Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૬. (Part 1) ક. ક. પા. જ્ઞાતિ અધિવેશન - 3જું - દી. 18-Apr-1924

નિવેદન

          શ્રી કુળદેવીની કૃપા વડે શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદની ત્રીજી બેઠકનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થાય છે. પરિષદનો ઉદ્દેશ ગર્ભમાં રાખી કામ કરવાનો દુઃખ દાયક સમય હવે રહ્યો નથી. પરિષદે પોતાનો ઉદ્દેશ જાહેર કર્યો છે, તે પાર પાડવાના ઠરાવો પણ કર્યા છે અને પરિષદના સુકાનીઓ કાર્ય વાહકો તે ઉદ્દેશ સાધ્ય કરવાના માર્ગો પણ જોઈ શક્યા છે વગેરે રિપોર્ટના અવલોકનથી સમજી શકાય તેમ છે. આગેવાનો હવે જરૂર સમજતા થશે કે પોતાના સ્વાર્થની ખાતર જ્ઞાતિના અજ્ઞાન ભાઈઓને ગમે તે રીતે હેરાન કરી શકાય નહિ અને કડવા પાટીદાર જેવી ઉચ્ચ કોમને પીરાણાના અધર્મ યુક્ત પંથમાં ડૂબતી રાખી પોતાની સત્તા જમાવી રાખવાનો જમાનો હવે વહી ગયો છે. જે ગેઢેરાઓ આજે જ્ઞાતિમાં પોતાની લાગવગનો ઉપયોગ ભાવતી રીતે કરી રહ્યા છે તેઓ જ્ઞાતિનું હિત વિચારી સ્વજ્ઞાતિને શોભતો માર્ગ ગ્રહણ કરે અને પીરાણાપંથના કલંકમાંથી જ્ઞાતિને બચાવી લે તો આપણા કચ્છ વિભાગની સ્થિતિ ઘણી ત્વરાએ સુધરી જાય. આગેવાન કિંવા ગેઢેરાનું સ્થાન જ્ઞાતિમાં ઘણું ઉચું હોઈ શકે પરંતુ તે ક્યારે કે જ્ઞાતિના દુઃખમાં તેઓ ભાગ લેવા તૈયાર થાય અને સુધારક મંડળના ભાઈઓની માફક તેમના હૃદયમાં પણ જ્ઞાતિ હિતની વાસના પ્રદીપ્ત થાય. આ સ્થિતિના અભાવે પરિષદને આગેવાનો સંબંધીનો ઠરાવ કરવો પડે છે. કોઈ પ્રકારની તેમના પ્રત્યેની ઈર્ષ્યા કે શોખની ખાતર તે કંઈ કરવામાં આવતો નથી, પણ જ્યારે “વાડ વેલાને ખાય” એવી સ્થિતિ જોવામાં આવે ત્યારે જ્ઞાતિ હિત સાધવાનું કાર્ય મુશ્કેલ થઈ પડે અને તે માટે જે સત્ય હકીકત હોય તે જાહેર કરી તેના માર્ગ ગ્રહણ કર્યા સિવાય ચાલે જ નહિ. એટલા માટે હું આશા રાખું છું કે જે જે આગેવાન કે ગેઢેરાઓને આ રિપોર્ટ મળે તેમણે જ્ઞાતિની જે અધોગતિ થઈ રહી છે તેના ઉપર ખ્યાલ કરવો અને પરિષદના કાર્યમાં પોતાથી બનતી મદદ કરવામાં જ તેમની મોટાઈ અને ધર્મ રહેલો છે એ વાત તેમને મન, વચન અને કર્મથી સ્વીકારી લેવી. પરિષદના સેક્રેટરી તરીકે હું તેમને વિનંતી કરું છું અને આશા રાખું છું કે તેઓ પરિષદ એટલે સ્વકોમ અથવા પોતાની જ્ઞાતિ પ્રત્યે બહુ મમતા ભરી અને શુદ્ધ લાગણી ધરાવતા થશે તે સાથે જ્ઞાતિના શિરે જે પીરાણાપંથનું કલંક છે તેનો ત્યાગ કરી પોતાના જાત ભાઈઓને મુમના બનાવાના અઘોર પાપમાંથી મુક્ત થશે.

          કચ્છ વિભાગના કડવા પાટીદારની સ્થિતિ કેવી કફોડી છે અને અધર્મના ફાંસામાં તેઓ કેવી રીતે ફસાયા છે એ વાત ગુજરાત વગેરે સ્થળના સેંકડો જ્ઞાતિ ભાઈઓના સમજવામાં આવી છે એટલું જ નહિ પરંતુ પરિષદના કાર્યને ફતેહમંદ બનાવા ઘણા ભાઈઓએ કાર્ય વાહકોને સહાય કરી છે અને તે કરવામાં પોતાનો ધર્મ સમજ્યા છે. પરિષદના કાર્યવાહકોને દરેક પ્રકારે સહાય કરી બેઠકનું કાર્ય ફતેહમંદ બનાવવા મારા પરમ સ્નેહી ભાઇશ્રી મગનલાલ અમદાવાદવાળાના તો જ્ઞાતિ સેવાના ક્ષેત્રમાં આપણે ઋણી છીએ જ પરંતુ તેમની માફક બીજા પણ કેટલાક પરજ્ઞાતિના ગૃહસ્થો પૈકી સાક્ષર વર્ય ભાઇ શ્રી વસંત અને પરમ પૂજ્ય પંડીતશ્રી કાર્તાતિંક વગેરેએ આપણા પ્રત્યે માયાળુ અને કૃપાળુ દ્રષ્ટિ રાખી આપણી ઉન્નતિ સાધવાના કાર્યમાં પોતાથી બનતી મદદ આપવાનું જે અભયવચન આપ્યું છે તે ઋણમાંથી મુક્ત થવાનો આપણા માટે તોે એજ માર્ગ છે કે પીરાણાના કલંકમાંથી મુકત થઇ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત લઇ આપણી કોમ ઉજળા મુખે ફરી શકે તેવા દરેક પગલાં લેવા જોઇએ.

          બેઠકનો રિપોર્ટ તાકીદે બહાર પડવો જોઇએ એવો જે સામાન્ય નિયમ છે તે સચવાઇ રહ્યો નથી તેનું કારણ બેઠકના દિવસોના અંતે જ લગ્નના પ્રસંગોને ધ્યાનમાં લઇ દેશમાં જવાનું અનિવાર્ય કારણ આવી પડયું. પરિષદના કામકાજના સમાચાર દેશમાં ફરી વળેલા ત્યાં વિથોણ, કોટડા, વીરાણી વગેરે સ્થળોના આગેવાનો તરફથી વાટાઘાટ કરવાના આમંત્રણો આવેલા ત્યાં ગયેલા અને સભાઓ પણ થયેલી. વળી દયાપર, નખત્રાણા, નેત્રા વગેરે સ્થળના ભાઇઓની માગણી તો સ્વીકારી પણ શકાઇ નથી. આ સંયોગોમાં દેશમાંથી મુંબઇ તરફ આવતાં ઘણો વખત નીકળી ગયો. શરીર સ્થિતિ પણ કફોડી હતી અને મુંબઇ આવ્યા પછી વળી વધારે કફોડી થઇ અને તે લાંબો વખત રહી એટલે રીપોર્ટ બહાર પાડવામાં વિલંબ થયો જે માટે હું અત્યંત દીલગીર છું.

 

          પટેલ નારાયણજીભાઇ રામજીભાઇ—સેક્રેટરી

સંવત ૧૯૮૦ની શ્રાવણી {VSK: 03 to 30-Aug-1924}

 

 

શેઠ તુલસીદાસ વલ્લભદાસ મુંબઈ

          જે ઉદારચિત્ત પાટીદાર બંધુનો ફોટો આ સાથે મૂકવામાં આવ્યો છે તે ભાઈ ગુજરાતમાં આવેલા ધર્મજ ગામના વતની છે. એ ભાઈશ્રીનો જન્મ સંવત ૧૯૪૪ {Year: 1887-88} ની સાલમાં થયો હતો એટલે હાલમાં તેમની ઉંમર ૩૬ વર્ષની છે. ચરોતરના લેવા પાટીદાર ભાઈઓમાં તેમનું કુટુંબ જેટલું નામાંકિત છે તેટલું જ જ્ઞાતિ હિતના કાર્યો કરવા માટે કડવા પાટીદાર જ્ઞાતિમાં સુપ્રસિદ્ધ છે. ખાનદાનીના નમુનારૂપ સમસ્ત પાટીદાર જ્ઞાતિમાં ઘણાં કુટુંબો છે છતાં જ્ઞાતિ ઉન્નતિ અર્થે પ્રયાસ કરનારાં તો માત્ર આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા પણ ભાગ્યે જ હશે. સ્વકોમ પ્રત્યેની લાગણી, તે સાથે ઉદાત્તભાવ અને પાટીદારના ગુણોની મહત્તા આ ભાઈશ્રીના કુટુંબમાં જે દેખાઈ આવે છે તેવી ભાગ્યે જ બીજા આગળ વધેલા પાટીદાર જ્ઞાતિના કુટુંબોમાં પ્રદર્શિત થાય છે. ખાનદાની પેઢી ઉતાર ચાલી આવે છે એ વાતની પ્રતિતી આ ભાઈશ્રીના કુટુંબમાંથી મળી આવે છે.

          તુલસીદાસ ભાઈનો વિદ્યાભ્યાસ વધારે નહીં હોવા છતાં પોતાના ધંધાને સારી રીતે ખીલવી શક્યા તેનું કારણ પંદર વર્ષની નાની ઉંમરમાં જ ધંધાર્થે પરદેશ ગમન સ્વીકાર્યું. એટલી નાની વયમાં આફ્રિકા જેવા દૂર દેશમાં ત્રણ વર્ષ રહી આવ્યા. દેશમાં આવ્યા અને ફરીથી પાછા આફ્રિકા ગયા. પોતાના વડીલબંધુ (ભાઈશ્રી પ્રભુદાસ) સાથે વિલાયત રહ્યા અને ત્યાં રહીને કાપડના ધંધાને લગતો અનુભવ મેળવ્યો. દેશમાં આવીને કટપીસનો ધંધો શરૂ કર્યો. મુંબઈમાં પેઢી ખોલી અને પરમાત્માએ તેમના ધંધામાં સારી બરકત મુકી. જેમ જેમ આર્થિક સ્થિતિ સુધરતી ગઈ તેમ તેમ પોતાની આવકમાં સ્નેહીઓ અને જ્ઞાતિનો પણ કંઈક ભાગ છે એવી ભાવના પણ સાથે સાથે વધતી જ આવી ! જ્યારે જ્યારે જ્ઞાતિના વિદ્યાર્થીઓ તેમની મદદ માગવા જાય ત્યારે આપે જ ! કોઈને નિરાશ નહીં કરવો — સ્થિતિ પ્રમાણે કંઈક આપવું જ એ તેમની ઉદારવૃત્તિની વ્યાખ્યા ! વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં તો ના કહેવાય જ નહિ ! “જ્ઞાતિની સંસારિક સ્થિતિ સુધરે તો સારું” એ વાતનો જાપ સ્નેહીઓમાં જપાતો હોય તેમાં પણ એટલી જ ઉત્કંઠા ! અને જ્યારે કચ્છ વિભાગના પીરાણાપંથી ભાઈઓની વાત આવે કે તરત જ તેમને એ પંથની રાહે જતા અટકાવાનો પ્રયત્ન કરવા સ્નેહીઓને આગ્રહપૂર્વક ભલામણ કરે. પોતાથી બનતી મદદ આપવાની ઉત્સુકતા તો એમના રૂવે રૂવે દેખાઈ આવતી હોય. કચ્છ વિભાગની આ પરિષદની ત્રીજી બેઠક જ્યારે મુંબઈ ખાતે ભરવાની નક્કી થઈ ત્યારે મેમ્બરો પાસેથી ફી લેવી નહિ — એ વાતની ભલામણ પણ એમણે જ કરેલી અને પરિષદના ખર્ચનો મોટો ભાગ પણ એ ભાઈશ્રીએ જ ઉપાડી લીધો ! કોઈ પણ વિભાગના જ્ઞાતિ ભાઈની ઉન્નતિ પ્રત્યે લાગણી ધરાવાનો આ કરતાં બીજો વિશેષ પુરાવો શું હોઈ શકે? પીરાણાના અધર્મયુક્ત પંથને પાટીદાર જ્ઞાતિમાંથી નિર્મુળ કરવાના શુભ કાર્યમાં તેમની અપાર ઉત્કંઠા જોવામાં આવી અને જે પ્રકારે કચ્છ વિભાગની ઉન્નતિ અર્થે મદદ કરી શકાય તે પ્રકારે અમે જ્યારે જ્યારે માગી ત્યારે ત્યારે આપીને તે ભાઈશ્રીએ આપણા કચ્છ વિભાગના ભાઈઓને મોટા ઋણી બનાવ્યા છે. પરમકૃપાળુ પરમાત્મા ભાઈશ્રી તુલસીદાસને સહકુટુંબ દીર્ઘાયુષ્ય બક્ષો અને જ્ઞાતિ હિતના અનેક કાર્યો તે ભાઈશ્રીના કુટુંબ હસ્તક થાઓ એવી શુભેચ્છા વડે અત્રે વિરમીશું.

સેક્રેટરી શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ

 

 

શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ

ત્રીજી બેઠક મુંબઈ (ઘાટકોપર)

તા.૧૮મી એપ્રિલ ૧૯૨૪, ચૈત્ર સુદ ૧૪ સંવત ૧૯૮૦

 

એક વાતને ઝાલ્યા પછી તેને નહીં છોડવાની ટેવ માટે તો આજે પણ આપણી કોમ પ્રખ્યાત છે. આ ટેવ કેટલીક વખતે સદ્‌ગુણ દેખાય છે પરંતુ સારા માઠા પરિણામનો વિચાર કર્યા સિવાય ઝાલી વાતને છોડવી નહિ એ તો દુર્ગુણ જ કહેવાય. દુર્ગુણરૂપે થઈ પડેલો જાતિ સ્વભાવ આપણા દુઃખનું જ કારણરૂપ થઈ પડ્યો છે. પહેલાંના ઉદ્યોગી અને સહનશીલ સ્વભાવના વડીલોએ ગુજરાતના ઉજ્જડ પ્રદેશને ફળદ્રુપ બગીચા સમાન બનાવી દીધો અને તેમના ઉદાત્ત સ્વભાવે અનેક જાતિઓને ગુજરાતમાં રહેવાના સ્થાન કરી આપ્યા અને પ્રજાને નિર્ભય કરી મુકી. એક વાતને ધર્મ કે ફરજ તરીકે માની લીધા પછી તેને છોડાય જ નહિ એ પ્રકારની માન્યતા તેમનામાં દ્રઢીભૂત થઈ ગયેલી. જેટલા ઉદ્યોગી એટલા જ નિર્ભય, જેટલા ઉદાત્ત એટલા જ ભોળા, એટલે સ્વાર્થીવર્ગની નીચ યુક્તિઓ તરફ લક્ષ નહીં આપવાની બેદરકારી કિંવા અજ્ઞાન પણ એટલું જ. તેમનું એ અજ્ઞાન અથવા ઝાલ્યું નહીં છોડવાની ટેવ, ભવિષ્યની પ્રજા માટે મોટા દુર્ભાગ્યની વાત થઈ પડી. સાચો હિન્દુધર્મ પીરાણા પંથ જ છે એવી તેમની માન્યતાએ ગુજરાતની પ્રિય ભૂમિ અને કુટુંબ સુદ્ધાંતનો પણ ત્યાગ કરાવ્યો ! જાત ભાઈઓથી તેમને વિખુટા પાડી કચ્છ પ્રદેશ જેવા ઉજ્જડ અને એકાંત સ્થળે તેમને ઘસડી જવામાં યુક્તિબાજ પુરૂષો ફાવ્યા. હિન્દુઓને મુસલમાની રાહત ઉપર ચડાવી પોતાનું પેટ ભરવાનો ધંધો લઈ બેઠેલા એ પંથના ચાલકોને કણબીઓને મુંડવાની ઉત્તમ પ્રકારની સોઈ કચ્છમાં પ્રાપ્ત થઈ. સૈયદો અને તેમના એજન્ટ કાકાઓનું કણબી જાત ઉપર સામ્રાજ્ય શરૂ થયું. તેમને ભ્રષ્ટ કરવાની પ્રયોગશાળાઓ — ખાનાઓ  સ્થપાયાં. ખાનાના મુખીઓ અને નાતના આગેવાનોને, સૈયદો તેમજ કાકાઓએ એવા તો ભ્રષ્ટ કરી મુક્યા કે તેઓ ઉંચું માથું જ કરી શકે નહિ, એટલે તેઓ પણ ભોળા અને ધર્માંધ જાત ભાઈઓને મુંડવામાં કચાસ રાખે ખરા કે? આ ભ્રષ્ટાચારનું એ પરિણામ આવ્યું કે જ્ઞાતિમાંથી દેશવટે આવેલા આ કણબી વિભાગે કણબી નામને પણ દેશવટો આપવાની શરૂઆત કરી, તે દુઃખદાયક વસ્તુસ્થિતિએ ધીરે ધીરે એવું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું કે જ્ઞાતિમાં પટલાઈ કે ગેઢેરાપણું કરનારા જ “ભુખી કૂતરી ભોટીલાં ખાય” એ પ્રમાણે કરવા લાગ્યા? તેમનો શબ્દ એજ કાયદો, તેમનો હુકમ એનું નામ જ ન્યાય ! નિર્દોષ માણસ દલીલ કરે એનું નામ મોટો ગુન્હો અને તે ગુન્હાની સજા પણ એકલા દલીલ કરનારને જ થાય કે ! ના, તેના આખા કુટુંબને.

          દરેક વાતની હદ હોય છે તેમ આગેવાનોની સત્તાને પણ હદ હોવી જ જોઈએ. આગેવાનો તો આંધળા થઈને પોતાની સત્તાની મર્યાદા આંકે નહિ છતાં જાતે હિન્દુ હોવાનો દાવો કરનારા અને મોટા મોટા બિઝનેસ કરીને કરાંચી અને મુંબઈ જેવા સ્થળે પ્રખ્યાતી પામેલા કણબી ભાઈઓ પણ એ આગેવાનોની સત્તાની કંઈક હદ હોય એવું સમજેલા નહિ. ઉપરાંત મોટી મોટી રકમોના લાગા ભરી સૈયદો અને કાકાઓની પ્રીતિ સંપાદન કરવાનો અને ગેઢેરાઓને રાજી રાખવાનો વિશેષ પાઠ ભજવવામાં જ પોતાનું હિત સમજેલા. તેમનું આ ગાડરપણું તો બિચારા પછાત વર્ગના ભાઈઓ ઉપર જુલમ ગુજારવા માટે આગેવાનોના હાથમાં એક શસ્ત્ર સમાન થઈ પડેલું. આજે પણ એમ જ છે. હિન્દુ હોવાનો દાવો કરનારની જાતને હિન્દુપણામાંથી ભ્રષ્ટ કરનારી ગોળી ગળવી પડે એ દુગ્ધા કંઈ ઓછી કહેવાય? મુંબઈ કરાંચી જેવા સ્થળે કણબી જ્ઞાતિના વીર સંતાનો માટે નીચું જોવડાવનારા સંયોગો બને એ વાત સમજુ ભાઈઓથી તો કેમજ સહન થાય? જ્યારે હિન્દુપણાના સંસ્કારો પણ એક કણબી નાતમાં કણબીના પેટે જન્મેલા સંતાનમાંથી નષ્ટ થાય ત્યારે તો વરસાદ પણ કેમ આવે? જ્યારે એ સંસ્કારોથી વિભુષિત થયેલા અંતઃકરણમાં આ દુઃખી વાતની અમુઝણ ઉત્પન્ન થઈ ત્યારે કેટલાક વીર પુરૂષો કચ્છ વિભાગમાં પણ જાગ્યા. પીરાણાપંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવાની ઈચ્છા તો ઘણાં વર્ષોથી સમજુ પુરૂષોમાં ઉત્પન્ન થયેલી પરંતુ તે વેળાની ઈચ્છા એ કંઈ સાચી ધગશ નહોતી અને જેને એ ધગશ લાગેલી તે કંઈ બેસી પણ રહેલા નહિ. પરંતુ મંડળોની સ્થાપનાએ જ્ઞાતિ સુધારાનું સ્વરૂપ ખડું કર્યું અને એ મંડળોના સંચાલકોએ જ કચ્છ વિભાગની પરિષદને પણ જન્મ આપ્યો.

          પરિષદ ભરવાના વિચાર કરવાથી જ કંઈ પરિષદનું સ્વરૂપ ખડું થઈ જતું નથી, પરંતુ વિચારને અમલમાં મુકતાં જે મુશ્કેલીઓ ઉભી થવાની હોય તેને પહોંચી વળવાની પણ કાર્યવાહકોએ તૈયારી કરવી પડે છે. એ તૈયારી જ્યાં ન થઈ શકી હોય ત્યાં પરિષદનો ઉદ્દેશ પણ ઘણી વખતે ગર્ભમાં જ રહી જાય છે. સને ૧૯૨૦માં કરાંચીના યુવકમંડળે પરિષદ ભરવાનું સાહસ ખેડ્યું. પરિષદની બેઠક રાજાભાઈ શામજી ધોળુના પ્રમુખપદે થઈ. કેટલાક ઠરાવો પણ કર્યા, છતાં પરિષદ ભરવા પહેલાં કરાંચીનું વાતાવરણ પોતાને અનુકૂળ બનાવી લેવાની વાત કોઈને સમજાયેલી નહિ. પ્રમુખસાહેબે ભાષણ કર્યું તે પણ ધ્રુજતે પગે અને અમુક અપવાદ સિવાયના વક્તાઓએ ઠરાવોને ટેકો આપ્યા તે પણ બ્હીતે બ્હીતે. પરંતુ એટલું તો થયું જ કે જ્ઞાતિ સુધારાની ધગશ રાખનારા કરાંચીવાસી ભાઈઓમાં કંઈક નવું જીવન આવ્યું. આગેવાનોના જુલમ અને સત્તાના દોરને તેઓ કોઈ રીતે ઢીલો પાડી શક્યા નહિ, તેમ તેમનાથી ડરી જઈને સુધારાની હીલચાલને છોડી દેવાની ભીરૂતાને પણ તેઓ વશ થયા નહિ અને બીજી બેઠક પણ તેમણે જ સને ૧૯૨૨માં કરાંચીમાં ભરી.

          પીરાણાપંથના ત્યાગ સિવાય જ્ઞાતિની ઉન્નતિ કોઈ કાળે સંભવે તેમ નથી અને એનો ત્યાગ કરવામાં જેટલો વિલંબ થાય તેટલું મુમનાપણું પણ જ્ઞાતિમાં વધારે ફેલાય એ વાત પરિષદની બેઠકમાં નક્કી થઈ ચૂકી. પરંતુ જ્યાં સુધી દેશમાં રહેલા આગેવાનો જ્ઞાતિહિતનો વિચાર કરતા થાય નહિ ત્યાં સુધી સુધારકોને ઊંઘ કેમ આવે? એટલે દેશમાં જ પરિષદની ત્રીજી બેઠક ભરવાની વાતે સુધારકોનું ધ્યાન ખેંચ્યું. છતાં પરિષદના કાર્યવાહકોની એ જ્ઞાતિસુધારાની ધગશ ઉપર આગેવાનોના ભૂતે વિજય મેળવ્યો. દેશમાં પરિષદ ભરવાની વાત તેમને મુલત્વી રાખવી પડી. પરિષદ ભરવા માટે દેશનું વાતાવરણ અનુકૂળ કરવા પુરતી ફુરસદના અભાવે સુધારકો કંઈક મોળા પડી ગયા. એ શક્તિનો અભાવ એટલે કંઈ ગેઢેરાઓનો ભય નહિ પરંતુ આર્થિક સ્થિતિને પહોંચી વળવાની અશક્તિ ! મોટા બિઝનેસો ખેડીને પેલા તળીઆ ઝાટક ગંગવાને કોરીઓથી ઊભરાવી દેવાની ઉમેદવાળાની સંખ્યા કંઈ ઓછી નથી, છતાં જ્ઞાતિના શિરે જે કલંક તેમને દેખાય છે તે દુર કરવા અર્થે પૈસા ખર્ચવાની વાત આવે કે તરત જ તેમને ગરીબાઈ દેખાડતાં શરમ આવતી નથી ! જ્ઞાતિ સુધારાની હીલચાલે ઘણા ભાઈઓને પેલા દોકડા ભરવાના ભયમાંથી મુક્ત કર્યા છે છતાં એ દોકડાની બચતનો કંઈક ભાગ પણ સુધારાની હીલચાલમાં આપતા ખચકાય છે ! ગરીબ વર્ગનો ફાળો હંમેશાં મોટો હોય છે, વળી પરિષદની બેઠકમાં હાજરી આપવી જોઈએ એ વાતને તેઓ ફરજ તરીકે સમજે છે એટલે મુંબઈ કે કરાંચીના માયાપતિઓ કરતાં આ પછાતવર્ગ કોઈ રીતે જ્ઞાતિ હિત સાધવાના શુભ કાર્યમાં કોઈથી પછાત રહી જાય તેવો નથી તો પણ કેટલાક પ્રમુખો અને કાર્યવાહકો એમ સમજે છે કે જાણે આપણે જ બધો ભાર ઉપાડીએ છીએ ! જનસ્વભાવની એ પણ એક વિચિત્રતા સિવાય બીજું શું કહી શકાય ! દેશ છોડી ધંધાર્થે બહાર નીકળનાર ભાઈઓની સંખ્યા મુંબઈ કરતાં કરાંચીમાં વિશેષ છે છતાં ત્રીજી બેઠક પણ કરાંચીમાં જ થાય તો પોતાનો ગૃહસ્થ વર્ગમાં ખપાવતા મુંબઈવાળા ભાઈઓની તો અવશ્યે નીચું જોવાનો જ પ્રસંગ આવે. પીરાણાપંથી અજ્ઞાન ભાઈઓ માટે તો શું કહેવાય ! પરંતુ જ્ઞાતિ હીતનો વિચાર કરનારા કે પોતાના ભાઈઓની હિન્દુપણામાંથી ચલિત થતા જોઈ જેને દુઃખ થતું હોય એવા ભાઈઓને પરિષદની બેઠક મુંબઈમાં ભરવાનો વિચાર કર્યા સિવાય ચાલે જ કેમ ! “સ્વધર્મવર્ધક મંડળ”ના ભાઈઓએ છેવટે પોતાનો ઉદ્દેશ સમજી મુંબઈમાં કચ્છવિભાગની પરિષદ ભરવાની ગોઠવણ કરી કે તરત જ મુંબઈના “જ્ઞાતિ સુધારક યુવક મંડળે” એ વાત ઉપાડી લીધી.

          પરિષદ ભરવાની વાતનો સ્વીકાર કર્યા પછી તેના કાર્યની શરૂઆત કેમ કરવી અને તેના અંગે પોતાના શીરે જે ફરજ આવે તે કેવી રીતે અદા કરવી એ કરાંચીના યુવકોની માફક મુંબઈના યુવકોને શીખવાની જરૂર નહોતી તેમજ જ્ઞાતિ સેવાની ધગશ તેમનામાં ઉત્પન્ન કરવાની પણ કંઈ આવશ્યકતા નહોતી. મંડળના નેતાઓએ જ્ઞાતિ સેવા બજાવાનો પ્રસંગ પોતાના જ આંગણે આવેલો જોઈ બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો. તેઓ જેમને પોતાના ગુરૂ કિંવા વડીલ સમજે છે તેવા “સ્વધર્મ વર્ધક મંડળ”ના ભાઈઓ ઉપર પરિષદના કાર્યનો સઘળો ભાર મુક્યો અને પોતે માત્ર સેવાધર્મ જ સ્વીકાર્યો. આ પ્રકારની યોગ્ય ગોઠવણથી પરિષદના કાર્યની શુભ શરૂઆત થઈ. પરિષદનું પ્રમુખપદ સ્વીકારવા માટે વિરમગાળવાળા દેસાઈ શ્રી ચંદુલાલભાઈ વિનંતી કરવામાં આવી અને તેમણે એ વાત પોતાનો ધર્મ સમજીને સ્વીકારી. નીચે જણાવેલા ભાઈઓની પરિષદના કાર્ય માટે એક કમિટિ નીમવામાં આવી.

સ્વાગત કમિટિના મેમ્બરો

૧.

વિશ્રામભાઈ દેવજી પ્રમુખ

વીરાણી

૧૨.

ભાઇ રામજી કાનજી

ઘડુલી

૨.

ભાઈ નારાયણજી રામજી મિસ્ત્રી

વીરાણી

૧૩.

ભાઇ માધા ભીમજી

ખોંભડી

૩.

રતનશીભાઈ કરસન

ગઢશીશા

૧૪.

ભાઇ લધા વિશ્રામ

વીરાણી

૪.

વાલજીભાઈ રામજી 

વીરાણી

૧૫.

ભાઇ નાનજી ભાણજી

ગઢશીશા

૫.

નાયાભાઈ શીવજી 

વીરાણી

૧૬.

ભાઇ રામજી કાનજી

મઉ

૬.

ભાઈ જીવરાજ ખીમજી 

વીરાણી

૧૭.

ભાઇ માણેકલાલ ગોવિંદલાલ

મુંબઇ

૭.

ભાઈ રતનશી ખીમજી સેક્રેટરી

વીરાણી

૧૮.

ભાઇ કરસન મુળજી

પાનેલી

૮.

ભાઈ નાનજી દેવજી 

વીરાણી

૧૯.

ભાઇ મેગજી ખેતા

 

૯.

મુખી કાનજી કેસરા

દયાપર

૨૦.

ભાઇ રામજી રાજા

વીરાણી

૧૦.

ભાઈ નારણ રૈયા

દયાપર

૨૧.

ભાઇ લધા વીરજી

નખત્રાણા

૧૧.

ભાઈ ડાહ્યા રૈયા 

દયાપર

૨૨.

ભાઇ મગનલાલ ગોવિંદલાલ

અમદાવાદ

 

          પરિષદ ભરવાની જાહેર ખબરે ઘણા ભાઈઓના દિલને પીગળાવી નાંખ્યું. પીરાણાપંથ એ હિન્દુધર્મ નથી એવી ખુલ્લી ચેલેન્જે અન્ય જ્ઞાતિઓનું પણ ધ્યાન ખેંચ્યું એટલે પરિષદના કાર્યવાહકોએ દરેક સ્થળે દરેક પ્રસંગે બહારથી જોઈએ તેવી મદદ મળવાના દિલાસા મળવા લાગ્યા. પરિષદની બે બેઠકો થઈ ચુકેલી છતાં તેનો ઉદ્દેશ કે નિયમો જેવું કોઈ બંધારણ નક્કી કરવામાં આવેલું નહિ હોવાથી તે કરી લેવાની જરૂર ઉભી થઈ તેમજ પરિષદના અંગે કરવાના બીજાં કાર્યોની પણ ગોઠવણ કરવાની હોવાથી તા.૧૦—૪—૨૪ના રોજ યુવક મંડળે રા.મગનલાલભાઈના પ્રમુખપણા નીચે એક મિટિંગ બોલાવી. તેમાં પરિષદનું બંધારણ ઘડવાનું કાર્ય રા.નારાયણજીભાઈ રામજીભાઈ મિસ્ત્રીને સોંપવામાં આવ્યું, મંડળને લગતું કાર્ય રતનશીભાઈ કરસનને અને રસોડાને લગતું કાર્ય રા.વાલજી રામજીભાઈને સોંપવામાં આવ્યું. તેમજ ભાઈ રામજીભાઈ રાજા વગેરે સ્વયંસેવકો તરીકે પરિષદના કાર્યમાં મદદ કરવાની ખાત્રી આપી અને બીજે દિવસે પરિષદ ભરવાની જગ્યાએ જ, રા.નારાયણજીભાઈ તરફથી ઉદ્દેશ અને નિયમોવાળું જે બંધારણ રજુ કરવામાં આવે તેના ઉપર વિચાર ચલાવવા મેમ્બરોએ એકઠા થવું એવા નિર્ણયના અંતે મિટિંગ બરખાસ્ત કરવામાં આવી હતી.

          ઠરાવ પ્રમાણે બીજે દિવસે એટલે તા.૧૧—૪—૨૪ના રોેજ રાતના આઠ વાગે સભાસ્થાને પરિષદના મેમ્બરોની એક મોટી સભા મળી તે પ્રસંગે રા.નારાણજીભાઈ રામજીએ પરિષદના ઉદ્દેશ સાથે નિયમોવાળો એક ખરડો રજુ કર્યો જે સર્વે ભાઈઓને વાંચી સંભળાવ્યા બાદ તેના ઉપર જે જે ભાઈઓને જે કંઈ બોલવું હોય તે એક પછી એક કહી સંભળાવાની પ્રમુખ તરફથી સુચના કરવામાં આવી. ઉદ્દેશની કલમો ઉપર સારી રીતે ચર્ચા થઈ. સુચનાઓમાં ગેરસમજુત કે વધતુ ઓછું દેખાવાની ખામી જણાતી ત્યાં પ્રમુખ અથવા રા.નારાયણજીભાઈ તરફથી ખુલાસો કરવામાં આવતો. છેવટે સઘળા ભાઈઓના સંપૂર્ણ સંતોષ વચ્ચે સદરહુ ખરડો પસાર કરવામાં આવ્યો અને અંગીકરણ પત્રો ઉપર જે ભાઈઓ પોતાની સહી કરે તેઓ જ પરિષદના મેમ્બર ગણાય એ વાતનો નિર્ણય થયા પછી મધ્ય રાત્રે મિટિંગ બરખાસ્ત થઈ હતી.

          પરિષદનો દિવસ નજદીક આવતો હોવાથી સભામંડપ અને રસોડાનો માંડવો તૈયાર કરવાનું કામ શેઠ વેલજીભાઈ શીવજીના કમ્પાઉન્ડમાં તાકીદે હાથ ધરવામાં આવ્યું હતું. મેમ્બરોની બેઠક જાજમ ઉપર રાખવી કે ખુરશીઓ ગોઠવવી અને પુલપીટનો ચોતરો બનાવવો કે નહિ, તેમજ મંડપને ખાદીથી શણગારવાના પ્રશ્નોએ ઘણા ભાઈઓનું ધ્યાન ખેંચ્યું હતું. ખાદી જ વાપરવાનો આગ્રહ ખર્ચને પહોંચી વળવાની અશક્તિના કારણે જતો કરવામાં આવ્યો હતો. સેવા સમિતિમાંથી મળી આવે તેટલી ખાદી જાજમોના ઉપયોગ તરીકે લાવવી અને મંડપ બાંધવાનું કંતાન તથા કપડું સસ્તામાં સસ્તું મળે તે ખરીદી લેવાનો નિર્ણય થયો હતો. પુલપીટનો ચોતરો તૈયાર હતો તેમાં સહેજ ભરણી કરીને આગળના ભાગમાંથી વધારી લઈ વચ્ચે પગથી બનાવી હતી. તેમજ રસોઈ ઘર તથા જમવા બેસવાનો માંડવો પણ મંડપની બાજુમાં જ બાંબુ અને કંતાનથી બનાવી લેવામાં આવ્યો હતો. મંડપ બહુ વિશાળ બાંધવામાં આવ્યો હતો અને તેજ પ્રમાણે પુલપીટનો ચોતરો પણ ઘણો મોટો હોવાથી લગભગ ૧૫૦ ખુરશીઓની બેઠક તેના ઉપર કરવામાં આવી હતી. મધ્યસ્થળે પ્રમુખ સાહેબની બેઠક અને તેની બંને બાજુમાં તથા પાછળના ભાગમાં સંભવિત ગૃહસ્થો, બહારગામથી આવેલા ભાઈઓ તથા કાર્યવાહકો અને વક્તાઓ તેમજ રીપોર્ટરોને માટે ટેબલ ખુરશીઓની સગવડ રાખવામાં આવી હતી. સ્ત્રી વર્ગ માટેની ગોઠવણ પણ કરવામાં આવી હતી, પુલપીટની પગથી પાસેના સુંદર સ્તંભો ઉપર એક તરફ વિરમગામવાળા જ્ઞાતિ ભક્ત સ્વ.દેસાઈ શ્રી અમરસિંહજીની અને બીજી તરફ આપણા કચ્છ વિભાગની ધાર્મિક ઉન્નતિ માટે જીવનપર્યંત કાળજી ધરાવી પુરૂષાર્થ કરનાર સ્વ.રામેશ્વરજી મહારાજની છબીઓ ગોઠવવામાં આવી હતી જે સઘળા ભાઈઓનું ધ્યાન ખેંચી રહી હતી. લો.મા.તિલક મહારાજ અને મહાત્માજીની છબીઓ પણ પુલપીટ ઉપર ઘણા યોગ્ય સ્થળે શણગારવામાં આવી હતી. પ્રમુખ સાહેબની ટેબલ પાસે કરેલી શ્રીફળદેવીની સ્થાપના અને તેના ચરણમાં ગોઠવેલી ધર્મકર્મવીર અદ્વિતીય જ્ઞાતિ ભક્ત સ્વ.પુરૂષોત્તમભાઈ તંત્રીની સાદી અને નાનકડી છબી જ્ઞાતિ ભાઈઓને સ્વધર્મ કર્મનું ભાન કરાવી રહી હતી. તે સિવાય મંડપની શોભામાં વૃદ્ધિ કરવા મુદ્રા લેખો અને કાગળના તેમજ આસોપાલવના હાર તોરણોનો છુટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

તા.૧૮—૪—૨૪નો પહેલો દિવસ

          બહાર ગામથી આવનારાઓનો મોટો ભાગ કરાંચીથી આગબોટ મારફતે બેઠકના આગલા દિવસે જ આવી ગયો હતો તેમજ ગુજરાતમાં પણ જે ભાઈઓને આમંત્રણ આપવામાં આવેલા તેઓ પૈકી ઘણા ખરા અગાઉથી આવી ગયા હતા. કેટલાક ભાઈઓ માટે ઉતારાની ગોઠવણ કાર્યવાહકોએ પોતામાં જ કરી લીધી હતી અને સગવડની ખાતર મંડપની બાજુએ બનાવવા આવેલા માંડવામાં બહારગામથી આવેલા ભાઈઓના મોટાભાગને ઉતારો આપવામાં આવ્યો હતો. સરભરા બદલ કોઈ પ્રકારની ફી રાખવામાં આવી નહતી તેમજ બનતાં સુધી કોઈ પ્રકારનું ફંડ પણ કરવું નહિ એવી કાર્યવાહકોની સમજુતી હોવાથી દરેક કાર્ય વિચારપૂર્વક કરવાની જરૂર પડી હતી. પરિષદના કાર્યને દીપાવવા સ્વયંસેવકો રાતદિવસ મહેનત કરી રહ્યા હતા. મંડપ અને ફરતી જગ્યાને સભાસ્થાન જેવું દેખાડવામાં તેમણે સારો પરિશ્રમ લીધો હતો. પરિષદની જાહેરાતના છાપાં ઘાટકોપરના દરેક રસ્તે ચોંટાડવામાં આવ્યા હતા. તેની અન્ય જ્ઞાતિના ગૃહસ્થવર્ગમાં બહુ સારી અસર થઈ હતી. ઘાટકોપરની વસ્તીનો ઘણો મોટો ભાગ કચ્છ દેશનો જ વતની હોવાથી પોતાના દેશભાઈઓમાં પછાત રહી ગયેલી કોમની ધાર્મિક ઉન્નતિની હીલચાલ તેમને બહુ પ્રિય લાગતી હતી. ઘણા ગૃહસ્થોએ આમંત્રણો સ્વીકારતી વખતે પોતાની બનતી દરેક પ્રકારની મદદ આપવાનો ઉત્સાહ બતાવ્યો હતો જે કાર્યવાહકોને પોતાના ઉદ્દેશમાં દ્રઢ કરી જ્ઞાતિમાંથી પીરાણાપંથને નાબુદ કરવાની હીલચાલમાં મદદ રૂપ થઈ પડ્યો હતો. બેઠકનો સમય બપોર પછીનો રાખવામાં આવ્યો હતો. ઠરાવ મુજબ પરિષદનો ઉદ્દેશ અને નિયમો સાથે છાપેલાં અંગીકરણ પત્રો તૈયાર રાખવામાં આવ્યા હતા. જેના ઉપર સહીઓ કરીને ઉદ્દેશ અને વિષયોથી વાકેફ થઈ જ્ઞાતિ ભાઈઓએ પરિષદના મેમ્બર તરીકે પોતાના નામ નોંધાવાની શરૂઆત કરી હતી. સભા સમયે એટલે લગભગ બે વાગે પ્રમુખ સાહેબને લેવા માટે સ્વયંસેવકોની ટોળી સાથે કેટલાક કાર્યવાહકો અને મુખ્ય મેમ્બરો તેમને મકાને ગયા હતા. ત્યાં પ્રમુખ સાહેબ તરફથી તેમનો સત્કાર કરવામાં આવ્યા બાદ એક સરઘસના રૂપમાં સઘળા સભાસ્થાને આવી પહોંચ્યા હતા.

          શ્રી ઉમિયા માતકી જયના પોકારો વચ્ચે મંડળના સિંહદ્વાર ઉપર સ્વાગત મંડળના પ્રમુખ તથા પરિષદના મેમ્બરોએ પ્રમુખ સાહેબને વધાવી લીધા હતા. સભાજનોએ પોતાની જગ્યા લીધા બાદ પૂર્ણ શાંતિ સ્થપાઈ ગઈ હતી. સંગીતના સાધનો સાથે સ્વયંસેવકો અને કેટલાક મેમ્બરોએ નીચે જણાવેલી શ્રી કુળદેવીની સ્તુતિ વડે પરિષદના કાર્યની શરૂઆત દર્શાવનારું મંગળાચરણ કર્યું હતું.

 

(કલ્યાણની સાખી)

સુખદાતા સતી પાર્વતી. દુઃસહ દુઃખ હરનાર,

સુખ સંપતિ દો ભગવતી, વરદાઈ છો ઉદાર,

સેવક જન રંજન સદા, સુખ દુઃખના આધાર,

અમર સમરતાં સહાય હો, નમું હું વારંવાર.

સફળકૃતિ કર માતુ હે મ્હારી,

સુમતિ પ્રેરક સદાયે દયાળી… ટેક.

જ્ઞાતિ હિત ચિત સ્થિર કરી સ્થાપો,

ઈચ્છું ભવાની કૃપા એ તારી… સફળ.

અધમ ઉધ્ધારક જ્ઞાતિ કે ગંગા,

ઉભય શિવા નહિ અન્ય હિતકારી… સફળ.

દ્રઢિભૂત છે એ મંત્ર જ મ્હારો,

સાધક તેનો અમર સુખાળી… સફળ.

         

ફુલ, ધૂપ દીપ અને અબીલ અર્ગજાથી કરવામાં આવેલી શ્રી કુળદેવીની સ્થાપના પછી ગાવામાં આવેલી આ સ્તુતિએ સભાજનોના હૃદયપ્રદેશમાં ધાર્મિક ભાવની ઝાંખી ખડી કરી હતી. ખાંનાઓના ભૂતને દફનાવી પોતાની જાતિ ધર્મને અનુસરવાની ભાવનાઓ આવા આવા પ્રસંગ વડે ઉત્પન્ન કરી શકાય છે એ વાતનો કાર્યવાહકોને બરાબર ખ્યાલ હોવાથી મંગળાચરણની જમાવટ કરવાની સારી તૈયારી કરેલી હોય એવું દેખાઈ આવતું હતું. સ્વા. કમિટિના પ્રમુખ વિશ્રામભાઈ દેવજીએ પરિષદના કાર્યની શરૂઆત કરતાં સઘળા ભાઈઓનું સ્વાગત કરનારું અને જ્ઞાતિ હીત સાધવાની જરૂરિયાત દર્શાવનારું નીચે જણાવેલું ભાષણ કર્યું હતું.

 

સ્વાગત મંડળના પ્રમુખ શ્રીયુત વિશ્રામભાઈ દેવજી પટેલ વીરાણીવાળાનું ભાષણ

          પતિતપાવની ગંગાસ્વરૂપ જ્ઞાતિના પ્રિય બંધુઓ, દેશપ્રેમી ભાઈઓ, પૂજ્ય માતાઓ અને વંદનીય બહેનો !

          આપ ભાઈઓ અને બહેનો તેમજ દેશપ્રેમી અન્ય જ્ઞાતિના બંધુઓ આપણી જ્ઞાતિની ઉન્નતિ અર્થે જુદા જુદા સ્થળો જેવાં કે કચ્છ, કરાંચી, ગુજરાત અને સીંધ પ્રદેશ માંહેલા હૈદ્રાબાદ સિદ્ધાતપુર વિગેરે ઠેકાણેથી અતિ શ્રમ વેઠી ભારત વર્ષના મુગટરૂપ ગણાતા મુંબઈ શહેરના એક અંગરૂપ ઘાટકોપરમાં આપણી જ્ઞાતિની ત્રીજી પરિષદને ફતેહમંદ બનાવવા માટે અતિ શ્રમ વેઠી પધાર્યા છો એ જાણી મને ભારે આનંદ થાય છે. શિષ્ટાચારના સિદ્ધાંત પ્રમાણે અતિથિ સત્કારના નીતિમય નિયમ પ્રમાણે, આપ પધારેલા બંધુઓ અમારા મોંઘેરા મહેમાનોનો સત્કાર કરવાનું કામ અત્રેના અમારા જ્ઞાતિ ભાઈઓએ મને સોંપ્યું છે, જેથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને પધારેલા દરેક ભાઈઓ તેમજ બહેનોનો ઉપકાર માનું છું.

જ્ઞાતિ બંધુઓને આવકાર

          દેશપરદેશથી પધારેલ ભાઈઓને અભિનંદન આપવાના કાર્ય માટે હું એવું ઈચ્છતો હતો કે તે સ્વાગત કમિટિએ મારા કરતાં કોઈ વધારે લાયક ભાઈને સોંપવું જોઈતું હતું પરંતુ અત્રેના બધા ભાઈઓની ઈચ્છાથી આ આનંદમય કાર્ય બજાવવા માટે મારી જ પસંદગી કરી છે. ત્યારે એ કાર્ય હું અત્યંત આનંદીત થઈને બજાવવા તૈયાર થયો છું. ભુતકાળના આપણી અવનતિના અંધકારમય સમય તરફ મારી દૃષ્ટિ ફેરવું છું તો મને મારી શક્તિની અલ્પતાનું ભાન થાય છે. આજથી ચાર વર્ષ પહેલાં સને ૧૯૨૦ના અગસ્ટની તારીખ આઠમીએ આપણી જ્ઞાતિની પહેલી પરિષદ મળેલી. તે પરિષદના બાહોશ અને સામાજિક પ્રશ્નોને પુરતી રીતે જાણનાર સ્વાગત કમિટિના પ્રમુખ ભાઈશ્રી નાનજી પચાણ નાકરાણી તરફથી આપનું થયેલું સ્વાગત અને ત્યાર પછી સને ૧૯૨૨ના ઓક્ટોબર માસની તા.૭મીએ આપણી જ્ઞાતિની દ્વિતીષ પરિષદના સ્વાગત મંડળના પ્રમુખ માન્યવર ભાઈશ્રી ખેતાભાઈ ડોસા પોકાર ગામ નખત્રાણાવાળા તકરફથી એક સારા વિદ્વાનને શોભે તેવું આપનું થયેલું સ્વાગત એ તમો પધારેલ ઘણા ભાઈઓ તેમજ બહેનો જાણો છો. ઉપરોક્ત પ્રસંગોએ જેમ યોગ્યતા સ્વમાન અને નિયમો જળવાયા છે તેમજ આ પ્રસંગે પણ થવું જોઈએ પરંતુ તે ભાઈઓની વિશાળ બુદ્ધિ અને સાધનોની સગવડતાના પ્રમાણમાં અમારાથી કંઈ બની શક્યું નથી. તો પણ હાલના જમાનાને અનુસરીને તમારા સુખ સાધનો માટે જે કંઈ ગોઠવણો કરવામાં આવી છે તેમાં ન્યુનાધિક દેખાય તો તમો સજ્જનો મનમાં ઓછું નહીં આણતાં સંતોષ માનશો એવી આશા છે.

          આપણી જ્ઞાતિ ઉન્નતિના આ મહાન કાર્યમાં સહાયતા કરવાના ઉદ્દેશથી અત્રે પધારવામાં રસ્તાઓની હાડમારીઓના દુઃખો ભોગવી જે શ્રમ અને તસ્દી લઈ અમારા આમંત્રણને માન આપી આપ પધાર્યા છો તે માટે હું આપને ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી. આપે અત્રે પધારવામાં જો પોતાનું કર્તવ્ય અને ફરજ માની હોય તો આ કાર્યની સાફલ્યતા અને ફતેહની જરા પણ શંકા નથી. આ આપણી જ્ઞાતિના તૃતીય મહોત્સવમાં આ ભવ્ય જ્ઞાતિના મેળાવડામાં આપની આજની હાજરી અને ઉમંગ, પુરેપુરી ખાત્રી આપે છે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના અભ્યુદયનો સૂર્ય ઉદય થયો છે.

અત્રે એકત્ર થવાનો સબબ શો?

          પ્રિય જ્ઞાતિ બંધુઓ અને દેશપ્રેમી ભાઈઓ ! આપણે જે અત્રે ભેગા થયા છીએ તે મુંબઈ શહેરની કે તેના પરાંઓની રમણીયતા જોવા નહીં તેમજ હુન્નર ઉદ્યોગ કે કળાની ખીલવણી અર્થે પણ આપનું ખાસ ભેગું થવું એમ પણ નથી. પરંતુ ભેગા થવાનું ખાસ કારણ તો એ છે કે આપણી કડવા પાટીદાર જ્ઞાતિમાં કેટલાક નઠારા રીતરિવાજો ઘર કરી બેઠા છે તેને નિર્મૂળ કરવા. તેમાં પણ કચ્છ તરફના કડવા પાટીદાર ભાઈઓ જે ધાર્મિક અધોગતિ ભોગવે છે તેને સન્માર્ગે દોરવા માટે જ આ પ્રયત્ન છે અને એ પ્રયત્ન સફળ કરવા માટે આપણી જ્ઞાતિના આપણા ગુજરાતી બંધુઓએ જે મહાન અને કીંમતી વખતનો ભોગ આપી આપણા હિતમાં તેઓએ પોતાનું હીત માન્યું છે એવા ભાઈઓની સલાહથી તેઓના બુદ્ધિબળથી આપણે આપણી કચ્છની જ્ઞાતિની અધમ દશા મટાડી શકીશું એવો સંપૂર્ણ મને વિશ્વાસ છે. આજે દુનિયામાં જે મોટી ઉથલપાથલ થઈ રહી છે, પ્રજા પ્રજા વચ્ચે હરિફાઈઓ ચાલી રહી છે. તેવા પ્રસંગે આપણે માંહે માંહે લઢ્યા કરશું તો આપણું સ્થાન ક્યાં હશે? હાલમાં પણ આપણી સ્થિતિ કેવી કઢંગી અને લજ્જાસ્પદ છે તેને સુધારવા પ્રયત્ન નહીં કરીએ તો છેક જ છેલ્લી પાયરીએ આપણું સ્થાન શોભશે. માટે જ ઘાટકોપરના ભાઈઓએ આપને આમંત્રણ કર્યું છે તેની યાદ દેવરાવવાની ભાગ્યે જ જરૂર છે. આપણી જ્ઞાતિની સભાનો આ અપૂર્વ અવસર છે અને દરેક વિભાગોમાંથી આપણા બંધુઓ પધારેલા છે એટલે એકબીજાના વિચારો જાણી જ્ઞાતિમાં સુધારો કરવાનું સુલભ થઈ પડશે અને આપણું કાર્ય ઉત્તમ રીતે સાધી શકાશે. મુંબઈ ઘાટકોપરના વતનીઓ તરફથી મારે આપને જે કંઈ કહેવાનું છે તે હું હમણા ટુંકમાં જ કહીશ જેનો આપ દિલશોજી પૂર્વક વિચાર કરશો તો આપનો ઉચ્ચ હેતુ અવશ્ય પાર પડશે જ. આપણી પ્રગતિ એટલે છેલ્લા સોળ વરસથી આપણી જ્ઞાતિ સ્થિતિ સુધારવા તરફ આપણે ખાસ લક્ષ આપ્યું છે અને તેના પરિણામે ઘણા વરસોથી ચાલ્યો આવતો બાળલગ્નનો હાનીકારક રીવાજ આપણે કેટલેક અંશે સુધારી શક્યા છીએ. મોટી ઉંમરના દીકરા દીકરીઓના લગ્ન હજુ થોડાંક જ થયાં છે. તદુપરાંત લગ્ન જેવી અતિ ઉત્તમ ધાર્મિક ક્રિયા પીરાણાના પાખંડી મતના આધારે કચ્છ તરફ કરવામાં આવે છે તે ફક્ત ગયા લગ્નસરામાં જ્ઞાતિ સુધારકોની તનતોડ મહેનતના પરિણામે ચારસો લગ્ન વેદવિધિ અનુસાર થયાં છે. એ ફતેહ પણ ઘણી મોટી છે. જે પ્રમાણે જ્ઞાતિ હીત સાધવાનો ઉમંગભેર જુવાનીયાઓ હાલમાં જે મહેનત કરી રહ્યા છે. તેજ પ્રમાણે ચાલું રાખશો તો આવતા લગ્નસરામાં આપણી જ્ઞાતિના બાળકોના લગ્ન વેદવિધિ અનુસાર તમામના થશે. કુદરત મદદગાર છે. કચ્છના કહેવાતા જુલ્મી આગેવાનો પોતાના સ્વાર્થ માટે પીરાણા પંથ અને બાળલગ્ન જેવી અશાસ્ત્રોક્ત રૂઢીઓને પોષી રહ્યા છે તે હવે તેમનાથી રાખી રહે તેમ નથી. દુનિયાની તમામ પ્રજા બાળલગ્નને ધિક્કારે છે. પરંતુ તે બાળલગ્ન બાર અને ચૌદ વર્ષના છોકરાંઓનાં લગ્નને માટે કહે છે. આપણામાં તો બાળલગ્ન પણ શાનાં કહેવાય ! ચાલીસ દિવસના છોકરાઓના લગ્ન કરી નાંખતા આપણે શરમાતા નથી. ત્યાં બીજી જ્ઞાતિઓ દસ અને બાર વરસના લગ્ન કરી શરમાય છે તે માટે આપણે કેટલા પછાત છીએ તેનો વિચાર તમો સઘળા ભાઈઓ સભામાં કરશો.

બાળલગ્નના કજોડાં

          બાળલગ્નના પ્રતાપે કજોડાં થાય છે. ચાલીસ દિવસના છોકરાઓના જ્યાં લગ્ન થાય ત્યાં ઉંમરનું પ્રમાણ કેમ રહે ! કન્યા કરતા વર ઓછામાં ઓછો પાંચ વરસ મોટો હોવો જોઈએ એ ક્યાંથી બને? અરે તે સિવાય કચ્છમાં તો ઘણે ભાગે કન્યાઓ જ મોટી હોય છે અને તે લગ્નનું ટાંકણું ન ટળી જાય એટલા માટે વર કરતાં કન્યા બે ત્રણ વરસ મોટી હોય. એવા દરેક લગ્ને સેંકડો લગ્ન થાય છે અને તેના પરિણામો કેવા નઠારાં આવે છે તે આપણે આપણી સગી આંખે જોઈએ છીએ. એવા લગ્નોને બાળો જલાવી દો તો જ આપણી જ્ઞાતિનું ભલું થશે. એ નાલાયક બાળલગ્નના પ્રતાપે કજોડાં થાય, કજીયા કંકાશ વધે અને છેવટે છુટાછેડા કરવાના પ્રસંગો કંપારી છુટે તેવા પ્રમાણમાં થાય છે. આ વાતો દરેક સભાઓમાં પરિષદોમાં રસપૂર્વક ચર્ચાય છે. પરંતુ તેના કરતાં સંગીનપણે તેના ઉપાયો લેવાનો સરળ રસ્તો આપ સર્વે ભાઈઓની સંમતિથી પરિષદમાં ચર્ચાશે એવી હું આશા રાખુ છું.

કન્યા વિક્રયની ક્રૂર પ્રથા !

          કન્યાવિક્રય જેવી ક્રૂરઅને ઘાતક પ્રથા જો કે કચ્છ તરફ આપણી જ્ઞાતિમાં નથી તો પણ કોઈ બેનના કમભાગ્યે રંડાપો પ્રાપ્ત થતાં તે કન્યાના માબાપો તો એક ત્રાંબીઓ પણ લઈ ન શકે પરંતુ વિક્રાળ કાળ જેવા આપણી જ્ઞાતિના ગેઢેરાઓ તો આવા પ્રસંગો શોધતા રહેતા જ હોય ! કન્યાના માબાપો સ્વતંત્ર રીતે સંબંધ કરી શકતા નથી અને જો કરે તો આગેવાનો કહેવાને તૈયાર જ બેઠા છે કે, “તમે કાંઈક છાનો કોટણપોે કર્યો છે માટે આ સંબંધ નહી થાય.” અંતે તો આગેવાનોના ખીસ્સા ભરાય એવા ભાઈઓને જ બૈરાંઓ મળી શકે. અછતના પ્રમાણમાં વસ્તુ માત્રના ભાવ વધે છે એ જગતની બજારોનો એક સામાન્ય કાયદો છે. પણ એ કાયદો પશુઓની કિંમત વધારતા ઘટાડવાના વહેવાર સુધી જ આવીને અટક્યો હોત તો ઘણું સારું હતું પરંતુ આ કળીકાળમાં માનવજાતીમાં પણ સ્ત્રી કે પુરૂષોની અછતના પ્રમાણમાં કિંમત વધવા ઘટવા લાગી છે એ એક ઘણું જ ખેદકારક પરિણામ નીપજ્યું છે. સારા ખાનદાન કુટુંબો પૈસે ટકે સુખી હોય તેને તો રંડાયેલી કે છુટકાવાળી થોડા ખર્ચે પણ મળી રહે છે. પરંતુ ગરીબ ભાઈઓને હજાર અને પંદરસો કોરીઓ આપે પણ કન્યાઓ મળતી નથી. આપણા દયાળુ ગેઢેરાઓ ઘણી વખતે કન્યાઓને કબજે કરી તેનું જાહેર લીલામ કરીને પણ પૈસા ઉત્પન્ન કરે છે. જેનો દાખલો ડજાપર વાલીબાનો કેસ ચાલે છે તે અને રામજી રતના અકરીવાળાની સ્ત્રીને આગેવાનોએ બારસો કોરીમાં બળજબરીથી વેચી હતી. છોકરીના માબાપોથી કંઈ બોલી શકાય જ નહીં. આ પ્રમાણેનો કચ્છ તરફ કન્યાવિક્રય થાય છે. આ સંબંધે સુધારક ભાઈઓએ ખાસ મહેનત કરી આગેવાનોથી માબાપો ન ડરે અને પોતાની મરજી પ્રમાણે પોતાની દીકરીઓ સુખી થાય ત્યાં આપે એવો બોધ કરે તો ગેઢેરાઓનું કંઈ પણ ચાલે નહી અને આપણી જ્ઞાતિમાં જેમ ઢોરોના જાહેર લીલામ થાય છે તેમ આગેવાનો જે હમણા કરી રહ્યા છે તે તરત અટકી જાય. આ સંબંધે આ પરિષદમાં વાટાઘાટ થશે અને ઠરાવો ઉપર બોલનારા ભાઈઓ કંઈક વિશેષ અજવાળું પાડશે કે જેથી જ્ઞાતિને શરમાવનારા કન્યાવિક્રયનો અધમ અપવાદ છે તે દૂર થશે.

છુટાછેડાનો રિવાજ

          છુટાછેડા કરવાનો રીવાજ આપણી જ્ઞાતિમાં છે અને તે કચ્છમાં પણ  છે પરંતુ તે ખાસ કારણને લઈને જ કરવામાં આવે છે. તે સિવાય અપવાદ રૂપે બળજબરીથી પણ છુટાછેડા થાય છે તે આગેવાનોને જ આભારી છે. એક ઉપર બીજી સ્ત્રી કરવાનો રિવાજ નથી એમ કહી શકાય પરંતુ કોઈક છોકરાના અભાવે બીજી સ્ત્રી કરવાની જરૂર પડે તો પ્રથમની સ્ત્રીના માબાપો પરવાનગી આપે તો જ થાય છે. જ્ઞાતિના રીતરિવાજોમાં એક બાબત અપવાદરૂપે ઠીક છે. આપણી જ્ઞાતિને અધોગતિની ઊંડી ખીણ તરફ ઘસેડી જતાં બાળલગ્ન અને તે બાળલગ્નની પેટા શાખાઓથી થતા કજોડાં, છુટાછેડા, કન્યાવિક્રય વગેરેથી જ્ઞાતિની પાયમાલી થઈ રહી છે.

અધોગતિનું બીજું કારણ—મરણ પાછળના જમણ

          આપણી જ્ઞાતિની અધોગતિ થવામાં બીજું પણ એક કારણ ખાસ સમાયેલું છે અને તે એ કે મરણ પાછળના પ્રેત ભોજનો. હિન્દુ શાસ્ત્રમાંનું એક પણ શાસ્ત્ર કે પુરાણોમાં તે કોઈ જગ્યાએ શોધ્યું મળતું નથી કે મરી જનારની પાછળ મિષ્ટાનો ઉડાડવાં ! આ પ્રથા લગભગ દરેક જ્ઞાતિમાં છે અને શાથી આ રિવાજે ઘર કર્યું છે તે બધી વાતો સભામાં ચર્ચાશે. હું તો માત્ર એટલું જ કહેવા માંગું છું કે આપણી જ્ઞાતિને ગરીબ અને તદ્દન કંગાલ જેવી સ્થિતિમાં લાવી મુકનાર રીવાજ કિંવા રૂઢી હોયતો તે મરણ પાછળના ઉડાઉ ખર્ચાઓ જ છે. મારા દેખતાં મને સાંભરે તેમ આપણી જ્ઞાતિના ઘણા કુટુંબો સુખી હાલતમાં હતા પરંતુ તે સઘળાં પોતાના વડીલોની પાછળ પોતાની પ્રતિષ્ઠા જાળવવા ગામોને જમાડવામાં ખરાબખસ્ત થઈ ગયાં એટલું જ નહી પણ તેમનો ગરાશ ચાસ, રાચરચીલું, દરદાગીનો સઘળું આવા જ કામોમાં ગીરો મુકાયાં છે અને છેવટે મજુરી જેવો હલકો ધંધો કરવા જેવી સ્થિતિમાં આવી ગયા છે. આ સંબંધે પરિષદમાં યોગ્ય રીતે સમજાવવામાં આવશે તો આ જ્ઞાતિની જે આર્થિક સ્થિતિની પાયમાલી થઈ રહી છે તે બંધ પડીને જ્ઞાતિને નવું જીવન મળશે. આપણી જ્ઞાતિ કેળવણીના અભાવે “કણબી પશુ ન માનવી” આ ઈલ્કાબને ધારણ કરી રહી છે તે માત્ર કચ્છના પાટીદારોને જ લાગુ પડે.

પીરાણા પાખંડી મતની બદી—કેળવણીનો અભાવ !

          કચ્છના કણબી જ્ઞાતિના કહેવાતા આગેવાનોએ તો નક્કી જ કર્યું છે કે કણબીનો દીકરો જો ભણ્યો તો વીરાણીવાળા નારણ રામજીના જેવો થશે. પીરાણા ધર્મને તેમજ આગેવાનોને નીંદશે, માટે જેમ બને તેમ છોકરાઓને અભણ રાખવા ! તે સિવાય પીરાણા સતપંથના મુજાવર કાકા અને એ પંથના ચલાવનારાઓની ઉંડી ઉંડી એ પણ ભાવના છે કે જો કણબીનો દીકરો ભણશે તો બીજા હિન્દુ શાસ્ત્રો વાંચશે તો આ પીરાણાના પાખંડી મતમાંથી નીકળી જશે. તે સિવાય કચ્છની અન્ય કોમોનો પણ થોડો દોષ છે. તેઓની પણ વખતે એવી પોલીસી હોય કે કણબીઓ જો ભણશો તો તેઓ હિસાબ રાખતા શીખશે એટલે વેપારીઓ તેને મુંડી નહી શકે ! આવા અનેક કારણો છે. પરંતુ કચ્છમાં કણબી જ્ઞાતિમાં વાંચવું અને લખવું એટલે ગુજરાતી પાંચ ચોપડી સુધીના અભ્યાસ કરેલા આજથી વીસ વરસ પહેલાં ફક્ત વીસ હજારની જ્ઞાતિમાં દસ ભાઈઓ જ હતા. તેમાં આપણી જ્ઞાતિના શુભેચ્છક ભાઈ નારણજી રામજી પણ આવી જાય છે. આ પ્રમાણે જ્યાં કેળવણીનો પ્રચાર હોય ત્યાં અજ્ઞાનતા, જડતા અને બુદ્ધિહીનતા સિવાય બીજું શું હોય? હું કેળવણીની વાત કરું છું પણ આ વિષય તો કોઈ સમર્થ વિદ્વાનના મુખે શોભે. હું તો અમારી જ્ઞાતિની અધમ દશા માટે અમારા તરફની હકીકત જે પ્રમાણે છે તે કહી રહ્યો. અલબત્ત હમણાં દસેક વરસ પછી કણબી જ્ઞાતિના બાળકો વિદ્યાભ્યાસ કરવા વધારે પ્રમાણમાં જાય છે પરંતુ એ કેળવણીની ઉંચામાં ઉંચી ડીગ્રી તો ગુજરાતી પાંચ ચોપડીથી વધુ નહીં ! અપવાદ રૂપે એકાદ બે ભાઈઓ અંગ્રેજી ચાર કે પાંચ ચોપડી સુધી પહોંચ્યા છે. આવી અમારી દયાજનક સ્થિતિ ઉપર દયા કરવા — અમને સમજાવવા આ સભામાં બેઠેલા વિદ્વાનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે. કેળવણીનો ભણવું એમાં જ કાંઈ સમાવેશ થતો નથી. માનસિક કેળવણી, શારીરિક કેળવણી, ધાર્મિક કેળવણી આ બધી કેળવણીની જરૂર છે. માનસિક કેળવણીના અભાવે આપણી જ્ઞાતિના ડાહ્યા પુરૂષોમાં ખપતા એવા ભાઈઓ પણ અજ્ઞાન મુરખ અને મુઢ આગેવાનોથી ડરીને પોતા ઉપર ઘાતકી જુલ્મો ગુજરે છે, તે મુંગે મોઢે સહન કરી રહ્યા છે એ ઘણું જ શોચનીય છે. માનસિક કેળવણીના અંગરૂપ શારીરિક કેળવણીની પણ ઘણી જ જરૂર છે. શરીર નબળું હોય તો મન નબળું થાય છે. નબળા શરીરવાળો કંઈ પણ કરી શકતો નથી.

ધાર્મિક કેળવણીનો અભાવ

          ધાર્મિક કેળવણીના અભાવે આપણે આપણી જાત—કુરમી ક્ષત્રિય હોવા છતાં અજ્ઞાનથી યવનને ગુરૂ કર્યા. અર્ધદગ્ધ પીરાણાના પંથને સતપંથ માન્યો. પ્રહલાદ, હરીશચંદ્ર અને ધર્માવતાર પાંડવો પણ પીરાણા સતપંથ માનતા હતા, એવું માની લીધું ! પાંડવોના હાથે ગાય મારવાની વાત આપણે સાચી માની એટલું જ નહી પણ હિન્દુ જ્ઞાતિના પ્રચલિત રીવાજ, લગ્ન અને મરણ પ્રસંગે ચોરી અને ચિતાને આપણે ભુલી ગયા. બ્રાહ્મણો પાસે લગ્ન કરાવવાથી પાપ થાય ! કારણ કે બ્રાહ્મણમાંથી બ્રહ્મા ગયા ! તે આજ બ્રહ્માજીનું રૂપ તે નબીમામદ પેદા થયા, એમ માની લીધું ! મરણ પ્રસંગે અગ્નિ સંસ્કારને બદલે દફનાવી દેવાનું કબુલ કર્યું ! મુસલમાની કલમાઓ પઢતાં આપણે શરમાયા નહીં ! આવી અધમતા આપણામાં જે આવી ગઈ છે તે માત્ર ધાર્મિક કેળવણીની ખામીને લઈને જ આવેલી છે.  કેળવણીનો વિષય એ મહાન વિષય છે એનો બોધ વિદ્વાનો કરી શકે. મેં તો તમને આપણી સ્થિતિ કેળવણીના અભાવે કેવી થઈ ગઈ છે તેજ કહ્યું છે. કેળવણીના માટે આ સભામાં પધારેલા વિદ્વાન ભાઈઓ આપણને સમજાવશે અને તેથી ઘણું જાણવાનું મળશે. કચ્છના કડવા પાટીદારમાં કહેવાતા આગેવાનો સંબંધે મારે બે બોલ કહેવાના છે અને તે એ છે કે કણબી જ્ઞાતિમાં પોતાનો સ્વાર્થ સાધવા માટે ગરીબ ભાઈઓ તેમજ બહેનોને રંજાડીને પૈસા પ્રાપ્ત કરવાનું એક સાધન તેઓ જે લઈ બેઠા છે અને તેઓએ જે નીચ વૃત્તિઓ ધારી છે તે તજવી જોઈએ છે. આ જમાનામાં તો હવે નહી ચાલે. હજુ પણ ચેતાય તો સારું. આગેવાનોના જુલ્મોના ભાષણો કરાંચી પરિષદ બીજીમાં જે થયા છે તે બધા સાચાં છે અને આગેવાનોના માટે કલંકરૂપ છે. માણસાઈપણું તજી દઈ અજ્ઞાનતામાં અમાનુષિક કાર્યો કરનાર કોઈ રાજા મહારાજા કે શહેનશાહની રાજગાદી પણ ટકી નથી, તો તમો એક જ જ્ઞાતિના સાધારણ માણસો પોતાના જ ભાઈઓ ઉપર નિર્દયતાથી જુલમ ગુજારો છો તે પ્રભુ અથવા અન્ય કોમો કેમ સહન કરશે? જ્ઞાતિ સુધારકો આગેવાનોના નફટાઈ ભરેલા ચરિત્રો ગાવામાં હદ ઓળંગી ગયા છે. સભ્યતાની ખામી દેખાય છે પરંતુ આપણે આગેવાનોનાં કુટીલ કારસ્તાનો જોતાં સુધારક ભાઈઓને પણ શું કહેવું? હવે બહુ થયું છે. સમય વિચારી બંધુ પ્રેમને યાદ કરી એકબીજા તરફ સ્નેહની નજરે જોતાં શીખાય તો સારું. નહીં તો અધર્મી કાર્યોનો અંત હવે આવવાનો જ છે અને તેમાં પણ કહેવાતા જુલમી આગેવાનોની સખત હાર થવાની ઘડીઓ ગણાય છે માટે આગેવાનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે હવે જમાનાને માન આપી પોતાની ભુલો કબુલ કરવામાં ડહાપણ સમાયેલું છે. પ્રભુ તેમને સદ્‌બુદ્ધિ આપે.

કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિ પર કાળુ કલંક

          મારે જે કંઈ કહેવાનું હતું તે મેં કહ્યું છે. આપનો બહુ જ કીમતી વખત લીધો છે છતાં એક વાત હજુ કહેવાની બાકી રહી જાય છે અને તે વાત એ છે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના શીરે એક કાળું કલંક એ પીરાણા સતપંથને જ્ઞાતિએ ધર્મ માની લીધો છે તે છે. અન્ય જ્ઞાતિના બંધુઓની સમક્ષ મને આ કથા કહેતાં ભારે શરમ થાય છે. છતાં પીરાણાના પાખંડી અર્ધદગ્ધ પંથને સ્વાર્થની ખાતર જે અમારા જ્ઞાતિ ભાઈઓ ધર્મ મનાવી બેઠા છે તેઓને શરમ થતી નથી, એ ઘણી જ અફસોસની વાત છે. પીરાણા પંથ સંબંધે આપણી જ્ઞાતિના ભાઈઓ તેમજ આજની પરિષદના સેક્રેટરી ભાઈ નારાણજી રામજીભાઈએ ઘણું કહ્યું છે અને ઘણાં પુસ્તકો લખ્યાં છે અને એકાદ મહિના પહેલાં જે તેઓના તરફથી એક પ્રાસ્તાવિક નિબંધ બહાર પડ્યો છે તેમાં હવે બાકી કાંઈ રહ્યું નથી છતાં આ સભામાં પણ હું આશા રાખું છું કે તેઓ ભાઈશ્રી આપણી અજ્ઞાનતા દુર કરવા ઘણું અજવાળું પાડી આપણને સમજાવશે. તે સિવાય ભાઈશ્રી નારણજીભાઈ પીરાણાના અર્ધદગ્ધ પંથની પોલનું પુસ્તક બહાર પાડવાના છે. મને તો નવાઈ એ લાગે છે કે પીરાણાના અર્ધદગ્ધ પંથની આટલી બધી પોલો બહાર આવ્યા પછી હવે બાકી શું રહ્યું છે? જેટલું બહાર આવ્યું છે તે જોતાં પોતાને સાચો હિન્દુ કહેવરાવનારો માણસ એક પળ વાર પણ પીરાણા પંથનું કાળું કલંક કેમ રાખી શકે? છતાં હજુ કચ્છની કણબી જ્ઞાતિમાં પીરાણા પંથને સંગ્રહી રાખનારા બહાદુરોનો કંઈ ટોટો પડ્યો નથી ! ભાઈ નારણજી રામજીભાઈની પ્રતિજ્ઞા છે કે મારી હયાતીમાં પીરાણાના પાખંડી મતની કણબી જ્ઞાતિમાંથી જડ કાઢી નાખીશ અને તેમ કરતાં જો એ જડ ન નીકળી તો પુનઃજન્મ ધારણ કરીને પણ એ પાખંડી મતનું જ્ઞાતિમાંથી નીકંદન કરવાનો. એ ભાઈના પ્રયાસને આપણે જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. આવા વીર બહાદુરો જ્ઞાતિમાંથી અધર્મનો નાશ કરવા તન, મન અને ધનના ભોગો આપી રહ્યા છે છતાં આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ સમજે છે છતાં પોતાના મનની નબળાઈ છોડી શકતા નથી અને હિન્દુ સમાજમાં ભારે અપમાન સહન કરે છે છતાં વળગી રહ્યા છે. એવા ભાઈઓની મને દયા આવે છે. સભામાં પધારેલા વિદ્વાનો તેવા ભાઈઓને ખાસ સમજાવશે અને પરમાત્મા તેઓને સદ્‌બુદ્ધિ આપે એમ હું ઈચ્છું છું. પીરાણાના પાખંડી મત ઉપર ભાઈ નારણજીભાઈએ તેમજ અન્ય ભાઈઓએ પણ તૈયારી કરેલી છે એટલે આ વાત હું અત્યારે બંધ કરું છું.

          ભાઈશ્રી નારણજી રામજીના ભાષણોથી તથા લેખોથી તેમજ અન્ય જ્ઞાતિ ભાઈઓના ભાષણોથી વિચારીને ગયા આઠ મહિનાની અંદર થોડા થોડા વખતના અંતરે ગામ દયાપર, પાનેલી, રવાપર, ઘાટકોપર અને માટુંગા વિગેરે સ્થળે રહેતા ત્રણસો કુટુંબોએ પીરાણાના પાખંડી મતનું કાળું કલંક ધોઈ નાંખી શુદ્ધ સનાતન હિન્દુ ધર્મની દીક્ષા લીધી છે, જેમાંના ઘણા ભાઈઓ આ સભામાં હાજર છે અને બીજા કચ્છ દેશમાં છે. તેવા દરેક ભાઈઓને હું મારા તરફથી તેમજ સ્વાગત મંડળ તરફથી ખાસ ધન્યવાદ આપું છું. પ્રભુ તેઓના ઉત્તમ કાર્યને મદદરૂપ થાય એવી પ્રાર્થના કરું છું. તે સિવાય જે ભાઈઓ તે પીરાણા પાખંડી મતને બિલકુલ માનતા નથી છતાં કુટુંબ કલેશના અને જ્ઞાતિના આગેવાનોના જુલમની બીકથી રહી ગયા છે તેઓને મારી વિનંતી છે કે બીવા જેવું કાંઈ નથી. પીરાણા પંથ એ કલંક છે એ વાત જો સત્ય હોય અને જનસમાજમાં ઉંચું મોઢું કરી ફરવાનું તમને જોઈતું હોય તો એ કલંક હવે વધુ વાર રાખવું એ શોભાસ્પદ નથી. તરતમાં જ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવા હું વિનંતી કરું છું.

ઉપસંહાર

          પ્રિય જ્ઞાતિ ભાઈઓ, દેશપ્રેમી બંધુઓ અને બહેનોને જણાવવાનું કે ઘાટકોપરમાં પરિષદ મેળવવાને અમો ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા પરંતુ વખત અનુકૂળ નહોતો આવતો. જો કે અત્યારે પણ સારો જોઈએ તેવો વખત અનુકૂળ નથી કારણ કે કામ ધંધાની બધે સ્થળે માઠાર છે, પૈસાનો પણ પુરો અભાવ છે, છતાં ઘાટકોપરમાં જ્યાં સુધી પરિષદ ન ભરાય ત્યાં સુધી ઘાટકોપરવાસી ભાઈઓને ભારે શરમ જેવું લાગતું હતું. પરંતુ તમો સહુ ભાઈઓના પ્રતાપે કુળદેવી ઉમિયા માતાની ઈચ્છાથી આજે અમે અમારું કર્તવ્ય બજાવવા ભાગ્યશાળી થયા છીએ. આજનો દિવસ અપૂર્વ આનંદનો છે. જ્ઞાતિ હીતને માટે વિચાર કરવાને માટે ગામમાં અમને જ્ઞાતિ પરિષદ મેળવવાનો પ્રથમ પ્રસંગ પ્રાપ્ત થયો છે. ઘાટકોપરવાસી ભાઈઓએ જ્ઞાતિનું હિત એ પોતાનું હિત માન્યું છે, જેથી હું સભાને ખાત્રી આપું છું કે જ્ઞાતિ હિતના કાર્યમાં અમો પછાત રહીશું નહી. જ્ઞાતિ ઉન્નતિના કાર્યોમાં અમારાથી બનતી કોશીશો કરી છે અને કરીશું. જ્ઞાતિના હિતાર્થે આ પરિષદ મળી છે જેથી તેનું અવશ્ય રૂડું પરિણામ આવશે. આ પરિષદમાં પણ સહુ ભાઈઓ તરફથી તન મન અને ધનથી જ્ઞાતિ સેવાનું  અમુલ્ય ફળ પ્રાપ્ત થાય એવાં જ્ઞાતિ હિતનાં કાર્યો હાથ ધરવામાં આવશે એવી મારી નમ્ર પ્રાર્થના છે. આ સભામાં જે બહેનોએ પધારી અમને આભારી કર્યા છે તેઓને બે બોલ મારે કહેવાના છે અને તે એ જ્ઞાતિ હીતનાં કાર્યોમાં તમારી મદદની જરૂર છે. એક હાથથી તાળી પડતી નથી. બે પૈડાં સીવાય ગાડી ચાલી શકે નહી ઘણા ભાઇઓની એ ફરીયાદ છે કે પીરાણા ધર્મને તજવામાં ઘર કલેશ થાય છે માટે તમારે તમારા સ્વામીની ઇચ્છાનુંસાર ચાલવાનું છે. ધર્મકાર્યમાં તમારી સંપૂર્ણ મદદ વિના તે ન થાય. અમો દયાપર ગામે ગયા હતા ત્યાં પુરૂષ વર્ગ કરતાં બહેનોનો ઉત્સાહ અમે વધુ જોયો અને એ ઉત્સાહના પરીણામે દયાપર ગામે આજે કણબી જ્ઞાતિનું નામ અમર કર્યું છે. તમો જાણતા હશો કે મહારાજા પ્રતાપસિંહજી, શિવાજી, મહાત્મા ગાંધી અને લો.મા.તિલક મહારાજ ! એવા એવા અનેક નરરત્નો ને જન્મ આપનારી માતા પણ તમારા જેવી જ સ્ત્રીઓ હતી.

          સીતા, દમયંતી અને સાવિત્રી જેવી સતીઓ પણ માતાના પેટે જ અવતરી હતી આપણી જ જ્ઞાતીના સરોજિની નાયડુ—મદ્રાસ તરફ કણબી જ્ઞાતિને નાયડુની ઉપમા છે એ પણ તમારી જ બહેન છે. આગળના દાખલાઓ ન લેતાં આ એક જ દાખલો અત્યારનો જુઓ ભારતની દેવકન્યા સમાન શ્રીમતી સરોજિની નાયડુ આપણા દેશના માટે શું શું કાર્ય કરી રહ્યા છે. આફ્રીકાની ગોરી પ્રજાને તે બાઇ હચમચાવી રહી છે. મેં કહ્યું કે એ પણ આપણી જ્ઞાતિની જ છે બહેન છે. જો તમે બીજુ કાંઇ ન કરી શકો તો પણ આપણી જ્ઞાતિના હિતમાં તમારાથી પોતાના પતિને સહાનુભુતી આપ્યા સિવાય કેમ ચાલે, તમો તો શક્તિનો અવતાર છો તમો ધારો તે કરી શકો માટે તમે મારી નમ્ર વિનંતી ધ્યાનમાં લેશો અને જ્ઞાતિના ઉદયમાં તમારો પણ હિસ્સો હોવો જોઇએ તે તમે ભુલશો નહીં. છેવટે અન્ય જ્ઞાતિના ગૃહસ્થો, વિદ્વાનો અને પંડીતોએ ભારી કૃપા કરી અમારી દુઃખી જ્ઞાતીની દાઝ હૃદયમાં ધરી અમારા દુઃખમાં ભાગ લેવા પધાર્યા છે તેમનો ઉપકાર હું શી રીતે વાળું ! તેમને તો મારા નમસ્કાર છે. નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે જેવી રીતે આજે આપ પધાર્યા છે ! તેવી જ રીતે અમારી જ્ઞાતિનું કાર્ય ચાલે ત્યાં સુધી બાકીના બે દિવસો સુધી પણ પધારીને તમારી વિદ્વતાની પ્રસાદી અમારા જ્ઞાતિ ભાઇઓને આપવા કૃપા કરશો, એટલું જ નહી પણ અમારી જ્ઞાતિ અજ્ઞાનતાના અંધકારમાં ગોથા ખાય છે તેનો હાથ પકડી સત્યના સુર્યના દર્શન કરાવવા તમારાથી બને તેટલું કરી અમને આભારી કરશો એ મારી પ્રાર્થના છે.

          સભામાં પધારેલા દરેક ભાઇઓ તથા બહેનોએ મારૂં ભાષણ શાંતિપૂર્વક સાંભળ્યું છે, એટલું જ નહિં પણ અમારા આમંત્રણને માન આપી આપે ખાસ તસ્દી લઇ અમારા જ્ઞાતિ હિતના કાર્યને દીપાવવા અમને અનુકુળતા કરી અમારી ઉપર મોટો ઉપકાર કર્યો છે તેના માટે અમો તમારા હંમેશના ઋણી રહીશું. આટલું બોલી મારૂં ભાષણ પુરૂં કરૂં છું અને પરીષદના કાર્યમાં જોડાવાને દરેક ભાઇઓ તેમજ બહેનોને વિનંતી કરૂં છું.ૐ

          ભાષણના અંતે તેમણે જણાવ્યું કે કમીટીના તરફથી આ પરિદનું પ્રમુખ સ્થાન વિરમગામ વાળા જ્ઞાતિ સુધારક દિલસોજ બંધુ દેશાઇ શ્રી ચંદુલાલભાઇને આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે અને તે ભાઇએ આપણા કચ્છ વિભાગના બંધુઓને પોતાના ભાઇ સમજી પોતાની ફરજ સમજી આપણી આ બેઠકનું પ્રમુખપદ સ્વીકારવાની મહેરબાની કરીછે તે ખાતે કમિટિ તરફથી હું તેમનો આભાર માનું છું અને પોતાના આસને બિરાજવાની હું તેમને વિનંતી કરું છું. હું આશા રાખું છું કે તમે સઘળા ભાઈઓ એ વાતને વધાવી લઈ તે ભાઈ આપણને જે કંઈ ઉપદેશ આપે તે બરાબર ધ્યાનમાં રાખશો. (તાળીઓ)

          મિસ્ત્રી નારાયણજી રામજીભાઈએ સદરહુ દરખાસ્તને ટેકો આપતાં જણાવ્યું કે, આપણો કચ્છ વિભાગ ગુજરાતથી કેટલાક કારણોને લઈ અલગ પડી ગયો છે એટલે રા.રા.ચંદુલાલભાઈની આ સભાને ઓળખાણ આપવાની મને જરૂર પડે છે તે માટે સહુ ભાઈઓ મને માફ કરશો. આપણું મૂળસ્થાન ગુજરાત છે અને ત્યાંજ આપણી જ્ઞાતિનો મોટો ભાગ આવેલો છે એ વાત તો સહુની જાણમાં છે જ. પણ એ ગુજરાતની પ્રજાનું એક વખતે રક્ષણ કરનારા વર્ગમાં જે દેસાઈ કુટુંબે પોતાની વીરતા બતાવી ઈતિહાસમાં પોતાનું નામ અમર કર્યું છે તે કુટુંબના એ સુપુત્ર છે. બીજા કોઈપણ ધર્મ કરતાં જ્ઞાતિ સેવાનો ધર્મ એમને વધારે વહાલો છે, સ્વકોમની ઉન્નતિ અર્થે એ ભાઈએ ગુજરાતમાં જે કંઈ કર્યું છે એ વાતની પ્રશંસા કરી હું તમારો વખત લેવા માગતો નથી. તમે સહુ જાણો છો કે આપણા વિભાગમાં સુધારાની હીલચાલ કરનારા યુવક મંડળો અને અમારા જેવા કેટલાક છે પરંતુ એ સઘળાને હંમેશા જ્યારે જ્યારે તેમની મદદની જરૂર દેખાય ત્યારે તે ભાઈ તન, મન અને ધનથી આપે છે. આપણે કચ્છ વિભાગ સમસ્ત જ્ઞાતિ સાથે કેમ વહેલો જોડાય એ તરફ તે હંમેશા કાળજી ધરાવે છે. જ્ઞાતિ સમસ્તના ઐક્યમાં જ આપણું પણ હિત સમાયેલું છે. એટલે ગુજરાતથી અલગ પડી જઈને આપણને જે ધર્મ કર્મને ખપાવી નાંખ્યા છે તે માટે પણ આપણે ગુજરાતી ભાઈઓની મદદ લીધા સિવાય ચાલે તેમ નથી. મને ઘણો આનંદ થાય છે કે આજની આ પરિષદના પ્રમુખસ્થાને શોભાવા માટે આપણે એક દિલસોજ અને લાયક ગુજરાતી ભાઈને મેળવી શક્યા છીએ તેમાં હું પરિષદનો સંપૂર્ણ વિજય દેખું છું. હું આશા રાખું છું અને વિનંતી કરું કે મારા પ્રિય બન્ધુ રા.ચંદુલાલભાઈ જે પ્રમાણે ગુજરાતની જ્ઞાતિ સુધારાની હીલચાલમાં એક સાચા નેતા તરીકે ભાગ લે છે તે પ્રમાણે કચ્છ વિભાગને પણ પોતાના અંતરમાં સ્થાન આપી તેની ધાર્મિક ઉન્નતિ સાધવા આ હીલચાલના સાચા નેતા બનવામાં પોતાનો ધર્મ સમજશે. અમારી કમિટિની વિનંતી સ્વીકારવાનો અમારા ઉપર જે અહેસાન કર્યો છે તે માટે હું મારા અંતઃકરણથી આભાર માનું છું અને તેમના પ્રમુખપદે આ બેઠકનું કાર્ય નિર્વિધ્ને પસાર થાય અને જ્ઞાતિને લાભદાયક થાય એવી કૃપા કરવા શ્રી કુળદેવીને હું અરજ ગુજારું છું. (તાળીઓ).

          સદરહુ દરખાસ્તને વિરમગામળાળા મિ. કેશવલાલ માધવલાલ વકીલે ટેકો આપતા દેસાઈ ચંદુલાલભાઈ એક સાચા જ્ઞાતિ સુધારક અને જ્ઞાતિ પ્રત્યે લાગણી ધરાવનારા હોવાનું વિવેચન કર્યું હતું. ત્યારબાદ દેસાઈ ચંદુલાલભાઈએ પ્રમુખ માટે ગોઠવવામાં આવેલી ખુરશી પર પોતાની જગ્યા લીધી હતી. સ્વા.કમિટિના ચેરમેન તરફથી તેમને તથા અન્ય સંભવિત ગૃહસ્થોને હારતોરા અર્પણ કરવામાં આવ્યા બાદ પ્રમુખ સાહેબે નીચે પ્રમાણે ભાષણ આપ્યું હતું.

 

પ્રમુખ શેઠ ચંદુલાલ મણિલાલ દેસાઈ

વિરમગામવાળાનું ભાષણ

          પ્રિય જ્ઞાતિબંધુઓ, સદ્‌ગૃહસ્થો, માતાઓ અને પૂજ્ય બહેનો. મોહમયી મુંબઈનગરીના એક અંગરૂપ ગણાતા ઘાટકોપરમાં શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદના ત્રીજા મહોત્સવના પ્રમુખપણાનું અપૂર્વ અને અનુપમ માન આ સેવકને આપવાની આપ સર્વે ભાઈઓએ કૃપા કરી છે તે માટે હું તમારો અત્યંત આભારી છું.

          પ્રમુખપદની દરખાસ્ત મુકનાર શ્રીયુત નારાયણજી રામજીભાઈએ મને ઉદ્દેશીને જે માનપ્રદ શબ્દો ઉચ્ચાર્યા છે, એટલું જ નહીં પણ જે મહાન વિશેષણો વાપર્યા છે તે મારી મિથ્યાઅભિમાની વૃત્તિને ઉત્તેજિત કરનારા છે, એટલું જ નહીં પણ એ સર્વ અતિશયોક્તિ ભરેલાં છે. મારા તરફના તેઓના અતિ સ્નેહના પક્ષપાતને લઈ મારા વખાણ કર્યાં છે. હું તેમનો અને બીજા ભાઈઓએ જે પ્રમુખપદ માટે ટેકો આપ્યો છે તેઓ સર્વેનો ઉપકાર માનું છું.

          ઈશ્વર કૃપાથી આપણી બહોળી જ્ઞાતિમાં એવા અનેક નરરત્નો આપણી જ્ઞાતિમાં બિરાજે છે કે જેની આગળ હું અલ્પ સમાન છું. આ સભાની અંદર પણ મારા કરતાં વિદ્વાન, બુદ્ધિવાન, નીતિવાન, વિનયવાન, પરોપકારી, કાર્ય કુશળ અને બીજા અનેક ઉત્તમ પ્રકારના ગુણોથી ભરપુર સમગ્ર જ્ઞાતિ સમુહનો શોભાવે તેવા હાજર છે. તેઓમાંના કોઈ ભાઈની આ ઉંચસ્થાને યોજના થઈ હોત તો વ્યવહાર દૃષ્ટિની યોગ્યતા વધારે જળવાત અને કાર્યસિદ્ધિનો માર્ગ વધારે સરળ થાત.

          પ્રિય જ્ઞાતિબંધુઓ ! આવડી મોટી ગંજાવર સભાના પ્રમુખપણાની જિમ્મેદારી કંઈ નાનીસુની નથી. મારા જેવા સાધારણ માણસના ગજા ઉપરનું કામ છે છતાં આપ સર્વે મુરબ્બી ભાઈઓની આજ્ઞાને માન આપી એ ભાર ઉપાડવાનો સ્વીકાર કરવાનું મેં સાહસ કર્યું છે તે એવી ઉમેદથી કે, આપણી જ્ઞાતિની પરિષદના કાર્યવાહકો, વિદ્વાનો તથા અન્ય સર્વે ભાઈઓ, મારા દોષને તથા અપૂર્ણતાઓને સુધારી લઈ શુદ્ધ અંતઃકરણથી અને ભ્રાતૃભાવથી મારી સહાયતામાં રહેશે એવી તેમને સવિનય પ્રાર્થના કરું છું. સ્વજ્ઞાતિ પ્રત્યેનો સેવાધર્મ તો મેં લાંબા સમયથી સ્વીકાર્યો છે અને આજના પ્રસંગથી એ બંધન, અધિક બળવાન બને છે. આપે સોંપેલું કાર્ય વિકટ છે પણ મારી અલ્પ શક્તિ પ્રમાણે બનતી સેવા કરીશ.

આપણો ઈતિહાસ શું દેખાડે છે

          વહાલા ભાઈઓ અને બહેનો. દેશના જુદા જુદા ભાગોમાંથી તસ્દી લઈ અનેક સંકટો સહન કરી પૈસાનો ભોગ આપી આપણે અત્રે એકત્ર થયા છીએ એ ઉપરથી એ અનુમાન થાય છે કે આપણું અત્રે એકઠા થવું ઘણું જરૂરી છે. કોઈ પણ કાર્ય જરૂરિયાત વગર કોઈ કરતું નથી. આ મંડપમાં આપણને હાજરી આપવાથી જે આનંદ થાય છે તે જાણે દૈવી આનંદ ન હોય એવું મને સમજાય છે, કોઈ દુઃખી માણસના દુઃખનું આપણા હાથે નિવારણ થતાં હૃદયમાં જે આનંદ થાય અને તેનું અંતઃકરણ આપણા તરફ જે માયાભરી દૃષ્ટિથી ખેંચાતું હોય તે

          ભાવથી આજે આપણા અંતઃકરણો એકબીજા બંધુઓના દર્શનથી આનંદિત થાય છે. સ્વજ્ઞાતિના હિતમાં આપણું પણ હિત સમાયેલું છે. તેથી એ ઉદ્દેશ હંમેશાં યાદ રાખીને જ્ઞાતિ હિતના કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અહીંયા આપણે એક જ ગામ કે પ્રાંગણના હિત માટે મળ્યા નથી, પરંતુ કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, માળવા, નીમાડ જેવા દુર દુર દેશોમાં આપણે રહીએ છીએ છતાં એક જ કુટુંબનો આપણો આ પરિવાર છે, તે કોઈ કાળે ભુલવું જોઈતું નથી. ઘણો કાળ થઈ જવાથી દેશાચાલ મુજબ આપણા પહેરવેશ અને બોલવામાં ફરક પડી ગયો છે પરંતુ આપણા મુખ્ય રિવાજો, ધર્મકુળ અને અસલ સ્થળો જોતાં આપણે એક જ જ્ઞાતિના બંધુઓ છીએ એમ સમજાયા સિવાય રહેતું નથી. તેના અનેક ઈતિહાસિક દાખલાઓ આજે પણ મોજુદ છે. આપણા વડીલોએ ગામો વસાવ્યાની તેમજ આપણી પ્રાચીન જાહોજલાલી ભરેલી સ્થિતિ જેને જાણવી હોય તેમણે આપણી જ્ઞાતિના નરરત્ન સ્વર્ગસ્થ કર્મવીર બંધુ ભાઈશ્રી પુરૂષોત્તમદાસ લલ્લુભાઈએ રચેલા શ્રી “કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ” નામના પુસ્તકનો અભ્યાસ કરવો, કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ નામનું પુસ્તક આપણી જ્ઞાતિના માટે “રામાયણ અને મહાભારત”ની ઉપયોગીતા જેવું છે. આપણી જ્ઞાતિનો સાચો ઈતિહાસ તેમાં સમાયેલો છે. માટે એ પુસ્તક જ્ઞાતિના દરેક ભાઈએ અવશ્ય વાંચવું અને મનન કરવું જોઈએ. ઈતિહાસમાં આપણી કચ્છ તરફની કડવા પાટીદાર જ્ઞાતિનો ઈતિહાસિક દૃષ્ટિએ આપણો જ્ઞાતિ સંબંધ જે જળવાઈ રહ્યો છે તે જાણી મને ભારે આનંદ થાય છે. સંવત ૧૪૮૦ {Year: 1423-24}ની સાલથી તે સંવત ૧૮૩૨ {Year: 1775-76}ની સાલ સુધી ગુજરાતના જુદા જુદા ગામોમાંથી કચ્છ તરફ પાટીદારો ગયાનો ઉલ્લેખ કુરમી ક્ષત્રિય ઉત્પત્તિમાં છે અને તે વાત બરાબર બંધબેસતી આવે છે. કચ્છની રેતાળ અને ડુંગરાળી ભૂમિને નંદનવન સમાન બનાવનાર તમારા વડીલો છે અને જુદા જુદા ગામો વસાવી, આબાદ કરનાર પણ તેઓ જ હતા. આપણી જ્ઞાતિમાં જે અધર્મ યુક્ત રીતરિવાજોએ ઘર કર્યું છે તેને નિર્મૂળ કરવા જુદા જુદા ભાગોમાં પ્રવૃત્તિઓ ચાલુ છે અને તેજ પ્રમાણેે કચ્છમાં પણ જ્ઞાતિ સુધારકોએ એવી હિંમત ઉઠાવી છે. જે જે અજ્ઞાનતાઓ આપણામાં આવી ગઈ છે તે કેળવણીના અભાવે.

કોમની કેળવણી સંબંધી કંગાલ હાલત

          ગુજરાત કાઠીયાવાડ અને નીમાડ માળવામાં આપણી જ્ઞાતિ વસે છે. ત્યાં કેળવણીનું જે પ્રમાણ છે તેથી કચ્છમાં આપણી જ્ઞાતિનું કેળવણી પ્રમાણ તદ્દન કંગાલ હાલતમાં છે અને ભારે અજાયબી થાય છે કે હિન્દુસ્તાન દેશ માંહે નાના મોટા સાતસો રજવાડા છે. કચ્છ રાજ્ય એ સ્વતંત્ર રાજ્ય છે, બ્રિટિશ સરકારની ઝાઝી દખલગીરી ત્યાં નથી, ચલણી નાણું રાજાના સિક્કામાં ચાલે છે, હથિયારોની ત્યાં તદ્દન છુટ છે. ખેતીવાડી કરવાવાળા ભાઈઓને વીઘોટીનો ત્રાસ નથી. ઉત્પન્નમાંથી અમુક રાજ્યભોગ તરીકે અપાય છે. ઉત્પન્ન ન હોય તો કશું આપવાનું નથી. રાજ્યમાં નીમકવેરો બિલકુલ નથી તે સિવાય કચ્છના મહારાવશ્રીએ અનાજનો એક પણ દાણો પરદેશમાં ન જાય તેનો સખ્ત બંદોબસ્ત કાયદાથી કરેલો છે. એટલે એ દેશની પ્રજાને દુકાળના વર્ષોમાં પણ મોંઘવારી નડતી નથી આવા બધા સાધનો જે રાજ્યમાં હોય તે રાજ્યની પ્રજાની ઉન્નતિ કેમ ન સંભવે? છતાં, કચ્છમાં કેળવણીની ખામી ભારે દેખાય છે અને એ કેળવણીના અભાવે આપણી કણબી જ્ઞાતિને જડવત્‌ બનાવી મુકી છે તે તેનું એક મુખ્ય કારણ છે.

આગેવાનોના જુલમોની કથા

          મેં કચ્છી પાટીદારભાઈઓની ઘણી મિટિંગોમાં ભાગ લીધો છે અને તે મિટિંગોમાં કચ્છી કણબી જ્ઞાતિના આગેવાનોના જુલ્મોની કથા અને પીરાણા સતપંથની વાતો ઘણે ભાગે તેમાં ચર્ચાય છે એવું મારા અનુભવમાં છે. તે સિવાય કચ્છ કડવા પાટીદાર પરિષદ પહેલી અને બીજીના રીપોર્ટો વાંચ્યા પછી મને અનેક પ્રકારના વિચારો થાય છે. આપણી કડવા પાટીદાર જ્ઞાતિ દેશના જુદા જુદા ભાગોમાં વિસ્તાર પામેલી છે અને દરેક ઠેકાણે નાત—જાતને લગતી તકરારો જ્ઞાતિના સમજુ પુરૂષો મારફત પતાવવાનો રિવાજ ઘણો જ પ્રાચીન થઈ ગયો છે તે જેટલો ઈષ્ટ છે તેટલો જ હાલમાં તો ખાસ કરીને કચ્છ દેશમાં આગેવાનોના સ્વાર્થી અને અન્યાયી દોરનો ભોગ થઈ પડ્યો છે. કચ્છના આગેવાનોની જુલ્મી સત્તા અને અધમતાના ઈતિહાસો કહેવા બેસીએ તો કેટલાંએ પુસ્તકો લખાય, પરંતુ આપણું કર્તવ્ય અજ્ઞાન અને અધર્મી સ્વાર્થી માણસોની કાળી બાજુ ચીતરવામાં જ સમાયેલું નથી, પરંતુ તેઓને સુધારવા માટે જે જે ઉપાયો લેવા ઘટે તે લેવા. દરેક બંધુઓને મારી તો સલાહ એ છે કે તમારા માંહેના જ્ઞાતિ સુધારકો ભાઈઓએ આગેવાનોના જુલમી ફરિયાદ કોર્ટ મારફતે નહી પણ ખુદ મહારાજાની રૂબરૂ જણાવવી જોઈએ.

કચ્છના ના.મહારાવશ્રી પાસે ડેપ્યુટેશન મોકલવાની હિમાયત

          કચ્છના મહારાવશ્રી પોતાની પ્રજાની પાયમાલી પ્રજાના હાથે કેમ થવા દેશે ! તે માટે આ સંબંધે તમારામાંથી થોડા ભાઈઓનું ડેપ્યુટેશન મહારાજા હજુર જવું જોઈએ અને ધીરજથી તમારી બધી વાતો તેમને યોગ્ય રીતે સમજાવવી જોઈએ. મારી પાક્કી ખાતરી છે કે તમે એટલે કચ્છના કડવા પાટીદાર ભાઈઓ આગેવાનોથી ડરીને ગુલામી દશા ભોગવો છો. આગેવાનોને પટલાઈનો મોહ પણ રહે છે. જ્ઞાતિભાઈઓ ઉપર જોરજુલમ પણ કરે છે. પૈસાના સ્વાર્થની ખાતર અમારા પટેલો આવો જુલમ કરે તો એક દિવસ પણ તેઓની પટલાઈ ચાલે નહીં.

દરેક માણસે પોતાના પગપર ઉભા રહેતાં શીખવું જોઈએ

          કચ્છના કણબી જ્ઞાતિના પટેલોના ઈતિહાસો વાંચી હૃદયમાં કંપારી છુટે છે અને તેની સાથે સાથે કચ્છના કડવા પાટીદારોની ભીરૂતા, નિર્માલ્યતા અને મુરખાઈની પણ હદ આવી જાય છે, કરાંચીના જે હેવાલ પ્રગટ થયો છે તે ઉપરથી તો એમ જ કહેવાય કે આ પ્રજા હજુ તદ્દન અજ્ઞાન અને જડ છે, દરેક માણસે પોતાના પગ ઉપર ઉભા રહેતાં શીખવું જોઈએ. આત્મબળથી મનુષ્ય ધારે તે કરી શકવા સમર્થ થાય છે તેના દાખલામાં હું જણાવીશ કે ભાઈ શ્રી નારાયણજી રામજીભાઈ તરફથી થોડા વખત પહેલાં એક “પ્રાસ્તાવિક નિબંધ” બહાર પડેલ છે. તેમાં કેટલાંક કુટુંબોએ પીરાણા પંથ ને આગેવાનોના જુલ્મને ન ગણકારતાં પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. તેજ પ્રમાણે દરેક માણસો જો વર્તે તો આજે આપણા ઉપર કોઈ જુલ્મ કરી શકે તેમ નથી. તે સિવાય પીરાણાના પાખંડી મતના પંથે ચાલીને આજે કચ્છના પાટીદાર ભાઈઓની કેવી અધમ દશા થઈ ગઈ છે તે સર્વ કોઈના ધ્યાનમાં છે. પ્રાસ્તાવિક નિબંધમાં તેમજ સ્વાગત કમિટિના પ્રમુખના ભાષણમાં એ સંબંધે ઈશારો કરવામાં આવ્યો છે.

આપણી ભાવનાઓ ભ્રષ્ટ કાં થઈ?

          સૈયદ ઈમામશાહના પંથના માર્ગે ચઢવાથી આપણી ભાવનાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ છે, કેટલાક રીત રીવાજોમાં પણ અધમતાએ વાસ કર્યો છે. વળી કાચું સોનું પાકે એવા રસાળ ગુજરાત પ્રદેશનો ત્યાગ કરી કચ્છમાં આપણી જ્ઞાતિને જવાનું મૂળ કારણ પણ પીરાણા મતનો સ્વીકાર કરવાથી જ થયું છે, અધર્મ યુક્ત અધમપંથને વળગી રહેવાની લાલસા વધતી ગઈ જેના પરિણામે જીવન ખારાં ઝેર જેવાં થઈ ગયા. ધન ગયું, માન ગયું, વિદ્યા ગઈ જેના લીધે બુદ્ધિ ગઈ અને સારું માઠું સમજવાની શક્તિ પણ લોપ થઈ ગયો. અધર્મ રૂપી ઝેરી ભાવનાઓ પેઢી દર પેઢી ઉતરતી આવી. અફસોસ બંધુઓ ! જે સ્થિતિનું જેને ભાન થાય તે તો જરૂર પોતાના ભાઈઓની દયાજનક સ્થિતિ ઉપર આંસુ પાડ્યા સિવાય રહેજ નહીં. પરંતુ એ આંસુ અને હૃદયના ઉભરા ક્યા ધર્મથી પોસતા હૃદયોમાં આવે? એ વાત કોણ સમજી શકે? અરે સમજાવવી પણ કોને ! સમજવા માટેની વિચારશક્તિ અને બુદ્ધિ જોઈએ તે ક્યાંથી લાવવી? તે શક્તિ બક્ષનારી વિદ્યાદેવી અને આપણે કેટલી પેઢીઓનું અંતર ! તે મહાદેવી સરસ્વતી આપણા ઉપર પ્રસન્ન પણ કેમ થાય? આપણે તો—

મરાઠી સાખી.

ધર્મ કર્મને ધોઈ નાંખ્યા ગાડર સમ ઝુકાવી,

ઉપરથી ઉપહાસ્ય કરાવી, ગાંઠનું ગરથ ગુમાવી… આવી.

રસમ થકી ભાવી, ભુસ્યું શરમ જરી નાવી—આવી. રસમ.

 

અધમ દશા માટે અફસોસ

          કચ્છ કડવા પાટીદાર ભાઈઓની અધમ દશાના માટે અફસોસ પણ કેટલો કરીએ ! આંખે પાટા બાંધી ઈમામશાહને ઈંદ્ર માની લીધો, અમરાપુર મહાલવાની અજ્ઞાન લાલસાએ પાંચે પાંડવ મળી ગૌવધ કીધાની અને સતી પાંચાલીએ મસ્તક ચામડાં લીધાની વાત પણ સાચી માની લીધી. ફરમાનજી બીસમિલ્લાના કલમા પઢતાં પણ શરમાયા નહીં. દશોંદના દોકડા ભરી ભરી તુટી ગયા અને બેહસ્ત મુકામે પહોંચ્યા પહેલાં તો પરદેશનાં ઝાડ જોવા પડ્યાં. કરવત ખેંચવાની સ્થિતિ પ્રાપ્ત થઈ ! બીજું શું થાય. જ્યારે સગા કુટુંબ બેન ભાઈ વિગેરેના હિતનો વિચાર આવે નહી અને અમરાપર પહોંચવાના ખોટા લોભે લોકલજ્યાનો ખ્યાલ પણ મટી જાય અને પાખંડી પીરાણામતના ઉપદેશની ગોળીઓ જેમને ગળી લાગે તેમની સ્થિતિ બીજી કઈ રીતે વધારે સારી હોવાનું સંભવે ! પરંતુ એ ધર્મને પોષવાના લાગાઓ ભરવા ઉપરાંત જગતની દ્રષ્ટિએ હલકા દેખાવાનું અને નાક કપાવવાનું દુઃખ જે ભાઈઓના કર્મે આવી પડે તે પણ જ્યારે ફરજિયાત જેવું તેને થઈ પડવાનું દુઃખ પ્રાપ્ત થાય તેની કઈ દશા? પાટીદારનું જેનામાં પાણી હોય તે તો જરૂર પોતે જાતે તેમાંથી છુટવા અને બીજાઓને પણ છોડાવવા પ્રયત્ન કરે જ. તેમ કરવાનો એને જન્મસિદ્ધ હક્ક પ્રાપ્ત થયેલો હોય છે અને એ વાતનો કોઈનાથી ઈનકાર પણ થઈ શકે તેમ નથી. માટે સભામાં બેઠેલા તમામ ભાઈઓ અને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આપણી કડવા પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિના કચ્છ વિભાગમાં પીરાણા પંથનું જે પાખંડ ઘુસી ગયું છે, તેને સત્વરે નાબુદ કરવા દરેક ભાઈએ પોતાથી બનતો પ્રયત્ન અવશ્ય કરવો. આજ દિવસ સુધી કચ્છના ભાઈઓએ જ આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે, પરંતુ તમારા તરફથી પણ હવે તે સંબંધે યોગ્ય બંદોબસ્ત કરવાના ઉપાયો હું અમારા ગુજરાતી ભાઈઓને મળીને કરીશ. આ કાર્ય સમગ્ર હિન્દુ જ્ઞાતિઓએ ઉપાડી લેવાની ખાસ જરૂર છે.

ગુપ્ત પંથનો સડો

મને લાગે છે કે આપણે ઘણા જ મોડા જાગ્યા છીએ. અપવાદ રૂપે ગુજરાતમાં કેટલીક હિન્દુ ગણાતી જ્ઞાતિઓમાં આ પંથ છુપી રીતે માનવામાં આવે છે અને તે પંથને ગુપ્ત પંથ કહેવામાં આવે છે. તેથી જ આ ગુપ્ત પંથનો સડો આગળ વધ્યો છે. આ પંથના યોજકોએ હિન્દુઓને વટલાવીને મુસલમાન કરવા માટે જ આ ગુપ્ત પંથની યોજના કરી છે. તેથી તો દરેક હિન્દુ ભાઈઓએ સાચા હૃદયથી તનતોડ મહેનત કરી એ પાખંડી મતની હિન્દુ સમાજમાંથી જડ કાઢી નાંખવી જોઈએ. આ વિષયમાં મારે ખાસ કહેવાનું હતું અને તે મારાથી જેટલું કહેવાયું છે તે તમો સૌ ભાઈઓએ તેમજ બહેનોએ સાંભળ્યું છે. માટે તેનો સત્વર ઉપાય કરવા હું તમોને વિનંતી કરું છું.

બાળલગ્નની નાશકારક રૂઢી

          તે સિવાય આપણી સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિની બાળલગ્ન કરવાથી આપણી અધોગતિ થઈ રહી છે તે તમો સર્વ ભાઈઓ જાણો છો. અમારા તરફ ગુજરાતમાં પણ વરકન્યાની લાયકાત જોઈ યોગ્ય ઉંમરે લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ ગઈ છે અને લગ્નો થયાં છે. એક જ તિથિએ લગ્ન કરવાની પ્રથા કેવા સંયોગોમાં આપણામાં પેસી ગઈ છે તે સંબંધે ઘણા મતમતાંતરો છે. પરંતુ તે ગમે તે કારણે આ રૂઢી આપણામાં પ્રચલિત છે. પરંતુ હવે એ જુના વહેમોને સુધારક ભાઈઓ મચક આપતા નથી. મારા સાંભળવા પ્રમાણે કચ્છમાં પણ આપણી જ્ઞાતિમાં બાળલગ્નો અને તે એક જ તિથિએ થાય છે. વળી એ બાળલગ્નની નાશકારક રૂઢીએ આપણી જે પાયમાલી કરી છે તે તમો સહુના ખ્યાલમાં છે. મને જાણીને ભારે આનંદ થાય છે કે કચ્છમાં પણ ઘણા ભાઈઓએ પોતાના છોકરાંઓ એક જ તિથિના લગ્નને પરણાવતા. તેમણે અનુકુળ તિથિઓએ અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાની રૂઢી શરૂ કરી છે. તમારા માંહેલા ભાઈશ્રી નાયાભાઈ શીવજી ગામ વીરાણીવાળા પોતાની ચૌદ પંદર વર્ષની દીકરી બેન દેવકુંવરના લગ્ન આવતા વૈશાખ માસમાં કરવાના છે. આવા શુભ સાહસોથી જુની અને હાનીકારક અશાસ્ત્રોક્ત રૂઢીઓનો જલદીથી અંત આવશે એ ચોક્કસ જ છે. બાળગ્નના સંબંધમાં તો દરેક ઠેકાણે સારી પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી આશા છે કે આપણી જ્ઞાતિને ભારે કલંકરૂપ તેમજ હાનીકારક આ રૂઢી હવે નાશ પામવાની જ. બાળલગ્નના પરિણામે કજોડાંનો સંબંધ સંસારને ઝેર રૂપ બનાવે છે અને તેના પરિણામે છુટાછેડા એટલે છુટકો કરવાનો રીવાજ આપણામાં પડી ગયો છે, તે જો બાળલગ્ન અટકાવીને અને યોગ્ય ઉંમરના બાળકોની લાયકાત જોઈને સંબંધો કરવાની આપણે કાળજી રાખીશું તો છુટાછેડા જેવા નામોશી ભર્યા રીવાજનો જરૂર અંત આવેલો જ પડ્યો છે. કન્યાવિક્રય આપણી જ્ઞાતિમાં અપવાદ રૂપે કોઈક જગ્યાએ હશે. કચ્છમાં કન્યાવિક્રય થાય છે. ગુજરાતમાં પણ અપવાદ રૂપે થતો હશે. કાઠીયાવાડમાં કન્યાવિક્રય વધારે પ્રમાણમાં થાય છે. એ ભારે નીચું જોવડાવનારું આપણી જ્ઞાતિના શીરે કલંક છે. ગમે તે વિભાગમાં એ અધમ રીવાજ ચાલુ હોય તેનું પણ કલંક તો આપણને લાગે માટે તેનો તાત્કાલીક ઉપાય કરવો જ જોઈએ.

કન્યાવિક્રય કરવો એ ક્રુરતાનું કામ છે

          કન્યાવિક્રય જેવું બીજું કોઈ પાપ નથી. પોતાના શરીર અને લોહીમાંથી ઉત્પન્ન થયેલી કન્યાને વેચનારો પિતા સર્વ પાપીઓમાં મહા પાપી છે, બંધુઓ ! કન્યા અને ગાય જ્યાં દોરે ત્યાં જ્યા એ કહેવત પ્રમાણે બિચારી બાળક અજ્ઞાન અને વડીલોની આજ્ઞાને માથે ચડાવનારી કન્યા જ્યારે તેના પેદા કરનાર માત પિતાના સ્વાર્થનો ભોગ થઈ પડે ત્યારે પછી જણીને તરત પોતાના બચ્ચાંને ખાઈ જનારી નાગણમાં અને એવા માતા પિતામાં શો તફાવત રહ્યો ! દરેક મનુષ્યનો એ ધર્મ છે કે પોતાના બચ્ચાંઓને પાળી પોષી યોગ્ય ઉંમરે ઘર સંસાર ચલાવવાને શક્તિવાન બનાવવા એવો જે ઉત્તમ ધર્મ માત પિતાનો કહેવાય તે ધર્મ તજીને પોતાના ઉદરથી ઉત્પન્ન થયેલી કન્યાનો વિનાશ કરવા લાગે, પિતા અને માતા જ જ્યારે કસાઈ બનીને કન્યાના ગળામાં લોભ અને સ્વાર્થની ખાતર ફાંસો નાખે, રક્ષક જ્યારે ભક્ષક થાય અને વાડ જ્યારે વેલાને ખાય ત્યારે તેમને આધારે રહેલા બીચારા ગરીબ બચ્ચાંઓનું શું થાય? ખરેખર કળીયુગમાં અને તે પણ હિન્દુ સમાજમાં આ કેવા પ્રકારનું ઘોર કર્મ કહેવાય. પ્રભુ સર્વને સદ્‌બુદ્ધિ આપે અને હિન્દુ જનસમાજ આવા નીચ કર્તવ્યો કરતાં અટકે એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.

          પ્રિય જ્ઞાતિ ભાઈઓ, આપણી જ્ઞાતિમાં, જ્ઞાતિની અધોગતિ કરનારી અનેક રૂઢીઓ અને રીવાજો છે. તેમાં પણ આપણી જ્ઞાતિની આર્થિક સ્થિતિને ગંભીર નુકસાન પહોંચાડનાર તો મરણ પાછળના અશાસ્ત્રોક્ત જમણો જ છે. જો કે આ રીવાજ બધી જ્ઞાતિઓમાં છે છતાં પણ આપણી જ્ઞાતિએ આ રીવાજને ઘણું જ વધુ પડતું માન આપવાથી આપણી આર્થિક સ્થિતિની ભયંકર હાલત થઈ ગઈ છે.

મરણ પાછળના જમણવારો

          બંધુઓ ! આપણો ભાઈ, બાપ કે આપણને જન્મ આપનારી માતા, ગુજરી જાય કે જેના મોઢાંનું દર્શન આપણે ફરીથી કરવા પામતા નથી. તેમજ, આપણા ઘર સંસારનો બોજો ઉપાડનારી આપણી ગૃહિણી કિંવા ધર્મપત્ની આપણને છોડી જાય અગર હંમેશના માટે પત્નીનો ત્યાગ કરી તેને નિરાધાર એકલી દુઃખદાયક સ્થિતિમાં છોડી તેનો પતિ સ્વર્ગે સીધાવે એ પ્રસંગને આપણે ક્યા પ્રકારનો ગણી શકીએ? એવા પ્રસંગે ઘઉં, ઘી અને સાકરના પદાર્થો વડે બનાવેલા મિષ્ટાન ભોજનો જમાય ખરાં? આ કૃત્ય તદ્દન અધર્મયુક્ત અને માણસ જેવા પ્રાણીને માટે તો લાયક નથી જ. એટલા માટે આપ તેને તિલાંજલી આપી હવે તેવાં જમણો નહીં કરવા અને નહીં ખાવા પ્રતિજ્ઞા કરશો તો આપણે ઉઠાવેલા પરિશ્રમનું કાંઈક સાર્થક થયું ગણાશે. અમારી તરફ છેલ્લાં પંદર વર્ષથી અમે આ પ્રકારના પ્રેતભોજનો જ્ઞાતિમાંથી અટકાવવા પ્રયત્ન કરીએ છીએ, તમારા પૈકીના કેટલાકે “માધાના પિતાનું પ્રેત ભોજન” નામે આખ્યાન અમારા વિદ્વાન બંધુ દેસાઈ અમરસિંહજી કરતા હતા તે ઘણીવાર સાંભળ્યું હશે. અમારા તરફ ગુજરાતમાં આ આખ્યાનની સારી અસર થઈ છે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં મરનારની પાછળ શ્રાદ્ધ ક્રિયા તેમજ પુન્યદાન કરવાનો વિધિ કહ્યો છે અને તેજ પ્રમાણે દશા એકાદશી શ્રાદ્ધાદીક ક્રિયાઓ તો અવશ્ય કરવી જ જોઈએ. પરંતુ મરણ નિમિત્તે જમણો કરવાનું ક્યાંય લખ્યું નથી. છતાં ચડસા ચડસીમાં કુટુંબ નાત અને ગામના ગામો જમાડવાની જે દેખાદેખી પ્રથા વધતી ગઈ, જેના પરિણામે ગામ ગરાસ અને ખેતીવાડી અને રાચરચીલું વેચીને પણ એ અવસર ફરજિયાત કરવાના લીધે આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. કચ્છમાં તેમજ ગુજરાતમાં અને બીજા દેશોમાં આ હાનીકારક રીવાજે આપણી આર્થિક સ્થિતિનું ભારે નખોદ વાળ્યું છે. તમો બધા બારીકાઈથી વિચાર કરશો તો તમને સ્પષ્ટ જણાશે કે આપણે દેશ છોડી પરદેશ આવ્યા છીએ તેનું મુળ કારણ પ્રેત ભોજનનો પ્રતાપ હશે. આપણા વડીલોએ મરણ પાછળ એવાં ભારી કારજો કરવાથી ગરીબ હાલતમાં આવી ગયેલા અને તે ગરીબી આપણને વારસામાં મળતી રહી છે તેનું આ પરિણામ છે.

કુધારાને લીધે થયેલી પાયમાલી

          તમારામાંના ઘણા ભાઈઓએ મરણ પાછળ આવાં અઘટિત ખર્ચો ન કરવાના અને તેમાં ભાગ ન લેવાના સોગન લીધા છે. તેમ તમો બધા વિચારીને કરશો તો આપણી જ્ઞાતિની આર્થિક સ્થિતિ સુધારવામાં જરાપણ વાર લાગશે નહીં. આટલું જણાવ્યા પછી મારે તમને એક અગત્યની વાત કહેવાની છે તે એ છે કે આપણામાં આટલા બધા કુધારા પેસી ગયા અને તે આપણી પાયમાલી કરી રહ્યા છે છતાં આપણે જે સમજી શકતા નથી અથવા સમજીએ છીએ છતાં તે તરફ ધ્યાન આપતા નથી તેનું મુખ્ય કારણ આપણામાં કેળવણીની ઘણી જ ખામી છે. કેળવણી એનો અર્થ નિશાળમાં ભણ્યા એટલે કેળવણી લીધી એવી આપની માન્યતા હોય તો તેમાં ભુલ થાય છે, હું તેની વ્યાખ્યા કંઈક બીજી જ ઢબે કહેવા માગું છું. કેળવણી એટલે આ લોક અને પરલોક બંનેને સુખરૂપ કરવા માટે જે જ્ઞાન મદદગાર થઈ પડે તેજ સાચી કેળવણી અને તેજ સુવિધા મનાય. ત્યારે જ આપણે ચારે પુરૂષાર્થને પ્રાપ્ત કરી શકીએ. હવે ગમે તે જાતની ને ગમે તેવી કેળવણી પ્રાપ્ત કરવા માટે આપણને પ્રથમ તો ભાષા જ્ઞાનની જરૂર છે ને તે સંપાદન કરવા નિશાળમાં ભણવું જોઈએ. નિશાળથી ભણી ઉઠ્યા પછી વ્યવહારિક કેળવણીની ખાસ જરૂર છે. સારી રીતે ભણેલો જો કે બી.એ. અથવા એમ.એ. થયો હોય પરંતુ વ્યવહારિક કેળવણીના અભાવે તેને કેટલાક લોકો વેદીયો છે એમ કહે છે. ભણી ગણીને વેદીયાની ડીગ્રી ન મળે તેના માટે ધ્યાન રાખવું જોઈએ. સ્ત્રી અને પુરૂષે પોતપોતાનો ધર્મ સમજી ઘરસંસાર ચલાવવો જોઈએ. પુરૂષોએ પોતાની ધર્મપત્ની પ્રત્યે પ્રેમાળ રહેવું જોઈએ અને સ્ત્રીએ પતિ પ્રત્યે પરમ પૂજ્ય ભાવ રાખી પરમેશ્વરમાંની વર્તતા શીખવું જોઈએ અને આ કેળવણી બાળવયમાંથી જ પુત્ર પુત્રીઓને માતા—પિતાએ ઘરમાં જ આપવી જોઈએ. આવી રીતની ગૃહકેળવણી જેના પર બીજી વિદ્યા અને આપણા જનસમાજના બંધારણનો આધાર છે તેનો તો આજ કાલ આપણામાંથી તદ્દન લોપ થઈ ગયો છે. આવી વ્યવહારિક કેળવણીની ખામી આપણા કુટુંબમાં સગાં—સંબંધીઓમાં કુસંપના વૃક્ષો ઉભા કરે છે. માટે આ ગૃહકેળવણી પર ખાસ ધ્યાન આપવા તમો સર્વ ભાઈઓને હું વિનંતી કરું છું. વ્યવહારિક, માનસિક, શારીરિક અને ધાર્મિક કેળવણી એ બધી જાતની કેળવણીની દરેક મનુષ્ય માત્રને ખાસ જરૂર છે. કેળવણીના અભાવે આપણે બાળલગ્ન કરીએ છીએ. બાળલગ્નના પ્રતાપે જ કજોડાં થાય છે, તેથી જ છુટાછેડા કરવાનો આપણામાં રીવાજ પડી ગયો છે. જ્યાં છુટાછેડા કરવાનો રીવાજ હોય ત્યાં કન્યાવિક્રય સંભવે જ. કેળવણીના અભાવે ગજા ઉપરાંત મરણ પાછળના કારજો કરી આપણે આર્થિક સ્થિતિની પાયમાલી કરી રહ્યા છીએ. વધુ શું કહું ! કેળવણીની ખામીને લઈ આપણી ક્ષત્રિય ગણાતી જ્ઞાતિના ભાઈઓ ઈમામશાહ સૈયદનો બતાવેલો પીરાણા સતપંથ જે તદ્દન અર્ધદગ્ધ મુસલમાની તે પંથને હિન્દુ ધર્મ સમજી માનવા લાગ્યા એ શું બતાવે છે? આપણી મૂર્ખતાનો અદ્‌ભુત નમૂનો ! ધાર્મિક કેળવણીની મોટી ખામી. દેવોને પણ દુર્લભ એવો આર્યોનો ઉત્તમ આ હિન્દુસ્તાન દેશ તેમાં બાવીશ કરોડ હિન્દુઓ વસે છે. તે હિન્દુ જ્ઞાતિની પવિત્રતા માટે મોટા અડસઠ તીર્થસ્થળો છે પવિત્ર થઈને પરમાત્માના સ્વરૂપમાં લય થવાના જ્ઞાન માર્ગના માટે ચાર વેદ, છ શાસ્ત્ર, અઢાર પુરાણ, શ્રુતી સ્મૃતિઓ તદુપરાંત ઉપાસના કરવા માટે તેત્રીસ કોટી દેવતાઓ, ભગવાનના અનેક અવતારી સ્વરૂપો, શક્તિ, દેવી, ઈત્યાદિમાં જેને હિન્દુ ધર્મ ન દેખાયો ! અને સૈયદ ઈમામશાહે બતાવેલા પીરાણા સતપંથના મુસલમાની કબ્રસ્તાની પંથને હિન્દુધર્મ સમજી માનનારા અજ્ઞાન હિન્દુભાઈઓની અજ્ઞાનતા એવું સિદ્ધ કરે છે કે તેઓમાં ધાર્મિક કેળવણીની ભારે ખામી છે. કેળવણીનો વિષય એ મહાન વિષય છે એના ઉપર જેટલું બોલીએ એટલું થોડું છે. સભામાં એ બધી વાતો ચર્ચાશે.

પીરાણા પંથનું કલંક

          હું મારા કચ્છી પાટીદાર બંધુઓમાંના કેટલાક ભાઈઓના સમાગમમાં ઘણી વખત આવ્યો છું, તેઓની નિખાલસતા અને ભ્રાતૃભાવના માટે મને ઘણું માન છે. વ્યવહારિક તેમજ ધાર્મિક કેળવણીવાળા જે અહીં આવ્યા છે તેવા ભાઈઓની અંતિમ ઈચ્છા છે કે ધાર્મિક કેળવણીનો ફેલાવો કરી અજ્ઞાન ભાઈઓને સમજાવવા. પીરાણાપંથનું કલંક જ્ઞાતિના ભાઈઓ ઉપરથી દુર કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આ પરિષદ મેળવવાનો મુખ્ય આશય પણ તેજ છે. એવા ભાઈઓને પરમ કૃપાળુ પરમાત્મા જરૂર વિજય આપશે જ એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે.

          પ્રિય બંધુઓ, મારે જે કહેવાનું હતું તે મેં મારી સમજ પ્રમાણે આપને કહ્યું છે. આપનો ઉપકાર માની છેવટના બે શબ્દો કહેવાની રજા લઉં છું.

છેવટના બે બોલ

          આ નાશવાન શરીરનો કઈ ઘડીએ નાશ થશે તે કંઈ કહી શકાતું નથી. અનેક પ્રકારથી સંસારની સહુ ઉપાધીઓમાં આપણે રચ્યા પચ્યા રહ્યા છીએ છતાં એ બધાનો ત્યાગ કરી શરીરને એક દિવસ જવાનું છે, સાથે કંઈ પણ આવવાનું નથી માત્ર આપણા હાથે કરેલાં સારા કામ, ધારણ કરેલો ધર્મ, પ્રાપ્ત કરેલું પુન્ય જ આપણું સાથી થાય છે. આવા નાશવંત સંસારમાં પરમ કલ્યાણકારી ધર્મ અને યશને સિદ્ધ કરનારી જ્ઞાતિ સેવાને આપ બંધુઓ ભુલ્યા નથી, ભવિષ્યમાં કદી પણ ભુલશો નહીં એવી મારી પ્રાર્થના છે. તમે જે પ્રવૃત્તિ જ્ઞાતિ સેવાના માટે ચલાવી રહ્યા છો તેને ચાલુ જ રાખશો. જેણે જન્મીને પોતાના કુટુંબ કે જ્ઞાતિનું ભલું નથી કર્યું તેની જિંદગીમાં અને પશુઓની જિંદગીમાં કોઈ ફેર નથી. પોતાના જ્ઞાતિ ભાઈઓના દુઃખ જોઈને જેને હૃદયમાં બળતરા નથી થતી, આંખમાં આંસુ અને અંતરમાં જેને લાગણી નથી થતી એવા લાગણીશૂન્ય હૃદયમાં અને પથ્થરમાં કંઈ ફરક નથી. માટે મારા પ્રિય જ્ઞાતિ બંધુઓ, તમને એજ ભલામણ છે કે જે પુરૂષાર્થ તમો અત્યારે કરો છો તેજ પ્રમાણે ચાલુ રાખશો તો થોડા વખતમાં આપણી જ્ઞાતિનો ઉદય અવશ્ય થશે જ એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આટલું કહી હું મારું બોલવું પુરું કરું છું. તમાએ મારું કહેવું શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું છે એના માટે મને ભારે આનંદ થાય છે.

          એટલું જ નહીં પણ તમોએ જે મને અનુપમ ભારે માન આપ્યું છે તેના માટે ફરીવાર હું આપ સઘળા ભાઇઓ તેમજ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ

          ઉપર પ્રમાણે પ્રમુખ સાહેબનું મનનીય અને બોધદાયક ભાષણ થઈ ગયા બાદ પરિષદે કરવાના કામો અને ઠરાવો ઘડવા માટેની એક સબજેક્ટ કમિટિ નીમવામાં આવી હતી. હંમેશના રીવાજ પ્રમાણે આ કમિટિના કાર્ય વિશે રા. નારણજીભાઈ મિસ્ત્રીએ સહુ ભાઈઓને સમજ આપી હતી અને કમિટિના મેમ્બરો સિવાયના જે ભાઈઓને જે કંઈ સુચના કરવા જેવું લાગતું હોય તે કમિટિની બેઠક વખતે જાહેર કરવાની ભલામણ કરી હતી. તેમજ પીરાણા પંથ એ કંઈ હિન્દુ ધર્મ નથી અને તેની રાહે ચડી જવાથી આપણું હિન્દુપણું નાશ થાય છે એ વાતનો જેને ખુલાશો જોઈતો હોય તે ભાઈઓને પોતા તરફથી કરી આપવામાં આવશે એ પણ સાથે સાથે કહી દીધું હતું.

         

સબજેક્ટ કમિટિના મેમ્બરોના નામ

૧.

 દેસાઈ શ્રી ચંદુલાલ મણીલાલ પ્રમુખ સાહેબ

વિરમગામ

૨.

ભાઈ વિશ્રામ દેવજી નાકરાણી

ઘાટકોપર

૩.

ભાઈ નારાયણજી રામજીભાઈ લીંબાણી

ઘાટકોપર

૪.

મિ. કેશવલાલ માધવલાલ વકીલ

વિરમગામ

૫.

 ભાઈ મગનલાલ ગોવિંદલાલ ઈજનેર

અમદાવાદ

૬.

ભાઈ માણેકલાલ કુબેરદાસ પરીખ

વિરમગામ

૭.

 ભાઈ રતનશી ખીમજી ખેતાણી

વીરાણી

૮.

ભાઈ રતનશી શીવજી નાકરાણી

કરાંચી

૯.

રા. વાલજીભાઈ રામજીભાઈ લીંબાણી

ઘાટકોપર

૧૦.

 રા. રતનશીભાઈ કરસન છાભૈયા

ગઢશીશા

૧૧.

મિસ્ત્રી રાજારામ શામજી ધોળુ

માનકુવા

૧૨.

 ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી

કરાંચી

૧૩.

મિ.ખીમજીભાઈ શીવજી રામાણી

કરાંચી

૧૪.

ભાઈ માવજી પુંજાભાઈ જબુવાણી

હૈદરાબાદ

૧૫.

ભાઈ હરજી લધા નાકરાણી

ઘાટકોપર

૧૬.

 ભાઈ માવજી સામજી લીંબાણી

ઘાટકોપર

૧૭.

 ભાઈ રામજી સોમજી નાકરાણી

કરાંચી

૧૮.

ભાઈ શીવજી કાનજી પારસીયા

કરાંચી

૧૯.

ભાઈ શીવજી લધા નાકરાણી

કરાંચી

૨૦.

 ભાઈ નાનજી દેવજી પોકાર

ઘાટકોપર

૨૧.

ભાઈ રામજી રાજા નાકરાણી

ઘાટકોપર

૨૨.

ભાઈ અરજણ ભીમજી ભગત

ઘાટકોપર

૨૩.

ભાઈ વાલજી વસ્તા પોકાર

વિથોણ

૨૪.

 ભાઈ લાલજી સોમજી નાકરાણી

કરાંચી

૨૫.

ભાઈ નારાયણજી શીવજી નાકરાણી

ઘાટકોપર

૨૬.

ભાઈ લખુભાઈ ડોશા પોકાર

કરાંચી

૨૭.

ભાઈ લધા વિશ્રામ નાકરાણી

ઘાટકોપર

૨૮.

 ભાઈ રામજી લાલજી રામજીયાણી

ઘાટકોપર

૨૯.

 ભાઈ શીવજી સોમજી વાલાણી

ઘાટકોપર

૩૦.

ભાઈ પચાણ લધા દિવાણી

ઘાટકોપર

૩૧.

ભાઈ મેઘજી લખુ પાંચાણી

ઘાટકોપર

૩૨.

ભાઈ શીવદાસ કાનજી નાકરાણી

ઘાટકોપર

૩૩.

ભાઈ મુળજી ડોસા પોકાર

કરાંચી

 

          સબજેક્ટ કમિટિની બેઠક

          ઉપર જણાવેલા મેમ્બરોની એક સબજેક્ટ કમિટિ નિમાયા બાદ લગભગ સાયંકાળે પરિષદની બેઠક બીજા દિવસ ઉપર મુલત્વી રહી હતી. રાતના વાળુ કરીને આઠ વાગે કમિટિના મેમ્બરોએ મંડપમાં જ તે મળનારી હતી તે સ્થળે હાજરી આપવા માંડી હતી. ચુંટાયેલા મેમ્બરોની સંખ્યા ઉપરાંત બીજા સો સવાસો ભાઈઓએ આ કમિટિની બેઠક વખતે પ્રેક્ષક તરીકે ભાગ લીધો હતો. નવ વાગે પ્રમુખ સાહેબના આવ્યા બાદ ઠરાવો ઘડવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ગઈ બેઠક વખતે પસાર કરવામાં આવેલા ઠરાવો તપાસી જોવા પ્રમુખ સાહેબ તરફથી રા. નારાયણજીભાઈ મિસ્ત્રી વગેરેને સુચના કરવામાં આવી હતી. કોઈ પણ જાતની તકરાર સિવાય નામદાર મહારાવશ્રીનું દીર્ઘાયુષ્ય ઈચ્છવાને લગતો પહેલો ઠરાવ પસાર થયા બાદ પરિષદનો ઉદ્દેશ મુખ્ય હેતુ—સુચવતા પીરાણા પંથને તિલાંજલિ આપવાના ઠરાવ ઉપર ચર્ચા ચાલી હતી. હિન્દુઓને ધીમે ધીમે મુસલમાની રાહત ઉપર લઈ જવા અને તેમ કરી મુસલમાન બનાવવાની તેના યોજકની યોજના વિષે રા.નારાયણજીભાઈએ ટુંકુ પણ સુચક વિવેચન કર્યું હતું અને એ પંથની રાહે ચડી જવાથી કચ્છ વિભાગ જ્ઞાતિની કેવી અધોગતિ થઈ છે તેનો ચિતાર આપ્યો હતો. કરાંચી પરિષદની બેઠકો થવા છતાં જો આપણા હૃદયમાં હોય તેજ વાત જ્ઞાતિને જણાવી દેવાનો ચોખ્ખો ઠરાવ હવે કરવામાં આવે નહિ તો પરિષદો ભરવાનો સઘળો શ્રમ વ્યર્થ છે એ વાત તેમણે કમિટિના મેમ્બરોને સચોટ રીતે સમજાવી હતી તેની બહુ સારી અસર થઈ હતી. દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવાની, તેમજ આગેવાનોની ડખલગીરી મટાડવાની, એવી બે બાબતો ઠરાવના અંગે ઉપસ્થિત થઈ હતી, જેનો યોગ્ય નિર્ણય થયા બાદ પીરાણા પંથનો ત્યાગ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આગેવાનોની જ્ઞાતિ પ્રત્યેની ત્રાસદાયક વલણનો ઉકેલ લાવવાનો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. પહેલાંનો ઠરાવ જોઈએ તેવી રીતે યોગ્ય સ્વરૂપમાં ઘડાયો નથી એટલે તેનું કંઈ પરિણામ આવ્યું નથી એવી દલીલ વિરમગામવાળા મિ. કેશવલાલ માધવલાલ વકીલે રજુ કરતાં જણાવ્યું કે ઠરાવ પરિણામ દર્શક રૂપમાં ઘડાવો જોઈએ. બાદ પ્રમુખ સાહેબે જણાવ્યું કે આ ઠરાવમાં જે જે આગેવાનોના નામ સુચવવામાં આવ્યા છે તેમાં કોઈના નામ ઉમેરવા કે કમી કરવા જેવા હોય તેનો આપણે વિચાર કરવો જોઈએ. મિસ્ત્રી નારાયણજીભાઈ રામજીએ જણાવ્યું કે નખત્રાણાવાળા શીવજી પટેલનું નામ જુલમગાર આગેવાનોના નામમાંથી કમી થવું જોઈએ કારણ હાલમાં તેણે પોતાની વલણ બદલી છે અને સુધરતો આવે છે. દેશલપુરવાળા ભાઈ પ્રેમજીને કનડગત કરનાર આગેવાનો જ્યારે નખત્રાણા કોર્ટમાં તેના ઉપર ગુજારેલા જુલમ માટે હાજરી આપવા ગયેલા ત્યારે પોતાના જાતભાઈ ઉપર વિના કારણ હેરાનગતી ઉભી કરનારા એ જુલમગાર આગેવાનોને કંઈ આશ્રય આપ્યો નહીં, તેમને ખાનામાં ઉતરવા દીધા નહિ તેમ વાસણ કુસણ કે ગાદલાં વગેરે આપ્યા નહિ તેમજ બીજી કોઈ પ્રકારની સહાય તેણે કરેલી નહિ એ ઉપરથી માની શકાય છે કે પરિષદના ઠરાવની તેના ઉપર કંઈક અસર થઈ છે અને સુધરવા માગે છે. તેવા એક આગેવાનને આપણે કમી કરીએ તો બીજા આગેવાનો પણ તેનો દાખલો લઈ પરિષદના ઠરાવોને માન આપતા થશે એવી મારી માન્યતા છે. પરિષદની પહેલી બેઠકના પ્રમુખ રાજાભાઈ શામજી ધોળુએ જણાવ્યું કે નારાયણભાઈની વાત બરાબર છે અને હું એ વાતને ટેકો આપું છું. મંગવાણાના ભાઈ ખીમજી શીવજીએ જણાવ્યું કે શીવજી પટેલ સુધર્યો છે એવી વાત નારાયણભાઈ કહે છે તે સાચી નથી. હજુ પણ તેના નામની કનડગત ઓછી થઈ નથી અને તે કંઈ સારો થયો નથી. કરાંચીવાળા ભાઈ રતનશી શીવજીએ ખીમજીભાઈના વિચારોને ટેકો આપ્યો હતો અને શીવજી પટેલે પોતાની રીતભાતમાં કંઈ સુધારો કર્યો હોય એવું કંઈ નથી એમ જણાવ્યું હતું. યુવક મંડળના સેક્રેટરી ભાઈ રતનશી ખીમજીએ ઠરાવ વિશે બોલતાં જણાવ્યું કે જો શીવજી પટેલનું નામ કમી કરવું હોય તો એણે સુધારાની વાતને કઈ રીતે મદદ કરી છે એ આપણે જાણવું જોઈએ. જુલમગાર આગેવાનોના લીસ્ટમાંથી એનું નામ કમી કરવા જેવું મને તો એનું કોઈ કામ દેખાતું નથી એટલે તેનું નામ કમી કરવા પહેલાં તેણે કરેલાં સુધારાના કામોની નોંધ લેવી જોઈએ. મુરબ્બી નારાયણભાઈએ જે વાત તેના વિશે કહી તેટલા ઉપરથી તેનું નામ કમી કરી શકાય નહિ. શીવજી પટેલના નામ વિશેની ચર્ચાનો અંત આવતાં તેનું નામ જુલમગાર આગેવાનોના નામમાં કાયમ રાખવાનું ઠર્યું હતું. બીજા નામો ઉમેરવાની ચર્ચા થતાં પરિષદની પહેલી બેઠકના પ્રમુખ રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળાએ જણાવ્યું કે —

          અમારા માનકુવામાં હમણાં એક નવો આગેવાન ઉભો થયો છે અને તેનું નામ કાનજી દેવશી ધોળુ છે. નાતભાઈઓને કનડવાની વાતમાં તેણે આગેવાની કરવા માંડી છે અને જુલમ કરવા લાગ્યો છે એટલે તેનું નામ જુલમગાર આગેવાનોના નામમાં દાખલ કરવાની જરૂર છે. આ માણસનું નામ સાંભળી કમિટિના સભ્યો વિચાર કરવા લાગ્યા. દરમ્યાન મિસ્ત્રી નારાયણજીભાઈએ જણાવ્યું કે તેના જુલમ વિશેની આપણને અત્યાર સુધી કંઈ ખબર મળી નથી એટલે જુલમગાર આગેવાનોના નામમાં વધારો કરતા પહેલાં આપણે જેનું નામ ઉમેરીએ તેના ખરાબ કામો કેવા પ્રકારના છે તે જાણવું જોઈએ. અત્રે માનકુવાના પણ કેટલાક ભાઈઓ હાજર છે તેમને એ માણસનું વર્તન કેવા પ્રકારનું છે તે આપણે પૂછવું જોઈએ. જે ઉપરથી પ્રમુખ સાહેબે કમિટિના મેમ્બરો અને પ્રેક્ષક વર્ગમાંથી જે ભાઈઓ માનકુવાના હોય તેમને કાનજી દેવશી નાત ઉપર જુલમ ગુજારે છે કે નહિ અને તે કેવા પ્રકારે એ જણાવવાની સુચના કરી હતી. તે ઉપરથી ભાઈ વાલજી જીવરાજ મિસ્ત્રી ગામ માનકુવાવાળાએ જણાવ્યું કે — જેવા પ્રકારના જુલમગાર આગેવાનોનું લીસ્ટ કરવામાં આવ્યું છે તેવા પ્રકારના કોઈ જુલમ નાત ઉપર એણે કર્યા હોય એવું મારી જાણમાં નથી, તેમ એ કોઈ એવો ગેઢેરો નથી કે તેને આગેવાન પણ કહી શકાય. ઘણા ભાઈઓએ એ વાતનો ટેકો આપ્યો પરંતુ રાજાભાઈ શામજીને સંતોષ થયો નહિ અને કાનજીની વિરુદ્ધના પુરાવામાં પ્રથમ દલીલ તેમણેે એ કરી કે વાલજી જીવરાજ કમિટિના મેમ્બર નથી એટલે તેને મારા સુધારાની સામે બોલવાનો કંઈ હક્ક નથી. રૂપાલવાળા ભાઈ ચુનીલાલ મગનલાલે જણાવ્યું કે રાજાભાઈ કહે છે કે જ્યારે એમણે પોતાની દીકરીના લગ્ન વેદવિધિ અનુસાર ચોરી બાંધીને કરેલા ત્યારે રાજાભાઈને નાત બહાર કરાવામાં એનો મુખ્ય હાથ હતો, તો આવા શુભ કામમાં હેરાનગતી કરનારનો આ ઠરાવમાં સમાવેશ કરી શકાય, છતાં તેના કામ સમસ્ત જ્ઞાતિ ઉપર કેવા પ્રકારનો જુલમ ગુજારનારા છે એ વાતનો વિચાર કરવો જોઈએ. મિસ્ત્રી નારાયણભાઈએ જણાવ્યું કે જો આવા માણસોના નામ ઠરાવમાં ઉમેરવાની વાત રાખીશું તો એવાનું તો એક મોટું લીસ્ટ થઈ જશે અને પરિણામે ઠરાવની કંઈ મહત્તા રહેશે નહિ. કાનજી અને રાજાભાઈ બંને એક જ કુટુંબના છે તેઓ એકબીજાના ભાઈઓ થાય છે એટલે તેમના વચ્ચેના કુસંપના બીજા પણ કારણો હોવાનું સંભવિત છે. છતાં કમિટિને તેનું નામ ઉમેરવાની વાત ઠીક દેખાતી હોય તો તે સામે હું ખાસ વાંધો લઈ શકું નહિ પરંતુ હું એટલું તો ચોક્કસ કહું છું કે રાજાભાઈ જે કારણ દર્શાવે છે તે કાનજીનું નામ દાખલ કરવા માટે પુરતું નથી. અમદાવાદાવાળા રા.મગનલાલભાઈ ઈજનેરે જણાવ્યું કે એક વખતના પરિષદના પ્રમુખ રાજાભાઈના માનની ખાતર ભાઈ કાનજીની આગેવાનોના લીસ્ટમાં ગણતરી કરીએ, પણ હું એવો સુધારો મુકું છું કે આગેવાનો સંબંધીનો ઠરાવ યોગ્ય સ્વરૂપમાં ઘડાયો નથી એ વાત બરાબર હોય તો પરિણામ દર્શક ડ્રાફ્ટ મિ. કેશવલાલભાઈ વકીલ આ કમિટિમાં રજુ કરે અને તે ઠરાવ રાજાભાઈ પોતે પરિષદમાં રજુ કરવાનું સ્વીકારે. બંને ભાઈઓએ સદરહુ વાત કબુલ રાખવાથી એ ઠરાવને મુલત્વી રાખી બીજા ઠરાવો હાથ ધરવામાં આવ્યા હતા અને બાળલગ્ન નાબુદ કરવાને લગતો, કેળવણી સંબંધીનો, મરણ પાછળના જમણો નહીં કરવાને લગતો તેમજ મુડદાંને અગ્નિસંસ્કાર જ કરવો જોઈએ એ પ્રકારના ઠરાવો ઉપર વાટાઘાટ ચાલ્યા બાદ કમિટિમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા અને મોડી રાત્રે બે વાગે કમિટિની બેઠક બરખાસ્ત કરવામાં આવી હતી.

 

તા.૨૯—૪—૨૪નો બીજો દિવસ

          કચ્છ વિભાગના આ કડવા પાટીદારની પરિષદે બીજે દિવસે અન્ય કોમનું સારું ધ્યાન ખેંચ્યું હતું. પ્રમુખના ભાષણો વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થવાથી હીલચાલનું કારણ સમજવામાં આવ્યું હતું તેમજ પદ્ધતિસરની કાર્યવાહીએ આ પછાત કોમને પછાત નહી સમજવાનું વાતાવરણ જમાવ્યું હતું. આર્ય પ્રજાની ધાર્મિક ઉન્નતિમાં રસ લેનાર ગૃહસ્થ વર્ગમાંથી કેટલાક સજ્જનો પધાર્યા હતા. શેઠ હરભમભાઈ, પંડિત શ્રી કાર્તાંતિક વગેરે વિદ્વાન વર્ગે પોતાની હાજરીથી કાર્યવાહકોના હૃદયને ઉત્તેજિત કર્યાં હતાં. લગભગ સાડા ત્રણ વાગે પ્રમુખ સાહેબના આગમન પછી શ્રીકુળદેવીની આરાધના કરવામાં આવી હતી અને તે પૂર્ણ થતાં પ્રમુખ સાહેબે જણાવ્યું કે —

          વ્હાલા જ્ઞાતિ બંધુઓ, ગૃહસ્થો અને બહેનો ! આજે આ પરિષદના જે વિચારો છે અને ઉદ્દેશ છે તેને લગતા ઠરાવો ઘડવામાં આવ્યા છે તે સભામાં રજુ થશે. પ્રથમ તો આપણે જે કચ્છ દેશની પ્રજા છીએ ત્યાંના ના. મહારાવશ્રીનું સહકુટુંબ દીર્ઘારૂપ ઈચ્છવું એ આપણી ફરજ હોવાથી તેને લગતો ઠરાવ મારે તમારી પાસે રજુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે ઠરાવ હું આપને સંભળાવું છું :—

ઠરાવ ૧ લો

          “ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ નોધારાધાર ધર્મધુરંધર અખંડ, પ્રૌઢ પ્રતાપ મહારાજાધિરાજ મિરઝા મહારાવશ્રી ૭ સર ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ.નું આ પરિષદ અંતઃકરણપૂર્વક સહકુટુંબ દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.”

ભાઈઓ, આ ઠરાવ વિશે કોઈ પ્રકારનો મતભેદ આપણા માટે હોઈ શકે નહિ એટલે તે ઉપર વિવેચન કરવાની જરૂર નહિ હોવાથી કમિટિએ તે રજુ કરવાનું મને સોંપ્યું છે તે યોગ્ય જ કર્યું છે અને હું આશા રાખું છું કે આ ઠરાવને સહુ ભાઈઓ વધાવી લેશો. (તાળીઓ) ત્યાર બાદ એ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને નીચે જણાવેલો ઠરાવ ભાઈ રતનશી શીવજીએ રજુ કર્યો હતો.

ઠરાવ ૨ જો

          “પીરાણા સતપંથ આપણને સમસ્ત જ્ઞાતિથી અલગ પાડી દેનાર હોવાથી તેમજ તે પંથ આપણને હિન્દુપણામાંથી ટાળી દેનારો છે એવી પરિષદને ખાતરી થવાથી આ પીરાણા સતપંથને આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરવાના દરેક ચાંપતા ઉપાયો લેવા, તેમજ કોઈએ દશોંદ કે વીશોંદના લાગા ભરવા નહીં. તેમજ પીરાણાની અમી કે નુરની ગોળી પીવી નહીં અને કાકા તેમજ સૈયદોનો પગપેસારો આપણી જ્ઞાતિમાંથી જલદી દુર થાય તેવા ઉપાયો યોજવા. વળી સ્વજ્ઞાતિ બંધુઓ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ જેમ બને તેમ જલદી સનાતન વૈદિક ધર્મ તરફ પ્રવૃત્તિ કરે એવા ઉપાયો તાત્કાલિક યોજવા એ આ પરિષદના દરેક મેમ્બર પોતાની ફરજ સમજે છે અને દેહશુદ્ધ પ્રાયશ્ચિત લઈ પીરાણા સતપંથને તજી દેનાર દરેક ભાઈઓને દરેક પ્રકારની મદદ કરવાનો આ પરિષદ ઠરાવ કરે છે.”

          સદરહુ ઠરાવ વાંચી સંભળાવ્યા બાદ ભાઈ રતનશી શીવજીએ તેને ટેકો આપતા જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને ભાઈઓ ! આ ઠરાવ મેં રજુ કર્યો છે તે પીરાણા પંથને લગતો છે અને તે પંથ હિન્દુ ધર્મનો કટ્ટો દુશ્મન છે. તે સંબંધી ઘણા લેખો અને બહાર પડેલા પુસ્તકો મેં જોયાં છે. આપણી આ સભામાં સેક્રેટરી રા.નારાયણજી રામજીભાઈએ આપણને તે વિશે ઘણું જ્ઞાન આપ્યું છે. હમણાં જ તેમણે એક પ્રાસ્તાવિક નિબંધ બહાર પાડ્યો છે એ ઉપરથી પણ ઘણું જાણી શક્યા છીએ. પાંડવોએ મળીને ગાય માર્યાની વાત જે પંથ આપણને સમજાવે છે એને આપણી જ્ઞાતિએ હિન્દુ પંથ કહેવો એ તો મોટું પાપ છે. આ પંથને ચલાવનાર ઈરાનથી ઉપડીને અહીં આવેલો અને તેણે હિન્દુ ધર્મના બહાને આ પંથ ચલાવ્યો. અને ઘણી હિન્દુ જ્ઞાતિઓમાં તેણે પગ પેસારો કર્યો.

          ખોજા વગેરે એ પ્રકારનો પંથ માને છે. સૈયદો તેમાં ગુરૂ મનાય છે એ વિગેરે કેટલીક હકીકત આપણને બહુ શરમાવનારી છે અને હિન્દુપણામાંથી આપણને ચલિત કરનારી છે એટલે જ્ઞાતિમાંથી તેને નાબુદ કરવાની તાકીદે જરૂર છે. હું આશા રાખું છે કે આ ઠરાવ સહુ ભાઈઓ પસાર કરશો.

          ભાઈ માવજી પુંજા જબુઆણી — ગામ—નખત્રાણાવાળાએ ઠરાવને ટેકો આપતા જણાવ્યું કે — પ્રમુખ સાહેબ અને ભાઈઓ, આ પીરાણા પંથનો જે ઠરાવ ભાઈ રતનશીએ રજુ કર્યો છે તેને હું ટેકો આપું છું. અભણ અને અજ્ઞાન હિન્દુઓને વટલાવા માટે આ પંથ ઉભો કરવામાં આવ્યો છે અને તેમાં અભણ રહેલા, ધર્મને નહીં સમજનારા ફસાય છે. આ પીરાણા પંથની એવી જે ધર્મના નામે ચાલતી પોલ છે તે તો રા.નારણભાઈએ આપણને ક્યારની એ સમજાવવા માંડી છે. જો આપણી જ્ઞાતિમાં એ પોલ ચાલુ રહેશે તો જરૂર હિન્દુપણાનો નાશ થશે. એ કંઈ ધર્મ નથી. આપણા માટે તો એ મોટો અધર્મ છે. એટલા માટે હું વિનંતી કરું છું કે સહુ ભાઈઓ તેને સત્વર નાબુદ કરવા પ્રતિજ્ઞા કરશો. સુધારક ભાઈઓની તો એ ફરજ છે કે તેને નાબુદ કરવાના દરેક પગલાં લેવા. આ પંથની રાહે જે ગોળી ગળવામાં આવે છે તે ગોળી કેવી છે તેની વાતો ઘણીવાર ચર્ચાઈ ગઈ છે. આ ગોળીએ આપણી કોમને ભ્રષ્ટ બનાવીને બહુ પછાત પાડી દીધી છે. આ પંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવો એ દરેક ભાઈ—બહેનની ફરજ છે એમ સહુ માનશો એવી આશા રાખું છું.

          ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી — ગામ વીરાણીવાળા એ ઠરાવને અનુમોદન આપતા જણાવ્યું કે ભાઈઓ અને બહેનો, આ ઠરાવ ઉપર બોલવાની મારી ઘણી ઈચ્છા હતી છતાં મારું ગળુ બેસી જવાથી હું બોલી શક્યો નથી તે માટે મને માફ કરશો. પીરાણા પંથ વિશે તમને વાકેફ કરવાની મારી લાયકાત નથી છતાં જે ભાઈઓ તમને એ વિશે કહે તે સઘળુ બરાબર સાંભળજો અને જે કંઈ ભલામણ કરે તે પ્રમાણે વર્તજો. આ પંથે આપણને જ્ઞાતિમાં પણ પછાત પાડી દીધા છે અને આપણી અધમ દશા કરી મુકી છે તે વાતથી તમે સહુ ભાઈઓ વાકેફ છો એટલે હું વધારે વખત લેતો નથી અને તે પંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવાની ભલામણ કરું છું. ત્યારબાદ ગામ વીરાણીવાળા ભાઈ રતનશી ખીમજીએ ઠરાવની આવશ્યકતા દર્શાવતા જણાવ્યું —

          પીરાણા પંથ એ હિન્દુ ધર્મ નથી જ એ વાત સમજવાની હવે કંઈ આપણને જરૂર રહી નથી. અનેક પ્રસંગોએ મેં એ વાત આપણા ભાઈઓને સમજાવી છે. જ્યારે તે હિન્દુધર્મ નથી ત્યારે આપણે તેને કેમ રાખી શકીએ? આ વાત જ્ઞાતિમાં સારી રીતે સમજાઈ ગઈ છે છતાં જેનો તેમાં સ્વાર્થ છે તે લોકો એ પંથને ઝાલી રાખવાનો આપણને ઉપદેશ આપી રહ્યા છે એટલું તમે સમજી જાઓ તો સહુ દુઃખ મટી જાય. સનાતન ધર્મના સ્તંભરૂપ અનેક વિદ્વાનો અને શાસ્ત્રીઓ પડ્યા છે છતાં આ પંથ જે હિન્દુ કોમને ભ્રષ્ટ બનાવી રહ્યો છે એ તરફ તેમનું ધ્યાન ખેંચાયું નથી એ વાત જાણીને મારા દુઃખનો પાર રહેતો નથી. આ સભામાં એ વાત મારે કહેવી પડે છે. આશરે ત્રણસો વર્ષ ઉપર આ પંથની યોજના હિન્દુઓને વટલાવવા માટે ઘડવામાં આવેલી જણાય છે. લગભગ ૧૫૦ વર્ષ સુધી મુડદાંને અગ્નિ સંસ્કાર કરવાની વાતમાં કોઈએ હાથ ઘાલેલો નહિ પણ ત્યાર બાદ સમયની અનુકૂળતા જોઈ તેના ચાલકોએ એ વાત હાથમાંથી લીધી અને અગ્નિ સંસ્કારના બદલે દફનાવી દેવાની વાત સમજાવા લાગ્યા. સં.૧૮૩૨              {Year: 1775-76} માં સૈયદો નખત્રાણે આવેલા અને ખાનાઓ સ્થાપવાની વાતો સમજાવી. તે અમલમાં આવવા લાગી અને સૈયદોને આપણી જ્ઞાતિ ઉપર આપણા ભોળા ભાઈઓને જુદા જુદા યુગોના રિવાજો સમજાવવાનો ઢોંગ કરીને એવું બતાવ્યું કે “આ યુગમાં એવો ધર્મ છે કે મડદાના જમણા પગના અંગુઠે અગ્નિ અડાડી તેને જમીનમાં દાટી દેવું. લગ્નપ્રસંગે ચોરી બાંધવી નહિ અને તેમાં તો બ્રાહ્મણ લુંટી ખાય છે ! એટલે તેમની સાથે કોઈ જાતનો સંબંધ રાખવો નહિ એવો આ જુગનો ધર્મ છે !” બ્રાહ્મણને જે દેવું હોય તે ખાનાના મુખીને આપવું પડે નહિ એટલે ક્રિયા કરાવનાર પણ મુખી થઈ પડ્યા ! કેટલાક લોભી અને ગરીબ ભાઈઓને આ વાત ફાવતી આવી અને તેવો પછાત વર્ગ બહુ મોટો એટલે બ્રાહ્મણોની જગ્યાએ ખાનાના મુખીઓ સહેજ વાતે સ્થપાઈ ગયા ! દશા—શ્રાદ્ધ વગેરેની કંઈ જરૂર ન હોવાનું સમજાવ્યું અને તેના બદલે ખાનામાં જારદ કરવાની વાત ધર્મવાળી છે એમ ઠસાવ્યું. અંધશ્રદ્ધાળુએ એ વાતની શરૂઆત કરી અને તે ધીમે ધીમે બીજાઓને માટે પણ ફરજિયાત થતી ચાલી. ધીમે ધીમે જગ્યામાં જ રાંધી ખાવાના સાધનો કર્યા અને જુમેરાતે એટલે ગુરૂવારે રાંધેલું અનાજ ખાનામાં બેસીને ખાવાની પ્રથા શરૂ કરવામાં સૈયદો અને મુખીઓ ફાવ્યા. પીરાણામાં આજે પણ એ પંથને માનનારાઓ માટે જમવા ખાવાની બહુ સોઈ અને સાધનો તૈયાર જ રાખવામાં આવે છે. રસોઈમાં પણ એક પછી એક એમ ભેંળસેળો કરનારી પ્રથાઓ સ્વાભાવિક રીતે શરૂ થઈ અને ધાર્મિક ભાવનાઓ નષ્ટ કરનારી ચીજો પણ પ્રવેશ કરવા લાગી. પીરાણાની બાવાના નુરની ગોળી એ તો મુખ્ય વાત થઈ પડી ! અફસોસ બંધુઓ, તમને હું વધારે વાતો કહી શકતો નથી. ખાનામાં આ ગોળીઓ ઘસાય છે. બધાએ પીએ છે. આ પંથ મુસલમાની જેવું અરધું તો છે એમ કહેવા છતાં તેને છોડવાની તમે હિંમત કરી શકતા નથી. આપણા માટે હિન્દુઓની જાત્રાઓના જે પવિત્ર સ્થળો ત્યાં જવાના દરવાજા પણ તેમણે બંધ કરી દીધા છે. કાશી કે દ્વારકાએ જાત્રા કરીને આવો કે તરત જ પેલી ગોળી તો પીવી જ પડે ! અને જે કોઈ પીએ નહિ તેના શીરે જ્ઞાતિ બહાર થવાની સજા તો ઊભી જ છે ! આ બધી વાતો કેમ ટકી રહી છે એનો મને બહુ વિચાર આવે છે. અંતે એમ જણાય છે કે પેલી ગોળીઓ પી, પી, ને હૃદય બહુ ભ્રષ્ટ અને મલિન થઈ ગયાં છે એટલે આજે એ વાતની કોઈને નાનપ દેખાતી નથી. આ ગોળી હિન્દુઓથી પી શકાય જ નહિ. ભ્રષ્ટ કરનારી છે એ વાત તો સૈયદો પણ કબુલ કરે છે. છતાં બાળકોને જન્મથી જ પવાય છે. ખાનામાં બાળકને  લઈ જઈને ૨૧મા દિવસે ગોળી પીવડાવવામાં આવે છે. દર ગુરુવારે ખાનામાં એ ભ્રષ્ટ કરનારી ગોળી ઘસાય છે અને બધા પીએ છે. આ પ્રકારે મલિન થઈ ગયેલા હૃદયમાં હિન્દુપણું મટી જાય છે એ વાત ઉતરી શકતી નથી, હિન્દુપણાના ઉપદેશને પ્રવેશ થવાના દ્વાર બંધ થઈ ગયા છે. આ ગોળીને સાચા હિન્દુઓ માટે તો બંદુકની ગોળીની ઉપમા આપી શકાય. ઘણા વિદ્વાનો અને સમજુ ભાઈઓ ઉપદેશ આપે છે છતાં આપણી તૈયારી દેખાતી નથી એનું કારણ પણ એ ગોળી જ છે. વક્તાએ અહીં એક સન્યાસી અને ગૃહસ્થાશ્રમીનું દ્રષ્ટાંત આપ્યું હતું અને તેમ કરીને ગૃહસ્થાશ્રમ છોડવો નથી માટે છુટતો નથી, છોડવો હોય તેને ઝાલી રાખવો નથી એ વાત કહીને પીરાણાપંથ કેમ છુટતો નથી તે સમજાવ્યું હતું. ત્યારબાદ કહ્યું કે જેને એ મુસલમાની રાહત પર લઈ જનારો પંથ રાખી મુકી મુસલમાન કે મુમના થઈ જવું હોય — કણબી ન રહેવું હોય તે ભલે પકડી રાખે પણ બીજાઓએ તો છોડી દેવો જોઈએ. આ પંથને અનુસરનારાઓથી હિન્દુ હોવાનો દાવો કરી શકાય નહિ. આપણે ખાનાને માનનારાને કોઈ ગૃહસ્થ કે શેઠીયા પુછે ત્યારે કણબી છીએ એમ કહીએ છીએ. ધર્મ પુછે ત્યારે પીરાણાનો કહેવો પડે છે. અને ખાનાને માનો છો કે? એમ પૂછે તો આપણે હા કહેવી જ પડે ! ત્યારે ખાનાને માનનારાથી હિન્દુ હોવાનું કહી શકાય જ નહિ. માટે ભાઈઓ ! આપણે હિન્દુ છીએ અને વળી કડવા પાટીદાર જ્ઞાતિના છીએ એ વાત રાખવી હોય તો આપણી જ્ઞાતિના બીજા ભાઈઓ શું કરે છે તે જુઓ. પીરાણાપંથનું આપણા માંથે જે મોટામાં મોટું કલંક છે તેના લીધે આપણે ખરી જાત બતાવી શકતા નથી. આ વસ્તુ મુકી દેવાય એવી છે. ધર્મ તો માન્યતાનો છે તમારા ઉપર કોઈથી જબરાઈ વાપરી શકાય તેમ નથી. ઘણા શેઠીયાઓને ખબર પડી ગઈ છે કે આપણે લોકો ખાનાને માનીએ છીએ અને જાતે કણબી કહીએ છીએ ત્યારે તેઓ આપણને કેટલાક સવાલો પૂછે છે અને ખરી વાત કહી શકતા નથી એ મોટામાં મોટું પાપ છે. આપણે રસ્તો ભુલ્યા છીએ. છતાં આપણને ભુલેલા રસ્તેથી સીધે માર્ગે લઈ જવા આપણા ઘણા ભાઈઓ આજે દેશમાં તેમજ ગુજરાતમાં પણ તૈયાર થયા છે. આપણે હિન્દુ છીએ વળી કડવા પાટીદાર જેવી અતિ ઉત્તમ કોમના આપણે સંતાન છીએ એ વાત તમે બરાબર સમજો. આપણા જ ભાઈઓ આપણને ભુલેલા માર્ગેથી ઉપાડીને સીધે રસ્તે મુકે છે અને મુકશે તેમાં શરમાવાનું કંઈ નથી. તેઓ આપણા ભાઈ હોવાથી તેમની પણ એ ફરજ છે, એટલે જે માર્ગ આપણને એ બતાવે તે માર્ગે જવામાં આપણે જરા પણ ઢીલ કરવી જોઈએ નહિ. તરત શરૂઆત કરો. આપણા મન અને શરીર પર જો આપણો કાબુ ન હોય તો પછી તેઓ શું કરી શકે. આજથી છ મહિના ઉપર મારા એક મુરબ્બી બંધુએ મને તાત્કાલિક પ્રાયશ્ચિત લેવાની આજ્ઞા કરવાથી મારા કુટુંબને વિસારી દઈ તે વખત જ મેં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવાની ફરજ સ્વીકારી હતી. આજે હું કુટુંબોની સાથે જ છું અને તેઓ પ્રાયશ્ચિત લે નહિ ત્યાં સુધી તેમની સાથે ભોજન નહિ લેવાનો મેં સત્યાગ્રહ કર્યો છે. હું તેમને કહું છું કે તમે પીરાણાને માનશો અને ગોળી પીશો ત્યાં સુધી હું તમારી ગોળીનું—ઘરનું પાણી નહિ જ લઉં. (તાળીઓ). ધર્મના રક્ષણની ખાતર મહારાજા શિવાજી અને રાણા પ્રતાપ જેવા મહાપુરૂષોએ પોતાના સર્વ સુખોનો ત્યાગ કરી અનેક બલિદાનો આપ્યા છે તે વીર પુરૂષોની આ ભૂમિમાં આપણા જેવા નાહિંમત અને અધર્મને ધર્મ માનનારા પુરૂષો પાકે એ કેટલા દુઃખની વાત છે ! ઘણા વીર પુરૂષોએ પોતાનો ધર્મ સાચવી રાખવા રણમાં અને મહેલ મંદિરોમાં પોતાના પ્રાણ અર્પણ કર્યાં છે આજે એમાંનું તમારે કંઈ કરવાનું નથી. માત્ર તમારા મનને દૃઢ કરો તો પણ બહુ છે. આ અધર્મ પંથની રાહે આપણે ઘણા લાગાઓ ભર્યા છે. નાત પાયમાલ થઈ ગઈ છે. આપણે આપણી જાત સુધારો એ સહુ વાનાં તો આવી મળશે. ધર્મના રક્ષણને અર્થે વિદ્વાન પુરૂષો જરૂર આપણને સહાય કરશે જ કારણ એ તો એમનો મુખ્ય ધર્મ જ છે. સેંકડો દાખલાઓમાં સ્ત્રીઓએ પણ પોતાનો ધર્મ સાચવી રાખવાની ખાતર પ્રાણ આપ્યા છે તો આપણે શું નહિ કરી શકીએ? બંધુઓ અને બહેનો હું તમને વિનંતી કરું છું કે આ ઠરાવનું રહસ્ય તમે પૂરેપુરું સમજો અને આપણને ભ્રષ્ટ કરનારા એ પંથને તિલાંજલિ આપો. (તાળીઓ).

          રા. રતનશીભાઈ કરસન ગામ ગઢશીશાવાળાએ ઠરાવને પુષ્ટિ આપતાં જણાવ્યું — પ્રમુખ સાહેબ અને વ્હાલા ભાઈઓ, પ્રભુએ આપણને જાનવર નહીં બનાવતા માણસ જાતમાં જન્મ આપ્યો છે અને તે માણસ જાતમાં પણ આપણે કડવા પાટીદાર છીએ. આપણા બાપદાદાએ કંઈ ભુલ કરી હોય તો તે સુધારવાનો આપણને સંપૂર્ણ હક્ક છે. આ ભૂલ ન સુધારીએ તો આપણે ભૂમિને ભારે મારી ગણાય. પીરાણાનું ધર્મ પાખંડનું જ છે. તેમાં ધર્મ જેવું કંઈ નથી જ. તેમાં જે ગોળી છે તેણે તો આપણી કચ્છની નાતનું સત્યાનાશ વાળી દીધું છે. ધર્મ એટલે એ વટલાવનારી ગોળી ! એનું શાસ્ત્ર એટલે પણ એ ગોળી. કોઈ જન્મે કે ગોળી ! કોઈ મરનારનું મોં બંધ થઈ ગયું હોય તો તેનું ડાચુ ઉઘાડીને રેડે તે પણ ગોળી !  એ ગોળી જ્યાં ત્યાં શા માટે વપરાય છે એનો તો તમે ભાઈઓ ખ્યાલ કરો ! આ ગોળી જ્યાં બેસીને પીવાય છે તે ખાનાની ભૂમિ પણ હવે તો ત્રાસી ગઈ છે, નાપાક થઈ ગઈ છે તેને ખોદી નાંખીને એ જમીન માતાને પવિત્ર કરવી જોઈએ. મારા ગુજરાતી ભાઈઓને હું અરજ કરું છું કે હવે તો તમે પણ મદદ કરો અને અમારી જે દાઝ છે તે પિછાનો આપણા ભાઈઓને ભ્રષ્ટ થતા બચાવો. મેં તો મારી જિંદગી રહે ત્યાં સુધી એ કામ કરવાનો નિશ્ચય કર્યો છે અને તે જો આ દેહ રહેતાં સુધી પુરું થયેલું નહીં જોઉં તો આ જ્ઞાતિમાંથી તેની જડ કાઢવા માટે ફરી જન્મ લઈશ (તાળીઓ) અને હું મારું કામ પુરું કરીશ.

          ભાઈ શીવજી કાનજી પારસીયા — ગામ—નખત્રાણાવાળાએ જણાવ્યું કે ભાઈઓ અને બહેનો ! પીરાણાપંથ વિશે મારા અગાઉ ઘણા ભાઈઓ બોલી ગયા છે, મારા કેટલાક વડીલોએ આપણને એ ધર્મના પાખંડ વિશે બહુ સમજાવ્યું છે. આજ સુધીમાં તે વિશે ઘણા નિબંધો છપાયા છે અને સભાઓના રિપોર્ટો પણ બહાર પડ્યા છે. આ સઘળુ સાંભળવા છતાં પણ આપણી બુદ્ધિ બહેર મારી ગઈ છે. પીરાણાપંથે તો આપણી પુરેપરી અધોગતિ કરી છે. હિન્દુધર્મના ઉપર તેણે નીચ હુમલા કર્યા છે. પાંડવો પાસે ગૌહત્યા કરાવાની વાત એ પંથે કરી છે. મહાસતી તારામતી અને રોહીદાસે આ પાપીપંથ સ્વીકારવાની વાતો એ પંથના અધમશાસ્ત્રો કહે છે. આવા પ્રકારના નીચ વચનોથી ભરેલા એ નીચ પંથનો અને એ પાપી ધર્મનો આપણે જલદી ત્યાગ કરવો જોઈએ એવી મારી વિનંતી છે.

ભાઈ કાનજી કેસરા ગામ દયાપરવાળાએ ગુજરાતી ભાઈઓને કચ્છ વિભાગની આ દુઃખદાયક સ્થિતિ ટાળવાને વિનંતી કરી અને જણાવ્યું હતું કે કચ્છમાં મુખીઓ અને આગેવાનો સેંકડો પૈસા ઉઘરાવે છે તે બંધ કરવાની ખાસ જરૂર છે.

ભાઈ લાલજી સોમજી ગામ—રવાપરવાળાએ ઠરાવને અંતઃકરણપૂર્વક ટેકો આપવાનું કહીને આગળ ચાલતાં જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને પ્રિય જ્ઞાતિભાઈઓ —

          પીરાણાપંથના શાસ્ત્રોમાં બાજનામું એ મુખ્ય શાસ્ત્ર ગણાય છે અને તેનો પુરો ઉપયોગ આજે નાનજી દેવજી પોકાર ગેઢેરાઈ કરીને બતાવી રહ્યો છે. તેને પીરાણાનો કાકો જ કહો તો પણ ચાલે. આ કાકાઓની ખબર તો પુરી રીતે પ્રાસ્તાવિક નિબંધમાં લેવામાં આવી છે. કાકો પોતાની જાત અને ધર્મ બતાવામાં કેટલીક વાર આનાકાની કરે છે. કાકાને તો આજે ૬૦ વર્ષ થયાં છે છતાં પોતાની જાત કઈ તેની એને જાણે ખબર નથી એવા ઢોંગ કરે છે. કાકો સતપંથનો ગુરૂ હોવાનું કહે છે, સૈયદો કાકાનો અર્થ ગુલામ કરે છે અને દરગાહમાંથી ઝાડુ કાઢવાનું તેનું કામ ગણાવે છે ! ધર્મે હિન્દુ હોવાની વાત કાકો કહે છે ! તે વળી ગુરૂ થવા માગે છે અને હિન્દુ ભાઈઓને જાણે પવિત્ર બનાવતો હોય એવા ઢોંગ કરી કરીને ગોળીઓ પીવરાવે છે. મતલબ કે વટલેલપણું જો અધુરું રહી જતું હોય તો પુરું થાય. આ કાકાને નાલાયક આગેવાનો ટકાવે છે અને તેઓ ઘણીવાર કાકાના એજન્ટનું કામ કરે છે. કબર ઉપર રાંધેલું ખાવું અને કબરને માનવું એ કંઈ હિન્દુનું લક્ષણ નથી માટે એવા પંથનો તો જ્ઞાતિમાંથી સત્વર નાશ કરવો જોઈએ. (તાળીઓ).

          ઠરાવના ટેકામાં નારાયણજી માસ્તર ગામ ભાઠા (સુરત) વાળાએ જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને પાટીદાર ભાઈઓ !

          આવી પરિષદમાં મને બોલાવી, બોલવાની તક આપી છે તેથી આભાર માનું છું. તમારી જ્ઞાતિ સાથે મને ધર્મનો સંબંધ છે તેટલો વિષય ઉપર બોલવાનો મારો સ્વાર્થ છે. જ્ઞાતિ પોતાની ઉન્નતિ અર્થે મહેનત લે છે તે પ્રમાણે લઈને પણ તમારું શ્રેય કરાવા ભેગા થયા છો તેની હું પ્રશંસા કરું છું.

          આપણે તો આ કળીયુગમાં સૈયદોને દાન આપવાનું ઉત્તમ ગણ્યું છે, પીરશાહનો જાપ જપવાનો શ્રેષ્ઠ માન્યો છે. ચાર દિવસે મરણ પાછળ મિષ્ટાન ખવરાવવું તેમાં જ બધી સેવા કરી દીધી માનવામાં આવે છે, એવા આચારોને હિન્દુધર્મના કોણ કહી શકે? આપણે હિન્દુ છીએ. હિન્દમાં તો જુદી જુદી વિરોધી માન્યતાઓ, વહેમો, ભાવનાઓ, પંથો વિગેરેનો શંભુ મેળો છે. તેની અંદર પીરાણા (વૈભવી પંથનો) પણ સમાવેશ થાય છે. તેવાઓને પોષનારા તમે કચ્છી પાટીદારો છો. બીજી જ્ઞાતિઓ કરતાં દાન ધર્મની બાબતમાં કોઈ રીતે ઉતારતા હો એમ જણાતું નથી પણ ખામી માત્ર કુપાત્રે દાન થાય છે. જેનો તમને કાંઈ જ ફાયદો મળી શકતો નથી, ઉલટા આપણા પરસેવાથી કમાયેલા પૈસા પાણીમાં જાય છે. આળસુ, તગડા અને નિરુદ્યમી બાવા અને માગણોને માલપુડા દુધપાક આદિ મિષ્ટાન ભોજન ખવરાવવાથી આળસને ઉત્તેજન મળે છે. આવા હરામખોર વધે છે, જનસમાજના માણસોમાંથી બીજાને તેમના જેવા આળસુ અને હરામખોર થવાનું મન થાય છે, આપણા પવિત્ર શાસ્ત્રો બુમો પાડી કહે છે કે જનસમાજના જ્ઞાનમાં વધારો થાય એવા કામોમાં પૈસાનું શ્રેષ્ઠ દાન થયેલું ગણાય છે. આપણે જાગ્રત થવું જોઈએ છે, હાનીકારક રૂઢી રિવાજોને ધર્મ માનવામાં આવે છે, તે બંધ થવા જોઈએ તેમજ કુપાત્રે થતા દાન અટકાવવાં જોઈએ. તમારી જ્ઞાતિમાં ન્યાતીલાઓના કહેવાતા જુલમ અને ત્રાસથી ગરીબોને ભારે સોસવું પડે છે. તે સતપંથ ધર્મની નિશાની ન ગણી શકાય. અહિંસા ન માની શકાય આ બાબતમાં લક્ષ્મણ કાકા કારણભુત છે, જોખમદાર છે. કારણ કે તે પીરાણા ધર્મનો આગેવાન હોવાનો દાવો કરે છે અને તે જ્યારે આવું આવું જોયા કરે તે શું તેમના અજાણપણામાં માની શકાશે? પણ જેણે ગરીબોને સહાય કરી નથી, તેને બીજા જન ચાહતા નથી.

તુલસી હાય ગરીબકી, કબુ ન ખાલી જાય

મુવે ઢોર કે ચામશે, લોહા ભસ્મ હો જાય”

          આ પ્રમાણે ગરીબોની હાયમાં જ દાઝ્‌યા કરે છે એવા મનુષ્યને જન સમુહ વારંવાર પોકારી પોકારીને ધિક્કારે છે તેને આપણે સાધુ માની પોષીએ, વહુ બેટીઓને પાયે પાડીએ ! આશીર્વાદ લઈએ ! એ દિલગીરી થવા જેવું છે. આ કાર્યમાં ભાગ લેનારાઓ તેના અભ્યાસી ન હશે તો અનુભવી થવું જોઈએ તેણે વિદ્યાર્થી બનવું જોઈએ, શિક્ષક થઈને ફરે તે ન ચાલે, ને પોતાના બાળકને બતાવવું, કચ્છના ઝનુની પીરાણા પાટીદારોને હું વિનંતી કરીને કહું છું, આગ્રહપૂર્વક કહું છું કે જો તમારામાં વિદ્યાનો પ્રતાપ હોય, જો તમારામાં ધનનું જોર હોય, જો તમારામાં બ્રહ્મચર્યનું બળ હોય તો આ પીરાણા વૈભવી પંથ તમે ન જ નિભાવી શકો. તેમાં તમે બાયલા ગણાઓ એમ હું હિંમતપૂર્વક કહું છું. પ્રાર્થનાની જગ્યાને ધર્મશાળાને બદલે ખાનું કહેવામાં આવે, સવારમાં પૂજા કરવાને ઠેકાણે રાતના ચોરની પેઠે ગુપ્ત રીતે તે ક્રિયા કરવામાં આવે, તેને તમારા સિવાય કોણ કહે કે — એને હિન્દુ ધર્મ કહી શકાય ! જગ્યામાં તેત્રીસ કરોડ દેવની આરાધના થાય છે એવું લક્ષમણ કાકા કહે છે, તે પ્રમાણેના ઠેકાણાને અન્ન આરોગવાનું સ્થાન ક્યા હિન્દુ ધર્મ વાળામાં કરવામાં આવે છે. છેક જ અંધારું છે, તેને અજવાળું કેમ કહેવાય? પીરાણા સતપંથમાં આરબી શબ્દો ઘણા છે. હિન્દુ ધર્મના હોય તો સંસ્કૃત શબ્દો હોવા જોઈએ, તેવું કશું દેખાતું નથી. તો પછી પીરાણા પંથને હિન્દુધર્મ કેમ કહેશો?

          જ્યાં અંધશ્રદ્ધાથી સૈયદોને બ્રાહ્મણ માનવામાં આવે અને તેને બ્રાહ્મણના જેવું દાન આપવામાં આવે છે તે સુધારો કેટલો અધુરો છે તેની નિશાની છે. માટે આપણે આપણી સાંસારીક સ્થિતિ સુધારવી અને વિદ્યામાં વૃદ્ધિ કરવી જોઈએ, આપણે જે કોઈ મોટી માગણી કરવાને લલચાઈએ તેને લાયક આપણે પહેલાં થવું જોઈએ.

          આપણે આપણી જ્ઞાતિને ઉન્નતિને શીખરે ચઢાવવી હોય તો આપણા પ્રયત્નથી તેમ થઈ શકશે. આપણા કમનસીબ માટે આપણે જોખમદાર છીએ બીજા કોઈ જ નહીં. મનુષ્ય પોતાના કર્મ બળે જ નાનો મોટો થઈ શકે છે, આપણું અજ્ઞાન આપણી આ વિદ્યા અને આપણા હાનીકારક રીત રિવાજોએ જ આપણને અવગતિમાં લાવી મુક્યા છે, માટે આ કલંકમાંથી મુક્ત થવું જોઈએ છે, નામના સાધુ, નામના સૈયદોને, સુપાત્ર ગણી દાન દેવામાં ક્યું પુણ્ય? તમે બીજા પાટીદારોથી મુકાબલો કરો શાસ્ત્રમાં દરેક દરદની દવા ફરમાવી છે, પણ મૂર્ખતાની દવા ક્યાંય મળતી નથી.

          આપણે એટલા બધા બેદરકાર બની ગયા છીએ કે આપણે પીરાણા સતપંથની ખરી શોધ જ કરતા નથી. કરે તેનું માનતા નથી શ્રી લક્ષ્મણકાકાએ તો કહ્યું છે કે “સતપંથી લોકો રામનવમી, એકાદશી, ગોકળ આઠમ વિગેરે હિન્દુના તહેવારો પાળે છે, અપવાસ કરે છે. પણ તે તહેવારો પાળનારાઓને સ્થાનિક બહેસ્ત નથી. બહેસ્તનું સુખ ભોગવે પણ તે અમુક વર્ષ પછી પાછા મૃત્યુ લોકમાં અવતરે છે અને તેવું પીરાણા સતપંથ અથર્વવેદ કહે છે. વળી પીરાણા અથર્વવેદ કહે છે કે તે તહેવારો તો “સતયુગમાં એકાદશી રવિવારી પાળવામાં આવતી હતી, ત્રેતાયુગમાં ચૌદશ મંગળવારી અને દ્વાપર યુગમાં અમાવાસી સોમવારી પાળવામાં આવતી હતી અને આજ કળીયુગમાં તો બીજ શુક્રવારી પાળવામાં આવે તો જ બહેસ્ત સતપંથના ગુરૂ ઈમામશાહ છે, એવું લક્ષમણ કાકા કહે છે તે ખરું કે? આપણું પીરાણા અર્થવેદ શાસ્ત્ર ઈશ્વરનો અવતાર કહે તે ખરું? હીરણ્યકશ્યપ જ્યારે પોતાનો જાપ જપાવવા માંડ્યો. પોતે ખુદા મનાવવા લાગ્યા, ત્યારે તેનો પુત્ર પ્રહલાદ સામો થયો એને રાક્ષસ કહીને વગોવ્યો અનેક દુઃખો તેને સોંસવાં પડ્યા. તેવું જો તમે ઈમામશાહને માટે માનતા હો તો કોણ જાણે? મનુષ્ય સ્વભાવ જ એવો છે કે જે ચીલામાં પોતાના વ્યવહારનું ગાડું ગબડતું હોય તેમાંથી તેને બહાર કાઢી અન્ય ઈષ્ટ માર્ગ તરફ વાળવાનું મન થતું નથી. વળી પ્રચલિત હાનીકારક રૂઢીઓના બંધનોને રોકીને આ યુગના ધર્મો પ્રમાણે વર્તવા જેટલા આત્મબળ અને કર્તવ્ય બુદ્ધિની પ્રતિતિ આપણા જનસમાજમાં બહુ વિશાળ છે.”

          નુરની ગોળીઓમાં ભ્રષ્ટાચાર છે, એવું સિદ્ધ કરવા પુરાવા જોઈએ ! પણ હવે સૈયદોનો ધર્મ એટલો રહેલો છે, જાહેરમાં તો નહિ, પણ ગુપ્ત રીતે વટલે તેટલો ધર્મ થાય તોયે બહુ છે!? પણ એ સાબિતી આપણે ક્યાં શોધીએ? આપણા હિન્દુ સ્મશાને જઈએ તો નાહ્યા સિવાય કોઈ ચીજને અડકાય નહી તો પછી ઈમામશાહના રોજામાં બેસી ખાવું સુવું ને કપડાં સાથે ભક્તિ કરવી એ ક્યા હિન્દુ ધર્મની નિશાની છે !! સૈયદો આપણે ત્યા પગપેસારો રાખે તેને બ્રાહ્મણ માનવામાં આવે એ કેવું નીચ છે !

          આખર વખતે રોજામાં આગાખાન પગ મુકે તો તે સોનાનો થવાનો છે, એવું શાસ્ત્ર કહે છે. તો પછી તેને સોનાના કમાડ બનાવવા લક્ષ્મણ કાકાએ ફંડ કરેલું તેમાં પૈસો આપવામાં ક્યું પુણ્ય છે. એટલું હવે સિદ્ધ છે કે સૈયદો કાકા, કારભારીઓને પીરાણા પંથ માનવાની જરૂર નથી પણ રાખવાની જરૂર જુએ છે, કચ્છ પ્રાંતમાં ૮૦ ગામો પૈકી ૨૩૨૫૦ માણસો પીરાણા પંથી છે, તેને ધર્મ ઉપર આવેશ કરવો એ માટે ઓછા પ્રયાસની જરૂર નથી. સદ્‌ભાગ્યે હજુ સુધી કોઈ પણ પીરાણી મુસલમાન થયો નથી માટે ખાનાને મંદિર બનાવો. પીરની બાધા રાખવાથી જો વાંઝણી બાયડીને પુત્ર થયો હોય અને તે પીરને ન માને તો તે પુત્ર મરી જશે એ બીકથી હૃદય વિરુદ્ધ પણ પીરને માન્યા કરે. તે પ્રમાણે જે મુખી પીરાણા પંથ માન્યા પછી જો છોડી દે તો તેને માટે પણ ધાક મુકેલી છે કે “એ બંદા મૃત્યુ લોકને વિશે મોમન હતા. તે સર્વ આચાર પાળતા વેદ, શાસ્ત્ર શીખીને સંભાળીને વિસારી મેલ્યા તેને જુઠા કરીને જાણ્યા જેથી બહેરાને બોબડા થયા છે તે રોજે કયામતને દિને માર ખાશે પચાસ હજાર વર્ષનો એક દિવસ થશે. સાડા ત્રણ દિવસ લગી અજાપ ભોગવશે તે વેદ, કુરાન માંહે લખ્યું છે, તે તમે જાણો છો, તમને સાહેબે ઈમામશાહે ફરમાવ્યું છે, તે માટે ચેતીને ચાલજો. આવો ડરનો સતપંથ છે, તો મુકવાનું શું જરૂરિયાત છે. પીરાણા મતમાં ચમત્કાર ઉપર આધાર રાખવામાં આવે છે, તે પર ભરોસો થાય નહીં કારણ કે ધર્મ વધારવા સારું જુઠું બોલવું પાપ નથી, ત્યારે તે ચમત્કારો પણ ધર્મ વધારવાને માટે લખ્યા હોય તે બનવા યોગ્ય છે. પીર ઈમામશાહનો ધર્મ કહે છે કે અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, એ એકલો તેનો કોઈ ભાગીદાર નથી” તો પછી હીરણ્યકશ્યપની પેઠે પોતે આપણી પાસે ખુદા મનાવે તો પછી આપણે તો તેની સાથે ભક્ત પ્રહલાદની પેઠે અસહકાર જ પાલવે પછી બાપ દીકરો હોય તો તે સિદ્ધાંતની વિરુદ્ધ જુદા પડવું પડે માટે એટલું સમજીને કેટલાક પાટીદારોમાંથી (કચ્છ) દેહશુદ્ધ પ્રાયશ્ચિત કરાવીને છુટા પડ્યા, તે ધન્યવાદને પાત્ર છે. પરમાત્મા આપને બળ આપે કે જેથી સ્વાર્થી પીરાણાઓને આત્મિક બળ આપવા નસીબવંત નીવડો. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ

          ત્યારબાદ રા. નારાયણજી રામજીભાઈએ ઠરાવને ટેકો આપતાં જ જણાવ્યું કે મે. પ્રમુખ સાહેબ અને પ્રિય જ્ઞાતિભાઈઓ અને બહેનો !

          અમારી જ્ઞાતિના દુઃખનો તો પાર નથી રહ્યો પરંતુ બીજી અનેક હિન્દુ જ્ઞાતિઓ તેમાં સંડોવાઈ છે જેનું વર્ણન અત્યારે કરવું અસ્થાને ગણાય. પીરાણા પંથના ચાલકો અને ખુદ ખાનાના મુખીઓ કે જ્ઞાતિના આગેવાનો વગેરે જે ભોળા ભાઈઓને આંખે પાટા બંધાવી રહ્યા છે તેનો હૃદયભેદક ચિતાર મારી સમક્ષ હંમેશા ખડો હોય છે. આપણે હવે એ પંથને કાઢી નાંખવા માગીએ છીએ અને તે દર્શાવનારી આ ત્રીજી પરિષદ છે. છતાં આપણું ગૌરવ અને હિન્દુત્વ મટાડી દેનાર એ અધર્મયુક્ત પંથના આ ત્રીજી પરિષદમાં પણ ગાણાં ગાવા પડે છે એ વાત આપણા માટે શરમ ભરેલી કહેવાય ! આ પરિષદનો એ ઉદ્દેશ છે કે પીરાણા પંથની જડ જ્ઞાતિમાં તો કોઈ સ્થળે રહેવા દેવી નહિ એટલે આ ઠરાવ આપણને પ્રથમ હાથ ધરવો પડ્યો છે અને તેની તો આપણે પ્રથમ જરૂર છે. કારણ શરીર અને મનની શુદ્ધિ સિવાય કોઈ પણ શુભ કર્મની આશા રાખી શકાય નહિ એમ આપણો ધર્મ શિખવે છે અને તે સત્ય જ છે. આગાખાની પંથ નામે એક બીજો જોહેર પંથ છે તે તેનો એક ભાગ છે. પીરાણાપંથને સતપંથ કહે છે અને આમ કહીને ભોળા હિન્દુ ભાઈઓને ઝેરથી ભરેલા લાડુ દેખાડવામાં આવે છે. આપણા સદ્‌ભાગ્યની વાત છે કે હવે આપણે એ વાત સમજી ગયા છીએ. અહીં બેઠેલા ઘણાખરા ભાઈઓએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પોતાને નીચું જોવડાવનારા અને તેમના શીરે કલંકરૂપ થઈ પડેલા એ પંથનો ત્યાગ કર્યો છે. કચ્છ બહાર તો જાગૃતિ પુરી આવી ગઈ છે. હમણાં ગુજરાતના એક છાપામાં લેખ આવ્યો છે તેમાં સેંકડો પુરૂષો અને સ્ત્રીઓએ તે પંથનો ત્યાગ કરવાની ખબર આવી છે.

          આપદ્‌કાળને લઈ હિન્દુધર્મના અનેક પ્રકારના પરિવર્તનો થયા છે, આફતો પણ આવી છે છતાં પીરાણાપંથે આર્યજાતિઓને તેમના ધર્મથી ચલિત કરવાનું જે ઘોર પાતક કર્યું છે તે એટલું તો અસહ્ય અને ઘાતક છે કે કોઈ પણ હિન્દુથી સહન થઈ શકે જ નહિ. આ વસ્તુસ્થિતિ અત્યારે આપને સમજાવાનું હું અસ્થાને માનું છું. વસ્તુસ્થિતિ એવી ભયંકર છે કે અન્ય જ્ઞાતિના જે ભાઈઓ અત્રે બિરાજેલા છે તેમને પણ એ વાત સાંભળી બહુ દુઃખ થાય અને કોઈ જુદા જ પ્રકારનું વાતાવરણ આ સભામાંથી ખડુ થાય. દેશમાં એક તરફ પ્રજાઓમાં ઐક્ય સાધવાની જ્યારે વાતો સંભળાય છે અને તે માટે મહાત્માજી જેવા પુરૂષો પ્રયત્ન કરી રહ્યા છે તે સમયે આપણી હિલચાલને આપણા કલ્યાણ પુરતી જ આગળ વધવા દેવી એમ અમે નક્કી કરેલું હોવાથી આપણી કોમની અધોગતિ અટકાવા પુરતી જ પરિષદના નેતાઓએ દ્રષ્ટિ રાખી છે. પીરાણાપંથ એ હિન્દુધર્મ નથી એ વાતની સહુ ભાઈઓને ખાત્રી થઈ છે અને તે માટે કોઈ શંકા રહી નથી, એટલે આપણે એ પંથને તિલાંજલિ આપવા તૈયાર થયા છીએ અને તેને જ્ઞાતિમાંથી નાબુદ કરવાનું કાર્ય ઘણા વખતથી શરૂ થઈ ચૂક્યું છે. ધાર્મિક અધોગતિ મટાડવાની જરૂર તો આપણે સમજી ગયા છીએ પરંતુ જ્ઞાતિની જે આર્થિક અધોગતિ થઈ રહી છે અને એ પંથની રાહે આપણી કોમમાંથી જે અઢળક ધન દર વર્ષે ચાલ્યું જાય છે એટલે એ પંથની રાહે આપણી ગરીબ કોમ કેવી રીતે ચૂસાઈ રહી છે તે તો હું આપને કહ્યા સિવાય રહી શકતો નથી. એ પંથની રાહે ભરવાના લાગાની રૂઢીઓ આપણામાં એવી તો સામાન્ય થઈ પડી છે કે તેનો આપણને ભાગ્યે જ ખ્યાલ આવે છે. અફિણ ખાનારા બંધાણીઓને એ વસ્તુમાં ઝેર દેખાતું નથી છતાં એ ચીજ એની દરેક પ્રકારની સંપત્તિનો જેમ નાશ કરે છે તેવી પીરાણાપંથના લાગાએ આપણી કોમની દશા કરી મુકી છે. હું આપને એ વાત કહી સંભળાવું છું અને તે લક્ષ દઈને સાંભળશો એવી મારી આપને વિનંતી છે. હું શરૂઆતમાં જ આપને કહી દઉં છું કે જે ગણતરી મેં કરી છે તેમાં બનતાં સુધી ઓછામાં ઓછી રકમો જ ગણી છે. તમારા મન ઉપર ભારે અસર કરવાનો તો મેં ખ્યાલ જ રાખ્યો નથી પરંતુ આપણી વસ્તીના પ્રમાણમાં એક નાના ભાગમાંથી દર વર્ષે આટલી મોટી રકમ જો તણાઈ જતી હોય તો જ્ઞાતિની આર્થિક દશા કેવી રીતે સુધરી શકે તેનો તમે જરૂર વિચાર કરશો. જે જે પ્રકારના લાગાઓ આપણે ભરીએ છીએ તે તો કોઈ ભાઈથી અજાણ્યા નથી. પરંતુ આખી નાતમાંથી દર વર્ષે કેટલી કોરીઓ જાય છે તેની ગણતરી તમે નહીં કરી હોય એટલે તે ગણતરી કરવામાં દર વર્ષે આપણી જ્ઞાતિમાં થતાં જન્મ, મરણ તથા વસ્તીના આંકડા વગેરે પ્રથમ જાણવા જોઈએ. ગામ દીઠ આપણી વસ્તીની જે ગણતરી કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે :—

         

પીરાણાપંથીઓની ગામવાર સંખ્યા

નંબર

ગામનુંનામ

તાલુકો

વસ્તીની સંખ્યા

ખેડોઈ

અંજાર

૧૨૦૦

થરાવડા

અંજાર

૧૦૦

કોટડા (બે)

અંજાર

૬૦૦

માનકુવા પીરવાડી

ભુજ

૫૦૦

દેશલપર

નખત્રાણા

૫૫૦

આણંદસર (મંજલ)

નખત્રાણા

૩૦૦

મણીપર

નખત્રાણા

૫૦

કલ્યાણપર

નખત્રાણા

૩૦૦

લક્ષ્મીપર (મંજલ)

નખત્રાણા

૭૫

૧૦

મંગવાણા

નખત્રાણા

૫૦૦

૧૧

સામાપર

નખત્રાણા

૭૫

૧૨

રતોલ

નખત્રાણા

૨૫

૧૩

વિભાપર

નખત્રાણા

૪૦

૧૪

ખીરસરા

નખત્રાણા

૩૫

૧૫

કુરબઈ

માંડવી

૩૦૦

૧૬

દુજાપર (બે વાસ)

માંડવી

૨૫૦

૧૭

વિરાણી (નાની)

માંડવી

૧૨૫

૧૮

ભેરૈયા

માંડવી

૩૦૦

૧૯

લુડવા

માંડવી

૩૦૦

૨૦

દરશડી

માંડવી

૪૫૦

૨૧

મમાઈમોરા

માંડવી

૨૦૦

૨૨

રાજપર

માંડવી

૭૫

૨૩

ગઢશીશા

માંડવી

૩૦૦

૨૪

મહુ

માંડવી

૧૫૦

 

(કંઠી વિભાગ)

૨૫

રાયણ

માંડવી

૧૦૦

૨૬

નવોવાસ

માંડવી

૧૦૦

૨૭

મેરાઉ

માંડવી

૮૦

૨૮

ભારાપર

માંડવી

૧૨૫

૨૯

બિદડા

માંડવી

૭૫

૩૦

કોડાય

માંડવી

૬૦

ઉગમણા પાંચાડાની કુલ સંખ્યા   ૭૩૪૦

 

૩૧

પલીવાડ

નખત્રાણા

૭૫

૩૨

આણંદપર

નખત્રાણા

૭૫

૩૩

સાંયરા

નખત્રાણા

૩૫૦

૩૪

દેવપર—યક્ષ

નખત્રાણા

૪૦૦

૩૫

આણંદસર (વિથોણ)

નખત્રાણા

૧૦૦

૩૬

વિથોણ

નખત્રાણા

૧૬૦૦

૩૭

ભડલી

નખત્રાણા

૨૦૦

૩૮

થરાવડા

નખત્રાણા

૧૫૦

૩૯

ધાવડા—મોટા

નખત્રાણા

૨૦૦

૪૦

અંગીયા નાના

નખત્રાણા

૫૦૦

૪૧

નાગલપર

નખત્રાણા

૧૫૦

૪૨

દેવીસર

નખત્રાણા

૪૫૦

૪૩

વિરાણી (મોટી)

નખત્રાણા

૧૬૦૦

૪૪

અરલ

નખત્રાણા

૧૦૦

૪૫

નખત્રાણા

નખત્રાણા

૧૭૫૦

૪૬

કોટડા

નખત્રાણા

૧૬૫૦

૪૭

મથલ

નખત્રાણા

૩૫૦

૪૮

સાંગનારા

નખત્રાણા

૨૫

૪૯

વેરસલપર

નખત્રાણા

૫૦

વચલા પાંચાડાની કુલ સંખ્યા      ૯૭૭૫

 

૫૦

કાદીયા (બે)

નખત્રાણા

૫૦૦

૫૧

ફાચરાપર

નખત્રાણા

૫૦

૫૨

રસલીયા

નખત્રાણા

૪૦૦

૫૩

ટોડીયા

નખત્રાણા

૨૫૦

૫૪

ખોંભડી

નખત્રાણા

૫૦૦

૫૫

દેશલપર(ગુંતલી)

નખત્રાણા

૨૫૦

૫૬

જંજાય

નખત્રાણા

૫૦

૫૭

ઊગેડી

નખત્રાણા

૪૦૦

૫૮

વિગોડી

નખત્રાણા

૨૫૦

૫૯

ઐયર

નખત્રાણા

૧૦૦

૬૦

આંબાળા

નખત્રાણા

૫૦

૬૧

તેજાળા

નખત્રાણા

૬૦

૬૨

રતડીયા

નખત્રાણા

૧૦૦

૬૩

ઉખેડા

નખત્રાણા

૧૫૦

૬૪

નેત્રા

નખત્રાણા

૫૫૦

૬૫

લક્ષ્મીપર (નેત્રા)

નખત્રાણા

૧૦૦

૬૬

ખીરસરા (નેત્રા)

નખત્રાણા

૧૫૦

૬૭

રામપર

નખત્રાણા

૧૫૦

૬૮

નાગવીરી

નખત્રાણા

૨૫૦

૬૯

ઘડાણી

નખત્રાણા

૨૫૦

૭૦

રવાપર

નખત્રાણા

૨૨૫

૭૧

હરીપર

નખત્રાણા

૫૦

૭૨

વાલકાં

લખપત

૧૫૦

૭૩

પાનેલી

લખપત

૧૫૦

૭૪

દોલતપર

લખપત

૫૦

૭૫

દયાપર

લખપત

૩૦૦

૭૬

વિરાણી

લખપત

૧૫૦

૭૭

ધારેસી

લખપત

૫૦

૭૮

સિયોત

લખપત

૧૦૦

૭૯

અકરી

લખપત

૫૦

૮૦

ઘડુલી

લખપત

૩૦૦

આથમણા પાંચાડાની કુલ સંખ્યા   ૬૧૩૫

 

કચ્છ દેશમાં રહેતા પીરાણાપંથી કડવા પાટીદારની ૮૦ ગામોની કુલ સંખ્યા  ૨૩૨૫૦

 

          આપને હું કહી ગયો તે ૮૦ ગામોમાં પીરાણાપંથને માનનારા આપણા જ્ઞાતિભાઈઓ વસે છે. તેમનો ધંધો દેશમાં તો મુખ્યત્વે કરીને ખેતીવાડી કરવાનો જ છે. પરંતુ પીરાણા પંથની રાહે ચડી જવાથી જ્ઞાતિની આર્થિક પાયમાલી થતી આવી છે તેનો મજબૂત પુરાવો તો એ છે કે આપણા જેવી ઉત્તમ કોમના સંતાનો પાસે ગુજરાનના સાધન પુરતી પણ ખેતી કરવાની જમીનો રહી નથી અને મોટો ભાગ મજુરી જેવો ધંધો કરીને પોતાના કુટુંબનું પોષણ કરવાની દશામાં આવી ગયો છે, એટલે જ કુલ સંખ્યા ૨૩૨૫૦ની મેં આપને ગણાવી તે સંખ્યાનો માત્ર અડધો ભાગ જ ખેતીવાડી કરે છે એમ કહી શકાય. બાકીની અડધી સંખ્યા દેશમાં અને પરદેશમાં ખેતીવાડીને લગતી કે ઈમારતી કામને લગતી મજુરીનો ધંધો કરે છે. અપવાદ રૂપે કેટલાક ભાઈઓ પરદેશમાં ઈમારતી કામના કોન્ટ્રાક્ટ રાખવાના કે બીજા ધંધા કરે છે પણ તેઓની સંખ્યાનું પ્રમાણ એટલું તો જુજ છે કે જ્ઞાતિની આર્થિક સ્થિતિ ઉપર તેની કંઈ અસર થઈ શકે નહિ. છતાં દેશ કે પરદેશમાં રહેતા દરેક પીરાણાપંથી ભાઈને પીરાણાના લાગા તો ભરવાના જ હોય છે, પછી ભલે તે ખેડુત હોય, કોન્ટ્રાક્ટર કે મિસ્ત્રી કિંવા મજુરી કરીને પેટ ભરતો હોય ! આ લાગા કેવા પ્રકારના છે અને તેના લીધે તે ઊઘરાવનારાઓને કેટલી કોરીઓ આપવી પડે છે તે હું આપને જણાવીશ. ખેતીવાડી કરનારી સંખ્યા અડધી છે એવું હું આપને કહી ગયો એટલે તે અડધી સંખ્યા ૧૧૬૨૫ જેટલી થાય અને વધારેમાં વધારે કુટુંબદીઠ ૫ માણસ ગણીએ તો તે સંખ્યાના ૨૩૨૫ કુટુંબ થાય. આટલા કુટુંબો વાડીઓ ખેડે છે એમ કહી શકાય છતાં વાડીઓની સંખ્યા મારી સમજ પ્રમાણે ૮૦૦ કરતા વધારે નહીં હોય એટલે ત્રણ કુટુંબો વચ્ચે પણ એક વાડી આવતી નથી ! આ સ્થિતિ જણાવે છે કે ખેતીવાડી કરવા પુરતી પણ જમીનો રહી નથી. વાડીની ઉત્પન્નમાંથી રાજભાગની સાથે જ ખાનાના મુખીઓને પણ એ લાગાના ભાગ આપવા પડે છે, જેને દશોંદ વિશોંદ કહેવામાં આવે છે અને મજુરીનો કે બીજો ધંધો કરનારને પણ પોતાની આવકમાંથી અમુક ભાગ આપવો પડે છે જે સઘળું તમે જાણો છો જ. તેની ગણતરી આ પ્રમાણે થઈ શકે છે.

 

૫૨૫૦૦

(૧) ઉપર જણાવેલા ૮૦ ગામોના ભાઈઓ સમસ્તની કુલ્લ વાડીઓ ૭૦૦ ગણીએ અને વાડીઓની ત્રણે મોસમની એક વર્ષની ઉત્પન્ન ઉપર વાડી દીઠ ૭૫ કોરીના હિસાબે જ ગણતરી લેતાં એ રકમ થાય છે.

 

 

૮૦૦૦

(૨) વસ્તીનો મોટો ભાગ જે મજુરી કરે છે તેમાંથી માત્ર બે હજાર જણ ગણીએ અને જણદીઠ ચાર કોરી જ ગણીએ તો પણ એટલી રકમ એ પ્રકારના લાગાની આવે છે એમ કહી શકાય.

 

 

૩૦૦૦

(૩) પરદેશમાં જઈને કમાનારો જે વર્ગ છે તેની સંખ્યા જો બે હજારની જ ગણીએ જેઓ રૂપિયામાં દશોંદ આપે છે. તેમના તરફનો લાગાનો ફાળો ઓછામાં ઓછો એટલો થાય. રૂા. વીસ હજાર થાય. દસ રૂા.ના હિસાબે.

 

 

૯૦૫૦૦

દશોંદ વિશોંદના લાગા તરીકે થાય છે.

 

          ઉત્પન્નમાંથી જ લાગા લેવાય છે એવું નથી પરંતુ જન્મ મરણના લાગા પણ પીરાણાપંથી ભાઈઓને ફરજિયાત આપવાના હોય છે. આ પ્રકારના ઘણા લાગા દુનિયાની કોઈ પ્રજાના માંથે હોતા નથી. દેશકાળની ગણતરીના હિસાબે હું કહી ગયો તે સંખ્યાની જન્મની ગણતરી ૮૦૦ની અને મરણની ૫૦૦ની લેવામાં આવી છે. આ જન્મમરણ વગેરેના જે લાગા ગુન્હા છોડાવાના બહાને લેવાય છે તેની ગણતરી એવી રીતે કરી છે કે —

૨૨૫૦૦

મરનાર જણ ૩૦૦ના કોરી ૭૫ના હિસાબે

૨૫૦૦

મરનાર જણ ૫૦ના કોરી ૫૦ના હિસાબે

૭૫૦૦

મરનાર જણ ૧૫૦ના કોરી ૫ના હિસાબે

૭૫૦૦

જીવતાં જણ ૧૦૦ના ગુન્હા ૭૫ના હિસાબે છુટે છે તેની

૬૦૦

જન્મેલા છોકરાંને પીરાણાની છાપ મારવાની ઉત્પન્ન (છોકરાંને નીમવા અને છાંટ

 

નાંખવાના લાગા મુમનાપણું કાયમ રાખવાના લાગાની રકમ.

૩૦૦

(કચ્છ મુકીને બહાર જાય તે વટલી ગયો છે એમ માની લઈ દેશમાં આવે ત્યારે ખાનામાં જઈ છાંટ

 

નંખાવે તેની ઓછામાં ઓછી સાધારણ ઉત્પન્ન.)

૩૦૦૦

ગુરૂવાર તથા ચાંદ રાતના થાળના દોકડાની ઉત્પન્ન.

૩૦૦૦

મરનારના દાડા તથા ધરમ વરાના દાડાની ઉત્પન્ન.

૨૨૫૦

લગ્નની રાસ ૩૦૦ ગણતાં ૭॥ કોરીના હિસાબે (બાવાના કાંકણ બાંધવાના લાગાની ઉત્પન્ન.)

૧૦૦૦૦

ઢોરની પ્રજા વધે તેના ઉપર લેવાતા લાગાની અને બાધા, માનતાની રકમ

૧૦૦૦૦૦

ગેઢેરા કે આગેવાનોના હુકમનો અનાદર કરનારાઓના દંડ અને છુટકા કરવા તે વગેરેની ઉત્પન્નના.

૬૯૧૫૦

લાગાઓની પરચુરણ ઉત્પન્ન.

 

          હું આપને ખાનાઓની ઉત્પન્ન ગણાવી ગયો હવે તેનો ખર્ચ પણ મારે આપને સંભળાવી દેવો જોઈએ કારણ આ ખાનાઓએ પીરાણાપંથની પેઢીઓ છે. ઉત્પન્નમાંથી ખર્ચ બાદ કરતાં રહેતી રકમ તો બહુ મોટી થઈ અને એટલી રકમની હુંડી કંઈ પીરાણે જતી નથી એમ જે ભાઈને જણાય તેમણે સમજવું જોઈએ કે કાકાઓ અને આગેવાનો કિંવા મુખીઓ વચગાળેથી એ રકમ ગેબ કરતા હોવા જોઈએ. દશોંદ વિશોંદની રકમ હું આપને ૯૦૫૦૦ની ગણાવી ગયો ઉપરાંત પરચુરણ લાગાઓની રકમનો સરવાળો ૬૯૧૫૦ કોરીનો થયો એટલે કુલ રકમ ૧૫૯૬૫૦ કોરીની થાય છે. તેમાંથી ખાનાઓના ખર્ચ તરીકે

૮૦૦૦

સૈયદોની શીખની

૨૫૦૦૦

લીસાણીની

૫૦૦૦

ગાડાભાડાં, ખેપીઆના ખર્ચ તથા ગેઢેરાના રોજની

૨૦૦૦

ખાનાના વાસણ કુસણના રીપેરકામ તથા ખરીદની.

૫૦૦૦

ખાનાની મરામત તથા નવા કરવાના ખર્ચ વગેરેની.

   ૪૫૦૦૦  કુલ ખર્ચ ખાતે વપરાય તો પણ ઓછામાં ઓછી એક લાખને ચૌદ હજાર કોરી તો પીરાણે જવી જ જોઈએ એમ તમે કહી શકશો. ત્યાં જાય છે કે નહિ અથવા કેટલી આગેવાનો ગેબ કરી જાય છે એ જુદો સવાલ છે. પણ પીરાણાપંથની રાહે એ રીતે જ્ઞાતિમાંથી દર વર્ષે ઓછામાં ઓછી દોઢ લાખ કોરી ઓછી થાય છે. પીરાણા પંથની રાહે જ્ઞાતિ જે દર વર્ષે દંડ ભરે છે તે તો મેં આપને ગણાવ્યો નથી. દર વર્ષે ઓછામાં ઓછા ચારસો માણસો પીરાણે જતાં હશે એમ કહીએ અને જણદીઠ માત્ર રૂા.૫૦ નો જ ખર્ચ ગણીએ તો પણ ઓછામાં ઓછા રૂપિયા વીસ હજાર થાય. વળી સૈયદો દર સાલ શિષ્યો કરવા અને ઉઘરાણું કરવા આવે છે તેનો બોજો પણ ક્યાં ઓછો છે ! એ રકમ પણ ઓછામાં ઓછી વીસ હજાર રૂા.જેટલી તો થાય જ ! ત્યારે દર વર્ષે દોઢ લાખ કોરીઓ ઉપરાંત ચાલીશ હજાર રૂપિયા એટલે આજના કોરીના ભાવના હિસાબે રૂપિયા એક લાખ ચાલીશ હજારની ખોટ આપણી જ્ઞાતિને દર સાલ પડે છે.

          ભાઈઓ ! જ્ઞાતિને જે આ દર વર્ષે મોટી રકમ આપવી પડે છે તે જો કોઈ શુભ કાર્ય માટે આપતા હોત તો તો આપણે ખુશી થવા જેવું હતું પરંતુ આ મોટી રકમ દર વર્ષે આપણે મુમનાપણાની છાપ કાયમ રાખવાના ટેક્ષ તરીકે આપવી પડે છે. એ શું આપણા જેવી ઉત્તમ કોમના માટે શરમ ભરેલી વાત નથી ! એક તરફથી જ્ઞાતિ આવા પ્રકારના ટેક્ષો ભરીને પાયમાલ થતી જાય અને બીજી તરફથી અન્ય હિન્દુ જ્ઞાતિઓમાં તેની હાંસી થાએ અને આપણા ભાઈઓને મુમના કહીને લોકો વગોવે એ શું આપણાથી સહન થઈ શકે તેવી વાત છે? નથી જ. વસ્તુસ્થિતિ એવી છે કે આપણા જે આગેવાનો કહેવાય છે તે અને પીરાણાના કાકાઓ પોતાના સ્વાર્થની ખાતર પીરાણા સતપંથ એ હિન્દુ ધર્મ છે એમ સમજાવે છે. પરંતુ તે પંથના યોજક સૈયદ ઈમામશાના વંશ જ સૈયદો સ્પષ્ટ રીતે (જાહેર રીતે) કહે છે કે પીરાણા સતપંથ એ દિને મહમદી છે. એ વાતની ખાત્રી માટે અમદાવાદના એક જાહેર પેપરમાં સૈયદોના પંચ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલી ચેતવણી હું આપને વાંચી સંભળાવું છું.

(ગુજરાતી પંચ પાનું ૨૪ મું તા.૨૪—૬—૧૯૨૩)

          શ્રી પીરાણાના સ્થાપક હજરત પીર ઈમામશાહ સુત નુર અલી મહમદસા કુફરેશીકનનો બતાવેલો ધર્મ સતપંથ પાળનાર તમામને.

ચેતવણી

          સદરહુ પીરાણાનો ઓળખાતો ધર્મનામે સતપંથ ખાસ દિને મહમદી છે. (મુસલમાની)ને તે ધર્મ પાળનારાઓ મુમનભાઈ કહેવાય છે. તેને જો કોઈ સદરહુ ધર્મ પાળનારમાંથી હિન્દુ ધર્મ છે તેમ સાબિત કરી આપશે તો અમો તે કહેશે તે ધર્મ કબુલ કરવા ખુશી છીએ. માટે સદરહુ જગ્યાના મુજાવરો કાકા તથા કોઈ પણ ધર્મી કહે તે વાત ગલત છે.

                   એજ તા.૨૧—૬—૧૯૨૩

લી.સદરહુ પીરની ઓલાદના સાદાતોની પંચ—પીરાણા

દા.સૈયદ પુંજામીયાં હુસેનમીયાં

          સૈયદોએ આ ચેતવણી પ્રસિદ્ધ કરીને આપણા ઉપર તો એક પ્રકારનો ઉપકાર જ કર્યો છે. કારણ કે તેઓ સારી પેઠે જાણતા હોવા જોઈએ કે પોતાના વડીલ એટલે પંથના યોજકનો ઉદ્દેશ માત્ર હિન્દુજ્ઞાતિઓને પોતાની મુસલમાની રાહત ઉપર લઈ જવાનો જ હતો, હું આપને એ વાતની ખાસ પ્રતિતી માટે અનવરે હિદાયત નામની ચોપડીમાં પ્રસિદ્ધ થયેલી હકીકત કહું છું તે ધ્યાન દઈને સાંભળશો.

હિન્દુઓને વટલાવીને મુસલમાન કરવાનો

સૈયદ ઈમામશાહનો મુખ્ય ઉદ્દેશ

          “મોમીન શાહમહંમદ સકલાભાઈ” તરફથી સંવત ૧૯૫૫ના અષાઢ માસ {VSK: 08-Jul-1899 to 06-Aug-1899} માં અનવારે હીદાયત. યાને હિદાયતનું નુર એ નામની ચોપડી પ્રસિદ્ધ થયેલી છે તેમાં પીરાણા સતપંથ સંબંધે લખે છે કે પીરાણા ધર્મના ત્રણ ભાગ છે.

          ભાગ ૧ લો સૈયદો કે જેઓ હઝરત પીર ઈમામશાહની ઓલાદના છે તેઓ શીઆહ ધર્મ પાળે છે.

          ભાગ ૨ જો મોમન શેખ ભોઈ વિગેરે કે જેઓ અડધો હિન્દુ તથા અડધો મુસલમાની ધર્મ પાળે છે.

          ભાગ ૩ જો ગુપતીઓનો કે જેઓ તદ્દન હિન્દુ જેવા છે પણ ખુશીની વાત છે કે અમદાવાદના મોમીનો પુરો મુસલમાની શીઆ ધર્મ પાળે છે તો તે મુજબ આ ધર્મના તમામ ભાઈઓને મારી અરજ છે કે હિન્દુ અને મુસલમાનની વચમાં નહી રહેતા એક કિનારો પકડવો સારો છે.

          આપણા પીરે તો જેમ એક ભૂમિમાંથી બીજી ભૂમિમાં જવું હોય ને વચમાં દરિયો આવે ત્યારે વહાણની જરૂર પડે છે તેવી રીતે આપણને હિન્દુ રૂપી ભૂમિમાંથી ખસેડી મુસલમાની ભૂમિ તરફ લઈ ગયા હવે કિનારે પહોંચવું આપણું કામ છે, નહીં તો એક સાધુની કહેવત પ્રમાણે :—

ધર્મ ધામ પહોંચ્યો નહીં, નહીં વૈકુંઠ નહીં વાસ,

અધ વચમેં લટકી રહ્યો, સાધુ સુંદર દાસ.”

          એવી રીતે દરિયામાં રહેવા કરતાં એક કિનારો પકડવો બહેતર છે. કાં તો હિન્દુ થવું ને કાંતો મુસલમાન થવું પણ હિન્દુ થવું ગમે નહીં તેથી મુસલમાની ધર્મ બરાબર સમજી પાળવો એજ ઠીક છે.

          જુઓ કે અમદાવાદ વિગેરે મોટા શહેરોમાં આવો સુધારો થઈ ગયો છે. પણ કચ્છ, કાઠીયાવાડ, કાનમ ચરોતર વિગેરેમાં તો હજુ કંઈપણ સુધારો થયો જ નથી જો કે આપણા પીરનો હુકમ છે કે “રોજા નીમાઝને બંદગી ભાઈ કલમાના મતચીઝ” કોઈ શખશને એકનો એક દીકરો હોય ને તે નાપાક એટલે ઝાડો પીશાબવાળો હોય તો તેનો બાપ નવરાવ્યા સિવાય ખોળામાં બેસાડશે નહીં તેમ આપણા પેદા કરનારની પાસે આપણે નાપાકીની હાલતમાં જઈશું, તો તે આપણને કેમ મંજુર કરશે કે? અર્થાત્‌ મુડદાંઓને ગુસલની રીત પ્રમાણે નહીં નવરાવતા એમને એમ દાટી દે છે અને જનાઝાની નીમાઝ પડાવતા નથી માટે કલમો નીમાઝ ગુસલ વિગેરેની રીતો જેવી રીતે આપણા પીરના ફરઝંદો પાળે છે તે મુજબ પાળવી જોઈએ. જુઓ કે પીરાણામાં મસ્જીદ છે. ઈમામખાનું છે. મદ્રસો છે. દરગાહમાં કુરાન શરીફની આયતો લખેલી છે. કુરાન શરીફ સીરહાને મુકેલા છે, વિગેરે રીતો તમે જોશો તો ખાત્રી થશે. આપણા પીર કે જેઓ પાકા શીઆ મઝહબના તેમનો હેતુ આપણને પુરા મુસલમાન કરવાનો હતો પણ શરૂઆતની અંદર જેટલું કરવાનું તે તેઓ સાહેબે કરી જિંદગી પુરી થવાથી બાકીની હકીકત અધુરી રહી તો ઉમેદ છે કે આપણા પીરના ફરઝંદો (સૈયદો) કાકાઓ તથા જમાતના આગેવાનો આ કામ માટે કોશીશ કરશે. લેખકે આ પ્રમાણે ભલામણ કરી છે અને તે વખતના પીરાણાની ગાદીના મુજાવર કાકા કરમસીના માટે લખે છે કે કરમસી કાકો હર વખત હઝરત અલીઆ અલેહીસ સલામને યાદ કરે છે. તેઓ પંજતન પાક અલેહીસ સલામની મીજલસો દર જુમે રાતે તથા ચાંદ રાતે પીરાણામાં કરે છે અને ચાલીશમા સુધી આકા ઈમામ હુસેન અલેહીસ સલામના ગમની મીજલશો કરે છે.

          બંધુઓ આપ હવે પૂરેપુરી રીતે સમજી શક્યા હશો કે પીરાણાનો પંથ આપણી જ્ઞાતિએ સત્વર ત્યાગી દેવાની જરૂર છે, છતાં આપણા માર્ગમાં જે મુશ્કેલીઓ દેખાય છે તે આગેવાનો અને મુખીઓ તરફની જ છે. કારણ કે આગેવાનો અને મુખીઓનો પણ એમાં સ્વાર્થ છે. મુખ્ય સ્વાર્થ કાકા અને સૈયદોનો આ સ્વાર્થમાં ઉણપ દેખાવાથી સૈયદો અને કાકો લડ્યા છે. કાકાઓએ સટ્ટાં અને એવા ધંધા કરીને પૈસા ખોઈ નાંખ્યા છે. સૈયદોને રોજ પૈસા જ ખપે છે અને તે કાકો જ પુરા પાડે છે એ વાત સમજાવાની પણ હવે જરૂર રહી નથી. હવે ખુદ સૈયદોને જાહેર રીતે કહેવું પડે છે પીરાણા પંથ એ મુસલમાની છે. આ વસ્તુસ્થિતિમાં હવે પીરાણાનો અર્ધદગ્ધ પંથ ટકવો મુશ્કેલ છે એ છતાં આપણે તો જરૂર આપણા કર્તવ્યમાં મચ્યા રહેવું અને આગેવાનો કોઈને જબરાઈઓ એ પંથ મનાવે નહિ, ગોળીઓ પીવરાવીને ભ્રષ્ટ કરે નહીં કે લાગા ઉઘરાવે નહિ એ તરફ પુરતું લક્ષ આપવું એવી દરેક ભાઈ—બહેનો પ્રત્યે મારી વિનંતી છે. (તાળીઓ) બંધુઓ ! પીરાણાના આ ધર્મભ્રષ્ટ પંથે ધર્મને બહાને અનેક હિન્દુ કુટુંબોને ભ્રષ્ટ કર્યા છે, કેટલાકની તો પુરી અધમ દશા થઈ ગઈ છે અને આપણી કોમની તેણે કેવી દશા કરી મુકી છે એ વિષય આપને સમજાવા મેં મારાથી બનતું કર્યું છે અને કરું છું. આ સભામાં બીજા કેટલાક વિદ્વાન ભાઈઓ પધાર્યા છે તેમાંથી જેને એ પંથનું કંઈ જ્ઞાન હોય તેઓ આપણને તે વિશે કંઈક સંભળાવે એવી આપણે તેમને વિનંતી કરવી જોઈએ અને સહુ ભાઈઓની વતી પ્રમુખ સાહેબની પરવાનગી લઈને હું તેમને વિનંતી કરું છું. (તાળીઓ)

          સ્વામી નિરંજન નામના એક સન્યાસી ઉભા થયા તેમણે જણાવ્યું કે મારા પૂર્વોશ્રમમાં હું તમારી જ જ્ઞાતિનો હતો, સુરત જિલ્લામાં ૪૨ના ગોળનો રહીશ કહેવાતો. આ પીરાણા પંથ એ જિલ્લામાં પણ કંઈ ઓછો નથી અને તે ધર્મના બહાને ચાલે છે વગેરે કહીને ધર્મની વ્યાખ્યા કરતાં વિષય ગહન હોવાની વાત જણાવી પોતે આર્ય સમાજના અનુયાઈ હોવાથી પોતાની પદ્ધતિ પ્રમાણે વિષયને છોડી ધર્મની શાખાઓ અને બ્રાહ્મણો ઉપર ઉતરી પડ્યા અને તેમ કરતાં ઘણો વખત લીધો. પીરાણાપંથના ગુણ દોષનું તો ક્યાંઈ તેમના ભાષણમાં નામ નિશાન પણ આવ્યું નહિ. પ્રમુખ સાહેબે તેમનું એ તરફ લક્ષ ખેંચ્યું છેવટે સમયનો અભાવ દર્શાવી પોતે બેસી ગયા.

          ભાઈશ્રી વસનજી ગણાત્રા — “વસંત” સંજ્ઞાથી ઓળખાતા એ વિદ્વાન વીર પુરૂષે પીરાણા પંથ ઉપર બોલતાં જણાવ્યું :—

          ક્ષત્રિય જાતીના મારા અહીં એકત્ર થયેલા બંધુઓની આ જાગૃતિ જોઈને મને પરમ આનંદ થાય છે. પીરાણાપંથ કે આગાખાની પંથમાં કંઈ ઝાઝો તફાવત નથી. સુરત જિલ્લામાં તો બ્રાહ્મણ, વાણીયા, કણબી જેવી ઉચ્ચ કોમોના લોહીથી એ પંથનો ઈતિહાસ લખાયો છે. ખોજાઓના ૨૧ કુટુંબોએ હમણાં એ પંથને તજી દીધો છે. સતપંથના દુર્ભાગ્યે મારે એ વિષયનું સાહિત્ય જોવું પડ્યું અને મેં જોયું છે તે નિરપેક્ષ તરીકે મારે આપને સત્ય કહેવું પડે છે. આ બંને પંથોમાંથી એકે હિન્દુધર્મની શાખા તો નથી જ પરંતુ એ પંથની અધોગતિનું પ્રમાણ પણ આપને હું કેવી રીતે દર્શાવું ! મુસલમાનો પણ એ પંથના સૈયદોને કાફર સમજી તેમનું પાણી સરખું પણ પીતા નથી ! આ પંથના યોજકોને હું કઈ ઉપમા આપું એ પણ સમજાતું નથી. હિન્દુઓને વટલાવા માટે બેહસ્તની અને હુરાઓની લાલચો આપી છે. તે પ્રસંગે કદાચ અજ્ઞાન પણ આગેવાન જેવા ગૃહસ્થોને તેમણે મહેલોમાં નિશાથી ચકચુર બનાવી ઈરાનની પરીઓ જેવી સંતાડી રાખેલી છોકરીઓ દેખાડી વાંદરા જેવા બનાવ્યા હશે એમ અનુમાન થઈ શકે છે. કદાચ એવા સ્થળોએ શેઠીયાઓને આંખે પાટા બાંધીને લઈ જવામાં આવતા હશે અને બાગે બેહસ્તની મઝા ઉડાવા દેતા હશે ! આવો પણ એક જમાનો વચમાં આવી ગયો છે. કારણ બુદ્ધ ગયા હતા અને શંકરાચાર્ય પણ ગયા છતાં વિચારોનું પ્રાબલ્ય જામ્યું નહોતું. વલ્લભાચાર્ય કે રામાનુજાચાર્ય થયા નહોતા. લુંટફાટ ચાલી રહી હતી. વામી સિદ્ધાંતનું પ્રાબલ્ય હતું. તે ચાલતો હતો તેને પકડી લીધો. તેમાં હરિશચંદ્ર, રામ, બુદ્ધ વગેરેને નાંખ્યા. ગૌબ્રાહ્મણ પ્રતિપાળ ગણાતા ગાયોનું રક્ષણ કરનારા આદર્શરૂપ પુરૂષોના હાથે એ પંથની મહત્તા બતાવા ગૌવધ કર્યાની વાતો લખી કાઢી. તે પ્રસંગે બ્રાહ્મણો ઉપર મુસલમાની રાજ્યોનો બહુ જુલમ હતો. તે દોષ ક્ષત્રિયોનો જ કહેવાય તેમાં બ્રાહ્મણને નિંદવા એ અઘોર પ્રકારનું અજ્ઞાન દર્શાવે છે. એ બ્રાહ્મણો જો ન હોત તો આજે હિન્દુસ્થાનમાં હિન્દુધર્મનું નામ પણ ન હોત. કણબી ન હોત તો આજે આ દેશમાં અનાજની ખેતી પણ ન હોત. છતાં આજે પણ શું છે આ ઉદ્યોગી અને ક્ષાત્રકૂળ દિપક કોમ ન હોય તો લોકોને પુરું ખાવાનું પણ ન મળે. પ્રજાને પહેરવાના કપડાં તો જડે જ ક્યાંથી? તમે ઓછામાં ઓછા પાંચ કરોડ તો બરાબર ક્ષત્રિય છો તે પુરા અને સાચા ધર્મ કર્મવીર ક્ષત્રિય બનો એવી મારી તમને નમ્ર વિનંતી છે. વગેરે વગેરે ઘણી અસરકારક અને બોધદાયક વાતો શ્રોતાઓના હૃદયમાં ઘર કરી બેસે તેવી રીતે એ ભાઈએ કહી હતી.

          ત્યારબાદ શેઠ શીવદાસભાઈ ચાંપશી, મિ.મહીદાસ પ્રેમજી, મોહનલાલ ત્રિભોવનદાસ વગેરે કંઈક બોલી ગયા બાદ સદરહુ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને તે દિવસની બેઠકનું કાર્ય રાત્રે આઠ વાગે બંધ કરવામાં આવ્યું હતું.

સબજેક્ટ કમિટિની બીજી બેઠક

          રાત્રે જમીને પરવાર્યા બાદ નવ વાગે મેમ્બરોએ કમિટિમાં હાજરી આપવી શરૂ કરી હતી. આગેવાનો સંબંધીના ઠરાવે કેટલાક પ્રેક્ષકોને પણ રાત વેઠવાના શ્રમથી નિર્ભય બનાવ્યા હતા. આગેવાનોના જુલમ સંબંધી મહારાવશ્રીને અપીલ કરવાને લગતો ઠરાવ મિ.કેશવલાલભાઈ વકીલે ઘડી કાઢ્યો હતો જે મેમ્બરોને વાંચી સંભળાવામાં આવ્યો હતો. જુલમગાર આગેવાનોમાં પા.કાનજી દેવશી ધોળુ ગામ માનકુવાવાળાનું નામ ઉમેરવામાં આવ્યું હતું અને સહુ ભાઈઓ વચ્ચે સમજુતી થવાથી એ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. છુટાછેડાનો અધમ રિવાજ નાબુદ કરવાનો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો અને તે પસાર કર્યા બાદ પરિષદનો ઉદ્દેશ અને બંધારણને લગતો જે ખરડો સ્વાગત કમિટિએ પસાર કર્યો હતો તે ઠરાવ તરીકે પરિષદમાં રજુ કરવા માટે વાંચી સંભળાવ્યા બાદ તે વિશેનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. સદરહુ ઠરાવના અંગે એક વ્યવસ્થાપક મંડળ અને સેક્રેટરીની નિમણુંક કરવાની હતી તેમજ પરિષદની હેડઓફિસ પણ ક્યાં રાખવી એ વાતનો વિચાર આ ઠરાવના અંગે કરવાનો હોવાથી ઠરાવે સારો વખત લીધો હતો. બાદ પરિષદે પસાર કરેલા ઠરાવો અને તેનું કામકાજ કરવાની સંપૂર્ણ સત્તા જનરલ સેક્રેટરી ભાઈશ્રી નારાયણજીને આપવાનો તેમજ પ્રમુખ સાહેબને પણ સત્તા હોવાનો તથા સ્વ.જ્ઞાતિબંધુ ભાઈ ખેતા ડોશાના મરણ નિમિત્તે શોક પ્રદર્શિત કરવાનો અને જે જે ભાઈઓએ ગુજરાતમાંથી પધારી પરિષદના કાર્યમાં સહાય કરી હોય તેમનો ઉપકાર માનવાને લગતા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યવાહકો તથા જે જે ગૃહસ્થોએ પોતાનો સામાન કે જગ્યા આપી હોય તેમનો તથા પ્રમુખ સાહેબ અને અન્ય વિદ્વાનવર્ગ પૈકી જેનો આભાર દર્શાવાની જરૂર હોય તેવા ઠરાવો ઘડી કાઢી પરિષદમાં રજુ કરવાની, આ કમિટિ તરફથી તેના સેક્રેટરીને સત્તા આપવામાં આવ્યા બાદ મોડી રાત્રે ત્રણ વાગે કમિટિનું કાર્ય સંપૂર્ણ થયેલું જાહેર કરવામાં આવ્યું હતું.

 

તા.૨૦—૪—૨૪નો ત્રીજો દિવસ

.         કામની શરૂઆત શ્રી કુળદેવીની સ્તુતિ વડે લગભગ બે વાગે કરવામાં આવી હતી, ત્યારબાદ નીચે જણાવેલો ઠરાવ રાજાભાઈ શામજી ધોળુએ રજુ કર્યો હતો.

ઠરાવ ૩ જો

          “આ પરિષદને ખાત્રી થઈ છે કે આપણી જ્ઞાતિના નીચે જણાવેલા કહેવાતા આગેવાનો પીરાણાના બહાને દશોંદ અને વીશોંદ જેવા લાગા ઉઘરાવી તે પૈકીની મોટી રકમ ખાઈ જાય છે અને ધર્મની છુટનો કાયદો (Freedom of Religion Act) કચ્છ દેશને લાગુ છતાં જે આપણા જ્ઞાતિબંધુઓ પીરાણાનો ધર્મ છોડી હિન્દુ સનાતન ધર્મ પાળવા પોતાની તીવ્ર ઈચ્છા ધરાવતા હોય તેમના ઉપર અને તેમના સગાં વહાલાં અને લાગતા વળગતાઓ ઉપર ત્રાસ કરી પોતાની કહેવાતી પટલાઈની સત્તાનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેમને જ્ઞાતિ બહાર મુકી તેમની પાસેથી સખત દંડ લઈ તે રૂપિયા પણ ખાઈ જાય છે જેથી ઉપર જણાવ્યા પ્રમાણે જે નાણાં વિશ્વાસઘાતથી ખાઈ જવામાં આવે છે તેમજ ઉપર જણાવેલા ધર્મની છુટના કાયદાનો ભંગ કરવામાં આવે છે તે થતો અટકાવવા માટે તેમજ જ અત્યાર સુધીમાં એવાં જે જે કૃત્યો કરવામાં આવ્યા હોય તેની કાયદેસર તજવીજ કરી તેમાં ઘટતું કરવા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ નોધારાધાર ધર્મધુરંધર અખંડ પ્રૌઢ પ્રતાપ મહારાજાધિરાજ મીરઝાં મહારાવ શ્રી ૭ સર ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ.નું મુબારક લક્ષ ખેંચવા આ પરિષદ ઠરાવ કરે છે.”

         

કહેવાતા આગેવાનોના નામ

કાનજી દેવશી ધોળુ

માનકુવા

અરજણ માવજી

નાગવીરી

પા.રામજી દેવજી

માનકુવા

પા.હંસરાજ દેવશી

દેશલપર

પા.હીરજી ખીમા

મંગવાણા

પા.જસા શીવજી

કુરબઈ

મુખી ખેતા મુળજી

ગઢશીશા

પટેલ પ્રેમજી વાલજી

વિથોણ

પટેલ શીવજી જેઠા

નખત્રાણા

પટેલ શામજી લધા

કોટડા (જડોદર)

મુખી અરજણ ડાયા

ખોંભડી

પટેલ વસ્તા ખીમા, ભગત

ખોંભડી

પટેલ ગંગદાસ ખેતા

રસલીયા

પટેલ કરમશી શીવજી

નેત્રા (માતાજીના)

મુખી અબજી હીરજી

નેત્રા

મુખી દેવસી લધા

રવાપર

પટેલ પરબત ખીમા

ઘડુલી

         

ઉપરનો ઠરાવ રજુ કરતાં રાજાભાઈ શામજી ધોળુ ગામ—માનકુવાવાળાએ જણાવ્યું પ્રમુખ સાહેબ અને પ્રિય ભાઈઓ આગેવાનોના જુલમ સંબંધીનો આ ઠરાવ ગઈ પરિષદમાં પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કચ્છમાં આગેવાનોએ કેવું વલણ લીધું છે તે સંબંધી સબજેક્ટ કમિટિમાં ચર્ચા ચાલી હતી. આગેવાનોએ કોઈ પ્રકારનો પોતાના વર્તનમાં ફેરફાર કર્યો નથી એમ મારું ચોક્કસ માનવું છે. ગઈ વખતે આગેવાનો સંબંધી ગણતરી કરતાં ૧૬ જણ થયા હતા. હમણાં આપે તેમાં કોઈનું નામ ઘટાડવા જેવું કે વધારવા જેવું છે કે નહિ તેની ચર્ચા કરતા તે બધા નામ કાયમ રાખવામાં આવ્યા છે. ઉપરાંત એક સત્તરમાં ભાઈ ઉમેરાયા છે. આ ભાઈનું નામ મેં ઉમેરાવ્યું છે અને નાત ઉપર જે જુલમ કરે છે અને તે સુધારાના કામમાં આડા આવે છે તેનો મને પુરો અનુભવ થયો છે. અમારા માનકુવામાં જ નહિં પણ રાજદરબારે જવું હોય ત્યાં પણ એ સત્તરમાં ભાઈ કાનજી દેવશી ધોળુ મુખ્ય ભાગ ભજવે છે. અરજીઓ કરવા વગેરેના કામમાં પણ તે ભાઈ આગેવાની કરે છે. આપણને દુનિયામાં બહુ શરમાવનારો જે ધર્મ પીરાણાપંથ છે તેની રાહે લાગા ઉઘરાવામાં જે પૈસા આવે તેમાંથી આગેવાનો ખાઈ જાય છે. પૈસા ઉઘરાવવા એ જ તેમનો તો ઉદ્દેશ છે. આ સત્તરમો જે ગેઢેરો નવો થયો છે તે સુધારાની વાતોમાં મુખ્ય કરીને વાંધો લે છે અને નાતભાઈઓને બહુ કનડે છે. બીજી અનેક રીતે પણ તે કનડગત કરે છે તેની ખાત્રી આપવા માટે આ ઠરાવ હું રજુ કરું છું. જરૂર પડશે તો તે પુરવાર કરી આપવા અને ભાઈઓની સેવા બજાવા તેમની મદદ લઈને હું ચુકીશ નહિ. પરિષદની પહેલી બેઠકનું પ્રમુખપદ લઈને મેં મારાથી બનતી નાતની સેવા કરી છે. મારી હાજરીથી ઘણા ભાઈઓ પરિષદમાં આવ્યા છે. પીરાણાપંથની પહેલાં બહુ ચર્ચા થઈ નહોતી. તેને અર્ધદગ્ધ પંથ કહેવામાં આવ્યો. મેં તેને આપણા શીરે કલંકરૂપ હોવાનું કહી દીધું. આ ઉપરથી બહુ ચર્ચા થઇ અને તે કાનજી દેવશી વિરુદ્ધ પડ્યો છે. સુધારાવાળાને કનડવા તેનાથી બનતું કરે છે. નથુ માવજી જે કરાંચીમાં છે તે ગરીબ છે. પરાણે પેટ ભરે છે. તેની બાયડી દેશમાં છે તેને એ કાનજીએ અટકાવી દંડ દેવાનું કહ્યું. ૫૦૦ કોરીનો મચરકો તેની પાસેથી લખાવી લીધો તે એવી રીતે કે તેણે સુધારાવાળામાં ભળવું નહિ. આવા નિર્લજ કામો એ માણસ કરે છે તેથી તેનું નામ ઉમેરવામાં આવ્યું છે. પરિષદના ઉદ્દેશથી તે વિરુદ્ધ કામ કરતો હોવાથી મેં સહુ ભાઈઓને સબજેક્ટ કમિટિમાં તે વાત સમજાવીને તેનું નામ ઉમેરાવ્યું છે.

          મેં મારી દીકરીના છુટા લગ્ન વેદ વિધિ પ્રમાણે કર્યા ત્યારે મારા વિરુદ્ધ પડી આગેવાનોને ઉશ્કેરવામાં તેમજ સગાં કુટુંબીને પણ અટકાવ કરવામાં તેણે જ ભાગ લીધો હતો. તે પ્રસંગે મેં બહુ મોટી જહેમત ઉઠાવી હતી. ત્યારે આગેવાનોને પોતાના ઘેર એકઠા કરી તેણે સજા કરાવી હતી. અમારા વિરુદ્ધ એજ માણસ બધું કામ કરે છે તેથી મેં એનું નામ ઉમેરાવ્યું છે. બાકીના આગેવાનો કેવા જુલમ કરે છે તે સંબંધી ઘણું કહેવાયું છે અને લખાયું છે એટલે આ ઠરાવ કરવાની કેટલી મોટી જરૂર છે તે સમજી લેશો અને પસાર કરશો એવી અરજ કરું છું.

          ભાઈ રતનશી શીવજીએ ઠરાવને ટેકો આપતાં જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને જ્ઞાતિભાઈઓ ! મારી આગળ રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા એક નવા આગેવાન વિશે બોલી ગયા અને તેમને એણે જે કનડગત કરેલી તે ઉપરથી એનું નામ તેમણે ઉમેરાવ્યું. આવા આગેવાનો તો ઘણાએ છે પણ તે બધામાં શીવજી પટેલ મુખ્ય છે તેના માંથે જ બધું થાય છે. ખરું પુછો તો એ એક જ માણસને પુરો સમજાવાની જરૂર છે અને તેથી આપણું ઘણું કામ અટકે છે. આથમણા પાંચાડામાં નાગવીરીમાં વળી એક અરજણ માવજી નવો થયો છે, જે કોઈ સુધારામાં ભળે તેના સગપણો તોડવાનું અને દંડ લેવાના કામનું એણે બીડુ ઝડપ્યું છે. પ્રેમજી હીરજીને સગપણો તોડવાની બાબતમાં એણે બહુ કનડગત કરી છે. આગેવાનોનો મોટો જુલમ તો એ છે કે પીરાણાના પંથની રાહે જ્ઞાતિને પુરી ચઢાવીને મુસલમાન જેવી બનાવી દેવી ! ખાનામાં આ પીરાણું સમાઈ ગયું છે અને એ ખાનાના સત્તાધારી તે આગેવાનો જ છે ત્યાં આપણા ભાઈઓને મુમના બનાવા માટે અનેક પ્રકારના જુલમ કરે છે, જેના ઘર બરાબર ચાલતાં હોય તેવાના પણ જબરાઈએ છુટકા કરાવે છે. માવજી કરસનનું ઘર બરાબર ચાલતું હતું. બિચારી બાઈએ ઘણુંએ ના કહ્યું છતાં તેનો ૧૦૦૦ કોરી દંડ કરીને છુટકો કરાવ્યો ! મારું નામ હવે એને બહુ નજરે ચડ્યું છે. એટલે મારા ઉપર જુલમ કરવાનું એ અરજણ માવજીએ બીડું ઝડપ્યું છે. મને પોતાને બહુ રીતે હેરાન કરે છે છતાં તેનાથી હું ડરતો નથી. હું સુધારાવાળો છું અને આગળ પડતો ભાગ લઉ છું એ તેનાથી જોયું જતું નથી છતાં હું મારો ધર્મ બરાબર સમજ્યો છું અને તે સહુ ભાઈઓને સમજાવાનું પણ મેં એના સામે બીડું ઝડપ્યું છે. આગેવાનોની કનડગત એક પ્રકારની જ નથી એટલે તેમને તો હવે ગેઢેરાપણું કરતા અટકાવે જ છુટકો છે. હું આશા રાખું છું કે સહુ ભાઈઓ આ ઠરાવ પાસ કરવાની જરૂર બરાબર સમજશે અને તેને પુરતો ટેકો આપશે. (તાળીઓ.)

          ભાઈ શીવજી કાનજી પારસીયા ગામ નખત્રાણાવાળાએ જણાવ્યું કે ભાઈઓ ! આગેવાનોના જુલમ સંબંધી જે ઠરાવ રાજાભાઈએ રજુ કર્યો છે અને ભાઈ રતનશીએ ટેકો આપ્યો છે તે બરાબર છે હું પણ અંતઃકરણથી આ ઠરાવને ટેકો આપું છું. રાજાભાઈ શામજીએ એક આગેવાન વિશે તો બહુ બહુ વાતો કરી છે. દ્રૌપદીને છેડવાનું બીડુ એક કીચકેજ ઝડપ્યું હતું તેમ એક જણ પણ બહુ કનડગત કરતો હશે પણ આપણે હવે આગેવાનોના જુલમ સામે જોઈને બેસી રહેવાનું નથી. તેમની સામે થવામાં પછાત ન રહેવું તેમને જેમ કાકા પાસેથી પાઘડી બાંધવી છે તેમ આપણે કંઈ બાંધવી નથી તો ડરવું શા માટે. જેને પટલાઈ કરવી નથી તે તો એમને બરાબર સામે જ થવું જોઈએ. આ પરિષદો ભરીને જ્ઞાતિનો ઉદ્ધાર કરવાનું આપણે બહુ સારું કામ કરીએ છીએ તેમાં ડરવું શા માટે જોઈએ. કોઈએ ડરવું નહિ અને આગેવાનોના જુલમનો અંત લાવવા માટે જેનામાં જેટલી શક્તિ હોઈ તે વાપરી તેમની સામે થવું એ મારી મુખ્ય અરજ છે. (તાળીઓ).

          ભાઈ રતનશી ખીમજીએ સદરહુ ઠરાવના અંતે બોલતાં જણાવ્યું કે મે. પ્રમુખ સાહેબ અને ભાઈઓ ! આગેવાનોના જુલમ સંબંધી દરેક સભામાં અનેક પ્રસંગે મેં બહુ કહ્યું છે. તમારી પાસે તે જાણવાનું સાહિત્ય પણ બહોળુ થઈ ગયું છે છતાં આજે મારા માંથે જે ફરજ છે તે તો બજાવવી જ જોઈએ, નાતનું ભલું કરતા હોય એનું નામ આગેવાન. પહેલાં અને આજે પણ એવા જ માણસોને આગેવાન ગણતા અને ગણાવા જોઈએ. નાતને તો આગેવાનોની વાડ હોય. તેમનું રક્ષણ હોવું જોઈએ છતાં આપણે ત્યાં તો વાડ ઝાડને ખાય છે. આવી વાડનું આપણે શું કામ છે? જ્યારે તે લોકો આપણા ઉપર ત્રાસ ગુજારે છે, દંડો લે છે, અનેક પ્રકારના કાવાદાવા કરીને પૈસા ખાઈ જાય છે અને નાતની કોરીઓથી ખીસ્સાં ભરે છે ત્યારે આપણે હવે તેમનું શું કામ છે. હું તમને ખાસ ભાર દઈને કહું છું કે એ જુલમગારોને ધરમ સાથે ઝાઝું કામ નથી તેમને તો પોતાના ખીસ્સાં કેમ ભરાય એટલો જ ખપ છે. આ હેતુ તેમનો જળવાય તો સુધારાવાળા સાથે એમને ઝાઝી તકરાર નથી. પણ સુધારાવાળા ખાનાઓને પાયામાંથી જ ખોદવા બેઠા છે એટલે તેમના ખીસ્સાં ભરાતાં બંધ થાય છે એ તેમને સાલે છે. તેમને કોઈ બીજી પરવા નથી. આગેવાની કરતાં ગમે તે રીતે તેમને ખાવાનું મળે એટલી જ તેમને પરવા છે. પણ આપણે ખોટી રીતે માની લીધું છે કે તેમના વગર તો ગાડુ ચાલે જ નહિ ! તેથી એક પ્રકારની તેમની આપણે ગુલામગીરી જ સ્વીકારી છે. ગરીબ ભાઈઓ કે જેમનો કંઈ અવાજ નથી તેમની પાસે એ લોકો કેટલી ગુલામી કરાવે છે ! તેમની સત્તાનો દોર એટલો તો મજબૂત હોવાનું એ માને છે કે આપણા ભાઈઓને તેમને ખપ પડે અને બળદીયા ન જડે તો બળદીયાની જગ્યાએ જોડે છે. હવે તેમને પરિષદોની બેઠકોથી સમજાયું કે પીરાણાના પંથમાં ધરમ જેવું કંઈ છે જ નહિ, માત્ર તમને હિન્દુપણામાંથી ટાળી દેવાની જ તેમાં બધી વાતો થાય છે. તમને અહીંયા સહુ વક્તાઓ તમારો સાચો ધર્મ શું છે તે સમજાવે છે એ પુરું સમજો અને કચ્છની નાતના માંથે જે કાળી ટીલી છે તે તમે કાઢી નાંખો. પરિષદની હીલચાલ છતાં પણ તેમના જુલમો ઓછા થયા નથી અને તમે સહુ તેના ભોગ થતા આવો છો એ મોટી શરમ ભરેલી વાત કહેવાય. આપણા જેવા ઉચ્ચ કોમના ફરજંદને એ વાત નીચું જોવડાવનારી છે. આગેવાનોના જુલમનો હવે અંત આવી જવો જોઈએ. કારણ તેની હવે કોઈ હદ જ રહી નથી. આવા ધર્મના કામને તેઓ સહન કરી શકતા નથી. તમને નમાવવા તમારા સગા સંબંધીઓને કનડે છે, દંડ લે છે, નાતબહાર કરે છે અને ગમે તે પ્રકારે તેમના જોડા નીચે નમાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આપણા કચ્છ વિભાગમાંથી સડો દૂર થતો નથી તેનું કારણ માત્ર તેમના ત્રાસની ભીતિ જ છે. તમે સહુ પોતાની જાતને સ્વતંત્ર બનાવા પુરતો પણ વિચાર કરી શકો નહિ એ કેટલા દુઃખની વાત છે. આપણે સહુ એક ઉચ્ચ અને પવિત્ર કોમના સંતાન છીએ એ વાત તમે બરાબર સમજો તો હું તમારો ઉપકાર માનીશ. હું જાણું છું તમને એ નરાધમોની મોટી બીક છે છતાં ખાત્રી રાખજો કે તમે જો સત્યના માર્ગે ચઢી સ્વધર્મ પ્રમાણે ચાલશો તો એમના પાપ જ એમને ખાઈ જશે. એમની જે સત્તા આજે ચાલી રહી છે તેને સત્વર નાબુદ કરવા સહુ ભાઈઓ પોતાની બનતી મહેનત અને મદદ કરશો એવી મારી ખાસ વિનંતી છે. (તાળીઓ)

          ભાઈ માવજી શામજીભાઈ લીંબાણી ગામ દેશલપરવાળા એ ઠરાવને ટેકો આપતાં જણાવ્યું કે મે. પ્રમુખ સાહેબ પ્રિય જ્ઞાતિ ભાઈઓ. આ સભામાં આગેવાનના જુલમ સંબંધી ચર્ચા સારી રીતે થઈ છે. જે જે ભાઈઓ જે બોલી ગયા છે તે બરાબર સાચુ જ છે. પીરાણાનું ધર્મ જે કલંકરૂપ છે તે આગેવાનો ઝાલી રાખે છે અને એ લોકો જ આખી નાતને અભડાવી રહ્યા છે એ તદ્દન સાચી જ વાત છે. ઘણું કહેવાયું છે એટલે હું કંઈ બોલતો નથી. સહુ ભાઈઓ ઠરાવને ટેકો આપશો. (તાળીઓ).

          ભાઈ નારાયણજી રામજી ગામ વિરાણીવાળાએ અનુમોદન આપતાં જણાવ્યું — આગેવાનોના જુલમે તો આખી નાતની પાયમાલી કરી છે અને તેના દુઃખ બધા ભાઈઓ રડી ગયા છે જેઓ બોલી શકતા નથી તેમના હૃદય એમના ત્રાસથી કંપી રહ્યાં છે અને રડી રહ્યાં છે. હવે આ જે મોટું દુઃખ છે તેનો ત્યાગ કેમ કરવો એ જ આપણો ઉદ્દેશ છે. આવડી મોટી બ્રિટિશ સરકાર તેના લીધે જે દુઃખો હોય તે કહી શકાય છે તેના સામે બાજી શકાય છે પણ આગેવાનોના જે દુઃખ આપણને છે તે કહી શકાતાં નથી એ ઉપરથી તમે એટલો તો વિચાર કરો કે તેમની સત્તાનો દોર કેટલો જામ્યો છે. કોઈની દીકરીયું અને કોઈની બાયડીઉ ગમે તે ટાણે પડાવી લે અને ગમે તેને આપે ! આ જુલમ તમે કેમ સહન કરી શકો છો એ હું તો સમજું છું પણ હવે તમારી ગુલામી દશાની પણ હદ આવી ગઈ છે. મારા બંધુઓ જાગો ! બાયલાપણું અને નબળાઈ તજી દો. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા છો. તમારા બાપદાદા કેવા હતા અને તમે કેટલા ઉતરી ગયા છો તે આંખો ઉઘાડીને જુઓ. ન સમજાય તો કોઈને પુછો. તમે જેટલા તેમને નમતા જશો એટલા તેઓ તમને વધારે ગુલામ બનાવશે કારણ તેઓ નિર્દય છે. અધર્મના પંથે ચડી ગયેલા એ ભ્રષ્ટ હૃદયના જુલમગારોને તમારા માટે જરાએ લાગણી કે દયા જેવું કંઈ છે જ નહિ. મને ખાત્રી છે કે ધર્મની રાહે જવામાં ઈશ્વર જરૂર તમને સહાય થશે. તમે હાથ જોડશો તો એ સામા થશે, જોડો ખણસો તો એ નરાધમો અધમ પ્રકારના ધંધા છોડી દેશે. એ લોકો જે સત્તા ચલાવી રહ્યા છે તે આપણને જ આભારી છે. તમે એ સત્તા નભાવી રાખો છો. તમે એમના બારણે ન જાઓ, એમની વાત ન માનો અને તમારા કે તમારા કુટુંબ ઉપર તેમની જે સત્તા કે લાગવગ હોય તે તરછોડી કાઢો એટલે તમારે બીજું ભાગ્યે જ કરવાનું રહેશે. નિરાધાર કે પક્ષ વગરના આપણા રંક ભાઈઓ ઉપર તેમની સત્તા ચાલશે અને તેનો વિચાર પણ કરી લેવાશે પણ તમે અહીં બેઠેલા ભાઈઓ કે બહેનો એમની સત્તાને કોઈ વાતનું વજન આપશો નહીં તો આ ઠરાવનો અમલ આપોઆપ થઈ જશે. મુરખ અને નિરક્ષર તેમજ આધાર વગરના રંક ભાઈઓ ઉપર એ લોકો પોતાની સત્તાનો દોર ચલાવી રહ્યા છે તેનો આ ઠરાવ ઘડીને વિચાર કરવામાં આવ્યો છે પણ તેનો અમલ તો ત્યારે જ પૂરેપૂરો થશે કે જ્યારે સહુ ભાઈઓ એ ઠરાવને અમલમાં મૂકવાના કામમાં સાથ દેશો. આપણામાં ઘણા ભાઈઓ એવા છે કે તેમને પહોંચી શકે એટલે તમારે એમનાથી ડરવાનું કંઈ કારણ નથી. તમે સહુ ભાઈઓ તમારી આંખે જ જોતાં શીખો. તમારું હૃદય કહેતું હોય તેજ કામ કરો અને તમારા પગ ઉપર ઉભા રહેતાં શીખો એવી વિનંતી સાથે આ ઠરાવ પસાર કરવાની હું વિનંતી કરું છું. (તાળીઓ).

          આ ઠરાવની વિરુદ્ધ કોઈને કંઈ કહેવાનું હોય તો તે કહેવું ન અને કહેવું હોય તેમણે ઉંચા હાથ કરી પોતાનો મત દર્શાવવો એ પ્રમાણેની સુચના ઉપરથી સહુ ભાઈઓએ હાથ ઉંચા કર્યા હતા અને ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. મરણ પાછળના જમણો નહીં કરવા અને નહીં જમવાને લગતો ઠરાવ ત્યાર બાદ હાથ ધરવામાં આવ્યો હતો.

ઠરાવ ૪ થો

મરણ પાછળના કારજો શાસ્ત્ર વિરુદ્ધ અયુક્ત ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનાર હોવાથી તેને સદંતર નાબુદ કરવા અને તેવા જમણો નહીં જમવાનો આ પરિષદ ઠરાવ કરે છે.

          સદરહુ ઠરાવ રજુ કરતાં રા.રતનશીભાઈ કરસને જણાવ્યું કે પ્રિય ભાઈઓ અને બહેનો મરણ પાછળના જમણો કરવાનો રિવાજ એ પણ એક પ્રકારનો આપણામાં સડો પેઠો છે. આ ઠરાવ જો કોઈ વિદ્વાન ભાઈએ રજુ કર્યો હોત તો તમને બહુ જાણવાનું મળત. છતાં મને ફરજ પાડી ત્યારે તે હું રજુ કરું છું. આ કંઈ કારજ ન કહેવાય તેને તો પ્રેત ભોજન  કહેવામાં આવે છે. આ પ્રેત ભોજન કરવાનું તો હિન્દુઓના શાસ્ત્રોમાં લખ્યું નથી એટલે તે રિવાજને નાબુદ કરવા આપણી નાતની દરેક સભામાં દરેક સ્થળે કહેવામાં આવે છે. બીજી નાતો આ વાતની કેમ ચર્ચા નથી કરતી એમ કોઈ અજ્ઞાન ભાઈને લાગશે પણ બીજા શા માટે કરે ! જેના પેટ દુઃખે તે જ એ રિવાજની ચર્ચા કરે. કાઠીયાવાડ, ગુજરાત. નિમાડ, માળવા વગેરે આપણી નાતની સભાઓમાં હું ફર્યો છું અને દરેક ઠેકાણે આ દુઃખ રોવું પડે છે. આવા કારજો કરવાથી ઘણા ભાઈઓ મજુરી કરવાની સ્થિતિમાં આવી ગયા છે એ વાત મેં દરેક ઠેકાણે સાંભળી છે. આ નિમિત્તે આપણે કોઈને ઘેર ખાઈએ એટલે આપણે બધાને ખવરાવવું જ પડે છે અને તે ફરજિયાત થઈ જાય છે. આ પ્રેત ભોજન જમવું એટલે પાપ ખાવું એવો અર્થ છે. પાપ ખાવા કરતાં તો આ દેહનો નાશ કરી નાંખવો એમ મને તો લાગે છે. આપણી જ્ઞાતિમાં આ રિવાજ કેવી રીતે ઘુસી ગયો છે તેનો ચિતાર ઘણા વિદ્વાનોએ આપ્યો છે પણ આ રિવાજ તે રિવાજના રૂપમાંથી આપણો કટ્ટો દુશ્મન થઈ પડ્યો ત્યાં સુધી આપણે આંખ ન ઉઘાડીએ એ કેટલી દિલગીરીની વાત કહેવાય. હું તમને શું સમજાવું પણ એટલી તો ભલામણ જરૂર કરું છું કે આપણા જે વીર પુરૂષ અમરસિંહ દેસાઈ ભાઈએ “માધાના પિતાનું પ્રેત ભોજન” લખ્યું છે તે તમે જરૂર વાંચજો. મને બહુ દુઃખ થાય છે કે આજની આપણી આ સભામાં તેવું આખ્યાન કરવાની તક પ્રભુએ તેમને પોતાની પાસે બોલાવીને આપણી પાસેથી લઈ લીધી છે. આવા સેંકડો માધા હું આપણા દેશમાં જોઉં છું. હું પોતે પણ એ માંહેનો જ છું. ભાઈઓ ! તમે વિચાર કરો કે આપણી નાતમાંથી એ માર્ગે કેટલી કોરીઓ તણાઈ ગઈ હશે અને કેટલા ભાઈઓ ઘરબાર ને વાડીઓ વગરના થઈ ગયા છે. આ રિવાજ પાયમાલી કરનારો છે એટલે એવા પ્રેત ભોજન કોઈએ કરવા નહિ અને જે કોઈ કરે તેને રોકવા અને ખાવા તો જવું જ નહિ. આ પ્રકારે જ્યારે તમે દૃઢ થશો ત્યારે બીજા ભાઈઓનું એ તરફ ધ્યાન ખેંચાશે, આપણા પૈસા આપણા ઘરમાં જ રહેશે અને પૈસા હશે તો ઘણાં સારાં સારાં કામ કરીશું. (તાળીઓ) ભાઈ માવજી શામજી લીંબાણી ગામ દેશલપરવાળાએ જણાવ્યું કે :—

          ભાઈઓ અને બહેનો, મારા વડીલ રતનશીભાઈએ તમને આ ઠરાવ વિશે બરાબર કહ્યું છે. મને તો પેટની દાઝ છે એટલે તમને કહીશ જ. આ રિવાજના પરિણામે હું તો કંઈ ભણ્યો નહિ એટલે વધુ ઓછું બોલું તો માફ કરજો. પ્રેત ભોજન જમવું નહિ એવું મેં નક્કી કર્યું છે, કોઈનો દાડો ખાવો અને ઝાડો ખાવો એ મારે મન તો સરખું છે. અને સહુ ભાઈઓને હું વિનંતી કરું છું કે તમે પણ આજે જ એ રિવાજને તિલાંજલી આપી દેજો. જુવાન ભાઈ કે બહેન મરી જાય તેની પાછળ ત્રીજે દહાડે જમવું એ કેટલા દુઃખની વાત છે. તેના સગા વહાલાં રોતાં કકળતાં હોય તે ટાણે અનાજ ખાવું અને ધુળ ખાવી એ સરખું છે. આ ખાવા ખવરાવાનું કરે છે કોણ ! પેલા નિર્દય હૃદયના ગેઢેરા. આ ગેઢેરા તો કુંભારના ઘેર લાંબે દોરડે બંધાય છે તે માંહેના છે. એનું અને તેમનું માન સરખું જ સમજજો. પહેલાંના વખતમાં તો ધર્મના જેટલાં બંધનો હતા તે પ્રમાણે કરતા. આજે આપણામાં તો એ કાળાં કામો કરનારાઓએ ધર્મના બંધનો તો રાખ્યાં નથી પણ કાળાં બંધનો બાંધ્યા છે તેનો વિચાર કરી સહુ ભાઈઓ એમના બંધનોને તોડી નાખશો એવી મારી અરજ છે. (તાળીઓ).

          ભાઈ રતનશી ખીમજી ખેતાણી ગામ વીરાણીવાળાએ ઠરાવ ઉપર બોલતા જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને પ્રિય ભાઈઓ મરણ પાછળના જમણોનો રિવાજ મરનારની પાછળ કંઈક તો કરવું જોઈએ ને ! એમ સમજીને પડ્યો હોય તો પણ એટલી વાત નક્કી થાય છે કે મરનારને જો એનું પુણ્ય મળે તો એની પાછળ જમનાર એનું પાપ ખાય છે, પાપ કર્યા હોય તે ખાનામાં બેસીને જમનારા ખાઈ જાય છે એટલે તેનો એ અર્થ થયો કે આપણે જે કંઈ પુન્યદાન કરીએ તે એવા જમણ જમીને ધોઈ નાંખીએ છીએ, કોઈ પણ શાસ્ત્ર આ જમણોની વાતને ટેકો આપતું નથી, કોઈ વિદ્વાન એ વાતમાં સંમતિ આપતા નથી, ત્યારે પાપ ખાવાનો રિવાજ આપણે શા માટે રાખવો ! રતનશી ભાઈએ જે દાખલો આપ્યો છે તે બરાબર સાચો છે. મરનારના ઘરમાં ખાવા દાણો ન હોય તો પણ એક ટંકના વાળુ ખાતર તેના ઘર બાર કે વાડી લીલામ કરીને પણ દાડો કરવો પડે છે. મરનારના સગાં અનેક પ્રકારની વાતો કરીને જેનો બાપ, ભાઈ કે મા મરી ગઈ હોય તેને દાડો કરવા સમજાવે છે. આ પ્રકારે આ રિવાજના અંગે સગાં પણ દુશ્મનની ગરજ સારે છે. આવા દાડા કરીને ઘણા ભાઈઓ ભિખારી અને કંગાળ થઈ ગયા છે. અને નાતમાં ભૂખની બરકત થઈ છે. બંધુઓ, તેથી આવી ભૂખ વધારાની બરકતો કરનારા રિવાજો ત્યાગો. ખોટા મમતમાં આવી જઈને ખર્ચો કરતા અટકો એટલી મારી તમને વિનંતી છે.

          વિશ્રામ પાંચા ગાંગાણી ગામ વીરાણીવાળાએ ઠરાવ ઉપર બોલતાં જણાવ્યું કે ઘણા ભાઈઓ આવા ભોજન નહીં જમવાની પ્રતિજ્ઞાઓ લેવા આવે છે પણ જો આપણે એ વાત હૃદયમાં નક્કી કરી હશે તો એ રિવાજ પોતમાડો ભાગી જશે અને એનું દુઃખ પણ ટળી જશે. એકબીજાનું જોઈને કે શરમા શરમી કોઈ ઉઠાવશો નહિ. સહુ પોતાના મનથી ત્યાં બેઠા બેઠા પ્રતિજ્ઞા કરી લો તો સભાના વખતનો બચાવ થશે.

          ભાઈ નારણજી રામજીભાઈએ જણાવ્યું કે આ પ્રેત ભોજનો શાસ્ત્ર પ્રમાણે છે કે નહિ એ વાત આપણે કોઈ વિદ્વાનો કે શાસ્ત્રીઓ મારફત જાણવી જોઈએ. આ સભામાં પંડિત શ્રી કાર્તાંતિક જેવા બિરાજ્યા છે બીજા વિદ્વાનો અને સાક્ષરો પણ છે તેમને મારી હાથ જોડીને વિનંતી છે કે આ રિવાજના ખરા ખોટાપણા વિશે અમારા અજ્ઞાન ભાઈઓને શાસ્ત્રસંમત હોય તેવું જ્ઞાન આપે.

 

જ્યોતિર્વિભુષણ પંડિત શ્રી કાર્તાંતિકનું ભાષણ

          અધ્યક્ષ મહાશય અને પાટીદારભાઈઓ આ તમારો કણબીભાઈઓનો સમાજ જોઈને આજે મને ઘણો આનંદ થાય છે. જ્ઞાતિને લગતાં દરેક કાર્યો પંચ મારફતે થાય છે અને પંચ ત્યાં પરમેશ્વર એવું કહેવાય છે. ત્યારે આખી જ્ઞાતિનો સમાજ જ્યાં એકઠો થાય ત્યાં તો જે દેશકાળને લઈ યોગ્ય હોય એવા ધર્મના કામો થવાં જ જોઈએ. કેટલાક પ્રસંગે સંભવિત ન હોય એવું બને છે અને તેનો દાખલો આ તમારી પરિષદ છે. કચ્છ દેશના કણબી ભાઈઓમાં વિદ્યાનો ઘણો અભાવ છે છતાં આજે આ સભાનું મળવું જોઈને મને આશ્ચર્ય સાથે આનંદ થાય છે. તમારામાંથી માત્ર બેચાર ભાઈઓ ભણ્યા હશે તેનો જુઓ આ કેટલો મોટો પ્રભાવ દેખાય છે. વિદ્યાથી વિનય આવે છે. ધર્મ અધર્મની વાત પણ વિદ્યાથી સમજાય છે અને એ સમજાય ત્યારે મનુષ્ય પ્રાણીમાં ખરા મનુષ્યની પાત્રતા આવે છે. તમને બોધ આપવા મને ઊભો કરવામાં આવ્યો છે પણ હું મારી પાત્રતા એટલી મોટી સમજતો નથી. તમારા માંહેના જે જે ભાઈઓ કંઈક ભણ્યા તેમણે કંઈ કંઈ પુસ્તકો જાતે વાંચ્યા એટલે તમે કોણ છો એનું તેમને ભાન થયું. અત્યાર સુધી તમે સિંહના બચ્ચા હોવા છતાં પોતાને મેંઢીયામાં ખપાવતા હતા. તમે જાણો છો અને હું તમને કહું છું કે તમે ખાત્રીથી માનજો કે તમે કણબી ભાઈઓ માણસ જાતમાં સિંહ સમાન છો. તમે બ્રાહ્મણ વર્ગને ઉપદેષ્ટા તરીકેનો હક્ક આપ્યો છે એટલા માટે મારે તમને જે સત્ય છે તે કહેવું જ પડશે. શાસ્ત્રનો એ સિદ્ધાંત છે કે સત્ય જ કહેવું અને સભાઓમાં તો અવશ્ય યથાર્થ જ કહેવું જોઈએ. શાસ્ત્ર વચનોના ભાવતા અર્થ કરી ઉલટુ સુલટુ કહેનાર માણસ પાપના અધિકારી થાય છે. વળી સંયમ તો પંડિતોએ અવશ્યે જાળવવો જ જોઈએ અને એવા જ પંડિતો સભાઓમાં બોલી શકે કે જેઓ સંયમને જાણનારા છે. હું જે કંઈ બોલું તે તમારા માટે છે જેઓ જાણતા ન હોય તેમના પ્રત્યે મારો બોધ છે એટલે તમારે મારા તરફ ચોક્કસ લક્ષ દેવો.

          તમારી આ સભામાં હું જોઉં છું કે અમૃતો વટાય છે. તમારી પદ્ધતિ એવી છે કે જે અજ્ઞાની હોય તે પણ અનુકૂળ બને તો શ્રોતાઓને હું ખાસ કહું છું કે ગમે તે સ્થિતિમાં પડ્યા પડ્યા મોં ફાડીને ઉંઘનારાના મોંમાં જેમ કુતરા મુતરી જાય છે તેમ તમે થવા દેશો નહિ. લક્ષ દઈને તમારા ભાઈઓ જે કહે તે સાંભળજો અને જે સારું લાગે તે અવશ્યે ગ્રહણ કરજો. તમે પાટીદારો આ દેશના પ્રાણ સમાન છો. ઘણા કાળથી અંધાધૂંધીના કારણે તમે જાગ્રત થઈ શક્યા નથી. ગિરફતારી અને અફસોસમાં પડેલા તેમને આજે જ્ઞાન થયું છે. કણબીઓ તો આખા જગત ઉપર ઉપકાર કરનારા છે એટલે તેમના હિતાર્થે જે કંઈ પુરૂષાર્થ કરવો પડે તે કરવાની દરેક જાતની ફરજ છે, તમારી પાછળ આખું જગત વિંટાયેલું છે એવી તમારી જે ઉત્તમ કોમ તેની ગીરફતારી ધર્મ વિપ્લવના સમયથી શરૂ થઈ ચૂકી છે. ક્ષત્રિયો પડ્યા અને ભારતધર્મ સંકડામણમાં આવ્યો અને તે સમયે વિધર્મીઓ આક્રમણ કરી આવ્યા. તેમને આ દેશની પ્રજા ઉપર હિન્દુપણુ મુકાવી દેવાના અનેક પ્રયત્નો કર્યા. કેટલાએ પ્રપંચો કર્યા અને કેટલાયને વટલાવીને પોતાના પક્ષમાં લીધા. તે સમયે ધર્મનું શિક્ષણ આપવાનો તો અવકાશ નહોતો એટલે ધર્મજ્ઞાનનો લોપ થવા લાગ્યો. હિન્દુઓને મીઠી મીઠી લાલચો આપવા અને તેમ કરી વિધર્મમાં આસ્થા બેસાડવા માટે પણ તેમણે પોતાની શક્તિ પ્રમાણે પ્રયોગો કર્યા છે. છેવટે શસ્ત્રપ્રહારનો ઉપયોગ કરી જે બ્રાહ્મણો પ્રજાને ઉપદેશ કરતા તેમનો નાશ કરવાનું કાર્ય પણ કરી ચૂક્યા. ક્ષત્રિયો બ્રાહ્મણોને રક્ષણ આપી શક્યા નહિ, ઉપદેશનું કાર્ય તદ્દન બંધ પડ્યું આજે તે માટે ઉપદેષ્ય માંથે આક્ષેપ આવે છે !!

          પીરાણાપંથના અસ્તિત્વ વિશે મેં કંઈક સાંભળેલું છતાં મને તેનો પુરો ખ્યાલ નહોતો. તેની દશતરી ભાઈ નારાયણજીએ મને મોકલી આપી અને દશ અવતારો તેના મને સમજાવ્યા તે પહેલાં એવું મેં કંઈ સાંભળેલું નહિ. આ દશતરી વાંચતાં તો રોમાંચ થઈ જાય છે છતાં મારી આંખો તો ઉઘડી ગઈ છે. હું તમને પૂછું છું કે તમે એમાં શું જોયું છે? એ વાંચતાં અને તેને હાથમાં લેતાં તમને શરમ થવી જોઈએ છતાં હું જાણું છું તમે અભણ છો તમે ભોળા દિલના છો એટલે એ વાત સમજી શક્યા નથી, પરંતુ હવે તો તમે જાગ્યા છો અને જાગ્યા ત્યાંથી સવાર ગણીને તમારી ઉન્નતિ માટે પ્રયત્ન કરો. તમે મને ઉભો થવાનો હુકમ કર્યો ત્યારથી જ મેં તો પ્રણ લીધું છે. તમારા જેવી ઉત્તમ કોમના અધઃપતન અમારાથી કેમ સહન થઈ શકે, તમને ધર્મના માર્ગે ચડાવા એ તો અમારો મુખ્ય ધર્મ છે. તમે જો હિન્દુ શાસ્ત્રો વાંચ્યા હોત તો જરૂર દશતરી જેવી વાતો ખોટી જ માનત. આ જગતમાં દરેક જીવ પોતે સુખી થવા માટે પ્રવૃત્તિ કરે છે. દાની જે દાન કરે છે તે સુખ માટે છતાં ભગવાન મનુએ કહ્યું છે કે ધર્મ સંપાદન કર્યા સિવાય સુખ મળતું નથી એટલે તમારે પ્રથમ તો ધર્મપરાયણ થવું જ જોઈએ. વેદવ્યાસ આજ્ઞા કરે છે કે, કોઈ પ્રકારની ઈચ્છા કે કામનાથી, ભયથી લોભથી અથવા હું જીવી શકું એવા હેતુથી પણ ધર્મનો ત્યાગ કરવો નહિ. તમે જે ત્યાગ કર્યો છે તે અકસ્માતનું જ કારણ છે. પીરાણા પંથની રાહે તમે ચઢી ગયા અને પોતાનો ધર્મનો તમને ખ્યાલ રહ્યો નહિ તેમાં કોઈનો દોષ જોવાની જરૂર નથી. તમારે હવે એનું પ્રાયશ્ચિત તો કરવું જોઈએ. તે બીજું કંઈ નથી. તેનો સત્વર ત્યાગ કરો એ તમારા માટે તપ છે. તમે મુસલમાની ફાંસામાં ફસાયા છો, એમાં જીવવું એ સારું નથી. તમે હિન્દુ છો અને તેમાં પણ તમે એક ઉત્તમ કોમના સંતાન છો એટલા માટે તમારે તો એ વિધર્મી મુસલમાનપણાનો સર્વથા ત્યાગ કરવો, તેનો અંશ માત્ર તમારામાં ખુલ્લો અથવા છાનો પણ દેખાય નહિ તેમ કરવું. ધર્મના માટે અંધ થવામાં આંખો ભલે ફુટે પણ હૃદયને તૂટવા દેશો નહિ. હિન્દુ ધર્મના વેદ, શ્રુતિ, સ્મૃતિ શું કહે છે તે જુઓ અને સમજો એજ તમારો ધર્મ છે. વેદ શાસ્ત્રોમાં મુસલમાની કલમા નથી અને જેમાં તે હોય એ હિન્દુ ધર્મના શાસ્ત્રો નથી એ તમે જરૂર સમજજો. તમને છેતરવા માટે જે પ્રયત્નો થયા હોય તે બરાબર સમજી જાઓ અને તમે વ્રત લો કે અમે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મ વિરુદ્ધ જે કંઈ દેખાશે તે અમે કરીશું નહિ. તમે શુરવીર બનો. તમે એવા છો જ. મેંઢરા મટીને સિંહ જેવા હતા તેવા થવાનો આરંભ તમે કર્યો છે. કોઈ પણ કાર્યનો આરંભ કરતા પહેલાં જ બહુ વિચાર કરવો જોઈએ. પોતાની શક્તિ ઉપરાંતના કાર્યનો આરંભ જ ન કરવો એ બુદ્ધિનું લક્ષણ છે અને કર્યો તો તેનો અંત લેવો એ સાર્થક છે. તમને મુસલમાની રાહત ઉપર લઈ જવાના જે જે પ્રપંચો થયા છે તે વિશે તમે જ્યારે જ્યારે પૂછશો અગર અમારી મદદ માગશો ત્યારે આપીશું. તમારા માટે જે અનુકૂળ હશે તે બતાવીશું, તમને ધર્મની રાહે જ ચલાવીશું અને એ પાખંડી અધર્મ હવે તમારે ન જોઈએ એ વાત ઉપર તમે મક્કમ રહો.

          આટલી વાત તમને ધર્મ વિશે કહેવાની હતી હવે હું વિષય ઉપર જે કહેવાનું છે તે કહું છું. મરણનો પ્રસંગ તો દુઃખદાયક જ છે, તે પ્રસંગે તો શોક જ હોય ત્યાં મિષ્ટાન જેવું કેમ સંભવે જ ! દુધ જેવા પદાર્થો પણ ન ખવાય. સારાં વસ્ત્રો પણ ન પહેરાય અને એ જ શોકનું દર્શન કહેવાય. દાદો, દાદી જેવા ઘરડાંના મરણ પ્રસંગે નાની પ્રજાને શોકથી મુક્ત કરવા માટે તેરમાના દિવસે જીવ માર્ગી થાય ત્યારબાદ કંઈક લેવાનું હોય છતાં જમણો તો સંભવે જ નહિ. મરનારની પાછળ જમવું એ પ્રેતાન્ન નથી તો બીજું શું છે? સુતકીનું અનાજ જમવું એ બંનેને નરકમાં લઈ જનારું છે. શ્રાદ્ધાદિક ક્રિયાના અંગે ઘરમાં જે કંઈ કરવું પડે તે જમવું પણ બીજાઓને જમાડવું નહિ. અમને જોઈને દુઃખ થાય છે કે અજ્ઞાની પ્રજા પોતાને ભ્રષ્ટ કરે છે તેમ યજમાનોને પણ કરે છે. આવા જમણ અમે નથી ખાતા તો પછી તે કરવા કે ખાવાનું તમને કેમ કહેવાય ! આવા ખર્ચા કરીને આપણી પ્રજા ભ્રષ્ટ થઈ ગઈ છે. પ્રેતાન્ન જમી જમાડીને હૃદયો દગ્ધ કરી નાંખ્યા છે. જમણના પ્રસંગે તો ઘણાએ આવે છે. વિવાહ, વધામણાં ટાણે જમણો કરજો. મરણ પાછળ તો માત્ર શ્રાદ્ધાદિક ક્રિયા જ કરજો. ભોજનો કરવાની તે પ્રસંગે જરૂર સમજીને તમે કોઈ દિવસ જ્ઞાતિને એ ધુમાડાથી ભ્રષ્ટ કરવાનું કામ કરશો નહિ. મારો તમને સંપૂર્ણ આશીર્વાદ છે કે તમે મુસલમાનીપણું દેખાય તેનો ત્યાગ કરી હિન્દુપણું સાચવી રાખવાનો જે પુરૂષાર્થ આદર્યો છે તેમાં ફળીભૂત થાઓ અને ઈશ્વર તમને બળ, બુદ્ધિ આપે અને ધર્મપરાયણ કરી તમારી કોમનું કલ્યાણ કરે. (તાળીઓ)

          ત્યારબાદ પરિષદના સેક્રેટરી ભાઈ નારાયણજી રામજીભાઈએ જણાવ્યું કે આપણા ઘણા ભાઈઓએ મરણ પાછળના જમણોના રિવાજ વિશે તમને સમજાવ્યું છે અને ગુરૂવર્ય પંડિતજીએ પણ આપણને તે જમણો શાસ્ત્રવિરુદ્ધ છે એ વાત સમજાવી છે એટલે એ પ્રથા આપણે જેમ બને તેમ જલદી દૂર કરવી જોઈએ અને તે દર્શાવનારો આ ઠરાવ આપણે કરીએ છીએ તેમાં સહુ ભાઈઓ પોતાની સંમતિ દર્શાવશો (તાળીઓ). હું ધારું છું આ ઠરાવની વિરુદ્ધમાં કોઈને કંઈ કહેવાનું રહેતું નથી એટલે તે સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવે છે. (તાળીઓ)

          ત્યારબાદ જ્ઞાતિ સમસ્તનું અહિત કરનારી બાળલગ્નની પ્રથા બંધ કરવાને લગતો ઠરાવ ભાઈ રતનશી ખીમજી ખેતાણી ગામ વીરાણીવાળાએ રજુ કર્યો હતો.     

ઠરાવ ૫ મો

          બાળલગ્નના અધર્મ યુક્ત અને હાનીકારક રિવાજને સત્વર નાબુદ કરવા આ પરિષદ ઠરાવ કરે છે અને દરેક બંધુને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. શાસ્ત્રોક્ત રીતે અને ચોરી બાંધીને વેદ વિધિ અનુસાર યોગ્ય ઉંમરે આવેલાં જ છોકરાંઓને પરણાવવા.

          સદરહુ ઠરાવ રજુ કરતાં ભાઈ રતનસિંહ ખીમજીભાઈએ જણાવ્યું કે આ રિવાજ પણ શાસ્ત્ર વિરુદ્ધ છે અને આપણી કોમને હાનિ કરતા નીવડ્યો છે એ વાત સમસ્ત જ્ઞાતિએ સ્વીકારી છે. ગુજરાતની જે આપણી મોટી પરિષદ છે તેણે એ નાબુદ કરવાનો પ્રયત્ન કર્યો છે અને હવે જ્ઞાતિમાં દરેક ઠેકાણે યોગ્ય ઉંમરે આવેલાં સંતાનોના લગ્ન શાસ્ત્રોક્ત રીતે છુટક છુટક રીતે કરવામાં આવે છે. એક હાથે તાળી પડતી નથી એવી દલીલ ઘણા ભાઈઓ કરે છે પણ જે મોટી નાતના પગલે આપણે ચાલીએ છીએ તેણે એ રિવાજ દૂર કર્યો છે તો આપણા કચ્છ વિભાગે પણ તેને દૂર કરવો જ જોઈએ. બાળલગ્નથી શરીરના બંધારણ ક્ષીણ થઈ ગયા છે. આપણો ધંધો ખેતીનો એટલે મહેનતુ છે તેમાં શરીરના બંધારણનો તો ખાસ વિચાર કરવો જ જોઈએ. આપણો ઘરસંસારને જો રથની ઉપમા આપીએ તો એ રથના બે પૈંડા સમાન સ્ત્રી અને પુરૂષ છે. બેમાંથી એકાદુ પણ ભાગલુતુટલું હોય તો રથ ચાલે નહિ એટલે આપણો સંસાર દુઃખરૂપ થઈ પડે. અનાજના વાવેતર વખતે જેમ આપણે સારું બીજ શોધીએ છીએ તેમ પરિપક્વ વીર્ય સિવાય ઉત્પન્ન થયેલી પ્રજાનું પણ સમજવું. આપણામાં જે અનેક પ્રકારની નબળાઈ આવી ગઈ છે તેનું મૂળ શોધવા માંડીએ તો તમને જરૂર આ રિવાજમાંથી નીકળેલું દેખાશે. એટલા માટે જો આપણને આપણા છોકરાં પ્રત્યે સાચી લાગણી હોય તો જરૂર આ રિવાજને તિલાંજલી આપવી જોઈએ. આ નઠારા રિવાજથી દેશની ઘણી કોમોના હીર ચીર ખેંચાઈ ગયા છે તેના ઘેર ફાયદા તો અનેક છે તેમાં ફાયદો એક પ્રકારનો પણ નથી. તેથી સહુ ભાઈઓ આ નઠારા રિવાજનો ત્યાગ કરવા સંમત થશો. (તાળીઓ). સદરહુ ઠરાવની પુષ્ટિમાં ભાઈ શીવદાસ કાનજી ગામ વીરાણીવાળાએ કવિતા ગાઈ સંભળાવી હતી.

          પા.છગનલાલ પિતામ્બરદાસ સરઢવવાળાએ જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને જ્ઞાતિભાઈઓ જ્ઞાતિને કરવાનું છે તેનો વિચાર કરીએ તો તમારા ભાગમાં બે ફાંસા છે. અમારા ગુજરાત તરફ એક છે. એ આપણે તોડવાના છે. આ લગ્નપ્રથાને આપણે તોડવી જ જોઈએ. કેટલાક ભાઈઓ કહે છે કે એ પ્રથામાં સંપ જળવાઈ રહે છે ! હું કહું છું કે એ ખોટી વાત છે. સંપના બદલે કલેશરૂપ જ એ પ્રથા થઈ પડી છે. ગુજરાતમાં તો ચાણસ્મા, કડી વિભાગ તરફ એવા દુષ્ટ પુરૂષો પડ્યા છે કે જેમનામાં આ રિવાજના કારણને લઈ કુસંપ ઉત્પન્ન થતાં ખેતરોની ઘાસ બાળી નાંખવાના કૃત્યો કરે છે. આ પ્રથાએ આખા દેશની પાયમાલી કરી છે. મને તો મારી આખી ઉંમરનો અનુભવ છે કે આ પ્રકારની પ્રથાથી છોકરો ડાહ્યો હોય તો છોડી ગાંડી, કન્યા મોટી તો છોકરો નાનો એવા પ્રકારના અયોગ્ય લગ્નો જ થાય છે. આ પ્રકારના જોડાં જોડવાથી એવા કલેશના બીજ વવાયાં છે કે છાપરા ઉપર છુટી ઘાસ પણ રખાતી નથી. મારી સમજ પ્રમાણે એક તિથિએ લગ્ન કરવાના કારણે બાળલગ્નો થાય છે માટે તમે એક જ દિવસે લગ્ન થઈ શકે એ વાત સાચી માનશો નહિં તેમાં નથી કંઈ ધાર્મિકપણું કે નથી કોઈ જાતનો વિવેક સચવાતો. બ્રાહ્મણો જેવી ઉત્તમ કોમ જે પ્રકારે લગ્ન કરે છે તેમ આપણે શા માટે ન કરવું? લાંબી મુદ્દતે લગ્નનો દિવસ આવે એટલે ગભરાઈને દોડાદોડી કરવી પડે છે. નાના છોકરાં પરણે છે તેનું મરણ પ્રમાણ બહુ મોટું હોય છે. દીકરીને બાળ રાંડ આપવાથી કેમ જોઈ શકાય? એ પાપ આપણે કરીએ છીએ તે વાત સહુ ભાઈઓ સમજો. જરૂર સિવાય આપણે કંઈ કામ કરતા નથી તો જ્યારે છોકરાં નાના બાળક હોય તેમને સંસાર માંડવાની જરૂર ન હોય તે પ્રસંગે આપણે તેમને શા માટે પરણાવવાં જોઈએ. આપણી એ મૂર્ખતા છે તે સહુ ભાઈઓ સમજો અને એ રિવાજ નાબુદ કરજો એવી મારી વિનંતી છે. (તાળીઓ)

          ધનશાભાઈ જેકણદાસ આદ્રજવાળાએ જણાવ્યું કે ભાઈઓ અને બહેનો આપણને વખત બહુ જ થોડો રહ્યો છે છતાં મારે કંઈક કહેવું પડશે. ઘરડાંઓ માને છે કે એક તિથિ સિવાય ચાલે જ નહિ ! તેમાં ખર્ચ થોડો થાય છે ! હું તમને પૂછું છું કે અત્યારે નાનાં બાળક પરણાવીને માત્ર ૧૦૦—૧૫૦ ખર્ચ કર્યું હોય તે બાળકો મટી ૧૮ થી ૨૦ વર્ષની ઉંમરનાં થાય ત્યાં સુધીમાં વ્યાજે મૂકીએ તો એ રકમ કેટલી થાય ! વળી નાનાંનું મરણ પ્રમાણ મોટું હોય એટલે ઘણી વેળાએ તો એ ખર્ચ કરેલું પણ નકામું જાય છે. માબાપ દેવું કરીને કેટલીક વાર છોકરાંને પરણાવે છે અને મરી જાય છે. ત્યારે આ પરણેલો છોકરો તે એ દેવું ભરશે કે ભણશે તેનું ખર્ચ આપશે? એટલા માટે એક નિયમ એવો તો જરૂર હોવો જોઈએ કે ભણવાની સ્થિતિમાં હોય તેવા છોકરાંને પરણાવવાં નહિ તેમજ ગૃહસ્થોએ પણ જે છોકરા છોડીઓ કુંવારા હોય તેમને જ વિદ્યાવૃત્તિઓ આપવી ઘટે. ખર્ચનો બચાવ તો બાળલગ્નમાં મૂળે થતો જ નથી. ભાટ, ભવૈયા વગેરે ક્યાં એવા પ્રસંગે થોડા પૈસા ખાઈ જાય છે ! આપણી કોમની મહત્તા વિશે પણ વિદ્વાનો બોલે છે છતાં આપણને એ વાત કેમ ટકી રહે છે તે સમજાતી નથી. જો આ રિવાજ નષ્ટ કરવામાં ધ્યાન નહીં અપાય તો પાયમાલી જ છે સાથે બીજી નાતોની પણ થશે જ એમને પણ આપણા આ દુષ્ટ રિવાજનું દુઃખ નડશે માટે તેનો ત્યાગ કરશો. (તાળીઓ)

          ભાઈ ચુનીલાલ ગામ રૂપાલવાળાએ જણાવ્યું કે ભાઈઓ અને બહેનો લગ્નની જરૂર જીવનનો પુરૂષાર્થ સાધવા માટે હતી તે યોગ્ય ઉંમર વિના જોડાવાથી ફળીભૂત થતી નથી. ઘણા દાખલામાં તો લગ્ન કરવાનો દુરઉપયોગ જ થાય છે. બાળકોથી અભ્યાસ થઈ શકતો નથી. અને જ્ઞાન વિના ગોથાં ખાય છે. બંને અજ્ઞાન હોય તો પોતાની આવકના પ્રમાણમાં કેમ સંસાર ચલાવવો એ વાત તેઓ સમજી શકતાં નથી. સેંકડો કજોડાં થાય છે તેના લીધે છુટકા પણ થાય છે અને રાંડેલાના ફરી ફરીને લગ્ન કરવાં પડે છે. આ કારણને લઈને આપણામાં શારીરિક નબળાઈ આવી ગઈ છે એમ એક પ્રસંગે પંડિત માલવિયાજીએ કહેલું છે. શારીરિક અને માનસિક નબળાઈ વખતે પ્રજા ઉત્પન્ન થાય એ કેવી હોય? પ્રજાનું મરણ પ્રમાણ મોટું છે એનું કારણ પણ એ રિવાજ છે. મુસલમાનોની જુલમી સત્તાના વખતે કન્યાઓને પરણાવી દેવાનો રિવાજ પડી ગયો હોય એમ દેખાય છે. આ રિવાજ નાબુદ કરવાનો અમારા વડોદરા રાજ્યમાં તો કાયદો કરવામાં આવ્યો છે તેના અપવાદનો કેટલાક ભાઈઓ લાભ લેતા પણ હવે તેમ થઈ શકતું નથી. આવા કાયદાના દોરથી આપણે રિવાજને નાછુટકે નાબુદ કરવો એ કરતાં જાતે સમજીને બાળલગ્ન ન કરવા એ સારું છે. સહુ ભાઈઓ આ ઠરાવની જરૂરિયાત સ્વીકારી બાળલગ્ન અટકાવશો. (તાળીઓ)

સૌ.ગંગાબહેન તે ડૉ.આર.વી.ખેડકરનાં ધર્મપત્ની બી.એ.

          આ બહેન લાંબા વખતથી સભાનું કામકાજ જોઈ રહ્યા હતા. વખતનો અભાવ છતાં બાળલગ્નના વિષય ઉપર બોલવા માટે પ્રમુખ સાહેબે તેમની માગણી સ્વીકારી હતી. તેમણે મરાઠી ભાષામાં ભાષણ કર્યું હતું જેનો સાર નીચે પ્રમાણે છે.

          બાળલગ્નના વિષય ઉપર હું આપની સમક્ષ બોલું છું. મને ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી તેથી મરાઠીમાં બોલીશ તે માટે તમે માફ કરશો. બાળલગ્નનો રિવાજ આખા હિન્દુસ્તાનમાં છે. દક્ષિણીઓ અને બંગાળીઓમાં પણ છે. બીજું કહું કોઈના ઘેર દિકરો જન્મે તે ટાણે પેંડા વહેંચે છે અને દિકરીનો જન્મ થાય તો કુટુંબ ચિંતા કરવા લાગે છે. એટલે છોડીના જન્મથી શોચ કરતાં કરતાં કહે છે કે છોડીના બદલે છોકરો જન્મ્યો હોત તો સારું આ પ્રકારનો છોડીઓ પ્રત્યેનો અભાવ કિંવા તિરસ્કાર તેના જન્મથી જ શરૂ થાય છે. વળી છોકરાં ૩—૪ વર્ષના થાય છે કે તેમના લગ્ન કરવાની બાપને ફીકર થાય છે. ઘણા વિદ્વાનો કે ગરીબ કુટુંબના અજ્ઞાન હોય તો પણ કોઈ તેમની શારીરિક તંદુરસ્તીનો વિચાર કરતા નથી. અયોગ્ય ઉંમરે તેમને લગ્નની ગાંઠથી જોડે છે. પરિણામે બંનેની તંદુરસ્તી બગડે છે. બિચારી છોડીને કાં તો ક્ષય થાય છે કે શરીરે અશક્ત અથવા દુર્બળ થઈ જાય છે. જન્મભર રહે તેવા રોગો તેનામાં આવે છે અને મૃત્યુના મુખમાં જઈને પડે છે. જે માબાપો શરીર પ્રકૃતિનો વિચાર કરતા નથી તેઓ તેમનું જીવન બગાડે છે. આવા બાળલગ્નોથી પ્રજા પણ નિર્બળ પાકે છે. હાથ પગ ઘણા કૃશ હોય તો પેટ મોટું અને કઢંગું શરીર ક્ષીણ થતું જાય છે. આવા સંતાનો જલદી મૃત્યુ પામે છે અને જીવે છે તો દુઃખી થાય છે. શરીર પ્રકૃતિ સારી રહેતી નથી તે સાથે મન પણ નબળું જ રહે છે. વિદ્યા સંપાદાન કરી શકતાં નથી. છેવટે એજ બાળકો નાની ઉંમરમાં સંસારમાં પડે છે. આ પ્રકારનું આખા હિન્દુસ્તાનમાં સર્વત્ર દેખાય છે. છોડીને નિશાળે મુકે છે. બે ત્રણ ચોપડી પુરી ભણી ન હોય ત્યાં તેને મોટી થઈ સમજી પરણાવાના વિચાર કરે છે અને મોટી થઈ જશે તો જાતવાળા ટીકા કરશે કે બહાર કરશે એવી વાતો માની લે છે. છેવટે બાળાને ભણવાની બહુ હોંશ હોય છતાં તેને નિશાળેથી ઉઠાડી લે છે. આ પ્રકારે જ્યારે તેને ભણવાની ઈચ્છા હોય ત્યારે તેમ કરતા નથી એટલે ભૂખ વખતે ખાવા દેતા નથી. નથી તો વિદ્યા સંપાદાન કરી શકતી કે નથી શરીર સુખ તે બિચારીને પ્રાપ્ત થતું. પુરૂષ વર્ગનું પણ એમ જ થાય છે. વિદ્યામાં પછાત રહે છે અને તેથી પોતાનો સંસાર ચલાવવા પુરતો ધંધો કરી શકતો નથી. બાર ચૌદ વર્ષની જે વહુ તે ખુદ બાળક જેવી તેને વળી છોકરાં સંભાળવાનું કામ ઉભું થાય છે ! એ બિચારી ઘરનું કામ કરે કે છોકરાં સંભાળે ! તેમાં વળી ધંધાનું ઠેકાણું ન હોય એટલે દારીદ્રનો વધારો થાય છે. આ પ્રકારનું દુઃખ માબાપની ગેરસમજથી ઉભું થાય છે. એટલે સંસાર ચલાવનારી બે ચાકની ગાડી એકબીજાના અભાવ કે ખામીને લઈને બરાબર ચાલી શકતી નથી. કેટલાક ઠેકાણે પુરૂષો ભણેલાં હોય તો ત્યાં સ્ત્રીઓ અભણ હોય છે એટલા માટે છોડીઓને અવશ્ય શિક્ષણ આપવું જ જોઈએ.

          સ્ત્રીઓને વળી ધાર્મિક શિક્ષણ પણ આપવું જોઈએ. પણ દુઃખ એ છે કે બિચારી માતાને જ આ શિક્ષણ ન મળ્યું હોય તે પુત્રીને કેવી રીતે આપે ! આપણા દેશીઓમાં અંગ્રેજી વિદ્યાનો શોખ વધતો જાય છે કેટલાક ક્રિશ્ચિયન અને પારસી ભાષાઓ શીખી તેમના પુસ્તકો વાંચે છે. જ્યારે પશ્ચિમના લોકો આપણા ધર્મના વખાણ કરે છે, તે શીખવા પ્રયત્ન કરે છે ત્યારે આપણા લોકમાં પોતાના ધર્મ તરફ અભાવ દેખાય એ કેટલી શોચનીય બાબત છે ! કેટલાક ખ્રિસ્તી થઈ જાય છે કેટલાક મુસલમાન થઈ જાય છે તેમને આપણે પુછીએ ત્યારે તે કહે છે કે હવે શું કરીએ થયા તે થયા ! આ બધાનું કારણ સ્ત્રી શિક્ષણનો અભાવ છે એટલે આપણામાં ધર્મ અને દેશનું અભિમાન તો આવતું જ નથી. મડગાંવમાં મેં સાંભળ્યું કે હિન્દુઓ મુસલમાન થતા જાય છે. આનું કારણ ધાર્મિક શિક્ષણની ખામી જ છે. માતાઓ તે જ્ઞાન આપી શકતી નથી. બાળકો પિતા કરતાં માતાના પ્રસંગમાં વધારે રહે છે અને તેની મા જે ઠસાવે તે જલદી ગ્રહણ કરે છે. પુરૂષો પોતાના ધંધાથી થાકીને આવે છે તે બાળકોને શિક્ષણ આપી શકે નહિ. ધર્મના જે તત્ત્વો છે તે બાળકોને સમજાવવા જોઈએ, વેદાંતમાંથી અકેક તત્ત્વ લઈને તે સંતાનોના મગજમાં ઠસાવવા જોઈએ. બુધ વગેરે જે જે ધર્માચાર્યો થયા છે તે કેવા સમયે થયા અને શું શિખવી ગયા છે તે સમજાવવું જોઈએ. તત્ત્વોના ભંડારરૂપ ધર્મનું શિક્ષણ આપણા શાસ્ત્રોમાંથી જડે તે. જ્યારે તેમને સમજાવવામાં આવશે ત્યારે હિન્દુ સંતતી થાંભલા જેવી મજબૂત થશે. તેમનામાં ધર્મ અને દેશનું અભિમાન સહેજે જાગૃત થશે. એટલા માટે હું વિનંતી કરું છું કે તમારી બહેન દીકરીઓને અને સ્ત્રીઓને પણ શિક્ષણ આપો. હું સમજું છું કે સંતતીને કેળવવાની જવાબદારી અમારા એટલે સ્ત્રી વર્ગના માથે છે પણ તેની અનુકૂળતાઓ પણ તમારે પુરૂષ વર્ગે અમને કરી આપવાની છે જ. અહીં બેઠેલી મારી બહેનો અને માતાઓ હું તમને વિનંતી કરું છું કે તમે જરૂર તમારી દીકરીઓને શિક્ષણ આપશો અને આપણા ધર્મ અને દેશની ઉન્નતિના કાર્યમાં સહાય થશે. (તાળીઓ) અને તેનો નાશ થતો અટકાવશો. (તાળીઓ)

          સાક્ષરવર્ય ભાઈશ્રી વસંત (લોહાણા ગૃહસ્થ) પ્રમુખ સાહેબની સુચનાથી બોલ્યા ક્ષાત્રકુળ દિપક મારા બંધુઓ અને દેવીઓ હું તમને વંદન કરું છું. અહીં બેઠેલી તમે સહુ મારી ભગિનીઓ અને બહેનો તે સાક્ષાત દેવીઓ છો. જ્યારે દેવતાઓને ચંડ અને મુંડ જેવા રાક્ષસો સતાવતા હતા ત્યારે તેમનું રક્ષણ કરનારી અને રાક્ષસોનો નાશ કરનારી દેવી પણ તમો જ હતા. પશ્ચિમમાં જ્યારે ઈંગ્લેન્ડના ભયમાંથી ફ્રાન્સને મુક્ત કરવાનો પ્રસંગ આવેલો ત્યારે તેનું રક્ષણ કરનારી દેવી જોન ઓફ ઓર્ક પણ તમારા જેવી જ એક દેવી હતી, આજે એ સ્ત્રી જાતિની જે કિંમત દેખાતી નથી તેનું કારણ દિકરીઓના જન્મ પ્રત્યેનો અભાવ છે અને એ અભાવમાં જ બાળલગ્નનું બીજ રોપાયું છે. બાળલગ્નનો રિવાજ આ દેશ માટે તો એક નવા ધારણ કરેલા વસ્ત્ર સમાન છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથના પાના ફેરવો, તમને કોઈ સ્થળે એ પ્રકારના લગ્નનો ભાસ પણ થશે નહિ. યમના હાથમાંથી પોતાના પતિને છોડાવનારી સાવિત્રી જેવી પવિત્ર સ્ત્રીઓ આ દેશમાં ઉત્પન્ન થઈ છે. મહાદેવનું આપેલું પિનાક ત્રંબક ધનુષ્ય જે ઉપાડે અને તોડે તેને વરવાનો નિશ્ચય કરનારી સીતા જેવી પવિત્ર દેવીઓએ સ્ત્રી વર્ગની મહત્તા સાબિત કરી છે. એ દેવીઓના અંશરૂપે આજે તમે અમારી સમક્ષ બિરાજો છો, લગ્નની મહત્તા તમને સમજાવવી પડે છે એ આ દેશનું દુર્ભાગ્ય જ કહેવાય. આ લગ્ન શું છે અને તેના રિવાજો કેવા હોવા જોઈએ એ વાત સમજવામાં આજે જૂના અને નવા વિચારો ધરાવનારા ગોથાં ખાય છે. લગ્નની પવિત્રતા વિશે ભાગ્યે જ કોઈ વિચાર કરે છે. એ પવિત્રતાનો ખ્યાલ તો ડીગ્રીઓ સંપાદન કરેલા વિદ્વાનમાં ખપતા ભાઈઓના મગજમાંથી પણ સરી જાય તો તમને હું શું કહું ! હિન્દુઓના લગ્ન કોઈ પ્રકારના કરાર કે બદલાની આશાથી કરવામાં આવતા નથી. એવી કોઈ ભાવના રાખે તો એનું નામ લગ્ન જ નથી. આપણા લગ્નમાં ધાર્મિક ભાવ છે, લગ્ન એટલે જોડાવું — પણ તે માત્ર શરીરથી જ નહિ પરંતુ એકબીજાના મન અને આત્માના જોડાણને આપણા શાસ્ત્રો લગ્ન કહે છે. એકબીજાના આત્મા સાથે લીન થઈ ચતુર્વિધ પુરૂષાર્થ સાધ્ય કરી મોક્ષ મેળવવો એ લગ્નનો હેતુ છે. જે લગ્નથી એ હેતુ ના સચવાય તેનું નામ લગ્ન જ નથી. મતલબ કે શાસ્ત્રો આત્માના જોડાણને લગ્ન કહે છે જ્યારે આપણું અજ્ઞાન એટલું બધુ આપણે વધારી મૂક્યું છે કે આપણે શરીરના જોડાણને લગ્ન સમજીએ છીએ. એકબીજામાં લીન થઈ સ્ત્રી અને પુરૂષ બે જે જુદાં હતાં તે આત્માના જોડાણથી એક બને તેનું નામ લગ્ન. આ જુદાં જુદાં સ્ત્રી અને પુરૂષ પોતાનો ઘરસંસાર ચલાવા માટે અગ્નિની સાક્ષીએ બેના એક સ્વરૂપે થઈ જવાની પ્રતિજ્ઞા કરે છે. આ પ્રતિજ્ઞાઓ વીશ વીસ વર્ષના છોકરાઓ પણ સમજી શકતા નથી તો અજ્ઞાન—નાદાન બાળકો ક્યાંથી સમજે. પ્રતિજ્ઞાઓ શું છે તે આજે ભૂલાઈ ગઈ છે, શાસ્ત્રોની આજ્ઞાની ગોર સુદ્ધાંને ખબર હોતી નથી, હોય છે તેઓ દરકાર કરતા નથી. ખુદ ગોર પ્રતિજ્ઞાઓ જાણતા નથી. હું કહું છું કે મારા ગોર તો જાણે છે પણ બીજા ગોરપદુ કરનારા સેંકડો જાણતા નથી. ત્યારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનારા લગ્નો ક્યાંથી સંભવે ! મારો અને મારી પત્નીનો આત્મા એક જ છે એટલી વાત જો સમજાય નહિ તો રાષ્ટ્રની ભાવના તો ક્યાંથી જ સંભવે ! રાષ્ટ્રનો આત્મા તો મારો જ છે એ વાત લગ્નની પવિત્ર ભાવનાઓમાં બંધાય છે તે ભાવનાના અભાવે આજે દેશની આ અધોગતિ જોવાનું કમભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. આજે આપણને લગ્નનો એ હેતુ સમજાતો નથી તેમ કલ્પનામાં પણ આવતો નથી તેનું કારણ આપણી ધાર્મિક અધોગતિ છે. મૈત્રેઈ, ગાર્ગી અને લીલાવતી જેવી ગણિત વેત્તા સ્ત્રીઓ આ ભૂમિમાં ઉત્પન્ન થઈ તેના સંતાનો આજે કેવા પતિત્‌ અને ધર્મ ભ્રષ્ટ થયા છે તેનો ખ્યાલ જ્યારે મારા મગજમાં આવે છે ત્યારે શરીર કંપી ઉઠે છે અને હૃદયમાં જ્વાળા સળગે છે. પશ્ચિમના વિચારોથી ટેવાયેલા પ્રત્યે તો મને કંઈ લાગતું નથી પરંતુ મારા ક્ષાત્રકુળ દિપક તમારા જેવા વીર પુરૂષોને જ્યારે અધર્મના માર્ગે હું સંડાવાયેલા જોઉં છું ત્યારે મારા દુઃખનો પાર રહેતો નથી. મારી દાઝ, મારો ઉભરો હું ક્યા માર્ગે સમાવું તેનો ખ્યાલ કરી શકતો નથી. ગુજરાતની ભૂમિને ફળદ્રુપ બનાવનારે તેની પ્રજાને વિદેશીઓના ભયમાંથી મુક્ત કરી મુકનારના તમે સંતાનો છો તેની આ અધોગતિ ! હિન્દુધર્મના અર્થે જે વીર પુરૂષો અને માતાઓએ પોતાના પ્રાણ આપવામાં પાછી પાની કરી નથી તેના આપણે સંતાનો હોવાનો દાવો આજે ક્યા હક્કથી કરી શકીએ? આપણા એ બાપદાદાના આત્માઓ આજે સ્વર્ગમાં બિરાજે છે આપણા જેવી નિર્માલ્ય અને ધર્મને કોરાણે મુકનારી પ્રજાને જોઈ ત્રાસી ઉઠ્યા છે. જો આપણે હિન્દુ હોવાનો દાવો કરતા હોઈએ અને તમે મારા આત્મબંધુઓ જો કડવા પાટીદાર જ્ઞાતિના સંતાન હોવાનું માનતા હો તો પાપી પીરાણા પંથને આજે જ તજી દો એને ફેંકી દીધા સિવાય તમારામાં હિન્દુપણાની ભાવના કોઈ કાળે આવવાની નથી. જે હિન્દુ નથી તેને લગ્નની ભાવના સમજાવવી પણ શા માટે ! જેઓ પોતાની જાતને હિન્દુ છીએ એવું રીત રિવાજોથી પણ છેવટે બતાવી શકે નહિ તેવી પ્રજાએ હિન્દુ હોવાનો દાવો શા માટે કરવો જોઈએ ! બંધુઓ ! હું તમને એટલા માટે આકરા શબ્દોમાં કહું છું કે આવા ઠરાવો તમે ભલે પાસ કરો પણ જ્યાં સુધી તમે પીરાણા પંથને તિલાંજલિ આપી તમારી જાતને પવિત્ર કરશો નહિ ત્યાં સુધી તમારો એક પણ પ્રયત્ન સફળ થવાનો નથી. કાજળની કોટડીમાં પેસીને ઉજળા રહેવાની તમે આશા રાખો છો ! જો તમે હોય તો તમારી પાસે કંઈ પણ બોલવું એ મિથ્યા છે. તમે જો સમજ્યા હો, જાગ્યા હો, પોતાનું હિન્દુપણું ટકાવી રાખવા ઈચ્છતા હો તો જરૂર તમે હમણાં જ પ્રતિજ્ઞા કરો કે આજથી અમે એ પંથને માનીશું નહિ. હું તમને વચન આપું છું કે જ્યારે જ્યારે તમારા એ શુભ કાર્યની પ્રવૃત્તિમાં મારી મદદની જરૂર દેખાશે ત્યારે તમારી સેવા બજાવા હું હાજર થઈશ (તાળીઓ). મારા પોતાના જોખમે હું તમારી સાથે રહીશ અને તમને ધર્મ પરાયણ થવામાં જે કંઈ વિઘ્ન આવશે તે દુર કરવામાં મારી શક્તિ પ્રમાણે હું ભાગ લઈશ. (તાળીઓ).

          આ વીર પુરૂષનું ભાષણ તો ચાલતું જ હતું દરમ્યાન પંડિતજી કાર્તાતિક ઉભા થયા અને  તેમણે કહ્યું :—

          ભાઈ વસંતે પોતાના ધર્મ પ્રમાણે તમને જે કહેવું જોઈએ તે કહી દીધું છે. તમારા જેવી ઉત્તમ કોમની સેવા એ જ અમારો ધર્મ છે, હું તમને ખાત્રી આપું છું કે ભાઈ વસંતની માફક હું પણ તમને સેવાની જ્યારે જરૂર દેખાય ત્યારે મારા તનથી અને મનથી જ નહિ પરંતુ ધનથી પણ મદદ આપવાનું વચન આપું છું. (તાળીઓ). તમે તાળીઓ પાડો છો તેમાં હું કંઈ રાજી થઈ જતો નથી જો તમે મને છુટ આપતા હો તો હું બ્રાહ્મણ છું તમારી પાસે યાચના કરવામાં હું શરમાતો નથી. તમારી પાસે હું ભિક્ષા માગું છું અને તે એ છે કે તમારે આજે જ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરવી. અધોગતિ કરનારા એ પીરાણા પંથને માનીશું નહિ અને હિન્દુશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલીશું અને પ્રાયશ્ચિત લઈ પોતાની જાતને શુદ્ધ કરીશું !

          ભાઈ વસંત અને પંડિતજીની દિલ પીગળાવનારી આ અપીલે શ્રોતાઓ ઉપર સારી અસર કરી હતી. પંડિતજી તો બોલતા જ રહ્યા. એટલામાં તો એક ભાઈ વાલજી વસ્તા ગામ વીથોણવાળા ઉભા થયા. પોતાની પાઘડી આવીને પંડિતજીના ચરણમાં ધરી અને બોલ્યા “હું પાઘડી ત્યારે પહેરીશ કે જ્યારે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પીરાણા પંથની રાહે ભ્રષ્ટ થયેલી મારી જાતને શુદ્ધ કરીશ.”

          ભાઈ વાલજી વસ્તા ગામ વીથોણવાળાની આ પ્રતિજ્ઞાએ ઘણા ભાઈઓને ઉત્તેજિત કર્યાં. કેટલાક પ્રાયશ્ચિત લેવાનો વિચાર કરતા હતા કેટલાકના મન ડગુમગુ હતા છતાં નીચે જણાવેલા ભાઈઓ પોતાના હૃદયની વાત સભાને જણવા તૈયાર થઈ ગયા.

          ભાઈ ખીમજી શીવજી ગામ મંગવાણાવાળાએ જણાવ્યું કે, “હું અહીં સહકુટુંબ પ્રાયશ્ચિત કરાવીને શુદ્ધ થઈશ ત્યાર પછી જ અહીંથી જઈશ.”

          ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી ગામ વીરાણીવાળાએ જણાવ્યું કે મારું કુટુંબ સ્ત્રી છોકરાં સહુ કરાંચીમાં છે તેથી હું અહીંથી ત્યાં જઈને કેટલાક ભાઈઓ પ્રાયશ્ચિત લેનારા છે તેમની સાથે જ હું પણ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પીરાણા પંથનો ત્યાગ કરીશ.

          ભાઈ માવજી પુંજા જબુવાણી બીજી પરિષદના પ્રમુખ ગામ નખત્રાણવાળાએ જણાવ્યું કે મારા કુટુંબ સાથે હું અહીં આવ્યો છું. પ્રાયશ્ચિત કરાવ્યા સિવાય ઘાટકોપરથી બહાર  પગ મુકીશ નહીં.

          રા.રા.ભાઈશ્રી રતનશી શીવજી નાકરાણી ગામ રવાપરવાળા “પાટીદાર ઉદયના તંત્રી” એ જણાવ્યું કે કરાંચીમાં ઘણા ભાઈઓ અમારા મંડળમાંથી પ્રાયશ્ચિત લેવાને તૈયાર હતા. જો કે અમે ઠરાવ કર્યા પછી ગોળી પીતા નથી, છતાં મંડળવાળા ભાઈઓને આજ સુધી મેં રોકી રાખ્યા હતા. તે માટે હું તેમની માફી માગું છું. એ પાપ આજ સુધી મારે શીર હતું. આજે હું તેમને વિનંતી કરું છું કે સૌ ભાઈઓએ પ્રાયશ્ચિત કરાવી પોતાની જાતને શુદ્ધ કરી પીરાણાપંથનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરવી. એજ આપણો ધર્મ છે. હવે એક દિવસ પણ પીરાણાના પાપી પંથનું કાળું કલંક માથે રાખી શકાય નહીં. આજની આપણી પરિષદમાં વિદ્વાન ભાઈઓ અને પંડિતોએ જે હૃદય ભેદક ચિતાર ખડો કર્યો છે તે સાંભળી મારું હૃદય ચિરાઈ જાય છે. છતાં સભાને હું ખાત્રી આપું છું કે મારું કુટુંબ દેશમાં છે તેને હું તાકીદે બોલાવી લઈશ અને ત્યાર બાદ હું સહકુટુંબ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવાની પ્રતિજ્ઞા કરું છું.

          ભાઈ લાલજી સોમજી ગામ રવાપરવાળાએ જણાવ્યું કે અમારું કુટુંબ કરાંચીમાં છે. ચાર પાંચ વર્ષથી અમે પ્રાયશ્ચિત લેવાનો વિચાર કરતા હતા હું પ્રતિજ્ઞા કરું છું કે અમે બંને ભાઈ સહકુટુંબ કરાંચીમાં જઈ તરતમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈશું.

          ભાઈ રામજી સોમજીએ ઉપરની પોતાના બંધુની પ્રતિજ્ઞામાં સંમતિ દર્શાવી હતી. ભાઈ લાલજી મેઘજી, હીરજી ખીમજી અને વાલજી લખુએ પ્રતિજ્ઞા લીધી હતી. વીરાણી મોટીવાળા ભાઈ શીવદાસ કાનજીએ પણ પાંચ પંદર દિવસની અંદર પ્રાયશ્ચિત લઈને પોતાની જાતને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ—

          આ પરિષદની પહેલી બેઠકના પ્રમુખ રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા ઉભા થયા અને સહુએ તેમને જોયા કે તાળીઓનો અવાજ શરૂ થયો. રાજાભાઈ શામજી પહેલી પરિષદના પ્રમુખે ભાષણના રૂપમાં શરૂઆત કરી કે હું પોતે સુધારક છું. પહેલી પરિષદનો હું પ્રમુખ હતો. જ્ઞાતિને સુધારવાની શરૂઆત મેં મારે ઘેરથી જ શરૂ કરી છે. અહીં બેઠેલા મારા બેલીઓ (તેમના કોન્ટ્રાક્ટના કામમાં મજુરી કરનારા જાત ભાઈઓ) બધા ઉભા થાઓ !

          “મેં તમને બીજા પ્રસંગે જે કહ્યું હોય તે સાચું માનવું નહીં. હમણાં કહું તે જ માનવું” આવો રાજાભાઈનો હુકમ સાંભળી આશરે ત્રીસેક જણ ઉભા થયા, હું પંડિત કાર્તાંતિક અને સભાને જણાવું છું કે આ સિવાય પણ મારા બીજા ઘણા બેલીઓ છે. તેઓ પ્રાયશ્ચિત લેવાને તૈયાર જ છે. પણ મેં જ તેમને રોકી રાખ્યા છે. તેનું એક કારણ છે કે મારે આગેવાનો સાથે મસલત કરવાની છે અને ત્યારબાદ એ બધાને સાથે લઈને હું પ્રાયશ્ચિત કરાવીશ.

          એક અવાજ — તમે એ વાતની પ્રતિજ્ઞા લો છો !

          રાજાભાઈ, કોઈને કનડગત ઉભી ન થાય માટે આગેવાનો સાથે મારે વાટાઘાટ કરવાની જરૂર છે, હું દેશમાં થોડા વખતમાં જનારો છું. પરિષદના સેક્રેટરી નારાયણજી ભાઈએ જણાવ્યું કે આગેવાનો તમારી વાતમાં સંમત નહીં થાય તો તમે શું કરશો? તેમને વિનવવામાં તમે ક્યાં બાકી રાખ્યું છે? એમના સ્વભાવ અને કામના તમે તો પૂરેપૂરા અનુભવી છો તો પછી ઢીલ શા માટે? તે સિવાયના બીજા જે ભાઈઓ પ્રાયશ્ચિત લેવા તૈયાર હોય એમને શા માટે રોકો છો?

          રાજાભાઈ — “આગેવાનો સાથે પીરાણાપંથને તિલાંજલિ આપવા સંબંધી મારે પત્ર વહેવાર ચાલે છે અને તેઓ મારી વાતમાં સંમત છે. એટલે મારે છ મહિનાની મુદ્દત માગવી પડે છે.”

          સે. નારાયણજીભાઈ આગેવાનો સાથે મસલત કરવાની જે વાત રાજાભાઈ કહે છે તે સાર વગરની છે. આગેવાનો સાથે તેમને કોઈ સારા પ્રકારનો સંબંધ સંભવતો જ નથી. કારણ રાજાભાઈએ જ્યારથી પોતાની છોકરીના લગ્ન કર્યા ત્યારથી જ તે તો નાત બહાર છે અત્યાર સુધી નાત બહાર જ છે. કરાંચી પરિષદના તે પ્રમુખ થયા ત્યારથી જ આગેવાનો સાથે તેમનો અણબનાવ ચાલુ છે. તમે સમજી શકશો કે આગેવાનોના જુલમ સંબંધીનો ઠરાવ આ પરિષદમાં જ તેમણે રજુ કર્યો છે ત્યારે આગેવાનો અને તેમના વચ્ચે કેવા પ્રકારનો મિત્રભાવ સંભળાતો હશે?

          રાજાભાઈ મારા દરેક કામ નારાયણભાઈ પોતાની વાત રાખવાની ખાતર તોડી નાંખે છે અને આગળ વધવા દેતા નથી એ પ્રમાણે આ સભામાં પણ કરે છે.

          સે.નારાયણજી રાજાભાઈ મારા મિત્ર છે, હું કોઈ પ્રકારે તેમની સાથે વૈરભાવ રાખતો નથી પણ જ્યારથી મને એવી ખાત્રી થઈ છે કે સુધારાની હિલચાલ વિરુદ્ધ આગેવાનોને રાજી રાખવા એ પ્રયત્ન કરે છે અને તેમની રીતભાત જ્ઞાતિ હિત સાધવામાં વિઘ્નરૂપ થાય છે ત્યારથી હું તેમના કામો તરફ લક્ષ રાખું છું અને તેમને નહીં ફાવવા દેવાનો મેં મારા મનથી નિશ્ચય કર્યો છે એ વાત આજે હું સભાને જણાવાની રજા લઉં છું. એમનું મન જો શુદ્ધ હોય તો આગેવાનો તેમનું માને નહિ તો અમુક વખત પછી બે ત્રણ કે છએ મહિને પણ પોતે પ્રાયશ્ચિત લેવાની કે તેમના સમજવા પ્રમાણે તેમના શીરે જે પીરાણા પંથનું કાળુ કલંક છે તેને તિલાંજલી આપવાની પ્રતિજ્ઞા કરે તો તેમના વિશે મારા જે વિચારો બંધાયા છે તેમાં ફેરફાર કરવાને તૈયાર છું.

          સાક્ષરવર્ય ભાઈશ્રી વસંતની પ્રતિજ્ઞા — “રાજાભાઈ અને બીજાઓને હું ખાત્રી આપવા પ્રતિજ્ઞા કરું છું કે તમને ધર્મપરાયણ થવામાં તમારી નાતજાત કે બીજી રીતે જે મુશ્કેલીઓ ઉભી થાય તે માટે હું મારા તન, મન, ધન અને જાતનો ભોગ આપવા તૈયાર છું.” (જોશભેર તાળીઓ). પંડિતશ્રી કાર્તાંતિક રાજાભાઈને ઉદ્દેશી બોલ્યા કે “રાજાભાઈ તમારા શબ્દો સાંભળીને મારું હૃદય પીગળી જાય છે ! પરંતુ કોઈ પણ શુભ કાર્ય જેમ બને તેમ જલદી જ કરી લેવું એવું સમજું પુરૂષો કહેતા આવ્યા છે અને તે સત્ય જ છે. હું જાતે બ્રાહ્મણ છું. તું ક્ષત્રિય છે, ભિક્ષા માગવી એ મારો ધર્મ છે અને તે આપવી એ તારો ધર્મ છે તો હું તારી પાસે આજે એ ભિક્ષા માગું છું કે દેહશુદ્ધ પ્રાયશ્ચિત લઈ તું એ અધર્મયુક્ત પંથનો ત્યાગ કર અને કરાવ.”

          રાજાભાઈ — પંડિતજીને ઉદ્દેશી બોલ્યા “તમે જે કહ્યું છે તે બરાબર છે પરંતુ મેં સભા સમક્ષ જે વાત કહી છે તે જ બરાબર છે.”

          શીવજી કાનજી પારસીઆ ગામ નખત્રાણવાળા રાજાભાઈને ઉદ્દેશીને બોલ્યા, “ગઈ રાત્રે પ્રાયશ્ચિત હાલમાં લેવું નહિ એવી તમારા વાત સાથે હું સંમત થયો હતો પરંતુ આજના સંયોગો જોતાં અને આપણે આગળ પડતો ભાગ લેનારા હોવાથી જો પ્રાયશ્ચિત લઈએ નહિં તો આપણા માટે શરમ ભરેલું દેખાય જેથી હું પ્રતિજ્ઞા કરું છું કે કરાંચી જઈને હું સહકુટુંબ પ્રાયશ્ચિત કરાવીશ.” ત્યારબાદ—

          ભાઈ શીવજી લધા ગામ નખત્રાણાવાળાએ રાજાભાઈને જણાવ્યું કે જ્ઞાતિ સુધારાની હિલચાલમાં પહેલી પરિષદના આપ પ્રમુખ હતા, ભાઈ શીવજી કાનજી પારસીઆ સેક્રેટરી હતા અને હું તો આપનો એક સિપાઈ તરીકે સેવાનું કામ કરનારો હતો, જ્યારે ભાઈ શીવજીએ પ્રતિજ્ઞા કરી છે ત્યારે તમે તો તે વખતની પરિષદના રાજા હતા તો તમારે ખાસ પહેલી પ્રતિજ્ઞા કરવી જોઈએ. વગેરે. હું કરાંચી જઈને સહકુટુંબ પ્રાયશ્ચિત લેવાની પ્રતિજ્ઞા કરું છું. (તાળીઓ)

          સેક્રેટરી નારાયણજી — રામજીભાઈએ જણાવ્યું કે આટલી વાટાઘાટ થયા પછી અને રાજાભાઈ શામજીને પંડિત શ્રી કાર્તાંતિક જેવા બ્રહ્મર્ષિએ તેમજ ક્ષાત્રકુળ દીપકભાઈ વસંતે સમજાવ્યા છતાં રાજાભાઈ પ્રતિજ્ઞા ન કરે તો હવે તેમને કોઈએ આગ્રહ ન કરવો. હું માત્ર છેલ્લી વિનંતીરૂપે મારા મિત્ર રાજાભાઈને વિનંતી કરું છું કે છ મહિના પછી આપને આગેવાનોમાં કંઈ સાર જેવું ન જણાય તો તમે છ મહિને પ્રાયશ્ચિત જરૂર લેશો એવી જો સભાને ખાત્રી આપો તોય બસ છે.

          રાજાભાઈ બોલ્યા કે નારાયણભાઈ હંમેશા મને પાછો પાડવાનો પ્રયત્ન કરે છે. અહીં પણ વકીલની માફક ક્રોસ કરી સવાલ પૂછે છે તેને જવાબ આપવા હું કંઈ બંધાયેલો નથી. પ્રાયશ્ચિત કરાવાની ગેરંટી આપી શકું નહીં. આ સંવાદ આટલેથી બંધ રહ્યો.

રાજાભાઈના મોં સામું જોઈ રહેલા તેમના બેલીઓ બિચારા બેસી ગયા પોતાને શું કરવાનું છે તેની ન તો કોઈએ સમજ પાડી કે તેઓ પૈકીના કોઈએ રાજાભાઈને ન તો પૂછ્યું કે અમારે શું કરવું ! રાજાભાઈને શર્મિંદા થઈ ગયેલા જોઈને તેઓ બેસી ગયા. કોઈ કોઈ ચાલાક હતા તેઓ રાજાભાઈનું પોગળ સમજી ગયા. તેમની પ્રતિષ્ઠાનો તોલ તેમના જ બેલીઓ સમક્ષ થઈ ગયેલો રાજાભાઈથી જોઈ શકાયો નહિ. વિદ્વાન વર્ગે તેમને શાંત પાડ્યા અને પ્રતિજ્ઞાઓ લેનારા બીજા ભાઈઓ આવવા લાગ્યા.

          પટેલ ગંગદાસ જેઠાભાઈએ “કાલેજ પ્રાયશ્ચિત લઈશ એમ જણાવ્યું તથા હરજી વીરજી વીરાણીવાળાએ પણ કરાંચી જઈને પ્રાયશ્ચિત લેવાની પ્રતિજ્ઞા કરી.”

          સભાને બેઠકનું કાર્ય શરૂ કરે ઘણો ટાઈમ થઈ જવાથી આરામ લેવાની જરૂર હતી, તેમજ દરબારશ્રી ગોપાળદાસ ભાઈ આ સભામાં પધારવાના હોવાથી તેમની પણ રાહ જોવામાં આવતી હતી અને બાળલગ્નની પ્રથા નાબુદ કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. ચા પાન લેવાને સભા ઉઠી. આશરે દસેક મિનિટ થઈ એટલામાં સાંજના સાત વાગે જે મહાપુરુષના આગમનની વર્ષાદની માફક રાહ જોવાતી હતી તેમના આવી પહોંચવાના સમાચાર સ્વયંસેવકોએ વિજળીની ઝડપે ફેલાવી દીધા. સહુ ભાઈઓ અને બહેનો તેમજ વિદ્વાન વર્ગ ટપોટપ પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. દરબાર સાહેબની જયના પોકારોએ સભાજનોના હૃદયમાં ઉત્સાહનો નવો રંગ જમાવ્યો. તેમને યોગ્ય આસને બેસાડ્યા બાદ સુતરના હાર પહેરાવામાં આવ્યા બાદ સભા તરફથી તેમનું સ્વાગત કરતાં :—

સે. ભાઈ નારાયણજી રામજીભાઈએ જણાવ્યું

          આજના અપૂર્વ હર્ષના ઉમંગના નામદાર દરબારશ્રીનું સ્વાગત કેમ કરવું એનું પણ ભાન રહ્યું નથી આપણી આ જ્ઞાતિના ભાગ્યનો કંઈ પાર રહ્યો નથી. એ દેવાંશી પુરૂષનાં આ સભામાં પગલાં થવાથી જ્ઞાતિના અનેક વિઘ્નો આપોઆપ ટળી જશે એવી મને ખાત્રી થાય છે. દેશસેવાની ખાતર જે રાજવીએ પોતાના સુખ અને રાજ્યનો ભોગ આપ્યો છે અને સમગ્ર દેશ જેની પ્રશંસા કરી રહ્યો છે એવા મહાભાગી ના.દરબાર સાહેબની ઓળખાણ આપવાનું મારા જેવા પામરનું શું ગજું ? જ્ઞાતિના એ શીરતાજ છે એ વાત તો તમે સહુ જાણો છો અને દેશની ગુલામી દશા મટાડવા માટે તેમણે જે સહકુટુંબ ભેખ લીધો છે એ વાત પણ તમને જાણવાની ભાગ્યે જ બાકી છે. તેમના દર્શન માટે આપણી જે અભિલાષા હતી તે પરમ કૃપાળુએ પુરી પાડી છે. તેમણે અત્રે પધારી આપણને પવિત્ર કરવાનો જે શ્રમ લીધો છે તે ખાતે હું સહુ ભાઈઓ તરફથી તે નામદારનો ઉપકાર માનું છું. (તાળીઓ)

          મી. કેશવલાલ માધવલાલ વકીલ — વિરમગામવાળાએ જણાવ્યું નામદાર દરબાર સાહેબનો ઉપકાર માનવાની જે દરખાસ્ત સભા તરફથી ભાઈ નારણજીએ કરી તેને હું અંતઃકરણપૂર્વક ટેકો આપું છું. (તાળીઓ)

          ભાઈશ્રી વસંત — સ્વાગત કરતાં બોલ્યા, જ્યારે એ નામદારને દરબાર પદનું અર્પણ થયું ત્યારે બરોડા ગેઝેટમાં એ વાત પ્રસિદ્ધ કરવાનું ભાગ્ય મને પ્રાપ્ત થયેલું. એ જ તાજ આજે માતૃ ચરણે મૂકી તેનું સાર્થક કરી દેખાડનાર એ રાજવીને અભિનંદન આપવાનો મને પ્રસંગ મળવાથી મારા તો આનંદનો પાર રહ્યો નથી, બરોડા ગેઝેટનો હું તંત્રી હતો તે પ્રસંગે માત્ર કવિતા લખીને તે નામદારનું મેં અભિનંદન કર્યું હતું. આજે તે નામદારે જ્યારે ખરું રાજ્ય — અમર સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું છે તેનો લાભ લઈ પ્રેમના આંસુથી તેમનું સ્વાગત કરવાની ઈશ્વરે મને તક આપી છે. શાસ્ત્રો જેને ગૃહસ્થાશ્રમ કહે છે તે અને સન્યાસ એટલે શું એ સહુ વાતનો બોધ એ નામદારના ચારિત્રે આપણને આપ્યો છે, આ જગત્‌ના રાજ્ય કરતાં તેમણે પોતાના ધર્મને વધારે શ્રેષ્ઠ માન્યો છે. તે ધર્મ કહો કે ભારતવર્ષની સેવા સમજો ગમે તે કહો તે સહુને માટે વૈમનસ્યનો ત્યાગ કરી જે પુરૂષે આ દેશ ઉપર મહાન ઉપકાર કર્યો છે તે સાધુ પુરૂષનાં દર્શનથી આજે આપણે પવિત્ર થયા છીએ અને તેમણે અત્રે પધારી જે ઉપકાર કર્યો છે તે ખાતે આપણે સહુ તેમના ઋણી છીએ.

નામદાર દરબાર શ્રી ગોપાલદાસભાઈનું ભાષણ

          પૂજ્ય પ્રમુખ સાહેબ અને ભાઈઓ તથા બહેનો ! આપણે મને જે માન આપ્યું છે અને મારો સત્કાર કર્યો છે તેને માટે હું તમારો ઘણો જ અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. હું જાણું છું કે તમે એ બધું માન શાથી આપો છો અને પ્રેમ શા માટે દર્શાવો છો. થોડા વખત પહેલાં હું એનો એ જ તમારો ભાઈ હતો, તમારા માંહેના થોડા પણ જાણતા નહોતા. તમારો હું બંધુ છું એ વાત તમે જાણતા નહીં હો. અત્યારે મારું સ્થાન એકજ જગ્યાએ છે. જગતના મહાન પુરૂષના ચરણે મેં મારું મન અર્પણ કર્યું છે. આ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા તમારાથી બની શકે તેટલી મદદ કરી એ વાતની તમારી પાસે ભિક્ષા માગવામાં આવે છે. મારાથી બની શકે તે મેં કર્યું છે એમ સમજી તમે મને માન આપો છો તે બધું માન અને લાગણી તે મહાપુરૂષને આભારી છે અને તમે તેને આપો છો એમ હું માનું ણછું. મને બહુ બોલવાની ટેવ નથી. હું તો એક સૈનિક તરીકે કામ કરનારો છું. અમારા સેનાપતિ વલ્લભભાઈ જે આજ્ઞા કરે તે કરવાનું મારું કામ છે તે જે હુકમ પ્રસિદ્ધ કરે તે પ્રમાણે અમારે કરવું જોઈએ. એટલે તે અમને દોરનાર છે. ઉપદેશ આપવાનું મારું કામ નથી. બોલવા કરતાં કામ કરવાની વાતને હું પસંદ કરું છું એટલે તમે મારી પાસેથી ભાષણની આશા રાખશો નહિ. તમે મારા માટે જે કહ્યું છે તેનો જવાબ ન આપું તો કૃતધ્નિ કહેવાઉં.

          પાટીદાર કરતાં હિન્દુ પહેલા છો એ વાત તમે ભુલશો નહિ. હું અને તમે બધા એક જ ખેતીનો ધંધો કરનારા હતા. મેં મારું વતન છોડ્યું છે તેથી તમે કોઈ દિલગીર થશો નહિં. આ દેશનો વિશાળ બગીચો જે નોકરશાહી પચાવી પડી છે તે વિશાળ જમીન માટે મેં તો મારી નાની જમીનનો ત્યાગ કર્યો છે. આખા રોટલાના માટે ટુકડાનો ત્યાગ કર્યો છે. જે ગુલામીમાં આ દેશ ડૂબ્યો છે તે મારું ખરું વતન છે તે મેળવવા મેં ભોગ આપ્યો છે અને તે માટે દેશના નાયકો જે આજ્ઞા કરે તે પ્રમાણે ભોગ આપવામાં તમે તમારો ફાળો આપશો. એકબીજાના વિરોધ ભૂલીને આપણે આગળ વધવું જોઈએ. જ્યારે આખો દેશ ગુલામીમાં સપડાયો છે ત્યારે એક જ જ્ઞાતિ સુખ પામે એ વાત સંભવિત નથી. એટલા માટે દેશ હિતના કાર્યમાં ભાગ આપવા તમે ભુલશો નહિ. તે કરશો તો તે મહાન પુરૂષ અને દેશ પ્રત્યે તમારો ભાવ પૂર્ણ થયેલો ગણાશે. (તાળીઓ)

          જગન્નાથ કોઠારીએ સભા સમક્ષ બોલતાં ખાદી વાપરવાનો ઠરાવ કરવાની સુચના કરી હતી તેનો સેક્રેટરી ભાઈશ્રી નારણજીએ જવાબ વાળતાં કહ્યું

          કચ્છ દેશમાં ખાદીનો પ્રચાર તો છે જ. કાંતવાની વાત પણ અમને કંઈ નવી નથી. મારા માતુશ્રી દરરોજ કાંતે છે. પોતે સ્વામીનારાયણના પંથના ભગત હોવાથી તેમનો સમય ભક્તિમાં જાય છે છતાં દરરોજ કાંતવું એ વાતની તો એમણે પ્રતિજ્ઞા કરી છે. મહાત્માજીના ઉપદેશથી અમારા ભાગમાં સારી અસર થઈ છે. સમિતિમાં ઘણી વખત કપાસ—પુણીઓ મળતી નથી એટલે બહુ મુશ્કેલી ઉભી થાય છે. અમારો કચ્છ દેશ અને મુખ્યત્વે કરીને આ જ્ઞાતિ તો ખાદી જ વાપરે છે. આ દેશની પ્રજામાં સૌથી ભુંડી દશા તો અમારી થઈ છે. અમે જ એ દશાના નમુના રૂપ છીએ એટલે મહાત્માજીની હિલચાલથી અમને તો ભારે ફાયદો થયો છે. ખાદીનો ઠરાવ લાવવાની વાત ભાઈશ્રી કોઠારીએ સુચવી છે. તેમને મારી વિનંતી છે કે પરિષદનો આજે છેલ્લો દિવસ હતો. સબજેક્ટ કમિટિનું કામ પૂર્ણ થઈ ગયું છે છતાં એ ઠરાવ લાવવાની વાતનો અમે વિચાર કરીશું.

          નામદાર દરબાર સાહેબનો પ્રમુખ તરફથી આભાર માનવામાં આવ્યો હતો અને રાત્રે આઠ વાગ્યા પછી સભા બરખાસ્ત થતી વખતે સદરહુ ઠરાવ પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. સમિતિના સેક્રેટરીએ ઘાટકોપરમાં સભા ભરવાની હોવાથી મંડપની માંગણી કરી હતી જે સ્વીકારવામાં આવી હતી અને પરિષદનું કાર્ય અપૂર્ણ રહેવાથી એક દિવસ વધારે લંબાવાની જરૂર પડવાથી બીજા દિવસ ઉપર પરિષદની બેઠક મુલત્વી રાખવામાં આવી હતી.

 

તા.૨૧—૪—૨૩નો ચોથો દિવસ

          બેઠકનું કામકાજ આશરે પોણા ત્રણ વાગે બપોર પછી શરૂ કરવામાં આવ્યું હતું. સેક્રેટરી ભાઈશ્રી નારણજીએ પરિષદના કાર્યની ફતેહ ઈચ્છનારા નીચે જણાવેલા હિતેચ્છીઓના તાર તથા કાગળો વાંચી સંભળાવ્યા હતા.

          મી.શામજીભાઈ હરીલાલ વકીલ — બીટા (કચ્છ)

          ભાઈ રામજીભાઈ જેઠાભાઈ — ગઢશીશા

          ભાઈ પુરૂષોત્તમદાસ — ક.પા.પરિષદ બ્રાન્ચ ઓફિસ વડોદરા

          મી.રામજીભાઈ વાલજીભાઈ વકીલનો તાર—નખત્રાણા (કચ્છ)

          મી.નથુભાઈ કરસનભાઈ વકીલનો તાર — નખત્રાણા (કચ્છ)

          “કચ્છ વર્તમાન”ના અધિપતિ — અમદાવાદ

          સદરહુ કાગળો તથા તાર એક પછી એક વાંચી સંભાળવતાં તેમણે તે તે ગૃહસ્થોની ઓળખાણ આપી હતી અને આપણી જ્ઞાતિની પરિષદ પ્રત્યે તેઓ જે લાગણી ધરાવે છે અને મદદ કરે છે તેનું વિવેચન કર્યું હતું. સઘળા દિલસોજ ગૃહસ્થોનો ઉપકાર માનવાની વાતને સભાએ તાળીઓના અવાજથી સંમતિ દર્શાવ્યા બાદ નીચે જણાવેલો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.

ઠરાવ ૬ ઠ્ઠો

          છુટાછેડા એટલે છુટકાના રિવાજને નામે ચાલતા અતિ શરમ ભરેલા અને અયોગ્ય રિવાજ તરફ આ પરિષદ તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે અને તેને સદંતર નાબુદ કરવા આ સભા દરેક જ્ઞાતિ ભાઈને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.

          ભાઈ શીવજી કાનજી પારસીઆ ગામ નખત્રાણાવાળાએ ઉપર જણાવેલો ઠરાવ રજુ કરતાં જણાવ્યું પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ ભાઈઓ ! એક વખતે આપણે સ્ત્રીની સાથે લગ્ન કરીએ અને અનુકૂળતા ન દેખાય કે તેને તજી દઈએ એ પ્રકારની અધમતા આપણા જેવી ક્ષત્રિય કોમમાં ક્યાંથી પેસી ગઈ તેની કંઈ સમજ પડતી નથી. આ ઠરાવ રજુ કરવાનું મને સોંપવામાં આવ્યું છે છતાં તમારી સમક્ષ તે રજુ કરતાં મારું હૃદય કંપી ઉઠે છે. આપણે જો વિચાર કરીએ તો સમજાય છે કે આ રિવાજ બાળલગ્નના કારણે આપણામાં પેસવા પામ્યો હશે અને કેળવણીના અભાવે તેણે વધારે પડતું સ્વરૂપ ધારણ કર્યું. તે તો કદાચ ગુજરાત તરફની વાત થઈ પણ આપણા કચ્છ વિભાગમાં છુટકા કેવા પ્રકારે થાય છે એ વાત તપાસીએ તો જરૂર તમે કહેશો કે આપણા ગેઢેરાઓએ પોતાની સત્તાનો દોર જમાવવા એ રિવાજનો એક શસ્ત્ર સમાન ઉપયોગ કરે છે. વર અને વહુ બંને રાજીખુશીથી સંસાર ચાલવતાં હોય, તેમને છુટા થવાની જરાએ ઈચ્છા ન હોય છતાં તેમના છુટકા કરાવનારા એવા કૃત્યો આપણે ત્યાં કરે છે. આ પ્રકારના દાખલાઓ ઘણીવાર પ્રસિદ્ધ થયા છે તમારાથી એ શરમ ભરેલી વાત અજાણી નથી. તો આશા રાખું છું કે તમે આ રિવાજના નાબુદ કરવા અને આગેવાનોનું ભાન ઠેકાણે લાવવા પ્રયત્ન કરશો. (તાળીઓ)

ભાઈ લાલજી સોમજી રવાપરવાળા એ ઠરાવને ટેકો આપતાં કહ્યું :—

          આ છુટકાનો રિવાજ નામોશી ભર્યો તો છે જ પણ તે કરતાં નુકસાનકારક બહુ છે. કુસંપના બીજ જ્ઞાતિમાં વવાય છે. આપણે જો માણસ હોઈએ તો સમજી જઈએ કે એક વખત કોઈ ચીજ કે ઢોર ખરીદીએ પછી કોઈના કહેવાથી તેને ઝટ દઈને તગડી મૂકતા નથી તો પછી આપણી જ જ્ઞાતિની કન્યા જેની સાથે આપણે લગ્ન કર્યા હોય તેને કેમ છોડી દેવાય? તમે આ બધું સાંભળો છો તેમાંથી કંઈ ગ્રહણ કરજો. એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાંખશો નહિ. તમારા બંને કાન સાંભળવા માટે છે પણ તે કાનનો અવાજ જો એકમાં પેસીને બીજાની વાટે પેલી પુતળીઓની માફક ચાલ્યો જતો હોય તો આપણે માણસ નથી. નકામા છીએ એ વાત યાદ રાખજો. સુવર્ણની બે પુતળીઓની વાતનું અર્થસૂચક દૃષ્ટાંત આપી તેમણે શ્રોતાઓ ઉપર સારી અસર કરી હતી.

વિશ્રામભાઈ પાંચા ગાંગાણી ગામ વીરાણીવાળાએ ઠરાવને ટેકો આપતાં જણાવ્યું —

          આપણે ક્ષત્રિય છીએ એ વાત કચ્છ વિભાગના ભાઈઓ જાણતા નથી તેમ વળી નાતથી અલગ પડી ગયા પછી પીરાણા પંથે જે અંધાર પછેડો નાંખ્યો છે તેથી તો આપણી જાત અને ધર્મને પણ ભૂલી જવાના કૃત્યો આપણને શિખવવામાં આવ્યા છે. આપણા લગ્ન જ જ્યારે હિન્દુધર્મના રિવાજ પ્રમાણે ન થાય ત્યારે આવા રિવાજોનું તો પૂછવું જ શું ! લા ઈલાના કલમાથી જ્યાં છોકરા છોકરીને જોડી દેવાય ત્યાં ધર્મની ભાવના કેવી ! આપણે મનમાં ઘણું ગુમાન રાખીએ છીએ છતાં રિવાજ છે એમ સમજીને આપણી બહેન દીકરીને એક મુકીને બીજો ભાયડો અને બીજો કે પછી ત્રીજો એમ કરી દેતાં શરમાતા નથી. કેટલી શરમ ભરેલી વાત દેખાય છે. રામ અને સીતાના વંશમાં ઉતરી આવેલા આપણે તેમની આ પ્રકારની દશા થાય એને તમે જોઈ રહો એ કેવું કહેવાય. હું ધારું છું તમારો બચાવ એ છે કે આપણે કંઈ કરતા નથી ગેઢેરાને જેમ લાગે તેમ કરે છે ! તો હું કહું છું તમારો આ બચાવ નથી પણ તમારા મન અને ભાવની નબળાઈ અને બાયલાપણું દેખાડનારો એ જવાબ છે. તમે મેંઢરાના બચ્ચા નથી સિંહ છો. જો તમને એ વાત સારી ન લાગે તો તમે આગેવાનોના સામા થઈ જાઓ તેમનો ડર મૂકી દો તો જ આપણું કલ્યાણ થવાનું છે નહીં તો અધોગતિ પુરી થઈ છે છતાં માણસ મટીને પશુ જેવા થઈ જઈશું.

          પટેલ છગનલાલ પિતાંબરદાસે જણાવ્યું — મે. પ્રમુખ સાહેબ અને ભાઈઓ, કેટલાક અધમ રિવાજો તમે એવા લઈ બેઠા છો કે જે પશુ પક્ષીમાં પણ ન હોય ! ત્યારે મારે તમને ક્યાં ઘટાવવા એ કંઈ સમજાતું નથી. સરસડા જેવા પ્રાણી નર કે માદા મરી જાય તો પાછળ રહે તે પોતાનું જોડું બાંધતું નથી એ પણ તેના નર કે માદાની પાછળ ઝુરી મરે છે. ત્યારે આપણે કડવા પાટીદારે શું સમજવું ! તમારા કચ્છમાં છુટકા ઘણા થાય છે અમારે અમદાવાદમાં પણ થાય છે. આ પાપથી હદ વહી ગઈ છે એટલે હવે તેને કાઢી નાંખવું. વર અને કન્યાની અનુકૂળતા જોઈને તમે તેમના લગ્ન કરશો તો આ રિવાજ નીકળી જશે. પોતાને ઠીક ન પડે તેમની સાથે જાનવરો પણ જોડાતાં નથી. ઠીક દેખાય તેને પકડી રાખે છે તો આપણે એટલું અવશ્યે કરવું કે પ્રતિકૂળતા દેખાય તેવાને લગ્નથી જોડવાં નહિ.

          સેક્રેટરી નારાયણજી રામજીભાઈએ ઠરાવ પસાર થયેલો જાહેર કરવા ઉઠતાં કહ્યું — આ રિવાજ બાળલગ્નના ડાળામાંથી ફુટ્યો છે એ વાતની ના નથી પણ એવાં અનેક ડાળાં જે અધર્મના વૃક્ષમાંથી ફુટ્યાં છે તેનો નાશ કરો એટલે આપણને જરૂર જ્ઞાન થશે અને ધર્મ અધર્મ સમજાશે. હું ધારું છું આ ઠરાવ કરવામાં તમે સહુ સંમત થયા છો. (તાળીઓ). એટલે તે પસાર થયેલો જાહેર કરવામાં આવે છે.

ઠરાવ ૭મો

          વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તે પ્રાપ્ત કરવા કરાવવા અને જ્ઞાતિના પુત્ર પુત્રીઓને કેળવણી આપવા આ પરિષદ દરેક ભાઈને વિનંતી કરે છે અને જે જે સ્થળે જ્ઞાતિના ફંડો અને જ્ઞાતિના પૈસા હોય તેનો જ્ઞાતિમાં કેળવણી અર્થે સત્વર ઉપયોગ કરવાની આ પરિષદ આગેવાનોને સુચના કરવાનો ઠરાવ કરે છે.

          ભાઈ મહીદાસ પ્રેમજી શાંતાક્રુઝ ગુરુકુળના માસ્તરે સદરહુ ઠરાવ રજુ કરતાં જણાવ્યું — બાળકોને કેળવણી આપવાની વાતમાં કોઈથી ના કહેવાય તેવી નથી. જે ના કહે તે તો મૂર્ખ કહેવાય. મારીચ જાતે રાક્ષસ હતો છતાં રાવણની આજ્ઞાથી હરણ બન્યો અને રામના હાથે મર્યો. ત્યારે આપણે સારાં કામ માટે મરવા તૈયાર થવું જોઈએ. ખેતરમાં તમાકુ ઉગાડીએ છીએ તેને બહુ રીતે કેળવવી પડે છે, ઘરમાં રોટલીની કણેકને પણ ગુંદી ગુંદીને ચિકાસ લાવવી પડે છે તો બાળકોને તો કેળવવાં જ જોઈએ. મનુષ્ય જાતને માટે જન્મનું સાર્થક જાણવા જ્ઞાનની જરૂર છે અને તે જ્ઞાન વિદ્યા ભણ્યા સિવાય મેળવી શકાતું નથી. બસો પાંચસો વર્ષ ઉપર મુસલમાનોનું રાજ્ય હતું આજે આપણા ઉપર અંગ્રેજ સરકાર રાજ કરે છે એણે જે બુદ્ધિમત્તા વાપરી છે તે વિદ્યાનું કારણ છે. છોકરાંને ભણાવાનું મા બાપના માંથે છે પરણાવાનો બોજો તેમના માંથે નથી. છતાં તેઓ ઉલટું જ કરે છે. ભણાવાની દરકાર કરતાં નથી અને પરણાવાની વાત વગર જરૂરે માંથે ઓઢી લે છે ! તેમને પરણાવીને ઉપાડી નહીં શકાય તેવો ઘંટ તેના ગળામાં તમે બાંધો છો. તેમને કેળવવા તરફ કાંઈ લક્ષ આપતા નથી. આ કારણથી તેઓ જ્ઞાતિમાં પણ બોજા સમાન થઈ પડે છે. આવા બોજા અને દુઃખોનો તમે વિચાર કરી બાળકોને જરૂર કેળવણી આપવાનું ચુકશો નહિ.

પટેલ છગનલાલ પિતાંબરદાસે જણાવ્યું

          આ ઠરાવને ટેકો આપવા હું ઉભો થયો છું છતાં હું ભણેલો નથી એ તમને પહેલેથી કહી દઉં છું. હું કોઈ દિવસ નિશાળોમાં ભણવા ગયો નથી. પણ સન્યાસી મહાત્માનો મારા ઉપર તે સંબંધી ઉપકાર થયો છે. અમારા ગુજરાતમાં એવા ઘણા દાખલા બને છે કે માબાપના કારજમાં મિલકતો વટાઈ જાય છે અને પાછળના છોકરાંને ભણવાના કોઈ સાધન રહેતાં નથી. આપણી પાટીદારની નાતની પાટીઓ આજે અનેક કારણોને લઈને વિંખાઈ ગઈ છે. બાળલગ્નનો રિવાજ બહુ હાનીકર્તા છે તે અટકાવવા અમે પ્રયત્નો કર્યાં છે અને ગુજરાતમાંથી તે નાબુદ થયા જેવો છે. છતાં બાળકોને કેળવણી આપવાની જરૂર તો છે જ. એ કાર્યની યોજના કર્યા સિવાય અમને સંતોષ થાય તેમ નહોતો. કડી પ્રાંતમાં અમે આપણી નાતના છોકરા માટે બોર્ડિંગ અને વિદ્યાલય સ્થાપ્યું છે. બોર્ડિંગમાં ૮૦ છોકરા રહે છે અને ૧૦૫ છોકરા વિદ્યાલયમાં ભણે છે. અંતઃકરણ કેળવાય એ પ્રકારની કેળવણી ત્યાં આપવામાં આવે છે. આપણું પહેલું યુદ્ધ તો જમીન સાથે છે. એટલે ખેતીવાડીની કેળવણી આપવી જ જોઈએ. તેના ઓજારોમાં હળ અને કોશની અણીઓ વગેરે કાઢવાનું કામ આપણને આવડવું જોઈએ. બાળકોએ પોતાના વડીલો પ્રત્યેની ફરજ શી છે તે સમજતાં શિખવું જોઈએ. આ પ્રકારની કેળવણી તે વિદ્યા છે. કન્યાઓને કેળવવાની જરૂરિયાત ઘણી છે એ તમે બરાબર સમજીને ધ્યાનમાં રાખશો. છોકરાંને રહેવા અને ભણવાનું સાધન ન હોય તો અમારા કડીના બોર્ડિંગમાં મોકલજો. અમારું એ કામ તે જ્ઞાતિનું જ છે. તમારું જ છે. જ્ઞાતિ હિતાર્થે એક “કડવા વિજય” નામનું માસિક પ્રગટ થાય છે તેના તમે ગ્રાહક થશો એવી હું તમને ભલામણ કરું છું.

પટેલ ધનશાભાઈ જેકણદાસે કેળવણી વિશે બોલતા જણાવ્યું

          બાળકોને કેળવણી આપવાની જરૂર છે જ પણ તે કેળવણી એવી હોવી જોઈએ કે તેમને સ્વતંત્રતાનું ભાન કરાવે. કેળવણી એવી હોવી જોઈએ કે તેને ગૃહસ્થાશ્રમના અંતે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. એને જ કેળવણી કહી શકાય. અમારા તરફ કડીની જે સંસ્થા છે તેના જેવી ઘણી સંસ્થાઓની જરૂર છે અને આવી સંસ્થાઓમાં માત્ર પગારની ખાતર નહિ પણ એક પૈસાના ચણા ખાઈને નિર્વાહ ચલાવી લઈશું એવા વિચારના ત્યાગી શિક્ષકોની જરૂર છે. આવા ત્યાગી હોય તે વીરપુરૂષો કહેવાય આવા પુરૂષો મળવા અશક્ય નથી. જો સંસ્થાઓના નેતાઓ એ વાત પુરી સમજે અને તે માટે પ્રયત્ન કરે તો જરૂર મળી રહે અને આપણી જે જાહોજલાલી હતી તે ઘણા થોડા કાળમાં સ્થપાય. હવે આપણો વારો આવ્યો છે, તમે કહો છો કે આપણે હવે જાગ્યા છીએ તો જરૂર બાળકોને કેળવણી આપજો. તેમના અંતઃકરણ શુદ્ધ કરજો ત્યારે જ તમે માબાપ તરીકે તમારો ધર્મ બજાવેલો કહેવાશે. (તાળીઓ)

          સુરત જિલ્લામાંથી આવેલા એક સ્વામીજીએ કેળવણીનો વિષય સમજાવ્યા બાદ નરહરિ શર્મા (પરિમલ) એ તે વિષયને સમજાવતાં કહ્યું —

          વિદ્યા એ વિર્ય છે એ વાત જ્યારથી ભારતીય પ્રજા ભૂલી ગઈ ત્યારથી તેનું પતન થયું છે. એ વિર્યનો જ્યારથી પ્રજાએ અનાદર કર્યો ત્યારથી ધાર્મિક, આર્થિક, શારીરિક અને માનસિક અધોગતિ થઈ છે. વિદ્યાના બળે જગદીશબાબુ, બંકીમબાબુ, તિલકમહારાજ અને ગાંધી મહારાજ જેવા પુરૂષો થયા છે તે સહુ એક જ વિર્યના ટીપે થયા છે. આજે બાળલગ્નનું દુઃખ વહોરી લઈને પ્રજા નિર્માલ્ય થઈ ગઈ છે. આંગ્લ શિક્ષણ લેવાની જેને જરૂર હોય તે ભલે લે પણ તે પ્રાચીન શિક્ષણના ભોગે તો ન જ લેવું. આપણા માટે ધાર્મિક શિક્ષણની ખાસ જરૂર છે. દેશને અનુકૂળ થઈ રહે તે ધોરણે નૈતિક શિક્ષણ પણ આપવું જોઈએ. ઘરસંસાર સારી રીતે ચલાવવા માટે પણ કેળવણી લેવાની જરૂર છે. ભોજરાજાના દરબારમાં ચાર કન્યાઓ જાતિની પિછાન કરવા ગયેલી તેની વાત કહીને આગળના વખતમાં કન્યાઓ પણ કેળવાયેલી હતી એ વાત સમજાવી હતી. ધર્મબુદ્ધિ જાગૃત થવા માટે સંસ્કૃત કેળવણી આપવામાં આવતી તેની પણ જરૂર સમજાવી હતી.

પરિષદના સેક્રેટરી ભાઈ નારાયણજી — રામજી ભાઈએ આ ઠરાવની જરૂરિયાત સમજાવતાં તે પસાર કરવાની સભાને વિનંતી કરી હતી જે તાળીઓના અવાજથી વધાવી લેવામાં આવી હતી. ત્યારબાદ આરામ લેવા માટે લગભગ પાંચ વાગ્યા પછી સહુ ઉઠ્યા હતા અને સભાનું કામ છ વાગ્યા પછી શરૂ થયું હતું.

ઠરાવ ૮મો

          આપણી હિન્દુ ગણાતી જ્ઞાતિઓમાં મુડદાંને અગ્નિદાહ દેવાનો રિવાજ પ્રચલિત છે અને આપણી જ્ઞાતિ હિન્દુ હોવા છતાં આપણા કચ્છ અને કરાંચીમાં રહેનારા કેટલાક પીરાણાપંથી ભાઈઓ અગ્નિસંસ્કાર કરવાને બદલે મુડદાંને દફનાવી દે છે તે રિવાજ અયોગ્ય અને શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી કોઈ બંધુએ મુડદાંને દાટવું નહિ તેમજ દાટવાના કાર્યમાં ભાગ પણ લેવો નહી અને મુડદાંને અગ્નિસંસ્કાર કરવો એવો આ પરિષદ ઠરાવ કરે છે.

          ભાઈ માવજીભાઈ પુંજાભાઈ ગામ નખત્રાણાવાળાએ ઠરાવ રજુ કરતાં જણાવ્યું કે પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ ભાઈઓ ! જો આપણે હિન્દુ છીએ એવો દાવો રાખતા હોઈએ તો મુડદાંને જરૂર અગ્નિસંસ્કાર જ કરવો જોઈએ. સં.૧૮૩૨ {Year: 1775-76} ની સાલમાં આપણા કચ્છની નાતમાં નખત્રાણામાં આગેવાનો એકઠા થયેલા તેમણે ભાટ, બ્રાહ્મણોને નહીં માનવા અને અગ્નિસંસ્કાર નહીં કરવાના ઠરાવો કરેલા અને પીરાણા ધર્મને એ રીતે વધારે પડતો સ્વીકારી મડદાંને દફનાવાનો રિવાજ શરૂ કર્યો. જ્ઞાતિનો મોટો ભાગ આ પ્રકારે પીરાણાના કબ્રસ્તાની પ્રવાહમાં તણાયો. આપણા એક પૂર્વજ કેશરા ભગત એ વાતમાં વિરુદ્ધ પડેલા તેમને તેઓએ નાત બહાર કર્યા તેમની સાથે હજાર ઘર નાતથી જુદાં પડી ગયા. ત્યારથી નાતના બે ભાગ પડ્યા. મોટા ભાગે પીરાણાને માની અધર્મનો માર્ગ ગ્રહણ કર્યો તે આજ સુધી ચાલ્યો તેના લીધે આ દફનાવાનો રિવાજ પેસી ગયો. આપણા સદ્‌ભાગ્યે ભાઈશ્રી નારાયણજી આપણા દેશમાં જન્મ્યા અને તેમણે જ્ઞાતિને સ્વધર્મે ચાલવાની હિલચાલ શરૂ કરી. આપણને આપણી જાત અને ધર્મનું જ્ઞાન આપવા તેમણે અનેક રીતના સંકટો વેઠ્યાં છે અને આજે પણ એજ ભાઈ આપણા મુખ્ય નેતા છે. તેમણે પોતાનું તન, મન અને ધન જ્ઞાતિને અર્પણ કર્યું છે, તેમની સાથે તેમના ઘણા મિત્રો જે આપણા ભાઈઓ છે તે પણ કચ્છની આપણી નાતને સુધારવાના ઘણા પ્રયત્નો કરે છે. તેમના ઉપદેશથી આપણી આંખો ઉઘડી છે. આપણો ઉપદેશ સફળ થાય એ જોવા માટે જ્યારે તે ભાઈઓ આટલું બધું કરે છે તો આપણે કેમ પછાત રહેવું. પીરાણાનો મુસલમાની પંથ આપણે ત્યાગી દઈશું એટલે આ રિવાજ ગયેલો જ છે. દેશમાં તેની જાજી પરવા નથી પણ કરાંચી, મુંબઈ જેવા ઠેકાણે આપણે હિન્દુ હોવા છતાં દફનાવાના કામ કરીએ એ બની શકતું નથી. મોટી શરમાવનારી વાત તો એ થઈ પડે છે. અન્ય કોમો આપણને મુમના અને મુસલમાન જેવા ગણી કાઢે તેમાં નવાઈ શું ! હિન્દુઓ કોઈ દિવસ મુડદાંને દફનાવે નહિ. દાટે તે હિન્દુ કહેવાય નહિ. માટે હવે કમર કસીને આપણું હિન્દુપણું ટકાવી રાખવા તૈયાર થાઓ. આપણને બૂડતાને હાથ ઝાલીને ખેંચી કાઢવા ઘણા ભાઈઓ પોતાના તન, મન અને ધનના ભોગે તૈયાર થયા છે ત્યારે તમને એ ક્બ્રસ્તાની પંથમાંથી બહાર નીકળતાં નુકસાન શું છે? જલદી તેને નાબુદ કરી અને પ્રાયશ્ચિત લઈ નવો જન્મ ધારણ કરો, એ આપણો ધર્મ છે. તમે પાટીદાર જ્ઞાતિના પુત્રો હો અને રહેવા માગતા હો તો જરૂર તમારા પગ ઉપર ઉભા રહો એમાં જ આપણી જ્ઞાતિની શોભા છે. દફનાવાની વાત સરખી પણ કરશો નહિ.

          ભાઈ દાના કરસન, રતનશી શીવજી અને વિશ્રામભાઈ પાંચાએ સદરહુ ઠરાવની તરફેણમાં વિવેચન કરતાં અગ્નિસંસ્કાર કરવાની વાત કહી સમજાવી હતી.

          ભાઈ રતનશી ખીમજીએ ઠરાવ ઉપર બોલતાં જણાવ્યું કે મે. પ્રમુખ સાહેબ જ્ઞાતિભાઈઓ અને બહેનો. મુડદાંને દફનાવાની ખોટી રૂઢીએ તો આપણી અધોગતિ કરી છે. કોઈ રૂઢી કેટલી અધમ પ્રકારની છે તેનો વિચાર કરીએ નહિ ત્યાં સુધી તેના ઉપર આપણને તિરસ્કાર છુટતો નથી. તેમાં દુઃખ કેટલું છે, પાપાચાર કેટલો છે એ વાત સમજાતી નથી. કેટલાક ભાઈ કહે છે કે આપણે પીરાણા પંથમાં ફસાણા છીએ. ફસાણા એ વાત સત્ય છે પણ તેનો વિચાર કેમ કરતા નથી. પીરાણાએ જે શાસ્ત્ર બતાવ્યું છે તેણે તો દુનિયામાં દાટ વાળ્યો છે. કળિયુગમાં તેણે નકલંકી અવતાર બતાવ્યો છે. આ યુગમાં મુડદાંને બાળવા ને બદલે દાટવાનું કહીને ધર્મ બતાવ્યો, બાળવાથી મરનારના મોઢાં કાળાં થવાની વાત સમજાવી અને તે આપણા ગેઢેરા કે આગેવાનોએ સાચી માની. આપણે પણ તે માન્યું કે ન માન્યું પણ મુડદાંને દાટવા તો લાગ્યા જ ! દેશકાળને લઈ આપદ્‌કાળ વખતે કોઈ નવી પ્રથા લેવી પડે છે. આગબોટમાં કોઈ મરી જાય તો મુડદાંને દરિયામાં ફેંકી દેવામાં આવે તેને જળદાહ કહેવાય, વનમાં કોઈ મરી જાય અને તેની સાથે કોઈ ન હોય તો તે મુડદું ત્યાં જ પડ્યું રહે અને તેને પશુ પંખી ફોલી ખાય તે વનદાહ કહેવાય. પીરાણાનું શાસ્ત્ર કહે છે કે મુડદાંને દફનાવીને તમે ચાલીસ ડગલાં નીકળી આવો એટલે એ મુડદાં સ્વર્ગે ચાલી જાય છે ! આ વાત ઘણા અજ્ઞાન ભાઈઓ સાચી માને છે. દફનાવ્યા પછીના મુડદાં સરજન ડાક્ટરોએ કાઢ્યાં છે અને તપાસ્યાં છે. સાથે મુખીઓ ગયેલા તેમની રૂબરૂ દફનાવેલા મુડદાં કાઢ્યાં છે. જો દાટ્યા પછી તે ગાયબ થઈ જતાં હોય તો નીકળે ક્યાંથી ! આ મુખીઓ તેમ છતાં આંધળા થઈને બીજાને આંખે પાટા બંધાવે છે. હિન્દુઓને ફસાવા માટે આવી અનેક વાતો ઈમામશાહે કરી છે કે હિન્દુઓને મુસલમાનો બનાવાનું અધુરું રહેલું કાર્ય મારા વંશજોએ પુરું કરવું. આપણા પૂર્વજોના નામને દીપાવનારા આપણી જ્ઞાતિના કેટલાક ભાઈઓ આ સભામાં બિરાજે છે કેટલાક વિદ્વાનો પણ હાજર છે તેઓને તમે પૂછીને ખાત્રી કરી જુઓ કે હિન્દુઓમાં મુડદાંને દાટવાનો રિવાજ હોય ખરો? દાટે તે હિન્દુ કે મુસલમાન? સોમજી હીરજી ભગત એક હતા તે મુંબઈ ન જવાનો બોધ કરતા અને કહેતા કે “માટી બળે તેના મોઢાં કાળાં થાય એમ ઈમામશા કહી ગયા છે.” આ સોમજીને છેવટે મુંબઈમાં લાકડાં વહેરવા આવવું પડેલું. છોકરાંને થયું કે બાપાનાં વચન સાચાં પડ્યાં. મુંબઈ જેવા સ્થળે ક્યાંઈ દાટવાનું તો જડે નહિ છેવટે તેમને અગ્નિસંસ્કાર કર્યો અને એ બાપના નામાંકિત દિકરાઓએ તેમના હાડકાં લાવી કોથળીમાં ભરીને દયાપર લઈ ગયા અને ત્યાં દાટ્યાં. આપણા માંથે પીરાણાની છાપની કાળી ટીલી હોવાનું સહુ કહે છે પણ તેને ઝટ લઈને મુકી દેતા નથી. અજ્ઞાન ભાઈઓને તો હું શું કહું પણ જેઓ પોતાને સમજુ અને સુધારકમાં ખપાવે છે, જેઓ અહીંના શેઠીયા વર્ગના પરિચયમાં રાત દિવસ આવે છે તેઓ હજી શા માટે આ કાળી ટીલી રાખી મુકે છે એ તેમને સહુએ કહેવું જોઈએ. આ કાળી ટીલીનું કલંક એ પાપ છે. આપણને ગમે તેવા સ્વાર્થ સાધવાની લાલચ હોય તે છોડી દઈને એ પાપમાંથી બચવું જોઈએ. હિન્દુધર્મનું રક્ષણ કરનારાના સંતાન આજે હિન્દુધર્મના દ્રોહી ક્યાં સુધી રહેશે ! તમારા દેહનું સાર્થક થાય એ માટે હિન્દુધર્મનું રક્ષણ કરો અને પાપી રિવાજો ત્યાગો. (તાળીઓ)

          માસ્તર નારણભાઈ ભાઠાવાળાએ પીરાણા પંથમાં બધુ સ્વાર્થ ભરેલું જ છે એ વાત કહીને દફનાવાનો રિવાજ નાબુદ કરવાની ભલામણ કરી હતી.

          નાયાભાઈ શીવજી ગામ વીરાણીવાળાએ સદરહુ ઠરાવને અનુમોદન આપતાં જણાવ્યું કે મે. પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ ભાઈઓ મુડદાંને દાટવાં કે અગ્નિસંસ્કાર કરવો એ વિશે ધાર્મિક સિદ્ધાંતની વાત હું સમજાવી શકું નહિ. આ વિષય બહુ ગહન છે. મારી અલ્પમતિ પ્રમાણે હું એટલું તો કહું છું કે મુડદાંને દાટે તે હિન્દુ કહેવાય નહિ. આ વિષય ઉપર તમને ઘણા ભાઈઓ સમજાવી ગયા છે. પીરાણાનું નીચું જોવડાવનારું જે ધરમ છે અને જેને તમે કલંક માનો છો તેને જલદી ફેંકી દેવાની હું તમને વિનંતી કરું છું. આપણે પ્રથમ આપણી જાત ઓળખવી જોઈએ. તમને જો જાતનું અભિમાન ન હોય માણસ કે પશુના ભેદની પરવા ન હોય તો હું તમને બીજું કહેવા માગતો નથી. તમને જો પૂર્વજોની કીર્તિનું ભાન હોય તેમના સંતાન હોવાની વાતમાં તમે માનતા હો તો તમે જે ભૂલો કરી હોય તેનો પસ્તાવો કરજો અને તમારી જાતને શુદ્ધ બનાવા અને તમારો ધર્મ સંભાળી લેવાની તૈયારી કરજો અને પ્રાયશ્ચિત લઈને તે સાબિત કરી બતાવજો. આ કાર્ય સંપથી આપણે કરવાનું છે અને તે કરીને આપણા સનાતન ધર્મ તરફ ચાલવાનું છે. તેમાં અગ્નિસંસ્કારની વાત પણ આવી જાય છે એટલે તમે આ ઠરાવ જરૂર પસાર કરશો. (તાળીઓ).

          ભાઈશ્રી નારાણજી રામજીભાઈએ જણાવ્યું કે આ રિવાજ કંઈ બહુ જુનો નથી. પ્રાગજી કાકો હતો ત્યારે તેણે અને વલીમિયાં સૈયદે સં.૧૮૩૨ {Year: 1775-76} માં આ રિવાજ શરૂ કરાવ્યો છે. પણ દેશમાં તો પીરાણાપંથી ભાઈઓ મુડદાંને દાટે છે એ વાત મારે જ્યાં ત્યાં કબુલ કરવી જ પડે છે. આ નીચું જોવડાવાની વાત પ્રસંગો પાત એક વખતે આપણી જ્ઞાતિના શિરોણી સ્વ.દરબારશ્રી સૂર્યમલજી સાહેબની રૂબરૂ મારે પાટડી મુકામે કબુલ કરવી પડી હતી. તે પ્રસંગ સમસ્ત જ્ઞાતિનું હિત વિચારવાને લગતો અને તે વેળાએ મારા અંગત મિત્રોએ મને તૈયાર કરવામાં અને પડખે ઉભા રહેવામાં ભુલ કરી હોત તો જરૂર કચ્છ વિભાગના કણબીઓનો ઈતિહાસ ગુજરાતના કડવા પાટીદારોથી જુદો જ લખવાનો પ્રસંગ ઉભો થાત. મને કહેતાં શરમ થાય છે કે આ રિવાજ કચ્છમાંથી કરાંચી સુધી લંબાયો છે. ત્યાંના રહીશ મારા મિત્રોને તે નાબુદ કરવાની હું આગ્રહપૂર્વક ભલામણ કરું છું. આ વિષય ઉપર બીજા વિદ્વાનો બોલનાર હોવાથી હું તમને વિશેષ કહેતો નથી તેઓ જે કંઈ કહે તે ધ્યાન દઈ સાંભળશો અને તે પ્રમાણે વર્તશો.

          શાસ્ત્રી નરહરી શર્મા (પરિમલ)એ બોલતાં જણાવ્યું —હિન્દુઓને જન્મથી તે મરણ પર્યંતના સંસ્કાર કરવા પડે છે. છેલ્લો એટલે ૧૬મો સંસ્કાર અગ્નિદાહનો છે. આ સંસ્કારોમાં ધર્મની મહત્તા રહેલી છે જે જગત્‌ના લોકોએ સ્વીકારી છે. પંચ મહાભૂતના મડદાંને બાળવામાં પણ કેટલી કાળજી રાખવામાં આવે છે તેનો બહુ વિચાર કરવાની જરૂર છે. પારસી લોકો મુડદાને સૂર્યદાહ દે છે તેને પશુપક્ષી ફોલી ખાય છે. મુસલમાન અને ખ્રિસ્તી પ્રજા દફનાવે છે એટલે ભૂમિદાહ દે છે છતાં આવી ક્રિયાઓમાં કોઈ બળવત્તર સત્તા આડે આવતી નથી. શરીર તો પંચ મહાભૂતનું પૂતળું છે તે સંસારી લીલા વખતે અનેક તહેરના રંગ દેખાડીને નાચે છે છેવટે તે મૃત્યુને શરણ થાય છે એ વાત સમજવા માટે આપણે મુડદાંને સુગંધિ પદાર્થો સાથે કાષ્ઠમાં ઘી હોમીને બાળીએ છીએ. તેની સુંદરતા નષ્ટ થતી આપણને દેખાય છે તેના ઉપરથી જગતના મોહ કેટલા મિથ્યા અને નહીં રાખવાની જરૂર છે તે આપણા હૃદયમાં કોતરાઈ જાય છે. આ વાત ઈસાઈ, મુસાઈ વગેરે કોણ સમજે છે? શરીર પ્રત્યેના મોહ છોડવાનું જ્ઞાન અગ્નિ સંસ્કાર વડે થાય છે તેથી વિરક્ત ભાવ ઉત્પન્ન થાય છે. દરગાહ કે કબરો જેવી કૃતિઓમાંથી એ ભાવ નહિ ઉત્પન્ન થાય. અગ્નિસંસ્કાર એ હિન્દુધર્મની શ્રેષ્ઠતા અને મહત્તા દર્શાવે છે તેને કોઈ હિન્દુથી તજી દેવાય નહિ.

          ભાઈ શ્રી વસંતે વળી ઠરાવ ઉપર બોલવાના પ્રસંગનો લાભ લઈ પીરાણાનો ત્યાગ કરી હિન્દુધર્મનું રક્ષણ કરવાની અરજ કરી હતી. તેના સંધાણમાં પંડિતશ્રી કાર્તાંતિકે સદ્‌બોધનાં વચનો કહી જ્ઞાતિધર્મ સમજાવ્યો હતો અને તેમ કરતાં પ્રાયશ્ચિત લેવાની સહુ ભાઈઓની પાસે ફરી ભિક્ષા માગી હતી. પ્રતિજ્ઞા લેનારા ભાઈઓ એક પછી એક ઉઠવા લાગ્યા હતા. વખતના અભાવે તે વાત જતી કરવામાં આવી હતી તો પણ નીચે જણાવેલા ભાઈઓ પોતાના નામ નોંધાવીને વડીલોના કુળને દિપાવ્યા હતા.

          ભાઈ હરજી વીરજી — ગઢશીશા, ભાઈ અરજણ ધનજી, ભાઈ હીરજી માવજી, વીરાણી ભાઈ સોમજી તથા લાલજી કચરા — કાદીયા, ભાઈ માધા ભીમજી તથા હરજી હીરજી ગામ ખોંભડીના પ્રતિજ્ઞા કરવાને ઉભા થયા હતા. ત્યારબાદ શાસ્ત્રી નરહરીના એક વડીલ આ પ્રસંગે સભામાં હાજર હતા. તેમણે મોટા આનંદ સાથે જણાવ્યું કે જે ભાઈઓ ‘પ્રાયશ્ચિત લેવાની તમારામાંથી ઈચ્છા રાખતા હશે તેમને હું કંઈ પણ દક્ષિણા લીધા સિવાય પ્રાયશ્ચિત કરાવીશ.’ (તાળીઓ).

          પંડિત પરાશરજી ગઢશીશાવાળા અત્યાર સુધી પાછળ રહીને આ જ્ઞાતિના હિતાર્થે જે સેવા કરી રહ્યા હતા તેમણે પ્રાયશ્ચિત જે ભાઈઓએ લીધા છે અને આવતી કાલે આ સભામંડપમાં જ લેનારા છે તેનો ઈતિહાસ કહ્યો અને પ્રાયશ્ચિત લેનારા ભાઈઓના નામોમાં નીચે જણાવેલા નામો ઉમેરાવ્યા. ભાઈ વાલજી ભોજા—ઘડુલી, તેજા પાંચા—નેત્રા, માવજી માના તથા રામજી ભીમજી તથા રતનશી ખેતા — વીરાણી, ભાઈ અરજણ પબા, કાનજી ખીમા અને કાનજી નારણ ગામ વીરાણી, બીજા ભાઈઓને પોતાના સ્થળે જ બેસીને તેમના મનથી પ્રતિજ્ઞા લેવાની સુચના કરવામાં આવી હતી. ત્યાર પછી નીચે જણાવેલો ઠરાવ ભાઈ રતનશી શીવજી ગામ રવાપરવાળાએ પ્રમુખ તથા સેક્રેટરીને સત્તા આપવાને લગતો નીચે જણાવેલો ઠરાવ રજુ કર્યો હતો.

ઠરાવ ૯મો

          આ પરિષદનો ઉદ્દેશ બર લાવવા માટે પસાર કરેલા ઠરાવો અને તેના અંગે ઉપસ્થિત થતું દરેક પ્રકારનું કામકાજ કરવાની તથા તે માટે ખર્ચ કરવાની આ પરિષદ પ્રમુખ સાહેબ તથા ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ જનરલ સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે.

          ઉપરના ઠરાવને ભાઈશ્રી માવજીભાઈ પુંજાએ ટેકો આપ્યા બાદ તે સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો.

          ત્યારબાદ પ્રમુખ સાહેબે પરિષદના બંધારણ અને ઉદ્દેશવાળો ઠરાવ સભામાં રજુ કર્યો હતો જેમાં વ્યવસ્થાપકોના નામમાં સુધારો વધારો કરવામાં આવ્યો હતો. સેક્રેટરી ભાઈશ્રી નારાયણજીએ તે સભા સમક્ષ વાંચી સંભળાવી નિયમો અને અંગીકરણ પત્રની ગોઠવણ વિશે પણ સમજણ પાડી હતી બાદ તાળીઓના અવાજ વચ્ચે તે પસાર થયો હતો.

ઠરાવ ૧૦મો

          આપણી આ પરિષદનું નામ, તેનો ઉદ્દેશ અને બંધારણ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું છે તથા નીચે જણાવેલા ભાઈઓની કાર્યવાહકો તરીકે નિમણુંક કરવાનો આ પરિષદ ઠરાવ કરે છે.

 

Click here for Part 2

<<

>>

Leave a Reply

Share this:

Like this: