Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
રસલિયા ગામમાં સનાતન ધર્મ પ્રચાર માટે મળેલ
જાહેર સભાનો અહેવાલ — દિનાંક 11-Sep-1945
॥ ૐ ॥ હરિ ૐ
સાં. ૨૦૦૨ના માસ ભાદરવા સુદ ૫ ને ભોમવાર(મંગળવાર) {VSA: 11-Sep-1945} ની રાત્રે ગામ શ્રી રસલીયા શુભ સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની એક જાહેર સભા ભરવામાં આવેલ જેમાં નીચે મુજબ ગામના ભાઈઓની હાજરી હતી. અને તે સભામાં ગામકોટડા—૫૦, મથલ—૪૫, નખત્રાણા—૧૫, વીરાણી—૬, ઉખેડા—૩૫, કાદીયા—૧૦, રવાપર—૬, નેત્રા—૫, ખીરસરા—૬ રસલીયા વગેરે ગામના ભાઈઓએ હાજરી આપી હતી.
શ્રી ઈશ્વરની પ્રાર્થના |
શ્રી પ્રમુખની દરખાસ્ત રજૂ કરનાર નથુભાઈ નાનજી ગામ નખત્રાણા વાળા, |
ટેકો આપનાર શીવગણભાઈ કાનજી ગામ રસલીયાના સેક્રેટરી, |
શ્રી પ્રમુખ સાહેબ કરશનભાઈ અરજણ ગામ રસલીયા |
પ્રમુખ સાહેબ કરશનભાઈનું ભાષણ
વહાલા જ્ઞાતિ બંધુઓ હું પ્રમુખ પદને લાયક નથી પણ સેક્રેટરી સાહેબે મને પ્રમુખ થવાની આજ્ઞા કરી જેથી હું જ્ઞાતિજનોના સેવક તરીકે આ પદ સ્વીકારું છું. મારામાં એટલી સભામાં સ્પષ્ટ બોલાય તેમ નથી માટે ભાઈઓ આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ આપણે આજે સનાતન ધર્મ વિશે સમજાવશે, તે આપ શાંતિથી સમજશો.
પટેલ પરબત લખુ ગામ મથલવાળાનું ભાષણ
શ્રીમાન પ્રમુખ સાહેબ તથા ભાઈઓ મને સેક્રેટરી ભાઈએ બોલવા આજ્ઞા કરી તે હું મારી અલ્પ બુદ્ધિથી બોલું છું. હું જ્ઞાની નથી. મારા હૃદયના ઉદ્ગારો આપણી પાસે રજૂ કરું છું. મારો કહેવાનો હેતુ એ જ છે કે અહીં સવારે શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કરવાની છે ને સનાતન ધર્મ એટલે ફરજ પુત્ર પિતાની આજ્ઞા પાળવી. પત્ની પતિની આજ્ઞા પાળવી ને નીતિથી વર્તવું એ જ સનાતન ધર્મ છે અને વિદ્યા એ પણ એક ધર્મ છે. વિદ્યા વિના નર પશુ સમાન છે. વિદ્યાથી જ ધર્મ સમજી શકાય છે અને ભાઈઓ આજથી આગળ વીસ વર્ષે યુવક મંડળ ખોલ્યું છે તેના લેક્ચરોના પેપર આવતા તે હું જાતે બાળી નાખતો. તે હું નિંદા સમજતો હતો પણ તે નિંદા નહતી. તે આપણા હિતના માટે પેપર મુકતા હતા ને ભાઈઓ વિદ્યર્મીએ આપણને જેમ ઉઠાં ભણાવ્યા તેમ આપણે ઉઠાં ભણ્યાં પણ જ્યારે આપણે પરદેશ ફર્યા ને ત્યાંના લોકોના સત્સંગથી ધર્મ જાણતા શીખ્યા ને પછી આપણે સાચું કહેતા શીખ્યા. જેમ ખેતીને નીંદવા વગર પાક સારો થાતો નથી. તેમ આપણા ધર્મમાં કુધારાને નીંદવા ગામો ગામ સભા કરીને કુધારાને નીંદશું ત્યારે જ ધર્મ સનાતન ચોખ્ખું થાશે. ભાઈઓ આપણી જ્ઞાતિના ભાઈઓને પરદેશ જાતા ધર્મ ઉપર કેટલું સંકટ સહન કરવું પડે છે આ જગત ધર્મને આધારે નભી રહ્યું છે. ભાઈઓ ખાસ રીતે આપણે અગ્નિ સંસ્કાર અને ચોરી કરવા જોઈએ એટલું કહી બેસી જવા રજા માંગુ છું. (તાળીઓ)
મહાત્મા દયાળદાસનું ભાષણ
ભાઈઓ મને નથુભાઈએ બોલવા દરખાસ્ત મુકી છે તો હું બે બોલ કહું છે તે શ્રવણ કરશો તે પછી એક ભજન ૐ વિશે સમજાવ્યું હતું. ભજન
ૐ, “ૐ ઉચ્ચારેંગે ભારત કું હમ તારેંગે” એ ભજન બહુ સારી રીતે વાજીંત્ર સાથે ગાઈ સંભળાવ્યું હતું. ભાઈઓ ૐ નો અર્થ કરવા હું બેસું તો ઘણો ટાઇમ જાય અને અહીં ઘણા વક્તાઓ આવ્યા છે. માટે કોઈ વખત તેનો અર્થ કરી સમજાવીશ. આ જ્ઞાતિમાં અવિદ્યાના કારણથી આ બધી ત્રૂટીયો દેખાય છે. તેમ ધર્મ ગુરૂઓ પોતાના સ્વાર્થને માટે ખરો ધર્મ આપણને ભુલાવી નાખે છે. માટે આપણા બાળકોને વિદ્યા અભ્યાસમાં વિશેષ લક્ષ્ય આપશો તો આ જ્ઞાતિનો જલ્દી ભાગ્ય ઉદય થાશે. આપણી જ્ઞાતિમાંથી જે જે ભાઈઓ આપણી આગળ બોલી રહ્યા છે તે માત્ર પ્રતાપ વિદ્યા દેવીનો છે. ભાઈઓ આપણી જ્ઞાતિમાં આજે ૩૫ વર્ષ થયા જે જાગૃતિ કરવા માટે જે મંથન કરી રહ્યા છે તેને હું ધન્યવાદ આપું છું. આપણે જલ્દી જાગૃત થવું જોઈએ ને સત્ય કર્મ કરવું જોઈએ ને સત્ય વસ્તુ પ્રાપ્ત કરવી એ આપણી ફરજ છે. જેના ઉપરથી એક ગજબ હાથે ગુજારીને ભજન ગાયું હતું. તે બાદ જણાવ્યું હતું જે આપણામાં ખરું ક્ષત્રિય પણું રહ્યું નથી. જેના ઉપરથી સ્વામી દયાનંદસરસ્વતીનો દાખલો આપ્યો હતો ને તેના ઉપર ભજન પણ ગાયું હતું. ને કેટલાક આ જ્ઞાતિમાં પડેલ કુરીવાજો નાબુદ કરવા ઉપર વિવેચન કર્યું હતું ને આપ ભુલા પડ્યા છો તે જલ્દી જાગૃત થાવ ને સનાતન ધર્મનો સ્વીકાર કરી જે ઉપર બહુ જ અસરકારક વિવેચન કર્યું હતું ને આ કાર્યમાં વિરાણીના શ્રીમાન રતનશીભાઈના આ શુભ કાર્યમાં જે સારો ભાગ લઈ રહ્યા છે તેને ધન્યવાદ આપ્યો હતો ને તે બાદ આપણી જ્ઞાતિમાં એક પ્રથા છે જે અમારા જેમ વડીલો કરતા જાય છે તેમજ અમો કરતા આવીએ છીએ એવી કહેવત છે જેના ઉપર એક દૃૃષ્ટાન્ત ધ્રુવ અને પ્રહલાદ મોક્ષે ગયા એવું એક દૃૃષ્ટાન્ત આપ્યું હતું તે પછી બહુ જ્ઞાતિ હિતનું બહુ અસરકારક વિવેચન કર્યું હતું ને આ પાખંડી ધર્મથી દુર થાઓ એવું વિનવ્યું હતું. (તાળીઓ).
ખીમજી કચરા ગામ રવાપરવાળાનું ભાષણ
શ્રીમાન પ્રમુખ સાહેબ, તથા પૂજ્ય જ્ઞાતિ બંધુઓ મને આજ આ સભા જોઈ બહુ આનંદ થાય છે કે આપણી જ્ઞાતિમાં સનાતન જાગૃતિ થઈ. અહીં લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા થવાની છે તો ભાઈઓ હવે આપણે જ્ઞાતિના ભાગ્યનો ઉદય થયો છે તેમ સમજો. ભાઈઓ ધર્મ રૂપી જે મુકશે તેને ધર્મ મુકશે આપ રસલીયા ગામમાં સંપથી આ ધર્મ રૂપી કાર્ય કરી રહ્યા છે. તો પરમ કૃપાળુ પરમાત્મા તે કાર્ય પરીપૂર્ણ કરશે. ભાઈઓ પૈસા હોય ને દાન ના કરે તે પૈસા નથી ને જેમાં વિદ્યા નથી તે મનુષ્ય નથી અને મનુષ્ય એજ કે ધર્મ સમજે મનુષ્ય એજ કે ખરા—ખોટાનું નિર્ણય કરે સંપત્તિ એજ કે જેને નારાયણનું નામ સમર્યું આપણા ઘણા કુરીવાજો છે તે સર્વે ભેગા બેસી સંપથી કાઢવા જોઈએ. આપણામાં એકતા નથી ત્યાં સુધી કાંઈ થવાનું નથી. ધર્મનો વિષય બહુ ગહન છે તે મહાત્મા દયાલદાસે સમજાવ્યો છે વગેરે વગેરે (તાળીઓ).
ભાઈ કરશન ભીમજી ગામ કોટડાવાળાનું ભાષણ
પ્રિય જ્ઞાતિ બંધુઓ આજની સભામાં આગળ જે ભાઈઓ બોલી ગયા છે ને મારું કહેવાનું એજ કે પહેલું સંગઠનની જ જરૂર છે. ગામ રસલીયામાં શ્રી લક્ષ્મીનારાયણની છબીનું એટલે પાનમૂર્તિનું સ્થાપન થાય છે તેમજ ગામ કોટડાના વડીલો પાસે માંગણી કરું છું કે આપણા ગામમાં પાનમૂર્તિનું સ્થાપન થાયએવી વડીલો પાસે મારી પ્રાર્થના છે.
કેશવજીભાઈ વીરજી ગામ રસલીયાવાળાનું ભાષણ
ભાઈઓ તમારી જ્ઞાતિની જાગૃતિ કરવા રતનશીભાઈ તથા બીજા અન્ય ભાઈઓ તમોને જે સમજાવી રહ્યા છે તે તમારા હીતના માટે છે તેના પછી શ્લોક,
યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ…
જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે પરમાત્મા પોતે અવતાર ધારણ કરે છે અને સ્વધર્મની સ્થાપના કરે છે. ભાઈઓ મનુષ્ય અવતાર એક જ વાર મળે છે માટે સ્વધર્મનું પાલન કરવું ને નીતિના રાહ પર ચાલવું વગેરે વગેરે (તાળીઓ).
ખીમજીભાઈ નાગજી ગામ મથલવાળાનું ભાષણ
પૂજ્ય જ્ઞાતિ બંધુઓ આપણે કોણ આપણો ધર્મ શું ને સનાતન ધર્મ એટલે શું તેના ઉપર શ્લોક સનાતન ધર્મ એટલે જુના ધર્મને પ્રમાણે વર્તણુકને ભાઈએ આ ભાષણથી સમજાવ્યું તે ઘણા નીંદા માને છે પણ ખરું જોતાં તે જ્ઞાન યજ્ઞ છે ને આ શાંતિ જાગૃત કરી રહ્યા છે. તેમની લાગણી શુભ છે ને આપણા ધર્માદાના નાણાં જ્ઞાતિના હિતમાં વાપરો ને વિદ્યા માટે શાળા ખોલવી ને તેના ઉપર ધાબુ ભરવાનું.
તેજા લધા ગામ મથલવાળાનું ભાષણ
ભાઈઓ આપણે સમજવું જોઈએ કે પરમાત્મા એક જ છે. સૂર્યના પ્રકાશ માફક પરમાત્મા છે. પરમાત્મા સર્વવ્યાપી છે તે નીરાકારને સાકાર રૂપ છે અને જેમ ગામ રસલીયામાં લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા થાય છે તેમ ગામો ગામ થાય એમ ઇચ્છું છું.
પ્રાગજી વીરજી ભક્તનું ભાષણ ગામ રસલીયા
મારા સંતજનો આ ગામ લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા થવાની છે તે જોઈ મને ઘણો આનંદ થાય છે. હું સભામાં કોઈ દિવસ બોલ્યો નથી જેથી મારું બનાવેલું એક ભજન ગાઈ સંભળાવું છું વિગેરે વિગેર (તાળીઓ).
નથુભાઈ નાનજી ગામ નખત્રાણાવાળાનું ભાષણ
પ્રિય જ્ઞાતિ બંધુઓ આજની સભા સર્વ ધાર્મિક ભાષણ થાય છે ને કાલે લક્ષ્મીનારાયણને પધરાવશુંને આ કાર્ય કરવું તે સર્વેની ફરજ છે ને આજે બધાએ ઉજાગરો કર્યો છે તેને ધન્યવાદ છે. આવા શુભ કાર્ય માટે સર્વે ભાઈઓને મારી વિનંતી છે આ ગામમાં આપણી જ આગળ મંદિર છે તેમાં સવારે જ પ્રભુ બીરાજશે પ્રભુના ચાર હાથ છે. એક હાથમાં ગદા છે ને આપણી ઉપર અવળી વીંટબણાને ગદાથી નાશ કરશે ભાઈઓ આપણી જ્ઞાતિનું સત્ય કાર્ય કરવા પાછા હઠવું નહિ અને ભાઈઓ સનાતન ધર્મને માનનારી વ્યક્તિ ૩૦ હજાર છે આપણે ન્યાતથી જુદા પડવું નથી. ધર્મ એ મનની માન્યતા છે. વગેરે વગેરે (તાળીઓ).
રતનશીભાઈ ખીમજી ગામ વીરાણીવાળાનું ભાષણ
પ્રમુખ સાહેબ જ્ઞાતિ બંધુઓ મને જ્ઞાતિના હીત માટે નથુભાઈએ જે દરખાસ્ત મુકી તે હું બે બોલ બોલું છું. આ સભા કાયદા પ્રમાણે જ છે જે ભાઈ કાંઈ બોલે છે તેનું બોલવું અક્ષરે અક્ષર લખાય છે મને આજે આનંદ થાય છે કે આજે સભામાં વધારે વ્યક્તિની હાજરી છે ભાઈઓ આપણે અવિદ્યાથી જ પાછળ રહી ગયા છીએ. વિદ્યા ગુપ્ત ધન છે કારણ કે વિદ્વાન સર્વે જગ્યાએ પૂજાય છે. વિદ્વાન રાજ્યનો પણ પૂજ્ય છે. વિદ્યાથી ધર્મનું પાલન કરી શકાય. ભાઈઓ મુસલમાનો પોતાના ધર્મને માટે જાહેર રીતે પોકારે છે, બ્રાહ્મણ ખુલી રીતે વેદની પુકાર કરે છે અમો સ્વધર્મની જાગૃતિના માટે સભામાં જાહેર રીતે પોકાર કરીએ છીએ તે અમારું કહેવાનું ઘણા ભાઈઓ નિંદા રૂપી ગણે છે પણ અમો નિંદા નથી કરતા ભાઈઓ જ્ઞાતિની નિંદા કરનાર રવ રવ નરકના અધિકારી થાય છે. આપણા હજારો ભાઈઓ પરદેશ જાય છે જે ત્યાંના આચાર વિચાર જોઈને પોતાની પડેલ ભૂલ સમજાય છે. જેથી તે જ્યારે દેશમાં આવે છે ત્યારે પોતાના માતા પિતા પાસે ભીક્ષા માગે છે કે આપણે આપણા ધર્મમાં કાંઈક આચાર લક્ષણોમાં ફેરફાર કરવો તેવી માંગણી કરે તો તેમના ગામના આગેવાનો તેમને ઠોલીયો અથવા તેવું કાંઈ ના છાજતું નામ આપે છે. જેથી તે બીચારા યુવકોને ઘણું જ લાગી આવે પણ લાચારીની સાથે સહન કરવું પડે છે. કારણ કે માતા પિતા, બધું ભાઈઓ જુનવાણી રીતોમાં સલવાયલા પડ્યા રહેવાથી તેમને ન છુટકે તેમની સાથે રહેવા ફરજ પડે છે. આવા યુવકોને પડેલ વીંટબણાઓ સહન નહિ થતાં ઈશ્વર પાસે યાચના કરે છે જે હે પ્રભો અમોને આવી વીંટબણામાંથી મુક્ત કર ઈશ્વર કૃપાથી હવે જરૂર એ યુવકોની દાઝ ઈશ્વર સાંભળે છે, એ યુવકો દશરથ રાજાનું દૃૃષ્ટાંત યાદ કરે છે. વિશેષમાં હું જણાવું છું જે હું વિદ્વાન નથી પણ મારા શરીરનું લોહીનું એક એક ટીપું મારી આ જ્ઞાતિની સેવાને અર્થે વપરાય એમ ઇચ્છું છું. કચ્છમાં એંશી ગામમાં આપણા ભાઈઓ વસે છે તેમાં લગભગ ૬૦ ગામમાં પ્રચાર અર્થે હું ગયો છું અને ઈશ્વર પાસે યાચના પણ કરું છું જે જલ્દી આ જ્ઞાતિનો ઉદ્ધાર થાય. ભાઈઓ સેવાનો માર્ગ બહુ જ ગહન છે. કારણ કે મનુષ્ય માત્રની પ્રકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે તે માત્રનું સહન કરવું પડે છે. આપણી નાતના પૂજ્ય વડીલોને હું કહું છે જે મારા બોલવામાં શંકા લાગે તો આપ તેનો ખુલાસો લેવા શક્તિમાન છો ને અમો તેનો પ્રતિ ઉત્તર આપવા બંધાઈએ છીએ. આપણી જ્ઞાતિમાં આ જ્ઞાતિસેવાનું કાર્ય જે કાંઈ લખાયેલું છે તેનું કારણ જે આપણી જ્ઞાતિમાં કેટલાક દંભી સેવકો છે તેના કારણથી આપણું આ કાર્ય કાંઈક લંબાણું છે હું વિશેષથી વધારે પડતું પણ કહું છું જે જ્ઞાતિની સેવાના માટે ઘડી ભર પ્રાણની આહુતિ આપવી પડે તો પણ હું આપવા તૈયાર છું. હું જ્યારે સુવું છું તેમાં નિંદ્રા પણ આવતી નથી ને આ જ્ઞાતિના કાર્યમાં રાત દિવસ એજ વિચારો આવે છે જે કેમ વહેલી તકે આ જ્ઞાતિનું કાર્ય જલ્દી પાર પડે હું જ્યારે મુંબઈ હતો ત્યારે પણ આપણી આ જ્ઞાતિની સેવાનું કાર્ય મારી પાસે રજૂ થતા તે જ વખત જેમ હું જમવા બેઠેલો હું તો તે જમવાનું એક બાજુ મુકી આ જ્ઞાતિની સેવાનું કાર્ય મારાથી બનતું કરવા હું ભૂલ્યો નથી. મારી નિંદા કરો યા વખાણ કરો તે હું એક સમાન માનું છું મને માન આપવા કરતા અપમાન જ વધારે સારું ગણું છું. કારણ કે માન માણસને ફુલાવે છે અને અમારોમૂળ હેતું જ્ઞાતિની સેવાનો છે મારાથી વધુ પડતું બોલાયું હોય તો માફ કરશો વગેરે વગેરે. (તાળીઓ).
શીવગણભાઈ કાનજી ગામ રસલીયાવાળાનું ભાષણ
પ્રમુખ સાહેબ તથા જ્ઞાતિ બંધુઓ તથા પૂજ્ય માતાઓ તથા બહેનો મારી નમ્ર પ્રાર્થના છે કે આ કાર્ય અમારા વડીલોને દુભાવવા માટે કર્યું નથી. અમો આ કાર્ય કેવા પ્રમાણથી કર્યું છે તે હું તમોને કહું છું તેમાં મારા કહેવામાં માઠું લગાડશો નહિ. મારા હૃદયના ઉદ્ગારો સાથે આ કામનો હેતુ તમોને સમજાવું છું. અમો આજે મુંબઈ વસ્તા ઘણા વર્ષો થયા તેમાં ઘણા ગુજરાતી ભાઈઓ તથા કચ્છના લુહાણા ભાઈઓ અમોને કહેતા તમો બધુ જાણો છો પણ હિંદુ ધર્મ ચુકી ગયા છો તમારી જ્ઞાતિ બધી વાતે ઉત્તમ છે પણ ધર્મ ઉપર હિંદુ નથી ગણાતા તમો ઉચ્ચ જ્ઞાતિ છો તમો જુવો મેગવાળ જેવા પણ ચોરી કરીને પરણે છે તો તમો તેમ પણ કરતા નથી ને પવિત્ર થવા માટે ગોળી રાખી છે. જગત વંદનીય ગંગાજળ જેવી શુદ્ધ વસ્તુને છોડી છે માટે ભાઈઓ આપણે ગંગાજળ જેવી વસ્તુનો ત્યાગ કર્યો તે ઉપર ગંગાવતરણનો દાખલો ભગીરથનું દૃૃષ્ટાન્ત સમજાવ્યું હતું. તે પછી જણાવ્યું હતું કે આપણે સમજવું જોઈએ કે આવા વટલાળ પંથથી દુર થવું જોઈએ તેના ઉપર મેં અમારા ગામના વડીલો પાસે પ્રાર્થના કરીને કહ્યું કે જે ગંગાજળનો વપરાશ એટલે ગોળી કાઢીને ગંગાજળનું સેવન કરો તો અમારે જુદું કરવાની કોઈ જરૂર નથી. તો તે વાત અમારા વડીલોએ માની નહિ. તે પછી મેં વિચાર્યું કે સ્વધર્મના માટે મરી ફીટવું એવું ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે માટે સ્વધર્મને માટે આપણે ધર્મ રૂપી કાર્ય કરશું પણ વડીલો બહુ નારાજ થશે ને ઠોલીયા ગણશે પણ સ્વધર્મને માટે તે સર્વે સંકટો જાળવીને કાર્ય તો અવશ્ય કરવું એવું નિરધારી કાર્ય અમો એ આદર્યું છે તે તમારા સર્વ ભાઈઓના પ્રતાપે ફળીભૂત થાય. ભાઈઓ આદિ અંતપ્રાય ધર્મ આપણાં વડીલો આપને સમજાવે છે તે ધર્મને વર્ષ ૫૦૦ લગભગ થયા છે તે હું પીરાણે ગયો ત્યાં અમારી પડેલીયું જનોઈયું જોઈયું ત્યારે મને થયું અમો હિંદુ છીએ ને અમોને મુસલમાન બનાવવા માટે અમારીયું જનોઈયું ઉતરાવીયું છે ને પછી જણાવ્યું કે હવે એમ ભાસ પડે છે કે આપણી જ્ઞાતિનો ભાગ્ય ઉદય થશે કારણ કે વિદ્યાની ઉપર જેમ પટેલ પરબત લખુએ ભાષણ આપ્યું તેમ હવે આપણી જ્ઞાતિમાં ગામો ગામ શાળા છે ને તેમાં વિદ્યા પણ સારી રીતે છોકરાઓમાં છે ને ભાઈઓ આપ આજે અહીં પધાર્યા તેના માટે હું આપનો આભાર માનું છું વગેરે વગેરે (તાળીઓ).
તે પછી સભા વિસર્જન કરવામાં આવી હતી.
તે પછી રઘુપતી રાઘવ રાજારામની ધુન બોલવામાં આવીને પછી વાજીંત્રથી સારા સારા સ્વસ્તીક બ્રહ્માનંદના ભજનો ગાયા ને પછી રાસલીલા કરવામાં આવી હતી ને પ્રભાત થતાં પ્રભાતીયાં સારી રીતે ગાયા ને તેટલા વખતમાં શ્રી સૂર્યનારાયણે પોતાના દર્શન આપ્યાં ને સર્વ સભાજનો પોતાના સ્થાને ગયા.
સાં. ૨૦૦૨ના ભાદરવા સુદ ૬ને બુધવાર {VSA: 12-Sep-1945} ના
પ્રભાતથી થયેલ કાર્યક્રમની થયેલી નોંધ નીચે મુજબ
પ્રથમ મંડપના નીચે ભાઈઓ તથા બહેનો સૌ ખુશી આનંદથી એકત્ર થયા ને તે વખત આજના કાર્યક્રમની રૂપરેખા રૂપે ભાઈ નથુ નાનજી એ સંભળાવ્યું ને ત્યારથી વાજીંત્રો સહીત સરઘસના આકારે એક જબર જુથ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિર તરફ બહુ જ આનંદથી સનાતન ધર્મના જયનાદ તથા શ્રી ઉમિયા માતાજીના જયના નાદથી તથા લક્ષ્મીનારાયણ ભગવાનના જયનાદથી તથા બહેનોએ પોતાના મધુર કંઠોથી ઈશ્વરના ગીતો તથા સત્સંગ મંડળીઓ પણ ઈશ્વરના ગુણગાન ગાતા વાજતાં શ્રી રામચંદ્ર ભગવાન મંદિરે ગયા હતા ને ત્યાંથી તે મંદિરમાંથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમાની છબીને ફુલહારોથી શણગારી ખુબ વાજતે ગાજતે આનંદને લીલાલહેર તથા સનાતન ધર્મના નાદના ઉચ્ચારોથી બહુ જ આનંદથી તે સરઘસ જે સ્થળે મંદિરની પ્રતિષ્ઠા હતી તે તરફ એ સરઘસ વળ્યું હતું ને તે વખતના આનંદ તથા મનુષ્યમાં ભાઈઓ તથા બહેનોનો પ્રેમ વગેરે એક સ્વર્ગના ઇન્દ્રાસનની ઉપમા આપીએ તેવું જણાતું હતું ને સરઘસમાં સાધુઓ પોતપોતાની ફરજ તથા બ્રાહ્મણો પોતાની ફરજ તથા બીજા કર્મચારીઓ સૌની ફરજ અદા કરી રહ્યા હતા તે સરઘસ મંદિર પાસે આવતાં મંદિરની સામે એક હવનના કુંડ પાસે તે પ્રતિમા રાખવામાં આવી હતી અને બ્રાહ્મણોએ તે છબીની પ્રાણ પ્રતિષ્ઠાના વેદો ઉચ્ચારનો કાર્યક્રમ ચાલુ કર્યો હતો. ને બહાર મંડપમાં એક જાહેર સભા ભરવામાં આવી હતી. આ સ્થળે એક વાત ખાસ યાદગીરી લાવે છે જેમ સનાતની ભાઈઓ પોતાના ઈષ્ટ દેવને માટે જેમ તાલાવેલી તથા પોતાના આનંદ મંગળથી લીન થયેલા જોઈ અને સામી પાર્ટી ખાનાવાળા ભાઈઓથી સહન ના થઈ શકવાથી આ સનાતન ભાઈઓએ જેમ પાંખી પાળી તેમજ ખાના પાર્ટી વાળાએ પાંખી પાળી હતી ને સનાતની ભાઈઓ જેમ ભગવત પ્રસાદની પ્રસાદી હતી તે વસ્તુ ખાના પાર્ટી વાળાને સહન નહિ થતાં ખાના પાર્ટી વાળા ભાઈઓએ ખાનામાં બત્રીશી થાળનો તૂત ઉભું કર્યું હતું જે તે ભાઈઓ આજુબાજુના ગામડાઓમાંથી દોઢાને બમણા પૈસા ખર્ચી ગોળ વગેરે વસ્તુઓ લાવી આ ભગવતની પ્રસાદી સામે સામનો કર્યો હતો. વિશેષમાં બહુ ખુશ થવા જેવી વાત છે. જે જે સનાતન ભાઈઓ શ્રી લક્ષ્મીનારાયણની છબીને સરઘસના આકારે રામચંદ્ર ભગવાનના મંદિરથી લાવ્યા હતા તે સરઘસનો દેખાવ બહુ સારો અને ઉત્સાહવાળો જોઈ ખાના પાર્ટીવાળા ભાઈઓમાંથી કેટલાક ભાઈઓને સરઘસનો સામનો કરવો તેવી તાલાવેલી જાગી હતી જે ઉપરથી તે ખાના પાર્ટીવાળા ભાઈઓ એ પણ એક સરઘસ ઉભું કર્યું હતું. જેમાં સરઘસના મુખ્ય ભાગ પર બે ઢોલ વાળાઓ પોતાની ફરજ અદા કરી રહ્યા હતા જે તે ખાના પાર્ટીવાળા ભાઈઓએ બહાર ગામના કેટલાક મુખીને આમંત્રણથી બોલાવ્યા હતા તે મુખી ભાઈઓ સરઘસના મુખ્ય ભાગ પર પીરાણા સતપંથના પુસ્તકો લઈને પોતાની ફરજ અદા કરી રહ્યા હતા ને બીજા આજુબાજુના કેટલાક પીરાણા સતપંથના ધર્માદા નાણાં પચાવી ખાનારા કેટલાક ભાઈઓએ સરઘસમાં ભાગ લીધો હતો ને ખાના પાર્ટીવાળા ભાઈઓએ સરઘસમાં પીરાણાની જય, સતપંથની જય, બાવા ઈમામશાહની જય, નરઅલી મોહમંદ સાહેબની જય આવા બુલંદ પોકારો બહુ જ જુસ્સાથી ગજાવી રહ્યા હતા. ને બહેનોએ કળશોનું એક જબરદસ્ત સરઘસ કાઢ્યું હતું જે બહેનો આગળ એક હજામ નાચ કરતો તથા વાજીંત્રોથી એ બહેનોને રીજાવતો હતો અને કેટલાક ટઇઆ ફુટા છોકરાઓ પૈસા એ બહેનો ઉપર ગોળ કરી એ હજામને આપતા હતા, અને તે સરઘસ આખા ગામમાં ગલીએ ગલીએ ફરી સનાતન ભાઈઓના સરઘસનો સામનો કેવો મજબુત કર્યો છે તેવું તાદ્દશ્ય કર્યો હતો ને તે સરઘસ જ્યાં સનાતન ભાઈઓની જે જાહેર સભા હતી ત્યાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાની પ્રતિમા મંદિરમાં બીરાજમાન કરવાનું કાર્યક્રમ ચાલુ હતું તથા તે મંદિર ભગવાને પ્રતિમાના દર્શનાર્થે આવેલા કેટલાક સનાતન ભાઈઓ શાન્તિથી ઈશ્વરના શુભ કાર્યોનું નીરીક્ષણ કરી બેઠા હતા ત્યાં એ સરઘસ તે બેઠેલા સનાતન ભાઈઓ ઉપર ચલાવવા ખાનાવાળા ભાઈઓએ નક્કી કરી તે સરઘસ ખાસ જે સ્થળે અમારાથી તે સભા ઉપર તે લોકો ખાસ ચલાવીને તે યજ્ઞનો ભંગ કરવો આવા હેતુથી તે સરઘસ ત્યાં આવ્યું હતું ને તે સરઘસ ત્યાં મંદિરની સામે જ ઉભુ રાખ્યું હતું.ને તે પીરાણા પંથીઓ ખુબ જોરથી પીરાણાની જય, સતપંથની જય, ઈમામશાહ બાવાની જય આવા અવાજો કરી રહ્યું હતું ને જે વખત તે સરઘસ સનાતન ભાઈઓ જ્યાં બેઠા હતા તેની ઉપર આવવાથી તે સરઘસ સનાતન ભાઈઓ એક બાજુ થઈ તેમને જવાનો ખાસ માર્ગ આપ્યો હતો પણ તે ખાના વાળા ભાઈઓવાળું સરઘસ તે જ સ્થાને થોભી જતાં એમની ભાવના કંઈક નવું જુનું કરવાની માન્યતા હતી પરંતુ સનાતની ભાઈઓ એ ખુબ શાંતિ જાળવી તેમની સામે કાંઈ પણ અવાજ નહિ કરતાં પોતાના જે કાર્ય માટે આવ્યા હતા તે કાર્યમાં પોતાનું ચીતવન તથા રટણ કરી રહ્યા હતા તે ખાના પાર્ટીની સરઘસમાં જે ખટપટી ભાઈઓને એમ લાગ્યું કે જે હેતુથી આપે આ સ્થાને આ સરઘસ લાવવા ફરજ પડી તે કાર્ય સિદ્ધ નહિ થતાં બહુ દુઃખ રૂપે ત્યાંથી ખસી જવા કુદરતે તેમને બુદ્ધિ આપી હતી તે સરઘસ ત્યાંથી સીધું ખાના તરફ વળ્યું હતું તે બાદ સનાતન ભાઈઓએ પોતાના કાર્યક્રમની શરૂઆત કરી હતી આજની સભાના પ્રમુખ પદ તરીકે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના શ્રીમાન રતનશીભાઈ ખીમજી બીરાજ્યા હતા જેની દરખાસ્ત નખત્રાણાના પટેલ નથુભાઈ નાનજી એ મુકી હતી તેને ટેકો દેવા ગામ રસલીયાના શીવગણભાઈ કાનજીએ દરખાસ્તને અનુમોદન આપ્યું હતું અને તે બાદ એ સભાનું કાર્ય ચાલુ થયું હતું. શરૂઆતમાં પ્રમુખ સાહેબે પોતાનું વિવેચન ચાલુ કર્યું હતું. મને આજના આવા જબર જવાબદારી ભરેલા કાર્યમાં મને જે પ્રમુખ પદ આપ્યું છે તે મારા માટે વધુ પડતું છે છતાં હું આપના આદેશને માન આપું છું ને હું જે કાર્ય કરું છું તે તમારો દાસ થઈને જ કરું છું તમો જ્ઞાતિ મારા માતા પિતા છો તમો નીચે બેસો ને હું ખુરશી પર બેસું તે યોગ્ય નથી. પણ સભાના એક સુકાની તરીકે જ્યારે નિમણુક થઈ ત્યારે આજે આપણા પ્રેમને આધીન થઈ આ જ્ઞાતિની સેવા જે મારા જે મને ઈશ્વર સુજાડશે તે મારી બુદ્ધિ અનુસાર આજનું જે કાર્ય બનશે તે સેવા બજાવીશ. આપણી જ્ઞાતિમાં આ જુનો પીરાણા ધર્મ કેમ સ્વીકાર્યો તેનો ઇતિહાસ આ અમારી પાસે મોજુદ છે ને આપણે કોણ છીએ અને આપણી મુળ જાત શું તે વિશે આપને ટુંકમાં જણાવું છું આપે કર્મ ઋષિના વંશજ છીએ ને ક્ષત્રિય આપનો વંશ છે તેનો પુરાવો આપણે જોવો હોય તો કર્મી ક્ષત્રિય ઉત્પતિ પુસ્તકમાં તમો જોઈ શકો છો હવે પીરાણા પંથને ભુલી જઈને જાગ્યા ને આજે જ આપણો જન્મ છે એમ સમજવું જોઇએ. જેમ રસલીયામાં આજે મંદિરની પ્રતિષ્ઠા છે તેમ આપણી જ્ઞાતિનાં ગામોમાં ભગવાનના મંદિરની પ્રતિષ્ઠાઓ અમો આજ આપણા બીજાં કેટલાક ગામોમાં પ્રતિષ્ઠામાં ભાગ લીધો છે તે વાતે મંદિરની પ્રતિષ્ઠાનું શુભ કાર્ય કરવાની શરૂઆત થઈ હતી ને નખત્રાણાના પટેલ નથુ નાનજીએ ઉભા થઈ આજના કાર્યક્રમની હકીકત રજૂ કરી હતી જે આ મંદિર તૈયાર થયું છે ને તેના ઉપર શીખર ચડાવવું છે તો જે ભાઈ આ શીખર ચડાવવા પોતાનું નામ આપે તે અમુક કોરીનું નામ લઈ ચડાવાથી તે શીખર ચડાવવાનું જે છેલે ચડાવે નામ આવશે તેને શીખર ચડાવવાનો લાભ તેમને મળશે તે બાદ તે શીખરના ચડાવાની શરૂઆત થઈ હતી.
૭૦૧/— કોરી શીખરના ચડાવામાં છેલ્લું નામ પટેલ કરશનભાઈ અરજણ ગામ રસલીયાવાળાએ ઈંડું ચડાવ્યું હતું.
૬૫૧/— કોરી દાનાભાઈ હરજી ગામ રસલીયાવાળા એ મંદિર ઉપર ધ્વજા ચડાવવાની આપી હતી.
૩૫૧/— કોરી શ્રી ગણપતિની મૂર્તિ મંદિરના દ્વારે સ્થાપનાના ચડાવામાં છેલ્લું નામ વીશરામભાઈ રામજી ગામ ખીરસરાવાળાએ આપી.
૪૦૧/— કોરી શ્રી હનુમાનજીની સ્થાપનાના ચડાવામાં છેલ્લું નામ વીશરામભાઈ રામજી ગામ ખીરસરાવાળાએ આપી છે.
૯૦૧/— કોરી શ્રી ભગવાનની પ્રતિમાની છબીને મંદિરમાં બીરાજમાનના ચડાવામાં છેલ્લું નામ ભાઈ શ્રી રતનશી ખીમજી ગામ વીરાણીવાળાએ આપી.
૪૨૫/— કોરી શ્રી ભગવાનને હારના ચડાવામાં છેલ્લું નામ હરજી લધા ગામ રસલીયાવાળાએ આપી હતી.
૫૫૧/— કોરી શ્રી લક્ષ્મીજીને હારના ચડાવામાં છેલ્લું નામ ભાઈ રતનશી ખીમજી એ પોતાની બેન કેશરબાઈના નામથી આપી હતી.
૬૨૫/— કોરી આરતી પહેલીના છેલ્લા ચડાવામાં ભાઈ દેવજીભાઈ કાનજીએ આપી હતી ગામ રસલીયાવાળા.
૬૨૫/— કોરી આરતી બીજીના છેલ્લા ચડાવામાં પટેલ મુળજી ગોપાળ ગામ રસલીયાવાળાએ આપી હતી.
૨૦૧/— કોરી આરતી ત્રીજીના છેલ્લા ચડાવામાં રામજીભાઈ માધવજી ગામ રસલીયાવાળાએ આપી હતી.
૫૦૧/— કોરી ચામર ચડાવામાં છેલ્લા ચડાવામાં વાલજીભાઈ જેઠા ગામ રસલીયાવાળાએ આપી હતી.
૪૨૫/— કોરી પ્રભુને પ્રસાદના છેલ્લા ચડાવામાં માવજીભાઈ નાનજી ગામ ઉખેડાવાળાએ આપી હતી.
૩૧૯૨/— કોરી પરચૂરણ સનાતન પ્રેમી ભાઈઓ તથા બહેનોએ પ્રભુને ભેટમાં આપી હતી
તે બાદ એ કોરીઓ ગામ રસલીયાના શીવગણભાઈ કાનજી મુખ્ય આગેવાનને એ થેલી અર્પણ કરી હતી. તે બાદ ભગવત પ્રસાદ લઇ સૌ ભાઇ બહેનો વિખેરાયા હતાં. ભગવાનના મંદિર આગળ એક મોટી સંખ્યામાં ઐકય થયા હતાં.ને તે સભામાં ભગવાનના ભજનની ધૂન રઘુપતિ રાઘવની ધૂન બહુ પ્રેમથી ભાઇઓ અને બહેનોએ મળીને ગાઇ હતી. ને તે બાદ એ સભામાં શ્રીમાન રતનશીભાઇ તથા સાધુ દયાળદાસ તથા મથલના પટેલ પરબત લખુ તથા ભાઇ શ્રી નથુ નાનજી ગામ નખત્રાણા વગેરેએ સનાતન ધર્મ સંબંધી ને સનાતન ધર્મ પાળનાર ભાઇઓને ટૂંકમાં વિવેચન સમજાવ્યું હતું. તે બાદ સૌ વિખેરાયા હતા અનેએ સર્વે પોત પોતાના સ્થળે રવાના થયા હતા.વગેરે વગેરે.તે બાદ એક વસ્તુ ખાસ આ સ્થળે નોંધવા જેવી એ છે તે એ જ તારીખમાં ગામ રસલીયાના એક ભાઈ દૈનિક પ્રભાત નામના છાપાના ગ્રાહક હોવાથી તે પત્ર પ્રભાતમાં પાના ત્રીજામાં તારીખ ૯—૯—૪૫ ના પેપરમાં ઉત્તર ગુજરાતમાં પીરાણા સતપંથ મુસલમાની ધર્મ છે અને તે જુઠ હિંદુનું નામ આપી આ હિંદુઓને ભ્રષ્ટ કરે છે એવો એક લેખ એ દૈનિક પત્રમાં હતો જેના લેખક શ્રી ગંગારામ ખન્ના નામના કોઈ ભાઈ છે જે લેખ આ પેપરોમાં પ્રસિદ્ધ કરાયો છે એ આ પ્રભાત સિવાય બીજા જુદા પેપરોમાં પણ પ્રસિદ્ધ કરાયો છે જે લેખ પટેલ નથુભાઈ નાનજીએ વાંચી સંભળાવ્યો હતો ને તેની અસર બહુ સારી થઈ હતી તે બાદ તે જ્ઞાતિના હિતની ઘણી ચર્ચા ચાલી હતી તે પછી તે સભા વિસર્જન કરવામાં આવી હતી.