કદી ન જોવા મળ્યો હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો. આજુબાજુના ક્ષત્રિય ગામોમાંથી પણ ભાઈ—બહેનો દર્શન કરવા ઉમટ્યા. શ્રદ્ધાથી ભેટ વગેરે આપતા ગયા અને પ્રતિષ્ઠાનો પ્રસાદ લેતા ગયા. મંદિરના પૂજારી તરીકે નાથાલાલ મહારાજ અને તેમના દીકરા માણેકલાલ ઉપાધ્યાય પ્રતિષ્ઠાના શુભ દિવસથી જ પૂજારી તરીકે સેવા આપતા હતા. તેમજ ગામમાં રહી મહારાજ માણેકલાલને શિક્ષક તરીકે પણ રોકવામાં આવ્યા. બોરડીટીંબાના આજુબાજુના ગામોવાળા પણ અત્રેની શાળામાં ભણવા આવતા હતા. એ વાત ગામ માટે ગૌરવનો વિષય અને પ્રેરણાદાયી હતી. આજુબાજુના ગામોમાં મંદિરો હોઈ બધી જ પ્રજા જન્માષ્ટમીના તહેવારના દિવસોએ મેળા સ્વરૂપે અત્રે ચીજવસ્તુઓ લઈ વેચવા માટે આવતા અને ભગવાનના દર્શન કરી ધન્ય થતા.
આમ, ઈશ્વર કૃપાએ સમસ્ત કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સહિત પ્રથમ મંદિર બોરડીટીંબામાં બન્યું, જે બોરડીટીંબા માટે ગૌરવ અને આનંદનો વિષય છે.
ત્યાર બાદ સમયાંતરે મંદિર જીર્ણ થતાં પ્રથમ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને પાકું વિશાળ અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું. સંવત ૨૦૬૬ મહા વદ ૧૦ને સોમવાર તા. ૦૮—ફેબ્રુઆરી—૨૦૧૦ના રોજ ફરીથી શિખરબંધી મંદિર ૧૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરી તેમાં પાનમૂર્તિને બદલે આરસની મૂર્તિ (લક્ષ્મીનારાયણ ભગવાન), જયપુર (રાજ.)થી બનાવડાવી લાવવામાં આવી. આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૬૬ મહા વદ ૧૦ થી ૧૨ને બુધવાર તા. ૮, ૯, ૧૦—ફેબ્રુઆરી—૨૦૧૦ ના રોજ ભવ્યતાથી યોજવામાં આવ્યા. જેમાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ, નખત્રાણાના હોદ્દેદારો પૈકી પ્રમુખશ્રી રામજી કરમશી નાકરાણી (મોટી વિરાણી), ગંગારામભાઈ સાંખલા (દિલ્હીવાળા), દેવજીભાઈ રામજી ભાવાણી (રસલીયા—સુરત), કારોબારી સભ્ય હિંમતભાઈ રતનશી ખેતાણી (મોટી વિરાણી—મુંબઈ) અને રમેશભાઈ વાગડિયા (ખોંભડી—બેંગ્લોર)થી, પ્રતિષ્ઠાનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા. સર્વેએ પ્રવચનોથી ધન્યવાદ પાઠવ્યા હતા. આ બધા મહેમાનોની ઉપસ્થિતિથી પ્રસંગ વધુ દીપી ઉઠ્યો. આ ઉપરાંત બોરડીટીંબા ગામમાં સ્થાપના સમયથી જે જે વ્યક્તિઓ ગામમાં રહી ગયેલ તેઓ સર્વેને નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને સૌ કોઈ સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠા સમારંભમાં પોતાનાં જૂનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં, જે સાંભળી યુવાનો અને નવી પેઢીને તો આશ્ચર્ય લાગતું હતું.
પ્રિ. રતીલાલ લધાભાઇ છાભૈયા (તલોદ)
૨૯.૦૬.૨૦૨૨