Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી કડવા પાટીદાર સનાતન સમાજ (ગુજરાત)
હીરાપુર કમ્પા અધિવેશનનો અહેવાલ — દિનાંક 28—Mar—1954
તા.૧૩—૪—૫૪ ના સાંજે સમાજના કાર્યવાહક કમિટીના સૌ ભાઈઓ હીરાપુરકમ્પો હાજર થયા અને રાત્રે ૮ વાગ્યે કમિટીની, હીરાપુરવાસી ભાઈઓ સહિત મીટીંગ કરવામાં આવી. આગળથી લીસ્ટ મુજબ આશરે દોઢસો સ્વયંસેવકો અગાઉથી હાજર થઈ ભોજન સામગ્રી તૈયાર કરવામાં રોકાયેલાં હતાં. બીજે દિવસ હરીપુરકમ્પાવાસી શ્રી ધનજીભાઈ, શ્રી રામજીભાઈ, કરમશીભાઈ, લાલજીભાઈ, રતનશીભાઈ, કાનજીભાઈ તેમજ કેશવલાલભાઈ વગેરેનો પૂર્ણ ઉત્સાહ અને પરિશ્રમથી સ્વયંસેવકોના સેવાકાર્ય વડે શાનદાર રીતે અધિવેશન મંડપની ગોઠવણી કરવામાં આવી. જેમાં જોઈતાં કપડાં, લાકડાં, દોરડાં વગેરેની બહુવિધ સામગ્રીનો હીરાપુર અને આજુબાજુના કમ્પા ગઢકમ્પા, મગનપુરા, બોયડીટીંબા વગેરે સ્થળોએથી સારો સાથ આપવામાં આવ્યો. તેમજ ગઢકમ્પાવાસી ભાઈશ્રી મનજીભાઈ વાલજીભાઈએ અધિવેશન કાર્યમાં પોતાનો ખરો સહકાર આપી કાર્યને સફળ બનાવ્યું. મંડપમાં લાઈટ, લાઉડસ્પીકર, મુખ્ય સિદ્ધાંતો અને સેવા સૂત્રો, ધાર્મિક તેમજ રાષ્ટ્રીય ફોટાઓ તેમજ ધ્વજાપતાકા વગેરેથી સારો બંદોબસ્ત કરવામાં આવ્યો. ચૈત્ર સુ. ૧૩ {VSAK: 15-Apr-1954} ના રોજે બરાબર સવારના દસેક વાગે સાડા પાંચેક હજારની સમાજની માનવમેદનીએ પધારીને કાર્યકર્તાઓને આભારી કર્યા. ઠીક તે જ ટાઈમે વડિલશ્રી ચુનીભાઈ દેસાઈભાઈ (સાબરકાંઠા જીલ્લાના આગેવાન કાર્યકર)ની મોટરમાં તેમની જોડે પૂજ્યશ્રી મહારાજ ઓધવરામજી પોતાની સાધુમંડળી સહિત પધાર્યા. સમાજના ભાવભીના મહેમાનો શ્રી મણીભાઈ, અંબુભાઈ, વિઠ્ઠલભાઈ વગેરે સદ્ગૃસ્થોએ ધનસુરાથી પધારી સૌને આભારી કર્યા. મુંબઈવાસી શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈ શ્રી શીવદાસભાઈ કાનજી તેમજ શ્રી માવજીભાઈ તેમજ કચ્છથી શ્રીયુત નથુભાઈ નાનજી અને શામજીભાઈ વાલજી વગેરે મહેમાનોએ પધારી સૌને ઉત્સાહિત કર્યા. આશરે સાડા દસ વાગ્યે સવારમાં જ સૌનો આગમન—સત્કાર (સામૈયા) વગેરે સત્કારમંત્રી શ્રી ધનજીભાઈ તેમજ શ્રી હીરજીભાઈ મારફતે કરવામાં આવ્યો. સૌ મંડપની મુખ્ય દ્વાર પાસે આવ્યાં ત્યારે પૂજ્ય મહારાજશ્રી ઓધવરામજીના વરદ્ હસ્તે મંડપદ્વાર પર શ્રી અધિવેશન ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી અને સાથે સાથે વડિલશ્રી ચુનીભાઈના વરદ્ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વિધિ કરવામાં આવી. મંડપમાં પ્રવેશી સૌ પોતપોતાના સ્થાને બિરાજ્યા અને અગ્રગણ્ય વડિલો તેમજ મહેમાનોને યથાઉચિત હારતોરા કરવામાં આવ્યાં. અધિવેશન પ્રમુખ શ્રીમાન કરમશીભાઈ વીરજીભાઈએ પોતાનું સ્થાન સંભાળ્યું. સ્વાગત પ્રમુખશ્રી હીરજીભાઈ કરશનભાઈના તરફથી મંત્રીશ્રી દેવશીભાઈ રામજીભાઈએ તેમનું આભારદર્શક લેખિત ભાષણ વાંચી સંભળાવ્યું. જેમાં “આપ સૌએ પધારી સમાજની કાર્યવાહક કમિટી, સ્વયંસેવકો અને હીરાપુરવાસી સર્વે ભાઈ—બહેનોને અત્યંત આભારી કર્યા છે અને અમારી ડગલે અને પગલે રહી ગયેલી અગણિત ત્રુટિઓ તરફ રહેમદીલ રહી કૃતાર્થ કરશો” એવી વિનંતી કરવામાં આવી.
અધિવેશન પ્રમુખ સાહેબ શ્રી કરમશીભાઈએ પણ લેખિત ભાષણ દ્વારા જણાવ્યું કે “સમાજમાં મારાથી દરેક પ્રકારે વિશેષતા ધરાવતા બીજા વિદ્વાન ભાઈઓ હોવા છતાં આપ સૌએ પ્રમુખ સ્થાને મારા જેવા એક અલ્પજ્ઞાનીની વરણી કરી છે તે માટે હું ખરેખર આપ સૌનો ઋણી છું. અને મારી એ અલ્પજ્ઞતાને નિભાવી લઈ અધિવેશન કાર્યને દીપાવશો એવી આશા રાખું છું.”
ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રીએ સૌને ઉદ્દેશીને આશીર્વાદ સૂચક ટુંકુ એવું પ્રવચન કર્યું જેમાં ટુંક સમયમાં પોતાનું અહિં આવવાનું તેમજ કચ્છ અને મુંબઈના સામાજિક કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. (ત્યારબાદ સાડા બારે સૌ સભાજનો ભોજનકાર્ય માટે ઉઠ્યા.)
સાંજના ચાર વાગે મંડપમાં જાહેર સભા રૂપે સૌ એકત્રિત થયા ત્યારે મંત્રી શ્રીમાન દેવશીભાઈ તરફથી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને સભામાં આગળથી ગોઠવાયેલા ખાસ અગ્રસ્થાનોએ સ્થાનારુઢ થવા વિનંતિ કરવામાં આવી અને નીચે મુજબના ભાઈઓએ પોતપોતાના સ્થાનો શોભાવ્યાં.
૧. હીરજીભાઈ કરશનભાઈ, ૨. શીવગણભાઈ વાલજીભાઈ, ૩. હંસરાજભાઈ નારણભાઈના વતીથી તેમના પુત્ર, ૪. વિશ્રામભાઈ શીવજીભાઈ, ૫. પચાણભાઈ લધાભાઈ, ૬. હરજીભાઈ કરમશીભાઈ, ૭. નારણભાઈ રતનશીભાઈ, ૮. રામજીભાઈ વિશ્રામભાઈ, ૯. વાલજીભાઈ કાનજીભાઈ, ૧૦. મનજીભાઈ વાલજીભાઈ, ૧૧. રામજીભાઈ જશાભાઈ, ૧૨. કરશનભાઈ સોમજીભાઈ, ૧૩. ધનજીભાઈ વાલજીભાઈ, ૧૪. મેઘજીભાઇ ભીમજીભાઈ, ૧૫. મુળજીભાઈ જીવરાજભાઈ, ૧૬. વીરમભાઈ પરબતભાઈ, ૧૭. રામજીભાઈ ગોપાળભાઈ, ૧૮. માવજીભાઈ લાલજીભાઈ, ૧૯. પચાણભાઈ શીવજીભાઈ, ૨૦. વિશ્રામભાઈ સોમજીભાઈ, ૨૧. હંસરાજભાઈ સોમજીભાઈ વગેરે આગેવાન ભાઈઓ તેમજ મહેમાનો પોતપોતાના સ્થાને બીરાજ્યા. શરૂઆતમાં પ્રાર્થના તેમજ રાષ્ટ્રગીત ગવાયા બાદ શ્રીમાન દેવશીભાઈ રામજીભાઈએ આજના અધિવેશન ભરવાનો ઉદ્દેશ અને સંયોગોને રજૂ કરતું ટુંકુ એવું પ્રવચન કર્યું. ત્યારપછી પૂજ્ય મહારાજશ્રી ઓધવરામજીએ દૃષ્ટાંતો સહિત ધાર્મિકતત્ત્વને વર્ણવ્યું. છેવટે સમાજની ઉન્ન્ત્તિના મૂળ પાયારૂપ કેળવણી અને સંગઠન માટેનો પૂરતો ઉલ્લેખ કર્યો. કેળવણીના આધાર સ્થંભરૂપ ગુજરાતમાં મધ્યવર્તી સ્થાને પાટીદાર સમાજની બોર્ડિંગ થવા ઉપર ખાસ ભાર મૂક્યો. ભાઈ ભાઈ વચ્ચેના તેમજ પાડોશીઓ પ્રત્યેના વ્યવહારિક પ્રસંગોમાં વાંધા વિખવાદ ન કરવા માટેની લાગણી પ્રદાન અપીલ કરી. તે સમયના વાતાવરણને તેઓશ્રીએ એટલું ભાવભીનું કર્યું કે સભાજનોમાં કેટલાંયે ભાઈ—બહેનોને ધર્મ, બંધુત્વ, ઇશ્વર અને સંત સમાગમ વગેરે આદર્શોના પ્રત્યક્ષ અનુભવ અને પ્રભાવ વડે આનંદાશ્રુ ઉભરાતાં હતાં.
મહારાજશ્રીના પ્રવચન બાદ શ્રી દેવશીભાઈ રામજીભાઈએ પાટીદાર સમાજને મધ્ય કેન્દ્ર હોય તેવા સ્થળે સમાજ તરફથી વિદ્યાર્થીઓ માટે બોર્ડિંગ થવા માટેનો ઠરાવ રજૂ કર્યો. તેને શ્રી મૂળજીભાઈ વીરમભાઈ, શ્રી મનજીભાઈ વાલજીભાઈ, શીવજીભાઈ સોમજીભાઈ, કેશવલાલ માવજીભાઈ વગેરે ભાઈઓએ ટેકો આપ્યો એટલે તે ઠરાવ ઉપર સભા જનોના મત લેતાં છેવટમાં સર્વાનુમતે તે ઠરાવને મંજૂર કરવામાં આવ્યો. અને બોર્ડિંગ ફંડનો ઉમેદવારી ફાળો સભાજનોમાં શરૂ કરવામાં આવ્યો. જે ફાળો આશરે સાઇઠ હજાર રૂપિયાનો તે જ વખતે નોંધાયો જેની નોંધ આગળ આપવામાં આવેલ છે. તેને ઉઘરાવવા માટે એક કમિટી નિમવાનો ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો. તે કમિટી નાણાં ઉઘરાવી બેંકમાં જમા મૂકે અને ત્યારપછી દાનદાતાઓની એક સામાન્ય સભા બોલાવી તેમાંથી મતાધિકાર પદ્ધતિ વડે બોર્ડિંગ ટ્રસ્ટ નીમવાનું નક્કી રાખવામાં આવ્યું. શ્રીમાન ચુનીભાઈ દેસાઈભાઈએ બોર્ડિંગ માટે જોઈતી જમીન કે જે મુકરર કરવામાં આવે તે સ્થાને પોતાની માલીકીની હોય તેવી અનુકૂળ જગ્યાએ સમાજ તરફથી પસંદ કરવામાં આવે તો તે જમીન સમાજને દાનમાં આપવાની લાગણી જાહેર કરી વડિલશ્રી ચુનીભાઈએ પોતાના અનુભવી પ્રવચનમાં સરળ વાણી વડે સભાજનોની સમક્ષ એક અનેરો ભાવ રજૂ કર્યો. પાટીદારો એક હોવાનો ઉલ્લેખ કર્યો. જર જમીનના મદને મુકી સમયના પ્રવાહને પારખી, પોતાની ફરજો મુજબ બીજાઓના દુઃખ તરફ કર્તવ્ય બજાવવાની ખાસ આપીલ કરી.
ત્યારબાદ પ્રમુખશ્રી કરમશીભાઈની વતીથી શ્રીયુત દેવશીભાઈએ સમાજની કાર્યવાહક કમિટીને સમાજ સેવાનું કર્તવ્ય બજાવવા ખાસ ઉત્સાહ અને સંગઠન મક્કમ કરવાનો આગ્રહ કર્યો. અધિવેશન ખર્ચ માટે રૂા. ૧૦૦૧.૦૦ શ્રી કરમશીભાઈ તરફથી નોંધવાનું જાહેર કર્યું અને તે ખર્ચ માટે સમાજનાં ભાઈ—બહેનો સ્વેચ્છાથી જે રકમ નોંધાવે તે લઈ બાકીની રકમ પ્રસંગવશ સમાજ સીલકમાંથી પૂરી કરવાનું મંજૂર રાખવામાં આવ્યું.
તે પછી મહારાજશ્રીએ એક દૃષ્ટાંત દ્વારા પાટીદારોની ઉદારતા અને ઉત્સાહનું વર્ણન કર્યું. તેમના આશીર્વાદ સુચનો સાથે (સાંજના સાત વાગ્યે) સૌ રિસેશ માટે ઉઠ્યા. રાત્રે આઠ વાગ્યાના સુમારે સૌ ભાઈ—બહેનો સભા સ્થાને સત્સંગના રૂપમાં એકત્રિત થયા. મહારાજશ્રી તરફથી સરળ અને ભાવયુક્ત વાણી વડે ત્રિલોચનનું આખ્યાન કરવામાં આવ્યું અને સાડા અગીયાર વાગ્યે સૌ નિયત સ્થાને નિંદ્રાધીન થયાં.
તા. ૧૭—૪—૫૪ ની સવારમાં ચા—પાણી લીધા બાદ સૌ સભાના આકારે મંડપમાં એકત્રિત થયાં. મહારાજશ્રીના ટુંક પ્રવચન બાદ મુંબઈવાસી શ્રીમાન શીવદાસભાઈ કાનજીભાઈ તરફથી સંગઠનનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. (દેશ, પરદેશ વસતી પાટીદાર જ્ઞાતિનું જનરલ સમાજ બંધારણ એક હોવું જોઈએ અને તેવું બંધારણ ઘડવા માટે કચ્છ દેશમાં એક અધિવેશન ભરાય જેમાં દરેક જગ્યાના સમાજના પ્રતિનિધીઓ આવે.) આ સદરી ઠરાવને શ્રીમાન દેવશીભાઈ રામજીભાઈ ગુજરાત પાટીદાર સમાજની વતીથી ટેકો આપ્યો અને તેવા અધિવેશનમાં ગુજરાતથી સમાજના પ્રતિનિધીઓ અવશ્ય હાજરી આપવાનો ઉત્સાહ જાહેર કર્યો. (તે દરમ્યાનમાં સભાનો ગ્રુપ ફોટો લેવાયો) ત્યારબાદ શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈએ અધિવેશન કાર્યને આવકાર્યું અને લાગણી વશ જણાવ્યું કે “જ્ઞાતિના સંતાન તરીકે આપણા દરેકમાં રોમે રોમે જ્ઞાતિ હિતની ભાવના હોવી જોઈએ. સંગઠિત થવામાં સૌએ પોતપોતાના વ્યક્તિગત મતભેદો તેમજ અંગત સ્વાર્થોને ભૂલી જઈ તન, મન અને ધનથી જ્ઞાતિ સેવાનું દૃષ્ટિ બિંદુ આગળ રાખવું જોઈએ. ત્યાર પછી કચ્છથી આવેલા શ્રી નથુભાઈ નાનજીભાઈએ સમાજ ઘડતર ખાતર આવાં અધિવેશનોની ખાસ જરૂરત હોવાનો ઉલ્લેખ કર્યો અને કચ્છમાં જનરલ અધિવેશન યોજી સંગઠન કાર્યને મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી. ત્યારબાદ શ્રી શીવદાસભાઈ તેમજ મુંબઈથી આવેલા શ્રી માવજીભાઈએ કેળવણી માટેના પોતપોતાના વિચારો રજૂ કર્યા. ધનસુરાવાસી શ્રી અંબાલાલ ગોર અને શ્રી પ્રાણશંકરભાઈ હેડમાસ્તર સાહેબ મોડાસા— એ ધર્મ અને કેળવણી વિષે પોતાના અનુભવોનો ખ્યાલ આપ્યો. આશરે દશેકના સુમારે સભાકાર્ય પુરૂં થયું અને મહારાજશ્રીના આશીર્વચનો સાથે સૌ ભોજન કાર્ય માટે ઉઠ્યા. પૂજ્ય મહારાજશ્રી તેમજ કાર્યવાહક કમિટીનો ફોટો લેવાયો. આશરે ત્રણેક વાગ્યાના સુમારે મહારાજશ્રી, વડિલશ્રી ચુનીભાઈ અને અન્ય મહેમાનોએ વિદાય લીધી.
સાંજે પાંચ વાગ્યે કાર્યવાહક કમિટી અને સ્વયંસેવક દળની મીટીંગ કરવામાં આવી. જેમાં શ્રી દેવશીભાઈએ નવયુવાનોને ઉદ્દેશીને કર્તવ્ય પાઠને લગતું વડિલો અને યુવાનો વચ્ચેની શિસ્ત અને કર્તવ્યને ઘટતું વર્તન કેળવવાની ખાસ આવશ્યકતા વર્ણવી. સમાજના નવયુવકોએ યુવક મંડળ રચી સમાજમાં રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરી. ધીરે ધીરે વડિલોના આશીર્વાદ રૂપે સમાજની કાર્યવાહક કમિટીના સભ્યસ્થાનો માટેની યોગ્યતા કેળવવાની યુવાનોને હાકલ કરી. યુવાનોના પ્રથમ કર્તવ્ય તરીકે પોતાના ઘરમાં, ગામમાં સફાઈ, સાદગી, શિક્ષણ અને સંરક્ષણ વગેરેની સભ્યતા ખાતરના તમામ ઉપયોગી રચનાત્મક પ્રણાલીઓ હાથ ધરે. અંતમાં તેમણે અધિવેશન કાર્યમાં યુવાનોના સેવાકાર્યને સંબોધીને સર્વને વારંવાર ધન્યવાદ સાથે વિદાય આપી.
રાત્રે સમાજની કાર્યવાહક કમિટીની મીટીંગ કરવામાં આવી જેમાં અધિવેશન ખર્ચનો હિસાબ તેમજ આસપાસથી આવેલી વસ્તુઓનું સુપ્રત કાર્ય કરવામાં આવ્યું. બીજે દિવસે સવારમાં ભંડાર ખાતે વસ્તુઓનું પડતર ભાવે વેચાણ કરી સઘળું સમાપ્ત કરવામાં આવ્યું. અને હીરાપુરવાસી ભાઈઓથી સૌએ વિદાય લીધી.