Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Part 2
શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ
ઉદ્દેશ અને નિયમો
આપણી કડવા પાટીદાર જ્ઞાતિ કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, નીમાડ, માળવા વગેરે આ દેશના જુદા જુદા ભાગોમાં વસે છે અને તે દરેક વિભાગમાં જ્ઞાતિ સ્થિતિ સુધારવા સંસ્થાઓ કે મંડળો સ્થાપી લાંબા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે. આવા દરેક મંડળો સમસ્ત જ્ઞાતિની “શ્રી કડવા પાટીદાર પરિષદ” નામે જે મોટી સંસ્થા છે તેના આશ્રય નીચે રહી પોતપોતાની જરૂરિયાતની મુખ્ય સંસ્થાને જાણ કરે છે અને પરિણામે જ્ઞાતિ હિત સાધવાનો માર્ગ સરળ થાય છે. આ મુખ્ય સંસ્થાની સ્થાપના પછી દેશકાળને લઈ જ્ઞાતિમાં ઘર કરી બેઠેલા અધર્મયુક્ત રિવાજોનો ત્યાગ થતો આવે છે અને ઘણા કાળથી એકબીજાથી જુદા પડી ગયેલા પોતાના જ બંધુઓ સાથે ઐક્ય સાધવાનું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થતું જાય છે. આ શુભ કાર્યમાં આપણા કચ્છ વિભાગે પણ કેટલેક અંશે ભાગ લીધો છે, પરંતુ સમસ્ત જ્ઞાતિથી આપણા વિભાગને અલગ પાડી દેનાર અધર્મયુક્ત પીરાણા સતપંથનો ત્યાગ કરવાનું જે મહાન કાર્ય આપણા વિભાગે કરવાનું છે તે ઉદ્દેશ અને કાર્ય ધ્યાનમાં લઈ “શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ” નામે આ સંસ્થા સ્થાપવામાં આવી છે જેનો ઉદ્દેશ અને નિમયો નીચે પ્રમાણે છે.
ઉદ્દેશ :—
૧. આપણી સમસ્ત જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિન્દુપણામાંથી આપણને ટાળી દેનાર પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી સત્વર નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખર્ચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.
૨. આપણને સમસ્ત જ્ઞાતિથી અલગ પાડી દેનારા અથવા જે સનાતન હિન્દુ ધર્મ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવા જ્ઞાતિ રિવાજો નાબુદ કરી સમસ્ત જ્ઞાતિ સાથેનો સંબંધ વધારે પ્રમાણમાં સચવાય તેવા ઉપાયો યોજવા.
૩. જ્ઞાતિની આર્થિક સ્થિતિ સુધારવા અને ઐક્ય સાધવા માટે ખાસ જરૂરનું છે કે દરેક ભાઈઓ પોતાના જ્ઞાતિબંધુને બનતી મદદ કરવી તેમજ જ્ઞાતિમાં વિદ્યા વધારવી, ખેતીવાડી સુધારવી વળી દેશની અને અન્ય જ્ઞાતિઓની હરીફાઈમાં આપણી કોમ પછાત રહી જાય નહી તે માટે જે કંઈ કરવું યોગ્ય જણાય તે કરવું.
૪. ઉપદેશકો રોકીને, સભાઓ ભરીને ચોપાનીયા કે પુસ્તકો પ્રસિદ્ધ કરીને જ્ઞાતિમાં જ્ઞાનનો ફેલાવો કરવો તેમજ સંસ્થાના ઉદ્દેશો બર લાવવા માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે જ્ઞાતિબંધુઓની મદદ લઈને કીંવા રાજદરબારે અરજો કરીને પણ આ દાદ મેળવવાનું કાર્ય જ્ઞાતિ હિતાર્થે કરશે અને સંસ્થાના કાર્ય માટે પગારદાર અથવા બીન પગારદાર માણસો રોકી તેમજ યોગ્ય ખર્ચો કરીને પણ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ બર લાવવામાં આવશે.
૫. સંસ્થાનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના જ રહીશ હોય એવા કડવા પાટીદાર બંધુના હિતાર્થે જ થશે પરંતુ એવો પણ ઉદ્દેશ છે જ કે આ સંસ્થાની સ્થિતિ સુધરતી હોય તો જ્ઞાતિ વિસ્તારના બીજા ભાગો તરફ પણ ધ્યાન આપવામાં આવશે વળી કોઈપણ પ્રયત્ને સમસ્ત જ્ઞાતિમાં આપણા વિભાગનું પ્રતિનિધિત્વ સાચવી રાખવા આ સંસ્થા બનતા દરેક પ્રયત્નો ચાલુ રાખશે.
નિયમો :
૧. કોઈ પણ વિભાગના કડવા પાટીદાર બંધુ આ સંસ્થાના મેમ્બર થઈ શકશે અને સભા તરફથી નક્કી કરવામાં આવેલી ફી આપવાથી અને સંસ્થાનો ઉદ્દેશ અને નિયમોનો અંગીકાર કરેથી મેમ્બર તરીકેનો દરેક હક્ક તેને પ્રાપ્ત થશે.
૨. સંસ્થાની મુખ્ય ઓફિસ મુંબઈ ખાતે રહેશે અને જરૂર જણાતાં બીજી જગ્યાએ પેટા ઓફિસો ખોલવામાં આવશે.
૩. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતીનો ઉપયોગ થશે અને જે જે ભાઈઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમની કમિટિઓ દ્વારા અથવા વ્યક્તિ પરત્વે નિમણુંક કરવામાં આવશે. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારું એક વ્યવસ્થાપક મંડળ નીમવામાં આવશે અને તે મંડળને સંસ્થાના ઉદ્દેશના અંગે ઉત્પન્ન થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે અને તે માટે ખર્ચ પણ કરી શકાશે.
૪. આ સંસ્થાની બેઠક દર વરસે ભરવામાં આવશે અને તે દરમ્યાન વ્યવસ્થાપક મંડળને કોઈ ખાસ સભા બોલાવવાની જરૂર પડે તો તે બોલાવી શકશે. સભા બોલાવવાની ખબર દરેક મેમ્બરને ઓછામાં ઓછા ૧૫ દિવસ અગાઉથી આપવામાં આવશે.
૫. વ્યવસ્થાપક મંડળ પોતાની સભા જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે બોલાવી શકશે અને ઓછામાં ઓછા ૧/૩ જેટલા મેમ્બરો હાજર હશે તે વખતે સંસ્થાના ઉદ્દેશ વિરુદ્ધ જતા ન હોય તેવા જરૂર પડતા પેટા નિયમો ઘડવાની તે મંડળને સત્તા રહેશે.
૬. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા માટે સંસ્થાના નિભાવ અર્થે અથવા સભામાં પસાર થયેલા ઠરાવોના અમલ અર્થે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થશે તે માટે કોઈ ખાસ ફંડ કરવામાં નહી આવ્યું હોય તો સંસ્થાના સામાન્ય ફંડના નાણામાંથી તે માટે ખર્ચ કરવામાં આવશે. સંસ્થાના નાણાં અને હિસાબ તેમજ રજીસ્ટરો કે ચોપડા વગેરે રાખવાનો વહીવટ સંસ્થા અગર તેવી સત્તાવાળી કમિટિ જે જે વખતે જેવા જેવા ઠરાવો કરશે તેને અનુસરીને રહેશે અને તે તપાસવાનો કોઈપણ મેમ્બરને સંપૂર્ણ હક રહેશે.
૭. સભાનો સ્તુત્ય હેતુ બર લાવવા માટે જે કાંઈ વિઘ્નરૂપ જણાય તેનો યોગ્ય રીતે નિકાલ લાવવાની વ્યવસ્થાપક કમિટિને સંપૂર્ણ સત્તા રહેશે અથવા તે કમિટિ તે કાર્ય માટે પદ્ધતિસર જેની નિમણુંક કરે તેણે કરેલું કાર્ય સંસ્થા તરફથી થયેલું ગણાશે.
