Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
કચ્છ કડવા પાટીદાર સમાચાર પત્રિકાઓ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
હેડ ઓફિસઃનખત્રાણા—કચ્છ
સંવત ૨૦૦૨ મહા સુદ ૧ રવિવાર
પત્રીકા—નં ૧ તા. ૩જી ફેબ્રુઆરી ૧૯૪૬
પત્રિકા પ્રકાશન અંગે નિવેદન : સમાજની પ્રવૃત્તિઓનું પ્રમાણ અને વેગ દિવસોનું દિવસ વધવા માંડ્યો છે અને એ જાણવાની અનેક સ્થળેથી માંગ અમારા પર આવી રહી છે. જોકે કચ્છ તથા ગુજરાતના મુખ્ય મુખ્ય વર્તમાન પત્રો સમાજના અહેવાલોને યોગ્ય પ્રતિસાદ આપી રહ્યા છે. છતાંએ એના વિગતવાર અહેવાલો તો સમાજનું પોતાનું છાપું હોય તો જ આપી શકાય. આવા છાપાં માટે અમો એક યોજના વિચારી રહ્યા છીએ. પરંતુ કંટ્રોલ વગેરેના જમાનામાં એ યોજના અમલમાં મુકતા વખત જાય એવો સંભવ છે. તે દરમિયાન આવી એક પત્રિકા બહાર પાડવાનું અમારો નિર્ણય છે. આ પત્રિકા અવારનવાર આપણા કચ્છ તથા કચ્છ બહારના સમાજોના યોગ્ય સમાચારો અને નિર્ણયોને પ્રસિદ્ધિ આપશે. આ કાર્ય અંગે અમને આશા છે કે કચ્છી પાટીદારો પોતાના ત્યાંના સમાચારો મોકલાવીને તથા આર્થિક તથા અન્ય પ્રકારની મદદ કરીને સહકાર આપશો.
સમાચારો : વર્તમાન પરિસ્થિતિને લગતા સમાચારો નીચે પ્રમાણે છે.
કચ્છી પાટીદાર આગેવાનોનો પ્રવાસઃ કચ્છના પાટીદાર આગેવાન શ્રી રતનશીભાઈ ખીમજી તથા નથુભાઈ નાનજી મુંબઈ શ્રી કચ્છ પાટીદાર સમાજના આમંત્રણને માન આપી કચ્છ બહારના જ્ઞાતિભાઈઓને કચ્છની પરિસ્થિતિથી વાકેફ કરવા પ્રવાસે ઉપડેલ હતા. આ પ્રવાસ નીચેના સમાચારો પરથી જાણશો કે અનેક દૃષ્ટિએ સફળ નીવડેલ છે એમને સર્વે સ્થળે હાર્દિક આવકાર અને સહકારની ખાતરી આપવામાં આવેલ હતી.
મુંબઈનો નિર્ણય : મુંબઈના શ્રી કચ્છ પાટીદાર સમાજના આશ્રયે બે જનરલ સભાઓ ભરાઇ હતી સભાઓમાં હાજરી સેંકડોની સંખ્યામાં હતી. સમાજના કાર્યકારો શ્રી શિવદાસભાઈ કાનજી, ડો. પ્રેમજીભાઈ આર. વેલાણી, શિવગણ કાનજી, ખીમજી આર. વેલાણી, ખીમજીભાઈ કે. પટેલ, માવજી ધનજી પટેલ વગેરે એ કચ્છના આગેવાનોની સેવાઓનું વર્ણન કર્યું હતું. અને એમને પોતાના તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. કચ્છ ખાતે પાટીદાર બોર્ડિંગ સ્થાપવાની યોજના નક્કી કરવામાં આવી હતી. અને આવી બોર્ડિંગ ભુજ ખાતે સ્થપાય તે દરમિયાન વાંઢાય ખાતે આવતી રામ નવમીને રોજ કામ ચલાઉ બોર્ડિગ શરૂ કરવાની પૂજ્ય મ. ઓધવરામજીની સુચના સ્વીકારવામાં આવી હતી. આ કાર્ય અંગે કચ્છ તથા કચ્છ બહાર ફંડ ઉઘરાવવાનું નક્કી થયું હતું અને મુંબઈના સમાજ તરફથી રૂ. ૧૦,૦૦૦/— દસ હજાર ઉઘરાવવામાં આવ્યું હતું.
કચ્છના પ્રચાર કાર્યને વેગ આપવા મુંબઈના સમાજ તરફથી એક પ્રચાર ટુકડી પણ મોકલવાનું ઠરાવવામાં આવેલ છે. ટુકડી થોડા વખતમાં કચ્છ આવી પહોંચશે.
અમદાવાદ ખાતેના કચ્છી પાટીદારોની તાજેતરમાં એક સભા મળી હતી અને ત્યાં સમાજની સ્થાપના કરવામાં આવેલ છે.
નાગપુર : ખાતે પણ સમાજની તા. ૨૭—૦૧—૪૬ના રોજ સ્થાપના કરવામાં આવેલ છે. અને ત્યાંના ભાઈઓ તરફથી પણ કચ્છના સમાજને સહકાર આપવાનો તથા બોર્ડિંગ માટે ફાળો ઉઘરાવવાનો ઠરાવ થયેલ છે.
કલકતાનું આમંત્રણ : શ્રી ભીમજીભાઈ કેશરા તરફથી મળેલ છે અને ત્યાંના ભાઈઓ પણ સમાજને સહકાર આપવા તૈયાર છે. પરંતુ કચ્છના કાર્યના દબાણને લઈને ત્યાંનો પ્રવાસ મુલતવી રહેલ છે.
મદ્રાસની ખાતરી : શ્રી કરમશી શિવદાસ તરફથી મળેલ છે. તેઓ પણ સમાજના કાર્યને પોતાનો સંપૂર્ણ ટેકો આપવા તૈયાર છે.
અંતે સર્વે કચ્છી પાટીદારોને અમો સમાજના સર્વે ઠરાવોને અમલમાં મુકવા, બોર્ડિંગ માટે ફંડ ઉઘરાવવા તથા પોતાનો સર્વ પ્રકારનો સહકાર આપવા આથી હાર્દિક વિનંતી કરીએ છીએ.
વાંચો અને વંચાવો અને સમાજનો પ્રચાર કરો
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
હેડ ઓફિસ, નખત્રાણા—કચ્છ
સા. ૨૦૦૨ મહા સુદ ૧૩ ગુરૂવાર તા. ૧૪—૦૨—૪૬
પત્રીકા—૨
કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈઓને ખાસ (સુચના)
આપણી સમાજે સા. ૨૦૦૨ના કારતક સુદ ૧૦ {vsak: 15-Nov-1945} ના રોજે ગામ ૬૫ ના મળી શ્રી કોટડા જડોદરવાળા ગામે જે બંધારણ નક્કી કરેલ છે. તેના રીપોર્ટો છપાવવા આપેલા છે. તે ટૂંક સમયમાં તરત આવી જશે.
સમાજે જે લગ્નની તથા જે બંધારણ નક્કી કર્યું છે તે ઠરાવ અનુસાર કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈઓને વર્તવાનું છે. તેમાં કાંઈ પણ ફેરફાર થવાનો નથી.
સાંભળવામાં આવ્યું છે કે પીરાણાપંથી ભાઈઓ સનાતની સમાજના વિવાહની તારીખ જે નક્કી કરાવેલ છે. તે તારીખમાં ફેરફાર કરાવવા. મેલી મુરાદોની રમત રમી રહ્યા છે. તેથી સનાતન સમાજના ભાઈઓ ચેતતા રહે.
સમાચારો
સનાતન સમાજના પ્રમુખ તથા મંત્રી મુંબઈ પાટીદાર સમાજના આમંત્રણથી મુંબઈ ગયેલ. તે તા. ૯—૨—૪૬ના રોજે પાછા કચ્છ પહોંચી આવ્યા છે.
નખત્રાણા પાટીદાર સનાતની ભાઈઓ વચલા,વાસમાં શ્રી નારાયણ ભગવાનનું મંદિરના પાયાનું મુહૂર્ત તા. ૧૪—૨—૪૬ના દિવસના ૧૦॥ વાગ્યાના સુમારે સનાતન સમાજના આગેવાનો તરફથી કરવામાં આવ્યું હતું.
રામપર રોહાવાળી — શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનું મંદિરનું બાંધકામ ચાલુ કરી દિધુ છે.
નારણપુર રોહાવાળી —શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બાંધવા નક્કી ઠરાવ કરવામાં આવેલ છે.
મથલ — શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનુ મંદિર બાંધવા માટે જમીન ખરીદ કરી ચુક્યા છે. ને તરતમાં મંદિરનું બાંધકામ ચાલુ કરી દેશે તેવા ખબર મળ્યા છે.
પાટીદાર સનાતન સમાજના કાર્યવાહકની સભા તરતમાં મળનાર છે.
વાંચો અને વંચાવો અને સનાતન ધર્મનો પ્રચાર કરો.
પ્રકાશક મંત્રી
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજે બહાર પાડેલા સુધારા
પત્રિકા—૩
(૧) કચ્છ કડવા પાટીદાર ભાઈઓને વિનંતી કરવામાં આવે છે જે આપણો ધર્માદા પૈસો હજારોની સંખ્યામાં કચ્છથી બહારના મુસલમાનોને ધર્માદાના બહાના હેઠળ અપાય છે તે બંધ કરવા દરેક ભાઈને વિનંતી કરવામાં આવે છે.
(૨) આપણી જ્ઞાતિમાં કેટલીક જુની રૂઢીને લઈને હિંદુ ધર્મને ન છાજે તેવા કુરિવાજો જે જડ કરી બેઠા છે તે રિવાજોને દૂર કરવા અને હિંદુ ધર્મના રીતરિવાજો દાખલ કરવા જોઈએ.
(૩) આપણી જ્ઞાતિ ખેતીકારક હોવાથી ખેતીને જે રીતે ઉત્તેજન મળે ને ખેતી મજબુત થાય તેવા દરેક જાતના ઉપાયો કરવા જોઈએ.
(૪) આપણી જ્ઞાતિમાં કેળવણીનો અભાવ હોવાથી તદ્ન નિરઅક્ષર સ્થિતિમાં આપણી જ્ઞાતિના બાળકો ભવિષ્યને બગાડે છે. તેથી આપણી જ્ઞાતિને ઘણું સહન કરવું પડે છે. તેના માટે ગામો ગામ આપણા સમાજના ધર્માદાના નાણાથી સ્કૂલો સ્થાપવી જોઈએ ને બની શકે ત્યાં સુધી બોર્ડિંગ થાય તેવા પ્રયાસો કરવા ખાસ વિનંતી છે.
(૫) આ જ્ઞાતિ આપણી જ્ઞાતિમાં બાળ લગ્નના કઢંગા રિવાજોને લઈને બાળકોમાં થતા કજોડાં તેમને પોતાના ઘરસંસાર ચલાવવા માટે ને દુઃખો સહન કરવા પડે છે તેના લીધે કેટલીક લાંચખાઉ જ્ઞાતિના દલાલો છુટાછેડા કરાવીને ઘરોમાં મતભેદો ઉભા કરીને જે જ્ઞાતિમાં કુસંપના બીજ વાવી રહ્યા છે અને આપણે કડવા પાટીદારો છીએ તે આપણા સમગ્ર પાટીદારોના ધર્મ હિંદુ સંબંધી જે રહેણીકરણી હોય તે પ્રમાણે વર્તવું જ જોઈએ.
(૬) આપણી સમાજનાં પૂર્વે પડેલી ધર્મ સંબંધી ન છાજતી ચાલી આવેલ પ્રથાને દૂર કરવી જોઈએ. આપણી જ્ઞાતિના ભાઈ તથા બહેનનું મરણ થાય છે તો તેને જે જમીનમાં દાટવાની પ્રથા છે તે બંધ કરાવવીને તેને બદલે હિંદુ ધર્મના નિયમ અનુસાર અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. આપણી નાતના લગ્નો આપણી જ્ઞાતિના બાળકોના લગ્નો જે મુખી હસ્તે કરવામાં આવે છે તેના બદલે હિંદુ વૈદિક ધર્મ અનુસાર વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે કરાવવા જોઈએ.
(૭) પ્રચારક ભાઈઓએ પ્રચાર કરતી વખતે હંમેશા યાદ રાખવું કે પોતાની જ્ઞાતિ ગંગા છે એમ માની અને તેના ભાઈ અગર બહેનોની લાગણી ન દુઃખાય તે રીતે અહિંસાનું સંપૂર્ણ પણે પાલન કરી પ્રચાર કરવો.
સમાચારો
કચ્છ કડવા સનાતન સમાજની કારોબારીની બેઠક તા. ૧—૩—૪૬ના વિરાણી ગામે ભેગી થયેલ હતી તે બેઠકમાં ગામ શ્રી કોટડા જડોદર વાળા ગામે ગામ ૬૫ના મળી જે લગ્નની તારીખ તથા તેનું બંધારણ જે નક્કી કરવામાં આવેલું છે. જેની પત્રિકાઓ માત્ર ગામો ગામ પહોંચાડી આપવા સુચન કરવામાં આવેલ હતું. ત્યાર બાદ આપણી સભાનું સંગઠન વધારવા તથા આપણા સમાજના આવતા લગ્નમાં મોટી સંખ્યામાં હિંદુ વૈદિક ધર્મ અનુસાર લગ્ન ચોરીથી થાય તેવી જાતની પ્રચારકોને સમજાવટ કરવામાં આવી હતી ને પ્રચારના કાર્યની રૂપરેખાઓ નક્કી કરવામાં આવી હતી.
ઉખેડાના મંદિરની જમીન ખરીદ કરી ચુક્યા છે ને વિશાળ ભવ્ય મંદિર બંધાવવાના ખબર મળ્યા છે. રામપર મંદિરનું કામ લગભગ પૂરું થવામાં આવ્યું છે ને તરત જોધપુરથી ભગવાનની મૂર્તિ ખરીદવા અમુક ભાઈને મોકલવાનું નક્કી થઈ ચૂક્યું છે.
નખત્રાણાની વચલા વાસના મંદિરનું કામ ચાલુ છે.
સમાજના પ્રયાસો તરતમાં કચ્છના ગામે ગામ પ્રચાર કરવા જવાના છે.
વાંચો અને વંચાવો અને સનાતન ધર્મનો પ્રચાર કરો.
સાંભળવામાં આવ્યું છે જે તા. ૧—૩—૪૬ની રાત્રે ગામ અંગીયામાં પીરાણા પંથના નામચીન દલાલો ભેગા થયા હતા તે પીરાણા પંથમાંથી મુક્ત થનારા ભાઈઓ ઉપર કેવી રીતનું દબાણ લાવવું તથા તે ભાઈઓ પાસે કેવી રીતથી પૈસા કઢાવવા જેની યોજના કેમ કરવી તેના માટે નીચે મુજબ ઠરાવવામાં આવેલ હતું. પીરાણા પંથના નામચીન દલાલોએ ભુજના કોઈક વકીલની સલાહ લઇને સાચા ખોટા કેસો કેમ કરવા એની જાણકારી લીધી હતી.
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા
પત્રિકા નં. ૪ તા. ૫—૩—૪૬
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજે બહાર પાડેલા સુધારા
(૧) કચ્છ કડવા પાટીદાર ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આપણો ધર્માદા પૈસો હજારોની સંખ્યામાં કચ્છથી બહારના મુસલમાનોને ધર્માદાના બહાના હેઠળ અપાય છે તે બંધ કરવા દરેક ભાઈને વિનંતી કરવામાં આવે છે.
(૨) આપણી જ્ઞાતિ ખેતીકારક હોવાથી ખેતીને જે રીતે ઉત્તેજન મળે ને ખેતી મજબુત થાય તેવા દરેક જાતના ઉપાયો કરવા જોઈએ.
(૩) આપણી જ્ઞાતિમાં કેટલીક જુની રૂઢિને લઈને હિન્દુ ધર્મને ન છાજે તેવા કુરિવાજો જે જડ કરી બેઠા છે. તે રિવાજોને દુર કરવાને હિન્દુ ધર્મના રીતરિવાજો દાખલ કરવા જોઈએ.
(૪) આપણી જ્ઞાતિમાં કેળવણીનો અભાવ હોવાથી તદ્ન નિરર્થક સ્થિતિમાં આપણી જ્ઞાતિના બાળકો ભવિષ્યને બગાડે છે. તેથી આપણી જ્ઞાતિને ઘણું સહન કરવું પડે છે. તેના માટે ગામો ગામ આપણા સમાજના ધર્માદા નાણાથી સ્કૂલો સ્થાપવી જોઈએ ને બની શકે ત્યાં સુધી બોર્ડિંગ થાય તેવા પ્રયાસો કરવા ખાસ વિનંતી કરવામાં આવે છે.
(૫) આપણી જ્ઞાતિમાં બાળ લગ્નના કઢુંગા રીવાજોને લઇને બાળકોમાં થતાં કુજોડાંતેમને પોતાના ઘરસંસાર ચલાવવા માટે જે દુઃખો સહન કરવા પડે છે તેને લીધે કેટલીક સ્વાર્થી વ્યક્તિઓ છુટાછેડા કરાવી જે મતભેદ ઉભા કરીને જે જ્ઞાતિમાં કુસંપના બીજ વાવી રહ્યા છે અને આપણે કડવા પાટીદારો છીએ તે આપણી સમગ્ર પાટીદારોની ધર્મ હિંદુ સંબંધી જે રહેણીકરણી હોય તે પ્રમાણે વર્તવું જ જોઈએ.
(૬) આપણી સમાજનાં પૂર્વે પડેલી ધર્મ સંબંધી ન છાજતી ચાલી આવેલ પ્રથા છે તે દૂર કરવી જોઈએ. આપણી જ્ઞાતિના ભાઈ તથા બહેનનું મરણ થાય છે તો તેને જે જમીનમાં દાટવાની પ્રથા છે તે બંધ કરાવીને તેને બદલે હિંદુ ધર્મના નિયમ અનુસાર અગ્નિ સંસ્કાર કરવો જ જોઈએ. આપણી નાતના લગ્ન આપણી જ્ઞાતિના મુખી હસ્તે કરવામાં આવે છે તેના બદલે હિંદુ વૈદિક ધર્મ અનુસાર વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે કરાવવા જોઈએ.
(૭) પ્રચારક ભાઈઓ પ્રચાર કરતી વખતે હંમેશા યાદ રાખવું કે પોતાની જ્ઞાતિ ગંગા છે એમ માની અને તેના ભાઈ અગર બહેનોની લાગણી ન દુઃખાય તે રીતે અહિંસાનું પૂરી રીતે પાલન કરી પ્રચાર કરવો.
વાંચો અને વંચાવો અને સનાતન ધર્મનો પ્રચાર કરો.
મંત્રી, શ્રી કચ્છ કડવા પાટીદાર
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા
પત્રિકા નં. ૫
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજે બહાર પાડેલા સુધારા
(૧) કચ્છ કડવા પાટીદાર ભાઈઓને વિનંતી કરવામાં આવે છે કે આપણો ધર્માદા પૈસો હજારોની સંખ્યામાં કચ્છથી બહારના મુસલમાનોને ધર્માદાના બહાના હેઠળ અપાય છે તે બંધ કરવા દરેક ભાઈને વિનંતી કરવામાં આવે છે.
(૨) આપણી જ્ઞાતિ ખેતીકારક હોવાથી ખેતીને જે રીતે ઉત્તેજન મળે ને ખેતી મજબુત થાય તેવા દરેક જાતના ઉપાયો કરવા જોઈએ.
(૩) આપણી જ્ઞાતિમાં કેટલીક જુની રૂઢિને લઈને હિન્દુ ધર્મને ન છાજે તેવા કુરિવાજો જે જડ કરી બેઠા છે. તે રિવાજોને દુર કરવા ને હિન્દુ ધર્મના રીતરિવાજો દાખલ કરવા જોઈએ.
(૪) આપણી જ્ઞાતિમાં કેળવણીનો પ્રભાવ હોવાથી તદ્ન નિરર્થક સ્થિતિમાં આપણી જ્ઞાતિના બાળકો ભવિષ્યને બગાડે છે. તેથી આપણી જ્ઞાતિને ઘણું સહન કરવું પડે છે. તેના માટે ગામો ગામ આપણા સમાજના ધર્માદા નાણાથી સ્કૂલો સ્થાપવી જોઈએ ને બની શકે ત્યાં સુધી બોર્ડિંગ થાય તેવા પ્રયાસો કરવા ખાસ વિનંતી કરવામાં આવે છે.
(૫) આપણી જ્ઞાતિમાં બાળ લગ્નના કુજોડા તેમને પોતાના ઘરસંસાર ચલાવવા માટે જે દુઃખો સહન કરવા પડે છે તેને લીધે કેટલીક સ્વાર્થી વ્યક્તિઓ છુટાછેડા કરાવી જે મતભેદ ઉભા કરીને જે જ્ઞાતિમાં કુસંપના બીજ વાવી રહ્યા છે અને આપણે કડવા પાટીદારો છીએ તે આપણી સમગ્ર પાટીદારોની ધર્મ હિંદુ સંબંધી જે રહેણી કરણી હોય તે પ્રમાણે વર્તવું જ જોઈએ.
(૬) આપણી સમાજનાં પૂર્વે પડેલી ધર્મ સંબંધી ન છાજતી ચાલી આવેલ પ્રથાને દૂર કરવી જોઈએ. આપણી જ્ઞાતિના ભાઈ તથા બહેનનું મરણ થાય છે તો તેને જે જમીનમાં દાટવાની પ્રથા છે તે બંધ કરાવવાને તેને બદલે હિંદુ ધર્મના નિયમ અનુસાર અગ્નિ સંસ્કાર કરવો જોઈએ. આપણી નાતના લગ્નો આપણી જ્ઞાતિના બાળકોના લગ્નો જે મુખી હસ્તે કરવામાં આવે છે તેના બદલે હિંદુ વૈદિક ધર્મ અનુસાર વિદ્વાન બ્રાહ્મણોના હસ્તે કરાવવા જોઈએ.
(૭) પ્રચારક ભાઈઓ પ્રચાર કરતી વખતે હંમેશા યાદ રાખવું કે પોતાની જ્ઞાતિ ગંગા છે એમ માની અને તેના ભાઈ અગર બહેનોની લાગણી ન દુઃખાય તે રીતે અહિંસાનું સંપૂર્ણ પણે પાલન કરી પ્રચાર કરવો.
વાંચો અને વંચાવો અને સનાતન ધર્મનો પ્રચાર કરો.
મંત્રી, શ્રી કચ્છ કડવા પાટીદાર
કચ્છ કડવા પાટીદાર સમાજ
પત્રિકા નં. ૬ તા. ૧૨—૦૮—૪૬
પ્રકાશક હેડ ઓફીસ નખત્રાણા, કચ્છ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સામાન્ય કારોબારી શ્રી નખત્રાણા સ્થાને તા. ૯—૮—૪૬ શુક્રવારની રાત્રે મળી હતી તે કારોબારીમાં શ્રી કચ્છમાં પ્રચાર કાર્યને વધુ વેગવાન બનાવવા તથા અખીલ કચ્છ કડવા પાટીદારની મોટી કારોબારી બોલાવવાનું નક્કી થયેલ છે. જે તે જનરલ મીટીંગ સા.૨૦૦૩ના કારતક સુદ ૧૫ {VSAK: 09-Nov-1946} ના રોજે બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સાંભળવામાં આવ્યું છે કે પીરાણા પંથના નામચીંધ દલાલો પાટીદાર સમાજનું પ્રચાર કાર્ય અમોએ બંધ કરાવી નાખ્યું છે. આવું ગદું વાતાવરણ વહેતું મુકવાના સમાચારો સાંભળવા મળે છે પરંતુ સનાતન ભાઈઓએ તેમ માનવાનું નથી. સમાજનું મંડળ પોતાનું પ્રચાર કાર્ય જે રીતે હંમેશાં થયે જાય છે તેવી જ રીતે કાર્ય કર્યે જાય છે ને આપણો સમાજ દીન પ્રતિદિન વધુ સંગઠીત બનતો જાય છે તે તમો સર્વે જાણો છો અને નીચેના ટૂંક મુદ્દાઓથી પણ જણાશે.
હાલે તરતમાં થયેલ સુધારાઓ
રતડીઆ :— અત્રે કેટલાંક મુસલમાની તત્ત્વોને તિલાંજલી આપી નવા સુધારા કરવામાં આવેલ છે.
દેસલપર :— અત્રે પણ કેટલાંક મુસલમાની તત્ત્વોનો નાશ કરી સુધારા કરવાના સમાચારો મળેલ છે.
રામપર (સરવા) :— અહીં પણ ઉપર મુજબ કેટલાંક સુધારાઓ કરવામાં આવેલ છે.
દેવપર (જખવાળી) :— અહીં પણ મુસ્લીમ તત્ત્વો કાઢી હિંદુ સનાતન ધર્મના નક્કી કરેલ સુધારા દાખલ કરવાનો ઠરાવ કરવામાં આવેલ છે અને તે જન્માષ્ટમીના રોજે અમલમાં લેવાનું સાંભળવામાં આવેલ છે.
રામપર (રોહા) :— અત્રે મંદિરની પ્રતિષ્ઠા કરવાનું માગશર માસમાં નક્કી રાખ્યાનું સંભળાય છે.
નખત્રાણા :— શ્રી સત્યનારાયણ ભગવાનનાં મંદિરની પ્રતિષ્ઠા પણ માગશર માસમાં થવા સંભવ છે. મંદિરનું બાંધકામ વર્ષાઋતુના કારણે હાલ બંધ રાખવામાં આવેલ છે.
એ રીતે દરેક ગામોમાં પ્રચાર કાર્યના પરિશ્રમથી ઉપર મુજબ તથા બીજાં કેટલાંક ગામોમાં પીરાણા સતપંથ નામે ચાલી આવેલ જ્ઞાતિને હિણપદ નામના કલંકને તિલાંજલી આપી સનાતન સમાજના ધ્યેયને લાગુ પડતા આવે છે. તેથી સનાતન સમાજ દીન પ્રતિદિન વધુ સંગઠીત બનતો જોઈ પીરાણા પંથના નામચીંધ ભાઈઓ દોડધામ કરી રહ્યા છે. પરંતુ તે તેમના માત્ર પ્રયોગો નિષ્ફળ બનતા જાય છે.
સનાતન ભાઈઓને નમ્ર વિનંતી
આપના ગામો ગામમાં પીરાણા પંથીઓ તરફથી આપને થતી કનડગતનો અહેવાલ સમાજની ઓફીસે મોકલાવવા આપને ભલામણ કરવામાં આવે છે.
જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતો જાય છે પરંતુ જુની રૂઢી પ્રમાણે જે પ્રથા ચાલી આવે છે તે પ્રથાનો નાશ કરવા દરેક ગામના યુવાનોએ પ્રયાસો જારી રાખ્યા છે પરંતુ પ્રભુ તેમના કાર્યને સફળતા આપે અને જન્માષ્ટમી જેવા મહાન શુભ અવસરને વિધીથી ઉજવતાં ભાઈઓ તથા બહેનો શીખે એમ જ્ઞાતિ ને ઉન્નતિના માર્ગે લઈ જવા ઇચ્છતા ભાઈઓ ઇચ્છી રહ્યા છે.
અસ્તુ.
વધુ સમાચારો આવતી પત્રિકામાં
વાંચો અને વંચાવો અને સનાતન ધર્મનો પ્રચાર કરો.
કચ્છ કડવા પાટીદાર સમાજ
પત્રિકા નં. ૭, તારીખ : ૨૪—૦૮—૧૯૪૬
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજે બહાર પાડેલા સુધારા
કેળવણી વિશે જગત ઉપર બધા દેશના માણસો રીતરિવાજ કેળવણી શિક્ષણ વગેરેમાં ખુબ આગળ વધી રહ્યા છે જ્યારે આપણા કચ્છ દેશમાં આપણે પાટીદારો વર્ષોનાં વર્ષો વીતી ગયાં તો પણ અંધારે ખૂણે અટવાઈ કેળવણી રૂપી જ્ઞાન ચક્ષુ મેળવતા નથી આપણાથી જે ઘણી પછાત કોમો હતી તે પણ કેળવણીથી આજે આગળ આવી રહી છે કારણ કે વિદ્યા, દાન, વિદ્યા ધન એ સર્વે દાનોને ધનોમાં મહાન છે. મોટી ઉંમરના માણસો ન ભણી શકતાં હોય તો બાળકોને ભણાવો કુમળાં બાળકોને જેમ વાળશો અને જેવા સંસ્કાર પાડશો તેવા છોકરાઓને ભણાવવા અને કન્યાઓને ન ભણાવવી એવું જે ભૂત આપણી જ્ઞાતિમાં ભરાયું છે તે કાઢવું જોઈએ. છોકરો ભણેલો હોય અને છોકરી અભણ હોય તો તેમનો સંસાર સુખી નહિ નીવડે. રૂઢીચુસ્ત રિવાજોને વળગી રહી લાકડે માકડું વગાડવાથી પાયમાલી થશે કારણ કે હાલની કન્યાઓેતે ભવિષ્યની માતાઓ છે માતાઓ કેળવાયેલ અને સંસ્કારી હશે તો બાળકોને પણ સારાં ઘડશે માતા અજ્ઞાન અને જડવત્ હશે તો બાળકો મૂર્ખ અને જંગલી થવાના છે.
નવીન ખબરો
વિથોણ : અત્રે મુસલમાની તત્ત્વોને તિલાંજલિ આપી હિન્દુ તત્ત્વો જ્યોતિષ ધામમાં દાખલ કર્યાં એવા સમાચાર મળેલ છે. આ ધામમાં સામાજીક ઝઘડા કરાવનાર તથા ખોરંડે કઢાવનાર એક ટોળકી ઉભી થઈ છે ને તે ગામના એક સનાતન સમાજના મુખ્ય આગેવાન ઉપર ખોટો પોલીસ કેસ ઉભો કર્યો છે ને તેવા ખોટા સાચા સામાજીક વહેવારોમાં પૈસા કઢાવી રહ્યા છે તો સનાતની ભાઈઓએ ચેતતા રહેવું.
નખત્રાણા : અત્રે સનાતની (ભાઈ) સારી રીતે સંગઠન સાધી રહેલ છે અને જ્ઞાતિ પંચનું કાર્ય કુશળતાપૂર્વક કરવાના પ્રયાસો કરી રહ્યા છે. શોકજનક અવસાન અહીંના પટેલ માવજીભાઈ પુંજા જબવાણીનું તા. ૧૪—૦૮—૪૬ના રોજે હાર્ટ ફેલથી અવસાન થયું છે. આ ભાઈ સમાજના કાર્યમાં સારો ભાગ લઈ રહેલ હતાને કરાંચીમાં ભરાયેલ કડવા પાટીદારની બીજી પરિષદના પ્રમુખ હતા પ્રભુ તેમના આત્માને શાંતી આપે.
મથલની બાજુમાં આવેલ યક્ષધો : અત્રે જન્માષ્ટમીના મોજે કોટડા, કાદીયા, મથલ, ખોંભડીને ટોડીઆ વગેરે આજુબાજુના ગામોના પાટીદાર ભાઈઓ ભેગા થઈ રાસલીલા કરેલને ઉપર જણાવેલ ગામના પાટીદાર યુવકોએ યજ્ઞોપવિત ધારણ કરવા એક નાનું સરખું યજ્ઞ કરવાનો સમારંભ ગોઠવવામાં આવેલ હતો ને ખોંભડી તથા કાદીયાની વોલીન્ટીયર ટુકડીઓ ધ્વજ પતાકા સહિત હાજર હતી.
રતડીઆ : આ ગામમાં એક સંપથી જ્યોતિષ ધામમાં પીરાણા તત્ત્વો કાઢી નાંખી હિન્દુ મત દાખલ કરવામાં આવેલ છે. પરંતુ કેટલીક સ્વાર્થી વ્યક્તિઓ તે કાર્ય ભૂસેડી નાખવા દોડધામ કરી રહેલ છે પણ કંઈ વળે તેમ નથી.
ખોભંડી : અત્રે પીરાણા પંથીઓ અને સનાતની ભાઈઓ વચ્ચે સહેજ ઘર્ષણ થયું હતું પરંતુ પાછું વાતાવરણ શાંત થઈ ગયું છે.
વીરાણી : સમાજના પ્રમુખ સાહેબ ટુંક સમયને માટે મુંબઈ જવા વિશેષ કાર્ય ચલાવી રહેલ છે. અસ્તુ. વધુ ખબરો આવતી પત્રિકામાં.
વાંચો……………અને…………વંચાવો….
મંત્રી, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા નં. ૮
પ્રકાશક હેડ ઓફિસ નખત્રાણા કચ્છ
ગતાંકથી ચાલુ :
કેળવણી વિશે : આપણી જ્ઞાતિ પહેલાંના સમયમાં ખેતીના કાર્યમાં વળગી રહેલી હતી ને તે તેમાં સંતોષથી વર્તી રહી હતી. પરંતુ હાલ તો તે બંધુંયે નાશ પામ્યું છે. થોડું છે તે પણ નિભાવવાનું સાધન રહ્યું નથી માટે હાલ આપણી જ્ઞાતિ જે પ્રગતિને પંથે છે તેનું મુખ્ય સાધન કેળવણી અને સમય પ્રમાણે સુધારો કરવાનો છે આપણી જુનવાણી રીત જે ગાડરીઓ પ્રવાહ ચાલ્યો એટલે ચાલ્યો એ રીતમાં લાભ નથી બાપદાદાઓના ધંધાઓને છોડી દઈ ઘણાઓએ પોતાની ઉન્નતિ સાધી છે અને સારા હોદ્દાઓ પણ મેળવ્યા છે આપણી જ્ઞાતિમાં સેંકડે પાંચ ટકા પણ સારો ભણેલો વર્ગ નથી અને જે ભણેલા છે તેમાંના થોડા જ માણસો સુધારણાર્થે ખુબ મહેનત કરતા લાગે છે. આપણી જ્ઞાતિમાં બાળીકાઓ તો ભાગ્યે જ ભણેલી છે જે ભણેલીઓ છે તે તદન દબાઈ ગયેલી દુઃખી જીંદગી જીવે છે તેમણે પોતાની બહેનોના કલ્યાણાર્થે બહાર આવી માર્ગ દર્શન કરાવવું જોઈએ તેમાં તેમનો પોતાનો વિકાસ અને કલ્યાણ થવાનું છે .
અપૂર્ણ પ્રચારથી થતી અસર :—
દુર્ગાપુર : આ ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરમાં આખો શ્રાવણ માસ દિવસના ભાગમાં શીવપુરાણનાં વ્યાખ્યાનની યોજના રાખવામાં આવેલ હતી અને રાત્રે ઠાકર થાળી વગેરે સત્સંગ સારા રૂપમાં રાખવાનો પ્રબંધ કરવામાં આવેલ હતો ને તે કાર્યમાં ભાગ લેવા આજુબાજુના પાટીદાર ભાઈઓ રાત્રે તથા દિવસના ભાગમાં ભાગ લઈ રહેલ હતા ને શ્રાવણ માસના મહીમા વિષેનું સારામાં સારો લાભ દુર્ગાપુરના ભાઈઓએ તે તાલુકાના ભાઈઓને અપાવેલ હતું.
બિદડા : આ ગામમાં પીરાણા તત્ત્વોને તિલાંજલી આપી હિંદુ ધર્મના સુધારાઓ દાખલ કરવામાં આવ્યા છે.
રાયણ : આ ગામમાં પ્રચારના પ્રકાશથી સારામાં સારી જાગૃતી આવી છે ને તે જાગૃતીથી પીરાણા પંથના નામચીંધ ભાઈઓને ઘણો જ ઉહાપોહ જાગવાથી માંડવીમાં પોલીસ કેસ નોંધાવેલ હતો ને પોલીસની સત્તા લઈ ફરી સુધારા પક્ષના ભાઈઓ ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા આ પ્રબંધ કરેલ હતો. પરંતુ તેવા સમાચાર આજુબાજુના સનાતની ભાઈઓને મળતાં તે રાયણ ગામે પહોંચી ગયા હતા ને તે રાયણ ગામના જ્યોતિષ ધામની જગ્યા આવેલી છે ને જે ગામમાં લગભગ ત્રણસો માણસોની જન સંખ્યા છે. પીરાણાંને માનનારાની સંખ્યા તમામ ઓછી છે આ ઝઘડાનો તોડ કરવા માટે એક પંચ પાટીદાર ભાઈઓનું નક્કી કરવામાં આવેલને તે પંચે તેમને નીચે મુજબના નિર્ણય આપેલ છે. તે ગામની સ્થાવર જંગમ મિલકતનું નિરીક્ષણ કરીને જેમાં જ્યોતિષ ધામનું ધામ આવેલું છે તે જ્યોતિષ ધામના સ્થળ વાળું પાંચ ફૂટ પહોળાઈ દસ ફૂટ લાંબું એટલું સ્થાન મુકીને બાકીની માત્ર મિલકત તથા તેના કબજા વગેરેમાં માત્ર સભ્યોનો સરખો ભાગ છે એમ નિર્ણય કરેલ છે ને ગ્રાઉન્ડમાં નવું મંદિર બાંધવુ ને તે મંદિરની માલીકી સ્વતંત્ર મંદિર પક્ષમાં રહેલા ભાઈઓની રહે એમ ઠરાવવામાં આવ્યું છે ને બાકીની મિલકત માટે સ્થાવર જંગમ તથા રોકડ વગેરે બંને પાર્ટીઓમાંથી સભ્યોની નજરે ટ્રસ્ટીઓ નક્કી કરવામાં આવ્યા છે. જે તેનો વહીવટ જ્યાં સુધી એક સંપથી ચાલે ત્યાં સુધી ચલાવવાને કોઈ પણ જાતનો પક્ષપાત થાય તો બંને પાર્ટીઓએ જન સંખ્યાની ગણતરી એ તે મીલકતની વહેંચણી કરી આપવી આ રીતે ઠરાવ કરવામાં આવેલ હતો ને મંદિરના બાંધકામ માટે તે જ વખતે ખરડો શરૂ કરવામાં આવેલ તેમાં લગભગ કોરી ૫૦૦૦/— પાંચ હજાર બંને પાર્ટીઓએ મળી ભેગી કરેલ છે ખરડો ચાલુ છે ને તરતમાં મંદિરનું બાંધકામ શરૂ થશે.
કાદીયા આથમણી : આ ગામમાં સનાતની ભાઈઓનું મોટામાં મોટું જુથ છે ને તે ભાઈઓ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર જુદું ઉભું કરી પોતાનો ધર્મ પાળ્યે જાય છે પરંતુ તેમનું સંગઠન તથા તેમની ધર્મ પ્રત્યે સારી લાગણી જોઈ પીરાણા પંથી કેટલાક નામચીંધ ભાઈઓ તેમને કેટલીક વહેવારીક બાબતોમાં કનડગત કરી રહ્યા છે ને તેમના શુભ—અશુભ અવસરોમાં વિઘ્નો ઉભાં કરવાના પ્રબંધો કરી રહ્યા છે પરંતુ તે તેમના માત્ર ખોટા પ્રયોગો નિષ્ફળ બનતા જાય છે ને સનાતન પક્ષના ભાઈઓ મક્કમતાથી એકતાને વધાર્યે જાય છે.
કોટડા (ખેડોઈવાલા) આ ગામમાં બંને પાર્ટીઓ સરખી હતી ને જુદા જુદા ધર્મસ્થાનોને સ્વતંત્ર રીતે માન્યે જતા હતા પરંતુ પંથની મંજીયારી મિલકતનો ભોગવટો માત્ર એકલા જ પીરાણા પંથીઓ કરી રહ્યા હતા પરંતુ પોતાની ભુલ તેમને જણાતાં તે પંચની માત્ર મિલકતમાંથી બંને પક્ષના સભ્યોની નજરે કાયદેસર ભાગ પાડી આપવામાં આવેલ છે એવા સમાચારો મળેલ છે.
ખેડોઈ : આ ગામમાં મંદિરની પ્રતિષ્ઠા થયા બાદ બંને પાર્ટીઓ વચ્ચે તકરારો શરૂ થઈ છે અને લગભગ પાંચ કેસો અંજાર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે જેમાંથી એક કેસનો નિર્ણય બહાર આવેલ છે જે ખેડોઈ ગામની પાટીદાર ભાઈઓની માત્ર મિલકત ફક્ત પીરાણા પંથીઓ પોતાની ઠરાવી બેઠેલા હતા તે મિલકત ખેડોઈના સમસ્ત પાટીદારોની ઠરાવી આપી છે ને બાકીના ચાર કેસોમાં એક કેસ જે મંદિરમાં હાડકાં નાંખવા સંબંધીનો તે કેસ અંજાર કોર્ટે કમિટ કરી ભુજ મોકલાવેલ છે જેનો નિર્ણય આવ્યેથી બીજી પત્રિકામાં ખબર આપશું.
ગઢશીસા : અત્રે શુદ્ધિવાળા ભાઈઓ કે જેની આપણી સાથે ન ખાવાની દૃઢ પ્રતિજ્ઞા હતી તે તોડીને આપણા સનાતની ભાઈઓ સાથે ખાવા—પીવાનો વહેવાર ચાલુ કરેલ છે.
વાંઢાય : અત્રે ગામ શ્રી લુડવાના આપણી જ્ઞાતિના બે બાળકોનું મહારાજ શ્રી દયાલદાસજી ભરણપોષણ કરી રહેલ છે અને ઈશ્વર રામજી ગુરૂકુળમાં વિદ્યાભ્યાસ કરાવી રહેલ છે તે આપણી જ્ઞાતિને કેળવણીને માર્ગે દોરી રહેલ છે.
વીરાણી : સમાજના પ્રમુખશ્રી રતનશીભાઈ ખીમજી તારીખ ૩૦—૮—૪૬ ના રોજ ભુજથી મુંબઈ તરફ રવાના થઈ ગયા છે.
અસ્તુ. તા. ૩૧—૮—૪૬
વાંચો……………અને…………વંચાવો….
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા નંબર ૯
તારીખ : ૯—૯—૧૮૪૬ પ્રકાશક : હેડ ઓફિસ નખત્રાણા—કચ્છ
ગતાંકથી ચાલુ :
કેળવણી વિશે : વીર માતાપિતાના બાળકો વીર બનો, પોતાની જીંદગીના કલ્યાણ માટે દુર્વ્યસનો,વેરતા, અજ્ઞાનતા, નિરક્ષરતા, નિર્માલ્યન, પ્રેમથી જીંદગીની ખોડોને નાબુદ કરો અને ઉંડી ખીણોમાં અટવાતી ઉચ્ચ ભાવના ફળી નર, નારીઓ સમાજમાં ઘડતરમાં તમામ મહાનધર્મ આપો ખમીર સાચવજો ગુજરાત કાઠીયાવાડની જ્ઞાતિનું સંગઠન સાધી આવતા યુગને ઓળખી પોતાનું ખમીર ટકાવી રાખે એ સંગઠન પાછળનું હેતુ હોય છે. કાઠીયાવાડની ખમીરવંતી જ્ઞાતિ આધુનિક નિર્બળતા અને સંગઠન પાછળનો હેતુ હોઈ શકે, પ્રાંભરીચંદ એ સંગઠન તથા સંચાલકોએ વિચારવું રહ્યું. આ સંગઠનથી સંપ થાય અને બહાદુર જ્ઞાતિ પોતાની શક્તિ કેળવે ગુમાવે નહિ અને જે રીતે આગળ વધે એમ ઇચ્છું છું. સંપૂર્ણ.
નવીન ખબરો
નાગપુર : અહીં વસતા પાટીદાર ભાઈઓના તા. ૨૬—૮—૪૬ના પત્રથી જણાવેલ કે પીરાણા પંથી ભાઇઓ નાતના કે પટેલો જે ખોટા ખર્ચાઓમાં તથા તે પટેલો બેફામ બીન આવડતથી ખર્ચી રહ્યા છે તેને માટે નાગપુર કચ્છ કડવા પાટીદાર સમાજ વિરોધની સાથે દીલગીરી જાહેર કરે છે અને આવા ખોટા કાર્યોને ઉત્તેજનને આપવા પ્રભુ તેઓ ને સદબુદ્ધિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છે.
મથડી : જો સનાતન ભાઈઓએ આખો શ્રાવણ માસ અત્રે ભગવાનની ઢાકપીછોળી કર્યા બાદ ચોકમાં રાસ લીલાનો સમારંભ સારા રૂપમાં પ્રબંધ કરવામાં આવેલ જેનો લાભ આજુબાજુની પાટીદાર ભાઈઓએ સારા પ્રમાણમાં આપેલ પીરાણા પંથીઓને આવો ઉત્સાહ જોઈને હૃદયમાં કંપારી ઉઠે છે જો જુનવાણી રીતવાળા ભાઈ બહેનોમાં તથા બાળકો પણ સારા રૂપમાં …. છોકરાઓ ઉપર જુના વિચારના ભાઈઓ …. મક્કમતાથી આ કાર્યમાં ભાગ લઈ રહેલ છે. મંદિરમાં દર માસે આસો તથા … રાત્રીના ભાગમાં કાયમને માટે સત્સંગ તથા રાસલીલાઓની યોજના રાખવામાં આવેલ છે.
ઉખરડા : પ્રસિદ્ધ … મોકલાવેલ સમાચાર અમારું ગામ
લાલ એરોથી બીજા એરો સુધી
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા નંબર ૧૦
પ્રકાશક : હેડ ઓફિસ નખત્રાણા—કચ્છ
સાં.૨૦૦૩ મિતી ભાદરવા વદ ૧૦ શુક્રવાર તા. ૨૦—૯—૪૬
પ્રચારથી થતી અસર
ઘડુલી : આ ગામમાં એેંશી ઘર વાળાઓએ સનાતન ધર્મનો સ્વીકાર કરેલો છે. અને પીરાણા ધર્મનો બહિષ્કાર કરેલો છે.
અકરી : આ ગામમાં પાટીદાર ભાઈઓએ ભાદરવા સુદ ૬ના બધા એકત્ર મળી કરી ગામમાં ધર્માદા જગ્યામાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાનમૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે.
દયાપર : આ ગામમાં માત્ર પાટીદાર ભાઈઓ સનાતન ધર્મ પાળે છે પણ ફક્ત દસ ઘર વાળાઓ હજુ સુધી પીરાણા પંથનું કાળું કલંક ગળે લઈ બેઠા છે. તે ભાઈઓ દસ ઘર રહી જવાથી ઘણા જ વિચારમાં પડી ગયા છે. પરંતુ પોતાની જ આપખુદી જે ચલાવી સનાતન ભાઈઓને હેરાન કરેલ છે તે પાપના પરિણામથી આજે તે દશ ઘરને એકલા રહેવું પડ્યું છે. હવે એ પોતાનો ખોટો હઠાગ્રહ છોડે એમ ઇચ્છીએ છીએ.
દોલતપર : આ ગામમાં યુવાનો તથા શ્રી લખપત વહીવટદાર સાહેબ સાથે રહી શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની પાનમૂર્તિ મંદિરમાં પધરાવવામાં આવી છે. આ સમારંભમાં દયાપરના યુવકો તથા આજુબાજુના વિશેષ ભાઈઓએ ભાગ લીધો છે. આ રીતે સત્તા ધારીઓ જે આવા લખપત તાલુકાના વહીવટદાર સાહેબે હિન્દુ ધર્મને જે ઉત્તેજન આપી પોતાની ફરજ અદા કરી છે તે બદલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના ભાઈઓ તેઓનો આભાર માને છે.
ધારેશી : આ ગામના બધા પાટીદાર ભાઈઓએ મળી જે જુનું ‘ખાનું’ હતું તેને ફગાવી નવેસર મોટું વિશાળ મકાન બનાવી તેમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓ પધરાવવાનો ઠરાવ કરવામાં આવેલ છે.
વાલકા : આ ગામમાં બાર ઘરવાળા પાટીદારોએ પીરાણા પંથને છોડી હિન્દુ સનાતન ધર્મ સ્વીકાર્યો છે અને ગયા ચૈત્ર માસમાં શ્રી લક્ષ્મીનારાણ ભગવાનની પાનમૂર્તિ મંદિરમાં પધરાવી છે.
એ રીતે ઉપર જણાવેલ ગામોમાં પ્રચારની અસરથી સુધારા થતા જાય છે અને કોઈ પણ જાતના વીખવાદ વગર તથા કોઈ પણ જાતનો ખાવા—પીવાનો ભેદભાવ રાખ્યા વગર શાંતિ અને સલાહ સંપથી પીરાણા ધર્મને છોડી સુમાર્ગના પંથે પાટીદાર ભાઈઓ વળી રહ્યા છે.
ઘાટકોપર : માનકુવાના રાજારામભાઈનાં ધર્મપત્નીનું અવસાન તા. ૨—૯—૪૬ના રોજે થયું છે. ને રાજારામ શામજી તા. ૧૮—૯—૪૬ના રોજે માનકુવા તરફ રવાના થવાના છે.
કરાંચી : તા. ૧૦—૦૯—૪૬ના પત્રથી શ્રી જીવરાજભાઈ હીરજી ઉકાણી જણાવે છે કે કરાંચીના પાટીદાર ભાઈઓ સનાતન ધર્મના પ્રચાર દરેક જાતની સાથ તથા સહકાર સાધવાનો પત્ર દ્વારા જણાવે છે.
નાગપુર : તા. ૯—૯—૪૬ના પત્રથી નાગપુર પાટીદાર સમાજ જણાવે છે જે ગયા શ્રાવણ સુદ ૧૫ના રોજે જુદા જુદા ગામના ૩૦થી ૩૫ ભાઈઓએ વિધીપૂર્વક યજ્ઞોપવિત ધારણ કરેલ છે ને તે દિવસે એક સારા રૂપમાં યજ્ઞ સમારંભ કરવામાં આવેલ ને તે રોજે પાટીદાર ભાઈઓની સભાના ફોટાઓ પણ લેવામાં આવેલ છે. જેની નકલો સમાજની હેડ ઓફીસે પણ મોકલવાનું લખી જણાવે છે.
ચકખિરીઆ : થી ભાઈશ્રી પુંજાભાઈ ખેતશી નખત્રાણા વાળાએ (ગ્વાલીયર સ્ટેટ) જ્ઞાતિ હિત માટે એક “યુવકોના ઉદ્ગાર” અથવા ઉન્નતિનાં ગીત નામનું એક પુસ્તક લખી સમાજની ઓફીસે પ્રકાશન કરવા મોકલાવેલ છે એ પુસ્તિકા જ્ઞાતિમાં સંસ્કૃતિનો ઉદય થાય ને જ્ઞાતિને તેમાંથી ઘણું જાણવાનું મળે એવા જ્ઞાતિ હિત માટે આ પુસ્તક લખાયેલું છે તે પુસ્તક કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના નામથી પ્રસિદ્ધમાં મુકવા લખેલું છે તો તે છપાવવાને માટે જે ભાઈઓને તે પુસ્તક પ્રસિદ્ધ કરવાના ખરચમાં મદદરૂપ થયું હોય તો તેમણે પોતાનું નામ સમાજની ઓફીસે મોકલી આપવા મેરબાની કરશો ને તે દાન દાતાઓનાં નામ તે પુસ્તિકામાં પ્રગટ કરવામાં આવશે.
ઉપરની હકીકત અમોને જે ટપાલ દ્વારા પ્રાપ્ત થઈ છે તે સમાજને જાણવા ખાતર આ પત્રિકામાં પ્રગટ કરવામાં આવી છે. હવેથી દરેક ભાઈઓ તથા લેખકોએ પોતાના ગામમાં અગર આજુબાજુના ગામોમાં જ્ઞાતિ હીતના સમાચાર તથા પીરાણા પંથીઓ તરફથી થતી કનડગત સમાજની ઓફીસે ખબરો જણાવવા ને તે ખબરો સત્ય હોવા જોઈએ સમાજના જુદા જુદા ગામના પ્રચારકો જે જ્ઞાતિને ઉન્નતિના માર્ગે લાવવા જે પ્રયાસો કરી રહ્યા છે તે પ્રયાસો પ્રભુ સફળ કરતા જાય છે.
વાંચો……………અને…………વંચાવો….
મંત્રી, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
ૐ
તા.ક. સત્યનો વિજય.
ગઢસીસા : આ ગામમાં ઘણા વરસો થયા સનાતન ધર્મ વાલા તથા પીરાણા પંથીઓ વચ્ચે જે કેસો ચાલી રહ્યા હતા તે કેશો લડી લડી છેલ્લી હાઇકોર્ટ ઉપર પણ લાંબો વખત થયા તે કેશ ચાલી રહ્યો તો તે સાંભળવામાં આવેલું છે જે હાઇકોર્ટ સનાતન ધર્મ વાલાને તેના તરફેણમાં કરી આપેલ છે. ને તેના ઉપર પીરાણા પંથીઓએ અપીલ દાખલ કરતાં તે અપીલ હાઇકોર્ટે પકડેલ નથી એવા સમાચાર સાંપડેલ છે ને સનાતન ધર્મનો વિજય થયો છે. કચ્છ રાજ્યની છેલ્લામાં છેલ્લી કોર્ટ પીરાણા પંથીઓ લડી ચુક્યા તેમાં પણ તે વિજય થયો નથી તો હવે નાતના પૈસા વેડફતાં અટકે.
મંત્રી
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
વાંચો……………અને…………વંચાવો….
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પત્રિકા
નંબર ૧૧
તા. ૨—૧૦—૪૬, આસો સુદ ૭ બુધવાર ૨૦૦૩
પ્રકાશક હેડ ઓફિસ, નખત્રાણા કચ્છ
નવીન ખબરો
દિલ્હી : ભાદરવા માસમાં દિલ્હી વસતા પાટીદાર ભાઈઓની એક જાહેર સભા ભરવામાં આવેલ હતી ને પીરાણા પંથને તિલાંજલિ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવેલો હતો ને તે જ વખતે કેટલાક ભાઈઓએ ગોળી ન પીવી એવી પ્રતિજ્ઞાઓ પણ કરેલ હતીને ૨૦થી ૨૫ ભાઈઓને યજ્ઞોપવિત ધારણ કરવા માટે સમારંભ ગોઠવવાની યોજના ઘડી કાઢવામાં આવેલ હતી. ને કાદીઆમાં નવું મંદિર બાંધવાને માટે ખરડાની શરૂઆત કરવાની ચર્ચા શરૂ કરવામાં આવેલી હતી.
ખેડોઈ : તા. ૧૯—૯—૪૬ના પત્રથી જણાવે છે જે લાલજીભાઈ ધનજી તરફથી શ્રી રામાયણનો પ્રચાર થાય તે માટે દોઢ માસ સુધી મંદિરમાં એક વિદ્વાન બ્રાહ્મણ રોકીને સનાતન ધર્મના પ્રચારની યોજના શરૂ કરવામાં આવી છે. ખેડોઈ તાલુકાના ગામે ગામમાં પરમ પૂજ્ય મહારાજશ્રી પ્રભુરામજી ફરીને હિન્દુ સનાતન ધર્મનું રહસ્ય સમજાવી રહેલ છે. ને તેમના પ્રચારની અસરથી ઘણા ભાઈઓ પીરાણા પંથને તિલાંજલિ આપી સુમાર્ગે વળી રહ્યા છે.
પાંતીઆ : આ ગામમાં ફક્ત ચાર ઘર વાળાઓ જ પીરાણા પંથ પાળે છે. બાકી આખું ગામ હિન્દુ સનાતન ધર્મ પાળી રહેલ છે ને મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિ પધરાવવામાં આવેલી છે.
ખોંભડી : આ ગામમાં જ્યારથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓની સ્થાપના મંદિરમાં થઈ ત્યારથી કરી સનાતન ધર્મને ઉત્તેજન આપનાર ખોંભડી નિવાસી ગામના ગરાસીઆઓ તથા વેપારી વર્ગ તથા બીજા બધા હિન્દુ ભાઈઓ સુધારા પક્ષના ભાઈઓને સારામાં સારો સાથ આપી હિન્દુ ધર્મ કેમ ઊંચો આવે તેનો સારામાં સારો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો છે. ગામના છોકરાઓ સવારમાં પ્રભાત ફેરી તથા બપોર પછી સરઘસ કાઢી હિન્દુ ધર્મને વધુ સંગઠીત બનાવીને પીરાણા પંથ મુર્દાબાદ સનાતન ધર્મ જીંદાબાદ. પોતાના બુલંદ અવાજો કરી શેરીએ શેરીએ ફરીને સરઘસના રૂપમાં પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચારની અસર હરીજન વર્ગમાં પડતાં તે ગામના હરિજન ભાઈઓ મુસ્લીમ ભાઈઓ સાથે ખાવા પીવાનો વહેવાર રાખતા તે સદંતર બંધ કર્યો છે અને અમે હિન્દુ છીએ એવું તેમને ભાન થતાં તેઓની સાથે માત્ર વહેવાર બંધ કરી નાખવામાં આવ્યો છે. એ રીતે હરિજન ભાઈઓને પોતાની જાતનું ભાન થતાં તે ગામના ગરાસીઆઓ તથા મહાજનો વગેરે ગ્રામ્યજનો મળી તેમને મીષ્ટાનનો એક ભગવત પ્રસાદ આપવામાં આવેલ હતો ખોંભડીના હરિજન ભાઇઓને પણ પોતે હિન્દુ છીએ એવું ભાન થતાં પીરાણાપંથી ભાઇઓ હવે આંખ ઉઘાડશો ખોભંડીના હરિજનભાઇઓના આ પગલાંની અસર કચ્છના હરીજન વર્ગમાં સારામાં સારી પાડી છે.
આથી દરેક સનાતની ભાઈઓને ખબર આપવામાં આવે છે જે આપણા સમાજના બંધારણની કલમ ૧૪ મુજબ જે ગામ દીઠ ધર્માદા પેદાશમાંથી સેંકડે દશ ટકાના હિસાબે નાણાં સમાજને ભરવાં તે મુજબ ચાલુ સાલની પેદાશમાંથી દરેક ભાઈઓએ સમાજ ફંડ કાઢેલ હશે જે ભાઈઓએ ન કાઢેલ હોય તો તે તરત વસુલ કરીને કારતક સુદ ૧૫ પહેલાં સમાજના ખજાનચીને પહોંચતાં કરવા ને સમાજના જનરલ ફંડને ઉત્તેજન આપવું જોઈએ વિશેષમાં થોડા દિવસ બાદ ટપાલ મારફતે માહિતી પત્રકો સનાતની ગણતરી માટે મોકલાવવામાં આવશે તેમાં નિયમ અનુસાર ઘરના આગેવાનનું નામ તથા ઘરમાં જણ સંખ્યા જેટલી હોય તે ભરીને પાછાં તરત સમાજની ઓફીસે મોકલાવી આપવા મહેરબાની કરશો.
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સંસ્થાના ઉદ્દેશને વધુ વેગવાન બનાવવા માટે બરોડાથી પંડીત આનંદપ્રિયજી એ જગદીશચંદ્ર નામના એક પ્રચારકને સમાજની ઓફીસે મોકલાવેલા છે.
શ્રી જગદીશ ચંદ્રજીનું નિવેદન
ૐ તત્સત પરમાત્મને નમઃ સર્વવ્યાપક પરમાત્માને અમારા નમસ્કાર (પાટીદાર જ્ઞાતિનાં શુભ ચિંતવનાર્થે લેખ)
ગુજરાત (ગુજરાતી ભાષા બોલાય તે વિભાગ)માં કડવા પાટીદાર કચ્છ, અમદાવાદ અને સુરત જીલ્લામાં પુષ્કળ વસ્તી સમૂહમાં છે. એ સમૂહ થવાને માટે શુભ પ્રયાસોની શરૂઆત થઈ છે. છતાં શુદ્ધ સનાતન હિન્દુ ધર્મ રહિત થયેલા જ્ઞાતિજનો પુનઃ પોતાના અસલ સત્ય સ્વરૂપમાં પોતાની જાતને ઓળખતાં થઈ જવાની ખાસ જરૂર છે. કડવા પાટીદાર સમાજનું સાચું એક સંગઠન સ્વરૂપ ત્યારે જ બને કે જ્યારે પોતાના હિન્દુ સનાતન ધર્મના વિસ્તૃત સિદ્ધાંતોનો સુંદર અભ્યાસ કરે અને પોતાના જીવનનું વર્તન પણ એ માર્ગે વાળી શકે તો તો ગુજરાતમાં એક મહાન વર્ગ તેજસ્વી બની અગ્રસ્થાને આવે મારા એક પ્રત્યક્ષ નિહાળેલા અનુભવથી જણાવી શકે સુરત જિલ્લામાં પાટીદાર વર્ગમાં મતીઆ કણબી નામે ઓળખાતા ૯૦ ટકા ઉપરાંત પાટીદાર વસ્તીએ હિન્દુ સનાતન ધર્મ કે વૈદિક સનાતન ધર્મને અપનાવી પોતાની જાતિને શુદ્ધિ ધારા પવિત્ર સનાતન ધર્મના પ્રવાહમાં વહેણ ચુસ્ત રીતે ચાલુ કરી દીધું છે આજે તેઓની સાથે બીજો પાટીદાર (કણબી) સમૂહ ખાનપાનનાદિ તેમજ લગ્નાદિ વ્યવહારથી નજીક આવતો જાય છે અને એક વિશાળ સમુદાયમાં ભળતો જઈ પરસ્પર આનંદ મ્હાણી રહ્યો છે. જ્યારે કચ્છ પ્રદેશના સમસ્ત પાટીદાર સમુહ એક શુદ્ધ સનાતન હિન્દુ ધર્મના છત્ર છાંયા નીચે એકત્ર થઈ આનંદ માણી શકતો નથી. હજી ટંટાઓ ઉપસ્થિત કરી કોર્ટ દરબારમાં હજારો કોરીનો ખરચ કરી રહ્યા છે. જ્યારે સુરત જીલ્લો અદભિર્ગા ત્રાણી શુદ્ધયતિ મનઃ સત્યેન શુદ્ધયતિ વિદ્યા તપોભ્યં બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધયતિ મનઃ શરીર પાણી વડે શુદ્ધ કરવું મન અન્નથી શુદ્ધ કરવું વિદ્યા તપથી શુદ્ધ કરવી અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ કરવી એ રીતે પોતાની આત્મ શુદ્ધિના માર્ગે ક્યારનો પુરૂષાર્થ કર્મ કરી રહ્યો છે. પાટીદાર સમાજ આ બાબત પોતાની સેવા પોતાના જાતિ ભાઈઓ માટે તેમજ પોતાના જાતિ ભાઈઓ પીરાણા સતપંથીઓમાં પોતાની સેવા અર્પવા પુરૂષાર્થ કરી રહ્યો છે તે એક પ્રસંશનીય છે. તેથી આ પત્રિકામાં કચ્છના સમસ્ત પાટીદારોમાં સત્ય સ્વરૂપનું મેં પીછાનવા લેખ માળા શરૂ કરી છે. પીરાણા સતપંથ નામે ઓળખાતા સંપ્રદાયમાં શુદ્ધ ગાયત્રી શબ્દનો ઉચ્ચાર ન જાણવાને લીધે ગાવંત્રી શબ્દ ઉચ્ચારાયેલો છે. તેથી શુદ્ધ ગાયત્રી મંત્ર તેમાં ભાવાર્થ સાથે નીચે પ્રમાણે સમજાવ્યો છે. ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ઉપરનો ગાયત્રી મંત્ર છે જેને સાવિષ પણ કહે છે અને જ્યારે ઉપવિત સંસ્કાર કરાવવામાં આવે છે ત્યારે એ મંત્રનો આચાર્ય પંડિત વગેરે શિષ્યોને ઉપદેશ કરે છે. “ગાયત્રીનો મંત્ર હે સંપૂર્ણ જગતના પોષણકર્તા પરમાત્માએ સત્ય (કે જેનું મુખ સોનાના પત્રથી ઢકાયેલું છે એવા) ધર્મના દર્શન માટે તમે એના ઉપરનું આવરણ દુર કરો કારણ કે એ સુવર્ણ વગેરે ધન સંપત્તિની લાલચમાં ફસાયેલું જગત પોતાના ઈશ્વરને ભુલી બેઠા છે અને એને લીધે જેની પાસે જ્ઞાન નથી એવા પુરૂષોના દાસ બનવાથી પૂજા કરવા લાગે છે તેથી એ આવરણને દૂર કરી સત્યની તરફ લઈ જાઓ ટુંકમાં ભાવાર્થ ત્રણે લોકના સ્વામી અમારામાં સદ્બુદ્ધિ પ્રેરો વિશેષ સ્પષ્ટતા જો કોઇ જયેષ્ઠ અને શ્રેષ્ઠતાને ઓળખે છે તે પોતાની જ્ઞાતિઓમાં શ્રેષ્ઠ હોય છે જો કોઇ વરિષ્ઠને જાણે છે તે પોતાની જ્ઞાતિમાં વરિષ્ઠ થાય છે જો પ્રતિષ્ઠાને ઓળખે તો પ્રતિષ્ઠીત થાય છે. જો આશ્રયપણાને ઓળખે છે તો આશ્રય સ્થાન બને છે. તેમ જો પ્રજા પતિને ઓળખે છે તો તે પ્રજાપતિને પામે છે તેટલા માટે જેની ભાવના શુદ્ધમય પવિત્ર મય છે તે તો શ્રેષ્ઠતા ઉત્તમ પદને પામે છે. યાદસી ભાવના તાદૃસી સિદ્ધિ જેવી ભાવના તેવી સિદ્ધિ મળશે. “અપૂર્ણ”
નાગપુર : તા. ૨૬—૦૯—૪૬ના પત્રથી નાગપુર પાટીદાર સમાજ જણાવે છે જે નાગપુર પાટીદાર સમાજની એક જનરલ સભા તા.૨૪—૯—૪૬ના રોજે મળેલ હતી ને તેમાં નાગપુર પાટીદાર સમાજની જ્ઞાતિમાં પડેલ પીરાણા સંબંધી જે ન છાજતી પ્રથાને નીંદી કાઢવામાં આવેલી હતી જેમાં લગભગ ૧૧ કાર્યકર ભાઈઓએ જુસ્સાદાર વિવેચનો કરેલ હતાં એ રીતે નાગપુર સમાજ સારામાં સારી પ્રગતિના પંથે વળી રહી છે. નાગપુરમાં કેટલાક રૂઢીચૂસ્ત પીરાણા પંથને વળગી રહેલા છે ને તેમને કોઈ ભાઈ પૂછે કે તમો આ શું કરી રહ્યા છો ? તો હિન્દુ ધર્મ પાળીએ છીએ એવો ખોટો દાંભિક જવાબ આપે છે. તો હવે આવા જાગૃતીના પંથે સર્વ પાટીદાર ભાઈઓ વળી રહ્યા છે. તો એવા નામચીંધ દાંભીક ભાઈઓ હવે ખોટો હઠાગ્રહ છોડે.
આથી દરેક વાંચક ભાઈઓને જણાવવાનું જે સમાજનો લીથો બગડી જવાથી આવતી પત્રિકા કદાચ સમયસર પ્રગટ ન થઈ શકે તો દર ગુજર કરશો. અસ્તુ.
વાંચો……………અને…………વંચાવો….
મંત્રી
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