Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
ઉખેડા ગામમાં સનાતન ધર્મ પ્રચાર માટે મળેલ
જાહેર સભાનો અહેવાલ — દિનાંક 09-Sep-1945
શ્રી ગણેશાય નમઃ હરિ ૐ
॥ ૐ ॥
સાં. ૨૦૦૨ના ભાદરવા સુદ ૩ને રવિવાર {VSA: 09-Sep-1945} ના શ્રી
ઉખેડા શુભ સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની ૧ જાહેર સભા કરવામાં આવેલ.
જેમાં નીચે મુજબ ગામના ભાઈઓની હાજરી હતી. અને તે સભામાં ગામ કોટડા—૪૦,
નખત્રાણા—૮, વીરાણી—૬ , મથલ—૧૫, ઉખેડા—૪૦૦, આથ.કાદીયા—૨૦, ઉ.કાદીયા—૧૨, રસલીયા—૨૫ વગેરે ગામના ભાઈઓએ હાજરી આપી હતી. તે સભામાં લગભગ
૫૨૫ ભાઈઓ તથા બહેનોની હાજરી હતી. તે
સભામાં થયેલ કાર્યક્રમની નોંધ નીચે મુજબ
છે.
૧. ઈશ્વરની પ્રાર્થના બહુ જ રસથી તેમ વાજીંત્રો
સહીત.
૨. આ સભાનો ઉદ્દેશ પ્રમુખની
દરખાસ્ત રજૂ કરનાર માસ્તર વી. જે. શંકરનું ટૂંક વિવેચન તથા આભાર દર્શન ટેકો આપનાર
જીવરાજભાઈ વાલજી ભગત.
૩. પ્રમુખ માવજીભાઈ નાનજી સાંખલા પ્રમુખની
વતીથી માસ્તર, વી. જે. શંકરનું
વિવેચન.
૪. લાલજીભાઈ પૂંજાનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ જ્ઞાતિ બંધુ આજ સભામાં આપ પધારી અમોને આભારી કર્યા છે.
ભાઈઓ આપણા ઘણા ભાઈઓ પરદેશ કમાવા માટે જાય છે તેમને કેટલી વિટંબણા ધર્મ માટે થાય
છે. માટે હવે સનાતન પ્રચારથી તે વિટંબણા મટે ને જ્ઞાતિમાં સુધારો થાય એવી હું આશા
રાખું છું.
૫. વાલજીભાઈ જીવરાજ ગામ ઉખેડાવાળાનું ભાષણ.
પ્રિય જ્ઞાતિ બંધુઓ ધર્મ એટલું મોટું છે કે જેનું વર્ણન મારાથી થાય તેમ નથી
અને પરદેશ અમોને ધર્મને માટે જુઠું બોલવું
પડે છે માટે હવે સનાતન જો સેવવાયતોઆ બધી વિટંબણા મટી જાય.
૬. ખેતશીભાઈ માવજી ગામ ઉખેડા વાળાનું ભાષણ
પૂજ્ય જ્ઞાતિ બંધુઓ આજની સભામાં મારા જ્ઞાતિ બંધુઓની લાગણી જોઈ ઘણો આનંદ થયો
છે ને હવે મારી જ્ઞાતિ ઉન્નતિને માર્ગે જેમ જલદી આવે એમ પરમકૃપાળુ પરમાત્મા પાસે
પ્રાર્થના કરું છું વગેરે વગેર. (તાળીઓ)
૭. વેલજી લધા ગામ ઉખેડાના
પ્રિય ભાઈઓ ને માતાઓ મને જાતે અનુભવ થયેલ દાખલો આપની આગળ રજૂ કરું છું. હું
કવેટામાં હતો ત્યારે મને આ ધર્મ બાબત ઓછું ધ્યાન આપતો. પરંતુ અમો ગુજરાત તરફ જતાં
અમોને એક ગુર્જર સુતાર સાથે અમારો સંઘ થતા મને આપણા ધર્મ સંબંધી પુછ પરછ કરતાં મને
આપણું આ પીરાણા પાખંડી ધર્મ માટે જે ભોગવવું પડયું છે તે આ સ્થળેથી કહેતા હું જરૂર
સંકોચાઉ છુ.તો એવા મને ઘણા અનુભવથી નક્કી કર્યું છે,
જે આ ધર્મ ઠીક નથી,
માટે ભાઈઓ જલદીથી હવે આ પાખંડી ધર્મમાંથી મુક્ત થઈ શુદ્ધ
સનાતન ધર્મને જલદી પાળતા થાયો એવી મારી વિનંતી છે વગેરે વગેરે. (તાળીઓ)
૮. પટેલ નથુભાઈ નાનજી ગામ નખત્રાણાવાળાનું
ભાષણ
વહાલા જ્ઞાતિ બંધુઓ, માતાઓ ને બહેનો,
અમો આપના આ ઉખેડા ગામમાં આવતાની જ સાથે આ ગામનો સંપ તથા સનાતન ધર્મ પાળવા માટે
આપની ઉત્કંઠા જોઈને અમો ઘણા ખુશી થયા છીએ,
ને અમારા આ સનાતન ધર્મ માટે જે કાર્ય હાથ લીધું છે તેને
કૃતાર્થ માનીએ છીએ. વિશેષમાં આપણી જ્ઞાતિમાં કેળવણીનો અભાવ છે,
તો હવે વાસેરા બાળકોને ભણાવવા માટે જેમ બને તેમ વિશેષ
પ્રયત્ન કરશે તે મને જાણી ઘણો આનંદ થાય છે. જે આ ઉખેડા ગામમાં કેળવણીને માટે યુવક
ભાઈઓ ઘણા ઉત્સાહી છે ને આપને સુભાગે આપણે સારા શિક્ષીત શિક્ષક મળ્યા છે. મને આ
માસ્તર વિજયાશંકરનો પૂર્ણ અનુભવ છે જે આવા સારા શિક્ષકો આપણી જ્ઞાતિને અહી ગામમાં
મળે એમ ઇચ્છું છું. કારણ જે આપણી જ્ઞાતિનો ઉદય ત્યારે જ થશે વગેરે (તાળીઓ).
૯. પટેલ પરબત લખુ ગામ મથલવાળાનુ ભાષણ
વહાલા જ્ઞાતિ બંધુઓ આ સભામાં પટેલ નથુભાઈએ મને બોલવા વિશે કહ્યું. જેથી હું
મારી બુદ્ધિ પ્રમાણે બે બોલ બોલું છું મનુષ્ય પાપી હોય પણ તે ધર્મચુસ્ત હોય તો તે
પાવન થાય છે ને મારું કહેવું એમ છે જે ધર્મ માટે ખોટું બોલવું પડે તે મહા પાપ છે.
માટે ભાઈઓ તથા અન્ય વર્ણ આપને ધર્મ સંબંધી પૂછપરછ કરે તો આપણને સંકોચાવું પડે તો
એવો ધર્મ પાળવો તે હું યોગ્ય ગણતો નથી. વિશેષમાં હિન્દુ ધર્મ વિશે તથા કાર્ય કરવા
માટે વહેલી તકે કરવા ભલામણ આપી હતી. ને લગ્ન મરણમાં જલ્દી સુધારા કરવા ભલામણ આપી
હતી. આપણે આપણા ખાનાના નામ માટે કેટલા નામોના ફેરફાર કરવા પડે છે,
તે આપ જાણો છો. આપણે નથી હિંદુની ગણતરીમાં તેમ નથી
મુસલમાનની ગણતરીમાં તો ભાઈઓ જલ્દી આપ શુદ્ધ હિંદુ ધર્મ પાળતા થઈ જાઓ. હિંદુ ધર્મ
માટે ઘણા ધર્મ વીરોએ કેટલાય બલિદાનો આપ્યા છે જેમાંથી આપણે ને એક રદીયો આપું છું.
જે ઉપરથી ધર્મ માટે અૌરંગઝેબ વખતનો દાખલો આપ્યો હતો. ભાઈઓ આજનું રાજ્ય તો રામ
રાજ્ય ગણાય. આપણા ધર્મમાં સતપંથ ધર્મના વાલા છે તે વાત ગલત છે. આપણાથી નીચી વર્ણ
પણ પોતાનો શુદ્ધ હિંદુ ધર્મ ટકાવી રહી છે જેના ઉપરથી એક હરીજનનો દાખલો આપ્યો હતો.
ને આ ઉખેડાના ભાઈઓને એક વિનંતી કરું છું કે જલદીથી આ ગામમાં હિંદુના દેવોની
સ્થાપના થાય એમ ઇચ્છું છું વગેરે વગેરે. (તાળીઓ).
૧૦. પૂજય
મહારાજ શ્રી દયાળદાસજીનું ભાષણ
શ્રીમાન પ્રમુખ સાહેબશ્રી તથા સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ તથા માતાઓ તથા બહેનો,
મને બોલવા માટે જે ફરમાન થયું છે તે માટે હું મને પ્રભુ જે
સુજાડશે તે બોલવા ઉભો થયો છું. આપણી જ્ઞાતિના વિષયમાં મારાથી બોલાય નહિ પણ હું
ધાર્મિક પ્રવચન કરી શકું. શાસ્ત્રોમાં કહ્યું છે કે
નિંદા સમાન કોઈ પાપ નથી.અન્ન સમાન કોઈ ઔષધિ,
ઝરણા સમાન નહિ જાપ
કૃષ્ણ સમાન નહિ દેવતા,
નિંદા સમાન નહિ પાપ
ભાઈઓ મારી વિનંતી છે કે ધર્મના વિશેના ઝઘડા શેવવા ના જોઈએ. સજ્જનો ધર્મ એજ કે
માનવ જાતનું ફરજ એજ ધર્મ કહેવાય. ભાઈઓ રામ જેવા દીકરા તે જેના દશરથ જેવા પિતા તથા
પ્રહલાદ જેવાના હીરણ્યાકશ્યપુના જેવા પિતા જેવા સિદ્ધાંતો આપ જાણો છો તો મને વિશેષ
કહેવું તે કરતા આપ જલ્દીથી સમજીને શુભ સનાતન ધર્મ પાળતા જલ્દીથી થઈ જાઓ ને આ
ગામમાં હિંદુ ધર્મનું દેવળ જલ્દીથી થાય તેમ આ ગામના ભાઈઓને વિનંતી કરું છું વગેરે
મને આપની આ જ્ઞાતિમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા જે ઘણા સંકટો સહન કર્યા છે. જેના
ઉપરથી ધ્રુવ પ્રહલાદ મોક્ષે ગયા તેના ઉપર એક દાખલો આપ્યો હતો. મનુષ્ય કર્મને આધીન
છે સર્વે પોતાના કર્મને અનુસરે છે. ભાઈઓ કલ્પીત ધર્મો પંથો તો ઘણા છે પરંતુ હિંદુ
સનાતન ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. આપણી જ્ઞાતિમાં કેટલીક બહેનોમાં ખરાબ ટેવ છે
જે કોઈ ભાઈ સાથે હાથ મીલાવીને મળે છે તે બરોબર નથી. તે વસ્તુ ખાસ સુધારવાની જરૂર
છે. હાથ તો પતિ સિવાય બીજાને આપવો તે મહાન શાસ્ત્ર વિરૂદ્ધ વાત છે વગેરે વગેરે
(તાળીઓ)….
૧૧. માસ્તર
વિજયશંકર ગામ ઉખેડાવાળાનું ભાષણ
પ્રમુખ સાહેબ ત્યા પધારેલા સજ્જનો કેળવણી શું વસ્તુ છે તે આપ સર્વે પધારી અમારા આ ઉખેડા ગામને જે લાભ આપ્યો છે તે માટે
ગામના વતી તમો પધારેલા ભાઈઓનો આભાર માનું છું.
કેળવણી શું વસ્તુ છે. સનાતન ધર્મ જુનામાં જુનો ધર્મ છે ને તે જ સત્ય છે ધર્મને
દીપાવવું તે ઉપદેશકનું છે આપ સર્વે સનાતન ધર્મ પાળો માતા પિતાની ફરજ પાળવી. રામાયણ
મહાભારતનું વાંચન ચાલુ રાખવું. આવેલા મહેમાનોનો આભાર માન્યો હતો ને સૌ—સૌ ભાઈઓ જે
બોલ્યા તેમાંથી જરૂર તમારા હીતનું હોય તે લેશો તે જે બોલે છે તે સત્ય છે તેનું
પાલન કરશો. ભાઈ રતનશીને આપ સર્વે જાણો છો છતાં તે મારી જ્ઞાતિ સિવાય અમલદારો વગેરે
તેમને સંપૂર્ણ જાણે છે વગેરે વગેરે.
૧૨. પા.
કાનજીભાઈ ગોપાલ કાદીયાવાળા
શ્રીમાન પ્રમુખ સાહેબ તથા માતાઓ તથા બહેનો મારાથી જે આગળ જે ભાઈઓ બોલ્યા છે
તેના તમામ વિચારો સાથે હું મળતો છું ને તેને ટેકો આપવા ઉભો થયો છું વગેરે વગેરે
(તાળીઓ)
૧૩. પા.
કરશનભાઈ ભીમજી કોટડાવાળા
શ્રીમાન પ્રમુખ સાહેબ તથા માતાઓ તથા બહેનો,
આપણા આવેલા જ્ઞાતિ ભાઈઓ આ સ્થાને પધારેલા છે જેનો આભાર માનું છું. આપણે હિન્દુ
તરીકે ગણાતા નથી તેમ મેં જાતે અનુભવ્યું છે ને આપણને ધર્મ છુપાવવો પડે છે.
તે ઇમામશાહ બાવાનું પણ કહેવું છે આ ધર્મ લાબું ટકવાનું નથી. વિશેષ આપણે
કુરીવાજોને નિંદી કાઢ્યા હતા. આપણામાં વિદ્યાના અભાવથી આપણને બીજા ફોલી ખાતા તો
હવે આપણને કાંઈક પગભર અત્યારે છીએ હવે વિશેષમાં આપણો ઉદ્ધાર આપણા બાળકોને કેળવવાનો છે. તો ગામોગામ શાળાઓ
આપણા ધર્માદા પૈસામાંથી ખોલવી જોઈએ. વગેરે વગેરે (તાળીઓ).
૧૪. પા.
ખીમજીભાઈ નાગજી શ્રી મથલવાળા
શ્રીમાન પ્રમુખ સાહેબ વહાલા જ્ઞાતિ બંધુઓ —
પીરાણા ધર્મ આપણને બંધબેસતું નથી. આપણા પૈસાથી સૈયદો હજારો જીવો કાપે છે તેમ
જે ગોળી છે તેને નિંદી કાઢી હતી તેને ત્યાગવી જોઈએ ને હિન્દુ ધર્મ તથા હિન્દુના
રિવાજો પાળવા જોઈએ વગેરે વગેરે (તાળીઓ).
૧૫. કરમશીભાઈ
વીશરામ મથલવાળા
મારા વહાલા જ્ઞાતિ બંધુઓ તથા બહેનો,
આજની સભામાં જે હું ઉભો થયો છું તેનું કારણ જે અમારા ગામમાં જ એટલે મથલ ગામમાં
જે શ્રાવણ વદ ૦))(અમાસ)ની સભા ભરાયેલ જેમાં હું બોલવા ઉભો થયેલ તેમાં જે મથલની
સંસ્થાને આક્ષેપ આપેલ તો આક્ષેપ વ્યક્તિગત હતો જે ફક્ત ૧ જણના ઉપરનો હતો. તો જનરલ
સંસ્થાના ઉપર આ આક્ષેપ નથી જેનો ખુલાસો કરવા ઉભો થયો છું. વિશેષ આપણે ઉન્નતિનો
માર્ગ પ્રથમ ઝડપે સુધારવાની જરૂર છે ત્યાર બાદ જ્ઞાતિના ઉદ્ધાર કરવાની યોજનાઓ
કરવાની છે ને મારી વહાલી જ્ઞાતિને નમન કરી બેસી જાઉં છું વગેરે વગેરે (તાળીઓ).
૧૬. શ્રીમાન
ભાઈ રતનશી ખીમજી શ્રી વીરાણીવાળાનું ભાષણ
મહેરબાન પ્રમુખ સાહેબ પટેલ નથુભાઈએ મને બોલવાનું કહ્યું તે હું આપની પાસે બે બોલ કહેવા ઉભો થયો છું મારી માન્યતા એવી છે
કે જે આ શરીર આ જ્ઞાતિના અર્થે છે ને મેં જે આ સેવા સ્વીકારી છે તે જ્યાં સુધી આ
શરીર છે ત્યાં સુધી આ જ્ઞાતિ સેવા કરતો રહીશ ને આ શરીર પડી જવા પછી પણ બીજી વખત આ
જ્ઞાતિમાં પુનઃ અવતાર લઈ આ રહેલું જ્ઞાતિનું સેવા કાર્ય પૂરું કરીશ. વિશેષમાં આ
ઉખેડા ગામનો બીજા ગામ કરતાં હું આ ગામનો વધારે ઋણી છું કારણ કે જે મારી માતૃશ્રી
પણ આ ગામના હતા જેથી આ ગામના ભાઈઓ પાસે ભીક્ષાદ જે ધર્મની જ જે હિંદુ સનાતન ધર્મનો સ્વીકાર કરી જેમ હનુમાન રામચંદ્રજીના
ચરણોમાં રહેતા હું તેમ જ્ઞાતિના ચરણમાં રહું ને આ જ્ઞાતિની સેવા કરું એમ ઇચ્છી
રહ્યો છું ભાઈઓ તથા બહેનોને જે કોઈને આ વાતમાં સંશય હોય તો મારી ભીક્ષા એજ છે જે
આપને કોઈ વખત સદ્દશ્ય દેખાશે. આ ગામમાં શ્રી ભગવાન પાસે આરતીઓ વાગે અને પીરાણા જતા
પૈસા બંધ થાય તો જ આપણી જ્ઞાતિની ઉન્નતિ છે. આપણા વડીલો આપણા ધર્માદા નાણાં પીરાણે
મોકલે છે તે ધર્મદાઝ છે એમ સમજી મોકલતા નથી પણ વડીલો પોતાનો સ્વાર્થ સાધવા અર્થે
પીરાણાનો સાથ લઈ આપણા ધર્માદાના નાણાને વેડફી નાખે છે જેથી હવે જાગૃત થાવ. હિંદુ
સનાતન ધર્મ ટકાવા માટે કેવા કેવા મહાન પુરૂષો આ હિંદુસ્તાનમાં આત્મ ભોગ આપી ગયા છે
જેના ઉપરથી મહારાજશ્રી છત્રપતિ શિવાજીનો ઇતિયાસીક દાખલો આપ્યો હતો ને બીજો દાખલો
ક્ષત્રાણીનો શીયળ ભંગનો દાખલો આપ્યો હતો. તે બાદ ગોળી શું વસ્તુ છે તે પણ
સમજાવ્યું હતું ગોળીના ભ્રષ્ટાચારથી આપણી જ્ઞાતિમાં આ અજ્ઞાનતાના વિશેષ મુળ આ
ગોળીના જ છે તેથી હવે ગોળીનો ત્યાગ કરી અને પવિત્ર ગંગાજળનું પાન કરો તો જ આપણી
જ્ઞાતિ ઉન્નતિને માર્ગે આવશે. ખાલી હું બોલું અને તમે બધાઓ મારા બોલવા ઉપરથી તમો આ
સ્થળે અંજાઈ કરીને તાળીઓ વગાડો તે કરતાં થોડું જાજું મારા બોલવાનું આપ ગ્રહણ કરશો
તો મારા કાર્યને હું કૃતાર્થ માનીશ. બહેનો તમોને મને કહેવાનું છે જે આપણી બેનો
માંથી કેટલી બહેનો રજસ્વલા ધર્મ પાળતી નથી જેથી બહેનો મારી વિનંતી છે જે બાઈઓ
રજસ્વલા ધર્મ નહિ પાળતી હોય તેને જ મારું કહેવાનું છે અને તે રજસ્વલા ધર્મ ના
પાળવાથી તેમાં થતી હાનિઓ કહી સંભળાવી હતી. વિશેષમાં સભાજનોને કહ્યું હતું જે હવે
જલ્દી જાગૃત થાઓ ને સનાતન ધર્મનો ધ્વજ ફરકાવો. આજે અમને પ્રભુએ જે સુજાડ્યું તે
આપણી પાસે જે અમારી બુદ્ધિ અનુસાર જે આવડ્યું
તે આપણી આગળ હું તથા આપણી જ્ઞાતિના વિશેષ ભાઈઓએ પોતાની બુદ્ધિ અનુસાર
કહ્યું ને હવે પછી આ જ્ઞાતિના હીત માટે અમોને જે વખત બોલાવશો તે જ વખતે દોડતા આવશું આપણી જ્ઞાતિમાં આ પીરાણા પંથનો સડો
પડે ઘણા વર્ષો થયા પરંતુ તે વાત જાહેર ઓછી આવી હતી પણ હવે આ વાતે એટલું ભયંકર જબર
રૂપ લીધું છે જે કચ્છના કર્મચારીઓ તેમ ગુજરાત,
કાઠીયાવાડ અને દેશના કર્મચારીઓથી આપણા આ કચ્છના અધિપતિ
મહારાઓશ્રી આપણી આ જ્ઞાતિમાં જે સડો છે તેને સંપૂર્ણ જાણે છે. હાલમાં આપણા કચ્છનો
એક દાખલો બન્યો છે જે આપણી આગળ રજૂ કરું છું જે ગઢ પાસે એક પાણીનો બંધ બંધાયલો છે
તે ગઢનું નામ આસરાણી કહેવામાં આવે છે. જે નજીક એક નવું ગામ વસાવવા નક્કિ થતા
કચ્છના અધિપતિ મહારાઓશ્રી વિજય રાયસાહેબ સવાઈ બહાદુરને સ્થાને પધારેલ હતા જ્યાં
આપણી જ્ઞાતિના કેટલાક ભાઈઓને ત્યાં પોતાના નામથી જમીનના પ્લોટની માંગણી કરી હતી.
જે રાજ્યે તેમની માંગણી અનુસાર આપી હતી. જેમાં આપણી જ્ઞાતિના ભાઇઓએ ધર્માદા મકાન
રાખવાની માંગણી કરી હતી જે રાજ્યે આપી હતી. તે બાદ જમીનનું કાર્ય પૂર્ણ થતાં
મહારાઓશ્રીએ આપણી જ્ઞાતિના ભાઈઓને પૂછ્યું હતું જે તમો આ ધર્માદા મકાનમાં શાની
સ્થાપના કરશો જે ઉપરથી આપણા જ્ઞાતિના ભાઈઓએ જણાવ્યું હતું જે ખાનું બનાવશું જેના
ઉપરથી મહારાઓશ્રીએ જવાબ આપ્યો હતો જે ખાના માટે ધર્માદા જમીન આપવામાં આવશે નહિ.
મહારાજશ્રી એ કહ્યું હતું જે તમો શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બાંધો ને તમારી
જ્ઞાતિમાંથી ઝઘડાઓ કાઢી નાખો એ ઉપરથી ચોખ્ખું જણાય છે જે આપણા જ્ઞાતિમાં જે આ સડો
છે તે સડો દુનિયાની દૃષ્ટિએ બરાબર નથી. હવે આપણો ઘણો ટાઇમ દીધો ને મારા બોલવામાં
કાંઈ અનિષ્ટોથી ભરેલું હોય તો હું આ જ્ઞાતિનો સેવક છું ને આપણી આગળ આ જ્ઞાતિના
ચરણે મસ્તક નમાવી માંગણી કરું છું જે મને માફ કરશો એજ (તાળીઓ).
નથુભાઈ નાનજી
ગામ નખત્રાણાવાળાનું ભાષણ
વ્હાલા જ્ઞાતિ બંધુઓ પૂજ્ય વડીલો તથા બહેનો,
આપની પાસે આપણી જ્ઞાતિમાં કેટલાક વિશેષ ભાઇઓએ જુદી જુદી
રીતે આપણી જ્ઞાતિમાં પડેલ ભુલના રદીયા તેમ પોતાના અનુભવ થયેલ દાખલા આપણી પાસે રજૂ
કર્યા છે જે આપ શાંતિથી સાંભળ્યા છે. ને જણાય છે જે જરૂર આપણે આ સભાનું કાર્ય તથા
અમારું બોલવું આપણે સત્ય લાગ્યું છે જેનાથી હવે આપણે વહેલી તકે સુમાર્ગે આવીએ એમ
મારી વિનંતી છે. ને આપણે સુમાર્ગે આવવા માટે તો શું પ્રથમ પગલે કરવું જોઇએ જેનો એક
ખરડો આપણી પાસે રજુ કરું છું.
જે ખરડો ૬૫ ગામના ભાઇઓએ મળીને આ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે ખરડાનું આપ જરૂર
પાલન કરજો. એવી મારી આ જ્ઞાતિ પાસે પ્રાર્થના છે વગેરે વગેરે. (તાળીઓ)
તે બાદ આજ સભાના શ્રી પ્રમુખ સાહેબ ઉભા થઈ આજની આ સભામાં જે જે વક્તાઓ જે જે
કાંઈ બોલ્યા છે તેના ઉપર બહુ જ સારામાં સારું જ્ઞાતિને હિત ખાતર પોતાના કેટલાક ઉદ્ગારો
સહીત વિવેચન કર્યું હતું ને આજના આ કાર્યને સફળતા રીતે જે થયું જેથી આ જ્ઞાતિના
ભાઈઓનો આભાર માની સભાનું કાર્ય પૂર્ણ થયું હતું. (ને સભા વિસર્જન કરવામાં આવી
હતી.) તે બાદ મથલ ગામથી એક સતસંગ મંડળી જે આપણી જ્ઞાતિના યુવકોની જે આવી હતી તે
સતસંગ મંડળીએ વાજીંત્રો ઉપર ઈશ્વરના ભજનોની
ધુન બહુ જ પ્રેમથી ગજાવી મુકી હતી. જેની અસર પણ આ સભામાં બેઠેલા સભાજનોને
બહુ જ આનંદ પ્રિય લાગી હતી. તે બાદ સૌ પોતપોતાને સ્થાને વિખરાયા હતા.