૮. દરેક સભામાં થતા કામકાજની એક નોંધ વ્યવસ્થાપક કમિટિ તરફથી રાખવામાં આવશે. તે પ્રોસીડીંગ બુક ગણાશે. દરેક સભા પછી તે મોટી હોય કે વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઈ ગયા બાદ તે કાર્ય જેના અધ્યક્ષપણા નીચે થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.
૯. કોઈ પણ મેમ્બર સંસ્થાના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી વિરુદ્ધ જવાપણું બને તેવો કોઈ પ્રકારનો હક્ક અથવા વર્તન કરી શકશે નહીં.
૧૦. સંસ્થાએ પસાર કરેલા ઠરાવોનો અમલ કરાવવો અને કરવો એ દરેક ભાઈની ફરજ ગણાશે અને જે કાર્ય માટે જેની નિમણુંક કરવામાં આવી હોય તે બંધુ તેના કાર્ય માટે સંસ્થાને જવાબદાર રહેશે. પરંતુ જેની પદ્ધતિસર નિમણુંક નહીં થઈ હોય તેવા કોઈ મેમ્બરના કોઈ પ્રકારના કાર્ય માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં.
૧૧. આ સંસ્થાનું કાર્ય એ જ્ઞાતિહિતનું કાર્ય છે. એમ સમજી જે જે વિભાગના ભાઈઓ આ સંસ્થાને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે, પરંતુ પર જ્ઞાતિના કોઈ પણ ગૃહસ્થ તરફની આર્થિક મદદ સ્વીકારવી કે નહી તેનો વ્યવસ્થાપકો સમયને અનુસરીને નિર્ણય કરશે.
સુચના
વ્યવસ્થાપક મંડળના મેમ્બરોના નામ — મે.પ્રમુખ સાહેબ દેસાઈ ચંદુલાલ મણીલાલ, મિસ્ત્રી નારાયણજી રામજીભાઈ ઘાટકોપર, ભાઈ રતનશી ખીમજી ઘાટકોપર, ભાઈ રતનશી શીવજી કરાંચી, વિશ્રામભાઈ દેવજી ઘાટકોપર, વાલજીભાઈ રામજીભાઈ ઘાટકોપર, વિશ્રામભાઈ પાંચા ગાંગાણી કરાંચી, ખીમજીભાઈ શીવજી કરાંચી, નાયાભાઈ શીવજી ઘાટકોપર, રતનશીભાઈ કરસન ઘાટકોપર, નાનજીભાઈ વિશ્રામ નેત્રા (સિદ્ધાતપુર સિન્ધ).
દરેક ભાઈઓ આ સંસ્થાના નિયમોને ઉદ્દેશ અને બરાબર જાણીને અને સમજીને મેમ્બર થયા છે એટલે સંસ્થાનો જ્ઞાતિ હિત સાચવવાનો ઉદ્દેશ તેમની મદદ વડે જલદીથી બર આવશે એવી સંસ્થાને ખાત્રી રહે માટે નીચેનું અંગીકરણ પત્ર ભરી આપી સંસ્થા તરફ મોકલી આપવું અને જ્ઞાતિ હિતના કાર્યમાં જોડાવું એવું દરેક જ્ઞાતિ બંધુઓને વિનંતી કરવામાં આવે છે.
રા.નારયણજીભાઈ રામજીભાઈ જનરલ સેક્રેટરી
હેડ ઓફીસ — ઘાટકોપર
અંગીકરણ પત્ર
શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ મુખ્ય ઓફિસ મુંબઈ ઘાટકોપર, જોગ હું નીચે સહી કરનાર… નુખે… ઉંમર વર્ષ… ગામ… ઠેકાણું આ ઉપરથી અરજ કરું છું કે સંસ્થાના ઉદ્દેશ અને નિયમો મેં જાતે સમજીને જાણ્યા છે અને જ્ઞાતિ હિતના માટે તે ખાસ જરૂરના છે એવી મારી ખાત્રી થઈ છે એટલે તે પાળવા અને પળાવવા હું મારાથી બનતું કરવાનો વિશ્વાસ આપી આ સંસ્થાનો મેમ્બર થવાની માગણી કરું છું તે સ્વીકારવામાં આવશે એવી આશા છે, સહી… અંગુઠાની છાપ.
નીચે જણાવેલા ઠરાવો એક પછી એક પ્રમુખ સાહેબ તરફથી રજુ કરવામાં આવ્યા હતા અને તે સભામાં વાંચી સંભળાવ્યા બાદ સર્વાનુમતે પસાર થયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
ઠરાવ ૧૧મો
સ્વ.જ્ઞાતિબંધુ ભાઈ ખેતા ડોસા પોકાર તથા આપણી જ્ઞાતિ પ્રત્યે લાગણી ધરાવનાર રા.મનસુખલાલ રવજીભાઈ મહેતાના ખેદજનક અવસાન માટે આ પરિષદ અંતઃકરણપૂર્વક દિલગીરી જાહેર કરે છે અને તેમના આત્માને ઈશ્વર શાશ્વત શાંતિ આપે તે માટે આ પરિષદ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરે છે.
ઠરાવ ૧૨ મો.
આ પરિષદનો ઉદ્દેશ બર લાવવા અને તેને શોભાવવાના કાર્યમાં અમદાવાદ, વિરમગામ, સરઢવ, રૂપાલ, કડી, કલોલ, પાટડી, સુરત, ભાટપુર, ભાઠા અને કાઠીયાવાડના દુર જેવા સ્થળોથી પધારી જે ભાઈઓએ ભાગ લીધો છે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો આ પરિષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૧૩ મો.
શેઠ સાહેબ વેલજીભાઈ શીવજીએ પરિષદના આ કાર્યમાં સહાયભૂત થઈ પોતાની વાડી પરિષદના કાર્ય માટે વાપરવા આપી છે તે માટે આ પરિષદ તે સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો ઠરાવ કરે છે.
ઠરાવ ૧૪ મો.
આ પરિષદના કાર્યને દીપાવવા સ્વયંસેવકોએ અને તેના કેપ્ટનોએ શ્રમ લઈ જે જ્ઞાતિસેવા ઉઠાવી છે અને બહારગામથી આવનારા ભાઈઓના ઉતારા અને ભોજન કાર્યની તથા સભામંડપ વગેરેની ઉત્તમ વ્યવસ્થા રાખવા માટે રા.રતનશીભાઈ કરસનદાસ તથા રા.વાલજીભાઈ રામજીભાઈને ધન્યવાદ આપવાનો આ પરિષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૧૫ મો.
સનાતન વૈદિક ધર્મના સ્તંભરૂપ “જ્યોતિવિભુષણ” “મહોપદેશક” “વિદ્યાભાષ્કર” પંડિત કાર્તાંતિક તથા શાસ્ત્રી નરહરીજી તથા ક્ષાત્રકુળદીપક સાક્ષરવર્ય ભાઈશ્રી વસંત અને ગઢશીશાવાળા (કચ્છ) પંડિત પરાશરજીએ પધારી અતિ શ્રમ લઈ પોતાના અમૂલ્ય વખતનો ભોગ આપી આપણી જ્ઞાતિને સ્વધર્મ તરફ દોરવા માટે આપણને જે અમૂલ્ય ઉપદેશ આપ્યો છે તે માટે આ પરિષદ તેમનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. ત્યારબાદ પ્રમુખ સાહેબનો ઉપકાર માનવાને લગતો નીચે જણાવેલો ઠરાવ પરિષદના સેક્રેટરી મિ.નારાયણજીભાઈ રામજીભાઈ તરફથી રજુ કરવામાં આવ્યો હતો.
ઠરાવ ૧૬ મો.
રા.રા.ભાઈ શ્રી ચંદુલાલભાઈ મણિલાલે અનેક અગવડો વેઠી આ પરિષદનું પ્રમુખપદે સ્વીકારી બેઠકનું કાર્ય ઉત્તમ રીતે બજાવ્યું છે તે માટે આ પરિષદ તેમનો અંતઃકરણપૂર્વક આભાર માને છે અને તેમણે સ્વીકારેલી જ્ઞાતિસેવા બજાવવા માટે પ્રભુ તેમને બળ બુદ્ધિ અને દીર્ઘાયુષ બક્ષે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે.
સદરહુ ઠરાવ રજુ કરતા ભાઈશ્રી નારાયણજી રામજીભાઈએ જણાવ્યું કે — પ્રમુખ સાહેબનો ઉપકાર માનવાનો ઠરાવ હું તમારી પાસે રજુ કરીને મારી ફરજ બજાવું છું. તમારે તે ઠરાવને વધાવી લઈ તમારી ફરજ અદા કરવાની છે. પ્રમુખ ભાઈ ચંદુલાલ તો આપણા ભાઈ જ છે તેમનો ઉપકાર માનવાની જરૂર એ તો કદી માને જ નહિ છતાં પોતાના કિંમત વખતનો ભોગ આપી આજે ચાર દિવસથી અને તે પહેલાંના અઠવાડિયાઓથી જે ભાઈ રાત—દિવસ આપણી ઉન્નતિના વિચારો અમલમાં લાવવાનો શ્રમ ઉઠાવી રહ્યા હોય તેમનો જો ઉપકાર ન માનીએ તો આપણે પુરા કૃતઘ્નિ કહેવાઈએ. વળી આ પરિષદનું સુકાન હાથમાં લઈ તેનો સંપૂર્ણ વિજય જે સભાપતિના અધ્યક્ષ નીચે થયો છે તે રીતે પણ શિષ્ટાચારની ખાતર તેમનો ઉપકાર માનવો જ જોઈએ. એક ખાસ બાબત મારે આપને જણાવવી જોઈએ. જો કે તે સભામાં નહીં કહેવાની મને સુચના કરવામાં આવી છે. જેવા ભાઈ ચંદુલાલ મણીલાલ તેવા જ ભાઈ તુલસીદાસ વલ્લભદાસ પણ આપણા હિતમાં હિત માનનારા છે. તેમની ઓળખાણ મુંબઈના ભાઈઓને આપવાની જરૂર જ નથી છતાં અન્ય ભાઈઓની જાણ માટે હું કહીશ કે તે ભાઈ લેવા પાટીદાર છે છતાં લાંબા સમયના મારા તેમની સાથેના અંગત પરિચયથી હું કહું છું કે કડવા અને લેવા એવા જે ભાગ છે તેમાં તે ભાઈ મુદ્દલે ભિન્નતા સમજતા નથી. તેમને બોલવાની બહુ ઓછી ટેવ છે. દરબાર સાહેબે આપણને કહેલું તે પ્રમાણે બોલવા કરતાં કરી દેખાડવાની વાતમાં તે ભાઈ વધારે માનનારા છે. કાર્યની જરૂરિયાત તેમને ભાગ્યે જ સમજાવવી પડે, તે ભાઈશ્રી તુલસીદાસ અને ચંદુલાલ પોતા વચ્ચે સારો નાતો ધરાવે છે તેમણે મને કહ્યું છે કે આ પરિષદનો જે કંઈ ખર્ચ થશે તે અમે આપીશું. (તાળીઓ). તમે તાળીઓ પાડો તેથી હું રાજી થતો નથી. આપણા કચ્છ વિભાગના કાર્યમાં એ ભાઈઓની આર્થિક મદદ સ્વીકારવી પડે તેમાં હું તો એક પ્રકારની શરમ માનું છું. શા માટે તે હું અત્રે કહેવા ઈચ્છતો નથી. આ બંને ગૃહસ્થો પાટીદાર જ્ઞાતિમાં વેપારી વર્ગના ગણાય છે જેટલા વેપારી છે તેના કરતાં પાટીદારનો જે મુખ્ય ગુણ ઉદારતા એ તેમનામાં વિશેષ છે. ભાઈશ્રી તુલસીદાસે આપણા ઉપર આજે એક પ્રકારનો અહેસાન કર્યો છે તે ખાતે હું પરિષદ તરફથી તેમનો આભાર માનું છું અને ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરું છું કે, બંને ભાઈઓના હાથે જ્ઞાતિ સેવાના અનેક યશસ્વી કાર્યો પ્રભુ કરાવે અને તેમને દીર્ઘાયુષ્ય બક્ષે. સાથે સાથે હું આપને એક વાત એ કહેવા માગું છું કે પ્રથમ તો આ પરિષદની શોભા જે ભાઈઓના લીધે વધી છે અને આ ત્રીજી બેઠકે જેના અધ્યક્ષ નીચે વિજય મેળવ્યો છે તેવા એ બંને ભાઈઓના ફોટા આપણે રિપોર્ટમાં મુકવા જોઈએ. તેમની પ્રશંસા કે તેમનું માન વધારવાની ખાતર તમે સમજશો નહિ પરંતુ તમારી આ પરિષદની મહત્તા જે દાનવીર અને ધર્મવીર પુરૂષોના લીધે વધી છે તે કચ્છના આગેવાનો પાસે સાબિત કરવા. દેશમાં આ પરિષદનું શુદ્ધ સ્વરૂપ તે સિવાય ખડુ થવાનું નથી. આપણા સુધારકોથી તો એ ખાધેલા ગેઢેરા પાછા પડે તેવા નથી પણ જ્યારે તેમને દેખાશે કે હવે તો ગુજરાતના ભાઈઓ પણ પાછળ લાગ્યા છે ત્યારે જ એ લોકો મચક આપશે. ફોટા મુકવાનો આપણો આ હેતુ છે તે એ બંને ભાઈઓને વિદિત થાય અને તે મુકવાની આપણને રજા આપે એવી તેમના પ્રત્યે મારી વિનંતી છે. (તાળીઓ)
ભાઈ મહીદાસ માસ્તરે જણાવ્યું — પરિષદના મહાન કાર્યનું નાવ ચંદુભાઈએ બરાબર ચલાવ્યું છે. પરિષદની બેઠક ત્રણ જ દિવસ ચાલનારી હતી તેમાં ચોથો ઉમેરીને તે નાવ ભર દરિયેથી કિનારા ઉપર લાવીને પોતાનો ધર્મ બજાવ્યો છે તે ખાતે પરિષદ તેમનો ઉપકાર માને તે સાથે હું પણ ઉપકાર માનું છું. ચંદુલાલભાઈ તે પાટડીના દરબાર સાહેબના વંશમાં જન્મેલા દેસાઈ છે. જેના વડવાઓએ અનેકવાર જ્ઞાતિ હિતના કાર્યો કર્યા છે. તેમનામાં એ કાર્યદક્ષતા કેમ ન સંભવે ! જ્ઞાતિ હિતની આ પ્રવૃત્તિ ચાલુ રહે, દર માસે કંઈને કંઈ સહુ ભાઈઓને જાણવાનું મળે એવી કોઈ યોજના પરિષદના કાર્યવાહકો હાથ ધરશે એવી મારી વિનંતી છે.
પંડિતશ્રી કાર્તાંતિકે જણાવ્યું —
હું શરીરે બ્રાહ્મણ છું. ત્રણ દિવસથી હું આ સભામાં જે કાર્ય થાય છે તે જોઈ રહ્યો છું, મેં જે ભિક્ષા માગી તે પોતાનો ક્ષાત્રધર્મ સમજનાર ડાહ્યા પુરૂષોએ આપી છે. તેમણે સાચો ત્યાગ બતાવ્યો છે. અધર્મનો પંથ તજી દેવાની જેમણે પ્રતિજ્ઞા લીધી છે તેમણે મને સંતોષ પમાડ્યો છે. સભામાં પ્રમુખની જગ્યાએ બિરાજનાર મોટા સ્તંભરૂપ પ્રમુખ સાહેબ ગણાય તેમણે શાંત વૃત્તિ ધારણ કરી કાર્ય નિર્વિધ્ને પાર પાડ્યું છે, વક્તા અને શ્રોતાઓને તેમણે ન્યાય આપ્યો છે તે ખાતે તેમને આશીર્વાદ આપવાની વિદ્વાનવર્ગ તરફથી મારી ફરજ છે. બ્રાહ્મણોનો તેમણે આભાર દર્શાવ્યો છે તે ખાતે પણ મારે કંઈક બોલવું તો જોઈએ. મારા દધિચ મહર્ષિનું વત્રાસુરનો વધ કરવા માટે ઈંદ્રે હાડકુ માગ્યું હતું તે તેમણે પોતાનો ધર્મ સમજીને આપ્યું હતું. એ જ ધર્મ અમારો સમજીને તમને અમારા જે પ્રકારની મદદની જરૂર દેખાય તે આપવામાં અમે પછાત રહેવાના નથી એની હું તમને ખાત્રી આપું છું. તમે કણબી કુળના સંતાનો છો, અમે બ્રાહ્મણો તમારા ઋણી છીએ એમ હું માનું છું. જ્યારે અમારો તમને ખપ પડશે ત્યારે આ શરીર તમારું જ છે એમ માનજો. અમે અમારી ફરજ બજાવ્યા સિવાય કંઈ કર્યું નથી. અમારા વર્ગનું તમે જે સન્માન કર્યું છે તે ખાતે હું તમારો આભાર માનું છું. (તાળીઓ)
ભાઈશ્રી વસંતે — પ્રમુખ સાહેબનો ઉપકાર માનતાં જણાવ્યું —
પ્રમુખ સાહેબે પોતાના નામ પ્રમાણેના ગુણ ધારણ કરી શાંતિથી સહુને ન્યાય આપ્યા છે. તમારી જ્ઞાતિ હિલચાલ લંબાશે અને તમારે દેશમાં જઈને ઠરાવો અમલમાં લાવવાનો પુરૂષાર્થ કરવો પડશે. હું તમને મારા ભાઈ સમજું છું સાથે જણાવાની રજા લઉં છું કે મારા લાયક કામ સેવા દેખાય તે મને ફરમાવશો. દેશમાં મારી હાજરીની જરૂર હશે તો ત્યાં પણ મારા ખર્ચે આવીને સ્વધર્મના રક્ષણ અર્થે સેવા બજાવા હું ચુકીશ નહિ. તમારી આજ્ઞાની જ હું રાહ જોઈશ. આ પરિષદે અમારા તરફ જે લાગણી દર્શાવી છે તે ખાતે હું આભાર માનું છું.
પ્રમુખ સાહેબે પોતા તરફથી જવાબ વાળતાં કહ્યું —
પંડિતજીએ મારા ઉપર જે આશીર્વાદની વૃષ્ટિ કરી છે તે હું માથે ચડાવું છું. મારા પ્રિય બંધુ ક્ષાત્રકુળ દિપક ભાઈશ્રી વસંતે મારા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવતાં કંઈક વધારે પડતી મારી પ્રશંસા કરી છે. વિદ્વાન ભાઈઓ અને ગુરુવર્ગે આ સભામાં પધારી પોતાના જ્ઞાનનો જે લાભ આપ્યો છે તે ખાતે મારે તેમનો આભાર માનવાનો છે જ. તમે ભાઈઓએ ચાર દિવસ સુધી શાંતિ રાખી પરિષદનું કાર્ય સંપૂર્ણ ફતેહથી પસાર કર્યું છે તે ખાતે હું તમારા સઘળાનો ઉપકાર માનું છું. મારા મિત્ર ભાઈ તુલસીદાસ માટે આપણા સેક્રેટરી ભાઈ નારાયણજીએ જે લાગણી દર્શાવી છે તે ખાતે હું તેમના તરફથી આભાર માનું છું. અમે અમારી ફરજ બજાવ્યા સિવાય કંઈ કર્યું નથી. અમારા કરતાં જ્ઞાતિની વિશેષ લાગણી ધરાવનારા ઘણા ભાઈઓ જ્ઞાતિમાં પડ્યા છે, અહીં જ કેટલાક બિરાજે છે જેઓ રાત દિવસ એ વાતના વિચારમાં મગ્ન રહે છે તેમની સેવા આગળ અમે કંઈ વિશાતમાં નથી. આપણે જે ઠરાવો કર્યા છે તેમાં પીરાણા પંથનો સત્વર ત્યાગ કરવાનો આપણો મુખ્ય ઉદ્દેશ છે એ વાત તરફ હું દરેક ભાઈનું લક્ષ ખેંચવાની રજા લઉં છું. એને તિલાંજલી આપ્યા સિવાય આપણો ઉદ્ધાર નથી એ તમે ચોક્કસ કરીને માનજો. તેના અંગે બીજા અધર્મયુક્ત રિવાજો પેસી ગયા છે તે તો જતા જ રહેશે. મૂળ અને થડનો નાશ કર્યા પછી ડાળાં પાંખડાંનો નાશ તો થશે જ. બાળલગ્નનો રિવાજ દુર કરીશું એટલે છુટાછેડા ભાગ્યે જ કરવા પડશે. આગેવાનોના ત્રાસ સબંધી આપણે અવશ્યે વિચાર કરવો જોઈએ અને તે માટે પરિષદના કાર્યવાહકોએ યોગ્ય પગલાં લેવા જ પડશે. અત્યાર સુધી આપણને પંડિતજીએ કહ્યું છે તેમ મેંઢરા હતા હવે સિંહ બન્યા છીએ એ સારી વાત છે. એમ તમારે કચ્છના આગેવાનો પાસે પુરવાર કરવાનું છે. તેમના જુલમ અને ત્રાસ અટકાવામાં તમારે અમારી સાથે રહેવાનું છે. એ વાત તમે કોઈ ભુલી ન જાઓ એટલી હું છેવટે તમને વિનંતી કરી તમે મારા પ્રત્યે જે ઉત્સાહભરી લાગણી અને પ્રેમ દેખાડ્યો છે તે ખાતે સહુનો હું આભાર માનું છું. (તાળીઓ)
પંડિત શ્રી કાર્તાંતિક — પ્રમુખ સાહેબે તૈયાર રહેવાની આપણને સુચના કરી છે. હું પણ તમારી સાથે જ છું અને કહું છું કે હું તૈયાર જ રહીશ. તમે તો ક્ષત્રિય છો, ગૌબ્રાહ્મણનું પોષણ કરનારા છો, તમારી જો ઉન્નતિ ન થાય તો જગત્નો નાશ થાય? તમે હવે પીરાણાના સૈયદો અને પેલા કાકાઓને ભુલી જાઓ. (તાળીઓ) જેણે તમારું અહિત કર્યું હોય તેને ક્ષમા આપો, એ તમારા ક્ષત્રિયોનું ભુષણ છે. તમે અધર્મના માર્ગે ચડી જવાથી તમને શરમ લાગતી હશે પણ તેમાં તમારો દોષ નથી. તમે અજ્ઞાન હતા, અમે બ્રાહ્મણોએ તમારી દરકાર કરી નહિ, તમને એ મારગે જતાં રોક્યા નહિ એ અમારો પણ દોષ છે. તમે ઘરમાં બેઠા બેઠા રામ રામ જપશો તો પણ તમારો ઉદ્ધાર થશે. હું તમને કોઈ વાડામાં પુરાઈ જવાનું કહેતો નથી. સનાતન ધર્મને માનનારા સઘળા વાડા પંથો તમારા જ છે. લેવા અને કડવા તે રામના પુત્ર લવ અને કુશના વંશમાંથી ઉતરી આવ્યાની વાત જાહેર છે. એટલે તમારે તો રામ એજ ઈષ્ટ દેવ છે. વળી કુળદેવી તો ઉમિયા તમારી છે જ. તમારા રામને મુકીને તમે બીજા ક્યા રામને શોધશો? શ્રી રામચંદ્રજીની પ્રતિમાનું ધ્યાન ધરી તેના ગુણાનુવાદ ગાતાં શીખો, તેનું ભજન કરો, તેનું સ્વરૂપ તમારી સમક્ષ ખડુ થઈ જાય એવા તમે એની ભક્તિમાં લીન થઈ જાઓ. એ રામની મૂર્તિમાં લીન થઈ જાઓ, તમારા અંતરમાં એને સ્થાન આપો.
પ્રથમના અને અત્યાર સુધીના નામો અને કુટુંબોની ગણતરી કરતાં બે ત્રણ હજાર મનુષ્યો તમારામાંથી એ પાપી પંથ ત્યાગ કરવા તૈયાર થઈ ગયા પછી એ કંઈ ઓછું કાર્ય કહેવાય નહિ. એ પંથને તમે સત્વર નાબુદ કરો તેમાં ફલાણાભાઈ કરે તો હું કરું એવી રાહ જોવાની નથી, “પાળે તેનો ધરમ અને મારે તેની તલવાર”. બીજાની આશા રાખનાર કોઈ દિવસ તરતા નથી તમે તમારા પગ ઉપર ઉભા રહેતા શીખો. ગંજીપાનાં પાનાંનું દૃષ્ટાંત આપી પ્રમુખ સાહેબે તમને એક્કો સહુને જીતી જાય છે એ વાત કહી છે. એક્કો એટલે એક જ નહિ પણ એક્કો કરો એટલે સહુ સાથે રહીને સંપ કરો એવો તેમના કહેવાનો અર્થ હતો. એ સંપ અથવા એક્કો તમે સાધ્ય કરો. જ્યાં ધર્મ છે ત્યાં હંમેશાં વિજય હોય છે જ. અધર્મના ખાડામાં પડી રહેવાથી કોઈ દિવસે કોઈ પ્રકારનો વિજય પ્રાપ્ત કરી શકાતો નથી. તમે અને હું ધર્મના કાર્યમાં કંઈ જુદા નથી. પ્રમુખ સાહેબે મારા ગળામાં ફુલની માળા નાંખી છે તે માળા તમને ભલે પુષ્પની દેખાય મને એ જ્ઞાતિ સેવાના બંધનની બેડી દેખાય છે. પ્રમુખ સાહેબે એ બેડીથી મને બાંધ્યો છે. આ ગરમીના દિવસો છતાં ખરા તાપ વખતે સહુએ ચાર દિવસ લાગલગાટ પરિશ્રમ લઈ એક ચિત્તે બધુ સાંભળ્યું છે તેના ફળનું બી વવાઈ ગયું છે, વૃક્ષ ફુટી નીકળવાની તૈયારી છે. તમે શ્રદ્ધા રાખી પરિષદના કાર્ય કરતા જાઓ જે માગે તે મદદ આપજો તો તમારો સત્વર ઉદ્ધાર થશે. અમારો તમને સહુ ભાઈઓને આશીર્વાદ છે કે તમારો ઉદ્દેશ સિદ્ધ થાઓ? તમારા મનોરથો પરિપૂર્ણ થાઓ ! તમારામાં ધાર્મિક ભાવનાની જ્યોત પ્રગટ થાઓ ! તમને સત્યધર્મનું જ્ઞાતિ અને તમારો ક્ષાત્રધર્મ બજાવા પ્રભુ તમને રિદ્ધિસિદ્ધિ આપે, ૐ ૐ ૐ બોલતા ભૂદેવો એ સહુને વેદમંત્રોથી આશીર્વાદ આપ્યા બાદ કુળદેવી શ્રી ઉમિયા માતાની નીચે પ્રમાણેની સ્તુતિ કરવામાં આવી હતી.
રાગ ધનાશ્રી |
જય જય પુરણ કામ, ગીરીજા જય જય પુરણ કામ. જય. |
કૃપા વધારી કૃતિ સુધારી, બલિહારું સુખધામ ગીરજા. |
કષ્ટ વિદારો, જય વિસ્તારો, ધર્યું કલ્યાણની નામ ગીરજા. |
પાયે લાગે અમર એ માગે, આપો અવિચળ ધામ ગીરજા. |
ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ |
ઉપર પ્રમાણે કુળદેવીની સ્તુતિ થઈ રહ્યા બાદ પરિષદના સેક્રેટરી ભાઈ નારાયણજી રામજીભાઈએ જણાવ્યું કે આ બેઠકનું કાર્ય સંપૂર્ણ થયું છે. મે. પ્રમુખ સાહેબના હુકમથી તે બરખાસ્ત કરવામાં આવે છે. (તાળીઓ)
તાળીઓના અવાજ થઈ રહ્યા બાદ ગામ મંગવાણાવાળા (હાલમાં કરાંચીમાં રહેતા) આપણી જ્ઞાતિના સુપ્રસિદ્ધ કોન્ટ્રાક્ટર ભાઈ ખીમજી શીવજીએ ઉભા થઈને જણાવ્યું કે પરિષદમાં જે પીરાણા સતપંથને તજી દેવાની અમારા ઘણા ભાઈઓએ પ્રતિજ્ઞા કરી છે તેમાંના કેટલાક ભાઈઓ અને બહેનો આવતી કાલે આ સભા મંડપમાં જ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવાની ઈચ્છા રાખે છે. માટે તે સંબંધે યોગ્ય ગોઠવણ કરી દેવાની હું વિનંતી કરું છું. જેનો મે.પ્રમુખ સાહેબ અને સેક્રેટરી ભાઈ નારાયણજી રામજીભાઈ તરફથી બંદોબસ્ત કરી આપવાની ખાત્રી આપવામાં આવી હતી. પછી સૌ ભાઈઓ રાત્રે નવ વાગે આનંદમાં સભાનું કાર્ય પરિપૂર્ણ થયેલું જાણી છૂટા પડ્યા હતા.
ઘાટકોપરમાં તા.૨૨—૪—૧૯૨૩ના દિવસે | |
સભામંડપમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેનારના નામ | |
૧ | ભાઈશ્રી ખીમજી શીવજી રામાણી ગામ—મંગવાણાવાળા |
૨ | સૌભાગ્યવંતા કંકુબાઈ તે ખીમજી શીવજીના ધર્મપત્ની |
૩ | ચિ.મનસુખલાલ તે ભાઈ ખીમજી શીવજીના પુત્રો |
૪ | ચિ.જયંતીલાલ તે ભાઈ ખીમજી શીવજીના પુત્રો |
૫ | ભાઈ માવજી પુંજા જબુવાણી ગામ—નખત્રાણાવાળા |
૬ | સૌ.બેન વાલબાઈ તે માવજી પુંજાના ધર્મપત્ની |
૭ | ચિ.બેન મેઘબાઈ તે માવજી પુંજાની પુત્રીઓ |
૮ | ચિ.બેન જસુબાઈ તે માવજી પુંજાની પુત્રીઓ |
૯ | ભાઈ હરજી વીરજી નાકરાણી ગામ—વીરાણી (મોટી) વાળા |
૧૦ | સૌ.બેન માનબાઈ તે ભાઈ હીરજી વીરજીના ધર્મપત્ની |
૧૧ | ચિ.બેન વાલબાઈ તે હરજી વીરજીની પુત્રી |
૧૨ | ભાઈ હીરજી માવજી ધોળુ ગામ—વીરાણી (મોટી) વાળા |
૧૩ | ભાઈ વાલજી વસ્તા પોકાર ગામ—વિથોણવાળા |
૧૪ | પટેલ જેઠા શીવજી વાસાણી ગામ—વીરાણી (ગઢવાળી) |
૧૫ | સૌ.બેનકુંવરબાઈ તે જેઠા શીવજીના ધર્મપત્ની |
૧૬ | ચિ.વેલજી તે જેઠા શીવજીનો પુત્ર |
૧૭ | ભાઈ કરમશી લધા સાંખલા ગામ—દેશલપર ચૌધરીવાળું |
૧૮ | માતાજી દેવકીબાઈ તે કરમશી લધાના માતુશ્રી |
૧૯ | સૌ.બેન લાલબાઈ તે કરમશી લધાના ધર્મપત્ની |
૨૦ | ચિ.ડાઈબાઈ તે કરમશી લધાના ધર્મપત્ની |
૨૧ | ચિ.બેન જેઠીબાઈ તે કરમશી લધાના પુત્ર—પુત્રીઓ |
૨૨ | ચિ.પ્રેમજી તે કરમશી લધાના પુત્ર—પુત્રીઓ |
૨૩ | પટેલ અરજણ ધનજી રંગાણી ગામ—ગઢશીશાવાળા |
૨૪ | ભાઈ મનજી દાના રંગાણી ગામ—ગઢશીશાવાળા |
૨૫ | ભાઈ હરજી વીરજી રંગાણી ગામ—ગઢશીશાવાળા |
૨૬ | પટેલ શીવજી વીરજી પોકાર ગામ—ગઢશીશાવાળા |
૨૭ | માતાજી જીવાંબાઈ તે શીવજી વીરજીના માતુશ્રી |
૨૮ | સૌ.બેન ભચીબાઈ તે શીવજી વીરજીના ધર્મપત્ની |
૨૯ | ચિ.બેન રામબાઈ તે શીવજી વીરજીના પુત્ર—પુત્રીઓ |
૩૦ | ચિ.મીઠું તે શીવજી વીરજીના પુત્ર—પુત્રીઓ |
૩૧ | બોલભાઈ રવજી ગોપાલ |
૩૨ | તે પટેલ માવજી માના નાકરાણી ગામ—વીરાણી મોટીવાળા |
૩૩ | ભાઈ કરમશી માવજી નાકરાણી ગામ વીરાણી મોટીવાળા |
૩૪ | સૌ.બેન રતનબાઈ તે કરમશી માવજીના ધર્મપત્ની |
૩૫ | ચિ.બેન લક્ષ્મીબાઈ તે કરમશી માવજીના પુત્રી |
૩૬ | ભાઈ કાનજી પચાણ રંગાણી ગામ—ગઢશીશાવાળા |
૩૭ | માતાજી વાલબાઈ તે કાનજી પચાણના માતુશ્રી |
૩૮ | ચિ.બેન ભચીબાઈ તે કાનજીના બેન |
૩૯ | ભાઈ શીવદાસ કાનજી નાકરાણી ગામ—વીરાણી મોટીવાળા |
૪૦ | સૌ.બેન લક્ષ્મીબાઈ તે શીવદાસ કાનજીના ધર્મપત્ની |
૪૧ | ચિ.વાલજી તે શીવદાસ કાનજીનો પુત્ર |
૪૨ | ભાઈ રામજી ભીમજી ગોગારી ગામ—વીરાણી મોટીવાળા |
૪૩ | } બે ભાઈઓ વીરાણી મોટીના નામ યાદ નહીં આવવાથી. |
૪૪ |
ઉપર જણાવેલા ભાઈઓએ સભામંડપમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત. કચ્છ ગઢશીશાવાળા સુપ્રસિદ્ધ પંડિત પરાશર શર્મા અને બીજા વિદ્વાન પંડિતોની હાજરીમાં તેઓના હાથથી લીધા છે અને તેજ દિવસે પ્રાયશ્ચિત વિધિનું કાર્ય સંપૂર્ણ થતાં મે.પ્રમુખ સાહેબ ચંદુલાલભાઈ મણીલાલ દેસાઈના વતી ઘાટકોપરમાં વસતા પ્રાયશ્ચિત કરાવેલા બીજા ભાઈઓ અને પરિષદમાં પધારેલા અન્ય ગૃહસ્થો સૌને લાડુનું જમણ આપ્યું હતું જે સૌ ભાઈઓ સાથે બેસીને જમ્યા હતા. પ્રમુખ સાહેબની તેમજ કુળદેવી ઉમિયા માતાજીની જયના પોકારો હર્ષભેર થયા હતા.
સભાના કામકાજથી પરવારીને સૌ ભાઈઓ પોતપોતાના ઠેકાણે ગયા પછી કરાંચીમાં વસ્તા ભાઈઓ પૈકીના જે ભાઈઓએ સભામાં પીરાણા પંથને તજી દેવાની પ્રતિજ્ઞા કરી હતી તે ભાઈઓએ કરાંચીમાં વૈશાખ સુદી ૩ અક્ષય તિથિ સંવત ૧૯૮૦ {VSAK: 07-May-1924} ના દિવસે વઢવાણવાળા સુપ્રસિદ્ધ શુક્લ કાળીદાસ ભલુરામના હાથે કણબી ભાઈઓના રહેવાના સ્થાન રણછોડ લાઈનમાં મોટા કંપાઉન્ડમાં મંડપ બાંધીને ઘણી જ ધામધુમથી વેદવિધિ અનુસાર દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લીધું છે. જેની ક્રમવાર સંખ્યા નીચે મુજબ છે.
પ્રાયશ્ચિત કરાવી શુદ્ધ થયેલા ભાઈઓ તેમજ બહેનોના નામની સંખ્યા. | |
૧ | પટેલ રતનશી શીવજી નાકરાણી ગામ—રવાપરવાળા તંત્રી “પાટીદાર ઉદયના” sd;gld d;glkd d;gk |
૨ | સૌભાગ્યવંતા બેન મેઘબાઈ તે પટેલ રતનશી શીવજીના ધર્મપત્ની |
૩ | ચિ.વીરજી તે રતનશી શીવજીનો પુત્ર |
૪ | પા.લાલજી સોમજી નાકરાણી ગામ—રવાપરવાળા |
૫ | સૌ.વાલબાઈ તે લાલજી સોમજીના ધર્મપત્ની |
૬ | પા.રામજી સોમજી નાકરાણી ગામ—રવાપરવાળા |
૭ | સૌ. બેન કેશરબાઈ તે રામજી સોમજીના ધર્મપત્ની |
૮ | ચિ.બેન ગોમતીબાઈ તે રામજી સોમજીના પુત્રી |
૯ | પા.નથુ ધનજી નાકરાણી ગામ—રવાપરવાળા |
૧૦ | સૌ. બેન નાનબાઈ તે નથુ ધનજીના ધર્મપત્ની |
૧૧ | ચિ.દાનાભાઈ તે નથુ ધનજીના પુત્ર—પુત્રીઓ |
૧૨ | ચિ.બેન પરમાબાઈ તે નથુ ધનજીના પુત્ર—પુત્રીઓ |
૧૩ | પા.મુળજી ડોસા પોકાર ગામ—નખત્રાણાવાળા |
૧૪ | સૌ.બેન દેવકીબાઈ તે મુળજી ડોસાનાં ધર્મ પત્ની |
૧૫ | ચિ.ભાઈ નાનજી તે મુળજી ડોસાના પુત્ર—પુત્રીઓ |
૧૬ | ચિ.બેન નાનબાઈ તે મુળજી ડોસાના પુત્ર—પુત્રીઓ |
૧૭ | ચિ.બેન નર્મદાબાઈ તે મુળજી ડોસાના પુત્ર—પુત્રીઓ |
૧૮ | પા.વાલજી લખુ પોકાર ગામ—નખત્રાણાવાળા |
૧૯ | સૌ.બેન જમનાબાઈ તે વાલજી લખુના ધર્મપત્ની |
૨૦ | ચિ.રાજાભાઈ તે વાલજી લખુના પુત્ર—પુત્રીઓ |
૨૧ | ચિ.વિશ્રામભાઈ તે વાલજી લખુના પુત્ર—પુત્રીઓ |
૨૨ | ચિ.બેન ચીચીબાઈ તે વાલજી લખુના પુત્ર—પુત્રીઓ |
૨૩ | ચિ.બેન તુલસીબાઈ તે વાલજી લખુના પુત્ર—પુત્રીઓ |
૨૪ | પા.વીરજી લખુ પોકાર ગામ—નખત્રાણાવાળા |
૨૫ | સૌ.બેન ધનબાઈ તે વીરજી લખુના ધર્મપત્ની |
૨૬ | ચિ.બેન ડાહીબાઈ તે વીરજી લખુની પુત્રીઓ |
૨૭ | ચિ.બેન લક્ષ્મીબાઈ તે વીરજી લખુની પુત્રીઓ |
૨૮ | પા.ગોપાલ પેથા પોકાર ગામ—નખત્રાણાવાળા |
૨૯ | સૌ.બેન લક્ષ્મીબાઈ તે ગોપાલ પેથાના ધર્મપત્ની |
૩૦ | ભાઈ લાલજી પેથા પોકાર ગામ—નખત્રાણાવાળા |
૩૧ | ભાઈ શીવજી પેથા પોકાર ગામ—નખત્રાણાવાળા |
૩૨ | પા.શીવજી લધા નાકરાણી ગામ—નખત્રાણવાળા |
૩૩ | સૌ. બેન દેવકીબાઈ તે શીવજી લધાનાં ધર્મપત્ની |
૩૪ | ચિ.જેઠાલાલ તે શીવજી લધાનો પુત્ર |
૩૫ | પા.નારણજી લધા નાકરાણી ગામ—નખત્રાણાવાળા |
૩૬ | સૌ.બેન ગોમતીબાઈ તે નારણજી લધાના ધર્મપત્ની |
૩૭ | ચિ.ભાઈ નરસિંહ તે નારણજી લધાના પુત્રો |
૩૮ | ચિ.ભાઈ અર્જુન તે નારણજી લધાના પુત્રો |
૩૯ | પટેલ વિશ્રામ પાંચા પોકાર (ગાગાણી) ગામ—વીરાણીવાળા |
૪૦ | સૌ.બેન લક્ષ્મીબાઈ તે ભાઈ વિશ્રામ પાંચાના ધર્મપત્ની |
૪૧ | ચિ.ભાઈ પ્રેમજી તે વિશ્રામ પાંચાના પુત્ર—પુત્રીઓ |
૪૨ | ચિ.બેન લાલબાઈ તે વિશ્રામ પાંચાના પુત્ર—પુત્રીઓ |
૪૩ | ચિ.લાલજી ઉર્ફે બાબુલાલ |
૪૪ | પા.મેઘજી શામજી સાંખલા ગામ—વીરાણીવાળા |
૪૫ | સૌ.કુવરબાઈ તે મેઘજીના ધર્મપત્ની |
૪૬ | ચિ.ભાઈ શીવદાસ તે મેઘજી શામજીના પુત્ર—પુત્રીઓ |
૪૭ | ચિ.ભાઈ શીવજી તે મેઘજી શામજીના પુત્ર—પુત્રીઓ |
૪૮ | ચિ.બેન રામબાઈ તે મેઘજી શામજીના પુત્ર—પુત્રીઓ |
૪૯ | પા.દેવજી ભીમજી ગોગારી ગામ—વીરાણીવાળા |
૫૦ | સૌ.બેન જશુબાઈ તે દેવજી ભીમજીના ધર્મપત્ની |
૫૧ | ચિ.ભાઈ તુલસીદાસ તે દેવજી ભીમજીનો પુત્ર |
૫૨ | પા.મુળજી ભીમજી ગોગારી ગામ—વીરાણીવાળા |
૫૩ | સૌ.બેન હીરબાઈ તે મુળજી ભીમજીના ધર્મપત્ની |
૫૪ | પા.ડાહ્યા ગોપાલ ગોગારી ગામ—વીરાણીવાળા |
૫૫ | પા.રામજી રૈયા ગામ—વીરાણીવાળા |
૫૬ | માતાજી કુંવરબાઈ તે રામજી રૈયાના માતુશ્રી |
ઉપર મુજબના ભાઈઓ તેમજ બહેનોએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી પીરાણા કબ્રસ્તાની પંથને તિલાંજલી આપી છે. તે સિવાય વિથોણ ગામમાં ભાઈ વાલજી વસ્તા પોકારના ધર્મપત્ની તથા તેના બાળકોએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લીધું છે. ચાલુ શ્રાવણ માસમાં સિંધ સિદ્ધાતપુરવાળા ભાઈ નાનજી વિશ્રામની સાથે રહેતા વીસ કુટુંબો તથા કરાંચીમાં ભાઈ શીવજી કાનજી પારસીયા વિગેરેની સરદારી નીચે ઘણા કુટુંબો શ્રાવણ સુદ ૧૫ પછી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવાના છે. એવા કાગળો મળ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા અમારી કણબી જ્ઞાતિના ઉપર કૃપા કરી તેમને સદ્બુદ્ધિ આપે કે તેથી પીરાણા પંથનું જે કાળું કલંક છે તે ધોઈ નાખી જ્ઞાતિ સ્વધર્મ પરાયણતા એ જ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે વિનંતી છે.
રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ—માનકુવાવાળાએ તીર્થક્ષેત્ર
નાશીકમાં ગયા અષાઢ સુદમાં કરાવેલી દેહશુદ્ધિ
જ્ઞાતિના ઘણા ભાઈઓ જાણીને ખુશી થશે કે રાજાભાઈ શામજી ધોળુએ ગયા અષાઢ માસમાં નાસીક ત્રંબકેશ્વરની જાત્રા કરવા પોતાના કુટુંબીઓ તેમજ તેમની પાસે કામ કરનારા વિસેક જણની સાથે ગયા હતા. નાશીકમાં રાજાભાઈ શામજીએ ચાર વેદો ભણેલા બ્રાહ્મણોની સભા કરી હતી. તેઓને અથર્વવેદ સાંભળવાની ભારે હોંશ હતી. તેઓના કહેવા પ્રમાણે એક જ બ્રાહ્મણ અથર્વવેદ જાણતો હતો. રાજાભાઈના મનમાં શંકા હતી કે અથર્વવેદમાં મુસલમાની કલમા હશે પરંતુ તેવું તો તેમણે જોયું નહીં તેમજ પીરાણા સતપંથમાં બ્રાહ્મણોના મોંઢાથી સાંભળેલા અથર્વવેદમાં પીરાણા સતપંથ જેવું તો કશુંએ જણાયું નહીં જેથી પોતાના સાથીઓ સાથે નાશીકમાં વેદવિધિ અનુસાર વૈદિક બ્રાહ્મણોની પાસેથી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી પીરાણા સતપંથને સદાના માટે તિલાંજલી આપી છે. એટલું જ નહીં પણ પરિષદમાં જે તેમના બેલીઓને ઉભા કર્યા હતા તેઓને પણ અષાઢ સુદ ૧૫ અષાઢ વદિ ૧૧, અષાઢ વદ ૦)) {VSK: 03 to 30-Jul-1924} વિગેરે જુદી જુદી તિથિઓએ ગામ—રસલીયાના એક બ્રાહ્મણ મારફતે પીરાણા ધર્મ તજાવીને શુદ્ધ સનાતન ધર્મની દીક્ષા દેવરાવી છે. કેટલાક ભાઈઓને તુલસીની સોનાની કંઠીઓ કેટલાકને રૂપાની કંઠીઓ રાજાભાઈ તરફથી અપાઈ છે. કેટલાકને સાદી તુલસીની કંઠીઓ અપાઈ છે. એકંદર એંસી જણાનો સરવાળો રાજાભાઈ જણાવતા હતા. તે સિવાય રસલીયા ગામના બ્રાહ્મણને કાયમનો રોકીને રાજાભાઈ દરરોજ પોતાના કુટુંબીઓ તથા તેઓની પાસે કામ કરનારા ભાઈઓને રાત્રે પોતાના રહેવાના મકાને ભેગા છે અને રસલીયાવાળા મહારાજ ગીતાનો બોધ કરે છે. કેટલાક ભાઈઓ રામરક્ષા ઈત્યાદીના પાઠ સવારના કરે છે. માળા ફેરવવાના માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ નામના મંત્રની માળા જપવાનું પણ ચાલુ કર્યું છે. રાજાભાઈ શામજીએ પરિષદમાં છ મહિનાની મુદ્દત માગેલી પરંતુ રાજાભાઈએ તો ત્રણ મહિનામાં જ પોતાનું કાર્ય હાથ ધર્યું છે. એ જાણીને જ્ઞાતિના સુધારક ભાઈઓ ઘણા જ ખુશ થયા છે અને જેઓએ રાજાભાઈની હિલચાલ નહી જાણતા હોય, તેવા ભાઈઓ પણ આ રિપોર્ટથી રાજાભાઈ શામજીના હાથે જ્ઞાતિ ભાઈઓના ઉદ્ધારની વાતો સાંભળી ઘણા જ ખુશ થશે. એમાં તે જરાપણ શક નથી.
રાજાભાઈ પોતાના પક્ષના ભાઈઓને દેહશુદ્ધિ પ્રાયશ્ચિત નીચે જણાવેલી શરતોએ અપાવે છે.
પીરાણા સતપંથને માનવું નહીં એ પંથની નુરની કે અમીની ગોળી પીવી નહીં. ખાનામાં જઈ છાંટ નંખાવવી નહીં. પીરાણા સતપંથની રાહે મુડદાંને દફનાવવું નહીં પરંતુ અગ્નિસંસ્કાર કરાવવો. પીરાણા પંથની રાહે વર્ષ દહાડે જે ટેક્ષ ભરવો પડે છે. જેને દશોંદ વિશોંદના લાગા તરીકે કહેવાય છે તે ભરવો નહીં, લગ્નવિધિ વેદવિધિ અનુસાર ચોરી બાંધીને બ્રાહ્મણો પાસે કરાવવી. આવી રીતે તમામ બાબતોથી પીરાણા પંથનો ત્યાગ કરાવવાનું સ્તુતિ પાત્ર પગલું રાજાભાઈએ લીધું છે. છતાં અફસોસની વાત એ છે કે રાજાભાઈ શામજીએ પોતે તેમજ પોતાને અનુસરનારા તેના બેલીઓને એવી છુટ આપી છે કે પીરાણાના કાકાઓ કે જેઓ કોળી ખારવા ગોલારાણા શેખ ઈત્યાદિની સાથે ભેગા બેસી ખાય છે તેનું અને જે પીરાણા પંથીઓ સૈયદોને ગુરૂ કરે અને વટલે તેનું અને ભ્રષ્ટાચારવાળી અમી અથવા નુરની ગોળી પીનારની સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખ્યો છે. જેથી બીજા ભાઈઓ જે પ્રાયશ્ચિતવાળા છે તે રાજાભાઈ શામજીનો તેમજ તેના પક્ષના ભાઈઓનો છાંટો સરખો પણ લેતા નથી. દેહશુદ્ધિ કરાવ્યા છતાં આ ભ્રષ્ટાચારને પોષવામાં રાજાભાઈએ શું સ્વાર્થ સાધવા ધાર્યો છે. એ કંઈ સમજાતું નથી. એક વાત તો ચોખ્ખી છે કે પીરાણા પંથને માને નહીં તેમજ નુરની ગોળી પીવે નહી અને દશોંદ વિસોંદના લાગા ભરે નહીં તેને કચ્છના કણબીઓ પોતાની નાતમાં રાખે જ નહીં, જેથી રાજાભાઈનો પક્ષનાત બહાર જ રહેવાનો. આ તો ત્રીજું તાન થયું ન તો સુધારાવાળા ભેગા, ન તો કુધારાવાળા જુના વિચારના ભાઈઓ ભેગા પોતાનો શો હેતુ છે તે રાજાભાઈ પ્રસિદ્ધ કરે નહીં ત્યાં સુધી જ્ઞાતિ સુધારકો રાજાભાઈના માટે ભારે વિચારમાં પડ્યા છે. માટે રાજાભાઈ શામજી પોતા તરફનો યોગ્ય ખુલાસો બહાર પાડશે તો મોટો ઉપકાર થશે.
હિન્દુ ધર્મના બહાને ! હિન્દુ જ્ઞાતિઓ કેવી રીતે પતિત્ થાય છે તે જાણવા વાંચો !
પરમાત્માના અવતારમાંથી ! ફુટી નીકળેલા ઇરાની સૈયદ ઇમામશાના કારસ્તાન ?
હિન્દુ ધર્મના નામે ચાલતા
પીરાણા સતપંથનો અર્ઘદ્દગ્ધ પંથ અને તેની પોલ
ભાગ—૧લો
હિન્દુ જ્ઞાતિઓના હિતાર્થે થોડા વખતમાં છપાઇને બહાર પડશે.
એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે. સનાતન હિન્દુ પ્રજાને પોતાનો ધર્મ તજી દેવરાવી પીરાણા સતપંથ ધર્મમાં વાળવા માટે અને પીરાણા સતપંથ ધર્મ મુસલમાની ધર્મ જેવા નથી એવું દેખાડવા માટે તે ધર્મના અધ્યાપકો મુજાવરકાકાઓ અને નેતાઓએ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ રીતે મનાતા અવતારો આર્યપુત્રો અને દેવ દેવીઓને પીરાણા સતપંથ નામના કબ્રસ્તાની પંથમાં સંડોવી હિન્દુ ભાઇઓને પોતાનો પંથ ગળે ઉતારવા એ મહા પવિત્ર વ્યકિતઓને એ પંથમાં એવી તો અઘટીત રીતે વર્ણવામાં આવી છે ક ેતે સાંભળીને હિન્દુભાઇઓનાં હૃદય દ્રવિત થયા સિવાય રહે જ નહી તદુપરાંત પોતાનો ઉદ્દેશ બર લાવવાની નીચ યુક્તિ કરતાં હિન્દુ ભાઇઓને ભેસ્ત (સ્વર્ગ)ની લાલચો—આપવાના કાવા દાવા ખેલતાં સૈયદઇમામ સાહેબ તેમજ તેના વંશના સૈયદોને પીરાણા સત્પંથ ધર્મની ક્રિયાકર્મ કરવાના માટે ભોળા અને અજ્ઞાન હિન્દુભાઇઓને લલચાવવા માટે મોરનબુવત, બાજનામુ, રતનનામું, નાદલી, તૈયબના કલમો, પીરસાહનો જાપ વિગેરેના પાઠો કરવાથી સ્વર્ગમાં જાહોજલાલી મળી શકે છે. તે અને એ પીરાણા સતપંથ ધર્મની ઉત્પતિ તથા તે ધર્મની રીતે જન્મથી મરણ પર્યંત તેના અનુયાયીઓ માટે કરવામાં આવતી ઘટપાટની મુસલમાની ક્રિયાઓમાં હિન્દુ દેવોને ઘુસેડી હિન્દુ ભાઇઓને ઉંધે રસ્તે દોરી પોતાના પંથમાં વટલાવવા માટે જે જે નીચ યુક્તિઓ રચી છે. તેથી પરિણામે એ પંથે ચડેલા ઘણાં હિન્દુ કુટુંબો પતિત થઇ અજ્ઞાનતાને લીધે ધર્મ અને જ્ઞાતિ દ્રોહી બને છે અને તેમના સંબંધમાં આવતી હિન્દુ જ્ઞાતિઓમાં એ ભ્રષ્ટતાનો સડો ગુપ્ત રીતે વધતો જાય છે આ દુઃખકારક વસ્તુ સ્થિતિનો જલ્દી અંત આવવો જોઇએ એટલે દરેક હિન્દુભાઇ એ માર્ગે પુરૂષાર્થ કરે એ ફરજના આધારે પીરાણા સતપંથનો અર્ધદગ્ઘ પંથ અને તેની પોલ એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવશે.
પુસ્તકનું કદ રોયલ આઠ પેજી (મોટી સાઇઝ) રાખવામાં આવ્યું છે. ઓછામાં ઓછા ૨૫૦ પાનાનું સોનેરી પાકા પુંઠાનું દળદાર પુસ્તક થશે. ઉપરાંત પીરાણાપંથમાં પૂજાતા મનાતા ચિત્રોના ફોટા આપવાની પણ જરૂર હોવાથી પુસ્તકનો ખર્ચ વધી જાય તે સ્વાભાવિક છે. દરેક હિન્દુભાઇએ અને ખાસ કરી હિન્દુધર્મના દરેક પંથના ઉદ્ધારકોને આ પુસ્તક અત્યુપયોગી થઇ પડવાનો સંભવ હોવાથી ઉંચા જાતના કાગળો ઉપર છાપવામાં આવશે. બની શકતા દરેક જરૂરી સાધનો વડે તેને સુંદર બનાવા તરફ પણ લક્ષ આપવાનો ઇરાદો છે. અગાઉથી ગ્રાહક થઇ પોતાના નામ નોંધાવનાર હિન્દુભાઇઓની નામાવલી પુસ્તક સાથે જ પ્રસિદ્ધ કરવામાં આવશે. સંભવ છે. કે પુસ્તકની નકલો જલ્દી ખપી જશે. એટલા ગ્રાહક થવા ઇચ્છતા ભાઇઓએ જલ્દી પોતાના નામ નોંધાવી પુસ્તકની કિંમતના રૂા.૩—૦ —૦ નીચેના સરનામે મોકલી આપવા.
લેખક : પટેલ નારાયણજી રામજીભાઇ કોન્ટ્રાક્ટર
ઠે. શેઠ ઉમરશી રાયસીના કમ્પાઉન્ડમાં, મુ.ઘાટકોપર જીલ્લો થાણા, જી.આઇ.પી.