Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૪. ક. ક. પા. જ્ઞાતિ અધિવેશન - 1લું - દી. 08-Aug-1920

અગત્યનો ખુલાસો

કરાંચીના યુવક મંડળને વીરાણી સભાનો રીપોર્ટ મળ્યા પછી દરેકે દરેક ભાઈના વિચારો જ્ઞાતિના આગેવાનોના જુલ્મ સામે પુરજોશથી લડત કરી આપણા ભાઈઓને તે જુલ્મી આગેવાનો કોઈપણ પ્રકારનો જુલ્મ ન કરી શકે તેના માટે પુરજોશથી લડત કરવાની સંપૂર્ણ ઈચ્છા થઈ હતી અને કેટલાક જુવાન ભાઈઓએ પોતાના તરફના વિચારો મંડળને જણાવ્યા હતા. આવા પ્રકારનું વાતાવરણ ચાલતું હતું તે દરમ્યાન પરમકૃપાળુ સ્વામી શ્રી રેવાનંદજી કચ્છ વીરાણીથી મુંબઈ આવ્યા અને ત્યાંથી કરાંચી પધાર્યા. સ્વામીજીએ કચ્છની કડવા પાટીદાર જ્ઞાતિના હીત અર્થે પોતાનું જીવન સમર્પણ કર્યું છે. એ મહાપુરૂષના બોધથી બધા ભાઈઓના હૃદયમાં જાણે દૈવી ચમત્કાર થયો હોય એવો ભાસ થતો હતો. સ્વામીજીએ કહ્યું કે હું તમને જ્ઞાનનો બોધ આપું તે પહેલાં તમે જ્ઞાનના બોધને લાયક થાવ એ મારી ખાસ જીજ્ઞાસા છે. તમારી જ્ઞાતિની અધમ દશા થઈ ગઈ છે. તેનો પુનરોધ્ધાર કરો અને એક મોટી ગંજાવર સભા ભરો અને તમારા જુલ્મી આગેવાનો તેમજ તમારી જ્ઞાતિના નઠારા રીત રીવાજોને નાબુદ કરવાના ઠરાવો કરી આખી જ્ઞાતિને ઉત્તેજન આપવા તૈયાર થાઓ અને એક મોટી સભા કરાંચીમાં ભરો. સભાઓમાં શું શું ઠરાવો કરવા અને જ્ઞાતિમાં શું અધમ રીત રીવાજ છે તે જો જાણવાની ઈચ્છા હોય તો તમે ભાઈ નારાયણજી રામજીભાઈને મુંબઈથી તેડાવો. તે ભાઈ હજારો કામ પડતાં  મુકી પોતાની જ્ઞાતિના હીતનું કામ હશે તે પહેલું કરશે એવી મારી પાક્કી ખાતરી છે. મેં વીરાણીમાં એ ભાઈનું કામકાજ જોયું છે. સ્વામીજીના અભિપ્રાયને બધા ભાઈઓ સંમત થયા અને નારાયણજી ભાઈને કરાંચી તેડાવવા એક તાર કર્યો તેમજ એક પત્ર વિગતવાર લખ્યો જે ઉપરથી ભાઈ નારાયણજી રામજી ત્યાં ભાઈ રતનશી ખીમજી ખેતાણી આ બંને ભાઈઓ કરાંચીમાં આવ્યા. તેમને જ્ઞાતિના આગેવાનોએ તેમજ યુવક મંડળ તરફથી સારૂં માન આપવામાં આવ્યું હતું. એ ભાઈઓએ ત્રણ દિવસ સુધી પોતાના અનુભવનું જ્ઞાન જ્ઞાતિભાઈઓને આપવાથી આખી કરાંચીની જ્ઞાતિએ સર્વાનુમતે સભા બોલાવવાનો ઠરાવ કર્યો અને તે સભાના પ્રમુખ તરીકે ગામ માનકુવાના રહીશ ભાઈ રાજારામ શામજી ધોળુને પસંદ કર્યા અને સર્વાનુમતે તે વાત પાસ થઈ. મુંબઈ તાર કરવામાં આવ્યો અને મુંબઈવાળા બધા ભાઈઓએ કબુલ કરી ઘણા જ ટુંકા વખતમાં કરાંચીમાં આવ્યા અને સભા ભરવાનું કાર્ય નિર્વિઘ્ને પસાર થયું.

 

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળના સેક્રેટરી

કાનજી શીવજી પારસીયા

 

 

શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ

પહેલી બેઠક — કરાંચી.

 

( તા. ૮—૯—૧૦—૧૧ મી ઓગસ્ટ સને ૧૯૨૦ )

કરાંચીમાં કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિની સભા બોલાવવાની વાત કરવી સહેલી હતી પરતું તેવી વાત સ્વીકાર્યા પછી કાર્યની શરૂઆત જ્યારે થાય છે ત્યારે કામ કરવાની અને સાધનો પ્રાપ્ત કરવાની ખરી મુશ્કેલી જણાય છે. તેમાં બહારગામથી આવેલા મહેમાનોની સરભરા અને સગવડ કરવાની મુશ્કેલી હોય છે. તે તો જેણે એવી મુશ્કેલીઓ પસાર કરી હોય તેને જ ખબર પડે. ચાલુ સમયમાં કરાંચી જેવા મોટા શહેરમાં ઉતારાની સગવડ કરવી એ ઘણી જ મુશ્કેલીનું કામ છે. છતાં સન્માનકારીણી સભાએ મુંબઈથી પધારેલા ભાઈઓના માટે એક વિશાળ જગ્યા શેઠ વાલજી ચના ઉમરશીના પોતાના રહેવાના મકાનમાં રાખી હતી. પરોપકારી શેઠ સાહેબે મુંબઈથી તેમજ અન્ય સ્થળેથી આવેલા ભાઈઓની સગવડની ખાતર બે મોટા હોલ, એક રસોડું, નળ, સંડાસ વિગેરેની ઉત્તમ પ્રકારની સગવડ કરી આપવા ઉપરાંત રાત્રી અને દિવસે સેંકડો માણસોની આવન—જાવનનું દુઃખ સહન કરવા ઉપરાંત પોતાની મોટર ગાડી, તેમજ ઘોડા ગાડીઓનો પણ છુટથી ઉપયોગ કરવા આપ્યો હતો. સભાના મુકરર કરેલા દિવસોથી અગાઉ ત્રણેક દિવસ પહેલાં કેટલાક બંધુઓએ સીંધ, હૈદરાબાદ, સખર, સીધાતપુર, મીરપુરખાસ, કોટડી, મલીર વગેરે ગામોએથી પોતાની હાજરી આપવી શરૂ કરી હતી. સભા મંડપની રચના રણછોડ લેનમાં કણબી ભાઈઓ રહે છે એજ મોટા કંપાઉન્ડના વિશાળ ચોગાનમાં કરવામાં આવી હતી. ટુંક વખતમાં સભા મંડપને વિવિધ પ્રકારના ધજા પતાકાથી શણગારીને કીટસન લાઈટની ચારેકોર બત્તીઓથી સભાના ગૌરવમાં ઓર વધારો કરવામાં આવ્યો હતો. વોલન્ટીઅરોના માથે જે ફરજ નાંખવામાં આવી હતી તે ઘણી સખત હોવા છતાં તેઓ આનંદની સાથે બજાવતા હતા. સ્વયંસેવકોનો મોટો ભાગ કરાંચીમાં રહેનાર યુવકોનો જ હતો અને તેના કેપ્ટન તરીકે ભાઈ શીવજી લધા નખત્રાણાએ સભાના કાર્યમાં ઘણી જ મહેનત લઈ તેને દીપાવ્યું હતું. મુંબઈથી પધારેલા ભાઈઓની ભોજનશાળાની વ્યવસ્થા કરાંચીના યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજી તથા ગામ વિરાણીવાળા ભાઈ કરશન માના ખેતાણીએ સ્વીકારી હતી અને બાકીના સીંધ પ્રાંતમાંથી આવેલા મહેમાનો સહુ પોતપોતાના સગા વ્હાલાને ત્યાં ઉતર્યા હતા. સભા મંડપનું કામ રિસેપ્શન કમીટીના પ્રમુખ સાહેબ ભાઈ નાનજી પચાણ તથા ગામ વીરાણીવાળા ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી તથા ગામ નખત્રાણાવાળા ભાઈ ખેતા ડોસા પોકારે સ્વીકાર્યું હતું. તા.૮—૮—૧૯૨૦ ના રોજ મહેરબાન પ્રમુખ સાહેબ તથા બીજા મહેમાનો મુંબઈ તેમજ સીંધ પ્રાંતમાંથી આવનાર હોવાથી તેમને કરાંચીના સ્ટેશન ઉપર લેવા સ્વાગત મંડળના કેટલાક સભ્ય નેતાઓ વોલીન્ટીઅરો અને સ્વામીશ્રી રેવાનંદજી તથા રા.રા.નારાયણજી રામજીભાઈ તથા રતનશી ખીમજી વિગેરે આશરે દોઢસોએક માણસો સ્ટેશન ઉપર ગયું હતું અને સરઘસના રૂપમાં મહેરબાન પ્રમુખ સાહેબ અને મુંબઈ ઈત્યાદી સ્થળોેએથી પધારેલા અન્ય જ્ઞાતિ ભાઈઓ અને બહેનોનું સરઘસ શેઠ ચના ઉમરસીના બંગલે—ઉતારે ગયું હતું. તેમજ વ્યવસ્થાપક કમીટીના પ્રમુખ સાહેબ તથા આપણી જ્ઞાતિના હજારો ભાઈઓએ આવેલા મહેમાનોને આવકાર આપ્યો હતો. આજે રવિવારનો દિવસ હોવાથી આપણા ભાઈઓ કોઈપણ કામ ધંધે ગયા નહોતા અને તેઓ મુંબઈ તેમજ અન્ય સ્થળોએથી આવનાર ભાઈઓના દર્શન, તેમજ તેમના મોઢાથી જ્ઞાતિહીતની વાતો સાંભળવાને ઉત્સુક હતા. જેથી સભાનું કામ બધા ભાઈઓની ખાસ ઈચ્છાથી તેજ રાત્રે આઠ વાગે શરૂ કરવામાં આવ્યું હતું. સભાના ટાઈમથી અગાઉ કરાંચીમાં વસતા આપણા ભાઈઓ જુદા જુદા દશ કમ્પાઉન્ડમાં રહેે છે ત્યાંથી બધા પરવારીને બહેનો તેમજ ભાઈઓ સાડાસાત વાગ્યા પહેલા તો સભામાં હાજરી આપી હતી. તે સીવાય આપણા ગુજરાત અને કાઠીયાવાડમાં રહેતા લેવા પાટીદાર બંધુઓની બસોએક ભાઈઓની હાજરી સભામાં જણાતી હતી. વળી કચ્છ દેશના ગુર્જર સુથાર ભાઈઓ તેમજ ગુર્જર લુવાર ભાઈઓની મોટી સંખ્યાની સભામાં હાજરી હતી, કુલ સંખ્યા લગભગ ૨૨૦૦ માણસની હતી. તેમાં ૫૦૦ સ્ત્રીઓ અને ૧૭૦૦ પુરૂષોની સંખ્યા દ્રષ્ટીગોચર થઈ હતી. સભા મંડપના ત્રણ દરવાજા વિવિધ પ્રકારના ઝાડ—પાનોથી શણગારવામાં આવ્યા હતા અને સોનેરી અક્ષરે શ્રી કચ્છી કડવા પાટીદાર પરિષદ એવા લેખો ટાંગવામાં આવ્યા હતા. સભાના પુલપીટ ઉપર પચ્ચીસેક ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. તેમજ મે. પ્રમુખ સાહેબના માટે અને રિપોર્ટરોના માટેખાસ બેઠક ગોઠવવામાં આવી હતી. પ્રમુખ સાહેબના ટેબલના મધ્ય ભાગમાં દેવી શ્રી ઉમિયા માતાની સ્થાપના કરવામાં આવી હતી અને તે માતુશ્રીના નીચે એક સુંદર ફોટાને ફુલોથી શણગારવામાં આવ્યો હતો. એ ફોટો આપણી ગુજરાતની જ્ઞાતિના અદ્વીતીય કર્મવીર જ્ઞાતિ ભક્ત, સદ્‌ગતભાઈ પુરૂષોત્તમદાસ લલ્લુભાઈ શ્રી કડવા પાટીદાર સમાજના જનરલ સેક્રેટરી અને “કડવાવિજય” ના આદ્ય તંત્રી જ્ઞાતિ સુધારક ભાઈનો હતો. આવી રીતે ઉંચા પ્રકારની ધ્યાન ખેંચનારી ગોઠવણ કરવામાં આવી હતી, આપણી જ્ઞાતિ તેમજ અન્ય જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનોને સભામાં ભાગ લેવાના માટે કંઈ પણ ફી રાખવામાં આવી નહોતી, બરોબર આઠ વાગતાં મહેરબાન પ્રમુખ સાહેબ તથા બીજા અન્ય ગૃહસ્થો અને રાજમાન કે.બી. પટેલ વિગેરે સભામાં પધારતાં આખી સભાએ ઉભા થઈ તેમને માન આપ્યું હતું અને મહેરબાન પ્રમુખ સાહેબની જય, માતા ઉમીયાજીની જય વિગેરે શબ્દોનો ધ્વની થઈ રહ્યો હતો. ત્યારબાદ સભાની કામકાજની શરૂઆતમાં બેન, દેવકુંવર બહેને સંગીતના સાધનો સાથે ઉમિયાદેવીની સ્તુતી કરનારૂ મંગળાચરણ ગાયું હતું. જે ઘણું જ મધુર અને મનોરંજક લાગવાથી શ્રોતાઓના હૃદયમાં હર્ષનો પાર રહ્યો નહોતો. તે સંગીત નીચે પ્રમાણે હતું.

કરાંચીની બેઠક વખતે દેવકુંવર બહેને ગાયેલું,

મંગળા ચરણ.

(રાગ—કલ્યાણ)

હે માતુ પાર્વતી, અમે વંદીએ સતી,

 

અનંત શકતી ઈશ્વરી, કૃપા કરો અતી.

ટેક.

વિઘ્ન વિદારી કાર્ય સુધારી, જગ જનુની પ્રતીપાળ;

 

મંગળકારી કર શીર ધારી, લ્યો  શિશુની સંભાળ…

હે માતુ.

જ્ઞાન હિત તજી માન બન્યા, મા બાળક દીન સમાન;

 

હૃદય ચક્ષુ ઉઘાડો સત્વર, થાય સ્વરૂપનું ભાન…

હે માતુ.

લેશ વિલંબ હવે નહિ કરશો, તજો હોય જો રોશ,

 

અંતરની આશીષ સમરપી, ક્ષમા કરો સહુ દોષ…

હે માતુ.

જનુનિ આરત અતિ કરાવે, વધે ન વડપણ લેશ;

 

કષ્ટ મુક્ત સંતાન બનેથી, વડપણ વધે વિશેષ…

હે માતુ.

વરદાઈ વર આપો એવો, પુરણ થાએ કામ;

 

અમર સુખનો સુર્ય પ્રકાશે, જય વરતે સહુ ઠામ…

હે માતુ.

 

          ઉપર મુજબ મંગળાચરણ થઈ રહ્યા બાદ સન્માન કારિણી સભાના પ્રમુખ ભાઈશ્રી નાનજીભાઈ પચાણ નાકરાણી ગામ નખત્રાણાવાળાએ પધારેલા બંધુઓને આવકાર આપતા નીચે પ્રમાણે બોધદાયક, તેમજ મનરંજન અને અસરકારક ભાષણ કર્યું હતું.

 

સ્વાગત મંડળના પ્રમુખ ભાઈશ્રી નાનજી પચાણનું ભાષણ

પતિતપાવની ગંગાસ્વરૂપ જ્ઞાતિના પ્રિય બંધુઓ, સદ્‌ગૃહસ્થો, માતાઓ અને બહેનો.

આજે આપણી જ્ઞાતિની ઉન્નતી અર્થે, જે ગંજાવર સભા મળી છે તે સભામાં દુરદુરથી જે ભાઈઓ ઘણી જ તકલીફ વેઠી અત્રે પધારેલા છે. તેઓને આવકાર આપવાનું માન અત્રેના મારા જ્ઞાતિ બંધુઓએ મને સોંપ્યુ છે. જેથી હું મારી પોતાની જાતને અહોભાગ્ય માનું છું અને સભામાં પધારેલા સઘળા ભાઈઓના માટે કરાંચીમાં વસતા આપણા જ્ઞાતિ ભાઈઓ તરફથી હું આપ સર્વે ભાઈઓનો ઉપકાર માનું છું. આપણી જ્ઞાતિનો આજનો દિવસ ઈતિહાસમાં હંમેશના માટે સોનેરી અક્ષરે કોતરાઈ રહેશે એટલું જ નહીં પણ આજનો દિવસ ઘણો જ પવિત્ર અને માંગલિક છે, જે એક તહેવાર તરીકે પણ આપણે પાળી શકીએ એમ હું માનું છું. આપણી કચ્છની જ્ઞાતિમાં આપણી ઉન્નતી અર્થે ઘણી સભાઓ મળી છે પરંતુ આવી અપૂર્વ ગંજાવર સભા જ્ઞાતિના હીત અર્થે જો મળી હોય તો હું ભાર મુકીને કહીશ કે તે આ કરાંચીમાં જ પહેલી સભા છે. કારણ કે આખા કચ્છ દેશમાં લગભગ બાવન ગામમાં આપણી જ્ઞાતિ વસેલી છે અને તે બાવન ગામમાંના ભાઈઓના સમુદાયના વિરાટ સ્વરૂપની મળેલી આ સભા કચ્છ દેશમાંના ખેડાઈથી ખેંગારપર અથવા વાગડમાં આડેસરથી લખપત સુધીમાં વસતા તમામ ભાઈઓની આ સભા આવા ઉત્તમ પ્રકારના સમુદાયથી ભેગી થાય અને આપણી જ્ઞાતિની ઉન્નતિ અર્થે આપણે કંઈ વિચાર કરી  શકીએ એના માટે તો આ કરાંચી  શહેર જ ભાગ્યશાળી છે.

          કરાંચીમાં વસતા મારા જુવાન ભાઈઓના હૃદયમાં ઘણા દિવસો થયાં જે ઉત્કંઠા હતી તે પરમકૃપાળુ આપણી કુળદેવી ઉમાદેવીના પ્રતાપે આજે પરિપૂર્ણ થયેલી જોઈ મને અત્યંત આનંદ થાય છે. અને હું સાથે સાથે કહીશ કે આપણી જ્ઞાતિનું શ્રેય કરવા માટે કેટલાક આપણા જ્ઞાતિ ભાઈઓ પોતાની જીંદગી જ્ઞાતિસેવામાં અર્પણ કરી આપણને સન્માર્ગે દોરી જવાનો જે પ્રયત્ન કરે છે તેવા વીર બંધુઓની હાજરી આ સભામાં હોવાથી ઘણો જ આનંદ પ્રાપ્ત થાય છે, તે સિવાય જુના વિચારના ભાઈઓએ પણ જ્ઞાતિ હીતની વાત હૃદયમાં ધરી આજે સભામાં પધારી અમારા આમંત્રણને માન આપ્યું છે, જેના માટે હું ખાસ  તેમનો ઉપકાર માનું છું. એક હાથે તાળી પડતી નથી, એ સુત્રના આધારે હું કહીશ કે મુંબઈવાસી ભાઈઓએ પણ આપણી જ્ઞાતિના ભલા માટે ઘણી સભાઓ ભરી જ્ઞાતિ પ્રત્યેની લાગણીઓ પ્રદર્શીત કરી છે, તેમજ કરાંચીના યુવક મંડળે પણ જ્ઞાતિહીતની સારી સેવા બજાવી છે. જેની અસર આપણા દેશમાં બેઠેલા ભાઈઓને સારી રીતે થઈ છે. હજુ આપણે આપણી જ્ઞાતિના હીત માટે કશું કરી શક્યા નથી. આપ દીર્ઘ દૃષ્ટિથી જોશો તો તમને જરૂર જણાશે કે દુનિયાની પ્રજા પોતાની ઉન્નતિ અર્થે કેટલા વેગથી પ્રવૃત્તિ કરી રહી છે. આપણી માફક કઈ જ્ઞાતિ અને કઈ પ્રજા ઉંઘે છે ? આપણે હાલ જે સ્થિતિમાં છીએ તે સ્થિતિમાં હજુ સુધારો નહીં કરીએ તો આપણી જ્ઞાતિ કઈ દશાને પ્રાપ્ત થશે તેનો આપણે ખાસ વિચાર કરવાની જરૂર છે. આગળ વધેલી અન્ય જ્ઞાતિઓ જેને તમે હલકી અને ઉતરતા વર્ગની કે કઈ જાતની માનો છો તેનું દાસત્વ કરવાનો જમાનો આવી જાય તે પહેલાં આપણે જાગૃત નહીં થઈએ તો આપણી પાછળ થનારી પ્રજા કેવા પ્રકારના શ્રાપ દેશે તેનો ખ્યાલ કરવાની ઘણી જ જરૂર છે. જે સમયે પ્રજાઓનું પ્રારબ્ધ વિજળીના વેગે ઘડાય છે તેવા અણીના પ્રસંગે પણ આપણે ઘોર નીંદ્રા, પ્રમાદ, બેદરકારી જેવી ગફલતમાં રહીશું તો શું આપણને તે વિશેષ અધોગતિ પ્રાપ્ત કરાવનારું નહીં થાય એમ તમે માનો છો ? મારૂં તો ખાત્રીપૂર્વક માનવું છે કે આપ આપના અંતર આત્માને પુછશો તો પણ તમને સાફ જણાયા સિવાય રહેશે નહીં. આપણું કલ્યાણ સાધવા માટે સાંપ્રત સમય એક સોનેરી તક છે. જેથી જેમ બને તેમ જ્ઞાતિમત કેળવી તેને આગળ વધારવાની ખાસ જરૂર છે. તો બંધુઓ જાગૃત થાઓ અને જ્ઞાતિના હીત માટે તન મન અને ધનથી મદદ આપી તમારૂં જ્ઞાતિ અભિમાન પ્રગટ કરો. આપણે બધા ભેગા થઈ એકત્ર પુરૂષાર્થ કરવાથી આપણી જ્ઞાતિનું શ્રેય જલ્દી સાધી શકીશું એવી શ્રદ્ધા રાખી એક બીજા તરફના ગમે તેવા રાગ દ્વેષ છોડી દઈ જ્ઞાતિ સેવા કરવાનું કાર્ય કરવામાં આપણે સામેલ થઈશું તો આપણી કાર્યસિદ્ધિ જલદીથી સફળ થશે તેમાં જરાપણ સંશય નથી. ભાગ્યદેવી આપણા પર કૃપા કરવા તૈયાર છે માત્ર આપણો પ્રમાદ જ તેમાં અંતરાય નાંખે છે. આટલું બોલ્યા પછી હું આપણી જ્ઞાતિમાં આપણને અધમ દશા તરફ લઈ જનારા કેટલાક નઠારા રીતરીવાજો ઘણા વખતથી પડી ગયા છે એના માટે હું આપનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું. મારે દીલગીરી સાથે કહેવું પડે છે કે આપણા જ ભાઈઓ ગુજરાત, કાઠીયાવાડ, માળવા, ખાનદેશ, ઈત્યાદી ઠેકાણે વસે છે ત્યાં તમે જોશો તો ઘણા ભાઈઓ ગ્રેજ્યુએટ થયેલા મળી આવશે. મેટ્રીકની પરીક્ષા પસાર કરેલાની સંખ્યા સેંકડોની જણાશે. વકીલ, બેરીસ્ટર, ડૉકટર અને જજના હોદ્દા ભોગવતા જોશો. એ ભાઈઓ કયાં અને આપણા કચ્છ તરફના ભાઈઓની સ્થિતિ તરફ તમે જોશો તો તમને દીલગીરીનો પાર રહેશે નહીં. કચ્છ દેશમાં આપણી કડવા પાટીદર જ્ઞાતિની વસ્તીની સંખ્યા લગભગ ત્રીસ હજાર માણસની છે. છતાં આવા સુધારાના વખતમાં પણ તેમાંથી એક પણ ભાઈ હજુ મેટ્રીક થયો નથી. આખી જ્ઞાતિમાં નજર ફેરવશો તો માત્ર અપવાદ રૂપે એક ભાઈ વેલજી રામજી નખત્રાણાવાળા એ અંગ્રેજી છઠ્ઠું ધોરણ પાસ કર્યું છે. તે સિવાય બીજા બે ભાઈઓએ ત્રીજી અને ચોથી અંગ્રેજી સુધીનો અભ્યાસ કરવાનું સાંભળ્યું છે. ત્યારે ગુજરતી પાંચ ચોપડી ભણેલાની સંખ્યા ભાગ્યેજ પચીસેકની આવી શકશે. આવા પ્રકારની કેળવણીથી આપણે આપણું હીત ક્યાંથી સાધી શકીએ ? દુનિયાના માણસો આપણને કહે છે કે “કણબી પશુ ન માનવી” તે શું ખોટું છે ? કેળવાયેલા માણસો પોતાની તેમજ પોતાની જ્ઞાતિની, ગામની અને દેશની ઉન્નતિ કરી શકે છે. મોટી ખામી તો આપણામાં કેળવણીની છે. જ્યાં દીકરાઓને કેળવણી આપવામાં આપણે કંજુસાઈ કરીએ છીએ ત્યારે દીકરીઓને કેળવણી તો ક્યાંથી અપાય ? આપણી જ્ઞાતિના કમભાગ્યે આપણે ખરેખર આ વિચાર કોઈ દહાડો કરતા જ નથી. ગુજરાત, કાઠીયાવાડમાં આપણી જ્ઞાતિની ઘણી બહેનોએ ગુજરાતી સાત ચોપડી સુધીનો અને તેથી પણ આગળ અંગ્રેજી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યાનું આપણે સાંભળીએ છીએ. ત્યારે આપણા કચ્છ દેશમાં આપણી કોઈ બેન દીકરીને ભણાવવાનું આપણને હજુ સ્વપ્ન પણ આવતું નથી. આજે સભાની શરૂઆતમાં વીરાણી ગામવાળા ભાઈ નાયા શીવજીની દીકરી બહેન દેવકુંવર બહેને શરૂઆતમાં મંગળાચરણ ગાયું તેથી આખી સભાને ઘણી જ નવાઈ લાગી હતી. કેટલાક ભાઈઓ અને બહેનોને પ્રેમના આંસુઓ આવ્યા હતાં. મારા સાંભળવા પ્રમાણે બેન દેવકુંવરે ગુજરાતી પાંચ ચોપડીનો અભ્યાસ કર્યો છે અને હજુ એમનો અભ્યાસ ચાલુ છે. ધન્ય છે નાયાભાઈને તેમજ તેમનાં ધર્મપત્નીને કે પોતાની દીકરીને ભણાવી સુશીલ બનાવવા પોતાનો ધર્મ અદા કરે છે. હું તો બહેન દેવકુંવરનો દાખલો લેવા બેઠેલા સમાજનો તેમજ માતાઓને વિનંતી કરૂ છું કે તમે પણ સહુ પોતપોતાની દીકરીઓને ભણાવતા હોત તો કેવું સારૂં. દીકરીઓનું ભણતર ઘણું જ કામનું છે કારણ કે એ ભવિષ્યની માતાઓ છે. ભણેલ હશે તો ઘરમાં દરેકે દરેક બાબતમાં ઉપયોગી થઈ પડશે. આપણા ભાઈઓ પરદેશમાં ધંધા અર્થે જાય છે અને ત્યાંથી દેશમાં કાગળ મોકલે છે ત્યારે એ કાગળ વંચાવવાને કેટલી ઓસીયાળી ભોગવવી પડે છે એ તમે સૌ જાણો છો તે સિવાય પણ પગલે ને પગલે ભણતરની જરૂર પડે છે. આ વિષય એટલો બધો અગત્યનો તેમજ ગહન છે કે એના માટે જેટલું બોલીએ એટલું ઓછું છે. આપણામાં બાળ લગ્ન જેવા નઠારા રીત રિવાજો જડ ઘાલીને બેઠા છે. બાળ લગ્નથી આપણને કેટલું સોસાવું પડે છે તેનો વિચાર સરખો પણ આપણે તેમજ કચ્છમાં આપણા આગેવાના ગેઢેરાઓ કરતા નથી. અગીયાર કે બારે વર્ષે લગ્ન આવે તો પણ બળતરા કે હૈયાહોળી મટે નહિં, મહીના અને દોઢ મહિનાનાં બાળકોને પરણાવી આપણે જે લ્હાવો લઈએ છીએ છતાં ભવિષ્યમાં એ લગ્ન કેવાં નીવડે છે, તે તમો સૌ જાણો છો. આ બાળલગ્નના પ્રતાપે છોકરાંઓનો ઘરસંસાર ઝેરરૂપ બને છે. ઘણા કજોડા થાય છે અને છેવટે કુર્મી ક્ષત્રિય જેવી ઉંચ જ્ઞાતિ હોવા છતાં પણ છૂટાછેડા કરવા પડે છે. આવા બધા અનર્થનું મુળ બાળલગ્ન છે તે સદંતર નાબુદ કરવાની ઘણી જ જરૂર છે. તે સિવાય આપણામાં મરણ પાછળના જમણો કરી જ્ઞાતિની જે અધમ દશા થઇ છે તેનો તમોસઘળા ભાઇઓને પણ પાકો અનુભવ છે. આપણો કચ્છમાં જે ગિરાસ ચાસ હતો તે ગીરો મુકીને પરદેશના ઝાડ જોવાના શોખથી નથી આવ્યા, પરંતુ બાપદાદાના પછવાડે કારજ કરવાના કરજમાં ડુબી જવાથી અત્રે લાકડાં વ્હેરવા આવ્યા છીએ. મરણ પાછળ મોટા ખર્ચા કરી જ્ઞાતિ ભોજન કરવાનું કોઈપણ શાસ્ત્રમાં લખ્યું નથી. છતાં મરી જનારને પુણ્ય થાય એવા હેતુથી આપણામાં ગુના છોડાવવા બાવની ક્રીયા કરવામાં આવે છે તેમજ રૂઢીને વશ થઈ દેખાદેખી જ્ઞાતિ ભોજન કરવાની એક પ્રથા પડી ગઈ છે જેની કંઈપણ આવશ્યકતા નથી. બાવા ઈમામશાહની પાસે અથવા તેમના પાટ આગળ મરનાર નિમિત્તે પૈસા આપવાથી પાપમુક્ત થવાય છે એ વાત તદૃન ગલત છે. હું ખાત્રીપૂર્વક કહું છું કે આપણી આર્થિક સ્થિતિને દુઃખદાઈ બનાવનાર તો આ મરણ પાછળના — પહોંચ હોય કે ન હોય તો પણ ફરજીયાત જમણ કરવું પડે છે તે જ છે. બંધુઓ હું આપને વિનંતી કરૂં છું કે આપણી જ્ઞાતિનું હીત ઈચ્છતા હોય તો આપણી જ્ઞાતિને પૈસા સંબંધી પાયમાલી કરનાર મરણ પાછળનાં જમણો સદંતર બંધ કરવાં જોઈએ. મેં આપણી જ્ઞાતિની અધમ દશાની માટે કેળવણીની ખામી, તેમજ બાળ લગ્નથી આપણી પ્રજા નીર્માલ્ય બની છે તેમજ મરણ પાછળના જમણો કરવાથી આપણી પૈસા સંબંધી દૂરદશા થઈ છે તેના માટે સહેજ ઈશારો કર્યો છે. તે સિવાય આપણી વધુ પાયમાલી આપણા જ્ઞાતિ બંધનની છે. આગેવાન ગેઢેરાઓએ આપણને એવા બંધનમાં બાંધ્યા છે કે આપણે રીતરિવાજ નઠારા હોય તેનો પણ ત્યાગ કરી શકતા નથી. તે સિવાય ગેઢેરાઓના જુલમની વાતો આજે ઠેકાણે ઠેકાણેથી સંભળાય છે. જ્ઞાતિપંચના પૈસા ઉપર તાગડધીના કરનાર આગેવાનોની પોલો હવે છડે ચોક ઉઘાડી પડી છે. તેમના નીંદવા લાયક કૃત્યો ઉપર કમકમાટી ઉપજે છે. જ્ઞાતિના ગરીબ ભાઈઓના પરસેવાના પૈસાનો તે ઘણો જ ગેરઉપયોગ કરે છે, તે સઘળું વીરાણી સભાના રીપોર્ટથી આપણી જાણ્યું છે. હવે તો હદ વળી ગઈ છે. છતાં મારી ખાત્રી છે કે જુલ્મી આગેવાનો પોતાના જાલીમ કૃત્યોના માટે પસ્તાવો કરે કે પંચના પૈસાનું રક્ષણ કરી જ્ઞાતિ હિતનું કોઈ કામ કરે એવી આશા રાખવી એ ફોગટ છે. પીરાણે પૈસા જાય છે તેનો ઘણો જ ગેર ઉપયોગ થાય છે એવું આપણે તેમજ આગેવાન ગેઢેરાઓ પણ જાણે છે, છતાં પીરાણે પૈસા મોકલવા આગેવાનો મમત કરે છે એ વાત ખાસ જાણવા જેવી છે. આગેવાનો પીરાણે પૈસા મોકલવાને બહાને પોતાનું ઘર ભરે છે અને આપણી પાસેથી ધર્મના નામે જબરીથી કર ઉઘરાવવાનું નાત બહાર કરવાનું શસ્ત્ર તેમની પાસે છે જેથી આપણે ધર્માદાના નામથી રાજી ખુશીથી કે ના ખુશીથી પણ પૈસા નાત બહાર થવાની બીકથી આપીએ છીએ તે પૈસા પીરાણે સૈયદો કુકડાં કાપે અને કાકાઓને મોજમજા કરવામાં વપરાય. એથી વધારે બીજુ કોઈકની મીલો અને મોટરો ઉભી થવામાં પૈસા વપરાય છે. તેમાં પુણ્ય થાય છે કે પાપ થાય છે એ તમો સૌ સમજી લેજો. વીરાણી ગામના આગેવાનો ઘણા દિવસથી સમજી શકયા છે અને પીરાણે પૈસા નથી મોકલતા તેને પણ આગેવાન ગેઢેરાઓ ઘણી રીતે લલચાવે છે પરંતુ એ આગેવાનોની જાળમાં વીરાણી ગામના આગેવાનો તેમજ યુવક મંડળ ફસાય એવું હું માનતો નથી. કારણ કે આગેવાનોની દાનત કેવી નીચ છે તે વીરાણી ગામ ઘણા દિવસથી જાણી ગયું છે. જેથી એક પૈસો પણ વીરાણીમાંથી કાકાને કે સૈયદોને તેમજ આગેવાન ગેઢેરાઓને મળે એ હવે બનવું મુશ્કેલ છે. હું સભાજનોને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે વીરાણી ગામનો દાખલો દરેક ભાઈઓએ લેવા યોગ્ય છે. તે સિવાય મારે ખાસ કહેવું જોઈએ છે કે પીરાણા ધર્મ આપણી જ્ઞાતિને બીલકુલ  શોભતો નથી. જેના માટે અનેક વખત છાપા દ્વારા આપણે બધી પીરાણા ધર્મની વાતો વાંચી છે તેમજ સાંભળી છે. આપણા ગુરૂ મુસલમાન હોઈ શકે જ નહીં. હિન્દુ ધર્મના નામે પીરાણા ધર્મથી આપણા બધા ભાઈઓને શરમાવું પડે છે માટે એનો તો પ્રથમ બંદોબસ્ત થવાની ખાસ જરૂર છે. મેં આપને ટુંકામાં આપણી જ્ઞાતિની પાયમાલી કરનારા નઠારા રીત રિવાજ તથા આગેવાનોના જુલ્મ તેમજ પીરાણા ધર્મ સંબંધે થોડું વિવેચન કર્યું છે, વિશેષ વિવેચન સભામાં ઘણા ભાઈઓ આપને વિસ્તારથી કહી બતાવશે.

          હું આપને ફરીથી કહું છું કે અમારા કરાંચીના ભાઈઓના માટે આજનો દિવસ અપૂર્વ આનંદનો છે. જ્ઞાતિ હીતના માટે વિચાર કરવાને આ શહેરમાં અમને પ્રથમ જ પ્રસંગ મળે છે. અમારા મનથી જ્ઞાતિ હીત એ અમારૂં પોતાનું જ હિત છે એવું અમે ખાસ માનીએ છીએ જેથી અમારાથી બની શકશે ત્યાં સુધી જ્ઞાતિના હીતમાં અમે પછાત રહીશું નહીં. જ્ઞાતિ ઉન્નતિના દરેક કાર્યમાં અમારાથી બનતી કોશીષ અમો જરૂર કરીશું. જ્ઞાતિ હીતાર્થે આ પરિષદ ભેગી મળી છે. તેનું અવશ્ય રૂડું પરિણામ આવશે જ અને અમને જ્ઞાતિ સેવા કરવાનું યાદ રહી જાય એવા જ્ઞાતિ હીતનાં કાર્યો આ સભામાં હાથ ધરવામાં આવશે એવી મારી નમ્ર અરજ છે. મારે ખાસ વિનંતિપૂર્વક કહેવાનું કે અત્રે પધારેલી બહેનો પણ આ સભામાંથી કંઈક ઉત્તમ શિક્ષણ ગ્રહણ કરે અને પોતાનાં સંતાનોને ઉત્તમ બનાવવા પ્રયત્ન કરશે તો અમારો પ્રયત્ન સફળ થયેલો અમે માનીશુું. જ્ઞાતિની સંપતિ કે દોલત સમાન બાળકોને ઉત્તમ રત્નો સમાન બનાવવાનો ભાર માતાઓ અને બહેનો તમારા માથે છે. તેમજ ઘર સંસારની સાચી રક્ષક અને પોષક છો. તમે દેવીઓ છો. તમે માતાઓ થવાને સર્જાયેલી છો. પૂર્ણ પુરૂષોત્તમ પ્રભુ રામચંદ્રજી અને શ્રીકૃષ્ણ, અર્જુન, ભીષ્મ અને મહા પ્રતાપી મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા વીર પુરૂષોને જન્મ આપનારી પણ તમારા જેવી જ માતાઓ હતી. સીતા સાવિત્રી દમયંતી વગેરે સતીઓ પણ માતાના જ પેટે અવતરી હતી. હિન્દુસ્તાનની દૈવ્ય ભૂમી ઉપર જે જે યોદ્ધાઓ અને વિદ્વાન પુરૂષો કે ધર્મ ગુરૂઓ અને આચાર્યો થઈ ગયા છે તેઓ પણ માતાના જ પેટે અવતર્યા છે. એ માતાઓ અને તમારામાં એક જ તત્ત્વ છે. માત્ર શક્તિ અને જ્ઞાનની ખામી છે. તે પ્રાપ્ત કરો. તમારા અને તમારી પુત્રીઓના પેટે એવા જ વીરપુત્રો અને પુત્રીઓ ઉત્પન્ન થાઓ એમ હું ઈચ્છું છું. માતાઓ અને બહેનો ને હું ફરીથી પણ કહું છું કે તમે જ્યારે તમારો ખરો ધર્મ સમજી શકશો ત્યારે જ અમો પુુરૂષવર્ગ કંઈક હિંમતથી કાર્ય કરી શકીશું. આપણી ઉન્નતિ કરવામાં જે નઠારા રીતરિવાજો અધર્મયુક્ત હોય તેનો ત્યાગ કરવામાં જરાપણ આળસ નહી રાખશો એવી તમારી પાસે મારી ખાસ વિનંતી છે. અત્રે સભામાં પધારવા તમે બહેનોએ તેમજ ભાઈઓએ જે તસ્દી લીધી છે તેના માટે હું ખાસ અંતઃકરણપૂર્વક તમારો આભાર માનું છું અને સભાના કાર્યમાં જોડાવાને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું.

સ્વાગત કમીટીના પ્રમુખનું ભાષણ થઈ રહ્યા બાદ કરાંચીના યુવકમંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજી પારસીયા, ગામ નખત્રાણાએ ઉભા થઈને જણાવ્યું કે :—

પ્રિય જ્ઞાતિબંધુઓ, સદ્‌ગૃહસ્થો, સ્વામીશ્રી રેવાનંદજી, માતાઓ અને બહેનો,

આજની આપણી જ્ઞાતિની આ મહાન ગંજાવર સભા જે આપણી જ્ઞાતિ ઉન્નતિની આશારૂપ છે તે સભાનું કાર્ય નિર્વિઘ્ને પસાર થાય એ જ હેતુથી આ સભામાં આપણા કાર્યને દીપાવનારા એક વિદ્વાન અનુભવી અને ઠરેલ વિચારના આગેવાનની પ્રમુખ તરીકેની ખાસ જરૂર છે તો પછી મારા વિચાર પ્રમાણે આપણી જ્ઞાતિના સંપૂર્ણ અભ્યાસી ગામ માનકુવાના રહીશ રા.રા. રાજાભાઈ શામજી ધોળુને હું આજની સભાના પ્રમુખ થવાને માટે દરખાસ્ત મુકું છું અને આશા રાખું છું કે સભાના સઘળા ભાઈઓ મારી દરખાસ્તને ટેકો આપશો. (તાળીઓ)

ઉપર પ્રમાણે પ્રમુખની દરખાસ્તને ટેકો આપવા ગામ વીરાણીવાળા ભાઈ નારાયણજી રામજીભાઈએ જણાવ્યું કે યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજીએ પ્રમુખ તરીકે ભાઈ રાજાભાઇ સામજી ધોળુની જે દરખાસ્ત કરી છે તેને હું મારા શુદ્ધ અંતઃકરણથી ટેકો આપું છું અને વિશેષમાં જણાવીશ કે રાજાભાઈ સામજી ધોળુ સભાના પ્રમુખ થવાને લાયક છે. આ સભામાં તેઓની ઓળખાણ કરાવવી એ એક સૂર્યની ઓળખાણ કરાવવા બરોબર છે. રાજાભાઈ સામજી ધોળુનું નામ આપણી કચ્છની જ્ઞાતિમાં જગજાહેર છે. આગેવાન ગેઢેરાઓમાંના તે એક છે. જ્યારે દેશના આગેવાન ગેઢેરાઓ પોતાનો ધર્મ શું છે તે નથી સમજતા ત્યારે રાજાભાઈ સામજીએ જ્ઞાતિ આગેવાનોની સાથે અનેક વખત પોતાના શુદ્ધ અભિપ્રાય આગેવાનોને જણાવ્યો છે અને પોતાની સત્યતાની છાપ આગેવાનો ઉપર બેસાડી છે, મારા સમજવા પ્રમાણે તેઓ લગભગ દશ વર્ષથી જ્ઞાતિ સેવા કરે છે કેટલાક આકરા વિચારના જુવાનીઆઓ ને પણ તેઓની સારી સલાહ આપતા રહ્યા છે. આજે કરાંચીમાં આપણી જ્ઞાતિની જે મહાન પરિષદ મળી છે તે પણ કેટલેક અંશે તેઓને જ આભારી છે. માટે હું પણ વિનંતી કરૂ છું કે આખી સભાએ તેઓને તાલીઓના અવાજથી વધાવી લીધા છે માટે તેઓશ્રી પ્રમુખપદે બીરાજી સભાનું કામકાજ શરૂ કરશે.

 

કરાંચી સભાના પ્રમુખ રાજાભાઈ સામજી ધોળુનું ભાષણ

          પ્રિય જ્ઞાતિ બંધુઓ, સદ્‌ગૃહસ્થો અને બહેનો !

          આ સભા આપણા જ્ઞાતિ હીતના માટે વિચાર કરવાને ઘણે દૂરદૂર ઠેકાણેથી અનેક સંકટો સહન કરી અત્રે ભેગી થઈ છે. જ્ઞાતિ સેવાનાં મહાભારત કામની આગેવાની તમોએ મારા ઉપર મુકી છે જેના માટે હું આપનો અત્યંત આભારી છું. મારે ખુલ્લા દીલથી કહેવું જોઈએ કે આજની આ ગંજાવર સભાના પ્રમુખ તરીકેની તમોએ પુષ્કળ વિચાર કરી મારા માટે કરાંચીના યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજી એ દરખાસ્ત કરી છે અને તે દરખાસ્તને આપણા જ્ઞાતિભક્ત ભાઈ નારાયણજી રામજીભાઈએ ટેકો આપી મારા જે વખાણ કર્યા છે તે કેવળ મારૂ મીથ્યા અભિમાન વધારવા પુરતાં જ છે અથવા તો તમોને મારા તરફ પ્રેમની લાગણી છે એ સિવાય મને કાંઈ જણાતું નથી. આજ આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ હાજર છે, એટલું જ નહીં પણ તેઓ મારા કરતાં સર્વાસે ઉત્તમ લાયકાતવાળા અને વિદ્વાનો છે છતાં તમોએ નિશ્ચય કર્યો છે કે આ પરિષદના પ્રમુખપદે મારે જ બેસવું તે તે હું, માન ખાતર નહિં, પણ એક જ્ઞાતિ સેવા કરવાની ખાતર એ પદ સ્વીકારૂ છું.

          અને તમોએ મને જે માન આપ્યું છે તે માટે હું તમારો ખાસ આભાર માનું છું. આશા રાખું છું કે તમો ભાઈઓ એક મતથી સલાહ—સંપથી મને દરેક રીતે મદદ કરશો કે જેથી આજનું મહાન કાર્ય આપણે નિર્વિઘ્ને પસાર કરીશું. ભાઈઓ, મને ઘણો જ આનંદ થાય છે કે આપણી કચ્છની કડવા ૫ાટીદાર જ્ઞાતિ હમણા થોડા વર્ષો થયા પોતાની ઉન્નતિ કેમ થાય એ સંબંધમાં પોતાના વિચારો ફેલાવી રહી છે. તેમાં ઘણા ભાઈઓએ જીવતોડ મહેનત કરી આપણા ભાઈઓને સન્માર્ગે દોરવા પ્રયત્ન કરે જાય છે. હું આપ સઘળા ભાઈઓને અપીલ કરૂં છું કે આપણે પણ એવા સુધારકોના કાર્યને ટેકો આપી તેને ઉત્તેજન આપવું જોઈએ. થોડા જ વર્ષો પહેલાંનો જમાનો યાદ કરીએ તો આપણને સ્પષ્ટ જણાયા વગર રહેશે નહીં કે આપણી જ્ઞાતિ એક ખાસ પશુ સમાન ગણાતી હતી  તે થોડાક વખતમાં કેટલે દરજે પહોંચી છે. એ સઘળું આટલી ઝડપથી કેમ બન્યું એની જ હું તમને યાદ દેવરાવું છું. પ્રથમ શરૂઆતમાં આપણા જનોઈવાળા ભાઈઓએ આપણી જ્ઞાતિનો સડો દુર કરવા પાયો રચ્યો છે. ત્યાર પછી મુંબઇના યુવક મંડળે જે સભાઓ ભરી પોતાના રિપોર્ટો બહાર પાડેલા છે ત્યાર પછી ખાસ કરીને કરાંચીના યુવક મંડળે જે વિચારો દુનિયામાં જાહેર કર્યા છે, તે તમે સઘળા ભાઈઓ જાણો છો. હમણાં છેલ્લે છેલ્લે વીરાણી ગામની સભાના રીપોર્ટથી જે કચ્છ દેશમાં ખળભળાટ જાગ્યો છે અને આગેવાનોની ઊંધ ઉડાવવા તેમજ આગેવાનોના કુકર્મી કૃત્યોનો શ્યામ પડદો ઉચકાયો છે તે ઉપરથી આપણને પણ ઘણું જાણવાનું છે. હું આજ દિવસ સુધી એમ સમજતો હતો કે સુધારા વાળાઓ ઘણુંજ ખોટું અને જ્ઞાતિને શરમાવવા જેવું કામ કરે છે. આપણી એબો ખુલ્લી પાડી દુનિયામાં આગેવાનોને તેમજ પીરાણા ધર્મને વગોવે છે. પરંતુ મારે મારી ભુલની કબુલાત આ સભામાં આપવી પડે છે તે એવી રીતે કે આગેવાનોના ચારિત્રો વાંચ્યા, સાંભળ્યા, અનુભવ્યાં તેમજ પીરાણાના કાકાઓની વિદ્વતા તેમજ તેમની રહેણી કરણી અને તેઓ ભગવા વસ્ત્રો પહેરી સંન્યાસી થયા પછી તેઓ કેવી સ્થિતિથી વરતે છે તે જાણ્યા પછી તેમજ સૈયદોપણ હરીવંશ બ્રાહ્મણ છીએ એવો ડોળ ઘાલી આપણને કેવું ઉંધુ ચીતું સમજાવે છે અને પોતે કેવી રીતે વરતે છે. તેમજ ખુદ પીરાણા ધર્મ જેની અનેક ટીકાઓ થઈ છે તે વાંચ્યા પછી મારી ખાત્રી થઈ છે કે આગેવાનો તેમજ કાકાઓ અને સૈયદો તેમજ પીરાણા ધર્મ આ સઘળું પોકળ જણાય છે અને સુધારાવાળાઓએ છાતી ઠોકીને હિંમતભરી રીતે સત્ય વાતો બહાર પાડી છે. ત્યારે જ આપણને સમજાય છે કે ખરી વસ્તુ આમ છે. હું મારા હમણાના વિચારથી કહી શકું છું કે આગેવાનોનાં ચારિત્રની કથા વીરાણી સભાના રીપોર્ટથી આપ સઘળા ભાઈઓએ જાણી છે, તે ઉપરથી કોઈને પણ પુછશો તો કહેશે કે તે જુલ્મી સત્તા વાપરે છે આગેવાનોને એવાં કૃત્યો કરવા ન શોભે. પીરાણાનો ટીલાયત કાકો તો તમે જાણો છો તેમ મીલ એજન્ટ થયા છે તેને ભગવા લુગડાની લેશ પણ શરમ નથી. તમે જાણો છો કે બાયડી છોકરાની ખાતર મિલકત વધારવાની હોય, મીલો લેવી કે સટ્ટા કરવા એ કાકાનો ધર્મ નથી. તેમજ સૈયદોને આપણે પવિત્ર માનતા હતા અને આપણામાંના ઘણા ભાઈઓ તેને ગુરૂ કરતા હતા પરંતુ હવે મને જણાય છે કે સૈયદો તો ખાસ મુસલમાન છે, તેઓ માંસાહારી છે, અને સુન્નત બેસે છે અને તેઓ પીરાણા ધર્મને માનતા નથી પણ ખાસ કરીને તેઓ કુરાનેશરીફને માન છે, તે ઉપરથી પણ  કહી શકાય કે તેઓ ખાસ મુસલમાન છે અને તે આપણા જેવી ક્ષત્રીય કોમને પુજવા યોગ્ય નથી. ખરૂં કહીએ તો આ પીરાણા ધર્મ મુસલમાની કર્મકાંડ જેવો છે. આપણા જેવા કુર્મી ક્ષત્રીઓને એ ધર્મ કદાપી શોભે નહીં અને એ ધર્મ સંબંધે અનેક ટીકાઓ થઈ છે જેનો જવાબ કણબી આગેવાનો તેમજ પીરાણાના કાકાઓ અને સૈયદોથી પણ અપાયો નથી. તેથી ખાત્રીથી માની શકાય છે કે હીન્દુ ધર્મ તો નથી જ પછી એને માનવો કે નહીં, એ તમારા અંતઃકરણને પુછો તે જ તમને જવાબ આપશે.

          ભાઈઓ ! આપણી આ સભા તેમજ આપણી જ્ઞાતિની ઘણી સભાઓ ભરાઈ ગઈ છે તેને સુધારવી અને બીજી અન્ય જ્ઞાતિઓમાં સારૂં સ્થાન પામે એ જોવા આપણે આતુર છીએ તો પછી મારા વિચાર પ્રમાણે આપણી જ્ઞાતિના અધમ રીત—રિવાજ, અથવા તો આપણને જે કલંકરૂપ કારણો હોય તેનો ત્યાગ કરવો જોઈએ. મારા વિચાર પ્રમાણે મને એક વાત તો ખાસ મુદ્દાની યાદ આવે છે કે આપણામાં કેળવણીનો છાંટો પણ નથી. કેળવણી લીધા સિવાય સત્ય શું અને અસત્ય શું તે આપણે જાણીએ નહીં, આપણામાંના થોડા ભાઈઓએ સાધારણ કેળવણી લીધી છે તો તેઓ કેવી માન પ્રતિષ્ઠાથી જીવન ગાળે છે ત્યારે આપણા ઘણા ભાઈઓ કેળવણી વગરના હોવાથી જીવતોડ મહેનત કરી માંડમાંડ ઉદરપોષણ કરે છે. આજે જમાનો શું કામ કરી રહ્યો છે તેા ઉપર નજર કરો. આપણે તો હજી એકડેએક ઘુંટીએ છીએ, માંહે માહં કલેશ ઈર્ષાથી પરવારીએ ત્યારે કેળવણી લઈએ ને ? જ્ઞાતિહીતના માટે આપણે ભેગા થયા છીએ એ વાત પણ કેટલાક ભાઈઓને ઠીક નહીં લાગતી હોય એમ પણ થતું હશે તો પણ આપણી ફરજ છે કે આપણા ભાઈઓને ગમે તેમ કરીને પણ સમજાવવા જોઈએ. તમે એમ ધારતા હશો કે અમે સુખી છીએ ! તમે પરદેશ આવ્યા છો છતાં તમારા કામ ધંધાની મહેનત જોતાં મને એમ લાગે છે કે હજી આપણે દુઃખી છીએ. આજે આ દુનિયામાં દરેક માણસ એમ ઈચ્છે કે અમો સુખી અને નીષ્કલંક જીવન ગાળીએ, પરંતુ સુખી થવાના ઉપાયો આપણે કરીએ છીએ ? આપણે શરૂઆતમાં જ દુનિયાથી અવળે માર્ગે ચાલીએ છીએ જેથી પરિણામ એ આવ્યું કે આપણને ખુદ બ્રહ્મા આવીને બોધ કરે તો પણ તેનું માનીએ નહીં. આપણી જ્ઞાતિની અધમ દશા થવાના મુખ્ય કારણોમાં એક તો આપણે કેળવણી રહીત છીએ. બીજુ આપણામાં બાળલગ્નની નુકસાનકારક રૂઢી છે. આ દુનિયામાં અઢારે વર્ણ બાળલગ્ન કરવામાં ઘણા જ ગેરફાયદા છે જેનો પોકાર કરી રહી છે. તેઓ બાર અને પંદર વર્ષના દીકરા દીકરીના લગ્નને બાળલગ્ન કહે છે ત્યારે આપણે ૪૦ દિવસના બાળકોના લગ્ન કરીએ છીએ તેમાં જોડું કે કજોડું થાય તેની પણ પરવા કરતા નથી. મારા સાંભળવા પ્રમાણે બે ત્રણ અને વધારેમાં વધારે છ વર્ષ કન્યા મોટી હોય એવા પણ કજોડા આપણામાં થાય છે. પછી એ ઘર સંસાર કેવો નભે તે તમો સૌ જાણો છો. શાસ્ત્રોમાં લગ્ન કેવા પ્રકારે અને કેટલી ઉંમરે કરવાનું કહ્યું છે તે જો તમે સમજીને વરતો તો આપણી આવી નમાલી દશા ન જ થાય. આવાં કજોડાવાળા બાળલગ્ન કરવાથી આપણો સંસાર ઘણી વખત ઝેર જેવો થાય છે અને તેને લઈને છૂટાછેડા કરવાનો પ્રસંગ આવે છે. આવા હાનિકારક રિવાજનો ત્યાગ કરી યોગ્ય ઉંમરે પોતાનાં બાળકોને પરણાવવા ખાસ ભલામણ કરૂં છું. તે સિવાય આપણી જ્ઞાતિની ગરીબ હાલત કેમ થઈ છે. તેનું ખાસ કારણ મરી જવા પછી પ્રેત ભોજન ફરજીયાત કરવામાં આવે છે તે જ છે. કોઈ પણ હિન્દુશાસ્ત્રમાં મરી જનારની પાછળ જ્ઞાતિ ભોજન કરવું એવું ક્યાંય પણ લખ્યું નથી છતાં આ રૂઢી આપણામાં તેમજ કોઈ કોઈ અન્ય જ્ઞાતિમાં પણ કેવી રીતે દાખલ થઈ છે તેની મને પુરે પૂરી ખબર નથી તોપણ હું કહું છું કે એ રૂઢી અયોગ્ય છે. કોઈ ભર યુવાન ભાઈનું મૃત્યુ થયું હોય આખા કુટુંબનું ભરણ પોષણ કરવાનો ખાસ આધાર તેના ઉપર હોય એવા ભાઈઓના મૃત્યુથી કયો અભાગી માણસ દીલગીર નહી થાય ? એ દીલગીરીમાં તેના મરણની ખાતર માતર કે લાપસી કરી હોય ત્યારે સારાં કપડા પહેરી જમવા બેસવું એ શું માણસ જાતને શોભે તેવું છે ? ન્યાયથી પણ ઉલટું લાગે છે. આ બધું ઉઘાડી હાની જેવું છે. આપણામાં કોઈ ગરીબ ભાઈ કે બેન કે દીકરાનું મૃત્યુ થયું હોય અને એની પાછળ કારજ કરાવાની પહોંચ ન હોય તો પણ આગેવાન ગેઢેરાઓ તેમજ તેના પીત્રાઈ ભાઈઓ ફરજીયાત દાહડો કરાવે છે અને તે ભાઈનું ઘર તડકે થાય છે. ભાઈઓ આપણે એક ટાણું રોકકળનું જમણ ન જમીએ તેથી શું આપણા પેટમાં ખાડો પડી જવાનો હતો ? આપણા એક ટાણા જમવાથી આપણા જ ભાઈને આખી જીંદગી સુધી ગરીબ બનાવવો તેને શું તમે પુણ્ય માનો છો કે ? તો પછી એવું પાપ ન કરવા હું તમને વિનંતી કરૂ છું. પણ ભાઈઓ, કે છે કે મરનારની પાછળ જ્ઞાતિ ભોજન  કરવાથી પુણ્ય થાય છે અને જે પુણ્ય થાય છે પુણ્ય મરનારને મળે છે ! તો પછી ન્યાયથી પણ સિદ્ધ થાય છે કે મરનારનું પાપ જમનારાઓને જ લેવું પડે. શું કોઈ મરી જનારનું પાપ તમો એક ટાણું જમીને લેવા તેયાર છો ! કોઈ નહિ તો પછી આવા હીસાબે પણ મરણ પાછળનું જમણ આપણે જમવું જ ન જોઈએ. તે સિવાય તમો ઘણા ભાઈઓ વિચાર કરીને જુવો કે આપણે બધા જમીનદાર, જાગીરદાર, ખેતીકાર હતા છતાં આપણી એ ખેતી ક્યાં ? એ ગરાષ ચાસ આપણી પાસેથી કેમ જતો રહ્યો ? શું આપણે મહાન યજ્ઞ કર્યો હતો કે તેમાં એ પૈસા ખર્ચાયા છે ? શું આપણે કોઈ મોટો વેપાર કર્યો હતો કે તેમાં મોટી ખોટ જવાથી આપણો ગરાષ ચાસ વેચી નાખવો પડે છે ? ત્યારે શું આપણા બાપ દાદાઓએ મિજલિસો કરી ! ગોહરજાનનો જલસો કરાવ્યો હતો ? કે તેમાં આપણી મુડીની બરબાદી થઈ છે ? ભાઈઓ, આમાંનું કંઈપણ આપણે તેમજ આપણા બાપ દાદાઓએ કર્યું નથી પણ ચડસાચડસીમાં ગામ અને નાતો કરી જમણવારો કરવાથી જ આપણું ઉઠમણું થઈ ગયું છે. આ પાછળ તો ગામ જરૂર કરવું જ જોઈએ આવા પ્રકારની ખોટી લાજુ રાખવા જતાં લાજ અને ઈજ્જતનું જાહેર લીલામ થઈ ગયું. તોય આપણે આંખ ઉઘાડી પાછું વાળી જોયું નહીં. તેમજ આપણા ભાઈઓ અને આગેવાનોએ પણ આપણને સાચી સલાહ આપી નહીં; ઉલટું એમ સમજાવ્યું કે ગામ કર્યા વગર ન ચાલે, લાજ ક્યાં મુકીએ ! તું કને પૈસા ન હોય તો અમે આપીએ ! પણ ગામ કર્યા સિવાય ચાલશે નહીં. આમ ચડાવી ચડાવીને આપણા આગેવાનોએ કારજ કરાવી આપણી જ્ઞાતિને ગરીબ બનાવી દીધી છે. ભાઈઓ, તમે તેમજ હું જાણીએ છીએ તેમ મોટા મોટા ખેડૂતોની ખેતી કારજવરા કરવાથી છૂટી ગઈ છે. અને આપણો ગરાષ વેપારીઓએ કરજમાં લઈ લીધો છે. જેથી આપણા ઘણા ભાઈઓને ખેતી મુકીને કરાંચી તેમજ કલકત્તાનાં ઝાડ જોવા પડ્યા છે એ ઘણી જ દિલગીરીની વાત છે. મરણ પાછળ જમણવારો કરવાથી શું નુકસાન થાય છે એ મેં તમને કહ્યું છે. હવે તમને ઠીક લાગે તેમ કરજો. તો પણ મારી છેવટે એટલી સલાહ માન રાખો તો ઘણું જ સારૂં છે કે છેવટે કરજ કરીને તો કારજ ન જ કરશો. હું ફરીવાર પણ તમને કહું છું કે આપણી કણબીની જ્ઞાતિ એક ઉચ્ચ કોમ છે, તેનું ભાન આપણે છેક જ ભુલી ગયા છીએ. જે સુધારો આપણે કરવા માગીએ છીએ તે સુધારો જ્ઞાતિના આગેવાન કહેવાતા ગેઢેરાઓએ કરવાની ખાસ જરૂર છે, પરંતુ તેઓ તો પોતાની પટલાઈ ન જતી રહે તેની બીકમાંને બીકમાં હજુ એવા ઉંધા ખેતર ખેડે જાય છે કે જમાનો જ તેમને પાંસરા કરશે. હમણાં નાતમાં કેટલાક કેસો કોરટે ગયા છે. સાંભળવા પ્રમાણે ગેઢેરાઓ કેસમાં હારી પણ ગયા છે. જેની અપીલો ભુજ થઈ છે. આગેવાનોને હજુ આપણા જ્ઞાતિ પંચના પૈસા તેઓની પાસે રહે છે તે કોરટોમાં વાપરવાનું જોર છે. અને એ બળ ઉપર કુદાકુદ કરી રહ્યા છે. તેઓને ખબર નથી કે એ પૈસાનો જ્યારે કોઈપણ આપણી જ્ઞાતિનો ભાઈ હિસાબ માગશે ત્યારે આપવો પડશે તેનું ભાન આગેવાન ગેઢેરાઓ રાખતા હોય એમ મને લાગતું નથી. એતો જ્યારે હીસાબ લેવાય ત્યારે વાત. હું સભામાં બેઠેલા ભાઈઓને કહું છું કે આપે રાત્રી દિવસ મહેનત કરી ખારા પાણી જંગીને લોહીને ટીંપે જે પૈસા કમાઈએ છીએ તેમાંથી વીસોંદ ધર્માદા કાઢી એ પૈસા આપણે આગેવાનોને આપીએ છીએ તે શું તેની મરજી પ્રમાણે ગમે તેવા ખોટા ખર્ચામાં ઉડાવવાને આપીએ છીએ ? ના ના એમ નથી એ પૈસા આપણા ગરીબ ભાઈઓની ખરી મહેનતના પરસેવાના છે. તેનો સદ્‌ઉપયોગ તે આપણી જ્ઞાતિહીતમાં થાય એવા ભરોસે આગેવાનોમાં શ્રદ્ધા રાખી આપણે આજ દીવસ સુધી એ પૈસા આપતા આવ્યા છીએ. પરંતુ હમણાં જે હકીકત આગેવાન ગેઢેરાઓના ચારિત્ર સંબંધે વીરાણી સભાના રીપોર્ટથી બહાર આવી છે તેમજ આગેવાનોએ ખોટી રીતે કોર્ટોમાં પૈસાની બરબાદી કરી છે તે જાણ્યા પછી તેમજ પીરાણાની સ્થિતિ અને કાકાની રીતભાત તેમજ ત્યાં થતો પૈસાનો ગેરઉપયોગ આવી બાતમીઓ આપણને મળ્યા પછી પણ આગેવાનોને આપવા અથવા પીરાણે પૈસા મોકલવા એ કલરમાં બીજ વાવ્યા બરોબર છે. સૈયદોને તમે પૈસા આપો કે ન આપો એ તમારી મરજી પરંતુ ચોખી વાત એ છે કે સૈયદો માંસાહારી છે. વીરાણી સભાના રીપોર્ટમાં એક ભાઈએ કહેલું તે પ્રમાણે સૈયદો કુકડા મારતા હોય અને જીવહીંસા કરતા હોય તો આપણી ખરી મહેનતના પૈસા પાપ કરવાને આપણે આપવા નહીં જ જોઈએ. કદી ઈમામશાહ બાવાને આપણે માન આપીએ, કેમકે તેમની રેહણી કરણી જુદી હતી, તેઓ દૈવી પુરુષ હતા, નહીં કે હમણાના સૈયદો જેવા હતા. તેઓ આપણને અવળે રસ્તે દોરે છે અને પોતે પાપી બની આપણને પણ પાપના ભાગી બનાવવા પ્રયત્ન કરે છે. માટે તેઓનો કોઈ પણ રીતે સંગ કરવો યોગ્ય નથી. સૈયદો ઈમામશાહને તેમજ તેમના બનાવેલા સતપંથ ધર્મને માનતા નથી ! હું એક વખત પીરાણે ગયો હતો ત્યારે ત્યાં એક મારા પીત્રાઈ ભાઈ કે જે પીરાણા ધર્મના શુદ્ધ અનુયાયી છે. તેઓની સાથે સૈયદોનો ધર્મ સંબંધી વાદવિવાદ થતાં મને લાગ્યું કે પીરાણા ધર્મની સાથે સૈયદોને કશું લાગતું વળગતું નથી. આ બધી હકીકતો એવા પ્રકારની છે કે આપણી કણબીની જ્ઞાતિને બીલકુલ શોભતી નથી. આપણી કણબીની જ્ઞાતિ એકલી કચ્છમાં નથી પરંતુ ગુજરાત, કાઠીયાવાડ, માળવા, ખાનદેશ, ઈત્યાદી ઠેકાણે મળી કુલે વસ્તી દસ લાખની છે, તેમાં કચ્છમાં તો ફક્ત તેત્રીસ હજાર માણસો જ વસે છે. જેથી આપણે યાદ રાખવું જોઈએ કે આપણા તે ભાઈઓ જેવી રીતે વરતે છે તેવી જ રીતથી આપણે પણ વરતવું જોઈએ.

          ભાઈઓ, હું તમોને એક એવી પણ વિનંતી કરૂં છું કે સલાહ સંપથી જે વાતોના નિર્ણય કરવા હોય તે મનમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા સિવાય ઉતાવળા ન થતાં શાંતિથી જો આપણે વિચાર કરીશું તો આપણે આપણી જ્ઞાતિના ભલા માટે ઘણો ઉકેલ લાવી શકીશું. આ સભામાં પક્ષાપક્ષ જેવું જો આપણે નહીં કરીએ અને બધા શાંતિથી અને સુલેહ સંપથી કામ કરીશું તો ઘણું જ સારૂં કામ કરી શકીશું. મેં મુંબઈ તેમજ ગુજરાતમાં આપણી જ્ઞાતિની ઘણી સભાઓ જોઈ છે. માળવામાં સુંદ્રેલ ગામમાં આપણા જ્ઞાતિ ભાઈઓની સભા હતી ત્યાં મને આમંત્રણ હોવાથી હું ત્યાં આપણા ભાઈઓની સાથે ગયો હતો અને ત્યાં પણ જ્ઞાતિહીતનું કામકાજ થતું મે ંજોયુ હતું. આપણામાં અને તેમનામાં રીત રીવાજમાં કાંઈ જાજો ફેર નથી. લગભગ રીત રીવાજો આપણને મળતા જ છે ફક્ત એક જ પીરાણા ધર્મની છાપ આપણા ઉપર છે. તેથી જ આપણને ખાસ શરમાવું પડે છે. તે જો ન હોય તો વખતે એવું પણ બને કે આપણી કચ્છની જ્ઞાતિ આપણા દેશના બીજા ભાઈઓ કરતાં ઓછે દરજ્જે ગણાય નહિ. ગુજરાત ઈત્યાદી દેશોમાં આપણી જ્ઞાતિમાં કદાચ કુધારા હશે તેવા આપણી કચ્છની જ્ઞાતિમાં નહિ પણ હોય ! તમો સઘળા ભાઈઓ સંમત થશો તો આપણા ઉપર જે કાળું કલંક છે તે પણ મટી જશે અને આપણે સુખી અને ભાગ્યશાળી  થઈશું. ભાઈઓ અને બહેનો ! તમોએ ઘણી શ્રદ્ધાપૂર્વક મારું ભાષણ સાંભળ્યું છે, હું એટલો વિદ્વાન નથી કે તમને મારા ભાષણથી ખુશ ખુશ કરી નાંખુ તો પણ  મારા હૃદયના જે ભાવો હતા તે મેં તમારી પાસે ખુલ્લા મુક્યા છે. તમને યોગ્ય લાગે તે પ્રમાણે હવે નિર્ણય કરશો. મારું ભાષણ પુરું થાય છે અને આવતીકાલે બપોરના સબજેક્ટ કમીટી મળશે તેમાં દરેક ભાઇઓને આવવાની છુટ છે અને પોતાના વિચારો શુદ્ધ હૃદયથી જે ભાઈ કહે તેનું ખાસ સંભાળપૂર્વક વિવેચન સાંભળી નિર્ણય કરવામાં આવશે, મેં તમારો ઘણો જ કિંમતી વખત લીધો છે તેમજ તમો કરાંચીવાસી ભાઈઓએ મારી લાયકાત ઉપરાંત જે માન આપ્યું છે તેના માટે હું ઉપકાર માનું છું.

          ઉપર મુજબ મે. પ્રમુખ સાહેબનું ભાષણ થઈ રહ્યા બાદ સભામાં લાવવાના અને પસાર કરવાના જ્ઞાતિ ઉન્નતિના ઠરાવો ઘડી કાઢવા માટે એક સબજેક્ટ કમીટીની નિમણૂક કરવાની પ્રમુખ સાહેબે સર્વ બંધુઓને સમજણ આપ્યા બાદ જુદા જુદા ગામના પ્રતિનિધિ રૂપ બંધુઓની નીચે જણાવ્યા મુજબની એક કમીટી નીમવામાં આવી હતી અને તે કમીટીના કાર્ય પ્રસંગે સમજુવર્ગને પોતાની સલાહ આપવાની ભલામણ કરી હતી.

 

સબજેક્ટ કમીટીના સભ્યોનાં નામો.

રાજાભાઈ સામજી ઘોળુ ગામ માનકુવાવાળા –  સભાના પ્રમુખ

૩૫

કરશન દાના પોકાર

પા. નાનજીભાઈ પચાણ નાકરાણી – ગામ નખત્રાણાવાળા

૩૬

પ્રેમજી ભોજા

રા. નારાયણજીભાઈ રામજી ગામ વીરાણીવાળા

૩૭

વીરજી લખુ પોકાર

રા. રતનશીભાઈ કરશન. ગઢસીસાવાળા

૩૮

ગંગદાસ દેવજી — ખેડોઈ કોટડા

નાથાભાઈ શીવજી— વીરાણી

૩૯

રામજી કાનજી ચૌધરી — ઘડુલી

રતનશી ખીમજી— વીરાણી

૪૦

હંસરાજ નારણ—કોટડા

મેઘજી ભાણજી— દેવીસર

૪૧

જીવરાજ હીરજી ઉકાણી— માનકુવા

જીવરાજ વાલજી— વીરાણી

૪૨

નથુ મનજી — માનકુવા

ખેતા ડોસા પોકાર— નખત્રાણા

૪૩

ખેતા લખુ રૂડાણી

૧૦

વિશ્રામ પાંચા ગાંગાણી— વીરાણી

૪૪

હીરજી કાનજી

૧૧

ડાયા લખુ રૂડાણી— નખત્રાણા

૪૫

તેજા પરબત છાભૈયા

૧૨

લધા હરજી નાકરાણી

૪૬

રામજી ખેતા કેશરાણી

૧૩

શીવજી કાનજી પારસીયા— નખત્રાણા

૪૭

 દેવસી સવદાસ

૧૪

કાનજી રામજી પારસીયા

૪૮

મનજી હરદાસ

૧૫

વાલજી લખુ પોકાર— નખત્રાણા

૪૯

 નારાણ નથુ— દેવીસર

૧૬

રામજી સોમજી નાકરાણી

૫૦

 ભાણજી જીવા સેંગાણી

૧૭

લાલજી સોમજી નાકરાણી

૫૧

વીરજી ખેતા દાનાણી

૧૮

દાના કરસન પાંચાણી

૫૨

ખીમા શીવજી દાનાણી — મંગવાણા

૧૯

હરજી લધા રામાણી— લોડવા

૫૩

હરજી નથુ — દેવીસર

૨૦

હરજી વીરજી નાકરાણી—વીરાણી

૫૪

 કરશન નાનજી નાકરાણી

૨૧

કાનજી વીરજી નાકરાણી— વીરાણી

૫૫

 નારાણ શીવજી લીંબાણી

૨૨

કરસન વીરજી નાકરાણી—વીરાણી

૫૬

 શીવજી લધા નાકરાણી

૨૩

મુળજી ડોસા પોકાર—નખત્રાણા

૫૭

 લખુ કચરા — રવાપર

૨૪

વીરજી લખુ રૂડાણી— નખત્રાણા

૫૮

 સવદાસ કાનજી નાકરાણી — વીરાણી

૨૫

ખેતા રામજી પારસીયા

૫૯

 ભાણજી ડાયા રૂડાણી

૨૬

પેથા ડોસા પોકાર—નખત્રાણા

૬૦

 વીરજી કરશન સેંગાણી

૨૭

વેલજી પરબત પારસીયા

૬૧

 અરજણ કાનજી — દેશલપર

૨૮

પ્રેમજી હરજી સાંખલા.

૬૨

 મનજી વસ્તા નાકરાણી

૨૯

કરમશી લધા સાંખલા

૬૩

કચરા કરશન— વીરાણી

૩૦

વેલજી ગોપાલ સાંખલા.

૬૪

 મેઘજી કાનજી

૩૧

 શીવજી પચાણ સાંખલા.

૬૫

 કરશન માના ખેતાણી — વીરાણી.

૩૨

અરજણ નારાણ ધોળુ

૬૬

 રતના લધા નાકરાણી

૩૩

 માધા શીવજી — દેશલપર

૬૭

 મેઘજી પરબત છાભૈયા

૩૪

રતના વીરજી — દેશલપર

૬૮

 જેઠા નથુ — દેવીસર

 

ઉપર પ્રમાણેના મેમ્બરોની એક સબજેક્ટ કમીટી નિમાયા બાદ પાછું બેઠકના કાર્યની પૂર્ણાહુતિમાં મે. પ્રમુખ સાહેબ તરફથી ભાઈ શીવજી કાનજી પારસીયાએ જણાવ્યું કે પ્રમુખ સાહેબે આપને શરૂઆતમાં આપણા કામ ધંધાને અડચણ ન થાય તે પ્રકારે સભાની બેઠક સાંજના વખતે આવતી કાલે રાખવાની ભલામણ કરી છે તે આપને ફરીથી હું કહી સંભળાવું છું, પરંતુ આપણે નીમેલી કમીટી આવતીકાલે દિવસના વખતે બેસશે અને આપણી જ્ઞાતિ સ્થિતિનો વિચાર કરી જે જે બાબતો સુધારણા વધારવા જેવી હશે તેના ઠરાવો ઘડી પાસ કરાવવા માટે આ સભામાં રજુ કરશે. આ કામ દિવસના વખતે થવાનું હોવાથી કમીટીના સભ્યોએ તેમાં હાજરી આપવી પડશે પરંતુ તે સિવાયના દરેક ભાઈઓ જેઓને સબજેક્ટ કમીટીમાં ભાગ લેવાની ઈચ્છા ન હોય તેમણે પોતાના કામ ઉપર જવું. આ પ્રમાણે થવાથી આપણે સભાના કાર્યનો લાભ લેવા સાથે આપણે આપણો કામ ધંધો પણ કરી શકીશું, બંધુઓ ! આપણે હવે આપણા પતિત પાવની ગંગા સ્વરૂપ જ્ઞાતિની સ્તુતિ કરી આજની સભાનું કાર્ય પુરૂ કરીશું.

ઉપર પ્રમાણે સુચના થઈ રહ્યા બાદ જ્ઞાતિના બે બાળકોએ નીચે જણાવેલી કવિતા ગાયા બાદ શ્રી ઉમિયાદેવીનો જય બોલી સભા બરખાસ્ત થઈ હતી.

સ્તુતિ

જય પરમ પુનિત જ્ઞાતિ મારી.

 

નમુ ચર્ણ કમળ તુજ  શીર ધારી.

ટેક.

નીજ સુખની ના પરવા કરતી,

 

નિર્દોષ પ્રયોગ આચરતી,

 

સત્ય સંપત્તિ ભારતમાં ભરતી.

જય.

હતી પાવન પુર્વની એ કરણી,

 

ખટ શાસ્ત્રે જે નીજ સુખ વરણી

 

થઈ અધર્મ કુચાલે આ કરણી.

જય.

તુજ દર્શ કરી તન મન વારૂ,

 

હીત ચીત્ત રહે નીશ દીન તારૂં,

 

વર અમર એ દ્યો હરી ઉચ્ચારૂ.

જય.

 

 

બીજો દિવસ

તા.૯—૮—૧૯૨૦ સોમવાર

આજે બપોરના બાર વાગ્યા પછી સબજેક્ટ કમીટીની બેઠક મળી હતી જેમાં ઠરાવો ઘડવાનું કાર્ય પૂર્ણ ઉત્સાહથી ચાલ્યુ હતું, કમીટીના મેમ્બરો ઉપરાંત લગભગ ૧૫૦ ભાઈઓએ ઠરાવો ઘડતી વખતે પોતાનો અભિપ્રાય દર્શાવી પ્રસંગોપાત કમીટીના કાર્યમાં ઘણી મદદ કરી હતી અને પૂર્ણ ઉત્સાહથી જ્ઞાતિ હિતના કાર્યમાં ભાગ લીધો હતો. સાંજના આઠ વાગે ચાલુ સભાની બીજી બેઠક મળી હતી. મે. પ્રમુખ સાહેબના આગમનને સઘળા ભાઈઓએ તાળીઓના અવાજ સાથે વધાવી, શ્રી ઉમીયા માતાજીની જય બોલાવી હતી. મેમ્બરો ઉપરાંત પ્રેક્ષકવર્ગની હાજરી આજે ગઈ કાલ કરતાં વિશેષ હતી અને જ્ઞાતિ ઉન્નતિના કાર્યમાં સામેલ થઈ આગળ પડતો ભાગ લેવા ઘણા સમજુ બંધુઓએ તત્પરતા દર્શાવી હતી. શરૂઆતમાં જ્ઞાતિ સંતાનોએ શ્રી ઉમિયાદેવીની સ્તુતી ગાઈ મંગળાચરણ કર્યું હતું.

મંગળા ચરણ

(કલ્યાણની સાખી)

સુખદાતા સતિ પાર્વતી, દુઃશહ દુઃખ હરનાર,

 

સુખ સંપતી દો ભગવતી, વરદાઈ છો ઉદાર;

 

સેવક જન રંજન સદા, સુખ દુઃખના આધાર,

 

અમર સમરતા  સહાય હો, નમું હું વારંવાર

 

      (અનંત એકજ છે અવિનાશી — એ રાગ)

 

સફળ કૃતિ કર માતુ હે મ્હારી,

 

સુમતિ પ્રેરક સદાયે દયાળી;                

સફળ

જ્ઞાતિ હિત ચિત્ત સ્થીર કરી સ્થાપો

 

ઈચ્છુ ભવાની કૃપા એ ત્હારી              

સફળ

અધમ ઉદ્ધારક જ્ઞાતિ કે ગંગા,

 

ઉભય શિવા નહિ અન્ય હિતકારી;

સફળ

દ્રઢીભૂત છે એ મંત્રજ મ્હારો,

 

સાધક તેનો અમર સુખાળી.

સફળ

          ઉપર મુજબનું મંગળાચરણ થઈ રહ્યા બાદ મે. પ્રમુખ સાહેબે નીચે પ્રમાણેનો ઠરાવ સભાની મંજુરી માટે રજુ કર્યો હતો જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

 

 

ઠરાવ ૧ લો.                                            (પ્રમુખ સ્થાનેથી.)

          “અમો કરાંચીમાં વસતા કચ્છની કણબી જ્ઞાતિની પ્રજા, અખંડ પ્રૌઢ પ્રતાપ મહારાજાધિરાજ મિરઝા મહારાવશ્રી ૭ સર ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ.”ના રાજ્યમાં રહી નિર્ભય પણે સુખી શાંતી અને આબાદીથી સુખ ભોગવીએ છીએ તેના માટે અમો મહારાવશ્રી તથા તેમના સહકુટુંબ પરિવારનું દીર્ઘાયુષ્ય ઈચ્છીએ છીએ.

          ઉપર જણાવેલો ઠરાવ તાળીઓના અવાજથી દરેક જણ તરફથી વધાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નીચેનો ઠરાવ ભાઈ રતનશી કરસન છાભૈયા ગામ ગઢશીસા વાળાએ રજુ કર્યો હતો.

ઠરાવ ર જો.

          “બાળલગ્નના અધર્મયુક્ત અને હાનીકારક રિવાજને સત્વરે નાબુદ કરવા આ સભા દરેક જ્ઞાતિ બંધુને આગ્રહપૂર્વક ભલામણ કરે છે, અને શાસ્ત્રોક્ત રીતે યોગ્ય ઉંમરે આવેલા ફરજંદોને પરણાવવાનો ઠરાવ આ સભા કરે છે.”

          ઉપરનો ઠરાવ રજુ કરતાં ભાઈ રતનશીભાઈએ જણાવ્યું કે—

પ્રમુખ સાહેબ, જ્ઞાતી ભાઈઓ અને બહેનો,

          મેં આપની સમક્ષ બાળલગ્નનો ઠરાવ રજુ કર્યો છે. બાળલગ્ન કેટલા નુકશાનકારક છે તે હું આપને જણાવીશ. બારે વર્ષે લગ્ન આવે તેવી સ્વાભાવિક રીતે વિશેષ આનંદ થાય તેમાં બૈરાં વર્ગમાં તો આનંદની આવવી. બાર વર્ષ જેટલો મોટો ગાળો આપણને મળે છે તો પણ આપણે સગપણ સાંતરાંમાં ભારે ઉતાવળ કરીએ છીએ. મહીના બેે મહીનાનું છોકરૂં થયું હોય ત્યાં તો તેનું સગપણ આપણે કરી નાંખીએ છીએ. તેમાં કન્યા મોટી છે કે નહીં તે પણ આપણે જોતા નથી. ઘણે ભાગે સગપણ પાંટીઆ પણ કરી આવે છે. આવા નાના—નાના છોકરાનાં સગપણ કરી જે દુઃખ ઉભુ કરીએ છીએ તેની આપણને સમજણ નથી પરંતુ ખ્યાલ પોંચાડીને ધ્યાન દો તો તમને જરૂર જણાયા સિવાય રહે નહિ. એક ગરીબ પણ ખાનદાન કુટુંબની કર્મ કથા હું કહું છું તે સાંભળશો અને લગ્નનો લ્હાવો લેતા કેટલું દુઃખ ભોગવવું પડ્યું છે તેનો વિચાર કરજો.

          “વિવાહ નજીક આવતા ગયા તેમ તેમ એક કુટુંબમાં ચિંતા પેઠી. રાત્રે વાળુ પાણી કરી એ બે માણસો વિચાર કરવા લાગ્યા તેમાં પટલાણી બોલ્યાં કે આપણે કેમ કરશું ? પાંચ છોકરાં તેમાં બે છોકરા ત્રણ દીકરીઓ ને બે જાન જોડીને જુદે જુદે ગામે પેણાવા જવું. તેમ ત્રણ માંડવા ઘરે દીકરીઉના તેને પરણાવવી. હું તે દીકરાને પરણાવા જાઉં કે ઘરે છોડીઉને પેણાવા રહું ? નાની દીકરી બે મહિનાની હતી એક છોકરો બે વર્ષનો હતો તે પણ હજુ કયારેક કયારેક ધાવતો હતો અને મુંઝવણમાં પટેલે કહ્યું કે આપણા ભાઈઓમાં પણ સૌને ઘરે વિવાહ છે વરસોંદીઆને ઘરે પણ વિવાહ છે માટે ફલાણા આપણા ગામના અતિત છે તેમને ઘરે પણ નાનું બાળક ધાવણું છે માટે એને કહેશું તો જાનમાં બેય—માણસ આવશે એટલે હરકત નહીં આવે અને તું ઘરે એટલે દીકરીઉના વિવાહ પતાવજે. આમ વિચાર કર્યો અને તે જ વિચાર પ્રમાણે વિવાહ કરેલા ખરા પરંતુ વિવાહ પત્યાબાદ પટેલના નસીબે કઠણાઈ હતી તેથી મોટા દીકરાની વહુ વિવાહમાં પણ માંદી હતી, તે લગ્ન થયા બાદ પંદર દહાડે ગુજરી ગઈ. આ પ્રમાણે બંને દીકરા પાછળ હોંસથી લગ્ન કર્યા તે નકામાં ગયા અને વહુને જે દાગીના ચડાવ્યા હતા તે ઘરે પાછા આવ્યા અને તે દાગીના વેપારીને દીધા લગ્નના ખર્ચમાં. તેમજ લગ્ન કરતી વખતે પટેલ પોતાની વાડીનો છાછટીઓ જળપાવ્યો હતો અને તે ઉભેલા મોલ માથે કોરીઉ લીધી હતી. ભાગ્યજોગે પાળો સારો આવ્યો નહીં અને વેપારીને પૈસા ભરાણા નહીં તેથી વેપારીનો તગાદો કરવાથી પટેલને મુંઝવણ થઈ. બેય માણસે વિચાર કરીને પોતાના છોકરાની વહુના ટોલ તેમજ ઘરમાં ત્રણ દીકરીઉં હતી તેના ટોલ સીવાના હતા તો પણ વેપારીને ત્યાં ગીરવી મુકી વિવાહમાં ઉપાડેલ કોરીઉ ભરીઉં અને આફત માથેથી ઉતારી વિવાહનો લાવો લેતા આ પટેલ તેમજ પટલાણીને ભારે દુઃખ ભોગવવું પડ્યુ. હજી પણ એ દુઃખનો છેડો આવ્યો નોતો. લગ્ન વિત્યાને હજુ છ મહીના નોતા થયા તેમાં મોટી દીકરી ઓરીમાં ગુજરી ગઈ. વેવાઈ તરફથી મોં ઢંકાવાને આ પટેલને ઘરે વેવાણ આવ્યા. રોઈ રહ્યા પછી પોતાના ઘેર જતાં દીકરીની સાસુ બોલ્યાં કે વેવાણ ! ઘણીએ હોંસે વિવાહ કર્યા અને લાવા લીધા. પણ અમારા નસીબમાં વહુનું સુખ નહીં લખ્યું હોય જેથી બિચારી નાની નખ જેવડી બીમારીમાં ગુજરી ગઈ. અમારૂં સગપણ તો આજથી તુટી ગયું. બાવે ઉમેદુ પુરીઉં પાડીઉ નહી, માટે અમારા ટોલ જો હમણાં દો તો લઈ જઈએ પછી ફેરો ન પડે. આ વખતે પેલી પટલાણીને તો આભ તુટવા જેવું થયું. તે જાણતી હતી કે દાગીના વેપારીને ત્યાં છે. વેવાણને શું જવાબ આપવો ? આમ વિચાર કરતાં બાઈને સુઝી આવ્યું કે અમે ટાલ બધાએ અમારા શેઠને ઘરે રાખ્યા છે, તે શેઠ બહાર ગામ ગયા છે. તે આવશે એટલે લઈને તમને પહોંચાડી દેશું. આમ કરીને આ દુઃખ પણ પતાવ્યું. દીકરી મરી જવાના બે દિવસ થતા હતા. ત્રીજે દહાડે કુવાડું તો નહીં પણ ત્રઈઉં કરવું જોઈએ. છ વર્ષની છોકરી પછવાડે ત્રઈયુ કરવું આ તે કયાંનો ન્યાય ! પણ આપણામાં થતું આવ્યું છે એટલે કરવું જોઈએ. ઘરમાં તપાસ કરી તો કોયડ એક સઈ માંડમાંડી નીકળી. હજુ બે સઇ કોયડ જરૂર ખપે. તેની તપાસ કરવાને પટેલ ગામમાં ફર્યા પણ આપણા ભાઈઓના ઘણાઓના ઘરમાં કોયડો હતી, પણ ગરીબાઈ આવે છે ત્યારે ચારેકોરથી આવે છે તેમ આ ભાઈ ને ખડુ હોવા છતાં પણ કોઈએ કોયડ ઉધારી દીધી નહીં, તેથી પાડોશમાં એક વાણીયા ગૃહસ્થ રહેતા હતા ત્યાં પટલાણી રાત્રે ગયા અને શેઠાણી વૃદ્ધ હતા તેને કહ્યું કે ડોસીમાં અમને કોયડ બે સઈ જરૂર ખપે છે માટે દયો કારણ કે આવતી કાલે છોકરી વાસે ત્રઈઉ કરવું છે. ડોસીમાં કણબીના રીત રીવાજથી વાકેફ હતાં તો પણ એટલું તો કહ્યું કે પાંચ—છ વર્ષનાં છોકરાંનો તમારી નાતમાં દાડો કરો છો તે સારૂં નહિં અમારી નાતમાં કોઈ જમવા જાય જ નહિ. ત્યારે પટલાણીએ કહ્યું કે અમે ન કરીએ તો અમારી લાજ જાય. ભાઈઓ તો સુખે બેસવા પણ ન દે ! આટલી વાતચીત કરી ડોસી બોલ્યાં કે કોઠારમાં છે કોયડ, ઘરમાં કોઈ માણસ નથી ત્યારે પટલાણી પોતાના ધણીને રાતોરાત તેડીને કોયડ લઈ આવ્યા અને બીજે દહાડે ત્રઇયું કર્યું અને જતી લાજ રાખી. પણ છેવટે એક વાતની પાકી અડચણ પડી. રાત્રે કોયડ લાવ્યા અને તલાટીને ન કહેવાથી દાણ ચોરીનું પટેલ માથે તહોમત આવ્યું તે પણ માંડમાંડ કાલાવાલા કરીને પતાવ્યું. જોઈ લ્યો ભાઈઓ, આ  બાળલગ્નની મોકાણ. આવું નહી તો આથી થોડું પણ દુઃખ તો આપણને થાય છે. છતાં પણ પુંછડું ઝાલ્યું તે આપણે મુકીએ નહિ. બારે વર્ષે વિવાહ આવે અને સગપણની ઉતાવળે જોયા કર્યા સીવાય પાટીઆ પણ સગપણ કરી આવે તેનું તો આવું જ પરિણામ આવે. જો આપણે જોઈ વિચારી છોકરાં મોટાં થાય ત્યારે સગપણ સાંતરાં કરતા હોઈએ તો આવાં દુઃખ ભોગવવા ન પડે માટે જેમ બને તેમ બાળલગ્ન તો સદંતર બંધ કરવાની હું સભાજનોને વિનંતી કરૂ છું. (તાળીઓ)

          ઉપરના ઠરાવને ટેકો આપતાં ભાઈ ખેતા ડોસા પોકાર ગામ નખત્રાણા વાળાએ જણાવ્યું કે—

મે. પ્રમુખ સાહેબ, જ્ઞાતિ બંધુઓ, સદ્‌ગૃહસ્થો અને બહેનો,

          બાળલગ્નના ઠરાવ ઉપર મારાથી આગળના બોલનાર ભાઈ રતનશી કરશન ઘણું બોલી ગયા છે અને આપણે સમજી શકીએ તેવી રીતે અસર થાય તેવું આપણને સમજાવ્યું છે. છતાં પણ બે બોલ આપણને કહેવા ઉભો થયો છું તે સાંભળવા કૃપા કરશો. બાળલગ્ન અને તેથી થતા ખર્ચાઓનું વર્ણન તો ઘણું થઈ ગયું છે. લગ્ન એ  શું વસ્તુ છે, તેનો શો હેતુ છે અને તેનું કેવુ ફળ હોવું જોઈએ એ જાણવાની ખાસ જરૂર છે. લગ્નનો વિચાર કરવામાં કેટલાંક પ્રમાણો ઉપર આધાર રાખવાને આપણે બંધાયા છીએ. હું મારા પોતાના જ વિચાર પ્રમાણે નહીં પણ શાસ્ત્રો અને વિદ્વાનોના અભિપ્રાયને લઈને બોલીશ. લગ્ન, લૌકીક કે વહેવારી હોવા કરતા કુદરતી હોવા જોઈએ, લોક વહેવાર અજ્ઞાનતામાંથી જન્મ પામેલ રૂઢીમાંથી ઉત્પન્ન થયો છે. માટે આ વિષયમાં લૌકીક અથવા રૂઢીને તજી દઈને શાસ્ત્ર, નીતિ, બુદ્ધિ અને યુક્તિથી જે વાત પ્રમાણ થાય તેનો સ્વીકાર કરવો જોઈએ. ધર્મ, શાસ્ત્રો તથા વેદમાં તેમજ શ્રુતી સ્મૃતિમાં અને ત્યાર પછી રામાયણ અને મહાભારતમાં લગ્નનો કયો સમય અને કેટલી વયે લગ્ન કરવા કહ્યું છે, તેટલું જ નહીં પણ વૈદિક વિદ્યા અને શ્રૃષ્ટાક્રમ નજરે જોતાં લગ્ન કરવાની યોગ્ય ઉમર શું હોવી જોઈએ ? મારા પોતાના અનુભવ પ્રમાણે દીકરીની ઉંમર ૧૫ વર્ષની અને દીકરાની ઉંમર કમમાં કમ વીશ વર્ષની હોય તો જ તે સાધારણ ઠીક કહેવાય. આપણી નાતમાં જે લગ્ન થાય છે તે લગ્ન કહેવાય નહીં, એ તો એક ફારસ ભજવાય છે. બીજી અન્ય જ્ઞાતિઓ આપણી કેવી મશ્કરી કરે છે એ તો તમો સૌના ધ્યાનમાં છે. આખી પૃથ્વી પર વસ્તી દરેક જ્ઞાતિ એક જ પધ્ધતિસર લગ્ન કરે છે. પુત્ર અને પુત્રીઓ યુવાન વયમાં આવે ત્યારે એક બીજાની અન્યોન્ય પરીક્ષા કરી સંબંધમાં જોડાય છે. આપણા હિન્દુસ્તાન દેશમાંની આપણી જ્ઞાતિ સિવાય સઘળી જ્ઞાતિઓ ધર્મ શાસ્ત્રો અને વેદોના ફરમાન પ્રમાણે વિધિસહ વર કન્યા સમજુ થાય અને ઉંમરે આવે ત્યારે જ લગ્ન કરે છે.પરંતુ આપણે તો આખી દુનિયાથી જુદી જ રીતે લગ્ન કરીએ છીએ. મહીના મહીના દહાડાના બાળકોને પરણાવી દઈએ છીએ તેમાં જોડા કજોડાનો સવાલ જ રહેતો નથી ત્યારે એક મહાન પ્રશ્ન ઉભો થાય છે કે આપણે શું આખી દુનિયાથી ડાહ્યા અને બીજી જ્ઞાતિ શું મુર્ખ હશે ? ભાઈઓ, દુનિયાના લોકો અજ્ઞાન નથી, તેઓ તો આપણા શાસ્ત્રકારો જે પુજનીય હતા તેમના વચનોને પાળીને ચાલે છે ત્યારે આપણે તે શાસ્ત્રોના વચનોનો ભંગ કરીએ છીએ તે વાસ્તે મુર્ખ છીએ. શું આ વાત આપણે સમજતા નથી ? સમજીએ છીએ પણ આપણા આગેવાનોના બંધનથી આપણે કાંઈ કરી શકતા નથી. આવા બાળલગ્નોથી ઘણીએ નુકસાની છે અને ડૉકરટો કહે છે કે બાળકોમાં ઓરી, અછબડા, માતા ઈત્યાદી રોગોથી સેંકડે ૫૦ ટકા મરણ થાય છે અને તેથી કરેલા લગ્નનાં ખર્ચા નકામાં જાય છે. વીના વાંકે બાળલગ્ન કરી આપણા દીકરાને અથવા દીકરીને રંડાપો આવે છે એના પાપ ભાગી પણ આપણે જ છીએ. ભાઈઓ, આવા ઢીંગલા ઢીંગલીના લગ્નો આપણે ન કરીએ અને યોગ્ય ઉંમરે જો લગ્ન કરીએ તો વહુના કે જમાઈના ગુણદોષની પરીક્ષા કરી મોટી ઉંમરે સગપણ કરીએ તો આપણને છૂટકા કરવાનો પ્રસંગ ન આવે. આપણામાંના પાંટીઆ સગપણ કરી આવે અને આપણે કંઈ તપાસીએ નહીં તેના પરીણામે અંતે ગઢેરાઓના શરણમાં જવું પડે છે અને છૂટકા કરાવવા પડે છે. તે ન થાય માટે મારી સર્વે ભાઈઓને વિનંતી છે કે યોગ્ય ઉંમરે લાયકાત પ્રમાણે છોકરા છોકરીના લગ્ન કરવાથી આપણને ઘણા ફાયદા છે અને મોટી ઉંમરે ગમે તે વખતે લગ્ન કરવાથી ખર્ચમાં પણ ઘણો ફાયદો થાય છે માટે આ બાળલગ્નને તો હંમેશ ને માટે નાબુદ કરવા સભાને હું વિનંતી કરૂ છું આટલું બોલી મારૂ બોલવું બંધ કરૂ છું.

બાળલગ્નના ઠરાવને અનુમોદન આપતા ભાઈ સવદાસ કાનજી સોમજીઆણી ગામ વીરાણીવાળાએ        જણાવ્યું કે—

મે. પ્રમુખ સાહેબ, જ્ઞાતિ બંધુઓ, માતાઓ અને બહેનો,

બાળલગ્ન ન કરવા સંબંધે મારા કરતાં આગળના બોલનાર ઘણા જ અનુભવી અને વિચારવાળા ભાઈઓ ઘણું બોલી ગયા છે તેમજ હું પોતે હજુ બાળક છું. તેથી બાળલગ્ન સંબંધે મારા વિચારો વ્યાજબી કહેવાય કે કેમ તેના માટે શંકા છે. તો પણ બાળલગ્નના માટે મને જે અનુભવ થયો છે તે જ હું આપને કહી બતાવવા ઈચ્છું છું. ઓણ સાલ વૈશાખ સુદ ૩ {VSK: 21-Apr-1920} ના લગ્ન આપણી જ્ઞાતિમાં ઉગમણા પાંચાડામાં થયાં હતાં ત્યાં હું વિવાહ પ્રસંગે ગયો હતો, ત્યાં એક કન્યાને પરણાવવાની વિધી થઈ રહી, ત્યારે ખબર પડી કે આ વરરાજા આપણો નહીં ! આતો બીજો પરણી ગયો ! મંગવાણાની જાનને બદલે કરબોઈની જાનવાળો ગોટ પેણી ગયો ! ત્યારે આગેવાનોએ વિચાર કરીને ખરા વરરાજાના ફરી લગ્ન એ બાઈ સાથે કરાવ્યાં અને જે ભુલ થઈ તેના માટે આગેવાનોએ કહ્યું કે એ બાઈને બે ગોટ લખ્યા હશે ! ભાઈઓ, કેટલી શરમની વાત છે કે આપણામાં બારે વર્ષે લગ્ન થાય તોય નીરાંત નહીં ! વેવાઈ વેવાણને પણ આપણે ઓળખીએ નહીં ! આપણામાં સગપણ વરકન્યા જોઈને થતાં નથી જેથી આવી મુસીબતો કોક વખત ઉભી થાય છે અને પછી દોષ દઈએ કન્યાના ભાગ્યનો. એને બે વર લખ્યા હશે ! આમ કેતાં પણ આપણે શરમાતા નથી. તેમજ છોકરા માંદા હોય કે સાજા હોય ગમે તે હાલતમાં હોય તોય લગ્ન આવ્યાં તે કરી જ નાખવાં, આવી જે રૂઢી તેમાં પાયમાલ થવા સીવાય બીજું શું હોય ! ઘણી વખતે એવું પણ બને છે કે આનંદમાં ને આનંદમાં ખર્ચ કરી દીકરાને પરણાવવા જાન જોડીએ છીએ ત્યાં બે કે ત્રણ મહીનાનું બાળક માંદુ પડતાં વખત લાગતો નથી. વિવાહમાં ભારે ખોરાક ખાવાથી છોકરાને માંદુ પડતાં વખત નથી લાગતો અને વખતે વિવાહમાંજ રામશરણ થાય છે અને જાન જોડીને હોંશે પેણાવા ગયા હતા તેના બદલે વરરાજા વીનાની ઠાલી જાન પાછી ઘરે આવે છે. આવા દુઃખ દેખીએ છીએ પણ તેનો આપણે વિચાર કરતા નથી અને વિચાર કરીએ તોય  આપણું કાંઇ ચાલે નહીં.ગેઢેરા લોકો ઘણી જબરજસ્તીથી લગ્ન કરાવવા ફરજ પાડે ત્યાં આપણું શું ગજાું ! ભાઈઓ હું કહું છું કે આપણાં છોકરાં પેણાવવા કે નહીં તે આપણી મરજી પ્રમાણે થવું જોઈએ, એમાં નાતના આગેવાનોનું કંઈ પણ કામ નથી. માટે હવે તો વિચાર કરીને બાળલગ્નને બાળો અને યોગ્ય ઉંમરે દીકરા દીકરીના લગ્ન કરો તો સારૂ. તો જ આપડો ઘર સંસાર સુખી થશે. માટે બાળલગ્ન બંધ કરવા સૌ ભાઈઓને હું વિનંતી કરૂ છું.

          ત્યારબાદ ઠરાવને ટેકો આપતાં ભાઈ ભાણજી ડાહ્યા રૂડાણી—ગામ નખત્રાણાવાળાએ ગાયેલી કવિતા.

 

(લાવણીની ચાલમાં.)

અધર્મ કુધારા આવી ન્યાતમાં, સાચો ધર્મ દબાવે છે;

 

ખરા ધર્મનું ભાન ભુલાવી, ચકડોળે તે ચડાવે છે.

ધર્મ સનાતન લ્યોને જાણી, વેદ કહી જે બતાવે છે;

 

સ્વારથીઆ નીજ સ્વાર્થ માટે, ધર્મ અધર્મ બતાવે છે.

બાળલગ્નનું કહાડી લાકડું, લગ્ન સાચાં કરાવોને,

 

જોઈ છોકરો કુળનો દિપક, ઉંમર યોગે વરાવોને.

બાળલગ્ન બહુ વધ્યા જ્ઞાતિમાં, તેથી શું દુઃખ થાયે છે;

 

બંધુ મારા જુઓ વિચારી, તમ નજરે એ દેખાયે છે.

પાંચ વરસની કન્યા હોયને, એેક વરસનો વર એનો;

 

માત પિતા કૂળની આશાથી, સંસાર બગાડે છે તેનો.

વર કે ઘરને વિચારીને કુળ એક જ જુએ મોટુ;

 

તેથી શું ભલુ થાય કન્યાનું, વર વિનાનું સહુ ખોટુ.

દુઃખણી થાયે જે ઘર કન્યા, શ્રાપ પિતાને આપે છે;

 

મતી હીણના ધમ બગાડી, સ્વર્ગનો રસ્તો કાપે છે,

કહો ભાઈ એ માત પિતાનું, ભલુ શી રીતે થાય છે;

 

શીવજી અને આ સેવક કહે છે, નિશ્ચે નકે જાય છે.

 

          ઉપરનો ઠરાવ ચર્ચાઈ ગયા બાદ મે. પ્રમુખ સાહેબે સઘળા ભાઈઓને પોતાનો મત આપવા જણાવ્યું હતું અને સઘળાઓએ તેની તરફેણમાં મત આપવાથી સર્વાનુમતે પસાર થયેલો જાહેર કરવામાં આવ્યો હતો.

          ત્યાર બાદ મરણ પાછળનાં જમણો બંધ કરાવાને લગતો ઠરાવ ભાઈ નાયાભાઈ શીવજી ગામ વીરાણીવાળાએ નીચે પ્રમાણે રજુ કર્યો હતો.

ઠરાવ ૩ જો.

          મરણ પાછળનાં જમણો શાસ્ત્રવિરુદ્ધ, અયુક્ત, ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનાર હોવાથી તેને સદંતર નાબુદ કરવા આ પરિષદ દરેક જ્ઞાતિ બંધુને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.”

          મહેરબાન પ્રમુખ સાહેબ,, પ્રિય જ્ઞાતિ બંધુઓ, અન્ય ગૃહસ્થો અને બહેનો,

          મરણ પાછળનાં જમણો કરવાથી આપણી જ્ઞાતિની જે અધમ દશા થઈ છે એમાં તો કોઈ પણ ના કહી શકે તેમ નથી. આપણી જ્ઞાતિની પૈસા સંબંધી સ્થિતિની જે કફોડી દશા છે તે મુખ્ય કરીને મેં જે ઠરાવ તમારી સમક્ષ રજુ કર્યો છે તેથી જ છે. મરણ પાછળના જમણવારોથી આપણને કેવુ દુઃખ ભોગવવું પડે છે તે બાબત મે. પ્રમુખ સાહેબના ભાષણમાં ઘણું કહેવાય ગયું છે તેથી હું વિશેષ બોલી શકું તેમ નથી. હું મારા ભાષણની તમને અસર કરાવી શકીશ કે કેમ તેના માટે મને શંકા છે. હું આપને શરૂઆતમાં કહીશ કે મરણ પાછળનાં અયોગ્ય અને વધુ પડતાં ખર્ચો કરાવાથી કેવી પાયમાલી થાય છે. તેનું એક સચોટ અને સત્ય હકીકતવાળું આખ્યાન નામે “માધાના પીતાનું પ્રેત ભોજન” રા.રા.દેશાઈ અમરસિંહજી દેશાઈભાઈ ગામ વીરમગાવાળાનું બનાવેલું છે તે જે ભાઈઓએ વાંચ્યું અથવા સાંભળ્યું હશે તેને તો પાકો અનુભવ હશે. પરંતુ જેમણે તે ન વાંચ્યુ હોય તેવા ભાઈઓ અને બહેનોને હું આગ્રહપૂર્વક વિનંતી કરૂં છું કે એ આખ્યાન જરૂર વાચંવુ તેમજ સાંભળવું કે જેથી આ ઠરાવના વિરૂદ્ધમાં બોલવા જેવું કંઈ રહેતું જ નથી એમ જણાશે. કોઈ પણ માણસનું મૃત્યુ થવું એ મહાન સોગનો પ્રસંગ છે અને તેની પાછળ જે જમણવારો (દાડો) કરવામાં આવે છે તે બીલકુલ અશાસ્ત્રોક્ત છે. મરણ પાછળનાં જમણોમાં ધર્મનો એક પણ સિદ્ધાંત લાગે પડે છે એવું જો કોઈપણ બંધુ શાસ્ત્રોક્ત રીતે સિદ્ધ કરી બતાવશે તો હું તેમનો અત્યંત આભારી થઈશ. મારા સાંભળવા પ્રમાણે મરી જનારની ક્રીયા ગરૂડ પુરાણમાં લખી છે. તેમાં તો દશમું એકાદશ અને બારમાનુ શ્રાદ્ધ ઈત્યાદી કર્મો ઉત્તમ બ્રાહ્મણોના હાથે કરાવવા કહેલું છે. તે સિવાય જ્ઞાતિ ભોજન કરવાનું મેં ક્યાંય સાંભળ્યું નથી, પ્રસંગ જ આપણને કહી આપે છે કે કોઈ ભર જુવાન ભાઈનું મૃત્યુ થયું હોય તેના માટે તેનું કુટુંબ અને સગા—સ્નેહી વર્ગ શોક સાગરમાં ડૂબ્યાં હોય, એવા ભાઈના કારજમાં આપણે જ્ઞાતિ રીવાજ પ્રમાણે સારા કપડા પહેરી જમવા બેસવું એ શું કોઈ આનંદનો પ્રસંગ છે ? કાણીઆઓ રોતાં રોતાં આવે અને જમવા બેસે છે તે શું તમને વ્યાજબી લાગે છે ? મરનારના કુટુંબના બૈરાઓ છાતી ફાટ રૂદન કરતાં હોય તેવા પ્રસંગે પણ આપણે પથ્થર જેવું હૃદય કરીને જમીએ છીએ અને રો—કક્ળની લેશ પણ અસર આપણને થતી નથી, એ માત્ર આપણામાં અમાનુષીપણું છે. તેથી જ આવા દિલગીરીના દેખાવમાં જમણમાં ભાગ લેવો એ એક મનુષ્ય જાતને કદાપી શોભે નહી તેવું છે. છતાં પણ આપણે તેમાં ભાગ લઈએ છીએ અને જમીએ છીએ એ ઓછી દીલગીરીની વાત નથી. અમારા મુંબઈના મંડળના ઘણા ભાઈઓએ આવાં જમણો ન કરવા તેમજ એવા પ્રેત ભોજનમાં ન જમવા જવાની પ્રતિજ્ઞાઓ લીધી છે અને તે પાળે છે. દેશમાં તો ઘણે ઠેકાણે એવુ પણ બને છે કે મટી જનાર પછવાડે દાડો કરવાની પોચ હોય કે ન હોય તો પણ પીત્રાઈ ભાઈઓ તેમજ ગામના આગેવાનો જબરીથી કરજ કરાવીને પણ કારજ કરાવે છે. આપણામાં ગરીબી અને કંગાલીયતપણું જો આવ્યું હોય તો હું ખાત્રીથી કહું છું કે મરણ પાછળનાં કારજ કરવાથી જ આવ્યું છે. ઘણા ભાઈઓ પોતાના વડીલો પાછળ ખર્ચ કરવાથી આબરૂ વધશે એ લાલચે ખર્ચ કરી આબરૂ ખોવાના પણ ઘણા પ્રસંગ બનેલા મેં મારી નજરે જોયા છે. ગરાષચાસ ને ખેતર વાડી તો બાપાએ મોટા બાપાના કારજમાં ગીરવી મુક્યાં હતાં અને આપણને માને બાપાનો દાડો કરવામાં રહેવાની ભેણીઉં પણ વેચાયાના સેંકડે પચાસ ટકા દાખલા મળે તેમ છે. મારા ધારવા પ્રમાણે આ સભામાં બેઠેલા ભાઈઓને આ કડવો અનુભવ થોડો જાજો પણ દરેકને મળ્યો જ હશે, કચ્છમાં કાપડ ધંધો મૂકીને આપણે કરાંચી અને કલકત્તે લાકડાં વેરવાને આવીએ છીએ તે કાંઈ રાજી ખુશીથી નથી આવ્યા જ્યારે આપણી ખેતીવાડી વેચાઈ ગઈ અને નવરા ધોયલ મુળા જેવા થઈ ગયા અને કોઈ કોઢયું દે નહીં ત્યારે આવ્યા છીએ. વિશેષમાં છેવટે હું કહું છું કે ચાર છ મહીનાનું બાળક મરી જાય છે તેની પાછળ કુવાંડાં કરવા પડે છે તેમાં ઘણા વૃદ્ધો કુંવાડાનો ખીચડો ખાવા જાય છે. એ વૃદ્ધો તેમજ જુવાનો માટે ઘણું જ શરમ ભરેલું છે. એક ટાણું જમવાની લાલચે આપણે આપણો માનુષીધર્મ ત્યજી દઈએ તો આપણને રાક્ષસની જ ઉપમા મળે. માટે ભાઈઓ મરણ પાછળના જમણો કરવાની કંઈ જરૂર નથી તે શાસ્ત્ર સંમત નથી, માત્ર એક ખોટો વેવાર થઈ ગયો છે. ઉવારી હાંતીતી માફક જમી આવ્યા અને જમાડવું તે સીવાય કાંઈ નથી. માટે આવા નઠારા રીવાજને જલ્દીથી તીલાંજલી આપવી જોઈએ કે જેથી આપણા ભાઈઓની ગરીબાઈ જલ્દીથી મટી જાય. આટલું બોલી હું મારૂં બોલવું પુરૂં કરૂં છું.

મરણ પાછળનાં જમણવાળા ઠરાવને ટેકો આપતાં ભાઈ રતનશી કરસન ગામ ગઢશીશાવાળાએ જણાવ્યું કે.

પ્રમુખ સાહેબ, જ્ઞાતિ ભાઈઓ અને બહેનો,

          ભાઈ નાયા શીવજીએ આપની સમક્ષ જે ઠરાવ મુક્યો છે તેને હું ટેકો દેવા ઉભો થયો છું. પ્રમુખ સાહેબના ભાષણમાં આ વિષય સંબંધે ઘણું કેવાણું છે તેમજ ભાઈ નાયા શીવજીએ પણ આપણે સમજીએ તો ઘણું સમજાવ્યું છે. મરણ પાછળના પ્રેત ભોજનથી મને પણ ઘણો જ કડવો અનુભવ મળ્યો છે. મારા પિતાશ્રી પણ રાજપર ગામના પટેલ હતા અને પસાયતું ખાતા હતા તેમણે તેના બાપ દાદાના અને મેં મારા બાપના કારજમાં ગરાસ ચાસ ખેતરો પસાયતું ગુમાવ્યા બાદ હજારો કોરીઉનું કરજ કર્યું હતું જેથી ખેતીવાડી છોડવી પડી હતી અને મજુરની હાલતમાં મુંબઈમાં વીસ વર્ષ સુધી રાત દિવસ કામનો ઢસેડો કરી માંડમાંડ હમણાં હું એ કરજથી મોકળો થયો છું. મને તો એ કડવો અનુભવ પાકો થયો છે જેથી હું તો ભાઈઓ કહું છું કે મા—બાપ પછવાડે ગામ કે પાંચાડો કરવાની લાલચે તમે કોઈ દોરાશો નહીં. તે સીવાય બીજા એક કુટુંબ ઉપર મારી માફક આફત આવી હતી તેની વાત તમને કહું છું તે સાંભળવા કૃપા કરશો. આપણી જ્ઞાતિના એક યુવાન ચાળીસેક વર્ષની ઉંમરના ભાઈનો સ્વર્ગવાસ થયો હતો. તેની પાછળ પાંચ માસણો ખાનારા હતાં. ચાર છોકરાં ને પાંચમી સ્ત્રી, આખા કુટુંબનો આધાર આ ભાઈ ગુજરી ગયો એની ઉપર જ હતો, ઘરના પણ સાધારણ ગરીબ હતા, તો પણ નાત રીવાજ પ્રમાણે મરી જનાર ભાઈનું ખર્ચ તો કરવું જોઈએ, પણ શેમાંથી કરવું તેનો એ બાઈને મોટો વિચાર થઈ પડ્યો હતો. જો ખર્ચ ન કરે તો ગામના માણસો તેમજ બૈરા મેણાં મારે, આવા વિચારે પેલી બાઈને વધુ ગભરામણ થઈ. વાડી  ગરાસ મરનાર ભાઈ ખેડતો હતો પણ એ ગરાસ વેપારીને ત્યાં ગીરવી હતો, વેપારીઓ મરી જનાર ભાઈના માટે શોક બતાવવા તેમજ પાણી લેવાના બાને બાઈના ઘેર આવતા હતા પરંતુ ખરી રીતે તો તેમની હાલત કેવી છે અને કરજ પતસે કે કેમ તેની તપાસ કરવાને આવતા હતા. બાઈનો તો શીરછત્ર ધણી ગુજરી ગયો પણ આફતનો વરસાદ વરસાવી ગયો. વાડીમાં મોલ સુકાય. ચોપાં ગાયો—બળદની સંભાળ પણ પીત્રાઈઓમાંથી ભાગ્યે જ થતી હતી. બાઈ ઘરમાં એકલી હતી, કોઈ મોં ઢાંકાવા આવે ત્યારે પોતાનાં ચારે છોકરાં કુંડાળુ વાળીને મા પાસે બેસે. આવી દયાજનક બાઈની હાલ હતી તેમાં રાત્રે કુટુંબના પીત્રાઈઓ ભેગા થાય અને જેને જેમ ધ્યાનમાં આવે તેમ બોલે, તે પણ બાઈને સાંભળવું પડે. ફલાણા ભાઈ જુવાન વયમાં ગુજરી ગયા તે શું સાથે લઈ ગયા, આખી ઉંમર કામ કરીને ટુટી ગયા છે તેમની પાછળ કારજ તો સારૂં કરવું જોઈએ. તેમાં વળી બીજા એક ભાઈએ ઠાસકી પુરી કે બાયડીનો શું ભરોષો, કાલે લત દઈને જતી રહેશે તેમાં એક ભાઈએ વાત વધારીને કરી કે બાઈનાં માવીત્રો મો ઢાંકાવાને આવ્યાં હતાં તે પરોડે કોઈને મળ્યા વગર વેલાં ઉઠીને ચાલ્યા ગયા છે, કોણ જાણે ઘરમાંથી કાંક આપી દીધું હશે તેની આપણને શું ખબર પડે. ભાઈઓ વિચાર કરો આપણી જ્ઞાતિની બુદ્ધિનું માપ કરો. બાઈના માવીત્રોને ચોર કહેવા અને આ છોકરાની મા ને માથે ડુંગર ઉભો છે તેમાં એ જતી રહેશે વિગેરે વિશેષણો લગાડવાં તે માત્ર ગમે તેમ કરીને પણ દાડો કરાવવા માટે કહે છે. આ પ્રમાણેની દિલગીરીમાં ભાયાતના ભાઈઓ ભાગ લેતા હતા તેમાં ચોથો દહાડો થયો એટલે ગામના વેપારી અને આગેવાનો પણ ઘરે આવતા જતા હતા અને બાઈને સમજાવ્યું કે જુવો ફલાણા ભાઈ ગરીબ હતા પણ આબરૂદાર હતા તેમજ તમારા ઘરની આબરૂ પણ મોટી છે માટે ખર્ચ કર્યા વગર ચાલશે નહીં. ત્યારે બાઈએ કહ્યું કે ઘરમાં તો એક ઢીંગલો પણ નથી. ત્યારે ગામના આગેવાનોએ કહ્યું કે તમારા બે ખેતર છે તે ફલાણા શેઠને લખી આપો તેથી કોરીઉ દેશે અને ખર્ચમાં કોરીઉ ઘટશે તો વાડીનો વધારો ભાડે દેશું. ઘંઉ તો ઘરમાં છે એટલે હરકત નહીં આવે. આ પ્રમાણે આગેવાનોએ રસ્તો કાઢી આપી બે ખેતરના ટુકડા હતા તે પણ વેચાવ્યા અને બધા ભાઈઓએ મળી ખર્ચ બનાવ્યુ અને વાહ વાહ કેવરાવી. પણ પાંચ જણનું ભરણ પોષણ હવે શી રીતે થશે તેનો કોઈએ ખ્યાલ કર્યો નહીં. માથે રહીને ઘર ગધેડે ચડાવ્યું ! નાનાં બચ્ચાઓની પણ કોઈએ ફીકર કરી નહીં કે એ  શી રીતે મોટાં થશે અને શું ખાશે ! ભાઈઓ ઘણું જ શરમાવા જેવું છે. એક ટાણાના વાળુના કોળીઆ માટે એક ભાઈની ઉઠોતરી કરવી એ આપણું અને આપણા આગેવાનોનું પરમ કર્તવ્ય થઈ પડ્યું છે. વેપારીઓ પણ આવા પ્રસંગે એકાદ બે પટેલોને હાથમાં રાખી પોતાનું કામ કાઢી લે છે અને આપણા ભાઈઓના ઘર તડકે થાય છે, માટે મારા ભાઈઓ હવે તો હદ વળી ગઈ છે. હું તો કહું છું કે આવા નકામા ખર્ચા કરવા નહીં અને જે કોઈ કરે ત્યાં જમવા પણ જવું નહીં જેથી એની મેળે બંધ થઈ જશે આટલું બોલી મારૂં બોલવું પુરું કરું છું.

આ ઠરાવને ત્યારબાદ વીરાણીવાળા ભાઈ નારણજી રામજીએ પણ વિશેષ અનુમોદન આપ્યું હતું અને સભા સમક્ષ મે. પ્રમુખ સાહેબે તાળીઓના અવાજ વચ્ચે ઠરાવને પસાર થયેલો જાહેર કર્યો હતો.

 

ઠરાવ ૪ થો. (રજુ કરનાર ભાઈ વિશ્રામ પાંચા ગાંગણી — વીરાણી.)

          “વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તે પ્રાપ્ત કરવા કરાવવા—પોતાના પુત્ર પુત્રીઓને બને ત્યાં સુધી દરેક પ્રકારની ઉત્તમ કેળવણી આપવા આ પરિષદ દરેક જ્ઞાતિ બંધુઓને આગ્રહ પૂર્વક વિનંતી કરે છે.”

કેળવણીનો ઠરાવ રજુ કરતાં ભાઈ વિશ્રામ ભાઈએ કહ્યું કે,

પ્રમુખ સાહેબ, જ્ઞાતિ ભાઈઓ અને બહેનો,

          મેં આપની સમક્ષ કેળવણીનો ઠરાવ રજુ કર્યો છે અને હું સૌ ભાઈઓને કેળવણી લેવાને માટે બોલવાને ઉભો થયો છું, પણ હું પોતે વગર કેળવાયેલો માણસ છું એ મારે તમને પ્રથમ જણાવવું જોઈએ. સબજેક્ટ કમિટિમાં સૌ ભાઈઓએ મને આગ્રહપૂર્વક કહ્યું કે તમે વધુ ભણ્યા છો માટે કેળવણીનો વિષય તમે લ્યો ! જેથી એ વિષય મેં પસંદ કરી નથી લીધો પરંતુ તમારા સૌ ભાઈઓના આગ્રહથી હું કબુલ થયો છું. હું ગુજરાતી પાંચ ચોપડી ભણ્યો છું તેથી હું કેળવાયેલો માણસ છું એમ કહેવાય નહીં. ભણવું એનું નામ કેળવણી છે પરંતુ તે સર્વાંશે એકલા ભણતરથી કેળવણી આવતી નથી. કેળવણી ઘણા  પ્રકારની છે. વહેવારીક જ્ઞાનની કેળવણી, માનસીક કેળવણી શારીરિક કેળવણી તેમજ ધાર્મિક કેળવણી, આમાંની મારામાં કેટલી કેળવણી છે તેની મને પણ ખબર નથી, હું એટલું જાણી શકું છું કે મુંબઈવાળા ભાઈઓ ભણ્યા છે થોડું, પણ તેઓએ ઘણા પ્રકારની બીજી કેળવણીઓ સારી લીધી છે. જેનો પ્રત્યક્ષ અનુભવ આપણને સભામાં થાય છે. આપણામાં કેળવણી છે કે નહીં, એટલું જ નહીં પણ કેળવણી લેવામાં પણ આપણે બેદરકાર છીએ. તો પણ એક બાબતની કેળવણીની બીલકુલ જરૂર નોતી છતાં પણ ઈર્ષારૂપી કેળવણી વગર લીધે પણ આપણામાં પુરે પૂરી આવી ગઈ છે. જ્યારે કરાંચીમાં સભા ભરવાની વાત ચાલતી હતી ત્યારે મેં એવી દરખાસ્ત કરી હતી કે મુંબઈવાળા ભાઈઓ કરાંચીમાં આવે અને ભાષણો કરે અને આપણામાંથી કોઈ બોલી ન શકે તો આપણી લાજ જાય માટે સભા ભરવાની કંઈ જરૂર નથી. આવી દરખાસ્ત કરતી વખતે મને પણ ઈર્ષાભાવ હતો. પરંતુ તે વખતનું મારૂં બોલવું વ્યાજબી નોતું. આપણને બોલતાં નથી આવડતું તેથી કોઈનું બોલવું સાંભળવું પણ નહીં, એ કંઈ સારા માણસનું લક્ષણ કહેવાય નહીં, મહેરબાન પ્રમુખ સાહેબ અને સ્વાગત કમીટીના પ્રમુખભાઈ નાનજી પચાણના ભાષણમાં પણ કેળવણી સંબંધે ઘણું કેવાણું છે. જો આપણે ભણ્યા હોત અને કેળવણી લીધી હોત તો સૈયદો જે આજ દિવસ સુધી આપણને ફોલી ખાતા આવ્યા છે તેને ખાવા દેત નહી, આપણા પંચના પૈસાનો જે દુરૂપયોગ થાય છે તે આપણે થવા દેત નહીં. આપણામાં બાળલગ્નથી થતી ભાઈ રતનશી કરશને જે નુકસાનીઓ બતાવી છે તે જો કેળવાએલા હોત તો તે પ્રમાણે નુકસાનીઓ ખમત નહીં. ગેઢેરાઓ જે આપણા જેવા વગર કેળવાયેલા ઉપર જુલમ કરે છે, તેમ મુંબઈવાળા ભાઈઓને તેઓ કશું કરી શકતા નથી તેનું કારણ ફક્ત કેળવણી જ છે. વાડીઓમાં રાત્રી અને દિવસ ધંધો કરીને ધાન ઉપજાવીએ છીએ આપણે; અને તે ધાન તૈયાર થાએ ત્યારે ઉપાડી જાય વોરા ! ઘઉં, બાજરો આપણે પેદા કરીએ અને આપણને ખાવા મળે નાગલી અને જવ એ બધું સાથી ? માત્ર આપણે કેળવાએલા નથી માટે જ વેપારીઓ આપણી પાસેથી દોઢાં બમણાં લખાવી લે છે અને તે આપણે લખી આપીએ છીએ તેનું કારણ પણ આપણે કેળવાએલા નથી એ જ છે. રાજદરબારે કો કો દહાડો કામ પડે ત્યારે આપણે જે રાજના ખેડૂતો—કમાઉ દીકરા હોવા છતાં પણ ત્રીસ કોરીનો પગારદાર સીપાઈ આપણને ધકા મારે છે ! કોર્ટમાં સાક્ષી તરીકે અથવા વાદી પ્રતીવાદી તરીકે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે માણસોના જ્યાં જોડા પડ્યા હોય છે ત્યાં બેસવાનું સ્થળ આપણું હોય છે એ બધો પ્રતાપ આપણે કેળવાયલા નથી તેનું જ પરીણામ છે. કુરમી ક્ષત્રિય જેવી ઉંચ જ્ઞાતિ હોવા છતાં પણ લેટા, ચોલા, ભાભોડ ઇત્યાદી ઈલકાબોથી ગમે  તે નાત આપણને સંબોધે છે છતાં આપણે મુંગે મોઢે તે સહન કરીએ છીએ, એ આપણામાં વિદ્યા નથી ત્યારે જ. હવે હું તમને ટુંકામાં એટલું જ કહીશ કે આપણા ઘરમાં વગર સમજણનાં આંધળા ખર્ચા કરીએ છીએ તેનો હીસાબ વેપારીઓ પાસેથી બારે મહીને કરીએ ત્યારે આપણને ખબર પડે કે આટલો ઉપાડ થયો તેમાં વેપારીએ સાચું લખ્યું છે કે ખોટું લખ્યું છે તે રામ જાણે. આપણામાંના ઘણા ભાઈઓ કલકત્તા અને કરાંચીનો ખેપો કરી કરીને મરી જાય છે. પરંતુ કરજમાંથી મોકળા થતા નથી એ આપણે ભણ્યા નથી, કેળવણી લીધી નથી  તેનો જ પ્રતાપ છે. હું આપને કહું છું કે મુંબઈવાળા ભાઈઓ ભણેલ છે કેળવાયેલા છે તો તે બેઠે બેઠે સુખે ધંધો કરે છે. સૌ પૈસા પાત્ર થયા છે. ઘરના માળા મુંબઈ જેવા શહેરમાં આપણા ભાઈઓએ બંધાવ્યા છે. આ બધો કેળવણીનો પ્રતાપ છે. માટે ભાઈઓ હવે આંખ મીચીને બેસવાનો આ જમાનો નથી આપણે તો ન ભણ્યા તે ખરે, પરંતુ હવે આપણા બાળકોને તો જરૂર ભણાવવા કોસીશ કરશો. નાનાં છોકરાં થોડું કમાઈ દે છે એટલો સ્વાર્થ ત્યાગ કરીશું તો તે ભણશે અને ભણાવશે તો આપણને તેમજ તેમને ઘણો જ ફાયદો થશે એમાં તો જરાપણ શંકા જેવુ છે જ નહીં માટે મારી વિનંતી છે કે સૌ ભાઈઓ તેમજ બહેનો પોતાના બાળકોને ભણાવવા અને કેળવણી આપવા તૈયાર થશો તો સુખનું ભાવિ આપણા હાથમાં જ છે આટલું બોલી હું બેસી જવા રજા લઉ છું.

          કેળવણીના ઠરાવને ટેકો આપતા ભાઈ ખેતા ડોસા પોકાર ગામ નખત્રાણા વાળાએ જણાવ્યું કે—

મહેરબાન પ્રમુખ સાહેબ, પ્રિય જ્ઞાતિ ભાઈઓ અને બહેનો,

          કેળવણી લેવાના માટે ભાઈ વિશ્રામ પાંચા ઘણુું કહી ગયા છે અને તમે સાંભળ્યું છે. હું પણ કહું છું કે હમણાનો જમાનો કેળવણીનો છે. એ તમો છાપાં વાંચતા હોય કે સાંભળતા હો તો તમને ખબર પડે. યુરોપની લડાઈ ચાર વર્ષ ચાલી તેમાં આપણને ઘણું જાણવાનું મળ્યું છે. લડાઈ પહેલાં સબમરીનો તોરપીડ બોટો, હવાઈ વિમાનો આપણે જોયા નહોતા, એના ઉપર નજર પોંચાડો. એ પણ માણસોની બુદ્ધિ બળ અને વિદ્વાનોના અનુભવનું કામ છે. તાર અને ટેલીફોન સાંભળ્યા હતા. પરંતુ હમણા કે છે કે વાયરલેશ સંદેશા દોરડા વગરથી થાય છે. દુનિયા કેટલી આગળ વધી છે છતાં આપણે હજી એકડે એક પણ ભણ્યા નથી. મને પણ સભામાં બોલવાની હિંમત નોહતી આવતી, તેનું કારણ પણ ભણતરની ખામીના લીધે. આજે મને એમ થાય છે કે ભણ્યા હોત તો ઘણું સારૂં પ્રમુખ સાહેબોના ભાષણોથી તેમજ આ સભાથી આગળની સભાઓના રીપોર્ટો વાંચ્યા પછી થોડુ ભાન થયું છે. આજ દિવસ સુધીની જીંદગી આપણી એળે ગઈ છે હું સભામાં બેઠેલા ભાઈઓ તેમજ બેનોને વિનંતી કરૂ છું કે, મેં તેમજ તમો સઘળા ભાઈઓએ કેળવણી લીધી નથી અને આપણી ઉંમર એળે ગાળી છે. પરંતુ હવે આજથી જ નક્કી કરજો કે છોકરાંને તો જરૂર કેળવણી આપવી જ. આપણી અજ્ઞાનતાથી આપણે છોકરું છ સાત વર્ષનું થયું કે વાડીએ માટી ડોળવાના કામે લગાડીએ છીએ, જેથી તેનું પ્રારબ્ધ આપણે જ બગાડીએ છીએ માટે હવે તેમ ન કરવું અને ભણવાથી જે ફાયદા થાય છે તે આપણે જોઈ શકીએ છીએ. માટે છોકરાને જરૂર ભણાવવા કચ્છના આગેવાનો જ્યારે જ્યારે ભેગા થાય છે ત્યારે વાતો કરે છે કે છોકરાને ભણાવવા નહીં, નહી તો વીરાણીવાળા નારણની ગોડે ઉતરી જશે અને નાતને વગોવસે, ભાઈઓ તમે વિચાર કરો કે નારણભાઈ તેમજ બીજા ભાઈઓ કેળવણી લઈને ઉતરી ગયા છે કે સુધર્યા છે ? તે ભાઈઓના હૃદયમાં નાતની ગરીબાઈ અને જ્ઞાતિના ઉપર જે જુલમ ગુજરે છે તેની તેમને પુરે પુરી દાઝ છે તેથી જ પોતાના કામ—ધંધા મુકીને પણ જ્ઞાતિ હીતના કામમાં તન—મન અને ધનનો ભોગ આપી જ્ઞાતિ સેવા કરે છે. એવા જ્ઞાતિ ભક્ત ભાઈઓને ભણીને ઉતરી ગયા છે એમ કહેવું એ એક પાપ સમાન છે. જો એ ભાઈઓએ આપણી જ્ઞાતિ સુધારાની હીલચાલ ન કરી હોય તો આપણને આવી સભાઓ ભરાય અને જ્ઞાતિ હીતનું કામ થાય તેની ખબર પડત નહીં, મુંબઈવાળા ભાઈઓએ આપણી નાત સુધારવાનું અગત્યનું કામ પ્રથમ ઉપાડ્યું છે. તેઓ કેળવાયેલા છે અને તેમની કેળવણીનો સદ્‌બોધ આપણને તે આપે છે. તેમના જ પ્રતાપે આજે કરાંચીમાં તેમજ મુંબઈ અને કચ્છ વીરાણીમાં યુવક મંડળની સ્થાપના થઈ છે અને એ મંડળો ભણાવાનું અને જ્ઞાતિ સુધારાનું કામ જોશભેર કરે છે તેનું અનુકરણ આપ સગળા ભાઈઓ કરશો અને કેળવણીના માટે સૌ ભાઈઓ તેમજ બહેનો એકમત થઈ પોતાના છોકરાને પુરતી કેળવણી આપશો એવી મારી ખાસ સભા પ્રત્યે વિનંતી છે.

          ઠરાવને ટેકો આપતાં ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ રવાપરવાળાએ જણાવ્યું કે—

પ્રમુખ સાહેબ ! સ્વામી રેવાનંદજી પુજ્ય જ્ઞાતિભાઈઓ અને બહેનો,

          ભાઈઓ આપે આથી આગળ મારા વડીલ ભાઈઓ બોલી ગયા છે તો તેના બોલવાથી બરાબર જોયું હશે કે આપણી સ્થિતિ હાલના વખતમાં દયાજનક છે અને દયાજનક હાલત લાવનાર આપણે જ છીએ, પ્રથમ જ્યારે આપણે અજ્ઞાન અને અવિદ્યાના ભારથી દબાયેલા હતા અને જ્યારે આપણા ઉપર સ્વાર્થી લોકો જુલમ ગુજારતા હતા ત્યારે આપણે દબાઈ ગયા અને તેથી આપણે આપણી સ્થિતિ ખરાબ કરતા ચાલ્યા પણ હવે તે જુલમગારોને જુલમ આવા અદલ ઈનસાફી કેળવણીના જમાનામાં ચાલી શકે તેમ નથી તેથી આપણે સુસ્ત થઈ બેસી રહેવું ઠીક નથી.

ભુમી ઉપર તપ જપ કરી દોહેલાં દુઃખ લે છે;

વર્ષી આતષ શિતસહી, કરી ધાન્ય વણ કોણ દે છે.

          ભુમી ઉપર તપ તપીને ઘણા આકરા દુઃખ કોણ વેઠે છે ! તપના અનેક પ્રકાર હોય ફરજ બજાવતાં જે તપ કરવું પડે છે તે તપ ફરજ એટલે ધર્મ સંબંધમાં એક કવીએ વ્યાખ્યા એજ મતલબની ગાઈ છે.

કષ્ટ સહે ધર્મ પાળતાં, તપ તેનું છે નામ;

બીજા દંભ અનેક છે; તેણે સુધરે ન કામ.

          એ ફરજ બજાવતાં જે દુઃખ આવે તેજ તપ. તપનો ખરો અર્થ આથી બીજો સુંદર કયો હોય ? ઉંધે માથે તપ કરવો કે એક જ આશન પર બેસી તપ કરવો કે ગમે તે પ્રકારે તપ કરવો તે તો તે કાર્ય અથવા સિદ્ધિ મેળવવા સારૂ તપસ્વીને યોગ્ય છે પણ આપણે તો આપણી ખેતી કરવા સારૂ તપસ્વી સરજાયા છીએ માટે બારે મહીના આપણે તપ કરવું છે સખ્ત તાપ હોવા છતાં અને વાંદરાનું માથું ફાટી જાય તેવી ગરમી હોવા છતાં હળ લઈ ખેતરમાં ફરવું પડે છે જેટલી ગરમી પંચાગ્નિ સેવન કરનાર તપસ્વીને સહન કરવી જોઈએ છે તેટલી બલકે તેથી વધારે આપણે સહન કરીએ છીએ. મુશળધાર વરસાદ પડતો હોય અને સખત વાવાઝોડુ હોય તો એ વાવણી કરવી પડે છે તથા રસ્તામાં ચાલવું પડે છે વળી સખત ટાઢ વરસી રહી હોય તોય પીત મોલમાં પાણીવાળા પગ કરી પાણી વાળવું પડે છે, એટલે કે આપણે ત્રણેય ઋતુઓમાં સખત તપ કરવો પડે છે એ તપ જગત સારૂ જ છે. નહીં કે તમારા એકલા સારૂ ! પણ કુદરતનો ન્યાય કેવો છે.

બારે મહીના અડગ તપ તપી કષ્ટ કંઈ કંઈ લીધા;

(હાય) તેના પુત્રો અન્ન વગરના ચીથેરે હાલ દીઠા.

          આમ બારે મહીના સખત તપ કરી કરી ઘણાં ઘણાં દુઃખો સહન કીધાં ત્યારે વિધાતાએ અરે ! ના. આપણી અજડતાને લીધે જ આપણા પુત્રો અને આપણે ચીથરે હાલ દેખાઈએ છીએ. તમો બધા બંધુઓ ખેડુત છો તે જાણશો કે તમે કેટલાં કેટલાં દુઃખો સહન કીધા અને કેવા પ્રકારે અનાજ અને વોણ ઉછેર્યા. તોએ ઘણું કરીે તમારે  સારૂ પુરતું અનાજ પણ નહીં હોય કે તમારા પંડ પર સારા વસ્ત્રો નહી હોય, ભાઈઓ બીજી વર્ણના તમો અત્રે હાજર હો તો જરા દરીયારૂ કરશો કે તમો કદી ખેડુતના વસ્ત્ર સારા ઘણે ભાગે દીઠા છે કે ! ગરીબ હાલત બીજાના પ્રમાણમાં વધારે દૃશ્ય થાય છે ? જરૂર આ મુજબ તે છે તો પણ આ બાબત પ્રયત્ન થયો નથી કયારે સ્થિતિ સુધરશે!

અંધારના અડગ પડદા ઝટ ઝટ ઉપડે જો,

ને કંઈ વિદ્યા વિનય મમતા ઉદ્‌ભવે ઉરમાંજો.

          જે અંધકાર આપણી દ્રષ્ટી ઉપર છવાઈ રહ્યા છે, જેમાં આપણે સારૂં નરસું જોઈ શકતા નથી તે અંધારાનો ન ખસે તેવો અડગ પડદો ઝટ ઉપડી જાય તથા વિદ્યા વિવેક અને ખંત આપણા મનમાં પેદા થાય તો કંઈક આપણે સુધરી શકીએ. તો પણ અવિદ્યા, અવિનય અને ભીરૂતાનો એવો અડગ પડદો છે કે તે ઉપાડી લેતાં કે ચીરા નાખતાં ઘણી મુશ્કેલી પડશે. આપણા ઘણા ભાઈઓની તો ઈચ્છા જ નહી હોય કારણ તેમને એ પડદો આશ્ચય થઈ પડ્યો છે એ પડદા સાથે ઘાડો સ્નેહ બંધાઈ જવાથી તેને ખસેડવાની થોડી જ ઈચ્છા છે. તો ભાઈઓ ! એ માયા મુકો અને એ વિષમય સુખને શ્રીકૃષ્ણે તામસી ગણેલ છે તેને તજો તો :—

                             સ્વજ્ઞાતિના અગર બીજા કર્મ યોગી જુઝે જો;

                             ભુમી પુત્રો ઉદય તમ તણો અમે ઝટ દેખીએ તો.

આપણી જ્ઞાતિના કર્મ વીરો નીકળે તથા તેનો સ્વાદ આપણે લેતા થઈએ તો જરૂર આપણો ઉદય થાય આપણી જ્ઞાતિમાંથી એવા વીરો નીકળવા મંડ્યા છે, પણ આપણે તેને જોઈ શકતા નથી.

મહાશય મિસ્ત્રી નારાયણ ભાઈ રા.રા.રતનશી ભાઈ, મારા પૂજ્ય કાકાશ્રી નાનજીભાઈ વગેરે ઘણા આપણી જ્ઞાતિમાંથી કર્મવીર જાગ્યા છે અને વળી પ્રમાણમાં વધારે વધારે જાગતા જાય છે તો જરૂર આપણી ઉન્નતી થશે, ભવિષ્ય ઉજળું છે એ ચોક્કસ છે જ્યારે બીજી જ્ઞાતિના પણ કર્મ વીશે આપણી જ્ઞાતિ તરફ અનુકંપા ધરાવવા નીકળી પડ્યા છે, પ્રયત્ન પણ કરી રહ્યા છે, તો આપણે હવે અવિદ્યા ત્યાગીને વિદ્યાને પ્રથમ ગ્રહણ કરો.

અરે ! જે પદાર્થ ઉત્પન્ન કરનાર છે તેને ત્યાં જ તે પદાર્થની ખોટ એ તો તાજાુબી લાગે છે. આપણે ત્યાં ભેંસને આપણાં છોકરાં દુધ, ઘી, છાશ ! વગર રહે એ કેવી મુર્ખાઈ એ મુજબ આપણે ધાન્ય પકવવું આપણે અન્ય કઠોળ નીપજાવવો વોણ ઉછેરી કપાસ કરવો અને તેનો લાભ બીજા લે આપણાં છોકરા તો લુખા રોટલા જ ખાય આપણાં બાળકો થીંગડાવાળાં કે ફાટેલાં લુગડાં પહેરે ! બંધુઓ ! બધો વાંક આપણી અજ્ઞાનતાનો છે.

અવિદ્યાને લીધે કે ફુલણજીપણાને લીધે કે ગમે તે કારણને લઈ આપણે દેવાવાળા વિશેષ પ્રમાણમાં છીએ, વિદ્યાનો અભાવ અને મુર્ખાઈ એ ગરીબીપણાનું સાધન ગણાય. આપણે અભણ એટલે આપણે કોઈ વેપારીને ગમે તેમ માંડી આપ્યુ હોય. આપણે અભણ એટલે વેપારી આપણી મુર્ખાઈનો લાભ લઈ આપણું નામ ચોપડામાંથી બહાર ન કહાડવા દે તથા જમા કરે બાકી મુકે ગમે તે કરે આપણું અજાણપણું છે જેથી આપણો બધો શ્રમ અને ઉત્પાદન કરેલું કયાં ગયું તેની અમાહીતી રહે છે. મુખ્ય કારણ વિદ્યાનો અભાવ એમાં રહેલો છે તો હવે સદ્ય આ કારણ દુર કરો. તમો ન ભણ્યાગણ્યા પણ તમે તમારા પુત્રોને ભણાવો તેને કેળવો અને સારી વેપારી લાઈનનો મહાવરો કરાવો. જો કે ખેતી સિવાય બીજો ધંધો કરવો ઘટીત છે પણ તમો તમારૂં પોતાનું જાળવો. દેશનું વાતાવરણ જોઈ તમારા સ્વરૂપને ઓળખો તમે તમારો વહીવટ કરો અને કોઈથી ન છેતરાઓ એટલા પુરતું જ્ઞાન શા માટે ન મેળવવું ? જરૂર મેળવો જ. આ બાબત વધારે મહારા અન્ય ભાઈઓએ સમજાવ્યું છે અને સમજાવશે એટલું બોલી હું બેસી જવાની રજા લઉં છું.

ઉપરના ઠરાવના ટેકામાં ગામ નખત્રાણાવાળા ભાઈ ભાણજી ડાયા રૂડાણીએ નીચેની કવિતા ગાઈ હતી.

         

(કવ્વાલી)

ગુણો વિદ્યા તણા ગાવા, અમોએ આશ ઉર ધારી;

લેવા વિદ્યા તણા લ્હાવા, અમોએ આશ ઉરધારી.           ૧

પધારી પ્રેમથી શાણા,    કીધા બહુ આજ આભારી;

વિચારો વાત અમ કાજે, અમે જે દિલમાં ધારી.             

રીબાવીને અવિદ્યાએ,    બનાવી જીંદગી ખારી;

સુવિદ્યા ના તુરંગો તે,     હૃદયમાં ઉછળે ભારી.             ૩

જણાએ ના સુવિધાથીકંઈ વસ્તુ જગે સારી;

ન લુટાએ ન ચોરાએ,    વિભાગે તે ન થાનારી.             ૪

ખુટેના વ્યય કરેથી જે,   વ્યયે એ ખાસ વધનારી;

પશુતા પ્રાણીઓ ની દે,   સુવિદ્યા તુર્ત વિદારી.              ૫

ગરીબીે ને ફીટાડીને,    અમીરી શીર ધરનારી;

લડાવી લાડ પુત્રો ને,     સુવિદ્યા સુખ દેનારી.               ૬

સુવિદ્યા દેશ ને નિજ      જ્ઞાતિ નો ઉદ્ધાર કરનારી;

અવિદ્યામાં ડુબે જ્ઞાતિ,   સુવિદ્યા થી દિયો તારી.            ૭

અમારી આશ ને શ્રદ્ધાતમારા કાર્યમાં ભારી;

સમયને ઓળખી વ્હાલા, દિપાવો આવી જે વારી.          ૮

રહીના કોઈની લક્ષ્મી,    છે ગાડી વાડી જાનારી;

તમારા યોગ્ય દાનેથી,    સુવિદ્યા સાહ્ય થાનારી.            ૯

અમે જ્ઞાતિ તણા બાળેદીઠી ના અન્ય કો બારી;

તમારા ચર્ણમાં આવી,   અમે આ અર્જ ઉચ્ચારી.          ૧૦

 

ઉપરના ઠરાવ ઉપર વિવેચન થઈ રહ્યા બાદ સભામાં તે સર્વાનુમતે પસાર થએલો પ્રમુખ સાહેબે જાહેર કર્યો હતો ત્યારબાદ આવતી કાલ ઉપર મુલત્વી રહી હતી અને તે બરખાસ્ત થાય તે પહેલા જ્ઞાતિના બાળકોએ કવિતા ગાઈ સંભળાવી હતી જે પ્રેક્ષક વર્ગે મોટા આનંદથી સાંભળી હતી અને છેવટે ઉમિયા માતાની જય બોલાવી સઘળા ભાઈઓ અને બહેનો છુટાં પડ્યાં હતાં.

 

 

ત્રીજો દિવસ

તા.૧૦—૮—૧૯૨૦ મંગળવાર

 

ત્રીજા દિવસની ચાલુ બેઠક આજે ઠરાવેલા સમય પ્રમાણે મળી હતી અને ઠરાવો પસાર કરવાનું કાર્ય મંગળાચરણના અંતે શરૂ કરવામાં આવતાં મેં. પ્રમુખ સાહેબની આજ્ઞાથી નીચે જણાવેલો ઠરાવ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો.

ઠરાવ ૫ મો                (રજુ કરનાર નારાયણજી રામજી. વીરાણીવાળા)

          છુટા છેડા એટલે છુટકાના રિવાજને નામે પ્રચલિત, અતિ શરમ ભરેલા અને નાલાયક રિવાજ તરફ આ સભા તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે અને તેને સદંતર નાબુદ કરવા આ સભા દરેક જ્ઞાતિ ભાઈઓને આગ્રહપૂર્વક ભલામણ કરે છે. ”

          મહેરબાન પ્રમુખ સાહેબ, પ્રિય જ્ઞાતિબંધુઓ, અન્ય સદ્‌ગૃહસ્થો અને બહેનો ! છુટા છેડાના સંબંધનો ઠરાવ એક બીજા ભાઈ રજુ કરનાર હતા પરંતુ એ ઠરાવ તે ભાઈએ રજુ કરવાની ના કહેવાથી મને તે ઠરાવ રજુ કરવા મહેરબાન પ્રમુખ સાહેબની આજ્ઞા થઈ છે જેથી હું બોલવા ઉભો થયો છું.

          જ્ઞાતિ ભાઈઓ અને બહેનો, મેં જે ઠરાવ આપને વાંચી સંભળાવ્યો છે એ ઠરાવ વાંચીને મને તો કમકમાટી છુટે છે. આવું ઘોર અને અમાનુષી કૃત્ય ક્ષત્રિય ગણાતી જ્ઞાતિમાં શી રીતે આવ્યું છે તેના વિચાર કરતાં હૃદય કંપે છે. નજરો નજર અનુભવેલી હકીકતો ઉપરથી એમ જણાય છે કે એનું મુખ્ય ખાસ કારણ તો બાળલગ્ન જ છે. આપણામાં લગ્ન જ્યારે આવે છે ત્યારે સગપણ કરી નાંખવાની ઉતાવળમાં કોઈ છોકરું કુંવારુ ન રહી જાય એની ખાતર લાકડે માંકડું વળગાડી દેવાની ભુલો જે મા—બાપ કરે છે, તેના અવિચારીપણાનું આ પરિણામ છે. લગ્ન વખતે વર કન્યાની ઉંમરમાં તફાવતમાં છોકરા કન્યા કરતા બે પાંચ વર્ષે ખાસ કરીને મોટો હોવો જોઈએ, તેના બદલામાં ઉલટું કન્યા સાત વર્ષ મોટી હોવાના લગ્ન થયેલા જોયા છે. બબ્બે ત્રણ ત્રણ વર્ષ કન્યાઓ મોટી હોવાનાં લગ્નોના દાખલા તો ઘણાએ મળી શકશે. નાનપણમાં આવા કજોડાનાં લગ્ન થતી વખતે કોઈ ધ્યાન પહોંચાડતું નથી પરંતુ જ્યારે તેના અનિષ્ટ પરિણામ આવે છે ત્યારે જ આંખ ઉઘડે છે અને ત્યારે જ છુટકો કરાવવાનાં કારણો મળે છે. તે સિવાય હમણાં તો છેલ્લે એવી પણ આપણી દશા થઈ ગઈ છે કે, સાધારણ વાતવાતમાં વેવાઈ વેવાઈમાં તકરાર થવાથી પણ છુટાછેડા કરવાના પ્રસંગો ઉભા થાય છે. આપણી જ્ઞાતિને શરમ નથી લાગતી પરંતુ છુટાછેડા કરવા અથવા છુટકો કરવો કે કરાવવો એના જેવુ બીજું એક પણ જ્ઞાતિને શરમાવનારૂં અધમ અને નીર્લજ કૃત્ય નથી. મને આપણી કચ્છની જ્ઞાતિના માટે છુટાછેડાના સંબંધમાં ઘણું માન હતું અને તેથી મેં એક વખત આપણી જ્ઞાતિની ગુજરાતની સભામાં જાહેર કર્યું હતું કે છુટાછેડા કરવાનો દુષ્ટ રીવાજ અમારી કચ્છની જ્ઞાતિમાં નથી પરંતુ હમણાં થોડા વખતના અનુભવે મારી ખાત્રી થઈ છે કે કચ્છમાં પણ આવા નીર્લજ અને ઘોર કૃત્ય થવા માંડ્યાં છે. જેના થોડા દાખલા હું આપને કહીશ. કોટડા ગામના આગેવાન ગણાતા સામા પટેલે પોતાના દીકરાની વહુની ૧૯ વર્ષની ઉંમરમાં પ્રજા ન થઈ તેથી છુટકો કરાવ્યો. ભાઈઓ, શું બે કે ત્રણ વર્ષ કોઈ બહેનને સાસરે ગયે થયાં હોય અને તેટલી ટુંકી વખતમાં પ્રજા ન થઈ તેથી એ કોઈ ખોડવાળી છે એમ ગણી છુટકો કરાવવો એ શું આબરૂદાર ગૃહસ્થનાં લક્ષણ છે ? આ બાઈનો છુટકો થતી વખતે બાઈના મા—બાપ કે જે એક ખાનદાન કુટુંબના છે તેણે નાતની પાસે ઘણી તકરાર લીધી હતી અને છુટકો ન થવાના ઉપાયો કર્યા પરંતુ સામો પટેલ લાગવગવાળો માણસ હોવાથી આગેવાનોએે તેની વાત કબુલી અને છુટકો કર્યો. પરંતુ તે વખતે સામા પટેલ પાસેથી નાતે લખાવી લીધું કે જો એ બાઈને બીજે ગરગાવશે અને ત્યાં બાળક થશે તો સામા પટેલે નાતને કોરી ૮૦૦ નો દંડ દેવો, એ સામા પટેલે કબુલ કર્યું હતું. ત્યાર પછી એ બાઈને વીરાણીમાં ગરગાવવામાં આવી અને એક વર્ષ દહાડામાં બાળક જનમ્યું. નાતને ખાતરી થઈ કે બાઈમાં કોઈ ખોડ નોતી જેથી સામા પટેલને કોરી ૮૦૦ દંડ થયો તે  સામે પટેલે ભરી આપ્યો. હું છુટકો થનાર બાઈને સારી રીતે ઓળખું છું એના જેવી શરમાળ અને બુદ્ધિશાળી બાઈઓ આપણી જ્ઞાતિમાં ઘણી જ થોડી હશે. સામા પટેલે આવી નિર્દોષ બાળાને ખોટું કલંક લગાડી પોતાની આબરૂને નુકસાન કરાવ્યું હતું. જે દેશલપરના મનજી પટેલ પોતાના દીકરાની વહુનો ૧૫ વર્ષનો ઘરવાસ ચાલતો હતો, એ બાઈને પટેલના દીકરાથી ત્રણ ફરજદ થયા હતાં તેમજ પટેલના ઘરનો બધો બોજો એ બાઈ ઉપર હતો છતાં પણ એ બાઈએ સીખામણની આબરૂ સંબંધે વાત કરવાથી પટેલે જબરીથી છુટકો કરાવ્યો જે ઈતિહાસ વીરાણી સભાના રીપોર્ટમાં તમે સૌએ સાંભળ્યો છે. ભાઈઓ આપણા આગેવાનો જ્યારે ઉઠીને આપણી જ્ઞાતિને શરમાવવાના ધંધા કરે છે ત્યારે હવે ફરીયાદ કયાં કરવી ? છુટકો કરાવવો એ એક છોકરાની રમત જેવું હમણાં આપણી જ્ઞાતિમાં થઈ રહ્યું છે. પરંતુ તેઓને ખબર નથી કે રોતી કકળતી જે બેન દીકરીઓને પોતાના સસરાના ઘરમાંથી કલંકીત બનાવી તગડી મુકવામાં આવે છે તેને પોતાની આબરૂની કેટલી શરમ લાગતી હશે અને તે સસરા પક્ષને કેવા પ્રકારના શ્રાપ આપતી હશે તેનો આપ બંધુઓ જરા વિચાર કરશો. તે સિવાય મને એમ પણ ખબર મળ્યા છે કે ઘણી બહેનો નઠારી સોબતે ચડીને હલકાં—કૃત્ય કરી પોતાના ધણીનું ઘર ન વસાવવાનાં અનેક પ્રકારના તુફાનો કરે છે. તેમાં વળી તેના મા—બાપો દીકરીનો પક્ષ કરી નાતની પાસેથી છુટકો મેળવે છે. નાતના આગેવાનો તો માત્ર આવા કેસો હાથમાં આવે તેની જ રાહ જોઈને બેઠા છે. કેલો નીવેડવામાં આગેવાનોના ગુજાં સારી રીતે ગરમ થાય છે ઘણી જ દિલગીરીની વાત છે કે, જ્ઞાતિના આગેવાન કેવાતા ગેઢેરાઓ પોતાનો આગેવાન પણાનો સો ધર્મ છે તેમજ જ્ઞાતિહીતનું કેવા ઉત્તમ પ્રકારે કામ કરવું જોઈએ  તે ધર્મ તેઓ સમજતા નથી અને બીજાના પક્ષાપક્ષે ખેંચાઈને કોઈ ગરીબ ભાઈની ગરદન મારવામાં જ પોતાનો ખરો એક શુરાપણનો ધર્મ સમજે છે જેના અનેક દાખલાઓ મોજુદ છે. આગેવાનો એ હવે જુલમ અને ત્રાસ વર્તાવવાની સાથે પોતાની નેલાઈ કરાવવામાં પણ બાકી રાખ્યું નથી. આગેવાન પટેલ કે મુખીઓનું આગળના વખતમાં રાજ્ય દરબારમાં કેટલું માન અને મોભો હતાં તે બધું ચાલી ગયુ છે અને હવે તો એક સાધારણ સીપાઈ પણ તેમને ધમકાવી ગાળો દઈ લાગ આવે તો ધુંબા પણ મારી જાય છે. આ શું ઓછુ અપમાન છે !  તે સાથી થાય છે ? તેનું કારણ માત્ર એટલું જ કે આગેવાનોના હાથે છુટાછેડા જેવા અનિતી—અધર્મ રૂપી કુકર્મોનાં કાળાં કૃત્યો થવાના પ્રતાપે તેમનાં મોઢા ઉપરથી પવિત્રતા અને સત્યતાનો નાશ થયો છે, તેમનાં હૃદયો બીકણ બાયલા જેવાં બની ગયાં છે અને તેથી જ તેઓ જ્યાં ત્યાં અપમાન સહન કરે છે. બંધુઓ ! આપ ધ્યાન કરો કે આપણે જે સ્ત્રીની સાથે પવિત્ર લગ્નની ગાંઠથી જોડાઈ એક થઈએ છીએ, જેને આપણે આપણી અર્ધાંગના બનાવી છે, જે આપણા સુખ દુઃખની ભાગીદાર છે, આપણી ગૃહલક્ષ્મી છે તેની સાથે સહેજ વાંધો પડ્યો કે તેને તજી દેવી અથવા તેનો છુટકો કરાવવો એ શું તમને યોગ્ય લાગે છે ? અરે આપણા જ દેખતાં એ સ્ત્રી બીજો ધણી કરે અને તે આપણે જોઈ રહીએ અને આપણને તેનું કસું વેર જેર જ ન લાગે એના જેવી નાલાયકી અને શરમ ભરેલું બાયલુ બીજુ શું કૃત્ય હોઈ શકે ! અરે આપણી સ્ત્રીની કોઈ મશ્કરી કરે તો પણ તેનો જીવ લઈ લઈએ એવો ક્રોધ આપણને થવો જોઈએ તેના બદલે આપણે હાથે કરીને લખી આપીએ છીએ કે આ સ્ત્રીની સાથે મારે કંઈ પણ લેવા દેવા નથી, કેટલા અફસોસની વાત છે. હવે તો હદ વળી ગઈ છે. જે માબાપો અને આગેવાન ગેઢેરાઓ નીર્લજ છુટાછેડા કરવા જેવાં અધમ કૃત્યો કરે છે તેને મારે છેવટે મારા વિદ્વાન મિત્ર અમરસિંહ દેશાઈભાઈ વીરમગામ વાળાએ બનાવેલ “મહાલીના મહાકષ્ટ” નામના આખ્યાનમાં છુટકો લેનાર અને કરાવનારને જે શબ્દ કહ્યા છે તે જ શબ્દો હું એવા નીચ કામ કરનારા આગેવાનો તથા કૃતઘ્ની માબાપો તથા ક્રૂર ધણીના માટે કહું છું કે, “હવે બસ કરો ઘણું થયું છે. છુટાછેડા કરવાનો જુલ્મી સીતમ અને ત્રાસ ઈશ્વર કેમ સાંખી રહેશે ?” પાષણના હૃદયના ઘાતકી પુરૂષો, જે કન્યા દાનનો તમે સ્વીકાર કર્યો છે, જેને તમે કુળવધૂ તરીકે પસંદ કરી છે અને જેના માત પિતાએ તમને ઉત્તમ કુલીન સમજી શ્રેષ્ઠ માની સદાને માટે સુપ્રત કરી છે તેનો બહિષ્કાર કરતાં તમારી બુદ્ધિ બળી કેમ જતી નથી. તમારા જે હસ્ત તમારા વહાલાં પુત્ર પુત્રવધૂ ઉપર હમેંશ ને સારૂ સુખ છાયા કરવા યોગ્ય છે તે હસ્ત તેમનું સૌભાગ્ય નષ્ટ ભ્રષ્ટ કરનારા છેડા છુટક, લખી આપતાં શરીરથી વિખુટા કેમ પડતા નથી ? ઓ વિશ્વાસ ઘાતીઓ, અનાચાર અધર્મ અને અનીતિના અવેજની બુરી લાલચનો વિચાર કરતા તમારૂં મસ્તક કેમ ફાટી જતુ નથી ? છેડા છુુટકો લ્યો એ મહાપાપી શબ્દનો ઉચ્ચાર કરતાં તમારી જીભ કેમ કપાઈ જતી નથી ? નીકળી કેમ પડતી નથી ? ઓ કુમળી બાળકીઓનાં હાડમાંસનું ભક્ષણ કરનારા નર પિશાચો આ જગતમાંથી તમારો પ્રલય કેમ થતો નથી. ઓ કુળદેવી ઉમા ! ઓ ભગવતી ! ઓ ચંડી આ તારી કુમળી નિર્દોષ બાળકીઓ રીબાય છે તે તપાસ. તેમની આંખોમાંથી આંસુઓનો ધગ ધગતો પ્રવાહ વહે છે તે જો અને તેમને તે સ્થિતિએ પહોંચાડનારા અધર્મી અસુરોને ત્રીશુળની અણીઓથી વિંધી તારા ક્રોધાનળમાં પ્રજાળી સત્વર ભસ્મી ભૂત કરી દે. બસ  બસ છેવટે એટલું જ કહું છું કે આગેવાનો તેમજ આવા ક્રુર કામો કરનારા હવે પ્રભુથી ડરો ધર્મના પંથે વળો અને આવાં અધોર પાપનાં કૃત્યો બંધ કરો. આપણી જ્ઞાતિની ફજેતીમાં વિશેષ વધારો ન કરો. કણબી જ્ઞાતિના માટે એમ કહેવાય છે કે લેવાને કડવા એ લવ અને કુશના વંશના છે. જો તેમ હોય તો લવ અને કુશની માતા કોણ ? જે રાવણ જેવા સમર્થ રાક્ષસની પાસે સપડાયા હતાં છતાં પણ રાવણની તાકાત નોતી કે તેમના સામી નજર પણ કરી શકે, તેવા પ્રતાપશાળી સતી દેવી સીતા માતાના જ જો આપણે પૌત્રાદિ હોઈએ તો આપણી બેન દીકરીઓને બબ્બે અને ત્રણ ત્રણ પતિ ન જ હોવા જોઈએ. પોતાના કુળની પ્રતિષ્ઠાનું ભાન દરેક માણસે જાણવું જ જોઈએ. આટલું બોલી હું મારૂં બોલવાનું પુરૂં કરું છું અને હું જે જે બોલ્યો છું તે જ્ઞાતિની દાઝ હૃદયમાં ભરી છે તેથી વિશેષ પડતું પણ હું બોલ્યો હોઉં તો મને ક્ષમા કરશો અને છૂટા છેડા જેવા અધમ કૃત્યો જ્યાં થતા હોય તેને અટકાવવાને દરેક જ્ઞાતિ બંધુને હું નમ્રતાપૂર્વક અરજ કરૂં છું.

          ઉપરના ઠરાવને ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી તથા વીરજી ખેતા તથા ભાઈ હંસરાજ નારણ તથા ભાઈ વીરજી લખુએ અનુમોદનો આપ્યાં હતાં અને ભાણજી ડાયાભાઈએ ટેકો આપતા નીચેની કવિતા ગાઈ સંભળાવી હતી અને પ્રમુખ સાહેબે ત્યારબાદ એ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કર્યો હતો.

         

કવ્વાલી.

કરો જ્ઞાતિ તણી સેવા              સુધાસમ મિષ્ટ એ મેવા;

પડે તેવા સહી લેવા,               નથી જાગ્યા ફરી સૂવા.

નિહાળી ને તમે હોળી,            ન બેઠા ચક્ષુઓ ચોળી;

ગળાવા હીતની ગોળી,            નથી જાગ્યા ફરી સૂવા.

હતાં જે બંધનો જાુઠાં,           કર્યો તે તો તમે બુઠાં;

જલાવો જે રહ્યાં ઠુઠાં;             નથી જાગ્યા ફરી સૂવા.

વડાઈ વીર છે લીધી,               નથી તેમાં ખરી સિદ્ધી;

બતાવો ટેક જે કીધી,              નથી જાગ્યા ફરી સૂવા.

જનેતા જાગતી જ્યોતી,          સકળનાં પાપ જે ધોતી;

તમારાં આંસુ એ લોતી,            નથી જાગ્યા ફરી સુવા.

સજો સૌ શસ્ત્ર પ્રિતિનાં,          ફુટે જો વૃક્ષ ભીતિના;

કરાવા કાર્ય નીતિના,               નથી જાગ્યા ફરી સૂવા.

ભલે ખોટા કહે મોટા,              છતાં મોટા બને ખોટા;

તમે છોટા અને મોટા,              નથી જાગ્યા ફરી સૂવા.

 

ઠરાવ ૬ ઠો.        (રજુ કરનાર — શીવજી કાનજી — નખત્રાણા)

આપણા ગેઢેરાઓ આપણી જ્ઞાતિના ભાઈઓ ઉપર અનેક રીતે જુલમ ગુજારે છે તે જુલમને અટકાવવા અને આગેવાન ગેઢેરાઓ હવે પછી કોઈપણ રીતે આપણી જ્ઞાતિના ભાઈઓને તેમજ બહેનોને ખોટી રીતે હેરાન ન કરે તેના માટે આ સભા યોગ્ય બંદોબસ્ત કરવાની સઘળા જ્ઞાતિભાઈઓને આગ્રહપૂર્વક વિનીત કરે છે.”

પ્રમુખ સાહેબ જ્ઞાતિ ભાઈઓ સદ્‌ગૃહસ્થો માતાઓ અને બહેનો, મેં જે આગેવાનોના જુલમ સંબંધી ઠરાવ રજુ કર્યો છે, તેના સંબંધમાં હું કંઈ બોલું તેના પહેલાં હું આપની ક્ષમા ચાહું છું, કારણ કે ગેઢેરાઓની વિરુદ્ધમાં બોલવું અને એક આફતને સ્વીકારવી એ પ્રમાણેની આપણી હાલની દશા છે. તો પણ એ આફત મેં રાજી ખુશીથી સ્વીકારી છે. માટે મારૂં બોલવું શાંતીપૂર્વક સાંભળશો. આગેવાન ગેઢેરાઓના જુલમ અને ત્રાસની વાતો સાંભળી સાંભળીને આપણા કાન બહેરા થઈ ગયા છે, પરંતુ તે સંબંધે આપણે ત્રાસમાંથી છુટવા કંઈ પણ સંગીન ઉપાયો હજુ લીધા નથી. વીરાણી સભાના રીપોર્ટમાં ભાઈ રતનશી ખીમજી તથા બીજા ભાઈઓનાં ભાષણો વાંચ્યા છતાં અત્યારે પણ ગેઢેરાઓ આપણા ભાઈઓ ઉપર જે જુલ્મી સત્તા અને ત્રાસ વરતાવી રહ્યા છે તેમને સીધા કરવા માટે આપણે શા માટે હીંમત કરતા નથી ? દરરોજ નવીનવી વાતો આગેવાનોના જુલમની આપણે સાંભળીએ છીએ, મમાઈમોરા વાળા ભાઈ મનજી કાનજી રંગાણીને વગર ગુન્હે નાત બહાર કર્યો હતો જેથી એ ભાઈએ હીંમત રાખી પોતાનો ન્યાય મેળવવા, માંડવી કોરટમાં આગેવાનો ઉપર વગર ગુન્હે નાત બહાર કર્યાની ફરીયાદ માંડી હતી અને કોર્ટથી ન્યાય મેળવ્યો છે. આગેવાનો પોતે ખોટા હતા તેથી કેસમાં હારી ગયા છે તેટલું જ નહીં પણ મનજી સાથે કેશ લડવાને ખોટી રીતે જ્ઞાતિ પંચના પૈસાનો ગેર ઉપયોગ કરી ખર્ચાના ખાડામાં ઉતાર્યા છે. હું પુછું છું કે મનજી. કાનજીનો વાંક શું ? વગર વાંકે શા માટે તેનેે નાત બહાર કર્યો અને લેવા દેવા વગર કોર્ટોમાં જે પૈસા ખર્ચયા છે. તે આગેવાનો પાસેથી વસુલ કરવા હું સભાને વિનંતી કરૂં છું. તેવી જ રીતે રામજી રતના અકરીવાળાને પણ પાયમાલ કરવાના માટે સાંભળવા પ્રમાણે સાત આઠ હજાર કોરીની જ્ઞાતિ પંચના પૈસાની આગેવાનોએ હોળી કરી છે. એ પૈસા બરબાદ કરવાનો અને આપણા ગરીબ ભાઈઓને કનડવાનો તેમનો નીચ હેતુ આપણે બધા જાણીએ છીએ, તેમનાં પેટ ભરાતા નથી જેથી આપણા ગરીબ ભાઈઓને કનડી પૈસા કઢાવે છે અને કોર્ટોના નામે પોતાના ઘર ભરે છે. સાચા હોય તો શા માટે હીસાબ બતાવતા નથી ? હું તો કહું છું કે એવા નીચ આગેવાનોના પાપી પેટ અધર્મનું ખાવા વગર ભરાતાં ન હોય લાજમ છે કે એ પાપી પેટ આગેવાનોએ ફોડી નાખવાં જોઈએ ! પણ આપણા ભાઈઓને વગર વાંકે કનડી દંડ લેવો અને હજમ કરી જવો એના જેવું દુનિયામાં એક પણ શરમ ભરેલું કામ નથી.

આગેવાનોએ પૈસા પેદા કરવાને હમણાં એક નવો ધંધો શોધી કાઢ્યો છે. આપણા કોઈ ભાઈને ભોગ જેણે બૈરૂ મરી જવાથી નવું બૈરૂ કરવાનો વખત આવે તો તેઓ સીધી રીતે સંબંધ કરી શકતા નથી અને જો પોતપોતાનામાં સમજીને સંબંધ કરે તો ગેઢેરાઓ તેમને અટકાવે છે દંડ લે છે. આ તે શું નાતની આગેવાની કહેવાતી હશે ? આગેવાન ગેઢેરાઓએ આપણી નાતની બ્હેનો તેમજ ભાઈઓને હેરાન અને પાયમાલ કરવામાં બાકી રાખ્યું નથી, એ વીરાણી સભાના રીપોર્ટથી આપણે સઘળું જાણી શક્યા છીએ. ધન્ય છે વીરાણી ગામને અને ગામના આગેવાનો તેમજ યુવક મંડળને, કારણ કે વીરાણીના આગેવાનોએ આખી જ્ઞાતિના ગેઢેરાઓને ચોખે ચોખુ કહી દીધું છે કે જ્ઞાતિના એ અધર્મયુક્ત નઠારા રીત રિવાજો તેમજ જ્ઞાતિના આગેવાન ગેઢેરાઓના કુકર્મી કૃત્યોમાં વીરાણીનો કોઈપણ બંધુ ભાગ લઈ શકશે નહીં અને પોતાની આબરૂના કાંકરા કરાવશે નહીં. વીરાણી ગામ કણબી નાતના જુલ્મી આગેવાનોનો પક્ષ કરી પોતાનું શ્રેય નહીં કરે, કારણ તે હવે પોતાના પગ ઉપર ઉભું રહેતા શીખી ગયું છે હવે તેને જુલ્મી સત્તાવાળા આગેવાનોની લેશ પણ પરવા નથી. આજે આખા કચ્છ દેશમાં વીરાણી ગામની બોલબાલા છે. વીરાણી ગામને નમાવવા ઘણાએ મહાભારત પ્રયાસો કર્યા છે પરંતુ વીરાણી ગામના યુવક મંડળના અગ્રગણ્ય નેતાઓની વીરતા પાસે તેમનું કશું ચાલતું નથી સાંભળવા પ્રમાણે ચાર  વખત વીરાણીમાંથી કણબી આગેવાનોના અપમાન થયાં છે અને હડધુત થયા છે પરંતુ તેમને જરા પણ લાજશરમ આવતી નથી. હજુ તેઓ અભીમાનમાં ને અભીમાનમાં ઉંધા કામો કરે જાય છે. કુરબઈ, માનકુવા કે નેત્રા ગામમાં કોઈ ઝાડની ડાળમાં ઉંધા માથે ટટળતી વાગોણો પોતાના મનમાં મનસુબો કરે છે કે આ આખુ ભુમંડળ મારા પગો વડે અધર ઉંચકાઈ રહ્યું છે નહીં તો ટુટી પડીને દુનિયાને દબાવી દે ! આવા ઉંધા માથે લટકેલી વાગોણો ના જેવા વિચાર કરી કચ્છની કણબી જ્ઞાતિના આગેવાન હોવાનો દાવો કરનારા નાદાન બાળક બુદ્ધિના આગેવાનોને અમે પુછીએ છીએ કે તેઓ શું હવે સુધારાના મહાસાગરને ખાળી શકશે ? કદી નહીં. સુધારાવાળાની તરફેણમાં સત્ય અને પ્રભુ છે કારણ કે સુધારાવાળા ભાઈઓને કોઈનું આગેવાની પદ પડાવી લેવું નથી, એમને નાતની પટલાઈ કરાવની પરવા નથી પણ પોતાની શુદ્ધ ક્ષત્રિય કોમને છાજે તેવા નઠારા રીત રીવાજો દૂર કરી જ્ઞાતિને નિષ્કલંકીત કરવી છે. જુના વિચારવાળા ઈર્ષાળુ આગેવાનોને પોતાનો હરામનો ધંધો અને ધર્માદા ખાવાનું બંધ ન પડી જાએ એની સ્વાર્થ પરાયણતાની તકરાર છે. તેથી જ તેઓ થોડા વખતમાં પછાત પડયા છે કોર્ટોમાં હાર્યા છે. દિનપ્રતિદિન આજે ચાર પાંચ વર્ષ થયા તેમના હાથ હેઠા પડતા જાય છે જુની આંખે નવી શ્રૃષ્ટિ જોવાનો વખત આવ્યો છે. બે વર્ષ પહેલા જ્ઞાતિના ગેઢેરાઓથી ડરીને ચાલનારા સુધારકો હવે છડેચોક તેમની પરવા કર્યા વગર પોતાના વિચારો દર્શાવી જ્ઞાતિહીતના કાર્યો ટપોટપ વખત આવે કરે જાય છે. ભાઈઓ હવે બીવા જેવું કંઈ છે જ નહીં જ્ઞાતિ આગેવાનો જો પવિત્ર હોત, ન્યાયી હોત, તો અવશ્ય આપણે તેની બીક રાખવાની જરૂર હતી. પરંતુ જ્યાં અન્યાય અધર્મ અને હડહડતું જુઠાણા ભરેલું તેમનું બોલવું છે તેથી જ્ઞાતિના ભાઈઓ અને બહેનો તરફ ન છાજતા હુમલા કરનારા વેશધારી ઠગારાઓની હવે બીક રાખવાની કંઈ જરૂર નથી. એ આપણા કંઈ ધણી નથી આપણો ધણી તો ખુદાવીંદ મહારાજા ખેંગારજી છે. માટે હવે જુલ્મી આગેવાનોની દેણ નથી કે તેઓ વગર વાંકે આપણા સામું પણ જોઈ શકે, ભાઈઓ હું તમને ખાત્રીથી કહું છું કે ગેઢેરાઓ હવે પુરેપુરા ગભરાયા છે. તેઓ સમજે છે કે આભ ફાટ્યો છે હવે થીગડં દેવાએ નહીં ! પેટ ફાટયું હોય ત્યાં પાટો બંધાય નહીં આજ તો આ કરાંચી શહેરમાં આપણો જ્ઞાતિ સુધારાનો સમુદ્ર ઉછળ્યો છે. ત્યાં જુલ્મી આગેવાનો પાપરૂપી સેતુ બાંધી શકે જ નહીં. માટે ભાઈઓ હીંમત રાખી સુધારાના કાર્યમાં જેવી રીતે તમે સામેલ થયા છો તેવી જ રીતે આખર સુધી નીભાવીને જુલ્મી આગેવાનોની પુરેપુરી ખબર લીધા સિવાય હવે તમે શાંત થશો નહીં. જ્ઞાતિ સુધારકોના વેદ વાક્યો પ્રમાણેના સત્ય વચનોને હવે લગભગ આપણી આખી જ્ઞાતિ સ્વીકારે છે ત્યારે મુઠીભર નીચા કામો કરનારા લાંચખાઉ આગેવાનોથી ડરવાનું લેશ પણ કારણ નથી ગેઢેરાઓ આપણને કોઈ પણ પ્રકારે પાયમાલ કરી શકે તેમ નથી.

          તેઓના હાથ અને મોઢું—આપણા ગરીબ ભાઈઓ પાસેથી જોર જુલમથી લાંચ રૂસવતો અને ધર્માદાનું ખાઈને, તેમજ નીરાધાર બહેનો ઉપર જુલમ ગુજારીને તેમજ નીર્લજ અને નાલાયક છૂટકા કરવાથી કાળા શ્યામ થઈ ગયા છે. તેઓની આબરૂનું જાહેર લીલામ થઈ ગયું છે તો પણ તેઓનો ઈર્ષા ભરેલો ઝેરી સ્વભાવ હજુ નબળો પડ્યો નથી મારી તો સભાજનોને સલાહ છે કે પાપરૂપી અંધારામાં ઘેરાયેલા ઈર્ષાળુ આગેવાનોને તેમનુ કંઈ પણ સાંભળ્યા વગર એમજ પડી રહેવા દેઓ, પોતે ઠોકરો ખાઈને ઠેકાણે આવશે. આટલું બોલ્યા પછી હું માત્ર સભામાં બેઠેલા દરેક ભાઈઓ તેમજ બહેનોને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે હવે કોઈ પણ આપણા ભાઈ તેમજ બહેનને વગર ગુન્હે હજુ પણ ગેઢેરાઓ હેરાન કરે તો તેઓને કોર્ટના દરવાજે ઘસડવાનુ ચુકશો નહીં, મહારાજાએ કોર્ટો ન્યાય મેળવવાના માટે જ સ્થાપી છે અને તેનો લાભ આપણે અવશ્ય લેવો જ જોઈએ આટલું બોલી હું મારૂં બોલવું પુરૂં કરૂં છું.

          ઠરાવને ટેકો આપતાં ગામ નેત્રાવાળા ભાઈ નાનજી વિશ્રામે જણાવ્યું કે—

          ભાઈઓ, ભાઈ સવજી કાનજીએ આપણી જ્ઞાતિમાં આગેવાનો જે આપણા ભાઈઓને હેરાન અને કનડગત કરે છે તે સંબંધમાં ઘણું કહ્યું છે. મને પણ એવા દુઃખદાઈ પ્રસંગો આગેવાનો તરફથી થયા કરે છે પરંતુ આજે જેવું સભામાં સૌ કોઈ બોલે છે તેવું પ્રથમ બોલતું નહતું આગેવાનો વાંક ગુનો હોય કે ન હોય તો પણ  તેઓ નાત બાર કરી આપણા ભાઈઓ પાસેથી દંડ લેતા હતા અને હજી પણ લે છે. પરંતુ હવે મારી ખાત્રી થાય છે કે આગેવાનો હવે જુલમ કરી  શકશે નહીં આખી નાત જ્યારે સમંત થઈ છે તો પછી મને એમ લાગે છે કે આગેવાનો જ હવે નાત બાર રેનારા છે. બાકી સભામાં જે કામકાજ થાય છે તે બરોબર છે. મારો દરેક બાબતમાં સભાના કામકાજને ટેકો છે.

          ભાઈ કાનજી વીરજી વીરાણીવાળાએ ઠરાવ ઉપર બોલતાં જણાવ્યું કે—

          ભાઈ સવજી કાનજી, તથા ભાઈ નાનજી વિશ્રામે જ્ઞાતિના આગેવાનોના જુલમ સામે જે ફરીયાદો કરી છે તે સાચી છે તેને ટેકો આપું છું, આગેવાનો જ્યારે જ્યારે  ભેગા થાય છે ત્યારે ત્યારે એક પણ ન્યાયનું કામ કરતા નથી પક્ષપાત કરી ગુનેગારે જો પાંચ કોરી ગુંજામાં ઘલાવી હોય તો તેને નીરદોષ કરે અને જો કોઈ ભાઈ સાચું પાધરૂં કહે તો નાતને સામે થયો માટે એનો બરોબર દંડ થવો જોઈએ તેમાં બધા સમંત થઈ જાય છે. પીરાણાવાળો લખુ કાકો આવ્યો હતો ત્યારે ત્રણે પાંચાડાની નાત વીરાણીમાં ભેગી ગઈ હતી. હૂંડી લેવાને કાકે તેમજ આગેવાનોએ ગામના ઘણા માણસોને ફોડયાં પણ સ્વાર્થ સર્યો નહી. આગેવાનો કોટણપા કર્યા સિવાય બીજુ કાંઈ ન્યાયનું કામ કરતા જ નથી. હું પણ ઘણી વખત આગેવાનોના પરીચયમાં આવ્યો છું. કાકાને ત્યાં ધર્મની એકે વાતની જરૂર નથી કણબીની નાત જોઈએ તો સુધરે કે પાયમાલ થઈ જાય અથવા વટલાઇ જાય તો પણ કાકાને તો ફક્ત કોરીઉ અને રૂપીઆ સાથે કામ છે, એ અનુભવ કાકો વીરાણી આવ્યો હતો ત્યારે બધાને થયો છે. આગેવાનો માટે જેટલું બોલીએ તેટલં થોડું છે. વીરાણી સભાના રીપોર્ટમાં જે વાતું આવીઉં છે તેથી તો હજી ઘણી એ વાતું આગેવાનોના જુલમની બાકી છે. તો પણ હવે મને ખાત્રી થાય છે કે સુધારાવાળા ભાઈઓ ખાઈ પીને ગેઢેરાને વાંસે પડ્યા છે તેમજ આવી સભાઓમાં એકમત થઈને જે કામ થાય છે તેથી મારી તો ખાત્રી થાય છે કે હવે ગેઢેરા જરૂર ડાહ્યા થશે. ભગવાન એમને સદ્‌બુધિ આપે એટલું જ હું ઈચ્છું છું ને બેસી જવાની રજા લઉં છું.

          આગેવાનોના જુલમના ઠરાવને અનુમોદન આપતાં ભાઈ રતનશી ખીમજી ખેતાણી ગામ વીરાણીવાળાએ જણાવ્યું કે :—

          મે. પ્રમુખ સાહેબ, જ્ઞાતિ બંધુઓ, સદ્‌ગૃહસ્થો, માતાઓ અને બહેનો !

          આગેવાનોના જુલમ સંબંધે ભાઈ શીવજી કાનજી ઘણું કહી ગયા છે. તેમજ આપણે બધા જાણીએ છીએ કે આગેવાનો હમણાં થોડા વખતથી આપણે જેમ જેમ જ્ઞાતિ સુધારાનું કામ કરીએ છીએ તેને તોડી પાડવાને અનેક પ્રયત્નો કરે છે. પરંતુ હું આગેવાનોમાં ગણાતા ઘણા ભાઈઓને પૂછું છું કે તમો પોતે કશું કરતા નથી પણ ચાર પાંચ ક્રુર આગેવાનોની સલાહથી તેઓ જેમ નચાવે તેમ નાચો છો અને તમો સો દોઢસોને આસરે ભેગા મળો છો. તેમાં ફક્ત ચાર જણજ એવા છે કે પોતાની મુખ્તીઆરીથી કામ કરે છે અને બીજા મફતની તે લોકોની હા એ હા કરે છે. જેથી નાતમાં ન્યાય થતો નથી હું ઘણા આગેવાનોને પુુછું છું કે તમારી ન્યાય થતી વખતે સંમતિ લેવાતી નથી ત્યારે તમો મફતનો ખીચડો ખાવા શા માટે જાઓ છો ? શું તમને પણ એમાં કંઈ સ્વાર્થ છે. જરૂર સ્વાર્થ હોવો જ જોઈએ. આગેવાન ગેઢેરાઓના માટે આપણે બોલી બોલીને થાકી જઈએ છીએ પણ તેઓ પોતાની હઠીલાઈ છોડતા નથી. હમણાં ગયા વિવાહ ટાણે કેટલાક નીરાધાર ભાઈઓ જેમણે સુધારાના કાર્યને વખાણ્યા હતા તેઓને આગેવાનોએ લગ્ન કરવાનું બંધ કરાવ્યું અને છેવટે અઢાર કોરી દંડ લઈને રજા આપી હતી. હું બધા ભાઈઓને પુછું છું કે આપણા દીકરા દીકરીના લગ્ન આપણને કરવાનાં છે તેમાં આગેવાનાએ દરમ્યાનગીરી કરવાની  શી જરૂર છે ?

          હમણાં તો કેટલાક ગેઢેરાઓ હડકાયા કુતરાની માફક વાયરે ચડ્યા છે. જો કોઈ ભાઈ સુધારાની વાત કરે અથવા આગેવાનો વિરુદ્ધ સાચું જો કોઈ કહે અથવા પીરાણા ધર્મ સંબંધે ક્યાંય વાત કરે તો તુર્ત જ નાત બહાર અથવા દંડ કરે. આતે આગેવાનોને હવે શું સુજ્યું છે ? મેં કરાંચીમાં એક એવી વાત સાંભળી છે કે આગેવાનોએ આપણા એક ગરીબ ભાઈની બાયડીનો જબરીથી છુટકો કર્યો છે તેમાં કોઈની સંમતિ લીધી નથી. સ્વાપરના કણબી, હરજી લધા જાદવાણી નામના ભાઈને લાકડું લાગી જવાથી બીમાર થયો હતો અને દેશમાં ગયો, ત્યાં આગેવાનો પૈકીના કોઈ કુટુંબમાં કન્યાની જરૂર હતી જેથી આ બાઈને ભોળવીને હરજી લધાની પાસેથી બોલાવી લીધી અને એક નાકરાણી કુટુંબમાં પરણાવી દીધી. ભાઈઓ, આ તે કંઈ અલાઉદીનનો જમાનો નથી. જે ભાઈને લાકડું વાગ્યું હતું તેના બીજા ત્રણ ભાઈ મુળજી—કાનજી—ડાયા વિગેરે પોતાના ભાઈની તબીયત સારી નથી જેથી રૂા. કરાંચીથી આપવા કબુલાવ્યા અને તે સાજો થાય ત્યાં સુધી તમામ ખર્ચ આપવા કબુલ થયા તો પણ આગેવાનોને કન્યા જોતી હતી તેથી એવું બહાનું કાઢયું કે હરજીને લાકડું વાગ્યું છે તેથી સાજો થશે નહીં, તો પછી આ બાઈ ખાય શું ? આમ સમજાવી છુટકો કરી નાખ્યો અને તેને પરણાવી પણ દીધી. ભાઈઓ, આ શું ઓછા ગજબની વાત છે?

હમણાં જ્યારે હરજી ઠીક થઈ રહ્યો ત્યારે આગેવાનોને બીક પેઠી કે આ મરી ગયો નહી તે ઠીક થઈ રહ્યો છે માટે હેરાન કરશે તેવી તેની જબરીથી છુટકામાં સહી કરાવી લીધી છે.

          એક વાત મેં મથલના પટેલ લખુના જુલમની સાંભળી છે, પીરાણાવાળો લખુ કાકો દેશમાં આવ્યો હતો ત્યારે મથલમાં એક ગરીબ બાઈને તેણે સંતાપી હતી “પીરાણાના કાકાને જમાડો અને દશકોરી પગે રાખો” ત્યારે બાઈએ કહ્યું કે મને જમાડવાની પોંચ નથી. તેમ મારી કને પગે રાખવા છુટા પણ નથી. ત્યારે આ લખુ પટેલે તેને ધમકાવીને નાત બહારની ધમકી આપી ત્યારે બાઈએ ઉધારી ઉછાની કરીને કોરી અઢી લાવી અને કહ્યું કે મને હવે કોઈ ઉધારૂં દેતું નથી. ત્યારે બાઈને છોડી ! આવી રીતે કુકર્મી આગેવાનો ધર્મ ના નામે અથવા બીજા નામે તે પ્રકારે આપણા ભાઈઓ  તેમજ બહેનોને કનડે છે. હમણાં સાંભળ્યું છે કે નખત્રાણે એક વખત નાત ભેગી થઈ હતી ત્યારે નેત્રાવાળા કરમસી ગેઢેરાએ ભાઈ બહેનને પરણાવ્યાં હતાં જેથી આખી નાતમાં હોહાકાર થઈ રહ્યો હતો અને નાતે એ સગપણ તોડી નાંખ્યું હતું. એ સંબંધમાં કરમસી ગેઢેરાને નિર્દોષ ઠરાવી એના છોકરા જેઠાએ આ કૃત્ય કર્યું હતું એમ જણાવી કોરી ૧૦૦નો દંડ કર્યો ત્યારે એકબીજા ભાઈએ રાજીખુશીથી પોતાનું સગપણ કર્યું અને આગેવાનોને કાંઈ આપ્યું નહીં તેથી તેનો દંડ ૮૭૫ કોરી કર્યો ! તે ભાઈ વીરાણી મોટીનો રહીશ હાલ તે દોજાપરમાં રહે છે. તેનું નામ રામજી શામજી માનાણી. આ ભાઈએ વીરાણીમાં આવી વીરાણી ગામના આગેવાનો પાસે ફરીયાદ કરી ત્યારે વીરાણીના યુવક મંડળના બે મેમ્બરોની નાત નખત્રાણે ભેગી થઈ હતી ત્યારે ત્યાં ગયા અને એ દંડ સંબંધે પુછતાં નાતે ખુલાસો કર્યો કે દંડ થઈ ગયો છે તે હવે પાછો વળે નહી. યુવક મંડળના મેમ્બરોએ ઘણી તકરાર લેવાથી છેવટે કોરી ૨૭૫ પાછી આપી ! આ તે કેવા પ્રકારનો ન્યાય ! તે તમો સૌ સમજી લેજો કરમસીએ ન્યાતથી વિરુદ્ધ કામ કર્યું તેનો દંડ ૧૦૦ કોરી અને આ ભાઈઓ રાજી ખુશીથી સંબંધ કર્યો તેથી આગેવાનોએ રામજીના સાસરાને પણ ઘણી ધમકીઓ આપી કે તમે આ સંબંધ કરશો નહીં. નહીં તો નાત તમને  પુછશે, આગેવાનો બીજા આસામીઓની ૪૦૦ અને હજાર કોરી મળે એવાં ઠેકાણાં શોધી લાવ્યા હતા અને રામજી તો એક પૈસો પણ આપે તેમ નહોતું જેથી આ કનડગત ઉભી કરી. છેવટે રામજીની વહુએ એના બાપને કહ્યું કે “મારૂં સગપણ જ્યાં પ્રથમ થયું છે તેનાજ હું રોટલા ઘડીશ, બીજે મારો સંબંધ થશે નહીં” ત્યારે એના બાપે નાતના આગેવાનોની બીક માથે ઉભી હતી તો પણ રામજી જોડે સંબંધ કરી આપ્યો ! જેથી નાતે જબરીથી જાન અટકાવીને કોરી ૮૭૦ દંડ લીધો. દંડ વીરાણીના યુવક મંડળના નેતાઓએ બધો નહી તો થોડો પણ પાછો વળાવ્યો છે અને એક ગરીબ ભાઈની વારે ધાયા છે તેના માટે તેઓને ધન્યવાદ ઘટે છે.

          વીરાણી ગામના યુવક મંડળના નેતાઓનો દાખલો લઈ દરેક ભાઈઓની ફરજ છે કે આગેવાનોના જુલ્મી કૃત્યોને સામે થઈ તેઓનાં જાલીમ કૃત્યો અટકાવવાની હું મારા જ્ઞાતિ ભાઈઓને ભલામણ કરું છું. આગેવાનો જે આપણા ઉપર જુલમ કરે છે તેમજ કાકાઓ અને સૈયદોએ ઘણા વખતથી જે સંસ્કાર આપણામાં નાંખ્યા છે તેથી ઘણા ભાઈઓને આપણે જ્ઞાતિ હીતની જે વાતો કહીએ છીએ તેમાં હજુ પુરો વિશ્વાસ નથી આવતો એજ દિલગીરીની વાત છે, આપણી એવા પ્રકારની અધોગતિ થઈ ગઈ છે કે આપણને જ્ઞાતિ ભક્તો તેમજ બીજા અન્ય મહાત્માઓ તેમજ વિદ્વાનો ઘણું સમજાવે છે છતાં આપણો સંશય ટળતો નથી, તે ઉપરથી એક દૃષ્ટાંત કહેવાની મારી ઈચ્છા થઈ છે તે કૃપા કરીને સાંભળશો. “એક ગૃહસ્થને ત્યાં ગાય વીયાણી હતી અને તેને વાછડી જ જન્મી હતી ત્રણેક દિવસની વાછડી એક દિવસ ઘરથી બહાર નીકળી ગઈ અને ચોરામાં બળદ ઉભા હતા તેને ધાવવા માંડી ગઈ જેથી બળદોએ લાતો મારી તેનું મોઢું સુજાડી નાંખ્યુ તો પણ તે પોતાની માતા છે એવું જાણી ફરી ફરી ધાવવાનો પ્રયત્ન કરતી હતી તેમ તેમ બળદો લાતો મારતા હતા છેવટે એ વાછડીનું મોઢું સુઝી ગયું. એટલામાં વાછડી ખોવાઈ તેની તપાસ કરતાં ચોરામાંથી વાછરડી મળી આવી અને તેને લાવીને તેની મા પાસે ઉભી રાખી પરંતુ તે ધાવતી નહોતી બળદોએ લાતો મારી હતી એની બીકમાં પોતાની માને ધાવવામાં પણ તેને બીક લાગતી હતી. લાતો ખાધી હતી તે યાદ આવતી હતી”  ભાઈઓ આ દૃષ્ટાંતનું સિદ્ધાંત એ છે કે ગાય રૂપીસના તેના ધર્મને છોડીને, વાછરડા રૂપી આપણી કણબીને જ્ઞાતિએ સૈયદો તેમજ કાકાઓ અને પીરાણા ધર્મના ભક્તોએ આપણને લાતો મારી આપણું મોઢું સુઝાડી દીધું છે જેથી ઘણા ભાઈઓ સનાતન ધર્મરૂપી ગાયની પાસે લઈ જવા પ્રયત્ન કરે છે, પરંતુ જે લાતો ખાધી છે. તેથી આપણને વિશ્વાસ આવતો નથી અને ખરી માતાનું દુધ પણ પીવાને આપણે અચકાઈએ છીએ, માટે ભાઈઓ સભામાં બોલનારા ભાઈઓ તમને તમારી માતાનું દુધ બતાવે છે તે પીઓ અને તમારો આત્મા અમર કરો અને તમારા જાલીમ શત્રુઓને તેમના કૃત્યોનો બદલો આપવા કટીબદ્ધ થાઓ આટલું બોલી હું મારૂં બોલવું પુરૂં કરૂ છું.

          ઉપરના ઠરાવ ઉપર વિવેચન થઈ રહ્યા બાદ ભાઈ ભાણજી ડાયા રૂડાણીએ પ્રસંગાનુસાર નીચે મુજબ કવિતા ગાઈ હતી.

 

કવ્વાલી

અરે ઓ જ્ઞાતિના બંધુ,

જરા તો આંખ રે ખોલો;

 

તમારા દાનનાં નીરો,

નકામાં ના હવે ઢોળો.

તમારાં આંધળાં પુણ્યો,

દુરાચારો વધારે છે,

 

ખરા દુઃખી તણાં દુઃખો,

જરાએ ન ઘટાડે છે.

તમારા દાનથી કાકા,

મઝા મોજો ઉડાવે છે;

 

તમારા દાનથી સૈયદો,

હજારો જીવ મારે છે.

તમારા ધર્મના  નાણાં,

ગેઢેરાઓ ઉડાવે છે;

 

ભોળા જ્ઞાતિ બંધુઓને,

નકામા તે રંજાડે છે.

ઘણા જ્ઞાતિ તણા બાળો,

અરે રે છે નિરાધારો;

 

રૂવે ધન ધાન્યને કાજે,

તેઓને પ્રેમથી પાળો,

રઝળતાં ને રખડતાં છે,

ઘણાં જ્ઞાતિ તણાં બાળો;

 

દઈને દાન સુહસ્તે,

લિયો આ જન્મનો લ્હાવો.

 

ઉપર પ્રમાણે આગેવાનોના જુલમવાળો ઠરાવ ચર્ચાઈ રહ્યા બાદ મે. પ્રમુખ સાહેબે મત માગતાં ઉપરનો ઠરાવ સર્વાનુમતે તાળીઓના અવાજ વચ્ચે પસાર થયો હતો અને શ્રી ઉમિયા માતાની જય

બોલાવી સભા બીજો દિવસ ઉપર મુલત્વી રહી હતી.

 

 

ચોથો દિવસ

તા.૧૦—૮—૧૯૨૦ બુધવાર

          હંમેશના નિયમ મુજબ રાતના સભાનો વખત રાખવામાં આવ્યો હતો અને મે. પ્રમુખ સાહેબે પોતાની હાજરી મંડપમાં આપ્યા બાદ મંગળાચરણના અંતે સ્વામીશ્રી રેવાનંદજી મહારાજે તાળીઓના ગડગડાટ વચ્ચે પોતાનું ભાષણ શરૂ કરતાં જણાવ્યું કે…

યસ્માજ્જાતં જગત્સર્વં યસ્મિન્નેવ વિલીયતે ।

યેનેદં ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ ॥

          અર્થ : જેની વિભૂતિમાંથી સર્વ જગત ઉત્પન્ન થયું છે, અને જે તે જગતને ધારી રહ્યો છે તેમજ જેની અંદર જ તે સર્વ જગત વિલય પામવાનું છે તે શ્રી જ્ઞાનસ્વરૂપ પરમાત્માને નમસ્કાર હો !

          પ્રિય પાટીદાર ભાઈઓ અને માતાઓ,

          તમારા આગ્રહથી હું બોલવા ઉભો થયો છું. તે આજે હું તમને ગીતા અથવા વેદાન્તનું રહસ્ય સમજાવવા ઉભો થયો નથી, પરંતુ તમારી જ્ઞાતિના જે ભાઈઓ સ્વાર્થ ત્યાગ કરી જ્ઞાતિ ઉન્નતિ કરવાનો જે મહાભારત પ્રયત્ન કરી રહ્યા છે તેમાં તમો સૌ ભાઈઓ તેમજ બહેનો સામેલ થઈ ઐક્યતાથી કાર્ય કરો એવું કહેવાને ઉભો થયેલ છું. તમારી કચ્છની જ્ઞાતિનો મને દશ વર્ષ થયાનો અનુભવ છે. જ્યારે હું પ્રથમ વીરાણી ગામમાં ગયો હતો, ત્યારે મારી કથા સાંભળવાને ગામના ભાવીક સજ્જનો અને માતાઓ આવતા ત્યારે ઘણા કણબી ભાઈઓ પણ મારી કથા સાંભળવા આવતા હતા. પ્રસંગોપાત તમારા પીરાણા ધર્મની વાત નીકળતાં મને ઘણી જ નવાઈ લાગી હતી, કે ગુજરાત કાઠીયાવાડમાં જેે પાટીદારો છે તેમાં ને આમાં આવો ધર્મ ભેદ શી રીતે આવ્યો ? એ સંશય મારા હૃદયમાં હંમેશાં રહ્યા કરતો હતો એક દિવસે રામજીભાઈ ભોજા લીંબાણી પણ કથા સાંભળવા આવ્યા હતા  તે દિવસે પણ કથા વંચાઈ રહ્યા બાદ કણબીઓના ધર્મ સંબંધે ચર્ચા થતાં રામજીભાઈએ ઘણો ખુલાસો મને કહી સંભળાવ્યો. તેમના પુત્ર ભાઈ નારાયણજીની પણ કેટલીક વાતો કરી. તે ઉપરાંત “કૂર્મી ક્ષત્રીય ઉત્પત્તિ અને ઇતિહાસ” નામનું પુસ્તક મને લાવી આપ્યું. એ પુસ્તકમાં કચ્છના કડવા પાટીદારોનો ઈતિહાસ વાંચ્યા પછી મારૂ હૃદય બહુ જ ખીન્ન થયું. ક્ષત્રિય ગણાતી જ્ઞાતિ આવી રીતે ધર્મ ભ્રષ્ટ થઈ છે એ જાણી હૃદયમાં હંમેશાં ચિંતા રહ્યા કરતી હતી. કુદરતની ઈચ્છાથી મારા હૃદયમાં એવી ભાવના થઈ કે આ જ્ઞાતિ સરળ અને નિર્દોષ જીવન ગાળનારી છે, માટે જો એને પૂર્વના સંસ્કાર નાંખ્યા હોય તો સનાતન ધર્મથી ચૂકેલી જ્ઞાતિ જરૂર પોતાના અસલ ધર્મનો સ્વીકાર કરશે. આમ માની હું દશ વર્ષ થયાં મારાથી બનતો પ્રયત્ન કરૂં છું. વીરાણી અને નખત્રાણામાં ઘણા ભાઈઓને હું સંસ્કારી બનાવી શક્યો છું. છતાં પણ તમારી પાટીદાર જ્ઞાતિના અનુભવોથી મારા હૃદયમાં અનેક ઉથલ પાથલ થયા કરે છે. મેં તમારી જ્ઞાતિમાં સૈયદો તમારા હૃદયને કેમ ડગુમગુ કરે છે તેનો અભ્યાસ કર્યો છે તમારા પીરાણાના કાકાઓને ઘણી વખત વીરાણી નખત્રાણામાં આવતા મેં જોયા છે. તમારો ગાદીપતિ કાકા વીરાણી આવ્યા હતા ત્યારે તેનો પણ મેં અનુભવ કર્યો છે. મારી ખાત્રી થઈ છે કે તેઓ હિન્દુ ધર્મના નામે કંઈ જાણતા નથી માત્ર તમને વ્હેમના ચકડોળે ચડાવી પૈસા ક્ઢાવવાના પ્રયત્નો સિવાય તે બીજુ કશું સમજતા નથી.

તમારા આગેવાન ગેઢેરાઓ પણ ઘણી વખત ભેગા થાય છે અને તમારી નાતમાં જે માણસ ગુનેગાર હોય તેનો દંડ કરવામાં તેમની રીતભાત પણ વખાણવા લાયક નથી. તમારા આગેવાનો તદૃન સ્વાર્થી છે તેવું મને ખાત્રીથી જણાયું છે. તમારી જ્ઞાતિનો મને સંપૂર્ણ અભ્યાસ થયો છે અને તેથી જ મને જે એમ જણાયું હતું કે આ નાત કોઈ રીતે સુધરશે નહીં પણ જ્યારથી મુંબઈવાળા ભાઈઓ ભાઈ નારાયણજી તથા રતનશી વિગેરેએ જ્ઞાતિ ચળવળ કરી. સભાઓ ભરી, રીપોર્ટ છપાવ્યા, ત્યાર પછીથી આજે આ તમારી જ્ઞાતિની જે પરિષદ ભેગી મળી છે, તેમાં થતું કામકાજ જોઈ મને સંતોષ થાય છે, હવે તમો તમારા અસલ સ્વરૂપને સમજ્યા છો એજ તમારૂં ઉજળું ભાવી દેખાય છે. હું સભામાં બેઠેલા પાટીદાર ભાઈઓને કહું છું કે તમારા આગેવાનોના જુલ્મ સંબંધે તેમજ કાકાઓ, સૈયદો અને પીરાણા ધર્મ સંબંધેસભામાં બોલનારા ભાઈઓ તમને સારી રીતે સમજાવી ગયા છે. હું તે સંબંધે તમને વિશેષ કહી શકું નહી તો પણ એક દૃષ્ટાંત તમોને આપું છું તે ઉપર ધ્યાન પહોંચાડશો.

કોઈ એક ગામમાં સ્વાર્થી આંધળાઓ રહેતા હતા ત્યાં કેટલાએક ઠગ લોકો અનાયાસે આવી લાગ્યા. ત્યારે બધા આંધળાઓ લાકડી લઈને ઉઠ્યા કે અંહીથી જતા રહો, ત્યારે ઠગોએ ક્યું કે અમો તો તીરથવાસી છીએ તેથી આજની રાત પડી રહેવા દો. આમ વિંનંતી કરવાથી આંધળાઓએ પડી રહેવા દીધા. ઠગોએ તો ઉત્તમ પ્રકારની રસોઈ બનાવી અને આંધળાઓને પણ જમાડ્યા એટલે આંધળાઓ ખુશ થયા. ઠગોએ રાતના આંધળાઓની ચર્ચા જોઈ તો તેમને જણાયું કે આંધળા પાસે ખુબ પૈસા છે. તે કોઈપણ પ્રકારે લેવા જોઈએ એટલે સવારના આંધળાઓને વિનંતી કરી કે તમો જો આજનો દિવસ અમને રહેવા દો તો આ ગામના સાધુ સંતને અમારે જમાડવા છે. આંધળાએ જાણ્યું કે ઠીક છે સાધુને જમાડશે એટલે આપણને પણ જમવાનું મળશે, તેથી આંધળાઓએ કહ્યં કે ભલે ભાઈ તમારે આવુ ધર્મનું કામ કરવું હોય તો આ જગ્યા તમારી જ છે. આ પ્રમાણે ઠગોએ એક અઠવાડીઉ ત્યાં રહ્યા અને આંધળાઓને આજે બરોબર વિશ્વાસમાં લીધા. જતી વખતે ઠગોએ આંધળાઓને કહ્યં કે અમો તો તીરથ કરવા નીકળ્યા છીએ તમારે પણ તીરથ કરવા આવવું હોય તો અમારી સાથે ચાલો. ત્યારે આંધળાઓએ વિચાર કર્યો કે આ વાત ઠીક છે વગર પૈસે જાત્રા થશે અને સારૂં સારૂં ખાવાનું પણ મળશે તેથી હા કહી. સૌએ પોતપોતાની ખાનગી મીલકત અને જોઈતી સામગ્રી લઈ સૌ ઠગની સંગાથે જાત્રા કરવા રવાના થઈ ગયા. રસ્તે ચાલતા ઘણે દૂર ગયા. પછી ઠગોએ કહ્યું કે; ભાઈઓ, સૌ સાવધાન રહેશો અમને અત્રે ભય લાગે છે આ સ્થળ ચોરોનું છે. માટે અમારી પાસે દ્રવ્ય ઘણુ છે તે અમો કોઈ ઠેકાણે દાટીદેવા વિચાર કરીએ છીએ. તમો સૌ ઉભા રહેશો ત્યારે આંધળાએ વિચાર કર્યો કે, આ તીર્થવાસી શેઠો પોતાના દ્રવ્યનું રક્ષણ કરી  શકશે પણ આપણે શી રીતે કરીશું. આપણે જો દ્રવ્ય આપણી પાસે છે તે દાટીએ તો ફરી આપણને મળે નહીં. માટે આપણી પાસે પણ જે દ્રવ્ય છે તે પણ તેને આપીએ તો સહી સલામત રહેશે. આમ વિચારી આંધળાઓએ કહ્યું કે, અમારી પાસે પણ દ્રવ્ય છે. તે પણ તમે લેતા જાઓ. ત્યારે ઠગમાંથી એક જણાએ કહ્યું કે, ભલે તમારી ઈચ્છા હોય તો અમારે ના નથી. જે આંધળાઓની પાસે જે દ્રવ્ય હતું તે પણ ઠગ લોકોને આપી દીધું એટલે ઠગોએ કહ્યું કે, અમો ખાનગી ઠેકાણે દ્રવ્ય દાટી આવીએ ત્યાં સુધી તમો અત્રેથી ક્યાંય પણ જશો નહીં અને તમારી ભેટમાં પથરા રાખો જે કોઈ આવે ને તમને ફસાવવા પ્રયત્ન કરે તેને પથરા મારજો અને કોઈનું સાભળશો નહીં. આમ કહીં ચોરોની ભેઠોમાં પથરા ઘલાવી ઠગ લોકો દ્રવ્ય લઈ ભાગી ગયા. આંધળાઓ તો ત્યાંના ત્યાં ઉભા ઉભા ઠગની રાહ જોયા કરતા હતા. તેવામાં કોઈ વટેમાર્ગુએ આ આંધળાની ટોળીને ઉભા રહેલા જોયા ત્યાં આવી પૂછ્યું કે સુરદાસ ક્યાં જાઓ છો. જેવો અવાજ કર્યો કે તુર્તજ આંધળાઓએ પથરા ફેંકવા માંડયા વાત સાંભળી નહીં તેથી પાસેના ગામમાંથી માણસોને પેલા વટેમાર્ગુએ જણાવ્યું કે ગામથી થોડે દુર સીમાડે એક આંધળાઓની ટોળી ઉભી છે તે કોઈનું સાંભળતી નથી અને જો કોઈ આપણે શિખામણની વાત અથવા રસ્તો બતાવવાનું કહીએ છીએ તો પથરા મારે છે. તેથી ગામના ઘણા માણસો તેની પાસે ગયા તો તેને પણ આંધળાઓએ પથરા મારવા માંડ્યાં અને કહ્યું કે તમો ચોર છો અમને લુટવા આવ્યા છો. ત્યારે લોકોએ હિંમત કરી તેની પાસે જઈને સમજણ પાડી કે ભાઈઓ તમને આ ખોટી ભ્રમણા છે અમે કોઈ ચોર છે નહીં ત્યારે આંધળાને ખાત્રી થઈ કે, આપણી પાસેથી પૈસા લઈ જનાર તીર્થવાસી કોઈ ઠગ હોવા જોઈએ.”

ભાઈઓ ! આ દ્રષ્ટાંતે સિદ્ધાંત એ છે કે જે ઠગના માટે કહેવામાં આવ્યું છે. તે તમારા સૈયદો અને કાકાઓ છે અને આંધળાની જગ્યાએ તમો ભોળા પાટીદાર છો. તમને ધર્મની ખોટી લાલચો આપી છે, અને કોઈનું ન માનવા તેમજ કોઈનું કંઈ પણ ન સાંભળવા તમને તેણે ભરમાવ્યા છે. તમારા પૈસા લઈ અને તમારા હાથમાં પથરા ઝલાવ્યા છે તમને કોઈ તમારા ધર્મની અથવા વિવેકની વાત કહે છે તો તમો તેના સામા પથરા ફેંકો છો પરંતુ બુદ્ધિથી કંઈ પણ વિચાર કરી શકતા નથી અને તેથી જ તમો આજ દિવસ સુધી ભ્રમણામાં ભટકતા રહ્યા છો હું તમોને છેવટમાં એટલું કહું છું કે દુનિયાના માણસો પોતાની ઉન્નતિ કરવાને વિદ્યા અને અનેક પ્રકારની કેળવણીથી આગળ વધે છે તેમજ તમારે પણ તમારી ઉન્નતિના માટે કેળવણી તથા ધર્મના પવિત્ર ગ્રંથોનું મનન કરવાની જરૂર છે. કરાંચીના “યુવક મંડળે” જેમ લાયબ્રેરી ખોલી છે અને ઉત્તમ પ્રકારનાં પુસ્તકો રાખ્યાં છે તેમ તમો બધા ભાઈઓએ સારા અને કેળવાયેલા માણસોના સહવાસમાં રહી જ્ઞાતિના જે અધમ રીત રિવાજો હોય તેને તીલાંજલી આપી તમારી ક્ષત્રિય જાતીને શોભાવવી જોઈએ. મહાભારત અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું અધ્યયન કરવાની ખાસ જરૂર છે એ ઉત્તમ ગ્રંથોમાં તમોને સંસારીઓના ઉત્તમ જીવનનું સાર્થક કરવાનું સર્વોત્તમ સાધન પ્રાપ્ત થાય એવા ધર્મ અને નીતિથી ભરેલા તે ગ્રંથો તમોએ અવશ્ય વાંચવા અને તમારા ભાઈઓ તેમજ બહેનો ને વંચાવવા હું તમો સઘળાઓને ભલામણ કરૂં છું. હું ભાર મુકીને આપને જણાવીશ કે એક જ આપણા રામાયણ જેવા ગ્રંથમાંથી પણ ઘણું જ ઉત્તમ જ્ઞાન અને મનુષ્ય જીવન તરીકેનો ખરો ધર્મ મળી શકશે અને ઈશ્વર પ્રત્યે યાચના કરું છું કે જે રામ નામના સ્મરણ માત્રથી ઉદ્‌ભવ પામતી જીતેંદ્રિયપણું, સંયમશીલતા અને વીરતાની પવિત્ર ભાવના પ્રત્યેક આર્યસંતાનના હૃદયમાં અપૂર્વ ચૈતન્ય, અપૂર્વ પ્રકાશ, અપૂર્વ ઉત્સાહ પ્રગટાવી રહી છે, જે ભરત અને લક્ષ્મણનાં નામ શ્રવણ માત્રથી ઉદ્‌ભવેલી ભ્રાતૃ ભક્તિની પ્રબળ પ્રેરણા સહસ્ત્ર વર્ષોથી ભારતવાસીઓના અંતઃકરણોમાં અનિર્વચનીય દિવ્યતા પ્રગટાવી રહી છે જે દશરથ રાજાનું આદર્શ પિતા તરીકેનું જીવન આત્મત્યાગ અને પ્રતિજ્ઞા પાલનના જ્વલંત પાઠો  શિખવી રહ્યું છે, જે સતી સીતા અને કૌશલ્યા આદી પતિપરાયણ સન્નારીઓના વિવિધ રંગી મનોહર ચિત્રો આજે પણ શાંત આર્ય ગૃહોમાં અદ્રશ્યપણે નવું બળ અને નવું તેજ અર્પી રહ્યા છે, જે હનુમાનનું કર્મયોગીત્વ ભારતીય સેવાધર્મ અને પ્રભુ ભક્તિની વાસ્તવિક દિશા દર્શાવવા અહર્નિશ પ્રખર દીપ્તિ પ્રગટાવી રહ્યું છે તે મહાવીર હનુમાન તે ભ્રાતૃભક્ત બંધુ ભરત, લક્ષ્મણ તે દેવાંશી વીર શ્રીરામ તે તપસ્વી દશરથ, તે આદર્શ પતિપરાયણ કૌશલ્યા અને સતી સીતા સરખી સન્નારીઓ આપ માનવ બંધુઓને સદા સર્વદા અનંત ધર્મ બળ, નિતી બળ, અને ચરિત્ર બળ અર્પી નિસ્તેજ બનેલા કૂકર્મીઓને દેવ દૂર્લભ સામગ્રી વિભુષિત કરો એજ પરમાત્મા પ્રત્યે મારી વિનંતી છે.

ઉપર પ્રમાણે સ્વામીજીનું બોધદાયક ભાષણ ખલાસ થતાં વીરાણીવાળા ભાઈ નારાયણજી રામજીએ પરિષદના કાર્યની ફત્તેહ ઈચ્છવા માટે તેમજ જ્ઞાતિ હીતનાં કામો કરવા માટે પૈસાની કેટલી જરૂર પડે છે તે જ્ઞાતિબંધુઓને સમજાવ્યું હતું. ત્યારબાદ તે ફંડમાં નાણાં ભરાવવાની શરૂઆત મે પ્રમુખ સાહેબ તરફથી થતાં તે ફંડમાં નીચે પ્રમાણે નાણાં ભરાયાં હતા તે દરમ્યાન એક ખાસ ધ્યાન ખેંચનારી બીના એ બની હતી કે ગામ નખત્રાણાના ભાઈ શીવજી લધા નાકરાણીએ સદરહુ ફંડમાં પોતાના હાથનો ચાંદીનો કઈડો (આશરે ત્રણ—ચાર આનાનો) પરિષદને ભેટ કર્યો હતો. આ ભાઈની જાહેર હિંમત અને જ્ઞાતિ પ્રત્યેની ઉમદા લાગણીના ગઢશીશા વાળા ભાઈ રતનશી કરસને વખાણ કર્યા હતાં અને પરિષદ સમક્ષ તે કઈડાની ઊછામણી કરવામાં આવતાં બે રૂપીયાથી તેની માંગણી રૂા.૨૫ અને પાંત્રીશ સુધી થતાં છેવટે રૂા.૫૦ પચાસ રૂપીયા જેટલી કિંમતે ભાઈ રતનશી કરસનદાસે તે કઈડો પરિષદ પાસેથી ખરીદ કર્યો હતો તેના માટે તેમના સભા તરફથી ખાસ આભાર માનવામાં આવ્યો હતો અને તેમના આવા ઉત્તમ પ્રકારના ઉત્સાહ માટે પ્રસંશા કરવામાં આવી હતી. ફંડમાં નાણાં ભરાવાની હિલચાલ જેવી રીતે નારણભાઈથી પુરુષ વર્ગમાં કરી તેવી જ રીતે સ્ત્રી વર્ગમાં પણ તે જ ભાઈના ધર્મપત્ની, બહેન જમના બહેને પણ કરતા સ્ત્રી વર્ગે પુરૂષોને કેવી રીતે મદદગાર થવું અને પોતાનો ધર્મ અદા કરવો એ  સમજાવીને સ્ત્રી વર્ગમાંથી પણ ફંડ કરવાની શુભ હીલચાલ ઉપાડી હતી અને તેનું જે શુભ પરિણામ આવ્યું અને સ્ત્રી વર્ગના હૃદય પ્રદેશ ઉપર જે અસર થઈ તે નીચેના ફંડમાં જણાતાં જુદી જુદી બહેનોનાં નામ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે.

 

ફંડમાં ભરાયેલા નાણાં.

{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}

૧૨૫

પ્રમુખશ્રી રાજાભાઈ  શામજી, માનકુવા હાલ—મુંબઈ

૧૧

ડોકટર કલ્યાણજીભાઈ ભગવાનજી (કે.બી.) પટેલ કરાંચી.

૧૦૧

પા. નાયાભાઈ શીવજી મુંબઈ.

૫૧

પા. રતનશીભાઈ કરશન મુંબઈ.

૫૧

પા. નાનજીભાઈ પચાણ નાકરાણી  કરાંચીના મંડળના પ્રમુખ — નખત્રાણા

૫૧।

પા. લખુ દોશા પોકાર — નખત્રાણા

૨૫।

પા. હરજી લધાની કું.—  લોડવા

૫૧।

પા. લધા હરજીની કુા. નાકરાણી — કોટડા જડોદર

૧૧

પા. વીશરામ પાંચા ગાંગાણી — વીરાણી

૨૫।

પા. શીવજી લધા રવાપુરવારા એન્ડ  કરસન હંસરાજની કુા.—વીરાણીવાળા

૨૫।

પા. કાનજી રામજી પારસીયા ક. — નખત્રાણા

૨૦।

પા. જેઠા નથુ નાકરાણી  — દેવીશર

૧૧

પા. રામજી ભીમજી ગોગારી — વીરાણી

૨૫।

પા. નાનજી વીશરામ નાકરાણી —  નેત્રા હાલે સેધાતપુર

૨૫।

પા. રતના પેથા કુા. રવાપુરવાળા  નાકરાણી

૨૫।

પા. રતનશી ખીમજી ખેતાણી — વીરાણી

૧૧

પા. મેગજી ભાણજી — દેવીશર હાલે  મુંબઈ

૨૫।

પા.  શીવજી લધા નાકરાણી — નખત્રાણા

૨૦

પા. દેવશીભાઈ નારણ — કાઠીઆવાડ  હાલે કરાંચી

૨૫।

સૌ. બહેન જમનાબાઈ મીસ્ત્રી નારાણજી  રામજીભાઈના ધર્મ પત્ની

૨૫।

સૌ. બહેન ધનબાઈ પ્રમુખશ્રી રાજાભાઈ     શામજીના ધર્મ પત્ની

૨૫।

સૌ. બહેન કુંવરબાઈ પા. નાયાભાઈ  શીવજીના ધર્મ પત્ની

૧૦।

બહેન દેવકુવરબાઈ પા. નાયાભાઈ  શીવજીના પુત્રી

૧૦।

બહેન વેલબાઈ પ્રમુખશ્રી રાજાભાઈ  શામજીના પુત્રી

પા. રામજી લધા દયાપુર નાકરાણી

પા. વસરામ નાનજી નખત્રાણા

પા. રઈઆ ખીમા નાકરાણી—  નેત્રા

પા. હીરા કાનજી — મથલ

પા. જેઠા રામજી બાથાણી — વીરાણી

પા. કરશન માના ખેતાણી — વીરાણી

૫।

પા. હરજી વીરજી સોમજીઆણી —  વીરાણી

૫।

પા. ભાણજી જીવા સેંગાણી — નખત્રાણા

પા. વીરજી કરશન સેંગાણી — નખત્રાણા

પા. ડાયા ગોપાલ ગોગારી — વીરાણી

પા. હંસરાજ નારણ — કોટડા

પ।

પા. કાનજી વીરજી સોમજીઆણી —  વીરાણી

૫।

પા. દાના કરશન પાંચાણી — નખત્રાણા

૧૦।

પા. રામજી ખેતા કેશરાણી—  નખત્રાણા

પા. ગંગદાશ દેવજી — ખેડોઈ કોટડા

૧૦।

પા. ડાયા લખુ રૂડાણી — નખત્રાણા

૫।

પા. વેલજી ગોપાલ શાંખલા — દેશલપુર  (આથમણી)

પા. ગોપાલ રામજી બાથાણી — વીરાણી

૧૦।

પા. માવજી જશા છાભૈયા કું. —કોટડા  જડોદર

પા. અરજણ નારણ ધોળુ — વીરાણી

પા. વાલજી અબજી દાનાણી —  નખત્રાણા.

પા. વેલજી રૂડા દાનાણી — નખત્રાણા.

પા. કરશન દાના પોકાર — ગઢશીશા

પા. રામજી કાનજી ચૌધરી — ઘડુલી

૧૦।

પા. ખેતા પચાણ નાકરાણી — નખત્રાણા.

પા. કરશન વીરજી પ્રેમજી — વીરાણી

પા. પુંજા નારણ પોકાર — વીરાણી

પા. નાનજી ખેતા કાનજીઆણી —  વીરાણી.

પા. રતના વીરજી — દેશલપુર  (ઉગમણા).

પા. માધા શીવજી — દેશલપુર  (ઉગમણા).

૨।

પા. રઈઆ નાગજી ચૌધરી — નખત્રાણા

૨॥

પા. કરમશી દેવશી છાભૈયા —  દેવીશર

સૌ. બહેન લાછબાઈ પા. પ્રેમજી હરજી  દેશલપુર આથમણા વાળાના ધર્મ પત્ની.

પા. મેગજી  કાનજી — મમાયમોરા વાળા

૧૦।

પા. નથુ મનજી તથા જીવા હીરજી  ઉકાણી— માનકુવા

૧૫

પા. ખીમા  શીવજી રામાણી — મંગવાણા

પા. પેથા ……… —  નખત્રાણા

પા. લાલજી મનજી……………. —  રવાપુર

૫।

અરજણ દેવજી ……………. —  રવાપુર

૭॥

પા.માવજી પરબત………………  વીરાણી

પા. નથુ માવજી ……. — વીરાણી

દેવજી નાનજી પાંચાણી — નખત્રાણા

૨।

નારણ જેઠા સતસંગી — અંગીઆ.

પા. રઈઆ મેગજી સતસંગી — ઘડાણી

૨।

પા. જેઠા દેવશી સતસંગી — રવાપર

૨।

પા. વાલજી નાગજી સતસંગી — ઘડાણી

૨।

પા. ભીમજી લાલજી ગોગારી સતસંગી —  ઘડાણી

પા. લખુ કચરા પોકાર — રવાપર

પ।

પા. શીવજી રૂડા સતસંગી —ઘડાણી

પ।

પા. વીશરામ પેથા સતંસગી — ઘડાણી

પ।

પા. જીવરાજ ખેતશી — ઘડાણી હા.  કેશરા લધા પોકાર — ઘડાણી

૧।

પ્રેમજી નાગજી સતસંગી — ઘડાણી

૧।

પા. માવજી નારાણ સતસંગી — ઘડાણી

પા. કાનજી રૈયા — મથલ

પા. કાનજી રઈઆ કેશરાણી — નખત્રાણા

૨।

પા. મનજી  શીવજી સતસંગી — દયાપુર

પા. હંશરાજ કરશન સાંખલા — ઐયર

૨।

પા. પેથા શવગણ ડાયાણી — નખત્રાણા

ર।

પા. મેગજી કુંવરજી — કાઠીઆવાડી

પા. ધનજી પાંચા માંકાણી — નેત્રા

૧।

સૌ. બહેન મેગબાઈ પા. રતનશી  શીવજી રવાપુરવાળાના ધર્મપત્ની

૧૦।

સૌ. બાઈવાલબાઈ કરાંચીના મંડળના  પ્રમુખ નાનજી પચાણના ધર્મપત્ની

સૌ. બહેન કંકુબાઈ પા. ખીમજી શીવજી  મગવાણાના ધર્મપત્ની.

૨।

સૌ. બહેન કંકુબાઈ -કરાંચીના મંડળના સેક્રેટરી શીવજી કાનજી પારસીયા

નખત્રાણાના ધર્મપત્ની

સૌ. બહેન સેજબાઈ પા. કેશરા દેવશી — દેવીસરવારાના ધર્મપત્ની

૨॥

સૌ. બહેન લખમાબાઈ પા. વિશ્રામ પાચા ગાંગણી વીરાણીવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન કેશરબાઈ પા. ખેતા પચાણ  નાકરાણી નખત્રાણાવાળાના ધર્મપત્ની

૦।

બાઈ ભાણબાઈ પા. ડાયા ગોપાલ  ગોગારી વીરાણીવાળાના માતુશ્રી

૧।

સૌ. બહેન ભચીબાઈ પા. શીવજી પચાણ  દેશલપુર આથમણા વારા ના ધર્મપત્ની

બાઈ કેશરબાઈ પા. વીરજી કરશન  સેંગાણી નખત્રાણાવાળાના માતુશ્રી

૧।

સૌ. બહેન ભચીબાઈ પા. દેવજી ભીમજી  ગોગારી વીરાણીવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન પાનબાઈ પા. રામજી શામજી  નાકરાણી રવાપુરવાળાની ધર્મપત્ની

૧।

સૌ. બહેન વાલબાઈ પા. લાલજી  શામજી નાકરાણી રવાપરવાવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન માનબાઈ પા. હરજી વીરજી  શોમજી વીરાણીવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન જમનાબાઈ પા. વાલજી લખુ  પોકાર નખત્રાણાવાળાના ધર્મપત્ની

૨।

સૌ. બહેન કુંવરબાઈ પા. અખઇ ખેતા  કાનાણી રવાપરવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન દેવકીબાઈ પા. શીવજી લધા  નાકરાણી નખત્રાણાવારાના ધર્મપત્ની

૨।

પા ગંગાદાસ પેથા — સાંયરા

૧।

સૌ. બહેન હીરબાઈ પા. કરશન  હંસરાજ અખઇઆણી વીરાણીવાળાના ધર્મપત્ની

૧।

પા. વાલજી મેઘજી દાનાણી — નખત્રાણા

૦।

સૌ. બહેન રતનબાઈ પા. તેજા પરબત  છાભૈયા કોટડાવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન કુંવરબાઈ પા. ભાણજી જીવા  સેંગાણી નખત્રાણાવાળાનાં ધર્મપત્ની

૧।

પા. વીરજી ખેતા દાનાણી — નખત્રાણા

સૌ. બહેન પા. માવજીભાઈ માસ્તર  કાઠીઆવાડીના ધર્મપત્ની

૨॥

પા. શીવજી કરશન રતનાણી — રવાપુર

૨।

સૌ. બહેન કુંવરબાઈ પા. રામજી  ભીમજી ગોગારી વીરાણીવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન રામબાઈ પા વીરજી લખુ  રૂડાણી નખત્રાણાવાળાના ધર્મપત્ની

પા. દેવજી જેઠા — ધાવડાવાળા

૧।

સૌ. બહેન લખમાબાઈ પા. ભાણજી  ડાયા રૂડાણી નખત્રાણાવાળાના ધર્મપત્ની

૧।

સૌ. બહેન દેવકીબાઈ પા. વેલજી દાના  પાંચાણી નખત્રાણાવાળાના ધર્મપત્ની

૧।

પા. રૈયા ભીમજી વીથોણવાળા

૧૦

સૌ. બહેન કાનબાઈ રતનશી કરશન  મુંબઈવાળાના ધર્મપત્ની

સૌ. બહેનપુરીબાઈ પા. નારણ શીવજી  લીંબાણીવાળાના ધર્મપત્ની

૫।

પા. માવજી દેવસી— વીથોણ

૨।

સૌ. બહેન મરગાંઈબાઈ પા. લધા હરજી  નાકરાણી કોટડાવાળાની ધર્મપત્ની

૨।

પા. રવજી દાના છાભૈયા લોડવાવાળા

સૌ. બહેન પાનબાઈ પા. મેગજી પરબત  છાભૈયા કોટડાવાળાના ધર્મપત્ની

૧।

પા. શોમજી અખઈ ધાવડાવાળા

૧।

પા. કુંવરજીભાઈ કાઠીઆવાડી

૧।

પા. મનજી હીરજી કાઠીઆવાડી

પા. લાલજી નથુ કાઠીઆવાડી

૧।

બહેનજાનબાઈ પા. કાનજી ભીમજી  પોકાર ધાવડાવાળાના માતુશ્રી

૧।

પા. શવદાશ શવજી — રવાપુર

પા. કચરા કરશન દીવાણી — વીરાણી

૧૦

પા. કાનજી ગોપાલ કું. દેશલપર  આથમણા

૨।

પા. પ્રેમજી ભીમજી દેશલપુર ઉગમણા

હીરજી ગોપાલ — મગવાણા

પા. માવજી દાના સતસંગી — ઘડાણી

પા. રામજી રઈઆ કાનજીઆણી —  વીરાણી

પા. બહેન ધનબાઈ પા. રામજી રાજા નાકરાણી વીરાણીવાળાના

માતુશ્રી વીંટી એક રૂપાની  પા.  શીવજી લધા નાકરાણી

નખત્રાણાવાળા તરફથી ભેટ

૫૦

ભાઈ રતનશી કરશન મુંબઈવાળાએ વીંટી વેચાણ રાખી તેના

પા. કાનજી લધા જાદવાણી — રવાપુર

પા. વીરજી તેજા — હમીરપુર

પા. વિશ્રાણ મેઘજી — નાગવીરી

પા. માવજી રામજી નાકરાણી —  નેત્રા

પા. કરમશી વાલજી ભગત — નેત્રા

૬॥ ૦॥

પા. અબજી મનજી સેંગાણી  નખત્રણાવાળા

૧૨૨૪॥=॥

 

૧॥

પા. ડાયા દાના પાંચાણી — નખત્રાણા

——————————

૧૨૨૬=॥

 

          ઉપર પ્રમાણે ફંડમાં નાણાં ભરવાનું કાર્ય ઘણા જ ઉત્સાહ વચ્ચે ચાલ્યું હતું જેની સમાપ્તિ થતાં મે. પ્રમુખ સાહેબે નીચે જણાવેલા ઠરાવો રજુ કર્યા હતા અને તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.

ઠરાવ ૭ મો.           (પ્રમુખસ્થાનેથી)

          “આપણી હિન્દુ ગણાતી જ્ઞાતિઓમાં મરણ વખતે અગ્નિદાહ કરવાનો રિવાજ પ્રચલિત છે અને આપણી જ્ઞાતિ પણ ક્ષત્રિય વર્ણની હોવા છતાં આપણા કેટલાક કચ્છ અને કરાંચીમાં રહેનારા ભાઈઓ અગ્નિસંસ્કાર કરવાને બદલે દફનાવી દેવાનું કરે છે જેથી મુંબઈ, કલકત્તા, નાગપુર, સિંધ અને દક્ષિણ હૈદરાબાદ અને સખરમાં રહેનારા તેમજ કચ્છમાં રહેનારા આપણા થોડા ભાઈઓ જેઓ અગ્નિસંસ્કાર કરે છે તેમને ઘણું શરમાવું પડે છે.                                    તેથી આ સભા આપણી જ્ઞાતિના દરેક ભાઈઓને આગ્રહ પૂર્વક વિનંતી કરે છે કે આપણા દરેક ભાઈઓએ પોતાના હિન્દુ ધર્મ પ્રમાણે અગ્નિસંસ્કારની ક્રિયા કરવી અને જેઓ દફનાવી દેવાનું કરે છે તેમની પાસે પણ અગ્નિસંસ્કારની ક્રિયા આગ્રહપૂર્વક કરાવવી એવો આ પરિષદ ઠરાવ કરે છે.”

ઠરાવ ૮ મો.      (પ્રમુખસ્થાનેથી)

          “આપણી સમસ્ત જ્ઞાતિની એક મોટી પરિષદ જે “શ્રી કડવા પાટીદાર પરિષદ” ના નામે સુપ્રસિદ્ધ છે અને તે આપણી જ્ઞાતિની દરેક પ્રકારે ઉન્નતિ સાધવાનો અથાગ પરિશ્રમ આજે લાંબા વખતથી ઉઠાવી રહી છે તે મહાન પરીષદના પગલે ચાલી તેના દરેક ઉપદેશો અને ઠરાવો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો આ સભા ઠરાવ કરે છે.”

ઉપર જણાવેલા ઠરાવો તાળીઓના ગગડાટ વચ્ચે પસાર થતાં એક ખાસ જરૂરી ઠરાવ નીચે જણાવેલો વીરાણીવાળા ભાઈ નારાયણજી રામજીભાઈ તરફથી રજુ કરવામાં આવ્યો હતો.

ઠરાવ ૯ મો.       (પ્રમુખસ્થાનેથી)

          “આપણી જ્ઞાતિનો એક સારા જેવો ભાગ વડોદરા રાજ્યમાં સેના ખાસખેલ સમશેર બહાદુર શ્રીમંત મહારાજા ગાયકવાડ સરકાર સર સિવાજીરાવ મહારાજના રાજ્યમાં આબાદી ભોગાવે છે તે રાજ્યની પ્રજાના હિતાર્થે શ્રીમંત મહારાજા તરફથી કેટલાક ખાસ કાયદાઓ જેવાં કે ફરજીયાત કેળવણી અને “બાળલગ્ન પ્રતિબંધક નિબંધ” વગેરે ઘડવામાં આવ્યા છે જેથી આપણી જ્ઞાતિ દિનપ્રતિદિન આગળ વધી દરેક પ્રકારે આબાદ થતી જાય છે પરંતુ દશ બાર વર્ષ જેટલી લાંબી મુદતે આપણી જ્ઞાતિમાં લગ્ન કરવાનો પ્રથમ રિવાજ હોવાથી બાળલગ્ન અટકાવનારા કાયદાની કલમ ૨ ની રકમ ૮ નો અપવાદ આપણી  જ્ઞાતિને લાગુ પડે છે એવું સમજી જ્ઞાતિના આગેવાનો તે અપવાદનો લાભ લઈ બાળલગ્નને ઉત્તેજન આપતા હતા પરંતુ આપણી ગુજરાતની મોટી જ્ઞાતિ સમસ્તની પરિષદે તે નામદારને વારંવાર ઠરાવો દ્વારા અર્જ કરવાથી તે અપવાદનો લાભ આપણને મળશે નહિ અને બાળલગ્ન અટકાવાનો કાયદો આપણી જ્ઞાતિને સંપૂર્ણ રીતે લાગુ પાડવામાં આવશે એવું તે નામદારની સરકાર તરફથી પ્રસિદ્ધ થવાથી આપણી જ્ઞાતિમાં થતાં બાળલગ્નો અટકી ગયાં છે અને આ વખતે તે નામદાર ની પ્રજામાં એક પણ બાળલગ્ન થયું નથી. આવા પ્રકારની શ્રીમંત મહારાજાની આપણા પ્રત્યેની ખાસ લાગણી હોવાને લીધે ક અપવાદનો ગેરલાભ લેતા આપણને અટકાવી આપણાં જીવન ઉચ્ચ પ્રકારનાં બને તે માટે તે નામદારે જે દીર્ઘદ્રષ્ટિ વાપરવાની આપણી પછાત કોમ ઉપર કૃપા કરી છે તે ખાતર આ પરિષદ તે નામદારનો અંતઃકરણપૂર્વક ઉપકાર માને છે અને શ્રીમંત મહારાજનું સહકુટુંબ દીર્ઘાયુષ્ય ઈચ્છે છે.”

          લગ્ન સંબંધી રિવાજ અને જુદા જુદા ઠેકાણાના આપણી જ્ઞાતિના સંયોગો સમજાવતાં ભાઈ નારાયણજી રામજીભાઈએ ઉપરના ઠરાવની પુષ્ટિમાં એક જાણવા લાયક વિવેચન કરી ઠરાવની મહત્તા સમજાવી હતી અને આ ઠરાવની બાબતમાં જ્ઞાતિના કેળવાયેલા અને સમજુ વર્ગે અત્યાર સુધી જે પરિશ્રમ ઉઠાવ્યો છે તેની યાદ આપતાં શ્રોતા વર્ગ ઉપર તેની સારી અસર થઈ હતી ત્યારબાદ મે. પ્રમુખ સાહેબે ઉપરનો ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો જાહેર કર્યો હતો.

ઠરાવ ૧૦ મો.        (રજાુ કરનાર ભાઈ નાયા શીવજી—વીરાણી)

          આપણા પરમ પ્રિય જ્ઞાતિ ભક્ત ભાઈ પુરૂષોત્તમદાસ લલુભાઈ વિરમગામવાળા જેઓ આપણી સમસ્ત જ્ઞાતિ પરિષદના જનરલ સેક્રેટરી હતા અને “કડવા વિજય” માસિકના જેઓ આદ્યતંત્રી હતા તે ભાઈએ આપણી જ્ઞાતિની ઉન્નતિ અર્થે એક કર્મયોગીની યથાર્થ દશામાં રહી જીવંત પર્યંત જે જ્ઞાતિ સેવા ઉઠાવી છે અને તેમાં પણ ગુજરાતથી ઘણે દૂર વસેલી આપણી કચ્છની જ્ઞાતિને આગળ વધારવા અંતઃકરણની ખાસ ઉલટથી જે કાર્ય કર્યું છે તે ખાતે આપણી કચ્છની જ્ઞાતિ તે ભાઈની હંમેશની ઋણી રહેશે, આપણી જ્ઞાતિમાં અનેક વિદ્વાનો અને આગેવાનો તેમજ શ્રીમંતોનો મોટો વર્ગ હોવા છતાં તે અદ્વિતિય કર્મવીર બંધુની જે અકાળે ખોટ પડી છે તે પુરી શકાઈ નથી એવો આ સભાનો અભિપ્રાય છે.

          અત્યાર સુધીમાં નહીં જન્મેલા એવા આ પરમ પ્રિય જ્ઞાતિ ભક્તની યાદગીરી કાયમ રાખવાના ઠરાવો પસાર થયેલા હોવા છતાં તે તરફ જ્ઞાતિના ગૃહસ્થ, વિદ્વાન અગર સમજુ વર્ગ તરફથી કોઈ કાર્યસાધક પગલાં ભરવામાં આવ્યાં નથી તે ખાતે આ સભા પોતાનો ખેદ જાહેર કરે છે અને તે કાર્ય સત્વર ઉપાડી લેવા “શ્રી કડવા પાટીદાર પરિષદ”ના વ્યવસ્થાપકો, આગેવાનો અને દિલસોજ મેમ્બરોને ભલામણ કરે છે અને સદ્‌ગત કર્મવીર બંધુના કોઈ પ્રકારના સ્મારકમાં યથાશક્તિ મદદ કરવાનો આ સભા ઠરાવ કરે છે.

          ઉપરનો ઠરાવ નાયાભાઈએ ગદ્‌ગદિત કંઠે રજુ કરતાં સદ્‌ગત ભાઈની જ્ઞાતિ ભક્તિના બદલામાં આપણે શું કર્યું છે તેની યાદ આપી હતી અને મર્હુમે કચ્છ દેશની આપણી જ્ઞાતિ પ્રત્યે મરણ પર્યંત જે લાગણી ધરાવી જ્ઞાતિ સેવા કરી હતી તેનાં વખાણ કર્યા હતા. ત્યારબાદ ભાઈ રતનશી કરશન ગઢશીશાવાળાએ સદ્‌ગત પુરુષોત્તમભાઈ વિષેનો પોતાની જાતના પરીચયથી મર્હુમની કચ્છ દેશના જ્ઞાતિ બંધુઓ માટે જે લાગણી હતી અને કચ્છમાં આવી સેવા બજાવાની તેમની ઉત્કંઠા હતી તે કહી સંભળાવી. તેમના અકાળમૃત્યુ માટે ખેદ જાહેર કરતાં એવા વીર બંધુના સ્મારકની યોજનામાં મદદ કરવાની ફરજ કહી બતાવી હતી. ત્યારબાદ યુવક મંડળના સેક્રેટરીએ પણ આ ઠરાવની પુષ્ટીમાં પોતા તરફથી ફરજ બજાવાની બાબત સમજાવતાં આ ઠરાવ સર્વાનુમતે પસાર થયેલો પ્રમુખ સાહેબ તરફથી જાહેર થયો હતો. ત્યારબાદ નીચેનો ઠરાવ રજુ કરવામાં આવ્યો હતો.

ઠરાવ ૧૧ મો.        (રજાુ કરનાર ભાઈ નાનજી પચાણ — નખત્રાણા).

આપણી જ્ઞાતિના પંચના પૈસાનો આગેવાન ગેઢેરાઓ ઘણો જ દુરૂપયોગ કરે છે એટલું જ નહિ પણ વ્યાજબી રીતે તેઓ આપણા જ્ઞાતિના પૈસાની, કેવી વ્યવસ્થા થાય છે તે આપણને બતાવતા નથી જેથી આ સભા આગેવાનો પાસે આપણા જ્ઞાતિ પંચના પૈસાનો જે વહીવટ છે તેનો આજ દિવસ સુધીનો હિસાબ બહાર પાડે તો આપણી જ્ઞાતિના દરેક ભાઈઓ જાણી શકે એવી વ્યવસ્થા કરવાને આગેવાન ગેઢેરાઓને આ સભા વિંનતી કરે છે અને સાથે સાથે આગેવાનોને નમ્રતાપૂર્વક અરજ કરે છે કે, જો તેઓ પોતા પાસેનાં જ્ઞાતિનાં નાણાંનો હિસાબ નહીં બતાવે તો આ સભા દિલગીરી સાથે જાહેર કરે છે કે જ્ઞાતિ પંચના નાણાંનો વહીવટ જોવાને માટે નામદાર મહારાવ શ્રી ખેંગારજી શવાઈ બહાદુરની કોર્ટનો આશરો લેવામાં આવશે. જેથી કોઈપણ જ્ઞાતિભાઈને કોર્ટનો આશરો લેવો ન પડે તેના માટે આગેવાનો ગેઢેરાઓને આ સભા વિનંતી કરે છે.”

સદરહુ ઠરાવ ઉપર વિવેચન કરતાં ભાઈ નાનજી પચાણે જ્ઞાતિના આગેવાનો પૈસા કેમ ઉડાવે છે તે સમજાવ્યું હતું. તેમજ તેને ટેકો આપનાર ભાઈ કાનજી રામજી તથા ભાઈ લધા હરજી ગામ કોટડા, જડોદરવાળા કરશન તથા ડાહ્યાભાઈ લખુએ પણ જ્ઞાતિના પૈસાની કેમ બરબાદી થાય છે તે સમજાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબે ઠરાવ ઉપર ઘટતું વિવેચન કરી પસાર થયેલો જાહેર કર્યો હતો.

ઠરાવ ૧૨ મો.             (રજાુ કરનાર રતનશી ખીમજી વીરાણીવાળા).

આ સભામાં પસાર થયેલા ઠરાવોનો અમલ કરવાની અને યોગ્ય સ્થળે તે મોકલી આપવા અને પરિષદનો ઉદ્દેશ બર લાવવાનું કાર્ય કરવા અને તે પૂરતું ખર્ચ કરવાની આ બેઠકના પ્રમુખ અને કરાંચીના યુવક મંડળના વ્યવસ્થાપકોને સત્તા આપવામાં આવે છે.”

ઉપરના ઠરાવને ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણીએ ટેકો આપ્યો હતો જેને દેવીસરવાળા ભાઈ મેઘજી ભાણજીએ અનુમોદન આપતાં પસાર થયેલો જાહેર થયો હતો.

ઠરાવ ૧૩ મો.   (પ્રમુખ સ્થાનેથી)

આ પરિષદના કાર્યમાં જ્ઞાતિસેવા ઉઠાવીને સ્વયંસેવકોએ જે ઉપકાર કર્યો છે તેમજ તેમના કેપ્ટન ભાઈ શીવજી લધાએ બેઠકના કાર્યમાં શાંતિ જળવાઈ રહે તેની બાહોશીથી જે કાળજી રાખી જ્ઞાતિસેવા બજાવી છે તે ખાતે તેમનો પરિષદ આભાર માને છે, તેમજ આ પરિષદમાં ભાગ લેવા મુંબઈ જેવા  દૂરના પ્રદેશોમાંથી અત્રે પધારેલા મેમ્બરોના ઉતારાની તેમજ હરવા ફરવાની ઉત્તમ પ્રકારે સગવડ કરવામાં શેઠ વાલજીભાઈ ચના ઉમ્મરશી તથા શેઠ નાથાભાઈ કુંવરજીએ આપણને જે સહાય કરી છે અને આપણી જ્ઞાતિની ઉન્નતિ થાય તે પ્રકારે આપણને પ્રસંગોપાત મદદ કરી છે તે ખાતે આ સભા તે શેઠ સાહેબોનો ઉપકાર માને છે. તદુપરાંત આ હીલચાલ પ્રત્યે ખાસ અંતઃકરણની લાગણીથી આપણને સન્માર્ગે દોરવા માટે ભાઈ શ્રી કે. બી. પટેલે જે પ્રસંગોપાત ઉમદા બોધ આપીને પોતાની હાજરીથી આ સભા પ્રસંગને શોભાવ્યો છે તે ખાતે તેમનો આ પરિષદ આભાર માને છે.” (તાળીઓ)

ઠરાવ ૧૪ મો. (રજાુ કરનાર ભાઈ રતનશી ખીમજી વીરાણી).

          “મુંબઈ જેવા દુર સ્થળેથી અનેક અગવડો વેઠી અત્રે પધારી આ સભાનુ પ્રમુખસ્થાન સ્વીકારી મે. પ્રમુખ સાહેબ રાજાભાઈ શામજીએ એ દીર્ઘદ્રષ્ટીથી આ સભાનું કાર્ય ચલાવ્યું છે અને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ આપીને આપણને સન્માર્ગે દોર્યા છે તે ખાતે આ સભા મે. પ્રમુખ સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. તેમજ સ્વામી શ્રી રેવાનંદજીએ આપણી જ્ઞાતિ ઉપર અનહદ ઉપકારી કરી પોતાનું જીવન આપણી ઉન્નતિના કાર્યમાં અર્પણ કર્યું છે અને આપણને સશાસ્ત્ર સ્વધર્મે વહન કરવા જે ઊમદા બોધ આપી જ્ઞાતિ ઉન્નતિ જોવા ઉત્કંઠા ધરાવે છે તે ખાતે આપણી જ્ઞાતિની આ સભા સ્વામીજી મહારાજનો અંતઃકરણની ઉંડી લાગણીથી આભાર પ્રદર્શીત કરે છે.”

          ઉપરના ઠરાવને ભાઈ નારાયણજી રામજીએ ટેકો આપતાં સ્વામીજીના ગુણાનુવાદ ગાયા હતા અને આપણી જ્ઞાતિ પ્રત્યે  તે મહારાજ  શ્રી જે લાગણી ધરાવે છે તેની ઉંડી છાપ પાડી હતી. ઠરાવને અનુમોદન આપનાર ભાઈ રતનશી શીવજીએ પણ મે. પ્રમુખ સાહેબ અને સ્વામીજીનો આભાર માનવાની ફરજ સમજાવી હતી અને તાળીઓના ગગડાટ વચ્ચે મે. પ્રમુખ સાહેબે કામકાજના ઉપસંહારમાં પોતાના તરફથી નીચે મુજબ વિવેચન કર્યુ હતું.

          જ્ઞાતિબન્ધુઓ અને બહેનો આપણી આ સભાનું કામકાજ આવડી મોટી સંખ્યામાં બધા ભાઈઓની હાજરીમાં સુલેહ સંપથી નિર્વિઘ્ન પાર ઉતાર્યું છે તેના માટે હું ભગવતી દેવી ઉમિયા માતાની કૃપા સમજું છું.

          સભામાં જે જે ઠરાવો સર્વાનુમતે પસાર થયા છે તે ઘણા જ અગત્યના અને જ્ઞાતિ હીતના છે. સભામાં બોલનાર ભાઈઓએ પણ રીતરાગમાં રહી, પોતાના ભાષણોની ઉંડી અસર કરાવી જ્ઞાતીમાં જે સડો છે તે દૂર કરવા પોતાના વિચારો જાહેરમાં બોલવાના માટે હું તેઓને ધન્યવાદ આપું છું. આજે જ્યાં જોશો ત્યાં સુધારાની ચળવળ ચાલી રહી છે. વાણીયા બ્રાહ્મણથી માંડીને છેક ઢેઢભંગીની જ્ઞાતિમાં પણ સુધારા થવા માંડ્યા છે. તો પછી આપણી કણબી જેવી ક્ષત્રિય જ્ઞાતિમાં સુધારા થવાની ખાસ જરૂર છે અને એ આપણે સમજી શક્યા છીએ અને થોડા જ વખતમાં આપણી જ્ઞાતિમાં જે ચળવળ ચાલી રહી છે,અને જુવાનીઆઓના હૃદયમાં જ્ઞાતિ ભક્તિનાં અંકુરો ફૂટ્યાં છે તે જોઈ મને ચોક્કસ ખાત્રી થાય છે કે જાુના વિચારવાળા આગેવાનો હજી પણ જો પોતાનો ખોટો મમત નહીં ત્યાગે તો તેઓને ચોક્કસ પસ્તાવાનો જ વખત આવવાનો છે. આજ દિવસ સુધી આપણી જ્ઞાતિના યુવકોએ મીટીંગો અને સભાઓ ભરી છે. તેનું રૂડુ પરીણામ આ કરાંચી પરીષદમાં દેખાય છે. મને પોતાને પણ નવાઈ લાગે છે કે આપણી જ્ઞાતિ આટલે સુધી આગળ વધી છે તો હવે તેને સૈયદો ઠગીને ખાઈ જાય એમ તો હવે બનશે નહીં આગેવાનો જે જુલ્મ કરે છે તેઓના જુલ્મને સામે થવાને આ સભામાં ઘણા ભાઈઓ મારી નજરે દેખાય છે અને તે ભાઈઓના હૃદયમાં તેમજ તેમના તેજસ્વી ચેહરાઓમાં સત્યતા અને વીરતાની જે ઝાંખી થાય છે. તે ઉપરથી પણ હું કહી  શકું છું કે આગેવાનોનો જુલ્મી દોર હવે ચાલવાનો નથી, માફ કરજો મેં પણ એજ આગેવાનો સાથે રહી ગેઢેરાપણું કર્યું છે. પરંતુ મારા પોતાના અનુભવ પ્રમાણે પણ હું કહી શકું છું કે જ્ઞાતિમાં શુદ્ધ ન્યાય નથી.પક્ષાપક્ષનું બંધારણ જબરદસ્ત છે અને તેમાં થોડાક જ આગેવાનો કલંક વગરના છે ત્યારે મોટો ભાગ કલંકવાળો છે. એ કલંકી માણસો સાચા અને સત્યવાનની પાસે ક્યાં સુધી ટકી રહેશે આગેવાનો પોતાના કૃત્યોથી જ પાછા પડવાના છે એ વાત નીસંશય છે અને સભામાં તે સંબંધે ઘણું કહેવાઈ ગયું છે મારી તો ખાત્રી થઈ ગઈ છે કે આ સભામાં જ્યારે મારી માતાઓ અને બહેનોએ સંપૂર્ણ રીતે ભાગ લઈ જ્ઞાતિના હીતમાંની પોતાની ઉન્નતી થવાના કાર્યમાં સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવી પોતાથી જે બન્યુ તે પૈસાની અંગે મદદ આપી છે એ જ આપણો વિજય થયો છે એમ હું માનું છું. આ પરીષદ ભરાયા પહેલાં ઘણી સભાઓ મળી છે. પરંતુ આવી અપૂર્વ ગંજાવર સભા તો આ પહેલી જ છે, અને તે સભામાં આવું ઉત્તમ પ્રકારનું કામ થયેલું જોઈ મને અત્યંત આનંદ થયો છે. કરાંચીના ભાઈઓના ઉત્સાહના માટે તેમજ તેઓએ કાર્ય કુશળતા વાપરી સભાની જે સગવડોમાં લેશ માત્ર પણ ન્યુનતા નથી આવવા દીધી તેના માટે તેઓને ખરેખરો ધન્યવાદ ઘટે છે એટલું જ નહીં પણ કરાંચીના ભાઈઓએ બાર ગામથી પધારેલા ભાઈઓનો સત્કાર કરવામાં જે ભાવ અને દીર્ઘદૃષ્ટી વાપરી મહેમાનગીરીનું દૃષ્ટાંત તાદ્‌શ્ય કર્યું છે. તે ખાતે ખરેખર સમસ્ત જ્ઞાતિની પ્રતિનિધી રૂપ આ સભા તેમને ધન્યવાદ આપીને જ બેસી રહેશે નહી, પરંતુ જ્યારે આવા પ્રસંગો ઉપસ્થિત થશે ત્યારે ત્યારે કરાંચીમાં વસ્તા આપણા જ્ઞાતિ ભાઈઓની જ્ઞાતિભક્તિ તેના હૃદયપટ ઉપર તરી આવ્યા સિવાય રહેશે નહીં. કરાંચી શહેરમાં વસ્તા ભાઈઓ ભાગ્યશાળી હોવાનું કારણ મને તો એમ સમજાય છે કે એક સંપ અને શુદ્ધ હૃદયના સંકલ્પો ધારેલું કાર્ય સાધી શકે છે. સમય ઘણો થયો છે તો પણ સભામાં બેઠેલા ભાઈઓ બધા ઉમંગી જણાય છે. એજ આ કાર્યની સફળતા પ્રત્યક્ષ થયેલી માની શકાય છે. છેવટે હું આપ સઘળા ભાઈઓ તેમજ બહેનો અને આપણા કાઠીયાવાડ ગુજરાતના લેવા ભાઈઓએ સભામાં દરરોજ હાજરી આપવા ઉપરાંત પોતાથી જે બન્યું તે યથાશક્તિ પૈસાની મદદ કરી જે ફંડમાં નાણાં આપી પોતાની ફરજ અદા કરી છે તેના માટે હું તે સઘળા ભાઈઓ તેમજ બહેનોનો ઉપકાર માનું છું અને જગ નિયંતા ભગવતીદેવી ઉમિયામાતા પાસે પ્રાર્થના કરું છું કે આવા જ યશસ્વી જ્ઞાતિ હિતના કાર્યો કરવાની અમારા દરેક જ્ઞાતિબંધુને સદ્‌બુદ્ધિ આપો અને સર્વનું કલ્યાણ થાઓ. 

ધનાશ્રી.

જય જય પુરણ કામ, ગીરીજા જય જય પુરણ કામ — જય

કૃપા વધારી, કૃતી સુધારી, બલીહારૂ સુખ ધામ — ગીરીજા.

કષ્ટ વિદારો, જય વિસ્તારો, ધર્યું કલ્યાણી નામ — ગીરીજા.

પાયે લાગે અપર એ માગે, આપો અવિચલ ધામ — ગીરીજા.

શ્રી ઉમિયા માતકી જય.

 

 

જ્ઞાતિને ઉપયોગી પુસ્તકો

          કડવાવિજય” માસિક — જ્ઞાતિની ખરી સ્થિતિ જાણવી હોય, તમને તમારી લાગણી હોય અને ઉન્નતિ ઈચ્છતા હો તો તેના માર્ગમાં પથરાયેલા કાંટા વીણી કાઢવાનું જ્ઞાન લેવા ગ્રાહક થઈ લવાજમના રૂા. ૧—૪—૦ મોકલી આપો.

          કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ — સદ્‌ગત જ્ઞાતિભક્ત ભાઈ પુરૂષોત્તમદાસ રચિત જ્ઞાતિના ઈતિહાસનું આ પુસ્તક દરેક વિદ્વાન અને સાધારણ ભણેલાએ ઘરમાં રાખવાની જરૂર છે. જ્ઞાતિનાં જુદાં જુદાં કુટુંબો કયા દેશકાળને લઈ કયાં કયાં વિસ્તર્યાં છે તે જાણવાનું આ ઉત્તમ સાધન છે, છેલ્લાં ૫૦ વર્ષથી જ્ઞાતિ ઉન્નતિનો જે પ્રયત્ન થાય છે તેનો પણ ઈતિહાસ છે અને ૩૮ પ્રતિષ્ઠિત પુરૂષોની છબીઓ અને તેમનું જીવનચરિત્ર પણ તેમાં લખાયું છે. પડતર કિંમત કરતાં અર્ધા મૂલ્યે આપવાની લેખકની યોજના જ્ઞાતિભક્તિના અચૂક પુરાવા સમાન છે. પુસ્તક દળદાર હોવાથી ટપાલખર્ચ લગભગ ૦—૬—૦ આવે છે. પુસ્તકની કિંમત રૂા. ૦—૧૦—૦.

          માધાના પિતાનું પ્રેત ભોજન—મરણ પાછળકરવામાં આવતાં ખર્ચોથી જ્ઞાતિની સ્થિતિ ગરીબ થઈ ગઈ છે અને ગામના આગેવાન પટેલો અને સંબંધીઓ મરનારના કુટુંબ પ્રત્યે ત્રાસ વર્તાવી સ્થિતિ પલટાવી દે છે તેનું સાચું અને સચોટ ભાષણ અને ગાયનો સાથેનું પુસ્તક કિં. ૦—૨—૦.

          મહાલક્ષ્મીનું મહાકષ્ટ યાને બાળલગ્નના બળાપા—ભાગ ૧ લામાં લાંબી મુદતે આવતાં લગ્ન વધાવવાની ધાંધલ, નકામો ખર્ચ અને સગાઈઓ કરવા અને તોડવામાં થતો કુટુંબ ક્લેશ ઉપરાંત કન્યાને સાસરે વળાવતા અગાઉ આઠ દશ વર્ષ વેઠવો પડતો વેવાઈ વેવાણના ત્રાસનો આબેહૂબ ચિતાર. તથા ભાગ ૨ જામાં દીકરીને સાસરે વળાવતા થતી કનડગત, કજોડાનું ફળ અને ખાનદાન માબાપની દિકરીઓ ઉપર કેટલાંક નાદાન કૂળવાન કુટુંબોનો ત્રાસ, કરકરીઆવર બમણા ત્રમણા લેવા છતાં દાણા નહીં પુરવાની ધૃષ્ટતા, ખાનદાન દીકરીઓ મરતાં સુધી પત્નીધર્મ છોડતી નથી અને છેવટે આપઘાતના પ્રસંગો કેમ આવે છે તેનો હૃદયભેદક અને અશ્રુ વહેવડાવતો ચિતાર. બંને ભાગની કીં.૦—૪—૦.

          આખ્યાનનાં ત્રણે પુસ્તકો સુપ્રસિદ્ધ દેશાઈ અમરસિંહજીનાં લખેલાં છે તેમણે સમાજને અર્પણ કર્યા છે. જ્ઞાતિભક્તો પોતાના ખર્ચે સમાજને છપાવી આપે છે. તેની ઉત્પન્ન ઉપદેશક ફંડ ખાતે જાય છે. ઉપરનાં પુસ્તકો માટે લખો :— “કડવા વિજય” ઓફીસ વિરમગામ.

          યુવક મંડળની પત્રિકાઓ—પહેલી “‘મહાત્મા ગાંધીજીના બ્રહ્મચર્ય સંબંધી અમુલ્ય વિચારો’’ કિંમત બે પૈસા. બીજી “સ્ત્રી શિક્ષણ ઉપર ભાષણ” શ્રી નિમાડ કડવા પાટીદાર સભામાં અપાયેલાં જ્ઞાતિની બાળાઓનાં ત્રણ ભાષણ, આઠ વર્ષની બાળાના ઉમદા વિચારો, ત્રીજી “એક તીથિનાં લગ્ન અથવા આપણી પડતીના કારણો.”

          મંગાવનારે ૦—૧—૯ ની ટીકીટો મોકલી આપવી.

શ્રી કડવા પાટીદાર સુ. યુવક મંડળના સેક્રેટરી,

ઠે. સત્યનારાયણ પ્રિ. પ્રેસ—સીવીલ હોસ્પિટલ પાસે, અમદાવાદ.

 

 

 

જ્ઞાતિ ભાઈઓના હિતાર્થે બહાર પડે છે !

હિન્દુ ધર્મના નામે ચાલતા

પીરાણા ધર્મની પોલ

 

          એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે. સનાતન હિન્દુ પ્રજાને પોતાનો ધર્મ તજી દેવરાવી પીરાણા ધર્મમાં વાળવા માટે અને પીરાણા ધર્મ મુસલમાની ધર્મ જેવો નથી એવું દેખાડવા માટે તે ધર્મના અધ્યાપકો, ધર્મગુરૂઓ, કાકાઓ અને નેતાઓએ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ રીતે મનાતા અવતારો, મહાપુરૂષો અને દેવદેવીઓને પોતાના પંથમાં ઘૂસાડી તેમના નામે અનેક પ્રકારના ગપગોળા અને ખોટી વાતો ફેલાવી છે અને તેમ કરીને સદરહુ ધર્મનાં પ્રસિદ્ધ અપ્રસિદ્ધ પુસ્તકો, પાઠો અને વ્યાખ્યાનોમાં હિન્દુ ધર્મમાં મનાતી પવિત્ર વ્યક્તિઓને ઉદ્‌ેશીને  એવી તો અપવિત્ર અને અઘટીત રીતે વર્ણવામાં આવી છે કે જે સાંભળીને કોઈપણ હિન્દુ ભાઈનું હૃદય દ્રવિત થયા સિવાય રહે જ નહિં.

           કચ્છ દેશમાં અને તેમાં પણ જે જ્ઞાતિમાં મારો જન્મ થયો છે ત્યાં આ ધર્મની પોલ ચલાવી પીરાણા ધર્મના ઉપાધ્યાયઓ સેંકડો વર્ષોથી દર વર્ષે હજારો રૂપિયા લૂંટી ખાય છે. એટલું જ નહિં પણ આડકત્રી રીતે આગેવાનો મારફત જ્ઞાતિમાં ત્રાસ વર્તાવી ગરીબ વર્ગ પાસેથી પણ દર વર્ષે પૈસા કઢાવાનો ઉદ્યોગ ચલાવતાં આવ્યા છે અને અમારી શુદ્ધ ક્ષત્રિય વર્ણને ન તો હિન્દુ ન મુસલમાન એવી અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ સ્થિતિમાં ડુબાવી રાખવાનો પ્રયાસ કરે છે. જેનાં ભયંકર પરિણામોએ અમારા જીવન ઉપર અસર કરી અમારી જ્ઞાતિને દુઃખદાયક સ્થિતિમાં લાવી મુકી છે. અનેક જગ્યાએ અમારી માફક અન્ય જ્ઞાતિઓની સ્થિતિ પણ આ પીરાણા ધર્મે કરી મુકી છે જે ઉપરથી આવું પુસ્તક બહાર પાડવાની કેટલી આવશ્યકતા છે તે તો જેમણે પીરાણા ધર્મ સબંધે કાંઈપણ જાણ્યું હશે તેને સમજાયા સિવાય રહેશે નહિં.

          આ પુસ્તકમાં પીરાણા ધર્મની ઉત્પત્તિ તથા તે ધર્મની રીતે જન્મથી મરણ પર્યત તેના અનુયાયીઓ માટે કરવામાં આવતી ક્રિયાઓ, ઈમામશાનો વંશ, ઘટપાટની ક્રિયાઓ અને એલમો તેમજ કલમાઓમાં આર્ય વ્યક્તિઓને ઘુસેડી હિન્દુ ભાઈઓને ઉંધે રસ્તે દોરી પોતાના પંથમાં વટલાવવા માટે તેના અધ્યાપકોએ જે જે નીચ યુક્તિઓ રચી છે તેનું યથાર્થ વર્ણન આપી અમારા હિન્દુ ભાઈઓને તેની પોલ સ્પષ્ટ રીતે સમજાય તેવો દરેક પ્રયત્ન કરવામાં આવ્યો છે માટે  આ પુસ્તક એક અત્યુપયોગી થઈ પડવાનો સંભવ છે.

          કચ્છ દેશમાં નેત્રા ગામના એક કેશરા પટેલ કે જેમણે પીરાણા ધર્મને છોડી સ્વામીનારાયણ પંથનો સ્વીકાર કર્યો હતો. તેમને વટલાવી પોતાના ધર્મમાં જ રાખવા ખાતર પીરાણા ધર્મને માનનારા વર્ગે જે જુલમ અને ત્રાસ વર્તાવ્યો હતો તેના હૃદયભેદક પ્રસિદ્ધ બનાવ પણ આ પુસ્તકમાં યોગ્ય સ્થળે આવશે. પુસ્તક સબંધી બીજી માહિતી નીચેના ઠેકાણેથી મળશે.

 

સેક્રેટરી, “શ્રી કડવા પાટીદાર યુવક મંડળ” રણછોડ લાઈન — કરાંચી

લેખક — નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાકટર

ઠે. ઊમરશી રાયશીના કમ્પાઉન્ડમાં

ઘાટકોપર — (THANA)

         

         

          

<<

>>

Leave a Reply

Share this:

Like this: