Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૨૦. ઉખેડા લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણપ્રતિષ્ઠા - દી. 21-May-1946

ઉખેડા

ભગવાન લક્ષ્મીનારાયણ પાન મૂર્તિ પ્રતિષ્ઠા વખતે થયેલ કાર્યક્રમની નોંધ

ઉખરડા તા. ૨૧—પ—૪૬ (21-May-1946)

સમય : ૮ થી ૧૨ રાતના

 

જાહેર મીટીંગ

પ્રમુખની દરખાસ્ત મુકનાર : શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

ટેકો આપનાર : શ્રી માવજીભાઈ ધનજી નખત્રાણાવાળા

પ્રમુખ : શ્રી માવજીભાઈ નાનજી ઉખેડાવાળા

 

માવજીભાઈ ધનજી નખત્રાણા

          આપણે બધા અહીં ભેગા થવાનું કારણ બતાવ્યું હતુ અને વોલીન્ટીઅરોની શું ફરજ છે તે સમજાવેલ હતું. ત્યારબાદ નીચે મુજબ વોલીન્ટીઅરોની કાર્ય વહેંચણી કહી બતાવેલ હતી. ૧—રસોડા ખાતે ઉખેડાના જણ ૧૮, ર—મંદિરની ચોકી કરનાર વીરાણી તથા નખત્રાણાના વોલીન્ટીઅર ભાઈઓ ૩—આવનાર ભાઈઓની સ્વાગતા કરનાર —ખોંભડી તથા કોટડાના ભાઈઓ, તેમની મદદમાં કાદીયાની ટુકડી કામ કરે. આ પ્રમાણે કાર્યની વહેંચણી કરીને કહ્યું હતુ કે કોઈપણ ભાઈઓને મુંઝવણ ઉભી થાય નહિં. આપણા યુવકોની ફરજ સેવા કરવાની છે. શાંતિથી સમજાવી ખોટી તકરારો થવા દેવી નહિં. પોતાના કાર્ય દરમ્યાન કદાચ દુઃખ પડે તો પણ સહન કરી લેવું. વિશેષમાં સનાતન ધર્મ વિષે તથા કેળવણી વિષે સારી ચર્ચા કરી હતી અને આપણે નાનાં મોટાં દરેક ગામોમાં સ્કુલો ખોલી આપણી ભાવિ પ્રજાને સરસ શિક્ષણ આપવા સમજાવેલ હતું. જો કોઈ ગામના ભાઈઓને પોતાના ગામની સ્કુલ માટે થોડી ઘણી મદદ જોઈતી હશે તો પણ અમારો મુંબઈ સમાજ કરશે એમ જણાવેલ હતું. વિશેષમાં આપણી અજ્ઞાનતા વિષે કાદીયાના વેપારીનો અનુભવ સિધ્ધ દાખલો આપેલ હતો.

રણમલ માવજી ઉખેડા

          વોલીન્ટીઅર ભાઈઓ જે સેવા આપી રહેલ હતા તે બદલ આભાર માનેલ હતો. તથા શાંતિ જાળવવા વિષે સુંદર વિવેચન કરેલ હતું. ક્ષમા વિષે બાળક અને મહારાજાનો દાખલો આપેલ હતો. જેમ દેહનું ભૂષણ વસ્ત્રો છે તેમ વિરનું ભૂષણ ક્ષમા છે. ક્ષમા એ જ આપણું કર્તવ્ય માનવું.

રતનશી નારાણ ખોંભડીવાળા

          આજની સભા જોઈ આનંદ વ્યક્ત કરેલ હતો. અત્યારે આપણી જ્ઞાતિમાં ગામેગામ અને ઘરેઘર જાગૃતિ આવી ગયેલ છે. તેનું કારણ ઈશ્વરની જ પ્રેરણા છે. દરેક ઠેકાણે આપણું કાર્ય નિર્વિઘ્ને ઈશ્વરની સહાયતાથી જ થાય છે. વિશેષમાં આવનાર ભાઈઓને જણાવેલ હતું કે આપણે અહીં આનંદ કરવા આવેલ નથી પરંતુ સેવા કરવા આવેલ છીએ. તો સર્વે યથાશક્તિ સેવા કરશું એમ જણાવેલ હતું.આપણી જ્ઞાતિમાં હજુ ઘણાં ભાઈઓ અજ્ઞાનતામાં ઘોરે છે. ત્યાં સુધી આપણે જંપીને બેસવાનું નથી. આપણી ફરજ શ્રી માવજીભાઈ સમજાવી ગયા છે તે પ્રમાણે વર્તન રાખવાનું સુચવેલ હતું. વિશેષમાં આપણો ઈતિહાસ શું કહે છે અને આપણે કોણ છીએ તે સમજાવેલ હતું. તથા આપણે આપણો ધર્મ કયારથી ભુલ્યા અને કયાં સુધી તે પણ સમજાવેલ હતું. વિશેષમાં પીરાણા પંથીઓના ગુરૂ ઈમામશાહ શું ભાખી ગયા છે તે સમજાવેલ હતું. આપણી જ્ઞાતિમાં અમુક પીરાણા પંથી આગેવાનો પીરાણા પંથી નહિં પણ મજુસપંથી એટલેકે પૈસાના ભૂખ્યા છે. પૈસા એ જ તેઓનું પીરાણુ અને ધર્મ છે અને ધર્માદા પૈસાનો ગેરઉપયોગ એ જ તેઓનાં ધર્મ કાર્યો છે. જે આજે આપણે નજરે નિહાળી રહેલ છીએ. આપણને ઘણાં લોકો ભાભા કહીને સંબોધે છે તેનું કારણ આપણી જ્ઞાતિમાં ભભારામ નામના એક મહાન પંડિત થઈ ગયા છે. જેમણે પોતાની વિદ્યા બદલ ૩૦૦ ચાંદ મેળવેલ હતા. વિગેરે બોલી પોતાને સ્થાને બેસી ગયા હતા.

મહારાજ શ્રી દયાળદાસજી

          આથી પહેલાં બોલી જનાર ભાઈઓને અનુમોદન આપતાં જણાવેલ હતું કે આપણને આગેકુચ કરવાની છે. આપણે કંઈ ધર્મમાં પલ્ટો કરતા નથી. ગઈ વસ્તુ હાથ કરીએ છીએ. ભૂલી ગયેલ ધર્મનો અંગીકાર કરીએ છીએ. આપણી રગેરગમાં હિન્દુત્વ ભરેલું છે. ધર્મ અને દેશને માટે ઘણાં લોકોએ પોતાના બલીદાન આપી દીધેલ છે. જેઓનાં અમર નામ હજુ પણ ઈતિહાસે વંચાય છે. જ્યારે આપણું કાર્ય તો નિર્વિધ્ને થતું જાય છે તો તે કાર્યમાં જોડાવાની આપણી બધાની ખાસ ફરજ છે. પ્રભુને આપણે પથ્થરના મંદિરમાં નહિં પરંતુ આપણા હૃદય મંદિરમાં પધરાવી હૃદયને મંદિર જેવું પવિત્ર રાખશું ત્યારે જ આપણે સનાતની કહેવાશું. વિગેરે ધાર્મિક વિષયો ચર્ચી બેસી ગયા હતા.

શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણીવાળા

          આપણે અહીં સેવા કરવા આવેલ છીએ અને સેવા એજ આપણું કર્તવ્ય સમજશું તો જ કાર્ય થઈ શકશે. આ કાર્યમાં યુવકોની ખાસ જરૂર છે. માટે યુવક ભાઈઓ સુંદર ફાળો આપશે એમ ઈચ્છું છું. સ્વયંસેવકોને ખાસ સૂચના કરૂં છું કે આપણી ફરજ પટ્ટા પહેરીને બેસી રહેવાની નથી પણ નાનામાં નાના અને રંકમાં રંક માણસ હોય તેની પણ સેવા કરવી. અત્રે પધારેલ ભાઈઓને આપણાં માતા અને પિતા ગણવાનાં. આપણી જ્ઞાતિમાં આટલી બધી જાગૃતિ આવેલ છે તે તમારા જેવાઓની સેવાથી જ. તમારી જ્ઞાતિના નાનામાં નાના બાળકની પણ તમે સેવા કરજો. સેવા શબ્દ બહુ જ ગહન છે. બોલી જવું સહેલું છે પણ તે કરવાનું ભાગ્ય કોઈકને જ પ્રાપ્ત થાય છે. તમારી ટુકડીઓ જુદે જુદે ગામથી આવેલી છે પરંતુ તમારામાં જીવ એક છે અને સર્વે એક છીએ એમ સમજીને કામ કરજો. આપણું આ કાર્ય આટલી ઝડપથી આગળ વધવાનું કારણ આપણી અડગ સેવા જ છે. ખોંભડીમાં શરૂઆતમાં સનાતની ભાઈઓના ૭ ઘર હતાં જ્યારે આજે પ૦ થી પર ઘર બીજાં જોડાવા માંગે છે તેનું કારણ આપણી નિખાલસ સેવા છે. આપણે આપણાં જુના જાતના અજ્ઞાન ભાઈબહેનોને આપણી સેવાથી જરૂર વશ કરી શકીશું. બળજબરીથી કોઈ માને નહિં પણ પ્રેમથી બધાં જ માને છે. આપણે પણ એજ પંથમાં હતા પરંતુ પ્રભુએ જેમ આપણને પ્રેરણા કરી છે તેમ બધાંને પ્રેરણા કરશે. ચાર દિવસ મોડા કે વહેલાં પણ એ પાપી પંથનો ત્યાગ તો કરશે જ. આંબાળાનો અનુભવેલો દાખલો કહી બતાવેલ હતો અને બધાજ ભાઈઓને જણાવેલ હતું કે તમારા પૈસાની કંઈક કિંમત આંકો. તમારી ધર્માદા રકમ તમારા જ ભાઈઓને પાછા પાડવામાં ખર્ચી નાખો નહિં. સૈયદોએ આપણને કેવી રીતે પોતાની જાળમાં ફસાવ્યા હતા તે કહી બતાવ્યું હતું. તથા ધર્મના કામમાં બધાએ એક થઈ રહેવા સમજાવેલ હતું. આપણાંમાં સંગઠન હશે તો આપણાં દરેક કાર્યો સફળ થશે. પિતા પુત્ર વચ્ચે પ્રેમ કેવો હોવો જોઈએ તે વિષે રામ અને દશરથનું દ્રષ્ટાંત આપેલ હતું. જ્યારે આપણાંમાં આજે માવિત્રો અને સંતાનો વચ્ચે કેવો પ્રેમ છે તે કહી બતાવેલ હતું. આપણને ભાષણો કરવામાં કોઈપણ આડા આવી શકે તેમ નથી છતાં પણ તે માટે આપણી ધર્માદા રકમમાંથી હજારો કોરીઓનો ધુમાડો થાય છે તે જોઈને અફસોસ થાય છે. કચ્છમાં ગેઢેરાની પૈસા લૂંટનાર અમુક જ કમિટી છે અને તે આપણી માયાળુ જ્ઞાતિને લુંટી ખાય છે. છતાં પણ તેઓ પાસેથી જવાબ લેવા જેટલી શક્તિ પૈસા આપનારમાંથી કોઈની નથી તેથી અફસોસ થાય છે. મારાં ભાઈ બહેનોને ખાસ વિનંતી છે કે આપણી ખાસ સભા તો આવતીકાલે રાતના છે તો આપ સર્વે જરૂર પધારશો એવી આશા રાખું છું. મારી બહેનોને ખાસ વિનંતી કરૂં છું કે તમો તમારો ધર્મ કદાપી મુકશો નહિં. ધર્મનું કાર્ય પુરૂષો કરતાં સ્ત્રીઓ વધારે સરળતાથી સાધી શકે છે. આજે સમાજનું કાર્ય પુરજોસથી ચાલી રહેલ છે. તે કદાપી પાછું પડવાનું નથી અને પડશે પણ નહિં. પ્રભુને મંદિરમાં પધરાવો ત્યારે પ્રતિજ્ઞાઓ લેજો કે પુરૂષો કદાચ ધર્મ મુકશે તો તેઓને પણ મુકવા દેશું નહિં. સ્ત્રીઓનાં મહત્વ વિષે આપણને કોઈ કટુ વચન બોલે તો માઠું લગાડવું નહિં. વોલીન્ટીઅરોને બે દિવસ સુધી પોતાના કેપ્ટનને પોતાનો માલીક સમજીને તેમની આજ્ઞા પાળવાન  સમજાવેલ હતું અને ગામમાં દરેક ભાઈ બહેનો એક મતે કાર્ય કરશું એમ જણાવેલ હતું. અસ્તુ

શ્રી પ્રેમજી માવજી ઉખેડાવાળા

          આજે બધા ભાઈઓ જે સેવા કરી રહેલ છે તેઓનો આભાર માનેલ હતો. 

શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

          આપણે આપણી ફરજ બરાબર સમજી ગયેલ હશું. આજ કરતાં આવતીકાલે આપણા બંધુઓ ઘણાં વધારે પ્રમાણમાં આવશે તો આપણે આપણી ફરજ બજાવવામાં જરાપણ ઢીલ કરીશું નહિં. આપણે જે ગામમાં કામ કરતાં હોઈએ તે જ ગામનાં સમજીને સેવા કાર્ય કરવું. અમારા ગામ ખોંભડીમાં આજે વીસ વરસથી સનાતની ભાઈઓના સાત જ ઘર હતા. જ્યારે તમારી સેવાથી આવતે પરમ દિવસે લગભગ પ૯ ઘર થશે એવી આશા છે. આપણી સમસ્ત જ્ઞાતિ એકાદ બે વરસમાં જરૂર સુધારા પર આવી જશે. આપણે દરેક ભાઈઓ પર માયાળુ દ્રષ્ટિ રાખવી. હવે સમય ઘણો વ્યતીત થયો છે તથા આવનાર બંધુઓને થાક પણ લાગ્યો હશે એટલે આજની સભા સમાપ્ત કરીએ છીએ કે જેથી આવતી કાલની સભામાં વધારે સુંદરતાથી કાર્ય થઈ શકે. સભામાં આશરે ૭૦૦ માણસોની હાજરી હતી.

સમાપ્ત

સમય રાતના ૧ર વાગે

પ્રમુખની સહી પા.માવજી નાનજીની

 

તા. રર—પ—૪૬ (22-May-1946)

          આજે સવારથી સાંજ સુધી મંદિરના નાકાં અગ્ની કુંડ વગેરે બાંધવામાં આવેલ મૂર્તિની જલયાત્રા કરાવવા વાજતે ગાજતે બધા જ ભાઈઓ ગયેલ હતા. સાંજના ૪ વાગે આવનાર ભાઈઓનાં સામૈયા કરવામાં આવેલ હતા. આજે સવારમાં લગભગ ૧૦ વાગે અહીંના પીરાણા પંથીઓના ધર્મના ખાનામાં થયેલ   

          માંસાહારનો રોમાંચક કિસ્સો હાથમાં આવેલ હતો. બહાર બોર્ડ લખેલ છે કે હિન્દુ સિવાય કોઈને અંદર દાખલ થવું નહિં. જ્યારે અંદર મુસ્લીમ અમલદારો માંસનો આહાર કરે. આવા અર્ધદગ્ધ પંથને લ્યાનત આપવા

જેવું છે. સાંજે ૮ વાગે ભોજન કાર્યથી નિવૃત થઈ સભા કાર્ય શરૂ કરવામાં આવેલ હતું.

 

જાહેર સભા

ઉખેડા તા. રર—પ—૪૬

સમય : રાતના ૮—૩૦ થી ૧—૩૦

પ્રમુખની દરખાસ્ત કરનાર : શ્રી મુળજીભાઈ શીવજીભાઈ ખોંભડી

ટેકો આપનાર : શ્રી માવજીભાઈ ધનજીભાઈ નખત્રાણા

પ્રમુખ : શ્રીયુત વાલજીભાઈ લખુભાઈ ઉખેડાવાળા

 

મુળજીભાઈ શીવજીભાઈ ખોંભડીવાળા પ્રમુખ વતી

          આપ સર્વે ભાઈઓએ આજની સભાના પ્રમુખ તરીકે મારી ચુંટણી કરી છે. હું પ્રમુખસ્થાન માટે યોગ્ય નથી છતાં પણ આપ ભાઈઓએ ફરજ પાડી છે તો હું મારૂં સ્થાન સંભાળું છું. ને બોલનાર ભાઈઓ જે બોલે તે સાંભળનારાઓ ગ્રહણ કરશે એવી વિનંતી કરૂં છું.

