Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૫. ક. ક. પા. જ્ઞાતિ અધિવેશન - 2જું - દી. 07-Oct-1922

નિવેદન

          કરાંચીના યુવક મંડળે આ બીજી પરિષદના સેક્રેટરી તરીકે મારી નિમણુંક કરવાથી આ બેઠકનો રીપોર્ટ બહાર પાડવાનું કાર્ય મારે માથે આવ્યું છે, પહેલી બેઠક કરતાં આ બેઠકમાં કામકાજ વધારે કરવાનું હતું, પરિષદનો ઉદ્દેશ કંઈક ગર્ભમાં હતો, તેને પ્રદર્શિત કરી જ્ઞાતિએ હવે ક્યા માર્ગે જવું એ દેખાડવા સિવાય ચાલે તેમ નહોતું, એટલે ઘણા ભાઈઓએ રસપૂર્વક ભાગ લીધો. પીરાણાનો અર્ધદગ્ધ પંથ તજી અને આગેવાનોના જુલ્મમાંથી જ્ઞાતિને બચાવી લેવી તે બે બાબતો યુવક મંડળે આગળ કરેલી તે સબજેક્ટ કમીટીને ખાસ જરૂરની દેખાઈ અને સઘળા ભાઈઓ જાણે છે કે, એ જ બંને બાબતો આપણી ઉન્નતીને આડે આવનારી છે. જ્યાં સુધી પીરાણા પંથ જ્ઞાતિમાંથી નાબુદ ન થાય, ત્યાં સુધી હિંદુ મટી જવાનો ભય તો ખડો જ રહે છે, એ વાત તો વક્તાઓના ભાષણથી દરેક ભાઈઓ જાણી શક્યા છે. રા.નારાયણજી ભાઈએ પીરાણા પંથની પોલ અને સૈયદોના પ્રપંચને ઉઘાડા પાડી, એ ખીચડીઓ પંથ પાળવાથી આપણે અતોભષ્ટ તતોભષ્ટ જેવી સ્થિતિમાં આવી ગયા છીએ, તે બરાબર સમજાવ્યું છે, તેમજ રા.ભાઈ રતનશી ખીમજીએ આગેવાનોના જુલમ અને તેની નીચતાનો ચીતાર સત્ય સ્વરૂપે વર્ણવ્યો છે, જેથી જ્ઞાતિના અજ્ઞાન અને ભોળા ભાઈઓ તેમજ બહેનો ઉપર કહેવાતા આગેવાનો જે ઘાતકી જુલમ અને ત્રાસ વરતાવી રહ્યા છે, તેનું શુદ્ધ સ્વરૂપ ખડુ કરી જ્ઞાતિને જુલમી આગેવાનોના ગુલામ ન બનવા તથા જુલમી દોરને નાબુદ કરવા જ્ઞાતિ ભાઈઓએ એક સંપ કરી, કહેવાતા આગેવાનોની શુદ્ધ ઠેકાણે લાવવાના માટે તેઓનાં નીચ ચારિત્રોની સત્ય હકીકત હિંમતપૂર્વક કહી છે, તે ધ્યાનમાં લેવા અને વિચારવા માટે રા. રતનશી ખીમજીના ભાષણની સંપૂર્ણ નોંધ આ રીપોર્ટમાં લેવાણી છે, તે ધ્યાનપૂર્વક વાંચી જવાની હું દરેક બંધુઓને ભલામણ કરું છું.

          ઈમામશાહના વંશના સૈયદો આપણી જ્ઞાતિને છેક જ વટલાવીને મુસલમાની રાહ ઉપર લઈ જવાને જે પ્રયાસો કરી રહ્યા છે તે તેમના વંશ પરંપરાની કુટીલ નીતિને જ આભારી છે. પરંતુ એ કુટીલ નીતિનો અંત આણવા અને જ્ઞાતિના અજ્ઞાન અને ભોળા ભાઈઓ તેમજ બહેનોને દેખતાં કરી પીરાણાના કબ્રસ્તાની પંથથી છોડાવી, સનાતન સ્વ ધર્મના માર્ગે ચડાવવાના માટે કરાંચી પરિષદ અને તેનો રીપોર્ટ જ્ઞાતિને દૈવી ચક્ષુઓની બક્ષીસ કરી દેખતા કરશે એવી મને સંપૂર્ણ આશા છે.

 

લી. જ્ઞાતિ સેવક,

પટેલ રતનશી શીવજી નાકરાણી.

પરિષદના સેક્રેટરી.

રણછોડ લેન, દેશલ બજાર — કરાંચી.

 

 

|| श्री उमादेव्या: कृपासतू ||

શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ

બીજી બેઠક — કરાંચી.

(તા.૭—૮—૯મી ઓક્ટોબર સને ૧૯૨૨.)

 

 

          આપણી ઉન્નતિ અર્થે કેટલાક સમયથી જે શુભ પ્રયાસ ચાલી રહ્યો છે અને જ્ઞાતિના યુવકો તેમજ સમજુ પુરૂષોએ પોતાના તન મન અને ધનના ભોગે કાર્યસાધક પ્રગતિ શરૂ કરી જ્ઞાતિનું જે શુદ્ધ સ્વરૂપ ખડુ કર્યું છે તેને આપણે પરિષદના નામથી ઓળખવા લાગ્યા છીએ. આ પરિષદ એજ જ્ઞાતિ અને એ જ આપણી કોમની અદૃશ્ય દેવી કે જે પોતાના સંતાનો—જ્ઞાતિના સ્ત્રી—પુરૂષોને તેમની ઉન્નતિ સાધક પ્રેરણાઓ કરી રહી છે. પરંતુ આ મહાદેવીનું સ્વરૂપ ખડુ કરવામાં યુવકોએ ભાગ્યે જ આશા રાખી હશે કે જુજ વખતમાં તેમણે કરેલી આરાધના અને સ્થાપનાનું એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થશે. કેમ ન થાય ! જે સ્થળે માત્ર પવિત્ર વિચારો અને શુદ્ધ ધાર્મિક ભાવનાઓ જ પ્રવેશ કરી શકે ત્યાંથી ઉપાધિયો અને ભયને ભાગતાં કેટલી વાર? જ્યારે અનેક બંધુઓ પોતાના જાત ભાઈનું હિત પણ પોતાના જ હિત જેટલું અવશ્યનું છે તેનો ખ્યાલ લાવી શકે અને એ વસ્તુ તેના યોગ્ય સ્વરૂપમાં જ્યારે પ્રતિપાદન થાય ત્યારે દિવ્ય દૃષ્ટિ કેમ પ્રાપ્ત ન થાય અને એની ભેટ મળતાં બળ અને બુદ્ધિની ખામી તો સહેજમાં જ પુરાઈ જાય. જે કોમના કર્મયોગ કિંવા ઉદ્યોગમાં પરોપકાર રૂપી અમૃત સમાન ઝરાનું વહન થયા કરે છે તે કોમનાં સંતાનોને પોતાના જ ભાઈઓ અને પોતાની જ જાત ઉપર દયા દર્શાવતાં કેમ સંકોચ થાય? તે તો અવશ્યે લાગણી બતાવે જ. આવાં અનેક સત્યો કદી આપણી જાણ બહાર રહી જતાં હોય પરંતુ તે એક સત્ય છે એમ પરિષદની બેઠકે પુરવાર કરી આપ્યું છે. સને ૧૯૨૦માં જ્યારે પહેલી બેઠક થઈ જેને માત્ર બે જ વર્ષ થયાં છે પરંતુ તે પહેલાંની અને આજની જ્ઞાતિ પરિસ્થિતિની જો આપણે સરખામણી કરી જોઈએ તો આપણને પરિષદની દિવ્ય શક્તિનો ખ્યાલ આવ્યા સિવાય રહેશે નહિ. જો કે એ પહેલી બેઠક એટલે એકડે એક જેવી હતી પરંતુ જ્ઞાતિહિત સાધવા માટે આપણે એકત્ર કેમ થઈ શકીએ અર્થાત્‌ ઐક્ય કેવી રીતે સાધી શકાય તેનો અનુભવ મેળવી લીધેલો. જે જુલ્મી આગેવાનો પોતાના સ્વાર્થની ખાતર સ્વબંધુઓ ઉપર ત્રાસ વર્તાવી રહેતા તેમના અન્યાયી દોરથી ઉપજતા ત્રાસનો આપણા કાનોમાં ગુંજારવ થઈ રહ્યો હતો અને ભીતીયુક્ત હૃદયોથી વિચારો કરી શકતા હતા પરંતુ એનું પરિણામ શું આવ્યું? ભીતિ વગર પ્રીતિ સંભવતી નથી.” આપણને જો એકબીજા ભાઈઓમાં વિશ્વાસ મુકી તેમના પ્રત્યે પ્રીતિ ધરાવાનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તે પરિષદમાં જ થયું એમ કહેવામાં અતિશયોક્તિ જેવું કાંઈ નથી. આપણે એકબીજાના વિચારો જાણી સત્યાસત્યને ઓળખતા થયા અને ધર્મ તેમજ નીતિનાં તત્ત્વો સમજતાં શીખ્યા. પીરાણાનો અધર્મયુક્ત અર્ધદગ્ધ પંથ આપણી દરેક પ્રકારની અધોગતિ જ પ્રાપ્ત કરાવનારો છે એ વાત આપણને દીવા જેવી સમજાઈ ગઈ.

          લગ્નગાળાને લઈ ઘણા બંધુઓ દેશમાં જ એકત્ર થઈ શકશે, એ વિચારે બીજી બેઠક દેશમાં કરવાનો નિર્ણય થયેલો અને તેને લઈ કેટલાક કાર્યવાહકો બેઠકની તૈયારી કરવા અગાઉથી દેશમાં ગયેલા, કેટલાકના શુભ પ્રયાસથી નામદાર ખુંદાવિંદ મહારાવશ્રી તરફથી પણ જ્ઞાતિને સારી મદદ મળવાની વકી હતી પરંતુ એ સમય લગ્નસરાનો હતો. કરાંચી પરિષદની પહેલી બેઠક પછી આગેવાનોએ પોતાનું યથાર્થ પોત પ્રકાશ્યું હતું. પરિષદમાં ભાગ લેનારાઓ અને ખાસ કરીને કાર્યવાહકોને અનેક પ્રકારની કનડગતો કરવી, તેમનાં છોકરાંઓના વિવાહ થવા દેવા નહિ, તેમને નાત બહાર કરવા, દંડ લેવા વગેરે પ્રકારનો ઉદ્યોગ ગેઢેરાઓએ શરૂ કરેલો. જ્ઞાતિ હિત સાધનારાઓની જ્ઞાતિ ભક્તિને ભૂલાવી દેનારી અનેક ભીતિઓ કાર્યવાહકો અને તેમનાં કુટુંબોમાં ઉત્પન્ન કરેલી અને જાણે કે સ્વાર્થ સાધી લેવાની કોઈ ઉત્તમ  મોસમ જ આવી હોય એવો સમય આગેવાનોની રાક્ષસી માયાના પ્રભાવે ખડો થયેલો. છતાં કેટલાક કાર્યવાહકો બુદ્ધિ અને યુક્તિથી એ માયાને તરી ગયા પરંતુ પરિષદની બેઠક તો તે સમયે મુલતવી જ રહી. સત્ય વિચારો અને ભાવનાઓનો કોઈ કાળે નાશ થતો જ નથી. કાર્યવાહકોમાં જ્ઞાતિ હિત સાધવાની જીજ્ઞાસા તો ભારેલા છાણાની પેરે પ્રદિપ્ત હતી જ. બીજી પરિષદ ક્યાં ભરવી અને કાર્યસાધક પગલાં કેમ ભરી શકાય તેના વિચારોમાં તલ્લીન બની ગયેલી કેટલીક કાર્યવાહક વ્યક્તિઓ શાંત દેખાવા લાગી. એ જોઈ મૂર્ખ ગેઢેરાઓને પોતાના બળના પ્રભાવથી પરિષદ મરણને શરણ થતી જોવાનાં સ્વપ્ના પણ આવી ગયાં અને તેમની એ જ સ્વપ્ન સૃષ્ટિના સંકલ્પોએ કાર્યવાહકોની જીજ્ઞાસા ઉપર ઢંકાઈ રહેલી રાખને ઉડાડવા માંડી એટલે જ્ઞાતિ સેવારૂપી અગ્નિ પોતાના યોગ્ય સ્વરૂપમાં પ્રદિપ્ત થવા લાગ્યો. પહેલી પરિષદની થઈ ગયેલી બેઠકના કામકાજનું અવલોકન મળતાં કાર્યવાહકોને જણાઈ ગયું કે આપણે તો હજુ પાટી ઉપર ધુળ જ નાંખી છે ! એકડો કાઢવાનો તો બાકી છે? મતલબ કે બુદ્ધિશાળી યુવકો અને પરિષદના પવિત્ર હૃદયવાળા નેતાઓના હૃદયને અવલોકન વધારે સ્પર્શ કરી ભેટી શક્યું એટલે બીજી બેઠક જલદી ભરવાના વિચારો ઉદ્‌ભવ્યા. મુંબઈ કિંવા કરાંચી બેમાંથી એક સ્થળે પરિષદની બીજી બેઠક બોલાવાની વાટાઘાટ ચાલી તેમાં છેવટે કરાંચીના યુવક મંડળે જ્ઞાતિ સેવા ઉઠાવાનું બીડું બીજી વખત પણ ઝડપ્યું.

          પરિષદના કામકાજમાં આવતી મુશ્કેલીઓનો તેમને અનુભવ તો થયેલો એટલે તેમણે વ્યવસ્થિત યોજનાઓ ઘડી  કાઢી, જ્ઞાતિની બેઠક કરાંચી મુકામે ભરવાની ખબરો દેશ પરદેશ પહોંચાડી અને દિવસો નક્કી કરી આમંત્રણ પત્રિકાઓ પ્રસિદ્ધ કરી જ્ઞાતિમાં દરેક સ્થળે મોકલી આપી આવાં પદ્ધતિસરનાં આમંત્રણો મળવાના માંગલિક પ્રસંગને લઈ જ્ઞાતિમાં સ્ત્રી—પુરૂષોનાં હૃદયો આનંદથી ઉભરાવાં લાગ્યા જો કે સ્વાર્થી ગેઢેરાઓએ તો પોતાના સડી ગયેલા સ્વાર્થી દોરને મીણ પાઈને મજબૂત બનાવવા ઘણાએ પ્રયત્નો કર્યા છતાં જ્યાં કુદરત જ — પરમાત્મા જ — તેમની વિરુદ્ધ, એટલે એ સડેલા દોરને કંઈ મજબૂતાઈ મળી શકી નહિ. જેમ જેમ સમય પાસે આવતો ગયો તેમ તેમ પરિષદની તૈયારીઓ પૂર્ણ થતી આવી અને જ્ઞાતિહિતનો વિચાર કરી શકે તેવા લાગણી ધરાવતા બંધુઓ સ્થાનિક કાર્યવાહકોને મદદ કરવાના ઉદ્દેશથી એક બે દિવસ અગાઉથી આવી પહોંચ્યા.

          સભાસ્થાનને શોભાવવા તેમજ બહારગામથી પધારતા બંધુઓનું સ્વાગત કરવા સ્વયં સેવકો પ્રફુલ્લ વદને પોતાની ફરજો અદા કરવાનો આનંદ લઈ રહ્યા હતા. બેઠકના આગલા દિવસે જ સઘળા દૂરથી આવનારા ભાઈઓ આવી ગયા હતા. સાંજના મેલમાં હૈદ્રાબાદથી પ્રમુખ સાહેબ આવવાના હોવાથી તેમને લેવા સ્વયંસેવકોની એક ટોળી તથા સ્વાગત મંડળના સભ્યો તેમજ અન્ય બંધુઓ પણ સ્ટેશન ઉપર ગયા હતા. મેલ આવી પહોંચતાં જ તેમને હાર—તોરા અર્પણ કરી પ્રમુખ સાહેબની જય બોલાવતું. આપણા સ્વયંસેવકો અને બંધુઓનું ટોળું સ્ટેશન બહારના વિશાળ ચોકમાં એકત્ર થયું હતું. અને કેટલાક સંભવિત ગૃહસ્થો અને મિજમાનોને ગાડીઓમાં બેસાડી સરઘસના રૂપે તેમને પ્રમુખ સાહેબના ઉતારે લુહાર જ્ઞાતિની વાડીમાં લઈ આવ્યું હતું જ્યાં સ્વાગત્‌ મંડળના પ્રમુખ વગેરેએ પ્રમુખ સાહેબનો સત્કાર કર્યો હતો અને વાડીના દિવાનખાનામાં ચા તથા પાન લઈ રાત્રે ભોજન સમયે સ્થાનિક બંધુઓ છુટા પડ્યા હતા.

          પહેલી બેઠકના કાર્યનું જે અવલોકન પ્રસિદ્ધ થયું હતું તે ઉપરથી જ્ઞાતિહિત ચિંતકો અને કાર્યવાહકોને એકબીજાનાં હૃદય વાંચી જોવાની જીજ્ઞાસા થયેલી અને એકબીજાના વિચારો જાણવાની ઈચ્છા થયેલી, જેથી પરિષદની બેઠક ભરવા અગાઉ બહાર ગામથી પધારેલા ભાઈઓને આમંત્રણ કરી કરાંચીના યુવક મંડળે પોતાની એક મીટીંગ ભરી. આ મીટીંગ અમદાવાદવાળા રા. મગનલાલભાઈ ગોવિંદલાલ એન્જીનિયરના પ્રમુખ પદ નીચે ભરવામાં આવી અને પરિષદનો હેતુ સ્પષ્ટ રીતે ચર્ચાયો. પરિણામે પીરાણાપંથનો સત્વર ત્યાગ કરવાની જરૂર સ્પષ્ટ થઈ અને ઘણા બંધુઓએ પીરાણાપંથ તજી દેવાની અને તેના અંગે થતી દફનાદી ક્રિયાઓ નહીં કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. કેટલાકે તો એ પંથને માનનારા એટલે પીરાણાંની અમીની ગોળી પીનારાની સાથે ખાવા પીવાનો સંબંધ પણ નહી રાખવાની પ્રતિજ્ઞાઓ કરી, આ પ્રકારે યુવકમંડળના દીર્ઘદૃષ્ટિવાળા કાર્યવાહકોએ અનેક વિજયવંતી આશાઓમાં પરિષદને ગરકાવ કરી દેવાનું શુભ મંગલાચરણ કર્યું.

 

તા.૭—૧૦—૨૨ શનિવારનો પહેલો દિવસ

          દેશલ બજારમાં રણછોડ લાઈનમાં જે મોટા કમ્પાઉન્ડમાં કણબીઓ રહે છે તેના વિશાળ ચોકમાં બેઠકને સારું મંડપ બાંધવામાં આવ્યો હતો જેની ચારે બાજુએ સ્વજ્ઞાતિ બંધુઓના રહેવાના મકાનોની લાઈનો આવેલી હોવાથી મંડપના ગૌરવમાં ઓર વધારો થયેલો દેખાતો હતો. મંડપની એક બાજુએ મધ્યમાં પુલપીટ બનાવવામાં આવ્યું હતું જેના ઉપર પ્રમુખ સાહેબ અને સંભવિત ગૃહસ્થો માટેની બેઠક ખુરશીની રાખવામાં આવી હતી. ટેબલના મધ્યભાગમાં પુલપીટ ઉપર ઉચ્ચ સ્થળે કુળદેવી શ્રી ઉમિયામાતાની સ્થાપના કરવામાં આવી હતી. એક બાજુએ કડવા પાટીદાર જ્ઞાતિના અદ્વિતીય અમૂલ્ય રત્ન કડવા વિજયના તંત્રી સદ્‌ગતિ કર્મવીર જ્ઞાતિભક્ત પુરૂષોત્તમભાઈની છબીને પુષ્પો વડે શોભાવવામાં આવી હતી, જે પધારેલા બંધુઓના હૃદયમાં જ્ઞાતિ સેવાના પ્રભાવની ઉંડી છાપ પાડી રહી હતી. મંડપની જમીન, જાજમો અને ગાદલાંઓ વડે આચ્છાદિત કરવામાં આવી હતી. સ્થળે સ્થળે અનેક પ્રકારની શુભભાવનાઓ પ્રેરિત મુદ્રાલેખો ટાંગવામાં આવ્યા હતા. સભાસ્થાનના ડાબા પડખે સ્ત્રીવર્ગને માટે બેઠકની યોગ્ય ગોઠવણ કરવામાં આવી હતી. મંડપના દરવાજાઓને તોરણો અને ફુલઝાડના કુંડાઓથી સુશોભિત બનાવવામાં આવ્યા હતા અને સિંહદ્વાર પર સોનેરી અક્ષરે પરિષદનો વિજય દર્શાવતું પરિષદનું નામ શોભી રહ્યું હતું. આવી ઊંચા પ્રકારની ધ્યાન ખેંચે તેવી હીલચાલથી અન્ય જ્ઞાતિઓમાં પણ પરિષદના મહત્ત્વની પ્રશંસા થઈ રહી હતી અને કાર્યવાહકોના આમંત્રણને માન આપી અન્યજ્ઞાતિના ગૃહસ્થો પણ સભામાં ભાગ લેવા પધાર્યા હતા. બરાબર સાંજના આઠ વાગતાં મેં પ્રમુખ સાહેબ તથા કચ્છ અને મુંબઈ વગેરે સ્થળેથી પધારેલા ભાઈઓ, રા.કે.બી.પટેલ, રા.નારણભાઈ, રા.મગનલાલભાઈ વગેરે પધારતાં તેમને સ્વયંસેવકો તથા સભાજનોએ વધાવી લીધા હતા અને શ્રી ઉમિયાદેવીની તેમજ પ્રમુખ સાહેબની જયધ્વનિ વડે મંડપ ગાજી રહ્યો હતો. કામકાજની શરૂઆત કરતાં મંગલાચરણમાં શ્રી ઉમિયાદેવીની સ્તુતિ સંગીતના સાજ સાથે કરવામાં આવી હતી.

 

મંગળાચરણ

(ક્લ્યાણની સાખી)

સુખદાતા સતિ પાર્વતી, દુઃસહ દુઃખ હરનાર,

 

સુખ સંપતિ દો ભગવતી, વરદાઈ છો ઉદાર;

 

સેવક જન રંજન સદા, સુખ દુઃખના આધાર

 

અમર સમરતાં સહાય હો, નમું હું વારંવાર.

 

(અનંત એક જ છે એવિનાશી —એ રાગ)

 

સફળ કૃતિ કર માતુ હે મ્હારી,

 

સુમતિ પ્રેરક સદાયે દયાળી;                

સફળ

જ્ઞાતિ હિત ચિત સ્થિર કરી સ્થાપો,

 

ઈચ્છું ભવાની કૃપા એ ત્હારી;

સફળ

અધમ ઉદ્ધારક જ્ઞાતિ કે ગંગા,

 

ઉભય શિવા નહિં અન્ય હીતકારી;

સફળ

દ્રઢિભુત છે એ મંત્ર જ મ્હારો,

 

સાધક તેનો અમર સુખાળી;

સફળ

         

પધારેલા બંધુઓનું સ્વાગત દર્શાવનારી ઉચ્ચ પ્રકારના ભાવયુક્ત કવિતા સ્વયંસેવકોએ ગાઈ હતી જેના શ્રવણથી મંડપમાં બિરાજેલા સઘળા બંધુઓના હૃદયમાં ભ્રાતૃભાવની ઉંડી છાપ પડી હતી. કવિતાના અંતે સ્વાગત મંડળના પ્રમુખ રા.રા.ખેતાભાઈ ડોસા પોકાર ગામ નખત્રાણાવાળાએ પધારેલ બંધુઓનું સ્વાગત કરતાં નીચે પ્રમાણે સભાનું ધ્યાન ખેંચનારું ભાષણ કર્યું હતું.

 

સ્વાગત્‌ મંડળના પ્રમુખનું ભાષણ

          પ્રિય પાટીદાર ભાઈઓ, સદ્‌ગૃહસ્થો, માતાઓ અને બહેનો,

          આજ આપ સર્વે જુદા જુદા સ્થળ જેવા કે મુંબઈ, ઘાટકોપર, અમદાવાદ, હૈદરાબાદ, શીધાતપુર અને કચ્છ વગેરે ઠેકાણેથી અતિશ્રમ વેઠી પધારનારા પ્રતિનિધિ બંધુઓ અને પ્રેક્ષકોને ભવ્ય મંડપમાં બિરાજમાન થયેલા જોઈ અમોને અપૂર્વ આનંદ થાય છે. અમારો હર્ષોદધિ ઉછળી જાય છે અને ટુંકમાં કહીએ તો અમારા સર્વ મનોરથની સફળતા થયેલી અમો માનીએ છીએ. અમારા અહોભાગ્ય છે કે આપ સર્વે બંધુઓના દર્શનનો અલૌકિક પ્રસંગ અમોને પ્રાપ્ત થયો છે. આજનો પવિત્ર મંગળમય દિવસ અમારી અહીંયાની પાટીદાર જ્ઞાતિના ઈતિહાસમાં અતિ ઘણો ગૌરવનો, મહત્ત્વનો અને અવર્ણનીય આનંદનો સોનેરી અક્ષરોથી કોતરાઈ રહેશે.

          પ્રિય બંધુઓ, આપ સર્વે મહાનુભાવોએ અમારા આમંત્રણને કહો કે અમારી દીન પ્રાર્થનાને માન આપી અત્રે પધારવાની જે કૃપા કરી છે તે બદલ અહીંયાની સમસ્ત જ્ઞાતિ તરફથી હું આપનો મુક્ત કંઠે આભાર માનવા રજા લઉં છું. આપ સર્વેને અત્રે પધારવામાં કેટલાક અંગત લાભોનો ભોગ આપવો પડ્યો હશે, તે અમારા ધ્યાન બહાર નથી. દેશમાં એક છેડાથી બીજા છેડા સુધી ચોમેર ધંધાની ગડબડાટ ફેલાઈ રહી છે. એટલું જ નહીં પણ અમારા સિંધ દેશની પાટનગરી કરાંચી પણ આપના રહેઠાણથી ઘણે દૂર અને આવવા જવાના રસ્તા વિકટ, રેતાળ અને ખારા પાણીને ઓળંગીને છે, છતાં પણ એ બધી અગવડો, મુસીબતો અને અંગત સ્વાર્થને જરા પણ નહી ગણકારતાં આવા કામના સમયમાં વ્યવહારિક, શારીરિક કષ્ટની પરવા કર્યા વગર કે ખર્ચની દરકાર રાખ્યા વગર અત્રે પધારવામાં આપે જે ઔદાર્ય જ્ઞાતિ ભક્તિ અને નિસ્વાર્થતા બતાવી અમોને ઉપકારી કીધા છે તે ખરેખર સ્તુતિપાત્ર અને અનુકરણીય છે. જ્ઞાતિહિતના દરેક કાર્યોમાં આવો ઉત્સાહ પ્રેમ અને આત્મભોગ નિરંતર આપવામાં આવતો રહે તો મને ખાત્રી છે કે થોડા સમયમાં આપણી ચાલુ સ્થિતિમાં અતિ ઘણો ઉદયજનક ફેરફાર થયા સિવાય રહે નહી. પરમ કૃપાળુ પરમાત્મા આપણામાં સદા સર્વદા આવી જ્ઞાતિ ભક્તિની ઉચ્ચ ભાવનાઓ ઉત્પન્ન કરતા રહે એ નમ્ર પ્રાર્થના સહ આપનો ફરીથી આભાર માની બોલવાની રજા લઉં છું.

 

મારી નિમણુંક

પ્રિય ભાઈઓ અને બહેનો !

          જ્યારે આપની સેવા કરવાને અત્રેના જ્ઞાતિબંધુઓ તરફથી મારે વાસ્તે દરખાસ્ત રજુ કરવામાં આવી ત્યારે તેનો સ્વીકાર કરવામાં મને ઘણો ગુંચવાડો થયો હતો. કારણ કે આપ સર્વેના ધ્યાનમાં છે કે હું એક અતિ ઘણી ન્યુન શક્તિવાળો સેવક છું આવા મહત્ત્વનું આ કાર્ય મારા કરતાં કોઈ વિશેષ પ્રભાવશાળી ધીમાન અને વ્યવહારકુશળને સોંપવામાં આવ્યું હોત તો મારી ખાત્રી છે કે આપને દરેક રીતનો સંતોષ તે આપવામાં વિશેષ યોગ્ય થઈ શકત, પરંતુ જ્યારે મેં જોયું કે મારા પ્રિય બાન્ધવોનો મારા પરના અનન્ય પ્રેમ અને કૃપાને લઈને મારી જ પસંદગી કરવાનો દઢાગ્રહ છે, ત્યારે હું પણ સહર્ષ મારી ફરજ સમજી આપ સર્વેની કૃપા મેળવવાના અતિ પવિત્ર કાર્યમાં સામેલ થયો અને તેની રૂએ આજે આપશ્રીઓના ચર્ણાવિંદમાં મસ્તક નમાવી આપની સન્મુખ હાથ જોડી ઉભો છું.

          અમારી આશાઓ અને ફળીભુતતા

          પતિત્‌ પાવન પરિષદ દેવીની પહેલી બેઠક પણ અહીંયા ખાતે જ ભરાણી હતી અને બીજી બેઠકનો લાભ પણ અમોને જ મળ્યો છે અને તેનો આજથી શુભ સમારંભ થયો છે જેની પૂર્ણતા અમોને આશા છે કે આપ સર્વેજનોની સહાયતાથી પુર ફતેહમંદીથી થશે. અમારા કાર્યક્રમમાં કે આગતા સ્વાગતા કરવાની રીતભાતમાં જે કંઈ ન્યુનતા જણાય તે મોટું દિલ રાખી દરગુજર કરશો કેમકે આપની સારી સમજ, કાર્યકુશળતા અને સહાનુભૂતિ પર ફતેહનો બધો આધાર અવલંબિત છે.

          વહાલા ભાઈઓ, આપણી જ્ઞાતિનીં આ બીજી પરિષદ છે. આવી પરિષદો ભરવાથી આપણા સામાન્ય હિતને શું શું ફાયદાઓ પહોંચે છે, તે મારી અગમચેતીની પરિષદના વિદ્વાન વક્રતાએ સારી રીતે દાખલા દલીલો અને લંબાણ વિવેચનથી ઉપયોગી મુદ્દાઓના સુચન સાથે સમજાવેલું છે. તેથી હવે આ જગાએ તેનું પિષ્ટપેષણ કરી આપનો અમુલ્ય વખત રોકવા હું ચાહતો નથી. પરંતુ આ સમયે પરિષદનો પાયો મજબુત થાય તેનું મૂળ ઊંડુ ઉતરી તેના ડાળાં ડાળીઓ ફેલાઈ જ્ઞાતિ બંધુઓને તેના અમૂલ્ય ફળોનો સ્વાદ અહર્નિશ મળતો રહે, તે સારું તેની ખાસ પુષ્ટિ થવા ખાતર કેટલીક વ્યવહારિક ધાર્મિક અને આર્થિક સુચનાઓ કરવા રજા લઉં છું.

          બંધુઓ ! આપણી જ્ઞાતિમાં આપણને અધમ દશા તરફ લઈ જનારા કેટલાક નઠારા રીતરિવાજો ઘણા વખતથી પડી ગયા છે એના માટે હું આપનું ધ્યાન ખેચવા ઈચ્છું છું. મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે આપણા ભાઈઓ જે ગુજરાત, માળવા, ખાનદેશ ઈત્યાદિ ઠેકાણે વસે છે ત્યાં તમો જોશો તો ઘણા ભાઈઓ ગ્રેજ્યુએટ થયેલા મળી આવશે. મેટ્રીક પરીક્ષા પસાર કરેલાની સંખ્યા ત્યાં સેંકડોની જણાશે. વકીલ બેરીસ્ટર જડજના હોદ્દાઓ ભોગવતા જોશો. એ ભાઈઓ અને આપણા કચ્છવાસી ભાઈઓની તરફ તમો જોશો તો તમને દીલગીરીનો પાર રહેશે નહી. આપણા કચ્છ દેશમાં કડવા પાટીદારની વસ્તી લગભગ ત્રીસ બત્રીસ હજારની છે છતાં પણ હજુ સુધી આવા વિદ્યાદેવીના ચળકતા જમાનામાં એક પણ જ્ઞાતિ બંધુ મેટ્રીક થયો નથી. આખી નાતમાં નજર ફેરવશો તો થોડાએક ભાઈઓએ જ ગુજરાતી પાંચ ચોપડી સુધીનો અભ્યાસ કરેલ છે અને અંગ્રેજીનું જ્ઞાન તો એકાદ બે ભાઈએ જ લીધું છે, તે પણ પુરું નહીં. આવા પ્રકારની કેળવણીથી આપણે આપણી ઉન્નતિ કેવી રીતે સાધી શકીએ? દુનિયાના માણસો આપણને કહે છે કે કચ્છના કણબીઓ “ઢગા (બળદ)જેવા છે” તે શું ખોટું છે? ભાઈઓ કેળવાયેલા માણસો, પોતાની તેમજ પોતાની જ્ઞાતિની અને દેશની ઉન્નતિ કરી શકે છે. મોટી ખામી આપણામાં કેળવણીની છે.

          અને આપણામાં બાળલગ્ન જેવા નઠારા રીવાજો ઘર ઘાલી બેઠા છે, બાળલગ્નથી કેટલું વેઠવું પડે છે તેનો આપણે વિચાર સરખો પણ કરતા નથી અને આપણા આગેવાન ગેઢેરાઓ તો બિલકુલ સાંભળતાએ નથી ! દસ બાર વર્ષે વિવાહ આવે તો પણ આપણે હૈયા હોળી રહી. મહિના દોઢ મહિનાના બાળકો પરણાવી આપણે લહાવો લઈએ છીએ. છતાં પણ આગળ ભવિષ્યમાં તે લગ્ન કેવાં નીવડે છે તે તમો જાણો છો. આવા બાળલગ્નના પ્રતાપે જ આપણા છોકરાઓનો ઘરસંસાર ઝેરરૂપ બને છે અને કજોડાં થવાથી આપણે પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિ હોવા છતાં છુટાછેડા કરવા પડે છે. આવા  અનર્થનું મૂળ કારણ જ બાળલગ્ન છે જે સદંતર નાબુદ કરવાની ઘણી જ જરૂર છે.

          તે સિવાય આપણે જે મરણ પાછળનાં જમણો કરીએ છીએ જે પ્રેતભોજન કહેવાય છે અને જેનામાં આપણી લાખો કોરીઓ દર વર્ષે બરબાદ થાય છે જેનો આપ સર્વ બંધુઓને સારો અનુભવ છે. તે શાણા અને સમજુ બંધુઓએ સતત અટકાવ કરવો જોઈએ.

          આવી રીતે આપણી આર્થિક સ્થિતિનો નિરર્થક વ્યય થાય છે તેના કરતાં જ્ઞાતિ બંધુઓ અને બહેનોના લાભ ખાતર જો ઉપયોગ કરવામાં આવતો હોય તો અનેક નિરાધારોના ભલાનું કાર્ય સાધી શકાય. બંધુઓ, મરણ પાછળ આપણે બાવા ઈમામશાહના ખાનાના પાટ આગળ મરનાર નિમિત્તે  પૈસા રાખવાથી પાપથી છુટી જવાય છે તે વાત મને તદ્દન ભુલ ભરેલી ખોટી લાગે છે. માટે જો તમો આપણી જ્ઞાતિનું હિત ઈચ્છતા હો તો આ મરણ પાછળનાં જમણો સદંતર બંધ કરવા જોઈએ અને મરણ નિમિત્તે મરનારને પાપમાંથી મુક્ત કરવાના કારણે ગુનાહ છોડાવા માટે ખાનામાં પાટ આગળ પૈસા મુકવામાં આવે છે તે આપણી જ્ઞાતિની અધમ દશા કરનાર છે.

          બાળલગ્ન અને મરણ પાછળનાં જમણો વિશે મેં કહ્યું પણ તેથી વિશેષ પાયમાલી કરનાર આપણી જ્ઞાતિના ગેઢેરા છે, તે દુષ્ટ આગેવાનોએ આપણને એવા બાંધ્યા છે કે ગમે તેવા સમજુ છતાં પણ આપણે હાનિકારક રીત રિવાજોને ત્યાગી શકતા નથી તે સિવાય આગેવાનોના અન્યાયની વાતો આપણે રોજ રોજ નવી સાંભળીએ છીએ. ભાઈઓ જ્ઞાતિપંચના પૈસાથી તાગડધીના કરનાર ગેઢેરાની પોલો હવે દિવસો દિવસ ખુલ્લી પડતી જાય છે, તે જ્ઞાતિભાઈઓના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ કરે છે જેના વાસ્તે આગળની પરિષદના રીપોર્ટમાં આપે વાંચ્યું છે તે પછી પણ અનેક અન્યાયો તેઓએ કર્યા છે જે હવે તમો સાંભળશો, તેમ પીરાણે મોકલેલા પૈસાનો કેવો ઉપયોગ થાય છે તેના સંબંધી આપણે સર્વે જાણીએ છીએ તેમ તે ગેઢેરાઓ પણ જાણે છે, છતાં પણ પીરાણે હુંડીથી નાણાં મોકલવાની તાકીદ કરે છે તેનું કારણ કે પીરાણાના નામે પૈસા ઉઘરાવી પોતાના ગુંજાઓ ભરે છે અને આપણા પાસેથી જબરીથી ધર્માદાને નામે નાણાં ઉઘરાવે છે. જો તેની અંદર આપણામાંથી કોઈ પણ ભાઈ આનાકાની કરે તો નાત બહાર કરવાની ધમકીઓ આપે છે, નાતબહાર કરે છે. ભાઈઓ પીરાણાના પૈસાથી સૈયદો અનેક જીવની હિંસાઓ કરે છે અને કાકાઓ મોજમજા કરે છે તે તો આપણે તેઓની અરસપરસ કરેલી નોટીસોથી પુરેપુરું સમજી ગયા છીએ, અરે ભાઈઓ હવે તો હદ થાય છે માટે હું આપનો અમૂલ્ય વખત નહી લેતાં ફક્ત એટલું જ કહીશ કે જેમ બને તેમ એ પાપી પીરાણા પંથનો ત્યાગ કરો અને શુદ્ધ સનાતન હિન્દુ આર્યવેદધર્મના નિયમો પાળતા થાઓ.

          બંધુઓ ! હું તમોને ફરીવાર કહું છું કે અમારા કરાંચીવાસી ભાઈઓના માટે આજનો દિવસ અપૂર્વ આનંદનો છે. જ્ઞાતિ હીતના માટે વિચાર કરવાને અમને આ બીજીવાર વખત મળે છે. તેમ અમો પણ સમજીએ છીએ કે જ્ઞાતિ હિત એ અમારું પોતાનું જ હિત છે જેથી અમારાથી બની શકશે ત્યાં સુધી જ્ઞાતિ હિતમાં પછાત રહીશું નહીં. અમો જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં દરેક રીતે પ્રયત્નો કરશું અને અમોને યાદ રહી જાય એવા કાર્યો આપ જરૂરથી હાથ ધરશો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. અત્રે બિરાજેલા સુધારક ભાઈઓ અને બહેનોને મારી નમ્ર અરજ છે કે તમો હવે મહેરબાની કરીને સુસ્તી કાઢો, આળસ મુકો. હવે આપણે કોઈ રીતે પણ બેસી રહેવાની જરૂર નથી, હવે તો કમરકસી જ્ઞાતિનું ને આપણું ભલું કેમ થાય તેવા ઉપાય લો અને આપણા ઉપર જે પીરાણા ધર્મને નામે કાળી ટીલી છે તેને જેમ બને તેમ ઉખેડી નાખવાના પ્રયત્નો કરો.

          મારું ભાષણ પુરું કરતાં અત્રે પધારવા જે તસ્દી લીધી છે તે માટે અંતઃકરણથી આપ સર્વેનો હું આભાર માનું છું અને કાર્યમાં જોડાવા અરજ કરું છું. ૐ

          ઉપર પ્રમાણે સ્વાગત મંડળના પ્રમુખનું ભાષણ પૂર્ણ થતાં પરિષદના સેક્રેટરી ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ રવાપરવાળાએ સભાજનો સમક્ષ સભાનું પ્રમુખ સ્થાન રા.ભાઈ માવજી પુંજા જબુવાણી ગામ નખત્રાણાવાળાને આપવાની દરખાસ્ત મૂકતાં જણાવ્યું કે :—

          આપણી સભાનું કાર્ય નિર્વિધ્ને પસાર થાય અને આપણને યોગ્ય માર્ગે દોરી જાય તે માટે એક વ્યક્તિની જરૂર હોય છે એટલા માટે આપણી જ્ઞાતિના દુઃખોના અભ્યાસી તેમજ જ્ઞાતિ પ્રત્યે લાગણી ધરાવાની ઉમેદ દર્શાવનાર રા.ભાઈ માવજી પુંજાને સભાનું પ્રમુખપદ આપવાની હું સઘળા બંધુઓને ભલામણ કરું છું. સદરહુ દરખાસ્તને કરાંચી યુવક મંડળના પ્રમુખ ભાઈ નાનજી પચાણ તથા ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણીએ યોગ્ય રીતે પુષ્ટિ આપી અનુમોદન આપતાં તાળીઓના ગડગડાટ વચ્ચે પ્રમુખ સાહેબે પોતાની જગ્યા લીધી હતી. ત્યાર બાદ ગામ વીરાણીના રહીશ ભાઈ માવજી પરબતની દીકરી બહેન બચુભાઈના પવિત્ર હાથે પ્રમુખ સાહેબને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું અને કન્યાના જ હાથે હાર તોરા પહેરાવામાં આવ્યા હતા. એક બાળાના હાથે કરાવામાં આવેલી આ ક્રિયાના પ્રભાવથી પ્રમુખ સાહેબ તેમજ સભાજનો ઉપર જ્ઞાતિ ભક્તિની ઉંડી અસર થઈ હતી. તે અદૃશ્ય શક્તિવડે પ્રેરાયેલા હૃદયથી સ્વબંધુઓને ઉદ્દેશી પ્રમુખ સાહેબે નીચે પ્રમાણે ભાષણ કર્યું હતું.

 

          સભાના પ્રમુખ ભાઈ માવજી પુંજાનું ભાષણ

          પ્રિય જ્ઞાતિ બંધુઓ સદ્‌ગૃહસ્થો માતાઓ અને બહેનો !

          આજની આપણી જ્ઞાતિની આ અગત્યની સભા કરાંચીમાંના શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના આશરા નીચે મળી છે જેની અંદર ઘણે દૂર દૂર ઠેકાણેથી અનેક અડચણો સહન કરી ટુંક વખતમાં સહુ પધારેલા છે. જ્ઞાતિ સેવાના મહાભારત કામની આગેવાની તમોએ મારા ઉપર મૂકી છે. જેના માટે હું આપનો અત્યંત આભારી થયો છું. મારે શુદ્ધ હૃદયથી કહેવું જોઈએ કે આપણી આ મહાન સભાના પ્રમુખ તરીખેની મારા માટે પરિષદના સેક્રેટરી ભાઈ શ્રી રતનશી શીવજીએ ઘણા જ માન ભરેલા શબ્દોમાં દરખાસ્ત કરી છે અને તે દરખાસ્તને કરાંચી યુવક મંડળના પ્રમુખ મુરબ્બી નાનજીભાઈ પચાણે ટેકો આપ્યો અને વિશેષમાં ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણીએ વધુ ટેકો આપી મારી પ્રશંસા કરી વખાણ કર્યા છે તે માત્ર તમારા સ્નેહનું જ પરિણામ છે. આજની સભામાં આપણી જ્ઞાતિના અમૂલ્ય રત્નો સમાન કેળવાયેલા બુદ્ધિશાળી અને કાર્યકુશળ ઘણા ભાઈઓ હાજર છે. એમાંથી જો એકાદ ભાઈની નિમણુંક પ્રમુખ તરીકેની કરી હોત તો આજની સભાનું કાર્ય ઘણું જ સરળ થયું હોત એવી મારી ખાસ માન્યતા છે. છતાં તમોએ પ્રમુખ તરીકે પસંદ કરી આ કાર્યની જવાબદારી સોંપી છે તો તે તમો સર્વે ભાઈઓની સંમતિથી એ કાર્ય હું માન મેળવવાની ખાતર નહીં પણ એક જ્ઞાતિ સેવા કરવાની ખાતર સ્વીકારું છું. અને આવું ઉત્તમ માન મને તમોએ આપ્યું છે તેના માટે આપનો આભાર માનું છું. હું આપની પાસેથી એક પ્રકારની મદદ માગું છું તે એ છે કે સભામાં પધારેલા સઘળા ભાઈઓ તેમજ બહેનો એકમતથી સલાહ સંપથી દરેક રીતે મને મદદ કરશો કે જેથી આજનું આપણું જ્ઞાતિ સેવાનું મહાન કાર્ય આપણે નિર્વિધ્ને પસાર કરી શકીએ. આ મારી ખાસ નમ્રતાપૂર્વક આપને વિનંતી છે. સભામાં પધારેલા સઘળા ભાઈઓ તેમજ બહેનોને હું જણાવીશ કે ગઈ રાત્રે યુવક મંડળની એક ખાસ અગત્યની મિટિંગ આપણી કચ્છ જ્ઞાતિનો સંપૂર્ણ અનુભવ ધરાવનાર તેમજ કચ્છ કડવા પાટીદાર ભાઈઓ પ્રત્યે સંપૂર્ણ ઐક્ય અને પ્રેમભાવ રાખી આપણા વિભાગનો જલદી ઉદય થાય તે માટે વખતો વખત પોતાની વિદ્વતા અને અનુભવનો લાભ ઘણા વખતથી આપતા આવનાર અને આપણને યોગ્ય માર્ગ દર્શાવનાર અમદાવાદવાળા રા.મગનલાલભાઈ ઈજનેરના પ્રમુખપદ નીચે મળી હતી અને તે મિટિંગના કામકાજ પ્રસંગે પધારેલા ભાઈઓના હૃદયમાં જ્ઞાતિની દાઝ પૂરેપૂરી છે એ મેં ગઈ રાત્રે ખાસ અનુભવ્યું છે. આજની સભામાં મારા પોતાના માટે તેમજ સભામાં જે જે ઠરાવો ચર્ચાસે તેના કાર્યની સરળતા માટે ગઈકાલની મિટિંગથી મને ઘણી જ કિંમતી મદદ મળી છે. જેથી જ્ઞાતિ હિતનું ઘણું જ જરૂરી કાર્ય આપણે કુળદેવી ઉમિયા માતાના પ્રતાપે નિર્વિધ્ને પાર ઉતારીશું. આપણી જ્ઞાતિમાં જે જે નઠારા રીત રિવાજો છે તેને નિર્મૂળ કરવા તેમજ આપણી જ્ઞાતિમાં જુલ્મગાર આગેવાનો આપણી જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનોના ઉપર વગર વાંકે ત્રાસ વર્તાવી રહ્યા છે, તે અને તદુપરાંત ખાસ અગત્યનું કામ તો આપણે એ હાથ ધરવાનું છે કે આપણી જાત અને જ્ઞાતિ, શુદ્ધ આર્ય હિન્દુ હોવા છતાં આપણા માથે મુમના કણબીની જે છાપ પડી છે તે છાપ પીરાણા કબ્રસ્તાની ધર્મમાં આપણી જ્ઞાતિ ફસાયેલી છે તેથી જ છે. આપણા જ્ઞાતિ ભાઈઓને એ પાખંડી ધર્મથી છોડાવવા માટે આજની સભા મળવાની જરૂરિયાત તો તમે પ્રથમ થી જ જાણી છે. આપણી જ્ઞાતિના યુવક બંધુઓની જાહેરસભા મુંબઈ વછાતના માળામાં મળેલી તેમજ વીરાણી સભાના રીપોર્ટમાં તેમજ પહેલી કરાંચી પરિષદ વખતે પણ આપણી જ્ઞાતિના વિદ્વાન ભાઈઓએ પોતાનાથી જેટલો બની શકે તેટલો પૈસાનો વખતો વખત ભોગ આપી આપણા જ્ઞાતિભાઈઓને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન ઘણો કર્યો છે. જેથી જ્ઞાતિનો મોટો ભાગ સુધારાની વલણમાં છે અને તે સુધારકો જ્ઞાતિમાં જુના અને સડેલા રીત રીવાજોને નાબુદ કરવા ચાહે છે. પરંતુ કચ્છમાં આપણી જ્ઞાતિના કેટલાક માણસો પોતાને આગેવાન હોવાનો દાવો કરી સુધારકો વિરુદ્ધ તેમજ આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ તેમજ બેનોને જે કનડગત કરે છે, તેની પાસેથી તેમના નઠારા કૃત્યો કરવાનો જવાબ લેવા માટે આપણે આજે ભેગા થયા છીએ. કેટલાક મારા બહાદુર અને વીર ભાઈઓએ આગેવાનો પાસેથી તેમના નઠારા કૃત્યોનો જવાબ કોર્ટો મારફતે લીધો છે અને તેમાં તેઓને ફતેહ પણ મળી છે. આગેવાન હોવાનો દાવો કરનાર ગેઢેરાઓનાં મોઢાં કાળાં થયા છે. તેઓના હાથ હેઠા પડ્યા છે. છતાં મીયાં પડ્યા તોય ટંગડી ઉંચી કરવાની કહેવત પ્રમાણે તેઓ હજુ કંઈ સમજ્યા હોય તેમ જણાતું નથી જે આગેવાનો પોતે ભેળા થઈ ન્યાય કરવાનો ડોળ ઘાલે છે અને પોતાની છાપ બેસાડવા ગમે તેવા માર્શલ લોના ઠરાવો કરી ગમે તેમ આપણા ભાઈઓને પાયમાલ કરે છે. જેના અનેક દાખલાઓ દરરોજ નવા ને નવા સાંભળીએ છીએ, તેના માટે જો હજુ પણ આપણે આંખ નહી ઉઘાડીએ તો, આપણી જ્ઞાતિની ક્યાં સુધી આગેવાનો પાયમાલી કરશે. તે કહી શકાતું નથી. પહેલી પરિષદ મળી હતી ત્યાર પછીની આગેવાનોના જુલ્મી કૃત્યોનો એવો તો ભયંકર પવન ફુંકાયો છે કે એના માટે જો આપણે કંઈ નહી કરીએ તો આપણી સહીસલામતી પણ ધાસ્તીમાં આવી પડવાનો ભય રહે છે. માટે ભાઈઓ હું સભાના દરેક ભાઈઓ તેમજ બેનોને અપીલ કરું છું કે આપણી જ્ઞાતિના ભાઈઓને તેમજ બેનોને જાલીમ આગેવાનોના કૃત્યોનું એક મોટું દરદ લાગુ પડ્યું છે તેનો સત્વર ઉપાય કરી કોઈ વિદ્વાન અને અનુભવી ડૉક્ટરના હાથે એ દરદનું ઓપરેશન નહી કરાવીએ તો એ દરદ આપણું જીવલેણ પણ વખતે નીવડે. હજુ તો આગેવાનોએ આપણા સુધારક ભાઈઓને કનડવાની શરૂઆત કરી છે. કરાંચી સભામાં ભાગ લેનાર અથવા કોઈ પણ ભાઈ જ્ઞાતિ સુધારાના કામમાં સંમતિ આપે તેને નાત બહાર કરવાના અને તેથી વિશેષ પણ એવા હુકમો કાઢ્યા સાંભળ્યા છે કે જેને નાત બહાર કહેવામાં આવ્યું છે તે ભાઈ જો પરદેશ હોય તો તમે દેશમાં જઈ ગેઢેરાઓનું શરણ માગવું અને આઠ દિવસની અંદર દેશમાં જઈ આગેવાનોને વિનવી પોતાના ગુન્હાનો ફેંસલો કરાવવો. બેવકુફી ભરેલા અને નિર્લજ્જ શબ્દોનો ઉચ્ચાર કરતાં આગેવાનોને લેશ પણ શરમ આવતી નથી ! ક્યાંથી શરમ આવે, કારણ કે લાજ આબરૂ  અને પ્રતિષ્ઠા, તેમજ પ્રમાણિકપણાને તો આગેવાનોએ દેશવટો દીધો છે. ત્યારે હવે તેનામાં બાકી શું રહ્યું? તેનો આપણે વિચાર કરવો જોઈએ. મારા ધારવા પ્રમાણે તો હવે તેઓમાં ઈર્ષા અદેખાઈ તુંડ મિજાજ અને બેવકુફાઈનો ખજાનો બાકી રહ્યો છે. તો પછી આવા સર્વદુર્ગુણ સંપન્ન આગેવાનોના હાથમાં આપણી જ્ઞાતિનું સુકાન રહેવા દેવું એ આપણા માટે શોભાભર્યું તેમજ સહીસલામત નથી.

          જે આગેવાનોએ આઠ મહિનાના બાળક ઉપર વેરવાળી તેમના મૃતક દેહનું અપમાન કરવા તેને કોઈએ સ્મશાન નહિ પહોંચાડવાના હુકમો કાઢ્યા છે એવા રાક્ષસી વિચારવાળા આગેવાનો કોણ જાણે એવા પણ હુકમો કેમ નહીં કાઢે કે બાપે દીકરા સાથે તેમજ પુત્રીઓએ માતા સાથે બોલવું પણ નહિ ! પુરૂષવર્ગે પોતાની ધર્મ પત્નીની સાથે સહકાર ન કરવાના પણ એ મૂર્ખ શિરોમણીઓ ફરમાન કાઢે તો કંઈ નવાઈ જેવું નથી. હવે તો હદ થઈ ગઈ છે. તે સિવાય આપણી જ્ઞાતિપંચના પૈસાનો કેટલી નઠારી રીતે તેઓ ખોટે રસ્તો દુરોપયોગ કરે છે, તે વાત અનેક વખત ચર્ચાઈ ગઈ છે. તેનો આપણે તેઓ પાસેથી જવાબ લેવાનો છે. તેટલું જ નહીં પણ તે જ આગેવાનો પોતાના ખાનગી કામોમાં અને પોતા ઉપર ચાલતા કોર્ટોમાં તેમના પોતાના અંગત કેસોમાં પણ આપણા જ્ઞાતિપંચના પૈસાનો ઘણો જ ખોટા અને ગેરવ્યાજબી ઉપયોગ કરે છે. જેની વાતો આપણે ઘણીએ સાંભળી છે. આ બધી વાતોનો નિકાલ આજની સભામાં કરવાનો છે. માટે ભાઈઓ શાન્તિથી ઉશ્કેરાયા વગર, વિચાર કરી આ કાર્ય કેવી રીતે પાર ઉતારવું અને આગેવાનો પાસેથી કેવી રીતે જવાબ લેવા તેનો નિર્ણય કરવા માટે આજે આપણે ભેગા મળ્યા છીએ. હું તમોને સલાહ આપું છું કે આપણે આટલી મોટી સંખ્યામાં ભેગા મળ્યા છીએ તેમજ કેટલાક ભાઈઓ સભામાં આવનાર હતા તેઓ અનિવાર્ય અડચણોને લીધે આવી શક્યા નથી પરંતુ તેમના પત્રોમાં જણાવ્યા પ્રમાણે આ સભાની દરેક રીતે ફતેહ ચાહે છે.

          પહેલી કરાંચી પરિષદમાં બાળલગ્ન ન કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો પરંતુ એ ઠરાવ આપણે સંપૂર્ણ રીતે પાળી શક્યા નથી. જો કે પરિષદમાં હાજરી આપનારા ભાઈઓ માંહેલા ઘણા ભાઈઓએ આગેવાનોની જુલ્મી કાયદાને માન આપ્યું નથી અને પોતાના છોકરાં યોગ્ય ઉમરના હતા છતાં, પીરાણા મુસલમાની ધર્મની ક્રિયા પ્રમાણે ન પરણાવવાના આગ્રહથી નાત બાર થવાનું દુઃખ પણ વોર્યું છે. પરંતુ પોતાની ટેક છોડી નથી એવા ભાઈઓની બહાદુરીને ધન્યવાદ ઘટે છે. આપણી જ્ઞાતિને તેમજ સુધારક ભાઈઓને આગેવાનોનું જે દુઃખ સહન કરવું પડે છે તેનું મુખ્ય કારણ એ પણ છે કે આપણા કુટુંબીઓમાં આગેવાનો ફાટફુટ કરાવે છે અને ભોળા અજ્ઞાન ભાઈઓને જોરજુલમથી એકબીજા તરફ દ્વેષભાવ કરાવી આગેવાનો પોતાનો કક્કો ખરો કરે છે. તેનો આપણા ભાઈઓ કંઈ પણ વિચાર કરતા નથી. વળી આગેવાનો ન કરવાનું કાર્ય કરાવવા માટે આપણા જ્ઞાતિ ભાઈઓ ઉપર બળજબરીથી ફરજ પાડે છે. તેને આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ નિર્માલ્યપણે બાયલા થઈ શરણ થાય છે એ દુઃખ હવે સહન થાય તેમ નથી. પોતાની મેળે માની લીધેલું આગેવાનીપણું ધરાવનાર અને હુંપદવાળા આગેવાનોની જુલ્મી સત્તા નાબુદ કરવામાં રાજ્યની મદદ લેવી પડે તો પણ લઈને એ જુલ્મી આગેવાનોને પાંસરા કરવાથી જ આપણી જ્ઞાતિનું શ્રેય થઈ શકશે. આપણી જ્ઞાતિ જુલ્મી આગેવાનોના ત્રાસથી છુટશે ત્યારે જ બીજા દુઃખદાઈ રીતરિવાજોને પણ આપણે સહેલાઈથી જ્ઞાતિમાંથી દુર કરી શકીશું.

          છુટાછેડા જેવો શરમ ભરેલો રીવાજ આપણી જ્ઞાતિને શરમાવી રહ્યો છે. તે પણ જો મને ખરું કહેવા દેશો તો કહીશ કે એ પણ એ જ આગેવાનોને આભારી છે. આગેવાનો થોડા પૈસાની બુરી લાલચે કંઈક ભાઈઓ તેમજ બહેનોને ચડાવીને છુટાછેડા કરાવે છે તે બધું જ્યારે આગેવાનો ગેઢેરાઓ ડાહ્યા થશે ત્યારે એ શરમ ભરેલા નાલાયક રીવાજનો અંત આવશે અને ત્યારે જ આપણા ભાઈઓ તેમજ બહેનો, પતિ—પત્નીનો ધર્મ સમજી શકશે. આપણી જ્ઞાતિમાં ગરીબાઈ આવી જવાનું ખાસ કારણ જો હોય તો તે મરણ પાછળનાં જે ફરજિયાત જમણ કરવામાં આવે છે તે છે અને તે જમણો પણ આગેવાનોના ખાસ દબાણથી આપણા ભાઈઓ ગેઢેરાથી બીને તેઓને રાજી રાખવા ખાતર કરે છે. જો ન કરે તો રખેને નાતબાર કરે એવી ભ્રમણા પણ કેટલાક ભાઈને થાય છે અને વસ્તુસ્થિતિ જોતાં એમ સાફ જણાય છે કે આગેવાન પહેલો જો તેમાં હાથ ન ઘાલે અને ફરજિયાત જમણ ન કરાવે તો આપણા ભાઈઓની જે ગરીબી હાલત થઈ ગઈ છે તે ન થાય. આપણી જ્ઞાતિના લાખો કોરીઓના ફંડમાંથી આપણા ગરીબ ખેડૂત ભાઈઓને મદદ કરવી અને આપણી જ્ઞાતિના બાળકોને કેળવણી આપવાના કામમાં એ પૈસાનો સદુપયોગ થાય એમ હું ઈચ્છું છું. એ સિવાય આપણી જ્ઞાતિમાં પીરાણા ધર્મ અને આગેવાનોની જોહુકમી સત્તાનો જે દોર ચાલે છે તેને દૂર કરવાને ગામોગામ ફરીને આપણા જ્ઞાતિ ભાઈઓને સમજાવીને તેમજ બીજા અન્ય હિન્દુ ભાઈઓની મદદ અથવા લાગવગનો ઉપયોગ કરીને કણબી જ્ઞાતિને બચાવવા અને તેનો ઉદ્ધાર કરવા મચી પડવું જોઈએ. જેટલો વખત જાય છે તેટલો વિનાશ નજદીક આવતો જાય છે. હવે રાહ જોવાનો વખત રહ્યો નથી. આખી દુનિયા વીજળી અને વિમાનની ઝડપે ચાલવા લાગી છે અને આપણે સૌથી પાછળ પડેલા છીએ માટે બીજા કરતાં વધારે ઝડપથી કુચ કરતા રહીશું તો જ બીજી જ્ઞાતિની હરીફાઈમાં આપણે ટકી શકીશું. ઘણા દહાડા ઉંઘ્યા. ઘણા દહાડા પીરાણા ધર્મની કલ્પિત માન્યતાના ઝઘડામાં ગુંથાયેલા રહી બધુ ગુમાવ્યું, ઘણા દહાડા પીરાણા કાલ્પનિક સતપંથના રહસ્યોના પાઠો અને નુરનામાં બાજનામાં, તૈયબના કલમાઓ અને બાવની ક્રિયાઓ કરી ગુનાહ છોડાવરાવવામાં ખુવાર થયા, હવે તો આપણે માટે શુદ્ધ આર્ય હિન્દુ થવું અથવા તો પાકા મુસલમાન થવું એવો કાળ મોં વિકાસીને આપણા માટે ખડો થયો છે, માટે બંધુઓ જો તમારે હિન્દુ થવું હોય અને મુમનાની છાપ મટાડવી હોય તો જાગો અને જુવો, નહીં તો પછી પીરાણા ધર્મમાં પડ્યા રહી સડો અને રૂવો. મારી તો તમને એ જ સલાહ છે કે તમે હિન્દુ છો અને હિન્દુ તરીકે ઓળખાવો છો માટે જ પીરાણાના પાખંડી ધર્મનો મોહ તજી દો અને જ્ઞાતિને તેમજ બીજા અન્ય ભાઈઓ જે પીરાણા ધર્મમાં ફસાયા હોય તેને છોડાવવાના કામમાં સનાતન ધર્મને પાળો અને તમારું નામ સદાને માટે કેસરીયાં કરી અમર કરો. દુરાચારી આગેવાનો પોતાના પાપી પેટની ખાતર, ભોળા અને અજ્ઞાન ભાઈઓ ઉપર કાબુ મેળવવાની ખાતર, પીરાણાના કાકાઓ અને સૈયદોનો પ્રેમ મેળવવાની ખાતર અથવા તો બીજા કોઈ સ્વાર્થની ખાતર જ્ઞાતિના અજ્ઞાન ભાઈઓને અજ્ઞાનતામાં દાટી રાખશે અથવા તો પોતાની જુલ્મી સત્તાથી તમને અજ્ઞાનતામાં ડૂબતા રાખવાનું ચાલુ રાખશે તો તેમનું પરલોકમાં તો ગમે તે થાય પણ આ જમાનામાં આ ભૂમિ પર તો આવી જ બન્યું સમજવું.

          જમાનો એવો આવ્યો છે કે હવેના લોકો કોઈ પણ જાતના જુલમ અને જોહુકમી સત્તાને નહીં જ સહન કરી શકે. આપણી જ્ઞાતિમાં કેટલીક વીર બાળાઓએ પણ આગેવાનોની સત્તાને ઠોકરે મારી છે. તો તમે શું પુરૂષ વર્ગ પીરાણાના કાકાઓ કે સૈયદો તેમજ નાતના જુલ્મી આગેવાનોની ગુલામગીરી વધુ વખત સહન કરી શકશો? હવે તો એવા જ વીર પુરુષો પુજાશે કે જેઓ દેશ અથવા જ્ઞાતિને અધર્મસ્થિતિમાંથી ઉગારશે અને તેને વધુ આબાદ કરવામાં પોતાના ધન, સમય, લાગવગ અને તમામ શક્તિનો તેમજ જરૂર પડે તો પોતાના પ્રાણનો પણ ભોગ આપશે ઓ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો હું ફરી ફરીને કહું છું કે સમય પલટાયો છે. જુલ્મી આગેવાનો જે આપણને ગુલામીમાં રાખી આપણા ઉપર જોહુકમી ચલાવતા હતા તે યુગ હવે ખતમ થયો છે. એવા પાપીઓના માટે મહાન ઉથલપાથલ થવાનો જમાનો તો ક્યારનોય બેસી ગયો છે. આગેવાનોએ હવે ચેતવું જ જોઈએ. પીરાણાના કાકાઓએ હવે ખૂબ ખ્યાલ કરવાનો છે. કચ્છ દેશમાં આવી જુલ્મી આગેવાનોને રેશમી ખેશ અને પાઘડીઓની લાંચ આપી પોતાને મન માનતા જોરજુલમથી શીરબંધી ઉઘરાવી જવાનો જમાનો રહ્યો નથી.

          છેવટે હું તમો સઘળા ભાઈઓ તેમજ બહેનોને વિનંતી કરું છું કે, તમો આજથી એવું વ્રત અંગીકાર કરો કે મિથ્યાભિમાની આગેવાનોથી લેશ પણ ડરવું નહીં. એ પણ આપણા જેવા જ માણસો છે, નથી તેમની પાસે રાજસત્તા કે નથી તેમની પાસે દૈવી સત્તા, તો પછી આગેવાનોનું નામ સાંભળીને ધ્રુજવું એના જેવું બાયલું અને હીચકારું કામ બીજું શું હોય? આગેવાનો આપણા સુધારક ભાઈઓએ આટઆટલા ફજેતીના ફાળકે ચડાવ્યા છે તેને તેઓ શું કરી શકે તેમ છે? કારણ કે જુઠા અને પ્રપંચી માણસો સાચા અને પવિત્ર માણસને કંઈ પણ કરી શકતા નથી. ભુતવિદ્યાવાળો માણસ દૈવી શક્તિવાળાને પોતાની નીચ વિદ્યાની અસર કરાવી શકે જ નહી. તેથી તમો આગેવાનોની નીચ અને કુટીલ નીતિને કંઈ પણ મચક આપ્યા સિવાય તમે જ્ઞાતિહિત માટેની કાર્યસિદ્ધિની ઈચ્છા રાખનારા ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે જો તમે આત્મશ્રદ્ધાના બળથી આગ્રહપૂર્વક તમારી જાત સાથે વાત કરશો તો તમે તમારી હિંમત, તમારી શ્રદ્ધા અને તમારા વિચારો જરૂર અમલમાં મૂકવાની તમારી શક્તિને વધારી શકશો જ. જ્ઞાતિ સેવા કરવાની તમારી ઈચ્છાને એટલી તો દૃઢ અને નિશ્ચયવાળી કરો કે જ્યાં સુધી તમારી મન ઈચ્છા પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી જગતમાંથી કોઈ પણ શક્તિ તમારા હૃદયમાંથી તમારી જ્ઞાતિ સેવા કરવાની ભાવનાને છોડાવી શકે નહીં.

          જ્ઞાતિ સેવા એટલે જ્ઞાતિની ઉન્નતિ કરવાના પ્રયત્નો કરવા એના જેવું એક પણ બીજું પુન્યવતું કામ નથી. તમારી હિંમતથી તમારી દૃઢ શ્રદ્ધાથી જો તમે જ્ઞાતિનો ઉદ્ધાર કરશો તો ભવિષ્યની પ્રજા તમારા માટે આશીર્વાદો વરસાવશે. આજની સભામાં તમે મારામાં શ્રદ્ધા મૂકી અને પ્રમુખપદે બેસાડ્યો છે. જ્ઞાતિ સેવા કરવાનો મારો ધર્મ હું બે વર્ષથી અદા કરતો આવ્યો છું અને આજના પ્રસંગને લઈ જ્ઞાતિ સેવાનો વિશેષ ધર્મ મેં સ્વીકાર્યો છે.

          તમોએ મારામાં જે આશા અને વિશ્વાસ મૂકી પ્રમુખ તરીકે મને પસંદ કર્યો છે એ વાતમાં હું તમોને કદી પણ નિરાશ કરીશ નહીં, તેની ખાત્રી રાખશો અને તેવી જ રીતે મને પણ તમારામાં તેટલી જ શ્રદ્ધા છે. કારણ કે ગઈ રાત્રે યુવક મંડળની સભામાં આપણે આજની સભાના કામકાજનો નિર્ણય કરવા ભેગા થયા હતા ત્યારે મેં તમારા માના ઘણા ભાઈઓનો ઉત્સાહ અને બળશક્તિની ખાત્રી કરી લીધી છે, હવે તો આપણા માટે સભામાં ભાષણો કરી જ્ઞાતિ ભાઈઓને ધર્મનું ભાન કરવા પૂરતું જ કામ છે એમ માનશો નહીં, પણ જે વિચાર તમે મોઢાથી બોલીને કહી બતાવો છો તે વહેવારમાં મૂકી આગેવાનોના જુલમ અને ત્રાસથી તેમજ પીરાણા કબ્રસ્તાની ધર્મથી જ્ઞાતિના ભાઈઓને છોડાવશો ત્યારે જ તમે પોતે અનુભવતા હશો કે તમે સ્વીકારેલી જ્ઞાતિ સેવા બજાવો છો.

          એવો વખત આવવાને હવે વધારે ટાઈમ નથી. તમારી જ્ઞાતિ ભક્તિ સાચી હશે, નિઃસ્વાર્થી હશે તો જરૂર જે આગેવાનો અટાણે આપણી જ્ઞાતિના ભાઈઓ ઉપર ત્રાસ અને જુલમ કરે છે તે જ આગેવાનો તમારી પાસે નરમ ઘેંશ જેવા થઈ તમારી ક્ષમાની ભીખ માગવા આવશે કારણ કે આગેવાનોથી હવે કોર્ટોમાં જઈ તમારી સામે લડાઇ તેમ નથી. તમો સુધારકો સાચા છો, નીડર છો, મારી નજર પોચે છે અને હું સમજી શકું કે તમારા રૂંવે રૂંવે જ્ઞાતિ ભક્તિ છે, માટે તમારો જરૂર વિજય થશે. કચ્છના કડવા પાટીદારની ખચીત ઉન્નતિ થવાની જ છે અને તે તમારા હાથે જ થશે, એવું ભવિષ્ય મને દેખાય છે અને એ વાતમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આટલું કહી હું મારું બોલવું પુરું કરું છું અને તમોએ મારું કહેવું શ્રદ્ધાપૂર્વક સાંભળી મને જે અનુપમ માન આપ્યું છે, તેના માટે હું સઘળા ભાઈઓ તેમજ બહેનોનો અંતઃકરણથી ઉપકાર માનું છું.

          પ્રમુખ સાહેબનું ભાષણ પૂર્ણ થઈ રહ્યા બાદ પરિષદના સેક્રેટરી ભાઈ રતનશી શીવજીએ જણાવ્યું કે આપની સમક્ષ અમારા તરફથી સ્વાગત મંડળના પ્રમુખ સાહેબે તથા મે.પ્રમુખ સાહેબે પણ પોતા તરફથી જ્ઞાતિ હિત સાધવા માટે જે જે કાર્યો કરવાની જરૂર છે તે સમજાવ્યું છે આપણે કેવા પ્રકારે એ કાર્યો હાથ ધરી શકીએ અને આપણી મુસીબતોને પહોંચી વળીએ તેમજ આગેવાનોનો જે ત્રાસ અને આપણા માથે ભય ખડો છે તેને કેવી રીતે દુર કરી શકીએ તેમજ પીરાણાના અધમ અને નીચે પાખંડી ધર્મમાંથી આપણે કેવી રીતે છુટી શકીએ તેનો વિચાર કરી આપણી સભાના એટલે જ્ઞાતિના ઠરાવો અત્રે નહી પધારેલા જ્ઞાતિ ભાઈઓની જાણ માટે પણ ઘડી કાઢવાની જરૂર છે. એ ઠરાવો જો કે આપણી આ સભામાંથી જ પાસ કરવામાં આવશે પરંતુ ઠરાવો કેવા પ્રકારના કરવા જોઈએ તેનો વિચાર કરવા માટે આપણી આ સભામાં પધારેલા પૈકી કેટલાકના નામો હું સુચવું છું અને તે નામોમાં જે કોઈ ને વધઘટ કરવી હોય તેમણે સભાને સુચના આપવાની વિનંતી કરું છું. આપણી આ સભાએ પસંદ કરેલી એ કમિટિ ઠરાવો ઘડશે. તે પ્રસંગે અનેક પ્રકારની વાટાઘાટ ચાલશે એટલે તે સાંભળવાનો અને પોતાનો અનુભવ જણાવવાની જે ભાઈઓને ઈચ્છા હોય તેમણે કમિટિ આ સભા બરખાસ્ત થયે જે સ્થળે મળે ત્યાં પધારવું અને શાંતિથી પોતાના વિચારો દર્શાવવા. પરંતુ એ વાત ધ્યાન રાખવી કે જ્યારે કોઈ વાતમાં મતભેદ પડશે ત્યારે માત્ર કમિટિમાં આવેલા જે ભાઈઓ હશે તેમના જ મતને વજન આપવામાં આવશે.

          ઉપરોક્ત સુચનાના અંતે સેક્રેટરીએ કેટલાંક નામોની ટીપ વાંચી સંભળાવી હતી અને સુધારા વધારા સાથે નીચે જણાવેલા બંધુઓની એક સબજેક્ટ કમિટિ નિમવાનો ઠરાવ સભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

 

સબજેક્ટ કમિટિના મેમ્બરોના નામ

(૧)

માવજીભાઈ પુંજા જબુવાણી ગામ—નખત્રાણા પ્રમુખ

 

(૨)

રતનશી શીવજી નાકરાણી રવાપર સેક્રેટરી

 

(૩)

ખેતાભાઈ ડોસા પોકાર

નખત્રાણા

(૪)

ભાઈ નાનજી પચાણ નાકરાણી

નખત્રાણા

(૫)

ભાઈ શીવજી કાનજી પારસીયા

નખત્રાણા

(૬)

ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી

વીરાણી

(૭)

ભાઈ મુળજી ડોશા પોકાર

નખત્રાણા

(૮)

ડાહ્યા લખુ રૂડાણી

નખત્રાણા

(૯)

લાલજી સોમજી નાકરાણી

રવાપર

(૧૦)

લધા હરજી

કોટડા જડોદર

(૧૧)

લખુ ડોશા પોકાર

નખત્રાણા

(૧૨)

નાનજી વિશ્રામ નાકારાણી

ગામ નેત્રા (માતાના)

(૧૩)

 હીરજી લાલજી પટેલ

કોટડા (જડોદર)

(૧૪)

કાનજી પચાણ જબુઆણી

નખત્રાણા

(૧૫)

નારણ રઈયા લીંબાણી

દયાપર

(૧૬)

 કરસન હંસરાજ નાકરાણી

વીરાણી

(૧૭)

દાના કરસન પાંચાણી

નખત્રાણા

(૧૮)

ભાઈ ખીમજી શીવજી

મંગવાણા

(૧૯)

 વેલજી ગોપાલ

દેશલપર

(૨૦)

કરમશી લધા

દેશલપર

(૨૧)

 પ્રેમજી હરજી

દેશલપર

(૨૨)

માધા શીવજી

દેશલપર

(૨૩)

કરમશી શીવજી

દેશલપર

(૨૪)

શીવજી લધા નાકરાણી

નખત્રાણા

(૨૫)

વીરજી કરસન

નખત્રાણા

(૨૬)

 લધા પચાણ

કોટડા (જડોદર)

(૨૭)

ગોપાલ રામજી

વીરાણી

(૨૮)

જેઠા નથુ

દેવીસર

(૨૯)

હરજી નથુ

દેવીસર

(૩૦)

રામજી ખેતા

નખત્રાણા

(૩૧)

મુળજી દેવજી કેશરાણી

નખત્રાણા

(૩૨)

 ભાઈ નાનજી પુંજા કેશરાણી

નખત્રાણા

(૩૩)

 વાલજી લખુ પોકાર

નખત્રાણા

(૩૪)

રા.રા.મગનલાલ ગોવિંદલાલ

અમદાવાદ

(૩૫)

 ભાઈ રામજી ભીમજી ઘોઘારી

વીરાણી

(૩૬)

મનજી વસ્તા

કોટડા (જડોદર)

(૩૭)

 ભાઈ નારણજી રામજીભાઈ

વીરાણી

(૩૮)

 ભાઈ રતનશી કરસન

ગઢશીશા

(૩૯)

ભાઈ રામજી જેઠાભાઈ

ગઢશીશા

(૪૦)

ભાઈ રતનશી ખીમજી ખેતાણી

વીરાણી

(૪૧)

મેઘજી ભાણજી

વીરાણી

(૪૨)

કાનજી રામજી પારસીયા

નખત્રાણા

(૪૩)

ખેતા રામજી

નખત્રાણા

(૪૪)

ડાહ્યા રામજી

નખત્રાણા

(૪૫)

શીવદાસ જીવરાજ

નખત્રાણા

(૪૬)

ખેતા લખુ રૂડાણી

નખત્રાણા

(૪૭)

હરજી વીરજી નાકરાણી

વીરાણી

(૪૮)

રામજી સોમજી

રવાપર

(૪૯)

નથુ વનજી

રવાપર

(૫૦)

ભાણજી જીવા સેંઘાણી

નખત્રાણા

(૫૧)

કરસન ભાણજી

વીરાણી

(૫૨)

પેથા ગોપાલ કેશરાણી

નખત્રાણા

(૫૩)

અરજણ કાનજી

અરલ

(૫૪)

દેવજી ભીમજી ઘોઘારી

વીરાણી

(૫૫)

ભાઈ નારણ શીવજી લીંબાણી

વીરાણી

(૫૬)

મેઘજી પરબત છાભૈયા

કોટડા (જડોદર)

(૫૭)

 મેઘજી કાનજી લીંબાણી

દેવીસર

(૫૮)

જેઠા રામજી બાથાણી

વીરાણી

(૫૯)

નારણ નથુ

દેવીસર

(૬૦)

અરજણ નારણ ધોળુ

નાગલપર

(૬૧)

કરસન વીરજી નાકરાણી

વીરાણી

(૬૨)

વીરજી લખુ પોકાર

નખત્રાણા

(૬૩)

વાલજી લખુ પોકાર

નખત્રાણા

(૬૪)

 હરજી શીવજી

દેશલપર

(૬૫)

ભાઈ રઈયા ખીમજી નાકરાણી

નેત્રા

(૬૬)

દેવશી અબજી નાથાણી

 

(૬૭)

વસતા મેઘજી માકાણી

 

(૬૮)

પ્રેમજી કરસન

ગામ—કોટડા (જડોદર)

(૬૯)

વિશ્રામ ભાણજી

ગામ—કોટડા (જડોદર)

(૭૦)

શીવદાસ માવજી

ગામ—કોટડા (જડોદર)

(૭૧)

વેલજી પરબત પારસીયા

નખત્રાણા

(૭૨)

તેજા પાંચા

નેત્રા

         

ઉપર જણાવેલા બંધુઓની સબજેક્ટ કમિટિ લુહારની વાડીમાં પ્રમુખ સાહેબના ઉતારે ઠરાવો ઘડવાનું કામ સભા બરખાસ્ત થયા પછી કરશે એટલે તે કમિટિમાં નિમાયેલા ભાઈઓએ સભામાંથી પરભાર્યા તે સ્થળે જવું એવી સૂચના સેક્રેટરીએ આપ્યા બાદ સભાનો આજનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો અને પ્રમુખ સાહેબે સભા બરખાસ્ત થયેલી જાહેર કરી હતી.

          લગભગ સાડા દસ વાગે રાતના સબજેક્ટ કમિટિ મુકરર કરેલા સ્થાને મળી હતી અને રાતના અઢી વાગતા સુધી ઠરાવો ઘડવાના કાર્યમાં રોકાઈ હતી.

 

          તા.૮મી રવિવારનો બીજો દિવસ

          આજે બેઠકનો વખત દિવસનો રાખવામાં આવ્યો હતો એટલે બપોરના બે વાગ્યાથી સભાજનોએ મંડપમાં હાજરી આપવા માંડી હતી અને લગભગ ત્રણ વાગ્યા પછી પ્રમુખ સાહેબ આવી પહોંચતાં શ્રી ઉમિયા દેવીની સ્તુતિ થઈ રહ્યા બાદ ઠરાવો રજુ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. નીચે જણાવેલા ઠરાવો પ્રમુખ સાહેબે રજુ કર્યા હતા.

          ઠરાવ ૧ લો.

          શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદની આ બેઠક ગૌબ્રાહ્મણ પ્રતિપાલ નોધારાધાર ધર્મધુરંધર અખંડ પ્રૌઢ પ્રતાપ મહારાજાધિરાજ મીરઝાં મહારાવ શ્રી ૭ સર ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ.નું સહકુટુંબ દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.

          ઠરાવ ૨ જો

          તે નામદારના મુબારક લક્ષ ઉપર નીચેની બાબતો મુકી દાદ માગે છે કે :—

          આ દેશના જુદા જુદા ભાગોમાં અમારી જ્ઞાતિ વિસ્તરેલી છે જે પૈકીનો અમારો એક ભાગ કચ્છ દેશમાં નામદાર મહારાવ શ્રીના શીતળ છત્ર નીચે રહે છે અને દેશ પરદેશમાં મજુરી જેવો ધંધો કરવાની સ્થિતિમાં આવી ગઈ છે. તેમ છતાં અમારી જ્ઞાતિના નીચે જણાવેલા આગેવાનો અમારી કોમ ઉપર પોતાનો વહીવટ અધર્મ અને અન્યાયી રીતે ચલાવે છે અને દંડ કરી કરીને હજારો કોરીઓ ખાઈ જાય છે, તે ઉપરાંત—

          ન હિન્દુ ન મુસલમાન એવા પીરાણા કબ્રસ્તાની પંથમાં પોેતાના સ્વાર્થની ખાતર અમારી જ્ઞાતિને ડુબતી રાખી જેમ રાજ્યભાગ લેવાય છે તેમ પીરાણાના લાગા તરીકે અમારી પાસેથી ઉત્પન્નનો દસમો ભાગ લે છે અને તેનો કેવો ઉપયોગ થાય છે તે કોઈને જણાવતા નથી, દર વર્ષે એ પ્રકારે લાખો કોરીઓ ઉઘરાવવાની ખાતર અમારી કડવા પાટીદાર કોમને પીરાણાના અધર્મ યુક્ત પંથમાં ડુબતી રાખવાનો દોર ચલાવી રહ્યા છે અને તેમાંથી મુક્ત થઈ હિન્દુધર્મને અનુસરી ચાલનાર જ્ઞાતિવર્ગને નાતબાર કરી તેમની ઉપર અનેક પ્રકારના સીતમો ગુજારે છે, તેમના તરફથી થતા જુલમ અને ત્રાસ માટે ખુલાસા પુછનાર અથવા તે માટે મહારાવ શ્રીની અદાલતમાં ન્યાય લેવા આવનારને નાત બહાર કરે છે, દંડ કરે છે અને સગા કુટુંબીજનોથી વિખુટા પાડી દેવાનો અસહ્ય ત્રાસ વર્તાવે છે, જેથી આપ નામનદારના શીતળ છત્ર નીચે ખેતી અને મજુરી કરી ગુજરાન ચલાવનારી અમારી જ્ઞાતિ પોતાની જ જ્ઞાતિના જુલ્મી આગેવાનોના જુલ્મથી દબાઈને ગુલામી હાલત ભોગવેે છે એટલા માટે આપ નામદાર નીચે જણાવેલા આગેવાનોને તાકીદ આપવાનો હુકમ કાઢશો કે :—

          જ્યાં સુધી કચ્છ દેશની સમગ્ર જ્ઞાતિ એકત્ર મળી ઠરાવ કરે નહીં ત્યાં સુધી પીરાણાના બહાને કોઈ પણ જાતની દશોંદ કે વિસોંદ જેવા લાગા ઉઘરાવે નહિ અને અદાલતમાં ઈન્સાફ માગવા આવનાર ઉપર તેમજ શુદ્ધ હિન્દુ ધર્મને અનુસરીને ચાલનાર કોઈ પણ જ્ઞાતિજનને કોઈ પ્રકારની સીધી અથવા આડકતરી પણ કનડગત ઉભી કરે નહીં.

         

આગેવાનોના નામ

પટેલ રામજી દેવજી

ગામ—માનકુવાના

પટેલ હંસરાજ દેવશી

ગામ—દેશલપરના

પટેલ હીરજી ખીમા

ગામ—મંગવાણાના

પટેલ જશા શીવજી

ગામ—કુરબઈના

મુખી ખેતા મુળજી

ગામ—ગઢશીશાના

પટેલ પ્રેમજી વાલજી

ગામ—વિથોણના

પટેલ શીવજી જેઠા

ગામ—નખત્રાણાના

પટેલ સામજી લધા

ગામ—કોટડા (જડોદર)

મુખી અરજણ ડાયા

ગામ—ખોંભડીના

પટેલ વસ્તા ખીમા ભગત

ગામ—ખોંભડીના

પટેલ ગંગદાસ ખેતા

ગામ—રસલીયાના

પટેલ કરમશી શીવજી

ગામ—નેત્રાના (માતાજીના)

મુખી અબજી હીરજી

ગામ—નેત્રાના

મુખી દેવસી લધા

ગામ—રવાપરના

પટેલ પરબત ખીમા

ગામ—ઘડુલીના

         

ઉપર જણાવેલા બંને ઠરાવો રજુ કરતાં પ્રમુખે ઠરાવો પસાર કરવાની જરૂર સમજાવી હતી અને તે ઠરાવોનું રહસ્ય યોગ્ય રીતે સભાજનોને સમજાવ્યા બાદ જે ભાઈઓ ઠરાવો પસાર કરવાની તરફેણના હોય તેમણે પોતાનો હાથ ઊંચો કરી સંમતિ દર્શાવવાનું કહેતાં સર્વે ભાઈઓએ પોતાના હાથ ઉંચા કર્યા હતા. ત્યારબાદ પરિષદના સેક્રેટરીએ પણ ઠરાવોનો ટુંક સારાંશ કહી સભાજનોને પૂછ્યું હતું કે એ ઠરાવો તમારી સંમતિથી પસાર કરવામાં આવે છે એટલે તમે દરેક જણ એ ઠરાવો પસાર કરો છો, એમ સમજી જે ભાઈઓ ઠરાવો પસાર કરવાની મરજીવાળા હોય તેમણે પોતાના હાથ ઉંચા કરી બીજી વખત સંમતિ દર્શાવવી, જેથી સઘળા ભાઈઓએ મહારાવશ્રીની અને કુળદેવીની જય ઘોષણા વચ્ચે એકી અવાજે ઠરાવો પસાર કર્યા હતા.

          ઠરાવ ૩ જો

          બાળલગ્નના અધર્મ યુક્ત અને હાનિકારક રીવાજને સત્વરે નાબુદ કરવા. આ સભા દરેક જ્ઞાતિબંધુને આગ્રહપૂર્વક ભલામણ કરે છે અને શાસ્ત્રોક્ત રીતે ચોરી બાંધીને વેદવિધિ અનુસાર યોગ્ય ઉંમરે આવેલા જ છોકરાંઓને પરણાવાનો ઠરાવ કરે છે.

          ઉપરનો ઠરાવ ભાઈ નાનજી પચાણ ગામ નખત્રાણાએ રજુ કરતાં નીચે પ્રમાણે ભાષણ કર્યું હતું.

          મહેરબાન પ્રમુખ સાહેબ, વહાલા જ્ઞાતિ ભાઈઓ, માતાઓ અને બહેનો ! બાળલગ્નનો ઠરાવ મેં રજુ કર્યો તે સાંભળીને આપ સર્વ વિચાર કરશો કે બાળલગ્ન કેટલા નુકસાનકારક છે, ત્રીસ હજાર જેટલી કચ્છમાં આપણી જ્ઞાતિના માણસો છે છતાં પણ તેમાંથી કોઈને વિચાર પણ થતો નથી કે બે ચાર મહિનાના છોકરાંને પુરું બોલતાય નથી આવડતું ત્યાં તો તેનો આપણે વિવાહ કરી નાંખીએ છીએ, આ કેટલી અફસોસની વાત છે. વિવાહ તો આપણી જ્ઞાતિમાં બાર વરસે થાય છે તેથી આટલી લાંબી મુદ્દત હોવા છતાં પણ આપણે સગપણ કરવાની ઉતાવળ કરીએ છીએ. અરે કોક વખત તો અતિત અને પાટીયા પણ આપણા છોકરાના સગપણની સોપારીઓ લઈ આવે છે ! તે વખતે આપણે કાંઈ પણ વિચાર નહી કરતાં ફક્ત તેના મોઢાના વખાણ સાંભળીને વર નહી પણ ઘર જોઈને સગપણ કરી નાખીએ છીએ ! બંધુઓ, વિચાર કરો કે આજકાલ છોકરાઓ ઉપર કામનો બોજો કેટલો રહે છે તે પાંચ સાત વરસનો જ્યારે થાય છે અને મોકળે મનથી આનંદથી રમતગમત કરવા માંડે છે ત્યાં તો તેને વાડીએ લઈ જાય છે અને ત્યાં આગળ તેને પાણીના ઢાળીયામાં માટી હલાવવાને માટે ઉભો રાખે છે, પછી તેને બળદ બદલાવવાનું કામ સોંપવામાં આવે છે અને તે પછી વાડીના અનેક કામો તેને કરવાં પડે છે, તેથી તે તેની ચિંતામાં ને ચિંતામાં વધી શકતો નથી અને સુકાતો જાય છે, ત્યારે સામે પાશે દીકરીને તે માંહેલું કાંઈ પણ કામ કરવું પડતું નથી, તેમ કામ બાબતની ચિંતા પણ જરા ઓછી રહે છે તેથી તે બમણી વધે છે. જ્યારે ઉંમરલાયક થાય ત્યારે જો તે બંનેને જોડમાં ઉભા રાખે તો ખબર નહી માણસોને કેવા વિચાર આવે ! ભાઈઓ, આવો આપણા બાળલગ્નનો પ્રતાપ છે. હવે છોકરી જ્યારે આંણે મુકવાલાયક થાય છે ત્યારે છોકરો સાવ એક બાળક જેવો જ અભણ રહે છે તેમ વહુને જેદી તેડી આવે છે તેદી છોકરો બિચારો બીતો બીતો ઘરે જાય છે કેમકે વહુ એટલે શું તે બાબતનું તેને જ્ઞાન જ નથી હોતું અને હોય છે તો તે બીએ છે, કારણ કે વહુ પોતાથી ચાર ઘણી મોટી દેખાય ! જ્યાં આવી બીક હોય છે ત્યાં કહો ભાઈઓ પ્રિત, પ્રેમ અને ખરો સંસાર સુખ ક્યાં રહ્યું? અને શી રીતે ભોગવી શકાય? હવે જેટલા દિવસ વહુ ઘરે રહે છે ત્યાં સુધી આપણી રૂડી રીત પ્રમાણે તેને રોજ સવારમાં સેવું આદી મેમાણી મળે છે બપોરે અને સાંજે બીજા ભાઈઓ તો તેને જમવા તેડી જાય છે ત્યાં તેને મેમાની મળે છે ત્યારે આપણા બટુક ભાઈના માટે તો એજ બાપ દાદાના રીવાજ પ્રમાણે રાબ પીવાનું જેમને તેમ ચાલું જ હોય છે ! ભાઈઓ, જુઓ આપણો ઈન્સાફ વહુને મેમાની અને વરને રાબ !

          ભાઈઓ, ઉપર પ્રમાણે વર અને વહુમાં ફેર પડે છે તેથી તેને કજોડું કહે છે અને આવા કજોડાં આપણી જ્ઞાતિમાં સેંકડો બલકે હજારો હોય છે તે પણ બાળલગ્નનો જ પ્રતાપ છે. માટે હું તમોને વિનંતી કરીને કહું છું કે ભાઈઓ હવે સમજો અને આવા નઠારા રીવાજને જેમ બને તેમ નાબુદ કરો. બાળલગ્નથી કજોડાં થાય છે તમો સમજી ગયા. હવે આવાં કજોડાં થાય તેથી છોકરી સાસરીયામાં રહેતી નથી ને માવિત્રોમાં ભાગા, ભાગ કરે છે અને માવિત્રો તેનું ઉપરાણું લઈને આગેવાનો પાસે જાય છે. આગેવાનો તો આગળથી જ આવા લાગ જોતા બેઠા છે તેથી તેને એકદમ ચડાવે છે અને પાંચ પચીસ કોરી લઈને છોકરાના બાપને ખેપીઓ મૂકી તેડાવી લે છે. તે આવે ત્યારે તેને ખૂબ ધમકાવે અને કહે કે તમારો છોકરો આવો છે, તેવો છે, અરે માણસમાં નથી માટે તમારે વહુનો છુટકો દેવો પડશે !

          છોકરાનો બાપ બિચારો તેને અનેક કાલાવાલ કરે છે, ત્યારે આપણા ગેઢેરા કાંક નરમ થાય છે અને પરબારો પોતાનો જે ધંધો લાંચ લેવાનો તે તેને સમજાવે છે તેથી છોકરાનો બાપ તેને પોતાના ઘરમાં ન હોય તો ગમે ત્યાંથી વ્યાજે લાવીને પણ ગેઢેરાને લાંચ આપે છે. તે લાંચ પંદર દહાડા ચુપ કરે છે અને વળી પાછું તેનું તે રોદણું ચાલુ જ, તેથી અંતે બે ચારસો કોરીઓ લાંચ લુચમાં ખાઈ છોકરીના બાપનું કહ્યું કરી, છોકરાના બાપ પાસેથી ફારગતી લખાવીને તેનો છુટકો કરાવી નાખે છે. મારા કરતા આપણા દેશમાં રહેતા ભાઈઓને વધારે અનુભવ હશે. હું ત્રીસ વરસથી અહી રહું છું અને જોઉં છું તો સુથાર, લોહાર અને ભાવસારની જ્ઞાતિની અંદર કજોડાં તથા છુટકા થતા મેં જોયા નથી. તેથી બાળલગ્ન એ પાપ કરતા રીવાજ છે અને એ પાપથી આપણે કોથળા ખણતા થઈ ગયા છીએ. ભાઈઓ, આપણા જેટલા છોકરાં જન્મે છે તેટલા કાયમ રહેતાં નથી તેનું પણ કારણ મુખ્ય બાળલગ્ન છે માટે હું આપને હાથ જોડીને અરજ કરું છું કે ઉંમરલાયક છોકરાં ન થાય ત્યાં સુધી સગપણ કરવા નહી અને પરણાવવાં પણ નહીં.

          ઉપરના ઠરાવને ટેકો આપતાં વિરાણીવાળાભાઇ વિશ્રામ પાંચા ગાંગાંણીએ જણાવ્યું કે,

મહેરબાન પ્રમુખ સાહેબ પ્રિય પાટીદાર ભાઈઓ, માતાઓ !

          બાળલગ્ન વિશેનો ઠરાવ અને તેથી થતાં નુકસાન મારાથી આગળ ભાઈ નાનજી પચાણ આપને સમજાવી ગયા તેમણે જે કહ્યું તેને હું સંપૂર્ણ ટેકો આપું છું. ઉપરાંત મારા અનુભવ અને ધ્યાનમાં આવેલી વાત તમોને કહીશ. ભાઈઓ, બાળલગ્નથી કેટલી ગરીબાઈ આવે છે તે સમજાવવાને હું ઉભો થયો છું. પ્રિય બંધુઓ, પ્રથમ જ્યારે સગાઈ કરીએ ત્યારે ટોપરાં મોકલીએ ને ત્યારબાદ જન્માષ્ટમી આવે ત્યારે ચુંદડીઓ ઓઢાડવા જઈએ ત્યારથી ખર્ચ ચાલુ થાય છે જેવાં કે લુગડાં લતાં, દરદાગીના અને દર વર્ષે હાયડા વિગેરે ખર્ચ થવા માંડે છે. એ પ્રમાણે જો માણસને ચારથી પાંચ છોકરાં હોય તો તેના દરદાગીનાની ઉથલપાથલ તથા સગાં—સંબંધીની આવજાવ તથા સગાઈ સાતરાં વિગેરેના ખર્ચમાં કમાઈનો અડધો ભાગ ખર્ચાઈ જાય ત્યારે બાકી અડધા ભાગમાંથી ખાધા ખોરાકી તથા બીજો વહેવાર ચલાવવાની ફીકરમાં તે બિચારો બિલકુલ જંપી શકતો નથી, વળી છોકરીની એકવાર સગાઈ કરી હોય અને કર્મ સંજોગે તે છોકરી ગુજરી જાય તો તેને ચડાવેલા દાગીના પાછા આવે પણ તે દાગીના બીજે ઠેકાણે કામ આવે નહીં ! જો જાંજરીયા હોય અને તેની કોરી ૨૦ દીધી હોય તો તેની કોરી ૧૦ પણ મળે નહીં.

          આ રીતે ઘણા નકામાં ખર્ચમાં બાળલગ્નથી ઓરાઈએ છીએ. વળી જ્ઞાતિ રીવાજ પ્રમાણે લગ્નનો વખત આવ્યો તો લગ્ન તો કરવાં જ પડે તે વખતે ઉંમર કે સંજોગો નહી જોતાં રીવાજને માન આપવું પડે અને પોતાની ગમે તેવી સ્થિતિ હોય તો પણ ઉધારા ઉછીના અગર કરજ કરીને પણ વિવાહ કરવા પડે છે અને પાછળથી થતા બખેડા આપણને નાનજી પચાણ સમજાવી ગયા છે તે પ્રમાણે થાય છે. હવે હું આપનો થોડો ટાઈમ લઈ આગળ વધીશ.

          ભાઈઓ, જ્યારે છોકરો ઉંમરલાયક થાય છે એટલે ૧૪, ૧૫ વર્ષની ઉંમરે વહુને તેડીએ છીએ ત્યારે બંને સરખી ઉંમરના હોવાથી છોકરી કદાવર અને મજબુત હોય છે, ને છોકરો ગજા વગરનો અને કમજોર હોય છે, તેથી તે વખતે તે બાઈને પોતાના પતિ પ્રત્યે પૂજ્યભાવ બિલકુલ નથી હોતો. તો પછી પ્રેમભાવ ક્યાંથી હોય? અને તે છોકરી પોતાના હૃદયમાં બળ્યા કરે છે અને ઘરમાં મન દઈને કામ પણ કરતી નથી ને અંતે છુટકો કરવાનો પણ વિચાર કરે છે. કદાચ સારા કુળની છોડી હોય તો છુટકાનો વિચાર નથી કરતી પણ પોતે મનમાં બળે છે, રંજ થાય છે ને સાસુ સસરા તથા ધણીને અનેક રીતે ઓશિયાળ બતાવે છે કારણ કે, ઉપર કહ્યા પ્રમાણે છોકરો કમજોર હોવાથી તે સ્ત્રીનું ભરણ પોષણ કરી શકતો નથી. જો કદાચ ઘરની ખેતીવાડી હોય તો તો ઠીક, નહીં તો છોકરાને પરદેશ મોકલે છે, ને તે છોકરો કરાંચી અથવા મુંબઈ અગર કોઈ બીજે સ્થળે જઈને ત્યાં મજુરી કરીને થાકી જાય છે અને વહુ તો ઘેર રહેવાથી તથા થોડો ધંધો કરવાથી કદાવર વધારે મજબુત થતી જાય છે અને છોકરાને પરદેશમાં પરાયો ધંધો કરવો ને વળી ખાધા પીધાના પુરા સંજોગો ન હોવાથી દહાડે દહાડે દુબળો થતો જાય છે ને મનમાં પસ્તાય છે કે મને ક્યારે સુખ મળે ! પણ સુખ ક્યાંથી થાયઉલટું કજોડાનું દુઃખ વધારે વધારે થતું જાય છે, તેથી ભાઈઓ આપણા બાળલગ્ન જિંદગીભર સુખ કરવા દેતાં નથી તેથી જેમ બને તેમ બાળલગ્ન બંધ કરો.

          આપને મેં જે કહ્યું છે તેનો પુરતો ખ્યાલ કરી સર્વભાઈ તથા બહેનો આજથી નક્કી કરો કે અમો અમારા છોકરા પુખ્ત ઉંમરે પહોંચશે ત્યારે જ લગ્ન કરશું આવો દૃઢ નિશ્ચય કરો એજ મારી આપને વિનંતી છે.

          આ ઠરાવને વિશેષ અનુમોદન આપતાં રા.ભાઈ કે.બી.પટેલે શરીરના બંધારણ અને ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓ દર્શાવતું બોધદાયક વિવેચન કર્યું હતું અને સદરહુ ઠરાવ પસાર કરવાની તરફેણમાં હોય તેમણે હાથ ઉંચા કરાવવા ઉઠતાં સેક્રેટરી ભાઈ રતનશીએ પણ સમજાવ્યું હતું કે આપણામાં થતાં લગ્ન એ તો લગ્ન જ નથી કારણ કે ક્રિયા પદ્ધતિસર થતી નથી અને મુખી કરાવે છે વગેરે સમજાવ્યું હતું. અંતે સઘળા ભાઈઓની સંમતિ પુછતા સર્વેએ પોતાના હાથ ઉંચા કરી ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ નીચે જણાવેલો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.

          ઠરાવ ૪ થો

          મરણ પાછળના જમણો શાસ્ત્રવિરુદ્ધ અયુક્ત ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનાર હોવાથી તેને સદંતર નાબુદ કરવા અને મરણ પાછળનાં જમણો નહીં જમવાનો આ સભા ઠરાવ કરે છે.

          ઉપરનો ઠરાવ રજુ કરતાં ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણીએ જણાવ્યું કે :—

          વ્હાલા જ્ઞાતિભાઈઓ અને માતાઓ ! મરણ પાછળ જે જમણ આપણે કરીએ છીએ તે કરવાનું કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી. ગરૂડ પુરાણમાં પણ મૃતકની શ્રાદ્ધ ક્રિયા સિવાય મરણ પાછળ જમણ કરવાનું લખ્યું નથી. હાલ જમણની જે પ્રથા ચાલે છે તે પાછળથી પડી હોય એમ જણાય છે, આપણી જ્ઞાતિ વિદ્યામાં પછાત હોવાથી આ રીવાજ દાખલ થયો છે એમ અનુમાન થાય છે. બહાર ગામથી કાંણ કરવા આવનાર માણસને એકાદ દિવસ રોકવા પડે છે ને તેવા પ્રસંગે વૃદ્ધના મરણમાં મહેમાનને મીઠું ભોજન આપવામાં આવતાં તે પ્રથાનું વધી વધીને આવું રૂપ થયું હશે. એજ મને અનુમાન થાય છે.

          ભાઈઓ, આપણે મરણ પાછળના જમણો કરીએ છીએ તેનો બીજો મતલબ એ છે કે મરનારના પાપ ઓછા કરવા. તેની પાછળ ધર્મ કરવાની અને તેમ કરીને એજ રીતે દેખાદેખી ઘણા રીવાજો પડે છે ને પાછળથી તે રૂઢીનું રૂપ લે છે. તેથી અંતે તે નુકશાનકારક નિવડે છે. જો કદાચ તેનું મુળ શોધવા જઈએ છીએ તો તે બિલકુલ જડતું નથી છતાં તે રીવાજ મુકાતો નથી. તેનું કારણ આપણી અજ્ઞાનતા છે. આપણે ધર્મશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલનારા હિન્દુઓ છીએ અને મરણ પાછળના જમણો ધર્મશાસ્ત્રયુક્ત નથી તો તેને શા માટે વળગી રહેવું જોઈએ (જમવું જમાડવું જોઈએ). મરણ એ મહાન શોકનો પ્રસંગ છે તેમાં એકબાજુ મરનારના વિધ વિધ પ્રકારે વખાણ કરતી બાયડીઓ છાતી ફાટ રૂદન કરી રહી હોય છે.

          આંખમાંથી શ્રાવણ ભાદરવાને પેઠે આંસુ વરસતાં હોય તેવે પ્રસંગે વિપરીત રીતે મિષ્ટાન ભોજન ઉડાવી આનંદ કરવો એ કેવી અમાનુષ રીત કહેવાય ! વળી તે અતિ ખર્ચાળ થઈ ગઈ છે તેના પુરાવામાં હું આપને એક બે દાખલા આપીશ.

          ભાઈઓ, મારું લગ્ન ૧૨—૧૩ વરસની ઉંમરે થયું હતું અને હું તે વખતમાં પાંચ ચોપડી ગુજરાતી ભણ્યો હતો. આગળ વધારે ભણવાનું કાંઈ પણ સાધન નહીં હોવાથી મારું ખર્ચ પુરું ન થવાથી મારા પિતાની આજ્ઞાથી હું ધંધે લાગ્યો. કારણ કે તે પણ મરણ પાછળ જમણનો પ્રતાપ હતો. બંધુઓ, મારા બાપે એક વખત મને કહ્યું હતું કે મારા બાપદાદાની પાસે સોનાની કોરીઓ હતી. ત્યારે મેં પૂછ્યું કે તે કોરીઓમાંથી શું સારું કામ કર્યું? ત્યારે મારા બાપે કહ્યું કે મારી ૧૨ કે ૧૩ વરસની ઉંમર હતી ત્યારે મારા દાદા સ્વર્ગવાસી થયા તેની પછવાડે મારા બાપે બહુ ધજ દહાડો કર્યો તેમાં તે કોરીઓ ખર્ચાણી ! બાકી બચી તે તો લાગલો જ એક વરસ પછી મારો બાપ દેવલોક પામ્યા તેના દાડામાં કોરીઓ વાપરી? પાછળ કાંઈક રહી હતી તેમાંથી અમો બાકીના રહેલ કુટુંબનું પોષણ કરતા હતા. થોડાંક વર્ષો ગયા બાદ મારી દાદી ગુજરી ગયા એટલે બાકીની કોરીયો તેના ખર્ચમાં વાપરી તેથી આજે આ સ્થિતિમાં છીએ. કમાઈએ તો ખાઈએ નકાં ભૂખે મરીએ. એવી રીતે ઉપર લખેલ સોનાની કોરીઓમાંથી દાડા કર્યા છે. તે સિવાય બીજું કાંઈ પણ સારું કામ કર્યું નથી. તેથી બંધુઓ આપે જાણ્યું હશે કે મારો વિદ્યા અભ્યાસ અટક્યો તે પણ મરણ પાછળના જમણનો જ પ્રતાપ કે કાંઈ બીજો? જો કદાપી એ દેખાદેખીના જમણો ન કર્યા હોત તો તે વખતે મારા પિતાએ પોતાની સ્થિતિ જણાવી તેવી નહોત.

          પ્રિય બંધુઓ, હું આપને એક બીજો પણ દાખલો આપીશ કે અમારા ગામના એટલે વિરાણીના કેશરા મુખી કે જે ત્રણે પાંચાડામાં પ્રખ્યાત હતા અને તેનો આજ પણ બહોળો પરિવાર છે. તો તેનો પણ આપની આગળ દાખલો રજુ કરીશ. મારી સાંભળમાં મુખી કેશરા તથા તેના ધર્મપત્ની પછવાડે તેના પુત્રોએ ત્રણ પાંચાડાના મોટા મોટાને તેડાવીને મોટા મોટા પોતાના માવિત્રો પછવાડે દાડા કર્યા હતા. તેજ કુટુંબની આજે સ્થિતિ જુઓ તો વાડીઓ વેચાઈ ગઈ ને મુખીઓ મજુરી કરે છે અને છોકરાના છોકરાઓ તો કલકતે પહોંચ્યા છે. એ બધો મરણ પાછળ જમણોનો પ્રતાપ છે કેમકે મરણ પાછળના જમણો કરવાથી ધર્મ નથી થતું પણ ઉલટું કર્મ બંધન થાય છે.

          ભાઈઓ, આપ વિચાર કરી જોશો તો આપણી જ્ઞાતિ સિવાય અન્ય વર્ણમાં પણ જેના પૂર્વજોએ પાંચાડા તથા ચોખરાંઓ કર્યા છે અને હજારો કોરીયો ખર્ચ કરી મીઠાઈઓ જમાડી છે તેના છોકરા અથવા પૌત્રાઓ જરૂર અન્ન વિના ટળવળતા જોઈશું, તેથી મારી ખાતરી થાય છે કે આ રૂઢી બિલકુલ અધર્મ યુક્ત અને દુઃખી કરનારી છે તેથી તેનો સર્વ ભાઈઓએ તરત ત્યાગ કરવો જોઈએ.

          વળી આપને વધારામાં એમ પણ કહીશ કે બીજી અન્ય વરણોમાં જે મરણ પાછળ જમણો થાય છે તે કરતાં આપણી જ્ઞાતિમાં વધારે તફાવત છે, કેમકે બીજી જ્ઞાતિવાળા પોતાની શક્તિ અનુસાર કરે છે ત્યારે આપણી જ્ઞાતિવાળા આગેવાનો તે ફરજિયાત કરાવે છે, એ બહુ જ ખેદકારક છે તે બાબત પણ હું આપને એક દાખલો આપીશ. જે જાણવાથી આપને જરૂર એમ લાગશે કે આ રીવાજ તો જરૂરથી બંધ થવો જોઈએ.

          ગામ દેવીસરમાં મારા સાસરીયા છે અને તે ગામના પટેલ મારો સાસરો હતા. આજે પણ તેનું બહોળું કુટુંબ છે તે કુટુંબમાંથી એન્ફલુએન્ઝાના તાવની વખતમાં મારો કાકાઈ સાળો નામે દેવજી તે વીંટોલીયા — તાવનો ભોગ થઈ પડ્યો અને તેજ દરમિયાનમાં તેનો છોકરો ડાયા દેવજી સિંધમાં કમાવા ગયો હતો તે પણ ત્યાં ગુજરી ગયો. બાપ દીકરો બંને ભેળા ગુજરી જવાથી દેવજીની સ્ત્રીને તો એકદમ આભ તુટી પડવા જેવું થયું અને થાય, તેમાં નવાઈ શી ! એક તો પોતાનો પતિ મરણ પામ્યો તેનો થોડો અફસોસ મટ્યો કે ચોથે દિવસે પુત્ર ગુજરી જવાના સિંધમાંથી ખબર આવ્યા આ કારી ઘા કલેજામાં એવો તો લાગ્યો કે તે બેહોશ બની ગઈ. અધુરામાં પૂરું કે તે છોકરાની વહુ પરબ કરીને ખમી હતી તે પણ છોકરાના નામનો ચુડો ભાંગી પિયર રવાના થઈ. આથી તેને પોતાનું ઘર તો સ્મશાન જેવું થઈ પડ્યું તે વખતે તે બાઈને એક છોકરો પાંચેક વરસનો રહ્યો છે તે સિવાય મોટી છોકરી સાસરે મોકલી આપી. આવા ભયંકર વખતમાં ત્રાસ ઉપજાવનારો આ મરણ પાછળના જમણનો રીવાજ તરત જ આવી ઉભો રહ્યો. રાત્રે ભાઈઓ મરનારને ઘરે શાંતિ આપવા અર્થે ભેગા થયા, ને તેમાં વાત નીકળી કે મરનાર તો મરી ગયા. ધણીએ માથાકુટ કરી છે, કાંઈ ખણી નથી ગયા, હવે તેને પછવાડે કાંઈ સારુંવારું કરવું જોઈએ ! ત્યારે તે બાઈએ કહ્યું કે હાલતો મારી પાસે કાંઈ નથી ને કમાનારા બંને જણા વાટે થયા છે, હવે તો આ છોકરાને પાળીને હું મોટો પણ મુશ્કેલીથી કરીશ જેથી મારાથી હાલ એની પછવાડે કાંઈ નહીં બને. ત્યારે ભાઈઓમાંથી બોલ્યા કે કાંઈ દુઃખી ઘર નથી હાલ કોરીઓ ન હોય તો ખેતર માંથે બસો કોરીઓ લઈ લ્યો, પણ દાડો તો કરવો પડશે, નહીં કરો તો ક્યાં જશો બધાયના વારા આવે છે, દાડો કર્વા ધારૂ નહીં હાલે આવી અનેક વાતો તથા ધમકીઓથી તે બાઈને ફરજિયાત ખેતર ઉપર કરજ ઉપડાવાને દાડો કરાવ્યો. હું દેશમાં ગયો તે વખતે કાંણ કરવા તેને ઘરે ગયો હતો ત્યારે તેને સઘળો અહેવાલ પૂછ્યો અને સાથે એમ પણ પૂછ્યું કે નાનો છોકરો શું ભણે છે તો તેણે તેના જવાબમાં કહ્યું કે ક્યાંથી ભણાવું? મા દીકરાનું પેટ ક્યાંથી પાળું? જેથી બાળપોથી ભણાવીને ઉઠાડી લીધો છે અને તેને વાડીએ માટી ડોળવા મુકું છું, ત્યારે મેં કહ્યું કે તેને શું મજુરી આપે છે તો તેના જવાબમાં મને કહ્યું કે શિયાળાના પાળામાં ૪। માપ જવ આપ્યા છે. અફસોસ પાટીદારો ! આવા નિર્દોષ બાળકો ઉપર કાંઈ પણ ખ્યાલ ન કરતાં જે ફરજિયાત જમણો કરાવે છે ને પ્રેતની માફક જમે છે તેને ધિક્કાર છે. બંધુઓ આ દાખલાથી આપને ખાત્રી થઈ હશે કે ફરજિયાત જમણો થાય છે અને તે કદાચ કોઈ ન કરે તો તેને ભાઈઓથી ટાળે છે. એવા ઘણા દાખલાઓ મળી આવે છે. જેથી સર્વ ભાઈઓને મારી વિનંતી છે કે આવા અધમ રીવાજનો સત્વર ત્યાગ કરવો જોઈએ ને દરેક ભાઈએ પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અમારે મરણ પાછળ જમણ કરે તો તે પ્રેતભોજન ખાવું નથી. આટલી આપને મારી ભલામણ છે ને આટલી વખત જે હું બોલ્યો છું તે ખુદ અનુભવેલી વાત આપ આગળ કહી સંભળાવી છે.

          ઉપરના ઠરાવને ટેકો આપતાં ભાઈ વેલજી ગોપાળે જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ જ્ઞાતિભાઈઓ અને બહેનો !

          મરણ પાછળના જમણો જેને આપણે દાડો કહીએ છીએ તેના સંબંધમાં મારાથી આગળ ભાઈ વિશ્રામ પાંચા બોલી ગયા તેને હું અક્ષરાઅક્ષર મળતો છું. ભાઈઓ હવે આપણે વિચાર કરવો જોઈએ, હવે કેટલા દિવસ પીરાણાના પાટ આગળ ઉઘાડે માંથે પારીયાં ઉપાડવાં? શું પારીયાં ઉપાડવાથી મરનારના ગુન્હા માફ થાય છે? શું ત્રઈયાં કરવાથી મરનારને સ્વર્ગ મળે છે ! કદી નહિ. બંધુ આ બધી વાત કપોળ કલ્પિત છે અને તે પેટભરા કાકાઓ અને સૈયદોએ ઘડી કાઢી છે. કોઈ દિવસ પણ પૈસા આપવાથી ઈશ્વરના કરેલા ગુનાહની કોઈ દેવ પણ માફી આપી શકતો નથી તો પછી આ કાકાઓ અને સૈયદોનો શું ભાર ! માટે ભાઈઓ, મરનારના પાછળ ત્રઈંયાં કે ચોથીયાં કરવાથી મરનારને ગુનાહ માફ થતા નથી પણ ઉલટા આપણે જે મરનારના ઘરમાં સુતક હોય છે તેને ત્યાં જમીને સુતકી—ગુનેગાર થઈએ છીએ તેથી ઈશ્વરને ઘરે આપણને તેનો જવાબ આપવાનું માથે રહે છે માટે હે ભાઈઓ, મરણ પાછળ કરેલાં પ્રેતભોજનો જમવાનો મોહ મુકો અને પ્રતિજ્ઞાઓ લ્યો કે હવેથી અમો મરણ પાછળના જમણો કરશું નહી અને જમશું પણ નહીં. હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે મારા માવિત્રો મરશે તેના દાડા કરીશ નહી અને કોઈ કરતો હશે ત્યાં જમવા પણ જઈશ નહી. ભાઈઓ મારી ધર્મપત્ની પણ આજથી મરણ પાછળના પ્રેતભોજન નહીં જમવાની પ્રતિજ્ઞા કરે છે.

સદરહુ ઠરાવની પુષ્ટિમાં ભાણજી ડાયા વગેરેએ નીચે જણાવેલી કવિતા ગાઈ હતી.

         

રાગ : કાનરો

પટેલો અરજ ઉરમાં ધરો, વરાને વેગે બંધ જ કરો.

ટેક.

મંદવાડમાં સુખી કરવાને, જંઈ ન વાપર્યો ખરો,

 

મૃતક પ્રેતના ભોજન ખાવા ભૂતપ્રેત સમ ફરો.

પટેલો.

જીવતા જીવને સુખ ના દીધું હાય હાય કરી રડો,

 

મતિહીનના ભ્રષ્ટ થઈ સહુ જીવતાં નરકે સડો.

પટેલો.

બાર વર્ષની બાળા રાંડે શોક ધરીને ફરો,

 

લાજ ન આવે ઘુઘરી ચરતાં ખાનામાં વનચરો.

પટેલો.

ભીસ્ત મુકામે પહોંચે કહીને દફનાવી દી કરો,

 

ધર્મ શરમને કોરે મુકી પાપે પેટ જ ભરો.

પટેલો.

ઘર ફીટે માણસ જાતાં ત્યાં લાડુ ખાવા ફરો,

 

એક દિવસના વાળુ માટે ખુવો વાડીને ધરો.

પટેલો.

પ્રેત ભોજનો જમી જમીને કઈ રીતે ભઈ તરો,

 

અંધ જનોના પગલે ચાલી સહુ નરકે સંચરો.

પટેલો.

ઉન્નતિ ચાહો પ્રજા કેરી તો આજ પ્રતિજ્ઞા કરો,

 

ખાનાંના ભૂત દફનાવી સહુ સન્માર્ગે સંચરો.

પટેલો.

         

ઉપર જણાવેલા ઠરાવને ટેકો આપતાં ગઢશીશાવાળા ભાઈ રતનશી કરસને જણાવ્યું કે :—

          મરણ પાછળના જમણને ઘણે ઠેકાણે પ્રેત ભોજન તરીકે લોકો જાણે છે એટલે ભાગ્યે જ બીજી નાતો એવા જમણ કરે છે પરંતુ આપણે તો જાણે કરજ કરીને પણ એવા જમણો કરવાનો ઈજારો લીધો હોય એવી સ્થિતિ થઈ પડી છે. કદાચ કોઈ ગૃહસ્થ હોય અને તે પોતાના વડીલો પાછળ પૂન દાન નિમિત્તે અભ્યાગતો કે રાંકને અથવા બ્રાહ્મણોને જમાડે તો ઠીક છે પણ આપણે તો કેવો અધર્મ કરીએ છીએ એ મારી પહેલાં બોલનારા ભાઈઓ આપને બતાવી ગયા છે. મરનાર ધણીના જવાથી બાઈ તો રાંડે છે તેને વળી બે ચાર છોકરાંનું ગુજરાન ચલાવાનું હોય છે તે નજરે ખડુ થાય છે વળી તે પ્રસંગે એને સંસાર તો દુઃખમય અને સુનો ભાસે છે એટલે તેને મન બધુ ભાંગ તૂટ જેવું થઈ જાય છે તે પ્રસંગે કારજ વરો કરવાનું દુઃખ તો ઉભું જ હોય છે. આવા દુઃખ વેળા તેના કુટુંબીઓ તેના ઘેર જઈ જઈને તે બાઈને પ્રેત ભોજન કરવા સમજાવે છે અને આંખોમાંથી આંસુની ધારાઓ વહેવડાવતી બાઈ બિચારી તેના દુઃખની વાત સમજાવે છે. બંધુઓ, આ પ્રસંગ કેવો કહેવાય? આ તે તેના સગા કહેવાય કે જાલીમ દુશ્મન ગણવા ! જેમ તેમ કરી આ બાઈને ઉછીનું પાછીનું આપીને પણ મુઠી ધુધરી વપરાવે છે. આવું જમનારાની બુદ્ધિ ક્યાંથી સારી થાય? પ્રેત ભોજન જમનારાની બુદ્ધિ પ્રેત જેવી જ હોય છે અને એવા પ્રેત જ આવા દાડા જબરાઈએ કરાવે છે.

          આપણને કોઈ ખરી વાત સમજાવે, ધર્મ સમજાવે તો આપણા મગજમાં ઉતરતું નથી એનું કારણ શું? એ પ્રેત ભોજનનો જ પ્રભાવ છે. એને લઈ આપણે સાચો ધર્મ પણ સમજતા નથી અને જે અધર્મ આપણને હિન્દુપણામાંથી ટાળી દે છે તેને ધર્મ માની બેઠા છીએ. આ વાત કેટલી અફસોસ કારક છે ! ત્રીજે ત્રઈયુ કરીએ છીએ એવું તો બીજે ક્યાંઈ થતું નથી કારણ મરનારના ઘરમાં સુતક લાગેલું હોય છે છતાં તમે શું કરો છો? ઘરમાં રાંધેલુ અનાજ ખાનામાં લઈ જઈને ખાઓ છો અને વળી બીજાઓને ખવરાવો છો. આ કેવું ઉલટું છે? એવું ખાવું એ કંઈ અનાજ ખાવા સમાન નથી એ તો મરનારનું સૂતક અથવા પ્રેત એટલે તેનું મૃત શરીર ખાવા સમાન છે અને તેથી જ તમારી બુદ્ધિનો નાશ થાય છે. તે ઉપરાંત એ રિવાજથી તમારા પૈસાની પણ પાયમાલી થાય છે. ખાનામાં બેસી પાપ ખાનારને પૈસા ક્યાંથી જડે? બુદ્ધિ ક્યાંથી સુધરે? અરે જુઓ તો ખરા પાપ ખાવા ખવડાવામાં પણ ચડસા ચડસી ! કેટલી પાયમાલ કરનારી એ સ્થિતિ ગણાય? પૈસે ટકે રાંક થતાં બાળકોને કેળવણી આપી શકાતી નથી એ વાત તમે આગળ સાંભળી ગયા એટલે કેળવણીની ખામીથી પણ આપણે ઢોર જેવા બુદ્ધિહીન બન્યા છીએ. મારા બંધુઓ ! આ રિવાજ તો આપણી જ્ઞાતિનો મોટો શત્રુ છે તેને જડમુળથી દફે કરી દો અને સત્વર એ રીવાજનો ત્યાગ કરો એવી મારી વિનંતી છે. આ નઠારા રીવાજનો મને પણ અનુભવ થયો છે જે હું આપને કહી સંભળાવત પરંતુ વખત થોડો છે અને મારી પાછળ બીજા ભાઈઓને પણ કંઈક એ વિષે કહેવાનું હોવાથી મારું ભાષણ ખતમ કરવાની મને ફરજ પડે છે. પરંતુ ભાઈઓ હું તમને ખાસ આગ્રહપૂર્વક કહું છું, કે એ પ્રેત ભોજન રીવાજ જરૂર દફે કરજો અને એવા ભોજન નહીં જમવાની પ્રતિજ્ઞા કરજો.

          રા.રતનશી ભાઈનું ભાષણ ખતમ થતાં સભાજનોમાંથી એક પછી એક પ્રેત ભોજનો નહીં જમવાની પ્રતિજ્ઞા લેવા ઉભા થયા હતા, સર્વથી પ્રથમ તો પ્રમુખ સાહેબે જ પ્રતિજ્ઞા લીધી અને ત્યાર બાદ ભાઈ રતનશી ખીમજી, કાનજી પચાણ, શીવજી કાનજી, નાનજી પચાણ, ખીમજી શીવજી, વિશ્રામ પાંચા, શીવજી લધા, બહેન હીરબાઈ, લાછબાઈ, રામબાઈ, લખમાબાઈ વગેરેએ પ્રેત ભોજનો નહીં કરવા અને નહીં જમવાની પ્રતિજ્ઞાઓ લીધી હતી અને બાઈ વર્ગમાંથી પ્રતિજ્ઞા લેનારના નામ પણ ઉપરા ઉપરી આવવા લાગ્યા હતા અને સભામાં જાણે કે પ્રતિજ્ઞાઓ જ લેવાનું કાર્ય થતું હોય એવો દેખાવ થઈ રહ્યો હતો. અમૂલ્ય વખતના બચાવ અર્થે સર્વે ભાઈઓને પોતપોતાને સ્થાને જ બેઠા રહી અંતઃકરણથી જ એવી પ્રતિજ્ઞાઓ કરી લેવાની સુચના કરવામાં આવી હતી. ત્યાર બાદ રા.નારણભાઈ રામજીએ જણાવ્યું કે :—

          બંધુઓ ! તમને જાણીને નવાઈ લાગશે કે આજે જેમ પ્રતિજ્ઞાઓ લેવાય છે તેમ જ્યારે આપણી સમસ્ત જ્ઞાતિની મહાસભા એક વખતે બાવળામાં થયેલી તે પ્રસંગે મારા મોટા બાપા વિશ્રામ ભોજાએ એવી પ્રતિજ્ઞા લીધી હતી અને તેમની પાછળ પ્રેત ભોજન નહીં કરવાની અમને આજ્ઞા કરી હતી. વળી મહાસભાની એક બેઠક જ્યારે મુંબઈ થયેલી તે પ્રસંગે મારા પિતાશ્રીએ પ્રતિજ્ઞા કરતાં મારી પાસે પણ એવી પ્રતિજ્ઞા લેવડાવેલી કે તેમની પાછળ અમારે કારજ વરા જેવું કંઈ ભોજન કરવું નહિ. અમારા તે વડીલો આજે સ્વર્ગવાસી થયા છે અને તેમની ઈજ્જત પ્રમાણે અમારે જરૂર મુંઠી અનાજ વાપરવું ખપે ! અમને અમારી ઈજ્જત કરતાં અમારો ધર્મ વધારે વહાલો છે એટલે મરણ પાછળનું શાસ્ત્ર વિરુદ્ધ જમણ કરવું એ અમને તો રૂચે જ ક્યાંથી, પરંતુ જ્યારે જ્યારે અમારા સગાં—સંબંધી અમને તે માટે આગ્રહ કરે છે ત્યારે અમે કરેલી પ્રતિજ્ઞા અને અમારા વડીલોએ જ્ઞાતિ સ્થિતિનો વિચાર કરી તે રીવાજ પ્રત્યે બતાવેલો ખેદ યાદ આવ્યા સિવાય રહેતો નથી. ગમે તેવા અંતરના સગા સંબંધીની પણ એ વાત અમે કબુલ રાખતા નથી. ઘણા પ્રસંગે અમારે કંઈ કંઈ સાંભળવું પડે છે, સહન ન થઈ શકે તેવા શબ્દો અમારે ગળી જવા પડે છે. અમારો એ નિમિત્તે સંકલ્પ છે અને તેનો લાભ લેવા વીરાણી ગામ હજી તૈયાર હોય તેમ અમને જણાતું નથી. ગામના આગેવાનોને અમે વિનંતી કરી છે કે જ્યાં સુધી ગામની હયાતી હોય ત્યાં સુધી મડદાંને બાળવાનો જે ખર્ચ થાય તે ઉઠાવી લેવા અમે તૈયાર છીએ. મતલબ કે આપણી જ્ઞાતિમાં જેના મરણ થાય તેના શબને બાળવાનાં લાકડાં પુરા પાડવા અમે બંધાઈએ છીએ. વીરાણી ગામના ભાઈઓ પાસે ત્રણ વર્ષની મુદ્દત માટે અમારી આ માગણી ખુલ્લી છે અને તે મુદ્દત પુરી થયે વીરાણી ગામ અમારી વિનંતી જો ન સ્વીકારે તો અમે તે લાભ બીજા ગામને આપવાના છીએ (તાળીઓ). બંધુઓ ! આપની સમક્ષ આ વાત લાવી કોઈ મોટાઈ બતાવવાનો મારો ઈરાદો નથી પણ અંતિમ હેતુ એ છે કે અમારે અમારો સંકલ્પ જ્ઞાતિને જણાવવો જોઈએ અને તેથી મેં કહી દીધો છે. વીરાણી ગામના જે જે ભાઈઓ અહીં હોય તેમને અમારી વિનંતીનો વિચાર કરી જોવા હું ભલામણ કરું છું.

 

ઉપર પ્રમાણે કાર્ય ખલાસ થતાં ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો અને નીચે મુજબ બંને ઠરાવ ગામ રવાપરવાળા ભાઈ લાલજી સોમજીએ રજુ કર્યો હતો.

          ઠરાવ ૫ મો

          વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તે પ્રાપ્ત કરવા કરાવવા અને પોતાના પુત્ર—પુત્રીઓને કેળવણી આપવા આ પરિષદ દરેક ભાઈને વિનંતી કરે છે, તેમજ જ્ઞાતિ આગેવાનો પાસે જે જે પ્રકારના ફંડો અથવા જ્ઞાતિના પૈસા હોય તેનો જ્ઞાતિમાં કેળવણી અર્થે સત્વર ઉપયોગ કરવા સભા ઠરાવ કરે છે અને તે માટે આગેવાનોને સુચના કરે છે.

પ્રમુખ સાહેબ, જ્ઞાતિ ભાઈઓ અને બહેનો,

          મેં કેળવણી સંબંધીનો ઠરાવ વાંચી જોયો તે આપ સર્વે ભાઈઓએ સાંભળ્યો છે. મારે તમોને પ્રથમ સમજાવી દેવું જોઈએ કે હું એટલો બધો કેળવાયેલો નથી પણ એક ઉમંગથી આપ ભાઈઓની સમક્ષ ઉભો થયો છું માટે મારા ટુટા ફીટા બે શબ્દો જે આપને કહું તે સાંભળશો.

          ભાઈઓ, કેળવણી — વિદ્યા વિશે એક વિદ્વાને કહ્યું છે કે :—

સાર્થક જન્મ તણું થવા સુધારવા નીજ કુળ

સદ્‌વિદ્યા સાધન ખરું સર્વ સુખનું મુળ.

 

          પોતાના જન્મનું સાર્થક કરવું હોય અને પોતાની જ્ઞાતિનું ભલું કરવું હોય — શુભ ચાહવું હોય તો સદ્‌વિદ્યા એ જ બધી વાતનું અને સુખનું મુળ છે.

          આપણી આવડી મોટી સાગર જેવડી જ્ઞાતિ ઉપર નજર કરશો તો આપણી નાત બીજી સુધરેલી નાતો કરતાં ઘણી મોટી છે પણ કેળવણીમાં ઘણી પછાત—છોટી છે. કેટલાક ભાઈઓ આપણા માટે કહે છે “પુરુષો સેંકડે પાંચથી દસ ટકા ભણેલા છે” પણ હું તો કહું છું કે પાંચ કે દસ તો શું પણ એકાદ કે બે ટકા પણ કોઈ પુરા ભણેલા નથી. જ્યાં પુરૂષોમાં આવી કેળવણી છે ત્યાં કન્યા કેળવણી — છોકરીઓને ભણાવવાની તો વાત જ કરવી ક્યાં રહી? બંધુઓ, આ શું આપણા જેવી વિશાળ જ્ઞાતિના માટે ઓછી શરમની વાત છે, હું સંપ્રમાણ કહું છું કે આપણાથી કેટલીક બીજી ઉતરતી જ્ઞાતિઓ કરતાં પણ આપણામાં વિદ્યાની ઘણી ખામી છે અને એ મોટામાં મોટી ખામીના લીધે જ આપણને અન્ય જ્ઞાતિઓ આગળ શરમાઈને નીચું જોવું પડે છે. તે કેળવણીનો જેમ બને તેમ સત્વર ઉપાય લો કે જેથી આપણી જ્ઞાતિનું મુખ ઉજળું થાય અને પીરાણાપંથ રૂપી જે કાળી ટીલી આપણા શીરે ચોંટેલી છે તે ઉતરે. આપણી જ્ઞાતિની અંદર જ જે કેળવાયેલા ભાઈઓ છે તેઓના મુખ કમળ ઘણાં તેજસ્વી અને પ્રફુલ્લિત જોવામાં આવે છે પણ જેઓ બીન કેળવાયેલા છે તેમને આજે કેટલો બધો પસ્તાવો થતો હશે તે તેઓના મુખ ઉપરથી જ જણાય છે.

          ભાઈઓ ! વિદ્યાનું સામાન્ય જ્ઞાન મેળવવાથી સંસાર વહેવારની અડચણો દૂર થાય છે. તેમ નવાં નવાં પુસ્તકો અને પેપરો વાંચવાથી કાંઈ ને કાંઈ નવીન શીખી શકાય છે. જેમ જેમ શાસ્ત્રો વાંચીને તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ વિશેષ જ્ઞાન જાણી શકાય છે. આ દુનિયામાં ઘણા પ્રકારના દાન છે અને તે સર્વ દાનોમાં વિદ્યા દાન અતિ ઉત્તમ દાન છે. તેને જેમ જેમ વધારે દેવામાં આવે તેમ તેમ વધે છે અને તે બમણું થાય છે. બુદ્ધિશાળી અંગ્રેજોએ કેળવણી લીધી છે અને પોતાના પરિચયમાં આવનાર દરેકને તે કેળવે છે જેથી તેની વિદ્યા દિવસે દિવસે વધતી આવે છે અને તેના પ્રતાપે તેઓ આજે લગભગ અડધી દુનિયા ઉપર રાજ્ય કરે છે. આપણાથી ઉતરતી દરેક કોમો આજે કેળવણી લેવા માંડે છે ત્યારે આપણે ઘરના ખૂણામાં પડ્યા પડ્યા પીરાણાના પરચા યાદ કરીએ છીએ. અફસોસ ભાઈઓ, હવે પરચાની વાતો મુકો અને વિદ્યા લો અને પોતાના કુમળા બાળકોને કેળવો કે જેથી આપણે અન્ય જ્ઞાતિઓની હરોળમાં ઉભા રહી શકીએ. અતિશે દિલગીર થાઉ છું કે મારા બાપે મને ભણાવ્યો હોત તો જરૂરથી આખી જ્ઞાતિના ગામે ગામ ફરી જ્ઞાતિ ભાઈઓને જરૂરથી કેળવણીની જરૂરિયાત સમજાવત.

          બંધુઓ એક રશિયને કહ્યું છે કે કોઈ પણ દેશ અથવા પ્રજાને કેળવણી આપો એ કેળવણીની સાથે જ તેને ઉન્નતિ મળશે. તમારે તમારી જ્ઞાતિનો, તમારા દેશનો અને સાથે તમારો પોતાનો ઉદ્ધાર કરવો હોય તો જેમ બને તેમ કેળવણીનો વધારો કરો અને જેમ કેળવણીનો  તમારી જ્ઞાતિમાં, તમારા દેશમાં, તમારા ભાગમાં વધારો કરશો તેમ તેમ તમારામાં પૈસા—લક્ષ્મીનો વધારો અને તમારા બાળકોના આશીર્વાદ તમોને મળશે.

          ઉપરના ઠરાવને અનુમોદન આપતાં મુંબઈ યુવક મંડળના સેક્રેટરી ભાઈ રતનશી ખીમજીએ વિદ્યા પ્રાપ્ત કરવાની જરૂરિયાત સમજાવી હતી અને માત્ર ભાષા જ્ઞાનની ખામીથી કેટલું સોસાવું પડે છે તેનો એક દાખલો — તલાટી અને પટેલની વાર્તા આપી સમજાવ્યું હતું. વળી આ ઠરાવની પુષ્ટિમાં ભાઈ માવજી વાસણ માસ્તરે સારું વિવેચન કર્યું હતું અને રા. કે.બી.પટેલે કેળવણીના ફાયદા બતાવી બાળકોને ભણાવવાની અગત્ય સમજાવી હતી અને ત્યાર બાદ સદરહુ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને રાતના આઠ વાગે સભાની બેઠક બીજી વખત થવાની સુચના આપી સભા બરખાસ્ત કરવામાં આવી હતી.

          આજ બપોર પછીની મુલતવી રાખવામાં આવેલી બેઠકનું કામકાજ રાતના નવ વાગતાં ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું. મંગળાચરણમાં બાળકોએ એક કવિતા ગાઈ હતી અને ભાઈ ભાણજી ડાયાએ કુળદેવીની સ્તુતિ કરી હતી તેમજ ભાઈશ્રી કે.બી.પટેલે પણ ઈશ્વરની સ્તુતિ કરી હતી જે પૂર્ણ થયા બાદ ઠરાવો પસાર કરવાનું કામ ચાલુ થયું હતું અને નીચે જણાવેલો ઠરાવ ગામ વીરાણીવાળા ભાઈશ્રી નારાયણજી રામજી ભાઈએ રજુ કર્યો હતો.

ઠરાવ ૬ ઠ્ઠો.

          છુટાછેડા એટલે છુટકાના રીવાજને નામે પ્રચલિત, અતિ શરમ ભરેલા અને નાલાયક રીવાજ તરફ આ સભા તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે અને તેને સદંતર નાબુદ કરવા આ સભા દરેક જ્ઞાતિ ભાઈઓને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.

          મે.પ્રમુખ સાહેબ બંધુઓ અને બહેનો. જે ઠરાવ મેં આપની આગળ રજુ કર્યો છે તે આપણી નાતની એટલી તો નાલેશી દેખાડનારો છે કે તે વાંચતાં જ મને તો ખેદ થઈ આવે છે. લગ્નની ગાંઠથી જોડાયેલા સ્ત્રી—પુરૂષો એકબીજાથી છુટાં કેમ પડી શકે એ વાત મારા તો ખ્યાલમાં જ આવી શકતી નથી. પરંતુ જ્યારે હું આપણી કોમની રહેણીકરણી વિશે ઉંડો ઉતરી જાઉં છું ત્યારે જે અનેક પ્રકારની અધોગતિ થઈ રહેલી છે તેના મુળમાં મને અધર્મયુક્ત બંધન નજરે પડે છે.

          ધર્મના સિદ્ધાંતો વિરુદ્ધ જ્યારે જનસમાજમાં રીતરીવાજો બંધાય છે ત્યારે તે જાતીઓને અધોગતિ પ્રાપ્ત થાય છે એટલા માટે શાસ્ત્રકારોએ કાયદાઓ બાંધતાં એ વાત હંમેશા કહેતા આવ્યા છે કે ધાર્મિક સિદ્ધાતોથી વિરુદ્ધ જતી હોય તેવી સ્મૃતિઓ નિયમો અથવા રીતરિવાજોનો સત્વર ત્યાગ કરવો એટલે આપને હું ટુકાણમાં જ કહીશ કે જે જે પ્રકારના રીવાજોમાં ધાર્મિક સિદ્ધાંતોનો અંશ જેટલા પ્રમાણમાં હોય તેટલા જ તે જનસમાજનું હિત કરી શકે. છુટાછેડાનો રીવાજ આપણને શરમ ભરેલો લાગે છે પરંતુ એ રીવાજ ક્યાંથી ઉદ્‌ભવે છે એનો વિચાર કરીએ તો આપણામાં અયોગ્ય અને અજ્ઞાન દશામાં થતાં બાળલગ્નો જ એ પાપનાં કારણરૂપ સમજાય છે. શાસ્ત્રોમાં જણાવેલી રીતે આપણી કોમમાં લગ્નો થતાં નથી અને તેને લઈ આવા દુઃખદ ઠરાવો પસાર કરવાની આપણને આજે ફરજ પડે છે. બેશક છુટાછેડાનો રીવાજ અનેક પ્રકારે નઠારો જ ગણાય અને તેના પ્રત્યે આપણે જેટલો તિરસ્કાર દર્શાવીએ તેટલો ઓછો જ છે. પરંતુ જેમ કોઈ પણ ઝાડને મુળમાંથી કાપી નાખ્યા સિવાય તેને ડાળા પાંખડાં ફુટતાં બંધ થતાં નથી તેજ પ્રમાણે બાળલગ્નથી જોડાયેલાં કજોડાંને લઈ આવા દુઃખદ રીવાજો બંધ થઈ શકે નહીં એ સ્વાભાવિક છે. મતલબ કે લગ્નનો પ્રાચીન ધાર્મિક પ્રથા જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી એ રીવાજ અપવાદ રૂપે રહેવાનો પરંતુ જો કોઈ અપવાદ એજ રીવાજનું સ્વરૂપ ધારણ કરી દે તો તો મહા અનર્થનું મુળ થઈ જાય. કેટલાક પ્રસંગે વરકન્યાના સંયોગો જોઈને તેઓ સુખી થાયે તે માટે આપણને તેમના છુટાછેડા કરી આપવાનું યોગ્ય લાગે છે. પરંતુ જ્યારે એ બાબત અધર્મ યુક્ત છે, આપણી ક્ષત્રિય કોમને નીચું જોવડાવનારી છે અને ઉચ્ચ હિન્દુ વર્ણમાંથી ટાળી દેનારી છે એવા એવા વિચારો આવે છે ત્યારે આપણા અંતઃકરણને દુઃખ થયા સિવાય રહેતું નથી.

          બંધુઓ, હું આપને કહી ગયો કે અપવાદ રૂપે જ છુટાછેડા કરવાનો પ્રસંગ આવે પરંતુ આપણામાં તો એ અપવાદ રીવાજનું જ સ્વરૂપ ધારણ કરી બેઠો છે. ઘણા પ્રસંગે તો વરકન્યાની મરજી વિરુદ્ધ ગેઢેરાઓ પોતાની જો હુકમી સત્તા ચલાવી જબરાઈએ તેમના છુટકા કરાવે છે તેમનું આ કૃત્ય કેટલું અમાનુષી લેખાય? તમે કદાચ સાંભળ્યું હશે કે આગળના જમાનામાં રાક્ષસો પણ આવા કૃત્યો કરતા નહોતા અથવા એવા પ્રકારની અધમ જબરાઈ એકબીજા પ્રત્યે વાપરતા નહોતા. જ્ઞાતિની અનેક બાળાઓ અને બાળકો આગેવાનોના આ ત્રાસથી ધ્રૂજી ઊઠે છે. વખતે ગેઢેરાઓની મરજી નહીં સાચવી શકાય તો તેમના છુટકા કરાવશે એવી ભયભીત સ્થિતિમાં આગેવાનોના અન્યાય અને અધર્મથી ભરેલા હુકમો મુંગે મોઢે પોતાની ઈચ્છા વિરુદ્ધ ઉઠાવી લઈ તેમના હુકમ પ્રમાણે અધર્મના માર્ગમાં પણ પ્રવૃત્તિ કરે છે. કેટલી અફસોસકારક અને દુઃખદાયક આપણી જ્ઞાતિની એ સ્થિતિ છે !

          આપણે સમજી શકીએ છીએ કે લગ્નના મુળમાં જ મનુષ્ય જીવનની સાર્થકતા રહેલી છે. અજાણ્યા અને દૂરથી આવેલા જેના માબાપો વચ્ચે કોઈ જાતની સગાઈ કે સંબંધ ન હોય તેમના પુત્ર પુત્રીઓ એકબીજા સાથે જોડાઈ એકબીજાના સુખ—દુઃખના સાથી બની આ સંસારને તરી જવા માટે લગ્નની ગાંઠથી જોડાય છે. આવા ઉચ્ચ પ્રકારનો આશય જેના ગર્ભમાં રહેલો છે તેવા લગ્નોની ક્રિયાઓમાં અને વરકન્યાની એકબીજા સાથે જોડાવાની ભાવનાઓમાં કેટલી પવિત્રતા અને કેવો ઉચ્ચ પ્રકારનો પ્રેમ હોવો જોઈએ ! લગ્નની ક્રિયાઓ પ્રસંગે જ્યારે તેઓ એકબીજાના સાથી બની રહી એકજ સ્વરૂપે આ સંસારમાં જોડવાની પ્રતિજ્ઞાઓ કરતાં હશે ત્યારે તેમનામાં કેટલી ઉચ્ચ પ્રકારની પ્રેમ જ્યોત પ્રગટ થતી હશે ! આ જ્યોત ઉત્પન્ન કરતી ક્રિયાઓ કરાવનાર શું ખાનાંના મુખીઓ જેવા હશે? બંધુઓ, એ ભાવ જ્યોત ક્યાંથી ઉત્પન્ન થાયે, જે સ્ત્રી—પુરૂષોનું જીવન ગેઢેરાઓના હાથમાં હોય, જે જ્ઞાતિ અધર્મના પોષકોની આંખે જ જોઈ શકતી હોય અને જે પ્રજા ગેઢેરાઓની પાપી ભાવનાઓ અને હુકમોને પોષવાની ગુલામીમાં જ સપડાયેલી હોય તેને વિચારની સ્વતંત્રતા ક્યાંથી હોય ! છુટાછેડા જેવા પાપી રીવાજો નાબુદ કરવાનું બળ તેને કેમ પ્રાપ્ત થાય ! જ્ઞાતિની દીકરીઓ તે તો ગાયો જ લેખાય એવા વિચારો ક્યાંથી આવે ! કસાઈ જેવાં કૃત્યો કરનારા જાલીમોના હાથમાંથી ગમે તે ભોગે પણ વરકન્યાઓને બચાવી લેવાની શક્તિ એવી નિર્માલ્ય પ્રજામાં ક્યાંથી હોય ! અનેક પ્રકારની આવી દુઃખદાઈ સ્થિતિઓ થઈ પડી છે અને અનેક પ્રકારના દુઃખો સહન કરવા છતાં પણ આપણે ઉતરતા જઈએ છીએ એનું મુળ ક્યાં છે તે આપ હવે સમજી ગયા છો અને તેને જડમુળથી ઉખેડી નાંખવા તમે પ્રયત્ન પણ કરી રહ્યા છો એ જાણીને આનંદ થયા સિવાય રહેતો નથી. પરંતુ હું આપને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે છુટાછેડાનો રીવાજ ઘણો જ નીચું જોવડાવનારો અને અમાનુષી લેખાય. માત્ર ના ઈલાજે ખાસ કારણ હોય ત્યારે જ અને તે પણ અપવાદ રૂપે જ હોઈ શકે એ વાત ધ્યાનમાં રાખશો અને કોઈ દિવસ અપવાદને રીવાજ માની લેવાની ભુલ કરશો નહીં.

          ઉપરના ઠરાવને અનુમોદન આપતા ભાઈ ખેતા ડોસા પોકારે જણાવ્યું :— મહેરબાન પ્રમુખ સાહેબ, સદ્‌ગૃહસ્થો, માતાઓ અને બહેનો ! જે દુઃખદાયક ઠરાવ છુટાછેડા સંબંધીનો આપણી જ્ઞાતિના ઉદ્ધારક ભાઈ નારાયણજીએ રજુ કર્યો છે તે ઠરાવ આપણે જરૂરથી પસાર કરવો જોઈએ અને તે રીવાજ જેમ બને તેમ જલદી નાબુદ થાય તેમ કરવું જોઈએ, આ સભામાં બિરાજેલા સર્વ જ્ઞાતિ ભાઈઓને મારી એટલી જ અરજ છે કે આગેવાનો જે છુટકા કરાવે છે તેને સામે થઈ તેઓને જરૂરથી અટકાવવા જોઈએ કેમકે આપણા જેવી ક્ષત્રિય ગણાતી જ્ઞાતિને એ રીવાજ શોભતો નથી. ગેઢેરા સમજે છે છતાંય તે છુટકા કરે છે અને ગરીબ ભાઈઓને સતાવે છે તેનું કારણ પણ ખાસ ખિસ્સાં તર કરવાનું છે. તેઓ છુટકાને નામે નાણાં કઢાવીને પોતાના ખીસ્સાં તર કરી શકે છે તે બાળલગ્નનું કારણ છે. બાળલગ્ન ન થતાં હોય તો કજોડાં થાય નહી અને કજોડાં થાય નહી તો છુટકા કરાવવા પડે નહી કારણ કે તે રીવાજને લઈ પતિ—પત્નીનો ભાવ બાળકો સમજતાં નથી.  ગેઢેરાઓ પણ સમજતા નથી તે પણ બાળલગ્નનું જ કારણ છે કારણ કે તેઓના મગજ પણ તેવા બાળલગ્ન કરેલા માતા—પિતામાંથી જ ઘડાયેલા છે માટે ભાઈઓ હું તમોને છુટકાના વિશે શું સમજાવું. છુટકો કરે છે તે વખતે ફારગતી લખી દેવી પડે છે અને ફારગતીમાં ખાસ લખાય છે કે “આજ દિવસ પછી તમે મારી સ્ત્રી નહી ને હું તમારો પતિ નહીં” તમો ગમે ત્યાં જાઓ તેની આ ફારગતી કરી આપું છું. અરે ભાઈઓ કહો આવી રીતે આપણાથી થાય? આપણાથી નીચ ગણાતી જ્ઞાતિઓમાં પણ છુટકા થતા નથી પણ આપણા નીચ ગેઢેરાઓ એવા નીચ કૃત્યો કરે છે અને એક ધણી જીવતો હોવા છતાં પણ બીજો ધણી કરવાની છુટ આપી વ્યભિચાર કરતાં શીખવાડે છે. ભાઈઓ, શાસ્ત્રોમાં એક જ પતિ કહેલો છે તેથી બીજો ધણી કરે તો તે વ્યભિચારીણી થાય છે. તો બંધુઓ એક ધણી મરી જાય તો પણ બીજો ધણી કરી ન શકાય ત્યારે આપણા ગેઢેરાઓ જીવતો ધણી છતાં પોતાની દીકરીઓને બીજો ધણી કરવાની છુટ આપે છે. કહો ભાઈઓ આ વ્યભિચાર નહી તો બીજું શું કહેવાય? માટે સર્વે ભાઈઓ એક મત થઈ આ ઠરાવ પાસ કરશો એવી મારી તમોને ખાસ ભલામણ છે.

          ઉપરોક્ત ઠરાવને પુષ્ટિ આપતાં રાજમાન કે.બી.પટેલે એક અસરકારક ભાષણ કર્યું હતું અને આ રીવાજ કેટલો દુષ્ટ અને અમાનુષી છે તે તેમણે સ્પષ્ટ કહી બતાવ્યું હતું. તેથી જનસમાજ ઉપર તેની સારી અસર થઈ હતી અને સઘળા ભાઈઓની સંમતિ મળતા ઉપરનો ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો પ્રમુખ સાહેબે જાહેર કર્યો હતો.

આગેવાનોના જુલ્મ સંબંધીનો નીચે જણાવેલો ઠરાવ ભાઈ રતનશી શીવજી પરિષદના સેક્રેટરીએ રજુ કર્યો હતો.

           ઠરાવ ૭મો

          આ સભાનો એવો મજબૂત અભિપ્રાય છે કે ગેઢેરા કિંવા આગેવાનો દેશમાં રહે છે તેઓ પોતે જ્ઞાતિના આગેવાન છે એવું ખોટી રીતે માની લઈ આપણા જે ભાઈઓ સનાતન હિન્દુ ધર્મ પ્રમાણે ચાલે છે તેમને પીરાણાના અધર્મયુક્ત પંથમાં બાંધી રાખવા અને સમસ્ત જ્ઞાતિને તેમાં ડુબતી રાખવા પ્રયત્ન કરે છે અને તેમની ઈચ્છાને આધિન નહીં થનારને જ્ઞાતિ બહાર કરે છે અને કામ ધંધાર્થે પરદેશમાં રહેતા ભાઈઓના કુટુંબીઓને ત્રાસ આપે છે, દંડ કરે છે અને ઘણી રીતે કનડગત ઉભી કરે છે, વળી દશોંદ જેવા લાગાઓ ઉઘરાવી જ્ઞાતિ પંચના પૈસાનો હિન્દુ કોમને છાજે નહીં તેવા અધર્મયુક્ત માર્ગે કોરીઓનો વ્યય કરે છે, ઉઘરાવેલા નાણાંનો હિસાબ બહાર પાડતા નથી, ન્યાય કરવાના બહાને અસહ્ય અન્યાય ગુજારે છે, એટલા માટે ઠરાવ બીજામાં જણાવેલા આગેવાનોને ખબર આપવાનો ઠરાવ કરવામાં આવે છે કે :—

          પોતે જ્ઞાતિના આગેવાન કિંવા ગેઢેરા છે અને પોતાને સત્તા છે એમ માની લઈ જ્ઞાતિ તરફનું કોઈપણ કામ તેમણે કરવું નહીં.”

          વળી એવો પણ ઠરાવ કરવામાં આવે છે કે સદરહુ આગેવાનો જ્ઞાતિ પરિષદના ઠરાવો અને વિનંતીઓ જાણ્યા છતાં અજ્ઞાન અને ભોળા ભાઈઓ ઉપર જુલ્મ ગુજારતા કે તેમને નાત બહાર કરતા જો બંધ ન થાય અને ગેઢેરાપણું કરતા જણાય તો તેમને તેમ કરતા કાયદેસર રીતે અટકાવાની આ પરિષદ જ્ઞાતિના દરેક મંડળના મેમ્બર અને વ્યક્તિને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.

મહેરબાન પ્રમુખ સાહેબ, પ્રિય ભાઈઓ માતાઓ અને બહેનો !

          મેં જે આગેવાન ગેઢેરાઓના જુલમ સંબંધીનો ઠરાવ રજુ કર્યો છે તેના પહેલાં હું આપની ક્ષમા ચાહું છું કારણ કે ગેઢેરા વિરુદ્ધ બોલવું અને એક આફતને સ્વીકારવી એ પ્રમાણેની આપણી હાલની દશા છે તો પણ મેં, આફત આપ ભાઈઓના આગ્રહથી સ્વીકારી છે તેથી આપ મારું બોલવું શાંતિથી સાંભળશો.

          બંધુઓ ! આગેવાનો સંબંધી મારા પાછળ પણ ઘણા ભાઈ બોલનારા છે તેથી હું આપનો અમૂલ્ય વખત જાજીવાર નહી લેતાં ખાસ મારા ઉપર જ ગુજરેલા જુલમ સંબંધી આપને કહું છું તે સાંભળો. થોડા વરસ પહેલાં મારો પણ ગેઢેરાઓ ઉપર અનહદ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને લઈને મેં એક હેન્ડબિલ છપાવ્યું હતું જેની અંદર એક પુસ્તક મારા તરફથી બહાર પડશે એવી જાહેર ખબર આપી હતી. ભાઈઓ, તે પુસ્તક મેં ખાસ આપણી જ્ઞાતિના એક વીર કેશરી અને ઉદ્ધારક ભાઈ નારાયણજી અને તેના મંડળના ભાઈઓ વિરુદ્ધનું લખ્યું હતું અને તેની અંદર પીરાણાના કાકાઓ અને આપણી જ્ઞાતિમાં જે આગેવાનો કિંવા ગેઢેરા કહેવાય છે તેના વખાણ કર્યા હતા જેના પુરાવા સંબંધી મારું તે પુસ્તક મેં પીરાણાના નથુ કાકાને કાચુ મેટર વાંચવા આપેલ હતું. જે વાંચીને કાકો લખમણ અને નથુ બંને રાજી પણ થયા હતા. હવે તે પુસ્તક તો ત્યાં રહ્યું પણ પુસ્તક છપાવવાની જાહેર ખબર વાંચીને આગેવાનોની આંખે અંધારાં આવ્યા અને ગામ ઘડાણીમાં કણબી કચરા કાનજી નુખે હળપાણી, જેણે કરાંચીમાં આપણી જ્ઞાતિમાં એક બાઈથી વ્યભિચાર કરેલ તેનો જ્ઞાતિ પંચને ખબર પડવાથી રૂા.૧૮૦ દંડ પણ ભરેલ છે, તેના બાપનો દાડો—ધર્મ વરો કરેલ હતો. ત્યાં ભેગા થયા હતા ત્યાં આ પેપર તેણે વાંચ્યું અને મારી એક મહાન ભુલ તેણે કાઢી, તે ભુલ કઈ કે જે મેં રતનશી શીવજી એવું લખ્યું હતું તે ! તેથી કરીને તેણે એકદમ મારા પિતાશ્રીને તેડાવીને કહ્યું કે તમારો છોકરો કાલે હજી ઉઘાડો ફરતો હતો તે આજે છાપાં કાઢીને રતનાને ઠેકાણે રતનશી નામ લખે છે માટે તમારો દંડ કરશું ! મારા પિતાશ્રીને કોરી ૨૫ દંડ કર્યો. તે વખતે ગામ દયાપરના પટેલ દાના ડાયાએ તે લોકોને ખુલ્લે ખુલ્લું સમજાવી દીધું કે આવા છાપાનો તમોએ દંડ કર્યો છે તો હવે આવો તમારા અન્યાય જાજીવાર ચાલશે નહી આવું કહેવા છતાં પણ એ નીચોએ માન્યું નહી ને મારો દંડ કાયમ રાખ્યો.

          બંધુઓ, તે દિવસથી મારા દિલની અંદર મેં ખ્યાલ કર્યો કે આ લોકોને સુધારાવાળા ભાઈઓ કહે છે જે ઊંટ જેવા છે તો તે વાત ખરેખરી છે, કે તેને ભલા કે બુરાનું પણ જ્ઞાન નથી. તે દિવસથી મેં એ જુલમી આગેવાનોના સંબંધી વિચાર કરવા માંડ્યો ને ભાઈ નારાયણજી વિગેરેના લેખો દિલ દઈને વાંચવા લાગ્યો. તેથી જ આજે આપ ભાઈઓની બાજુમાં બેસી શક્યો છું. નકાં આજે જેમ આપણા જુના વિચારના ભાઈઓને બિચારાને પરિષદના મંડપમાં આવવાની ઉમેદ થાય છે પણ આગેવાનોની બીકથી આવી શકતા નથી તેમ હું પણ એક શ્વાનની માફક જીભ બહાર જ ફેરવ્યા કરત જ પણ આપ ભાઈઓના અમૃત સમાન વચન, શબ્દો સાંભળી શકત નહીં.

          હવે હું અસલ વિષય ઉપર આવું છું કે જ્યારે પહેલી પરિષદ ભરાણી ત્યારે મારા પૂજ્ય પિતાશ્રી અત્રે હાજર હતા. તે વખતે તેણે મને પરિષદમાં ભાગ લેવા દીધો નહી, તેના કેવાથી કે આપણે આગળ પણ નાતમાં પાધરા છીએ ને વળી પણ તું પરિષદમાં ભાષણ દઈશ અને રીસેપ્સન કમિટિમાં નામ નોંધાવીશ તો વળી પણ નાતીલા તને વધારે હલાક કરશે. તેથી ભાઈઓ હું ગઈ બેઠક વખતે આપની સેવા કરવાથી હીન ભાગ્ય રહ્યો હતો છતાં પણ તે નીચ આગેવાનોએ હું અને મારા પિતાશ્રી હજી કરાંચીમાં જ હતા ને દેશમાં મારી દાદીમા અને મારી પૂજ્ય માતુશ્રી હતાં તેને તે લોકોએ નાત બહાર કર્યા. કહો ભાઈઓ, આ જુલમીઓને કાંઈ પણ વિચાર છે, બુદ્ધિ છે? હું પરિષદમાં આવ્યો નહી, જ્ઞાતિ આગેવાનોને બીજા કશા સંબંધી બોલ્યો નહી છતાં પણ મારા ઉપર નહી પણ મારી વૃદ્ધ માતાજીઓ ઉપર તેઓએ જુલમ ગુજાર્યા — નાત બહાર કર્યાં. તે પછી અમો જ્યારે વિવાહ કરવા દેશમાં ગયા હતા ત્યારે અમોએ અમારા ગામના મુખી દેવશી લધાને ઘણું જ સમજાવ્યું પણ મુખી બિચારો શું કરે કે ગેઢેરાને તો ભુત મારું જ ભરાણું હતું. તેથી તે કાંઈ પણ સલાહ આપી શક્યા નહીં. અમો અનેક વખત નેત્રે કરમશી ગેઢેરા પાસે ગયા તો તેણે અમોને એવી વાત કહી કે તમો પીરાણા ધર્મને માનશો, સૈયદોને ગુરૂ કરશો ને ઘરમાં બેસી ખવરાવશો અને ગેઢેરા જેમ કહે તેમ કરશો એવી કબુલાત આપો અને સ્ટેમ્પના પાના ઉપર લખી આપો તો તમોને નાતમાં ભેળવશું, નકી નહી. તે સાંભળી મારા પિતાશ્રીને પણ ગુસ્સો આવ્યો અને કહ્યું કે ભાઈ મારાથી સૈયદને તો બિલકુલ મનાશે નહી, તેને હું અને મારા સંગતિમાંથી કોઈ પણ ગુરૂ કરશું નહી અને નાત બહાર પણ હવે જાજા દિવસ રહેશું નહી માટે તું શું મને જવાબ દ્યો છો? ત્યારે કરમશીએ અમોને વિથોણમાં નાત ભેળી થાય ત્યારે આવજો તો ત્યાં તમારો ફેંસલો પાડશું, આવું કહીને રજા આપી. અમો વિથોણ ગયા અને જોયું તો સર્વે આગેવાનો ત્રણે પાંચાડાના આવેલા હતા. પાંચથી છસો માણસો હતા, તો તેની વચ્ચે ભાઈ રતનશી ખીમજી ખેતાણીએ તેઓને એવું સમજાવ્યું કે તેઓ ત્યાંથી પોતાના ધોળાં મોઢાં લઈને વીરાણી સભાના રીપોર્ટ મુજબ ઉંધી આંગડીઉ પહેરીને ભાગ્યા ! તે એક એક થઈ ગયા, તે વખતે અમો કરમશીને કહ્યું તો કહે કે તમો મથલ આવજો. ત્યાંથી નેત્રાનું કહ્યું અને ત્યાં પણ ફેંસલો પાડ્યો નહી તે વખતે અમો તેઓને કાંઈ પણ હજી કહ્યું નહી ને ચુપ બેઠા રહ્યા. ભાઈઓ મારા ઉપર તે જુલમગારોએ એટલે સુધી જુલમ કર્યો છે કે જેનું વર્ણન કરું તો પુસ્તક ભરાય અને તે સર્વ જુલમ હું મને વખત મળે “કરાંચી યુવક મંડળના તરફથી નીકળતા મણકાની અંદર” આગેવાનોની ઉદ્ધતાઈ અને ગરીબનું ગળું? આ નામથી લેખ છપાવીને બહાર પાડીશ પણ હાલમાં તો આપનો અમૂલ્ય વખત લીધો છે તેના માટે માફી માગીને આ ઠરાવ પસાર કરવાની વિનંતી કરીને વિરમીશ.

          ઉપરના ઠરાવને ટેકો આપતાં ભાઈ રતનશી ખીમજી ખેતાણી મુંબઈ ઘાટકોપર યુવક મંડળના સેક્રેટરીએ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ, પ્રિય જ્ઞાતિ બંધુઓ, માતાઓ અને બહેનો !

          આગેવાનોના જુલમ અને ત્રાસથી જ્ઞાતિની જે અધોગતિ થઈ રહી છે તેનું સંપૂર્ણ વર્ણન કરવા બેસું તો રામાયણ અથવા મહાભારતના ગ્રંથો કરતાં તેનો વિસ્તાર વધી જાય તેમ છે. આગેવાનોની કાર્ય કીર્તિ અને તેઓના ચારિત્રની થોડી ઝાંખી મેં વીરાણી સભામાં કહી હતી અને તેનો રીપોર્ટ છપાયો છે તેમાં તે મોજુદ છે. મારું ધારવું એવું હતું કે આગેવાનો પોતાનું ચારિત્ર અને જુલ્મીપણું તેમજ જ્ઞાતિ ઉપર જે દમનનીતિ ચલાવે છે તેના માટે તેઓ કાંઈક સમજશે પરંતુ આગેવાનોએ તો આંકેલ અલાઈઆની માફક વૃત્તિ અંગીકાર કરી છે. તેઓને લાજ કે શરમ આવે તેમ નથી. મને પોતાને એ આકેલ આખલાઓના ચારિત્ર કહેતાં શરમ આવે છે. તો પણ હું આગેવાનોના જુલમના ઠરાવને ટેકો દેવા ઉભો થયો છું તો મારે પણ કંઈક કહેવું જોઈએ. જેથી હું ઉગમણા પાંચાડાથી શરૂઆત કરીશ અને આગેવાનોના ચારિત્રના ગુણાનુવાદ સાંભળી પછી આપને યોગ્ય લાગે તો એ જાલીમ શેતાનોના ગુલામ બનવું હોય તો બનજો અથવા તેઓના જુલમને નિર્મુળ કરવા તેનું કંઈ પણ ન સાંભળવા ઈચ્છતા હો તો તેમ કરજો. આટલી પ્રસ્તાવના કર્યા પછી હું વીરાણી સભાની માફક માનકુવા ગામથી જ શરૂઆત કરું છું અને આપ તે શાંતિથી સાંભળશો. જ્ઞાતિના ભાઈઓ અને બહેનોને આંખે ઉંધા પાટા બંધાવનાર, જ્ઞાતિને મુસલમાની રાહત ઉપર લઈ જનાર અખૈઈ મુખી તો ભેસ્તમાં સદરુહીન કબીરદીનના પડખે બેસી સ્વર્ગનું સવા લાખ વર્ષનું રાજ્ય ભોગવવા ચાલ્યા ગયા છે, તો પણ તેઓ પોતાની પાછળ ગામ માનકુવાના કેટલાક પટેલોને પોતાનો વારસો સોંપતા ગયા છે. હાલમાં માનકુવામાં સોમજી પટેલ ગેઢેરા ગણાય છે અને પટેલ રામજી દેવજી નાતના આગેવાન અને પોલીસ પટેલનો હોદ્દો ભોગવે છે. આ બે પટેલોમાં સોમજી પટેલ ફક્ત હોળીનું નાળીયેર થાય છે અને શિકાર મારવામાં તો રામજી દેવજી પ્રથમથી પંકાયેલ છે જ. મેં તો વીરાણી સભામાં રામજી દેવજીએ એક વટલેલ બાઈને ઘરમાં બેસાડી છે તેના માટે નાત કંઈક તેને પૂછશે તેવું કહ્યું હતું, પરંતુ તેવું કોઈએ તેને પૂછ્યું નહીં. આગેવાનોને તે કોણ પૂછે? વીરાણી સભાનો રીપોર્ટ છપાયો તેમાં રામજી દેવજી પટેલની વાત આવી તેથી પટેલ ખીજવાણા અને સુધારાવાળાને ખૂબ ગાળો આપી અને લોકોને મોઢે કહેવા લાગ્યા કે રતનશી ખીમજી જો માનકુવાનો  હોત તો હું તેની ખબર લેત ! મારી હજુ તેણે ખબર કંઈ લીધી નથી પરંતુ આપણા ગરીબ જ્ઞાતિ ભાઈઓની ખબર ઠીક લે છે ! જે એના માથાનો મળે છે તેને તો તે કંઈ કહી શકતો નથી. પ્રથમ કરાંચી પરિષદમાં ભાગ લેનાર અને માનકુવા ગામના ભાઈઓ સભામાં ભાષણ સાંભળવા આવ્યા તેને નાત બહાર કર્યા એટલું જ નહીં પણ જે ભાઈઓએ કરાંચીની સભામાં ભાષણો સાંભળ્યાં તેના માબાપોને માનકુવામાં નાત બહાર કર્યા. પાડાના વાંકે પખાલીને ડામ ! પરંતુ હું રામજી દેવજી પોલીસ પટેલને કહું છું કે તારામાં બળ કે શક્તિ તો માત્ર જેઓ જ્ઞાતિમાં નિર્દોષ અને વૃદ્ધો છે તેમને નાત બહાર કરવાની છે. કલંકથી ભરેલો રામજી પટેલ કરાંચી સભાના પ્રમુખ રાજાભાઈ રામજી કે જેણે માનકુવા ગામમાં રામજી પટેલની છાતી ઉપર પોતાની (?) દીકરીના વેદવિધિ અનુસાર ચોરીથી લગ્ન કર્યા અને પીરાણા ધર્મની ક્રિયાઓને જડમુળથી ઉખેડી નાંખી તેનો કેમ વાળ વાંકો કરી શક્યો નહીં? ઉગમણા પાંચાડાના તમામ આગેવાનો આ પટેલે તેમજ સોમજી પટેલે ભેગા કર્યા પરંતુ કોઈથી રાજાભાઈનો વાળ વાંકો થઈ શક્યો નહીં. માટે ભાઈઓ ! જો આપણામાં હિંમત હોય તો આગેવાનોની આપખુદીને રફે દફે કરવામાં કંઈ હરકત નથી. આ વાતનો માનકુવા જેવા ગામમાં રાજાભાઈ સામજીનો પટેલોના માથે પગ મૂકીને ચાલવાનો દાખલો તાજો જ છે.

          દેશલપુરના મનજી પટેલ હવે કાંઈક ડાહ્યા થયા છે. તો પણ ઘણા વખતથી જુલમી સત્તા ભોગવેલી તે વખતે યાદ આવી જાય છે ત્યારે કંઈક કંઈક છબકલુ કરી લે છે. આ પટેલે દ્વિઅર્થી રમત રમવા માંડી છે. સુધારાવાળા મજબુત પગે ઉભા છે તેથી એનો વિજય થશે આવી ભાવના આ પટેલને થઈ છે એમ સાંભળ્યું છે છતાં પ્રસંગ આવે છે ત્યારે આગેવાનોને ગુંચવાડો ઉભો થાય છે તેનો પણ પટેલ નિકાલ કરી આપે છે. એટલે સાધારણ રીતે સુધારકોની મહેરબાની મેળવે છે. તેટલે જ દરજે આગેવાનો ઉપર પણ પોતાનો હાથ રાખે છે. માટે મારી તો સલાહ છે કે મનજી પટેલ ગમે તેના એક પક્ષમાં રહેવું નહી તો પોતાની સ્થિતિ કફોડી કરશે. ખરી રીતે તો પોતે આખી જિંદગીભર જ્ઞાતિ ઉપર જુલમી સત્તા ચલાવી છે તેનું જલદીથી પ્રાયશ્ચિત કરી નાખવું જોઈએ એવી હું મનજી પેથા પટેલને જ ભલામણ કરું છું.

          ત્યાર પછી મારે આપણી જ્ઞાતિમાં બહાદુરેજંગ અલાઉદ્દીન ખૂનીના અવતારરૂપ મનાતા ગામ મંગવાણાના હીરા પટેલ અને કુરબઈના જસા પટેલ ઉર્ફે પોતાને ફતેહમમદ ! તરીકે ઓળખાવનાર વીર બહાદુર પટેલની ઓળખાણ કરાવું છું. આ પટેલોના ચારિત્રની આજ દિવસ સુધીની તેમની કાર્ય કીર્તિની મ્લેચ્છ નોંધ કોઈએ લીધી નથી. તેમજ વીરાણી સભામાં હું જ્યારે ભાષણ કરવા ઉભો થયો હતો ત્યારે મને આ બે વીર નરોના ગુણોની ખબર નહોતી, જેથી મેં તે વખતે તેમને વીસારી દીધા હતા. પરંતુ આ બંને પટેલો સાથે મને એક વખત ખાસ મુકાબલો થયો છે અને ત્યારથી જ આવા જ્ઞાતિની અધમ દશા કરનારા રત્નો (?) અંધારામાં રહી જાય એ વાત ઠીક નહી, તેથી આજના શુભ પ્રસંગે તેઓની એક કથા હું આપની પાસે રજુ કરું છું તે કૃપા કરી સાંભળશો અને પછીથી આવા શેતાનોના ગુલામ થવાનું તમને ઠીક લાગે તો આપની ઈચ્છા ! અથવા તેના વિચારોને ઠોકરે મારવા હોય તો પણ આપની ઈચ્છા ! હું તો આવા અધમજનોના પડછાયે પણ ઉભા ન રહેવાની આ સભામાં પધારેલા ભાઈઓ તેમજ બહેનોને ભલામણ કરું છું.

          મંગવાણાનો હીરો પટેલ અને કુરબઈના જસા પટેલની એક જાણવા જેવી હકીકતનો ઈતિહાસ મારી રૂબરૂ થયેલ વાતચીત છે તે હું આપને જણાવું છું. ગામ મંગવાણામાં રાજો કેબ્રીઓ એવા નામથી ઓળખાય છે તે ભાઈ ખાસ હીરા પટેલ તથા જસા પટેલની કંપનીનો એક નમુનેદાર મિત્ર કહો, કે તેનો શીષ્ય કહો ગમે તે કહો જોઈએ તો હીરા જસા કંપની પટેલનો ગુલામ કહો. તે ભાઈ રાજા કેબ્રીઆને એક બાયડી હયાત છતાં બીજી સ્ત્રી કરવાની ઈચ્છા થઈ જેશી મંગવાણાના કોહીનુર સમાન ચળકતા હીરા પટેલ આગળ વાત કરી કે, મારી આમ બાબત છે ! જેથી મંગવાણાના હીરા પટેલે પોતાના શિષ્ય માટે ગામ વીરાણીના કણબી ગોવા પોકારની દીકરી બેન ભચીબાઈની સાથે ભાઈશ્રી રાજા કેબ્રીઆનો સંબંધ નક્કી કર્યો. ભચીબાઈ સ્વભાવે રાંક અને ભોળી હોવાથી સંબંધ કરતી વખતે જ ગામ વીરાણીના આગેવાન પટેલો અને ગોવા પોકારે પાકી ચોખવટ કરી હતી કે આ બાઈ ભોળી છે. માટે તમે જોઈ વિચારીને સંબંધ કરજો અને પેણ્યા પછી જો તમે છૂટકો કરવાની વાત કરશો તો તેમ થશે નહીં. આટલી વાત વીરાણી ગામના આગેવાનો હસ્તક રૂબરૂ થયેલ. જેની કબુલાત હીરા પટેલે તેમજ ઈશ્કમાં આંધળા થયેલા ભાઈ રાજા કેબ્રીઆએ આપેલ. પરંતુ તેટલી વાતથી વીરાણી ગામના આગેવાનોને હીરા પટેલની ખાત્રી ન થવાથી એક દસ્તાવેજ કરી આપવાની વીરાણી ગામના આગેવાનોએ હીરા પટેલને ફરજ પાડી. જેથી હીરા પટેલે તેમજ નવી વહુ કરવામાં લટ બનેલા ભાઈ રાજા કેબ્રીઆએ એક દસ્તાવેજ કરી આપ્યો કે :— “ગામ વીરાણીના કણબી ગોવા પોકારની દીકરી બાઈ ભચીબાઈને મંગવાણાના કણબી રાજા ધનજી સાથે ઘરઘાવી છે તે બાઈને જીવતે પાળવી અને મુવા પછી તેની જે કંઈ ક્રિયા કરવી પડે તે રાજા કેબ્રીઆએ કરવી.” તેમાં રાજા કેબ્રીઆની સહી છે અને તે શરત ન પાળે તો તેની જામીનગીરીમાં મંગવાણાના હીરા પટેલે સહી કરી આપી છે. છતાં બીજી બાયડી કરવાના ઈશ્કીટટુ ભાઈ રાજા કેબ્રીઆએ આ બાઈ સાથે ચારેક મહિના ઘર સંસારનો લાવો લીધા પછી આ બાઈમાં અકલ ઓછી છે ! ભોળી છે ! વિગેરે દોષો હીરા પટેલને જણાવીને કહ્યું કે, તમારી સહાયતા વગર મારાથી આ લપમાંથી છૂટાશે નહીં. હીરા પટેલ કચ્છની કણબી જ્ઞાતિના શીરતાજ એટલું જ નહી પણ રાજા કેબ્રીઆના ગુરૂ, એટલે શિષ્યની વારે આવવું જ જોઈએ, જેથી હીરા પટેલે પોતાના શિષ્યને જણાવી દીધું કે કંઈ નહી તું કાઢી મેલ પછી નાત પુછશે તેને જોઈ લેશું ! તેથી જંગેબહાદુર પીરાણાના ઈલ્મી ભાઈશ્રી રાજા કેબ્રીઆએ પોતાની પરણેતર સ્ત્રી અને તે વીરાણીના ગોવા પોકારની દીકરીને તગડી મૂકી છે, છતાં તેની કંઈ દાદ કે ફરિયાદ નથી. એ બાઈનો હજુ છુટકો થયો નથી, તેને રખડતી રઝળતી એના માવિત્રે મુકી છે. વીરાણી ગામના આગેવાનો બે ત્રણ વખત કરાર પ્રમાણે હીરા પટેલ પાસે દાદ માગવા ગયા પરંતુ મહા ગર્વિષ્ટ અને જ્ઞાતિમાં હું સર્વોપરી સત્તાધારી છું એવા અભિમાની હીરા પટેલે જરા પણ મચક આપી નથી અને બાઈ પોતાના માવિત્રોના ઘેર છે. ગોવા પટેલે વીરાણી યુવક મંડળને ફરિયાદ કરી જેથી યુવક મંડળે હીરા પટેલને એ સંબંધે સુચના કરી કે તમારા દસ્તાવેજ પ્રમાણે બાઈનું ભરણપોષણ કરો અથવા રાજા કેબ્રીઆને ઘેર રાખો. જે ઉપરથી ફતેહમહમદ જસાને લઈ હીરો પટેલ વીરાણીમાં આવ્યો ત્યારે મારી ત્યાં હાજરી હતી. યુવક મંડળે કાયદાસર સવાલો કર્યા. ત્યારે હીરા જસાની કંપનીએ વિચાર કર્યો કે વીરાણીના ખાનામાં આ ચોવટમાં ફાવશું નહીં જેથી ગલ્લાં તલ્લાં કર્યાં અને કોઈ વાતનો છેડો છોડ્યો નહીં. છેવટે યુવક મંડળે રાજની કોર્ટે ફરિયાદ કરી. હીરા પટેલ પાસેથી બાઈને ભરણપોષણ અપાવવાનું નક્કી કર્યું. આ વાત હીરા જસાની કંપનીને ભારી લાગી. નાતનો કેસ તે કોર્ટે કેમ જાય ! તેથી વીરાણી ગામના આગેવાનોમાં પ્રેમજી ખીમાણી, જસા પટેલનો મામો થાય જેથી જસો મામાને ગળે પડ્યો કે આ લપમાંથી છોડાવો અને કોરી ૨૫૦ બાઈના ભરણપોષણની અમે આપીએ છીએ તે લો અને તમારા ગામના યુવક મંડળના છોકરાઓથી છોડાવો. તમે બેઠા છોરોડ ન્યાય કરે તે ઠીક ન કહેવાય. જેથી પ્રેમજી ખીમાણીની વાડીએ બીજે દિવસે હીરા જસાની કંપની લાલજી પટેલ વિગેરે ગયા અને મામો ભાણેજની શેમાં તણાઈ ગયા, જેથી ઓટો ગોટો વાળવાની તજવીજમાં હતા ત્યાં તો ખબર પડી કે હીરા જસાની લુંટારું કંપની, પ્રેમજી ખીમાણી અને લાલજી પટેલને ભોળવીને કાંઈક ઘાટ વાડીએ ઘડે છે. એટલામાં તો યુવક મંડળના ભાઈઓ માંયલા હું તથા વિશ્રામ પાંચા ગાંગાણી,શીવદાસ કાનજી તથા વાલજી ભીમજી પહોંચ્યા અને ત્યાં જોયું તો પૈસા ગણાય છે ! ત્યારે અમે અમારા ગામના આગેવાનોને કહ્યું કે આ લુચા બદમાશોની જાળમાં તમે કેમ સપડાવ છો, જોઈએ છીએ કે એ ભરણપોષણ કેમ નથી આપતા. વીરાણી ગામના આગેવાનો શરમિંદા થયા અને ઉઠી ગયા. હીરા જસાની નકટી કંપની નાલેશીભરી રીતે પછી ત્યાંથી પલાયન કરી ગઈ છે. પાછળથી અમે સાંભળ્યું છે કે પ્રેમજી ખીમાણીને ભચીબાઈની આખી જિંદગીના ભરણપોષણ માટે કોરી ૨૫૦ જસો આપી ગયો છે અને તે તેમણે રાખી છે. આ વાત જો સાચી હોય તો અમારા વીરાણી યુવક મંડળના વડીલ તરીકે ઓળખાતા પ્રેમજી ખીમાણી તથા પટેલ લાલજી શીવજીએ ખાસ શરમાવું જોઈએ. સાંભળવા પ્રમાણે હીરા પટેલે કરી આપેલો દસ્તાવેજ યુવક મંડળ પાસે છે તેથી ગોવા પોકારને ધમકાવીને પણ અઢીસો કોરી અપાતી નથી. આ પ્રમાણેની વાત વીરાણી આગેવાનોએ જો જાળવી હોય તો મારી ભલામણ છે કે કોરી ૨૫૦ હીરા કે જસાના મોં ઉપર પાછી ફેંકી દેવી જોઈએ. વીરાણી યુવક મંડળે આ કેસ નામદાર રોહા જાગીદાર ઠાકોર સાહેબ વેરીસાલજી બાવાની રૂબરૂ જાહેર કરેલ છે અને ઠાકોર સાહેબે ભરણપોષણનો બંદોબસ્ત કરી આપવાનું વચન પણ આપ્યું છે જે વાત હીરા જસા પટેલની કંપની જાણે છે. છતાં આ અભિમાની પટેલો એવા તો દુષ્ટ છે કે કચ્છ રાજ્યમાં કણબી જ્ઞાતિને મારવી કે જીવાડવી તેના તે કુલ મુખત્યાર ન હોય તેવો ફાંકો ધરાવે છે. આ બંને પટેલોએ ક્રુર અને ઘાતકી જુલમગાર તરીકે હમણાં ત્રણ ચાર વર્ષમાં ભારે પ્રશંસા મેળવી છે, એટલું જ નહીં પણ કણબીની જ્ઞાતિને છેક જ મુસલમાન બનાવા—સૈયદોની જમાતમાં હાજરી આપતા કણબીઓ જલદી થઈ જાય એવા દરેકે દરેક ચાંપતા ઈલાજો આ બંને મુમન નામને શોભાવનાર પાપી જ્ઞાતિ દ્રોહિઓએ કણબીની જ્ઞાતિને પાયમાલ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. વળી જ્ઞાતિમાં પોતાની સર્વોપરી સત્તા જમાવવાને છેલ્લો છેક જ નાલાયક દમનનીતિનો દોર પણ અખત્યાર કરી ચુક્યા છે. તેમાં પણ હીરા પટેલે પોતાની બળ શક્તિની અને કચ્છની મુમના કણબી જ્ઞાતિમાં પોતાની સત્તા સર્વોપરી છે કે નહીં તેની ખાત્રી કરવા અને જ્ઞાતિના અજ્ઞાન અને ભોળા ભાઈઓ તેમજ બહેનોને ખાત્રી કરાવવા જ્ઞાતિના ધારા ધોરણ અને બંધારણપૂર્વક સૈયદોને કચ્છની કણબી જ્ઞાતિમાં આવતા અટકાવવાનો ઠરાવ આઠેક વર્ષ ઉપર થયેલો અને સૈયદો આવતા બંધ થયેલા પરંતુ પોતાની ઈચ્છા સૈયદોને બોલાવાની થવાથી કચ્છના બીજા મોટા મોટા આગેવાનો વિરુદ્ધ હોવા છતાં પોતાની સત્તા સર્વોપરી છે એવું સિદ્ધ કરાવવાની ખાતર ગઈ સાલ સૈયદ પુંજુંમીયાને પોતાને ગામ બોલાવેલ અને સૈયદે ચાલીસો કરવા કહેવાથી સૈયદ પુજું મીંયાને ૪૦ દિવસ સુધી કલમાની અને નાદલીની ધુનમાં ચાળીસો પુરો કર્યો. ચાળીસો પુરો થયે સૈયદ પુંજું મીયાને માથે કણબી જ્ઞાતિના ભાઈઓએ ફરજ પાડી છત્ર જલાવેલ અને ઢોલ ત્રાંસા નગારાના જલસામાં ઘરોઘર સૈયદના પગલા દેવરાવ્યાં અને દરેકને ઘેરથી અમુક પૈસા સૈયદને આપવાનો પણ જહાંગીરી હુકમ ફરમાવેલ તે પણ જ્ઞાતિના ભાઈઓએ હીરા પટેલના માનમાં કબુલ કર્યો અને ખૂબ પૈસા એકઠા થયા તે પૈસામાંથી અમુક ભાગ સૈયદ પુંજુંમીયાને અને બાકીના પૈસામાંથી મંગવાણા ગામના કણબીઓને જમાડ્યા. આવા પ્રતાપશાળી, કાળીંગા દૈત્યની બરોબરી કરનાર વીર બહાદુરની સામે છે કોઈ આડી નજરથી જોનાર? આ પટેલ તો પોતાનો એવો એકહથ્થુ ડંકો વગડાવ્યો છે કે હીરા પટેલની મહેરબાની હોય તો કણબી ભાઈઓ અથવા તો કણબી જ્ઞાતિના આગેવાનો જીવી શકે ! નહીં તો મુવા જ પડ્યા છે. તે સિવાય આ પટેલની સત્તાની બીજી એક વાત હમણાં ચાલુ છે. મંગવાણાના અમુક ભાઈની દીકરી બાઈ જાનબાઈ તે ગામ દેશલપરના કણબી ફલાણાની વહુ થાય તેને જબરજસ્તીથી પોતાને ઘેર રાખી છે. વસ્તુ સ્થિતિ એવા પ્રકારની છે કે મંગવાણાના હીરા પટેલના શિષ્ય ભાઈશ્રી રાજા કેબ્રીઆનો બનેવી રતનો કરાંચીમાં એક વખત સૈયદ ફલાણા ફલાણા આવેલ ત્યારે રાજા કેબ્રીઆએ પોતાના બનેવી રતનાને ગુરૂ કરવા કહેલ પરંતુ સૈયદને ગુરૂ કરવાથી રતનાને શરમ આવતી હતી તો પણ પોતાના વહાલા સાળાનું માન રાખી રતનો તેમજ તેની વહુ ગુરૂ મંત્ર લેવા એકાંતમાં બેઠા. બીજા અઢાર જણ ગુરૂમંત્ર લેવાના હતા. સૈયદે પોતાની ક્રિયા ચાલુ કરી અને છેવટે રાંધેલો પ્રસાદ સૈયદના હાથનો લેવામાં આવ્યો જેથી રતનો સમજ્યો કે આપણે વટલ્યા ! તેથી ગુરૂમંત્ર મુકી ભાગી નાઠો, રાજો કેબ્રીઓ સમજાવા ગયો પણ માન્યું નહીં અને વાતની હોહાં થઈ જે વાત અંતે દેશમાં પહોંચી. આગેવાનો ન્યાય કરવાને ભેગા થયા, રતનાને ગુનેગાર ઠરાવ્યો અને અઢાર જણ સૈયદોથી ભાઈશ્રી રાજા કેબ્રીઆના પ્રતાપે વટલ્યા તે બિન ગુનેગાર ઠર્યા ! કારણ કે રતને એવો ખુલાસો કર્યો કે, સૈયદોના હાથે રાંધેલું અનાજ ખાવાથી વટલી જવાય તેથી તે ઉઠી ગયો. ગુરૂમંત્ર અધુરો રહ્યો. રતને આવી ચોખે ચોખી વાત કહી દેવાથી હીરા પટેલના ગુરૂ તેના બાવા અથવા બાપા સૈયદોનો પ્રપંચ ઉઘાડો પડ્યો તે હીરા જસા કંપનીથી કેમ સહ્યો જાય ! જેથી પોતાના શિષ્ય રાજા કેબ્રીઆનું ઉપરાણું લઈ હીરા જસા કંપની નાત વચ્ચે ત્રાટુકી ઉઠી. રતનાનો દંડ કરો, એને નાત બાર કરો ! આવા ભયંકર શબ્દો દેશલપરના મનજી પટેલથી સહન ન થાય જેથી મનજી પટેલે કહ્યું કે આમાં વાંક રતનાનો નથી એને દંડ ન થાય. જે વાતુ હીરા જસા કંપનીને સારી લાગી નહીં. નાત તો હજુ ભેગી જ થઈ હતી એટલામાં મનજી પટેલે રતનાને કરાંચી રવાના કરી દીધો. દંડ દંડને ઠેકાણે રહ્યો અને વાતમાં કંઈ સાર ન રહ્યો — આટલી હકીકત બની તેમાં હીરા જસા કંપનીને લાગ્યું કે મનજી પટેલ આપણો હરીફ થયો માટે એને કોક રીતે ભાંગવો જોઈએ.

          એ ઉપરથી મનજી પટેલના એક સંબંધીનું સગપણ મંગવાણામાં થયેલ તે બાઈ જાનબાઈને મનજી પટેલના ગામમાં મુકવી નહીં એમ હીરા જસા કંપનીએ નક્કી કર્યું અને મનજી પટેલની ખુમારી ઉતારવી. ભાઈઓ, પાડેપાડા વઢે ત્યાં ઝાડનો ખો હોય ! એ કહેવત પ્રમાણે મનજી પટેલ અને હીરા જસાની કંપનીને વઢવાડ તેમાં બીજાએ ગુન્હો શો કર્યો છે ! આવી નાલાયક વાતોમાં પટેલો એકબીજામાં મમતમાં આવીને ગરીબોના ઘર રઝળાવે છે તેને કોઈ કહેતું નથી એ ઘણી જ દીલગીરીની વાત છે. દેશલપરવાળા ભાઈની વહુ જાનબાઈને પોતાને કબજે લેવા માટે જાનબાઈના વરને કેટલાક ભાઈઓએ કહ્યું કે તું મોથાજ છે, તારી પરણેતર બાયડી તારે ઘરે આણું આવી ગઈ છે તેને તેડી આવવામાં હીરો પટેલ શું કરનાર છે હાલ અમે ભેગા આવીએ. એટલે દેશલપરના બહાદુર કણબી ભાઈઓ મંગવાણે આવ્યા. જાનબાઈના બાપની કે કુટુંબની મનાઈ નહોતી ! પરંતુ હીરો પટેલ અમને નાત બહાર કરે જેથી અમે મૂકશું નહીં ! આમ જાનબાઈના કુટુંબીઓએ કહ્યું. છેવટે બળજબરીથી તેડી જશો તો અમે હીરા પટેલને કહી દેશું અને જાનબાઈના કુટુંબીઓ હીરા પટેલને કહેવા ગયા. એટલે પાછળથી જાનબાઈના ધણીએ બાવડુ પકડી જાનબાઈને તેડી રવાના થયા તેમાં જરા ખેંચતાણ થઈ. જાનબાઈ ઘરના બાયણે વળગી, એના ધણીએ જોર કર્યું તો બાયણું નીકળી પડ્યું. આ પ્રમાણે હકીકત બની તો પણ જાનબાઈને તેડી ને એનો ધણી રવાના થયો. દેશલપર વાટમાં એના ભેગા સોબતી આવ્યા તે તે મળ્યા, જાનબાઈ પણ સમજી ગઈ અને બધાં હળીમળીને દેશલપર આવવા નીકળ્યા. એટલામાં તો હીરા પટેલને ખબર પડી એટલે મોટી ફોજથી વાંસે વારે ચડ્યો ! અધવચમાં પકડી પાડ્યાં અને જાનબાઈના ધણીને તેમજ બીજાને માર મારી મંગવાણે પકડી આવ્યો અને કેદ કર્યાં. કહે છે કે ચોવીસ કલાક તેને ખાધા પીધા વગર રાખ્યાં અને પછી છોડી મૂક્યા ! આ પ્રમાણેની જો હુકમી નામદાર ઠાકોર સાહેબ વેરીસાલજી બાવાના રાજ્યમાં એક જુલમગાર પટેલ જુલમ વર્તાવે છે તેની ખબર શું નામદાર ઠાકોર સાહેબને કાને ગઈ નથી? સાંભળવા પ્રમાણે હીરા પટેલે બાઈ જાનબાઈને પોતાને ઘેર રાખી છે તે કઈ નિષ્ઠાથી રાખી છે તે પ્રભુ જાણે. થોડા મહિના ઉપર નાત ભેગી થઈ ત્યારે આખી નાતે હીરા પટેલને કહ્યું આ વાત ઠીક ન કહેવાય, પણ માને છે કોણ? હીરા પટેલને તો જાનબાઈનો છુટકો કરાવવો છે. પરંતુ હાલતાં ને ચાલતાં છૂટકો હવે થઈ શકે તેમ નથી. તેથી જ બાઈને કબજે કરી છે. હવે આ બાઈના સંબંધમાં આખી નાતમાં હીરો તથા જસો હડહડ થયા છે ત્યારે હમણાં તેણે એક નવી યુક્તિ રચી છે અને જ્યારે નાત ભેગી થાય છે ત્યારે કહે છે કે ઠાકોર સાહેબનો દેશલપરવાળાએ ગુનો કર્યો છે તે બદલ ચારસો કોરી અમને ખર્ચ થયું છે તે આપો અને બાઈને તેડી જાઓ. ભાઈઓ, આવી રીતે જુલમ કરી હવે હીરો છટકવા માગે છે અને કોરીઉ ખાવા માગે છે. માટે તમે નાતમાંથી કોઈ પણ નામદાર ઠાકોર સાહેબ વેરી સાલજી બાપાની રૂબરૂ તો જાઓ ત્યાં તમારો કેસ રજુ કરો. તો અમોને તો ખાત્રી છે કે વેરી સાલજી બાવાના રામરાજ્યમાં કોઈને અન્યાય નહીં જ થાય. આટલી હકીકત હીરા જસા કંપનીની આપને કહી છે બાકી એ કંપની તો સાગર છે એના ગુણ અને પરાક્રમ કંઈ ગાગરમાં ભરાય નહિ. હમણાં દેશમાં સૈયદો આવ્યા છે તેને ખૂબ આશરો આપે છે, પોતે કંપની છેવટે મુસલમાન થવું પડે તો તે પણ થાય એવી મમત ઉપર આવી છે અને જ્ઞાતિના કેટલાંયે અજ્ઞાન ભાઈઓને બળજબરીથી સૈયદો પાસે વટલાવે છે તેનો હિસાબ તો પ્રભુ જાણે.

          લુડવા ગામના રવજી પટેલ અને બીજા શીવદાસ ધોળુ પટેલ હમણાં સાધારણ લાઈટમાં આવ્યા છે. મનજી રંગાણીને નાતબાર કરવામાં અને માંડવીની કોર્ટોમાં આ પટેલે સારો ભાગ ભજવ્યો છે. નાતમાં પટલાઈ કરી જ્ઞાતિ ઉપર સત્તા બેસાડી દમન નીતિથી કામ લેનાર આ આગેવાનોની કદર કરવામાં હું ભૂલ કરતો નથી. હરજી લધા ગામ લુડવાવાળાને પાયમાલ કરવામાં આ પટેલોએ મુખ્ય પાઠ ભજવ્યો છે. ગામ ગઢશીશાવાળા મુખી ખેતા મૂળજી તે એક મહાન જાદુગર છે ! તે છુમંતર જાણે છે ! અને ભુતપ્રેત પલીત એમના ઘરમાં ભર્યા છે તેનો ગમે ત્યાં ઉપયોગ કરે છે અને કણબી જ્ઞાતિમાંથી પૈસા કુટી મારે છે. આ મુખી ઢોંગ ધતુરામાં પુરો છે તેટલે જ દરજે લોફરપણામાં પણ તે એક્કો છે. ખેતો મુખી કેટલીયે કણબીઆણીઓ સાથે વ્યભિચારીપણે વર્ત્યો છે તેનો હિસાબ ખેતા મુખી પાસે પણ ભાગ્યે જ હશે. આ અધમ મુખીના હાથે એક એવું જુલમી કામ થયું છે કે જેની નોંધ એક વખત લેવાણી છે છતાં જાહેરમાં તે વાત આવી નથી. એ વાત સભાજનોને જરૂર સંભળાવવી જોઈએ. દેશલપરના પટેલ મનજી પેથા માકાણીની દીકરીને હરામી હમેલના બાળકને ઉકેડે ફેંકી દેવાના ગુનાહ માટે કોર્ટે સજા કરી હતી તે વાત કોર્ટમાં જાહેર કરવાના ગુનાહ માટે તે બાઈના જેઠ વીરજી દેવશી ગામ લુડવાવાળા અને પાછળથી ગઢશીશામાં રહેતા હતા તેને આગેવાન ખેતા મુખીએ નાત બહાર કર્યો હતો. કોર્ટમાં જાહેર કરવાના ગુના માટે તેને દરેક પ્રકારે પાયમાલ કરવામાં આ મુખો પોતે બહાદુરી માનતો હતો.

          હાલમાં તો વીરજી ગુજરી ગયો છે પરંતુ આ વાતને લગભગ બે વર્ષ થયાં છે. જ્યારે વીરજી મુંબઈ હતો અને તેેને ઘેર બે દીકરીઓનો સાથે જન્મ થયો હતો તેમાંની એક દીકરી બાઈ મેઘબાઈ ગુજરી જવાથી ગઢશીશાવાળા ખેતા મુખીએ એ બાઈને કોઈ પણ કણબીએ સ્મશાન ન લઈ જવાની આજ્ઞા કરી. જેથી કોઈ પણ તે છોકરીને સ્મશાને પહોંચાડવાની હિંમત કરી શક્યું નહીં. છેવટે બાઈ મેઘબાઈના મામા સામા ધનજી તથા દાના ધનજીને શરમ આવી કે મારી ભાણેજ એના બાપની ગેરહાજરીમાં મૃતદેહ ઘરે કેમ રહે ! તેથી મુખીની આજ્ઞાને ન ગણકારતાં સ્મશાને પહોંચાડી. તેથી ગઢના ખેતા મુખી તથા તેના સાગરીતોએ બાઈના મામાને દંડ કર્યો. આ વાતને ફક્ત ત્રણ જ દિવસ થયા હતા ત્યારબાદ વીરજીની બીજી દીકરી નામે કંકુબાઈ પણ ગુજરી ગઈ જેથી વીરજી ઉપર પુરું વેર વાળવાની ખાતર ગઢશીશાના મુખી ખેતાની આગેવાની નીચે ગઢશીશાના કણબીઓને ખાસ સખ્તાઈ ભરેલા હુકમથી બંદોબસ્ત કર્યો અને તેથી ગઢનો એક પણ કણબી આ છોકરીને સ્મશાને ના પહોંચાડી શક્યો, ઘણી શરમ છે કે ગઢશીશાના કણબીઓને વીરજી ઉપરના વેરને લઈ આ આઠ મહિનાના બાળક ઉપર અને તે મૃતક શરીરને રઝળાવવાનું વેર આ મુખાની આગેવાની નીચે થયું. એક પણ કણબી એવો ન નીકળ્યો કે આ બાઈને સ્મશાને પહોંચાડે. છેવટે વીરજીના વૃદ્ધ પિતાશ્રી જે ગામ લુડવામાં રહે છે તેને ખબર પહોંચી જેથી તેઓ ગઢશીશે આવ્યા અને દરેકે દરેક કણબીઓના ઘરે ફરી વળ્યા એટલું જ નહીં પણ વાડીએ વાડી જઈ કણબીઓને વિનવ્યા છતાં ઝાલ્યું ન છોડવાની હઠીલાઈવાળા કણબીઓ અને તેમાં વળી ખેતા મુખીની બીકે કોઈએ હા કહી નહીં. છેવટે આપણી જ જ્ઞાતિના પણ પીરાણા ધર્મને ત્યાગી દીધેલા અને સ્વામિનારાયણનો ધર્મ પાળનારા ભાઈ રામજી જેઠા તથા તેમના પિતાશ્રી જેઠા ડાયાણી તથા પટેલ મના ધનજીએ આ આપદ્‌ ધર્મને સમજી આ બાઈને સ્મશાન પહોંચાડી. કંકુબાઈના દાદાને ગઢના કણબીઓને સ્મશાન ચાલવા માટે જે ઘરેઘરે તેમજ વાડીએ વિનવવા ગયો એ ગુના બદલ નાતે પાંચ કોરી દંડ કરી નાતમાં ભેળવ્યો. ગેઢેરાઓના જુલમ તો જુઓ ! બાપ દીકરીને સ્મશાન પહોંચાડવા ગયો એ પણ ગુનો અને તેનો દંડ આ તે નાતનું શું થવાનું છે? આવો જુલમ અને ત્રાસ તમોએ કોઈ દિવસ સાંભળ્યો છે? તેમાં ગઢશીશાવાળો ખેતો મુખી તો તદ્દન લોફરમાં લોફર માણસ છે, છતાં નાતમાં આગેવાન ! જંગલી જમાનામાં પણ ન શોભે એવા જાલીમ કૃત્યો કચ્છના મુમના કણબીના આગેવાનો ચલાવી રહ્યા છે તેમાં પણ આ ખેતા મુખીએ તો હદ જ વાળી દીધી. આઠ મહિનાના બાળકો ઉપર વેર લઈ એણે પોતાનો કક્કો ખરો કર્યો. આ વાત સાંભળી મને ગઢના માજન ભાઈઓ ઉપર પણ રીશ જાય છે કે શું તેઓ આ વાત જાણતા નથી? અરે રસ્તાના કોઈ વટેમાર્ગુનું મૃત્યુ થયું હોય તેને પણ સ્મશાને પહોંચાડવામાં પુન્ય મનાય છે, તે ખેતો મુખો તો ન જાણે પરંતુ ગઢશીશાનું માજન પણ શું નથી જાણતું? અને કદાચ આ વાત તેઓએ તે વખતના પ્રસંગે ન જાણી હોય પરંતુ પાછળથી પણ ખેતા મુખી જેવા જાલીમ શેતાનને ઠપકો પણ આપ્યો હોય એવું અમે સાંભળ્યું નથી. તે સિવાય હાલમાં ખેતા મુખીએ ગઢશીશાના કણબી કાનજી પચાણ રંગાણીને પાયમાલ કરવાના માટે કાનજીની વહુને પોતાને ત્યાં રાખી કાનજી પાસે ન મોકલવા માટે અને કાનજી પચાણની વહુ જમનાંને કુમાર્ગે ચડાવી તેની ખોટી કમાણી બાઈ જમનાની માતાજી કુંવરબાઈ કે જેને ખેતા મુખી સાથે કંઈક લાગે વળગે છે તેને કરી આપવામાં આ મુખી પોતે બહાદુરી માને છે. ખેતા મુખીના પ્રતાપે બાઈ જમનાને હરામી હમેલ રહેલ તેને એક છોકરો થયેલ જે હાલ હયાત છે. તેને ગઢ રાખી બેઠો છે, તેને કોઈ પુછી શકતું નથી. બાઈ જમનાને હરામી હમેલથી છોકરો જન્મ્યો છે એ વાત જગવિખ્યાત છે. પાછળથી ખેતા મુખીનો વિચાર આ બાઈનો છૂટકો કરવો, પણ એ કંઈ એના હાથમાં નહીં જેથી બાઈ જમનાનો ભાઈ કે જે તદ્દન પાણી વગરનો જેનું નામ કણબી રતના દેવજી છે તેના નામથી એક નોટીસ નનામી ભાઈ કાનજી પચાણ મુંબઈ રહે છે તેને કરી છે.

          તે નોટીસ કાનજી પચાણને મળ્યા પછી તે બિચારા ભાઈએ તેનો જવાબ પણ વાળ્યો છે ત્યાર પછી ખેતો મુખો કંઈક નરમ પડ્યો છે, તો પણ એને દુઃખ શું? છોકરી કમાય છે, તેમાંથી ખેતા મુખી તથા છોકરીની માતાજી કુંવરબાઈનું પેટ ભરાય છે. કાનજી પચાણનું ગમે તે થાય, તેમાં બીજા ગઢના કણબીઓને પણ કંઈ શરમ થતી નથી અને ખેતા મુખીની શેહમાં કંઈ બોલતા નથી, એમાં ગઢશીશાના કણબી ભાઈઓનું બાયલાપણું સિદ્ધ થાય છે. કચ્છના ત્રણે પાંચાડાના આગેવાનો આ વાત જાણે છે છતાં ખેતા મુખીને જો કંઈ કહે તો ખેતો મુખી તે આગેવાનોના માટે પણ કહે તેથી — તેરી ભી ચુપ ને મેરી ભી ચુપ ! આ હિસાબે કણબીની નાત પાયમાલ થાય અને રાક્ષસી હૃદયવાળા આગેવાનો આવા જુલમ કરે તે મુંગે મોંઢે સહન કરે છે, એવા કણબીઓના ભીરૂ હૃદયને પણ ધિક્કાર છે. વિથોણ અને અંગીયા ગામના આગેવાનો પણ હવે જુલમ કરતાં શિખ્યા છે. એકબીજાનો પક્ષપાત કરી કોઈ ભાઈ ભુલ્યો હોય તો તેને રિબાવીને કચડી નાંખવામાં જો લાગવગ અથવા લાંચ રૂશ્વત આગેવાનોને મળી હોય તો ઠીક, નહીં તો તેના બુરા હાલ સમજવા.

          નખત્રાણાના શીવજી પટેલની વાતો જ શી કરવી ! એ પટેલે આખી જિંદગીમાં એક પણ જ્ઞાતિ હિતનું કામ કર્યું નથી. વિરાણી સભામાં આ પટેલના ચારિત્રની ઝાંખી કરાવી છે. હવે તેમના માટે વધુ શું કહું. એ શીવજી પટેલની સિકલ કહેતાં મોઢું તમે જોશો તો એના મોં ઉપરથી પણ એ પટેલના કાળાં કૃત્યોની સાબિતી તમને મળી આવશે. પાપરૂપી કાળાશ એના મોં ઉપર છવાઈ રહી છે. આ પટેલ પોતાને મુત્સદ્દી વર્ગના માણસ તરીકે ઓળખાવે છે. નાતના કહેવાતા આગેવાનોથી જ્યારે કોઈ ભાઈ અથવા બહેનને પરાણે કબજે કરવા જેવું વિકટ કામ હોય છે ત્યારે આ શીવજી પટેલની બુદ્ધિનો ઉપયોગ થાય છે. હમણાં થોડા મહિના થયા વિરાણી ગામના કણબી કાનજી વીરજી સોમજીયાણીની ભાણેજ જેને આ પટેલની બહાદુરીથી વિરાણીમાંથી ઉપાડીને રાતોરાત લઈ જવી હતી પરંતુ વિરાણી યુવક મંડળ મજબુત હોવાથી તેમજ આ પટેલના કાળાં કૃત્યો જાણી ગયેલ હોવાથી પટેલે મહેનત તો ખૂબ કરી પરંતુ ફાવ્યો નહીં અને રાતોરાત વિરાણીમાંથી પલાયન કરી ગયો. શીવજી પટેલના માટે તો કહે છે કે તે ન્યાયાધીશ, ફોજદાર વગેરેની લાગવગ ધરાવે છે ! એ બળથી કોઈને કેદ કરવાં અથવા ચોર લુંટારાની માફક કોઈને ઉપાડી જવાની જે હિંમત આ પટેલ ધરાવે છે તેની રેવડી દાણાદાર વિરાણી યુવક મંડળે કરી નાખી છે. તેથી વિરાણી યુવક મંડળને નાત બાર કરવા તેણે નખત્રાણામાં નાતના આગેવાનો ભેગા કર્યા પરંતુ વિરાણી ગામના આગેવાનો તેમજ યુવક મંડળના ભાઈઓ એક સંપ હોવાથી નાતબહાર કરવામાં પણ આ પટેલ નિષ્ફળ નીવડ્યો છે, તો પણ હજુ તેની ખુમારી ઓછી થઈ નથી, નખત્રાણા ગામની અંદર રહેતા કરાંચી મંડળના ભાઈઓને પણ હજુ આવા શેતાન પટેલની બીક વારંવાર રહે છે, જેથી આ પટેલની હજુ ઘણા ભાઈઓ ખુશામત કરે છે અને પોતાની નબળાઈ બતાવે છે તેથી પણ આ પટેલ હજુ એમ માને છે કે સુધારાવાળા મુંથી બીએ છે. માટે ભાઈઓ શીવજી પટેલ જુઠ્ઠો, પ્રપંચી અને દગાબાજ માણસ છે. એ તો ક્યારનોય પુરવાર થઈ ચૂક્યો છે, એનાથી બીવાની કંઈ જરૂર નથી. વિરાણી યુવક મંડળનો દાખલો તાજો જ છે. બાકી તો આ પટેલ ખાનગી જુલમ અને નાતને જે કનડગત કરે છે તે કનડગતથી નાતને બચાવવા યુવક મંડળના ભાઈઓ તેમજ જ્ઞાતિના ભાઈઓ પણ આવા શેતાન પટેલની કોઈ વાત માનશે નહીં ત્યારે જ નાત સુખી થશે.

          હવે હું એક રાક્ષસી હૃદયવાળા પટેલની કથા કહું છું તેના ઉપર લક્ષ આપશો. એ રાક્ષસી હૃદયવાળા પટેલનું નામ શામજી લધા ગામ કોટડા જડોદરવાળો, આ પટેલને આપણી આખી નાત ઓળખે છે. વિરાણી સભાનો રીપોર્ટ તેમજ પહેલી કરાંચી પરિષદ મળી હતી તેનો રીપોર્ટ છપાયો છે અને તેમાં આ પટેલના ચારિત્રના ગુણાનુવાદ સાંભળી આ પટેલ ખળભળી ઉઠ્યો છે. એટલું જ નહીં પણ ત્યાર પછી આ પટેલને ઉન્મત વાયુ નામનો રોગ થયો છે અથવા તો તેને કદાચ હડકવા હાલ્યો છે જેથી જ્યાં સુધારાનું નામ સાંભળે ત્યાં પોતાની ઘોડી ઉપર બેસતેકને ડખો કરવા જાય. સામા પટેલમાં તુંડ મીજાજ અને નાલાયકી તેમજ અજ્ઞાનતાનો સાગર ભરેલો છે, તેથી તેની આખી જિંદગી સુધીમાં માણસના ગુણ આવશે કે કેમ એ એક શંકા છે. કોટડાવાળા સામા પટેલમાં આવા અસુરી ગુણોનો તેમજ તુંજ મીજાજનો જે તે ફાંકો રાખે છે તે તેને વડીલો પારજીત વારસો મળેલો છે. કહે છે કે સામા પટેલનો દાદો હરજી પટેલ નાની અરલમાં પટલાઈ કરતા. એક કુંભારને ત્યાં વાત વાતમાં કંઈ વાંધો પડ્યો તેથી પટેલ હરજી કુંભારને ઘેર જઈ ગાળો દેવા માંડ્યા, તેથી કુંભારની બાયડીએ એક ઢાંકણી ઉપાડીને પટેલના માથામાં ઠોકી જેથી પટેલને ભારે અપમાન થયું, તેથી અરલના ઠકરાઈ પાસે વાત કરી પરંતુ આવી નમાલી વાતમાં કંઈ સાર નહીં આમ ગામ ધણીએ પટેલ હરજીને કહ્યું, પરંતુ પટેલ તો હઠાગ્રહી હતા તેથી ગામ ધણી પાસે ખુલાસો કર્યો કે કાં તો અરલમાં હું રહું છું અથવા તો કુંભાર રહે એટલે કુંભારને અરલમાંથી કાઢી મૂકો ! આ વાત ગામ ધણીને ઠીક ન લાગી. કોઈને કાઢી ન મૂકાય આવો ખુલાસો ગામ ધણીએ કર્યો જેથી પટેલ હરજી રિસાઈને ગામ કોટડામાં આવી રહ્યા. ગામ છોડ્યું પણ મમત ન મૂકી. આવા પટેલના પોત્રા પટેલ સામા લધામાં તે કંઈ કચાસ હોય? કણબીની નાતને નીચું જોવડાવનારું એક કામ સામે પટેલે બળજબરીથી કરાવ્યું છે તેનો દાખલો હું આપને આપું છું. સામા પટેલનું ખેતર નામે લાંબેર જે કોટડાથી નખત્રાણે જતાં રસ્તામાં આવે છે તે ખેતરને થુવરની વાડ સામે પટેલે કરેલ, પરંતુ જાગોરા અને હજામના છોકરાઓ બકરાં ચારવા જાય તે ખેતરમાંથી જવા માટે થોડા  થુવર ઉખેડી નાંખ્યા, જેથી સામા પટેલે હજામ સુમારના છોકરાને માર્યો. તે છોકરો રોતો ઘેર ગયો ત્યાં એ છોકરાનો ભાઈ જુમલો અને તેની મા સામા પટેલને ત્યાં મારવાનું કારણ પૂછવા ગયા, ત્યાં તો સામા પટેલનો મીજાજ ગયો અને ગાળો દેવા માંડ્યો. એટલે જુમલાએ પગમાંથી જોડો કાઢતેકને સામાના માંથામાં ઠોક્યો અને જુમલાની મા હુરબાઈએ પણ સામાને ફજેત કર્યો — ગાળો દીધી. તેથી સામે પટેલે પોતાના દાદાની માફક પ્રતિજ્ઞા કરી કે હજામ પાસે હજામત કરાવું તો એનો દીકરો થાઉં ! એટલું જ નહીં પણ ગામ કોટડાના કણબીઓને ભેગા કર્યા કે હજામ પાસે હજામત કરાવવી નહીં. આ વાતની ખબર હજામ સુમાર તથા જુમલાને પડી તેથી તેણે પણ કોઈ કણબીની હજામત ન કરવા પોતાની નાતમાં બંધી કરી. સામસામો વાદ થયો, તકરાર વધી પડી. હજામને તો કમાણી બંધ થઈ પરંતુ કણબીઓએ હજામત ક્યાં કરાવવી એ ભારે દુઃખ થયું. સામા પટેલનો વિચાર તો કદાચ એમ પણ થયો હશે કે દાઢી રખાવવી એ પીરાણા ધર્મને યોગ્ય છે પણ બીજા કણબીઓ તે વાત શી રીતે માને ! છેવટે સામા પટેલે એક રસ્તો કાઢ્યો કે આપણા કણબીઓમાંથી જો કોઈ ભાઇ હજામત કરે તો હજામોને આપણે હરાવીએ? તેથી સામાના પક્ષવાળાએ ભાગ વાળાના નામથી ઓળખાય છે તે ભાઈઓ પચાણ શીવદાસ અને લધા પુંજાને ખાસ કણબીઓના વતાં કરવાને રોકાયા અને વધારામાં શીવજી પુંજા અને વિશ્રામ શીવદાસ ગામ કોટડાવાળા હજામતો કરતા. હજામો જેવી રીતે ખળેથી માંગણી કરે છે અને પાળો લે છે તેવી જ રીતે ઉપર લખેલા ભાઈઓએ સામા પટેલના હુકમને માન આપી પાળો લીધો અને હજામના અવતારમાંથી છુટી જવાનો લાભ તે કણબીઓ સામા પટેલના પ્રતાપે મેળવી શક્યા. ભાઈઓ આ પટેલની મમતમાં કણબી જેવા ઉચ્ચ જ્ઞાતિ હજામત કરવાના હલકે ધંધે ચડે, એમાં પણ આ પટેલ પોતાની બહાદુરી માને છે. આખરે તો સામાની પ્રતિજ્ઞા તુટી અને હજામ પાસે પોતે જ હજામત કરાવી અને ગામને છૂટ મળી. હજુ પણ એજ હજામો સામાના હજુરી તરીકે રહે છે.

          લગ્ન સરામાં આ પટેલ પોતાના છોકરાંઓને પરણાવા વિરાણી આવેલા તેના સગાવહાલાએ તો ચોરીથી લગ્ન કરવા નક્કી કરેલું તેથી આ પટેલને મન તો આભ ફાટા જેવું થયું જેથી રાતના બાર વાગ્યા સુધી લગ્ન અટકાવ્યાં પણ પોતાની મમત મૂકી નહીં. આખરે ધોવા પડીને પરણાવ્યાં. પોતાના તેમજ પોતાના ભાયાતોમાં વવરૂના આણામાં પોતે ખાઈ પીને તેડી આવ્યા પણ જ્યારે છોકરીઉંના માબાપો તેડવા ગયા ત્યારે કહ્યું કે તમે વિરાણીવાળાએ ચોરીઉં કરી તેથી અમે જમાડશું નહી ! આ મમતમાં સામા વિરાણીવાળા હોવાથી પટેલ ફાવ્યો નહી પણ પોતામાં હતું એટલું બળ તો અજમાવ્યું. તે સિવાય આ પટેલ લોફરપણામાં એટલે વ્યભિચારીપણામાં પણ એક્કો છે. કોટડામાં કણબી નાનજી માવજી લીંબાણીનું ઘર ફજેત કરવામાં આ પટેલનો મુખ્ય હાથ છે. તે કણબી નાનજી માવજી તથા તેના કુટુંબીઓ સામાની શેહમાં બોલી શકતા નથી. વિરાણી ગામના ભીમજી લધા ગોગારીની દીકરી લખમાબાઈ તે કણબી નાનજી માવજીની વહુ થાય છે. આ બાઈ ઉપર સામાની કુદૃષ્ટિ થઈ. બાઈને અનેક લાલચોથી સામે ભોળવી પણ બાઈ સામાના તેજમાં તણાણી નહી તેથી સામે તે બાઈ ઉપર અનેક પ્રકારના આક્ષેપો મૂકી બંને માણસમાં કુસંપ કરાવ્યો, તે એવો તો કુસંપ થયો છે કે ધણી ધણીઆણી એકબીજાને શત્રુ સમજે છે. બાઈ લખમાબાઈ વિરાણીમાં પોતાના માવિત્રોને ત્યાં રહે છે. ગયા વિવાહ પ્રસંગે બાઈને તેડવા માટે ગામ કોટડાના એક ડઝન આસામીઓ આવેલા ત્યારે બાઈએ સામા પટેલને બોલાવવા કહેલું તેથી નાનજી સામાને તેડી આવ્યો. આ બંને માણસોમાં શું તકરાર છે તે જાણવા વિરાણીના જ્યોતિ ધામમાં સેંકડો ભાઈઓ ભેગા થયેલા ત્યારે બાઈ લખમા બાઈએ પોતા ઉપર વિતેલા જુલમનું બ્યાન કર્યું અને સામે પટેલે આ જોડું જે પ્રથમ પ્રેમમય જીવન ગાળતું હતું તેનું કેવું પરિવર્તન કરી નાખ્યું છે એ સૌના ખ્યાલમાં આવ્યું. આ વખતે વિરાણી યુવક મંડળના ભાઈઓ તથા બાઈ લખમા બાઈના ભાઈઓએ સામા પટેલનું જે અપમાન કર્યું હતું તે તો સામો જ સહન કરી શકે કારણ કે તે ગુન્હેગાર હતો. આ અપમાનનું વેર વાળવા તેણે પાછો નાનજીને ચડાવ્યો અને પોતાની સરદારી નીચે આ બાઈને વિરાણીમાંથી ભીમજી લધા વિગેરે સહુ કરાંચી હતા તે તકનો લાભ લઈ નાનજીના હાથે બાઈને પકડી તેના કેશ ઝાલી જેમ સભા મંડપમાં દુશાસન દ્રૌપદીના વાળ ખેંચી સભામાં ઘસડી લાવ્યો હતો તેવી જ રીતે મુવેલા ઢોરની માફક બાઈ લખમા બાઈના વાળ ઝાલી તેને ઢસડીને માર મારીને કોટડે લઈ ગયા અને ત્યાં તેને કેદ રાખી. સામા પટેલે પોતાને થયેલા અપમાનનો બદલો આ બાઈ તરફથી છેવટે લીધો અને સંતોષ માન્યો. આવા જાલીમ શેતાન પટેલની વાતો અને તેના ચારિત્રોનો તો કંઈ પાર જ નથી. હમણાં જે કોટડાના કણબી નાનજી માવજી તથા લખમા બાઈની ઉપર વર્તાવેલ જુલમી કથા કહી તેમાં એક જ પક્ષની વાત આવી છે. પરંતુ જ્યારથી બાઈને પોતાના ધણીમાં પાણી નથી અને સામા પટેલની શીખામણે ચાલે છે એમ લાગ્યું ત્યારથી તે વિરાણીમાં રહે છે છતાં એ બાઈની ચાલ ચલગત માટે પણ મને તેમજ ઘણા ભાઈઓને શંકા છે. મારા સાંભળવા પ્રમાણે બાઈની માતાજીને ભારે મમત થઈ છે કે મારી દીકરીને કોટડામાં સામો પટેલ છે ત્યાં સુધી મૂકવી જ નથી અને એવા જ પ્રકારે ભીમજી લધા ગોગારીને પણ અવળો વટ ચડી ગયો છે. જેથી ભીમજી પણ જેવી રીતે લખમા બાઈને ભુંડી રીતે ઢસડીને કોટડે લઈ ગયા અને કેદ રાખી હતી તેવી જ રીતે ભીમજી પણ લાગ શોધી તે પોતાની દીકરીને કોટડેથી છાનોમાનો તેડી આવ્યો છે. મારી તો સલાહ એ છે કે દીકરી સાસરે શોભે. ભાઈ નાનજી માવજીને મારી એ ભલામણ છે કે સામા પટેલના વરાડે ન ચડતાં પોતાનું ઘર ગધેડે ચડે છે એનો ખ્યાલ કરી એકબીજાના દોષો ભૂલી જઈ સંતોષથી અને સ્નેહથી ઘરસંસાર ચલાવવામાં જ ફાયદો છે. બાયડીઓને વશ કરવાનું સાધન મારકુટ નથી પણ સ્નેહ છે. એટલું લક્ષમાં લે આવી મારી વિનંતી છે.

          નેત્રાના કરમશી ગેઢેરા માટે તો આખી નાતમાં જણ બચુ તેના અસુરી સ્વભાવ અને તેના જાલીમ કૃત્યોને જાણે છે. વિરાણી સભામાં તેનું થોડું અવલોકન કર્યું છે. રવાપરના મુખીએ કણબી જ્ઞાતિને નીચું જોવડાવનારું અને છેક જ હલકી પાયરીએ નાતને મેલી દેવાનું કામ આપણા કણબી ભાઈઓના હાથે કરાવ્યું છે તે કામ એ છે કે પીરાણાવાળા લખુ કાકાની વેલનો બળધીઓ રવાપરમાં મરી ગયો તે બળધીયો કાકાનો હતો તેથી તેણે કણબીઓએ કાંધ દીધા અને કણબી જ્ઞાતિમાંથી કોઈ ભાઈ મરી ગયો હોય તેવા જ પ્રકારે ધરોદ કલમો પડી તેને દફનાવી દેવાની ક્રિયા કરી અને પોતે એક મહાન ધર્મનું કામ કર્યું છે તેવો સંતોષ માન્યો.

          કોટડાના સામા પટેલના પ્રતાપે હજામતો કરવાના ધંધામાંથી કોટડાના ભાઈઓ મુક્ત થયાં છે. એવો સંતોષ માન્યો ત્યારે રવાપરના મુખીના પ્રતાપે મેગવાળના ધંધામાંથી છુટી જવાનો સંતોષ રવાપરના ભાઈઓએ માન્યો. ભાઈઓ આવી આવી મીઠી મશ્કરી કરવાનો અર્થ એ છે કે આપણી કણબીની નાત આવા જાલીમ શેતાનોની કેટલી ગુલામ થઈ ગઈ છે કે ન કરવાના ધંધા પણ આગેવાનોના હુકમે કરવા પડે છે. માટે ભાઈઓ, છેવટે મારી એટલી જ વિનંતી છે કે આગેવાનોથી કોઈએ દબાવાની કશી જરૂર નથી. તમે તમારા પગ ઉપર ઉભતાં શીખો અને કુર્મી ક્ષત્રિય ગણાતી જ્ઞાતિની છેક અધમ દશા જે કહેવાતા આગેવાનોએ કરી છે તેના બંધનમાંથી છૂટી તમે સ્વતંત્ર થાઓ અને સુખી થાઓ અને આ દુનિયામાં ઉજ્જવળ મુખ રાખીને સંસારયાત્રા પુરી કરો એ જ મારી સભાજનો પ્રત્યે નમ્ર વિનંતી છે.

          આ ઠરાવને અનુમોદન આપતાં ગામ દેશલપુરવાળા ભાઈ પ્રેમજી હરજીએ જણાવ્યું કે :—

          વહાલા ભાઈઓ માતાઓ અને બહેનો !

          આગેવાનોના જુલમ સંબંધી મારાથી આગળ ભાઈ રતનશી શીવજી અને રતનશી ખીમજી કહી ગયા તેને હું ખરા અંતઃકરણથી ટેકો આપું છું અને વળી તેથી વિશેષ મારા ઉપર આગેવાનોએ જે જુલ્મ કર્યો છે તેમાંથી ટૂંક વર્ણન આપને સંભળાવવા થોડો વખત હું લઈશ. મને જો કે બીજા ભાઈઓના જેમ પદ્ધતિસર બોલતાં આવડતું નથી પણ આ તો ખાસ મારા ઉપર ગુજારેલ હકીકત આપને કહીશ તેથી આપ જરૂરથી તે સમજી શકશો.

          ભાઈઓ ! અમે દેશમાં વિવાહ કરવા ગયા હતા તે વખતે ભાઈ કરમશી લધાથી થોડા દિવસ રહીને હું દેશમાં ગયો હતો તે વખતે રસ્તામાં જતાં અમો ગામ કાદીએ અમારા વેવાઈના ઘેર એક રાત રહ્યા હતા અને ત્યાં જમ્યા હતા. તે પછી બીજે દિવસે અમારા ગામ હું ગયો ને ઘરે સામાન રાખીને બેઠો તો ભાઈ કરમશી લધા આવ્યો અને કહ્યું કે તમો છાંટ નંખાવા ચાલો, ત્યારે મેં કહ્યું મુખીને તેડી આવો. તેથી ભાઈ શીવજી નથુને મુખી પાસે મોકલ્યો તો અમારા ગામના મુખી શીવજી ગોવાએ કહ્યું કે પ્રેમજી હરજીને છાંટ નાખવાનો મને હુકમ નથી. તેથી હું મારે રહ્યો. બીજે દિવસે પટેલ ખેતો આવ્યો તે વખતે મને તેડાવીને કહ્યું કે તે છાંટ કેમ ન નંખાવી? મેં કહ્યું મુખીએ મને છાંટ નાખવાની ના કહી તેથી પછે અનેક વખતે અમોએ તેને કહ્યું તેઓએ અમોને ઘણી જ આશાઓ આપી પણ “મુઈ માના ભોભા જેવી” તેથી હું અંતે નેત્રે ગયો પણ કોઈએ માન્યું નહી ને મારા છોકરાનો વિવાહ કરવા દીધો નહીં. મારો વેવાઈ બિચારો મને ઘણો સમજાવે કે હું વિવાહ કરવા તૈયાર છું પણ મારો બાપ (જે મારા છોકરાનો ડાડોજી) તથા કરમશી ગેઢેરો અને નાયો ભાદાણી માને તેમ નથી, ભાઈઓ જુઓ તો ખરા કે આપણા છોકરાના પણ માલિક તે ચંડાલ ગેઢેરાઓ છે. ભાઈઓ તે દિવસ તો તે લોકો વિવાહ કરવા ન દીધો પણ હમણા મારા છોકરાની વહુ ઉંમર લાયક થઈ છે જેથી તેનો બાપ મારો વેવાઈ ગેઢેરા પાસે ગયો ને કહ્યું કે મને રજા આપો કે મારી દીકરીનો વિવાહ કરી નાખું. તો તેને કહ્યું કે ગામ દેશલપર ખેતા પટેલનો ધર્મ વરો થશે ત્યારે ખુલાસો કરશું. તો તે વખતે પણ મારો વેવાઈ ગયો ને કહ્યું ત્યારે તેને કરમશી ગેઢેરે કહ્યું કે ખુલાસો શું કરવો છે, તમો પોતે ગમે ત્યાં પરણાવી દો ! ત્યારે મારે વેવાઈએ કહ્યું કે હું બીજે ક્યાં પણ ઉકારૂ ને મારો વેવાઈ વાંધો લે તો તેનો કોણ જામીન? આટલું કહ્યું કે પેલા કરમશી ગેઢેરાને કોર્ટની કામની તો ખબર હતી કે તેણે નખત્રાણાના શેઠ વેલજી માધવજીના બંગલામાં ફોજદાર સાહેબના રૂબરૂ કાન પકડીને ઉઠબેસ કરી હતી તે વખતે આંખમાંથી પાણી નીકળ્યા હતા. તેથી તેણે કહ્યું કે અમો જામીન નથી. ત્યારે મારા વેવાઈએ કહ્યું કે તો આ મારી દીકરી નથી પણ નાતની છે. નાતની મરજી હોય ત્યાં ઉકારી દે તો તેમ કરતાં પણ કરમશીના પગ થર રહ્યા નહીં. ત્યારે મારે વેવાઈએ નમતું મૂક્યું અને મને કાગળ લખવા શરૂ કીધા. હવે ભાઈઓ આ કેટલી જુલમની વાત છે ! કરમશી ગેઢેરો નાતનો પટેલ, નાયો ભાદાણી નાતનો પટેલ જેણે અનેક વ્યભિચારના કામ કરેલ છે જેનો એક કેસ હજી પણ ચાલે છે માટે ભાઈઓ આવા આગેવાનોને હવે આપણે જરૂરથી બરતરફ કરવા જોઈએ. નકાં કાંક આપણે હિન્દુપણામાં રહ્યા છીએ તે પણ રહેવા મુશ્કેલી છીએ. વળી કરમશી ગેઢેરા નાતનો પટેલ છે જે હંમેશા સૈયદના પગ પૂજ્યા કરે ને તેની બનાવેલી ચાહ પીધા કરે, નમાજ પડ્યા કરે ને વળી સર્વથી નીચ વ્યભિચારીનું કામ તો જેનો મુખ્ય ધંધો છે તેવા માણસને આપણે આગેવાન કહેવો એ પણ એક આપણા માટે મોટી કાળી ટીલી છે. તે ઉતરતા ગેઢેરાનો કુતરો જે ગેઢેરાને શિકાર લઈ આવી દે તે કણબી નાયા ભાદાણીને તો હવે આપણે શું કહેવું? તે નીચ નિર્લજને તો શરમ પણ નથી કે તેણે અનેક વખત વ્યભિચાર કરેલ અને અનેક વખત પકડાયો. જેનો એક કેસ હજી પણ કોર્ટમાં ચાલે છે. આવા આગેવાનોના જુલમથી આપણે કેટલા દિવસ બીવું માટે મારી તો આપને વિનંતી છે કે જેમ બને તેમ આ ચંડાળ ચોકડીને નાબુદ કરો. બસ આટલું બોલી બેસી જવાની રજા લઉં છું.

ઠરાવને વિશેષ અનુમોદન આપતાં ભાઈ ખીમજી શીવજીએ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ વ્હાલા સદ્‌ગૃહસ્થો, જ્ઞાતિ ભાઈઓ અને બહેનો ! આપણા ઉપર આગેવાનો  જુલમ ગુજારતા જરાએ અચકાતા નથી ને આપે મારાથી આગળના ભાઈઓ બોલી ગયા તે ઉપરથી જાણ્યું હશે તેથી વિશેષ આપને હું કહીશ કે હું મંગવાણામાં રહું છું તથા આગળ તે ગામમાં કાયમના માટે રહેતો નથી. મારી મા ત્યાં મારા નાનાણામાં જઈને રહ્યાં છે તેથી મારું ત્યાં હાલ કુટુંબ પણ નથી. બે વર્ષ પહેલાં મારી માતુશ્રી ત્યાં રહેતાં હતા ને હું મારા છોકરાંને તેડીને આંહી રહેતો હતો જ્યારે કરાંચીમાં મંડળ થયું અને તેણે જ્ઞાતિ સંબંધી ચર્ચા કરવા માંડી ત્યારથી અમારા ગામ મંગવાણાના કણબીઓની આંખ મારા ઉપર ગઈ કારણ કે હું પણ મંડળમાં મેમ્બર તરીકે હતો ને છું. વળી અહીંથી બેચાર જણાઓ ભેગા થઈને દેશમાં ગામના પટેલ ઉપર કાગળ લખે કે ખીમજી શીવજી તો મંડળવાળા ભેગો ખાય પીએ જાય આવે છે અને ખાને આવતો નથી. સૈયદને માનતો નથી વગેરે. તેથી તે ગામના કણબીઓ મારા મામાને કહે તમો તમારી બેનને સમજાવો કે ખીમો ફીટી જશે અને નાતથી ટળી જશે. તેથી મારી મા અને મારો મામો મને કાગળ લખે કે તું ઠોલીયા સુધારાવાળા ભેગો જજેમાં, નહિ તો નાત અમોને નાત બહાર કરશે. તેના હું પણ મારી  બુદ્ધિ મુજબ જવાબ દઉં. એમ કરતાં પહેલી પરિષદ કરાંચીમાં ભરાણી ત્યારે પણ તેની અંદર મેં ભાગ લીધો હતો અને વળી પરિષદની બેઠક જે મુંબઈમાં ભરાણી હતી તેમાં પણ હું ગયો હતો અને ત્યાંથી અમો ત્રણ જણ દેશમાં ગયા હતા. તે માનકુવાથી થઈને મંગવાણે અમો ગયા ત્યારે મારો મામો મારા પાસે રોયા અને કહ્યું કે તમોએ અમોને નાત બહાર કરાવ્યા.

          તે વખતે ભાઈ ખેતા ડોશા અને વિશ્રામ પાંચા પણ હાજર હતા. તે વખતે મેં મારા મામાને કહ્યું કે તમોને કેણે નાત બહાર કર્યા છે તો તેણે કહ્યું કે હીરા પટેલે. મેં કહ્યું ચાલો તેની પાસે ત્યારે તેણે કહ્યું નહી હાલું. આજ તમો છો ને કાલે જ્યારે તમો પરદેશ જાઓ ત્યારે અમારા તે વળી પાછાં કોમાંમ કરે. તેથી અમો હીરા પટેલ પાસે એકલા જ ગયા અને કહ્યું કે તમોએ મારા મામાને કેમ નાત બહાર કર્યા છે, તેને ક્યો ગુનોહ કર્યો છે? અમારા ગામનો પટેલ હીરો બહુ જ નીચ લુચ્ચો માણસ તેથી તે ફરી ગયો ને બોલ્યો કે અમોએ તેને નાત બહાર કર્યા નથી પણ અમારાનું કેવાનું એ છે કે તમો બીજું કરો પણ પીરાણા ધર્મનું અને આગેવાનોને કંઈ ન કહો ! મેં મારા મામાને બોલાવી રૂબરૂ કરાવ્યા અને તે વખતે તો મારી બીકના લીધે મારા મામાને કહ્યું કે તમોને કેણે નાત બહાર કર્યા છે. અમોએ કેણે પણ કહ્યું નથી, હવે અમો મારા મામાને ઘેર આવ્યા અને ત્યાંથી માંડવી જવાના માટે ગાડીની પુચ્છા કરવા લાગ્યા. પણ ગાડુ કોઈ આપે નહીં તેથી મેં હીરા પટેલને કહ્યું અને હીરા પટેલે મારા મામાને રજા આપી. કહો ભાઈઓ આ નીચ આગેવાનોના જુલમની હવે કેટલી વાત કરવી. ઘણી રૂબરૂ થાય ત્યારે ફરી જાય અને પાછળ ઘરના કુટુંબના માણસોને સતાવે. જો તેઓ સાચા હોય તો કાં રૂબરૂ આપણને નથી થતા? જો રૂબરૂ થાય તો તો બધો પોકળ ખુલી જાય તેથી તે પોતાના કાળાં મોઢાં છુપાવતા જ ફરે છે ને પાડાની બદલીમાં પખાલીને ડામ દીધા કરે છે. તમો જ્યારે વિવાહ કરવા બંને પાંચાડાવાળા ભાઈઓ ગયા ત્યારે કચ્છમાંથી મને દેશલપરથી ભાઈ પ્રેમજી હરજીના અને રતનશી શીવજી રવાપરવાળાના કાગળ હંમેશાં આવતા કે ભાઈઓ આગેવાનો અમારા ઉપર એટલો જુલમ ગુજારે છે કે હવે તે સહન થતા નથી, તેથી તેના પાપના ઘડા ફોડવા સિવાય તે માને તેમ નથી. તો પણ હું તે ભાઈઓને ધીરજ આપતો હતો. પણ હવે મને પાક્કી ખાતરી થાય છે કે આગેવાનોને જરૂરથી પાધરા કરવા જોઈએ નકા તે માને તેમ નથી. માટે દરેક ભાઈઓ જેને આગેવાનોના હુકમોની ખબર હોય તેઓએ ખુલ્લાં પાડવાં જોઈએ એટલું બોલી મારું બોલવું પુરું કરું છું.

ભાઈ લધા હરજી ગામ કોટડાવાળાએ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ અને ભાઈઓ,

          મહેરબાની કરી સર્વે તમો ભાઈઓને મારી ભલામણ છે કે જેમ બને તેમ આપણા ગેઢેરાનો ઠરાવ જે ભાઈ રતનશી શીવજીએ રજુ કર્યો છે તે પાસ કરો કેમકે તેને આપણે જેેટલા નમશું તેટલા એ આપને મારશે. જુઓ મારા કાકાના દીકરા પ્રેમજીનું સગપણ ગામ ખોંભડીના કણબી શીવજી નોંખે વાસાણીને ઘરે કરેલ છે તે છોકરાં ઉંમરલાયક થયા ત્યારે મેં તેને કહ્યું કે હવે આપણે ઘરઘેણો કરાવી નાંખીએ. ત્યારે તેણે કહ્યું કે જ્યારે વિવાહમાં હાલશું ત્યારે ત્યાં આગળ કરી લેશું તેથી અમો ધીરજ ધરીને બેઠા હતા. પણ જ્યારે વિવાહમાં ગયા ત્યારે હું ખોંભડી ગયો ને વેવાઈને કહ્યું ત્યારે વેવાઈએ તેના ગામના મુખી અરજણ ડાયા તથા ભગત વસ્તા ખીમાને તેડાવ્યા ને વાત કરી તો તેણે કહ્યુંં કે તમો લખી દ્યો કે મંડળમાં જશું નહીં. પીરાણાધર્મને માનશું. આગેવાનો કહેશે તેમ કરશું, આટલી બાબતો લખી દ્યો તો અમો ઘરઘેણું કરવા દેશું નકા નહીં કરવા દઈએ. આટલું કહીને ઊઠી ગયો પછી મેં મારા વેવાઈને વેવાણને કહ્યું કે તમો હવે શું જવાબ દ્યો છો તે વખતે તો વેવાઈનો પાવર વધી ગયો હતો તેથી તેણે માન્યું નહીં ને ઉલટા સુલટા જવાબ દીધા પછે મેં અનેક વખત ચોવટ કરી પણ તેણે માન્યું નહીં પણ છેલ્લી વખતે અમારા ગામનો હીરા પટેલ મને તેડીને ગયો તો તેણે શરમાવ્યાં ત્યારે વેવાઈને વેવાણ માન્યા ને ઘરઘેણું કર્યું. કહો ભાઈઓ આવા નીચ માણસો આપણા આગેવાનો શોભે ખરા કે? માટે તેને જલદી ખારીજ કરવા જોઈએ એજ. એટલું બોલી બેસી જાઉં છું.

          આ ઠરાવના ટેકામાં ભાઈ કાનજી કેશરા ગામ દયાપરવાળાએ જણાવ્યું કે :—

          મહેરબાન પ્રમુખ સાહેબ અને જ્ઞાતિભાઈઓ માતાઓ અને બહેનો, મારા કરતાં આગળના ભાઈઓ ગેઢેરા સંબંધે ઘણું બોલી ગયા છે. ગેઢેરાઓની વાતો કરીએ તો પાર આવે તેમ નથી. ઉગમણો અને વચલા પાંચાડાની વાતો તો ભાઈ રતનશી ખીમજીના ભાષણથી આપણે જાણી છે. હું તો તમને અમારા તરફના આથમણા પાંચાડાની વાત કહું છું. અમારા તરફના આગેવાનોમાં મુખ્ય કરીને નેત્રાવાળો કરમશી ગેઢેરો છે. તે ગેઢેરાની હું તમને શું વાત કહું ! એણે પોતાની જિંદગીમાં નાતનું ભલું થાય એવું એક પણ કામ કર્યું નથી. પોતે લોફર માણસ છે તેવો તેનો દીકરો પણ છે. આ બાપ દીકરો બંને એક જ બાઈ સાથે વ્યભિચાર કરે છે જે વાત નેત્રા ગામ જાણે છે. તેમજ કરમશી ગેઢેરો અને તેનો દીકરો પણ જાણે છે કે આપણા કુકર્મની વાત પાધરી થઈ ગઈ છે પરંતુ તોય તેને શરમ આવતી નથી. નેત્રા ગામનો બીજો આગેવાન નાઈયો ભાદાણી. તેણે એક અતિતણ સાથે વ્યભિચાર કરેલ અને તેથી તે બાઈને હરામી હમેલ રહેલ જેનો કેસ કોર્ટમાં ચાલે છે. આવા ચારિત્રવાળા જે હોય તે આપણી નાતના આગેવાન ! તે સિવાય ગામ ખોંભડીના પટેલ વસ્તા ખીમા ભગવતે પોતાની દીકરી ઉપર બળાત્કાર કરેલ જેની નાલાયકીની આખા ગામને ખબર છે છતાં નાતમાં આગેવાન !

          ઘડાણીના મુખી મનજી દેવજીને એક બાઈ સાથે વ્યભિચાર કરેલ જેથી નાતે કોરી ૧૪૦ દંડ કરેલ, તે સિવાય ગામ તેજાળાનો મુખી ભીજી, ગામ તેજાળામાં આપણા એક ભાઈના ઘરમાં એક બાઈ સાથે વ્યભિચારીપણે વર્તતો હતો તે સપડાણો અને માટીના કોઠામાં લકાણો, તેમાંથી પકડાણો અને નાતે તેનો કોરી ૪૦૦ દંડ કર્યો તોએ ગેેઢેરાપણું હજુ મૂકતો નથી કારણ કે નેત્રાવાળા કરમશી ગેઢેરાનો તે ભાઈબંધ થાય છે. તે સિવાય ગામ પાનેલીના પટેલ હંસરાજ જેઠાએ પોતાના દીકરાની વહુ સાથે વ્યભિચાર કરેલ તેની પાસેથી નાતે બે વખત દંડ કોડી સાડી છસ્સો લીધો છે. ગામ ઘડુલીના પટેલ પરબત ખીમાને તો હવે આખી નાત ઓળખે છે. કારણ કે અકરીવાળા રામજી રતનાનો કેસ આજ પટેલે ઉપાડ્યો છે. ભાઈઓ આગેવાનોની વાતો કરતાં ઘણી જ શરમ આવે છે. પણ ગેઢેરાપણું કરતા આગેવાનોને શરમ આવતી નથી. જેટલા જેટલા હરામખોર માણસો છે તેજ ગેઢેરા છે. બીજાથી ગેઢેરાપણું થાય નહીં. માટે ભાઈઓ મેં કહ્યા તેવા નાલાયક ગેઢેરાથી આપણે અમથા બીએ છીએ. એમનાથી બીવું ન જોઈએ અને નાતનું ભલું થાય એવાં કામો યુવકમંડળ અને આ સભામાં થાય છે તેજ વાતને હોંકારો દેવો જોઈએ. આટલું બોલી હું બેસી જઈશ.

          પટેલ હીરા લાલજી ગામ કોટડાવાળાએ આગેવાનોના જુલમ સંબંધી ઠરાવને ટેકો આપતાં જણાવ્યું કે :—

          અમારા ગામમાં ચોરીઓ બાંધીને લગ્ન કરવાની જેમની મરજી હતી તે બધા ભાઈઓને અમે ચોરીઓ કરવા દીધી અને મેં મારાથી બનતી મદદ કરી, પણ કેટલાક વિરોધીઓએ ચોરીઓ કરી લગ્ન કરે તેના ઘરે ખાવું નહિ અને તેને નાતબહાર કરવા એવો ઠરાવ કરેલ, પણ હું દેશમાં રહું છું એટલે મને તો ગેઢેરાના જુલમની બરાબર ખબર છે. અમે ઠરાવ કરેલો કે ચોરી કરે તેને છુટ છે. અમારા ગામમાં ૭૦ ચોરીઓ બાંધીને છોકરાં પરણાવેલાં છે. વિવાહ કરીને ઘેર આવ્યા પછી ખાનાંને માનનારા આગેવાનોએ પાંચાડાની નાત ભેળી કરી, ચોરીઓ બાંધનારને નાત બહાર કરવા ભેગા થયા. અમને કોઈને તેડાવેલ નહિ. તેમણે ઠરાવ કરેલો કે ચોરીઓવાળા કોઈને ખવરાવું નહિ અને રાતમાં છાની રીતે એ વાતની સહીઓ લેવાનું કર્યું. માનકુવા વગેરેના જે જુલ્મી ગેઢેરાને આગેવાનો છે તેમને ખેપીયા મુકીને તેડાવેલા, સહીયો લેવા માંડી પણ અમારા ગામમાં ઘણા જણ ચોરીઓ બાંધનારા અને પીરાણાના ધર્મમાં વટલવું નહિ એવા વિચારના હતા એટલે કાંઈ બંધ બેઠું નહિ. અમને નાતમાં તેડાવેલા નહિ છતાં અમે વગર હાકલે ગયા. અમને કહ્યું કે તમને તેડાવ્યા નથી અને તમે કેમ આવ્યા? અમે કહ્યું અમને નાતબહાર કરવાનો પુરાવો શો છે? તમે લેખિત પુરાવો આપો વગેરે સવાલો અમે પૂછ્યા. છેવટે એ પાપી ગેઢેરાઓ ગભરાયા અને કંઈ જવાબ દઈ શક્યા નહિ. છેવટે અમને કહે કે ચોવટ કરીએ અને તેમાં ઠરાવ્યું કે તમે ખાંડ આપો બીજું કંઈ નહિ ! અમે કંઈ આપ્યું નહિ એટલે પોતાનો બોલ રાખવા ધર્માઉ પૈસામાંથી ખાંડ મંગાવી અને અમારું કંઈ કરી શક્યા નહિ. આવા ઘણી જાતના જુલ્મો આગેવાનો આપણી નાત ઉપર ગુજારે છે પણ જ્યાં સુધારાવાળા ભાઈઓ હોય છે ત્યાં તેમનું કંઈ ચાલતું નથી, છતાં હજી જુલમ તો બહુ કરે છે. જ્યાં થોડા ભાઈઓ હોય ત્યાં તેઓ બહુ જુલમ કરે છે, માટે આ નાતે તેમનો જુલમ બંધ પાડીને તેમને ગેઢેરાપણું કરતા અટકાવવા જોઈએ તોજ આપણી નાત સુખી થશે.

          આગેવાનોના જુલમના ઠરાવને ટેકો આપતા વિરાણીના જ્ઞાતિ ભક્ત નારાયણજીભાઈ રામજીએ જણાવ્યું કે : મહેરબાન પ્રમુખ સાહેબ જ્ઞાતિબંધુઓ અન્ય ગૃહસ્થો માતાઓ અને બહેનો ! મારા બોલવા કરતાં આગળના ભાઈઓ આગેવાનોના જુલ્માટ ભરેલા કાર્યોની ઝાંખી સભાજનોને કરાવી ગયા છે. એટલે હવે આગેવાનોના માટે નામ જોગી યાદી આપવા જેવું તો સાધન મારી પાસે રહ્યું નથી, તો પણ મને પડેલી ફરજને લઈ મારે કંઈક આપને એ સંબંધે કહેવું જોઈએ.

          કચ્છના કણબી જ્ઞાતિમાં મનાતા આગેવાનોના ચારિત્રની નોંધ ભાઈ રતનશી ખીમજી વગેરે આપની સમક્ષ કહી સંભળાવી છે. કહેવાતા આગેવાનોના અત્યાચાર ભરેલાં કાળાં કૃત્યો એટલે અમાનુષિપણું, અનેક પ્રકારના જુલમ અને ત્રાસના માટે કણબી જ્ઞાતિની નિર્દોષ પ્રજા ત્રાય ત્રાય પોકારી રહી છે. કહેવાતા આગેવાનોના સામે થયાની જે સુધારકોમાં જાગૃતિ આવી છે તે જાગૃતિને જમીનદોસ્ત કરવા માટે આગેવાનો પોતાથી બની શકે તેવા દરેકે દરેક ઉપાયો અજમાવે જાય છે. બળજબરીથી નાત બહાર, દંડ ઈત્યાદિ આગેવાનોના જે કાતીલ હથિયારો છે, તેને સુધારક ભાઈઓએ બુઠ્ઠાં તો કરી દીધાં છે તો પણ એ બુઠ્ઠાં હથિયારોથી પણ જ્ઞાતિ સુધારકોમાંના કોઈ ગરીબ ભાઈ અથવા બહેનોને પરાસ્ત કરવાનું આગેવાનોએ ચાલુ રાખ્યું છે. હદપાર વિનાની આગેવાનોની નાલાયકી જ્યારે જ્યારે ખુલ્લી થાય છે ત્યારે અમાનુષિ વર્તણુકવાળા આગેવાનો થોડીવાર શાંત થઈ જાય છે પણ પોતાની સત્તા ઢીલી થઇ જશે તો કણબી જ્ઞાતિમાં તેમને કોઈ માનશે નહીં, તદુપરાંત પોતાની જ્ઞાતિને ચુસીને હરામી કમાણી કરવાનું ટળી જશે એ હેતુથી કહેવાતા આગેવાનો હડકાયા જાનવરોની જેમ અમાસ પુનમની ગુરી આવે છે. તેમ આગેવાનોને ગમે તે બહાને રહી રહીને નિર્દોષ જ્ઞાતિ ભાઈઓ તેમજ બહેનોને કચડી નાંખવાની ગુરીઓ આવ્યા જ કરે છે. કહેવાતા આગેવાનોમાં ખાનદાની અથવા માણસાઈપણાનો છાંટો સરખો પણ છે નહીં. જમાને એમને સમજતા તો કર્યા છે પરંતુ પોતે જ્ઞાતિ ઉપર જુલમ કરે છે એવી ભુલ કબુલ કરવામાં આગેવાનોને સ્વાર્થનો ત્યાગ કરવો પડે એમ છે. તેથી એવી ભુલ કબુલ કરાતી નથી. સ્વાર્થ બુદ્ધિએ, કહેવાતા આગેવાનોને આંધળા બનાવ્યા છે. આટઆટલું આગેવાનો માટે કહેવાય છે, છતાં તેમને લાજ કે શરમ આવતી નથી. એટલું જ નહી પણ આગેવાનો જ્યાં જાય છે ત્યાં હડધુત પણ થાય છે. પીરાણાના કાકાઓ અને સૈયદો પણ તેમનું માનતા નથી. જ્ઞાતિપંચના પૈસે તાગડધીન્ના કરનારા આગેવાનો છેલ્લી વખત ગઈ સાલે પીરાણામાં લક્ષ્મણ કાકાનો પક્ષ કરવા ગયા હતા, ત્યાં કે છે કે તેમને ખાવા પણ કોઈએ ન આપ્યું? છતાં મીયાં પડ્યાં તોય ટંગડી ઊંચી એ કહેવત પ્રમાણે આગેવાનોની દશા છે. ખાનદાન અને ડાહ્યા માણસોનો ધર્મ તો એ છે કે પોતાની ભુલ થઈ હોય ત્યારે તે નિખાલસપણે કબુલ કરે છે અને એ ભુલમાંથી ઉગરી જવાનો આનંદ માણે પણ કચ્છના કણબી જ્ઞાતિના જુલમગાર આગેવાનો તો પાકા ગુનેગાર ઠરે ત્યારે પણ પીરાણે જઈને બેડીઓ પેરવાની વાતો કરે છે. પરંતુ ગુનો કબુલ કરતા નથી છતાં જ્યારે કોર્ટથી સપડાય છે અને કોઈ ઉપાય તેમના માટે રહેતો નથી ત્યારે પણ ન્યાયની વાતને પરાણે મહા મુશ્કેલીએ નમતું આપવું પડે છે. ત્યારે પણ કોટડાનો સામો પટેલ કે નખત્રાણાનો શીવજી પટેલ અથવા તો મંગવાણા અને કુરબઈના હીરા જસા કંપનીની માફક ચિડાય છે અને વખત આવે તેનો બદલો લેવા મથે છે.

          મને લગભગ વીસ વર્ષ થયા યાદ છે, તે પ્રમાણે કણબી જ્ઞાતિમાં કહેવાતા આગેવાનો આપણી જ્ઞાતિની પંચાયત કરી કોઈ ભાઈને કોર્ટ દરબારે ન ચડવું પડે તે ખાતર ગામ ગામના આગેવાન પટેલો ભેગા થઈ જ્ઞાતિ ભાઈઓને ન્યાયના નામે ફેંસલા કરે છે. તેમાં જ્ઞાતિને ન્યાય આપવાનો ખોટો દંભ કરતા આવ્યા છે. જ્યાં જ્યાં તેમનો સ્વાર્થ ન સધાતો હોય અને કોઈ ભાઈ ન્યાય કરનાર આગેવાનોના ખીસ્સાં ન ભરે તો તે ભાઈ પ્રત્યેનો ધર્મ કે નીતિને વેગળી મૂકી આગેવાનો પોતા પાસેના બ્રહ્માસ્ત્ર રૂપી નાત બહાર કરવાના અને દંડ લેવાના હથિયારો તે ભાઈના સામા કરે છે. મધમાખીઓને કનડ્યા વગર મધ મળે ત્યાં સુધી તેમને કનડવા કોણ જાય પણ, મધ મળવામાં સેજ પણ વાંધો આવ્યો કે તરત જ તેને ગુંગળાવી નાંખનારો ધુમાડો કે પછી બાળી નાખનારું તાપણું નીચે તૈયાર જ ! તેવી જ રીતે જો કોઈ ભાઈ સીધે સીધું આગેવાનોનું મન ન મનાવે તો નાત બહાર અથવા તો દંડ વિગેરેનું તાપણું તૈયાર જ ! આ પ્રમાણેની આપણી સ્થિતિ છે. દરેકે દરેક જ્ઞાતિમાં જ્ઞાતિ પંચ મારફતે ન્યાય અપાય છે. પરંતુ કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિમાં ન્યાય આપનાર તરીકે આગેવાન ગેઢેરાઓએ જોહુકમી સત્તા ચલાવી કચ્છની કણબી કોમને નામર્દ કરી નાંખી છે. તેવું શું તમે બીજી અન્ય જ્ઞાતિઓમાં સાંભળ્યું છે? કણબી જ્ઞાતિનું હીર અને વીરત્વને બાળીને નપુંસક કરી મૂકવાનું આગેવાનોનું મુખ્ય કર્તવ્ય તેને જ્ઞાતિ સુધારકો હવે ચલાવી લે તેમ નથી. કચ્છના કણબી જ્ઞાતિના આગેવાનો એમ માને છે કે અમો બાવા ઈમામશાહના ઘેરથી અમર પટો લખાવી લાવ્યા છીએ અને તેથી જ જ્ઞાતિને ગમે તે પ્રકારે કનડી તેને તરછોડી ચુસી લેવાનો કેમ જાણે તેને હક્ક નહોય તેવી રીતે જ્ઞાતિમાં ત્રાસ ત્રાસ વરતાવી રહ્યા છે. પરંતુ આગેવાનોએ જાણવું જોઈએ કે સૈયદ ઈમામશાહે પણ ત્રેસઠ વર્ષ જીવી તેમાં પોતાથી બન્યું તેટલું કાળું ધોળું કરી ભોળાં અને અજ્ઞાન હિન્દુઓને વટલાવીને પોતાની જાળમાં જકડ્યા છે પરંતુ આખરે તો તેના બાપ દાદાની માફક બીસ્તમાં કે પછી દોજખમાં પહોંચી ગયા છે. તેમજ આગેવાનોએ પણ કાળાં ધોળાં કરી એક દિવસ ચાલ્યા જવું છે.

          આગેવાનોને હું એટલું જ કહું છું કે તમે પણ તમારી જિંદગીમાં કાળાં ધોળાં ઘણાંએ કર્યાં છે. હવે તમો પણ તમારી બાજી સંકેલી લઈ જો માણસ થાઓ તો સારું નહીંતર તમારી છેલ્લી અવસ્થામાં તમારો કુટીલ મોભો અને કૃત્રિમ માન જળવાશે કે કેમ તેના માટે મને શંકા છે. મારા અંગત અનુભવ પ્રમાણે મને ત્રણ વર્ષ થયાં ખાત્રી થઈ છે કે કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિનો મોટો ભાગ જુલ્મી આગેવાનોની કુટીલ નીતિને હવે સમજી ગયો છે. તો પણ, તમો સઘળા ભાઈઓ ખાત્રીપૂર્વક માનજો કે આગેવાનો ક્રૂરતા, અમાનુષિપણું અને તેટલું જ અજ્ઞાનતા ભરેલું ડહાપણ કણબી જ્ઞાતિમાં કહેવાતા આગેવાનો ચલાવી રહ્યા છે અને તેના જાલીમ દોરનું ઉત્પત્તિ સ્થાન નેત્રા, કોટડા, માનકુવા અને મંગવાણા છે. કુરબઈના પટેલોના અત્યાચારોના સામે થવા જ્ઞાતિના ભાઈઓ પગભર થયા છે. કહેવાતા આગેવાનોના જાલીમ કૃત્યોને લાંબી વાર પોસવાને કણબી જ્ઞાતિની પ્રજા બિલકુલ તૈયાર નથી. આગેવાનોની દમનનીતિ પાછળ જે તેમના સ્વાર્થ રહે છે. તેને નિર્મૂળ કરવાથી આગેવાનો રાંક જેવા બની જાય તેમ છે. જો તમો સભામાં બેઠેલા બધા ભાઈઓ તેમજ બહેનો સમજી જાઓ અને આગેવાનો તરફના અન્યાયી હથિયારોથી ન ડરો અને પોતાની પેદાશમાંથી પાપ કર્મનો સંગ્રહ કરવા માટે જે ફરજિયાત દશોંદ વિગેરે લાગા આપવા પડે છે તે ન આપો તો આગેવાનો એની મેળે જ ઠેકાણે આવી જાય અને તેમની ક્રૂરતા અને જાલીમતાનો છેડો પણ આવી જાય. વાત વાતમાં આગેવાનો નાત બહાર કરતા, દંડ લેતા એટલું જ નહીં પણ ઘર ફાડી ધોળે દહાડે કન્યાઓના હરણ પણ કરતા, ભર બજારે મુવેલાં ઢોરની માફક કોઈ ભાઈ અથવા બહેનને ઢસડીને પોતાના કબજામાં કેદમાં રાખતા એ દિવસો હવે તેમના માટે રહ્યા નથી.

          ગઢશીશાવાળો ખેતો મુખી આઠ મહિનાની બાળકીઓ ઉપર વેર વાળે અને તેને સ્મશાન પહોંચાડવાના હુકમ કાઢે, અથવા તો હીરા જસાની કંપની પરાણે જ્ઞાતિ ભાઈઓને વટલાવે કે કોઈની વહુ દીકરીને કબજે રાખે કે છૂટકા કરે, નખત્રાણાનો શીવજી પટેલ પોતાને મુત્સદીમાં ગણાવી રાતોરાત કોઈને ઉપાડી જવું હોય તેમાં બહાદુરી માને અને કોટડાનો સામો પટેલ કોઈના ઉપર બળાત્કાર કરે અથવા ચોરીઉં કરનારને દંડ કરે અને કણબી ભાઈઓને હજામત કરી આપવાની ફરજ પાડે વળી નેત્રાનો કરમશી ગેઢેરો દમન નીતિથી કામ લે અથવા ભાઈ—બહેનને પરણાવે. તેમજ રવાપરનો મુખી મુવેલો બળદ કણબીઓ પાસે ઢેડાવે ! આ બધા જુલમોમાં અને છેવટે બધા જુલમગાર આગેવાનો ભેગા થઈ અકરીવાળા રામજી રતના જેવા નિર્દોષ ભાઈઓ સામે જ્ઞાતિ પંચના પૈસાથી બંડ ઉઠાવે, કોર્ટોમાં વિના કારણ જ્ઞાતિ પંચના પૈસાની બરબાદી કરે એમાં તો આગેવાનોએ શું લાભ લીધો છે તે આપણે નજરો નજર જોયું છે. મારું તો માનવું એવું છે કે આગેવાનોએ જ્ઞાતિ ઉપર દમનનીતિ અને વરતાવેલા ત્રાસથી જ્ઞાતિ સુધારકોનું કાર્ય એટલું તો સરળ થયું છે કે તમો સેંકડો વર્ષ સુધી આવી પરિષદો ભરો કે સભાઓ કરો તેમજ રિપોર્ટ દ્વારા જે કામ કરત તેના બદલે, એકાદ બે વર્ષમાં આગેવાનોની સ્વાર્થી સત્તા અને દમન નીતિના પ્રતાપે તમો સુધારકોમાં જે વીરત્વ અને બહાદુરીથી આગેવાનોના જુલમને તોડી પાડવાની હિંમત દેખાય છે તે માત્ર આગેવાનોના ન છાજતા જુલમનું જ પરિણામ છે. જેમ જેમ આગેવાનો મુર્ખાઈથી વધુ જુલમ કરતા જશે તેમ તેમ જ્ઞાતિના ભાઈઓ તેમનાથી છૂટા પડી તમારા આશ્રય નીચે આવતા જશે.

          હું આપને ખાતરીપૂર્વક કહું છું કે આગેવાનોના જુલમ એ આપણા સુધારક ભાઈઓને તો અમૃત સમાન હોઈ સુધારાના વૃક્ષને જોતજોતામાં ફળદ્રુપ બનાવી આપે છે. અધિક સખ્તાઈ અને અધિક જુલમ એ કેટલીક વખત આશીર્વાદ સમાન થઈ પડે છે. આગેવાનોની અમાનુષી વર્તણુકે અને જુલમે જ આપણને જાગૃત અને સાવચેત બનાવ્યા છે. હવે તો આગેવાનોના જુલમ અને તેઓની આપખુદીના માટે આપણે હંમેશા આતુર જ રહેવું જોઈએ. જ્ઞાતિના ધીર, વીર ભાઈઓ અને તેવી બહેનોને હું કહું છું કે તમે આ દુનિયામાં ઈજ્જત, આબરૂ અને સ્વમાનપૂર્વક જીવવા માગતા હો તેમણે આગેવાનોના જુલમની જ માગણી કરવી, એમાં જ આપણું શ્રેય છે. સાંભળ્યું છે કે જુલમગાર આગેવાનો પોતાનો એવો બચાવ કરે છે કે અમે નાતના રીતરિવાજ અને કાયદા પ્રમાણે ન્યાય આપી ગરીબોને સંતોષ આપીએ છીએ અને એટલા જ કારણસર નાત બહાર અથવા તો દંડ કરીએ છીએ. હું પણ કહું છું કે વ્યાજબી રીતે કોઈ ભાઈ વટલી ગયો હોય, કોઈથી સૈયદોનો સ્પર્શ થયો હોય, કોઈએ વ્યભિચાર કર્યો હોય, અથવા તો માણસ જાતને ન છાજતું કોઈ કાર્ય કર્યું હોય તેવાને નાત બહાર કરો અથવા તો દંડ કરો તેની કોઈ ના કહેતું નથી. પરંતુ આપણી જ્ઞાતિના આગેવાનોના ન્યાયી સૂત્રો એ છે કે આગેવાનોને કોઈ સાચેસાચું કહે તો તે નાત બહાર, સૈયદથી કોઈ વટલ્યો હોય ત્યારે એવી ફરિયાદ કરનાર નાત બહાર ! તેમજ તદ્દન સાચેસાચું આગેવાનોને કેમ કહ્યું, તે તે કહેનાર કોણ ! બસ તું પ્રમાણિકપણે વર્ત્યો કેમ, એ જ આરોપસર નાત બહાર ! આવા નાલાયક આગેવાનો કેવળ ન્યાય કરવાનો ડોળ કરે છે.

          અથવા તો કોઈ ભાઈ એવી વાત કરે કે આગેવાનો જુલમ કરે છે અને પીરાણા પંથ એ અર્ધદગ્ધ પંથ છે. આમ કેવું તે માણસ જુલમનો પુજારી નથી પણ તે સત્ય અને પ્રામાણિકતાનો સાચો પ્રેમી છે. આવા માણસોને જ્ઞાતિમાં મનાતા જુલમગાર આગેવાનો નાત બહાર કરે અને દંડ કરે છે. તેવા નાલાયક આગેવાનો સાથે મળીને તેમની પાસે જ દાદ ફરિયાદ કરવાથી આપણું ભલું થશે એવી બાયલી સલાહ આપનારા, તેમજ ગમે તે રીતે આવા જુલમી આગેવાનોની પાસે ક્ષમાની ભીખ માગવાની ઉમેદ રાખનારા ભાઈઓ પ્રત્યે મને દયા આવે છે. કચ્છની કણબી જ્ઞાતિમાં આગેવાનીપણું કરનાર જુલમગાર આગેવાનોને આપણે યાદ દેવરાવવું જોઈએ કે તમે તમોએ કરેલા જુલમના માટે લેશ પણ પસ્તાવો કરતા નથી અને તમારી જુલ્મી સત્તાને જ્યારે તમે નરમ કરવા નથી માગતા તો પછી આપણે તો એ જુલમગાર આગેવાનોને જણાવી દેવું જોઈએ કે તમારી જુલ્મી સત્તાને ઠોકર મારી અમો તો નીડરપણે જ્ઞાતિ ઉન્નતિના કાર્યોમાં આગળ વધ્યા જ જઈએ છીએ. કહેવાતા આગેવાનોમાં તાકાત અને શક્તિ હોય તો અમને અટકાવે. દુનિયામાં પોતાનું ગૌરવ યોગ્યતા અને કડવા પાટીદાર જ્ઞાતિનું અભિમાન પુરવાર કરી આપવા માટે જ જ્ઞાતિ સુધારકો સ્વતંત્રતાની પુજાના પવિત્ર કાર્યોમાં હરહંમેશ મચ્યા જ રહેવાના તેને કોણ રોકી શકનાર છે.

          આપણા યુવકમંડળ માંહેના કેટલાક ભાઈઓને મેં એવું બોલતા સાંભળ્યા છે કે, જ્ઞાતિ આગેવાનોના સામા થવું, પીરાણા ધર્મ તજી દેવાનો એકદમ બોધ કરવો, એ કંઈ નાનું શૂનું કામ નથી, એમાં તો ઘણા જણા ભેગા હોય, પૈસાનું પુરતું સાધન હોય તો જ જલદી થાએ. આવા આવા નમાલા અને ખોટા વિચાર કરવાથી પણ ઘણા ભાઈઓ જ્ઞાતિ સુધારામાં ભાગ લેતાં અટકી જાય છે. આવા નમાલા વિચાર કરનારા માણસો ખાસ કરીને આળસુ છે એમ તમે ચોક્કસ માનજો. ઘરથી બહાર ડોક્યું કાઢ્યા પહેલાં અને પોતાની શક્તિથી બની શકે તેટલું કરી બતાવ્યા પહેલાં માગેલી વસ્તુઓ ક્યાંથી મળે ! સ્વાર્થ ત્યાગ કરી ચાલવા માટે મુશ્કેલ અને અંધારી ગલી ગુંચીઓ વટાવીને નિષ્કામ નીડરપણે સેવા ધર્મના માર્ગે ચઢાય તો ત્યાં બધુ એ એની મેળે જ આવી મળે, પરંતુ આપણા સુધારકોમાં પણ દેખાવ પુરતો આગળ પડતા ભાગ લેનાર વ્યક્તિઓ જો મિથ્યા આડંબર કરવો હોય તો તે તૈયાર રહે છે. અન્ય સુધારક ભાઈઓ માટે પોતાથી કશું બની શક્યું નથી એટલું જ નહી પણ મિથ્યા અભિમાની અને ખોટા આડંબરવાળા ભાઈઓ પ્રત્યે જેમણે સત્ય—ધર્મ અને ન્યાયની દૃષ્ટિએ સાચા સુધારકોએ અનેક વખત પોતાની ફરજો અદા કરી છે. એવા ભાઈઓને પણ તું આમ કર — તારે આમ જ કરવું જોઈએ, એવા એવા મિથ્યા ફાંફાં મારનારા ભાઈઓનો પણ આપણી સમાજમાં કંઈ ટોટો નથી. માટે આવા ભાઈઓના નમાલા વિચારને હૃદયમાં જરા પણ પોષતા નહીં. હું સભાને ખાત્રી આપું છું કે આપણા માટે ઉત્તમ રસ્તો આપણી ઉન્નતિ થવાનો જે યુવકમંડળે તૈયાર કર્યો છે અને એ જ યુવકમંડળના પ્રતાપે આપણી આજે પરિષદ મળી છે, તેમાં જે ઠરાવો આગળ રજુ થઈ ગયા છે અને હવે બાકી રજુ થનાર છે તેના માટે તમો ધ્યાનપૂર્વક સાંભળી અને તે રસ્તે જ નીડરપણે વર્તમાન સ્થિતિમાંથી આપણે કાર્ય કરી આગળ વધવાનું છે, તે સિવાય આપણા સુધારકોને બીજો કોઈ રસ્તો નથી. ખરો વીર અને બહાદુર તો તે કહી શકાય કે આ સંસારનાં અનેક સંકટો સહન કરી, દુખથી પૂર્ણ એવા આ સંસારના તરંગો સામે ધીરજ છોડ્યા સિવાય પોતાનું અને જ્ઞાતિ બંધુઓનું જે ભલું કરે. ભાઈઓ, હું વિનંતી કરી આપને એટલું જ કહું છું કે જ્ઞાતિ સુધારક તરીકે તમેં જાહેર થયા છો અને જ્ઞાતિ ઉન્નતિના કાર્યનું જે બીડું ઝડપ્યું છે એ કાર્ય ચાલુ રાખો, તેની સાથે સહનશીલતા, પવિત્રતા ધૈર્ય અને મક્કમપણું કોઈ દિવસ ભુલશો નહીં. જ્યાં સુધી તમે શુદ્ધ ભાવથી જ્ઞાતિ સેવા કરતા રહેશો ત્યાં સુધી તમે કદી પણ નિષ્ફળ થવાના જ નથી. જગતજનની ઉમિયા માતા તમને કદી વિલા મુકશે નહીં અને તમારા ઉપર જગદંબાના બધા આશીર્વાદો આવશે.

          ઉપર જણાવેલા આગેવાનોને જુલમ અને ત્રાસ અટકાવવાના ઠરાવને નીચે જણાવેલા બીજા ભાઈઓએ વિશેષ અનુમોદન આપ્યું હતું અને જેને આગેવાનોના જુલમ સંબંધી માહિતી હતી તે ટુંકમાં જણાવી હતી. ગામ દેશલપરવાળા ભાઈ કરમશી લધા તથા વેલજી ગોપાલ તથા  વિરાણીના ભાઈ મેઘજી સામજી, ભાઈ શીવજી કાનજી તથા વીરજી કરસન ગામ નખત્રાણાના તથા વિશ્રામભાઈ પાંચા ગાંગાણીએ આગેવાનોનો જુલમ કેટલો અસહ્ય થઈ પડ્યો છે અને તે માટે આ ઠરાવ પસાર કરવાની કેટલી અગત્યતા છે એ સમજાવ્યું હતું.

ત્યારબાદ પ્રમુખ સાહેબે જણાવ્યું કે :—

          ભાઈઓ, વખત ઘણો થઈ ગયો છે અને આગેવાનોના જુલમ સંબંધે આવી કેટલીય રાતો સુધી બોલીએ તો પણ તેમના ઈતિહાસનો છેડો આવે તેમ નથી. મને પોતાને પણ અમારી તરફના જે જે ગેઢેરા છે તેનો અનુભવ પાક્કો થયો છે અને અત્યાર સુધી જે જે જુલમની વાતો આપણા ભાઈઓ આ સભામાં કહી ગયા છે તે સાંભળી જાય તેવી નથી. જ્યારે આવી મોટી સભામાં એ વાતનો બંદોબસ્ત ન થાય ત્યારે બીજું કોણ કરે? એટલા માટે તેમના જુલમ અટકાવવાનો આ ઠરાવ આપની પાસે રજુ કરવામાં આવ્યો છે એ ઠરાવ પસાર કરવાની જેમની ઈચ્છા હોય તે ભાઈઓ પોતાના હાથ ઉંચા કરશો. આ ઉપરથી સઘળા ભાઈઓએ પોતાના હાથ ઉંચા કર્યા હતા. વળી વિશેષ ચોખવટ કરવા પ્રમુખ સાહેબે જણાવ્યું કે જે ભાઈઓને આ ઠરાવ પાસ કરવાની જરૂર ન દેખાતી હોય તેમણે પોતાના હાથ ઉંચા કરવા એ ઉપરથી કોઈએ પોતાનો હાથ ઉંચો કર્યો નહિ એટલે પ્રમુખ સાહેબે જણાવ્યું કે આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવે છે અને હું આશા રાખું છું કે ઠરાવને અમલમાં મૂકવા દરેક ભાઈઓ પોતાથી બનતું કરશો. ત્યારબાદ ઉમિયા માતાની સ્તુતિ કરવામાં આવી હતી. આવતી કાલે સાંજના સાત વાગે સભાની છેલ્લી બેઠક થશે એવી સેક્રેટરીએ સૂચના આપ્યા બાદ મોડી રાત્રે સભા બરખાસ્ત થઈ હતી.

તારીખ ૯—૧૦—૧૯૨૨ને સોમવારનો છેલ્લો દિવસ

          છેલ્લા બે દિવસોમાં થયેલા કામકાજથી સભાજનોને પરિષદનું ગૌરવ સમજાવ્યું હતું અને આજે સઘળાના ઉદ્દેશનો નિર્ણય થવાનો છે એ વિચારની પરંપરામાં પરસ્પર વાતો કરવા સઘળા ભાઈઓ પૂર્ણ આનંદથી સભા મંડપમાં દાખલ થઈ ગયા હતા. સ્થાનિક મેમ્બરોને ધંધા રોજગારની અગવડ ન પડે તે ખાતર સભાની બેઠક રાતના વખતે રાખવામાં આવી હતી. સભાનું કાર્ય શરૂ કરવાનો વખત થઈ જવા છતાં સ્થાનિક ભાઈઓની આવવાની ખોટને લઈ આશરે એક કલાક જેટલું સભાના કામકાજમાં મોડું થયું હતું. સઘળા ભાઈઓ આવી પહોંચ્યા બાદ સ્વયંસેવકોની ટોળીઓ શ્રી ઉમિયા દેવીની સ્તુતિ કરનારી અને ઉન્નતિ ચાહનારી કવિતા ગાઈ સંભળાવી હતી ત્યારબાદ મે.પ્રમુખ સાહેબે જણાવ્યું કે

          ભાઈઓ આપણે કામ કરવાનો માત્ર આજનો જ દિવસ બાકી રહ્યો છે અને મુદ્દાના ઠરાવો ઉપર વિચાર ચલાવાનો છે. સબજેક્ટ કમિટિએ જે રૂપમાં ઠરાવો ઘડ્યા છે તે આપની આગળ પાસ કરવા માટે રજુ કરવામાં આવશે. વળી આપણી આ પરિષદનું કાર્ય ચલાવવા એટલે સુધારાની હિલચાલ માટે એક ફંડ પણ કરવાનું છે એ સિવાય કેટલુંક પરચુરણ કામ પણ કરવાનું છે જેથી મુદ્દાના વિષયો હોવા છતાં દરેક ભાઈઓને મારી વિનંતી છે કે જેમ બને તેમ થોડા વખતમાં મુદ્દાનું જ બોલવું. પીરાણા પંથે આપણી અધોગતિ કરી છે એ વિશે ઠરાવ આવવાનો છે તે ઠરાવ આપણા સુપ્રસિદ્ધ જ્ઞાતિ ભક્ત રા.નારણજી ભાઈ ઘાટકોપરવાળા રજુ કરનાર છે એટલે તેમનું વિદ્વતા ભરેલું ઉપયોગી ભાષણ સાંભળવાનો અને પીરાણા સંબંધી સઘળી માહિતી મેળવવાનો આવો ઉત્તમ લાભ લેવા ધ્યાન દઈને સાંભળશો. ઉપર મુજબ પ્રમુખ સાહેબે સુચનો કર્યા બાદ નીચે જણાવેલો ઠરાવ ભાઈ ખેતા ડોસા પોકારે રજુ કર્યો હતો.

          ઠરાવ ૮ મો.

          આપણી હિન્દુ ગણાતી જ્ઞાતિઓમાં મુડદાંને અગ્નિ દાહ કરવાનો રિવાજ પ્રચલિત છે અને આપણી જ્ઞાતિ હિન્દુ હોવા છતાં આપણા કચ્છ અને કરાંચીમાં રહેનારા પીરાણાપંથી ભાઈઓ અગ્નિ સંસ્કાર કરવાને બદલે મૂડદાંને દફનાવી દે છે તે રિવાજ અયોગ્ય અને શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી કોઈ બંધુએ મુડદાંને દાટવું નહીં તેમજ દાટવાના કાર્યમાં ભાગ પણ લેવો નહીં અને મુડદાંને અગ્નિ સંસ્કાર કરવો એવો આ પરિષદ ઠરાવ કરે છે.

          ઉપરનો ઠરાવ રજુ કરતાં ખેતાભાઈને મુડદાંને બાળવાને બદલે દાટવાનો રિવાજ હિન્દુ કોમ માટે કેટલો અયુક્ત અને ફજેતી કરનારો છે તે સમજાવ્યું હતું અને સભામાંથી ઘણા ભાઈઓ તે પ્રમાણે નહીં કરવાની પ્રતિજ્ઞાઓ લેવા ઉઠતા હતા પરંતુ તેમણે સઘળાઓને ટુંકમાં સમજાવી દીધું કે આપણે કોઈએ જેને હિન્દુપણામાં રહેવાની ઈચ્છા હોય તેમણે એવા કાર્યમાં ભાગ લેવો નહિ. ત્યારબાદ સદરહુ ઠરાવને નીચે જણાવેલા ભાઈઓએ અનુમોદન અને ટેકો આપ્યો હતો.

          ભાઈ લાલજી શામજી     ગામ—રવાપરના

          ડાહ્યાભાઈ લખુ            ગામ—નખત્રાણાના

          દાનાભાઈ કરસન          ગામ—નખત્રાણાના

          ભાઈ હરજી વીરજી        ગામ—વિરાણીના

          ભાઈ મેઘજી શામજી      ગામ—વિરાણીના

          ભાઈ પ્રેમજી હરજી        ગામ—દેશલપરના

          ભાઈ કાનજી રામજી       ગામ—નખત્રાણાના

          ભાઈ રતનશી શીવજી સેક્રેટરી

          રા.રતનશી કરસન ઘાટકોપરવાળાએ આ ઠરાવને પુષ્ટિ આપતાં સભાજનોના મન ઉપર સારી અસર કરી હતી અને પ્રમુખ સાહેબે આ ઠરાવની તરફેણમાં મત પૂછતાં સઘળા ભાઈઓએ પોતાના હાથ ઉંચા કરી સંમતિ દર્શાવી હતી એટલે ઠરાવ પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચે જણાવેલો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.

          ઠરાવ ૯મો

          “આપણા સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિથી આપણને તદ્દન અલગ બનાવી દેનાર અને આપણને સનાતન ધર્મથી વિમુખ કરનાર ન હિન્દુ ન મુસલમાન એવા અર્ધદગ્ધ પીરાણા કબ્રસ્તાની પંથને લઈ હિન્દુપણામાંથી ટાળી દેનારા ઘણા રીતરિવાજો આપણી જ્ઞાતિમાં દાખલ થતા આવ્યા છે એટલા માટે આપણી જ્ઞાતિમાંથી એ પંથનો નાશ કરવાના દરેક ઉપાયો જલદી લેવાની જરૂર છે, જેથી આ સભા દરેક જ્ઞાતિ ભાઈને આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે પીરાણા પંથનો જલદી ત્યાગ કરવો અને કરાવવો તેમજ કોઈએ પીરાણાની અમી કે નૂરની ગોળી પીવી નહીં અને પીરાણાના દશોંદ વિશોંદ જેવા કોઈ જાતના લાગા આપવા નહીં તેમજ પીરાણાના સૈયદો કિંવા કાકાઓ સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવો નહીં અને તેમને આશ્રય આપવો નહીં. તેમજ જ્ઞાતિમાંથી તેમનો પગ પેસારો જલદી બંધ થઈ જાય એવા દરેક ઉપાયો યોજવા.”

          ઉપરના ઠરાવના વિષયને અનુસરતી એક કવિતા ભાઈ ભાણજી ડાયા રૂડાણીએ બનાવી હતી જે વાંચી સંભળાવાની પરવાનગી મળતાં તેમણે નીચે પ્રમાણે ગાઈ સંભળાવી હતી.

(રાગ : ભુલે ભલ ભલા ભુલેરે, એ રાહ.)

અંધ થઈ કાં મરો… રે, દીવો લઈ કૂવે જઈ કાં પડો,

કહ્યું કોઈ સાંભળો… રે, જ્ઞાતિનું હિત થાય તે કરો.

સગાં સાથ લઈ બુડી મરતાં, ખાનામાં સહુ ધાઈ, (૨)

વાત ન રૂડી હૈયે બેસે, કહે જ્ઞાની કોઈ ભાઈ

મમતમાં કાં મરો રે… દીવો

ભાવી ભૂંસીને શર્મ તજી, નિજ જનતા કૂખે લજાવો, (૨)

આર્ય ધર્મને ત્યાગી મુમના, મૃતક દેહ દફનાવો.

ક્યાંક જઈ બુડી મરો રે… દીવો

હિન્દુપણું જો ભાસે નહિ તો, અસલ મુમના થાઓ, (૨)

ક્ષત્રિ કોમના સંતાનોનો સંગ તજીને જાઓ

કાફરો પુરા બનો રે… દીવો

તન મન પરથી હિન્દુ મટીને, પીરાણે પછી જાઓ, (૨)

સુન્નત બેસી કલમા પઢતા, સૈયદ ભેળા ખાઓ

ડાઢીઉ ડાચે ધરો રે… દીવો

પંચ પટેલો કાકા સૈયદો, મુખીઓ ભેળા થાય, (૨)

પરસેવે પકવેલી કોરીઓ, ધાઈ ધૂતીને ખાય

બીકણ થઈ શું ડરો રે… દીવો

ઘરનાં છોરાં ઘંટી ચાટે, સૈયદો ખાયે સેવું, (૨)

હિન્દુ મટી મુુમના થાવાનું રોકડ નાણું દેવું

દેવું એ બંધ કરો રે… દીવો

અંધજ ચેલા અંધજ ગુરૂઓ, અંધજ સઘળો સંગ (૨)

હિન્દુ મટીને થાય મુમના, ધોઈ ગંગવે અંગ

અંધનો સંગ તજો રે… દીવો

ક્રિયા કર્મ નિજ ધર્મ તણી જ્યાં, સભામાં થાએ વાતો (૨)

જ્ઞાતિ સેવક ભાણજી એ સહુ લ્હાવા લેતો ગાતો

વાતો પર લક્ષ ધરો રે… દીવો

 

રા. નારણજી રામજીભાઈ મિસ્ત્રી ઘાટકોપરવાળાનું

પીરાણાના ઠરાવ ઉપર ભાષણ

વિષય પરત્વે સંબંધ

          બંધુઓ ! મારી સામે પ્રથમ એ પ્રશ્ન ઉભો થાય છે કે પીરાણાના કબ્રસ્તાની ધર્મને તજી દેવાનો ઠરાવ આ સભામાં મારે શા માટે રજુ કરવો? હિન્દુઓને અર્ધદગ્ધ બનાવી દઈ છેવટે પોતાની નાત જાતમાંથી ટાળી દેવાની જે યુક્તિઓ તેમાં રચવામાં આવી છે તેને મારે શા માટે આપની સમક્ષ રજુ કરવી અને તે ક્યા સ્વાર્થની ખાતર? આપ વિચાર કરી જોશો તો સમજાશે કે પીરાણા ધર્મને અનુસરનારો આપણી કચ્છ જ્ઞાતિનો એક ભાગ એક જ ધારે છે કે પીરાણા પંથ એ હિન્દુ ધર્મ છે. પરંતુ વાસ્તવિક રીતે આપણા શાસ્ત્રોમાં પીરાણા નામે કોઈ પંથ નથી અથવા પીરાણા નામનો કોઈ ધર્મ નથી. પીરાણા નામનું એક ગામ છે અને તે ઈમામુદ્દીને વસાવ્યું કહેવાય છે અને જે પીરાણા પંથની વાત આપણે કરીએ છીએ તે તો સતપંથને નામે ઓળખાય છે. એ કપોળ કલ્પિત પંથમાં આર્ય હિન્દુ ધર્મની ઈરાદાપૂર્વક એટલી તો નિંદા કરવામાં આવી છે કે તે આપણાથી સાંખી જાય તેવી નથી. છતાં કમનસીબે કેટલાક હિન્દુઓ અને ખાસ કરીને આપણી કચ્છ જ્ઞાતિ, એ કબ્રસ્તાની પંથની ભોગ નઈ પડી છે એ વિચાર જ્યારે જ્યારે મારા મગજમાં આવે છે ત્યારે મને તે અસહ્ય થઈ પડે છે. ક્યાં પીરાણાનો અર્ધદગ્ધ પંથ અને ક્યાં આપણી હિન્દુ જ્ઞાતિ ! કેટલો અંતર ! કેટલી શરમની વાત ! હું એક મનુષ્ય છું, આર્ય છું, સનાતન ધર્મનો અનુયાયી છું અને મારા બંધુઓ પણ મારા જેવા જ પવિત્ર અંતઃકરણના છે એ વિચારને હું તજી શકતો નથી એટલે ખાસ કરીને મારી જ્ઞાતિના તેમજ અન્ય હિન્દુ જ્ઞાતિના ભાઈઓને એ પીરાણાના કબ્રસ્તાની પંથની પ્રપંચી જાળમાં ફસાયેલા જોઉં છું ત્યારે તેમને સન્માર્ગે દોરવાનો અને એ પ્રપંચી જાતને ઉકેલી સત્ય હકીકત પ્રદર્શિત કરવાનો મને મારો ધર્મ સમજાય છે. મનુષ્યના જીવન માટે પ્રથમ નિર્માણ થયેલો જે ધર્મ તેને તજી દેવાથી મનુષ્ય તરીકે જીવન ગાળી શકાય જ નહિ એ વાત આપ જરૂર યાદ રાખજો. એ મનુષ્ય ધર્મને ભુલવી દેનારી અને હિન્દુઓને વટલાવી અર્ધદગ્ધ બનાવી દેવાની ઈમામશાહ જેવાઓએ જે યુક્તિ રચી છે તે પીરાણાની પોલ નામે પુસ્તકમાં બહાર પાડવાનો મારો ઈરાદો હું જાહેર કરી ચૂક્યો છું અને ઘણા આધારો અને સાધનો મને મળી શક્યાં છે અને એ દિશામાં મારો પુરુષાર્થ ચાલુ છે જ, પરંતુ આ ઠરાવને અંગે મારાથી બની શકે તેટલી હકીકત આપની સમક્ષ રજુ કરી — એ કબ્રસ્તાની પંથને તજી દેવાનો બોધ કરવાની આપણી સબજેક્ટ કમિટિએ ભલામણ કરી છે અને હું આપને એ જ ભલામણ કરું છું કે જો તમે હિન્દુપણું રાખવા ઈચ્છતા હો, પોતે હિન્દુ હોવાનો દાવો કરતા હો તો જ મારી વાત સાંભળજો અને હિન્દુપણામાંથી ટળી જઈ શુદ્ધ કડવા પાટીદાર જ્ઞાતિથી વિમુખ બની મુમના કિંવા અર્ધદગ્ધ મુસલમાન થઇ જવા ઈચ્છતા હો તો મારો ઉપદેશ તમારા માટે નથી એમ સમજજો.

          બંધુઓ, તમે હિન્દુ છો એ વાત શું મારે તમને સમજાવવાની છે? આપણી કૂર્મી ક્ષત્રિય જ્ઞાતિએ શું એટલી બધી અધોગતિ પ્રાપ્ત કરી છે કે તમે હિન્દુ છો, હિન્દુ શાસ્ત્રોને માનનારા છો અને તમારા પૂર્વજો પણ હિન્દુ જ હતા એ વાત તમને મારે સમજાવવી પડે? નહીં જ. ત્યારે આ કમનસીબી કેવા પ્રકારની ! ક્બ્રસ્તાની પંથ અને કડવા પાટીદાર જે આપણી કોમ તેને ક્યાંથી ભેળી સાટો થયો એ બાબત ઐતિહાસિક છે એટલે હું જવા દઉં છું અને આ પંથને તજી દેવાની જરૂર પુરતું જ હું આપને કહીશ.

પીરાણાનો અર્ધદગ્ધ પંથ

          ઈસ્લામ ધર્મના અનુયાયી જે પીરોએ હિન્દુઓને વટલાવી પોતાનો નવો પંથ ઉભો કરવાની યુક્તિ રચી, તેમાં પ્રથમ તો હિન્દુ શાસ્ત્રોની વાતો લઈ પોતે નવા ગપાષ્ટક શાસ્ત્રો બનાવ્યાં, તેમાં તદ્દન જુઠ્ઠી અને ઢંગધડા વગરની બનાવટી કિસ્સા, કહાણીઓ લખી અને તેમાં મુસલમાની તત્ત્વો દાખલ કર્યા. પછી ભોળા અને ધર્મશાસ્ત્રોથી અજ્ઞાત રહેલા હિન્દુઓને શોધી શોધીને એ કુટીલ માર્ગમાં સામેલ કર્યાં, એ કબ્રસ્તાની પંથના પુસ્તકોમાં વેદોના નામ જેવા બનાવટી શબ્દો વાપરી, હિન્દુઓના તીર્થસ્થળો અને મહાપુરુષોના નામોનો ઉમેરો કર્યો અને યુક્તિ પ્રયુક્તિથી ફેરફાર ઉત્પન્ન કરી પોતાના રચેલા, હાથના લખેલા પુસ્તકોને પીરાણા ક્બ્રસ્તાની પંથના સેવકોના હાથમાં આપીને કહ્યું કે “એ અથરવેદ છે ! હમણાં આ લેખના અથરવેદનો વારો છે અને તેમાં જે લખ્યું છે એજ સાચું છે અને એજ પ્રમાણે પીરાણાના સતપંથીઓએ વર્તવું.” ધીમે ધીમે પોતાની જાળમાં ફસાતા અજ્ઞાન હિન્દુઓને જલદી મુસલમાની રાહત ઉપર લઈ જવા પીર સદરુદીને કહ્યું કે :—

          “હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં નકલંકી અવતાર થવાનો છે એમ જે કહ્યું છે તે અવતાર તો ક્યારનોય થઈ ગયો છે અને તે દસમો અવતાર થવાનું જે જાહેર થયું છે તે મ્લેચ્છ રૂપે મક્કામાં હજરતઅલી રૂપે જાહેર થયો છે.” મુસલમાનોમાં ભગવાને અવતાર લીધો એ કારણનું સમાધાન પોતાના મતિવિભ્રમ અજ્ઞાન હિન્દુ સેવકોને એવી રીતે કરાવ્યું કે :—

          “શ્રીકૃષ્ણ ભગવાન જે ઈશ્વરનો અવતાર હતા તેમણે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરાવી કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને ઉપદેશ આપવા અર્થે અને અજ્ઞાનતામાં પાંડવો કદાચ એમ ન સમજે કે અમારા હાથે જ અમારા કુટુંબીજનોનો નાશ થયો છે, તે માટે શ્રીકૃષ્ણ ભગવાને ગીતા રૂપે ઉપદેશ આપી પાંડવોના સંશયને દૂર કર્યો હતો પરંતુ તે વખતના બ્રાહ્મણોએ ઉધુંચતુ સમજાવી મહાભારતના યુદ્ધનું જે પાપ થયું તેથી મુક્ત થવા એક યજ્ઞ કરાવ્યો જેથી પાંડવોએ રાયસુ યજ્ઞ આદર્યો તેથી (પીર સદરુદીનના કહેવા પ્રમાણે) બ્રાહ્મણો ઉપર કોપ કરીને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે — હું દસમો અવતાર હિન્દુમાં જ લેવાનો હતો પરંતુ બ્રાહ્મણોએ આડુંઅવળું સમજાવી પાંડવોના હાથે યજ્ઞ કરાવ્યો તેથી હવે હું દસમો અવતાર મ્લેચ્છ રૂપે અરબસ્તાનમાં આવેલા મક્કા શહેરમાં હજરતઅલી રૂપે લઈશ ! આ પ્રમાણે દસમો અવતાર બ્રાહ્મણો ઉપર રીસે ભરાઈ શ્રીકૃષ્ણ પ્રભુએ મક્કા શહેરમાં લીધો છે માટે હજરતઅલી એજ ભગવાનનો અવતાર છે માટે હિન્દુઓ ! હમણાં ભગવાનના અવતારનો વારો તો મુસલમાનીમાં છે માટે તેને જ માનવું.”

 વળી હજરત અલીના માટે આ પીરોએ એક કવિતા રચીને જણાવ્યું કે :—

         

તમે ઓળખીને ધાવો આજેરે

 

મુરખ લોકોને આવે છે લાજરે

ટેક.

જીરે કૃષ્ણ બોલતા તે અમૃત વાણીરે,

 

હવે અરબી ભાષા ક્યાંથી આણીરે.

તમે.

જીરે કૃષ્ણ ચાલતા તે તિલક તાણીરે,

 

હવે કલીમાંહે વધારી છે દાઢીરે.

તમે.

જીરે કૃષ્ણ પહેરતા પીતાંમ્બર ધોતીરે,

 

હવે કલીમાંહે પહેરી છે કફની ને ટોપીરે.

તમે.

જીરે કૃષ્ણ જમતા તે સુવર્ણ થાળીરે,

 

હવે માટીની સહાનક ધારીરે.

તમે.

જીરે કૃષ્ણ ચાલતા તે બ્રાહ્મણ વેશેરે,

 

હવે આવી બેઠા તે આરબ દેશેરે.

તમે.

જીરે કૃષ્ણ રૂપે તે જાપ જપાવ્યો રે,

 

હવે કલીમાંહે મોહંમદ નામ ભણાવ્યો રે.

તમે.

         

બંધુઓ ! આ વાત આપને કેવી લાગે છે? મક્કા શેરીફમાં શ્રીકૃષ્ણનો અવતાર અને તે પણ હજરતઅલી રૂપે ! શું તમને એ વાત માન્ય છે? કોઈને એ વાત સાચી લાગે છે? આપણાં શાસ્ત્રોમાં ભગવાનના અવતાર એ જ મુખ્ય વાત છે. એવું એ લોકોને લાગવાથી ભગવાનના દસ અવતારનું તેમણે એક શાસ્ત્ર ઉપજાવી કાઢ્યું છે અને તેના પુંછડે છેવટે એ કબ્રસ્તાની બધા પીરોને લટકાવ્યા છે. તેમણે લખેલા અવતારની વાતો તદ્દન જુઠ્ઠી અને બનાવટી છે એટલું જ નહિ પરંતુ હિન્દુધર્મનું એ કેટલું હડહડતું અપમાન કરનારી છે એ વાત આપને પ્રત્યક્ષ કરાવવાની મારે જરૂર છે. વળી ભોળા હિન્દુઓને ઈમામ બેસાડવાની ખાતર તેમાં કેવી યુક્તિ રચી છે અને તેના પુંછડે પોતે કેમ લટક્યા છે એ આપ ધ્યાન દઈને સાંભળજો. આપણને તો મોઠો દીધો હોય તો ફક્ત ઈમામશાહે જ દીધો છે તેણે રચેલા અથરવેદમાં દસ અવતાર આવે છે અને જે દશતરી ગાવંત્રી કહેવાય છે તે સૃષ્ટિની ઉત્પત્તિથી ! શરૂ થાય છે તેમાં લખ્યું છે કે :—

દશતરી ગાવંત્રી

          સત્‌, સત્‌ ઉપર દત્‌, દત્‌ ઉપર ક્ષમા, ક્ષમા ઉપર ગજા, ગજા ઉપર નીલ, નીલ ઉપર શેશનાગ, શેશનાગ ઉપર ધબળોધોરી, ધબળાધોરીના શીંગડા ઉપર એક રાઈ અને એ રાઈ ઉપર સ્વામીજીએ સૃષ્ટિ નીપાઈ ! પછી સ્વામીજીએ રૂપ લીધાં તેમાં પ્રથમ નામ અહુંકાર, ભહુંકાર, વહુકાર, નીલ, અનીલ, સુન, સાન, નાન, ગેઆન, માન, નુર, તેજ, બંબ, જલ, કમલ, કદમ, આદબુંદ, નાદબુંદ, તેજતત્ત્વ, પ્રેમતત્ત્વ, આદપુરૂષ, આદ પુરુષથી નાભીચકર નાભીચકરથી ભવેત ગોર બ્રહ્મા ! સત્‌ ગોર બ્રહ્માથકી સર્વે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. જે ચાર કલફના અવતાર પાત્ર અને જ્યાં થકી ગોરનરે અવતાર લીધા તેમાં પ્રથમ અહું, ઉનાદ, અવીગત, એહદ, હવ, કવ તથા ધર્મ, તેજ, કેવલ નાદ ઓત્રા હરીતક પુર્વા, અતીત વંસીના પરેમ રૂખ, તેના વંશમાં શ્રીમચ્છા અવતાર ! મચ્છની માતા તો સંખાવતી, પિતા તો પરેમરૂખ, શક્તિ દેવી ચંડીકા, ગોર તો માનધાતા, રહેવાનું સ્થાન હેમપુર, ક્ષેત્ર તો દ્વારામતી, નરદળો દાણવ સંખાસુર તે વિચારતો રગુવેદ. તે સંખાસુર ને મારી સાતે પાતાળના રાજા ને વચન આપી ગોર બ્રહ્માના વેદને વાળી, સવા કરોડીસું રાજા રૂષમાગતને તારી — શ્રીમચ્છા અવતાર ભલે પધાર્યા ! મચ્છ અવતારના વંશમાં મનાઈએત, મનાઈએતના ઉગ્રસેન ઉગ્રસેનના અજાુવત, અજાુવતના ભ્રેસપત, ભ્રેસપતના આસોમંત્ર, આસોમંત્રના પરીકમ રૂખ, પરીકમ રૂખના કુર્મ ભગવાન ! કુર્મ ભગવાનની માતા કમળાવતી, તેની શક્તિ દેવી બૌચરાજી, ગોર તો એકારૂખી, રહેવાનું સ્થાન બગપોર, ક્ષેત્ર તો માનસરોવર, ત્યાં નરદળો દાણવ મધુકેટભ તે વિચારતો રઘુવેદ. તેને મારીને કુર્મ ભગવાને સવા કરોડીસું રાજા અમરીશને તારી શ્રી કુર્મ ભગવાન ભલે અવતર્યા !

          શ્રી કુર્મના વંશમાં પ્રથમ વંશરતના દકાઈએત, ના કાજમ, ના પરજાપત, ના દાઢમરૂખી, તેના વંશમાં શ્રી વારાહ ભગવાન અવતર્યા ! તે વારાહ ભગવાનની માતા તો પદમાવતી, શક્તિ દેવી સોમયા, ગોર તો એકાસુર, રહેવાનું સ્થાન માયાપોર, ક્ષેત્ર તો ભેંકાસુર, ત્યાં નરદળો દાણવ મોરધ્વજ વિચારતો રઘુવેદ. તે મોરધ્વજ દૈત્યને મારી, સવા કરોડસું રાજા ધ્રુને તારી ભલે અવતર્યા શ્રી વરાહ ભગવાન ! શ્રી વરાહ ભગવાનના પુત્ર રૂપંક, ના ખલીપત, ના ગઉતમ, ના અમરીખ, તેના પુત્ર શ્રી નૃસીંહા અવતાર ! તે શ્રી નૃસીંહા ભગવાનની માતા ચંદ્રાવતી, શક્તિ દેવી તુળજા ભવાની, ગોર તો અમરતેજ, રહેવાનું સ્થાન તો કાશ્મીર, ક્ષેત્ર તો ચરણાપરી, ત્યાં નરદળો દાણવ હરણાકસ વિચારતો રઘુવેદ, તેને શ્રી નૃસીંહ ભગવાને મારી સવા કરોડીશું ભક્ત પ્રહલાદને તારી ભલે અવતર્યા શ્રી નૃસીંહા અવતાર ! શ્રી નૃસીંહા અવતારના ! વંશમાં તેના પુત્ર મનાઈએત, ના વંસવઢણ, ના વીર લોચન, ના કાસમરૂખી, તેના વંશમાં શ્રી વામન ભગવાન ! તેની માતા તો લીલાવતી, શક્તિ દેવી કોકીલા, ગોર તો સેહેજાનંદ, રહેવાનું સ્થાન કોયલા પાટણ, ક્ષેત્ર તો વનથળી, ત્યાં નરદળો દાણવ બળીરાજા વિચારતો જજાુરવેદ. તેને વામન ભગવાને મારી, ઋષિઓને થાપી તમેં ભલે અવતર્યા વામન ભગવાન ! વામન ભગવાનના વંશમાં તેમના પુત્ર માનધાતા, ના પૃથ્વીજે, ના અસરત, ના જમદગ્ની, તેમના પુત્ર શ્રી ફરશુરામ તેમની માતા રેણુંકા, ગોરતો જનક વિદેહી, રહેવાનું સ્થાન માઆપર, ક્ષેત્ર તો કોયલા પાટણ ત્યાં નરદળો દાણવ સહસ્ત્રા અર્જુન તે વિચારતો રઘુવેદ. તે સહસ્ત્રા અર્જુનને મારી, શ્રી ફરશુરામે ઋષિઓને સ્થાપી ભલે અવતર્યા તમે ફરશુરામ ભગવાન ! હવે ફરશુરામના વંશમાં તેમના પુત્ર રઘુ, ના નગુ, ના જેજાઈએત, ના કેવળીક, ના અજેપાળ, ના દશરથ, ના પુત્ર શ્રીરામ ! તેની માતા કૌશલ્યાજી, શક્તિ દેવી સીતાજી, ગોર તો વશિષ્ટ, રહેવાનું સ્થાન અયોધ્યાપુરી, ક્ષેત્ર તો લંકાપુરી, ત્યાં નરદળો દાણવ દસ માથાવાળો રાવણ તે વિચારતો જજાુરવેદ. તે રાવણને મારી સાત કરોડીસું રાજા હરીશ્ચંદ્રને તારી ભલે અવતર્યા તમે શ્રી રામદેવ મોરારી ! શ્રીરામના વંશમાં તેમના પુત્ર લવ, ના પદમ, ના પરિખત, ના વીરપાળ, ના વાસુદેેવના વંશમાં શ્રીકૃષ્ણ ભગવાન ! તેમની માતા દેવકીજી, શક્તિ દેવી રૂક્ષ્મણી, ગોર તો વેદ વ્યાસજી, રહેવાનું સ્થાન ગોકુલ, ક્ષેત્ર તો મથુરાં ત્યાં નરદળો દાણવ કંસાસુર તે વિચાર તો સામવેદ તે કંસાસુરને મારી ઋષિઓને સ્થાપી, સહદેવ ભક્તને તારી તમે ભલે અવતર્યા શ્રીકૃષ્ણ મોરારી ! શ્રી કૃષ્ણના વંશમાં તેના પુત્ર પ્રદ્યુમન, ના સેંસસ્થાન, ના બેલસ્થાન, ના વણીવચ્છરાજ, ના સંહીરાજ, તેમના વંશ તો શ્રી બુદ્ધ ભગવાન ! તે બુદ્ધની માતા તો રેણુંકાવતી, શક્તિ દેવી હરસિદ્ધ, ગોર તો હંસરાજ, રહેવાનું સ્થાન હીમપરી, ક્ષેત્ર તો કુરૂક્ષેત્ર, ત્યાં નરદલો દાણવ દરયોધન તે વિચારતો સામવેદ. તેને મારી નવ કરોડીસું રાજા યુધિષ્ઠરને તારી ભલે અવતર્યા તમે બુધ ભગવાન દેવ મોરારી ! શ્રી બુધા અવતારના વંશમાં તેમના પુત્ર શીષ, ના સામ, ના સલુકાન, ના હારૂન, ના અસલામ, ના આદમ, ના નીઝાર, ના મીઝાર, ના એલીઆસ, ના મલીઆસ, ના મુલકાનના કાજંમ, ના કાહેર, ના કાએમ, ના ગાલેબ, ના એલબં, ના કાયમ, ના મોરાદ, ના મુનાલેફ, ના હાસમ ના મતલબ, ના અબુતાલબ, ના વંશમાં તો શ્રી નકલંકી નારાયણ સાહ ! મુરતજાઅલી. તે અલી નિમાતા તો બીબી ફાતમા, પીતા તો અબુતાલેબ, શક્તિ દેવી ફાતમા, ગોર તો નબી મોહમદ, રહેવાનું સ્થાન દલમ દેશ, વરજા શહેર ગામ ક્ષેત્ર તો કુંવારકા, પંચનદી મુલસતાને, તહાં નરદળો દાણવ કાળીંગો ધુઝાલબે વિચાર તો અથરવેદ. તે કાળીંગા દૈત્યને મારી બાર કરોડીસું ભક્તને ઓધારસે. ગુપ્ત અવતાર ત્રેત્રીશ ! પ્રગટ અવતાર એક સાહ મુરતુજાઅલી ! ના ઈમામ, ઈમામના હશન, ના ઈમામ હોસન, ના ઈમામ જેનલાબદીન, ના ઈમામ મહંમદ બાકર, ના ઈમામ જાફર સાદક, ના ઈમામ ઈસમાયલ, ના ઈમામ નુર સત ગોર, ના સૈયદ ઈસમાયલ સાહાની, ના સૈયદ નુરમહમદ, ના સૈયદ ઈમામ, ના સૈયદ મુસાફરીન, ના સૈયદ જમાલદ્દીન, ના સૈયદ સાહદકદીન, ના સૈયદ મહેરદીન, ના સૈયદ હાદીન, ના સૈયદ સલાઓદીન, ના સૈયદ ફાજલસાહ, ના સૈયદ કાસમસાહ, ના સૈયદ મહમદસાહ, ના સૈયદ એહમદસાહ, ના સૈયદ નાસરસાહ, ના સૈયદ મુસાલેકસાહ, ના સૈયદ માહાબુ, ના સૈયદ મસતગ, ના સૈયદ મહીઆદીન, ના સૈયદ મુમનસાહ, ના સૈયદ ખાલકસાહ, ના સૈયદ નીઝારસાહ, ના સૈયદ ઈસલામસાહ, ના સૈયદ સલાઓદીન, ના સૈયદ સમસદીન, ના સૈયદ નસીરદીન, ના સૈયદ સાહેબદીન, ના સૈયદ સોદરદીન, ના કબીરદીન, ના સૈયદ સતગોર પાત્ર બ્રહ્મા ! ઈંદ્ર ઈમામસાહ ! આદે વીસનવ નરીજન નરઅલી મહમંદ સાહ. હકલા એલાહા ઈલલાહો મહમદુર રસુલલાહે.

બુદ્ધદેવના વંશમાં પાક્યા તે ઈમામશા. !

          આ પ્રમાણે પોતાની વંસાવળીનો છેડો મેળવ્યો છે અને ભગવાનના દીકરા થવાનો લ્હાવો લીધો છે. હવે તેમાં અને તેના લખેલા દસ અવતારની દશતરી ગાવંત્રીમાં સત્ય શું છે અને જુઠ્ઠું શું છે તે આપને ટુંકમાં જણાવીશ. પ્રથમ મચ્છા અવતારની વાત આવે છે. તેમાં મચ્છ ભગવાન સંખાવતી નામની સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન થયાનું જણાવે છે ! મચ્છ ભગવાનના પિતા પરમરૂખી એ વાત તદ્દન ગપ છે. મચ્છા અવતાર પછી ઈમામશાહ કૃત દશતરી ગાવંત્રીમાં જણાવ્યા પ્રમાણે મચ્છ ભગવાનના વીર્યથી ઉત્પન્ન થયેલ મનાયત. મનાયતના ઉગ્રસેન એ પ્રમાણે પરિકમ રૂષીનાવંશ કહેતા તેના દીકરા કુર્મ ભગવાન ! શું બુદ્ધિનો ઉપયોગ કર્યો છે? મચ્છ ભગવાન માછલાનું રૂપ, તેમાંથી જન્મ્યા તે બધા માણસ ! તે છેક પરિકમ રૂષી થકી અને પરિકમ રૂષીની સ્ત્રી કમળાવતીના દીકરા કુર્મ કહેતાં કાચબાનો અવતાર ! ધન્ય ઈમામશાહની બુદ્ધિને અને ધન્ય છે તમને પીરાણાપંથને માનવાવાળા સતપંથી ભાઈઓને ! કુર્મ અવતાર પણ ક્યા કારણને લઈ પરમાત્માનો અવતાર મનાય છે તે જો પીરાણા પંથીઓ હિન્દુ ધર્મના દસ અવતારો વાંચે તો તો આંખ ઉઘડી જાય. પરંતુ તસ્દી કોણ લે. કુર્મ ભગવાન પાછા કાચબાના રૂપે પરણ્યા હશે ત્યારે જ તેમના વીર્યથી પ્રજા ઉત્પન્ન થઈ શકે. દશતરી ગાવંત્રીમાં કુર્મના વંશમાં પાછા માણસો જનમવા માંડ્યા ! કુર્મના દીકરા વંસરત, નાદકાઈએત એમ કરતાં કરતાં પરજાપતના દાઢમ રૂષીની સ્ત્રી પદમાવતીના ઉદરથી પાક્યા વારાહ ભગવાન. વારાહ એટલે સુવર. શું ઈમામશાહે નજર પહોંચાડીને કામ કર્યું છે ! માણસમાંથી સુવર જનમેં તે પણ ઠીક છે. આપણે તો તેની કથાની ચોખ કરીએ છીએ. કોઈ હૈયા કુટ્યાએ વળી સુવરને પણ કન્યા આપી હશે જેથી વારાહ ભગવાનનો પણ વંશ ચાલુ રહ્યો. વારાહના દીકરા પાછા માણસ. તેનું નામ રૂપંક—રૂપંકના ખલીપત વગેરેના અમરીખને પાછી ભોછપ ખણવી હશે કે જેથી તેની સ્ત્રી ચંદ્રાવતીના પેટે પાછા શ્રી નૃસીંહા ભગવાન જન્મ્યા ! આવી ગપોડ કથાઓ કહેતાં પણ શરમ આવે છે. શું ઈમામશાહ એટલું પણ નહીં સમજ્યો હોય કે હું મારા ધર્મને ગુપત ! રાખવાની વાતો કરું છું પરંતુ આ છાનું કયાં સુધી રહેશે? માંછલામાંથી માણસ જન્મે ને વળી માણસમાંથી કાચબો જન્મે ! કાચબાના વંશમાંથી વારાહ જન્મે ! આ પોલંપોલતો જુઓ ! વળી વારાહના વંશથી માણસો જન્મે અને તેથી પાછો સિંહ જન્મે ! ભાઈઓ, નૃસીંહા અવતારની વાતો તો તમે સાંભળી હશે, ઘણાં ભજનોમાં પણ ગવાય છે કે હરણ્યાકંશે પોતાના દીકરા પ્રહલાદને અનેક સંકટો દીધાં પરંતુ તેનો વાંકો વાળ પણ ન થયો, છેવટે તેણે ક્રૂર સજા કરવા લોખંડનો થાંભલો ધગધગતો કર્યો અને પ્રહલાદને હુકમ કર્યો કે તારો ઈશ્વર સાચો હોય તો આ ધગધગતા થાંભલાને બાથ ભીડ ! તે પ્રહલાદજી પ્રભુનું ધ્યાન ધરી લોહરથંભને બાથ ભીડવા જાય છે ત્યાં તો લોહ સ્થંભ ફાટ્યો અને શ્રીનૃસીંહ ભગવાન દેખાયા અને હરણ્યાકંશને માર્યો. આમાં નરસીંહ ભગવાનની ન તો મા હતી કે ન તો બાપ હતાં ! છતાં ઈમામશાહના અદ્‌ભુત પરાક્રમની પ્રસાદી—પીરાણા સતપંથની દશતરી ગાવંત્રીમાં વારાહના વંશના દીકરા નૃસીંહા અવતાર ! કેટલું જુઠ્ઠું. તમો કાંઈક તો બુદ્ધિનો ઉપયોગ કરો કે હિન્દુઓને ફસાવી, વટલાવી પોતાના ફંદામાં કેવા જકડી રાખ્યા છે અને પાછી આ ગુપ્ત ધર્મની વાત ક્યાંય કરવી નહીં ! તમે હિન્દુ છો. હિન્દુ ધર્મના પુસ્તકો પુરાણો કથાઓ વાંચી જુવ તો તમને આ ગુપ્ત પંથમાં કેવી રીતે સંડોવ્યા છે તે જણાઈ આવશે. ભગવાન શ્રી નૃસીંહા અવતાર સિંહ રૂપે હતા તેને પણ કોઈ નીરભાગીએ કન્યા આપી હશે એમ પીરાણા સતપંથના ચાલાક ઈમામશાહે નક્કી કર્યું, તેથી નૃસીંહજીનો પણ વંશ વધતો જ રહ્યો. સિંહ રૂપે નરસિંહ ભગવાનના દીકરા મનાઈએત વગેરે ક્રમે કાસમ રૂષીના દીકરા વામન ભગવાન. ધન્ય હો ઈમામશાહ ! હવે તો માણસના માણસ જન્મ્યાં. પાછા વામન ભગવાન પરણ્યા તેના દીકરા માનધાતાના પૃથ્વી જે. તેના અસરત, અસરતના જમદગ્ની તેના દીકરા ફરસુરામ ! જમદગ્નીના દીકરા ફરસુરામ એ વાતો સાચી પરંતુ ફરસુરામ તો અખંડ બ્રહ્મચારી હતા તે કોઈ દિવસ પરણ્યા જ નથી. છતાં તમારા ઈમામશાહે તો તેને પણ પરણવાની લપ વળગાડી દીધી છે. દશતરી ગાવંત્રી ઈમામશાહકૃતમાં વળી જણાવ્યું છે કે ફરસુરામના દીકરા રગુ, નગુ, વગેરેના અજેપાળ તેના દશરથ ! દશરથના રામ એ વાત સાચી પરંતુ તમે ભાઈઓ બુદ્ધિ હોય તો વિચાર કરો કે ફરસુરામ તો બ્રાહ્મણ હતા તેના વંશમાં સૂર્યવંશીઓ કેમ જન્મ્યા ! વળી રામને અવતાર લેવાના કારણમાં ઈમામસાહ જણાવે છે, કે રાવણને મારી રાજા હરીશ્ચંદ્રને તાર્યો ! ભાઈઓ, આ તે કંઈ નાની સુની ગપ કહેવાય ! હરીશ્ચંદ્રની ખાતર જ રામા અવતાર ક્યાં રાજા હરિશ્ચંદ્ર અને ક્યાં શ્રી રામ !

          ઈમામશાહ તો ગુજરી ગયા પરંતુ તેના વંશના સૈયદોને પણ તમે કોઈ પૂછો છો કે : તમો આવી નાલાયકી કથા લખી ભોળા લોકોને આંખે પાટા બંધાવી ગંગવા કુવામાં કેમ નાખો છો ! ભાઈઓ, તમે સમજો કે, સૈયદોને તો ગમે તેમ કરી તમને મુસલમાન કરવા છે અને પોતાની આજીવિકા હિન્દુઓ પાસેથી આવા ઢોંગ ધતુરા કરી મેળવવી છે તે શા માટે કહે? એ તો આપણે સમજવાનું છે. આગળ ચાલતાં માણસના બધા માણસો જ જન્મે છે એટલું જ ઠીક દેખાશે. સૂર્યવંશમાં રામચંદ્રજી સુધી તો આપણે આવ્યા તેમના દીકરા લવ, લવના પદમ, એમ કરતાં કરતાં વાસુદેવના દીકરા શ્રીકૃષ્ણ. વાસુદેવના દીકરા શ્રીકૃષ્ણ પ્રભુ એ વાત તો સાચી પરંતુ સૂર્યવંશમાંથી પાછો ચંદ્રવંશ આટલો જલ્દી ક્યાંથી નીકળ્યો હોય ! પણ ઈમામસાહના એલમમાં કાંઈ ખામી હોય, માણસોમાંથી પશુ અને પશુમાંથી વળી માણસ કરે એવી અદ્‌ભુત લીલા ઈમામસાહની છે. શ્રીકૃષ્ણના દીકરા પ્રદ્યુમન તેના સેસથાન, બેલસ્થાન વગેરે ચાલે છે પરંતુ પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધ તો દેખાતા જ નથી ! તેને વખતે ચિત્રલેખા ઉપાડી ગઈ હશે એટલે બિચારા ઈમામશાને ક્યાંથી દેખાય !

          એ બેલસ્થાન પછી અનુક્રમે સંહીરાજના દીકરા બુધ ભગવાન ! ભલે ભલે ઈમામશાહના બુદ્ધ ભગવાન તમે જન્મ્યા તો ખરા પરંતુ અમારા હિન્દુ શાસ્ત્રો કહે છે કે શ્રી કૃષ્ણની સલાહે પાંડવોએ દુર્યોધનને માર્યો પરંતુ ઈમામશાહની સલાહથી તમારા જેવા મહાન્‌ યોગી અહિંસા પરમોધર્મનું સૂત્ર જગતને શીખવાડનાર — તે દૂર્યોધનને મારવા ક્યાંથી શ્રી કૃષ્ણની આઠમી પેઢીએ ફુટી નીકળ્યા ! વાહરે ઈમામશાહ તમારી અકલ ! પાંડવોને ગૌવધ કરવાની સલાહ આપનાર તે બુદ્ધા અવતાર ! પાંડવોને તારનાર અને સદરુદીન કબીરદીનની પાસે ભેસ્તમાં પાંડવો ગયા નહીં પણ ગુપ્તવાસ પીરાણામાં આવી રહ્યા એ પણ ઈમામશાહના પ્રતાપે જ !  ઈમામશાહે હિન્દુ ધર્મનું કેટલું સખ્ત અપમાન કર્યું છે તે જુઓ ! બુદ્ધ ભગવાન જે અહિંસા પરમોધર્મનો ઉપદેશ આપનાર તે પાંડવોના હાથે ગૌવધ કરાવે ! બુદ્ધ ભગવાને સલાહ આપી તે પ્રમાણે પાંડવોએ ગાય મારી ! કેટલી નીચતા ! આવી નાલાયક અને પાપી કથા જે પીરાણા સતપંથીઓ વાંચે છે તે અધમ પ્રકારના હિન્દુ ધર્મદ્રોહી છે, હિન્દુપણાના નામને લજાવનારા છે. ઈમામશાહ તો કાળાં ધોળાં કરી મરી ગયો પરંતુ હજુ પણ કેટલાક અજ્ઞાન લોકો આવી વાતો રાગડાં તાણીને વાંચે છે અને સૈયદોના કહેવા પ્રમાણે પુન્ય થાય છે એવું માને છે. આવા રાગડાઓ તાણી અમે હિન્દુ છીએ એમ કહેવરાવનારાઓને લાખો વાર ધિક્કાર છે. પાછળથી ઈમામશાહે બુદ્ધ અવતારની કેવી વલે કરી છે તે તમે સાંભળો. બુદ્ધ ભગવાનના દીકરા સીસ, તેના સામ એ ક્રમે સુલકાન, હારૂન, અસલાન, આદમ, નીઝાર, મીઝાર વગેરે મુસલમાની પેઢીઓ લગાડી દીધી ! તમને કંઈ પણ શરમ થાય છે?

          દાદા આદમના દીકરા સીસ—સામ સુલકાન વિગેરેની વંશાવલી લઈ છેવટે પોતે પણ દાદા આદમના વંશના છીએ એમ જણાવવા સારું નુરસતગોરથી સતપંત ચાલ્યો છે, તેની વાંસે વાંસે પોતાના નામો ઉમેરી દીધાં અને છેવટે સાદરદીનના દીકરા કબીરદીન — કબીર દીનના સુપુત્ર તે સતગોર પાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ ! હવે છે કંઈ વાંધો ? પાછા આદે વિસનવ નરીજન નરાકાર તે મહા પ્રભુ ઈમામશાહના દીકરા નરઅલી માહમદશાહ અને છેવટે હિન્દુપણાનું નામ નીસાન ભુંસાડીને, હકલા એ લાહા ઈલ્લાહો મહમદુર રસુલ્લા હે ! આ પ્રમાણેની ઈમામશાહની ઉત્પત્તિ અને તેના કારસ્થાની કાર્યો રૂપી ઈમામશાહે દસે અવતારો લખીને પીરાણા સતપંથ ધર્મ પાળનારને છેક જ બેવકુફ બનાવ્યા છે. હજુ એ આવા દેખાતા જમાનામાં ઈમામસાહના વંશના સૈયદો, ન હિન્દુ ન મુસલમાન એવા એ અર્ધદગ્ધ પીરાણા કબ્રસ્તાની ધર્મના પોતે આચાર્ય, ગોર અને બાવા તરીકે પુજાવાના ફાંફાં મારી રહ્યા છે.

સ્વર્ગના વાયદાની હુંડી દશોંદ ભરીને ખરીદો !

          સૈયદ ઈમામશાહે હિન્દુઓને ફસાવા પોતાના રચેલા બનાવટી સતપંથમાં આવનારને અપરંપાર લાલચો આપી છે. ઈમામશાહ કહે છે, પીરાણા કબ્રસ્તાની ધર્મના બનાવટી પુસ્તકોમાં જે હિન્દુ ધર્મ કર્મનું સત્યાનાશ વાળવાના કલમાઓ છે તે પઢો અને મુસલમાની ક્રિયા કર્મથી શણગારવામાં આવેલા ખીચડીયા પંથને પાળો અને તમે તમારી કમાણીનો દસમો ભાગ મારા વંશના સૈયદોને આપતા રહેશો તો સ્વર્ગમાં પીરાણા કબ્રસ્તાની પંથને માનનારા મુમનને જગતનું સવાલાખ વર્ષ સુધી રાજ્ય કરવાનું મળશે અને રાજ્ય સુખ ભોગવ્યા પછી સ્વર્ગમાં હંમેશના માટે સોના રૂપાની ઈંટો અને કેશર કસ્તુરીની ગારથી બનેલા રત્ન જડિત ચળકાટ મારતા પાંચસો માઈલના ઘેરાવામાં આવેલા આલીશાન મહેલો બાગબગીચાઓ સહિત મળશે કે જેની અંદર શરાબ (દારૂ), દૂધ, મધ અને અમૃતના વહેતા ઝરાઓ અને સોના રૂપા તથા અગણિત હીરાથી જડિત થયેલા હોજો, ફુવારાઓની સાથે અને ચકચકિત કરી નાંખે એવી સ્વર્ગની પચાસ હુરાઓ (અપ્સરાઓ) પ્રથમથી જ તૈયાર કરી રાખેલા પાંચસો છોકરાઓ અને પાંચસો નુરી ફિરસ્તાઓ સેવામાં હાજર ! અને તે સિવાય અનેક પ્રકારની અચરત પમાડનારી હજારો જાતની કિમતી જણસો મુવા પછી ઈમામશાહના સેવકોને જરૂર મળશે. એવો વાયદાનો સોદો કરીને પ્રથમથી પીરાણા કબ્રસ્તાની ધર્મને માનનારા પોતાના મુમન શિષ્યો પાસેથી કમાણીનો દસમો ભાગ લઈ લેવો અને ઈમામશાહની કબરની તેમજ ઈમામશાહના વંશના મુસલમાન સૈયદોની પીરાણા ધર્મી મુમનભાઈએ પુજા કરવી. આવો રોજને રોજનો ચાલુ બોધ ત્યાં પછી મુમનભાઈઓ સૈયદોની સેવા કરવામાં અને તેના બોલેલા બોલો ઉપાડી લેવામાં શેની વાર કરે? જન્નતનામામાં સૈયદ ઈમામશાહે પોતાના શિષ્યોને સંબોધીને કહ્યું છે કે હે મુમનભાઈઓ “પીરાણા સતપંથ વિના તે ખોટા કહીએ અને ખોટાં તે સર્વે ધામ, જો ફક્ત આલ ઈમામની સેવીએ તો પોચીએ ભેસ્ત મુકામ” ફક્ત ઈમામશાહના વંશની ઓલાદના સૈયદોના પગ પુજીએ, તેમનું એઠું ખાઈએ અને દશોંદ — ખાવા ન હોય તો પણ કરજ કરીને પણ ભરતા રહીએ તો ભેસ્ત મુકામ કહેતાં સ્વર્ગમાં જવાય ! આવા ઉપદેશો સંભળાવીને રાત્રિ દિવસ સૈયદો અને સૈયદોના એજન્ટ કાકાઓ અને કચ્છના કણબી જ્ઞાતિના જુલમગાર, આગેવાનો અનેક પ્રકારના પ્રપંચો કરી ભોળા અને અજ્ઞાન હિન્દુ ભાઈઓને ભરમાવીને પોતાનું પાપી પેટ ભરે જાય છે.

          સૈયદ ઈમામશાહે તેમજ તેના વંશના સૈયદોએ પીરાણા પંથી સેવકોને સ્વર્ગની જુઠ્ઠી લાલચો આપી પૈસા કઢાવવા. દસોંદના લાગાના કર વિશે ભારે ભાર મેલીને બોધ કર્યો છે અને હમણાના સૈયદો પણ એજ બોધ કરે છે. ઈમામશાહે પોતાના સેવકોને દશોંદ દેવા માટે મુમન ચેતામણીમાં કરેલી સુચનાઓ એવી છે કે :—

          એજી લક્ષ ચોરાસી તો છુટીએ, જો રહીએ આપણા સત્‌ગુરૂ કે ફરમાન માંહે,

          દશોંદ દીજે સત્‌ગુરૂ મુખે, તો વાસો હોવે અમરાપુરી માંહે.

          એજી અમરાપુરી છે આગળે, તેના સુખ કહ્યાં નવ જાય,

          સત્‌ગુરૂએ કેતાં ઈમામશાહે દીઠી તેવી કહી છે. ત્યાં હુરમ લાયક માંહે.

          એજી અનંત મેવા છે તે મહેલમાં તે ઘરની શોભા છે ત્યાંય,

          મોમન રખીસર તે મહેલમાં લીણા લાડ કરશે ત્યાયં.

          એજી એવાં ઘર તે જીવ પામશે જે ચાલશે આપણા સત પંથ માંયે.

          ખરા દશોંદી સુક્રીત વંતા તેની શાખ છે એલમ માંય માટે — ચેતો.

          X                     X                       X                       X

 

                   વળી ઈમામશાહે દશોંદ માટે કહ્યું છે કે :—

 

          એજી એ ઘર દશોંદજ દીજીએ, તે માંહે આળસ ન કરીએ લગાર,

          અનેક જીવ આગે ઓધર્યા તેણે ઓળખીઓ પોતાનો ભરથાર,

          એજી દશોંદ વિના નહી છુટશો સાંભળો મુનિવરો કહું છું વારંવાર.

          દશોંદમાં મુમન ન સમજે તેટલા માટે ઈમામશાહે ખુલાસો કર્યો છે :

          એજી દશોંદ તે કમાણીની દશમી પાંતી કહીએ તે તો આલો એ નરજીશું અહાર,

          ચાલીઓ તે પીર મુખે આલીએ, એ છે મુમન તણો ખાસ વહેવાર.

          એજી દશોંદ દેતાં જે જીવ ડોલાવશે તેનું હાલમાલ નહી રહે પરિવાર !!!

          ક્રિયા હીણા જીવ નહીં તરે, સતગુરૂ ઈમામશાહ કહે છે પુકાર.

          X                     X                       X                       X

 

          એજી કલજુગની સંગ છે દોહલી, એ મુમનભાઈ તમેં રહેજો હુશીયાર,

          દશોંદ દેજો આ સતગુરૂ મુખે (કહેતાં ઈમામશાહને) તેથી ઉતરો પેલેપાર.

          એજી દશોંદ નહીં દેશે સતગુરૂ મુખે તે તો કાયર થાશે ને ખાસેરે માર,

          તેના હૈડામાંથી અગ્નિ ઉઠશે તારે જીવડો તે કરશે તે પુકાર ! ચેતન હારા તમે ચેતજો.

          X                     X                       X                       X

 

          એજી મહારે પદાર્થ સરીખો આ માનખો તેને સદગુરૂજીએ ધર્મ દીધો સંભાળ,

          તે માંહે સાચા મુનિવર આપણા તેને શાળી રાજો લેશે ઉગાર.

          ખાસ કરીને તો એજી તે માંહે ખરા દશોંદી જે સુક્રિયવંતા તેણે તો બાંધી પુરની પાર,

          તે જ્ઞાન વિચારી ચાલશે તેને કલયુગ નહી લોપશે લગાર.

          X                     X                       X                       X

 

          ખરી દશોંદ તેને આલીએ એ તો ખટ્યા નીરે સંભાર.

          એજી તે સતગુરૂની પાંતી અળગી કરો અને બાકીનો કરો પોતાનો આહાર.

          તે માંહે થાશે બરકત ધણી (ભુખની !) તેનો સેસો મ આણજો લગાર

          ભાઈરે દશોંદ આપણને દીધા વિના નહી ચાલશે, એ ગુરૂનર લોભી નહીં રે લગાર !

          X                     X                       X                       X

 

          એજી દશોંદ તે દશમી પાંતી કહીએ તે દેજો નરઅલીજીને અહાર,

          ચાળીઓ અમારો આલજો એ પીર મુરીદનો છે વેવાર,

          X                     X                       X                       X

 

          એજી સતગુરૂના વાયકે તે સાચા ચાલજો દેજો સતગુરૂ મુખે દશોંદનો અહાર,

          ચાળીઓ તે પીર મુખે આપજો અને કરજો તે સુક્રિત અપાર.

          X                     X                       X                       X

 

          એજી ખરા દશોંદી સુક્રિતવંતા તે તો આવશે અમારે દુવાર (પીરાણામાં)

          આખરની વેળા જ્યારે આવશે, ત્યારે તે ઉતરશે પહેલે પાર.

          X                     X                       X                       X

 

          ઈમામશાહ ભાર દઈને પોતાના શિષ્ય મુમનોને કહે છે :—

          એજી ઈમામશાહનો વંશ સૈયદો જેવાને સુપાત્રે દાન દેતાં ઓછું આણસે અને બીજે પાંખડે રાખશે વેવાર,

          X                     X                       X                       X

 

          તેને શ્રી સત ગોરજી ઈમામશાહ પોતાનો નહી કરે તે તો જશે નરગને દોવાર.

          એજી જે સૈયદ જેવા સુપાત્રને દાન દેતાં ઓછું આણસે અને ચારે ચરબટે તે રહેશે હુશીયાર

          પણ ભાઈ મુમનો સતપંથ વિના ધર્મ છે જેટલાં તે તો સર્વે મિથ્યા સાર !

          એજી જેણે સતગુરૂએ ધર્મ દઈને ઈમામશાહનો વંશ સૈયદ દેખાડીઆ !

                             પ્રગટ હાજર જામું પાત્ર અવતાર

          બીજા સંસારથી ગુપ્ત જ રહીએ એક સતગુરૂ સૈયદ મુખે રાખીએ વિચાર.

 

          બંધુઓ ! આ ક્બ્રસ્તાની પંથે ચડેલા પોતાના શિષ્યોને તેમની શ્રદ્ધા જોઈ જોઈને ફુંકી ફુંકીને ફોલી ખાવાની યુક્તિ રચી છે તે સાથે કંઈક સામ ભેદનો પણ ઉપયોગ કર્યો છે. દશોંદ દેવામાં જરા પણ મન કચવાય તો ઈમામશાહ કહે છે કે, એ મુમનનો હાલ માલને પરિવાર પણ નહિ રહે એટલે તેનું નખોદ જશે !  હૈડામાંથી અગ્નિ ઉઠશે ! બીજી આજ્ઞાઓ પાળે છતાં દશોંદ ન ભરે તો ક્રિયા હિન કહેવાય એટલે તે તરશે નહિ એવું ઈમામશાહ પોકારને કહે છે. ઈમામશાહને પોતાને જ નહિ પણ તેના પરિવાર સૈયદોને પણ દશોંદ આપવી ! જુઓ તો ખરા. પોતાની પાછળ પેઢીની પેઢી સુધીના સૈયદોના પેટની પણ તે બિચારા જીવને કેટલી ચિંતા થઈ હતી. તેને ખબર તો હતી જ કે આગળ જતાં બધું પોગળ ઉઘાડું થશે એટલે કહી રાખ્યું છે કે, બીજા સંસારી માણસો અને તેમના ધર્મ કર્મ કે વહેવારમાં જોડાવું નહિ ! માત્ર સૈયદોના મુખનો જ વહેવાર રાખવો ! બિચારા અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન લોકો આ ઉપદેશ સાંભળી સૈયદોના મુખની પ્રસાદીને જ ઉત્તમ માનતા આવ્યા ! કહો, ભાઈઓ આ કેટલી દિલગીર થવા જેવી અને નીચું ઘાલવા જેવી બાબત છે? સૈયદોના મુખનો વહેવાર રાખનારાને કોઈ હિન્દુભાઈ પાસે પણ ઉભવા દે ખરો ! વળી ઈમામશાહ કહે છે કે, સૈયદોને દાન દેતાં જે ઓછું આણશે અને બીજાં પાખંડ બીજા ધર્મો સાથે વહેવાર રાખશે તે નરકે જાશે ! જુઓ તો ખરા જાણે હિન્દુપણામાંથી ભ્રષ્ટ થયેલાને જ ભીસ્ત મુકામે લઈ જવાનો પેટંટ મેળવીને ઈમામશાહ ન આવ્યો હોય તેમ મુમનાઓને ગળે ઘૂટડા ઉતારે છે. વળી હમણાંના સૈયદો, પોતાના દાદા ઈમામશાહે રચેલાં શાસ્ત્રના આધારે વાયદાની હુડીઓ લખી દશોંદના નાણાં ઉપાડે જાય છે અને કહે છે કે તમો પીરાણા સતપંથીઓ જો તમારી કમાઈનો દશમો ભાગ (દશોંદ) રાજીખુશીથી આપતા રહેશો તો તમારા માટે મુક્તિ અને સ્વર્ગના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે !

બાવાના કાંકણની લાગવગ ક્યાં સુધી પહોંચે છે?

          જે સતપંથીઓ દશોંદના લાગા ભરતા હશે તેમના પાપ કે ગુનાહનું પુછણું જ્યારે આખરના દહાડે થશે ત્યારે ધર્મ અને પાપનો હિસાબ પીરાણા કબ્રસ્તાનમાં ઈમામશાહની બેઠક નગીના ગોમતી ઉપર ખુદા તાલાની હજુરમાં થશે અને જેટલા પીરાણા ધર્મી છે અને બાવાનાં જેને કાંકણ છે અને જે મરતી વખતે દટાણા છે એવા મુમનોની સીપારસ ખુદાતાલાની હજુરમાં પીર કબીરદીન ઉભા થઈને કરશે અને પોતાના શિષ્યોને મુક્તિ અથવા તો સ્વર્ગમાં દાખલ કરાવશે એટલું જ નહીં પણ પીરાણા ધર્મીના પાપ અને પુન્ય જ્યારે કાંટા ઉપર તોળાશે ત્યારે ખુદા તાલાની રૂબરૂમાં કોઈ મુમન ભાઈના ગુના ઘણા હશે તો પણ, પીર કબીરદીન, ધર્મના પલ્લાને દબાવીને પાપ કરતાં પુન્ય ઘણું છે એમ કરી બતાવશે ! ખુદાતાલા તેને જોઈ હસીને કબીરદીનના સામું જોઈ મોઢું બીજી તરફ ફેરવશે, એટલે કબીરદીન પોતે તેમજ પોતાના વંશજોએ ખાધેલ દશોંદની હુંડી પાકતી હોવાથી તેને સ્વર્ગમાં ધકેલી દેશે. માટે સ્વર્ગ કે મોક્ષની ઈચ્છા અથવા ઉમેદવારી કરનારે સૈયદોને સંતોષવા અને તેને ખુશી કરવા તેનું એઠું ખાવું વિગેરે. સૈયદોની દરેક ઈચ્છાને આધીન થનારા પીરાણાપંથી મુમન જોઈએ તેટલા ગુના કરે, પાપ કરે કે અનેક પ્રકારના અન્યાયો કરે તેના માટે મુવા પછી ધર્મરાજ કે યમ ભગવાન એનું નામ સરખું પણ લઈ શકે નહીં કારણ કે બાવો ઈમામશાહ અને કબીરદીન ત્યાં ખુદાતાલાની હજુરમાં સીફારસ કરવા તૈયાર જ ઉભા છે ! આવા કળીકાળમાં મુક્તિ અને સ્વર્ગે પહોંચવાનું કાર્ય એટલું બધું ઈમામશાહ તો મરી ગયા છે પરંતુ તેના વંશના સૈયદોથી પણ થઈ શકે તેવું સહેલું છે ! અને તે એ કે ફક્ત પોતાની કમાઈનો દશમો ભાગ સૈયદોને આપો એટલે જાણે ડરબીની લોટરી વાળી મોટી સોરટી લાગી જ છે એમ માની લેજો ! એટલું જ નહીં પણ સ્વર્ગમાં સવાલાખ વર્ષ રાજ્ય ભોગવવાનું અને વળી સ્વર્ગની અપ્સરાઓ સાથે અમન ચમન કરવાનું જૂદું. તેમાં વળી સ્વર્ગની અપ્સરાઓ સાથે રંગ રાગ ભોગવવાને નશો કરવો જોઈએ એટલે સ્વર્ગમાં દારૂના હોજ ભરેલા પણ તૈયાર !

          બંધુઓ ! આવા સ્વર્ગની તમે ઈચ્છા રાખો છો? જે સ્વર્ગમાં દારૂના હોજ ભર્યા હોય ત્યાં જઈને તમે શું કરશો? જ્યાં દારૂના નિસા અને વ્યભિચાર થતા હોય એ તે સ્વર્ગ કહેવાય કે નર્ક ! અરે, કેટલી અફસોસની વાત છે કે આ ખીચડીયો પંથ કે જે તમને હિન્દુઓને મુમના બનાવી દેવા ખાતર ઉભો કર્યો છે, તેમાં જે અનેક જુઠ્ઠી, બનાવટી અને અધર્મથી ભરેલી વાતો કરવામાં આવે છે તે પણ તમે સમજી શકતા નથી ! તે પંથના ચાલકો અંદરખાનેથી અસાધારણ હિંમત અને હદ ઉપરાંતની નીચતા વાપરી તમને ફસાવા માટે ખોટી ખોટી લાલચો આપી રહ્યા છે અને તમારા પવિત્ર આર્ય ધર્મનું ખંડન કરી તમને અજ્ઞાન અને ભોટ સમજી વટલાવી રહ્યા છે. વળી પોતાનું પાપી પેટ ભરવાની ખાતર પરમેશ્વરના ઘરની કપોળ કલ્પિત વાતો તમને સમજાવી રહ્યા છે, તમને ખોટી આશાઓ આપી રહ્યા છે તે તમે હજી પણ સમજી શકતા નથી એ તે તમારી બાળક બુદ્ધિ કેવા પ્રકારની કહેવાય ! જો આ સ્થિતિમાં પણ આપણે ન સમજી જઈએ તો પછી ક્યારે સમજવાના? પુરા મુમના જ થઈ રહેશો ત્યારે ન તો તમને કોઈ હિન્દુ સાથ દેશે કે ન તો કોઈ મુસલમાનભાઈ તમને પેસવા દેશે. ઝાલ્યુ ન છોડવાની હઠીલાઈ હવે મુકી દો, આ કુટીલ કારસ્તાનથી ભરેલા પંથને તિલાંજલી આપો અને એકવાર તો આંખો ઉઘાડીને જુઓ કે તમે હિન્દુ રહ્યા છો કે મુમના બન્યા છો? મારા પ્રિય ભાઈઓ ! તમે એ કબ્રસ્તાની પંથની ક્રિયા કર્મ કરશો, ફરમાનજી બિસમિલ્લાના કલમા પઢશો, મડદાંને દફનાવી દેશો, લગ્ન પ્રસંગે ધોઆઓ પઢશો, રાંધેલું અનાજ ખાનામાં લઈ જઈને ખાશો, કબ્રસ્તાનમાં પણ સાથે બેસી બિસમિલ્લા બોલશો અને સૈયદોથી વટલશો ! છતાં અમે હિન્દુ છીએ ! એવું તમે કહી શકશો ખરા કે? જેના પૂર્વજોએ ગુજરાતની પવિત્ર ભૂમિને યવનોના હાથમાંથી બચાવી હિન્દુ ધર્મનું જીવ સાટે રક્ષણ કર્યું છે તેના તમે પુત્રો આજે એ કબ્રસ્તાની ધર્મને ખાતર જીવો છો એ કેટલી ગજબ નીચતા કહેવાય ! તમારા જેવી ઉચ્ચ આર્ય કોમને એ પીરાણાના ક્બ્રસ્તાન સાથે સંબંધ હોઈ શકે ખરો? અને, જો તમે રાખવા માગતા હો તો તમે એ પણ વિચાર કરી લેજો કે તમે કઈ નાતમાં રહેશો?

કબ્રસ્થાની પંથની પોલંપોલ !

          પીરાણા પંથમાં કે તેના ગંગુઆ કુવામાં નતો તીર્થ છે કે ન તો પવિત્રતા છે. એમ કહેવામાં આવે છે કે બાવા ઈમામશાહની કબરમાંથી અમી નીકળે છે એવો મહાન ચમત્કાર છે ! એ ચમત્કારને નામે આપ નમસ્કાર કરતા હો તો તમારી મોટી ભુલ છે. એ તદ્દન બનાવટી વાત છે, કલીયુગમાં ભોળા અને અજ્ઞાન લોકોને છેતરવાની આ એક યુક્તિ છે. આપને હું ખાત્રીપૂર્વક કહું છું કે એ તદ્દન બનાવટી વાત છે. તે સિવાય પીરાણા પંથીઓમાં એવી પણ એક માન્યતા છે કે સત્ય અસત્યની પરીક્ષા કરવા માટે પીરાણાના રોજામાં લોખંડની બેડીઓ લોકો પહેરે છે. જે સાચો હોય તેની ઉઘડી જાએ અને જુઠ્ઠા માણસની ઉઘડતી નથી ! આ વાત પણ ઉપર જણાવ્યા જેવી તદ્દન પ્રપંચી છે. એ કંઈ ખરી બેડીઓ નથી પણ લોખંડના વાળા હોય છે અને તે યુક્તિસર પહેરાવવામાં આવે છે. જેની બેડીઓ ઉઘાડવી હોય તેની ઉઘાડે અને જેને વધુ ખુવાર કરવો હોય તેવા માણસની ન ઉઘડે એવો પ્રપંચ બેડી પહેરાવનાર કરી શકે છે. છતાં પણ હું તો સાચી વાત ત્યારે માનું કે, સૈયદો જે પવિત્ર કહેવાય છે તેને અથવા ટીલાયત લખુ કાકાને અથવા તો હડુડ પીરાણા પંથીને મારા હાથે બેડીઓ પહેરાવું અને બેડીઓ ઉઘડી જાય ત્યારે ખરી વાત કહેવાય, બાકી તો આ ચોખો ઠગાબાજીનો ધંધો છે અને આવાં જ છળકપટ કરવાથી આ પીરાણા પંથીની માઠી દશા આવી છે. તે સિવાય પીરાણા પંથીઓમાં એવી માન્યતા છે કે, મરી જનારના ગુન્હા છોડાવીએ અને લગભગ ૧૦૦ કોરીની ઉઠોતરી કરીએ તો ગમે તેવા ગુન્હા કર્યા હોય તો પણ તેનું પુછણું નથી ! આ કેવળ ધર્માન્ધતા છે. તે સિવાય પીરાણા ધર્મની જે રચના ઈમામશાહે કરી છે તેમાં મુખ્ય કરીને એવો ઘાટ રાખ્યો છે કે અમીની ગોળી એ જ પીરાણા ધર્મ ! આ ગોળી પીરાણા ધર્મની ક્રિયા કરતી વખતે વપરાય છે. છોકરાંને નીમતી વખતે એટલે પીરાણાના વાડામાં ઘાલવા માટે તેમજ લગ્ન અને મરણ વખતે અને પરદેશથી કોઈ માણસ દેશમાં જાય ત્યારે (અ)પવિત્ર કરવા માટે આ ગોળી ગળીને પાવામાં આવે છે. સુતક સ્નાનમાં પણ ગોળીનો ઉપયોગ થાય છે. પરંતુ આ ગોળી શાની બનાવવામાં આવે છે એની હજી સુધી કોઈ પીરાણા પંથીએ શોધ કરી નથી એ મોટી દિલગીરની વાત છે. એ ગોળીથી પીરાણાપંથી હિન્દુને વટલાવવામાં આવે છે અને તે યવન સૈયદોના હાથે આ ગોળી બને છે. ઘણા કાકાઓને પૂછ્યું તો તે પણ એવો જ જવાબ આપે છે કે અમને ખબર નથી. ઘણા કણબી ભક્તો પીરાણા ધર્મમાં અંધ થયેલા છે, જાણે આજે જ મુસલમાન થઈ જઈએ એવા જ્ઞાતિદ્રોહી—હિન્દુ ધર્મદ્રોહીઓને પૂછતાં પણ ગોળી શાની બને છે એ વાત કોઈ જાણતા નથી. આ ગોળી શાની બને છે તે મેં ખૂબ તપાસ કરાવી કેટલાક સપ્રમાણોથી સિદ્ધ કરી ખાત્રીપૂર્વક જાણ્યું છે કે હિન્દુઓને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે જ આ ગોળીનો ઉપયોગ છે અને તે જો કોઈ પીરાણાપંથી ન પીએ તો તેને બળજબરીથી ખાસ પાવામાં આવે છે અને તે છતાં પણ હઠાગ્રહ કરે અને જો કોઈ ગોળી કહેતાં અમી અને અમી કહેતાં સૈયદોની થુંક ! ન પીએ તો તેને નાતબહાર કરવામાં આવે છે ! જેના સેંકડો નહી બલકે હજારો દાખલાઓ તમારી પાસે મોજુદ છે. આ ગોળી પ્રકરણ મેં પીરાણા ધર્મની પોલ નામની બુકમાં લખ્યું છે. પરંતુ અહીં ટુંકામાં જણાવું છું કે ગોળીનો ઉપયોગ એ માત્ર હિન્દુઓને વટલાવી તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટેનો એક તાંત્રિક  પ્રયોગ છે. પીરાણા ધર્મી કોઈ પણ માણસ, દેશ છોડી પરદેશ જાય અગર તીરથ જાત્રા કરી ગંગા ગોદાવરી કે હરીદ્વાર અને સેતુબંધ રામેશ્વરની જાત્રા કરી પાછો દેશમાં જાય ત્યારે એ માણસ પીરાણા ધર્મથી વિમુખ થયો છે એમ પીરાણા ધર્મની માન્યતા હોવાથી તે ભાઈને પાવન કરવા, ખાનામાં, અમીની ગોળી પીવી પડે છે ત્યારબાદ મુખી તેને પવિત્ર કરી છાંટ નાખે છે ! તેની ધોવા પઢતાં મુખી જે કલમો પઢે છે તે સાંભળો !

          “ફરમાનજી—બીસમિલ્લાહ હરરહેમાન, નરરહીમ, સતગોર પાત્ર બ્રહ્મા એંદર ઈમામશાહ નરઅલી તે માહમદશાહ નબી નુર સતગોર તમારી દોવા. અથ વેદ કાયમ પાયા, અવલ આખર દેદાર આપો. ઈમાન સલામત રાખો, સત સબુરી આપો, કરોડ કરોડ ગુના કાપો, ખોળે તે છૂટે ડરે સો તરે નુર નકસેકી પીર સાહા નુર જે રખેસર પીએ, જે રખેસર પીએ તે જીવ અનંત કરોડીની સોબતે મળે. સતગોર ઈમામશાહ નરઅલી માહમદસાહા, હકલા એ લાહા ઈલલા હો મહમદર રસુલલા હે.”

          ભાઈઓ ! આ પ્રયોગમાં હિન્દુપણાની ક્યાંય છાંટ સરખી પણ તમને દેખાય છે, અરે ! તમને હિન્દુ રહેવા દેવાનો ઈરાદો જ ક્યાં છે ! કદાચ તમે હિન્દુ છો એમ સમજી જાત્રાઓ કરો કે હિન્દુઓ સાથે મુસાફરી કરીને ઘેર આવો કે તરત જ સૈયદોના થુંકની ગોળી પાવા મુખો તૈયાર જ હોય ! તમારે પીવી જ પડે ! મતલબ કે તમે મુમનભાઈ ઠર્યા એટલે જીવો ત્યાં સુધી તમારે તો માત્ર સૈયદોના મુખનો જ વહેવાર રાખવાનો અને તમારે ઘેર છોકરાઓ જન્મે તેમને પણ કાંકણદોરા એ બાવાના જ ! જુઓ તો ખરા, દેખાય છે ક્યાંય તમારી ગુલામી દશાનો છેડો ! છે ક્યાંય તમને હિન્દુ રહેવા દેવાની ભાવના? વળી તમારા બાળકોને એ ખાંનાનું ભૂત કેમ વળગે છે. જ્યારે તમારે ઘરે બાળક જન્મે છે ત્યારે તે બાળક દિવસ નવ અથવા પંદર વીસનું અને મોટામાં મોટું ચાલીસ દિવસનું થાય ત્યારે તો તેને ફરજિયાત ખાનામાં લઈ જઈને પીરાણા ધર્મી તરીકે નીમાવું પડે છે અને તમે બાળકોને ખાંનામાં મુખી પાસે લઈ જાઓ છો. એટલે મુખી બાળકને નીમે છે અને કાંકણ બાંધે છે ત્યારે તે કેવા પ્રકારની ક્રિયા કરે છે, હિન્દુને લગતી કે મુમનાસાઈ ! તમને કદાચ યાદ નહી હોય પણ

મુખી કાંકણ બાંધતાં બોલે છે કે :—

          “ફરમાનજી બીસ્મીલ્લા — હરરહેમાન, નરરહીમ, સતગોર બ્રહ્મા એંદર ઈમામશાહ નરઅલી મહમદસાહ નબી નુર સતગોર તમારી દોવા. આદ નરીજન ધધુકાર, જીવ ઉપરનો કરો નીસતાર. જીવ ઉપરના સરજનહાર બ્રહ્મા વાચા. વીસ નવ વાચા, મહેસ્વર વાચા, શ્રીમચ્છની વાચા શ્રીકોરભની વાચા, શ્રી વારાહની વાચા, શ્રી નરસિંહની વાચા, શ્રી વામનની વાચા, શ્રી ફરસરામની વાચા, શ્રી રામની વાચા, શ્રી કરશનની વાચા, શ્રી બુધ્ધની વાચા, શ્રી નકલંકીની વાચા, હક મોલાહા સાહા મુરતજાઅલી, નબી નુર સતગોર નર અસલામસાહ, વારના મરદ. સત ગોર સલાઉ દીન, સત ગોર પીર સમસદીન, પીર નસીરદીન, પીર સાહેબદીન, પીર સોદરદીન, પીર કબીરદીન, પીર ઈમામશાહ, નરઅલી મહમદાશાહ, સીત્ર, સીત્ર હોસેની ફલકા એમનો પરવાર જાંબુ દીપે ભરતખંડ કુવારકાં ક્ષેત્રમાં હુવા દશમા અવતાર, નરીજન નકલંકી, નારાયેણ પાત્ર બ્રહ્મા, નરહરી અથર વેદની કાંડી ભણીને જીવના કાંકણ બાંધીએ, તો જીવની કાયા નરાણી થાય, તે જીવ અમરાપર જાએ તે જીવ ફેરાથી છૂટે અમરાપર આસણ જઈ બેઠો. મનમકો અમરો ગજસકો તમારો એ જીવને કમળા કુંવરની સોબતમાં રાખો તેત્રીસ કરોડીના મેળા આપો, ચાંદા સૂરજ તારા પવન, પાણી, જમીન, આકાશ, એસટ કળપર બત, નવકુળ નાગ ચારકમ મેઘ, ચારખાણ, ચારવાણ ચાર વેદ, ચાર કેતાબ, તેત્રીસ કરોડીની પુરી સાંખ, ત્રિલોકની દીધી વાચા સ્વામી તમારી નીમ કાંકણે, તમારે કરમેં તમારે ઘરમેં એ જીવને સતપંથના મારગમાંહે રાખો, ગોર નરનાં દેદાર આપો એ જીવના ગુના બકસો અમરાપરમાં વાસ આપો, એ જીવ, જગો જગ તમારો છે. એ જીવની ચિંતા તમને છે. એ જીવને પાક પાંવન કરો સતગોર ઈમામશાહ નરઅલી માહમદશાહ હકલા એલાહા, ઈલલા હો મહમદર રસુલેલા હો.”

          બંધુઓ ! આ કાંકણ દોરા બાંધવાનો કલમો તમે સાંભળી ગયા તેમાં હિન્દુ મુસલમાની ભાષાનો ભુંડો ખીચડો રાંધ્યો છે અને બાળકને શરૂઆતથી જ એ ખીચડાની ગરથુથી અપાય છે એ વાત પણ તમે જાણો છો જ. જ્યાં જાઓ ત્યાં ફરમાનજી બિસમિલ્લા અને છેવટે મહમદ રસુલેલાહો ! વહેવારની હોય કે ધર્મની ક્રિયા હોય જ્યાં ને ત્યાં એ જ વાત અને એજ સંસ્કાર પછી પીરાણા પંથમાં તમને હિન્દુપણું ક્યાં ભરાઈ રહેલું દેખાય છે? કયાંય નથી, એ કબ્રસ્તાની પંથના મિસ્ત્રીઓએ એવી રચના કરી છે કે જ્યાં જુઓ ત્યાં ફરમાનજી બિસમિલ્લા સિવાય તમને બીજું દેખાય જ નહિ, તમે હિન્દુ અને વળી કડવા પાટીદાર એટલે નાતના રિવાજ પ્રમાણે કદાચ દશે વર્ષે વિવાહ કરતા હશો પણ ચોરીને અને ચિતાને તો તમે દેશવટો દીધો છે. લગ્નમાં પણ શું છે? તમારે બ્રાહ્મણની તો જરૂર ક્યાંથી ! કારણ મુખી જ વિધિ કરે છે એટલે લગ્ન અથવા તો પુનર્લગ્ન વખતે વરકન્યાને કાંકણ બાંધે છે, હસ્ત મેળાપ પણ તેજ વખતે કરે છે, અને શું બોલે છે તે સાંભળો ! “ફરમાનજી બીસમિલ્લાહ હર રહેમાન નરરહીમ સતગોર પાત્ર બ્રહ્મા એદર ઈમામશાહ આદ વીસનવ નરીજન નરઅલી મહમદશાહ સતગોર પીર કબીરદીન, સતગોર પીર સદરુદીન, સતગોર પીર સાહેબદીન, સતગોર પીર નસરદીન, સતગોર પીર સમસદીન, સતગોર પીર સલાઉદીન સતગોર પીર ઈમામશાહ નર અસલામસાહા નરઅલી નરીજનનામ નબી નુર સતગોર તમારી દોવા ! નર વાચા રોદ્ર શક્તિ વાચા બ્રહ્મા વાચા વીસનવ વાચા માહેશ્વર વાચા ફરમાન નારાયણનું સતવાચા દતવાચા વેદવાચા આદે આલ સતપંથની વાચા નવખંડ પ્રથમની વાચા ચોવીસ કુલકની વાચા એ સકળ પરવતની વાચા નવકુળ નાગની વાચા ચારકુળ મેઘની વાચા સાત સાહેરની વાચા નવસે નવાણું નદીઉંની વાચા ચારખાણ ચારવાની વાચા ચાર વેદ ચાર કેતાળની વાચા અઢાર ભાર વનસ્પતિની વાચા ચંદા સૂરજની વાચા અજ્ઞીતેજ અનદેવની વાચા ધંધુકાર કલફની વાચા જડ બંધણ જુગની વાચા ઈક છેદાની વાચા દયા ક્ષેમાની વાચા સતી જતીની વાચા સત સંતો કરેણીની વાચા અડસટ તીરથની વાચા અઠાસી સહસ્ત્ર રૂષીની વાચા નવનાથને ચોરાસી સિદ્ધની વાચા એક લાખને એસી હજાર પીર પેંગમ્બરની વાચા નવાણું કરોડી જાખાની વાચા છપન કરોડી મેઘાની વાચા બત્રીસ કરોટી કેનરની વાચા પાંચ કરોડી પ્રલાદની વાચા સાત કરોડી હરીચંદની વાચા નવ કરોડી જજેસ્ટળની વાચા બાર કરોડી કમળા કુંવરની વાચા અનંત કરોડીના પીર હસનસાહની વાચા ચોસઠ લાખ દેવીઉંની વાચા સહસ્ત્ર હોસેની કોલ કાયમના પરિવારની વાચા આદે ઉનાદે અહુંકારે ધર્મ સ્થાપી સતગોરે કીધો વિસ્તાર આદ સતપંથની સ્થાપના કરીને વેદ વીસે તો આવ્યા હરી સ્થાપના કરીને દેખાડ્યાં ધર્મ રખેસર જીવુનાં ઉતારવા કરમ પેલા સર્જયાં વેદને વાણ પછે સર્જયા ચારે ખાણ, જે જીવ સતપંથમાં મળ્યા તેને આવા ગમનનો ફેરો ટળ્યો ફરમાન તમારું સત, દત, વાચા, તમે ફરિયાદ વીનતી અમો સતગોર ઈમામશાહ નરઅલી માહમદશાહ હકલા એલાહા ઈલલ્લા હો મહમદર રસુલલ્લા હૈ.”

          મારા વહાલા ભાઈઓ ! હું તમને ખાસ ભલામણ કરું છું કે હિન્દુશાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે જ્યાં લગ્ન અથવા પુનર્લગ્નની ક્રિયાઓ થતી હોય ત્યાં ખાસ જજો એટલે હિન્દુ ધર્મની પવિત્રતા તમને જરૂર સમજાશે. તમે વિચાર કરી જુઓ કે આ સંસારમાં સ્ત્રીને પુરૂષ એકબીજા સાથે જોડાય છે અને વહેવાર ચલાવે છે એ કાર્ય કેટલું મુદ્દાનું છે, તમારા જીવનની એક જ મુખ્ય વસ્તુ છે એ તમે નથી જોઈ શકતા ત્યારે જીવનના આધારરૂપ ક્રિયામાં કેટલી પવિત્રતા અને સ્ત્રી પુરૂષોના હૃદય ઉપર છાપ પાડનારી કેટલી ઉચ્ચ ધર્મભાવના હોવી જોઈએ? ક્યાં ખાનાંનો મુખી, ક્યાં તમે સાંભળી ગયો તે ગષ્ટાક વાર્તા જેવી ધોઆ અને ક્યાં સપ્તપદીના મંત્રો વડે પ્રતિજ્ઞા લેતાં હિન્દુ સ્ત્રી—પુરૂષોની લગ્ન વિધિ ! તમારી ધોઆ પડવાની વિધિ જોનાર તમને હિન્દુમાં ગણશે ખરો? નહીં જ. છતાં કેટલાંક આંધળાઓને એ ખીચડીયા પંથની ધોઆઓમાં પણ ચમત્કાર દેખાયા છે એ કેટલી અફસોસની વાત છે ! વળી એ અર્ધદગ્ધ પંથના કેટલાક ધુતારા ભક્તો જે પરચા બતાવે છે અને ભોળા લોકોને ઠગી પોતાનો નિર્વાહ ચલાવે છે તેમની પોલ તો પીરાણા પંથની પોલમાં સારી રીતે ખુલ્લી પાડવામાં આવશે. વગેરે. વગેરે. (અપૂર્ણ.)

          પીરાણા પંથને લગતા ઠરાવ ઉપર રા.નારણજી ભાઈએ ઉપર મુજબનું વિદ્વતા ભર્યું અને બોધદાયક લંબાણ ભાષણ આપ્યું હતું ત્યારબાદ એ ઠરાવને નીચે જણાવેલા ભાઈઓએ અનુમોદન અને ટેકો આપ્યો હતો. ભાઈ નારણ રઈયા, શીવજી કાનજી, નાનજી પચાણ, હીરાભાઈ લાલજી, વિશ્રામ પાંચા, ખીમજીભાઈ શીવજી, લાલજી સોમજી, દાના કરસન, વેલજી ગોપાળ, ભાઈ પ્રેમજી હરજી, વાલજી લખુ, ભાઈ નારણ શીવજી ડાયાભાઈ લખુ, હરજી શીવજી ભાઈ રતનશી કરસન તથા નાનજી વિશ્રામે બુદ્ધિ અનુસાર પીરાણાપંથને ત્યાગી દેવાની શ્રોતાઓને ભલામણ કરી હતી. ત્યારબાદ એ ઠરાવ પસાર કરવા સંબંધી અભિપ્રાય પૂછતાં પ્રમુખ સાહેબે જણાવ્યું કે :—

          બંધુઓ, બહુ અગત્યનો જે ઠરાવ હતો અને જેના વિશે સબજેક્ટ કમિટિમાં બહુ ચર્ચા થઈ હતી અને જે છેવટે તે કમિટિના સર્વે સભ્યોએ પાસ કર્યો હતો તે ઠરાવ આપની સમક્ષ રજુ થયો છે. આપણે જો હિન્દુપણુ રાખવા ઈચ્છતા હોઈએ તો પીરાણાપંથને દફે કર્યા સિવાય આપણો ઈલાજ નથી. આપણા મુરબ્બી રા.નારણભાઈ આપણી જ્ઞાતિને સુધારવા આજે ઘણાં વર્ષોથી પ્રયત્ન કરે છે અને પીરાણાપંથ એ કેટલો નાલાયક છે તે આપણને તેમણે દરેક રીતે સમજાવ્યું છે. મુરબ્બી નારણભાઈને હું વિનંતી કરું છું કે તેમણે આપેલું ભાષણ બહુ જ અગત્યનું હોવાથી તે છપાવીને આપણી જ્ઞાતિમાં અને બીજી હિન્દુ જ્ઞાતિઓમાં પણ વહેંચવાની ઘણી જરૂર છે. પીરાણાનું ધરમ હિન્દુ ધરમ છે એમ ઘણા ભાઈઓ માને જ છે અને તે સઘળાની આંખ ઉઘાડવાની જરૂર છે. જે ભાઈઓને નારણભાઈના ભાષણમાં અથવા બીજા ભાઈઓને પીરાણા સંબંધી બોલી ગયા છે તેમાં કંઈ શંકા થાય તો તેમને ઉભા થઈને ખુલાસો પુછવાની છુટ છે. હજુ તો નારણભાઈ પીરાણાની પોલ નામનું એક પુસ્તક બહાર પાડનારા છે તેમાં ઘણી બધી વાતો આવી જશે અને દાખલા અને પુરાવાથી નારણભાઈ દરેક હકીકત બહાર પાડવાના છે અને પીરાણા ધર્મ એ હિન્દુધર્મ નથી પણ સૈયદોએ હિન્દુઓને વટલાવીને પોતાનું ભરણ પોષણ કરવાનો એક રસ્તો કાઢ્યો છે એ વાત નારણભાઈ બરાબર પ્રસિદ્ધ કરવાના છે. જે ઠરાવ આપણે સાંભળી ગયા તે પાસ કરવાની તરફેણમાં હોય તેમણે પોતાના હાથ ઉંચા કરવા. આ પ્રમાણે દરેક ભાઈઓ પોતાના હાથ ઉંચા કર્યા હતા. વિરુદ્ધમાં હાથ ઉંચા કરવાનું કહેતાં કોઈએ તેમ કર્યું નહિ એટલે શ્રી ઉમિયા માતાની જય બોલાવી ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ વાળા રા.મગનલાલભાઈએ જણાવ્યું કે :—

          બંધુઓ ! મે. પ્રમુખ સાહેબ તથા આપણા સેક્રેટરી વગેરે ભાઈઓએ મને કંઈક બોલવાની સુચના કરી છે. કેટલાક દિવસથી હું આપના વિચારો અને કાર્ય જોઈ રહ્યો છું. ગુજરાતમાં પણ મેં જ્ઞાતિ સેવાનું કામ કેટલાક દિવસ કર્યું છે. મારો અનુભવ એમ કહે છે કે જ્યાં જોઈએ ત્યાં જ્ઞાતિનો એક જ પ્રકારનો સ્વભાવ અને એક જ પ્રકારની ઝાલ્યું ન છોડવાનું હઠીલાઈ નજરે પડે છે. પરંતુ મને શ્રદ્ધા એટલા માટે છે કે આપણી કોમ ભોળી અને ઉદાર છે અને તેને જેમ વાળીએ તેમ વળે તેવી છે. માત્ર આગેવાનો જ પુંછડાં ઝાલનારા હોય છે અને કેળવણીમાં આપણે પછાત હોવાથી ઘણા ભાઈઓ માત્ર આગેવાનો શું બોલે છે અને શું હુકમ કરે છે તેની જ રાહ જોતા બેઠા છે અને આગેવાનો તો તમારામાં એ શું અને અમારા ગુજરાતમાં પણ શું બધે એક જ ઘાટના વિચારોથી ઘડાયેલા દેખાય છે. હું આપને ટૂંકમાં એટલું જ કહું છું કે સત્તાધારી આગેવાનો વિનંતી કરીને સમજાવે સમજે તેવા છેજ નહિ જો કે બધા એક સરખા નથી હોતા તો પણ એમની સાથે તો સામ, દામ અને ભેદનો ઉપયોગ કર્યા સિવાય જ્ઞાતિ સેવાનું કાર્ય થઈ શકે તેમ નથી. તમે જે ઠરાવ આગેવાનો સંબંધી કર્યો છે તે યોગ્ય જ હશે પરંતુ તેનો અમલ કરવા માટે તમે કાર્યવાહકો જો પછાત પડશો તો તમારી જ્ઞાતિ સેવાનું પરિણામ કઈ નહિ આવે ! વળી આપણી કોમની એક કુટેવ સંબંધી હું આપને અગમચેતી આપી દઉં છું અને તે એ છે કે આપણે કોઈ દિવસે એવો વિચાર ન લાવવો કે ફલાણું કામ તો પ્રમુખ સાહેબનું છે અને ફલાણું તો સેક્રેટરી જ કરે ! હું ક્યાં કાર્યવાહક કે આગેવાન છું ? જો તમે આવો વિચાર કરતા થશો તો તમે પણ આજના ગેઢેરા જેવા જ આગળ જતાં નીકળશો. જેનામાં જે જે પ્રકારની શક્તિ હોય અને જેનાથી જે કંઈ જ્ઞાતિ સેવા થઈ શકે તેટલી કરવી. કરમ અને ધરમમાં કોઈનો વાદ લેવાતો નથી, ત્યારે અમુક કામ તો ફલાણાનું જ છે એવો વિચાર જો આપણે રાખીએ અને બીજાઓ કરશે ને આપણે જોઈશું એવો નિર્ણય કરીને બેસી રહીએ તો આપણા જેવો સ્વાર્થી બીજો કોણ? તમોએ જે કાર્ય હાથ ધર્યું છે તે કંઈ સાધારણ નથી તેમાં દરેક પ્રકારના સાધનોની જરૂર પડશે. મુખ્ય ચીજ પૈસા અને માણસો એટલે કાર્યવાહકો. આ બે વસ્તુ આ પરિષદના શ્રોતાઓએ પુરી પાડવાની છે. કાર્યવાહકો તો તમે નીમશો પરંતુ હું આપને ખાસ કરીને કહું છું કે તેમ કરવા છતાં તમે કોઈ પણ તમારી ફરજમાંથી મુક્ત થઈ શકતા નથી, તે તો તમારે બજાવાની છેજ. એ કાર્યવાહકોના હાથમાં તમારે પૈસા પણ આપવા જોઈએ. કેટલાક ભાઈઓ અમારે ગુજરાતમાં એમ કહે છે કે અમે કામ તો કરીએ પણ પૈસા ક્યાં છે ? છતાં મારો અનુભવ જુદા પ્રકારનો છે. હું એવું માનું છું કે બુદ્ધિશાળી સત્યનિષ્ટ કાર્યવાહકોને આ જ્ઞાતિમાંથી પૈસા મળી શકે જ ! પરંતુ તેવા કાર્યવાહકો જ નથી મળતા એ મુશ્કેલી છે. એટલે મારે આપને પ્રથમ એ ભલામણ કરવાની છે કે જે જે કાર્યવાહકો આપને મળી આવે તેમના ઉપર વિશ્વાસ રાખી કામ લેજો અને જેમ બને તેમ ઓછા ખર્ચે આપણે જ્ઞાતિ સેવાનું કાર્ય કરી શકીએ તે પ્રકારે તેમને મદદ કરતા રહેજો. મારા સાંભળવા પ્રમાણે તમે જે પહેલી પરિષદ વખતે ફંડ કર્યું હતું તે પૈસા વપરાઈ ગયા છે અને તેનો હિસાબ બહાર પડશે એટલે તમે જોઈ શકશો. હમણાં તમારે બીજું ફંડ કર્યા સિવાય ચાલે તેમ નથી એટલે જે ભાઈઓને જ્ઞાતિ સેવાની અગત્ય દેખાય તે પોતપોતાની સ્થિતિ પ્રમાણે ફંડમાં પૈસા ભરશો. પ્રભુ તમને જલદી સન્માર્ગે જવાની બુદ્ધિ અને બળ આપે એવી અંતઃકરણથી પ્રાર્થના કરું છું. ફંડની આવશ્યકતા વિશે રા.નારણજીભાઈ મિસ્ત્રીએ બોલતાં જણાવ્યું કે :—

          ભાઈઓ ! કોઈ પણ કામ પૈસા વગર થઈ શકતું નથી. તમે જાણો છો આગેવાન ગેઢેરાઓ જ્ઞાતિમાંથી લાખો કોરીઓ ઉઘરાવે છે અને તમે તેમને આપો છો છતાં જ્ઞાતિનું હિત થાય એવું તેમણે કંઈ કર્યું નથી. અત્યાર સુધી જે જે તમે તેમને આપ્યું છે તેનો માત્ર ઉપયોગ થયો હોય તો જ્ઞાતિને ડૂબવાના જ માર્ગે થયો છે અને એનું પ્રાયશ્ચિત કરવાનું તમારા નસીબે આવ્યું છે. મને જાણીને આનંદ થાય છે કે કેટલાંક ગામોએ આગેવાનોને લાગા આપવા બંધ કર્યાં છે એટલે તે પૈસા પીરાણે જતા અટક્યા છે પરંતુ ઉઘરાવેલી કોરીઓનાં નાણાં હજુ આગેવાનોના હાથમાં છે તેનો ઉપયોગ તેઓ તમારે સામે ન કરે તેની સંભાળ રાખવાની છે. તમારા આ શુભ પ્રયાસથી કાકાઓ, સૈયદો તેમજ આગેવાન ગેઢેરાઓના પેટમાં તેલ રેડાયું છે, હવે તેમને કોરીઓ મળતી બંધ થશે એમ સમજાઈ ગયું છે એટલે તમને એ લોકો સાથે મોટી અથડામણ થશે, વારંવાર દેશમાં જવું પડશે, કદાચ કોર્ટોનો પણ તમારે આશરો લેવો પડશે અને તેમાં ખર્ચ થશે એ કોણ આપશે અને તમે પસંદ કરેલા કાર્યવાહકો ક્યાંથી લાવશે એનો તમારે જ વિચાર કરવાનો છે. વળી આપણે જ્ઞાતિ હિતનો વિચાર કરવા એકઠા થઈએ છીએ એટલે પરિષદો ભરીએ છીએ, રીપોર્ટો છપાવીએ છીએ તે વગેરે કામમાં પણ ખર્ચ થાય છે તેનો પણ આપણે જ વિચાર કરવાનો છે, આપણે કોઈ જુલ્મી સત્તાથી દંડ કરીને કે કોઈને નાત બહાર કરીને પૈસા ઉઘરાવા માગતા નથી. પરંતુ જે ભાઈઓ દશોંદ દેવી બંધ કરે તેમણે આ જ્ઞાતિ સેવાના માર્ગે અવશ્ય કંઈક આપવું તો જોઈએ જ. આપણી પરિષદને હજુ તો મોટા મોટા ફંડો કેળવણી માટે કરવા પડશે પણ તે સઘળું દશોંદ બંધ થઈ ગયા પછી થશે. એ બંધ કરવી અને કરાવવી એ પણ એક જાતની જ્ઞાતિને નાણાં સંબંધી મદદ કર્યા સમાન જ છે. હાલ તો આપણે ખપ પૂરતું જ ફંડ કરવા ધારીએ છીએ એટલે ગઈ બેઠકમાં કર્યું હતું તેમ. પરંતુ એક એવું મોટું ફંડ આપણે કરવું જ પડશે અથવા એવા ફી લેવાના નિયમો રાખવા પડશે કે જેથી પરિષદનું કાર્ય ચાલે, તે સઘળો વિચાર આપણે આવતી બેઠક વખતે કરીશું અને હાલતર ખર્ચ પુરતું જે ફંડ થાય છે તેમાં સઘળા ભાઈઓ ફુલ નહીં તો ફુલની પાંખડી પ્રમાણે પોતાની ઈચ્છા હોય તે મંડાવશો !

          રા.કે.બી. પટેલે પણ શ્રી — લક્ષ્મી સિવાય તો ચાલતું જ નથી એ વાત સમજાવી ફંડ ભરવાની શરૂઆત કરવાનું જણાવ્યું હતું. ઘણા ભાઈઓએ ઉલટથી પોતાના નામો અને રકમો લખાવા માંડી હતી. સ્ત્રી વર્ગમાં પણ સારો ઉત્સાહ દેખાયો હતો અને જુજ વખતમાં

 

ફંડમાં નીચે પ્રમાણે રકમો ભરાઈ હતી

{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}

રૂા.૨૦૧

પ્રમુખ સાહેબ માવજીભાઈ પુંજા જબુઆણી —નખત્રાણા

રૂા.૧૦૧

મિ.ખેતાભાઈ ડોસા પોકાર — નખત્રાણા

રૂા.૧૦૧

પટેલ રામજીભાઈ જેઠાભાઈ —ગઢશીશા

રૂા.૧૦૦

પટેલ નાનજી વીશરામ —નેત્રા

રૂ.૮૦

મિ. નાનજીભાઈ પચાણ —નખત્રાણા

રૂા.૭૫

મિ. ખીમજીભાઈ શીવજી —મંગવાણા

રૂા.૫૧

મુરબ્બી રતનસિંહભાઈ કરસન ગઢશીશાવાળા — ઘાટકોપર

રૂા.૫૧

મિ. નારાયણજી રામજીભાઈ કડવા પાટીદાર જ્ઞાતિના ઉદ્ધારક— ઘાટકોપર

રૂા.૪૦

પટેલ લખુભાઈ ડોસા પોકાર — નખત્રાણા

રૂા.૨૫

પટેલ રામજીભાઈ રાજા —વિરાણી

રૂા.૨૫

પટેલ કાનજીભાઈ પચાણ —નખત્રાણા

રૂા.૨૫

પટેલ વિશરામ પાંચા —વિરાણી

રૂા.૨૫

પટેલ મુલજીભાઈ દેવજી —નખત્રાણા

રૂા.૨૫

નાનજી પુંજા —નખત્રાણા

રૂા.૨૦

પટેલ મુલજી ડોસા —નખત્રાણા

રૂા.૧૫

પટેલ રામજીભાઈ સોમજી —રવાપર

રૂા.૨૦

પટેલ વાલજીભાઈ લખુ —નખત્રાણા

રૂા.૨૦

કાનજી રામજી —નખત્રાણા

રૂા.૨૦

જેઠાભાઈ નથુ —દેવીસરવાળા

રૂા.૨૦

માવજીભાઈ પરબત —વિરાણી

રૂા.૧૬

ડાયા તથા ખેતા લખુ —નખત્રાણા

રૂા.૧૫

ભાઈ રતનશી ખીમજી —ખેતાણી — મુંબઈ યુવક મંડળના જનરલ સેક્રેટરી

રૂા.૧૦

રામજીભાઈ ભીમજી ગોગારી —વિરાણી

રૂા.૧૫

પ્રેમજી હરજી —દેશલપર

રૂા.૧૦

શીવજી લધા નાકરાણી કેપ્ટન વોલીન્ટીયર કોર —કરાંચી

રૂા.૧૦

લધા કાનજી નાકરાણી —નખત્રાણા

રૂા.૧૦

કેશવજી નાનજી —કરાંચી

રૂા.૧૨

ખેતા પચાણ હસ્તે વેલજીભાઈ ખેતા નાકરાણી — નખત્રાણા

રૂા.૧૨

શીવજીભાઈ લધા —રવાપર

રૂા.૧૦

પચાણ પરબત હા.લધા પચાણ નાકરાણી કોટડા જડોદરના પોલીસ પટેલ

રૂા.૧૦

લધાભાઈ હરજી —કોટડા

રૂા.૫

શામજી હરજી —ખેડોઈ

રૂા.૫

માધવજી શીવજી —દેશલપર

રૂા.૫

મેઘજીભાઈ ભાણજી —વિરાણી

રૂા.૫

મેઘજીભાઈ શામજી —વિરાણી

રૂા.૫।

ડાયાભાઈ ગોપાલ —વિરાણી

રૂા.૫।

કરમશી લધા —દેશલપર

રૂા.૫

મુલજી પ્રેમજી— દેશલપર

રૂા.૫।

વેલજી ગોપાલ —દેશલપર

રૂા.૫।

રતનશી લધા —નખત્રાણા

રૂા.૫।

મેઘજી પરબત —કોટડા

રૂા.૫।

વિશરામ ભાણજી —કોટડા

રૂા.૫।

હરજી વીરજી નાકરાણી —વિરાણી

રૂા.૫

રૈયાભાઈ ખીમા —માતાજીના નેત્રા

રૂા.૫।

દાનાભાઈ કરશન —નખત્રાણા

રૂા.૫।

નારાણભાઈ શીવજી— વિરાણી

રૂા.૫।

હરજીભાઈ શીવજી —દેશલપર

રૂા.૫।

દેવજીભાઈ ભીમજી —વિરાણી

રૂા.૫।

જેઠાભાઈ રામજી —વિરાણી

રૂા.૫।

પેથાભાઈ ગોપાલ —નખત્રાણા

રૂા.૫।૦।

શીવગણભાઈ કાનજી —લુડવા

રૂા.૫।૦।

મેઘજી કાનજી —મમાયમોરા

રૂા.૫।

નારાણ લધા —નખત્રાણા

રૂા.૪।

ભાણજીભાઈ જેઠા —નખત્રાણા

રૂા.૫।

અબજી શીવજી —ભડલી

રૂા.૫।

દેવશી લધા તથા દેવજી ગોપાલ, નખત્રાણાવાળા

રૂા.૫।

અરજણ નારાણ —વિરાણી

રૂા.૪

વેલજી પરબત —નખત્રાણા

રૂા.૫।

રતનશી કરસન —નખત્રાણા

રૂા.૫।

લધા ભાણજી —વિરાણી

રૂા.૫।

વાલજી નાનજી —અંગીયા

રૂા.૫

વીરજી લખુ પોકાર —નખત્રાણા

રૂા.૫

માધા લાલજી —રામપર

રૂા.૧૧

રૈયાભાઈ નાગજી ઘડીયાળ ભેટ આપ્યું તેના

રૂા.૧૪

માવજીભાઈ પરબત ધોળુ

રૂા.૫।

પ્રેમજીભાઈ કરશન —કોટડા

રૂા.૫।

ગોપાલ પેથા —નખત્રાણા

રૂા.૫।

હીરાભાઈ લાલજી —કોટડા

રૂા.૫।

મનજીભાઈ વસ્તા —કોટડા

રૂા.૧૦।

ડાયાભાઈ રામજી —નખત્રાણા

રૂા.૫

મુખી કાનજીભાઈ કેશવ —દયાપર

રૂા.૫

નારાણભાઈ રૈયાણી —દયાપર

રૂા.૫

કરશનભાઈ હંસરાજ— વિરાણી

રૂા.૫

લખુભાઈ હરજી —નખત્રાણા

રૂા.૫

ડૉ.કે.બી. પટેલ —કરાંચી

રૂા.૭।

પટેલ હરજીભાઈ નથુ —દેવીસર

રૂા.૨॥

દેવશીભાઈ અબજી —નખત્રાણા

રૂા.૨॥

પટેલ પ્રેમજી વિશરામ —વિરાણી

રૂા.૨॥

જીવરાજ માના —નખત્રાણા

રૂા.૨॥

વાલજી નારાણ —નખત્રાણા

રૂા.૨।

શીવદાસ માવજી —કોટડા

રૂા.૨॥

ડાયાભાઈ પ્રેમજી

રૂા.૨॥

રૈયાભાઈ નાગજી —નખત્રાણા

રૂા.૨॥

રામજી ધનજીભાઈ —કોટડા

રૂા.૨

ખીમજીભાઈ કચરા —રવાપર

રૂા.૨।

વીરજીભાઈ કરશન —નખત્રાણા

રૂા.૧।

લધાભાઈ કરશન —હંસરાજ

રૂા.૨॥

સોમજીભાઈ લધા —કોટડા

રૂા.૧।

શીવજીભાઈ લધા —કોટડા

રૂા.૧

ભાણજી ખીમા —હમીરપુર

રૂા.૧।

પ્રેમજી કાનજી કોટડા

રૂા.૨।

લખુભાઈ કચરા  —રવાપર

રૂા.૨॥

રામજીભાઈ ખેતા — નખત્રાણા

રૂા.૨

માસ્તર માવજીભાઈ વાસણ લેવા પાટીદાર સરકારી સ્કુલના હેડ માસ્તર

રૂા.૨॥

ભાણજી લાલજી — વિરાણી

રૂા.૨

વાલજીભાઈ મેઘજી — નખત્રાણા

રૂા.૨॥

ખેતાભાઈ રામજી —નખત્રાણા

રૂા.૨॥

નાગજીભાઈ નારણ —અંગીયા

રૂા.૨।

જેઠાભાઈ હરદાસ —નખત્રાણા

રૂા.૧।

કરમશી શીવગણ— નખત્રાણા

રૂા.૨॥

અરજણ કાનજી —અરલ નાની

રૂા.૨

પટેલ શીવદાસ જીવરાજ —નખત્રાણા

રૂા.૨॥

કાનજી રામજી —દેશલપર

રૂા.૨॥

કરમશી શીવજી

રૂા.૧।

નરસિંહ નારાણ લધા નાકરાણી

રૂા.૨॥

કરશનભાઈ ખેતા— નખત્રાણા

રૂા.૨॥

વેલજીભાઈ રૂડા —નખત્રાણા

રૂા.૧।

એક ગૃહસ્થ

  
  

સ્ત્રી વર્ગ તરફથી ભરાયેલા નાણાં

રૂા.૧૦

સૌ.વાલબાઈ નાનજી પચાણના પત્ની

રૂા.૨૫

સૌ.બેન કંકુબાઈ મી.ખીમજીભાઈ શીવજીના ધર્મપત્ની

રૂા.૨૫

સૌ.બહેન હીરબાઈ પટેલ ખેતાભાઈ ડોસાભાઈના ધર્મપત્ની

રૂા.૧૦

બેન ડાઈબાઈ પટેલ કેશવજી નાનજીના ધર્મપત્ની

રૂા.૧

બેન દેવકીબાઈ

રૂા.૫

બેન લાછબાઈ પટેલ પ્રેમજી હરજીના ધર્મપત્ની

રૂા.૨।

બેન રામબાઈ

રૂા.૧

બેન જાનબાઈ

રૂા.૨।-૧

માતુશ્રી નાનબાઈ

રૂા.૫।

સૌ.બેન ગોમતીબાઈ પટેલ નારણ લધાના ધર્મપત્ની

રૂા.૧।

બહેન પાર્વતીબાઈ

રૂા.૧।

બહેન કુંંવરબાઈ

રૂા.૫।

બેન દેવકીબાઈ પટેલ મુળજી ડોસાના ધર્મપત્ની

રૂા.૧।

પા.લાલજી સોમજીના ધર્મપત્ની

રૂા.૨।

બહેન જમનાબાઈ વાલજી લખુના ધર્મપત્ની

રૂા.૨।

બહેન રતનબાઈ માધા શીવજીના ધર્મપત્ની

રૂા.૨॥

બહેન લક્ષ્મીબાઈ વિશરામ પચાણના ધર્મપત્ની

રૂા.૧।

બહેન લાલબાઈ

રૂા.૫।

બહેન જમનાબાઈ માવજી પરબતના ધર્મપત્ની

રૂા.૦૧-।

હીરા માવજીના ધર્મપત્ની

રૂા.૦૧-।

બહેન બચુબાઈ માવજી પરબતના પુત્રી

રૂા.૧।

બહેન માનબાઈ

રૂા.૧।

બહેન વાલબાઈ હરજી વીરજીના પુત્રી

રૂા.૧।

પટેલ કરમશી લધાના માતુશ્રી

રૂા.૨॥

બહેન કુંવરબાઈ ખેતા લખુના ધર્મપત્ની

રૂા.૨॥

બહેન બચુબાઈ પુંજા ખેતાના ધર્મપત્ની

રૂા.૧।

બહેન ગંગાબાઈ

રૂા.૧।

બહેન કુંવરબાઈ

રૂા.૧।

બહેન હીરબાઈ

રૂા.૧।

વેલજી પરબતના ધર્મપત્ની

રૂા.૦૧-।

બહેન બચુબાઈ

રૂા.૧।

બહેન પાનબાઈ

રૂા.૧।

સૌ.બહેન લાલબાઈ

રૂા.૧।

પટેલ લાલજી નારાણના ધર્મપત્ની

રૂા.૧।

માતુશ્રી કુંવરબાઈ

રૂા.૨।

બહેન મરઘાબાઈ લધા હરજીના ધર્મપત્ની

રૂા.૧।

બહેન નાથીબાઈ

રૂા.૧।

બહેન જીવાબાઈ લધા હરજીના પુત્રી

રૂા.૧।

નથુ ધનજીના ધર્મપત્ની

રૂા.૨

બહેન મેગબાઈ પ્રમુખ સાહેબના પુત્રી

રૂા.૨।

સૌ.બેન કુંવરબાઈ પટેલ રામજી ભીમજીના ધર્મપત્ની

રૂા.૨

બહેન કેશરબાઈ રામજી સોમજીના પત્ની

રૂા.૧।

માતુશ્રી કેશરબાઈ

રૂા.૧।

બહેન કુંવરબાઈ વેલજી ખેતાના ધર્મપત્ની

રૂા.૧।

પટેલ લખુ કચરાના ધર્મપત્ની

રૂા.૧।

બહેન લાલબાઈ રૈયા ખીમાના ધર્મપત્ની

રૂા.૨॥

બહેન કંકુબાઈ શીવજી કાનજીના પત્ની

રૂા.૧।

બહેન ગોમતીબાઈ ભાણજી લાલજીના ધર્મપત્ની

રૂા.૦॥=

બેન મેઘબાઈ વાલજી મેઘજીના ધર્મપત્ની

રૂા.૦૧

બહેન કુંવરબાઈ વાલજી મેઘજીના પુત્રી

રૂા.૧।

બહેન લક્ષ્મીબાઈ ડાયાના ધર્મપત્ની

રૂા.૧।

બહેન મરઘાબાઈ પટેલ ભાણજી ડાયાની પુત્રી

રૂા.૧।

બહેન કેશરબાઈ પટેલ ભાણજી ડાયાની પુત્રી

રૂા.૧।

બહેન કુંવરબાઈ રતનશી લધાના પુત્રી

રૂા.૨॥।=।

બહેન મેઘબાઈ રતનશી શીવજીના પત્ની

રૂા.૫

બહેન કુંવરબાઈ વેલજી ખેતાના ધર્મપત્ની  — ચાંદીનો હાથનો કરડો

રૂા.૪

બહેન લક્ષ્મીબાઈ ભાણજી ડાયાનાં ધર્મ પત્ની — ચાંદીનો કરડો

રૂા.૪

સોમજીના ધર્મપત્ની — ચાંદીનો કરડો

રૂા.૩

બહેન કાનબાઈ હરજી વીરજીના ધર્મપત્ની — ચાંદીનો કરડો

રૂા.૨

એક બહેન તરફથી ચાંદીનો કરડો

          ફંડમાં નાણાં ભરાઈ રહ્યા બાદ બાકી રહેલું ઠરાવો પસાર કરવાને લગતું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને નીચે જણાવેલા ત્રણે ઠરાવો મે.પ્રમુખ સાહેબે એક પછી એક રજુ કર્યા હતા.

          ઠરાવ ૧૦મો

આ સભામાં પસાર થયેલા ઠરાવોનો અમલ કરવાની અને તે યોગ્ય સ્થળે મોકલી આપવા અને પરિષદનો ઉદ્દેશ બર લાવવાનું કાર્ય કરવા અને તે પુરતું ખર્ચ કરવાની કરાંચી યુવક મંડળને સત્તા આપવામાં આવે છે.”

          ઠરાવ ૧૧મો

          “આ પરિષદના કાર્યને દીપાવવા સ્વયંસેવકોએ અને તેના કેપ્ટનભાઈ શીવજી લધાએ જે જ્ઞાતિ સેવા ઉઠાવી છે અને બહારગામથી આવનાર ભાઈઓના ઉતારા અને ભોજન કાર્યની સારી વ્યવસ્થા સાચવી રાખી રામજીભાઈ ખેતાએ જે પરિશ્રમ લીધો છે તે ખાતે એ બંને ભાઈઓને આ પરિષદ ધન્યવાદ આપે છે અને શેઠ વાલજીભાઈ તથા કુંવરજીભાઈએ પરિષદના કાર્યને સહાયભુત થઈ પોતાની જ્ઞાતિની વાડી વાપરવા માટે આપી છે તે ખાતે આ પરિષદ તે ગૃહસ્થોનો આભાર માનવાનો ઠરાવ કરે છે. તે સાથે આ હીલચાલ પ્રત્યે ખાસ અંતઃકરણની લાગણીથી જ્ઞાતિ ઉન્નતિ અર્થે તસ્દી લઈ મુંબઈ જેવા દુરના સ્થળેથી જે ભાઈઓએ પધારી પરિષદના કાર્યને મોટી સહાય કરી છે તેમજ ભાઈશ્રી કે.બી.પટેલે પ્રસંગોપાત બોધ આપીને આ પ્રસંગને શોભાવ્યો છે તે સઘળાનો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો આ પરિષદ ઠરાવ કરે છે.”

          ઠરાવ ૧૨મો

          “આપણી પરિષદને શોભાવવા રા.રા.ભાઈશ્રી મગનલાલભાઈએ પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં અમદાવાદથી પધારી આ સભાના કામમાં અથાગ પરિશ્રમ લઈ જે સહાય કરી છે તે માટે આ પરિષદ તેમનો ઉપકાર માને છે.”

          ઉપરના ઠરાવોને લગતી સમજ આપી તે પસાર કરવાની જરૂર પ્રમુખ સાહેબે સમજાવી હતી અને તે પસાર થયા હતા. ત્યારબાદ છેલ્લો ઠરાવ રા.નારણજીભાઈએ રજુ કર્યો હતો.

          ઠરાવ ૧૩મો

          “અનેક પ્રકારની અગવડો વેઠી આ પરિષદનું પ્રમુખ સ્થાન સ્વીકારી રા.માવજીભાઈએ દીર્ઘદૃષ્ટિ વાપરી આ બેઠકનું કાર્ય ઉત્તમ રીતે બજાવ્યું છે અને સ્વજ્ઞાતિ પ્રત્યે જે અંતઃકરણપૂર્વકનો ભક્તિભાવ દર્શાવ્યો છે તે ખાતે આ પરિષદ તે ભાઈને ધન્યવાદ આપે છે અને તેમણે સ્વીકારેલી જ્ઞાતિ સેવા બજાવવા માટે પરમાત્મા તેમને બળ, બુદ્ધિ અને દીર્ઘાયુષ્ય આપે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે.”

          ઠરાવ રજુ કરતાં એમણે જણાવ્યું કે, બંધુઓ આ પરિષદના કાર્યનું સુકાન આપણે રા.માવજીભાઈને આપ્યું હતું અને તેમણે બુદ્ધિનો સારો ઉપયોગ કરી પાર પાડ્યું છે તે ખાતે આપણે તેમનો આભાર માનવો જોઈએ. સભાના પ્રમુખની ફરજ ઘણી મોટી હોય છે અને તે જો બજાવે તો આપણે કોઈ પણ શબ્દોથી તે આભાર વર્ણવી શકીએ નહિ એવડી મોટી હોય છે. સભાના ઠરાવોનો અમલ કરવાની પ્રમુખને સત્તા હોય છે એટલે તે પહેલા પ્રમુખ રાજાભાઈને પરિષદે આપી હતી, તેમના કાર્યની પ્રશંસા પણ કરી હતી અને આભાર પણ માન્યો હતો. છતાં પ્રમુખ તરીકે એક વર્ષ સુધી પરિષદનો ઉદ્દેશ બર લાવવાની જે ફરજ તેમના શીરે આવી હતી તે એમણે કેટલા પ્રમાણમાં બજાવી છે તે તો એ પોતે પોતાના વર્ષનો રિપોર્ટ પરિષદ સમક્ષ વાંચે ત્યારે જ આપણે સમજી શકીએ. મારી કહેવાનો એ મતલબ છે કે અહીંયા જે ત્રણ ચાર દિવસ પરિશ્રમ લઈ પ્રમુખ સાહેબે જ્ઞાતિ હિતના કાર્યમાં ભાગ લીધો છે તે તો માત્ર સભાનો અભિપ્રાય સમજવા પુરતો જ ઉપયોગી થવાનો, પરંતુ આ સભાએ જે ઠરાવો કર્યા છે તેનો અમલ કરવાના પ્રસંગે તેમને જે જે ભોગ આપવા પડશે તે ઘણા કિંમતી હશે અને કેટલી મુશ્કેલીઓ વચ્ચે તેમને પરિષદની નવી બેઠક થતાં સુધી સભાનો ઉદ્દેશ બર લાવવાના કાર્યમાં જોડાઈ રહેવું પડશે એનો ખ્યાલ જો આપણે કરી શકીએ તો જ આપણે તેમની સેવાની કદર કરી લેખાય. હું આશા રાખું છું કે ભાઈશ્રી માવજીભાઈ ભવિષ્યમાં પણ આ સભાના પ્રમુખના પદને શોભાવશે અને તમે સહુ ભાઈઓ તેમને મદદગાર થશો. આ ઠરાવ પસાર કરવાની હું આપને વિનંતી કરું છું (તાળીઓ)

          ઉપરના ઠરાવને ભાઈ રતનશી શીવજી તથા ખેતાભાઈ ડોસા પોકાર વગેરેએ અનુમોદન આપ્યું હતું અને ત્યારબાદ તાળીઓના અવાજ વચ્ચે પ્રમુખ સાહેબે સભાના કાર્યની પૂર્ણાહુતિ કરતાં નીચે પ્રમાણે ઉપસંહાર કર્યો હતો.

મારા વહાલા જ્ઞાતિ ભાઈઓ, અને બહેનો !

          જ્યારે સભાના પ્રમુખ તરીકે મને બેસાડ્યો ત્યારે મારા મનમાં અનેક પ્રકારની ભીતિ રહેતી હતી. પરંતુ રા.મગનલાલભાઈ જેવા રા.નારણજીભાઈ અને મુરબ્બી કે.બી.પટેલ જેવા આપણા મુરબ્બીઓ અને તમે સઘળા ભાઈઓની મદદથી આ સભાનું કાર્ય આપણે શાંતિપૂર્વક પુરું કરી લીધું છે. તમે જે મને અપૂર્વ માન આપ્યું છે તે ખાતે હું જ્ઞાતિનો એક પ્રકારનો ઋણી બન્યો છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં તમે જરૂર તમારી કિંમતી મદદ અને સલાહ મને આપશો. આપણા માર્ગમાં ઘણી મુશ્કેલીઓ છે, આપણે તો શિખાઉ છોકરાં જેવા છીએ એટલે જ્ઞાતિ હિલચાલનો જેને પૂર્ણ અનુભવ હોય એવા મેં આપને જણાવ્યા તેવા ભાઈઓની આપણે મદદ લેવી જ પડશે અને તે આપશે એવી પણ હું આશા રાખું છું. આપણે જ્ઞાતિને સુધારવા માટે જે ઠરાવો કર્યા છે તે પૈકી પહેલો અને બીજો ઠરાવ જે મહારાવશ્રીના શીતળ છત્ર નીચે રહીએ છીએ તે નામદારનું સહકુટુંબ દીર્ઘાયુષ્ય ઈચ્છવાને લગતો છે, ત્રીજો ઠરાવ બાળલગ્નને લગતો આપે પસાર કર્યો છે એટલે હવે પછી નાના બાળકોને નહીં પરણાવવાની તમે અવશ્ય પ્રતિજ્ઞા કરજો અને તે સાથે જ્યારે જ્યારે લગ્ન ક્રિયાઓ કરો ત્યારે અવશ્યે હિન્દુશાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચોરી બાંધીને જ કરજો. મરણ પાછળનાં જમણો નહીં ખાવાની તો જરૂર પ્રતિજ્ઞા લેજો અને ઘર કે વાડીઓ વેચીને એવાં કારજો કદી કરશો નહિ તેમજ કોઈને કરાવશો નહિ. એમાં આપણી જ્ઞાતિની મોટી ખુવારી થઈ છે એટલે તે સંબંધી આપણે જે ચોથો ઠરાવ પાસ કર્યો છે તે પ્રમાણે બરાબર વર્તજો. કેળવણીની ખામીના લીધેઆપણે કોઈ રીતે આગળ વધી શકતા નથી માટે તમારા પુત્ર પુત્રીઓને અવશ્ય વિદ્યા ભણાવજો. પૈસા કમાવા માટે પણ વિદ્યાની જ જરૂર પડે છે એ તો તમે જાણતા જ હશો. છુટાછેડાનો રિવાજ સારો નથી અને આગેવાનો જબરાઈએ પોતાના સ્વાર્થની ખાતર છુટકો કરાવે છે એ એક પ્રકારનો બળાત્કાર છે. જ્યારે જ્યારે એવો પ્રસંગ દેખાય ત્યારે તેમના પંજામાં સપડાયેલાંને મદદ કરવા તમે તૈયાર રહેજો. વળી આગેવાનો જે ત્રાસ વર્તાવી રહ્યા છે અને આખી નાતને હિન્દુપણામાંથી ટાળી દેવાના અધર્મી કામમાં જોડાઈ રહ્યા છે તેમને તો અવશ્યે આપણે ઠેકાણે લાવવા જ પડશે. મુડદાંને જો કોઈ ભાઈ અગ્નિ સંસ્કાર કરે તો તેનો એ લોકો દંડ કરે છે ! આ વાત કેટલી જુલમ જેવી છે. આપણે પરદેશમાં રહેનારને તેઓ કંઈ કરી શકતા નથી ત્યારે આપણા માવિતરોને દેશમાં રંજાડે છે એ કેટલો જુલમ કહેવાય ! ભાઈ રતનશીએ તેમના જુલમનું જે ભાષણ વાંચ્યું છે તે કેટલું ત્રાસદાયક વર્ણનથી ભરેલું છે? માટે હવે તો આપણે પીરાણા પંથને દફે કરવા સિવાય બીજો માર્ગ નથી એ દફે થશે એટલે બધુ સારું થઈ રહેશે, માટે જરૂર તમે પીરાણા પંથના ખાનાંની જ્ઞાતિમાં જે જડ બેસી ગઈ છે તેને ખેંચી કાઢજો, આપણે સુખી થવાનો અને હિન્દુપણું સાચવી રાખવાનો એ એક જ ઉપાય છે હું આપને ફરીથી કહું છું કે જ્યારે જ્યારે એવા કામોમાં મારી મદદની જરૂર હોય ત્યારે મને ખબર આપજો હું પણ મારાથી બનતો ભોગ આપીશ. ભાઈઓ ! આપ સઘળાએ એક દિલથી જે કાર્ય બજાવ્યું છે તે જોઈ મને આનંદનો પાર રહેતો નથી અને જ્યારે જ્યારે આપણે આવાં જ્ઞાતિ હિતના શુભ કાર્યો કરવાનાં હોય ત્યારે ત્યારે સઘળા ભાઈઓ જરૂર પધારશો અને તમારાથી જે જે સેવા બને તે ઉઠાવશો એવી હું આપને વિનંતી કરું છું. આ પરિષદની બીજી બેઠક બરખાસ્ત થાય છે તે પ્રસંગે સઘળા ભાઈઓને આપણી કુળદેવી દીર્ઘાયુષ્ય અને જ્ઞાન આપે એ માગણી તે કૃપાળુ દેવીની આપણે સઘળા પ્રાર્થના કરીશું.

 

(રાગ — ધનાશ્રી)

જય જય પુરણ કામ, ગીરીજા જય જય પુરણ કામ

જય.

કૃપા વધારી, કૃતી સુધારી બલિહારૂ સુખ ધામ.

ગીરીજા.

કષ્ટ વિદારો, જય વિસ્તારો ધર્યું કલ્યાણી નામ.

ગીરીજા

પાયે લાગે, અમર એ માગે આપો અવિંચલ ધામ.

ગીરીજા.

 

ૐ શાંતિ           ૐ શાંતિ          ૐ શાંતિ

         

હિન્દુ ધર્મના બહાને ! હિન્દુ જ્ઞાતિઓ કેવી રીતે પતિત્‌ થાય છે તે જાણવા વાંચો !

પરમાત્માના અવતારમાંથી ! ફુટી નીકળેલા ઇરાની સૈયદ ઇમામશાના કારસ્તાન ?

 

 

પીરાણાનો અર્ઘદ્દગ્ધ પંથ અને તેની પોલ

હિન્દુ જ્ઞાતિઓના હિતાર્થે થોડા વખતમાં છપાઇને બહાર પડશે.

 

 

પીરાણા પંથ, મુમના પંથ, મતીઓ પંથ, ગુપત ધરમ! સતપંથ વગેરે શબ્દો ઘણા હિન્દુભાઇના સાંભળવામાં આવ્યા હશે. એ પંથને માનનારા પોતાની જ્ઞાતિમાં છે અને છુપી રીતે ખાનાઓમાં અને પીરાણે જાય છે એ પણ જાણવામાં આવ્યું હશે. છતાં ખાનામાં જનારા ભાઇઓ એવા પ્રકારનો ડોળ રાખે છે કે તે પંથ ને લીધે આપણા હિન્દુ ધર્મ કે કૂળાચારમાં કંઇ વિરોધ આવતો નથી! પરિણામે એ પંથે ચડેલા ઘણા કુટુંબો પતિત્‌ થઇ અજ્ઞાનતાને લીધે ધર્મ અને જ્ઞાતિ દ્રોહી બને છે અને તેમના સબંધમાં આવતી હિન્દુ જ્ઞાતિાોમાં એ ભ્રષ્ટતાનો સડો ગૃપ્ત રીતે વધતો જાય છે. આ દુઃખદાયક વસ્તુ સ્થીતીનો જલ્દી અંત આવવો જોઇએ એટલે દરેક હિન્દુભાઇએ માર્ગે પુરૂષાર્થ કરે. એ ફરજમા આધારે જ “પીરાણાનો અર્ધદૃગ્ધ પંથ અને તેની પોલ એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવશે.

આ પુસ્તકમાં તે પંથના યોજક ઇમામશાહ અને તે પછીના સૈયદોએ હિન્દુ ધર્મના અજ્ઞાનભાઇઓને મુસલમાનની રાહત ઉપર લઇ જવા માટે નીચ યુક્તિઓ રચી છે અને ધર્મના બહાને પોતાના પરિવારની પણ આજીવિકા ચાલુ રાખવા માટે અજ્ઞાન વર્ગ ઉપર સત્તાની જમાવટ બની રહે, વાડામાં પુરાયેલા હિન્દુઓ સૈયદોથી વટલતા જાય અને તે વાડામાંથી કોઇ છટકી શકે નહિં એ મુખ્ય ઉદૃેશને ધ્યાનમાં રાખી અજ્ઞાન વર્ગને આંખે પાટા બાંધનારા, અર્ઘમથી ભરપુર કે તર્કટી શાસ્ત્રો (?) રચ્યા છે તે બનાવટી પુસ્તકો ઘટપાટ, આદિની ક્રિયાઓ, કલમા અને ઇલમો તેમજ છાંટ નાંખવાની વિધિ વગેરેની પોલના ઉંડાણનું માપ કાઢી સ્પષ્ટ રીતે તેનો નીચ હેતુ સમજાવી દેવામાં આવશે.

હિંદુ ધર્મમાં પ્રસિદ્ધ રીતે મનાતા અવતારો, આર્ય પુત્રો અને દેવ દેવીઓને પોતાના પંથમાં સડોવી હિન્દુભાઇઓને પોતાનો પંથ ગળે ઉતારવા એ મહા પવિત્ર વ્યકિતઓને એ પંથમાં એવી તો અઘટીત રીતે વર્ણવામાં આવી છે કે તે સાંભળીને હિન્દુભાઇઓના હૃદય દ્રવિત થયા સિવાય રહેજ નહિ તદુપરાંત પોતાનો ઉદ્દેશ બરલાવવાની યુક્તિ કરતાં હિન્દુ ભાઇઓને ભેરત (સ્વર્ગ) ની લાલચો આપવાના કાવા દાવા ખેલતા બુદ્ધા અવતારના પુછડે પોતાના વંશને લટકાવી ભગવાનના દિકરા થવાના તેમાં જે ગપ ગોળા ઉડાવ્યા છે તે ગપગોળાઓનું આ પુસ્તકમાં ચુર્ણ કરી સપ્રમાણ સાબિત કરવામાં આવ્યું છે કે એ ખીચડીઓ પંથ હિન્દુ ધર્મને ઉંધો વાળવા અને હિન્દુઓને વટલાવા માટે જ ઉભો કરવામાં આવ્યો છે અને તે હિન્દુ ધર્મ નથી જ એટલે તે માર્ગ જતાં હિન્દુપણું મટી જાય છે. વળી સરહદુ પુસ્તકમાં કચ્છ, ગુજરાત વગેરે સ્થળોની પાટીદાર (લેવા અને કડવા) જેવી ઉત્તમ કોમને એ અધર્મના માર્ગે જતી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે, દેશના જુદા જુદા ભાગોમાં રહેતા અન્ય જ્ઞાતિ બંધુઓ સાથે ઐક્યતા સાચવી રાખવાની કેટલી જરૂર છે અને તે પંથે ચડી જવાથી જ્ઞાતીથી અલગ થઇ જવામાં કેવું ભયંકર નુકસાન રહેલું છે એ વિષમ પણ ઇતિહાસ ના આધારે લખાશે જે ઘણો જ ઉપયોગી થઇ પડશે.

એ પંથની રાહે ભ્રષ્ટ થતા અજ્ઞાન હિન્દુ ભાઇઓ પાસેથી અગર ખાનાંઓ કે પીરાણા જેવા સ્થળોથી એ અર્ધદ્દગ્ઘ પંથનું સાહિત્ય મેળવવામાં એટલે પંથનો ખજાનો (!) હાથ કરવામાં કેટલીક મુઝવણ પડે છે અને તે સંપૂર્ણ રીતે કેમ મેળવી શકાયો છે તેનોજ એક ઇતિહાસ લખી શકાય તેમ છે, ત્યારે એ વિષયનું પુસ્તક તો કેવડુ મોટું થઇ જાય ! વળી એ પંથની ઘટપાટ મોરનબુવત વગેરે શું ચીજો છે તેનું સચિત્ર વર્ણન આપવામાં આવશે, એ પંથની પોલ કેટલી ભયાવહ અને ઘાતક છે અને તેમાં પેસવું એ કેટલું પાતક છે. તેમા પેઠેલાઓની કેવી દયાજનક દુર્દશા અને અધોગતિ થઇ છે!  તેનો ઉલ્લેખ પણ ઉપયોગીજ થઇ પડે તેમ છે એટલે પુસ્તકનું કદ વગેરે નક્કી થઇ ગયા પછી કિંમત બહાર પાડવામાં આવશે પરંતુ જે ભાઇઓ પુસ્તકના ગ્રાહક થવા ઇચ્છતા હશે તેમના નામ રજીટ્રસ્ર કરવામાં આવશે અને તે બહાર પડતાં જ તેમને મોકલી આપવામાં આવશે. પુસ્તક સબંધી દરેક પ્રકારની માહિતી માટે અને બીજી પુછપરછની ઇચ્છા થાય તેમણે નીચેના સરનામે કરવી.

 

લેખક : નારણજી રામજીભાઇ મીસ્ત્રી—કોન્ટરાકટર

ઠે. શેઠ ઉંમરસી રાયસીના કમ્પાઉન્ડમાં, મુ. ઘાટકોપર (થાણા)

<<

>>

Leave a Reply

Share this:

Like this: