Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૨૩. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક. ક. પા. જ્ઞાતિના સત્સંગીઓને સાધુ-દીક્ષા આપવા બાબત નિર્ણય - દી. 07-Oct-1945

શ્રી હરિ ॥

શ્રી સ્વામિનારાયણ મંદિર,

અમદાવાદ તા. ૭—૧૦—૧૯૪૫

સંવત ૨૦૦૧ના આશ્વિન સુદ ૧ રવિવાર

          આજરોજ અમદાવાદના અગ્રગણ્ય પંડિતોની સભા, અમદાવાદના શ્રી સ્વામીનારાયણ મંદિરમાં કચ્છ દેશના કડવા પાટીદાર કણબી જ્ઞાતિના સત્સંગીઓને સાધુ—દીક્ષા આપવા બાબતનો નિર્ણય કરવા માટે, કચ્છના કડવા કણબી હરિભક્તોના બોલાવવાથી મળી હતી.

          શરૂઆતમાં જ્યોતિષાચાર્ય શ્રીમાન પંડિતશ્રી ગિરિજાશંકરભાઈએ પ્રમુખશ્રીની ઓળખાણ કરાવી અને અન્ય સર્વ વિદ્વાનો—પંડિત મહાશયોનો પરચિય કરાવ્યો અને પછી સભાપતિના સ્થાને શ્રીમાન પંડિત વયોવૃદ્ધ તપોમૂર્તિ શ્રી ગણપતભાઈ યાજ્ઞિક ચિંતામણિ—વેદમાર્તણ્ડની વરણી કરવા દરખાસ્ત મુકી. તેને શ્રીમાન પુરાણીજી બાળકૃષ્ણભાઈ, શ્રી રાધાકૃષ્ણ મંદિરવાળા પંડિતજીએ ટેકો આપ્યો અને સર્વાનુમતે તે દરખાસ્તને અનુમોદન મળતાં સભાનું કામ શરૂ થયું.

          પ્રથમ જ્યોતિષાચાર્ય શ્રીમાન પં. ગિરિજાશંકરભાઈએ સર્વ સભાના વિદ્વાનોને સભા ભરવાનો શો હેતુ છે તે હકીકત સારી રીતે વિસ્તારથી સમજાવી હતી. શ્રીમાન પુરાણીજી બાળકૃષ્ણભાઈએ સમસ્ત વિદ્વાન વર્ગને આ પ્રશ્ન ઉપર વિચાર કરી, રાગદ્વેષ  અને પક્ષપાત રહિત શુદ્ધ શાસ્ત્રસંમત ન્યાય કરી નિર્ણય આપવા વિનંતિ કરી હતી.

          શ્રીમાન પંડિતજી નાગરદાસભાઈ બ્રાહ્મણીયા એમ.એ.,પ્રિન્સિપાલ શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત પાઠશાળા, અમદાવાદ— એમણે લંબાણથી વિદ્વતાપૂર્ણ ભાષણ કરી અભિપ્રાય આપ્યો કે જગતના તથા ધર્મો અને સંપ્રદાયોના સંબંધો વિચારવા અને સમયના પરિવર્તન સાથે, શાસ્ત્ર મર્યાદાને બાધ ન આવે તેવા સિદ્ધાંતોનો આશ્રય લેવો જરૂરનો છે. શ્રી વલ્લભ સંપ્રદાયમાં તેમજ અન્ય સંપ્રદાયોમાં આચાર્યશ્રીને શ્રીભગવત્સ્વરૂપ માની તેઓશ્રીની આજ્ઞા સર્વોપરિ અને સર્વમાન્ય ગણાય છે, એટલે આ કણબી લોકોને શાસ્ત્ર રીતે શુદ્ધ કરાવ્યા પછી તેમને સદ્‌ગત પૂજ્યપાદ આચાર્યશ્રીએ પોતાના આશ્રીત તરીકે અપનાવી સત્સંગીઓ બનાવ્યા છે. તેમજ તેમની જ્ઞાતિના દેશ દેશાન્તરના માણસો સાથે તેમનો રોટી વ્યવહાર ચાલુ છે તો પછી જેઓ જાતિ ભ્રષ્ટ કે ધર્મભષ્ટ થયા જ નથી તેમને સાધુ—દીક્ષા આપવાનાં પ્રત્યવાય છે જ નહિ. વળી રાગ—ત્યાગના વિભાગો સમજાવ્યા અને સાધુ કોણ હોઈ શકે તે પણ સ્પષ્ટ રીતે બતાવ્યું.

          શ્રીમાન પંડિતજી અનોપરામભાઈ સદાશિવરામ શાસ્ત્રીજી, દર્શન કેશરી, દૈવજ્ઞમાર્તણ્ડ. એમણે પણ આ સંબંધે લંબાણથી ગીર્વાણ ભાષામાં શાસ્ત્રીય સમાલોચના કરી,   પ્રમાણો સાથે પોતાની સંમતિ વ્યક્ત કરી હતી.

          મૈથિલ પં. દીનાનાથ ઝા, ન્યાય—વેદાન્તાચાર્ય, પ્રધાન અધ્યાપક, શ્રી કાશીવિશ્વનાથ સંસ્કૃત વિદ્યાલય — એમણે દર્શાવ્યું કે જે સમયે ભારતવર્ષમાં બૌદ્ધધર્મ  પ્રચલિત હતો અને જનતા બૌદ્ધ ધર્મમાં ઝુકી ગઈ હતી ત્યારે ભગવાન્‌ શ્રીમત્‌ શંકરાચાર્યે આવી જ રીતે તેઓની શુદ્ધિ કરી, અપનાવીને પુનઃ સનાતન ધર્મમાં લીધા હતા.

          સદાચાર અને સંયમ વડે શુદ્ધ થયેલા—હૃદયમાં જ્યારે ભગવદ્‌ભક્તિની તિવ્રતા જાગે છે ત્યારે તેવી સ્થિતિવાળા પુરૂષો સાધુ જ થઈ જાય છે, તેમના માટે નાત—જાતને સ્થાન ગૌણ હોય છે, તો પછી સાધુ—દીક્ષા પામેલાઓને માટે તો નાત—જાતનું અભિમાન કે અહંપણું હોય જ નહિ. તે સાધુ તો આત્મસ્વરૂપ હોઈ જ્ઞાતિબંધન સંભવતું નથી. એટલે આ શુદ્ધિ પામેલા મુમુક્ષુ ભક્તોને સાધુ—દીક્ષા આપવામાં શાસ્ત્ર બાધા જણાતી નથી.

          પં.શ્રી ગિરિજાશંકર નાથજીભાઈ શાસ્ત્રી — પ્રધાનાધ્યાપક—રાયપુર સંસ્કૃત પાઠશાળા—એ જણાવ્યું કે આ કડવા કણબી પાટીદારો ત્રિવર્ગના પેટામાં આવી જાય છે, દેશાંતરના કડવા પાટીદારો સાથે તેમને ભોજન વહેવાર છે, ધર્મભ્રષ્ટ કે જાતિભ્રષ્ટ થયા નથી, ધ.ધૂ. આચાર્ય મહારાજે શુદ્ધિ કરી પાવન કરી પોતાના આશ્રીતો તરીકે ઘણાં વર્ષોથી અપનાવેલાં છે તો તેમને સાધુ—દિક્ષા આપવામાં કોઈ જાતનો વાંધો છે જ નહિ. વળી સમાજની વૃદ્ધિ થાય અને સનાતની પ્રજાનું સંગઠન દૃઢ થાય તે ઇચ્છવા જોગ છે. આ સત્તા આચાર્ય મહોદયની છે અને પોતે ગમે તેવા પતીતને પણ પાવન કરી શકે છે.

          પં.શ્રી મણિશંકરભાઈ શાસ્ત્રી, શ્રી લશ્કરી પાઠશાળાવાળાએ જણાવ્યું કે આ સભાનો નિર્ણય ગીર્વાણમાં જ થવો જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કરેલા ઉપદેશમાં શ્રીમુખે કહ્યું છે કે કોઈ મનુષ્યની અજ્ઞાને કરીને સંગદોષથી ભુલ થઈ ગઈ હોય તો તેની શુદ્ધિ કરીને પોતાના ધર્મમાં આવવાનો અધિકાર છે.

શ્રી પંડિત વિશ્વનાથ હરિનારાયણ શાસ્ત્રી —

          જ્યારે જ્યારે આપત્તિઓ આવી છે ત્યારે  ત્યારે આચાર્યોએ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું છે.  આ લોકો મુળથી જ હિન્દુ સમાજમાં છે. અજ્ઞાનવશ થઈ પીરાણા ધર્મમાં માત્ર અનુરાગવાળા હતા અને પછી શુદ્ધ થઈ ધાર્મિક જીવન ગાળે છે તો તેમને સાધુ—દીક્ષા  આપવામાં કોઈ રીતે બાધ નથી. ભગવાને કહ્યું છે કે ગમે તેવો પાપી અને પતીત જીવ  જ્યારે શુદ્ધ હૃદયથી મારામાં મન જોડે છે, અને મને જ અનુસરે છે તો તે સાધુ થઈ ગયો છે.

શ્રી પંડિત સોમનાથ શાસ્ત્રી —

          આવા પ્રશ્નના ઉકેલ આચાર્યશ્રીથી જ થઈ શકે છે. શુદ્ધ થયેલા ને શિક્ષાપત્રી અનુસાર સાધુ દીક્ષા આપવામાં વાંધો નથી.

શ્રી પંડિત વિશ્વંભર ઝા., વ્યાકરણ—સાહિત્ય—વેદાન્તાચાર્ય, જયેન્દ્રપુરી પાઠશાળા.

          પ્રાયશ્ચિત આપીને શુદ્ધ કરી હિન્દુ ધર્મમાં લીધા છે ને ઘણા લાંબા સમયથી હિન્દુ સમાજ અને ધર્મ મર્યાદામાં વર્તે છે તેમને સાધુ દીક્ષા આપવામાં વાંધો સંભવતો જ નથી.

શ્રી પં. ભોળાનાથ શાસ્ત્રી ઉપરના મતને સંપૂર્ણ ટેકો આપે છે.

શ્રી પંડિતજી ગિરિજાશંકર હરિશંકર, જ્યોતિષાચાર્ય — એ જણાવ્યું કે જે જે પંડિતોએ પોતપોતાનો મત પ્રદર્શિત કર્યો છે અને સાધક બાધક તેમજ પૂર્વપક્ષ ઉત્તરપક્ષના  સિદ્ધાંતોપૂર્વક જે નિર્ણય વ્યક્ત કર્યો છે તે સાથે મારી સંપૂર્ણ સંમતિ છે. પંડિતોએ આપેલો નિર્ણય સપ્રમાણ અને વાસ્તવિક છે. શિક્ષાપત્રી મુજબ શ્રીભગવદ્‌ગીતા જેવા પ્રમાણભૂત ગ્રંથમાં સાધુની વ્યાખ્યા કરી છે તે માન્ય છે — દુરાચારનો ત્યાગ કરી જે જીવ ધર્મમાં પ્રવૃત્તિ કરી મને ભજે છે તે સાધુ હોઈ શકે છે. પૂર્વાચાર્યશ્રીએ જેમને શુદ્ધિ આપી પાવન કરી પોતાના આશ્રીતો બનાવ્યા છે, તેઓ સાધુ થવાને પૂર્ણ રીતે યોગ્ય જ છે. ધર્મની સંસ્થાઓને કાળ બળે  કરીને આમ કરવું પડ્યું છે. યવનોને પણ અપનાવી લીધા છે, તો આ શુદ્ધ થયેલાઓ માટે વાંધો લઈ શકાય જ નહિ.

          આચાર્યશ્રીએ પોતાની ધાર્મિક સત્તાનો વિશાળ હૃદયથી ઉપયોગ કરી દીક્ષા આપતાં જરા પણ અચકાવું ન જોઈએ. નદીના પ્રવાહમાં કચરો પણ તણાઈને આવે પણ તે મલીનતા સમુદ્રમાં પ્રવાહના બળે તણાઈ જઈ પ્રવાહનું જળ નિર્મળ થાય છે. પાપી પુરુષો સત્સંગમાં આવી નિર્મળ થાય છે. શાસ્ત્રયુક્તિ, વ્યવહાર અને અનુભવપૂર્વક પૂર્વાચાર્યાશ્રીએ આ લોકોની શુદ્ધિ કરી છે, તેમ કરવાનો આચાર્યશ્રીનો ધાર્મિક હક છે તેથી તેઓશ્રી આ લોકોને સાધુ કરી શકે છે. શિક્ષાપત્રીમાં આજ્ઞા છે કે, વિવાદો નૈવ કર્તવ્યઃ” તે મુજબ આચાર્યશ્રીના આવા ઉદાર ધાર્મિક કાર્યમાં શંકા કરવાનો આશ્રીતજનોને અધિકાર જ નથી. સભામાં ઉપસ્થિત થયેલાં શ્રોતા સમૂહમાંથી કોઈને કાંઈ ચર્ચા કે પશ્ન પૂછવા હોય તે ખુશીથી પૂછવા પ્રમુખ તરફથી સૂચન થતાં, સદ્‌ગુરુ શાસ્ત્રી ચૈતન્યદાસજીએ એક શંકા કરેલી તે બાબત શ્રી પં. બાલકૃષ્ણભાઈ  પુરાણીજીએ શાસ્ત્ર પ્રમાણો આપી સમાધાન કર્યું કે ચાર પાંચ પેઢીઓના પૂર્વજો હિન્દુ જાતિ અને વ્યવહારમાં રહીને પણ અજ્ઞાન અને કુસંગ દોષ વડે પીરાણા ધર્મમાં અનુરાગી થયેલા તેમના વંશજો, પીરાણા ધર્મવાળા સાથેનો બધો ખાનપાનાદિ વ્યવહાર છોડી શ્રી સ્વામીનારાયણના ધર્મ પ્રમાણે પવિત્ર જીવન ગાળે છે, ને તેમની પૂર્વાચાર્યાશ્રીએ  શુદ્ધિ કરી છે તો પછી સાધુ—દીક્ષા આપવામાં બાધ જ નથી. સાધુ જે થયા છે તેમને દીક્ષા લીધા પછી પોતાની જાતિ કે ગામ કે કુટુંબનું  અભિમાન કે સ્મૃતિ હોવું પણ ન જોઈએ. તેની તો બ્રહ્મજાતિ છે.

          શ્રીમાન્‌ શેઠ નંદુભાઈ મંછારામ પટેલ, સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિ સમુદાયના પ્રમુખ તરીકે જણાવ્યું કે કચ્છના બધા કડવા કણબી (પાટીદારો) અમારી જ જ્ઞાતિના છે અને જ્યારે જ્યારે અમારી જ્ઞાતિ સુધારણાની  પરિષદો ભરાઈ છે ત્યારે આ ભાઈઓએ અમારી સાથે રહી ભોજન વ્યવહારમાં ભાગ લીધેલો છે. છેલ્લી પરિષદ ગઈ સાલ કડીમાં ભરાઈ ત્યારે આ લોકો પણ અમારી સાથે જ હતાં. ખાનપાન વગેરેનો બધો વ્યવહાર ગુજરાત, મહેસાણા, કડી, કચ્છ વગેરેના કડવા પાટીદારો સાથે તેમને છે. બેટી વહેવારનો સવાલ દેશ પરત્વે જુદો હોય છે. પીરાણા પંથના ઘણા કુટુંબો અમારી નાતમાં છે. સ્વામીનારાયણ ધર્મના કચ્છના કડવા કણબીઓ અમારી જ જ્ઞાતિના છે એવાં પ્રમાણપત્રો અમારી જ્ઞાતિના  પ્રતિષ્ઠિત ગૃહસ્થો, જેવા કે પાટડી દરબાર સાહેબ, શેઠ લશ્કરી વગેરેએ આપેલા છે તે જોતાં ખાત્રી થશે.

          હવે જ્યારે કડવા પાટીદારો બધાને આ  સંપ્રદાયમાં સાધુ—દીક્ષા આપવામાં બિલકુલ હરકત હોતી નથી અને ઘણા કડવા પાટીદાર  જ્ઞાતિમાંના સાધુઓ થયેલા હાલ પણ છે તો પછી કચ્છના અમારી જ જ્ઞાતિના કડવા કણબી પાટીદારોને સાધુ—દીક્ષા ન આપવા માટેનો દુરાગ્રહ ભૂજ મંદિરના સાધુઓ રાખે છે તે  સિદ્ધાંતની દૃષ્ટિએ વાજબી નથી પણ માત્ર અંગત અને આંતર વ્યવહારના કારણે હોય તેમ લાગે છે.

          પં. શાસ્ત્રી બાળકૃષ્ણ ભાઇશંકર, કચ્છના કણબી (પાટીદાર) જ્ઞાતિના કુળગોરે જણાવ્યું કે આ લોકો અમારા યજમાનો છે. તેમના પાંચ પેઢી ઉપરના પૂર્વજો પીરાણા પંથમાં હતા ને માત્ર સંગદોષથી તે પંથના અનુરાગી હતા પણ પોતાની કણબી જાતિમાંથી ભ્રષ્ટ થયા નથી. ત્યાર પછી તેમના વંશજોને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધિ કરાવી હિન્દુ ધર્મમાં લીધા છે. ને હિન્દુ ધર્મશાસ્ત્ર વિધિ મુજબ બધી જાતના સંસ્કારો કરવામાં આવે છે. આ લોકો પવિત્ર ધાર્મિક જીવન ગુજારે છે અને શુદ્ધ આચાર વિચાર અને વ્યવહારને અનુસરે છે, તેમજ પીરાણા પંથના તેમના જ્ઞાતિબંધુઓની સાથેનો ખાનપાનાદિ તમામ વ્યવહાર તેમણે ઘણા વર્ષોથી છોડી દીધો છે. માટે તેઓ સાધુ—દીક્ષા માટે યોગ્ય છે.

           કડવા કણબી પાટીદાર જ્ઞાતિના વહીવંચા, બારોટ વગેરે બધાએ આ મહત્ત્વની બાબતમાં પોતાની સંમતિ આપી હતી.

          આ પ્રમાણે બધા પંડિતોએ શ્રુતિ—સ્મૃતિ પુરાણાદિના આધારો અને પ્રમાણો લઈ પરસ્પર શાસ્ત્રચર્ચા કરી પોતાનો નિર્ણય સર્વાનુમતે આપ્યો તેની અસલ સંસ્કૃત નકલ સહીઓ સાથેની આ સાથે સામીલ છે. તેમજ તે નિર્ણયનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે તે પણ આ સાથે રાખેલો છે.

          છેવટમાં, પૂજ્ય વિદદ્વર્ય સભાપતિજી શ્રીયુત વેદમૂર્તિ શ્ર્રી ગણપતરામભાઈ પોતાની વયોવૃદ્ધ અવસ્થાની અશક્તિ છતાં, સનાતન ધર્મના સ્તંભ તરીકે પોતે ઉભા થઈ સભાના કાર્યનો ઉપસંહાર કરતાં જણાવ્યું કે સનાતન ધર્મની મર્યાદાઓ સંકુચિત નથી પરંતુ ઉદારતા અને  વિશાળતા ઉપર કેન્દ્રિત થયેલી હોઈ જીવ પ્રાણી માત્રના શ્રેયના માર્ગમાં આવતા અનેક  અંતરાયો દુર કરી જીવને પવિત્ર કરી લે છે. વિધર્મિઓનાં ઘણાં આક્રમણો થયાં અને થાય છે છતાં સનાતન ધર્મ અચલ, અને નિર્વિકાર રહ્યો છે. પાપીને પણ પાવન કરી ધર્મ મર્યાદામાં ચલાવી ઉચ્ચ કરવો એજ સનાતન  ધર્મનું ધ્યેય છે. પંડિત મહાશયોનો સમુદાય અને પૂજ્ય આચાર્ય મહોદયનાં દર્શન વડે શોભતી આ સભા ગંગા—સાગર જેવું દૃશ્ય રજૂ કરે છે. આ કચ્છના કણબી હરિભક્તો  પાવન છે, ધાર્મિક છે, જ્ઞાતિભ્રષ્ટ કે ધર્મભ્રષ્ટ નથી, તેમની શુદ્ધિ પણ થઈ ચુકેલી છે, આચાર્યશ્રીએ તેમને પોતાના આશ્રીતો તરીકે અપનાવી લીધા છે, તેમના હાથનું જળ, તથા ચાસણી—કોરી પ્રસાદી વગેરે વસ્તુઓ સાધુ સંતો લે છે તેવો વ્યવહાર પણ પ્રચલિત જ છે તો પછી તેમને સાધુ—દીક્ષા આપવામાં કોઈ રીતે શાસ્ત્ર મર્યાદાનો બાધ છે નહિ.  આ લોકોને દીક્ષા આપવાથી બીજા સાધુઓને  જ્ઞાતિ ભ્રષ્ટતાનો બાધ થાય તે પ્રશ્ન અસ્થાને છે કેમ કે સાધુ થયા પછી તેની જાતિ, નાત—કુટુંબ ગામ વગેરે ટળી જઈ તે પુરૂષ બ્રહ્મરૂપ થાય છે. આત્મરૂપ થયેલાને મતે જાતિનું કે દેહનું અહંપણું કે મમત્વ રહેતું જ નથી. પંડિત મહાશયોએ આ સભામાં જે શાસ્ત્રીય ચર્ચાઓ કરી જે અમુલ્ય નિર્ણય સર્વાનુમતે આપ્યો છે તેમાં સભાપતિ તરીકે હું મારો પોતાનો નિર્ણય ઉમેરી આ સભાને  વિસર્જન કરવા ઉચિત માનું છું.

          છેવટમાં, સભામાં હાજર રહેલા તમામ સત્સંગી હરિભક્તો, પ્રતિષ્ઠિત ગૃહસ્થો અને શ્રોતાજનો તરફથી મંદિરની પાઠશાળાના પ્રધાનાધ્યાપક શ્રીયુત પંડિતજી દુર્ગાનાથજી ઝા. વ્યાકરણ—ન્યાય—વેદાન્ત—સાહિત્યાચાર્ય, એમણે ઉભા થઈ, શ્રી સભાપતિનો તથા બધા વિદ્વાન પંડિત મહાશયોનો આભાર માન્યો હતો. સર્વે પંડિત મહાશયોએ શ્રમ લઈ પોતાના કિંમતી સમયનો ભોગ આપી શાસ્ત્ર ચર્ચા અને ધાર્મિક સિદ્ધાંતોનો પ્રસાદ શ્રોતા સમૂહને આપ્યો તે માટે પ્રેક્ષક સમુદાય તરફથી બધાને અભિનંદનો આપ્યાં હતાં.

          ત્યારબાદ સમગ્ર પંડિત સભા તરફથી પં. શ્રી ગિરિજાશંકરભાઈ જ્યોતિષાચાર્ય તથા પં.શ્રી બાલકૃષ્ણભાઈ પુરાણી એ ઉભા થઈ  ધ. ધૂ. શ્રી આચાર્યશ્રીને વંદન કરી નિવેદન કર્યું કે આચાર્ય મહોદયને પતીત પાવન કહે છે તેઓશ્રી ગમે તેને પાવન કરી શકે તેવી સત્તા ધરાવે છે, છતાં પોતે ધર્મની ધુરાવહન કરનાર અને સનાતન ધર્મ મર્યાદાનું રક્ષણ કરનાર છે, ધર્મ માર્તણ્ડ છે જેથી શાસ્ત્ર મર્યાદાનું યથાર્થ પાલન કરવા માટે આ ધાર્મિક પ્રશ્નની  સમાલોચના કરી નિર્ણય આપવાનું કાર્ય પંડિત વર્ગને સોંપ્યું તે બતાવી આપે છે કે પોતે  બ્રાહ્મણો પ્રત્યે કેવી પૂજ્ય બુદ્ધિ, ઉદારતા અને સન્માન ધરાવે છે. આચાર્યો જ સનાતન ધર્મના સાચા સંરક્ષક, ઉદ્ધારક અને પ્રચારકો હોઈ શકે છે અને ભુલેલા જીવાત્માઓને માર્ગદર્શન આપનાર પણ તેઓશ્રી છે. પંડિત બ્રાહ્મણોને પોતે જે આવકાર આપ્યો છે તે માટે પંડિતો તરફથી અમો ધ.ધુ.આચાર્યશ્રીનો હાર્દિક ઉપકાર જાહેર કરીએ છીએ.

          ઉપર મુજબ કાર્ય પૂરું થયા પછી બપોરે ૧ વાગે સભા વિસર્જન થઈ હતી.

 

(નિર્ણય કરનાર પંડિતોની સહીઓ)

સભા પ્રમુખ પં. દ્વિવેદી ગણપતરામ ત્ર્યબકરામ યાજ્ઞિક ચિન્તામણિ—વેદમાર્તણ્ડ

પં. શ્રી સંતીશચંદ્ર ભટ્ટાચાર્ય    ન્યાયાચાર્ય તર્કતીર્થ, શ્રી બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા

પં. શ્રી દુર્ગાનાથ ઝા    વ્યાકરણ—સાહિત્ય—ન્યાય—વેદાન્તાચાર્ય, પ્રધાનાધ્યાપક, શ્રી સ્વામીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય.

પં. શ્રી દીનાનાથ ઝા.    ન્યાય—વેદાન્તાચાર્ય, પ્રધાનાધ્યાપક—શ્રી કાશીવિશ્વનાથ સંસ્કૃત વિદ્યાલય

પં. શ્રી બ્રાહ્મણીયા નાગરદાસ    એમ.એ., પ્રિન્સિપલ—બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાલા

પં. શ્રી અનૂપરામ સદાશિવ શાસ્ત્રી    દર્શનકેસરી, દૈવજ્ઞમાર્તણ્ડ

પં. શ્રી ગિરિજાશંકર નાથજી શાસ્ત્રી    પ્રધાનાધ્યાપક—રાયપુર સંસ્કૃત પાઠશાળા

પં. શ્રી સોમનાથ નીલકંઠ શાસ્ત્રી     શ્રી ગોસ્વામીજી સંસ્કૃત પાઠશાલાધ્યાપક

પં. શ્રી અનન્ત શર્મા ઉપાધ્યાય     શ્રી ગોસ્વામીજી સંસ્કૃત પાઠશાલાધ્યાપક

પં. શ્રી અભયકાન્ત ઠક્કુર    મૈથિલ વ્યાકરણ—સાહિત્ય—ધર્મશાસ્ત્રાચાર્ય

પં. શ્રી શાસ્ત્રી ચિમનલાલ જગજીવન પંડ્યા    વ્યાકરણાચાર્ય, કાવ્યતીર્થ.

પં. શ્રી કેશવરામાત્મજ ભોલાનાથ શાસ્ત્રી    (રાયપુર, અમદાવાદ)

પં. શ્રી નારાયણ શાસ્ત્રી વાડીકર    વેદાન્તાધ્યાપક (બ્ર૦ વાડી સંસ્કૃત પાઠશાળા)

પં. શ્રી વિશ્વંભર ઝા    વ્યાકરણ—સાહિત્ય—ધર્મશાસ્ત્રાચાર્ય, શ્રી કાશીવિશ્વનાથ સંસ્કૃત વિદ્યાલય

પં. જોશી ગોપાલ શાસ્ત્રી પુનાવાસી

પં. શ્રી રામકૃષ્ણ ઝા    જ્યોતિષાચાર્ય, શ્રી કાશીવિશ્વનાથ સંસ્કૃત વિદ્યાલય

પં. શ્રી સત્યદેવ મિશ્ર    વ્યાકરણાચાર્ય શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત વિદ્યાલય

પં. શ્રી વાસુદેવ ત્રિવેદી    સાહિત્યાચાર્ય શ્રી બ્રહ્મચારીવાડી સંસ્કૃત વિદ્યાલય

પં. શ્રી કાન્તિલાલ યાજ્ઞિક    વ્યાકરણાચાર્ય શ્રી સ્વામીનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય

પં. શ્રી કાન્તિલાલ શુક્લ   સાહિત્યશાસ્ત્રી, શ્રી સ્વામીનારાયણ સંસ્કૃત વિદ્યાલય

પં. શ્રી હિંમતરામ જાની    જ્યોતિષાચાર્ય

પં. શ્રી મણિલાલ અંબાલાલ શર્મા    વ્યાકરણાચાર્ય

પં. શ્રી મોહનલાલ રણછોડજી શાસ્ત્રી

પં. શ્રી બાલકૃષ્ણ પુરુષોત્તમ પૌરાણિક    શ્રી રાધાકૃષ્ણ મંદિર

પં. શ્રી ગિરિજાશંકર હરિશંકર જોશી    જ્યોતિષાચાર્ય

પં. શ્રી નર્મદાશંકર    સાંકડી શેરી

પં. શ્રી શાસ્ત્રી મણિશંકર મગનલાલ

પં. શ્રી જોશી મણિશંકર ચકુરામ    જ્યોતિષ શાસ્ત્ર માર્તણ્ડ, જ્યોતિષ સંસ્કૃત પાઠશાલાધ્યાપક

પં. શ્રી જાની ભાઈશંકર જયશંકર    કડવા પાટીદાર  જ્ઞાતિના પુરોહિત

પં. શ્રી નર્મદાશંકર    દર્શનશાસ્ત્રી (હજીરાની પોળ)

પં. શ્રી શાસ્ત્રી રામશંકર આદિત્યરામ

પં. શ્રી નારાયણાત્મજ હરિજીવન શુક્લ    યજુર્વેદાધ્યાપક

પં. શ્રી હરિશંકર મગનલાલ શુક્લ

પં. શ્રી શાસ્ત્રી ઈશ્વરલાલ શર્મા    શ્રી ગીતા મંદિર પ્રધાન પંડિત

પં. શ્રી શાસ્ત્રી સોમનાથ શર્મા

પં. શ્રી શાસ્ત્રી લલ્લુભાઈ લક્ષ્મીશંકર શર્મા    વિદ્યાશાલા, અમદાવાદ

પં. શ્રી  જ્યેષ્ઠારામ છગનરામ    મ્યુનિસિપલ વકીલ, સંસ્કૃત પાઠશાલાધ્યાપક

પં. શ્રી દેવજી નારાયણ કાશીવિશ્વનાથ

પં. શ્રી નારાયણ બાલાશંકર ત્રિવેદી

પં. શ્રી શાસ્ત્રી હરિપ્રસાદ દલસુખરામ

પં. શ્રી શાસ્ત્રી વિશ્વનાથ હરિનારાયણ

પં. શ્રી રામનન્દન ઝા.    વ્યાકરણ શાસ્ત્રી

પં. શ્રી જીવનલાલ કેશવરામ દવે

પં. શ્રી જયશંકર રણછોડલાલ પૌરાણિક

પં. શ્રી ગોર ચિમનલાલ રૂપશંકર દવે                    (શ્રી સ્વામિનારાયણ મંદિર પુરોહિત)

પં. શ્રી વિસ્ત્રનાથ આનંદરામ શાશ્વી

પં. શ્રી કેશવલાલ શંકરલાલ જ્યોતિષી

પં. શ્રી આનંદશંકર મોતીરામ પૌરાણિક

પં. શ્રી રણછોડલાલ લલ્લુભાઈ જોશી

પં. શ્રી ગણપતિશંકર ભવાનીશંકર

નવીન પ્રિન્ટરી, ચાર રસ્તા, નવા દરવાજા— અમદાવાદ

  

श्री हरि :

अहमदावाद ७।१०।४५

अद्य अहमदावादनिवासिनां विद्वद्वौरेयाणां सभेयं कच्छदेशवासिनां “कण्वी” तिनामधेयतः प्रसिद्धानां (कडवा पाटीदार) द्विजविशेषाणां श्री स्वामिनारायण सम्पंप्रदाय प्रचलित साधु दीक्षा प्रदान विषये निर्णयं प्रदातुमहमदाबाद नगर प्रतिष्ठित श्री स्वामिनारायणमन्दिरस्थ धर्मपीठाधिष्ठतानां धर्मधुरन्धराणां श्रीमतां सकलजीवनिकाय कल्याणार्थ प्रकटभूत श्री १०८ स्वामिनारायण भगवत्पादप्रवर्तित श्री स्वामिनारायण सम्पदायाचार्यणां श्री १०८ देवेन्द्रप्रसाद महाराजपादानां समक्षे निर्णयति यत् कच्छदेशवासिनः “कण्वीः ति नाम्ना ( कडवा पाटीदार) प्रसिद्धाः द्विजविशेषाः सत्सडिग्नः साधुदीक्षायां योग्याः सन्ति, तेभ्यः साधुदीक्षादाने न कोऽपि शास्त्रबाधः दरीदृश्यते ।

पूर्वस्मिन् काले तेषां पूर्वजा: पीराणाधर्मे कुसङग्दोषेणानुरागिणः परन्तु जातितो धर्मतो वा न भ्रष्टाः पूर्वाचार्यमहाराजचरणैः अनुगृह्य पवित्रतां प्रापिताश्च सत्सङिग्नः कृताः तत आरभ्याद्यपर्यन्तं वंशपरम्परया सत्सङिग्नः सन्तः धार्मिकं जीवनं निर्वाहयन्ति तेन आचार्यपादानुग्रहेण शास्त्ररीत्यासाधुदीक्षां ग्रहीतुमर्हन्ति एतन्निर्विवादमिति सर्वसम्मत्या प्रकाशयति चेति ।

निर्णयकर्तारः पण्डिताः

प्रमुखः पं. द्विवेदी गणपतिराम त्रयम्बकराम सम्मनुते याज्ञिकशिरोमणी वेदमार्तण्डश्च

 

કચ્છ દેશના કડવા કણબી (પાટીદારો) જ્ઞાતિના સત્સંગીઓને સાધુ—દીક્ષા આપવા બાબતનો અમદાવાદના અગ્રગણ્ય પંડિતોની સભાએ સર્વાનુમતે કરેલો નિર્ણય.

(સંસ્કૃતનો ગુજરાતી ભાષામાં અનુવાદ)

          આજરોજ સર્વ જીવ પ્રાણી માત્રના કલ્યાણને માટે પ્રકટ થયેલા શ્રી ૧૦૮ શ્રી સ્વામીનારાયણ ભગવાન સંસ્થાપિત શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયની અમદાવાદની ધર્મપીઠ ઉપર વિરાજમાન ધર્મધુરંધર ધર્મ માર્તણ્ડ શ્રીમદ્‌ આચાર્ય મહારાજ ૧૦૮ શ્રી દેવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના ચરણ કમલ સમક્ષ શ્રી સ્વામીનારાયણના મંદિરમાં, અત્રેના  અગ્રગણ્ય વિદ્વાનો—પંડિતોની સભા, કચ્છ દેશના કડવા કણબી (પાટીદાર) જ્ઞાતિના સત્સંગીઓને સાધુ—દીક્ષા આપવા બાબતનો નિર્ણય કરવા સારું ભરાઈ હતી.

          આ સભા એવો નિર્ણય આપે છે કે કચ્છ દેશવાસી કડવા કણબી પાટીદારો વિશેષે કરીને દ્વિજ વર્ગના સત્સંગીઓ છે અને તેઓ સાધુ—દીક્ષા આપવા યોગ્ય છે, તેથી તેમને સાધુ—દિક્ષા આપવામાં કોઈ પણ પ્રકારનો શાસ્ત્ર રીતે બાધ નથી એમ આ સભા જણાવે છે.

          પૂર્વકાલમાં આ લોકોના પૂર્વજો (બાપદાદા) સંગ દોષને લીધે પીરાણા ધર્મમાં અનુરાગવાળા હશે, પરંતુ જાતિએ કરીને અથવા ધર્મે કરીને ભ્રષ્ટ થયેલા નથી તેથી પૂર્વાચાર્ય મહારાજશ્રીએ અનુગ્રહ કરી તેમને પાવન કર્યા હતા અને સત્સંગી બનાવ્યા હતા. ત્યારથી માંડી આજ દિન સુધી વંશપરંપરાથી તેઓ સત્સંગીઓ છે અને ધાર્મિક જીવન ગાળે છે; તેથી કરીને ધ.ધુ. આચાર્ય મહારાજશ્રીના અનુગ્રહ વડે શાસ્ત્ર રીતે સાધુ— દીક્ષા લેવા માટે તેઓ લાયક છે એ નિર્વિવાદ છે એમ આ સભા સર્વ સંમત થઇ નિર્ણય જાહેર છે.

          આજ વિક્રમ સંવત ૨૦૦૧ના આશ્વિન માસે શુકલ પક્ષની પ્રતિપદાને દિવસે આ સભાએ નિર્ણય આપેલો છે. (તા. ૭.૧૦.૪૫ રવિવારે સવારના ૧૦ થી બપોરના ૧ વાગતા સુધીના ત્રણ કલાકના સમયમાં)

          સભા પ્રમુખ પં. દ્વિવેદી ગણપતરાય ત્ર્યંબકરામ યાજ્ઞિક ચિન્તામણિ—વેદ માર્તણ્ડ

                                                                                       (આ નિર્ણયમાં સંમતિ આપે છે)

<<

>>

Leave a Reply

Share this:

Like this: