Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૧૫. મથલ -સનાતન ધર્મ પ્રચાર મિટિંગ - દી. 06-Sep-1945

મથલ ગામમાં સનાતન ધર્મ પ્રચાર માટે મળેલ

જાહેર સભાનો અહેવાલ — દિનાક  06-Sep-1945

 

          સાં. ૨૦૦૨ના શ્રાવણ વદ ૦))(અમાસ)ને ગુરૂવાર {VSA:06-Sep-1945} ના રોજ ગામ શ્રી મથલ સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની ૧ જાહેર સભા ગામ શ્રી મથલના ચોકમાં મળેલ હતી જેમાં નીચે જણાવેલ ગામના ભાઈઓએ હાજરી આપી હતી. ૧. શ્રીમથલ, ૨. કોટડા જડોદર—૫૦, ૩. નખત્રાણા—૨, ૪. વીરાણી—૨, ૫. દેશલપર—૮, ૬. ખોંભડી—૫, ૭. ઉખેડા—૧૫, ૮. રસલીયા—૧૫, ૯. ટોડીયા—૧૭ વગેરે ગામના ભાઈઓ એ હાજરી આપી હતી. જે સભામાં લગભગ ૬૦૦ જેટલા ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. ને તે સભામાં થયેલ કાર્યક્રમની નોંધ નીચે મુજબ  છે.

૧.       ઈશ્વરની પ્રાર્થના વાજીંત્રો સહીત.

૨.       બાળકોની પ્રાર્થના

૩.       આ સભાનો ઉદ્દેશ તથા પ્રમુખની દરખાસ્ત રજૂ કરનાર પા. નથુ નાનજી નખત્રાણા.

૪.       તેને ટેકો આપવા શ્રીમાન પા. પરબત લખુ તથા પા. ખીમજીભાઈ નાગજી.

૫.       પ્રમુખ તરીકે પટેલ ધનજી માંનણ ને તેમના બે બોલ (શાંતિથી સાંભળશો તથા મેન પ્રમુખ તરીકે જે આપે ભાઈઓએ માન આપ્યું છે તે માટે આપણો હું ઋણી છું વગેરે વગેરે.

૬.       સાધુ દયાળદાસજી શ્રી ગુરૂ ઓધવરામજી.

          સનાતન ભાઈઓ સર્વે આપણા કચ્છના પાટીદાર ભાઈઓમાં સનાતન ધર્મનું પતન થવાથી ભિન્ન ભિન્ન પાંખડી ધર્મ માની રહ્યા છો. માટે ચેતો જે આપણે કોણ છીએ, આપણું કર્તવ્ય શું, આપણે એક જ નિર્ણય ઉપર આવીને સાચે માર્ગે ચડીએ. કોઈનું માનવું હશે જે સાધુ દયાળદાસ બીજનેશ તરીકે કે પેટ ભરવા માટે આમ કરે છે તો આપણી પાટીદાર જ્ઞાતિ સિવાય બીજી કડીયા વગેરે કોમોમાં અમોને ઘણું માન છે. છતાં સાધુ તરીકેની અમારી ફરજ અદા કરવા વિશે આ કોમ પ્રથમ વ્યસન વગરની તે વિશે — ધર્મ વિષય બહુ જ ગહન છે. હું ઘણી વખત આવ્યો છું. ને ધર્મ વિશે વિવેચન કર્યા છે ને બીજી વખત ટાઇમ આવે ત્યારે બે બોલ બોલીશ.

          ધર્મના વિષય ઉપર આપણા ભાઈ મુળશંકર ભીમજીભાઈએ સમજાવ્યું. આપે શાન્તીથી સાભળ્યું તે માટે વિશેષમાં ભાઈ રતનશીએ સમજાવ્યું જે હું મારા સ્વાર્થ માટે નહિ પણ આપની જ્ઞાતિને પાખંડી કલંકીત ધર્મમાંથી છોડાવવા મારો ઉદ્દેશ છે તેમજ હું સાધુનો ધર્મ સમજીને ઉપદેશ કરું છું.

૭.       કચરાભાઈ શીવદાસ ગામ મથલનાનું વિવેચન.

          મારા વહાલા જ્ઞાતિ બંધુઓ આપ વધુ સંખ્યામાં પધારી અમારી સભાને જે માન આપ્યું છે તે બદલ આપ સર્વ ભાઈઓનો આભાર માનું છું. આપ આવી રીતે જ્ઞાતિની ઉન્નતિ થાય એવું કાર્ય હંમેશ કરતા રહેશો. વિશેષમાં ભાઈ રતનશી તથા બીજા અન્ય ભાઈઓ પ્રચાર કરી જાગૃતિ કરી રહ્યા છો તે કાર્યને હું ફળીભૂત ઇચ્છા આપણા જ્ઞાતિના આગેવાનોને આપણા ઉપર એટલે સનાતન ધર્મને પાળનારા ઉપર જુલમ કરતાં તે હવે ટકવાનો નથી માટે જાગ્યા ત્યારથી સવાર માની સનાતન ધર્મને જલદી માનતા થઈ જાઓ હવે ઉંઘવાનો સમય નથી. તેમ કોઈ ભય રાખવાની જરૂર નથી વગેરે વગેરે તાળીઓ.

          તે વાત પટેલ નથુભાઈ નાનજી એ ગામ શ્રી મથલના શ્રીમાનભાઈ મુળશંકર ભીમજીને હિંદુ સનાતન ધર્મ વિશે બોલવા વિનંતી કરી હતી.

૮.       મુળશંકરભાઈ ભીમજી.

          આર્ય સજ્જનો આપે મને જે બોલવાની તક આપી છે તેમાં મારું એક નિવેદન છે જે તમારી જ્ઞાતિની ચર્ચા હું ચર્ચું તે કરતાં તમો ચર્ચો તો સારું. તમારી જ્ઞાતિમાં પીરાણા ધર્મમાં આંધળે બૈરું કુટાતું હતું, સનાતન ધર્મ કે એવી કોઈ વસ્તુ નથી. જેની ચર્ચા કરી શકીએ કારણ જે સનાતન ધર્મ એક મોટો વિશાળ ધર્મ છે જેની ઉપમા આકાશ જેવી આપી હતી. મનુષ્ય માત્ર સનાતન ધર્મથી જ ટકી રહ્યો છે. સનાતન ધર્મ એક હિંદુ પાળે છે તેમ નથી પણ મુસલમાન પણ પાળે છે. તેને લગતા દાખલા આપ્યા હતા ને વિશેષમાં કહ્યું હતું જે ઈશ્વરને ગમે તે માર્ગેથી મેળવવા વગેરે વગેરે. તમારી જ્ઞાતિમાં ધર્મને કેટલો ખાનગી રાખ્યો છે એજ જુઠી વસ્તુ છે ખાનગી શું રહે છે એક વ્યભિચારી બીજી ચોરી અને અનીતિ એ ખાનગી રાખ્યો છે. ધર્મ તો એવો કોઈ વિષય નથી. જે તેમને ખાનગી રાખવો જોઈએ તે બાદ નીચે લખેલ એક શ્લોક સંસ્કૃતમાં કહ્યું હતું :

          ભાઈઓ ધર્મનો પ્રચાર કરી સર્વે ધર્મનું આપણે રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. તમારા પીરાણા ધર્મમાં અથર્વવેદના જુઠા દાખલાઓ છે તે અથર્વવેદ શું છે તે આપને પીરાણા ધર્મના ભાઈઓને વાંચી જવા ભલામણ કરું છું. ભાઈઓ મુસલમાન પોતાનું ધર્મ ચુકી ગયા છે ને મુસલમાન કોઈ અવતારને નથી માનતા પણ તે લોકોમાં જે  દલદલઘોડા કે વગેરે જે પાખંડો કરે છે તે પણ અજ્ઞાનતાનો મત છે વિશેષમાં આપને જણાવું છે જે અથર્વવેદમાં છેલ્લા અવતારના વિશે મને શંકા થતા નખત્રાણાના વડીલ નથુભાઈની સાથે મારો ઘણી વખત વાદ—વિવાદ થતાં તેમનો મત એમ હતો જે કળીયુગના અંતમાં નીષ્કલંક અવતાર થશે તેમ તેમનું માનવું હતું તે કળીયુગની અવસ્થા ચાર લાખ બાવીસ હજાર વર્ષની છે. માટે આ જલદી અવતાર પીર ઈમામશાહનો કેમ થયો તે સમજાવવા કોઈ તૈયાર છે. તે બાદ મથલ, આ સંસ્થા સ્થપાણી છે તે વિશે લંબાણ પુર્વક વિવેચન કર્યું હતું તે બાદ ગામ શ્રી મથલના શ્રીમાન પટેલ પરબત લખું ઉભા થયા હતા.

૯.       પટેલ પરબત લખુનું ભાષણ

          મારા વહાલા જ્ઞાતિ બંધુઓ તથા બહારના આવેલા મહેમાનો તમોએ અમારા ગામની આ જાહેર સભામાં જે હાજરી આપી છે તેનો હું આભાર માનું છું. આપના જુના વખતથી સતપંથને માનતા આવ્યા છીએ. તે તદ્દન ભુલ હતી. અસલ આપનો જુનો ધર્મ તો સનાતન જ છે પણ આપણે સતપંથને અવળે માર્ગે ચઢી ગયા હતા. કારણ જે વેદ ગાયત્રી શું છે તે કોઈ પણ સમજતા નહોતા. હિંદુ અને મુસલમાનનો ધર્મ એકજ છે એમ માનતા હતા પણ હિંદુ અને મુસલમાન જુદા જુદા ધર્મ છે. તે મથાળે એક જ હોય પણ ઈશ્વરને ઘરે જવાના અનેક માર્ગો છે. કોઈ રામનો, કોઈ ઈશ્વરનો કોઈ કૃષ્ણનો કે બીજા કોઈનું દેવ નામ જે ભજે પણ સર્વે એક જ ઈશ્વરના સ્વરૂપમાં જાય છે. મનુષ્ય માત્ર પોતાના ઇષ્ટદેવને માને છે તેમ આપણે પણ આપણા હિન્દુના દેવોને માનવા જોઈએ. પણ આપણા કેટલાક ભાઈઓ તે માનતા નથી, માટે આપણી જ્ઞાતિમાં જોઈએ છીએ તો આપણે નહિ હિંદુ કે નહિ મુસલમાન એમ અર્ધદગ્ધ ધર્મ પાળે છે. આપણા જ ભાઈઓ ગુજરાતમાં વસે છે તેમ ધંધાને અર્થે પણ જાય છે તો તેમને ધર્મના વિષયથી પૂછે તો આપણને ખોટું બોલવું પડે છે ને આપણે કોને માનીએ છીએ તે સત્ય કહી શકતા નથી. આપણે હિંદુ છીએ આપણે હિંદુ તરીકે રીતરિવાજો રાખવા જોઈએ. ને વિશેષમાં પરણાવવામાં ચોરીઓ બંધાવી જોઈએ ને મુસલમાનો પોતાના ધર્મ મુજબ નીકાહ પઢે છે તેમ આપણે હિંદુ ધર્મના રીતરિવાજ માત્ર ચુકી ગયા છીએ માટે ભાઈઓ હવે જાગો નિંદ્રાનો ત્યાગ કરો ને આળશ ત્યજો આપણા શાસ્ત્રોમાં એમ લખ્યું છે જે ગાય બ્રાહ્મણને માનવું નહિ તો તે રીતે આપે હિન્દુ તરીકેની ભુલવણીને માર્ગે ચડી ગયા છીએ આપણી જ્ઞાતિમાં આપણી જ જ્ઞાતિના શ્રીમાન રતનશીભાઈ તથા બીજા તેમના સાથે મળી જે આપણી આ જ્ઞાતિને જાગૃત કરી છે. તે આ જ્ઞાતિની સેવા કરે છે તેને કોઈપણ રીતે ભુલાય તેમ નથી. પરંતુ આપણા પીરાણા ધર્મ માનનારા ભાઈઓ આપણા આ સુધારક ભાઈઓને ઠોલીયા તરીકે ગણી કાઢે છે. પણ તે અજ્ઞાન રૂપી હોવાથી તે સત્ય શું છે તે સમજી શકતા નથી. ભાઈઓ આપણા ગુજરાતના ભાઈઓએ જેમ ખરું સનાતન ધર્મ પકડ્યું તેમ આપણે સનાતન ધર્મનો પ્રચાર કરીને તે પ્રમાણે વરતવું. ઠોલીયા શબ્દ કોને કહેવાય જે ધર્મ વિરૂદ્ધ વર્તન કરે અને મા—બાપની સેવા ના કરે તથા ખોટા વ્યસનો વાળાને ઠોલીયા ગણાય. માટે ભાઈઓ હવે આપણે જ્ઞાતિમાં જેમ બને તેમ જલદી સુધારો કરી મંદિરો બંધાય અને જલ્દી હિંદુ સનાતન ધર્મ  પાળતા થઈએ એવી મારી ભલામણ છે.

          ભાઈ શ્રી રતનશીભાઈ ખીમજીનું ભાષણ :

          શ્રીમાન પ્રમુખ સાહેબ તથા પુજય જ્ઞાતિ બંધુઓ તથા માતા તથા બહેનો આજની સભા ઇશ્વરકૃપાથી બહુ સારી ગણાય આપની જ્ઞાતિ જયાં સુધી આ ધર્મથી પાછી નહીં વળે ત્યાં સુધી હું વારંવાર દેહના લોહીના છેલ્લા ટીપાં સુધી આ જ્ઞાતિને અર્પણ કરું છું. જયાં સુધી મારા ભાઇઓ આ ભૂલવણી માંથી બહારા કાઢવા હું અભિમાન નથી કરતો. આ સર્વે ભાઇઓ મળી આ પીરાણા પંથમાંથી આપણે બહાર આવવું જોઇએ. આ મારૂં શરીર તમોને અર્પણ કર્યું છે તેમ મારી સર્વે મિલકત આ જ સુધારક જ્ઞાતિભાઇઓની છે, આ જ્ઞાતિને માટે અમારા આત્માની જરૂર હશે તો અમારો આત્મા આપવા પાછા નહીં પડીએ. લાખો મરી ગયા પણ ધર્મને માટે મરી ફિટવું એ જ ઇષ્ટ છે મારી ભિષ્મ પ્રતિજ્ઞા છે કે મારું માથું આ જ્ઞાતિના ચરણોમાં છે. મારું બલિદાન થાય પણ મારું કાર્ય ફળીભૂત થાય એમ ઇચ્છું છું અને આ જ્ઞાતિ પાસે ભિખ માંગી કહું છું કે આપ જ્ઞાતિ ભાઇઓ સુમાર્ગે આવો. વિશેષમાં બહુ જ ઘણુ જ લાંબુ અને ઘણા ઐતિહાસિક દાખલા બહુ આપ્યા હતાં. તે માય તેમને રસ એ જ હતો કે જ્ઞાતિ સુમાર્ગે આવે (વિશેષમાં તાળીયો)

          કરશનભાઇ ભીમજીભાઇ ગામ કોટડાવાળાનું ભાષણ :

          વ્હાલા જ્ઞાતિ બંધુઓ તથા માતાઓ તથા બહેનો

          આપણી જ્ઞાતિની અજ્ઞાનતાથી આપણે ધર્મ બાબતમાં અધોગતિમાં છીએ ને આપણી જ્ઞાતિમાં વિદ્યાના અભાવથી આ પાખંડી પીરાણા પંથમાં ઢસડાઇ ગયા છીએ માટે મારા વ્હાલા યુવક ભાઇઓને સમજવું જોઈએ કે ગામો ગામ યુવકો મંડળની સ્થાપના કરવી જોઇએ ને તેમાં દરરોજ ધર્મ તથા જ્ઞાતિની ઉન્નતિના માર્ગોના કાર્યો હાથ લેવા જોઇએ વિગેરે વિગેરે (તાળીયો)

          પચાણ ભાઈ શામજી ગામ કોટડા વાળાનું ભાષણ :

          પ્રિય જ્ઞાતિ જ્ઞાતિબંધુ તથા પૂજ્ય માતા તથા બહેનો મને આપણી જ્ઞાતિના સેક્રેટરી ભાઈએ મને બોલવાને માટે દરખાસ્ત મુકી છે. જેથી બે બોલ બોલું છું. તેમાં ભુલ હોય તો ક્ષમા કરશો. આપણી જ્ઞાતિ ભુલેલ માર્ગે ચઢી ગઈ હતી તે ટુંક સમયમાં પાછી સત્યનો માર્ગ શોધી રહી છે. જેથી હું ઘણો આનંદ થયો છું અને આશા રાખું છું કે જ્ઞાતિને જલ્દીથી પ્રભુ સુમાર્ગે લાવે એમ ઇચ્છું છું વગેરે વગેરે (તાળીઓ).

          તેજા લધા ગામ મથલ વાળાનું ભાષણ :

          પ્રિય જ્ઞાતિ બંધુ તથા માતાઓ તથા બહેનો ઈશ્વર નિરાકાર છે તેમને સાકારમાં લાવવા માટે જ મૂર્તિ પૂજન છે મૂર્તિ પૂજનનું મુળ કારણ એ જ છે જેથી આપનું ધ્યાન લાગેને પછી આપને જલદી સુધરવું જોઈએ તે ઉપર ભાષણ આપ્યું હતું. (તાળીઓ).

          નથુભાઈ નાનજી ગામ નખત્રાણા વાળાનું ભાષણ :

          વહાલા જ્ઞાતિબંધુઓ તથા માતાઓ તથા બહેનો આજની સભામાં વિશેષ ભાઈઓએ બહુ મહેનતથી બહુ દૂર ગામથી પધારી આજની સભાને જે માન આપ્યું છે તે ભાઈઓનો હું આભાર માનું છું. હું વિદ્વાન નથી જે આપને ધર્મ સંબંધી કાંઈ સમજાવી શકું પણ મારા વહાલા વિદ્વાન ભાઈઓએ આપને ઘણું સારું અને આપને બંધબેસતું સમજાવ્યું છે. જેમાંથી જરૂર આપણા હિતનું હોય તે સંગ્રહી લેશો. આપણે પરદેશ જવાથી  આપણી જ્ઞાતિમાં પડેલ ભૂલ જોઈ શક્યા છીએ, મને આપણી જ્ઞાતિમાં પડેલ ભુલનું ભાન જ્યારથી થયું છે ત્યાંરથી મારાથી બનતા યત્નો શોધી રહ્યો છું. આજની સભામાં જે કાર્યની તથા જ્ઞાતિના ભાઈઓને જે ઉત્કંઠાઓ આ જ્ઞાતિને સુમાર્ગે લાવવા દરેક ભાઈઓ  પોતાનાથી બનતું જે કરી રહ્યા છે તે જોઈ ઘણો ખુશી થયો છું ને ઈશ્વર પાસે એક જ વસ્તુ માગું છું જે મારી આ જ્ઞાતિને સુમાર્ગે જલદી લાવે વિશેષમાં આપણી જ્ઞાતિનો ઉદય એક જ વસ્તુથી થવાનો છે, જે માત્ર ગામોગામ સ્કૂલો ખુલવી જોઈએ ને તેમાં સારા શિક્ષકોને રોકીને બાળકોને કેળવવાને સાથે ધાર્મિક શિક્ષણ આપવું ને આપણા જ્ઞાતિની એક જનરલ બોર્ડીંગ ખુલવી. ને વિશેશમાં પૂજ્ય મહારાજશ્રી ઓધવરામ મહારાજનો શુભ સંદેશો વાંચી સંભળાવ્યો હતો વગેરે વગેરે. (તાળીઓ)

          ખીમજીભાઇ નાગજી મથલ વાળાનું ભાષણ :

          પ્રમુખ સાહેબ પૂજ્ય વડીલો પૂજ્ય જ્ઞાતિ બંધુ તથા માતાઓ બહેનો તથા પધારેલા ગૃહસ્થો ધર્મને માટે અનેક વીરે પોતાના પ્રાણના બલીદાન દીધાં છે. તેના ઉપર વીર હકીકત રાયનું વ્યાખ્યાન સંભળાવી કહ્યું. આપણે તો માત્ર સંકટ જ સહન કરવું છે ને ખરું જોતા આપનું સર્વ ધર્મનો નાશ થયો છે. શાસ્ત્રો કહે છે સ્વધર્મ નિજનો શ્રેષ્ઠ પરધર્મો ભયાવહ ભાઈઓ સ્વધર્મને માટે મૃત્યુ થાય તો પણ સારું છે ને પારકો ધર્મ ભય ઉપજાવે તેવો છે. એટલે અદ્યોગતિ કરનાર જુઓ વીરો આપણી કેટલી અધોગતિ થઈ છે કે નહિ. તુલસીપત્ર ગંગાજળ જેવી જગવંદનીય ચીજો મુકીને આપે ગોળી ઢીંચી રહ્યા છીએ. ભૂત પલિત જેમ મસાણમાં ખાય ખુંદે તેમ  આપણે ખાઈ ખુંદીયે છીએ. માટે ભાઈ હવે  જાગૃત થાવ ને જાગૃત થઈને યાહોમ કરી આગે પડો.

યાહોમ કરી આગે પડો, એ કર્મ વાદી ગાય છે,

આગે પડે તે આખરે, એ યસ ભાગી થાય છે,

કર્તવ્ય પંથે વીગન આવે, તેને ભેદી જાય છે,

સત્ય કર્મની પછવાડે, શ્રી હરિની સહાય છે,  (તાળીઓ)

          કરમશીભાઈ વીશરામનું ભાષણ :

          પૂજ્ય જ્ઞાતિ બંધુ ત્યાં પધારેલા સદગૃહસ્થો આપને હું વંદન કરું છું. ને બે બોલ બોલું છું અમારા ગામની સંસ્થા ખોલી ને તેમાં પહેલી ગોળીનો ત્યાગ કર્યો ને પછી પીરાણે હુંડી ના મોકલવી. તે પછી સંસ્થા ત્યાં જ ઉભી રહી ગઈ તેનું મુખ્ય કારણ કે અમુક વ્યકિતના કારણથી સંસ્થા ત્યાં જ ઉભી રહી ગઈ માટે પહેલું પોતાનું મન પગભર પછી જ્ઞાતિની જાગૃતિ કરવી એટલું બોલી બેસી જવા રજા માંગુ છું. (તાળીઓ).

<<

>>

Leave a Reply

Share this:

Like this: