Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ
શ્રી ખોંભડી પાનમૂર્તિ પ્રતિષ્ઠા કાર્યની મીનીટ, ખોંભડી તા. ૧૪.૦૫.૪૬ (14-May-1946)
સવારના ૧૧ વાગ્યાથી અમે મંદિરના શણગાર કાર્યમાં અહીંના તમામ સનાતની ભાઈઓ ગુંથાયેલ હતા. આવનાર મહેમાનો તથા વોલીન્ટીયર ભાઈઓ સારું ખાવા ઉતરવાની સુંદર સગવડ રાખવામાં આવેલ હતી. ઉતારા માટે મકાન તેમજ વાસણો વગેરેની લોહાણા મહાજન ભાઈઓ તરફથી સુંદર સગવડ થયેલ હતી. અને તે બદલ સનાતન ભાઈઓ તેનો સહર્ષ ઉપકાર માનેલ છે. આજ સાંજ સુધીમાં તમામ વોલીન્ટીયર ભાઈઓ આવી ગયેલ હતા. જેમાં નીચે મુજબ ગામોએથી ટુકડીઓની સંખ્યા આવેલ હતી. વીરાણી—૧૨, કોટડા—૧૪, મથલ—૧૨, રસલીયા—૫, દેશલપર—૮ અને ખોંભડી—૨૦ આમ કુલ ૭૧ વોલીન્ટીયર ભાઈઓએ હાજરી આપેલ હતી. જેઓ જરા પણ જુદાઈ ન ગણતાં તરત કામમાં જોડાઈ ગયેલ હતા. આજે સાંજના ૦૪ વાગે અહીંના લધારામ ભીમજીભાઈ નામના એક પાટીદાર ગૃહસ્થી કે જેઓ મુંબઈ હતા. તેઓ ત્યાંથી એરોપ્લેન મારફતે ભુજ અને ભુજથી સ્પેશીયલ કારથી અત્રે આવી ગયેલ હતા અને તેઓની રજા મળતાં અહીંના લગભગ ૩૦૦ યુવકો કે જેઓ આજ સુધી અંદર પેટે સમાજમાં ભાગ લેતા હતા તેઓ જાહેરમાં આ કાર્યમાં જોડાઈ ગયેલ હતા અને તેઓનાં ઓચિંતા વર્તન ફેરથી તેમનાં પીરાણા પંથી વડીલો ઉશ્કેરાઈ ગયાં અને તેઓનો વેગ અટકાવવા બનતા ઉપાયો કર્યાં પરંતુ સર્વે નિષ્ફળ ગયેલ હતા. આજે સાંજ સુધી અમે ગામને નાકાં તથા ઠેકઠેકાણાં બોર્ડો તથા સભા મંડપ બતાવતો સનાતની ધ્વજ ફરકાવી દેવામાં આવેલ હતો. ગામમાં સનાતની ભાઈઓનાં ફક્ત ૭ સાત ઘર છે. જેઓ આજ વીસ વરસથી બીજા પીરાણા પંથીઓથી જુદા બેઠા છે તેઓ સાથે ખાવા પીવા કે બીજો કોઈ પણ જાતનો વહેવાર નથી છતાં પણ તે ભાઈઓ પાસેથી જાણવા મળેલ છે કે અહીંના ગામ ધણી જાડેજાઓ તથા લોહાણા મહાજન ભાઈઓ તેમજ અન્ય હિંદુ ભાઈઓની કૃપા વડે અમોને જરા પણ મુંઝવણ આજ સુધી ઉત્પન્ન થયેલ નથી. અહીંના હિંદુ ભાઈઓનું સંગઠન અને જ્ઞાતિ ભેદ ભાવ રાખ્યા વગરનું વર્તન ખરેખર આવકારદાયક ગણાય. સાજે ૦૬ વાગે સમાજના પ્રમુખશ્રી રતનશીભાઈ તથા બીજા બે ભાઈઓ વીરાણાથી આવી ગયેલ હતાં.
ખોંભડી તા. ૧૫.૦૫.૪૬
આજે વહેલી સવારથી ગામના તમામ ભાઈઓ તથા બહારગામથી આવેલ સ્વયંસેવકો જુદે જુદે કામે લાગી ગયેલ હતા. ૧૦ વાગે સવારના નાકાં વગેરે કાર્ય વ્યવસ્થિત કરી લીધેલ હતું. સ્વયંસેવકોએ મંદિરની અંદર હવનકુંડ તૈયાર કરી લીધેલ હતો અને ૧૦॥ વાગે વાજતે ગાજતે જલયાત્રા કરવા ગયેલ હતા. કેટલાક ભાઈઓ તો જુદાં જુદાં કામોમાં જ મશગુલ બની ફરજ અદા કરી રહેલ હતાં.
જાહેર સભાનો રિપોર્ટ તા. ૧૫—૦૫—૪૬
શ્રી મુળજીભાઈ ખોંભડી વાલા
પૂ. મહારાજશ્રી, ભાઈઓ, તથા માતાઓ
અમારા ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પાનમૂર્તિ પ્રતિષ્ઠા કાર્ય માટે આપ સર્વ ભાઈઓને આમંત્રણથી બોલાવેલ છે. અમારા ગામમાં પાટીદારોની વસ્તી ઘણી છે. પરંતુ સનાતનમાં પહેલ કરનાર ભાઈઓ બહુ જ થોડા છે. તો અમારા આ કાર્યમાં આપ બહારથી આવનાર ભાઈઓની મદદની ખાસ જરૂર છે અને મદદ મળશે ત્યારે જ અમારા કાર્યમાં ખામી જણાશે નહિ. વસ્તુઓ બધી તૈયાર છે પરંતુ તેનો ઉપયોગ કરનાર અમો બહુ જ થોડા ભાઈઓ છીએ તો મારી આપ સર્વે ભાઈઓ સમક્ષ વિનંતી છે કે અમારું આ કાર્ય તમારું પોતાનું સમજીને વહોરી લઈ અમારા ગામની શોભા વધારશો એવી આશા રાખું છું. આજની આ સભા શ્રીમાન રતનશીભાઈ સમાજના પ્રમુખની સુચનાથી કરવામાં આવેલ છે. (મુ. આપણને બીજા ઘણાં કાર્યો કરવાના હોવાથી તરતમાં સમેટી લેશું એવી આશા રાખું છું.
શ્રી રતનશીભાઈ વીરાણી
પૂ. મહારાજશ્રી, ભાઈઓ તથા બહેનો,
શ્રીયુત મુળજીભાઈએ આ ગામની જે પરિસ્થિતિ વર્ણવીને આપણે બધા સમજી ગયા. ખોંભડી ગામમાં ઘણા દહાડા થયા સનાતની ભાઈઓનાં ફક્ત સાત જ ઘર છે. તેઓ આજ સુધી એક નિષ્ઠાથી ધર્મ કાર્ય કર્યે જાય છે. જ્યારે આજે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ પધરાવવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકેલ છે. તો આ કાર્યમાં તન, મન અને ધનથી સેવા આપવાની આપણી દરેક સનાતની ભાઈઓની ખાસ ફરજ છે. આપણે મહેમાન તરીકે આવેલ નથી. આપણું સ્વાગત આપણે પોતાને જ કરવાનું છે. તેમાં કંઈ પણ વિટંબણા કે માન અપમાન જોવાનું નથી. પરંતુ આપણું કાર્ય દૃૃઢપણે કર્યે જવાનું છે. આજે જુદે જુદે ગામેથી આપણા સનાતની ભાઈઓ પધારવાના છે તો તેઓની સગવડ સાચવવાની જવાબદારી આપણા શીર પર છે તે માટે કાર્યક્રમ અત્યારે જ ઘડવામાં આવશે અને આપણે સર્વે જ્ઞાતિ સેવાનો પૂરતો લાભ લેશું એવી આશા રાખું છું. ત્યાર બાદ સ્વયંસેવકોની ફરજ શું છે તે વિષે સારામાં સારું વર્ણન કરી દરેક સ્વયંસેવક ભાઈઓને સમજાવેલ હતું.
નીચે મુજબ કામની વહેંચણી કરેલ હતી. રસોડા વિભાગમાં શ્રી રસલીયા મથલ તથા દેશલપરના વોલીન્ટીયર ભાઈઓને નીમવામાં આવેલ હતા. તથા સભામાં આવનાર ભાઈઓની વ્યવસ્થા જાળવવાનું કાર્ય પણ તેઓને જ સોંપવામાં આવેલ હતું. સભા મંડપ તથા મંદિરના કામકાજ ખાતે શ્રી કોટડા તથા વીરાણીના વોલીન્ટીયરો નીમાયેલા હતા. આવનાર ભાઈઓના ઉતારા વગેરેની સગવડ કરવા ખોંભડીના વોલીન્ટીયરોને નીમવામાં આવેલ હતા. ઉપર પ્રમાણે બધા ભાઈઓને કાર્યની વહેંચણી કરી દેવામાં આવેલ હતી અને તે બધા ભાઈઓની મદદમાં શ્રી દેશલપરના તથા રસલીઆના ભાઈઓ રોકાયેલ હતા. આ પ્રમાણે બધા જ ભાઈઓએ પોતાનું કાર્ય સંભાળી લીધેલ હતું. ત્યાર બાદ સભા કાર્ય સમેટી લેવામાં આવેલ હતું અને કોટડાથી આવનાર મહેમાનનું સામૈયું તથા ભગવાનની મૂર્તિના ફુલેકાની તૈયારીઓ કરવામાં આવેલ હતી.
સામૈયાનું વર્ણન :
મહેમાનોનું સામૈયું કરવા ગામમાંથી તમામ હિંદુ ભાઈઓ વાજતે ગાજતે વથાણમાં ગયેલ હતા. જેમાં ગામના લોહાણા બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે ભાઈઓની હાજરી હોઈ ગામના જુજ પાટીદારોની જરા પણ ઉણપ જણાયેલ નહોતી. સામૈયામાં આશરે ૩થી સાડા ત્રણ હજાર માણસોની સગવડ હતી. સરઘસ પાછું વળતાં ખાના પાસે આવતાં પીરાણા પંથીઓ ભીંતો પરથી આ રમણીય દેખાવનું અવલોકન કરી રહેલ હતા પરંતુ તેમા હાજરી આપવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકેલ નહોતા. પાછા વળતાં ભગવાન લક્ષ્મીનારાયણની પાનમૂર્તિ સાથે લઈ લેવામાં આવેલ હતી. આખા ગામમાં ફરી પાછા સભા મંડપમાં આવતાં ૨॥ કલાક જેટલો સમય વ્યતીત થયેલ હતો.
ખોંભડીમાં થયેલ જનરલ સભાનો રિપોર્ટ તા. ૧૫—૦૫—૪૬ (15-May-1946)
સમય રાતના ૮થી ૧॥ સુધી
પ્રમુખની દરખાસ્ત મુકનાર :
શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા
ટેકો આપનાર : શ્રી રતનશીભાઈ નારાણ ખોંભડી વાળા
પ્રમુખશ્રી : શ્રી પરબતભાઈ લખુ મથલ વાળા
પ્રમુખશ્રી : પૂ. મહારાજશ્રી ભાઈઓ તથા બહેનો
મને આજની સભાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવેલ છે તો હું મારી બુદ્ધિનુસાર તે સ્થાન સંભાળવાની સહાનુભૂતિ બતાવું છું અને મારું સ્થાન સંભાળું છું.
મહારાજ દયાળદાસજી—વાંઢાયવાળા
મંત્રોચ્ચાર.
મહેરબાન પ્રમુખ સાહેબ, સજ્જનો, બ્રહ્મ સમાજના સદગૃહસ્થો અને બહેનો,
આજની સભા જોઇ અતીશય હર્ષ થાય છે સનાતન ધર્મમાં આટલા બધા ભાઈઓ ભાગ લઈ રહેલ છે તેથી આનંદ થાય છે જ. પાટીદાર ભાઈઓના આ કાર્યમાં બીજી કેટલીક જ્ઞાતિઓ બલ્કે હિંદુઓ સર્વે ભાગ લઈ રહેલ છે તે જોઈ આનંદ થાય છે. બંધુઓ આ સમય આપણી ફરજ અદા કરવાનો છે આજની સભામાં ઘણા ભાઈઓ બોલવાના છે જેથી હું મારું બોલવું ટૂંકમાં બોલી મારો સમય સમાપ્ત કરીશ. આવતી કાલે આ ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણને આપણા મંદિરમાં પધરાવશું તે આપણા હૃદય મંદિરમાં પણ પધરાવવાના છે અને ત્યારે આપણે પ્રભુ પાસેથી શું માગશું … ભજન.
સાર : પ્રભુ પાસે આપણને એજ માગવાનું છે કે જ્ઞાન આપો અને નિર્મળ બુદ્ધિ આપો. શક્તિનું દાન આપો. આપણા આ મંદિરનું કાર્ય કરતાં કરતાં શ્રી નારાણભાઈ શીવજીએ પોતાનો ભોગ આપ્યો અને તે કાર્ય આજે આપણે પૂર્ણ કરીએ છીએ ત્યારે તેઓના આત્માને કેટલો બધો આનંદ થતો હશે. આપણે આપણા ગામમાં પ્રભુને પધરાવી તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખીશું તો પ્રભુ આપણને પગે પગે સહાયતા આપવા માટે બંધાયેલા છે આજે કળીયુગમાં પણ પ્રભુ ભક્તોને સહાય થાય છે જેનો દાખલો …ભજન.
ગાંધીજી જેવા મહાન આર્ય પુરૂષો આર્ય શબ્દ કંઈ નવીન નથી. આપણા વડવાઓ એટલે કે હિંદુસ્તાનમાં મહારાણા પ્રતાપ, શીવાજી, રામ, કૃષ્ણ, હરિશ્વંદ્ર, પ્રહલાદ વગેરે થઈ ગયા તે આર્ય મહાત્માજી જેવાને રાષ્ટ્રીય લડતમાં કેટલાં દુઃખો સહન કરવા પડે છે છતાં પણ પ્રભુ તેઓને પુરતી સહાય આપે છે. આપણે પણ દુઃખ સહન કરી પ્રભુમાં વિશ્વાસ રાખી કાર્ય કર્યે જવું. દઃખથી ડરી જઈ પાછો પગ ભરવો નહિ. હવે પછી વધુ આપણા સમાજના પ્રેસીડન્ટ શ્રી રતનશીભાઈ સમજાવશે. મારા બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો જેમ માવિત્રને બાળકની તોતડી ભાષા પણ મીઠી લાગે છે તેમ ગ્રહણ કરી ક્ષમા કરશો. બીજાને વખોડવા વિષે આરીસાનું દૃષ્ટાંત.
શ્રી મુલજીભાઈ શીવજી ખોંભડીવાલા
મહારાજશ્રીએ આજે ભજન બોલી આપણને જે ઉપદેશ કરેલ છે તે આપણે બહુ જ ટૂંક લાભ લઈ રહેલ છીએ. જેથી આવતી કાલે તેઓના ઉપદેશનો લાભ લેવા પ્રોગ્રામ રાખવાનો વિચાર છે. જે આપ સર્વ સમક્ષ જણાવું છું.
દેવશી કાનજી — દેવપર
આજના પ્રભુના ઉત્સવમાં ઘણા ભાઈઓ પધારેલા જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો એક માણસને પોતાની ખોવાઈ ગયેલી વહાલી વસ્તુ પાછી મળતાં જેટલો આનંદ થાય તેટલો જ આનંદ આજે આપણને આપણો ખોવાઈ ગયેલ સનાતન ધર્મ મળતાં થાય છે. આપણે હિંદુ વિષ્ણુ ભગવાનને માનનારા છીએ છતાં પણ આપણને આપણા ભગવાનમાં પુરતો વિશ્વાસ નથી. આપણે ઘણા ભગવાનોને માનીએ છીએ અને તેથી જ આપણને દુઃખો ભોગવવાં પડે છે. જેમ મુસલમાનો એક ખુદા સિવાય કોઈને માનતા નથી. તેમ આપણને પણ આપણા એક જ ઇષ્ટદેવને માનવા જોઇએ. આપણે સનાતની કયારે કહેવાશુ કે જયારે પ્રભુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીશું. અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરી હવે જ્ઞાન રૂપી તેજસ્વી જ્યોત આપણા હૃદય મંદિરમાં પ્રગટાવવી જોઈએ. ઘણાક શુરવીરો રણે ચડે છે ત્યારે જે જુસ્સો દાખવે છે તેવો જ જુસ્સો મેદાનમાં દાખવી શકતા નથી તેવી જ રીતે આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ પરદેશથી સનાતન ધર્મ સ્વીકારવાની પ્રતિજ્ઞાઓ લઈને આવે છે અને જ્યારે કચ્છના કાંઠા ઉપર પગ દે છે ત્યારે તેના અંધશ્રદ્ધાળુ વડીલોના હુકમથી દબાઈને પીરાણા પંથને જ માને છે અને બધો ઉત્સાહ ઓસરી જાય છે. એ ઘણું જ અફસોસ જેવું ગણાય. આપણે ક્ષત્રિય પંથના છીએ તો આપણા વડીલોના અમર ઇતિહાસો વાંચો. વચનની ખાતર તેઓ શું કરી ગયા છે તે આપણને પણ આપણી ટેક છોડવી જોઇએ નહીં. આપણે પરદેશ જતા હોઇએ ત્યારે આપણને કોઈ પુછે કે તમે કોને માનો છો એટલે આપણે કહેશું કે બ્રહ્મા વિષ્ણુને માનીએ છીએ. જ્યારે આપણને પુછશે કે ક્યો ધર્મ પાળો છો ત્યારે મહાન સવાલ ઉભો થાય છે અને આપણે આપણો ધર્મ બતાવી શકતા નથી તો હવે આપણને સનાતન ધર્મ હાથ લાગી ગયેલ છે એટલે જરા પણ મુંજાવા જેવું રહેશે નહિ. કોઈ પૂછશે તો તરત કહેશું કે સનાતની છીએ. આપણે આથી અગાઉ કંઈ વટલાઇ નહોતા ગયા પણ આપણે આપણા આચાર વિચાર છોડી દીધાં હતાં જેથી આપણને બીજા હિંદુ ભાઈઓ જુદી દૃષ્ટિથી નીહાળતા. જ્યારે આજે આપણે સર્વેની હરોળમાં ઉભા રહી શકવાને શક્તિમાન બન્યા છીએ. આજે આપણી વર્તણુંકમાં ફેરફાર થતાં બ્રાહ્મણ જેવા ઉચ્ચ કોટીના માણસો પણ આપણી સાથે છુટથી ભાણે વહેવાર રાખતાં અચકાતાં નથી. પ્રત્યેક પ્રાણી પર દયા એ આપણું શુભ છે. કરોડોનું દાન કરશું છતાં પણ જો આપણામાં દયા નહિ હોય તો એ દાનનો કંઈ પણ અર્થ નથી માટે દયા રાખવી. હવે હું મારું બોલવું બંધ કરું છું.
શ્રી જેઠાભાઈ હરીભાઈ મથલ
મારા સનાતની જ્ઞાતિ ભાઈઓ પોતાના ધર્મમાં એકનિષ્ઠા રાખી જે કાર્ય કરી રહેલા છે તે માટે ખરેખર હું મગરૂર બનું છું અને હવે અમો ગુજરાતમાં પણ અમારી જ્ઞાતિ માટે અભિમાન કરી શકીશું. મહારાજ શ્રી દયાળદાસજી જેવા જે મારા જ્ઞાતિ બંધુઓને ઉપદેશ આપી રહેલ છે તે હંમેશા આપતા રહેશે. એવી તેઓ પ્રત્યે આશા રાખું છું. અંધશ્રદ્ધાનું દૃૃષ્ટાંત— આંધળો ને ચોર વિષે પથરા પકડાવવા બાબત…
આવી જ રીતે આપણા અંધશ્રદ્ધાળુ વડીલો પીરાણા પંથમાં શ્રદ્ધા રાખી સૈયદ રૂપી ચોરોએ હાથમાં પકડાવેલ પથરાઓ આપણી છાતીમાં મારે છે તો એ પથરા મારનાર મારા અંધશ્રદ્ધાળુ ભાઈઓને હું વિનંતી કરું છું કે આપણે રસ્તો ભુલી જઈએ ત્યારે ભોમીઆ માણસને પૂછવું કે ભાઈ મને રસ્તો બતાવ તેવી જ રીતે આપણે ધર્મ ભુલ્યા હોઈએ તો સુધારક ભાઈઓને પૂછવું કે અમને સાચો ધર્મ બતાવો તેમાં જો શરમ માનીએ તો આપણે વધારે ઉંધે રસ્તે ચડી જઈએ અને પાછળથી પસ્તાવાનો વખત આવે. એજ મારું બોલવું હવે બંધ કરું છું.
માસ્તર પોપટલાલ રઘુરામ — કોટડા (જડોદર)
આજનો ઉત્સવ ખરેખર તો પાટીદાર ભાઈઓનો જ ગણાય છતાં પણ ગામના તમામ હિંદુ ભાઈઓ તેમાં ભાગ લઈ રહેલ છે તેનું કારણ એજ કે આપણે ખોટો માર્ગ છોડી દઈ પાછા સાચે માર્ગે તેઓના સમુદાયમાં જોડાઈએ છીએ તે માટે તે સર્વે ભાઈઓને પણ આનંદ થાય છે. જેમ આપણે ભગવાનના મંદિરને શણગારીએ છીએ તેવી જ રીતે આપણે આપણા હૃદય મંદિરને પણ શણગારવું જોઈએ. એટલે કે આપણે આપણા આચાર વિચારમાં પણ ફેરફાર કરવા જોઈએ અને તે આપણા આચરણો ફેરવવાનો ખરો ધર્મ ધર્મ ઉપદેશકો અને પુજારીઓનો છે. તેઓ આપણને ઉપદેશ દ્વારા આપણા આચરણો ફેરવી શકશે. પાટીદાર સિવાય બીજા દરેક હિંદુ ભાઈઓ ધર્મ કાર્યમાં સંપૂર્ણ સાથ આપી રહેલ છે તે જોઈ આનંદ થાય છે. તમારી જ્ઞાતિ એ ગંગા છે. એ ગંગા બરાબર સીધે માર્ગે જ વહ્યે જાય છે. ફક્ત તેમાં વિધર્મ રૂપી કાદવ અને કચરો છે તે કાઢી નાખવાની આપણી ફરજ છે. આટલું બોલી બેસી જવાની રજા માંગુ છું.
શ્રી પુંજાભાઈ ખેતશી ગ્વાલીયર સ્ટેટ (જનકપુર)
આથી પહેલાં જે ભાઈઓ આપણને અમૃત રૂપી વાક્યો કહી ગયેલ છે તે પ્રમાણે વર્તવાની આપણી બધાની ખાસ ફરજ છે. મારા બોલવામાં કંઈ ખામી જણાય તો આપ સર્વે ક્ષમા કરશો. આપણા આ સુધારા કાર્યમાં યુવકોને ભાગ લેવાનો ખાસ આગ્રહ કરું છું કારણ કે દરેક સુધારા કાર્ય યુવકો થકી જ જાય છે. આજથી ચોવીસ વર્ષ ઉપર અમો કરાંચી મસાણમાં ઉપાસના કરવા જતા જ્યારે અમોને શ્રી નારાણજી રામજી, રતનશી ખીમજી, શીવજી કાનજી વગેરે સુધારક ભાઈઓએ ઉગારેલ હતા. સમજાવનાર ભાઈઓ તો આપણને સમજાવે પરંતુ આપણને તેઓનાં વાક્યો ગ્રહણ કરવાં જોઈએ. શરીર ક્ષણ ભંગુર છે આપણા પર નિશદિન કાળ ભમ્યા કરે છે તો આપણે આપણી જીંદગીના સુકર્મો કરીશું તો જ આપણો ઉદ્ધાર થશે. આથી અગાઉ ઘણા ભાઇઓ ધર્મને માટે પોતાના રક્ત વહેવડાવી ગયેલ છે તો આપણે પણ આપણા મુકી ગયેલ સનાતન ધર્મને પાછો ધારણ કરી આપણી ફરજ અદા કરશું એવી આશા રાખું છું. આથી અગાઉ આપણા ઘણા ભાઈઓ ધર્મ બાબત સુંદર ઉલ્લેખ કરી ગયા છે એટલે તે બાબત વધારે સમય લેવા માગતો નથી. આપણા વડીલો કોણ હતા ? આપણા વડીલો મહાવીર રામચંદ્ર અને પ્રતાપ જેવા થઇ ગયેલ છે. તો આપણે તેના સંતાનો છીએ અને જે માર્ગે તેઓ ચાલી ગયા છે તે જ માર્ગ આપણે પણ ગ્રહણ કરવો જોઈએ. આપણે આપણો સનાતન ધર્મ સ્વીકારવો જોઈએ અને તે ધર્મ સ્વીકારીને ખાલી ધર્મની વાતો જ કરવાની નથી. પણ આપણે તે ધર્મનાં સંબોધન અનુસાર આચરણ કરવું જોઈએ. આપણા હરિશ્ચંદ્ર અને રામચંદ્ર જેવા વડવાઓ પોતે જે માર્ગે આવી ગયા છે તે જ માર્ગે આપણને ચાલવાનું સુચવે છે. હું ગ્વાલીયર સ્ટેટમાં ઘણા વર્ષોથી રહું છું એટલે મને અહીંનો ખાસ અનુભવ નથી છતાં પણ વક્તાઓના બોલવા પરથી અનુમાન કરી શકુ છું કે અહીં યુવક વર્ગમાં જોઈએ તેવું જોર નથી યુવકોએ ખાસ સમજવું જોઈએ કે જ્ઞાતિ નાવનું સુકાન યુવકોના હાથમાં છે. માટે એ નાવ ઉંધી દીશાએ ચડી ન જાય તે માટે સુકાનીએ તો હરહંમેશ જાગૃતીમાં જ રહેવું જોઈએ. આપણે આપણું વર્તન મધુમય રાખવું જોઈએ. ત્યાર બાદ શાસ્ત્રોક્ત દાખલાઓ દ્વારા પ્રેમ કેવો હોવા જોઈએ વગેરે બાબતો સુંદર રીતે ચર્ચી હતી. ત્યાર બાદ કેળવણી વિષે પણ અસરકારક ચર્ચા કરેલ હતી અને હિંદુઓનો ધર્મ શું છે તે સમજાવેલ હતું અને અબળા રક્ષણ વિષે મહારાજા જયસિંહનું દૃૃષ્ટાંત આપેલ હતું. જેમાં માતૃ ધર્મનો પણ સમાવેશ થાય છે. તો આપણને પણ આપણો સનાતની ઝંડો સજીવ રાખવામાં ગમે તેટલા સંકટો પડે તો પણ પાછા હઠવું નહિ. આટલું બોલી બેસી જવાની રજા માગું છું કારણ કે હજુ મારા પછી ઘણા ભાઈઓને બોલવાનું છે.
અસ્તુ. આ પછી શ્રી શીવજીભાઇ કાનજીનું ભાષણ રહી ગયેલ છે તે પાના નં, ૯ (નવ)માં લખેલ છે.
શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણીવાળા સમાજ — પ્રમુખ
આથી અગાઉ બોલી જનાર ભાઈઓ તથા વિદ્ધાનોનો ઉપકાર માનેલ હતો. આપણી જ્ઞાતિમાં કેટલી બધી ખામીઓ દૂર થઈ ગઈ છે તે આપણે આજના મેળાવડા પરથી જાણી શકીશું. આપણે ઈ.સ. ૧પ૪ર થી ૧૮૩ર સુધી પીરાણા પંથને માનતા હતા પણ આચાર વિચાર વૈદીક ધર્મના પાળતા હતા. પરંતુ ૧૮૩ર પછી વલીમીયાં સૈયદ અને ગવરીશંકર ભટ્ટ વિગેરે નખત્રાણા મધ્યે કચ્છમાં આવ્યા અને ત્યારથી આપણા વર્તનમાં ફેરફાર થયો. ભાટને આપણે માનતા હતા તેઓને પણ રજા આપી. સૈયદોનાં આચરણ આપણા ઘરમાં ઘુસેડી દીધાં અને આ પીરાણા પંથના પુસ્તકોમાં પણ અર્ધા મુસલમાની શબ્દો અને અડધા હિન્દુ શબ્દો ઘુસાડી દીધા. પીરાણા પંથના ધર્મ પુસ્તકો બધાંજ હાથથી લખેલ હશે. કોઈ પણ છાપેલાં હશે નહિં તેનું કારણ આવા અર્ધદગ્ધ પંથના પુસ્તકો કોઈ પ્રેસ વાળા પણ છાપે નહિં. સૈયદોએ જો આપણા વડીલોને એમ સમજાવેલ હોત કે આ ધર્મ હિન્દુ નથી તો આપણા વડીલો તેનો સ્વીકાર કદી પણ કરત નહિં. પરંતુ તે ન સમજાવતાં પોલીસી વાપરીને આપણા ધર્મમાં મુસલમાની તત્વો ઘુસેડી દીધાં. આજે કચ્છમાં સનાતની ચાલીસ હજાર છે. તે બધા આવી જાહેર સભાઓમાં શંકાઓનું સમાધાન થવાથી થયેલ છે. આપણામાં વિધર્મી તત્વો આટલાં બધા વરસો સુધી ટકી રહેવાનાં કારણો ઘણાં છે. એકતો કચ્છમાં કંઈપણ સાધનો નથી. નથી કેળવણીનાં કે નથી નવીન સમાચારો જાણવાનાં. આવો પંથ પરદેશમાં એક છ માસ સુધી પણ ટકાવી શકાય નહિં કારણકે ત્યાં આપણા જ ભાઈઓના વર્તનની છાપ આપણાં પર પડે. પરંતુ અહીં તો આપણે આપણા ગુજરાત કાઠીયાવાડના પાટીદાર ભાઈઓથી જુદા પડી ગયા છીએ અને તેઓના સંસર્ગમાં આવી શકયા નથી. એટલે જ આજ સુધી આપણા સાચા ધર્મને ઓળખી શકયા નથી. મારા ઘણાં ભાઈઓને એમ લાગે છે કે સુધારકો તો ધર્મની નિંદા કરે છે પણ અમો એવા અભાગીયા નથી કે ગંગા સ્વરૂપ જ્ઞાતિનીજ નિંદા કરીએ. પરંતુ માતા કુમાર્ગે જતી હોય તો તેને અટકાવી સુમાર્ગે ચાલવાની સુચના કરવાની પુત્રની ખાસ ફરજ છે. મારાથી અગાઉ ઘણાં ભાઈઓ બોલી ગયા તેમ હું પણ કહું છું કે પીરાણા પંથ હિન્દુ ધર્મ છે એમ કોઈ સાબિત કરી આપતું હોય તો હું તેનો જીંદગીભરનો ગુલામ બની જાઉં અને જો તે હિન્દુ નથી એમ અમો જાહેર કરી આપીએ તો સનાતની ઝંડાની ઓથમાં આવે. સૈયદો તરફથી પણ કહેવામાં આવેલ છે કે અમારી જેમ બને તેમ મુસલમાન સમુદાય વધારવાની ફરજ છે અને અમોએ તમારી ભોળી કોમ પર અખતરો કરી અમારી ફરજ અદા કરી છે. રપમી તારીખે હિન્દુ મહાસભાની સભા શ્રી મુંદ્રા મધ્યે થશે અને તેમાં હાજરી આપવાનું મને પણ આમંત્રણ છે. સાચી જનેતાના આશીર્વાદ કેવા હોય કે દીકરો ધર્મયુધ્ધે જતો હોય તો આશીર્વાદ આપીને કહે કે જા બેટા માની કુખ ઉજાળજે. જ્યારે આજ મારા બંધુઓ ધર્મ કાર્યમાં ભાગ લેવા જાય છે એટલે જનેતાઓ તેને અટકાવવા માટે કુવે પડવા જાય છે. ધન્ય છે આવી જનેતાઓને. આમ થવાનું કારણ અજ્ઞાનતા. આપણને ઉપદેશકો મળ્યા નથી. આપણે કોઈના ઉપદેશો ગ્રહણ કર્યા નથી. તેથી જ આવા અજ્ઞાન વિચારો આપણને આવે છે. મારા અંધશ્રધ્ધાળુ વડીલોને વિનંતી કરૂં છું કે જો તમારે ગોળી પીવાની તમારી ટેક કાયમ રાખવી હોય તો તમારા ગામના તળાવેથી માટી લાવી તેની ગોળીઓ બનાવી પીજો પરંતુ પીરાણાથી આવેલ અપવિત્ર ગોળીઓ કદાપી ન પીતા. સાંભળો ગોળીનું વર્ણન.
પીરાણામાં સૈયદોના ચાર કે પાંચ રોજા છે જેને જુદી જુદી જાતો રબારી, કંસારા, કોળી વિગેરે માને છે. આપણી જ્ઞાતિના પીરાણા પંથીઓ મૃતદેહને દફનાવે છે જ્યારે ત્યાંના પીરાણા પંથના અનુયાયીઓ મરનારના મૃતદેહને અગ્નિસંસ્કાર કરે છે. અત્રે આપણે હિન્દુ ભાઈઓ મરનાર માણસનાં ફુલ એટલે કે હાડકાં પવિત્ર જળમાં પધરાવીએ છીએ. તેવી રીતે ત્યાંના માણસો મરનારનાં હાડકાં પીરાણામાં ગંગવો કુવો છે તેમાં નાખે છે. આ ગંગવા કુવામાં દોઢ થી બે ફુટ પાણી રહે છે. હવે ત્યાં ઈમામશાહની કબર ઉપર સુખડ વિગેરે વસ્તુઓનો લેપ કરે છે અને એ લેપના થર કબર ઉપર બાઝે છે. તે બાર માસે ગંગવા કુવાના પાણીથી ધોઈ ને ઉખેડવામાં આવે છે અને એ ધોયેલા કચરામાંથી ગોળીઓ તૈયાર કરી કચ્છમાં દરેક ગામે મોકલવવામાં આવે છે. આ ગોળી આવી રીતે બને છે તેમાં જરા પણ ખોટું છે એમ કોઈ કહેતું હોય તો આ સભા સમક્ષ હાજર થાય અને પોતાનું સત્ય સિધ્ધ કરી બતાવે તો હું તેનો ગુલામ બની જાઉં.
ત્યારે બોલો મારા બંધુઓ આ ગોળી કેટલી અપવિત્ર ગણાય અને તે આપણે પી અને દેહને ભ્રષ્ટ કરીએ. આપણને પોતાને પણ આ વાત કેટલી શરમજનક લાગે છે. તે તમો બધા જ સમજી શકતા હશો. મેં તો જ્ઞાતિસેવાનો ભેખ લીધેલ છે અને કદાચ જ્ઞાતિ સેવામાં અધવચ્ચે મારૂં મૃત્યુ થાશે તો પણ પ્રભુ પાસે હું એજ પ્રાર્થના કરીશ કે મને બીજો જન્મ પણ પવિત્ર પાટીદાર જ્ઞાતિમાં આપ કે જેથી હું મારૂં અધુરૂં રહેલ સેવાકાર્ય પૂર્ણ કરી શકું. જ્ઞાતિની સેવા કરનાર કદી પણ સુખી થતો નથી. ગરૂડજીના અભિમાન વિષે દ્રષ્ટાંત : ટીંટોડીના ઈંડા વિષે.
જ્ઞાતિ જો અન્યાયી હોય તો તેનો સામનો કરવાની આપણી ફરજ છે. પાંચ પાંડવો વતી શ્રીકૃષ્ણ ભગવાને દુર્યોધનને તેઓનો ભાગ આપવા કેટલો સમજાવ્યો પરંતુ જ્યારે દુર્યોધને કહ્યું સોયની અણી જેટલી પણ જમીન પાંડવો માટે નથી. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને પાંડવોને યુધ્ધ કરવાનું કહ્યું અને પોતે અર્જુનના મહારથી બન્યા. આપણી લડત સત્યની છે અને પુંજાભાઈના કહેવા પ્રમાણે દરેક યુવકોએ આ કાર્યમાં ઝુકાવવું જોઈએ. હવે મારૂં શરીર પણ નબળુ પડતું જાય છે એટલે મને આ કાર્યમાં યુવકોના સાથની ખાસ જરૂર છે. આથી અગાઉ આપણામાં ઘણાં જ્ઞાતિ સુધારકો થઈ ગયા પણ તેઓના તરફથી જ્ઞાતિને આવી સભાઓ મારફતે સમજાવવામાં આવેલ નહોતું. અમારી પોતાની પણ કેટલીક ભુલો આજે અમોને સમજાય છે. શરૂઆતમાં અમોએ પણ જ્ઞાતિને સમજાવવા ને બદલે કેવળ તેઓની નિંદા જ કરેલ છે. કરોળીયો જેમ પોતાની જાળ બાંધવાના કાર્યમાં નિરાશ થતો નથી તેમ આપણને પણ આપણા કાર્યમાં કંટાળવું જોઈએ નહિં. મારી બહેનોને ખાસ વિનંતી કરૂં છું કે તમો પણ રથનું એક પૈડું છો. મારા બંધુઓને તમારા સાથની પણ ખાસ જરૂર છે. જે ઘરમાં અજ્ઞાનતા અને અપવિત્રતા છે તે ઘર સ્મશાન રૂપ છે કારણકે ત્યાં પ્રભુનો વાસ હોતો નથી. જો આપણે આપણા ઘરમાં પ્રભુ પધરાવવા હોય તો આપણે નિતી અને ટેકનું પાલન કરવું જોઈએ. આપણી અજ્ઞાન જ્ઞાતિમાં નારી સન્માન પણ નથી. તો પુરૂષોને પણ ભલામણ કરૂં છું કે જ્યાં સુધી નારીઓનું સન્માન સચવાશે નહિં ત્યાં સુધી તેણીઓ આપણને પ્રભુરૂપ ગણશે નહિં. અને જ્યાં સુધી આપણે પ્રભુરૂપ ગણાશું નહિં ત્યાં સુધી આપણા ઘરમાં પ્રભુનો વાસ પણ થશે નહિં. એક નારીનો પતિ મરણ પથારીએ હોય ત્યારથી જ તેની સ્ત્રી ઘરમાંથી સારી સારી વસ્તુઓનો સંગ્રહ કરે છે અને પતિ ગુજરી જતાં તે બીજાનું ઘર દીપાવવા તરત જ રવાના થઈ જાય છે. ધન્ય છે આવી અબળાઓને. તેમ પુરૂષોની પણ ક્રુરતા ઓછી નથી. એક બહેનનો પતિ ગુજરી જાય એટલે તરતજ તેણીના માવિત્રો બીજે ઠેકાણે આપવાનો સોદો કરી તેણીને ઉઠાડી જવા સસરાંને ત્યાં આવે છે. તેણીને બે ચાર બાળકો હોય છતાં પણ જવાની ફરજ પાડે છે. કદાચ તેણી કહે કે મારે પતિવ્રત પાળવું છે અને બીજે નથી જવું. તો ખીસ્સા ભરૂ આગેવાનોનો બિઝનેસ અટકી પડવાના ભયે તેઓ તેણીના માવિત્રોને ઉંધું સમજાવે છે કે તમારી છોકરી વ્યભિચાર કરી તમારા નામને લાંછન લગાડશે. માટે બીજે ઠેકાણે ઘર કરાવો. એટલે તેણીનાં માવિત્રો તેને બળજબરીથી ત્યાંથી પોતાને ઘેર લઈ જાય છે. જ્યારે તેણીનાં સાસરાં તરફથી બાળકો લઈ લેવામાં આવે છે એટલે તેણીને બહુ દુઃખ થાય છે અને કહે છે કે મારાં બાળકો મને ન આપો તો ભલે અહીંજ રાખો પરંતુ મને એક વખત બચી ભરીને ધવરાવવા આપો તો પણ મને શાંતિ વળે. પરંતુ રાક્ષસી માવિત્રો અને સાસરાંઓ તેમ કરવા આપતાં નથી અને બિચારીને રડતી કકળતી લઈ જઈને બીજે ઠેકાણે પરણાવે છે. કેટલી બધી અધમતા. આથી વધારે શું હોય. આપણામાં આટલી બધી નીચતા હોય તો પછી નારીઓ કયાંથી માને કે પતિ અમારા પરમેશ્વર છે. દ્રષ્ટાંત : બરકત થવા બાબત બ્રાહ્મણનાં કુટુંબનું
આપણી પવિત્ર જ્ઞાતિમાં ભૂલો તો ઘણી છે. પરંતુ જનરલ મીટીંગમાં એ ભૂલો ચર્ચવાનું હું યોગ્ય માનતો નથી. આપણી જ્ઞાતિને સત્સંગની પણ ખાસ જરૂર છે. આજની સભા જેવી સભા અગાઉ કદી પણ થયેલ નથી. કથા વિષે દ્રષ્ટાંત સાંભળેલું ગ્રહણ કરવા બાબત દ્રષ્ટાંત. પતિને પ્રભુતુલ્ય માનવા બાબત આજ્ઞામાં રહેવા બાબત. બ્રહ્મવચન ગ્રહણ કરવા બાબત.
સંતાનોમાં સંસ્કાર રેડવાનું કામ સ્ત્રીઓનું છે. તો મારી માતાઓ પોતાના બાળકો કે જે ભવિષ્યના નરવીરોને સાચું જ્ઞાન આપશે એવી વિનંતી કરૂં છું. ત્યારબાદ યુવક વર્ગને આપણા આ કાર્ય માં દ્દઢ નિશ્ચય રાખવા બાબત ભલામણ કરેલ હતી. અને સચોટ દાખલાઓ આપેલ હતા. પછી પોતાના સ્થાને બેસી ગયા હતા.
શ્રી રણમલ માવજી ઉખેડાવાળા
આવતી કાલે અત્રે શ્રી ભગવાન લક્ષ્મીનારાયણ પાન મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે. તેવીજ રીતે આજથી ૭ થી ૮ દિવસ પછી એટલે કે વૈશાખ વદી ૭ અથવા ૮ ના રોજે અમારે અમારા ગામ ઉખરડામાં પણ પાન મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે તો આપણા સમાજના ભાઈઓ જેમ અત્રે પધારેલ છે તેમ તે દહાડે અમારે ત્યાં પણ પધારી અમારા ગામની શોભા વધારશો એવી વિનંતી કરૂં છું.
શ્રી પૂંજાભાઈ ખેતશી
શાસ્ત્રોક્ત સચોટ દાખલા આપેલ હતા તથા એક ગીત ગવડાવેલ હતું.
શ્રી મુળજીભાઈ શીવજી ખોંભડીવાળા
આવતી કાલે આપણે આપણું કાર્ય સવારમાં વહેલું શરૂ કરીશું એવી આપ સર્વે ભાઈઓ સમક્ષ દરખાસ્ત મુકું છું. કારણકે ભગવાન પધરાવવાનું મુહૂર્ત સવારમાં વહેલું છે.
શ્રી શીવજીભાઈ કાનજી પારસીયા નખત્રાણા
ખોંભડી જેવાં ગામમાં આવી જબરદસ્ત સભા થવા બદલ આનંદ વ્યક્ત કરેલ હતો. કહેવત છે કે શીવાજી ન હોત તો હિંદુસ્તાનમાં હિંદુનું નામ નિશાન પણ રહેત જ નહિ. તેવી જ રીતે આપણી જ્ઞાતિમાં પણ આપણા જ વડીલો કે જેઓ સવારમાં ઉઠતાં વેંત જ અલાનું નામ લેતા તેઓ પણ આજે સમાજને તન, મન અને ધનથી ટેકો આપી રહેલ છે. મારા સનાતની ભાઈઓને વિનંતી છે કે આપણે આપણા ધર્મનું સ્થાન બનાવી આપણા આચરણોની બીજા પર છાપ પાડો. મને ઘણા યુવકો પાસેથી જાણવા મળે છે કે અમોને અમારા માવિત્રો તરફથી ખુબ દબાણ કરવામાં આવે છે. તો મારી માતાઓને મારી ખાસ વિનંતી છે કે તમો તમારા સંતાનોને કુમાર્ગે જતા જરૂર અટકાવો. પરંતુ ધર્મ જેવા સારાં કાર્યમાં ભાગ લેતા હોય તો અટકાવો નહિ. પરંતુ તેમાં જવાની સુચના કરો કે બેટા આપણા સનાતન ધર્મનો ફેલાવો કર. મહારાણા રાજસિંહનું દૃષ્ટાંત માતા ધર્મનો સચોટ પુરાવો. ધર્મના સ્થાનનું નામ કદી પણ બદલવામાં આવતું નથી. જ્યારે આપણા પીરાણા પંથીના દેવળનું નામ અત્યારે ત્રીજું ચાલે છે. શરૂઆતમાં ખાનુ નામ હતું પછી જગ્યા નામ થયું અને હવે જ્યોતિષધામ થયું. કહો ત્યારે આપણને આપણા દેવળના નામમાં ફેરફાર કરવાની શું જરૂર છે અને સમય અનુસાર નામના ફેરફાર થાય છે તો પછી તેની અંદરની વ્યવસ્થામાં પણ ફેરફાર શા માટે ન હોવો જોઈએ? આ ગામમાં સનાતની ભાઈઓ થોડા છે છતાં પણ પ્રભુ પોતાનાં કાર્ય પોતે કરશે. માટે આપણે આ કાર્ય નિડરપણે કર્યે જવું. આપણો સનાતની ઝંડો અમર રાખવામાં આપણને ગમે તેટલાં સંકટો પડે તો પણ સહન કરવાનો આપણો ધર્મ છે. આટલું બોલી બેસી જવાની રજા લઉં છું.
શ્રી રતનશી ખીમજી વીરાણી
આપ સર્વે ભાઈઓને એક આનંદના સમાચાર આપવાના છે અને તે એજ કે આ ગામમાં ભગવાનનાં મંદિરની સ્થાપના કરનાર સ્વર્ગવાસી શ્રીયુત નારણભાઈ શીવજી વાઘડીઆ છે. તેઓએ મારી રૂબરૂ પ્રતિજ્ઞાઓ કરેલ કે મને મારા ગામમાં ભગવાનની મૂર્તિનું પ્રતિષ્ઠા કાર્ય મારા હાથે જ કરવું છે. પરંતુ તે ભાઈની જીવન સફર ટૂંકી હોતાં તેઓ આ કાર્ય પોતાને હાથે કરી શક્યા નથી. પરંતુ તેઓની પ્રતિજ્ઞા આવતી કાલે જ આપણે પૂર્ણ કરવાના છીએ ત્યારે તેમના અમર આત્માને કેટલી શાંતિ થશે અને આ કાર્ય કરનાર ભાઈઓને તેઓ કેટલા બધા શુભાશીર્વાદો આપશે. આપણે આવતી કાલે પ્રતિષ્ઠા કાર્ય તેઓની અત્રે હાજરી છે એમ માનીને કરવાનું છે. એ વીરનર સ્વર્ગવાસી થયો છે છતાં પણ અમર છે. ધન્ય છે આવા નરરત્ન પેદા કરનાર જનેતાઓને. આવતીકાલે પ્રતિષ્ઠા કાર્ય પહેલાં ચોઘડિએ હોઈ આપણે બધા ભાઈઓ સવારમાં ૭॥ વાગે દાતણ પાણી કરી નાઈ ધોઈ આવી જશું એમ ઇચ્છું છું. આપણે એમ માનીએ કે ખોંભડીમાં સાત જ ઘર સનાતનીનાં છે તો આપણી મોટી ભૂલ છે.
અસ્તુ સમાપ્ત પૂર્ણમ્
સમય ૧॥ વાગે રાતનાં
પ્રમુખની સહી
પટેલ પરબત લખુ
ખોંભડી તા. ૧૬—૦૫—૪૬
સવારના ૭॥ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી થયેલ કામકાજની નોંધ
સવારના ૮॥ વાગે બધા જ ભાઈઓ સભા મંડપમાં આવી ગયેલ હતા. વોલીન્ટીયરો એ જયનાદ પોકાર્યા હતા. શ્રી પ્રમુખ સાહેબે સુચના આપી કે આપણામાંથી કોઈ એમ ન સમજે કે અમો મહેમાન તરીકે આવેલ છીએ. પરંતુ અહીંના વતની સમજીને કાર્ય કરતાં રહેવું.
જાહેર સભા
સમય ૯ થી ૧૨ સવારના.
પ્રમુખની દરખાસ્ત કરનાર શ્રી મુલજીભાઈ શીવજી ખોંભડી
ટેકો આપનાર
શ્રી શીવજીભાઈ કાનજી નખત્રાણા
પ્રમુખ
શ્રી પરબતભાઈ લખુ મથલ
પ્રમુખ :
આજનું પ્રમુખ સ્થાન જોકે અહીંના વતની ભાઈએ સ્વીકારવું જોઈએ છતાં પણ કોઈ તૈયાર નહોતાં પ્રમુખ સ્થાન મને આપવામાં આવે છે તો હું તેનો સ્વીકાર કરી મારું સ્થાન લઉં છું.
શ્રી રતનશીભાઈ ખીમજી વીરાણી
આજે આપણને કાર્ય ઘણા કરવાના છે અને સમય થોડો રહેલ છે. સભા માટે ઘણા ભાઈઓને હોંશ હશે પણ સમયના અભાવે આજે સભા થઈ શકે તેમ નથી. આપણે આપણું કાર્ય ઝડપથી કરતાં જઈશું એમ ઇચ્છું છું. આપણી જ્ઞાતિમાં લગભગ ૨૩ મંદિરો આથી અગાઉ થઈ ગયેલ છે અને પાંચ મંદિરો અત્યારે પણ તૈયાર છે. આથી પણ જણાઈ આવે છે કે આપણામાં કેટલી જાગૃતિ આવી ગયેલ છે. આ ગામમાં સનાતની ભાઈઓમાં ફક્ત સાત ઘર જ છે. તો આપણે આપણી ફરજ સમજીને એ ભાઈઓને ત્રણે જાતની સેવા આપશું એમ ઇચ્છીએ છીએ કહેવત છે કે પંચ કી લકડી એક્કાબાજ તો આપણે તેઓને પૂરતી સહાયતા આપશું એમ ઇચ્છું છું. હવે ભગવાનને પધરાવવાનું કાર્ય કરવાનું છે તો તમો સર્વે ભાઈઓ યથાશક્તિ ફાળો આપશો એવી આશા રાખું છું.
કાર્યક્રમ | |
મંદિરનું ઈંડું ચડાવનાર | |
૭૫૧/— | મુળજીભાઈ શીવજી વાસાણી — ખોંભડીવાળા |
ધજા ચઢાવનાર | |
૪૫૧/— | લધાભાઈ મેઘજી — રસલીઆવાળા |
મૂર્તિ પધરાવનાર | |
૯૫૧/— | શ્રી રતનશીભાઈ ખીમજી — વીરાણીવાળા |
ગણપતિ પધરાવનાર | |
૪૫૧/— | વિશ્રામભાઈ રામજી — ખીરસરાવાળા |
ભગવાનનો હાર ૧ લો | |
૪૦૧/— | મેગજી લખમશી — વીરાણીવાળા |
ભગવાનનો હાર ૨ જો | |
૧૦૧/— | વાલજી ભાણજી વાડીયા — માધવકંપા (ગુજરાત) |
ભગવાનનો હાર ૩ જો | |
૨૦૧/— | કાનજી વીરજી નાકરાણી — વીરાણી વાળા |
લક્ષ્મીજીનો હાર ૧લો | |
૨૫૧/— | વિશરામ રામજીના માતાજી પુરબાઈ — ખીરસરાવાળા |
લક્ષ્મીજીનોહાર ૨ જો | |
૫૧/— | કેસરબાઈ (રતનશી ખીમજીના બહેન) — વીરાણીવાળા |
લક્ષ્મીજીનો હાર ૩ જો | |
૫૧/— | નથુભાઈ પ્રેમજી — મથલવાળા |
ભગવાનની આરતી ૧ | |
૨૫૧/— | વાલજી ભાણજી વાડીઆ — માધવકંપા (ગુજરાત) |
ભગવાનની આરતી ૨ જી | |
૨૦૧/— | કાનજી વાલજી ભાવાણી — મથલ (હાલે મોતીસરી, ગુજરાત) |
ભગવાનની આરતી ૩જી | |
૧૫૧/— | રૈયા ખીમજી નાકરાણી — નેત્રાવાળા (હાલે સદાતપુર) |
મહાવીરની મૂર્તિ પધરાવનાર | |
૨૦૧/— | વિશ્રામ લધા — રસલીયા |
ચમર ઢાળનાર | |
૨૫૧/— | નાનજી હરજી વાસાણી — કોટડા (જડોદર) |
ભગવાનને પ્રસાદ ચડાવનાર | |
૧૫૧/— | વાલજીભાઈ લખુ — ઉખેડાવાળા |
૪૮૬૬/— |