શ્રી મહારાજ દયાલદાસજી — વાંઢાય

          મંગલાચરણ  જય નાદ

          કાલની મીટીંગમાં શ્રીમાન રતનશીભાઈએ ધાર્મિક વિષયો સમજાવવાનું મારા ઉપર રાખેલ હતું તો હું કાંઈ એટલો બધો વિદ્વાન નથી. અત્રે શ્રીયુત બેચરલાલભાઈ જેવા પ્રખર વક્તાઓ છે. તે તમોને ધાર્મિક વિષયો સમજાવશે એવી આશા રાખું છું. હું મારી બુદ્ધિ અનુસાર જે બોલું તેમાં અધુરાશ કે ખામી જણાય તો તે માટે ક્ષમા માંગુ છુ. આપણે આપણી ઉન્નતિ, પ્રેમ અને સંગઠનથી કરી શકશું અને તેવો પ્રેમ અને સંગઠન અત્યારની સભાઓમાં જોઈને આનંદ થાય છે. આપણે આવતીકાલે પ્રભુને પધરાવતી વખતે તેઓની પાસેથી એ જ યાચવાનું છે કે અમોને પ્રેમ અને સંગઠન આપ. આજે સામૈયામાં થાક લાગવાથી મારૂં પ્રવચન ટુંકમાં જ પતાવીશ. આપણા વચ્ચે પ્રેમ અને સંગઠન વધે તેમ કરવું અને તેમ કરવાથી જ આપણે આપણું કાર્ય કરી શકશું. આટલું બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

          જય નાદ

માવજી ધનજી નખત્રાણા

          આપણી જ્ઞાતિના આટલાં ભાઈ બહેનો એકઠા થયેલાં જોઈ ખરેખર આનંદ થાય છે અને આ આનંદ ન અનુભવે એવો અભાગીઓ કોણ હોય ? અત્યારે નારાજ તો ખીસ્સાં ભરૂ થતા હશે કે જેમણે જ્ઞાતિના પૈસા ઉચાપત કરી જવા છે. આપણું આ કાર્ય સત્ય છે અને દ્દઢપણે થયે જશે. તે બાબત આપણે પીરાણા પંથીઓને ખુબ વિનંતી કરવા છતાં પણ સમજતાં નથી. ખૈર જ્યારે સમજે ત્યારે વાત. પ્રમુખશ્રી જેવાની વિનંતી પણ તેઓએ સ્વીકારેલ નથી. તેઓનાં હૃદય તો પથ્થર જેવાં છે. આપણી એ આશા હતી કે આપણા વડીલો આવા કઠણ હૃદયના નહિં હોય. આજે શ્રીમાન રતનશીભાઈ અહીંના શ્રીયુત રૈયાભાઈને ઘેર ગયા ત્યારે તેઓનાં માતૃશ્રી તરફથી જે પુષ્પ સમાન શબ્દો સંભળાવવામાં આવેલ છે તે બોલતાં પણ મને શરમ થાય છે. માવિત્ર રસ્તો ભુલે તો બાળકની સાચો રસ્તો બતાવવાની ફરજ નથી ? અલબત્ત છે જ. ઉખેડાના ખાનામાં થયેલ આપણી જ્ઞાતિની અધોગતિ કરનાર રોમાંચક કિસ્સો ચર્ચી બતાવવામાં આવેલ હતો. થયેલ રીપોર્ટની નકલ વાંચી સંભળાવેલ હતી.

          જો આપણાં જ આગેવાનો આવાં કૃત્યો કરાવે તે કેટલો બધો અધમ કહેવાય ? આના કરતાં તો હિન્દુ અગર મુસ્લીમ એક ધર્મ સ્વીકારવો સારો. ઉપરોક્ત બાબત પરથી આપ સર્વે ખ્યાલ કરી શકશો કે આપણી જ્ઞાતિ કેટલી બધી અધોગતિએ પહોંચી ગયેલ છે. અત્રે લગભગ ચાલીસ ગામના ભાઈઓ હાજર છે. જ્યારે આ ગામના જ ભાઈઓ ઘેર બેસી રહે તે સારૂં ન ગણાય. આપણે એ લોકોને પગે લાગીએ છીએ છતાં પણ એ ભાઈઓને હજુ સુધી ગળે વાત ઉતરતી નથી. આવા કૃત્યો કરવા બદલ સુચના નહિં કરે એવો અભાગીઓ કોણ હોય ? આપણો ધર્મ આપણે પોતાને જ ઓળખવો જોઈએ. જો આપણે આપણી ફરજ સમજશું તોજ પ્રભુને જોઈ શકીશું. આપણને સંયમ કેળવવો જોઈએ. પરંતુ આપણામાં કેળવણી બીલકુલ નથી તો પછી સંયમ કયાંથી જાળવી શકીએ? પોતાની કેળવણી વિષે વર્ણન તથા આ જમાનામાં આપણાં બાળકોને કેવી કેળવણીની જરૂર છે તે સમજાવેલ હતું.

          આપણામાં આવેલ આ જાગૃતિ હવે કદાપી છુપશે નહિં બલ્કે દિન પ્રતિદિન ઉન્નતી સાધતી રહેશે. આપણો સમાજ ઘણાં વખત ગોથાં ખાઈ ગયેલ છે પરંતુ હવે કદાપી છેતરાશે નહિં. વિશેષમાં જણાવેલ હતું કે આપણાં બાળકો માટે ગામેગામ કેળવણી ક્ષેત્રો ખોલો. જો ગામડાંમાં સ્કુલો ચલાવવા જેટલી શક્તિ નહિં હોય તો મુંબઈ, નાગપુર વિગેરે ઠેકાણે સમાજ છે તે તરફથી પણ ધનની મદદ થતી રહેશે. આપણે હવે શ્રી બેચરલાલ ખૂબ સમજાવશે એ એક ખુશીની વાત છે. આટલું બોલી મારૂં સ્થાન સંભાળી લઉં છું.

દેવશી કાનજી ભગત દેવપર

          આજનો ઉત્સવ જોઈ આનંદ થાય છે. આપણે આજે અલૌકિક વસ્તુ પાછી મેળવી રહેલ છીએ. ધર્મ ક્યાં છે ? સંપમાં સંપ નથી ત્યાં ધર્મ નથી. કહેવત છે કે પાંચ સંપે તો ગામ કંપે અને ગામ સંપે તો રાજ કંપે. જો પાંચ ભાઈઓમાં સંપ હોય તો આખું ગામ પણ તેને કંઈ કરી શકતું નથી અને ગામમાં સંપ હોય તો રાજ પણ કંઈ કરી શકે નહિં. તો આપણને અરસપરસ સંપ રાખવો અને તેવો સંપ મારા સમાજના ભાઈઓમાં જોઈ આનંદ અનુભવું છું. આપણા વડીલો નર પશુ અને ગુરૂ પશુ હતા. તેનો અર્થ એ કે નરપશુ કોણ કે બીજાની વાત સાર અસાર જોયા વગર સાચીમાની લે તે અને ગુરૂ પશુ એ કે જે માણસના ગુણ અવગુણ જોયા વગર ગુરૂ માની લે તે. આ બંને અવગુણો આપણા અજ્ઞાન વડીલોમાં હતા અને આજ લગી પણ કેટલાંક અજ્ઞાન ભાઈઓમાં જોવામાં આવે છે. દ્રષ્ટાંત — મહાત્મા અને વેશ્યાનું.

          તો આપણે પણ આપણો ધર્માદા પૈસો કેવે ઠેકાણે આપવો તેનો વિચાર કરવો જોઈએ. દ્રષ્ટાંત — પાગલ વિશે. તો આપણે પણ પાગલ જેવા માણસને ઉપદેશ દેવો નકામો છે કારણકે પાગલને ઉપદેશ દેવાથી આપણાં અમૃત સરખાં વચનો નકામાં જાય છે. માટે ઉપદેશ તો સારા માણસોને દેવો. દ્રષ્ટાંત — ચાર મુરખ વિશે

          તો આપણે પણ ધ્યાન રાખવું કે ઝાઝા કરે તેમ ન કરીએ પણ સાચા કરે તેમ કરીએ. જો ઘણાં માણસો ખોટું કાર્ય કરતાં હોય તો તેઓને સાથ ન આપવો. પણ થોડા હોય ને સાચું કરતા હોય તો તેઓની સાથે ભળવું. દ્રષ્ટાંત — અંધેર રાજનું ગીતાના અર્થ વિષે.

          તો આપણાં વડીલો પણ અંધશ્રધ્ધાને લીધે આવા અંધેર પંથમાં ફસાયા હતા. પરંતુ હવે આપણને ઉપદેશકો મળેલ છે અને તેઓને પ્રભુએ જ આપણો સાચો ધર્મ બતાવવા મોકલેલા છે તો આપણને હવે આપણો સાચો માર્ગ ગ્રહણ કરવામાં ઢીલ કરવી ન ઘટે. જો પ્રેમીને પ્રેમી મળેછે તો આનંદ અને ઉત્સવ થાય છે. ધર્મની વૃધ્ધિ થાય છે તેવી જ રીતે પ્રેમ વગરની વસ્તુ કાંટાવાળા ઘાસ સમાન છે. ભગવાનના ભોગ વિષે ભુલ કયારે સમજાય? વિગેરે બોલી પોતાના સ્થાને બેસી ગયેલ હતા.

જેઠાભાઈ હરીભાઈ મથલવાળા

          આજનું સંમેલન જોઈ આનંદ થાય છે. અમો ઘણો વખત થયે ગુજરાત રહીએ છીએ. ત્યાં આપણા જ્ઞાતિબંધુઓના શું હાલ છે તે અમો જાણીએ છીએ. પરંતુ હવે આપણા સમાજમાં આટલી બધી જાગૃતિ આવેલ છે એટલે અમો ગુજરાતવાસી આપણાં બંધુઓ પાસે પણ મગરૂર બની શકીશું અને તેઓની હરોળમાં ઉભા રહી શકીશું. ધન્ય છે જ્ઞાતિ સુધારક ભાઈઓને કે આપણને સાચો ધર્મ બતાવ્યો. હવે હું બેસી જવાની રજા લઉં છું.

શ્રી પરબતભાઈ લખુ મથલવાળા

          મારાથી અગાઉ ઘણાં ભાઈઓ બોલી ગયા છે. શ્રી માવજીભાઈ ઉખેડામાં બનેલ કીસ્સો આપ સર્વેને સમજાવી ગયા. આપણી જ્ઞાતિ તરફથી આવી બાબતો બનતી હોય જ્યારે આપણે તે સાંખી લઈએ તે ખરેખર શરમાવા જેવું છે. મજકુર ફોજદાર સાહેબને પણ આપણા સમાજને તોડવા માટે આપણા જ જ્ઞાતિબંધુઓ બોલાવી લાવેલ હતા. મારા એ અજ્ઞાન બંધુઓને બીજી વખત આવું કાર્ય કરવા પ્રેરણા ન કરે એવી પ્રભુ  પાસે પ્રાર્થના કરૂં છું અને એ બંધુઓ થયેલ ભુલ સુધારી લેશે એમ ઈચ્છું છું. સનાતન ધર્મનો પ્રચાર કરવા બાબત બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

શ્રી શીવગણભાઈ કાનજી — રસલીયા

          આપણા ધર્મને માટે આપણને ગમે તેટલાં સંકટો પડે તો પણ સહી લેવા બાબત. પીરાણા જેવા પ્રપંચી પંથનો સ્વીકાર કરવાથી આપણને ગુજરાત જેવો રસાળ મુલક છોડવો પડયો. સુધારક ભાઈઓની નમ્રતાથી આજે આપણામાં ખુબ જાગૃતિ આવેલ છે. બીજાઓને દોષ ન આપવા બાબત. આપણો ધર્મ સાચો છે તેને કદાપી આંચ આવશે નહિં. આપણને અરસપરસ તકરારો ન કરવા બાબત. નખત્રાણાવાસી ભાઈઓનું કાર્ય નજર સમક્ષ રાખીને કાર્ય કરવા બાબત તથા કેટલાંક ગીતાજીના શ્લોકો સમજાવી પોતાનું સ્થાન લીધેલ હતું.

શ્રી બેચરલાલભાઈ જોશી — વિથોણ

          આથી પહેલાં ઘણાં ભાઈઓ બોલી ગયેલ છે. જે બાબત હું બોલું તો મારી બુદ્ધિ અનુસાર આખી રાત પણ મને પુરી થાય નહિં. એટલે મારૂં બોલવું હું ટુંકમાં જ બોલીશ. શ્રીયુત મૂળજીભાઈએ જે મારી ઓળખાણ આપેલ છે તેમાં મારો થોડો વિરોધ છે. તેઓશ્રીએ બ્રાહ્મણની ફરજ બાબત જે મત દર્શાવ્યો છે તે જાતનો બ્રાહ્મણ હું નથી. મારો ઈતિહાસ પાલીવાળ તરીકેનો સાંભળવા ઈચ્છતા હશો તો પાછળથી કહીશ. સમાજમાં બેસવાનો અમારી પાલીવાળનો હક્ક છે પરંતુ બ્રાહ્મણ કાર્ય કરવાનો નથી. કચ્છમાં નાગર કહેવાય છે. તેમાં પણ બે રીતે ઓળખાય છે નાગર બ્રાહ્મણ અને નાગર ગ્રહસ્થ. નાગર બ્રાહ્મણના યજમાન નાગર ગ્રહસ્થ હોય છે. તેઓ બીજા પાસે કદી પણ હાથ માંડતા નથી. તમો જેવી રીતે અધોગતિનો માર્ગ છોડી ઉન્નતિને માર્ગે જાઓ છો તેમ મારા જ્ઞાતિબંધુઓ ઉન્નતિનો માર્ગ ત્યજી અધોગતિને રસ્તે જઈ રહેલ છે તે નજરે જોઈને અતીશય ખેદ થાય છે. આજની સભા શા માટે થયેલ છે તે તો આપ સર્વે ભાઈઓ સમજી શકતા હશો. સનાતન ધર્મ શું છે અને તેના વિષે કેવી યોજનાઓ કરવી. તેના વિચારોની આપલે કરવા માટે આજની સભા છે. આથી અગાઉ શ્રી માવજીભાઈ બોલી ગયા કે જુના જાતના લોકો તદ્‌ન પથ્થર જેવા હૃદયના છે તેમાં એમની ભૂલ છે. એ ભાઈઓ પથ્થર નથી કારણકે જો પથ્થર હોય તો તેમને કારીગરો જરૂર સંઘરે અને ઘાટ ઘડીને આપણા સમાજમાં લઈ લે તેમ માટી પણ નથી કારણકે માટી હોય તો તેમને કુંભાર જરૂર સુધારી લે. પરંતુ તેઓ તો કાદવ જેવા છે. કાદવને કોઈ પણ સંઘરતું નથી કારણકે તેની પાસે જતાં જ તેમાંથી દુર્ગન્ધ નીકળે છે. પરંતુ એ કાદવ પર પરદેશના પવન ઉર્ફે વાતાવરણરૂપી થોડો થોડો વરસાદ થવા લાગ્યો છે એટલે કદાચ એ વરસાદથી ગંદકી ધોવાઈને માટીના સ્વરૂપમાં આવી જવા સંભવ છે. એ ભાઈઓને આમ કહેવા બદલ દુઃખ તો થતું હશે પરંતુ વિચારથી જોશે તો જણાશે કે મારૂં કહેવું સત્ય છે. સનાતન ધર્મ એટલે શું ? અહીં બનેલ એક કીસ્સો કે જે શ્રી માવજીભાઈ વર્ણવી ગયા. તે કિસ્સો જો અહીંના સરસ્વતીના મંદિરરૂપી સ્કૂલમાંજ બન્યો હોય અને સ્કૂલના માસ્તરે કે જે પોતે બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. તેઓએ પોતાની આજીવિકા ખાતર નિભાવી લીધેલ હોય તો તેઓશ્રીનો પણ ઉપરોક્ત કાદવમાં સમાવેશ કરવામાં હું જરાપણ અતિશયોક્તી માનતો નથી. વિથોણની જાગૃતિ બાબત મારા ઘણાં બંધુઓ જાણવા માંગતા હશે પરંતુ એ બાબત હું બોલી શકું તેમ નથી કારણકે એ બાબત ન્યાયના મંદિરમાં પહોંચી ગયેલ છે એટલે ત્યાંથીજ આપણે સર્વે જાણી શકીશું. સનાતન ધર્મનો ઝંડો સદા ઉંચો જ છે તે ઉંચો જ રહેશે. તે કદાપી નમવાનો નથી અને નહિં જ નમે કારણકે તે સત્યતા ઉપર છે. પીરાણા પંથી ભાઈઓ આટલા દિવસ અંધારામાંજ ગોથાં ખાતા આવ્યા છે. જો તે ભાઈઓ તથા તેમના આગેવાનો એમ કહેવા માંગતા હોય કે અમારો પંથ હિન્દુ છે તો તેઓને ચેલેન્જ આપું છું કે એ પંથ શુધ્ધ હિન્દુ નથી જ કારણકે તેમાં પળે પળે મુસ્લીમ તત્વો આવે છે. તેઓ જો મુસલમાન હોત તો મુસલમાન ભાઈઓ તેને જરૂર આવકારત પરંતુ તેઓ કોઈપણ રસ્તે રહેલ નથી. તો તેવા ભાઈઓ હજુ પણ વિચાર કરે અને સાચો માર્ગ સ્વીકારે. આપણે અજ્ઞાનતા દૂર કરવી હોય તો પ્રથમ કેળવણીની જરૂર છે અને મારા યુવાબંધુઓ ગામે ગામ નિશાળો ખોલી પોતાની ભાવિ પ્રજાને સાચું શિક્ષણ આપવા માટે અનુભવી શિક્ષકો રોકશે એમ ઈચ્છું છું. આ ગામનો અજ્ઞાત છું એટલે આજે કેટલીક બાબતોનું મનન કરીશ અને આવતીકાલે જો સમય મળશે તો જરૂર બોલીશ.

શ્રી રતનશી નારાણ ખોંભડીવાળા

          મને મુળજીભાઈએ બોલવાની ફરજ પાડી છે તો હું કંઈ એટલો બધો વિદ્વાન નથી. છતાં પણ મારી બુદ્ધિ અનુસાર જે બોલું તે ધ્યાનથી સાંભળશો એમ ઈચ્છું છું. આપણને આજ ચાલીસ વરસથી સુધારક ભાઈઓ સાચો માર્ગ બતાવી રહેલ છે અને સાચે રસ્તે લાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. કંઠમાળના દરદનું કલ્પિત દ્રષ્ટાંત.

શ્રી પોપટલાલ રઘુરામ કોટડા

          આથી અગાઉ દેવશી ભગત સંપ વિષે બોલી ગયા. તે સંપનો અર્થ તો આપણે બધા જ જાણતા હશું પરંતુ સંપનો સ્વાદ તો કોઈક વિરલા જ માણતા હશે. તમારો સાચો ધર્મ હિન્દુ છે અને શુધ્ધ સનાતન ધર્મને પંથે ચાલશો તો ભવિષ્યમાં સંપ અનાયાસે પ્રાપ્ત કરી શકશો. તમારી જ્ઞાતિમાં જે વિક્ષેપ છે તે ભલે હોય પરંતુ એકબીજાને હાનિ પહોંચે તેવું અઘટીત પગલું કદાપી ભરશો નહિં. તમો એક છો અને એક રહેશો. અજ્ઞાનભાઈઓને પણ ભગવાન લક્ષ્મીનારાયણ જરૂર સદ્‌બુદ્ધિ આપશે. આપણે આપણી ટેકમાં અડગ રહેશું તો બીજાની અજ્ઞાનતા આપોઆપ પ્રભુ દૂર કરશે. તે આપણે નજરે જોતાં આવીએ છીએ અને હજુ પણ જોશું. અભિમાન ન રાખવા વિષે એકબીજા પ્રત્યે ભાવ રાખવા વિષે સમજાવેલ હતું.

શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણીવાળા

          આજની સભામાં મારાં ભાઈ બહેનોની સારા પ્રમાણમાં હાજરી જોઈ એટલું તો ચોક્કસ માની શકાય કે આજે ઉખેડા ગામનાં અહોભાગ્ય છે. હું અત્રે જુના મતના ભાઇઓને મળેલ હતો. તેઓ બહુ જ થોડા છે અને વળી સંસ્કારી છે એટલે થોડા જ દિવસોમાં આ ગામનો અહેવાલ કંઈક જુદો જ સાંભળશું એટલું તો ચોક્કસ માનજો. મારા શરીરની અડધી માટી ઉખરડા ગામને ફાળે જાય છે કારણકે મારાં માતૃશ્રીએ જન્મ આ ગામમાં જ લીધેલ છે અને હું આ ગામને ગોંદરે બાળપણમાં ખુબ ખેલ્યો છું. એટલે સમગ્ર જ્ઞાતિ સેવા કરતાં આ ગામની સેવા કરવાની મારી જવાબદારી વધારે છે. અહીંના કેટલાંક વડીલોને આજે હું બે ત્રણ વખત મળ્યો છું અને તેઓ તરફથી આશા ભર્યો જવાબ પણ મળેલ છે કે આવતી કાલે તમે જરૂર કંઈક નવીન જોશો. ખૈર આપણામાં બધા પ્રત્યે પ્રેમ હશે તો આપણે જરૂર ધર્મના સડાનો નાશ કરી શકીશું. ધર્મને લીધે આપણાં વડીલો ગાળો આપે તો તે પણ પુષ્પવૃષ્ટિ સમજી સહન કરતાં આપણને આવડવી જોઈએ. આજે જ જ્યારે હું શ્રી રૈયાભાઈને ઘેર ગયો ત્યારે મને કેટલાંક કટુ વચનો સાંભળવા પડયાં હતાં. જે તમારા માંના ઘણાં ભાઈઓ જે સાથે હશે તે જોઈ શક્યા હશે. જો આવે વખતે આપણે આપણા મનનો કાબુ ખોઈએ તો આપણું કાર્ય સિધ્ધ કેવી રીતે થાય ? શાંતિ અને સંયમ એ જ આપણો ધર્મ છે એમ સમજીશું ત્યારે જ આપણે આગળ વધી શકીશું.

          મારા જુના મતના ભાઈઓને મારી વિનંતી છે કે જો તમોને ઈમામશાહ ને માનવો જ હોય તો કરોડપીર તથા હાજીપીરને માનો છો તેમ પીર તરીકે માનો પરંતુ ધર્મગુરૂ તરીકે અને હિન્દુ ગણીને તો નહિં જ માનતા. તમો કહેશો કે ધર્મની નિંદા કરો છો પરંતુ એ ધર્મ પાખંડી છે. એ ધર્મ હિન્દુ નથી તેમ કુરાની પણ નથી. એકે ધર્મ વગર વચમાં તમો લટકી રહ્યા છો તો એવા ધર્મનો ત્યાગ કરી ગમે તે એક ધર્મને માન આપો. આઠ દસ ગાઉથી જ્ઞાતિના ભાઈ બહેનો આવીને ઉજાગરા સહન કરે છે અને ભગવાનને ભેટ ધરે છે તે ઉત્સાહ વગર ક્યાંથી હોય. તો બીજા ગામવાળાઓને આટલો ઉત્સાહ છે જ્યારે તમો અંધારામાં જ ઘોરી રહ્યા છો એ ઈચ્છનીય તો ન જ ગણાય. આપણે બધા કુટુંબી છીએ અને કુટુંબી જ રહેશું. ભક્ત પ્રહલાદને પોતાનો ધર્મ સાચવવામાં કેટલાં સંકટો પડયાં હતાં પરંતુ તેઓ ચળ્યા નહિં અને છેવટે તેમનો જ જય થયો. શગાળસાનું દ્રષ્ટાંત

          શગાળસા આગલા અવતારમાં કર્ણ હતા અને દાનેશ્વરી કર્ણ તરીકે ઓળખાતા. દુનિયામાં દાનેશ્વરીમાં તેઓ અજોડ હતા. તો આપણને પણ આવા દ્રષ્ટાંતો નજર સમક્ષ રાખી કાર્ય કરવાનું કે આપણી જ્ઞાતિ ગંગા છે તે પવિત્ર છે. ફકત તેમાં પડેલી ભૂલો કાઢવાની આપણી ફરજ છે અને તે કાઢશું જ. ધર્મ માટે માથાનું દાન આપવું પડે તો પણ આપણે તેમ કરવા તૈયાર રહેવું જોઈએ. હિન્દુભાઈઓને બે વસ્તુની તો ખાસ જરૂર છે. એક તો ચોરી અને ચિતા આ બે વસ્તુઓ આપણા જુના મતના ભાઈઓમાં નથી. પરંતુ આપણે નમ્રતાથી સમજાવતાં જશું તો આપણી વિનંતીને તેઓ જરૂર આવકાર આપશે. આપણા વડીલોએ જે પંથ અપનાવ્યો છે તે હિન્દુ નથી. સંવત ૧૮૩ર {Year: 1775-76} માં આપણા વડીલોએ ભાટ બ્રાહ્મણોનો ત્યાગ કર્યો અને તેથી જ આજે આટલી અધોગતિ પામ્યા છીએ. ભગવાન ભક્તોને વશ છે. આપણા કાર્યમાં સાચી સેવા છે અને કુદરત આપણી સાથે છે. ઈશ્વરે જ આપણને ધર્મમાંથી સડાઓ કાઢવાની પ્રેરણા કરેલી છે. હું ચૌદ વરસનો હતો ત્યારથી પ્રચાર કાર્યમાં રસ લઉં છું. પરંતુ હમણાં ત્રણ વરસથી જે સહાયતા મળી છે અને પ્રચાર કાર્ય આગળ વધી ગયું છે તે ખરેખર આવકાર દાયક ગણાય. આવા કાર્યમાં જો બહેનોનો સાથ નહિં હોય તો બહુજ દુઃખો સહન કરવા પડશે. પુરૂષોને સ્ત્રીઓના સાથની ખાસ જરૂર હોય છે તો મારી બહેનોને મારી ખાસ વિનંતી છે કે તમારા પતિને પ્રભુતુલ્ય માની તેઓના કાર્યમાં જોડાઈ જજો. તમારા માવિત્રો અજ્ઞાન હોય અને કદાચ તમારો ત્યાગ કરે અને પોતાને ઘેર ન આવવા દે. તમારાં સાસુ સસરા અજ્ઞાનતાને લીધે તમને સતાવે તો પણ તમો તમારો ધર્મ ચુકશો નહિં. આપણી અજ્ઞાન જ્ઞાતિમાં બાળ લગ્નની પ્રથા કેટલી ખરાબ છે. બાળ લગ્નથી કેટલાંક કજોડાં થાય છે અને તેને લીધે આપણી કેટલી અધોગતિ થાય છે તે આપણે સમજી શકતા નથી. તેનું કારણ કે આપણે અજ્ઞાન છીએ. હાલ તાજેતરમાં જ અહીં આજુ બાજુના ગામોમાં છુટાછેડા થયા છે તેનું કારણ બાળ લગ્ન. જો બાળ લગ્નનો રિવાજ ન હોય તો છુટાછેડા કરવાનો વખત જ ન આવે. આપણાં પુત્ર પુત્રીનાં સગપણ બાબત આપણે મા બાપો તો જાણતાં જ ન હોઈએ અને પરબારા જ બીજાં કરી નાંખે છે. તો મારા યુવક બંધુઓને ખાસ વિનંતી કરૂં છું કે તમારાં બાળકોનાં સગપણ કરવાનું તમારા માવિત્રો પર છોડશો નહિં. તમો પરદેશ જાઓ ત્યારે તમારાં માવિત્રોને ચેલેન્જ આપી જજો કે અમારાં બાળકોનાં સગપણ કરશો નહીં અને જો કદાચ કરશો તો અમો તે કબુલ કરશું નહિં.

          જુના મતના ભાઈઓને તે પંથનો ત્યાગ કરવા બાબત સમજાવેલ હતું અને એ પંથ હિન્દુને છાજતો નથી વિગેરે બાબતો સુંદર ભાષામાં સમજપૂર્વક ચર્ચી બતાવેલ હતી. દ્રષ્ટાંત — જાણવા છતાં લૂંટાવા બાબત.

          ગોળી ન પીવાની વિનંતી સાથે ભલામણ કરેલ હતી કારણકે પીરાણા પંથી ભાઈઓની પણ સભામાં હાજરી હતી. — ગાલાવેલા વિષે દ્રષ્ટાંત.

          આપણા ધર્મ અને ફરજ વિષે મહારાણા પ્રતાપના પુત્રનો દાખલો — નારી રક્ષણ તથા માતૃધર્મ બંનેનો સમાવેશ થયેલ હતો. ઉપરોક્ત દ્રષ્ટાંતથી શ્રોતાઓમાં સ્ત્રી વર્ગ પર સારામાં સારી અસર થયેલ હતી. હવે વધારે બોલી કિંમતી વખત ગુમાવવા માંગતો નથી. તમો સર્વે સમજુ છો અને જે સાંભળેલ છે તેમાંથી સાર ગ્રહણ કરી તે મુજબ વર્તન રાખશો એમ ઈચ્છું છું. બુઢ્ઢાઓ કે જે આપણી ભાષામાં ગેઢેરાઓ કહેવાય છે તેઓનો હાઉ હવે છુપી ગયેલ છે. આપણે હવે હાઉથી ડરતા નથી કારણકે સાચી વાત સમજી ગયા છીએ. જહાંગીરી કરનાર આગેવાનોને હજુ પણ જણાવું છું કે એ પંથ હિન્દુનો નથી. જો એ પંથ હિન્દુ છે એમ જ માનતા હો તો ૮૦ હજાર જનતામાંથી એ પંથ સાચો કરી બતાવવાની હિંમત કોઈમાં નથી. કયાંથી હોય જો સત્ય હોય તો જ જાહેર સભામાં બોલી શકાય કારણકે જાહેર સભામાં પ્રભુનો વાસ હોય છે અને ત્યાં ખોટું ચાલી શકતું નથી. કદાચ કોઈ ખોટું બોલે તો પણ શ્રોતાઓ તેમાંથી તરત જ ખરૂં ખોટું તારવી શકે છે. એ પીરાણા પંથને માનનારા દરેક ભાઈઓને વિનંતી કરીએ છીએ કે તમો એ પંથને નામે ધર્માદા નાણાં આપશો નહિં કારણકે તમારાં એ નાણાંથી ગાયો અને બકરાંનો વધ થાય છે અને તેની હત્યા તમારા શીર પર ચડે છે. આપણે ગૌરક્ષક છીએ. માટે આપણા ધનથી આવાં કૃત્યો થવાં જોઈએ નહિં. હવે હું મારૂં બોલવું બંધ કરૂં છું. તાળીઓના ગડગડાટ સાથે પોતાનું સ્થાન લીધેલ હતું.

શ્રી કરશનભાઈ મનજી નખત્રાણા

          આજની સભા અને ઉત્સાહ જોઈ આનંદ વ્યક્ત કરી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

શ્રી રણમલ માવજી ઉખેડા

          અમારા ગામ ઉખેડાનો આજનો દિવસ સોનાનો દિવસ ગણાશે. તેનું કારણ વર્ણવી બતાવેલ હતું. તેમના કાર્યમાં બીજા ગામના ભાઈઓએ જે સહાયતા આપી હતી તે બદલ આભાર માનેલ હતો. ધર્મના કાર્યમાં કેટલાં દુઃખો સહન કરવાં પડે છે તે વિષે ઈસુ ખ્રિસ્તનું દ્રષ્ટાંત આપેલ હતું.

માસ્તર વિજયાશંકર નિર્ભયરામ ઉખેડા

          આજનો મહોત્સવ જોઈ દરેક સનાતની ભાઈનું હૈયું હર્ષ પામે તેમાં કંઈ નવાઈ નથી. કોઈ પણ ધર્મમાં પલ્ટો લાવવો હોય તો તેની જવાબદારી સંચાલકોને શીરે હોય છે. શ્રીમાન રતનશીભાઈ તો પાટીદારોમાં એક જ છે. બીજા કેટલાંક ભાઈઓ પણ શક્તિ અનુસાર ભોગ આપી રહેલ છે તે જોઈ આનંદ થાય છે. આપણાં બાળકોને કેળવણીની ખાસ જરૂર છે. ભવિષ્યની પ્રજા સુધરશે તો જ આપણે આપણી ઉન્નતિ સાધી શકીશું માટે કેળવણીનો પ્રચાર કરો એવી વિનંતી કરી બેસી જાઉં છું.

બારોટ શ્રી તેજમલજી ગોપાલજી ઉખેડા (જાગીરદાર)

          હું કંઈ વિદ્વાન નથી પરંતુ એક સવૈયો બોલી બેસી જઈશ. દાન કેવે ઠેકાણે કરવું તે વિષે એક સવૈયો બોલી બેસી ગયા હતા.

શ્રી પ્રેમજી માવજી ઉખેડા

          અગાઉથી લખેલ ભાષણ વાંચી સંભળાવેલ હતું. જેમાં ધાર્મિક બાબતોનો સારા પ્રમાણમાં સમાવેશ થયેલ હતો.

શ્રી ખટાઉભાઈ ખીમજી નખત્રાણાવાળા

          આજની સભામાં હાજરી આપનારાઓનો આભાર. મારાથી અગાઉ અનેક મિત્રો આભાર માની ગયા છે. જેથી હું આભાર માનતો નથી. આપણાં બાળકોને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો રોકવાની દરખાસ્ત. નખત્રાણાના વોલીન્ટીઅરોની સગવડ શ્રી વાંઢાયમાં પણ નથી સચવાણી અને અત્રે પણ ચા પાણીની સગવડ નથી સચવાતી એમ જણાવી અરસપરસ એકતા વિષે બોલી પોતાનું સ્થાન સંભાળી લીધેલ હતું.

શ્રી વિશ્રામભાઈ રામજી ખીરસરા

          અવાજ નહિં નીકળવાથી બોલી શકયા નહતા.

શ્રી તેજાભાઈ લધા મથલ

          મનુષ્ય દેહમાં સાર્થક કરવાની ફરજ હોઈ તે કરશું એમ જણાવેલ હતું.

શ્રી હરજીભાઈ વિશ્રામ મથલ

          યુવાન બંધુઓ કે જે પરદેશ આવજા કરે છે તે જ્યાં ત્યાં ખાય છે. માટે તેમ કરવું ન જોઈએ અને ખાવાનું ઘેરથી બનાવીને સાથે રાખવા બાબત જણાવેલ હતું. પરદેશમાં નાત—જાત જોયા વગર જમવું નહિં એમ જણાવેલ હતું.

શ્રી મનજીભાઈ વાલજી ઉખેડા

          અરસપરસ પ્રેમ રાખવા વિષે બોલ્યા હતા અને આપણે આપણી જાતને પોતે જ ઓળખતાં થશું એમ જણાવી બેસી ગયા હતા.

શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

          આજની સભામાં અત્યાર સુધી લગભગ સત્તર ભાઈઓ પોતાના વિચારો જણાવી ગયેલ છે. અને હવે સૌથી છેલ્લે હું બોલવા ઉભો થયો છું. એટલે ખાસ ચર્ચવા લાયક વિષય એક પણ મારી નજર સમક્ષ આવતો નથી. છતાં પણ એક વિષય ખાસ જણાવું છું કે હજુ આપણા એંશી હજાર બંધુઓ અજ્ઞાનતા સેવી રહેલ છે. તેઓને સુધારવા માટે આપણને કેવા કાર્યકરોની જરૂર છે ઉત્સાહી, નિરાભિમાની અને માયાળુ. જો કાર્યકરો સારા નહિં હોય તો આપણું કાર્ય ઝડપી બની શકશે નહિં. આપણું રાજકાજનું યુધ્ધ નથી પરંતુ ધર્મ યુધ્ધ છે અને તેમાં કેટલો સમય વ્યતિત થશે તે કોઈ પણ કળી શકે તેમ નથી. આજે લગભગ ચાળીસ વરસથી આ યુધ્ધ ચાલે છે છતાં પણ આપણાંમાં એકતા આવેલ નથી. તેનું કારણ કે આપણાં હૃદયમાં ઘર કરીને બેઠેલ ભ્રષ્ટ ચીજો — કેટલેક ઠેકાણે આપણો જ્ઞાતિ પંચનો ધર્માદા પૈસો કોર્ટોના આશરા લેવામાં વેડફાઈ રહેલ છે તે મને ઠીક જણાતું નથી. તેવી જ રીતે મારા તમામ બંધુઓને પણ રૂચતું નહિં જ હોય. વળી મને કેટલાંક અજ્ઞાન બંધુઓ એમ કહે છે કે સનાતન ધર્મમાં શું ચમત્કાર છે તો તેવા બંધુઓને મારી વિનંતી છે કે આ ધર્મ કંઈ મદારીઓની માફક હાથ ચાલાકી અને ચમત્કાર બતાવનારો નથી પરંતુ મોક્ષના માર્ગે લઈ જનારો છે. લગભગ સાતસો વરસ ઉપર હિન્દુ ધર્મ પર મુસ્લીમ રાજ્યો તરફથી કેટલી બધી સતામણી થઇ રહેલ હતી અને તે વખતે પણ ધર્મવીરોની મદદમાં સાક્ષાત પરમાત્મા હતા અને સનાતન ધર્મનો ઝંડો સદાય સજીવ રહેલ છે. તે આપણે અમર ઈતિહાસો પરથી જાણી શકીએ છીએ. મારા અજ્ઞાન પીરાણાપંથી ભાઈઓને વિનંતી કરૂં છું કે ધર્મવીરોના ઈતિહાસો વાંચો.  અસ્તુ.

શ્રી બેચરલાલભાઇ જોષી

          મિત્રો, હિન્દુ  એટલે શું ? કડવા પાટીદાર જ્ઞાતિના ઉછાંછળા બાળકોમાં થોડી ભૂલ જોવામાં આવે છે. હરજીભાઈ અજ્ઞાનતાથી બોલી ગયા છે એટલે આપણે તેમને ક્ષમા આપવી જોઈએ. આપણે પ્રથમ આર્યો હતા. ચાર વેદ અને ચાર જાતિ હતી. બ્રાહ્મણ—ક્ષત્રિય—વૈશ્ય અને શુદ્ર. હિન્દુ સ્થાનમાં આવ્યા પછી આપણા વચ્ચે જાત જાતના વિક્ષેપો પડયા.એ ભાઈએ હિન્દુ સમાજ પર મોટો આક્ષેપ રાખ્યો તે પણ અજ્ઞાનતાથી. આત્મા આપણો નથી. આત્મા તો ઈશ્વરની અમાનત છે. આપણાં વિચારો શુદ્ધ રાખશો તો કોઈ પણ દુર્ગુણો આવશે નહિં. પરચો ધતીંગથી જ ઉત્પન્ન થાય છે. પરચો બતાવવાની શક્તિ તે જ પુરતી રહેશે. તમારી જ્ઞાતિ અધોગતિએ પહોંચી છે તેમાં ઈમામશાહનો એટલો બધો દોષ નથી પરંતુ ૧પ૦ વરસથી જ્યારે ભાટ ચારણોને છોડયા ત્યારે જ તમારી અધોગતિ થઈ. મુસ્લીમ જાતિમાં ભેદભાવ નથી, ક્રિશ્ચીયનોમાં પણ નથી. સનાતન ઝંડાને રાખવાનો અધિકાર એક જ જ્ઞાતિને નથી પરંતુ સમસ્ત હિન્દુઓનો છે. તમો તમારી જ્ઞાતિના દુર્ગુણો પર ભલે બોલો પરંતુ આખા હિન્દુ સમાજ પર આક્ષેપ મુકતા નહિં.

શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણી

          આજની સભાનું કાર્ય આપણને જે ઉત્સાહથી કરવું જોઈએ તેટલું જ ઉત્સાહથી થયેલ છે. શ્રીમાન બેચરલાલભાઈએ એક ભાઈના બોલવા સામે વિરોધ બતાવેલ છે તો તેઓશ્રીને મારી ખાસ વિનંતી છે કે અમારા બોલવામાં અજ્ઞાનતાને લીધે કંઈક ભૂલ થાય તો આપ ઉદાર દિલ રાખી ક્ષમા કરશો અને બોલનાર યુવકોને પણ જણાવવાનું કે તેઓશ્રીને ગુરૂ સમજી બોલવાની તાલીમ લેશો એમ ઈચ્છું છું અને આપ સર્વે ભાઈઓ જેમ અત્યાર સુધી કરેલ છે તેવી જ રીતે આવતી કાલે બપોર સુધી ઉત્સાહથી કાર્ય કરશો એવી આશા રાખું છું.

શ્રીમાન બેચરલાલભાઈ જોષી

મિત્રો, હું જે બોલું છું તે વ્યક્તિગત નહિં પણ જનરલી બોલું છું. એટલે મારા બોલવાથી કોઈનું દિલ દુઃખાયું હોય તો દરગુજર કરશો.

          સનાતન ધર્મકી જય……….

સમાપ્ત

સભામાં હાજરી આશરે રપ૦૦ માણસોની

સમય રાતના ૧—૩૦ વાગે

                                                                            પ્રમુખની સહી

                                                          પટેલ વાલજી લખુ ભગતની સહી દા. પોતાના

 

 

ઉખરડા તા. ર૩—પ—૪૬ (23-May-1946)

સમય : સવારના ૮ થી ૧૧

ભગવાનની પ્રતિષ્ઠા વખતે થયેલ જાહેર મેળાવડાનો રિપોર્ટ

પ્રમુખની દરખાસ્ત કરનાર : શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણીવાળા

ટેકો આપનાર : શ્રી માવજીભાઈ ધનજી નખત્રાણાવાળા

પ્રમુખ : શ્રી ડાહ્યાભાઈ રતના ઉખેડાવાળા

 

શ્રી રતનશીભાઈ પ્રમુખ વતી

          સભાજનોનો આપેલ સેવા બદલ આભાર માની જણાવેલ હતું કે તમોએ જેવો સાથ અને સહકાર અત્યાર સુધી આપેલ છે તેવો જ છેવટ સુધી પણ આપશો એવી વિનંતી કરૂં છું. શ્રીમાન બેચરલાલભાઈ જેવા વીર નર આપણી જ્ઞાતિ માટે જે શ્રમ ઉઠાવી રહેલ છે તે બદલ આપણે તેઓશ્રીના ઋણી છીએ અને તેઓ આપણને આપણું કર્તવ્ય સમજાવશે એવી આશા રાખું છું.

શ્રીયુત બેચરલાલભાઈ જોશી વિથોણ

          મિત્રો અને બહેનો,

          મને ઘણાં ભાઈઓ મહારાજ કહીને સંબોધે છે. તેઓની સામે હું વિરોધ બતાવું છું. મહારાજ એટલે રાજાઓના રાજા મહારાજ શબ્દ યોગ્ય માણસને જ શોભે. હવે ધર્મ બાબત જેટલું બોલીએ તેટલું ઓછું જ છે. તો આપના કિંમતી વખતનો વધારે ભોગ ન લેતાં મારૂં બોલવું ટુંકમાં જ પતાવીશ. આ શુભ પ્રસંગે પ્રભુ કાર્યમાં બનતો ફાળો આપવા સૂચના કરેલ હતી. શ્રીમાન રતનશીભાઈને ધર્મવીરનું સંબોધન આપી તેઓના ફોટાની અકેક કોપી દરેક ગામના સનાતની ભાઈઓ પોતપોતાના મંદિરોમાં રાખશે એવી દરખાસ્ત મુકી હતી. જેને સભાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતી.

માસ્તર વિજયાશંકર નિર્ભયરામ ઉખેડા

          શ્રીમાન બેચરલાલભાઈના ભાષણને ટેકો આપ્યો હતો. સ્વયંસેવકોનું કાર્ય જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો.

શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા

          મારા પહેલાં બોલી જનાર શ્રીમાન બેચરલાલભાઈ તથા માસ્તર સાહેબના ભાષણને અનુમોદન આપતાં જણાવેલ હતું કે એ વીર નરની છબી આપણે આપણા દરેક મંદિરમાં જરૂર રાખશું એમ જણાવેલ હતું. જય નાદના પોકારો થયેલ હતા.

શ્રી રતનશી નારાણ ખોંભડીવાળા

          મારા યુવક બંધુઓને મારી ખાસ વિનંતી છે કે શ્રીમાન રતનશીભાઈને તેઓના નામની આગળ ધર્મવીરનો ઈલ્કાબ આપી સંબોધશો.

બોલો ધર્મવીર શ્રી રતનશીભાઈની જય….

શ્રીમાન બેચરલાલભાઈ

          મિત્રો, મારી દરેક મંદિરોમાં મારા વડીલ બંધુ રતનશીભાઈનો ફોટો રાખવાની અપીલ હતી પરંતુ આપ સર્વે ભાઈઓએ તો તેના કરતાં પણ વિશેષ કાર્ય કરીને મારી અપીલને વધાવી લીધી છે તે બદલ આપનો આભાર માનું છું.

શ્રી રતનશીભાઈ

          આટલું બધુ માન મારે માટે અતિશયોક્ત ગણાય માટે તેમ ન કરશો એવી આપ સર્વે ભાઈઓને વિનંતી કરૂં છું.

 

પ્રતિષ્ઠા કાર્યની શરૂઆત

શીખર ચડાવનાર

૧૧૦૧/— કોરી 

શ્રી જેઠાભાઈ નાનજી ઉખેડાવાળા

ધજા ચડાવનાર

૧૧પ૧/— કોરી

શ્રી રતનાભાઈ લધા ઉખેડાવાળા

મૂર્તિ પધરાવનાર

૧પપ૧/— કોરી

શ્રી જીવરાજભાઈ નાંયા કોટડા (જડોદર)વાળા

ગણપતિ મૂર્તિ પધરાવનાર

૧રપ૧/— કોરી

શ્રી દેવજીભાઈ રતનશી ઉખેડાવાળા

હનુમાનજી મૂર્તિ પધરાવનાર 

૯૦૧/— કોરી

શ્રી માવજીભાઈ નાનજી ઉખેડાવાળા

ગરૂડજી મૂર્તિ પધરાવનાર 

૮પ૧/— કોરી

શ્રી જીવરાજ વાલજીનાં માતૃશ્રી જાનબાઈ ઉખેડાવાળા

ભગવાનનો હાર —૧લો

 ૭પ૧/— કોરી

શ્રી રામજીભાઈ જેઠા ઉખેડાવાળા

ભગવાનનો હાર — રજો 

૬પ૧/— કોરી

શ્રી શીવજીભાઈ રામજી ઉખેડાવાળા

ભગવાનનો હાર — ૩જો 

૭૦૧/— કોરી

શ્રી માનણભાઈ હંસરાજ ઉખેડાવાળા

લક્ષ્મીજીનો હાર

૬૦૧/— કોરી

શ્રી દેવજીભાઈ અખૈ ઉખેડાવાળા

છત્ર ચડાવનાર

પ૦૧/— કોરી

શ્રી ખીમજીભાઈ શીવજી નખત્રાણા પૂર્વ નિવાસ થાણા

આરતી ૧લી 

પ૦૧/— કોરી

શ્રી કરશનભાઈ રામજી ઉખેડાવાળા

આરતી રજી 

૪૦૧/— કોરી

શ્રી ડાહ્યાભાઈ રતના ઉખેડાવાળા પ્રમુખ

આરતી ૩જી

૩પ૧/— કોરી

શ્રી દેવજીભાઈ શામજીનાં માતાજી ઉખેડાવાળા

ચામર ઢાળનાર

૩૦૧/— કોરી

શ્રી રામજીભાઈ વીરજી ઉખેડાવાળા

ઘંટ વગાડનાર

૩૦૧/— કોરી

શ્રી પરબતભાઈ ભીમજી ઉખેડાવાળા

ભોગ ધરાવનાર 

૪૦૧/— કોરી

શ્રી લાલજીભાઈ પુંજા ઉખેડાવાળા

કુલ કોરી

૧રર૬૭/— કોરી     

 

 

 

સભામાં હાજરી આશરે પ૦૦ માણસોની હતી.

ખરડો ચાલુ કરવામાં આવેલ હતો.    સમય : સવારના ૧૧ વાગે

પ્રમુખ : પટેલ ડાહ્યા રતનાની સહી   દા. બારોટ તેજમાલ ગોપાલજીના

 

…….ખુશ ખબર……..

          સભા સમાપ્ત વખતે ખબર મળ્યા કે પીરાણાપંથી ભાઈઓએ ખાનામાં આરતી વગાડવા માટે વોલીન્ટીરોની માગણી કરવાથી ત્રણ જણાં આરતીઓ લઈને ત્યાં સેવા કાર્યમાં હાજર થયાં હતા. સેવા ધુપેડાને બદલે પંચવટીથી કરવામાં આવેલ હતી અને ગોળીને બદલે ચર્ણામૃતમાં ગંગાજળનો વપરાશ કરવામાં આવેલ હતો. તથા ભગવાનની ભેટના ખરડામાં પણ જ્યોતિષધામના ભાઈઓ તરફથી કોરી ૧રપ/ મંડાવેલ હતી. જે તરત જ રોકડા આપવામાં આવેલ હતી. મીટીંગ ખલાસ થતાં જ્યારે પ્રમુખશ્રી તથા શ્રી બેચરલાલભાઈ વિગેરે જ્યારે મંદિરે દર્શન કરવા ગયા ત્યારે જ્યોતિષધામની જગ્યા પર મુસલમાની નેજાને બદલે ૐ લખેલી ધજા ફરકી રહેલ હતી તે જોઈ આનંદમાં વૃધ્ધિ થયેલ હતી અને પીરાણ પંથી ભાઈઓ તરફથી જણાવવામાં આવેલ હતું કે ઉપરોક્ત ફેરફાર અમોએ આજે જ કરી નાખેલ છે અને દોઢથી બે માસ પછી વધારે શુભ સમાચાર સાંભળશો કે ઉખરડામાં પાટીદાર ભાઈઓમાં બે વિભાગ નથી પણ એકતા છે.

અસ્તુ……

તા.ક.

          ખાનામાં બત્રીસી પુજા કરવા માટે કાદીયાના નામચીંધ મુખી વીરજી વિગેરે આગેવાનો પધારેલ હતા પણ ખાનામાં ગોળીને બદલે ગંગાજળ વપરાતું જોઈને તથા આરતીઓ વિગેરે ફેરફાર થવાથી રીસાઈને નાસી જતા હતા પરંતુ અહીંના પીરાણા પંથી ભાઈઓએ આ અજ્ઞાન મુખી જમી રહ્યા ત્યાં સુધી સેવા કાર્ય મુલત્વી રાખવાની ઉદારતા બતાવી તેમને ભોજન કરાવ્યું હતું. ઉપરોક્ત મુખી જમીને તરત જ પલાયન કરી ગયા હતા. બાકીના બધા પીરાણા પંથી બંધુઓ સેવા થઈ રહ્યા બાદ જમ્યા હતા.

ઉમિયા માતકી જય….

 

          

<<

>>

Leave a Reply

Share this:

Like this: