Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૨૧. કાદિયા આઠમણા લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા - દી. 27-May-1946

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ

 

કાદીયા આથમણા ગઢવાળા તા. ર૭—પ—૪૬ (27-May-1946)

મિતી વૈશાખ વદ ૧૧ સોમવાર —ર૦૦ર

સભાનો સમય : રાત્રે ૮—૧પ થી ૧—૪પ વાગે

 

જાહેર સભાનો રિપોર્ટ

પ્રમુખની દરખાસ્ત મુકનાર : મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

ટેકો આપનાર : માવજીભાઈ ધનજી નખત્રાણાવાળા

પ્રમુખ : હંસરાજભાઈ માના કાદીયાવાળા

સનાતન ધર્મકી જય

 

મહારાજ શ્રી દયાલદાસજી વાંઢાય

મંગલાચરણ….

          આજની સભા શા હેતુથી ભરવામાં આવેલ છે તે જણાવેલ હતું. આપણો હિન્દુ સમાજ છીન્નભીન્ન થઈ ગયેલ છે. એટલે આપણને એકતા સાધવી જોઈએ એમ જણાવેલ હતું. આપણે એકબીજા પ્રત્યે પ્રેમ રાખશું ત્યારે જ એક થાશું એમ જાહેર કરી પ્રેમ કેવો હોવો જોઈએ તે વિષે ભજન ગાઈ તેનો ભાવાર્થ સંભળાવેલ હતો. શ્રી રતનશીભાઈ વીરાણીવાળા અને લધારામભાઈ ખોંભડીવાળાએ જે જ્ઞાતિ હીતનું કાર્ય શીર પર લીધેલ છે તે ઘણી જ આનંદની વાત છે. ત્યારબાદ બહારગામથી પધારેલ અગ્રેસરોની ઓળખાણ સભાને ટુંકમાં કરાવી હતી. ત્યારબાદ પ્રભુની પ્રાર્થના કરી તેનો ભાવાર્થ કહી સંભળાવેલ હતો અને બોલનાર ભાઈઓના બોલવામાંથી સાર ગ્રહણ કરવાની સુચના કરી બેસી ગયા હતા.

માવજીભાઈ ધનજી નખત્રાણાવાળા

          આપણી જ્ઞાતિમાં ઘુસી ગયેલા કુરિવાજો ને તિલાંજલી આપી આપણે કોણ છીએ તે આપણે જાણવું જોઈએ. જે આપણી અજ્ઞાનતા દૂર થશે તો જ આપણે હિન્દુ સમાજની હરોળમાં ઉભા રહી શકીશું અને તે માટે આપણી ભાવિ પ્રજાને કેળવણીની ખાસ જરૂર છે જે માટે ગામો ગામ નિશાળો સ્થાપવાની સુચના કરેલ હતી અને નાનાં ગામોમાં જ્યાં નિશાળ ચલાવવાનું ખર્ચ પુરું ન પડે તેવાં ગામોવાળા ભાઈઓ મુંબઈ સમાજને ખબર આપશે તો તેઓને નિશાળ ચલાવવા માટે નાણાંની મદદ પણ મળતી રહેશે એમ જણાવેલ હતું. આપણા જ્ઞાતિ પંચના ધર્માદા નાણાંની શું વ્યવસ્થા થાય છે તે આપણે અજ્ઞાનતાને લીધે જાણી શકતા નથી. જો આજ સુધીનો આપણો ધર્મદા પૈસો જ્ઞાતિ હિતના કાર્યમાં વપરાયો હોત તો આજે આપણે કેટલા ઉંચા આવી ગયા હોત પરંતુ તે આપણાથી થઈ શકેલ નથી. પરંતુ ખૈર હવે જાગ્યા ત્યાંથી સવાર ગણી આપણે સનાતન ઝંડાનો આશરો લઈ એક બીજા પ્રત્યે પ્રેમ અને સંગઠન સાધીશું તો ટૂંક સમયમાં આપણા સંસ્કારો જરૂર બદલી જશે અને તેમ કરવા મારા બંધુઓ તેમજ માતાઓને વિનંતી કરૂં છું અને આશા રાખું છું કે સર્વે એકતા સાધશે. હવે હું બેસી જવાની રજા માગું છું.

શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણી

          હવે આપણી જ્ઞાતિને ઈશ્વરી સંકેત હોય એમ આપણામાં આવેલ જાગૃતિ પરથી સ્પષ્ટ જણાય છે. અહીંના ગામ ધણી તરફથી અત્રે એક વખત સભા કરવાનું મને વચન મળેલ હતું અને તે પ્રમાણે આજે તેઓ શ્રીએ જબાન પાળી છે તે બદલ તેઓશ્રીને ધન્યવાદ આપું છું. આપણા બોલવાથી હજુ પણ મારા કેટલાંક અજ્ઞાન બંધુઓની લાગણી દુભાય છે અને કહે છે કે તમો અમારા ધર્મની નિંદા કરો છો. પરંતુ જ્ઞાતિએ ગંગા એટલે માતા. એવો કયો સંતાન અભાગીઓ હોય કે પોતાની માતાનાં કપડાં ઉંચા કરે પરંતુ માતા જો રસ્તો ભુલીને કુમાર્ગે જતી હોય તો સત્ય વસ્તુ સમજાવી તેને વારવાની ફરજ સંતાનની છે અને તે મુજબ આપણે આપણી ફરજ અદા કરી રહેલ છીએ. પોતાનું જીવન વૃત્તાંત ટુંકમાં કહી સંભળાવેલ હતું. અને પોતાની જીંદગી જ્ઞાતિ સેવાર્થે અર્પણ કરવાનો દ્દઢ નિશ્ચય જણાવેલ હતો. આપણે મુસલમાની ધર્મને જુઠો ગણી શકીએ નહિં કારણકે તે સિદ્ધાતો સહીત છે અને તે ધર્મની જો નિંદા કરીએ તો મુસલમાન ભાઈઓ તે ખાતર પોતાના પ્રાણ પાથરશે. તેમજ હિન્દુ ને પણ કોઈ નિંદી શકે નહિં અને જો નિંદા કરે તો હિન્દુઓ તેને ખાતર મરી ફીટે. ધર્મને ખાતર મહાન વીરોએ કેટલા દુઃખો સહન કરેલ છે. તે આપણો ઈતિહાસ પણ સુચવી રહેલ છે. સત્યવાદી હરિશ્ચદ્ર, ભક્ત પ્રહલાદ, રાણા પ્રતાપ, શીવાજી મહારાજ વિગેરે નરવીરો ધર્મને ખાતર શું કરી ગયા છે તે આપણને ઇતિહાસો સુચવે છે. અમો ચેલેન્જ આપીને જણાવીએ છીએ કે પીરાણા ધર્મ હિન્દુ નથી. કચ્છમાં લગભગ ૮૦ ગામોમાં પીરાણા ધર્મ ચાલે છે છતાં પણ તે ધર્મનો બચાવ કરનાર એક પણ માણસ આજે શોધ્યો મળતો નથી. એ ધર્મને નામે લાખો રૂપિયા ખાઈ જનારા ધર્મગુરૂ સૈયદો અને કાકાઓ પણ આજે તેનો બચાવ કરવા માટે આવતાં નથી. કયાંથી આવે ? ખોટું હોય તેનો બચાવ કોણ કરે ? સૈયદો પણ પોકારી પોકારીને કહે છે કે પીરાણા ધર્મ હિન્દુઓનો નથી. છતાં પણ આપણે સમજતા નથી. કેટલી અજ્ઞાનતા. હિન્દુ દેવળો વિષે કેટલાક દાખલાઓ કહી બતાવેલ હતા. મનુષ્યજીવનનું સાર્થક આપણને જરૂર સાધવું જોઈએ. શ્રી રામચંદ્રજી, શ્રીકૃષ્ણ જેવા કે આપણે ભગવાન માનીએ છીએ. તેઓએ પણ માતાને પેટે અવતાર લીધો હતો. આપણે તેઓનાં શરીરને નથી પુજતા પરંતુ કર્તવ્યને પુજીએ છીએ. આપણે શરૂઆતમાં ગુજરાત રહેતા હતા અને પીરાણા પંથ સ્વીકાર્યો એટલે એવા રસાળ પ્રદેશનો પણ ત્યાગ કરવો પડયો. આપણા વડીલોએ કચ્છમાં આવી પ્રથમ સિકારા ગામ વસાવ્યું. આપણે ૧પ૯રની સાલમાં પીરાણા ધર્મ સ્વીકાર્યો ત્યારથી કરીને ૧૮૩ર—૩૩ સુધી એટલે લગભગ પોણા ત્રણસો વરસ પીરાણા ધર્મ પાળતા. પરંતુ આચરણો હિન્દુઓનાં હતા. મરનાર ને અગ્નિસંસ્કાર કરતા અને લગ્ન ચોરીથી કરતા પરંતુ ત્યાર પછી સૈયદોએ આપણા વડીલોને ભાટ બ્રાહ્મણોથી રહિત કર્યા અને તેઓ અને તેઓના સિદ્ધાંતો આપણને પળાવ્યા. ઈમામશાહ પોતે પણ જાણતા હતા કે મેં શુધ્ધ સનાતની હિન્દુઓને મારી જાળમાં ફસાવ્યા છે તે સાંગોપાંગ નભશે નહિં અને ભવિષ્યમાં તેઓ જરૂર જાગૃત થશે એટલે જ પોતે સાચા કહેવડાવવાની ખાતર ભાંખી ગયા કે ધર્મમાં ધીંગાણાં થશે અને અઢી મુમન રહેશે. તો હવે આપણે આપણું મૂળ સ્વરૂપ ઓળખી ગયા છીએ અને પીરાણા પંથ હવે ટકી શકશે નહિં. સાંભળેલું ગ્રહણ કરવાથી શું ફાયદા  થાય છે તે વિષે સુંદર દ્રષ્ટાંત આપેલ હતું. બ્રાહ્મણની ત્રણ શીખામણો ગ્રહણ કરવાથી એક નારીનો નર્કમય સંસાર સ્વર્ગમય બની ગયો અને પ્રભુનું દર્શન કરી શકાયાં તે વિષે.

          આપણી જ્ઞાતિમાં પીરાણા પંથ દેખાદેખીથી ચાલતો હતો અને હજુ પણ કેટલાક ભાઈઓ આપણાં ધર્માદા નાણાં હજારોની સંખ્યામાં કુરસ્તે બગાડી રહેલ છે તે પણ અજ્ઞાનતાને લીધે દેખાદેખીથી જ. દેખાદેખી વિષે સુંદર દ્રષ્ટાંત — મેઘરાજા કા જાપ જપું.

          પીરાણા પંથી ભાઈઓ જે પાવળ પીએ છે તેમાં નાખવામાં આવતી નુરની ગોળી કદાપી પીતા નહિં. એ ગોળી કઈ રીતે બને છે તે જો વર્ણવી બતાવું તો મુસલમાનો પણ તમારો છાંટો લેશે નહિં. એટલી ખરાબ અને ભ્રષ્ટ છે. તમોને બંદુકની ગોળી વાગે તો તે સહન કરી લેજો. પરંતુ આ ભ્રષ્ટ ગોળી મરતાં લગી પણ પીતા નહિં. જ્યાં સુધી આ ગોળીનું સેવન કરશો ત્યાં સુધી તમો સ્વજાતિ અને સ્વધર્મને કદાપી ઓળખી શકશો નહિં. કારણકે એ વસ્તુ તમારા હૃદયમાં અજ્ઞાનતા રૂપી અંધારૂં કરી નિષ્ઠુર બનાવનારી છે. માટે ગોળી તજો. કાદીયાના મુખી વીરજી તથા તેમના પુત્ર તરફથી ખાનાંના મેડાની બારીમાંથી ભાષણો બંધ કરો એવો અવાજ આવેલ હતો. જેનો જવાબ વક્તાઓ તરફથી નકારમાં અપાયેલ હતો અને જણાવવામાં આવેલ હતું કે જો તમારો પંથ સાચો કહેવડાવવા માંગતા હો તો અત્રે પધારી અમારી સાથે વાદવિવાદ કરો. જેનો જવાબ તેઓ તરફથી એમ મળેલ હતો કે અમારો પંથ ખોટો છે છતાં પણ અમો માનશું. અમે વાદવિવાદ કરવા માંગતા નથી. પરંતુ અમારો પંથ ધોકાઈ છે અને ધોકાના બળે મનાવશું. અમો તમારા ધોકા સહન કરી લેશું પણ એવા નિષ્ઠુર પંથને કદાપી સ્વીકારશું નહિં એમ યુવકો તથા બહેનોએ દ્દઢતાથી એકી અવાજે જવાબ આપેલ હતો. તાળીઓના ગડગડાટ સાથે વક્તાએ ભાષણ શરૂ કર્યુ. સજ્જનો જે વ્યક્તિ અભિમાન કરે છે તેને પ્રભુના દરબારમાં પણ સ્થાન નથી. ગરૂડજીના અભિમાન વિષે ——— નાત બહાર હોવાથી પ્રભુએ તેનો અસ્વીકાર કરવા બાબત સુંદર દ્રષ્ટાંત. બંધુઓ આપણે ગંગા સ્વરૂપ જ્ઞાતિની સેવા સ્વીકારી છે. તેને કદાપી છોડશું નહિં. સત્ય વસ્તુ જણાવતાં જરા પણ અચકાશું નહિં. સત્યને રસ્તે ચાલતાં અને જ્ઞાતિ સેવામાં કદાચ આત્મ બલિદાન આપવાં પડશે તો તેમ કરવામાં અચકાઈ જનેતાની કુખને લજાવશું નહિં. તાળીઓનો ગડગડાટ — જય નાદ.

          આપણી જ્ઞાતિ ધાર્મિક રીતરિવાજોમાં કેટલી પછાત છે તે સમજાવેલ હતું. પુત્રીને દાન આપવા બાબત, દેવીની બરકત બાબત, બ્રાહ્મણ કુટુંબનું દ્રષ્ટાંત આપેલ હતું.

          આપણી જ્ઞાતિમાં ઘણાં ખીસ્સાભરૂના ભોગ બની પુત્રીના પૈસા છે. પુત્રીના પૈસા વિષે બ્રાહ્મણ અને ભેરવ વિષે દ્રષ્ટાંત. વાંઝીયા મહેણું ટાળવા બદલ સવા પાંચ શેર ગૌમાંસના કરાર બાબત, સુંદર દ્રષ્ટાંત આપી પોતાનું સ્થાન લીધેલ હતું.

જેઠાભાઈ હરીભાઈ મથલવાળા

          સનાતન ધર્મ ઝંડો અમર રહો એવી શુભ લાગણી જાહેર કરી હતી અને પીરાણા પંથી ભાઈઓ જે કહે છે કે ભાષણમાં અમારા પીરાણાનું નામ લેતા નહિં. તેઓને દ્દઢપણે જવાબ આપેલ હતો કે નામ લેવા વગર ખરાં ખોટાનું સ્પષ્ટીકરણ થઈ શકે નહિં અને જુઠુ હશે તે જણાવતાં અમો કદાપી અચકાશું નહિં. આપણા વડીલોને સૈયદોએ એવી આજ્ઞા કરેલ છે કે સત્સંગ સેવવો નહિં. તેનું કારણ કે આપણને જ્ઞાન ઉત્પન્ન ન થાય. સત્સંગ અને સંગઠન વિષે દ્રષ્ટાંત આપી બેસી ગયા હતા.

મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

          આપણી જ્ઞાતિના સુધારક બંધુઓ ચાળીસ વરસથી જ્ઞાતિ હીતનાં કાર્યમાં જહેમત ઉઠાવી રહેલ છે. જ્યારે હવે પરીણામ તદ્‌ન નજીક દેખાય છે. સનાતન ઝંડાના રક્ષણાર્થે અમારા પ્રમુખ શ્રી રતનશીભાઈ તરફથી માથાં અર્પવાનું ફરમાન થશે તો તેમ કરવા અમો સનાતની યુવકો તૈયાર છીએ. તાળીઓ……

          અમારા વડીલોને અમો વિનંતી કરીએ છીએ કે અમારા બોલવાથી જેમ આપની લાગણી દુભાય છે તેમજ આપનો એ ધર્મ પાળવામાં અમારી પણ લાગણી દુભાય છે માટે અમો ધર્મ પાળવા સબંધી આપની પાસે આઝાદીની નમ્ર માંગણી કરીએ છીએ તો અત્યારે જ આ જાહેર સભામાં જવાબ આપવા કૃપા કરો. જવાબ મળેલ નથી.

          મારા યુવક બંધુઓ આપણી આજની સભા ઈતિહાસના પાને લખાવાને સનાતન ધર્મનો ઝંડો વેગવાન બનાવો. ગુરુ ગોવિંદસિંહનાં બે બાળકો વિષે ઈતિહાસિક દાખલો—— ધર્મ નહિં છોડવા બાબત. તો મારા બિરાદરો ગમે તેટલાં સંકટ પડે તો પણ પાછી પાની કરશો નહિં.  તાળીઓ….. જયનાદ.

શીવગણભાઈ કાનજી રસલીયાવાળા

          મારા પીરાણા ધર્મપ્રેમી વડીલોને વિનંતી કરૂં છું કે તમારા પરદેશ રહેતા બાળકોને પીરાણા ધર્મ પાળવા બદલ પગલે પગલે શરમાવું પડે છે અને પોતાની જાત છુપાવવી પડે છે. માટે તેઓને ધર્મ પાળવા સબંધમાં આઝાદી આપો. અમો પીરાણા ધર્મમાં જેટલું પાખંડ હશે તે તો દરેક સ્થળે જણાવશું કારણકે જણાવવા વગર ખરાં ખોટાની ખબર નથી પડતી. કોઈ પણ હિન્દુ ધર્મમાં એવો કાયદો નથી કે ધર્માદા રકમ ફરજીયાત આપવી પડે. જ્યારે આ પાખંડી પંથમાં તો ઘરબાર લીલામ કરીને પણ દસોંદ વીસોંદ તો આપવી જ પડે. તો મારા વડીલોને વિનંતી કરૂં છું કે તમારો એ ધોકાઈ પંથ ઘણાં દહાડા ચાલ્યો હવે ચાલશે નહિં. માટે તમારૂં સ્વમાન તમારા હાથમાં રાખી અમોને આઝાદી આપો. આટલું બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

ખીમજીભાઈ નાગજી મથલવાળા

          આપણે કુર્મઋષિના વંશજો છીએ એમ જણાવેલ હતું. તથા ઈમામશાહ પોતાને ભગવાનનો દશમો અવતાર મનાવી ગયેલ છે તે તદ્‌ન જુઠ્ઠું છે. કારણ કે આપણાં હિન્દુ શાસ્ત્રો કહે છે કે ભગવાનનો દશમો અવતાર કલીયુગમાં થશે તો હજુ કલીયુગને વાર છે. માટે આપણે પાખંડી પંથ જરૂર છોડવો જોઈએ.  અસ્તુ…….

માવજીભાઈ હીરજી વીરાણીવાળા

          આપણે આપણા આચાર વિચાર સુધારવા બાબત તાજેતરમાં આપણાં લગ્ન હતાં અને તે વખતે બે ઠેકાણે કન્યાઓ બદલી જવાનો અનુભવ સિધ્ધ દાખલો ચર્ચી બતાવેલ હતો. મુખ બાંધીને પરણાવનાર મુખીઓની અજ્ઞાનતાને લીધે કન્યા તથા વર બદલી જવાના દાખલાઓ ઘણે ઠેકાણે સાંભળવામાં આવે છે અને તે અંધારૂં છેક લગ્ન વંચાય ત્યારે નામ આવે એટલે ખબર પડે છે. આવી રીતે જ્યાં લગ્નો થતાં હોય ત્યાં સંસાર નૌકા સુખરૂપ ક્યાંથી ચાલી શકે ? યુવકો આપણા વડીલોની અજ્ઞાનતા દૂર કરવાના પ્રયાસો આપણને કરવા અને તેઓને સમજાવવા. છતાં પણ જો ન સમજે અને આપણા સનાતન ધર્મને આંચ આવતી હોય તો તેવા વડીલોનો ત્યાગ કરવામાં પણ આપણને બિલકુલ હરકત નથી. વહાલી વસ્તુ છોડજો પણ ધર્મ છોડતા નહિં. અસ્તુ.  હવે હું બેસી જવાની રજા માંગુ છું.

પ્રેમજીભાઈ ખીમજી વીરાણીવાળા

          સુધારક ભાઈઓએ આથી અગાઉ જે મહેનત કરી છે તે હમણાં ત્રણ વરસથી પૂર્ણપળે સફળ થઈ છે અને હવે તો શુભ પરિણામ તદ્‌ન નજીક દેખાય છે. એમ આપણામાં આવેલ જાગૃતિ આપણને સુચવી રહેલ છે. આજે કચ્છમાં ઘણાં ગામોમાં સનાતન ધર્મનાં શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરો જોવામાં આવે છે તે સુધારક ભાઈઓને જ આભારી છે. મારા યુવાન બંધુઓને વિનંતી કરૂં છું કે આપણે આપણો ધર્મ કોઈને ફરજીયાત પળાવવો નહિં અને આપણે પણ કોઈ ધર્મ પાળવો નહિં. બલ્કે ધર્મ બાબત આઝાદ રહેવું. આપણા અજ્ઞાન વડીલો કહે છે કે અમારી જ્ઞાતિમાં ધર્મ બાબત કજીયા ચાલે છે તે ધર્મ બાબત નથી પરંતુ આચરણ બાબત છે. ધર્મ તો બીજા કેટલાક હિન્દુ ભાઈઓ જુદા જુદા પાળે છે પરંતુ આચરણો બધાનાં એક જ હોય છે.

          ત્યારબાદ કેળવણી તથા આપણી ધર્માદા મુડી શુભ કાર્યોમાં ખર્ચવા બાબત કેટલીક વ્યાખ્યા કરી પોતાને સ્થાને બેસી ગયા હતા.

પચાણભાઈ શીવજી વીરાણી

          અમો જ્યારે ખોંભડી જતા હતા ત્યારે અહીંના યુવક બંધુઓની ભાવના જોઈ ત્યારથી અમોને મનમાં ઝંખના થતી હતી કે આ ગામમાં સભા ક્યારે થાય અને અમો લાભ લઈએ. જે શુભ દિવસ આજે પ્રાપ્ત થયો તે બદલ પ્રભુનો આભાર માનું છું. આપણને જે ચીજ વહાલી હોય તે આપણે વહેવારમાં મુકીએ છીએ જેમ કે શ્રીરામ, કૃષ્ણ, સીતાજી, અર્જુન વિગેરે હિન્દુ મહાન વીરોનાં નામો આપણે હિન્દુઓ આપણા બાળકોને આપીએ છીએ. જેવાંકે રામજી, કરશન, શીવજી, અરજણ તેવી જ રીતે જેને પીરાણાપંથ વહાલો હોય તે લોકો એ પંથના ધર્મગુરૂઓનાં નામ પોતાના બાળકોને શા માટે આપતા નથી તેમ કરતાં શરમ શામાટે આવે છે ? અને જો શરમ આવે તો એ ધર્મ સાચો છે એમ મનાવી જ કેમ શકાય ? અસ્તુ……. હવે હું બેસી જવાની રજા લઉં છું.

શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણીવાળા

          બંધુઓ, આપણે એક છીએ અને એક રહેવાના છીએ. અત્રે બોલનાર બધા વક્તાઓ આઝાદ છે સત્ય અસત્ય જણાવવામાં કોઈના દબાવ્યા દબાય તેમ નથી. અમો અમારા વિચારો જણાવવામાં કદાપી અચકાશું નહિં. યુવકો આપણને ક્યો ધર્મ પાળવો તે આપણી મનસુફી પર આધાર રાખે છે. તેમાં આપણને કોઈ પણ અટકાવી શકનાર નથી અને આ કાદીયાના મુખી તરફથી અત્યારે થોડા વખત પહેલાં જણાવવામાં આવેલ છે કે અમોએ અમારા ગામના યુવાનોને ત્રણ માસથી ધર્મ પાળવા સબંધમાં છૂટ આપી દીધેલ છે અને કોઈ વાતે અટકાવતા નથી. મેં મારી જીંદગી જ્ઞાતિ સેવામાં અર્પણ કરી છે. જો અમારી સેવા સત્ય હશે તો વડીલોના હૃદય આજ નહિં તો થોડા સમય બાદ પણ જરૂર પીગળશે અને અમારૂં બોલવું સત્ય લાગશે. આપણે જો મનુષ્ય અવતારમાં કંઈ પણ કર્તવ્ય ન કરી જઈએ તો આપણે નર્કના અધિકારી બનીએ છીએ. એક ઢોર આપણી જીંદગીભર સેવા કરી અને મરે છે. ત્યારે પણ પોતાનું ચામડું આપણને આપતો જાય છે અને કહે છે કે મારાં ચામડાંમાંથી જોડા કરાવી પહેરજો એટલે તમો સુખી થશો. ત્યારે એક ઢોર પણ આટલી સેવા કરે છે અને આપણે કંઈ ન કરી શકીએ તો ધિક્કાર છે આપણી જીંદગીને. આપણી જ્ઞાતિના નાણાં હરામનાં નથી. પરસેવાના ટીપે ટીપે પૈસો પેદા થયેલ છે. તો એ ધર્માદા પૈસાનો ખોટી રીતે ગેરઉપયોગ ન કરવાની હું મારા વડીલોનેય વિનંતી કરૂં છું. સંપ ત્યાંજ ધર્મ. જો આપણામાં સંપ હોય તો એવો કોઈ ધર્મ નથી. જ્યારે આપણે આજે ધર્મને નામે ખોટી લડાલડ કરી રહેલ છીએ કેટલી બધી અજ્ઞાનતા. ભક્ત તુલસીદાસનું દ્રષ્ટાંત, રામભક્ત હોવા બાબત….

          તેવી જ રીતે ધર્મ પાળવા સબંધમાં આપણા પર કોઈ ફરજ પાડી શકતો નથી અને શકશે પણ નહિં. હવે સભા સમાપ્ત કરવામાં આવે છે. સભામાં સંખ્યા આશરે ૧૫૦૦ માણસોની હતી.

સમાપ્ત

સમય રાત્રે ૧—૩૦ વાગે

પ્રમુખની સહી પા. હંસરાજ માનાની સહી

દા. વિસનજી વીરજીના

કાદીયા આથમણા    તા. ર૮—પ—૪૬

          આજે સવારમાં અત્રે સનાતની ભાઈઓ માટે સંગઠન પત્રકનો કરાર લખવા માટે સમાજના પ્રમુખ શ્રી રતનશીભાઈ વિગેરે ભાઈઓને રોકવામાં આવેલ હતા. લગભગ ૯ વાગે અહીંના મુખી વીરજી તથા બીજા કેટલાક આગેવાનો પ્રમુખશ્રીને ઉતારે આવેલ હતા. જ્યાં પીરાણા પંથ વિષે વાદ વિવાદ ચલાવવામાં આવેલ હતો અને સમાજના પ્રમુખશ્રીએ સિધ્ધાંતો સહિત પુરવાર કરી આપેલ હતું કે પીરાણા પંથ હિન્દુઓને માટે તદ્‌ન અણછાજતો છે અને તેઓએ કબુલ પણ કરેલ હતું અને જણાવ્યું હતું કે અમો પણ સમજી ગયા છીએ કે આ પંથ ખોટો છે અને આજ નહિં તો બાર માસ અગર બે વરસ પછી પણ આપણને એક થઈ જવા વગર છુટકો નથી. પણ અમારામાં ઘણાં લાંબા વખતથી સંસ્કારો પડી ગયા છે તે જલ્દીથી દૂર થશે નહિં એમ જણાવેલ હતું અને વીરજી મુખીએ અહીંના યુવકોને જણાવેલ હતું કે તેમાં આપણી વચ્ચે વધારે વિખવાદ કરશો નહિં. જેના જવાબમાં યુવકોએ જણાવેલ છે કે અમારો વિખવાદ કરવાનો સિદ્ધાંત જ નથી, કર્યો નથી અને કરશું પણ નહિં. પરંતુ તમો જે વિખવાદનાં બીજ રોપો છો તે અટકશો એવી વિનંતી કરીએ છીએ. આવી રીતે ખૂબ ચર્ચા ચલાવી બપોરના બાર વાગે તેઓ પોતપોતાના ઘેર ગયા હતા અને ભોજન કાર્ય પતાવી ર—૩૦ વાગે પ્રમુખશ્રી તથા મહારાજ દયાળદાસજી વિગેરે પોતાને સ્થાને જવા રવાના થયા હતા. ગામના તમામ સનાતની બંધુઓ ઝાંપા સુધી મોકલવવા આવેલ હતા અને ગામ તરફથી એક ગાડું મા. દયાળદાસજી વિગેરેને કોટડા સુધી મુકવા આવેલ હતું અને બીજું નખત્રાણા સુધી આવેલ હતું.

અસ્તુ…….

<<

>>

Leave a Reply

Share this:

Like this: