Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
પ્રસ્તાવના
અમારા વતન—કચ્છ દેશમાં આવવા પછી, સાંસારિક સુધારા અર્થે અમારે જે પીરાણા ધર્મ વિરુદ્ધ હિલચાલ ઉઠાવવી પડી છે અને જેની શરૂઆત અમારા હાથથી મુંબઈ મુકામે થયેલ હતી, તે અમારા કચ્છ દેશના જ્ઞાતિ ભાઈઓની સમક્ષ પુનઃ સજીવન કરવાની તક અમને મળવાથી અમે ઈશ્વરના આભારી થયા છીએ. અમોએ અત્રે આવી કચ્છ દેશમાં આપણી જ્ઞાતિનું મુખ્ય સ્થળ વીરાણી મુકામે એક શ્રી કચ્છ ક.પા. જ્ઞાતિસુધારક યુવકમંડળની સ્થાપના કરી, અઠવાડીયામાં બે વખત મિટીંગો ભરવાની શરૂઆત કરી, અને તેનું સારું આશામય પરિણામ જણાયાથી અમો દેશમાં બીજાં અન્ય સ્થળોએ પણ જ્ઞાતિભાઈઓની સભાઓ એકઠી કરવા ભાગ્યશાળી થયા છીએ. આ પુસ્તકના વાંચકોને જણાવતાં મને આનંદ થાય છે કે વીરાણી મુકામે યુવકમંડળે છ સભાઓ મેળવી તેમાં ઘણો ઉત્સાહ અને કર્તવ્ય પરાયણતાનો રંગ જણાયો. તે સઘળી સભાઓનો સવિસ્તાર હેવાલ આપવો બીનજરૂરી જણાય છે, પરંતુ સાતમી સભા ખાસ નોંધવા લાયક ગૃહસ્થોની હાજરી અને આશ્રય નીચે મોટી ધામધુમથી મળેલી હોવાથી માત્ર તેનો જ રીપોર્ટ મારા જ્ઞાતિભાઈઓની સેવામાં રજુ કરવાની રજા લઉં છું.
તા.૧ જુન ૧૯૨૦. પટેલ રતનશી ખીમજી.
કચ્છ દેશમાં મળેલી
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની જાહેર
સભાના કામકાજનો
સ્થળ : વીરાણી—કચ્છ
તા.૨૮ માર્ચ ૧૯૨૦.
રીપોર્ટ
સંવત — ૧૯૭૬ના
ચૈત્ર સુદ—૯ને રવિવાર
ઉપરોક્ત સભા શ્રી કચ્છ ક.પા.યુવકમંડળ જે વીરાણી મુકામે સ્થપાયેલું છે તેના તરફથી તેમના નિયમ મુજબ બોલાવવામાં આવી હતી. આ સભામાં ગામ શ્રી નખત્રાણા, દેવીસર, દયાપર અને કોટડા વગેરે ગામના ભાઈઓ ઘણી જ ઉત્કંઠાથી ભાગ લેવા અત્રે પધાર્યા હતા. સભામાં અન્ય જ્ઞાતિના સદ્ગૃહસ્થોની પણ સારી સંખ્યામાં હાજરી હતી. આશરે સભામાં ૪૦૦ પુરૂષો અને ૨૦૦ સ્ત્રીઓ મળી કુલ છસો માણસની હાજરી હતી. સભાનું કામકાજ સાંજના આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું, જે રાત્રે દોઢ વાગે પુરું થયું હતું. તેનો સવિસ્તાર હેવાલ નીચે મુજબ આપીએ છીએ.
શરૂઆતમાં શ્રી ઉમિયા માતાની સ્તુતિ સંગીતના સાધનો સાથે નીચે પ્રમાણે ગાવામાં આવી હતી :—
મંગલાચરણ
(કલ્યાણની સાખી)
સુખદાતા સતિ પાર્વતી, દુઃસહ દુઃખ હરનાર, |
|
સુખસંપતિ દો ભગવતી, વરદાઈ છો ઉદાર; |
|
સેવકજન રંજન સદા, સુખદુઃખના આધાર, |
|
અમર સમરતાં સહાય હો, નમું હું વારંવાર. |
|
(અનંત એક જ છે અવિનાશી — એ રાગ.) |
|
સફળ કૃતિ કર માતુ હે મ્હારી, |
|
સુમતિ પ્રેરક સદાયે દયાળી; | સફળ. |
જ્ઞાતિ હિત ચિત સ્થિર કરી સ્થાપો, |
|
ઈચ્છું ભવાની કૃપાએ ત્હારી; | સફળ. |
અધમ ઉદ્ધારક જ્ઞાતિ કે ગંગા, |
|
ઉભય શિવા નહિ અન્ય હિતકારી; | સફળ. |
દ્રઢિભૂત છે એ મંત્ર જ મ્હારો, |
|
સાધક તેનો અમર સુખાળી. | સફળ. |
ઉપર પ્રમાણે કુળદેવીની સ્તુતિ કર્યા બાદ કામકાજની શરૂઆત કરતાં સઘળા ભાઈઓને ઉદ્દેશીને ભાઈ લધા વિશ્રામ સોમજીયાણી નીચે પ્રમાણે દરખાસ્ત કરી.
પરમપ્રિય જ્ઞાતિબંધુઓ અને બહેનો તેમજ અન્ય ગૃહસ્થો ! તમો આજે સઘળા યુવકમંડળના આમંત્રણને માન આપી આ સભામાં પધાર્યા છો તેના માટે હું યુવકમંડળ તરફથી આપનો આભાર માનું છું. મને અતિશય આનંદ થાય છે કે આજની સભામાં આપણા ગામ વીરાણીના મુખ્ય આગેવાનોની ખાસ હાજરી છે અને તે ઉપરથી એમ ચોખ્ખું સમજાય છે કે જ્ઞાતિહિતના માટે જે વિચારો યુવકોએ અંગીકાર કર્યા છે તેજ વિચારોને આ સભામાં બેઠેલા વડીલ આગેવાનોનો ખાસ ટેકો છે અને તેથી જ આ સભામાં જ્ઞાતિ આગેવાન મુરબ્બીઓની હાજરી એજ આજના કાર્યની સફળતા સુચવે છે. આજની સભાનું કાર્ય નિર્વિધ્ને પસાર થાય એ જ હેતુથી આ સભામાં આપણા કાર્યને દીપાવનાર એક વિદ્વાન અનુભવી અને ઠરેલ વિચારના આગેવાનની પ્રમુખ તરીકેની ખાસ જરૂર છે. તો પછી મારા વિચાર પ્રમાણે આપણા ગામના પટેલ લાલજી શીેવજી નાકરાણીને હું આજની સભાના પ્રમુખ થવાને લાયક છે. પટેલ લાલજીભાઈ તેમજ તેમનું આખું કુટુંબ અને તેમના સ્વર્ગવાસી પિતાશ્રી શીવજી પટેલ પણ જ્ઞાતિહિતના કાર્યમાં હંમેશાં ભાગ લેતા આવ્યા છે જેથી આ સભાના પ્રમુખ પા.લાલજી શીવજી થાય તેને તમો સઘળા ભાઈઓ સંમંત થશો.
પ્રમુખ નીમવાની દરખાસ્તને ટેકો આપતાં ભાઈ પ્રેમજી ખીમાણીએ કહ્યું કે ભાઈ લધા વિશ્રામ સોમજીયાણી જે પ્રમુખની દરખાસ્ત કરી છે તેને હું મારા અંતઃકરણપૂર્વક ટેકો આપું છું. વિશેષ ટેકામાં ભાઈ શીવગણ લાલજીએ કહ્યું કે આજની સભાના પ્રમુખની દરખાસ્ત ભાઈ લધા વિશ્રામે કરી છે તેને ભાઈ પ્રેમજી ખીમાણીએ ટેકો આપ્યો છે અને હું વિશેષ ટેકો એટલા માટે આપું છું કે, આજની સભાના પ્રમુખ એ આપણા ગામ વીરાણીના મુખ્ય પટેલ છે અને તે મારા પિતાશ્રી છે. તેઓશ્રી આ સભામાં પ્રમુખપદ લે એ અમો જુવાનીયાઓને માટે ઘણું જ સારું છે. જેથી હું આશા રાખું છું કે તેઓશ્રી પ્રમુખપદે બીજી સભાનું કામકાજ શરૂ કરશે.
સભાના પ્રમુખ
ગામ વીરાણીના પટેલ લાલજી શીવજી નાકરાણીનું ભાષણ
પ્રિય જ્ઞાતિભાઈઓ, સ્વામી શ્રી રેવાનંદજી તથા અન્ય ગૃહસ્થો અને બેનો ! આજની સભાનું પ્રમુખપદ લેવાના માટે ભાઈ લધા વિશ્રામ સોમજીયાણીએ જે મારા તેમજ મારા વડીલોના વખાણ કરી પ્રમુખ તરીકે મારી દરખાસ્ત મુકી છે. તેમજ તે દરખાસ્તને મારા મુરબ્બી ભાઈ પ્રેમજી ખીમાણીએ ટેકો આપ્યો છે તેમજ ખાસ મારા દીકરા શીવગણે, આ પ્રમુખ પદ મારે સ્વીકારવું જ જોઈએ એવો જે ભાર મુકીને વિશેષ ટેકો આપ્યો છે જેમની માટે તે ભાઈઓનો તેમજ આ સભામાં બિરાજેલા સઘળા જ્ઞાતિભાઈઓનો હું આભાર માનું છું. હું સાચું જ કહું છું કે અમો દેશમાં બેઠેલા ભાઈઓ, આવી સભાઓના કામકાજથી અજાણ છીએ જેથી કોઈ આપણી જ્ઞાતિમાંથી વિદ્વાન ભાઈને આ કામ સોંપ્યું હોત તો વધુ સારું થાત, છતાં તમારી એમજ ઈચ્છા થઈ છે કે આજની સભાનું પ્રમુખપદ મારે જ લેવું, તો હું એક જ્ઞાતિ સેવા તરીકે એ કામ તમો સઘળા ભાઈઓની મદદથી કરવાને તૈયાર છું. ભાઈઓ મને ત્રીસ વર્ષથી આપણી જ્ઞાતિની હીલચાલ શું થાય છે તે હું જોતો આવ્યો છું. મરહુમ સ્વર્ગવાસી મારા પિતાશ્રી પણ એક ચુસ્ત સુધારાની હિમાયતી હતા, પરંતુ, તેઓનો અભિપ્રાય જ્ઞાતિથી જુદું ન પડવું અને સુધારો કરે જવો, એજ સિદ્ધાંત પર હું પણ મારા પિતાશ્રીના પગલે ચાલું છું. લગભગ બાર વર્ષ થયાં થોડા ભાઈઓ પીરાણા ધર્મથી જુદા થયા છે અને તેમણે જ્ઞાતિમાં ધર્મ સંબંધી શું શું ખામીઓ છે તે તેઓએ છાપાં દ્વારા પ્રસિદ્ધ કરી છે. હમણાં બે વર્ષ થયાં એક કરાંચીમાં અને એક મુંબઈમાં તેમજ એક હમણા આપણા ગામ વીરાણીમાં યુવકમંડળ સ્થપાયાં છે. તે પણ જોશભેર જ્ઞાતિહિતની ચર્ચા કરે છે હું પોતે ગઈ સાલ કરાંચી ગયો હતો ત્યારે કરાંચીના યુવકમંડળના અભિપ્રાય જાણ્યા છે. મારી તો ખાત્રી થઈ છે કે તમો જુવાનીયાઓએ જે કામ જ્ઞાતિહિતનું લીધું છે તે ઘણું જ સારું છે. પરંતુ આપણી કચ્છની આખી જ્ઞાતિ જ્યારે એ વાત ઉપાડી લેશે ત્યારે જ આપણી જ્ઞાતિનો ઉદય થશે. હમણાં મુંબઈવાળા ભાઈઓ દેશમાં આવ્યા છે તેઓના પ્રયાસથી જ વીરાણી ગામમાં યુવકમંડળ સ્થપાયું છે અને આજની સભા પહેલાં છ સભા વીરાણીમાં તેમજ એક સભા ગામ નખત્રાણામાં ભરાઈ છે. સભામાં થયેલું કામકાજ તથા ભાષણો સાંભળી આપણી જ્ઞાતિના ભાઈઓ તેમજ બેનો બહુ જ વખાણ કરે છે. એટલું જ નહીં પણ સભામાં ભાષણ સાંભળવાને નખત્રાણા, દેવીસર, કોટડા વિગેરે ગામેથી રાત્રે પણ કેટલાક ઉત્સાહી ભાઈઓ તેમજ બેનો આવે છે એ જ આ કાર્યની સફળતા છે એમ પુરવાર થાય છે. બીજા ગામો કરતાં આપણા વીરાણી ગામના ભાઈઓમાં વિશેષ સંપ તથા ઉત્સાહ જોઉં છું. જેથી વીરાણી ગામ આજે કચ્છમાં આપણી જ્ઞાતિ સુધારામાં પેલો નંબર ગણાય છે. આપણી જ્ઞાતિના આગેવાનોને પણ વીરાણી ગામ ખાસ નજરે ચડી રહ્યું છે. પીરાણાનો કાકો લક્ષ્મણ પણ આ ગામને જીવશે ત્યાં સુધી સંભારશે. સૈયદો પણ વીરાણી ગામને પોતાની ઝાંખી કોઈ દિવસ ન થાય એવો બોધ પોતાના છોકરાઓને આપે છે. વીરાણી ગામે પીરાણે જતા પૈસાનો ગેરઉપયોગ થાય છે, એવું સૌથી પહેલાં જાણ્યું છે અને ત્રણ વર્ષ થયાં હુંડી પીરાણે ન મોકલવાની પેલ પણ ખાસ વીરાણી ગામે કરી છે. વીરાણી ગામે ખાનાનું નામ બદલી જ્યોતીધામનું નામ પ્રસિદ્ધ કરવામાં સ્વામી રેવાનંદજીનાં સંકલ્પની સિદ્ધી પેલી મેળવી છે. સૈયદો ખાસ મુસલમાન છે, જેથી તે આપણને બોધ કરી શકે નહીં જેથી કચ્છમાં આવતા અટકાવવામાં વીરાણીએ સૌથી પેલી તકરાર રજુ કરી હતી. જેના પ્રતાપે સૈયદો કચ્છમાં આવતા બંધ થયા છે. ગેઢેરાઓના જુલ્મ સામે વીરાણી ગામે મજબુત લડત કરી ગેઢેરાઓને તેમની જુલ્મી સતાનું ખાસ ભાન કરાવ્યું છે. તેવી જ રીતે મને હવે ખાત્રી થાય છે કે ખુદ વીરાણી ગામના ખેડૂત ભાઈઓના જુવાન છોકરાઓએ જ્ઞાતિ સુધારાનું કામ હાથમાં લીધું છે. જેથી વીરાણી ગામ તો તરત સુધરી જશે એમાં જરાપણ સંશય નથી તો પણ હું મારા જુવાન ભાઈઓને વિનંતી કરું છું કે ઉતાવળીયા ન થતાં ધીરજથી સંભાળપૂર્વક કામ કરશો. સભામાં બોલવાના માટે પણ સાદી અને સરળ ભાષામાં બોલવું કે જેથી કોઈને પણ માઠું લાગે નહીં. હું પોતે પણ કબુલ કરું છું, કે આપણી જ્ઞાતિ શુદ્ધ ક્ષત્રિય હોવા છતાં એક શુદ્રથી પણ હલકી પંક્તિમાં આવી ગઈ છે. પીરાણાનો ધર્મ પાળવાથી આપણામાં કેટલાક દોષો એવા પ્રકારના છે કે મરી જનારને દાટવું, તેમજ લગ્નની ક્રિયા જે મુખી કરાવે છે તે પણ આપણી જ્ઞાતિને ન શોભે તેવી છે. તે સઘળું સુધરી જશે. તમે ધીરજથી, તમારી ચળવળ જારી જ રાખજો. પરમાત્મા તમને જરૂર જશ આપશે. જો કે આપણા ગામમાં પીરાણાની ઘણીખરી ક્રિયાઓ કાઢી નાખી છે, છતાં કંઈ દોષ જેવું હશે તો આપણે સૌ ભેગા થઈ તે પણ કાઢી નાખીશું.
તે સિવાય મારે તમને એક વાત પણ કહેવાની છે કે, તમે હમણાં આપણા ગેઢેરાઓ પંચના પૈસાનો કોર્ટોમાં જે ગેરઉપયોગ કરે છે અને આપણા ગરીબ ભાઈઓને કનડે છે, તે જોઈને તમે આગલી સભાઓમાં જે તમારા વિચારો તમે જણાવ્યા છે, તેમજ તમને જે ક્રોધ આવે છે તે તમારે હાલ તો શાંતિ પકડવી, અને જોયા કરો કે અંતે ધર્મોજય છે. ગેઢેરાઓના પુન્ય હવે પરવાર્યા છે. માટે તેઓ પોતાના જ પાપે મરવાના છે. છતાં આપણા ગરીબ જ્ઞાતિભાઈઓને દુખમાં આપણે મદદ કરવી, એ આપણો ધર્મ છે. છેવટે હું એટલું કહું છું કે આપણા ગામના રહીશ ભાઈ નારણજી રામજી લીંબાણી તથા ભાઈ નાયા શીવજી તથા ભાઈ રતનશી ખીમજી ખેતાણીએ તમો જુવાન ભાઈઓને જે શિક્ષણ આપ્યું છે, તેનો ગેરઉપયોગ ન કરતાં સરળ રસ્તે ચાલજો. ભાઈ નારાયણ રામજીએ અનેક સંકટો સહન કરી આપણે કોણ છીએ ક્યા દેશથી કચ્છમાં શા કારણે આવ્યા તથા આપણો અસલ ધર્મ શું છે વિગેરે બાબતોનું આપણી આખી જ્ઞાતિને તેણે ભાન કરાવ્યું છે. તેમજ તે જ્ઞાતિ શુભેચ્છક ભાઈની પણ આ સભામાં હાજરી છે. જેથી હું તે ભાઈ નારાયણ રામજી તથા તેમના મંડળના સભ્ય નેતાઓનો આભાર માનું છું. હું ઘણો જ દીલગીર છું કે ભાઈ નારાયણ રામજી તથા તેમના મંડળના ભાઈઓની શિખામણ આપણે શરૂઆતમાં માની નહી અને તેઓને આપણાથી બની શકે તેટલું દુઃખ દીધું છે. છતાં તે ભાઈઓએ ધીરજ અને શાંતિથી એ દુઃખો સહન કર્યા છે અને આજે આપણે સઘળાઓને તેણે પોતાના કરી લીધા છે. એ જ તેમના ઉત્તમ ગુણની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. તમો પણ સઘળા ભાઈઓ તેમના ઉત્તમ ચારિત્રનું અનુકરણ કરશો. એવી મારી તમને ખાસ વિનંતી છે. આટલું બોલી હું મારું બોલવું પુરું કરું છું અને તમે મને આજના પ્રમુખ તરીકે જે માન આપ્યું છે તેના માટે ફરીવાર તમારો આભાર માનું છું.
પટેલ શીવગણ લાલજીએ કરેલું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ તથા મહાત્મા સ્વામી રેવાનંદજી તથા જ્ઞાતિભાઈઓ અને બેનો ! ભાઈઓ મને સાફ સમજાય છે કે આપણા માવિત્રોએ આપણું ને કેળવણીમાં પછાત રાખ્યાથી આપણે આપણું તેમજ આપણા ભાઈઓનું ભલું કરી શકતા નથી. મુંબઈથી જે ભાઈઓ અત્રે આવ્યા છે અને આપણી નાતના સુધારા માટે જે બોધ આપે છે, તે સાંભળી મને ઘણો જ આનંદ થાય છે. આપણી નાતની અવદશા થઈ ગઈ છે એમાં તો જરાપણ શંકા નથી. આપણી જ્ઞાતિના સુધારા માટે પ્રથમ મુંબઈના મંડળ તરફથી અને પછી કરાંચીના મંડળ તરફથી આપણી જ્ઞાતિના માટે જે લખાણો આવતાં હતાં તેના જવાબમાં, ઉગમણા પાંચાડાવાળા રામજી કાકાએ થોડા સવાલ જવાબ કર્યા પછી રામજીકાકાએ પોતાનું લખાણ પાછું ખેંચી લીધું તેવી જ રીતે માનકુવાના કણબી પેથા રામજી તથા કણબી જીવરાજ વસ્તાએ પણ પીરાણા હિન્દુ ધર્મવિજય પતાકા નામનું પુસ્તક લખી પીરાણા ધર્મનો તેમજ લક્ષ્મણકાકો બીજા ટીલાયત કાકા આગળના થઈ ગયા છે તેથી ઘણા જ સારા અને પવિત્ર માણસ નહી જ પણ દેવ જેવા લખમણ કાકો છે એવા પ્રકારના વખાણ કરી ચોપડી છપાવી હતી. પરંતુ પાછળથી પેથોભાઈ પીરાણે ગયા હતા ત્યારે સૈયદોએ ભીડો ચડાવ્યો હતો જેથી લાચારીથી પેથા રામજીએ પણ પોતે ચોપડી નામે પીરાણા હિન્દુ ધર્મવિજય પતાકા છપાવી છે તેનો લેખ પાછો ખેંચી લીધો છે અને લખ્યું છે કે એ ચોપડીમાં લખાણ છે તે મારું નથી, જેથી હું કેન્સલ કરું છું. હું માનકુવાના કણબી પેથા રામજી તથા કણબી જીવરાજ વસ્તાને પૂછું છું કે તમે સતપંથ હિન્દુ ધર્મવિજય પતાકા નામનું પુસ્તક ખોટી મોટાઈ લેવા તેમજ વિદ્વાન તરીકે દુનિયામાં પ્રસિદ્ધ થવા તમારું નામ તમે આપ્યું ત્યારે તમને ખબર નોતી કે આપણામાં શક્તિ નથી જેથી આવા ખોટા લેખમાં પોતાનું નામ આપી આબરૂના કાંકરા કરવા અને જગબત્રીસીએ ચડવું એના કરતાં તો આપણામાં શક્તિ નહોય તો પોતાનું ઘર ઝાલી બેસી રહેવું એ વધારે સારું છે. મારા સાંભળવા પ્રમાણે ભાઈ પેથા રામજી હડુડ પીરાણા પંથી છે. પોતે દરરોજ મોર નબુવત તથા બાજનામું નુરનામું પઢે છે છતાં એ એલમે સહાયતા કરી નહીં અને લાચારીથી સૈયદોની પાસે તેમજ આખી દુનિયાની પાસે માફી માગવી પડી. અને કેવું પડ્યું કે એ લેખ મેં લખ્યો નથી. પીરાણાના કાકાએ એક શાસ્ત્રીજી રોક્યા છે તેમનો લખેલો છે. ઘણી જ શરમની વાત છે કે પીરાણાનો લખમણ કાકો આવી રીતે પડદા પાછળ ભાડુતી પંડિતો અને ભાઈ પેથા રામજી જેવા ભોળા માણસોના નામથી પોતાનો તેમજ પીરાણા ધર્મનો બચાવ કરે છે પરંતુ અસત્ય વાત જાજી વખત ટકતી નથી. કાકા સાહેબને તો હવે આપણા કચ્છના કણબીઓ સારી રીતે ઓળખે છે.
પીરાણા ધર્મના માટે અમે આપણા ભાઈઓને કહીએ છીએ ત્યારે કે છે કે એ ધર્મ તો આપણને નીચું જોવરાને તેવો છે. પરંતુ જ્યાં સુધી મોટાં માવિત્રો બેઠાં છે તે કાંઈ સુધારો કરે નહીં ત્યાં સુધી કંઈ થાય નહીં. ભાઈઓ, હું તમને સાચું જ કહું છું કે આપણા માવિત્રોના હૃદય નબળા છે અને તે આપણા જોરાવર ગેઢેરાઓથી બીએ છે તેથી કંઈ કરી શકતા નથી. હું તમોને એટલું જ પૂછું છું પીરાણાનો લક્ષ્મણ કાકો જેદી ત્રણે પાંચાડાના આગેવાનોને લઈને વીરાણી માથે ચડી આવ્યો હતો અને હુંડી લેવાને ઘણુંએ બળ કર્યું, ઘણીએ માર પછાડ કરી પણ આપણે જુવાનીયાઓએ એક સંપ રાખ્યો હતો ત્યારે તેઓ કાંઈ પણ કરી શક્યા નહીં. કાકે તેમજ ગેઢેરાઓએ ઘણુંએ બળ કરી ગામને નાતબાર કરવાની ધમકીઓ આપી, છેવટે મંજુસ તોડી પૈસા લઈ જવાની પણ તજવીજ કરી જોઈ પરંતુ આપણો સંપ જોઈ ઢીલે ડાચે, ખાધા વગર એમના એમ રવાના થઈ ગયા ત્યાર પછી ફરીથી ત્રણે પાંચાડાના ગેઢેરાઓ ભેગા થઈ વીરાણી હુંડી લેવા આવ્યા હતા ત્યારે તો આપણા જુવાન ભાઈઓમાંથી એકાદ બે જણે જ તેઓની ખબર લીધી હતી અને તેથી ગેઢેરાઓ સમજી ગયા કે વીરાણીમાં જબરી કરવાથી આબરૂના કાંકરા થશે જેથી બિચારા ઢીલે મોંએ ચંદ્રવાસી થઈ ગયા, તે હવે આવશે હુંડી લેવા. ભાઈઓ તમે સમજી શક્યા હશો કે આપણે સંપ રાખ્યો હતો તેમજ આપણું હૃદયબળ મજબુત હતું તો જ આપણે વીરાણીવાળાએ ગેઢેરાના તેમજ કાકાના જુલ્મનો સીધો જવાબ વાળ્યો છે અને હવે તે વીરાણી ઉપર કદી પણ હુમલો કરી શકે જ નહીં. જેવી રીતે વીરાણી ગામ મક્કમ છે તેવી જ રીતે નખત્રાણા ગામ પણ મક્કમ છે. દીલગીરી માત્ર એટલી જ છે કે નખત્રાણા ગામનો પટેલ શીવજી નપટ પીતળ છે એને ગેઢેરાના ભેગી લાચું ખાવી છે. જેથી નખત્રાણા ગામના ભાઈઓ આપણી માફક કરવાને જરા ડર રાખે છે. મનેતાં ગેઢેરાના જુલ્મની વાતું સાંભળી મારું માથું ફરી જાય છે. આપણી નાતના પૈસા ધોળે દીએ ખાઈ જાય છે તેમજ વગર કારણે લેવા દેવા વગર આપણા ભાઈઓને જે પીડે છે તેની ખબર લેવી જોઈએ, હું આ સભાને વિનંતી કરું છું કે હમણાં ગેઢેરા જે પૈસા કોરટોમાં વિના કારણ ઉડાડે છે, તેનો જવાબ ખાસ લેવો જોઈએ, અને એ પૈસા ગેઢેરાઓ પાસેથી વસુલ કરવા જોઈએ. હમણાં દયાપરવાળા આપણા ભાઈઓએ એક બહાદુરીનું કામ કર્યું છે અને ગેઢેરાઓને મોજમઝા કરવાનો સ્વાદ ચખાડ્યો છે. ગેઢેરાઓ રામજી રતના અકરીવાળાના માટે વિચાર કરવાને દયાપર ગયા હતા ત્યાં માલપાણી ખૂબ ઉડાડ્યાં અને કોરી અઢીસોના આશરે ખર્ચ થયું હતું. ગેઢેરાઓ રવાના થવા માંડ્યા ત્યારે ખર્ચનો આંકડો દયાપરવાળાએ ગેઢેરાને આપ્યો ત્યારે ગેઢેરાઓ બોલ્યા કે એ ખર્ચ તો ખાનાખાતે લખી નાંખો, ત્યારે દયાપરવાળા ભાઈઓએ કહ્યું કે તમારા જેવા તો રોજ આંહી ખાવાને આવશે તેનું ખર્ચ દેવાને અમારા ખાનામાંથી પૈસા અમે આપીશું નહીં એ ખર્ચ તમારે આપવું જ પડશે ત્યારે ગેઢેરા બોલ્યા કે આતો નવાઈની વાત. ગેઢેરાઓનું ખર્ચ તો કોણે હજુ લીધું નથી ત્યારે દયાપરવાળા ભાઈએ કહ્યું કે તે અમેતો લેશું, અને જો તમે નહીં આપો તો તમારી ઘોડીઉં છે તેનું હમણાં જ લીલામ કરીને વસુલ કરશું દયાપરવાળા ભાઈઓએ સંપ કરી પ્રથમથી જ નક્કી કર્યું હતું કે પૈસા ગેઢેરા પાસેથી લેવા છે. તે અંતે તેનીઉં બે ઘોડીઉં છોડી લીધીઉં, જેથી લાચારીથી ગેઢેરે ખર્ચ ચુકાવી દીધું અને રવાના થયા તેવી જ રીતે હું તમો ભાઈઓને ખાસ સલાહ આપું છું કે, હરામનું ખાનારા ગેઢેરાઓ જે ગામમાં ભેગા થઈ માલપાણી ઉડાડે છે તેના ખર્ચો તથા વિના ફોકટ પૈસાની બરબાદી કરે છે, તેના હિસાબે કોર્ટે ફરિયાદી માંડીને લેશું ત્યારે જ આ દાઢના ચસ્કેલ ગેઢેરાઓ પાંસરા થશે એમ મારું માનવું છે આટલું બોલી મારું બોલવું પૂરું કરું છું.
પટેલ વાલજી ભીમજી નાકરાણીએ કરેલું ભાષણ
પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ ભાઈઓ અને બેનો ! હું વિદ્વાન નથી જેથી આપની સમક્ષ ભાષણ કરી તમને બોધ આપું. બાકી હું કહું છું કે જે ભાઈઓ ભાષણ કરે છે તે સાચે સાચું કહે છે. આપણા ગેઢેરાના જુલ્મની વાતુતો હવે હદ ઉપર થઈ ગયું છે. આપણા પંચના પૈસા કોર્ટોમાં વિનાકારણ વાપરે છે તેનો જવાબ લેવો જોઈએ. બાકી તો હું પીરાણે ત્રણ વખત ગયેલ છું તેમાં છેલ્લીવાર હું ગયો હતો ત્યારે મેં ત્યાં એક સૈયદના ઘરે જીવહિંસા થતાં નજરો નજર જોઈ છે. હું તથા ગામ નખત્રાણાના બે જણ મળી અમો ત્રણે જણા પીરાણામાં ફરતા ફરતા સૈયદોના ઘર આગળ આવ્યા તો ત્યાં એક કુકડાની નડી કાપેલ કુકડું ઠેકડા મારતું હતું, ત્યારે મેં કહ્યું કે આ કુકડું ઠેકડા કેમ મારે છે? ત્યારે બીજા આપણા ભાઈએ કહ્યું કે નડી કાપી નાખે તો ઠેકડા મારે. મેં કહ્યું કે આ બિચારા કુકડાની નડી કોણે કાપી હશે !! સૈયદોના ઘર આગળ આવું કુકર્મ કોણે કર્યું હશે ત્યારે નખત્રાણાવાળા ભાઈઓએ કહ્યું કે એ તો સૈયદો કુકડાં મારીને ખાય છે, તેણે કાપી હશે એટલામાં એક સૈયદ ઘરમાંથી બાર આવ્યો અને નડી કાપેલ કુકડાને ઉપાડીને ઘરમાં લઈ ગયો, ભાઈઓ આ દેખાવ જોઈ મને તો ભોત આવી ગઈ. ને વિચાર થયો કે આપણા ખરા પરસેવાના પૈસા આપણે પીરાણે ધર્મ થવા માટે મુકીએ છીએ પરંતુ ધર્મના બદલે આ પ્રમાણે ઘાતકી રીતે જીવોની હિંસા થાય છે, એનું પાપ આપણા ભાઈઓને લાગે છે જેથી આટલું સુધારાવાળા ભાઈઓ કે છે છતાં આપણને ગડ બેહતું નથી, કાકાઓ ડિંગું ઠોકે છે કે સૈયદો તો હરીવંશી બ્રાહ્મણ છે એ વાત તદ્દન ખોટી છે. દાઢી કુડાવે છે અને નીચે ધોતીયા પેરે છે તેથી સૈયદો બ્રાહ્મણ થાય નહીં, આપણને છેતરવાને અને પૈસા કઢાવવા માટે સૈયદો દાઢી કુડાવે છે. ભાઈઓ, હું તો તમને કહું છું કે પીરાણાનું ધર્મ તથા પીરાણે જે ધેગું ચડે છે અને રાધેલા અનાજનું સદાવ્રત છે એ વાત ખોટી છે. ત્યાં કાંઈ પણ ધર્મ થતું નથી. કાકાઓને મોજમઝા કરવા તથા સૈયદોને જીવહિંસા કરવા પૈસા મોકલીએ છીએ તેનું જ કર્મ બંધણ આપણને નડે છે. માટે પીરાણે આપણા કણબી ભાઈઓનો એક ઢીંગલો પણ જાએ નહીં એવો પાકો બંદોબસ્ત કરવાને આ સભા પાસે મારી વિનંતી છે આટલું બોલી હું બેસી જવા રજા લઉં છું.
ભાઈ રતનશી ખીમજીએ કરેલું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ સ્વામીજી તથા જ્ઞાતિભાઈઓ અને બેનો ! હું કંઈ પણ બોલું તેના અગાઉ હું આપ સર્વ વડીલ ભાઈઓની ક્ષમા માગું છું, દેશમાં આવ્યા પછી મારા યુવાન ભાઈઓના અભિપ્રાય જાણ્યા પછી તેમજ અન્ય જ્ઞાતિઓ પાસેથી પણ આપણી જ્ઞાતિની અધમ દશા આપણા જ ભાઈઓના હાથે થાય છે, એવું સાંભળ્યા પછી મારા હૃદયમાં અતિશય દિલગીરી થાય છે અને તેજ દીલગીરીની કર્મ કથા હું આજે આ સભા સમક્ષ કહેવા માગું છું અને એટલા જ માટે હું પ્રથમથી જ આપની ક્ષમા ચાહું છું. કેટલીક વાતો મારા ખાસ અનુભવની છે તેમજ કેટલીક વાતો પ્રતિષ્ઠિત ભાઈઓના મોઢાથી સાંભળેલી છે. આપ તેની તુલના કરજો અને ખરી ખોટી વાતો શું છે તે આપ ધ્યાનપૂર્વક સાંભળશો. મુંબઈમાં અમે ઘણા ગપગોળા સાંભળીએ છીએ, તો પણ દેશમાં આવ્યા પછી જ્ઞાતિ આગેવાનોના જુલ્મની વાતો સાંભળી મારા તો કાન બેરા થઈ ગયા છે. આપણી જ્ઞાતિના માટે એમ કહેવાય છે કે આ જ્ઞાતિ અજ્ઞાન છે, કેળવણીથી પછાત છે, તેથી જ તેની અધોગતિ થઈ છે. કોઈ કહે છે કે મ્લેચ્છ સૈયદોના સ્પર્શથી જ્ઞાતિનું તેજ હણાઈ ગયું છે. બંધીઓ આ સઘળી વાતો સાચી છે, પરંતુ એ સઘળા દોષો કરતાં તો, આપણી જ્ઞાતિને પાયમાલ કરનાર આપણે માની લીધેલા આપણા આગેવાન ગેઢેરાઓ છે. જ્ઞાતિ આગેવાનોનો ધર્મ આપણા ભાઈઓને નીતિ અને સદબોધ આપી સઘળા ભાઈઓને ન્યાય આપવાનો છે, પરંતુ તેના બદલામાં આપણી જ્ઞાતિના આગેવાનો કેવળ અન્યાયી, અધર્મી, અનીતિવાન અને ભ્રષ્ટાચારને ઉત્તેજન આપનારા છે જેની વાતો આજે દુનિયામાં જાહેર છે. કચ્છદેશમાં વસતી અન્ય જ્ઞાતિઓની પાસેથી આપણા આગેવાનોનાં કાળાં કુકર્મોની કથા સાંભળી અમો શરમાઈ જઈએ છીએ, આગેવાનોએ હવે તો હદ જ વાળી છે પોતે આગેવાન હોવાનો દાવો કરનારની હું આજે તમને થોડી ઓળખાણ આપું છું. સ્વર્ગસ્થ અખૈઈ મુખી ગુજરી ગયા છે તેમના માટે હવે કંઈ બોલવાનું હોય જ નહીં. તો પણ એ વૃદ્ધે આપણી જ્ઞાતિને અધમદશામાં તેમજ હલકી વર્ણમાં ઉતારી પાડવાને મુખ્ય પાર્ટ ભજવ્યો છે.
શુદ્ધ આર્ય હિન્દુપણામાંથી ઉતારી નાખવાને આ મુખીએ આખી જિંદગીપર્યંત પોતાનું જીવન ગાળ્યું છે. કણબીઓએ ગાય માતાને પાળવી નહીં તેમનું દૂધ અપવિત્ર છે આવો બોધ આપી, કણબીઓના ઘરેથી ગાયો છોડાવી હતી અને ભેંસો રખાવી હતી. તે સિવાય કેટલાક આપણા કણબી ભાઈઓને નમાજ પડાવતાં આ મુખીએ શીખવાડ્યા હતા. તેમજ કેટલાક ભાઈઓને કબ્રસ્તાનમાં રાતના આંખે પાટા બંધાવી કલમાઓ પડાવ્યા છે. કણબીની જ્ઞાતિને મુમના ઈત્યાદી ઈલ્કાબોથી વિભૂષિત કરનાર આ મુખીના માટે ઘણું બોલવાનું છે પરંતુ તેમના મરણ પછી બોલવું એ હવે નકામું છે. ઈશ્વર કૃપાથી હવે તેમના બોધને કોઈ ગણકારતું નથી. માનકુવાના રામજી પટેલ પોતે આગેવાન હોવાનો દાવો કરે છે. છતાં તે પોતે કેવો પ્રતિષ્ઠિત માણસ છે તે તેણે હમણાં છેલ્લો સંબંધ ધનબાઈ નામની મંગવાણાના કણબીની દીકરી સાથે કર્યો છે તે બાઈ વટલી ગઈ હતી. કાઠીયાવાડના એક મુસલમાન સાથે ભાગી ગઈ હતી, તે તેર વર્ષે કચ્છમાં અરબસ્તાન, મક્કા ઈત્યાદિ જગ્યાએ હજ પડીને આવી છે. તેને દઈસુદ્ધી પ્રાયશ્ચિત કર્યાં સિવાય, માનકુવાના પટેલ અને પોલીસ પટેલના હોદ્દા ભોગવનાર કણબી રામજી દેવજીએ પોતાની ધર્મપત્ની બનાવી છે. છે કોઈ કણબીમાં સત્તા કે, રામજી પટેલ આવી વટલેલને ઘરમાં બેસાડી છે. છતાં કોઈ પુછનાર? ગામ દેશલપરના એક રાક્ષસી કામ કરનાર કણબી મનજી પેથા માકાણી પોતાને એક આગેવાન ગેઢેરા તરીકે માને છે આ મનજી પટેલની કર્મ કથા પણ ખાસ જાણવા જેવી છે. આ વીર આગેવાને પોતાની જિંદગીમાં એક પણ એવું સારું કૃત્ય નથી કર્યું કે એક વાતથી પણ સંતોષ માનીએ. તેણે લાંચ રુશ્વતો ખાધામાં બાકી રાખ્યું નથી એ તો જાણે કે ઠીક. પરંતુ એક વખત તેના ઉપર ફોજદારી કેસ થયો હતો અને સામા પક્ષે તેને જતો કર્યો હતો. આવા હરામી માણસોનો વંશ પણ વંઠેલ જ છે. મનજી પટેલની મોટી દીકરી લુડવાના કણબી દેવશી માવજીના દીકરા ગોપાલ દેવશી વેરે પરણાવી હતી તે ગોપાલ ગુજરી ગયા પછી એ બાઈ મનજી પટેલને ઘેર જ રહેતી હતી, બાઈ વિધવા છે. એને હરામના હમેલ રહ્યાં અંતે છોકરો જન્મ્યો. ચાર દિવસ પછી એ છોકરો મરી ગયો, છતાં કોઈ નાતમાં છે કોઈ પુછનાર મનજી પટેલને? મનજી પટેલની નાની દીકરી લુડવાના કણબી મુળજી લખુના છોકરા વીરજી મુળજી વેરે પરણાવી છે તે બાઈ માવિત્રેજ રહે છે સાસરે જતી નથી. તે બાઈને પણ હરામી હમેલ રહેલાં તેને માસ છ થઈ ગયા ત્યારે મનજી પટેલને ખબર પડી તેથી પટેલ પોતાની દીકરીને તેડીને ગામ લુડવા એના સાસરાના ઘરે મુકવા આવ્યા ત્યારે તેના વેવાઈ મુળજીએ કહ્યું કે તમારી દીકરીને અમે રાખશું નહીં, ત્યારે મનજી પટેલે ગેઢેરાઓને મળીને પોતાના વેવાઈને ત્યાં જબરીથી રખાવી, તે બાઈ હજુ તેના જ ઘરમાં છે, તે સિવાય આ પટેલ પોતે બહુ જ હોંશિયાર અને ચાલાક છે. હમણાં થોડા દિવસો ઉપર પોતાના દીકરાની વહુએ સસરાજી પાસે ફરિયાદ કરી હતી અને તેનો આ પટેલે ફેંસલો આપ્યો છે. તે ઉપરથી આપ જોઈ શકશો કે મનજી પટેલ કેવા ચારિત્રવાળા અને ધર્મિષ્ટ છે. આ પટેલ પોતાના લાગતા વળગતા પટેલીયાઓની સાથે હંમેશા મળતા રહે છે. એકબીજાના કુકર્મો ઉપર ઢાંકપીછોડો કરવાને બહુ જ કાબેલ માણસ છે. દીકરાની વહુએ સસરાજી પાસે ફરિયાદ કરી કે બાપા તમેં પટલાઈ કરો છો. નાતમાં આપણી આબરૂ પણ સારી છે પણ તમેં ઘરમાં કાંઈ ધ્યાન દેતા નથી જેથી કોક દિવસ આબરૂ ઉપર પાણી ફરશે એટલે મનજી પટેલ બોલ્યા કે તે શું વહુ બાપા? એટલે વહુ બોલ્યાં કે, તમારો દીકરો તો ગમે ત્યાં લોફર પણે વર્તે છે, તેની તો તમારી આબરૂ મોટી છે તેથી કંઈ હરકત નહીં આવે પરંતુ તમારી દીકરીઉં ખરાબ રસ્તે વર્તે છે. તેનો બંદોબસ્ત કરો તો સારું. ગામમાં માણસો વાતો કરે છે તે ઠીક નહીં, તમે મોટા ને તમને કોઈ કહે નહીં જેથી હું આપણા ઘરની વાત છે તે તમને કહું છું માટે ધ્યાનમાં રાખજો આટલી વહુની વાત સાંભળી આ વીર નરે સિંહ ગર્જના કરી કે, “મારો દીકરો તેમજ દીકરીઓ ગમે તેમ વરતે તેને તું કેનાર કોણ? બસ હું પટેલ તો જ ખરો કે તારો જ છુટકો કરું તને જ મારા ઘરમાંથી કાઢું તો જ હું મનજી પટેલ ખરો.” બસ પટેલની પ્રતિજ્ઞા એ ભીષ્મ પ્રતિજ્ઞા. તરત જ તેણે તેમની મળતીયા આગેવાનોને બોલાવ્યા અને વહુનો બાપ લુડવાનો કણબી મેઘજી ખેતા ધોળુને પણ તેડાવ્યો. મનજી પટેલના મળતીયા આગેવાનોએ વિચાર કરીને ફેંસલો આપ્યો અને મનજી પટેલના વેવાઈ મેઘજી ખેતાને કહ્યું કે “તમેં કોરી ૪૦૦ દંડ આપો અને તમારી દીકરીનો નાત છુટકો કરે છે” ત્યારે વહુના બાપે કહ્યું કે “મારી દીકરીનો કંઈ વાંક કે ગુનો શું છે, જે હું દંડ આપું.” ત્યારે મનજી પટેલના મળતીયા આગેવાન ગેઢેરાઓએ કહ્યું કે નાતને ધ્યાનમાં આવે છે માટે તમારાથી ના કેવાય નહીં ત્યારે મનજી પટેલના દીકરાની વહુએ નાતની વચ્ચે કહ્યું કે મારો છુટકો તે તમે શા આધારે કરો છો મારો કંઈ વાંક કે ગુનો છે? વગર વાંકે તમો નાતીલાથી પણ મારો છુટકો થશે નહીં. મને પંદર વર્ષ થયાં પટેલના દીકરાની સાથે ઘરસંસાર ચાલે છે મને ત્રણ છોકરાં થયાં છે, મારા સસરાને ઘરની શીખામણની વાત કહી તેથી મારો છુટકો કરવાને નાત ભેગી કરી છે, મારા સસરાને હવે શરમ પણ પોચતી નથી દીકરાની વહુનો છુટકો કરાવતાં શરમાતા પણ નથી. હું સાફ તમો નાતીલા માબાપ છો તેને કહું છું કે મારા સસરાંને જો હું પસંદ પડતી ન હઉં તો ભલે એના દીકરાને બીજી પેણાવે. તથા તેમની દીકરીઓને જોઈ તેમ કરે આ પ્રમાણેનું બોલવું બાઈનું સાંભળી નાતીલા પણ વિચારમાં પડી ગયા, ત્યારે મનજી પટેલને પૂછ્યું કે હવે શું કરવું? ત્યારે મનજી પટેલ બોલ્યા કે ગમે તેમ કરો પણ એ વહુ મારા ઘરમાં ખપે નહીં, ત્યારે આગેવાનોએ વિચાર કરી વહુના બાપને કહ્યું કે તમને એક ત્રાંબીઓ પણ દંડ નહીં અને પટેલના ઘરના દર દાગીના તમારી દીકરીના છે તે શીખે ભલે તમારી દીકરી લઈ જાઓ પણ તમારે છુટકામાં સહી કરવી પડશે. જો તમે આનાકાની કરશો તો પછે નાતના હાથ મોટા છે. તેમજ આગેવાન ગેઢેરાનું કહ્યું નહીં કરો તો પછે તમને નાતબાર રહેવું પડશે. મમત કરવામાં સાર કાઢશો નહીં આમ બાઈના બાપને આગેવાનોએ જુલાબ આપ્યાથી તે બિચારે છુટકાની સહી કરી આપી. બંધુઓ ! કેટલી દીલગીરની વાત છે કે આ પટેલ પોતાના ઘરમાં ખાનગીમાં વહુએ વાત કરી તેમાં પણ પટેલે રજનો ગજ કરી નાખ્યો. ઉંદર મારવા માટે ડુંગર ખોદી નાખ્યો. શરમ છે આવા નાલાયક પશુ જેવા અધમ અનીતિવાન આગેવાનોને ! ભાઈઓ ઘણા જ અફસોસની વાત છે કે આપણી જ્ઞાતિમાં આવા નીચ ધંધા કરનારા આગેવાનો આપણા ઉપર રાજ્ય સત્તા ભોગવે છે અને આપણે તેનો મુંગે મોઢે સ્વીકાર કરીએ છીએ. આ ચંડાળ પટેલ નાતમાં હજુ પટલાઈ કરે છે, તેને પોતાના પાપી કૃત્યનો લેશ પણ પસ્તાવો થતો નથી તેમ તેને નામની પણ શરમ નથી. ભાઈઓ તમેં જો હવે આંખ નહીં ઉઘાડો તો આવા અધમ લોકો આપણી જ્ઞાતિને ક્યાં સુધી પાયમાલ કરશે તે કહી શકાતું નથી. તે સિવાય આપણી જ્ઞાતિમાં એક માણસ એવો મોઢેથી બકવાસ કરે છે કે કચ્છના કણબીઓની ત્રણે પાંચાડાની નાતનો હું આગેવાન રાજા છું. હું ગમે તેવો ન્યાય કરું, ગમે તેવી રીતે વરતું તેનો કોઈએ જવાબ લેવો નહીં અને ખરું કહીએ તો તેના કુકર્મોનો કોઈ જવાબ પણ લેતું નથી, ઘણી જ અફસોસ કરાવનારી બીના છે. આ વીર મહાશય જ્ઞાતિને પાયમાલ કરવામાં નંબર પહેલો ધરાવે છે. તે અસુર મુરતીનું નામ કરમશી ગેઢેરા ગામ નેત્રાનો છે. તેણે આખી જિંદગી ધર્માદાપંચના નાણા ખાઈને રાવણના જેવડી જબરજસ્ત કાયા વધારી છે. આ આગેવાનના કુકર્મની કથા લખવા બેસીએ તો એક મોટું દળદાર પુસ્તક લખાય પરંતુ આગળની વાતો જતી કરીએ તો પણ હમણાં થોડા વર્ષો પહેલાં રસલીયા ગામમાં કણબી ભાઈઓમાં આપસ આપસમાં તકરાર થવાથી એક ખૂન થયું હતું તે આ આગેવાને ખૂન છુપાવવા ખૂબ પૈસા ખાધા હતા અને તેની તપાસ મહેરબાન પોલીસ કમીશનરે નખત્રાણા ગામના પલીવાડ શેઠ વેલજી માધવજીના બંગલે આ નાયકની કરી હતી. જોકે પૈસા ખાવામાં તો સાંભળવા પ્રમાણે ઘણા જણ હતા પરંતુ માર ખાવાના માટે આ પટેલ એકલા જ હતા. તે સિવાય તેના અનેક કુકર્મો ઉપર ધુળ નાખીએ તો પણ છેલ્લે છેલ્લે હમણાં તેણે એક એવું જાલીમ કૃત્ય આખી જ્ઞાતિથી વિરુદ્ધ કર્યું છે તે કદાપી માફ થઈ શકે જ નહી. તેણે જબરજસ્તીથી ભાઈ બેનને પરણાવ્યાં હતાં તે આખા કચ્છમાં આ વાત પ્રસિદ્ધ છે આવું અધમ અને નીર્લજ કૃત્ય કરતાં ઘણા માણસોએ તેને અટકાવ્યો પરંતુ પોતાની ટેક જવાથી એ વાત તેણે માની નહીં. લગ્ન કરવાનાં હતાં તે બાઈએ તેમજ પેણનાર ભાઈએ પણ આ વાતની ના પાડી અને કહ્યું કે આવું અઘટિત કાર્ય કરવું તે સારું નથી. પરંતુ આ રાક્ષસી હૃદયના પથ્થર જેવા માણસે હઠ લીધી તે મુકી નહીં. ગરીબ બિચારા કણબીઓને નાત બારની બીકથી ડરીને આવું અશુભ ન છાજતું કામ પણ કરવું પડ્યું. આ જોડાનો એક મહિનો દહાડો ઘરસંસાર ચાલ્યો એટલામાંતો આખી નાતમાં હોહાકાર મચી રહ્યો. અને અંતે ત્રણે પાંચાડાની નાતે મળી સંબંધ તોડાવી નાખ્યો. ત્યારે પેલી બાઈએ ફરિયાદ કરી કે “મારી આબરૂ જાએ છે તમે નાત મારી વારે ચડો, ત્યારે તમે મને કંઈ મદદ કરી નહીં અને પાછળથી કામ બગડી ગયા પછી વારે ધાયા. મારી આબરૂને નુકસાન થયું છે તેનો કોણ જવાબ આપે છે” ત્યારે આ કર્મચંડાળ કરમશી ગેઢેરો રસ્તો કાઢી આપ્યો કે અઢી હજાર કોરી બાઈને નાતના ફંડમાંથી આપવી આ ફેંસલો બધા આગેવાને કબુલ કર્યો પરંતુ આ જાલીમ ઝુલમગારનો એક ત્રાંબીઓ પણ કોઈએ દંડ કર્યો નહીં. આવો છે આપણી જ્ઞાતિનો ન્યાય ! તમો સઘળા ભાઈઓએ શરમાવું જોઈએ છે કે આવા અધમ લોકોના હાથથી આપણી જ્ઞાતિનું કોઈ દિવસ પણ ભલું થવાનું નથી. તે સિવાય નખત્રાણાનો શીવજી પટેલ પણ આવા નીચ લોકોના પગડે ચડી પોતે કુકર્મ કરતાં શીખ્યો છે તે તમો સઘળા ભાઈઓને ખ્યાલમાં છે. છતાં તમે કેમ તેની પાસેથી દાદ ફરિયાદ માંગતા નથી. થોડા વર્ષો પહેલાં ગામ કોટડામાં આગેવાનો ભેગા થયા હતા ત્યારે નાતનો કંઈ પણ કેસ હાથમાં ન આવ્યો, જેથી ધ્યાન પોચાડતાં એક બાઈની કોઈએ વાત કરી કે ફલાણી બાઈને હરામી હમેલ છે. બસ આ વાત હાથમાં આવી કે તરત જ બાઈને ખાનામાં તેડાવીને ધમકીઓ આપવા માંડી અને કહ્યું કે, “કહી દે તને કોના ઓધાન છે?” બાઈ શરમાઈ ગઈ તો પણ છેવટે કહ્યું કે મારા ધણીના છે. તે વખતે જ્ઞાતિના આગેવાનોએ આ બાઈના ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો તેટલું જ નહી પણ એવો હુકમ પણ કરી નાખ્યો કે “બસ એ બાઈને બાંધીને મારો એટલે ઝટ કહી દેશે.” આવી ધમકીઓ આપવાથી બાઈ ગભરાઈ ગઈ અને તેણે એક આગેવાનને કહ્યું કે “તમે નીચે આવો હું મેડી ઉપર આટલા નાતીલાની વચ્ચે કહીશ નહીં, નીચે તમારી પાસે બધી વાત કરીશ.” આમ કહી તે બાઈ મેડી ઉપરથી નીચે આવી અને પેલા આગેવાનને કહ્યું કે થોડીવાર પછી તમે મારે ઘેર આવજો એમ કહી બાઈ ચાલતી થઈ. રસ્તામાં બાઈએ વિચાર કર્યો કે વિના ફોકટ નાતીલે મારી આબરૂ પાડી. હવે જીવીને દુનિયામાં શું મોઢું બતાવું. ખરી વાત ગેઢેરા માનતા નથી અને જબરીથી કોઈનું ખોટું નામ આપી જીવવું તેના કરતાં તો મોત સારું છે. આવો વિચાર કરી બાઈ ઘેર ન જતાં તરત કુવા ઉપર ગઈ પોતાની આબરૂ જાળવવા કુવામાં પડી આપઘાત કર્યો. બંધુઓ ! કેટલા જુલ્મની વાત. આ તે કણબીની નાત કે કોઈ કસાઈની જાત ! થોડીજ વારમાં જાહેર થયું કે પેલી બાઈએ કુવામાં પડી આપઘાત કર્યો, આ ખબર કોટડાના ખાનામાં હરામનું ખાઈ પી મસ્ત થઈ માતેલા પાડા જેવા બેફીકરા, ફક્ત કોઈપણ કેસ હાથમાં આવે તો આજના ખાધા પીધાનો ખર્ચ તથા પાંચ પાંચ કોરી ધુંજામાં પડે એટલી જ ફીકરવાળા આ આગેવાનોને ખબર થઈ કે તેઓનો તો રામ જ રમી રહ્યા. હાય હાય હવે શું થશે કેટલાક વિચાર કરવા માંડ્યા કે ભુંડી થઈ, હવે પટલાઈ કરતાં ભુલી જશો. આમ ખોટી ધમકીઉ દેતા તે હવે તમને વિચાર કરવો પડશે. કોઈ કેવા લાગા કે અમે તો પેલેથીએ કેતા હતા કે આવી રીતે કોઈની આબરૂ ઉપર ઉતરવું તે ઠીક નહીં, પણ તમે માન્યું નહીં આમ સૌ એકબીજાના દોષ કાઢવા મંડી પડ્યા. કેટલાક હિંમતવાન બહાદુરે જંગ બોલી ઉઠયા, કે આમ મુતરી શું જાઓ છો. એમાં છે શું, બહુ થશે તો હજાર બારસો કોરી ન્યાયાધીશ તથા ફોજદારને આપવી પડશે, તો દેશું. ક્યાં નાતને કોરીઉનો તોટો છે. તેવામાં એક આસામીએ કહ્યું કે આવતી કાલે જ નખત્રાણા ટીંગાણા પડ્યા હશો અને આબરૂ જશે તેનું શું? આમ વિચાર કરતાં કરતાં સુતા તો ખરા પણ ઉંઘ આવી નહીં. રાત્રે એક વાગ્યાના સુમારે બે આસામી ઉઠ્યા. તેને લુગડાં પેરવાનું પણ ભાન રહ્યું નહીં. આંગડી ઉંધીઉ પેરીઉં. અને મેડી ઉપરથી નીચે ઉતર્યો અને ગુપચુપ પોતાની ઘોડીઉં ઉપર કાઠાં માંડ્યા, તેમાં કાઠાં પણ ઉંધાં માંડ્યાં. ઉંધાં તો ઉંધાં પણ ચડીને થયા રવાના, તે કઈ દિશામાં જાય છે તેનું પણ ભાન રહ્યું નહીં. આવી રીતે રાત વચ્ચે જે આગેવાનો રાતરે બાઈને ધમકીઓ આપતા હતા અને બાંધીને માર મારવાનું કેતા હતા, અને સિંહ ગર્જનાની માફક ત્રાડુકતા હતા તે શેરી માંયલા સિંહ જેવા બનીને ગુપચુપ રાતોરાત કોટડા ગામને સલામ કરી પલાયન થઈ ગયા. જે બાઈએ આબરૂ જાળવવા આપઘાત કર્યો તે જિંદગીથી ગઈ. તે સિવાય એક આબરૂદાર ગૃહસ્થની દીકરીનો અકાળે વિના અપરાધે જ્ઞાતિના આગેવાનોના જાલીમ જુલમથી અંત આવ્યો. એક ગૃહસ્થે પોતાની સગર્ભા સ્ત્રીથી હંમેશનો વિયોગી રહ્યો.
આવો છે આપણી જ્ઞાતિનો ન્યાય, બંધુઓ ઘણી જ શરમની વાત છે આવા આવા અન્યાયો અને જુલ્માટ ભરેલા કાર્યો જો તપાસીએ તો આપણા આગેવાનોના કર્મની કથાનું મોટું ભાગવત બને. હવે હું મૂળ વિષય ઉપર આવું છું. તેમાં નખત્રાણાના પટેલ શીવજીના પરાક્રમની કથા આવે છે. જે બાઈએ કુવામાં પડી આપઘાત કર્યો એ વાત ગઈ ગુજરી થઈ ગઈ. બાઈનાં સગાં વાલાં સૌ રોઈ રડી બેસી રહ્યાં પરંતુ કોટડામાં આગેવાનો ભેગા થયા અને કંઈ વળ્યું નહીં. તેથી એવો પ્રપંચ ઉભો કર્યો કે જે બાઈ કુવામાં પડી તેનો કેસ ઢાંકવા માટે ન્યાયાધીશ અને ફોજદારને આપવું પડશે માટે કોરી બે હજાર જોસે જેથી નખત્રાણા વીરાણી કોટડા વીથોણ અંગીયા મથલ ઈત્યાદી ગામોમાંથી જ્ઞાતિ પંચના પૈસા રહે છે તેમાંથી કોરી અઢારસો નખત્રાણા શીવજી પટેલને આપી. તે એટલા માટે આપી કે નખત્રાણા ન્યાયાધીશ તથા ફોજદારને લાંચ આપવી છે પરંતુ પાછળથી એવા ખબર મળ્યા કે એ કોરી આગેવાનોએ પોતપોતામાં વેંચી લીધી છે. જે ઉપરથી એક વર્ષ દહાડા ઉપર અંગીએ જ્ઞાતિ પંચ ભેગું થયું ત્યારે ગામ નાગલપુરના પટેલ કણબી ડાયા ભાણજી ધોળુએ કહ્યું કે કોરી ૧૮૦૦ જે ભેગી કરી હતી તે ક્યાં વપરાણી તેનું પેટું આપો, ત્યારે સર્વ આગેવાનોએ કહ્યું કે અમે એ પેટું લઈ આપશું. ત્યારે ડાયા પટેલે કહ્યું કે એનો જવાબ તમારે હમણાં જ આપવો પડશે એટલે નખત્રાણાના પટેલ શીવજીના સાગરીત મનજી પેથા દેશલપરવાળો તથા કુરબઈનો જસો પટેલ, નેત્રાનો કરમશી ગેઢેરા વિગેરે આગેવાનો બોલ્યા કે ગેઢેરા પાસેથી કોણ જવાબ માગે છે? ત્યારે ડાયા ભાણજીએ કહ્યું કે હું જવાબ માગું છું. ત્યારે ઉપલી વ્યક્તિઓએ જવાબ આપ્યો કે એ કોરીઓ તો લાંચ રૂશ્વતમાં અપાણી છે ત્યારે ડાયા પટેલે કહ્યું કે નાતે તે એવું શું ખોટું કામ કર્યું છે જે લાંચ રૂશ્વત આપવી પડી. ત્યારે આગેવાનોએ જવાબ આપ્યો કે એવું પુછવાનો તમને અધિકાર નથી. અમે જવાબ નથી આપતા એટલે ડાયા પટેલે તેને ઉભા થઈને કહ્યું કે આંહી જવાબ નહીં આપો તો હું કોર્ટમાં તમારી પાસેથી જવાબ લઈશ. ત્યારે આગેવાનોએ કહ્યું કે જા, તારાથી થાયે તે કરી લેજે. બસ, તે વખતે ડાયો પટેલ ઉઠીને પોતાને ઘેર ગયો અને તેજ રાત્રે પોતાની ઘોડી ઉપર બેસી ભુજ રવાના થયા અને રાત્રે વિથોણના ખાનામાં સુતા. ડાયા ભાણજીના ગયા પછી અંગીયાએ જે આગેવાનો ભેગા થયા હતા તેમણે વિચાર કર્યો કે ડાયા ભાણજીને છુટ જવાબ આપ્યો એ આપણે ઠીક ન કર્યું. આપણી નાતની વાતો કોર્ટે જાએ તો આપણે વધું ફજેત થઈએ જેથી રાતો રાત ડાયા ભાણજીની તપાસ કરતા આગેવાનો વિથોણ આવ્યા અને ખાનામાંથી ડાયા ભાણજીને ઉઠાડીને નમ્રતાપૂર્વક કહ્યું કે આપણો કેસ કોર્ટે જાએ તે સારું નહીં. તમે કહો તેમ કરીએ. તમને જો સો બસો કોરી જોતી હોય તો આપીએ. ત્યારે ડાયા ભાણજીએ કહ્યું કે મારે તો એક ત્રાંબીઓ લેવો પણ હરામ છે. એવા અધર્મના પૈસા મારે નથી જોતા. હું તમો આગેવાનોને પૂછું છું કે તમે ગમે તેમ કરો અને કોઈને દાદ દેતા નથી, તેમજ એકબીજાના વાંક માટે જે ઢાંકપિછોડો કરો છો તે તમને શોભતું નથી માટે આમાં ખરેખરો ગુનેગાર હોય તેને દંડ થવો જોઈએ અને કોરી ૧૮૦૦ નાતની કોથળીમાં પડવી જોઈએ તેજ વખતે આગેવાનોએ હા કહી અને બીજે જ દિવસે ગામ વિથોણમાં નાત બોલાવી શીવજી પટેલને કોરી ૭૫૦ દંડ કર્યો અને કોરી ૧૮૦૦ પાછી આપવી એમ ઠર્યું. દંડની કોરી રોકડી લેવાનો ઠરાવ છે તે પ્રમાણે શીવજી પટેલ તે કોરી રોકડી આપે? ત્યારે કોરી ૧૫૦ શીવજી પટેલે રોકડી આપી અને બાકીની કોરી વિથોણના ખાનામાંથી શીવજી પટેલને ઉધારી આપી દંડ ચુકાવ્યો અને ડાયા ધોળુ ભુજ જતા અટકી ગયા. બસ આટલું નાટક ભજવાયું અને આખી નાતની આંખમાં આગેવાનોએ ધુળ નાખી. નખત્રાણા ગયા પછી કોરી ૧૮૦૦ નાતના ફંડની તેમજ કોરી દંડની જે છસો વિથોણના ખાનામાંથી ઉધારી આપી હતી તેમાંનો એક ત્રાંબીઓ પણ આપ્યો નહી. છે કોઈ માઈનો પુત આવા નીચ ધંધા કરનારને પુછનાર? નાતના ખરી મહેનતના પૈસા આગેવાનો આવી રીતે હજમ કરી જાય છે તેને તો મહારાજાની કોર્ટોમાં જ ન્યાય કરાવવો જોઈએ. પણ તમો બધા નાત બારની બીકથી કાંઈ પણ કોઈને કહી શકતા નથી. અથવા તો એક બીજાની શરમ રાખો છો જેથી કંઈ પણ કેતા નથી જેથી આપણી જ્ઞાતિને હીણપત લગાડવાનો કેસો આગેવાનો કરે જાય છે તેમાં ગરીબ ભાઈઓ માર્યા જાય છે. તેનો તમો સઘળા ભાઈઓએ વિચાર કરવો ઘટે છે. તે સિવાય થોડા વર્ષો પેલાં જ્ઞાતિના આગેવાનોએ એક એવું ભયંકર ચોર લુંટારા કે ડાકુને ન શોભે તેવું ઝાલીમ જુલમગારનું કામ ગામ નખત્રાણામાં એક આપણા જ્ઞાતિભાઈના ઉપર કર્યું હતું તે તમે સર્વે ભાઈઓના ધ્યાનમાં હશે. તો પણ હું તમને કહી સંભળાવું છું. નખત્રાણા ગામના કણબી લધા નાગજી છાભૈયાએ પોતાના દીકરાનું સગપણ વીરાણી ગામના કણબી જસાની દીકરી વેરે કર્યું હતું, તેમાં લધા નાગજીએ આગેવાનોને એક ઢીંગલો પણ આપ્યો નહીં જેથી પેટના બળ્યા ગામ બાળે તેવી રીતે લધા નાગજીના ઉપર ત્રણે પાંચાડાની જ્ઞાતિના આગેવાનો નખત્રાણે ભેગા થઈ લધા નાગજીને બોલાવીને કહ્યું કે તારા દીકરાનો સંબંધ તે વીરાણી કર્યો છે તે છોડી દે, નહીં તો નાતબહાર થવું પડશે. ત્યારે લધાએ કહ્યું કે નાતબાર કરો તો ભલે પણ હું મારા દીકરાનો સંબંધ થયેલ છોડીશ નહીં. જેથી ગેઢેરા વિચાર કર્યો કે હવે શું કરવું નાતબારની બીકથી તે બીએ તેમ નથી. આમ ત્રણ દિવસ નખત્રાણામાં આગેવાનોએ વિચારમાં કાઢ્યા. અને તે વિચાર કરવાનું કારણ એ હતું કે નખત્રાણામાં દરબારી કોર્ટ છે, ન્યાયાધીશ ફોજદારની હાજરી છે તેમાંથી કન્યા ઉપાડી જવી એ મુશ્કેલ કામ હતું. જેથી જ ત્રણ દિવસ વિચાર કરવો પડ્યોઅને ત્રીજે દિવસે બાવા ઈમામશાહે સહાયતા કરી અને આ ગેઢેરાઓનાં હૃદય બારવટીયાના જેવા બનાવ્યા. ત્રણે પાંચાડાના આગેવાનોએ વિચાર કરી હુકમ કર્યો કે બસ તેને ઘેર જઈ જોરજુલમથી હુમલો કરી કન્યા ઉપાડી લાવો ત્યારે એક આસામીએ કહ્યું કે તેનું ઘર ડેલીબંધ છે અને તે દરવાજા બંધ કરીને અંદર રહે છે માટે ત્યાં જવાય તેમ નથી, તેમ લધો નાગજી કોઈનો વિશ્વાસ પણ કરે તેમ નથી, ત્યારે જ્ઞાતિના આગેવાન શીરોમણી અખૈ મુખી કે જેને ઈલ્મનું બહુ જોર હતું, નુરનામું બાજનામું રતનનામું ઈત્યાદી ધોળાના જંજીરા જેની બાંમાં બાંધ્યા હતા તે મુખીએ તથા દેશલપરના મનજી પટેલ અને નેત્રાવાળો કરમશી ગેઢેરો બોલ્યા કે એકદમ પચાસ માણસો જાઓ તેની ડેલી ઉપર ચડી અંદર જઈ લધાને તેમજ તેની ઓરતને બાંધીને કન્યાને ઉપાડી લાવો. બસ આ ત્રણ આગેવાનોનો હુકમ એ ‘મારસલ લો’નો કાયદો તરત પાસ કરવામાં આવ્યો અને તેજ વખતે પચાસથી સાઠ માણસનું ટોળું લધા નાગજીના ઘર આગળ ધસી ગયું. ડેલી ઉપર ચડી લોકો આંગણામાં આવ્યા અને ઘરની જડતી લેતાં કન્યા હાથ આવી નહીં. કોઈએ કહ્યું કે મેડી ઉપર છે. તરત ટોળું મેડી ઉપર ધસ્યું તો બારી બારણાં બંધ હતાં. બારણાં ઉઘાડવા કહ્યું. પરંતુ અંદરથી બારમાં ઉઘડ્યાં નહીં જેથી આ લુટારું ટોળીએ કોસવતી દીવાલ તોડી દરવાજો પાડી અંદરથી લધા નાગજીના છોકરાને તેમજ છોકરાની વહુને કેદ કરી, રોતા કકળતા આ બંને જણને બાંધીને આ લુંટારું ટોળી પોતાનું કામ આટોપી સીધી વીરાણીના રસ્તે પડી. થોડા જણ બાકી હતા તેણે લધા નાગજીને પણ બાંધીને તેને પણ વીરાણી લઈ જવા ઉપાડ્યો. બાકીના ગેઢેરા જે નખત્રાણાના ખાનામાં હતા તે પણ ત્યાંથી વીરાણી રવાના થયા. ખોથામાં સૌ ભેગા થયા. લધા નાગજીની પાસે એક દસ્તાવેજ મુક્યો કે જેમાં લખેલું હતું કે મેં મારી રાજીખુશીથી મારા છોકરાની વહુનો હક મુક્યો છે. પરંતુ તેમાં લધા નાગજીએ સહી કરી નહીં, જેથી બધા વીરાણી ગયા. લધા નાગજીને તેમજ તેના દીકરાને બાંધીને એક કેદીની માફકની દશા કરી હતી તે આ દયાળુ ગેઢેરાઓને ઓછું લાગું કારણ કે નખત્રાણામાં તો તેને બાંધ્યો, ધોળા દહાડે તેનું ઘર ફાટી કન્યા ઉપાડવાનો દાખલો બેસાડ્યો હતો, પરંતુ પીરાણીમાં પણ તેને કંઈક ચમત્કાર દેખાડવો જોઈએ અને કણબીની નાતની કેટલી સત્તા અને આગેવાનોમાં કેટલું પાણી છે તે બતાવવા ખાતર જ્યારે આ બધો સંઘ વીરાણી પહોંચ્યો, ત્યારે ગામના ઝાંપામાંથી એક ગધેડું પકડી લાવી તેના ઉપર લધા નાગજીના દીકરાને અવળો બેસાડી તેના હાથમાં જબરીથી ગધેડાનું પૂંછડું પકડાવી વીરાણી ગામમાં ફેરવી પછી તેને ખાનામાં લાવ્યા. જુલ્મ ! જુલ્મ બંધુઓ ઘણી જ શરમની વાત છે કે મહારાજાના રાજ્યમાં ગમે તેવા ભારી ગુનાની પણ આવી નિર્દય સજા કોર્ટો પણ કરતી નથી. પણ આપણા આગેવાનોની કોર્ટોનો કાયદો એની મરજી માફક છે. જેથી આપણા ભાઈઓના ઉપર ગમે તેવા જુલ્મ વિના વાંકે તે ગુજારી શકે છે. લધા નાગજીનો વાંક શું? આગેવાનોનાં મોઢાં બાળ્યાં હોત અને જેમ કુતરાને બટકુ રોટલો નાખીએ છીએ તેમ પાંચ પાંચ કોરી આપી હોત તો તેની આ દશા ન થાત પરંતુ ભાઈ લધા નાગજીએ અનીતિને ઉત્તેજન ન આપવું એવા હેતુથી પૈસા ન આપ્યા તો પછી ધર્મ કરતાં ધાડ ઉઠી. ભાઈઓ, હું નથી સમજી શકતો કે મહારાવશ્રીએ પોતાની પ્રજાને ન્યાય આપવા કોર્ટો સ્થાપી છે, પરંતુ કણબીના કમભાગ્યે તેનો લાભ તે લઈ શકતા નથી. ખેર હું ચાલતી કથા પુરી કરું છું. ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવી લધા નાગજીના છોકરાને તેમજ લધાને વીરાણીના ખાનામાં કેદ કર્યા. આટલી હકીકત બની ત્યાં સુધી લધા નાગજી હિંમતમાં હતો. પરંતુ આગેવાનો વીરાણીના ખાનામાં સિંહ ગર્જના કરી ત્રાડુકતા હતા કે લધો નાગજી કોરી ૩૫૦૦ સાડા ત્રણ હજાર દંડ આપે અને દીકરાની વહુનો દાવો છોડી દે, તેમજ આ જે હકીકત બની છે તેની નખત્રાણા કોર્ટમાં ફરિયાદ કરે નહીં. તો જ તેને અહીંથી જવા દેવો. નહીં તો આંહીનો આંહી જ પુરો કરી નાખવો. આવા શબ્દો સાંભળી લધા નાગજી પોતાની હિંમતથી હારી ગયો અને અંતે ત્રીજે દહાડે જ્ઞાતિના આગેવાનોના કેવા પ્રમાણે લખી આપ્યું ત્યારે તેને છુટકો થયો. જ્ઞાતિના આગેવાનો પાસે મમત કરી તો આબરૂ પણ ગઈ. ઘર ફાટ્યું, દીકરાની વહુ પણ ખોઈ અને કોરી ૩૫૦૦નો દંડ પણ દેવો પડ્યો, આમ જે આગેવાનો પોતાની બડાઈઓ કરે છે કે જેથી કોઈ ઉંચું માથું કરી શકે નહીં. કેટલી મુર્ખતા ! કેટલી નીચતા ! પોતાના પાપી કૃત્યોનો તેઓ પસ્તાવો પણ કરતા નથી !
ભાઈઓ, આવા આવા અનેક નાદીરસાહી કહો કે અલાઉનદ્દીન ખુનીના રાજ્ય અમલમાં પણ ન બનેલા જબરીના ગુનાઓ જ્ઞાતિના આગેવાનો કરે જાય છે. અને આપણે ગરીબ ભાઈઓ મહા મહેનતે પૈસા મેળવીએ છીએ તેને જબરીથી ધર્માદા લે છે. અને તે પૈસામાંથી આવા નીચ લોકો તાગડધીના કરે છે, છતાં કોઈ ભાવ પૂછતું નથી અને જરાક જો કોઈ કાંઈ કહે તો તરત તેને નાતબાર કરવાની ધમકીઓ આપે છે. મોગલાઈ હુકમ કરતાં પણ તે શરમાતા નથી. કુરબઈનો જસો પટેલ પોતાને ફતેમામદ તરીકે ઓળખાવે છે અને પોતાને મોઢે પોતે જ બડાઈઓ મારે છે કે અમારા વિરુદ્ધ જો કોઈ કોર્ટે ફરિયાદ કરે તો મહારાજા ખેંગારજી અમને કાંઈ પણ કરે નહીં અને અમારા વિરુદ્ધમાં જો કોર્ટ ફેંસલો આપે તો અમે કચ્છ દેશ ઉજ્જડ કરી ચાલ્યા જઈએ, જેથી કોઈપણ કોર્ટ અમો કણબીઓનો કેસ હાથમાં ઝાલે નહીં. આ મૂર્ખ શિરોમણી પટેલની કેવી મુર્ખતા છે તેની અક્કલની શું નકલ કરીએ. આ મુર્ખ શિરોમણી પટેલને ખબર નથી કે અમારા જેવા પામરોથી મહારાજા કે તેમનો અધિકારી વર્ગ ડરી જાય તેમ નથી પરંતુ આપણામાંજ પાણી નથી, નહી તો હું જેટલી વાતો તમારી સમક્ષ કહી ગયો છું તેમાંની એકની પણ ફરિયાદી કરી આવા નીચ માણસોની તો ખબર જ લેવી જોઈએ અને તો જ આપણી જ્ઞાતિમાં થતો જુલ્મ અટકે અને આપણી જ્ઞાતિનું કલ્યાણ થાય. બંધુઓ, મેં તમારો ઘણો જ કિંમતી વખત લીધો છે છતાં એક વાત હજુ, મારે તમને કેવી છે, તે પણ કૃપા કરી સાંભળી લેશો. જે વાત હમણાં ચાલુ છે જેમાં આગેવાનો પંચના પૈસાની બરબાદી કરે છે અને એક આપણા ગરીબ ભાઈને વિના કારણ નડે છે. એ વાત પણ તમો શાંતિથી સાંભળી લેવા ધીરજ રાખશો. અકરી ગામનો કણબી રામજી રતનાએ ગામ અકરીમાં જ પુર્નલગ્ન કરેલ છે. પરંતુ આગેવાનોને એક પૈસો પણ આપ્યો નહી, તેથી આગેવાનોને પેટમાં ચુંક આવવા માંડી જેથી રામજીને હુકમ કર્યો કે તેં સંબંધ કર્યો છે તેને છુટકો આપ, પણ રામજીએ તેમ કર્યું નહીં જેથી આગેવાનો લધા નાગજીના કેસમાં ફાવી ગયા હતા એ જોરમાં ને જોરમાં રામજી રતનાના ઘર ઉપર ચડી ગયા. ભેગા થઈને રામજીને બાંધીને તેની વહુને કહ્યું કે, તું ચાલ અમારા ભેગી, ત્યારે તે બાઈએ કહ્યું કે મારા ધણીને મુકીને હું આવીશ નહીં, જેથી એ બાઈને પણ બાંધીને ગાડામાંથે નાખી, ગામ ઘડુલી લઈ આવ્યા ત્યાં એ બાઈનું જાહેર લીલામ કર્યું. તેમાં ઘડુલીના કણબી માધાએ કોરી ૧૨૦૦ આપવા કબુલ કર્યું જેથી એ બાઈને તેની સાથે સંબંધ કરવા કહ્યું, જેથી બાઈએ કહ્યું કે મારો ધણી તો રામજી અકરીવાળો છે. હવે મારે બીજું ઘર કરવાની જરૂર નથી, છતાં નાતે માન્યું નહીં અને તે બાઈને બાંધીને મુખી પાસે બેસાડી. મુખી ઘીનો દીવો અને લોબાન કરી પરણાવવાની ક્રિયા કરવા માંડ્યા. ત્યારે એ બાઈએ ઘીનો દીવો બળતો હતો તેને લાત મારી મુખીને કહ્યું કે ‘શું કરવા હેરાન થાઓ છો. અને મારા ઉપર આવો જુલમ ગુજારો છો? માધો તો મારા ભાઈ જેવો છે. હું એનું ઘર કેવી રીતે વસાવું? ભાઈના ઘરમાં બેન શોભે નહીં.’ આવા માર્મિક વચનો બાઈએ કહ્યાં તો પણ આગેવાનોએ કોરી ૧૨૦૦ની લાલચે બાઈને જતી કરી નહીં. અને જબરીથી બાઈને બાંધીને બાંધી જ રાખી છોડી નહીં, ત્યારે બાઈએ યુક્તિ કરી. કહ્યું કે હવે મને છોડો, હું હવે તો ભાગી જઈશ નહીં, ત્યારે એ બાઈને છોડી તે દિવસે સૌ સાથે હળીમળીને રહી. રાતરે વેશ બદલી ધોળુ ધોતી પેરી હાથમાં લાકડી લઈ રાતના, એ બાઈ ગામ ઘડુલીથી એકલી નીકળી અને તે અકરી આવી પોતાના ધણી રામજીને મળી તેને સાથે લઈ બીટ્ટા કોર્ટનો આશરો લેવા આવી. પ્રથમ મેરબાન ફોજદાર સાહેબને મળી અને પોતાના ઉપર વીતેલી સઘળી હકીકત કહી સંભળાવી. દયાળુ ફોજદાર સાહેબે તેને આસના વાસના આપી. બીજે દિવસે એ બાઈએ મેરબાન ન્યાયાધીશ સાહેબની હજુરમાં પોતા ઉપર ગુજરેલા જુલમની ફરિયાદ માંડી. આગેવાનોને પણ ખબર પડી કે બાઈ ભાગી ગઈ છે અને જ્ઞાતિના આગેવાનો ઉપર ફરિયાદ માંડી છે. ત્યારે આગેવાનોએ પણ વકીલોની સલાહ લઈ બાઈને કબજે કરવાની ફરિયાદ માધાના નામથી માંડી. આગેવાનો નેતાં જ્યાં ત્યાં આ બાઈ ભાગી ગઈ તેથી કબજે કરવાની ખાસ ઈચ્છા થઈ તેમની પાસે જ્ઞાતિ પંચના પૈસા જોઈએ તેટલા મળી શકે, જેથી છુટથી પૈસાનો ઉપયોગ કરવા માંડ્યા પરંતુ બાઈ કબજે થઈ નહીં. બાઈએ લખપતમાં સારા ગૃહસ્થોનો આશરો લીધો હતો અને હાલ પણ બાઈ ત્યાં જ રહે છે. લખપતનો કીલ્લો મજબુત હોવાથી આ આગેવાન બારવટીયાઓથી ગઢ તોડી આ બાઈને ઉપાડી જવા બન્યું નહી. હું સમજી શકતો નથી કે આ કેસ તદ્દન જુઠો અને એક આસામીને પાયમાલ કરવા પુરતો છે. છતાં બીટ્ટા ન્યાયાધીશ સાહેબ આ જુલ્મી આગેવાન ગેઢેરાઓની જ પક્ષ કરે જાય છે, બે વખત આ બાઈને ઉપાડી જવાનો ત્રાગડો આગેવાનોએ રચ્યો હતો, પરંતુ તેમાં તે ફાવ્યા નથી. બાઈની જુબાની બીટ્ટા કોર્ટમાં લેવા આગેવાનોએ એક અરજી ન્યાયાધીશ સાહેબને કરી અને તે ન્યાયાધીશ સાહેબે મંજુર પણ કરી. ગેઢેરાઓ ફુલાઈ ગયા. બસ તે જબાની દેવા લખપતથી બીટ્ટે આવશે ત્યારે રસ્તામાંથી તેને પકડી લેવી. પરંતુ બાઈ આ વાત સમજી ગયેલી હોવાથી ન્યાયાધીશ સાહેબને અરજી કરી કે તમો અઠવાડીયે લખપત આવો છો તો મારી જબાની લખપતમાં લેવી. પરંતુ ન્યાયાધીશ સાહેબે એ અરજી નામંજુર કરવાથી, બાઈએ ભુજથી એવી મંજુરી મેળવી કે, બીટ્ટા ન્યાયાધીશ લખપત અઠવાડિયે અઠવાડિયે જાય છે તો પછી અરજદાર બાઈની જબાની લખપતમાં જ લેવી. જેથી આગેવાનો ફાવ્યા નહીં. જેથી આગેવાનોએ એકબીજો રસ્તો શોધી કાઢ્યો કે, એ બાઈનો ધણી રામજી જ્યાં સુધી છુટો છે ત્યાં સુધી બાઈના ઉપર આપણે ફાવશું નહીં. જેથી એક કેસ રામજી ઉપર એવા પ્રકારનો કર્યો કે રામજીએ ફરિયાદી બાઈ સાથે વ્યભિચાર કર્યો છે. આ કેસમાં ફાવશું જેથી રામજી કેદમાં જશે. એટલે પછી બાઈને મદદ કરનાર કોઈ રહેશે નહીં. તેથી એ કેસ બીટ્ટા ન્યાયાધીશ કોર્ટમાં રજુ કર્યો. ન્યાયાધીશ સાહેબે રામજીના માટે સમન્સ આપ્યો એટલે રામજીએ બીટ્ટા ન્યાયાધીશ સાહેબને અરજ કરી કે, મારી ઓરતનો કેસ ચાલે છે અને તેનો નીકાલ થાય નહીં ત્યાં સુધી આ કેસ મુલતવી રહેવો જોઈએ. પરંતુ ન્યાયાધીશ સાહેબે તેની અરજી નામંજુર કરવાથી રામજીએ ભુજ જઈ પોતાના બચાવ માટે એવો હુકમ ઉપલી કોર્ટથી લાવ્યો કે, જ્યાં સુધી બાઈના કેસનો નિકાલ થાય નહીં, ત્યાં સુધી આ કેસ બીટ્ટા ન્યાયાધીશે મુલતવી રાખવો. આવો હુકમ ન્યાયાધીશ સાહેબને મળવાથી સાહેબને પણ વિચાર થયો અને કણબી આગેવાનો આ બીજા દાવમાં ફાવ્યા નહીં. હમણાં સાંભળ્યું છે કે, મેરબાન બીટ્ટા ન્યાયાધીશ સાહેબે રામજીની ઓરતના કેસનો ફેંસલો આપ્યો છે. તેમાં એમ કહ્યું કે રામજી રતનાએ તેમજ ફરિયાદી બાઈએ જે લગ્ન કર્યું છે તે એવા પ્રકારનું લગ્ન છે કે પાણીની હેલભરીને જે બાઈ કોઈના ઘરમાં જાએ. તેવા પ્રકારનું લગ્ન કાયદેસર નથી. અને કદાચ એવા લગ્ન કરવાની રૂઢી હોય તો એ કણબી જેવી જ્ઞાતિને લાયક નથી અમે મહેરબાન ન્યાયાધીશ સાહેબને પૂછીએ છીએ કે પાણીની હેલ ભરીને લગ્ન કરવા દાખલા તો અમારી જ્ઞાતિમાં સેંકડો છે અને એવાં લગ્નની પ્રથા અમારામાં આજકાલની નથી, પરંતુ ઘણા વર્ષોથી છે. ગમે તેમ ન્યાયાધીશ સાહેબના મગજમાં આવ્યું તે ખરું. નહી તો સાધારણ બુદ્ધિનો માણસ પણ સમજી શકે તેવી વાત છે કે રાજીખુશીથી બાઈએ સંબંધ કર્યો છે, છતાં તેમના ગેરલાભનો ફેંસલો સાંભળી ઘણા ભાઈઓ દીલગીર છે. સાંભળવા પ્રમાણે રામજી ભુજમાં આ કેસની અપીલ કરવાનો છે. અમારી તો ખાત્રી છે કે કણબીઓ ગમે તેટલા પૈસા ઉડાડે અને લાંચો આપે પરંતુ કેસ રામજીના લાભમાં જ આવવાનો છે.
તે સિવાય હમણાં એક બીજો કેસ માંડવી ન્યાયાધીશ સાહેબ પાસે ચાલે છે તેમાં પણ આગેવાનોના જુલ્મની જ વાત છે. એક ભાઈ નામે મનજી કાનજી રંગાણી ગામ મમાઈમોરાવાળાએ મુંબઈના યુવક મંડળમાં સહી કરી છે અને તે મંડળે જ્ઞાતિ હિતના કેટલાક ઠરાવો પાસ કર્યા છે જેથી આગેવાનોને ભય પેઠો છે, રખેને આપણી સત્તા જતી રહે જેથી સહી કરનારાને નાત બાર કર્યા છે અને દંડ લઈને નાતમાં ભેળે છે. આ ભાઈએ દંડ ન આપવાથી તેને નાત બાર કર્યો છે. તેજ કારણસર ફરિયાદ મંડાઈ છે. ફેંસલો શું આવે છે તે જોવાનું છે. તે સિવાય બીજો એક કેસ પણ નામદાર માંડવી ન્યાયાધીશ સાહેબની કોર્ટમાં ચાલે છે. આમાં પણ આગેવાનોના જુલ્મની જ વાત છે. ગઢશીશાના કણબી ભાણજી ધનજી રંગાણીને પાયમાલ કરવાના માટે આગેવાનોએ હમણા ત્રાત્રડો મચાવ્યો છે. ભાણજી ધનજીની કસુર માત્ર આટલી જ છે કે તે પીરાણા ધર્મને તજીને સ્વામિનારાયણનો ધર્મ પાળે છે, જેથી આગેવાનોએ ભાણજી ધનજીના વેવાઈ ગામ લુડવાના કણબી લધા સોમજી ધોળુને દમદાટી દઈને ઉભો કર્યા છે, કે તારી દીકરી પરમાબાઈનો સંબંધ તે ગઢશીશાના કણબી ભાણજી ધનજીના દીકરા વેરે કર્યો છે, તે તોડી નાખ, નહી તો નાત બાર કરશે. તથા ગામ લુડવાના કણબી લધા સોમજીએ કહ્યું કે મારી દીકરી પેણાવેલી છે અને સાસરે મુકવા લાયક છે, માટે એ કામ શી રીતે બને? ત્યારે આગેવાનોએ કહ્યું કે ભાણજી ધનજીના જે દર દાગીના છે તે એને ઘરે પાછા આપી આવ એટલે સંબંધ તુટી ગયો. તને કોઈ પૂછશે ત્યારે અમે નાત આખી તારી મદદમાં છીએ. આવી રીતે લધા સોમજીને ચડાવાથી દસબાર જણનું ટોળું ગઢશીશા આવી ભાણજી ધનજીને કહ્યું કે, તમે પીરાણાનો ધર્મ મૂકી દીધો છે તેથી નાત અમારી દીકરીનો છુટકો કરે છે, જેથી આ તમારા દાગીના છે તે લો, ત્યારે ભાણજીએ કહ્યું કે અમને પૂછ્યા ગાછ્યા સિવાય અમારી મરજી વિરુદ્ધ નાત આવું કામ કરતી હશે તો ઘણું જ ખોટું કેવાય. અમારે તો છુટકો લેવો નથી અને અમારી વહુને અમારે તેડવી છે. હવે છોકરાં બને ઉંમર લાયક છે. માટે તમે કહો તે દિવસે અમે તેડી જવા આવીએ, ત્યારે લધા સોમજીએ કહ્યું કે મારી દીકરીને તમારે ઘરે મોકલવા ગેઢેરે ના પાડી છે અને તેને બીજે પેણાવવી છે. આવા ખબર ભાણજી ધનજીને થયા ત્યારે વિચાર કર્યો કે કણબી આગેવાનો હું જો વિચાર કરતો રહીશ તો જરૂર ઉંધુંચતું કરી નાખશે. જેથી પોતાના દીકરાની વહુને કબજે લેવા માંડવીમાં ફરિયાદ કરી છે. ભાઈઓ ! આમાં ભાણજી ધનજીની કસુર શું છે? આગેવાનોને ધ્યાનમાં આવે તો કોઈકનું સુધારે નહી તો બગાડે. આતે આગેવાનો છે કે નાતના દુશ્મન છે !! એમની પાસે નાતના પૈસા છે તેથી જ આવાં ધીંગાણા કરવાં તેને સુજે છે. ભાઈઓ આપણા આગેવાન ગેઢેરાઓના માટે ઘણું કેવાણું છે. ભગવતી ઉમિયા માતા તેને સદ્બુદ્ધિ આપે અને તમો જ્ઞાતિ ભાઈઓ પણ હવે કમર કસી નાતમાં જે ભડવાઈ કરતા હોય તેની પુરેપુરી ખબર, નામદાર મહારાવશ્રી ખેંગારજી બાવાની હજુરમાં લેવાશે ત્યારે જ આપણા ગેઢેરા પાંસરા થશે આટલું બોલી હું મારું બોલવું પુરું કરું છું અને આપ સઘળા ભાઈઓનો મેં ઘણો વખત લીધો છે તેના માટે ક્ષમા માગું છું.
પટેલ લધા વિશ્રામ સોમજીયાણીએ કરેલું ભાષણ
પ્રમુખ સાહેબ ! સ્વામીજી તથા જ્ઞાતિભાઈઓ અને બેનો ! હું આપની પાસે વિનંતી કરું છું કે, આ સભામાં મારા જુવાન ભાઈઓને જે ભાષણ કર્યા છે એ સાંભળીને મને પણ કાંઈક ઈચ્છા થઈ છે માટે બોલું છું. તે મારા બોલવામાં કંઈ ભુલચુલ જણાય તો મને તે ક્ષમા કરશો. વિરાણી ગામ તો ઘણા દિવસથી સમજ્યું છે કે પીરાણાનો ધર્મ એ હિન્દુ ધર્મ નથી જેથી આપણે ખાનાના બદલે જોતિધામને માનીએ છીએ. પીરાણા ધર્મની અભરી વસ્તુઓ પણ આપણે કાઢી નાખી છે. ભાઈઓ મારા કરતાં આગળના બોલનાર ભાઈ વાલજી ભીમજી નાકરાણીએ જે કહ્યું કે પીરાણામાં સૈયદો કુકડા મારે છે અને તેવાઓને પૈસા આપવાથી પૈસા ખર્ચીને પાપ વેચાતું લેવા જેવું છે, આ વાત પણ આપણે ત્રણ ચાર વર્ષથી સમજ્યા છીએ, જેથી પીરાણે હુંડી પણ આપણે મુકતા નથી. પરંતુ મારી એ વિનંતી છે કે આપણે જ્યારે ત્રણ વર્ષથી પીરાણે પૈસા મોકલતા નથી અને એ પૈસા વિરાણીમાં જ સારે રસ્તે વાપરવાને માટે રાખ્યા છે તો પછી આપણી જ્ઞાતિનું ભલું થાય એવો રસ્તો કાઢીને એ પૈસા તેમાં વપરાવા જોઈએ એવી મારી વિનંતી છે. તે સિવાય મારું એમ પણ કહેવું છે કે બીજા ગામોમાં આપણા ગરીબ ભાઈઓના પંચના પૈસા રહે છે, તેનો હમણાં ગેઢેરા ઘણો જ ગેરઉપયોગ કરે છે. અને તે પૈસા કોર્ટોમાં કાંકરાની માફક વાપરે છે અને આપણા ભાઈઓને કનડે છે, તો પછી તેનો બંદોબસ્ત કરવો જોઈએ અને ભુજ જઈ ખુદાવિંદ મહારાજાની હજુરમાં આપણી બધી વાતો જે ભાઈ રતનશી ખીમજી કહી ગયા છે તેની ફરિયાદી કરવી જોઈએ. મહારાજાના આપણે વ્હાલા અને કમાઉ દીકરા છીએ, જેથી આપણી ધાં જરૂર સાંભળશે, તમો મોટાં માવિત્રો બેઠાં છો, ત્યાં સુધી અમે કંઈપણ બોલી શકતા નથી, બાકી અમારો જીવ તો એકદમ મુંઝાઈ જાય છે, જુલ્મ કરનાર ગેઢેરાઓની પુરેપુરી ખબર લેવી જ જોઈએ. ઘણા દિવસ થયાં આપણી ગરીબ નાતના ઉપર આગેવાન ગેઢેરાઓએ જુલ્મી સત્તા ભોગવી છે. હવે તો તેમને જાત્રાએ મોકલવા જ જોઈએ. જેલ જાત્રાનાં દર્શન કર્યા સિવાય આપણા ગેઢેરાઓનાં પાપ ધોવાશે નહીં. પીરાણાવાળો લખુ કાકો તો હવે ચોખ્ખું સમજી ગયો છે કે કચ્છના કણબીઓ હવે હુંડી આપશે નહીં તેથી ઓણસાલ જે સંગ જાત્રાએ ગયો હતો તેને કાકાએ કહી દીધું છે કે મને કચ્છની હુંડીની પરવા નથી. તો ભાઈઓ કહું છું કે કાકાને પૈસાની પરવા નથી, તો પછી આપણે પીરાણે પરાણે પૈસા મોકલીને પાપ વોરવામાં ફાયદો શું છે? શું આપણા ગરીબ ભાઈઓને મદદ કરશું તો તે શું ઓછું પુન્ય છે? આપણા ભાઈઓને ભણાવવાને રાત્રિશાળાઓ ઉઘાડીએ અને આપણા ખેડૂત ભાઈઓ રાત્રે ભણે તો શું તમને ઓછું પુન્ય જણાય છે માટે મારી તો વિનંતી છે કે આપણા જ પૈસાનો સદ્ઉપયોગ આપણા જ હાથે થવો જોઈએ એટલી જ મારી તમો સઘળા ભાઈઓ પ્રત્યે વિનંતી છે. આટલું બોલી હું બેસી જવાની રજા લઉં છું.
પટેલ કાનજી ડાયા બાથાણીનું ભાષણ
મેરબાન પ્રમુખ સાહેબ સ્વામીજી અને જ્ઞાતિભાઈ અને બહેનો ! આજે આપણી આ સભામાં જે જે ભાષણો થયાં છે, તે સાંભળીને મને ઘણો જ ખેદ થાય છે કે આપણી નાતની આટલી બધી ખરાબી થઈ ગઈ છે તો પણ આપણે આંખ ઉઘાડતા નથી એ ઘણું જ શરમાવા જેવું છે, જે જે ભાઈઓએ આપણી નાતની પડતી થવાના કારણો બતાવ્યા છે તે અક્ષરાક્ષર સાચાં છે, ગેઢેરેતાં છે છોડી નાંખ્યા છે અને જુલ્મ કરવામાં જરાપણ પાછું વાળી જોયું નથી તેને કોઈ કહી શકતું નથી અને જે ભાઈઓ સરળતાથી વરતે છે અને નજીવી જરાક વાત માટે તેને નાતબાર અથવા તો દંડની સજા આપણા ગેઢેરાઓ કરે છે. હું તમો સભામાં બેઠેલા ભાઈઓને પૂછું છું કે રવાપરમાં આપણા કણબી આગેવાન ભાઈઓએ મેગવાળનું કામ કરી, આપણને સમજાવે છે કે અમે એક ધરમનું કામ કર્યું છે. એવું જે કે છે તેનો જવાબ કેમ લેતા નથી. તે ભાઈઓએ પીરાણાવાળા લખુકાકાનો બળધીઓ મરી ગયા તેને આપણા રવાપરવાળા કણબીઓએ ધર્મ માની બળધીઆને કાંધે ચડાવીને મુકામમાં જેમ એક કણબી મરી ગયો હોય તેેને ખાડો ખોદીને ધરોદ કલમો પઢીને દાટે છે તેવી જ રીતે આ બળધીઆની પણ પીરાણાના ધર્મમાં ચુસ્ત ભાઈઓએ ક્રિયા કરી છે. તે ભાઈઓ તો હવે તરીને પાર ઉતર્યા છે. કણબીની નાતને નીચું જોવા જેવું થોડું બાકી હતું તે આ આપણા આગેવાન ભાઈઓએ મેગવાળનું કામ કરી આપણી આખી નાતને નીચું જોવા જેવું કામ કર્યું છે. તેનો તો કોઈ ભાવ પણ પૂછતું નથી. આથમણા પાંચાડામાં ગામ ઘડુલી તરફ આપણા આગેવાનોના જુલ્મથી ત્રણ બાઈએ આપઘાત કર્યો છે. જેની કોઈ દાદ કે ફરિયાદ નથી. હમણાં ઉગમણા પાંચાડાઓ લગ્ન કરે છે તેમાં કેટલાક સુધારાવાળા ભાઈઓનાં લગ્ન અટકાવ્યાં છે. જે લાંચ આગેવાનોને આપે છે તેને લગ્ન કરવાની છુટ આપે છે. આવી આવી વાતો તો અનેક છે. હું માંડવીમાં આપણા લોવાણા ભાઈઓની કોન્ફરન્સ હતી ત્યારે આપણા ગામના લોવાણા ભાઈએ મારું ગાડું ભાડે કર્યું હતું જેથી હું માંડવી ગયો હતો. ત્યાં સભા જોઈ મારું મન થયું જે આ સભામાં ભાષણો થાય છે તે સંભળાય અને અંદર બેસવા દે તો સારું, જેથી મેં આપણા ગામના સ્કુલ માસ્તર ટોકરશીભાઈને કહ્યું કે મારાથી તમારી સભામાં આવી શકાય તો મારે ભાષણ સાંભળવાની ખાસ ઉમેદ છે. તેથી માસ્તર સાહેબે સભાના પ્રમુખની પાસે મારી વાત કરી જેથી મેરબાન પ્રમુખ સાહેબે કૃપા કરી મને એક સદ્ગૃહસ્થ તરીકે પુલપીટ ઉપર બેસવાની સગવડ કરી આપી અને ભાષણો સાંભળ્યા. આ વાત ખબર આપણા કણબીભાઈઓને પડી તેથી તેઓ માનવા લાગ્યા કે કાનજી આપણી નાતથી ઉતરી ગયો છે. લોવાણાની સભાની વચમાં બેઠો હતો.
હું એક વખત મારે સાસરે ગામ વિથોણ ગયો હતો, ત્યારે મારા સાસરાનાં બધા માણસો મને કહેવા લાગ્યાં કે તમે પરનાતમાં જાવ આવો છો જેથી તમે વેટલી ગયા છો. ભાઈઓ આતે કેવા પ્રકારનું વટલવું કેવાતું હશે? તે મને ખબર પડતી નથી. વિથોણ ગામ બહુ જ પવિત્ર ગણાય છે એ ગામને તેમજ વિથોણના કબ્રસ્તાનને આપણા ભાઈઓ નાના પીરાણા તરીકે માને છે. તે મોકામમાં વિથોણના કણબીઓ રાંધેલું અનાજ લઈ જઈ મોકામમાં ખાય છે છતાં વટલાતા નથી અને હું લોવાણા ભાઈઓની સભામાં ભાષણ સાંભળવા ગયો જેથી વટલી ગયો. આખા કચ્છમાં વિથોણ ગામના કણબીઓ મુસલમાની ક્રિયા વધુ પાળે છે. તે ગામમાં કોઈ ભુલેચુકે હિન્દુ દેવોનું ભજન કરે અથવા ટીલું કાઢે તો તરત તે માણસને નાતબાર અથવા તો દંડની શિક્ષા થાય છે. તે સિવાય ગામ ભડલીમાં એક સૈયદણ છે, તેને આપણા ભાઈઓ માજી કે છે તે સૈયદણ ધોળે દહાડે આપણી નાતને વટલાવે છે, છતાં તે રાંડને કોઈ કાઢતું નથી એજ સૈયદણ એક વખત આપણા ગામ વિરાણીમાં આવી હતી ત્યારે વિરાણીવાળાએ તેને આપણી જગ્યામાં ઉતરવા ન દીધી ત્યારે એ સૈયદણ ગાળો દેતી હતી ને કેતી હતી, કે મુવા કણબી મુમના તે હવે હિન્દુડા થાય છે. અમારા બાપદાદાનો ધર્મ મુકી દીધો છે. વિગેરે બોલીને કેવા લાગી કે તમારી પાસે ઉતરવાને મારો હક છે. તમને મુકીને હું શું કોઈ હિન્દુને ઘરે ઉતરું? આમને બાઈએ કહ્યું. એ કેવાનો અર્થ એમ થાય છે કે કણબીને મુકીને તે હિન્દુમાં કેમ ઉતરે એટલે કણબી તો એ સૈયદણને મનમાં સલમાન છે. આવું એ રાંડ બોલતી હતી તેેને વિરાણીવાળાએ એમની એમ તગડીને હવે ફરી વિરાણીમાં વસે ત્યારે વાત, તેવી જ રીતે પીરાણાનો કાકો લક્ષ્મણ પણ વિરાણીમાં તગડાણો છે તે મને તો એમ લાગે છે કે હવે તે કચ્છનું પાણી પીશે નહીં. તેવી જ રીતે ગેઢેરાને પણ વિરાણી સિવાય કોઈ બીજું ગામ ખબર લે એમ મને જણાતું નથી. ભાઈઓ હવે હદ વળી ગઈ છે. હું મોટા માવિત્રોને હાથ જોડી વિનંતી કરું છું કે તમે જો હવે અમને સહાયતા નહીં કરો તો પછી અમે જુવાનીયા અમને ધ્યાનમાં આવશે તેવી રીતે આપણી નાતનું ભલું કરવા અમે કોશિશ કરશું. નાતના આગેવાનોની વાત સાંભળી અમારા હૃદય ચિરાઈ જાય છે. હવે એકેય વાત સાંભળી જાય તેમ નથી. માટે મારી વિનંતી ધ્યાનમાં લઈ આપણી નાતનું ભલું થાયે તેમાં સૌ ભાઈઓ ભાગ લેવો અને આપણું કાર્ય ચાલુ જ રાખવું એવી આ સભા પ્રત્યે મારી વિનંતી છે.
ભાઈ નાયાભાઈ શીવજી નાકરાણીનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ, સ્વામીશ્રીજી, જ્ઞાતિબંધુઓ અને બહેનો !
તમો સઘળા ભાઈઓએ કૃપા કરી અમોને માન આપી અત્રે સભામાં બોલાવ્યા છે તેટલું જ નહિ પણ લગભગ બાર વર્ષ થયા, અમો જનોઈવાળાઓ તરીકે ઓળખાઈએ છીએ. આપણી કચ્છની જ્ઞાતિ અમને શત્રુવટ તરીકે માને છે. છતાં તમો વિરાણીના ભાઈઓ સાચું અને ખોટું શું છે તથા સત્ય વાત શું છે તે તમે બરોબર જાણી છે. અમે તમારાથી જુદા પડવાનું કારણ પણ તમે સુધરો અને જ્ઞાતિહિતનાં કાર્ય કરો તે સિવાય બીજું કાંઈ નથી. અમે અને તમે કોઈ દિવસ જુદા છીએ જ નહી. જ્ઞાતિ આગેવાનોના જુલ્મ તથા પીરાણાનું ધર્મ કે જે આપણે એક શુદ્ધ ક્ષત્રિયને કદાપી શોભે નહિ છતાં આપણી જ્ઞાતિ હજી તે ધારણ કરી રહી છે, તેની આંખ ઉઘાડવા અમારે તમારાથી જુદું થવું પડ્યું છે તે માફ કરશો. અંતે તમને વધારે સારું સમજાશે કે અમો જુદા પડ્યા ત્યારે જ કંઈક ચળવળ કરી શક્યા અને સાચા ખોટાનો નિર્ણય કરવાને તમને આજે વખત મળ્યો છે એ જોઈ મને ઘણો જ આનંદ થાય છે. બંધુઓ ! હું પીરાણા ધર્મ સંબંધે થોડું બોલવાનો છું તે કૃપા કરી સાંભળશો. પીરાણા ધર્મ એ કોઈ કાળે પણ હિંદુધર્મ કહી શકાય નહીં એ તો તમે પણ કબુલ કરો છો. આપણી જ્ઞાતિની જે બુરી દશા થઈ ગઈ છે જેનું કારણ પણ પીરાણા ધર્મ છે. આપણી જ્ઞાતિના આગેવાનો જે હમણા હમણા ખૂબ ફાટ્યા છે તે પણ પીરાણા ધર્મનો જ પ્રતાપ છે. મારે તમને ખાસ ખુલ્લા શબ્દોમાં જરાપણ સંકોચાયા સિવાય કહી દેવું જોઈએ કે પીરાણાનું ધર્મ પાળવું અને પાપને વોહરવું એ આપણને માટે બંને બરોબર છે, ભલે કોઈ સ્વાર્થ સાધુ અથવા મોટાભા થવાની લાલચે તમને હજુ પણ પીરાણા હિન્દુ ધર્મ છે તેમ કહે પરંતુ દુનિયાની નજર આગળ તે હવે હિન્દુ ધર્મના નામે એ ધર્મ નાલાયક થઈ ગયો છે. કસોટી કરતાં તદ્દન પીતલ માલુમ પડ્યું છે. અનેક ઠેકાણેથી પીરાણા ધર્મની ટીકાઓ થાય છે. તે તમો સઘળા ભાઈઓ જાણો છો, તે સિવાય મારે તમને એમ પણ કહી દેવું જોઈએ કે પીરાણા ધર્મના શાસ્ત્રોમાં આપણા શુદ્ધ આર્ય ધર્મના માટે ન છાજતા અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે. આપણા હિન્દુ દેવોનું પણ તેમાં ખાસ અપમાન કરવામાં આવ્યું છે. આવા કલંકવાળા ચારિત્રથી ભરેલું તેમજ એ ધર્મમાં લખેલા દસ અવતાર બિલકુલ ખોટા, કલ્પિત ન માની શકાય તેવી રીતે વર્ણવેલા છે. જેની હકીકતવાળું એક પુસ્તક આપણા જ્ઞાતિભક્ત ભાઈ નારણજી રામજીએ લખેલ છે અને તેઓ થોડા દિવસમાં છપાવાના છે. તે વાંચ્યા પછી તમોને ખાત્રી થશે. એ ધર્મમાં કેવળ ગપગોળા અને પૈસા પેદા કરવાના સાધન સિવાય, બીજું કંઈ જ છેજ નહિ. એ ધર્મને ગુપ્ત રાખવાનો હેતુ પણ એ જ છે કે જો આ ધર્મની વાત જગજાહેર થાય તો દુનિયામાં એ ધર્મના માટે મોટો ખળભળાટ ઉભો થાય, કારણ કે એ ધર્મમાં હિન્દુ તેમજ મુસલમાની બંને ધર્મથી વિરુદ્ધ કેટલીક વાતો લખેલી છે. હું તમો સઘળા ભાઈઓને પૂછું છું કે પીરાણા ધર્મ તો ખાસ ઈમામશાહે જ ચલાવ્યો છે, તેથી આગળ વધીને કહું તો કબીરુદીન અથવા સદરુદીને આ ધર્મ ચલાવ્યો છે, જેઓ પંદરમા સૈકામાં હતા, જેને લગભગ પોણા પાંચસો વર્ષ થયાં છે. છતાં એ ધર્મમાં લખ્યું છે કે હરિશ્ચંદ્ર રાજા તથા તેમની રાણી તારામતી અને કુંવર રોહીદાસ એ ધર્મ પાળતા હતા. કેટલું જુઠાણું ! હરિશ્ચંદ્ર રાજાના ગુરૂ વશિષ્ટમુનિએ તો હરિશ્ચંદ્ર રાજાને વેદ, સનાતની ધર્મ બતાવ્યો હતો, નહિં કે પીરાણાનો ધર્મ હરિણાકશ્યપના પુત્ર પ્રહલાદજી આ પીરાણાના ધર્મને માનતા અને મહારાજા યુધિષ્ઠિર અને પાંડવો પણ આજ પીરાણા ધર્મ પાળતા હતા. શું વાત તમને સાચી જણાય છે? કુરૂક્ષેત્રના મેદાનમાં અર્જુનને ક્યાં કૃષ્ણની ગીતાનો તત્ત્વબોધ અને ક્યાં આ કલ્પિત હિન્દુ પીરાણા ધર્મ !! પીરાણા હિન્દુ ધર્મમાં પોતાની કમાણીમાંથી દશમો ભાગ બાવા ઈમામશાહને આપીએ તો બાવો ઈમામશાહ આપણને સ્વર્ગે પહોંચાડશે નહિ તો નરકમાં જવું પડશે. આવા સ્વાર્થી લખાણો સિવાય તેમાં બીજું કાંઈ છે જ નહિ. કેવળ પૈસા પેદા કરવાનું આ ધર્મના નામનું મશીન સિવાય બીજું કાંઈ કહી શકાય નહિ. આવી હકીકત છે, છતાં તમને એ ધર્મમાં આસ્તા છે તેનું કારણ? તો તે ધર્મમાં મોટી મોટી લાલચો આપી છે. નુરમાનું, બાજનામું પઢવાથી આમ થાય, રતનનામું પઢવાથી આમ થાય, મોરનબુવતનો પાઠ કરવાથી અમુક અમુક પ્રકારની સિદ્ધિઓ મળે અને તૈયબની કલમો પઢવાથી મોક્ષ મળે. ભાઈઓ ! પીરાણા ધર્મમાં સિદ્ધી મેળવવાને જે પઢવાનું લખ્યું છે તે લાલચમાં જો તમે હંમેશાં પઢ્યા કરશો તો મારી તો ખાત્રી છે કે જરૂર તમે જુરી મરશો મને દેશમાં આવે દોઢ મહિનો થયો છે. તેમાં ઘણાએ પીરાણા ધર્મના ભક્તો સાથે વાદ વિવાદ થયો છે. પરંતુ તેઓનાથી એ હિન્દુધર્મ છે તેવું કોઈ દિવસ પણ પ્રતિપાદન થતું નથી. એ ધર્મના માટે હું આપને એક વાત કહું છું તે જરા સાંભળી લેશો. મુંબઈથી અમદાવાદ જતાં વચમાં વડોદરા શહેર આવે છે ત્યારે ગાડીમાં કેટલાક દવા વેચવાવાળા આવે છે. એ દવાઓમાં એક વીંછીનું ઝેર ઉતારવાની દવા વેચનાર કહે છે કે આ એક વિંછીનું ઝેર ઉતારવાની દવા છે. તેમાં ભારે ગુણ છે. એમ કહી પછી એ દવા જે એક અર્ક તેજાબ છે તે ત્રાંબાના પૈસા ઉપર લગાડે જેથી તે પૈસો સફેદ થાય છે અને રૂપા જેવો લાગે છે. પરંતુ થોડા વખત પછી તેજાબનો ગીલીટ ઉતરી જવાથી એ પૈસો ન રૂપાનો તેમજ ન ત્રાંબાનો એવો અળખામણો થઈ જાય છે કે તેની વસ્તુ ખરીદતાં પણ એ પૈસો કોઈ વેપારી લેવા ના પાડે છે. તેવી જ રીતે પીરાણા ધર્મનો અર્ક—તેજાબ આ મન ઉપર લાગે છે, ત્યારે ઘડીભર એમ થતું હશે કે આપણે ચાંદી જેવા થઈ ગયા છીએ, પરંતુ થોડાજ વખતમાં એ ધર્મનું મહાત્મ્ય જાણ્યા પછી ભાન થાય છે કે ન હિન્દુ તેમજ ન મુસલમાન એવી અધોગતિમાં આવી જવાય છે. માટે તમો સઘળા ભાઈઓએ આપણા બાપદાદાનો અસલ વેદધર્મ સ્વીકારવો, કે જેના માટે આપણને માન હોવું જોઈએ. પરંતુ એમ ન થવું જોઈએ કે આપણો ધર્મ બતાવતા પણ આપણે શરમાવું પડે, પીરાણાના કાકાના માટે તો ઘણું બોલાયું છે. ખરી રીતે કહીએ તો પીરાણાના કાકાને પણ અવળે રસ્તે દોરવાને આપણા આગેવાનો એ જ પ્રયત્ન કર્યો છે. જ્યારે તેને પૈસા છુટથી મોકલીએ ત્યારે જ મોજમજામાં પડી જાય છે. શું આપણા પંચના પૈસા આપણી જ્ઞાતિભાઈઓના હિતમાં વપરાય તે કાંઈ ઓછું પુન્ય તમે માનો છો ! સૈયદો કે જેઓ ચોખ્ખા મુસલમાન છે, સુનતે બેઠેલા છે અને કુરાને શરીફને માનનારા છે, તેઓ જીવહિંસા કરે છે તેટલું જ નહિ પણ પીરાણા ધર્મમાં તમાકુ પીવાની મનાઈ છે છતાં સૈયદો કચ્છમાં આવે છે ત્યારે આપણે જોઈ શકીએ તેવી રીતે ખાનામાં પણ હુક્કા પીએ છે, એક ભાઈએ કહ્યું તેમ કુકડાં ઈત્યાદીને મારે છે. મુસલમાનો સાથે ખાવાપીવાનો વ્યવહાર રાખે છે. છતાં પીરાણાના સૈયદો તેમજ પીરાણાના કાકાઓ આપણને બોધ કરે છે કે ઈમામશાહના વંશના સૈયદો હરિવંશી બ્રાહ્મણ છે. કેવી જુઠી ન માની શકાય તેવી ગલત વાત છે ! સૈયદોએ પણ હવે પૈસાના મતલબે જ પોતાનો આચાર વિચાર પણ છોડી દીધો છે. સૈયદોએ ખાસ દાઢી રખાવવી જોઈએ તેને બદલે દાઢી મુંડાવીને મોં સાફ રાખે છે અને નીચે ધોતી પહેરે છે તેથી શું તે બ્રાહ્મણ થઈ જવાના? કોઈ કાળે પણ નહીં. એ સૈયદોએ પણ આપણી જ્ઞાતિના કેટલાક ભાઈઓને પીરાણા ધર્મનો બોધ આપી કલમા પઢાવતા કર્યા છે. માટે ભાઈઓ ! એ સૈયદોને જેવી રીતે કચ્છમાં આવતા બંધ કર્યાં છે તેવી જ રીતે સમજીને તેને એકપણ પૈસો ન મોકલવતા, કારણ કે તેને પૈસો મળવાથી જરૂર તે જીવહિંસા કરવાના તેમજ તેનું પાપ આપણને જરૂર થવાનું એટલું જ નહિ પણ એ લોકોને વગર મહેનતે જે આપણા ધર્માદાના પૈસા મળે છે. તેથી તે લોકો આળસુ થઈ ગયા છે. એમની જિંદગી પણ આપણે બગાડીએ છીએ. ખરી વાત તો એ છે કે આપણા પૈસાનો સદુપયોગ આપણે જ કરવો જોઈએ, તે સિવાય મારે તમને એક વાત હજુ એ પણ કહેવાની છે કે આપણી જ્ઞાતિની અધમ દશા થવાનાં કારણોમાં મેં તમને પીરાણા ધર્મ તથા આપણા આગેવાનોનો જુલમ તેમજ પીરાણાના કાકાના છળ પ્રપંચ અને સૈયદોએ જ્ઞાતિના માંથે ચઢાવેલું કાળું કલંક આ સિવાય એક વ્યક્તિ જે ભગત તરીકે જ ઓળખાય છે જે તદ્દન ચૂપમાર રહે છે. છતાં જ્ઞાતિના ભોળા ભાઈઓ તથા બહેનોને અવળે રસ્તે દોરવામાં તેઓ છાનામાનાં કુકર્મો કરે જાય છે અને પોતે મહાત્મા મહંત બનીને ઠગે છે. તેનાથી પણ સંભાળીને ચાલવા હું આપ સર્વ ભાઈઓને વિનંતી કરું છું. આટલું બોલી હું મારું બોલવું પુરું કરું છું અને બેસી જવાની રજા માંગુ છું.
નારાયણજી રામજીએ કરેલું ભાષણ
મેરબાન પ્રમુખ સાહેબ સ્વામી શ્રી રેવાનંદજી તથા જ્ઞાતિભાઈઓ તથા બહેનો ! મેરબાન પ્રમુખ સાહેબે મારા માટે જે માનભર્યા શબ્દો વાપર્યા છે. તેમજ મારા જુવાન બંધુઓનો પણ મારા તરફ પૂજ્યભાવ જોઈ, તેમજ હું વિરાણી ગામમાં છ વરસ ગેરહાજર રહ્યા પછી, હમણાં એક મહિનો દહાડો થયા આવ્યો છું તે દરમ્યાન વિરાણી ગામમાં યુવકોની છ સભાઓ ભરાઈ છે જેમાં લગભગ આપણા ગામની વસ્તીનો મોટો ભાગ ભાઈઓ તથા બહેનોએ ભાષણો સાંભળી ગયા પછી વૃદ્ધો તેમજ યુવાનો અને છેક દશ વર્ષના બાળકોનો પણ મારા તરફ પ્રેમભાવ જોઈ તેમજ વૃદ્ધ માતાઓ બેનો તેમજ નાની બાળકીઓનો નમ્ર અને સ્નેહાળ ભાવ જોઈ હું મને પોતાને ભાગ્યશાળી માનું છું. આ વખતે મને મારા કાર્ય તરફ ઘણું જ માન ઉત્પન્ન થાય છે. મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતિના જીવનચરિત્રમાં મેં વાંચ્યું હતું કે સ્વામીજી પંજાબમાં વેદાંતનું રહસ્ય સમજાવતા હતા. પોતાના ભાષણમાં પુરાણોની ગપ કથાનું ખંડન પણ કરતા હતા તે વખતે સનાતની જુના વિચારવાળા ભાઈઓ તરફથી સ્વામીજીના માટે તિરસ્કાર પણ છૂટતો હતો. કેટલાક અજ્ઞાન ભાઈઓ સ્વામીજીને ગાળો પણ આપતા હતા. એટલું જ નહીં પણ ઈંટો અને પથરાનો વરસાદ પણ સ્વામીજી ઉપર વરસતો હતો એવામાં એક ઈંટ સ્વામી દયાનંદને માથામાં વાગી તે એક સભ્ય ગૃહસ્થે જોઇ, મારનારને તેણે બરોબર ધ્યાનમાં રાખ્યો અને સ્વામીજીને કહ્યું કે તમે ફરિયાદ કરો હું તમારો સાક્ષી થવા તૈયાર છું. તમને ઈંટ મારનારને હું બરોબર ઓળખું છું. ત્યારે સ્વામીજીએ કહ્યું કે નહી ભાઈ મારું કામ સત્ય વસ્તુ શું છે તે કહેવાનું છે. નહિ કે ફરિયાદ કરવાનું. કંઈ હરકત નથી મારો આત્મા મને ખાત્રી આપે છે કે મારા બોધથી અંતે જે માણસો હાલમાં મારા ઉપર ઈંટો અને પથ્થરાનો વરસાદ વરસાવે છે, તેજ માણસોને મારા શબ્દોની અસર થશે ત્યારે પથરા અને ઈંટોને બદલે મારા ઉપર ફુલોનો વરસાદ વરસાવશે. અંતે સ્વામીજીની ભવિષ્યવાણી ખરી પડી છે. પંજાબમાં સૌથી વિશેષ બોધ સ્વામી દયાનંદના વેદ ધર્મનો પ્રચલિત છે. સ્વામીજીના નામ પર પોતાના પ્રાણ ઓવારી નાંખનારા વીર પુરૂષો લાખોની સંખ્યામાં પંજાબ તરફ આપ જોઈ શકશો. આ વાત મને લગભગ આઠેક વર્ષ ઉપર વાંચવામાં આવી હતી અને તેજ વખતથી મેં મારી જ્ઞાતિ તરફના સુધારાની દિશા બદલી હતી તેમજ અમારા મંડળના શુભેચ્છક મરહુમ સ્વર્ગવાસી મહારાજ રામેશ્વર મોરારજીનો પણ એજ બોધ અમને હતો. આજે એ વાતની સત્યતાની સંપૂર્ણ ખાત્રી મને આ સભામાં આપના સૌ ભાઈઓ તરફથી થાય છે કે હું આજે મારા કાર્યના માટે ઘણો જ આનંદિત છું. આપ ધારતા હશો કે મેં જ્ઞાતિ સુધારાના માટે વિશેષ ભોગ આપ્યો છે પરંતુ એ ધારવું આપનું ભૂલ ભરેલું છે. મારા કરતાં તો આપણી જ્ઞાતિની દાઝ હૈયે ધરનારા વીર બંધુઓ ઘણાય છે. છતાં પણ જો મારાથી એક નામની પણ જો સેવા થઈ હોય તો એ ખાસ મારી ફરજ છે. જે મેં એક નામની જ અદા કરી છે. હજુ તો હું આપણી જ્ઞાતિના પૂરેપૂરા ઋણમાં છું. આટલું બોલ્યા પછી મારે પણ આ સભામાં કાંઈક બોલવું જોઈએ જેથી થોડુંક બોલું છું તે કૃપા કરી સાંભળશો. એક મહિનો દિવસ થયાં હું મુંબઈથી વિરાણી આવ્યો છું. તે દરમ્યાન હું આપણા ભાઈઓ જ્યાં વસે છે એવા ઘણા ગામોમાં ફર્યો છું. તેમજ આપણી જ્ઞાતિના ઘણા આગેવાનોને મળ્યો છું. તેમની સાથેની વાતચીતો ઉપરથી સારાંશ એ નીકળે છે કે આગેવાનોની ટીકા તથા પીરાણા ધર્મની જે ઉઘાડ થાય છે તે ઠીક નથી. આપણી જ્ઞાતિના એક મુખ્ય આગેવાન નેત્રા ગામના રહીશ કરમશી ગેઢેરા થોડા દિવસ ઉપર વિરાણી ગામમાં એક ઘરઘેણાંમાં આવ્યા હતા ત્યારે આ મુરબ્બી આગેવાને મહેરબાની કરી મારે ઘરે તેઓ પધાર્યા હતા ત્યારે મેં આપણી જ્ઞાતિની થતી પાયમાલી તથા આગેવાનોના જુલ્મની કથા તેમજ પીરાણા ધર્મ સંબંધે પણ ઘણો વાદવિવાદ થયો હતો પરંતુ તે મુરબ્બી આગેવાને દરેક વાત મારી કબુલી હતી. પરંતુ હું નથી ધારતો કે તેઓશ્રીએ મને જે જે વચન આપ્યાં છે તે પ્રમાણે તેઓ વર્તશે. મને તો ખાત્રી છે કે આગેવાનો જ્યાં સુધી પોતાનો સ્વાર્થ ત્યાગ કરે નહિ ત્યાં સુધી આપણી જ્ઞાતિનો ઉદય પણ થાય નહિ. આગેવાનોના ચારિત્ર વિશે મારા જુવાન ભાઈઓ ઘણું બોલી ગયા છે. આપણી જ્ઞાતિ વિના કારણ આગેવાનોના ભોગ થઈ પડી છે તે સંબંધે કેટલાક ભાઈઓએ બહુ જ જુસ્સાદાર ભાષણો કર્યા છે. હવે મારે આગેવાનો સંબંધે બોલવા જેવું કશું છ ેજ નહિ. પીરાણા ધર્મના માટે મને બોલાવાને બહુ જ આગ્રહ કરવામાં આવ્યો છે પરંતુ હું સઘળા ભાઈઓને વિનંતી કરું છું કે મેં પીરાણા ધર્મની પોલ એ સંબંધે એક પુસ્તક લખ્યું છે જે હું મુંબઈ ગયા પછી થોડા દિવસમાં છપાવવાનો છું. તે છપાઈ બહાર પડ્યા પછી તમને પીરાણા ધર્મ સંબંધે ઘણું જાણવાનું મળશે. જેથી અત્યારે હું તે સમયે કંઈ બોલવા માગતો નથી. મેરબાન પ્રમુખ સાહેબે પોતાના ભાષણમાં જુવાન ભાઈઓને ઉદ્દેશીને જે બોધ આપ્યો છે તે ખાસ મનન કરવા યોગ્ય છે. આ સભામાં આપણી જ્ઞાતિના શુભેચ્છક ઘણા વૃદ્ધ આગેવાનોની હાજરી છે છતાં તમો જુવાનીયાઓની સંખ્યા વિશેષ છે. તેમજ આજે તમો જુવાન ભાઈઓનાં જુસ્સાદાર ભાષણો તેમજ તમારા ઉછળતાં લોહીથી જ્ઞાતિની શુભચિંતક લાગણીઓ જોઈ તમને કંઈક વિશેષ કહેવા ઈચ્છું છું. તમો સઘળા જુવાન બંધુઓનો અત્યારે જે દેખાવ છે તે જોતાં તો મને એમ લાગે છે કે હવે આપણી કચ્છની જ્ઞાતિ જલદીથી સુધરી જશે એમાં જરાપણ શંકા નથી તો પણ દૂધના ઉકાળાની માફક ક્ષણિક વૈરાગ્યવાળા તમો થશો નહી. સહનશીલતા તો તમારે હંમેશાં ધ્યાનમાં જ રાખવી તમને કોઈ કટુ વચન કહે તે સઘળાં તમારે સાંભળવાં પડશે તો પણ તમે તમારું જે કાર્ય હમણાં હાથ ધર્યું છે, તે ઠંડું પડવા દેશો નહીં. તેમજ તમે આળસુ થશો નહીં. માણસોમાં આળસુપણું એવા પ્રકારનો દુર્ગુણ છે કે તે કંઈ પણ કાર્ય કરી શકે નહીં. મારી તો તમને એ સલાહ છે કે તમે પીરાણા ધર્મના પુસ્તકો વાંચ્યાં નહોય તો વાંચજો અને પછી આપણા આર્યોના પવિત્ર અને ઉચ્ચ જીવન રૂપી ઈતિહાસો, રામાયણ, મહાભારત અને ગીતા ઈત્યાદિ ગ્રંથો વાંચી જોશો તો તમને સાફ સાફ સમજાશે કે આપણને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને છેક જ ભુલમાં નાંખ્યા છે. આપણો ધર્મ અને આપણી ફરજો શું છે તે તમને સાફ સમજાશે. મહારાણા પ્રતાપસિંહ તથા છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ જો તમે વાંચ્યો હોય, અગર સાંભળ્યો હોય તો એમાં ઘણું જાણવા જેવું છે. મહારાણા પ્રતાપસિંહે બત્રીસ વર્ષ સુધી જંગલમાં રહી કંદમુળનો આહાર કરી ઘાસની પથારીમાં પડી રહેવું કબુલ કર્યું હતું. પરંતુ મુસલમાનીપણાની સત્તાનો તેણે લેશ પણ સ્વીકાર કર્યો નહોતો. ઔરંગઝેબના જુલ્મી જમાનામાં શિવાજી ન હોત તો બધી દુનિયા સુનત થઈ જાત. આ દૃષ્ટાંતો બધાં સત્ય છે. તે આપણે ખરા ધ્યાનમાં લેવા યોગ્ય છે. શિવાજીનો પુત્ર સંભાજી જો કે ઘણો જ ક્રુર અને ઘાતકી રાજા થઈ ગયો છે. શિવાજીનું તેણે નામ બોળ્યું હતું એમ કહીએ તો પણ ચાલે, પરંતુ તેને જ્યારે પચીસ વર્ષના યુદ્ધના અંતે ઔરંગઝેબે કપટથી કેદ કર્યો અને તેને મુસલમાની ધર્મ પાળવા દેવામાં આવ્યું ત્યારે શિવાજીના પુત્ર સંભાજીએ તેને કહ્યું કે તારી દિલ્હીના રાજ્યનું સમ્રાટપદ આપે, તો પણ હું કદી મુસલમાની ધર્મ સ્વીકારું નહીં. હિન્દુ આર્ય ધર્મ તજી યવનધર્મ અંગીકાર કરું નહીં. ત્યારે એ ક્રુર અને ઘાતકી ઔરંગઝેબ બાદશાહે તેની જીવતાં લોખંડના સળીયાઓ ધગધગાવી સંભાજીની આંખો ફોડી નાખવાની સજા ફરમાવી ત્યારે પણ આ ક્ષત્રિય વીર નર જરાપણ અચકાયા સિવાય એ સજા કબુલ કરી. પરંતુ યવનધર્મ સ્વીકાર્યો નહીં. જ્યારે તેની આંખ લાલ સળીયાથી ફોડી નાખવામાં આવી ત્યારે કૃતધ્ની ઓરંગઝેબે ફરીથી કહ્યું કે હજુ પણ જો તું માને તો તને મારી દીકરીને પરણાવું અને તારું રાજ્ય તને પાછું સોપું આવા શબ્દો સાંભળીને પણ આ નીડર ક્ષત્રિય વીરયોધ્ધાએ જેને આર્યધર્મનું અભિમાન છે તેવા શિવાજીના પુત્ર સંભાજીએ કહ્યું કે ઓ નર પીશાચ પૃથ્વીને ભાર રૂપ જાલીમ શેતાન તું જલદીથી મારી બીજી આંખ પણ ફોડી નાખ કે જેથી તારા જેવા ક્રુર અને ઘાતકી નીચ યવનને જોઈ મારી બીજી આંખને ઘણી જ શરમ થાય છે કારણ કે તું પાપીને તે હજુ એક આંખ જોઈ શકે છે. આંખનો તું જલદીથી નાશ કરી નાખે તો તારા જેવો નીચ અધર્મીને જોવાનું બાકી રહે નહીં. બસ તેજ વખતે સંભાજીની બીજી આંખ પણ લોખંડથી તપાવેલા સળીયાથી ફોડી નાંખવામાં આવી અને આવી ક્રુર અને ઘાતકી સજા ભોગવી પોતાનો દેહ અર્પણ કર્યો, પરંતુ તેણે પોતાનો આર્ય ધર્મ તજ્યો નહીં. યવન ધર્મનો સ્વીકાર કર્યો નહીં. બંધુઓ આપ ઈતિહાસ તરફ દૃષ્ટિ કરો. આ જમાનો કંઈ નાદીરશાહી કે ઔરંગઝેબનો નથી. આપણને કોઈ જબરીથી મારીને મુસલમાન કરતું નથી છતાં પણ આપણે શા માટે સમજ્યા વગર આપણા આર્યોનો અતિ પવિત્ર અને ઉંચ વેદ ધર્મને ભુલી જઈ એક ઈંદ્રજાળ રૂપી પીરાણા ધર્મમાં ફસાયા છીએ. ઈતિહાસોમાં સંભાજીના જેવા અનેક દાખલાઓ મળી આવે છે. પરંતુ કોઈએ પોતાનો આર્ય ધર્મ તજ્યો નથી. પીરાણા ધર્મ હિન્દુ ધર્મ નથી એ વાત તો આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પીરાણાના સૈયદો એવો દાવો કરે છે કે અમે હરીવંશી બ્રાહ્મણ છીએ. શું એ વાત તમને સાચી જણાય છે. પૈસા છેતરીને લેવાનો બિલકુલ કાંઈ પણ માની શકે નહીં તેવો એક ઢોંગ છે. કોઈ હૈયા ફૂટયા એમ માનતા હશે. સૈયદો બ્રાહ્મણ છે અને તેને પૈસા આપવાથી ધર્મ થાય છે. ભાઈઓ સૈયદો તો ખાસ મુસલમાન છે અને તે પીરાણા ધર્મને બિલકુલ માનતા નથી. તેઓ તો ખાસ કુરાને શરીફને માને છે.
માત્ર તમારી ભોળપણનો લાભ લઈ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એમ જુઠું સમજાવે છે. કાકાઓ ખુદ જાણે છે કે પીરાણા ધર્મ એ એક કપટ જાળ છે છતાં આ પોલ નભે છે. ત્યાં સુધી એનો લાભ લીધે જાય છે. આપણા સ્વાર્થી આગેવાનો પણ આ ધર્મમાં કંઈ માલ નથી એવું સમજે છે છતાં પણ નભાવી રાખવાની કોશીશો કરે છે. તેમાં એમનો પાકો સ્વાર્થ છે. પંચના નાણાં એકઠાં થાય છે અને તેની હુંડી કરવા આગેવાનો ભુજ જાય છે ત્યારે ચોથાઈના નાણાં તેઓ હજમ કરી જાએ છે. દીવા જેવું તેજોમય વાતાવરણ ચારેકોરથી બોલાય છે છતાં એ ધર્મ હિન્દુ ધર્મ છે એમ કહેવું એ કેટલી શરમ જેવી વાત છે. છેવટે હું મારા જુવાન ભાઈઓને એટલું જ કહું છું કે જેવી રીતે તમે કમર કસી આજે આ સભામાં તમે જે કામ બોલીને કરી બતાવ્યું છે તેને આચારમાં મુકી તમારા ગરીબ ભાઈઓ આપણા જુલ્મી આગેવાનોની જુલ્મી સત્તાથી પીડાતા હોય તેની વારે ધાઓ. તમારી જાતને જ્ઞાતિસેવાના ઋણથી મુક્ત કરો અને દુનિયામાં તમે સપુત કેવડાવો આવું કઠણ વ્રત અંગીકાર કરવાની ખાસ જરૂર છે. પરંતુ એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે આવું કઠણ વ્રત પાળવું એ સાધારણ વાત નથી. દુરબુદ્ધિ દુરાગ્રહી ઈર્ષાળુ લોકો તમારી નીંદા કરશે, તમારી મશ્કરી કરશે તથા તમારા નિશ્ચયથી તમને ચલાવશે એટલું જ નહી પણ અનેક વિધ્નો નાંખશે, તથાપી માન કરવા તમારી નીંદા થાએ કે સ્તુતિ થાએ ચાયતો મૃત્યુ થાએ જોઈએ તો લક્ષ્મી મળે કે આખું જીવન દારીદ્રતામાં જાય પણ તમે જે વ્રત અંગીકાર કર્યું છે તેમાંથી કદી પણ પાછા હઠવું નહીં આવી રીતનું કઠોર વ્રત જ્ઞાતિહિતના માટે તમે લેશો ત્યારે ખાત્રીથી માનજો કે તમને આપણી કુળદેવી ઉમિયા માતા જરૂર વિજયમાળા તમારા જ ડોકમાં નાખશે ત્યારે જ તમારો કરેલો ઉદ્યોગ સફળ થશે કે તે સિવાય તમને મારે એક ખાસ સુચના કરવાની છે તે એ છે કે સ્વાર્થ ત્યાગની ભાવના વગર તમે એક પણ કાર્ય કરી શકશો નહીં, જો તમારી ઈચ્છા તમારા જ્ઞાતિ ભાઈઓનું કલ્યાણ કરવાની હોય તો તમારે સ્વાર્થનો સદંતર ત્યાગ કરવો જોઈએ અને તો જ તમો વિજયી થઈ શકશો. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું છું કે પરાક્રમ કરવાનો સમય તમારામાં જુવાનીનું જોર ઉછાળા મારી રહ્યું છે તે જ છે. નહીં કે તમે ઘરડા અને આખી જિંદગીભરના કામના બોજાથી ઘસાઈ જાઓ ત્યારે. અત્યારે તમારામાં ઉત્સાહ છે, વીર્ય છે, ચેતન છે, કામ કરવાનો આજ અવસર છે, પ્રભુને ચરણે સુંઘાયેલા કરમાયેલાં અને કચરાયેલાં પુષ્પો અર્પણ થતાં નથી. પણ તાજાં, ખીલેલાં, સુગંધવાળાં અને કોઈ પણ સ્પર્શ ન કર્યા હોય તેવા જ પુષ્પો જ અર્પણ કરવાને યોગ્ય છે. આખી જિંદગી સુધી નોકરી ધંધો કરી ઘસાઈ ગયેલાં શરીરથી મહાન કાર્ય કે દેશસેવા થાય નહિ, પણ યુવાન, બુદ્ધિવાન અને મજબુત બાંધાવાળા જ, સ્તુતિપાત્ર કાર્ય કરવાને યોગ્ય છે. સ્વામીજીના આ કથનો ઉપરાંત સ્વાર્થ ત્યાગી આત્મબળવાળા પ્રાતઃસ્મરણીય મહાત્મા ગાંધી તથા અતિ કસોટીમાંથી પસાર થયેલા તીલક મહારાજના ચારિત્ર તરફ આપ ધ્યાન ખેંચશો તો તમને સ્પષ્ટ સમજાશે કે, તેઓએ દેશહિતના કલ્યાણકારી કાર્યની શરૂઆત યુવાવસ્થામાં જ કરી હતી અને હું હમણાં કહી ગયો તેમ કિંચિત માત્ર કોઈપણ બાબતનો ડર રાખ્યા સિવાય પોતાનું ધારેલું કાર્ય સ્વાર્થરહિતપણાથી અનેક વિધ્નો અને મહાકષ્ટો આવવા છતાં તેની પરવા કર્યા સિવાય આરંભેલું કાર્ય પૂર્ણ કરવા માટે અદ્યાપિ પર્યંત પ્રયત્ન કરે જાય છે અને તેમના આવા નિશ્ચયો જ આપણી પાસે તેમની પૂજા કરાવે છે. એટલા વાસ્તે હું ફરીને પણ તમો મારા યુવાન બંધુઓને આગ્રહપૂર્વક જણાવું છું કે તમે મારા કહેવા પરથી જ્ઞાતિહિતનું કાર્ય કરવા તૈયાર થાઓ. તે પહેલાં તમે તમારા નિશ્ચયને નિભાવી રાખવા માટે પૂર્ણ વિચાર કરજો. કાર્યનો આરંભ કર્યા પછી જો વિધ્નોથી કાર્યને છોડી દેશો તો લોકોની દૃષ્ટિએ તમે હલકા પડશો અને અપકીર્તિ કરાવશો. મને તમારામાં વિશ્વાસ છે અને આ જ્ઞાતિહિતનું મહાન્ અને અગત્યનું કાર્ય તમારા સિવાય સ્વાર્થી અભિમાની અને નીચ લાલચોથી લપટાયેલા આગેવાનોથી થઈ શકે તેમ નથી અને તેથી જ આ કાર્ય તમારે જ કરવું જોશે અને તે કરવાની તમારી ફરજ છે. હું તમારી અત્યારે મુખમુદ્રા ઉપરથી તમારા હૃદયમાં થતી ભાવનાઓ વાંચીને આશા રાખું છું કે તમે આ જ્ઞાતિને જેમ બને તેમ જલ્દી લાંછન રહિત કરવાને કમરકસી મેદાને પડશો. કચ્છ પ્રદેશમાં આપણી વસ્તીવાળા ગામો પૈકી વીરાણી ગામ જ એક એવું ગામ છે કે જ્યાં આવી બાબતોની ઉપરાઉપરી સભાઓ ભરાય અને જ્ઞાતિજનોને બોધ મળે તેવા ખુલ્લા દિલથી સંપૂર્ણ છૂટ સાથે પોતાના વિચારો જણાવી શકાય અને તેથી જ વિરાણી ગામે શુભ કાર્યોની શરૂઆત કરવાના સ્થાનમાં અગ્રપદ લીધું છે તેના માટે હું અંતઃકરણપૂર્વક આ વીરાણી ગામનો ઉપકાર માનું છું. સેવકનો જન્મ પણ આ જ ગામમાં થયો છે જેને માટે મારે પણ ખાસ અભિમાન કરવા જેવું છે. વીરાણીના યુવકો તરફ મને ઘણું જ માન છે. તેઓની સાદાઈ અને પવિત્રતાથી હું ખાત્રીથી માનું છું કે જ્ઞાતિહિતનું કાર્ય કરતાં જેટલાં વર્ષો થયાં છે તેટલા મહિના હવે નહિ થાય. ભગવતી ઉમા માતા સર્વના મનોરથ સફળ કરે એ જ આ સેવકની જગતજનની ઉમિયા માતા પ્રત્યે પ્રાર્થના છે.
પટેલ વાલજી શીવદાસ નાકરાણીએ કરેલું ભાષણ
મે. પ્રમુખ સાહેબ જ્ઞાતિભાઈઓ અને બહેનો !
આપે મને આપણી જ્ઞાતિહિતના માટે બે બોલ બોલવા આજ્ઞા કરી છે પરંતુ આ સભામાં આપણા વિદ્વાન ભાઈઓના ભાષણો સાંભળી મારા જેવા વગર ભણેલાથી શું આપને બોધ થઈ શકે. હું એટલું કહું છું કે મુંબઈવાળા ભાઈઓ તો ત્યાં સભાઓ ભરાય છે જેથી ભાષણ કરે છે તે સાંભળી મને ખાત્રી થાય છે કે હવે આપણી જ્ઞાતિ સુધર્યા વગર રહેશે નહિ. કેટલાક ભાઈઓના તેમજ બહેનોના હૃદય સભાઓમાં ભાષણો સાંભળ્યા પછી જે કુધારા આપણી જ્ઞાતિમાં છે તેનો ત્યાગ કરવા એક પગે તૈયાર થયાં છે, તેથી આશા રખાય છે કે આપણી જ્ઞાતિની અધમ દશા હવે થોડા દિવસને માટે જ છે. આટલું બોલ્યા પછી હું આપને એક દૃષ્ટાંત આપણી જ્ઞાતિને લાગુ પડે છે જેથી કહું છું તે કૃપા કરી સાંભળશો. કેટલાક નિર્ભાગી ગામો હતાં કે જ્યાં એક રાક્ષસ દરરોજ આવી તે કેટલાક માણસોને ખાઈ જતો હતો, પરંતુ તે ગામના માણસો કશું કરી શકતાં નહોતાં. રાક્ષસથી બચવાને ઉપાય સુદ્ધાંત પણ તે લેતાં નહોતાં. આમ ઘણા દિવસથી રાક્ષસ માણસોને મારીને ખાઈ જતો હતો તેવામાં એક દુઃખી માણસને ગામનો તેમજ મનુષ્ય જાતિનો આવો નકામો ભોગ થાય છે તે જોઈ ન શકવાથી તેણે વિચાર કર્યો કે આવી રીતે મનુષ્યોનો વિના કારણ ભોગ અપાય છે તે ઠીક નથી. માટે મારે જ એ રાક્ષસના ભોગ થઈ જવું. કે જેથી દેખવુંએ નહિ તેમજ દાઝવુંએ નહિં. આવું ધારી તે ભાઈએ સાંજના વખતે જે તરફથી રાક્ષસ આવતો હતો તે દિશા તરફ રાક્ષસના સામે જવાનો રસ્તો લઈ ચાલવા માંડ્યું એટલે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો, એટલામાં પેલો રાક્ષસ તેના સામો મળ્યો તે જોઈ પેલો માણસ રાક્ષસના મોંઢા આગળ ગયો એટલે રાક્ષસ ફેરો ખાઈ તેનાથી દૂર ગયો એટલે પેલો માણસ ફરી તેની સન્મુખ થયો ત્યારે પણ તે રાક્ષસ તેનાથી દૂર જવા લાગ્યો. એટલે પેલા માણસે કહ્યું કે “ઓ અધમ ! મનુષ્ય જાતિનો તું ભક્ષ કરનાર રાક્ષસ હોવા છતાં હું તારી સન્મુખ આવ્યો છું, છતાં તું દૂર કેમ નાશે છે? અને તું મારો ભક્ષ કેમ કરતો નથી?” ત્યારે પેલા રાક્ષસે જવાબ આપ્યો કે ઓ મનુષ્ય જાતિમાં ઉત્તમ વીર નર ! હું કોઈ દિવસ પણ મનુષ્ય ભક્ષ કરતો નથી. પરંતુ જે જાનવર જેવાં છે એટલે કે જે પશુ સમાન જ્ઞાનવાળાં જ મનુષ્યોનો હું આહાર કરું છું ત્યારે પેલા માણસે કહ્યું કે દરરોજ એકાદ અથવા બે મનુષ્યની જીવહિંસા પ્રત્યક્ષ થાય છે એ વાત શું ખોટી છે? ત્યારે પેલા રાક્ષસે કહ્યું કે તારી સમજફેર છે. જે મનુષ્યની તું હિંસા થવાનું કહે છે તે મનુષ્ય નહિં પરંતુ તે તારે જોવું હોય તો લે આ મારી પાસે એક અરીસો છે. તેમાં તું તારા ગામના મનુષ્યનું સ્મરણ કર એટલે તને તે સઘળું દેખાશે. પેલા વીરનરે અજાયબ રીતે અરીસો હાથમાં લઈ પોતાના ગામના મનુષ્યો દેખાવાનો સંકલ્પ કર્યો, તો તેમાં ખરેખર તેને માણસો પશુ જેવા માલુમ પડ્યાં. થોડાં જ માણસો માણસો જેવાં દેખાવા લાગ્યાં, બાકીના બધા પશુસમાન લાગ્યાં, આ અજાયબી જોઈ પેલા વીરનરે નમ્રતાપૂર્વક વિનંતી કરીને કહ્યું કે આ અરીસો તું મને આપ ત્યારે રાક્ષસે તેને તે આપવા ના કહી પરંતુ શુદ્ધ ક્ષાત્ર તેજ અને વીરત્વભરી વાણીથી દુનિયાનો ઉદ્ધાર કરવાની જીજ્ઞાસા પેલા વીરનરે બતાવી ત્યારે પેલા રાક્ષસે તેને કહ્યું કે મારો અરીસો તારા કામનો નથી પરંતુ આવો અરીસો તો તારી પાસે પણ છે. તેમાં તું બરોબર ધ્યાનપૂર્વક જોશે તો તને દુનિયામાં મનુષ્ય પ્રાણી અને પશુ પ્રાણીનું ભાન જરૂર થશે. એ અરીસારૂપી ગીતા જ્ઞાન તથા રામાયણ અને મહાભારતના નીતિમય ઈતિહાસો છે. તે ખાસ મનન કરવાથી તે તું જોઈ શકશે. પેલા વીરનરને ગીતા, રામાયણ અને મહાભારતના ઈતિહાસોની નીતિ અને હાલના અધમ મનુષ્યોના કુકર્મોને ધ્યાનમાં લઈ પેલા રાક્ષસની વાત તેને સત્ય સમજાઈ આ મેં તમોને એક દૃષ્ટાંત કહ્યું. હવે એ વાતનો સિદ્ધાંત એ છે કે રાક્ષસરૂપી સૈયદો તેમજ કાકાઓ અને મનુષ્ય પશુ તરીકે આપણી કણબીની જ્ઞાતિ છે અને જે વીરનરને મનુષ્ય વધ થવાનું દુઃખ લાગ્યું હતું તે સ્વધર્મ વર્ધકમંડળના નેતાઓ છે, રાક્ષસોરૂપી સૈયદ તથા કાકાઓ તેમને ખાઈ શકતા નથી તેમની સાથે તો કાકાઓ તેમજ સૈયદો મિત્રાચારીનો સંબંધ રાખે છે. હકીકત આ પ્રમાણે છે, છતાં જે સમજે નહિં તેને રાક્ષસો ખાય છે, તેમજ આપણને સૈયદો તેમજ કાકાઓ લુંટીને ખાય તેમાં દોષ એમનો નથી. એ દોષ આપણામાં જ છે. ભાઈઓ ! મારી અલ્પબુદ્ધિથી મેં આપને દૃષ્ટાંત આપ્યું છે. પરંતુ પંચીકરણમાં એક દૃષ્ટાંત છે કે સિંહનું બચ્ચું અજ્ઞાન દશામાં બકરા ભેગું રહેવાથી પોતે માની લીધું કે હું પણ બકરું છું તેવી રીતે આપણે અજ્ઞાનતાથી માની લીધું છે કે આપણો પીરાણા ધર્મ હિન્દુ ધર્મ છે, પરંતુ આપણી દશા પેલા સિંહના જેવી છે. જેવી રીતે બીજા એક સિંહે તેના સ્વરૂપનું ભાન કરાવવાથી તે સિંહને ભાન થયું કે હું પણ સિંહ જ છું અને તે બકરાના ટોળાથી તે છૂટો પડ્યો હતો પરંતુ આપણને આપણે કોણ છીએ એનું ભાન કરાવવા માટે આપણા ભાઈઓ મથી રહ્યા છે. પરંતુ આપણે જ્યાં સુધી એ વાત ખાસ અંતઃકરણથી માનીશું નહિ ત્યાં સુધી આપણો અને આપણી જ્ઞાતિનો ઉદ્ધાર થવાનો નથી. આટલું બોલી હું મારું બોલવું પુરું કરું છું અને બેસી જવાની રજા માગું છું.
પ્રેમજી ખીમાણીએ પોતાની જગ્યા ઉપર ઉભા રહીને કહ્યું કે ભાઈઓ તમે જે જે ભાષણો આજે સભામાં કર્યા છે એ સાંભળીને મને વિચાર થાય છે કે અમો દેશમાં બેઠેલા ભાઈઓને પણ આપણી જ્ઞાતિમાં કેવા જુલમ થાય છે તેની પૂરેપૂરી ખબર નથી અને તમોએ આટલી હકીકત મેળવી છે અને આ સભામાં બોલીને આપણા ભાઈઓને તમે જાણીતા કર્યા છે. તેના માટે ખરેખર શાબાશી ઘટે છે. મારો વિચાર એમ થયો છે કે આજની સભાની કામકાજની ખબર આપણા કચ્છ દેશમાં વસ્તા દરેક ભાઈઓને થાય તો આપણી જ્ઞાતિમાં જે અંધારું છે તેમજ આગેવાનો કેટલા જુલમ કરે છે એ સઘળું વૃતાંત છપાય તો આ સભાનો હેવાલ દરેક ભાઈ વાંચીને લાભ લે એવી મારી ખાસ વિનંતી છે. મને આશા છે કે યુવકમંડળે મહેનત કરી સભા ભરી છે તેવી જ રીતે મહેનત કરી આ સભાનું કામકાજ છપાવશે તો જ્ઞાતિ ઉપર મોટો ઉપકાર કર્યો ગણાશે. ઉપલી હકીકતના ટેકામાં વિશ્રામ રાજા સોમજીયાણીએ કહ્યું કે રીપોર્ટ છપાય તો ઘણું સારું કારણ કે કેટલાંક ભાષણો ખાસ શીખામણનાં છે તેમજ કેટલાક ભાષણો આગેવાનોના જુલમની વાતો છે તે આપણે આજે સાંભળી છે અને કાલે વળી ભુલી જશું તેથી છપાયેલી હોય તો ફરી પણ વાંચી શકીએ, તેથી હું પણ વિનંતી કરું છું કે આજની સભાનો રીપોર્ટ છપાય તો સારું. આના જવાબમાં ભાઈ રતનશી ખીમજી ખેતાણીએ કહ્યું કે યુવકમંડળને છપાવવાની મહેનત થાયે તેની હરકત નથી પરંતુ પ્રમુખ સાહેબ જો આજ્ઞા આપશે તો આજની સભાનો રીપોર્ટ મુંબઈ ગયા પછી છપાવીશું.
ભાઈ પ્રેમજી ખીમાણી તથા ભાઈ વિશ્રામ રાજા સોમજીયાણીની દરખાસ્તથી તેમજ રતનશી ખીમજી ખેતાણીએ સભાનો રીપોર્ટ પ્રમુખ સાહેબની રજા હોય તો છપાવવાને માટે જે બોલી જવામાં મે. પ્રમુખ સાહેબે જણાવ્યું કે તમો સર્વ ભાઈઓની ઈચ્છા આજની સભાનો રીપોર્ટ છપાય તે સારું એમ હોય તો મારી કોઈ વાતે મનાઈ નથી. જેથી પ્રમુખ સાહેબે સભામાં બેઠેલા સર્વ ભાઈઓને રીપોર્ટ છપાવવા સંબંધી પુછતાં સર્વ ભાઈઓએ સર્વાનુમતે રીપોર્ટ છપાવવો એવો અભિપ્રાય આપવાથી પ્રમુખ પટેલ લાલજી શીવજીએ આજની સભાનો રીપોર્ટ છપાવવા માટે યુવક મંડળના પ્રમુખ રતનશી ખીમજી ખેતાણીને આજ્ઞા કર્યા બાદ કહ્યું કે રાત્રિનો ટાઈમ ઘણો ગયો છે છતાં સર્વ ભાઈઓ તેમજ બેનો આ સભામાં થતું કામકાજ ઉત્સાહ અને શાંતિપૂર્વક સાંભળે છે. એ જાણી હું ઘણો જ ખુશ થયો છું. તેટલું જ નહીં પણ અન્ય જ્ઞાતિના ભાઈઓને પણ આપણી જ્ઞાતિ તરફ જે દિલસોજી ભરી લાગણી છે. એટલું જ નહીં પણ આપણી જ્ઞાતિ કોઈપણ રીતે સુધરે તેના માટે તેઓ પણ સતત પ્રયાસ કરી રહ્યા છે. જેના માટે તે ભાઈઓનો હું ઉપકાર માનું છું. અને આજની સભામાં થયેલા ભાષણોના માટે છેલ્લે મારે ઉપસંહાર કરવો જોઈએ તે હું મારી વતીથી ભાઈ નારણજી રામજીને આજ્ઞા કરું છું કે તેઓશ્રી તમને કહી બતાવશે.
નારાણજી રામજીભાઈએ — પ્રમુખની આજ્ઞાથી નીચે પ્રમાણે ઉપસંહારનું વિવેચન કર્યું હતું.
મેરબાન પ્રમુખ સાહેબ, પ્રિયજ્ઞાતિ બંધુઓ, સ્વામીજી અને બેનો, પ્રમુખ સાહેબે છેવટના બે બોલ બોલવા માટે મને જે સુચના કરી છે તેના માટે તેઓશ્રીનો હું ઉપકાર માનું છું. બંધુઓ આજની સભાનું જે કામકાજ આપણા ગામના આગેવાનોની હાજરીમાં તમો જુવાનીયાઓએ તમારા નિખાલસ હૃદયથી જ્ઞાતિની અધમ દશા થવાના કારણોના સચોટ પુરાવા સાથે જે હકીકતો તમે રજુ કરી છે તે ઉપરથી મારી તો ખાત્રી જ થઈ ગઈ છે કે આગેવાનોનો સ્વાર્થી ચેપ આપણા ગામના માટે તો તે હંમેશના માટે દુર થયો છે. એટલું જ નહીં પણ જ ેજે આગેવાનોના કૃત્યો ઉપર મારા જુવાન ભાઈઓએ સર્ચલાઈટથી અજવાળું પાડી આખી જ્ઞાતિને સત્યતાની જે ઝાંખી કરાવી છે તે ઉપરથી મને એમ જણાય છે કે આગેવાનો હવે જુલ્મ કરતાં તે જરૂર ભૂલી જશે. આજે સભામાં ઘણું કહેવાયું છે. આટલી હકીકતો તમારા ખ્યાલમાં પણ નોતી છતાં પણ હું આ સભામાં બેઠેલા તમામ ભાઈઓ તેમજ બેનોને કહું છું કે આજની સભાનો રીપોર્ટ જ્યારે બાર પડશે ત્યારે આગેવાનો હજુ એક વખત તમારા ઉપર નાતબહારનું જે બ્રહ્માસ્ત્ર રૂપી હથીયાર તેઓની પાસે છે તે તમારા ઉપર અજમાવ્યા સિવાય રહેશે નહીં અથવા તો મને એમ પણ લાગે છે કે તેઓની પાસે જે જ્ઞાતિ પંચના પૈસા રહે છે તે પૈસાના બળથી પણ તમને ત્રાસ આપવા અથવા તમને હેરાન કરવા ચુકશે નહીં. હું સઘળા ભાઈઓને વિનંતી કરીને કહું છું કે જે પ્રમાણે અત્યારે એક સંપથી તમો જ્ઞાતિના હિતના વિચારો ઉત્સાહપૂર્વક આ સભામાં કહી બતાવવા તમેં જે હિંમત કરી છે તેવી જ હિંમતથી જ્ઞાતિના આગેવાનોના સખ્તાઈભરેલા હુકમો અથવા તેઓ ગમે તે પ્રકારની લડત કરવા માગતા હોય તેને તેના કાર્યના પ્રમાણમાં જવાબ વાળવા કટીબદ્ધ થાઓ એવી હું આપ સર્વ ભાઈઓને વિનંતી કરું છું. એટલું તમે ખાત્રીથી માનજો કે, તમે જે કરો છો તેમજ જે કહી કહો છો તે સત્ય છે તો પછી આગેવાનોની તાકાત નથી કે તેઓ તમારા સામું પણ જોઈ શકે. પીરાણા ધર્મની ઈંદ્રજાળરૂપી ફસામણીમાંથી આપણી જ્ઞાતિ ભાઈઓને સીધે રસ્તે ચડાવવા એ આપણો મુખ્ય ધર્મ છે. હું ભાર મૂકીને કહું છું કે આપણી જ્ઞાતિના બીજા ગમે તેવા રીત રિવાજો નઠારા હોય તે આપણે સહન કરી શકીએ પરંતુ પીરાણા ધર્મ જે આપણી જ્ઞાતિના માટે કેવળ અધર્મ છે. એટલું જ નહીં પણ આપણી જ્ઞાતિની બુરી દશા થઈ ગઈ છે. આપણી જ્ઞાતિ શુદ્રના આચરણોએ પોચી છે. તે સઘળાનું મૂળ કારણ પીરાણા ધર્મ આપણા વડીલોએ સ્વીકારેલો છે તેજ છે. જે અત્યારે ડગુમગુ થઈ રહ્યો છે અને ગુજરાત તેમજ કચ્છમાંથી આપણા હિન્દુભાઈઓમાંથી એ ધર્મ સદાને માટે દૂર થાય એવા સતત પ્રયાસો ઘણા ભાઈઓ તરફથી થાય છે માટે આપણું પહેલું કામ એ છે કે આપણા ભાઈઓને જાણીતા કરવા એ આપણી પેલી ફરજ છે. હું તમો સઘળા ભાઈઓને મારા શુદ્ધ અંતઃકરણપૂર્વક કહું છું કે, તમો જે કંઈ કાર્ય કરો તે એવું ન હોવું જોઈએ કે તે અંગત વેર ભાવમાં ખપી જાય. તમારે તો જે જ્ઞાતિ સેવા કરવાની છે તે પવિત્ર અને સત્યતાવાળી જ હોવી જોઈએ તે સિવાય મારે તમને એક એ પણ સુચના કરવાની છે કે જે આગેવાનો અત્યારે તમને નઠારા રીત રીવાજોથી ભરેલા તેમજ પીરાણા ધર્મનું પૂછડું ઝાલી રહેલા જણાય છે તેજ આગેવાનોને પોતાની ભુલ સ્પષ્ટ સમજાય અને પોતાના કૃત્યોનો તેમને પસ્તાવો થતો હોય તો તેવા આગેવાનોને તમારે તમારા મુરબ્બી તરીકે માનવા જ જોઈએ. જે માણસ પોતાની ભુલને સમજી શકે છે તે માણસ ભવિષ્યમાં ઘણા સારા અને યશસ્વી કાર્યો કરી શકે તેથી જ તે પૂજવાને જોગ છે.
આપણી કુળદેવી ઉમિયા માતા આપણા આગેવાનોને શુદ્ધ બુદ્ધિ આપે અને તેઓ આપણી જ્ઞાતિની હિતના વિચારો હૃદયમાં ધારે એટલી ભગવતી પ્રત્યે મારી પ્રાર્થના છે. તમો સઘળા ભાઈઓમાં જે સંપ, જે ઉત્સાહ અને અરસપરસની લાગણીથી એકબીજા ઉપર સદ્ભાવ બતાવો છો તે હંમેશાં કાયમ રાખશો અને જ્ઞાતિ સુધારાની જે ચળવળ અત્યારે તમો કરી રહ્યા છો તેને શિથિલ થવા ન દેશો એટલું બોલી હું મારું બોલવું પૂરું કરું છું અને મેરબાન પ્રમુખ સાહેબના વતી આપ સર્વે ભાઈઓનો ઉપકાર માનું છું.
સભાનું કામકાજ ખલાસ થતાં જ્ઞાતિભાઈઓની સ્તુતિ સંગીતના સાધનો સાથે ગાવામાં આવી હતી અને તે પૂર્ણ થતા પ્રમુખ સાહેબને પાન સોપારી કરી સભાનો મેળાવડો વિસર્જન થયો હતો.
સ્તુતિ. | |
જય પરમ પુનિત જ્ઞાતિ મારી. |
|
નમુ ચર્ણ કમળ તુજ શીરધારી. | ટેક |
નીજ સુખની ના પરવા કરતી, |
|
નિર્દોષ પ્રયોગો આચરતી, |
|
સત્ય સંપત્તિ ભારતમાં ભરતી. | જય. |
હતી પાવન પૂર્વની શું કરણી, |
|
ખટ શાસ્ત્રે જે નીજ મુખ વરણી, |
|
થઈ અધર્મ કુચાલે એ કરણી. | જય. |
તુજ દર્શન કરી તન મન વારું, |
|
હિત ચીત રહે નીશ દિન તારું, |
|
વર અમર એ દ્યો હરી ઉચ્ચારું. | જય. |
જ્ઞાતિને ઉપયોગી પુસ્તકો
“કડવાવિજય” માસિક—જ્ઞાતિની ખરી સ્થિતિ જાણવી હોય, તમને તમારી લાગણી હોય અને ઉન્નતિ ઈચ્છતા હો તો તેના માર્ગમાં પથરાયેલા કાંટા વીણી કાઢવાનું જ્ઞાન લેવા ગ્રાહક થઈ લવાજમના રૂા. ૧—૪—૦ મોકલી આપો.
કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ—સદ્ગત જ્ઞાતિભક્ત ભાઈ પુરૂષોત્તમદાસ રચિત જ્ઞાતિના ઈતિહાસનું આ પુસ્તક દરેક વિદ્વાન અને સાધારણ ભણેલાએ ઘરમાં રાખવાની જરૂર છે. જ્ઞાતિનાં જુદાં જુદાં કુટુંબો કયા દેશકાળને લઈ કયાં કયાં વિસ્તર્યાં છે તે જાણવાનું આ ઉત્તમ સાધન છે, છેલ્લાં ૫૦ વર્ષથી જ્ઞાતિ ઉન્નતિનો જે પ્રયત્ન થાય છે તેનો પણ ઈતિહાસ છે અને ૩૮ પ્રતિષ્ઠિત પુરૂષોની છબીઓ અને તેમનું જીવનચરિત્ર પણ તેમાં લખાયું છે. પડતર કિંમત કરતાં અર્ધા મૂલ્યે આપવાની લેખકની યોજના જ્ઞાતિભક્તિના અચૂક પુરાવા સમાન છે. પુસ્તક દળદાર હોવાથી ટપાલખર્ચ લગભગ ૦—૬—૦ આવે છે. પુસ્તકની કિંમત રૂા. ૦—૧૦—૦.
માધાના પિતાનું પ્રેત ભોજન—મરણ પાછળકરવામાં આવતાં ખર્ચોથી જ્ઞાતિની સ્થિતિ ગરીબ થઈ ગઈ છે અને ગામના આગેવાન પટેલો અને સંબંધીઓ મરનારના કુટુંબ પ્રત્યે ત્રાસ વર્તાવી સ્થિતિ પલટાવી દે છે તેનું સાચું અને સચોટ ભાષણ અને ગાયનો સાથેનું પુસ્તક કિં. ૦—૨—૦.
મહાલક્ષ્મીનું મહાકષ્ટ યાને બાળલગ્નના બળાપા—ભાગ ૧ લામાં લાંબી મુદતે આવતાં લગ્ન વધાવવાની ધાંધલ, નકામો ખર્ચ અને સગાઈઓ કરવા અને તોડવામાં થતો કુટુંબ ક્લેશ ઉપરાંત કન્યાને સાસરે વળાવતા અગાઉ આઠ દશ વર્ષ વેઠવો પડતો વેવાઈ વેવાણના ત્રાસનો આબેહૂબ ચિતાર. તથા ભાગ ૨ જામાં દીકરીને સાસરે વળાવતા થતી કનડગત, કજોડાનું ફળ અને ખાનદાન માબાપની દિકરીઓ ઉપર કેટલાંક નાદાન કુળવાન કુટુંબોનો ત્રાસ, કરકરીઆવર બમણા ત્રમણા લેવા છતાં દાણા નહીં પુરવાની ધૃષ્ટતા, ખાનદાન દીકરીઓ મરતાં સુધી પત્નીધર્મ છોડતી નથી અને છેવટે આપઘાતના પ્રસંગો કેમ આવે છે તેનો હૃદયભેદક અને અશ્રુ વહેવડાવતો ચિતાર. બંને ભાગી કીં.૦—૪—૦.
આખ્યાનનાં ત્રણે પુસ્તકો સુપ્રસિદ્ધ દેશાઈ અમરસિંહજીનાં લખેલો છે તેમણે સમાજને અર્પણ કર્યા છે. જ્ઞાતિભક્તો પોતાના ખર્ચે સમાજને છપાવી આપે છે. તેની ઉત્પન્ન ઉપદેશક ફંડ ખાતે જાય છે. ઉપરનાં પુસ્તકો માટે લખો :—
“કડવા વિજય” ઓફીસ વિરમગામ.
દરેક ભાઈઓ જરૂર વાંચો !
જ્ઞાતિની સંસ્થાઓ અને સભાઓ
યુવક મંડળો
૧. કચ્છ દેશના પીરાણા પંથીઓનું એક યુવક મંડળ મુંબઈમાં સ્થપાયું છે તેનાં ઉદ્દેશ કચ્છના કડવા કણબીની મોટી નાત કે જે પીરાણાપંથી છે તે ધર્મ આપણી જ્ઞાતિને નીચુ જોવડાવનારો છે. તેનો ત્યાગ કરી આપણા અસલ આર્ય સનાતન ધર્મે નાતને વાળવા પ્રયત્ન કરવો અને તેમ કરી કડવા કણબીની સમગ્ર નાત કે જે ગુજરાત, કાઠીઆવાડ, નિમાડ, માળવા વગેરે સ્થળે છે તેમની સાથે બંધ થઈ ગયેલો સંબંધ તાજો કરવો અને જ્ઞાતિની દરેક પ્રકારે ઉન્નતિ કરવામાં એક બીજા ભાઈઓને મદદગાર થવું. ખાસ કરી કચ્છની જ જ્ઞાતિના સ્વધર્મ વર્ધક મંડળના પગલે ચાલવું. આ મંડળમાં જોડાવા ઈચ્છનાર દરેક બંધુએ સભાના પ્રમુખ સાથે પત્ર વ્યવહાર કરવો.
૨. આપણી સમગ્ર કડવા કણબીની નાતનું એક યુવક મંડળની શાખા જે મુંબઈમાં છે અને ગુજરાતમાં દરેક સ્થળે ઘણી શાખાઓ ખોલાય છે તે મંડળનું નામ ‘‘શ્રી કડવા પાટીદાર સુધારક યુવક મંડળ’’ એવું રાખવામાં આવ્યું છે. તેની મુખ્ય શાખાના જનરલ સેક્રેટરી—પટેલ છબીલદાસ છોટાલાલ છે અને તેની આફીસનું સરનામું સત્યનારાયણ પ્રીન્ટીંગ પ્રેસ, સીવીલ હોસ્પિટલ સામે, અમદાવાદ. આ સમગ્ર જ્ઞાતિના યુવક મંડળના શેઠ દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી પ્રમુખ છે. મુંબઈની પેટાશાખાના મીસ્ત્રી લધાભાઈ વીરજી જોઈન્ટ સેક્રેટરી છે. આ મંડળનો ઉદ્દેશ સમગ્ર જ્ઞાતિની ધાર્મિક, નૈતિક અને દરેક પ્રકારની ઉન્નતિ સાધવાનો છે. કડવા પાટીદાર જ્ઞાતિના દરેક યુવકોની ફરજ છે કે તે મંડળમાં જોડાવું
શ્રી સત્યનારાયણ પ્રિન્ટીંગ પ્રેસમાં સિવિલ ઇસ્પીતાલ સામે પાનાભાઇની વાડીમાં — અમદાવાદ